લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/નરીમાન પ્રકરણ — ૨

વિકિસ્રોતમાંથી
← નરીમાન પ્રકરણ — ૧ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
નરીમાન પ્રકરણ — ૨
નરહરિ પરીખ
હરિપુરા કૉંગ્રેસ — ૧ →


૨૦
નરીમાન પ્રકરણ – ૨
તપાસ અને ફેંસલો

આ કેસમાં શ્રી બહાદુરજી તથા ગાંધીજીના પંચને બે મુદ્દા ઉપર ફેંસલો આપવાનો હતો :

( ૧ ) ૧૯૩૪ના નવેમ્બરમાં દિલ્હીની વડી ધારાસભા માટેની મુંબઈની ચૂંટણીમાં શ્રી નરીમાને પોતાના વર્તનથી કૉંગ્રેસને દગો દીધો હતો કે કેમ ?
( ૨ ) ૧૯૩૭માં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારે ગેરવાજબી દબાણ વાપરી શ્રી નરીમાનને નેતા તરીકે ચૂંટાવા ન દીધા એ આક્ષેપમાં વજૂદ છે કે કેમ ?

પહેલા મુદ્દામાં ફરિયાદી સરદાર હોઈ તે સાબિત કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે તેમની ઉપર આવતી હતી. જ્યારે બીજામાં પોતાની ફરિયાદ સાબિત કરવાની જવાબદારી શ્રી નરીમાનની રહેતી હતી.

પ્રથમ ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીવાળો મુદ્દો લઈશું. સરદારનો કેસ પંચ સમક્ષ રજૂ કરેલી તેમની કેફિયતમાં સ્પષ્ટ રીતે મુકાયેલો છે. અહીં એ કેફિયતનો જ સાર આપીશું.

૧૯૩૪ના જુલાઈની ૧૪મી તારીખે સરદાર નાશિક જેલમાંથી છૂટ્યા. કૉંગ્રેસ ઉપરથી સરકારનો પ્રતિબંધ તાજેતરમાં જ ઉઠાવી લેવામાં આવ્યો હતા. પટનામાં મહાસમિતિએ ધારાસભાઓમાં જવાનો કાર્યક્રમ અપનાવ્યો હતો અને નવેમ્બર મહિનામાં વડી ધારાસભાની ચૂંટણીઓ થવાની હતી. સરકાર માનતી હતી કે કૉંગ્રેસને પોતે કચડી નાખી છે અને લોકો હવે એને ટેકો નહીં આપે. કૉંગ્રેસે આ ચૂંટણીઓ દ્વારા પુરવાર કરવાનું હતું કે સરકારના સખત દમન છતાં દેશ કૉંગ્રેસને જ પડખે છે. જોકે લોકોમાં કંઈક નિરુત્સાહ વ્યાપેલો હતો, છતાં દિલમાંથી કૉંગ્રેસ તરફનો પ્રેમ ઓછો થયો નહોતો. લોકોને ઉત્સાહિત કરવા માટે ચૂંટણી થાય તે પહેલાં એટલે ૧૯૩૪ના ઑક્ટોબરમાં કૉંગ્રેસનું અધિવેશન મુંબઈમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ ડૉ. અનસારીને તે વખતે પોતાની તબિયતના કારણે યુરોપ જવું પડ્યું. બોર્ડના ઉપપ્રમુખ પંડિત માલવિયાએ બ્રિટિશ વડા પ્રધાનના કોમી ચુકાદાના પ્રશ્ન અંગે કૉંગ્રેસ મહાસમિતિ સાથે મતભેદ થવાથી બોર્ડમાંથી રાજીનામું આપ્યું. બોર્ડના બીજા એક અગ્રગણ્ય સભ્ય શ્રી અણે પંડિતજીના પક્ષમાં ભળ્યા. એટલે કૉંગ્રેસના પ્રમુખ તરીકે આ ચૂંટણીઓનો બધો ભાર સરદાર ઉપર આવી પડ્યો. તેમાં તેમને શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રીમતી સરોજિની નાયડુ વગેરેની સારી મદદ હતી. પણ ચૂંટણીઓમાં નિષ્ફળતા મળે તો આખા દેશને માટે એ ઘટના આફતરૂપ થઈ પડે એમ હોવાથી, એ બધા ઉપર ભારે જવાબદારી હતી અને તેથી એમને ખૂબ તકેદારી રાખવાની હતી.

છૂટીને બહાર આવતાં જ શ્રી નરીમાને સરદારને કહ્યું કે મુંબઈ શહેરમાં વડી ધારાસભાની બે બેઠકો હોવા છતાં હું એકલો જ ઊભા રહેવાનો છું. આપણે બંને બેઠકો માટે હરીફાઈ કરીએ તો ફતેહ મળવાનો સંભવ નથી. બીજા પક્ષના ઉમેદવાર સર કાવસજી જહાંગીર છે. એટલે મુંબઈમાં કશી રસાકસી થશે નહીં.

સરદારે તરત મતદારોની યાદી તપાસી લીધી. તે ઉપરથી તેમને લાગ્યું કે જો બરાબર મહેનત કરવામાં આવે તો બંને બેઠક કબજે કરવામાં કંઈ હરકત આવે એમ નહોતું. એટલે શ્રી ભૂલાભાઈ, શ્રીમતી નાયડુ વગેરે સાથે મસલત કરી તેમણે ડૉ. દેશમુખને ઊભા થવાનું કહ્યું. તેમણે હા પાડી. મુંબઈની પાર્લમેન્ટરી બોર્ડ તા. ૧૬ મી જુલાઈએ શ્રી નરીમાન તથા ડૉ. દેશમુખનાં નામ કૉંગ્રેસ તરફના ઉમેદવાર તરીકે સ્વીકાર્યાં અને અખિલ ભારતીય પાર્લમેન્ટરી બોર્ડે તા. ૨૯મી જુલાઈએ તેમનાં નામ મંજૂર રાખ્યાં. આમ શહેરની બંને બેઠકો માટે કૉંગ્રેસના બે ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી થયું કે તરત જ શ્રી નરીમાનનો આ ચૂંટણીમાંથી રસ ઊડી ગયો એમ સરદારને અને બીજાઓને લાગવા માંડ્યું. પોતાનું નામ ખેંચી લેવામાં તેમણે બહાનાં શોધવા માંડ્યાં. ઑક્ટોબરની ૧૧મી તારીખે બપોરના ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારીપત્રે નોંધાવી દેવાનાં હતાં. તા. ૪થી ઑક્ટોબરે શ્રી નરીમાનને એમનું ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું ઊભો રહેવા માગતો નથી. કારણ આ ચૂંટણીમાં સખત હરીફાઈ થવાની અને તેને લીધે ભારે ખર્ચ પણ થાય તે ઉપાડવાની મારી શક્તિ નથી. સરદારના કહેવાથી ડૉ. દેશમુખે ચૂંટણીનું આખું ખર્ચ ઉપાડી લેવાનું માથે લીધું એટલે શ્રી નરીમાનનું એ બહાનું તો ચાલ્યું નહીં. તા. ૬ઠ્ઠી ઑક્ટોબરે બંનેનાં ઉમેદવારીપત્રો નોંધાવવા માટે ડૉ. દેશમુખે પોતાના મિત્ર શ્રી છોટાલાલ સૉલિસિટરને આપ્યાં. મતદારોની યાદીમાં ‘કે. એફ. નરીમાન, ૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ પ્રમાણે નોંધ હતી. જ્યારે ઉમેદવારીપત્રમાં નરીમાનનું સરનામું રેડીમની ટૅરેસીસ, એ પ્રમાણે લખેલું હતું, એટલે કલેક્ટરે સરનામું સુધારવા માટે ઉમેદવારીપત્ર પાછું આપ્યું. ડૉ. દેશમુખે શ્રી નરીમાનને ફોન કરીને જણાવ્યું કે મતદારોની યાદીમાં સરનામું જુદું છે, માટે કંઈ ભૂલ થતી હોય તો તેની તમે ખાતરી કરી લો. શ્રી નરીમાને જવાબ આપ્યો કે મેં તપાસ કરી લીધી છે અને મતદારોની યાદીમાં છપાયેલું સરનામું બરાબર છે માટે એ પ્રમાણે મારું ઉમેદવારીપત્ર નોંધાવી દો. તે ઉપરથી શ્રી છોટાલાલે ઉમેદવારીપત્રમાં મતદારોની યાદી પ્રમાણેનું સરનામું લખીને તે ઉપર શ્રી નરીમાનની સહી લઈ ઉમેદવારીપત્ર તા. ૮મી કે ૯મીએ નોંધાવી દીધું. પછી શ્રી નરીમાને બીજું બહાનું કાઢવા માંડ્યું, તેમણે તા. ૮મીએ સરદારને કાગળ લખ્યો કે જબલપુરના શ્રી મિશ્રની ધારાસભાના સભ્ય થવા માટેની ગેરલાયકાત દૂર કરવામાં આવતી ન હોવાથી આપણો વિરોધ દર્શાવવા બધા કૉંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. એ પ્રમાણેના વિચારો એમણે ‘બૉમ્બે ક્રૉનિકલ’માં મુલાકાત આપીને જાહેર પણ કરી દીધા. સરદારે શ્રી નરીમાનને પોતાને ત્યાં બોલાવીને ખખડાવ્યા કે તમે આવી રીતે વાતાવરણ બગાડો નહીં. શ્રી નરીમાને કહ્યું કે મધ્ય પ્રાંતમાંથી શ્રી ગોવિંદદાસ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના છે. સરદારે શ્રી નરીમાનને જણાવ્યું કે પોતે શ્રી ગોવિંદદાસને ચેતવણી આપી છે કે જો તેઓ ઉમેદવારી પાછી ખેંચી લેશે તો તેમની સામે શિસ્તનાં પગલાં લેવામાં આવશે. જો તમે પણ આટલા મોડા ઉમેદવારી પાછી લેવાનું કરશો તો તમારી સામે પણ શિસ્તનાં પગલાં લેવામાં આવશે.

મુંબઈમાં ઘણા જવાબદાર માણસો તરફથી સરદારને ચેતવવામાં આવતા હતા કે તમે શ્રી નરીમાન ઉપર વિશ્વાસ રાખશો નહીં. એ સર કાવસજીની સામા કદી થવાના જ નથી. એટલે છેલ્લી ઘડીએ કોઈ ને કોઈ તરકીબ કાઢીને તેઓ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધા વિના રહેશે નહી. તા. ૧૦મીએ સાંજે વર્ધા જવા માટે સવા પાંચની ગાડી પકડવા સરદાર બોરીબંદર સ્ટેશને પહોંચ્યા. ત્યાં શ્રી નરીમાન ગયા અને સરદારને જણાવ્યું કે મતદારોની યાદીમાં પોતાનું નામ નથી એટલે તેઓ ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવાના છે. સરદારને એકદમ આઘાત લાગ્યો અને પોતાને આપવામાં આવેલી ચેતવણીઓમાં તથ્ય હતું એમ જણાયું. તેમણે શ્રી નરીમાને પૂછ્યું કે ત્યારે તમે ઉમેદવારીપત્ર નોંધાવ્યું શી રીતે ? તેમણે જવાબ આપ્યો કે મતદારોની યાદીમાં “કે. એફ. નરીમાન” એ પ્રમાણે છે. તેમાં સરનામું જુદું હોવાથી હમણાં જ મને ખબર પડી કે એ તો મારા ભાઈનું નામ છે. બીજે દિવસે ત્રણ વાગ્યે ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનો છેલ્લો સમય હતો એટલે આટલા થોડા સમયમાં બીજો ઉમેદવાર ઊભો કરવો એ પણ કઠણ કામ હતું. છતાં છેલ્લી ઘડીનો પ્રયત્ન કરવાની ખાતર સરદારે પોતાના દીકરા ડાહ્યાભાઈને મારતી મોટરે જઈ હાઈકોર્ટમાંથી શ્રી ભૂલાભાઈને તથા શ્રી મુનશીને બોલાવી લાવવા કહ્યું. જોકે શ્રી મુનશીની ઉમેદવાર તરીકેની ગેરલાયકાત રદ કરવામાં આવેલી નહોતી છતાં તેમને સેક્રેટરિચેટમાં મોટા અમલદારો સાથે સારી ઓળખાણ હતી એ સરદાર જાણતા હતા. એટલે તાબડતોબ પૂના જઈ પોતાની ગેરલાયકાત દૂર કરાવી બીજે દિવસે ત્રણ વાગ્યા પહેલાં પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનું તેમને સરદારે કહ્યું. શ્રી મુનશી પોતાની કેટલીક અંગત મુશ્કેલીઓને કારણે ઊભા થવા ઇચ્છતા ન હતા એ પણ સરદાર જાણતા હતા. પણ કૉંગ્રેસની આબરુનો સવાલ હતો એટલે સરદારના બહુ આગ્રહથી તેઓ માની ગયા. સાથે સાથે જ શ્રી ભૂલાભાઈ, શ્રી મુનશી તથા શ્રી મથુરાદાસ ત્રિકમજીની હાજરીમાં શ્રી નરીમાનને સરદારે સૂચના આપી કે તમારે તમારું ઉમેદવારીપત્ર કોઈ પણ હિસાબે પાછું ખેંચી લેવાનું નથી. અધિકારીઓને વાંધાભરેલું લાગે તો ભલે તેઓ રદ કરે. જો તમારું ઉમેદવારીપત્ર રદ થાય તો જ શ્રી મુનશીએ ઉમેદવારી કરવાની છે. આ પ્રમાણે સૂચના આપી સરદાર તો વર્ધા ઊપડી ગયા. શ્રી ભૂલાભાઈ, શ્રી મુનશી તથા શ્રી નરીમાન ભૂલાભાઈની ઑફિસે ગયા. ત્યાં છોટાલાલ સૉલિસિટર પણ હતા. શ્રી નરીમાને વાત કરવા માંડી કે મતદારોની યાદીમાં મારું નામ નથી. એ વસ્તુની મને આજે જ ખબર પડી. શ્રી છોટાલાલ સૉલિસિટરે તરત જ એનો વિરોધ કર્યો કે તમને તા. ૬ ઠ્ઠીએ સરનામું જુદું હોવાની ફોનથી ખબર આપવામાં આવી હતી. તમે ડૉ. દેશમુખને કહ્યું કે મેં મતદારોની યાદી જોઈ લીધી છે અને તેમાં આપેલું સરનામું બરાબર છે. તે ઉપરથી મતદારોની યાદી પ્રમાણે સરનામું ભરી ઉમેદવારીપત્ર ઉપર મેં તમારી સહી લીધી અને કલેક્ટરને ત્યાં જઈ હું તે નોંધાવી આવ્યો. શ્રી નરીમાને આનો કશો જવાબ આપ્યો નહીં.

