સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/નરીમાન પ્રકરણ — ૧

વિકિસ્રોતમાંથી
← પ્રધાનપદાંનો સ્વીકાર સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
નરીમાન પ્રકરણ — ૧
નરહરિ પરીખ
નરીમાન પ્રકરણ — ૨ →




૧૯
નરીમાન પ્રકરણ — ૧
નરીમાનના આક્ષેપો

ચૂંટણીઓનું પરિણામ બહાર આવ્યા પછી કૉંગ્રેસે હોદ્દા સ્વીકારવા કે કેમ તે બાબતનો વિચાર કરવા મહાસમિતિની મીટિંગ દિલ્હીમાં ૧૯૩૭ના માર્ચના ત્રીજા અઠવાડિયામાં મળવાની હતી. તેની સાથે જ તા. ૧૯ તથા ૨૦મી માર્ચે કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોનું એક સંમેલન રાખ્યું હતું. એ સંમેલન મળે તે પહેલાં જુદા જુદા પ્રાંતના ધારાસભ્યોએ પોતપોતાના નેતાની ચૂંટણી કરી લેવાની હતી, જેથી તે તે નેતાની મારફત વિચાર કરવાનું સંમેલનમાં સુગમ પડે. આ યોજના અનુસાર તા. ૧૨મી માર્ચે મુંબઈ પ્રાંતના બધા ધારાસભ્યોની એક મીટિંગ મુંબઈના કૉંગ્રેસ હાઉસમાં થઈ અને તેમાં શ્રી બાળાસાહેબ ખેરને સર્વાનુમતે મુંબઈ પ્રાંતના ધારાસભા પક્ષના નેતા ચૂંટવામાં આવ્યા. શ્રી નરીમાન સ્વરાજપક્ષ વખતે મુંબઈની ધારાસભામાં સ્વરાજપક્ષના નેતા હતા. ઉપરાંત તેઓ મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બોર્ડના પણ ચૅરમેન હતા. વળી લાંબા વખતના પોતાના કૉંગ્રેસના કાર્યને લીધે તથા પોતાની બાહોશીને લીધે ધારાસભ્યો પોતાને જ નેતા ચુંટશે એમ શ્રી નરીમાન આશા રાખતા હતા અને ખાતરીપૂર્વક માનતા પણ હતા. પણ તા. ૧રમીએ સવારમાં તેમને ખબર પડી ગઈ કે ધારાસભ્યો તેમને નેતા ચૂંટવાના નથી. એટલે તેમણે મીટિંગમાં હાજરી આપી નહીં. બીજા જ દિવસથી મુંબઈનાં ગુજરાતી, પારસી છાપાંઓએ તથા અંગ્રેજી પત્ર ‘બૉમ્બે સેન્ટીનલે’ જબરજસ્ત ઝુંબેશ ચલાવી કે નરીમાનને મોટો અન્યાય થયો છે, અને જોકે ધારાસભ્યો શ્રી નરીમાનને ચુંટવા ઈચ્છતા હતા છતાં પણ સરદારે પોતાની લાગવગ વાપરી તથા ધારાસભ્યો ઉપર ગેરવાજબી દબાણ આણી નરીમાનને ચુંટાવા દીધા નથી.

તા. ૧પમી માર્ચે છાપાંજોગું એક નિવેદન બહાર પાડીને શ્રી નરીમાને જણાવ્યું કે,

“ગમે તેમ બન્યું હોય — એક વ્યક્તિના હકો ગમે તેટલા હોય પણ એક કડડ શિસ્તપાલક વફાદાર કૉંગ્રેસી તરીકે બહુમતીનો ચુકાદો આનંદપૂર્વક અને કશા કચવાટ વિના મારે સ્વીકારી લેવો જોઈએ. આ ચૂંટણીથી મારી લાગણી દુભાઈ નથી એમ હું કહું તો એ અપ્રામાણિકતા ગણાય. પણ મારામાં શિસ્તની એટલી ભાવના છે અને જાહેર કર્તવ્યનું મને એટલું ભાન છે કે રાષ્ટ્રીય કાર્યમાં
મારી લાગણીને હું આડે આવવા દઈશ નહીં. એટલે જ્યાં સુધી શ્રી ખેર આપણા પક્ષના ચૂંટાયેલા નેતા છે ત્યાં સુધી પૂરા હૃદયથી અને સાચી નિષ્ઠાથી તેમને સહકાર આપવાની આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ.”