તે જ દિવસે સાંજે શ્રી મથુરાદાસ ત્રિકમજી શ્રી મુનશીની ઑફિસમાં ગયા અને જણાવ્યું કે કોઈ ઉમેદવારનું નામ વડી ધારાસભાના મતદારોની યાદીમાં ન હોય, પણ પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં હોય, તો ચૂંટણીના નિયમો પ્રમાણે તે વડી ધારાસભા માટે ઉમેદવારી કરી શકે છે, માટે પોતાના ખરા સરનામા સાથે શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર ભરવું જોઈએ.

શ્રી મુનશીએ તે જ રાતે પૂના જવા ઊપડી જઈ પોતાની ગેરલાયકાત દૂર કરાવી અને તેનો શ્રી છોટાલાલને તાર કર્યો એટલે બપોરે બાર વાગ્યે તેઓ શ્રી મુનશીનું ઉમેદવારીપત્ર ભરવા કલેક્ટરની ઑફિસમાં ગયા. ત્યાં ડૉ. દેશમુખ તથા શ્રી સાઠેની સાથે શ્રી નરીમાન પણ આવ્યા હતા. પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવા તથા અનામત મૂકેલી રકમ ઉપાડી લેવાની વાત કરતાં આ ત્રણે જણે તેમને સમજાવવા માંડ્યું કે સરદારે તમને ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લેવાની સૂચના આપી છે તે પ્રમાણે પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લો, એટલું જ નહીં પણ બીજું ઉમેદવારીપત્ર તમારું ખરું સરનામું આપીને પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં તમારું નામ છે એ નિયમની રૂએ ભરો. પણ શ્રી નરીમાને માન્યું નહીં. તેઓ તો પોતાનું ઉમેદવારીપત્ર અને ડિપોઝિટ રકમ પાછાં લેવાનો કાગળ લખીને લેતા આવ્યા હતા તે તેમણે કલેક્ટરને આપ્યા અને બીજું ઉમેદવારીપત્ર ભરવાની ના પાડી ત્યાંથી ચાલી ગયા. હવે એ કહે છે કે મેં બીજું ઉમેદવારીપત્ર આપવા માંડેલું પણ કલેક્ટરે કહ્યું કે જે માણસ એક વાર ઉમેદવારીપત્ર પાછું ખેંચી લે તેનું બીજું ઉમેદવારીપત્ર લઈ શકાય નહી. ડૉ. દેશમુખ, શ્રી સાઠે તથા શ્રી છોટાલાલ ત્રણે કહે છે કે અમે આગ્રહ કર્યો છતાં શ્રી નરીમાન બીજું ઉમેદવારીપત્ર આપ્યા વિના ચાલ્યા ગયેલા. સરદાર તા. ૧૪મી ઑક્ટોબરે વર્ધાથી પાછી મુંબઈ આવ્યા ત્યારે શ્રી નરીમાને તેમને આ જ વાત કહી. સરદારે કહ્યું કે કલેક્ટરે તમારું બીજું ઉમેદવારીપત્ર લેવાની ના પાડી હોય તો તો આખી ચૂંટણી રદ થાય, માટે તમે સરકારમાં તાર કરીને કલેક્ટરના આ કૃત્ય સામે તમારા વિરોધ નોંધાવો. તે વખતે શ્રી ભૂલાભાઈ સરદારને ત્યાં બેઠા હતા. તેમણે તારનો મુસદ્દો ઘડી આપ્યો. તે લઈને શ્રી નરીમાન ગયા. રાત્રે નવ વાગ્યે સરદારે એમને ફોન કરીને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે નિયમોની ચોપડી મારી પાસે નહીં હોવાથી હું નિયમો જોઈ શક્યો નથી અને તેથી તાર કર્યો નથી. રાત્રે દશ વાગ્યે શ્રી મુનશીને ત્યાંથી સરદારે નિયમોની ચોપડી મંગાવી અને શ્રી મંગળદાસ મહેતા સૉલિસિટર તથા ડૉ. ઝીણાભાઈ દેસાઈની સાથે શ્રી નરીમાનને ઘેર ગયા. તેઓ તાર કરવા રાજી ન જણાયા પણ સરદારે આગ્રહ કરીને તેમની પાસે તાર લખાવ્યો. આ વખતે રાતના અગિયાર વાગ્યા હતા. શ્રી નરીમાને ઠંડે પેટે સરદારને કહ્યું કે હવે તાર તમે જ મોકલી દેજો. તે પ્રમાણે જનરલ ટેલિગ્રાફ ઑફિસે જઈ સરદાર વગેરેએ તાર રવાના કર્યો. તા. ૧૫મી ઑક્ટોબરે બપોરે બધાં ઉમેદવારીપત્રોની છેલ્લી તપાસ થવાની હતી. ત્યાં શ્રી મુનશીએ શ્રી નરીમાનના ઉમેદવારીપત્રનો ઈનકાર કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે કલેક્ટરે જવાબ આપ્યો કે, શ્રી નરીમાનના ઉમેદવારીપત્રનો ઈનકાર કરવામાં આવ્યો જ નથી. તેમણે પોતે જ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે. તમે કહો છો તે પ્રમાણે તેમણે બીજું ઉમેદવારીપત્ર રજૂ કર્યું નથી, રજૂ કર્યું હોત તો તે લેવાની અમે ના પાડી શકીએ નહીં અને અમે ના પાડી હોત જ નહીં.

વર્ધાથી આવ્યા પછી શ્રી મુનશીને કલેક્ટરે આપેલા જવાબની હકીકત અને શ્રી નરીમાનના વર્તન ઉપર ‘બૉમ્બે ક્રૉનિકલ’ વગેરે છાપાંઓની ટીકા જોઈ સરદારે શ્રી નરીમાનને બોલાવીને કહ્યું કે તમે કૉંગ્રેસની બદનામી થાય એવું અને તમારા જેવા આગેવાન કૉંગ્રેસીને જૂઠા કહેવાની કલેક્ટરને તક મળે એવું શું કામ કર્યું ? ત્યારે શ્રી નરીમાને પોતે સાચા હોવાનું અને કલેક્ટર ખોટા હોવાનું સરદારને ફરી કહ્યું. સરદારે કહ્યું કે તમે શ્રી છોટાલાલ સૉલિસિટર, ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠે એ ત્રણ જણની ઍફિડેવિટો (પ્રતિજ્ઞા ઉપર કરેલા નિવેદનો) લાવો. શ્રી નરીમાને લાવવાનું કબૂલ કર્યું પણ લાવ્યા નહીં. સરદારે પોતાની ખાતરી કરવા એ ત્રણે જણને પૂછી જોયું. તેના જવાબમાં તેમણે કહ્યું કે શ્રી નરીમાનની વાત તદ્દન ખોટી છે અને કલેક્ટરની સાચી છે.

ગાંધીજીએ કરેલી પુરાવાની માગણીના જવાબમાં શ્રી છોટાલાલ સૉલિસિટરે તા. ૨૭–૮–’૩૭ના રોજ ગાંધીજીને જે નિવેદન લખી મોકલ્યું તેમાં એ વિષે નીચે પ્રમાણે હકીકત છે :

“૧૯૩૪ના ઑક્ટોબરની ૧૬મી તારીખે અગાઉ કરેલી ગોઠવણ મુજબ શ્રી મુનશીનું ઉમેદવારીપત્ર નોંધાવવા હું કલેક્ટરની ઑફિસે ગયો. હું ત્યાં હતો તે વખતે શ્રી નરીમાન, ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠે ત્યાં આવ્યા. શ્રી નરીમાને પોતાનું ઉમેદવારીપત્ર તથા અનામત રકમ પાછી ખેંચી લેવાની ટાઇપ કરેલી અરજી પોતાની સાથે લઈ આવ્યા હતા. અમે એમને તેમ કરવાની ના કહી. ડૉ. સાઠેએ તો એમ પણ કહ્યું કે વડી ધારાસભાના મતદારોની યાદીમાં તમારું નામ ન હોય પણ પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં હોય તો તમે વડી ધારાસભાની ઉમેદવારી કરી શકો છો. આવું બન્યાનો શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો કેસ જાણીતો છે. અમે બધા આ નિયમની ચર્ચા કરવા કલેક્ટર પાસે ગયા. કલેક્ટરે કહ્યું કે મારી ફરજ તો ઉમેદવારીપત્રો લઈને નોંધવાની છે. નિયમના અર્થ વિષે હું કશી સલાહ આપી શકું નહીં. અમે શ્રી નરીમાનને ફરી આગ્રહ કર્યો કે તમારું પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લો એટલું જ નહીં પણ પેલા બીજા નિયમ પ્રમાણે નવું ઉમેદવારીપત્ર આપો. શ્રી નરીમાને અમારી વાત માની નહી. તેમણે કહ્યું કે મારું પહેલું ઉમેદવારીપત્ર દફતરે રહે તો મેં ફોજદારી ગુનો કર્યો ગણાય. અમારા અતિશય આગ્રહ છતાં શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર રજૂ કર્યું નહીં.”

ડૉ. દેશમુખ ગાંધીજીને આપેલા પોતાના નિવેદનમાં આ વિષે જણાવે છે કે,

“ઉમેદવારીપત્રો નોંધવાનો છેલ્લો દિવસે તા. ૧૧-૧૦-’૩૪ના રોજ શ્રી નરીમાન મારી પાસે આવીને કહેવા લાગ્યા કે મતદારોની યાદીમાં જે નામ છે તે તો મારા ભાઈનું છે. અને મારું નામ મતદારોની યાદીમાં નથી. તેઓ પોતાની સાથે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવાની અરજી લઈને આવ્યા હતા. હું અને ડૉ. સાઠે શ્રી નરીમાનની સાથે કલેક્ટરની ઑફિસે ગયા. ત્યાં અમને શ્રી છોટાલાલ સૉલિસિટર મળ્યા.”

ત્યાર પછી તેમણે અને ડૉ. સાઠેએ શ્રી છોટાલાલ સૉલિસિટરના નિવેદન મુજબ હકીકત જણાવી.

પછી તરત કૉંગ્રેસ ભરાવાની હતી એટલે તે પૂરી થાય ત્યાં સુધી આગળ કાંઈ બન્યું નહીં. કૉંગ્રેસ પૂરી થયા પછી સરદાર ઉત્તર હિંદના પ્રવાસે ગયા હતા ત્યાંથી તા. ૧૦મી નવેમ્બરે પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે શ્રી નરીમાન અથવા તો મુંબઈની પ્રાંતિક કૉંગ્રેસ કમિટી, ડૉ. દેશમુખ અને શ્રી મુનશીને ચૂંટણીમાં મદદ કરવા માટે કશું જ કરતી ન હતી. તા. ૧૧મી નવેમ્બરના ‘કૈસરે હિંદ’માં શ્રી નરીમાને લખેલા કાગળ ઉપરથી તેઓનું વલણ જણાઈ આવતું હતું :

“આજના ‘જામેજમશેદ’ના અગ્રલેખમાં મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે, હું પારસી ઉમેદવાર સર કાવસજીને હાર મળે એવા પ્રયત્ન કરી રહ્યો છું. મેં પારસી મતદારોને એવું કહ્યું જ નથી કે તેમણે સર કાવસજીને મત ન આપવા. મેં તો એમ કહ્યું છે કે તેમણે એકલા પારસી ઉમેદવારને જ બધા મત આપવાને બદલે થોડા મત બિનપારસી ઉમેદવારને પણ આપવા, જેથી લોકોમાં પારસીઓ કોમવાદી છે એવો અભિપ્રાય ન બંધાય. મારા આ કહેવાનો વિકૃત અર્થ કરીને એવું કહેવામાં આવે છે કે મેં પારસી મતદારોને એવી અપીલ કરી છે કે તેઓ સર કાવસજીને બિલકુલ મત ન આપે. આ વસ્તુ બરાબર નથી.”

મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ તરીકે અને મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બૉર્ડના ચૅરમેન તરીકે શ્રી નરીમાનની તો ચોખ્ખી ફરજ હતી કે પારસી મતદારોને એવી અપીલ કરવી જોઈએ કે તેમણે કૉંગ્રેસી ઉમેદવારોને જ મત આપવા. આ જાતની અપીલ બહાર પાડવા માટે સરદારે શ્રી મથુરાદાસ ત્રિકમજી મારફત શ્રી નરીમાનને કહેવડાવ્યું પણ ખરું. પણ તેમણે એવી અપીલ બહાર પાડવાની ના પાડી.

તા. ૧૪મી નવેમ્બરે ચૂંટણીને દિવસે સરદાર આખો દિવસ ચૂંટણીનાં બધાં મથકો ઉપર ફરતા હતા. સાંજે ચાર વાગ્યે દાદર મથક ઉપર ગયા ત્યાં તેમને કહેવામાં આવ્યું કે બે વાગ્યે શ્રી નરીમાન અહીં આવીને બધા સ્વંયસેવકોને એવી સૂચના આપી ગયા છે કે બીજા લત્તાઓમાં શ્રી મુનશીને ખૂબ મતો મળ્યા છે માટે અહીં બધા મતદારોએ પોતાના બંને મત ડૉ. દેશમુખને જ આપવા એમ કહેવું. આ સૂચના પાછી ખેંચાવવા શ્રી મુનશી તરફથી કામ કરનાર તેમના એજંટોએ શ્રી નરીમાનને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ શ્રી નરીમાને માન્યું નહીં. શહેરમાં પણ સખત અફવા ચાલી કે ડૉ. દેશમુખને દાદરમાં બંને મત અપાવીને શ્રી મુનશીની સ્થિતિ નરીમાને બહુ બગાડી છે.

તા. રરમી નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે શ્રી નરીમાને આપેલી આ સુચનાથી કૉંગ્રેસને તેમણે કેટલું નુકસાન કર્યું હતું તેનો ખ્યાલ આવ્યો. પરિણામ નીચે પ્રમાણે આવ્યું :

ડૉ. દેશમુખ ૧૯,૮૭ર મત
સર કાવસજી ૧૮,૧૪૦ મત
શ્રી મુનશી ૧૭,૦૧૫ મત

આ પરિણામ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે દાદર મથકે શ્રી નરીમાને આપેલી સૂચનાથી ગરબડ ન થઈ હોત તો ડૉ. દેશમુખ અને શ્રી મુનશી બંને કૉંગ્રેસ ઉમેદવાર ચૂંટાઈ જાત અને સર કાવસજી રહી જાત. કારણ મતદાનનું પૃથક્કરણ કરતાં એમ જણાયું હતું કે દાદરમાં ડૉ. દેશમુખને ૮૦૦ થી ૧૦૦૦ બેવડા મત મળ્યા હતા. છાપાંઓમાં પણ શ્રી નરીમાન ઉપર આ વિષે બહુ સખત ટીકાઓ થઈ

ડિસેમ્બર મહિનામાં એક વાર શ્રી નરીમાન શ્રીમતી લીલાવતી મુનશીને લઈને સરદાર પાસે ગયા અને ફરિયાદ કરી કે શ્રીમતી લીલાવતી તેમના ઉપર આરોપ મૂકે છે કે ગઈ ચૂંટણીમાં મેં જ શ્રી મુનશીનું બગાડ્યું છે. આ ઉપરથી સરદારે શ્રી નરીમાનને સાફ સાફ સંભળાવ્યું કે “શ્રીમતી લીલાવતી શું ખોટું કહે છે ? ચૂંટણીઓમાં તમે જે ભાગ ભજવ્યો છે તે મારી તો સમજમાં જ આવતો નથી. તમે કૉંગ્રેસને દગો દીધો છે એ નિર્ણય ઉપર આવવા સિવાય બીજો વિકલ્પ મારી પાસે નથી. તમે આવી ખરાબ રીતે ન વર્ત્યા હોત તો સર કાવસજી કદી ફાવત નહીં. માટે આ બાબતમાં હવે તમારે તો કોઈની સામે ફરિયાદ કરવાપણું છે જ નહીં.” આ બધું સરદાર એમને સંભળાવતા હતા ત્યારે આ બાબતની તપાસ થવી જોઈએ એવો એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો નહીં.

પછી ૧૯૩પના માર્ચમાં મુંબઈ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી વખતે પ્રો. કે. ટી. શાહે શ્રી નરીમાનને મત આપવાની ના પાડી, એમ કહીને કે, વડી ધારાસભાની ગઈ ચૂંટણી વખતે તમે સીધી રીતે વર્ત્યા નથી. તમારા વર્તન બાબત જાહેર તપાસ ન થાય ત્યાં સુધી હું તો તમને મત આપું જ નહીં. શ્રી નરીમાને મેયરની ચૂંટણી પૂરી થઈ ગયા પછી આવી તપાસ સ્વીકારવાનું કબૂલ કર્યું પણ મેયર ચૂંટાઈ ગયા પછી તેઓ એ વાત ભૂલી જ ગયા !

સરદારે પોતાની કેફિયતના અંતમાં શ્રી નરીમાન ઉપર નીચે પ્રમાણે ચોક્કસ આક્ષેપો મૂક્યા :

૧. મુંબઈ શહેરની બે બેઠકોમાંથી એક બિનકૉંગ્રેસી ઉમેદવાર સર કાવસજી માટે ખુલ્લી રહેતી હતી ત્યાં સુધી બીજી બેઠક માટે ઊભા રહેવા શ્રી નરીમાન તૈયાર હતા.
૨. પણ બંને બેઠકો માટે કૉંગ્રેસના ઉમેદવારો ઊભા કરવાનું નક્કી થયું ત્યારથી શ્રી નરીમાનનો ચૂંટણીમાંથી રસ ઊડી ગયો.
૩. ૧૯૩૪ના જુલાઈમાં ઉમેદવાર તરીકે તેમનું નામ નક્કી કરવામાં આવેલું હોવા છતાં ચૂંટણી માટે કામ કરવાનો તેમને કશો પ્રયત્ન કરેલો નહીં.
૪. સર કાવસજીને હરાવવાની ખાતર તેમણે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવું તેઓ પૂરેપૂરું જાણતા હોવા છતાં તા. ૧લી ઑક્ટોબર પછી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના તેમણે અનેક પ્રયત્નો કર્યા.
૫. ચૂંટણી વખતે લડવા માટે ખર્ચની તેમને ખાતરી અપાયા છતાં તેમણે પોતાની ઉમેદવારી કાયમ રહે તે માટે કશાં સક્રિય પગલાં ભર્યાં નહીં.
૬. મતદારોની યાદીમાં ‘૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ સરનામું પોતાનું નથી એવું જાણતા હોવા છતાં ડૉ. દેશમુખ તથા શ્રી છોટાલાલ સૉલિસિટરને એમ માનવાને કારણ આપ્યું કે એ સરનામું પોતાનું છે અને એ પ્રમાણે શ્રી છોટાલાલે ઉમેદવારીપત્ર ભર્યું તેના ઉપર પાતે સહી કરી આપી.
૭. છેક છેલ્લી મિનિટે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લઈને તેમણે ઇરાદાપૂર્વક કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો માર્યો.
૮. તેમનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી નહી લેવાની મારી ચોક્કસ સૂચના હોવા છતાં તેનો તેમણે છડેચોક ભંગ કર્યો.
૯. વડી ધારાસભાના મતદારોની યાદીમાં પોતાનું નામ ન હોય તોપણ અમુક નિયમ પ્રમાણે તેઓ ઉમેદવારી કરી શકે છે એમ વારંવાર કહેવામાં આવ્યા છતાં તેમણે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું.
૧૦. બીજું ઉમેદવારીપત્ર નોંધાવવાનો પૂરતો સમય અને પૂરતી તક હોવા છતાં તેમણે બીજું ઉમેદવારીપત્ર નોંધાવ્યું નહીં.
૧૧. શ્રી નરીમાનનું ઉમેદવારીપત્ર છેલ્લી તપાસણીમાં નામંજૂર થાય તો જ શ્રી મુનશીએ ઊભા રહેવાનું છે એવી સ્પષ્ટ સમજૂતી તેમની સાથે થયેલી હતી તેનો ભંગ કરીને તેમણે વિશ્વાસભંગ કર્યો છે.
૧૨. અધિકારીઓએ તેમનું ઉમેદવારીપત્ર સ્વીકારવાની ના પાડેલી નહીંં હોવા છતાં તેમણે બીજું ઉમેદવારીપત્ર આપેલું જ નહોતું અને મને તથા લોકોને ખોટી રીતે એવું મનાવ્યું કે તેમણે બીજું ઉમેદવારીપત્ર ભર્યું છે.
૧૩. કોંગ્રેસ ઉમેદવારને ટેકો આપવાની પારસી કોમને અપીલ કરવાનું તેમને કહેવામાં આવ્યું છતાં તેમણે એમ કરવા ના પાડી.

૧૪. ચુંટણીના કામમાં કશો સક્રિય ફાળો નહી આપેલ હોવા છતાં અને ચૂંટણીની આખી લડત બે ઉમેદવારો તથા મારા ચાર્જમાં હોવા છતાં ચૂંટણીને દિવસે મતદાનમાં તેમણે બિનજરૂરી દખલ કરી અને દાદરમાં કાર્યકર્તાઓને સૂચના આપી કે બંને મત એક જ ઉમેદવારને આપવાનું મતદારોને કહેવું.
૧૫. આ સૂચના ફેરવવાને તેમને વારંવાર કહેવામાં આવ્યા છતાં તેઓ પોતાની સૂચના રદ કરવા ફરી દાદર ગયા જ નહીં.
૧૬. આને પરિણામે એક કૉંગ્રેસ ઉમેદવારની હાર થઈ અને જે બિનકૉંગ્રેસી ઉમેદવારનો સામનો કરવા માટે શ્રી નરીમાનને ખાસ ઊભા કરવામાં આવ્યા હતા તે ફાવી ગયા.
આ બધાં કારણોથી મારો શ્રી નરીમાન ઉપર આરોપ છે કે એક જવાબદાર કૉંગ્રેસી તરીકે, મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસના પ્રમુખ તરીકે, મુંબઈ પ્રાંતિક પાર્લમેન્ટરી બોર્ડના ચૅરમૅન તરીકે અને કૉંગ્રેસે ઊભા કરેલા એક ઉમેદવાર તરીકે શ્રી નરીમાને જે ફરજ બજાવવી જોઈતી હતી તે બજાવવામાં ગંભીર ચૂક કરી છે.