આમાં પોતાને અન્યાય થયાની પોતાની માન્યતાનો ધ્વનિ સ્પષ્ટ દેખાઈ આવે છે.

દિલ્હીમાં કારોબારીની મીટિંગો અને મહાસમિતિની બેઠક તા. ૧૫મી માર્ચથી શરૂ થઈ હતી એટલે ઘણા ધારાસભ્યો દિલ્હીમાં ત્યારથી જ પહોંચી ગયેલા હતા. મુંબઈનાં છાપાંઓનો અનિષ્ટ પ્રચાર જોઈને તા. ૧૬મી માર્ચ મુંબઈ પ્રાંતના તે વખતે ત્યાં હાજર એવા ૪૭ ધારાસભ્યોની સહીથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે,

“અમારા પક્ષના નેતા તરીકે શ્રી ખેરની ચૂંટણી થઈ તે બાબતમાં મુંબઈનાં કેટલાંક વર્તમાનપત્રોમાં સરદાર વલ્લભભાઈની સામે જે બદનક્ષીભરેલો પ્રચાર થઈ રહ્યો છે તથા તેમના ઉપર બિનજવાબદાર અને દ્વેષયુક્ત આક્ષેપ મૂકવામાં આવે છે, તેથી અમને બહુ દુઃખ થાય છે. તા. ૧૨મી માર્ચની ધારાસભાના કૉંગ્રેસ પક્ષની મુંબઈની સભામાં અમે સઘળા હાજર હતા તેમાં શ્રી ખેરને સર્વાનુમતે નેતા ચૂંટવામાં આવ્યા હતા તથા બીજા હોદ્દેદારો નીમવાની સત્તા તેમને આપવામાં આવી હતી. સરદાર તરફથી કોઈ પણ સભ્ય ઉપર કશું ગેરવાજબી દબાણ કરવામાં આવ્યાની વાત તદ્દન બિનપાયાદાર અને બેવજૂદ છે. એટલે અમે કૉંગ્રેસના પ્રમુખને વિનંતી કરીએ છીએ કે એક નિવેદન બહાર પાડીને દેશના રાષ્ટ્રીય જીવનમાં ઝેર ફેલાવતા આ પ્રચારને વખોડી કાઢી બંધ કરાવવા કોશિશ કરે.”

દરમ્યાન શ્રી નરીમાનને અન્યાય થયો છે એવી ફરિયાદોના કેટલાક કાગળો કૉંગ્રેસના પ્રમુખ તથા કારોબારી સમિતિ ઉપર આવ્યા હતા. તે ઉપરથી કારોબારી સમિતિએ આ બાબતની પૂરી તપાસ કરી નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“મુંબઈનાં વર્તમાનપત્રોમાં જે પ્રચાર ચાલી રહ્યો છે તે જોઈને કારોબારી સમિતિને ઘણું આશ્ચર્ય અને દુઃખ થાય છે. આ બાબતમાં કારોબારી સમિતિએ વિગતોમાં ઊતરીને તપાસ કરી છે તથા શ્રી નરીમાનની, તેમના તરફથી બહુ લંબાણથી રજૂ કરવામાં આવેલી બધી હકીકત સાંભળી છે. તે ઉપરથી સમિતિની ખાતરી થઈ છે કે મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષે સ્વતંત્ર રીતે, વિચારપૂર્વક અને સર્વાનુમતે જે ચૂંટણી કરી છે તેમાં વચ્ચે પડવાનું કશું જ કારણ તેને દેખાતું નથી. સમિતિને એ પણ ખાતરી થઈ છે કે પક્ષના નિર્ણય સામે જે પ્રચાર ઉપાડવામાં આવ્યો છે તે તદ્દન બિનપાયાદાર તથા પ્રાંતના જાહેર જીવનને તેમ જ કૉંગ્રેસના કાર્યને નુકસાન પહોંચાડનારો છે. આ સમિતિ તેને વખોડી કાઢે છે. જો સમિતિને એમ માનવાને કારણ જણાયું હોત કે કોઈ પણ માણસના અયોગ્ય વર્તનથી ચૂંટણી ઉપર અસર પડી છે અથવા તો આક્ષેપ મૂકવામાં
આવે છે તેમ સરદાર વલ્લભભાઈ પટેલના ગેરવાજબી દબાણથી નેતાની પસંદગી કરવામાં આવી છે તો જરૂર સમિતિ ફરીથી ચૂંટણી કરવાનો હુકમ કરત. પણ એમ કરવાનું સમિતિને જરા પણ કારણ જણાયું નથી. ધારાસભ્યોના સંમેલન માટે દિલ્હીમાં હાજર એવા ૪૭ સભ્યોએ લેખિત જાહેરાત કરેલી છે કે શ્રી ખેરની પસંદગી સ્વતંત્ર રીતે અને સર્વાનુમતે થયેલી છે. એટલે આ સમિતિ એ ચૂંટણીને બહાલી આપે છે અને વર્તમાનપત્રોને તથા લાગતીવળગતી બીજી વ્યક્તિઓને અપીલ કરે છે કે પોતાને નેતા ચૂંટવાની બાબતમાં સઘળાં દૃષ્ટિબિંદુને વિચાર કરીને પક્ષે કરેલા છેવટના નિર્ણયની સામે પ્રચાર બંધ કરે. અમે એમ માનીએ છીએ કે હજી વધુ પ્રચાર ચાલુ રાખવામાં આવશે તો એનો અર્થ એ થશે કે પક્ષને ધાકધમકીથી બિવડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કૉંગ્રેસના ઉદ્દેશો અને હેતુઓ સાથે જેમની સહાનુભૂતિ છે એવા તમામને અમે વિનંતી કરીએ છીએ કે આ જાતની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું નહીં.”

મુંબઈ પાછા આવ્યા પછી તા. ૨૩મી માર્ચે શ્રી નરીમાને છાપાંજોગું નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,

“રાષ્ટ્રની ઊંચામાં ઊંચી સત્તાએ જે ચુકાદો આપ્યો છે તે મારે છેવટનો ગણવો જોઈએ. જેઓ સાચા અને વફાદાર કૉંગ્રેસીઓ છે તેમણે આ ખેદજનક પ્રકરણને પૂરું થયેલું ગણવું જોઈએ.”

પરંતુ એની સાથે તેઓ એવું કહેતાં પણ ચૂક્યા નહીં કે,

“એક નાની કોમના અદના સેવકને ન્યાય આપવા સારુ તેના આટલા બધા હિંદુ મિત્રો અને પ્રશંસકોએ વિરોધ ઉઠાવ્યો તે મારે માટે બહુ સંતોષ લેવા જેવું છે.”

વર્તમાનપત્રોનો પ્રચાર તો ચાલુ જ રહ્યો. તેમાં શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધનનાં નામ સરદારના સાગરીતો તરીકે બહુ ગવાતાં હતાં એટલે તેમણે તા. ૨૬મી માર્ચે છાપાંજોગું નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,

“અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની મેળે થઈને આ બાબતમાં કશો ભાગ લીધો નથી અને એક પણ મતદાર ઉપર પોતાની લાગવગ વાપરી નથી. કેટલાક સભ્યો તથા મંડળ સાથે ચર્ચા કરતાં અમને પોતાને જ એમ લાગ્યું કે કૉંગ્રેસ જે નવા પ્રયોગનો આરંભ કરે છે તેને સારી રીતે ફતેહમંદ કરવા માટે ધારાસભા પક્ષનો નેતા એવો હોવો જોઈએ કે જે સભ્યોના બહુ મોટા ભાગનો વિશ્વાસ ધરાવતો હોય. આવી રીતે બધાને માન્ય થઈ પડે એવા અમને શ્રી ખેર લાગ્યા. તા. ૧રમીએ સાંજે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાના નેતાને પસંદ કરવા માટે ભેગા થયા હતા ત્યારે લગભગ પંદર સભ્યો સિવાય બીજા તમામ શ્રી ખેરને ચૂંટવાના મતના હતા એટલે એમનું નામ નેતા તરીકે રજૂ કરવામાં આવ્યું અને સૌએ તે સર્વાનુમતે સ્વીકારી લીધું.”