આ આરોપોનો શ્રી નરીમાને જે જવાબ આપ્યો તેમાં ઘણી વસ્તુઓ અપ્રસ્તુત અને દસ્તાવેજી હકીકતથી વેગળી છે. એ બધી અહીં ન આપતાં તેમના જવાબના મુખ્ય મુદ્દા જ આપીશું. તેમણે એક વસ્તુ તો એ કહી છે કે સરદારે મને સૂચના આપ્યા છતાં મેં મારું ઉમેદવારીપત્ર એટલા માટે પાછું ખેંચી લીધું કે જો હું તેમ ન કરું તો છેતરપિંડી કર્યાના અને મારા ભાઈને બદલે ખોટી રીતે મારું નામ ચલાવવાના ફોજદારી ગુનાને પાત્ર થાઉં. મારું બીજું ઉમેદવારીપત્ર મેં આસિસ્ટંટ કલેક્ટરને આપવા માંડેલું, પણ એક ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધા પછી બીજું ઉમેદવારીપત્ર ન આપી શકાય એમ કહી તેણે લેવાની ના પાડી તેથી એ મેં પાછું લીધેલું. ઉમેદવારીપત્રોની છેલ્લી તપાસણીને દિવસે મેં ઉમેદવારીપત્ર આપ્યું જ નથી એમ કલેક્ટરે કહેલું તે, કાં તો આસિસ્ટંટ કલેક્ટરને મેં ઉમેદવારીપત્ર આપવા માંડેલું એ વાત એ જાણતો ન હોવાથી કહ્યું હોય, અથવા તો કાયદેસર પગલાં લેવાની મેં નોટિસ આપેલી હોવાથી તેમાંથી બચવાને ખાતર કહ્યું હોય. આ ઉપરાંત પણ મારું બીજું ઉમેદવારીપત્ર કાયદેસર હોવાનું શંકાસ્પદ તો છે જ. મેં ‘જામેજમશેદ’ માં જે કાગળ લખેલો તે એટલા માટે કે હું જો પારસીઓને એમ કહું કે તમે સર કાવસજીને મત આપશો જ નહીં અને એકલા કૉંગ્રેસી ઉમેદવારોને જ આપજો તો તેઓ કૉંગ્રેસ ઉપર છેડાઈ પડે અને એકલા સર કાવસજીને જ મત આપે. હું પારસીઓનું માનસ જાણતો હોઈ મેં તેઓને બિનપારસીને પણ થોડા મત આપવાની વાત કરી જેથી કૉંગ્રેસી ઉમેદવારને એમના કેટલાક મત મળે. ચૂંટણીમાં સર કાવસજી જીતી શકે તેટલા ખાતર મેં મારી ઉમેદવારી કોઈ પણ રીતે રદ થાય એવી તજવીજ કરી એવો મારા ઉપર આરોપ મૂકવામાં આવે છે, પણ હકીકત તો એ છે કે હું જો ઉમેદવાર તરીકે ઊભો રહી શક્યો હોત તો સર કાવસજીને ચૂંટાવાનું વધારે સહેલું થઈ પડત. તેમના કાર્યકર્તાઓ અને સર કાવસજી પોતે પણ એવું માનતા હતા. પહેલાંની ચૂંટણીઓનો અનુભવ એવો છે કે જો હું ઊભો રહું તો સાથી કૉંગ્રેસી ઉમેદવારને મત અપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ મને જ કૉંગ્રેસના એટલા બધા મત મળે કે બીજા કૉંગ્રેસી ઉમેદવારની સ્થિતિ નબળી થાય. છેલ્લી મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં મને બીજા ઉમેદવારો કરતાં દસ હજાર મત વધારે મળ્યા હતા. સર કાવસજીને બદલે પારસીઓના વોટ મને વધારે મળે એમ ધારી તેમની સામે મને ઊભો કરવાની સરદારની યોજના હતી એ વાતમાં કંઈ માલ નથી. કારણ પારસી મતદારોની સંખ્યા કેટલી ? પાછલો અનુભવ એવો છે કે મને તો હિંદુ મતદારોના જ ઘણા મત મળેલા છે. ચૂંટણીને દિવસે દાદર મથકે જઈ ને મેં ડૉ. દેશમુખને બંને મતો અપાવવાનું સ્વયંસેવકોને કહેલું એ વાત પણ તદ્દન ખોટી છે. હું બે વાગ્યે દાદર મથકે ગયેલો ખરો અને ત્યાં મને એમ કહેવામાં પણ આવ્યું કે શ્રી મુનશીને બહુ મતો મળી ગયા છે એટલે ડૉ. દેશમુખને મતો અપાવવાની જરૂર છે. પણ મેં કહેલું કે બધાં મથકો એ ચોક્કસ તપાસ કર્યા વિના આવી સૂચના મારાથી અપાય નહીં. મારી સામે આ આક્ષેપ તો એટલા માટે ઊભો કર્યાનું જણાય છે કે શ્રી મુનશીના એજંટો એકલા શ્રી મુનશીને જ મત મળે એવા પ્રયત્ન કરી રહ્યા હતા અને મુનશીની મોટરગાડીઓ પણ એવાં પાટિયાં સાથે ફરતી હતી કે “મુનશીને મત આપો.” મેં મુનશીની મોટરોમાંથી આવાં પાટિયાં ઉતરાવી નાખ્યાં અને “કૉંગ્રેસને મત આપો” એવાં પાટિયાં મુકાવ્યાં તેથી શ્રી મુનશી અને તેમના એજંટો મારી ઉપર ચિડાયેલા. ચૂંટણી માટે મેં બરાબર કામ નથી કર્યું એવો મારા ઉપર આક્ષેપ છે તે બાબતમાં મારે કહેવું જોઈએ કે ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં મુંબઈમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. સ્વાગત સમિતિનો હું પ્રમુખ હોઈ મારા ઉપર કામનો બોજો એટલો બધો રહેતો કે હું છૂટો હોઉં અને જેટલો વખત આપી શકું તેટલો વખત ચૂંટણીના કામને અને મારા પોતાના ઉમેદવારીપત્રની નોંધણીને પણ આપી શકેલો નહીં. વળી કામની શિથિલતાનું કારણ પૈસાનો અભાવ એ પણ હતું. સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડે કંઈ પણ મદદ આપ્યા વિના આટલા ખર્ચાળ ચૂંટણીના કાર્યનો ભારે બોજો અમારી ઉપર નાખ્યો હતો. અમે પૈસાની માગણી કરી તે ઉપર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

આ છેલ્લી દલીલનો સરદારનો જવાબ એ હતો કે કૉંગ્રેસ તો ૨૯મી ઑક્ટોબરે પૂરી થઈ હતી અને ચૂંટણી તો ૧૪મી નવેમ્બરે હતી એટલે કામ કરવાના ચોખ્ખા પંદર દિવસ સામે હતા. બીજું, મુંબઈ જેવા શહેરે સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડ પાસે ચૂંટણીના ખર્ચની આશા રાખવી એ બેહૂદી વાત છે.

સર કાવસજીની સામે ચૂંટણીમાં પોતે કામ કરેલું તેનો મોટો પુરાવો શ્રી નરીમાન એ આપે છે કે,

“સર કાવસજીના માણસો તરફથી કેટલાક મરી ગયેલા માણસોના ખોટા મતો નંખાવવાનો પ્રયત્ન થયેલો. તેનો પુરાવો મેં પકડી પાડેલો. જે પાંચ પારસી જુવાનોએ આવા ખોટા મતો નંખાવેલા તેમનાં નિવેદનો લઈને હું સરદાર પાસે ગયેલો. ત્યાં શ્રી ભૂલાભાઈ તથા શ્રી રાજગોપાલાચારી પણ બેઠેલા હતા. એ ત્રણની આગળ આ નિવેદનોના જોર ઉપર ચૂંટણી રદ કરાવવાની આપણે અરજી કરીએ, એમ મેં દરખાસ્ત મૂકેલી. મારી શરત એટલી જ હતી કે એ પાંચ જુવાનોનાં નામ કોઈ પણ રીતે બહાર ન આવવાં જોઈએ અને તેમના ઉપર ફોજદારી ગુનો કરવાનું કે બીજું કશું જોખમ ન આવવું જોઈએ. આવી જાતના તમામ જોખમમાંથી તેમને બચાવવાની ખાતરી આપીને જ હું તેમનાં નિવેદન લાવ્યો હતો. પણ સરદારે અને શ્રી ભૂલાભાઈએ ચૂંટણી રદ કરાવવાની અરજી કરવાની વાત સ્વીકારી નહીંં.”

આ વસ્તુનો સરદારનો જવાબ એ હતો કે નરીમાનની શરત સ્વીકારીને ચૂંટણી રદ કરાવવાની અરજી કરવી એ મૂર્ખાઈભરેલું હતું. આપણે આરોપ ગમે તેવા મૂકીએ પણ પેલા જુવાનો સાક્ષી આપવા ન આવે તો કેસ પુરવાર શી રીતે થાય ? અમે અક્કલ ગીરો મૂકી હતી કે કોર્ટમાં પહેલું તડાકે ઊડી જાય એવી અરજી કરવામાં હા ભણીએ ?

શ્રી નરીમાની છેલ્લી દલીલ એ હતી કે ૧૯૩૪ની ચૂંટણીમાં મેં જો કૉંગ્રેસને દગો દીધો હતો તો સરદારે તે વખતે મારા ઉપર એ આરોપ મૂકીને એની તપાસ કેમ ન કરાવી ? એટલું જ નહીં પણ એવા આરોપની સરદારે મને તે વખતે જાણસરખી કેમ ન કરી ? ત્યાર પછી પણ જવાબદારીનાં કામો સરદારે મને સાંપેલાં છે. આ બધા ઉપરથી જણાય છે કે ૧૯૩૭માં મને ધારાસભાના કૉંગ્રેસ પક્ષનો નેતા નહોતો ચૂંટાવા દેવો એટલે ૧૯૩૪માં મેં કૉંગ્રેસને દગો દીધો એવો આક્ષેપ તેમણે પાછળથી ઉપજાવી કાઢ્યો છે.

સરદારનો આ જવાબ એ હતો કે,

“મેં તો શ્રી લીલાવતી મુનશીને શ્રી નરીમાન મારી પાસે લઈ આવ્યા ત્યારે જ તેમની હાજરીમાં આ વસ્તુ કહેલી હતી. પણ શ્રી નરીમાન ઉપર કશો કિન્નો રાખ્યો ન હતો. ૧૯૩૪ ની ચૂંટણી વખતના તેમના વર્તનથી તેમનું માપ મેં કાઢી લીધું. એટલે જે કામને માટે તેઓ યોગ્ય હતા એવાં કામ હું તેમને સોંપતો રહ્યો. પણ તે વખતના મારા અનુભવ ઉપરથી મેં જોઈ
લીધું કે તેમની કૉંગ્રેસ પ્રત્યેની વફાદારી એટલી ચુસ્ત નહોતી કે ખરેખરી કટોકટીને વખતે તેમના હાથમાં કૉંગ્રેસનું હિત સલામત ગણાય. ૧૯૩૭માં ધારાસભાઓમાં દાખલ થઈને અને જરૂર પડે તો સત્તા પણ હાથમાં લઈને કૉંગ્રેસ એક તદ્દન નવો અને ભારે જવાબદારીવાળો પ્રયોગ કરતી હતી. એવા નાજુક પ્રસંગે નેતા થવાને મને શ્રી નરીમાન યોગ્ય ન લાગ્યા. જેઓ મને પૂછતા અથવા મારી સાથે મસલત કરતા તેમને હું સ્પષ્ટ કહેતો કે શ્રી નરીમાન કૉંગ્રેસ પક્ષના નેતા થવાને યોગ્ય મને લાગતા નથી. પણ બધા સભ્યોની એમને નેતા ચૂંટવાની ઇચ્છા હોય તો હું તેની સામે વાંધો ઉઠાવીશ નહીં.”

હવે આપણે આ મુદ્દા ઉપર શ્રી બહાદુરજીએ જે ચુકાદો આપ્યો તે જોઈશું. શ્રી નરીમાને ૧૯૩૭ની ઑગસ્ટની ૧૭મીએ તપાસની માગણી કરતા કાગળમાં ગાંધીજીને લખી જણાવ્યું હતું કે બે તદ્દન જુદી જુદી બાબતોની તપાસ કરવાની છે :

(૧) ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી વખતના મારા વર્તન તથા વલણ બાબત, અને
(૨) ૧૯૩૭ના માર્ચમાં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારે પોતાની લાગવગ વાપરી અયોગ્ય દબાણ કર્યું કે કેમ, એ બાબત.

“આ બંને મુદ્દા ઉપર પુરાવો આપતાં ઘણાં નિવેદનો અમારી (શ્રી બહાદુરજી અને ગાંધીજી) પાસે આવ્યાં છે. શ્રી નરીમાન તથા સરદાર વલ્લભભાઈને એ નિવેદનો બતાવવામાં આવ્યાં અને તેમને પૂછવામાં આવ્યું કે આ નિવેદન મોકલનારની સરતપાસ કે ઊલટતપાસ તમારે કરવી છે કે કેમ ? બંનેએ તેમ કરવાની ના પાડી છે. એટલે શ્રી નરીમાન તથા સરદારનાં લેખી નિવેદનો તથા એકબીજાને આપેલા જવાબો તથા સાક્ષીઓએ આપેલા નિવેદનો, એટલા પુરાવા ઉપરથી અમારે ચુકાદો આપવાનો રહે છે. મોઢેથી કંઈ દલીલો કરવી હોય તો તે કરવાનું પણ બંને પક્ષને કહેવામાં આવ્યું હતું. સરદારે કશી દલીલ કરવાની ના પાડી. શ્રી નરીમાન મારી રૂબરૂ આવીને પોતાની દલીલો કરી ગયા હતા.
“પહેલા મુદ્દા વિષે આટલી વાત તો નક્કી છે કે, ૧૯૩૪ના જુલાઈની અધવચમાં મુંબઈ પ્રાંતીય પાર્લમેન્ટરી બોર્ડ મુંબઈ શહેર તરફથી ધારાસભાના ઉમેદવાર તરીકે શ્રી નરીમાનને અને ડૉ. દેશમુખને પસંદ કર્યા. એ પસંદગીને અખિલ ભારતીય પાર્લમેન્ટરી બોર્ડે તા. ૨૯મી જુલાઈએ મંજૂરી આપી. મતદારોનાં પત્રકો ૧૯૩૪ના જુલાઈની ૧૪મીએ પ્રગટ કરવામાં આવ્યાં અને તે ઉપર વાંધાઅરજીઓ માગવામાં આવી. સપ્ટેમ્બરની ર૯મીએ મતદારપત્રકો છેવટનાં નક્કી થઈ ગયાં. ૧૯૩૪ના ઑક્ટોબરની ૧લી તારીખે સરકારી ગૅઝેટમાં પ્રસિદ્ધ થયું કે ધારાસભા માટે ઉમેદવારી કરનારે ૧૯૩૪ના ઓક્ટોબરની ૧૧મીએ બપોરે ત્રણ વાગ્યા પહેલાં પોતાનાં ઉમેદવારીપત્રો નોંધાવી જવાં.
“શ્રી નરીમાન મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ હતા. મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બોર્ડના ચેરમેન હતા અને મુંબઈ શહેરના કૉંગ્રેસના ઉમેદવાર હતા.