આ બધું થયા છતાં મુંબઈનાં અમુક વર્તમાનપત્રોમાં તો આ ઝેરી પ્રચાર ચાલુ જ રહ્યો. તા. ૧૨મી મેએ શ્રી નરીમાને કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલજીને એક લાંબો કાગળ લખીને જણાવ્યું કે,

“૧૭મી માર્ચની દિલ્હીની કારોબારી સમિતિની બેઠકમાં મને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેં સરદાર વલ્લભભાઈ ઉપર આરોપ મૂકેલો કે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ દેશપાંડે મારફત મહારાષ્ટ્ર તથા કર્ણાટકના ધારાસભ્યોના મતો ફેરવી નાખવા માટે સરદાર જ મુખ્યત્વે જવાબદાર છે. ત્યાં મેં એમ પણ કહેલું કે ચાર દિવસ પહેલાં એટલે તા. ૮મી માર્ચે મહારાષ્ટ્રના ત્રીસ ધારાસભ્યો ચાપાણી માટે ભેગા થયા હતા અને તેમણે મને (શ્રી નરીમાનને) મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ એવું નક્કી કર્યું હતું. તે વાત મરાઠી પત્ર ‘નવાકાળ’માં બહાર પડી અને બીજાં પત્રોમાં પણ આવી. સરદાર વલ્લભભાઈ પટેલના વાંચવામાં એ તા. ૯મી માર્ચે આવી, એટલે તે જ દિવસે અમદાવાદથી તેમણે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ ઉપર નીચે પ્રમાણે તારો કર્યા :
“‘શ્રી શંકરરાવ, પૂનાના હેવાલોથી મને ચિંતા થાય છે. અચ્યુતે અને તમારે મને મુંબઈમાં ગુરુવારે (તા. ૧૨મીએ) મળવું.’
“બીજો તાર ગંગાધરરાવને :
“ ‘મને ગુરુવારે મુંબઈમાં મળો.’
“આ તારો હમણાં મારા હાથમાં આવ્યા છે એટલે સરદાર વલ્લભભાઈના ગેરવાજબી વર્તનનો આ નવો પુરાવો મને હાથ લાગ્યો છે, તે હું તમારા ધ્યાન ઉપર લાવું છું. શ્રી શંકરરાવ, શ્રી ગંગાધરરાવ તથા શ્રી અચ્યુત પટવર્ધન તા. ૧૧મીએ મુંબઈ આવ્યા અને તા. ૧રમીએ મહારાષ્ટ્રના ધારાસભ્યો મુંબઈમાં સરદારગૃહમાં ભેગા થયા ત્યારે સરદારના કહેવાથી મારી વિરુદ્ધ તેમના કાન તેમણે ભભેર્યા. મેં ૧૯૩૪માં વડી ધારાસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને દગો દીધેલો એમ કહી હું ધારાસભાનો નેતા થવાને લાયક નથી એવો પ્રચાર પણ તેમણે કરેલો. આ ખેદજનક અને ન ગમે એવો પ્રસંગ હું ફરી ઉખેળવા ઇચ્છતો નથી. માત્ર તમારી ન્યાયબુદ્ધિને અપીલ કરવા માગું છું કે આ તારમાંથી આટલી ખાતરીલાયક સાબિતી મળવા છતાં તમે હજી શ્રી વલ્લભભાઈનું કહેવું માનો છો ખરા કે આ પ્રકરણમાં તેમનો કશો હાથ નહોતો? બીજા પ્રાંતોમાં તો પ્રાંતિક સમિતિના પ્રમુખો કે બીજા નેતાઓએ ધારાસભાના નેતાની ચુંટણીમાં કશી દખલ કરી નથી. ચૂંટાયેલા ધારાસભ્યના હક્કની એ વાત છે. પણ મુંબઈ પ્રાંતમાં શ્રી વલ્લભભાઈએ ભારે દખલ કરી છે. આ તારો ઉપરથી આપ જોઈ શકશો કે શ્રી વલ્લભભાઈ પટેલની ખોટી રજૂઆતથી દોરવાઈને કારોબારી સમિતિએ મારી સામે અન્યાયી, એકપક્ષી અને કંઈક કઠોર ઠરાવ પસાર કર્યો છે. આ પ્રકરણમાં સરદાર બિલકુલ દોષમુક્ત છે, એવું છાપાંજોગું નિવેદન તેમની ઇચ્છા મુજબ બહાર પાડવાની મેં ના પાડી તેથી એવો ભય રાખવાને મને વાજબી કારણો છે કે તેઓ ભવિષ્યમાં મારી વધુ સતામણી કરશે. તેઓ પાર્લમેન્ટરી સબ કમિટીના ચૅરમૅન છે એટલે મારી ભવિષ્યની પાર્લમેન્ટરી કારકિર્દી તેમની દયા ઉપર રહે એ ન્યાયી નથી.”