આ ત્રણ સ્થાનો તેઓ ધરાવતા હોઈ તેમની પાસેથી સ્વાભાવિક રીતે જ એવી અપેક્ષા રખાય કે મતદારોનાં પત્રક તેઓ કાળજીપૂર્વક તપાસી ગયા હોવા જોઈએ, ચૂંટણીને લગતા નિયમો તથા ધારાધોરણોનો તેમણે કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હોવો જોઈએ, અને કૉંગ્રેસે પસંદ કરેલા ઉમેદવારો ફતેહમંદ થાય તે માટે આવશ્યક બધી તૈયારીઓ તેમણે કરી હોવી જોઈએ. આવી અપેક્ષા ન રાખવી એ પોતાની ફરજો બજાવવામાં તેમણે અક્ષમ્ય બેદરકારી રાખી એ આરોપ તેમના ઉપર મૂકવા બરાબર થાય. આમ છતાં શ્રી નરીમાન કહે છે કે મારું નામ મતદારપત્રકમાં નહોતું એની ખબર મને ચૂંટણીને આગલે દિવસે એટલે તા. ૧૦મીએ જ પડી. હવે ડૉ. દેશમુખના નિવેદન પ્રમાણે તેમણે તા.૬ઠ્ઠી ઓક્ટોબરે શ્રી નરીમાનને ફોન કરેલો કે તમારા ઉમેદવારીપત્રમાં ભરેલું સરનામું અને મતદારપત્રકમાં છપાયેલું સરનામું બરાબર નથી. ડૉ. દેશમુખે એમ પણ કહ્યું કે શ્રી છોટાલાલ સૉલિસિટર જેઓ ઉમેદવારીપત્ર આપવા કલેક્ટરની ઑફિસમાં ગયા હતા તેઓ એમ કહે છે કે કલેક્ટરની ઑફિસમાંથી તેમને એમ કહેવામાં આવ્યું છે કે મતદારની યાદીમાં જે પ્રમાણે સરનામું હોય તે પ્રમાણે ઉમેદવારીપત્રમાં સરનામું હોવું જોઈએ. એક અથવા બે દિવસ પછી શ્રી નરીમાને મને (ડૉ. દેશમુખને) ખબર આપી કે એમણે પોતાના સરનામા વિષે ચોકસાઈ કરી લીધી છે. મતદારોની યાદીમાંનું એમનું સરનામું બરાબર છે અને એ પ્રમાણે એમનું ઉમેદવારીપત્ર ભરીને મારે નોંધાવી દેવું.
“ શ્રી નરીમાન મારી સમક્ષ રજૂ કરેલા પોતાના પહેલા નિવેદનમાં કહે છે કે ડૉ. દેશમુખે છેલ્લા દિવસની અગાઉ થોડા જ દિવસ પહેલાં મને કહ્યું કે તમારા સરનામા વિષે શંકા પડે છે. માટે તમે કલેક્ટરને ત્યાં જઈ વખતસર ખાતરી કરી લો. એટલે ૧૬મી ઓક્ટોબરે અથવા તે અરસામાં હું (નરીમાન) ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠેને સાથે લઈ કલેક્ટરની ઑફિસમાં ગયો અને ત્યાં ઍસિસ્ટંટ કલેક્ટરને મળ્યો. સરદાર વલ્લભભાઈના નિવેદનનો જે જવાબ શ્રી નરીમાને આપ્યો છે તેમાં તેઓ કહે છે કે ડૉ. દેશમુખે સરનામા વિષે મને ફોન કર્યો ત્યારે મેં જવાબ આપ્યો કે ‘બહુ સારું. (Very well)’ હું વસ્તુ બરાબર સમજ્યો છું કે નહીં તેની ખાતરી કરી લેવા તેમણે એ વસ્તુ ફરી કહી. ત્યારે મેં જવાબ આપ્યો કે ‘એ બધું બરાબર છે. (It is alright)’ એટલે કે હું તેમનો સંદેશો બરાબર સમજ્યો છું અને જે જરૂરી હશે તે કરી લઈશ. મારા આ શબ્દોનો વિકૃત અર્થ કરીને સરનામું બરાબર છે એમ કહેવામાં આવે છે.
“હવે શ્રી નરીમાન એમ નથી કહેતા કે તેમણે તપાસ કરી લીધી અથવા તો બધું સરખું કરવાને માટે કાંઈ પણ તજવીજ કરી. શ્રી નરીમાન એટલું તો કબૂલ કરે છે કે ૧૯૩૪માં વડી ધારાસભાના મતદાર થવા માટે તેઓ યોગ્ય નહોતા, એ પોતે જાણતા હતા. આમ હોવાને લીધે ૬ઠ્ઠી ઑક્ટોબરે જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે ‘૪૫, ઍસ્પ્લેનેડ રોડ,’ એ સરનામું પોતાના ભાઈનું છે અને પોતાનું નથી એમ તેમણે કેમ ન કહ્યું એ બહુ વિચિત્ર લાગે છે. એ પણ એટલું જ વિચિત્ર લાગે છે કે તેમણે તે ને તે વખતે ડૉ. દેશમુખનું ધ્યાન એ વસ્તુ ઉપર કેમ ન દોર્યું કે પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં પોતાનું નામ

અને સાચું સરનામું આપેલું છે. એ પણ વિચિત્ર લાગે છે કે પોતાના નિવેદનમાં કહે છે તેમ છેક ૧૧મી તારીખે અથવા તે અરસામાં પોતાના ભાઈની ઓફિસમાં તેમણે તપાસ કરી ત્યારે જાણ્યું કે ‘૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ પોતાના ભાઈનું સરનામું છે. સરદાર વલ્લભભાઈએ તેમને સૂચના આપેલી કે પોતાનું પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લેવું અને પ્રાંતિક ધારાસભાના મતદારપત્રકમાં પોતાનું નામ છે એ આધારે બીજું ઉમેદવારીપત્ર ભરવું. હવે તા. ૧૧મી ઑક્ટોબરે શ્રી નરીમાને કલેક્ટરની ઓફિસમાં બીજું ઉમેદવારીપત્ર આપ્યું કે નહીં એ તકરારી પ્રશ્ન છે. શ્રી નરીમાન બીજું ઉમેદવારીપત્ર આપ્યાનું કહે છે. જ્યારે ડૉ. દેશમુખ, ડૉ. સાઠે, શ્રી છોટાલાલ સૉલિસિટર અને કલેક્ટર પોતે, એમ ચારે જણા કહે છે કે શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર આપ્યું નહોતું. પહેલું ઉમેદવારીપત્ર તો શ્રી નરીમાને ઈરાદાપૂર્વક પાછું ખેંચી લીધું એમ તેઓ કહે છે. એની સાથે તેઓ કબૂલ કરે છે કે ઉમેદવારીપત્ર ભરવાના નિયમ પ્રમાણે તેઓ એક ઉમેદવારીપત્ર રદ કરાવીને તેને બદલે બીજું ઉમેદવારીપત્ર દાખલ કરાવી શકતા હતા. શ્રી નરીમાન એટલું તો જાણતા હોવા જોઈતા હતા કે તેમને એટલા માટે ઉમેદવાર તરીકે નહોતા પસંદ કરવામાં આવ્યા કે તેઓ મુંબઈના બિનપારસી મતદારોમાં બહુ લોકપ્રિય છે. પણ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવ્યા હતા કે કૉંગ્રેસ વિરોધી પારસી ઉમેદવારની સામે તેઓ ઘણા પારસી મતો મેળવી શકે. પણ તેમણે તો પોતાની ઉમેદવારી જ પાછી ખેંચી લીધી. તેમના આ વર્તનથી કૉંગ્રેસ પક્ષને તેમણે ધોખો દીધો તે સિવાય બીજું શું કહી શકાય ?
“શ્રી નરીમાન પોતાનો બચાવ એ રીતે કરે છે કે કલેક્ટરને ત્યાં પોતાનું પહેલું ઉમેદવારીપત્ર, તેમાંનું સરનામું ખોટું હોવાની ખબર પડ્યા પછી તેણે રહેવા દીધું હોત તો છેતરપિંડીના અને બીજા માણસને બદલે પોતે ખોટી રીતે રજૂ થયાના ફાજદારી ગુનાને તેઓ પાત્ર થાત. આ બાબતમાં કાયદો જોતાં મને એમ લાગે છે કે એક માણસને બદલે ખોટી રીતે પોતે મત આપે તો ચૂંટણીના નિયમ પ્રમાણે ગુનો થાય. પણ અહીં તો પોતાનું ખરું નામ અને ઠેકાણું ભરીને તેણે બીજી ઉમેદવારીપત્ર આપવાનું હતું. એટલે ગુનાની શંકાને માટે કારણ જ રહેતું નથી. વળી બીજું ઉમેદવારીપત્ર જેને આધારે ભરી શકાય તે નિયમના અર્થ વિષે શ્રી નરીમાન શંકા ઉઠાવે છે. તેમને જો શંકા હતી તો તેમણે બીજા કોઈની સલાહ કેમ ન લીધી ? શ્રી નરીમાન બાહોશ અને અનુભવી વકીલ છે તેથી જ હું આ ટીકા કરું છું. આ બધી હકીકતો ચોકસ એમ સૂચવે છે કે ચૂંટણીમાં ઊભા રહેવાની શ્રી નરીમાનને બિલકુલ મરજી જ નહોતી. સરદારના વર્ધાથી પાછા આવ્યા પછી તા. ૧૪મી ઑક્ટોબરે સરકાર ઉપર વિરોધનો તાર મોકલવામાં તેમણે જે ગલ્લાંતલ્લાં કર્યાં અને છેવટે પરાણે તાર ઉપર સહી કરી એ હકીકત ઉપર વિશેષ ટીકાની જરૂર નથી.”

હવે બીજો મુદ્દો લઈએ. એ મુદ્દા ઉપર શ્રી નરીમાનની ફરિયાદની વિગતો આ પ્રકરણના પહેલા ભાગમાં આવી જાય છે. એટલે અહીં માત્ર શ્રી બહાદુરજીના ચુકાદાનો જ સાર આપીશું. શ્રી બહાદરજી કહે છે કે,

“શ્રી નરીમાને બહુ લાંબું નિવેદન મારી પાસે રજૂ કર્યું છે. તેમના કહેવાનો સાર એ નીકળે છે કે કૉંગ્રેસી ધારાસભ્યોએ કોને પોતાનો નેતા ચૂંટવો એ બાબત પોતાનો કંઈ પણ અભિપ્રાય વ્યક્ત કરવાનો સરદાર વલ્લભભાઈને અધિકાર ન હતો. તે ગમે તેમ હોય. મારી આગળ જે પુષ્કળ પુરાવા રજૂ થયા છે તેમાંથી નેતાની ચૂંટણી બાબતની હકીકતો તારવી કાઢતાં તે બહુ સાદી અને સ્પષ્ટ જણાય છે. પુરાવા ઉપરથી એમ લાગે છે કે કોને નેતા ચૂંટવો એ વિષે પહેલો વિચાર શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ, તથા શ્રી અચ્યુત પટવર્ધને ૧૯૩૭ના ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં કર્યો. અને તેમનો અભિપ્રાચ એવો થયો કે શ્રી નરીમાન અથવા તો શ્રી મુનશીને નેતા બનાવવા એ યોગ્ય નથી. તેમનો વિચાર સરદાર વલ્લભભાઈને જ નેતા બનાવવાનો હતો અને તેઓ જો ના પાડે તો શ્રી ખેરને તેઓ નેતા બનાવવા ઇચ્છતા હતા. તે ઉપરથી તેમણે શ્રી વલ્લભભાઈને આગ્રહ કર્યો અને પંડિત જવાહરલાલજીને તથા મહાત્મા ગાંધીને પણ તેમને કહેવા કહ્યું. પણ સરદારે માન્યું જ નહીં, એટલે તેમણે શ્રી ખેરનું નામ સૂચવ્યું અને એમને વિષે શ્રી સરદારનો અભિપ્રાય પૂછ્યો. સરદારે કહ્યું કે નેતાની ભારે જવાબદારી ઉઠાવવા શ્રી ખેર તૈયાર થતા હોય તો મારો કશો વાંધો નથી. તે ઉપરથી માર્ચની ૨જી, ૩જીના અરસામાં મુંબઈમાં તેઓ શ્રી ખેરને મળ્યા. પુરાવા ઉપરથી જણાય છે કે શ્રી ખેરને નેતા થવાનું કહેવામાં આવતું હતું તે હકીકતથી શ્રી નરીમાન અજાણ નહોતા. તે જ અરસામાં શ્રી નરીમાનની સરદાર સાથેની વરલીવાળી મુલાકાત થઈ. એ મુલાકાતમાં સરદારે શ્રી નરીમાનને સાફ જણાવ્યું કે તમને નેતા બનાવવામાં આવે એ વાતને મારો ટેકો નથી. ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી પ્રસંગે શ્રી નરીમાને જે વર્તન બતાવેલું તેથી એમને વિષે પોતાને અસંતોષ છે એ પણ તેમણે કહ્યું. સાથે સાથે એ પણ જણાવ્યું કે સઘળા ધારાસભ્ય તમને નેતા બનાવવા ઇચ્છતા હશે તો હું તેનો સક્રિય વિરોધ કરીશ નહી. પછી ૧૦મી માર્ચે મુંબઈ શહેરના ધારાસભ્યોઓની સભા થઈ જેના શ્રી નરીમાન પ્રમુખ હતા. એ સભામાં ઠરાવવામાં આવ્યું કે પક્ષના નેતા તથા હોદ્દેદારોની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ. વધુમાં એમ પણ ઠરાવવામાં આવ્યું કે સરદાર વલ્લભભાઈએ કર્ણાટક તથા મહારાષ્ટ્રના આગેવાનોને મળીને તેમના વિચારો જાણી લેવા, જેથી નેતાની ચૂંટણીની સભામાં સર્વાનુમતે કામ થાય. મુંબઈના આ ઠરાવની જાણ શ્રી નરીમાને જ સરદારને કરી હતી.
“મહારાષ્ટ્ર અને કર્ણાટકના સભ્યો તા. ૧૧મી માર્ચે મુંબઈમાં આવ્યા અને સરદારગૃહમાં ઊતર્યા. સરદારગૃહમાં શું શું બન્યું એ વિષે શ્રી નરીમાને તથા શ્રી દેશપાંડે, શ્રી દેવ તથા શ્રી પટવર્ધને પોતાનાં નિવેદનો આપ્યાં છે. પણ નરીમાન ત્યાં હાજર નહોતા એટલે મારે શ્રી દેશપાંડે, શ્રી દેવ તથા શ્રી પટવર્ધનનાં નિવેદન ઉપર જ આધાર રાખવાનો રહે છે. તેમના નિવેદનનો મુખ્ય મુદ્દો એ છે કે જિલ્લાના નેતાઓને હક હતો તેમ ફરજ પણ હતી કે પોત પોતાના જિલ્લાના ધારાસભ્યોને નેતાની ચૂંટણી બાબત દોરવણી આપવી. આ હક અને ફરજની રૂએ શ્રી નરીમાન, જેમને તેઓ વર્ષોથી ઓળખતા હતા તેમની વિરુદ્ધ
તેમણે અભિપ્રાય આપ્યો અને પોતાના અભિપ્રાય માટેનાં કારણો પણ જણાવ્યાં. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વર્ધામાં શ્રી ખેરના નામની વાત નીકળી હતી અને પંડિત જવાહરલાલજી અથવા ગાંધીજીએ તેમને વિષે નાપસંદગી બતાવી ન હતી. મહારાષ્ટ્ર તથા કર્ણાટકના મોટા ભાગના ધારાસભ્યોનાં નિવેદનો મારી પાસે આવ્યાં છે. તેઓ દેશપાંડે, દેવ અને પટવર્ધનની વાતનું સમર્થન કરે છે.
“તા. ૧૨મી માર્ચે આખા પ્રાંતના ધારાસભ્યોની મુંબઈમાં જે સભા થઈ તેમાં છાપાવાળાઓને હાજર રહેવા દેવામાં આવ્યા નહોતા. શ્રી નરીમાન પણ એ સભામાં ગેરહાજર હતા. એટલે એ સભા વિષે છાપાઓના અથવા શ્રી નરીમાનના અહેવાલ ઉપર આધાર રાખી શકાય નહીં. સભામાં હાજર રહેલા માણસોનો આપેલો અહેવાલ એ જ યોગ્ય પુરાવો ગણાય. હાજર રહેલા ધારાસભ્યનાં નિવેદનો કાળજીપૂર્વક વાંચી જતાં ચોખ્ખું જણાય છે કે સભાનું કામ બહુ વ્યવસ્થિત રીતે અને ૧૦મી માર્ચે મુંબઈની સભાએ જે ઠરાવ કર્યો હતો તેને અનુસરીને જ ચાલ્યું હતું. પહેલાં અવૈધ રીતે જાણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે મોટી બહુમતી કોની તરફેણમાં છે. બધા જ ધારાસભ્યો જેમણે મારી પાસે નિવેદનો રજૂ કર્યા છે તેઓ કહે છે કે બહુમતી શ્રી ખેરની તરફેણમાં હતી, અને સરદાર વલ્લભભાઈએ કોઈના ઉપર અસર પાડવાનો પ્રયત્ન કર્યો ન હતો. માત્ર બે કે ત્રણ ધારાસભ્યો જણાવે છે કે શ્રી નરીમાનને કેમ ન ચૂંટવા જોઈએ એવું સરદાર વલ્લભભાઈને પૂછવામાં આવતાં તેમણે જવાબ આપેલ કે શ્રી નરીમાન નેતા થાય એ મને પસંદ નથી, પણ તમારે બધાને નરીમાનને નેતા બનાવવા હોય તો બનાવી શકો છો. આને સરદારે ગેરવાજબી દબાણ વાપર્યું એમ કહી શકાય નહીં. રજૂ થયેલાં નિવેદનો ઉપરથી એમ પણ જણાય છે કે મોટી બહુમતી શ્રી ખેરની તરફેણમાં હોઈને એમના નામની રીતસ૨ દરખાસ્ત મૂકવામાં આવી અને કોઈના પણ વિરોધ વિના તે પસાર થઈ. એટલે સરદાર વલ્લભભાઈએ કે બીજા કોઈએ ગેરવાજબી દબાણ વાપર્યુંં એમ સાબિત થતું નથી. તા. ૯મી માર્ચે સરદાર વલ્લભભાઈએ શ્રી ગંગાધરરાવ દેશપાંડેને તથા શ્રી શંકરરાવ દેવને તાર કરીને મુંબઈ આવવા કહ્યું એ વસ્તુ ઉપર શ્રી નરીમાન બહુ ભાર મૂકે છે. પણ રજૂ થયેલા પુરાવા ઉપરથી શ્રી નરીમાન તારમાંથી જે અર્થ કાઢે છે તે અર્થ કાઢવાને કોઈ જ કારણ મળતું નથી. એ તારનો હેતુ શો હતો તે બાબત શ્રી દેવ તથા શ્રી પટવર્ધને તા. ૯મી જૂને અને શ્રી ગંગાધરરાવ દેશપાંડેએ તા. ૧૬મી જૂને પોતાનાં નિવેદન બહાર પાડ્યાં છે, તે શ્રી નરીમાનના અનુમાનની વિરુદ્ધ જાય છે. વળી તા. ૧૬મી જૂને એક નિવેદન બહાર પાડીને અને તા. ૧૭મી જૂને કાગળ લખીને પંડિત જવાહરલાલજીએ આ તારોનો ખુલાસો આપ્યો છે. આ નિવેદનો ઉપરથી અને શ્રી જવાહરલાલજીના ખુલાસા ઉપરથી કોઈ પણ સમજદાર માણસને સંતોષ થવો જોઈતો હતો.
“મારી (શ્રી બહાદુરજીની) પાસે કુલ ૮૩ નિવેદનો આવ્યાં છે. તે બધાં મેં શ્રી નરીમાનને બતાવ્યાં છે. તે બધાં તેઓ કાળજીપૂર્વક વાંચી ગયા છે અને કુલ
૫૮ નિવેદનોની તો તેમણે નકલ કરી લીધી છે અથવા તેમાંથી ઉતારા લીધા છે. પોતાના કેસની દલીલો કરવાની પણ તેમને તક આપવામાં આવી છે. એ બધા ઉપરથી મારો નિર્ણય એ છે કે ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી બાબતમાં શ્રી નરીમાન ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે સાબિત થાય છે અને ૧૯૩૭ની નેતાની ચૂંટણી બાબતમાં શ્રી નરીમાને સરદાર વલ્લભભાઈ ઉપર જે આક્ષેપ મૂક્યો છે તે પુરવાર થતો નથી.”

ગાંધીજીએ આ ફેંસલાની સાથે પોતાની સંમતિ દર્શાવતી નીચે પ્રમાણેની નોંધ લખી છે :

“શ્રી નરીમાન–સરદાર કેસની બાબતમાં શ્રી બહાદુરજી પોતાનો ફેંસલો લઈને મારી પાસે આવ્યા છે. આ કેસ મેં સાર્વજનિક હિતની ખાતર જ હાથમાં લીધો. તેમાં બહુ સંકોચપૂવક મેં શ્રી બહાદુરજીની મદદ માગી અને તે તુરતાતુરત એમણે આપી. પોતે માથે લીધેલા કામને ન્યાય આપવાને માટે કેટલી મહેનત કરવી પડશે તેનો તેમને પ્રથમ ખ્યાલ નહીં હોય. તેમની કીમતી મદદ વિના હું શું કરી શક્યો હોત તે હું જાણતો નથી. તેમનો ચુકાદો અમે સાથે વાંચી ગયા. મેં થોડા ફેરફાર સુચવ્યા તે તેમણે તરત જ સ્વીકારી લીધા. એ બાદ કરતાં આખો ચુકાદો પૂરેપૂરો એમનો પોતાનો જ છે. મારી સાથે અગાઉથી કોઈ પણ જાતની મસલત કર્યા વિના તેઓ એ નિર્ણય પર આવ્યા છે. તેમણે આપેલી દલીલ તથા નિર્ણયો સાથે હું સંમત થાઉં છું.
“લોકો જોશે કે તેમના નિર્ણયો શુદ્ધ ન્યાયયુક્ત છે. બંને પક્ષકારોને રજૂ થયેલો પુરાવો જોઈ જવાની, તેની નકલો લેવાની તથા કોઈ સાક્ષીની સરતપાસ અથવા ઊલટતપાસ કરવી હોય તો કરવાની બધી તકો આપવામાં આવી હતી. પણ એવી મૌખિક તપાસ કરવાની પક્ષકારોએ ના પાડી. કેસમાં કુલ ૮૦ સાક્ષીઓ છે અને તેમનો પુરાવો જથ્થાબંધ છે. જોકે તેમાંનો ઘણોખરો અમારી સામેના બે મુદ્દા સાથે બિલકુલ અપ્રસ્તુત છે. શ્રી નરીમાનને પોતાની પાસે જે પુરાવો હોય તે મારી આગળ લાવવાની પૂરી છૂટ આપવામાં આવી હતી. જે જે માણસોનાં તેમણે નામ આપ્યાં, તેમને અંગત કાગળો મેં લખ્યા છે. પુરાવા માટે મેં જાહેર અપીલ કરી તેના જવાબમાં મોટા ભાગના ધારાસભ્યોએ પોતાનાં નિવેદનો મોકલી આપ્યાં છે.
“મારે આથી વિશેષ ફરજ બજાવવાની ન હોત તો વધુ કશું કહેવાપણું રહેતું નથી. પણ મને જે પુરાવો મોકલવામાં આવ્યો તેમાંથી કેટલીક વસ્તુઓ મને જાણવા મળી છે તેનો ઉલ્લેખ મારે કરવો જોઈએ. શ્રી નરીમાને છાપાંઓમાંના ઉતારાની ઘણી કાપલીઓ મને મોકલી છે. તે વાંચતાં બહુ દુઃખ થાય એવું છે. આ કેસમાં સરદાર કોમી વલણથી પ્રેરાયા હતા એવો છાંટાભાર પુરાવો ન હોવા છતાં વર્તમાનપત્રોએ એવાં સૂચન કર્યા છે કે શ્રી નરીમાનને નેતા નહી ચુંટવામાં કોમી વલણે ભાગ ભજવ્યો છે. આવાં સૂચનો કરીને વર્તમાનપત્રોએ મુંબઈના સાર્વજનિક જીવનની ભારે અસેવા કરી છે. મને ખુશી થાય છે કે શ્રી નરીમાને પાતે આવાં સૂચનોનો ઇન્કાર કર્યો છે.