એ જ કાગળમાં ફરી પાછું લખ્યું કે,

“જોકે આ પ્રકરણ હું ફરી પાછું ઉખેળવા માગતો નથી, પણ મને જે વધુ પુરાવો મળી આવ્યો છે તેનાથી સંસ્થાના વડા તરીકે તમને વાકેફ કરવા એ મારી ફરજ સમજીને મેં આ તમને લખ્યું છે જેથી આખા પ્રસંગનો સાચો અને ન્યાયી ખ્યાલ તમને આવી શકે.”

તે વખતે પંડિત જવાહરલાલજી બર્મા અને મલાયાની સફરે ગયા હતા એટલે આ કાગળ તેમને ત્યાં મોકલવામાં આવ્યો. દરમ્યાન પેલા બે તારોની ફોટો પ્રિન્ટ મુંબઈના ‘કૈસરે હિંદ’ તથા બીજા પેપરોમાં એવી ટીકા સાથે પ્રસિદ્ધ થઈ કે સરદારે કર્ણાટક તથા મહારાષ્ટ્રના ધારાસભ્યો ઉપર દબાણ વાપર્યું હતું તેનો નિર્ણાયક પુરાવો આ તારો પૂરો પાડે છે. તા. ૯મી જૂને શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધને છાપાંજોગ નિવેદન બહાર પાડીને તારોનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે,

“મહારાષ્ટ્રની પ્રાંતિક સમિતિ તા. ૭મી માર્ચે મળી હતી અને તેણે બહુમતીથી ઠરાવ્યું હતું કે કૉંગ્રેસે હોદ્દા સ્વીકારવા નહીં. પરંતુ મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હોદ્દા સ્વીકારવાના મતના હતા. એટલે બીજે જ દિવસે તા. ૮મી માર્ચે ચાપાણીના મેળાવડામાં ભેગા થઈ અવૈધ રીતે તેમણે હોદ્દા સ્વીકારવાનું ઠરાવ્યું. એટલું જ નહીં પણ વીર નરીમાન મુખ્ય પ્રધાન થાય અને દરેક પ્રાંતના ધારાસભાના સભ્યોની સંખ્યાના પ્રમાણમાં તે તે પ્રાંતના પ્રધાનો રાખવામાં આવે એવું પણ ઠરાવ્યું. પ્રધાનોનાં નામ પણ સૂચવ્યાં. આ વસ્તુ ૯મી જૂનનાં છાપાંઓમાં સરદારના વાંચવામાં આવી એટલે તેમને લાગ્યું કે હજી તો કૉંગ્રેસની મહાસમિતિએ હોદ્દા સ્વીકારવા કે નહીં એ પણ નક્કી કર્યું નથી તે પહેલાં અમુક ધારાસભ્યો હોદ્દા સ્વીકારવાનું ઠરાવે અને તેની વહેંચણી કરવા પણ બેસી જાય તેની વાતાવરણ ઉપર બહુ માઠી અસર થાય. કૉંગ્રેસ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારને લાગ્યું કે આ જાતની બિનજવાબદારીભરી અને હોદ્દાની લાલચભરી ચર્ચાઓ બંધ કરવી જોઈએ. તેથી તેમણે અમને તાર કરીને બોલાવેલા. શ્રી ગંગાધરરાવને પણ એટલા માટે બોલાવેલા કે, જોકે તેઓ કર્ણાટકમાં કામ કરે છે પણ તિલક મહારાજના જૂના સાથી તરીકે અને વયોવૃદ્ધ આગેવાન તરીકે મહારાષ્ટ્રના કાર્યકર્તાઓમાં તેમનું બહુ વજન છે. એટલે અમે ત્રણે થઈને મહારાષ્ટ્રના ધારાસભ્યોને આવી નુકસાન પહોંચાડે એવી ચર્ચા ન કરવાનું સમજાવીએ. તાર કરીને અમને બોલાવવામાં શ્રી નરીમાન વિરુદ્ધ પ્રચાર કરવાનો સરદારનો હેતુ જરા પણ નહોતો.”