“સરદાર સામેની શ્રી નરીમાનની ફરિયાદોનો સાર કાઢીએ તો તે આટલો નીકળે છે. તા. ૩જી માર્ચે સરદારે નરીમાનને કહ્યું કે તેમને તેઓ મદદ કરી શકશે નહીં. અને એ પ્રમાણે તેમણે મદદ કરી પણ નહીં. એ તો સ્પષ્ટ છે કે સરદારના જેટલી લાગવગ ધરાવનાર માણસ જ્યારે નિષ્ક્રિય રહે ત્યારે તેમનું એ વલણ જરૂર શ્રી નરીમાનની વિરુદ્ધમાં જાય. પણ તે માટે સરદારને દોષ દઈ શકાય નહીં. મને તો લાગે છે કે શ્રી નરીમાન ભૂલી જાય છે કે મુંબઈ શહેર એટલે આખો મુંબઈ પ્રાંત નથી. જો ખરેખર મહારાષ્ટ્ર અને કર્ણાટકનો તેમના ઉપર વિશ્વાસ હોત તો સરદારની નિષ્ક્રિયતા તેમને જરાય બાધા કરત નહીં. આજે પણ ધારાસભ્યો શ્રી ખેરને રાજીનામું આપવાનું કહે અને તેમની જગ્યાએ શ્રી નરીમાનની ચૂંટણી કરે તો તેમ કરતાં તેમને કોઈ અટકાવી શકતું નથી. સરદારની જબરદસ્ત લાગવગને કારણે આવો કશો ફેરફાર થવો અશક્ય છે એમ સૂચવવું એ વિચારહીન છે. એક માણસ ગમે તેટલો શક્તિશાળી હોય પણ ૯૦ માણસોને લાંબા વખત સુધી દબાવી શકે નહીં.
“પરિસ્થિતિનું મારું પૃથક્કરણ એ છે કે શ્રી નરીમાને ધારાસભ્યો ઉપરના પોતાના પ્રભાવની વધારે પડતી આંકણી કરી અને પોતાને મળેલી હારથી તીવ્ર નિરાશા અનુભવી. તેમની વિવેકશક્તિ બહેર મારી ગઈ. મારી આગળ કરેલાં તેમનાં નિવેદનથી આ વસ્તુ સાબિત થાય છે. પણ તેમના સલાહકારોએ અને વર્તમાનપત્રોના પ્રચારે તેમના આ ભ્રમને ઉત્તેજન આપ્યું. આ શબ્દો લખતાં મને જરાય ખુશી થતી નથી. પણ જે તેમનો એક મિત્ર છે અને તેમનો હિતચિંતક છે અને કૉંગ્રેસની કારોબારીમાં તેમને દાખલ કરવામાં જેનો કંઈક હિસ્સો છે તે પોતાનું ઉદ્વિગ્ન હૃદય ખોલે, જેથી તેમની આંખો ખૂલે એ આશાએ જ મેં આ શબ્દો લખ્યા છે.”

તા. ૧૪મીએ, ફેંસલાને દિવસે શ્રી નરીમાનને વર્ધા બોલાવવામાં આવ્યા હતા પણ તેઓ આવી ન શક્યા. એટલે શ્રી બહાદુરજીની સાથે મહાદેવભાઈ મુંબઈ ગયા. તા. ૧પમીએ શ્રી નરીમાનને શ્રી બહાદુરજીની ઑફિસે પોતાના બેરિસ્ટરને સાથે લાવવા હોય તો લઈને બોલાવ્યા. એ પ્રમાણે શ્રી નરીમાન શ્રી બહાદુરજીની ઑફિસમાં પોતાના બેરિસ્ટર સાથે ગયા. ગાંધીજીની એવી સૂચના હતી કે શ્રી નરીમાન ફેંસલો વાંચીને પોતાના વર્તન બદલ જાહેરમાં દિલગીરી દર્શાવવાનું કબૂલ કરે તો ફેંસલો બહાર ન પાડવો, પણ ગાંધીજીએ શ્રી નરીમાનની દિલગીરી સાથે પોતાનું એક નિવેદન બહાર પાડવું. શ્રી નરીમાન કાળજીપૂર્વક ફેંસલો વાંચી ગયા અને પોતાના બૅરિસ્ટર સાથે મસલત કરી તેમણે ગાંધીજીની સૂચના માન્ય રાખી. એટલે તા. ૧૬મીએ ગાંધીજીએ વર્ધાથી નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

“નરીમાન–સરદાર કેસમાં શ્રી બહાદુરજી તથા હું એકબીજાથી સ્વતંત્ર રીતે વિચારપૂર્વક જે નિર્ણય ઉપર આવ્યા છીએ તે બહાર પાડવાને બદલે શ્રી નરીમાને કરેલું નિવેદન પ્રજા આગળ મૂકતાં મને આનંદ થાય છે. મેં એક દુઃખદાયક
ફરજ માથે લીધી હતી. અને મારી વિનંતીથી શ્રી બહાદુરજીએ તેમાં મને સાથ આપવાનું સ્વીકાર્યું હતું. તેમની કીમતી મદદ વિના અને તેમણે જે અસાધારણ શ્રમ ઉઠાવ્યો છે તે વિના, અત્યારની મારી તબિયતમાં આ બોજો ઉપાડતાં હું તૂટી જાત. મારી આગળ થોકબંધ પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. તેની એકેએક લીટી હું વાંચી ગયો છું. એ બધાં કાગળિયાં મેં બહાદુરજીને મોકલી આપ્યાં. તેમાં તમામ પુરાવાની એકેએક લીટી વાંચી ગયા એટલું જ નહીં પણ તેમાંથી તેમણે લાંબી નોંધ પણ કરી છે. ૧૯૩૪ની ચૂંટણીના અટપટા કેસને લગતો કાયદો પણ તેઓ વાંચી ગયા છે અને મારાથી સ્વતંત્ર રીતે પોતાને ચુકાદો તેમણે આપ્યો છે. તે લઈને તેમણે સેવાગ્રામ આવવાની કૃપા કરી.
“તા. ૧૪મીનો આખો દિવસ એમણે લખેલો ફેંસલો વાંચવામાં અને વિચારવામાં અમે ગાળ્યો. પછી મેં મારી સંમતિદર્શક નોંધ લખી. એ આશા રાખી હતી કે શ્રી નરીમાન પણ તે દિવસે અમારી સાથે હશે. પણ તેઓ આવી શક્યા નહીં. પછી મેં સૂચવ્યું કે મુંબઈ જઈને શ્રી બહાદુરજી, શ્રી નરીમાનને પોતાની પાસે બોલાવે. ફેંસલો તથા મારી નોંધ વાંચીને પ્રતીતિપૂર્વક તેઓ તેનો સ્વીકાર કરે. અને પોતાના તરફથી જાહેર નિવેદન કાઢે, તો અમારે એ ફેંસલો જાહેર ન કરવો પણ પક્ષકારોને એક એક નકલ આપીને સંતોષ માનવો, એવી મેં સૂચના કરી. એ શ્રી બહાદુરજીને ગમી. ગુરુવારે રાત્રે શ્રી મહાદેવ દેસાઈને, શ્રી નરીમાનને મળવા મેં મુંબઈ મોકલ્યા. શ્રી નરીમાન પોતાના બૅરિસ્ટર સાથે શ્રી બહાદુરજીની ઓફિસે ગયા અને એ ફેંસલો વાંચ્યો. હવે શ્રી નરીમાનનું નિવેદન જાહેર આગળ મૂકતાં મને ઘણો આનંદ થાય છે. મને પૂર્ણ આશા છે કે લોકો અને વર્તમાનપત્રો ભૂતકાળની તીખી અને અશોભતી ચર્ચા ભૂલી જશે. એ ચર્ચાને લીધે મુંબઈની પ્રવૃત્તિમાંથી તેનો રોજનો ઉત્સાહ અને આનંદ લુંટાઈ ગયો હતો.
“શ્રી નરીમાને વિચારપૂર્વક અને પૂરા હૃદયપૂર્વક જે એકરાર કર્યો છે તે માટે હું તેમને અભિનંદન આપું છું. શ્રી બહાદુરજીએ પણ ઊંચી કર્તવ્યબુદ્ધિથી અને મારા પ્રત્યેના પ્રેમને લીધે, મારી ઉપરના બોજામાં જે ભાગ લીધો છે તે માટે હું તેમનો અત્યંત ઋણી છું. શ્રી નરીમાનનું નિવેદન નીચે પ્રમાણે છે:
“ગાંધીજીએ મને વિશ્વાસમાં લઈને તેમણે કરેલી તપાસનો ચુકાદો મને બતાવ્યો તે માટે હું તેમનો આભારી છું. એ ચુકાદાનો મેં કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. મારી પસંદગીના ન્યાયાધીશો જેમને મારા મિત્રો ગણવાનો અધિકાર હું ભોગવું છું, તેમણે આપેલા ચુકાદાને મારે સ્વીકારી લેવો જોઈએ. એ ચુકાદો બહાર પાડવાનો તેમને અધિકાર હતો પણ તેમણે મને ઉદારતાપૂર્વક કહ્યું કે તેમના ચુકાદાથી મને સંતોષ થયો છે એવું હું જાહેર નિવેદન કરૂં તો તેઓ એ બહાર નહીં પાડે. મેં એમની સૂચના સ્વીકારી લીધી છે અને તે પ્રમાણે જાહેરમાં આ નિવેદન કરું છું. મારી ખાતરી થઈ છે કે ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીની બાબતમાં કૉંગ્રેસના એક જવાબદાર હોદ્દેદાર તરીકે મારી ફરજમાં હું ચૂક્યો છું.

મારા કેટલાક મિત્રોને એવું માનવાને મેં કારણ આપ્યું છે કે મારી બેદરકારીથી મેં ગંભીર વિશ્વાસભંગ કર્યો હતો.
“‘૧૯૩૭માં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસપક્ષના નેતાની ચુંટણી બાબતમાં હું દિલગીરી સાથે કબૂલ કરું છું કે મેં સામાન્ય વસ્તુસ્થિતિનો ખોટો ખ્યાલ રાખ્યો અને કેટલાક ધારાસભ્યોએ કરેલા નિવેદનોને આધારે મેં માની લીધું કે મને અન્યાય કરવામાં આવ્યો છે. મારા મિત્રોને અને કેટલાંક વર્તમાનપત્રોને એ માન્યતામાં મેં ભેળવ્યાં. એને પરિણામે ખૂબ કડવાશ થઈ અને કેટલાંક વર્તમાનપત્રોએ સરદાર વલ્લભભાઈ ઉપર કોમી દ્વેષભાવનું આરોપણ કર્યું. મેં પહેલાં જાહેરમાં કહ્યું છે અને અત્યારે ફરીથી કહું છું કે આ આરોપ તદ્દન પાયા વિનાનો છે. સરદારે જે કંઈ કર્યું હોય અથવા ન કર્યું હોય તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને જ કર્યું હતું. હું દિલગીર છું કે આ ચળવળે અંગત અને કોમી સ્વરૂપ પકડ્યું અને જે ફરિયાદ સાચી નહીં પણ કલ્પિત હોવાનું માનવાને લોકોને હક છે તે ફરિયાદની બાબતમાં મહાત્મા ગાંધી અને શ્રી બહાદુરજીનો આટલો બધો વખત લેવામાં હું કારણભૂત બન્યો.
આટલું કહ્યા પછી મને લાગે છે કે જે જનતાની આટલાં વર્ષો સુધી સેવા કરવાનો મેં દાવો કર્યો છે તે જનતાને મારે ઇન્સાફ આપવો જોઈએ. મારી ઉપર તેમનો વિશ્વાસ પૂરેપૂરો સ્થાપિત થાય એટલા માટે હું પૂરો વિચાર કરીને જાહેર કરું છું કે મારા હોદ્દાની મુદત પૂરી થયે તે તે જગ્યાઓ માટે હું ફરી ઊભા રહેવાનો ઇરાદો રાખતો નથી. એ હોદ્દાઓ ઉપર રહ્યા વિના કૉંગ્રેસની અને જનતાની સેવા કરવાનો મારો નિશ્ચય છે. જેથી કરીને કડવાશ અને દ્વેષ દૂર થાય અને શાંતિ અને મેળ ફરીથીસ્થાપિત થાય.’”

આટલેથી આ પ્રકરણ પતી ગયું હોત તો એનો બહુ શુભ અંત આવ્યો ગણાત. પણ પાછળથી શ્રી નરીમાને જે વલણ લીધું તે જોતાં લાગે છે કે તેમનો એકરાર ખરા દિલનો ન હતો. એકરાર કર્યા પછી સાત જ દિવસે એટલે તા. ૨૩મી ઑક્ટોબરે શ્રી નરીમાને બૅંગ્લોરથી એક નિવેદન બહાર પાડીને આખી વાતને ફેરવી તોળી. તેઓએ કહ્યું કે,

“માણસ ક્ષણિક ગાંડપણની સ્થિતિમાં આપઘાત પણ કરી બેસે છે. મનની નિરાશા અને અસ્થિર સ્થિતિમાં જ્યારે એને દાદ મેળવવાનો કોઈ આરો રહેતો નથી ત્યારે પોતાના મનની તંગ સ્થિતિ દૂર કરવા તે આવું પગલું લે છે. મારો કેસ પણ માનસિક નિરાશાને વખતે રાજદ્વારી આપઘાત કર્યાનો છે. વિવાદ ચાલુ રાખીને હું મુંબઈના જાહેર જીવનને છિન્નભિન્ન કરી નાખું છું, કોંગ્રેસમાં વિનાશકારી ફાટફૂટ ઊભી કરું છું અને તમામ રાષ્ટ્રીય અને દેશહિતની પ્રવૃત્તિઓ થંભાવી દઉં છું એ આરોપ મારી ઉપર મુકાયો હતો. વધારામાં એમ કહેવામાં આવતું હતું કે આ તકરારનો સંતોષકારક અંત ન આવે ત્યાં સુધી ગાંધીજીની તબિયત ઉપર તેની અસર થયાં જ કરવાની અને તેઓ પૂરેપૂરા સાજા નહીં થવાના.
મેં નિવેદન કર્યું તે પહેલાં મને એક તાર મળેલો, તેનો ભાવાર્થ આવો હતો એટલે મારા રાજદ્વારી મૃત્યુના હુકમ ઉપર મેં સહી કરી. ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીમાં મારાથી ગફલત થઈ હશે, હું બેદરકાર રહ્યો હોઈશ, અને ઉતાવળમાં મેં કંઈ કરી નાખ્યું હશે. પણ મારી દલીલ એ હતી કે તે વખતે મુંબઈમાં કૉંગ્રેસ ભરાવાની હતી અને સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે તેની તમામ જવાબદારી મારે માથે હતી. એટલે મારે બીજાં તમામ કામો છોડી દેવાં પડ્યાં હતાં. હું ચૂંટણીના કામ પાછળ પણ કશું ધ્યાન ન આપી શક્યો. પણ ચૂંટણીના કામની જવાબદારી તો મારી ગણાય જ, એટલે એ કામ વિષે બેદરકારી રાખીને મેં વિશ્વાસભંગ કર્યો એવું માનવામાં આવ્યું તેને લીધે આ ચુકાદાને મારે સ્વીકારવો પડ્યો. મારા ભવિષ્યના કામ માટે હું કહીશ કે, જે કૉંગ્રેસની મેં આટલી નિમકહલાલીથી સેવા કરી છે, આટલાં વર્ષોથી જેને હું નિષ્ઠાપૂર્વક વળગી રહ્યો છું અને જેને ખાતર મેં મારા સર્વસ્વનો ભોગ આપ્યો છે તેમાંથી મને કાઢી મૂકવાના વ્યવસ્થિત પ્રયત્ન થતા હોવા છતાં એ સંસ્થાને હું છેવટે સુધી વળગી રહેવાનો છું.”

આમ શ્રી નરીમાન નામક્કર ગયા એટલે પોતાનો ચુકાદો વર્કિંગ કમિટીને સોંપ્યા સિવાય ગાંધીજી પાસે બીજો માર્ગ રહ્યો નહીં. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પંડિત જવાહરલાલજીને તેમણે કલકત્તામાં તા. ર૪ નવેમ્બરે નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“શ્રી નરીમાને તમારી સાથેના તથા મારી સાથેના પત્રવ્યવહારમાં જે બે મુદ્દા જણાવેલા તે ઉપર તપાસ સમિતિએ આપેલો ફેંસલો આ સાથે મોકલી આપું છું. મને લાગ્યું હતું કે આ ફેંસલો બહાર પાડવાને બદલે પોતાનો એકરાર બહાર પાડવાની મારી સૂચના શ્રી નરીમાને સ્વીકારી લીધી એટલે જે તપાસ પાછળ મારે ઘણી જહેમત ઉઠાવવી પડી છે તે તપાસનો અંત આવશે.
“પણ શ્રી નરીમાને પોતાનો એકરાર છાપાં મારફત પાછો ખેંચી લીધો છે એટલે સ્થિતિ બદલાઈ જાય છે. શ્રી નરીમાનના છેલ્લા નિવેદનમાંથી એમના મનની દુઃખદ અવસ્થાનો ખ્યાલ આવે છે. શ્રી નરીમાનની કબૂલાતમાં ઉઘાડું અસત્ય રહેલું છે તે મેં શ્રી નરીમાનને લખેલા મારા કાગળમાં બતાવી આપ્યું છે. હકીકત એ છે કે શ્રી નરીમાને પોતે આ તપાસ માગી લીધી છે. ૧૯૩૪ની મુંબઈની ચુંટણીમાં તેમણે ગંભીર વિશ્વાસભંગ કર્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલના આક્ષેપની તપાસ ઇરાદાપૂર્વક તેમણે જ ઇચ્છી છે. તમારી ઉપરના શ્રી નરીમાનના કાગળમાં નીચેનું વાક્ય છે :
“‘આવા સ્વતંત્ર પંચની તપાસના ચુકાદા પ્રમાણે હું રજ પણ ગુનેગાર ઠરું તો તમે અથવા તો બીજા કોઈ અધિકારી જે સજા ફરમાવશો તે હું ખુશીથી સહી લઈશ. પણ તે સાથે જ જો બીજો પક્ષ ગુનેગાર ઠરે તો તેની સાથેના અંગત સંબંધો અથવા તો તેની અંગત પ્રતિષ્ઠાનો જરા પણ વિચાર કર્યા વિના તેને એવી જ સજા ફરમાવવી જોઈશે.’
“મારી ઉપરના કાગળમાં (અત્યારે તેની નકલ મારી પાસે નથી) તેઓ આથી પણ આગળ ગયા છે અને તેમણે કહ્યું છે કે સરદારના આરોપ પ્રમાણે
તેઓ જો ગુનેગાર માલુમ પડશે તો તેઓ પોતે જ કોઈ પણ હોદ્દા અથવા જવાબદારીના સ્થાન માટે પોતાને નાલાયક ગણશે.
“મારો એવો અભિપ્રાય છે કે શ્રી નરીમાને પોતાના વર્તનથી પોતાને કોઈ પણ જવાબદારીનું સ્થાન ધરાવવાને નાલાયક સાબિત કર્યા છે. એટલા જ ખાતર નહી કે ૧૯૩૪ની ચૂંટણીમાં ગંભીર વિશ્વાસભંગ કર્યો માટે તેઓ ગુનેગાર ઠર્યા છે અને સરદાર વલ્લભભાઈ સામે મૂકેલા આક્ષેપો તેઓ સાબિત કરી શક્યા નથી, પણ એટલા માટે કે તેમના પત્રવ્યવહારમાં દેખાઈ આવતા તેમના પાછળના વર્તનથી અને ખાસ કરીને તો પોતાના બૅરિસ્ટરની હાજરીમાં સ્વતંત્રપણે કરેલા એકરારને તેઓ આવી કમનસીબ રીતે નામક્કર જાય છે તેથી તેમની એવી નાલાયકી સાબિત થાય છે.”

કલકત્તામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ તે જ દિવસે આ વિષે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“શ્રી નરીમાને ઉઠાવેલા મુદ્દા વિષે મહાત્મા ગાંધી તથા શ્રી બહાદુરજીના રિપોર્ટ ઉપર કારોબારીએ વિચાર કર્યો. તેની સાથે લખેલો મહાત્મા ગાંધીનો કાગળ તથા તપાસ સમિતિના રિપોર્ટની બાબતમાં શ્રી નરીમાને કરેલાં બે નિવેદનો પણ કારોબારીએ ધ્યાનમાં લીધાં. પંચે આપેલો ફેંસલો, શ્રી નરીમાને કરેલો તેનો સ્વીકાર તથા પાછળથી કરેલી તેની નાકબૂલાત, એ બધું જોતાં કમિટીનો એવો અભિપ્રાય થાય છે કે શ્રી નરીમાનનું વર્તન એવું છે કે કૉંગ્રેસમાં કોઈ પણ જવાબદારીનું કે વિશ્વાસનું સ્થાન ધરાવવાને તેમને કમિટી નાલાયક ઠરાવે છે.”

આ ઠરાવ બહાર પડ્યો તેની સાથે જ શ્રી નરીમાન વીફર્યા. ગાંધીજી ઉપર પક્ષપાત કર્યાના તથા પોતે આપેલા વચનો નહીં પાળ્યાના આક્ષેપો તો તેમણે કર્યા જ. પણ સાથે શ્રી બહાદુરજીને તથા પંડિત જવાહરલાલજીને પણ છોડ્યા નહીં. ઉપરાઉપરી નિવેદનો બહાર પાડીને, એની એ વાત તેમણે ફરી ફરીને લખ્યાં કરી. પછી શ્રી વેલીંકર બૅરિસ્ટર પાસે ગાંધીજી અને બહાદુરનો ફેંસલો ફરી તપાસાવ્યો અને તેમનો અભિપ્રાય પોતાના લાભમાં મેળવ્યો. એ વિષે મહાદેવભાઈ એ તા. રપ–૧૧–’૩૭ના રોજ સરદાર ઉપર લખેલા કાગળમાંથી નીચેનો ઉતારો આપવા જેવો છે :

“બેરિસ્ટર વેલીંકરે આપેલો અભિપ્રાય ટાંકીને શ્રી નરીમાને જે નિવેદન બહાર પાડ્યું છે તે છાપાંમાં બાપુજીએ જોયું. એમને પોતાને તો લાગે છે કે વેલીંકરનો અભિપ્રાય મચરડેલો છે. મુખ્ય મુદ્દાની વાત છોડીને જે વાતની બહુ કિંમત નથી તે વાત ઉ૫૨ જ તેણે ભાર મૂક્યો છે. બાપુ કહે છે કે તમારે આ અભિપ્રાયનો બરાબર જવાબ અપાવવો જોઈએ. શ્રી ભૂલાભાઈને અથવા શ્રી મોતીલાલ સેતલવડને લખવું જોઈએ. તેમણે આખી વસ્તુનો કાયદાની દૃષ્ટિએ અભ્યાસ કરીને પોતાનો અભિપ્રાય આપવો જોઈએ એમ બાપુ કહે છે. બીજી બે બાબતો, કે નરીમાને તપાસ માગી જ નહોતી અને જજમેન્ટ વગેરે છાપવામાં ગાંધીજીએ
વચનભંગ કર્યો છે એ વિષે એક ટૂંકો કાગળ બહાર પાડવાનું કહ્યું છે એ હું બહાર પાડીશ.”

પણ સરદારે તો શ્રી ભૂલાભાઈને કે શ્રી મોતીલાલ સેતલવડને લખ્યું જ નહીંં. શ્રી નરીમાન છાપાંમાં ગમેતેમ લખ્યાં કરે એની એમને પરવા નહોતી. એમને તો ગાંધીજીના અને બહાદુરજીના ફેંસલાથી પૂરેપૂરો સંતોષ હતો. શ્રી ભૂલાભાઈએ લાલા લજપતરાયની પુણ્યતિથિને દિવસે ભાષણ આપતાં આ પ્રકરણનો ઉલ્લેખ કરી કહ્યું કે પોતે પસંદ કરેલા પંચના ફેંસલા ઉપર વળી અપીલ તે શી હોય ? એ ફેંસલાની ફરી તપાસ થવી જોઈએ એવું મેં જ્યારે છાપામાં વાંચ્યું ત્યારે આશ્ચર્ય થયું. આબરૂદાર માણસના વચન જેવી ચીજ જીવનમાં હોવી જ જોઈએ. આપણે પંચને જાતે જ પસંદ કરીએ તો પછી એ પંચ જે ચુકાદો આપે તે આપણને ગમતો હોય કે ન ગમતો હોય તો પણ સ્વીકારી લેવો જોઈએ. શ્રી નરીમાને તો શ્રી ભૂલાભાઈના આ ભાષણનો પણ તા. ૧૯મી નવેમ્બરે લાંબો જવાબ આપ્યો અને ત્યાર પછી પણ જ્યારે જ્યારે સહેજ પણ તક મળી ત્યારે ત્યારે આ ચર્ચા છાપાંઓમાં જાગતી જ રાખી. હું કૉલેજમાં ભણતો ત્યારે અમારા પ્રિન્સિપાલ એક સ્કૉચ ડોશીની અમને વાત કરતા. તે કહેતી કે હું કોઈની પણ વાત માનવા તૈયાર છું પણ મને મનાવી શકે એવો માણસ હોય તો મારી પાસે લાવો. (I am prepared to be convinced, but show me the man who can convince me.) તેમ શ્રી. નરીમાન પણ પંચનો ફેંસલો કબૂલ રાખવા તૈયાર હતા પણ એ ફેંસલો ન્યાયી હોય તો ને ?

કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ સને ૧૯૩૭ની આખરમાં થયો. ત્યાર પછી બરાબર દસ વર્ષ એટલે ૧૯૪૭ની આખરમાં પોતાના વર્તન માટે સરદાર સમક્ષ શ્રી નરીમાને દિલગીરી દર્શાવી અને તેઓ ફરી કૉંગ્રેસમાં દાખલ થયા. તે વખતે મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણી થવાની હતી તેમાં કૉંગ્રેસપક્ષ તરફથી તેઓ ઊભા રહ્યા, ચૂંટાયા અને પાછળથી પક્ષના નેતા પણ બન્યા. પરંતુ તેઓ ઝાઝો વખત કામ કરી શક્યા નહીં. તેઓ એક કેસને અંગે દિલ્હી ગયા હતા. એક હોટેલમાં ઊતર્યા હતા ત્યાં તા. ૪–૧૦–’૪૮ના રોજ રાતના એકાએક હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું. હોટેલવાળાએ સરદારને ખબર આપી એટલે તેમણે એક પારસી અમલદારને હોટેલમાં મોકલ્યા અને તેમના ભાઈ તથા પત્નીને ફોનથી ખબર આપી. બીજે દિવસે સવારે તેમના ભાઈ તથા પત્નીની ઈચ્છાનુસાર તેમના મૃતદેહને ખાસ વિમાનમાં મુંબઈ મોકલી આપવાની વ્યવસ્થા સરદારે કરી.