તા. ૧૧મી જૂને શ્રી ગંગાધરરાવ દેશપાંડેએ પણ આવી જ મતલબનું નિવેદન બહાર પાડ્યું. પરંતુ મુંબઈનાં વર્તમાનપત્રો એ તો આ તારોનો કાગમાંથી વાઘ કર્યો હતો અને સરદાર ઉપર ચિત્રવિચિત્ર આક્ષેપો કરવા માંડ્યા હતા. જૂનની અધવચમાં જવાહરલાલજી બર્મા–મલાયાના પ્રવાસમાંથી પાછા આવ્યા ત્યારે આ બધા આક્ષેપો અને બિનજવાબદાર પ્રચાર જોઈને તેઓને ભારે આશ્ચર્ય થયું. આ વસ્તુને દાબી દેવા માટે તા. ૧૬મી જૂને અલ્લાહાબાદથી છાપાંજોગું નિવેદન બહાર પાડીને તેમણે તારોનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે,

“આ જાતની વાતો બીજા પ્રાંતના ધારાસભ્યોમાં પણ ચાલતી અમારા જાણવામાં આવેલી અને વર્કિંગ કમિટીમાં અમે નક્કી પણ કરેલું છે કૉંગ્રેસી ધારાસભ્યો હોદ્દા લેવા આતુર છે એ જાતની છાપ લોકોમાં અને સરકારમાં પડે એવી તમામ પ્રવૃત્તિને વખોડી કાઢવી. મેં એ વિશે તે વખતે છાપાંજોગુ નિવેદન પણ બહાર પાડેલું. સરદાર વલ્લભભાઈએ મહારાષ્ટ્રના નેતાઓને તાર કરીને બોલાવેલા તે અમારા આ જાતના નિર્ણયને પરિણામે જ હતું. જે દિવસે તેમણે તારો કરેલા તે જ દિવસે તેમણે મને કાગળ પણ લખેલો કે મહારાષ્ટ્રમાં આવી વાતો ચાલે છે અને તે રોકવા માટે મેં શ્રી ગંગાધરરાવ દેશપાંડે વગેરેને મુંબઈ બોલાવ્યા છે.”

તા. ૧૭મી જૂને શ્રી નરીમાનને તેમણે કાગળ લખ્યો તેમાં આ વસ્તુ સમજાવી. તા. ૧૨ મી મેના શ્રી નરીમાનના કાગળમાં ઉઠાવેલા બીજા મુદ્દાઓનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે,

“તમે છૂપી મીટિંગ અને છૂપા પ્રચારનું લખો છો. એમાં તો તમારી કલ્પનાને બેફામ દોડવા દીધા સિવાય બીજું કશું મને જણાતું નથી. તમે લખ્યું છે તેમાં વસ્તુસ્થિતિને તેના ખરા રૂપમાં જોવાની તમારી વૃત્તિનો અભાવ જણાય છે. તમે લખો છો કે પ્રાંતિક સમિતિના પ્રમુખો ધારાસભા પક્ષના નેતાની ચૂંટણીમાં શું કામ ભાગ લે ? આ વસ્તુ બિલકુલ બરાબર નથી. આખી કૉંગ્રેસ કારોબારીએ અને તેના સભ્યોએ વ્યક્તિગત રીતે આવી ચૂંટણીઓમાં રસ લેવો જ જોઈએ, કારણ આપણી ભવિષ્યની લડતમાં એ વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવવાની છે. એક અંગત બાબતને તમે વધારે પડતી ખેંચી પકડો છો અને કશા સંગીન આધાર વગર જવાબદાર માણસ ઉપર ગંભીર આક્ષેપ મૂકો છો. તમારી ઈચ્છા હોય તો તમારો કાગળ હું કારોબારી સમિતિ આગળ રજૂ કરું. પણ તેમ કરવું તમને કોઈ પણ રીતે મદદરૂપ થાય એમ મને લાગતું નથી.”

ત્યાર પછી લગભગ એક મહિના સુધી શ્રી નરીમાને જવાહરલાલજી સાથે પત્રવ્યવહાર ચલાવીને તેમને બહુ લાંબા લાંબા કાગળ લખ્યા. તા. ૫મી તથા ૮મી જુલાઈના દિવસોમાં વર્ધામાં કારોબારી સમિતિની બેઠક થઈ. મુંબઈનાં છાપાંઓમાં ઝેરી અને ઝનૂની પ્રચાર ચાલુ જ હતો એટલે પંડિત જવાહરલાલે શ્રી નરીમાનની વાત સમજવા માટે તેમને રૂબરૂ બોલાવ્યા. તેમની ફરિયાદ વિષે પૂછતાં શ્રી નરીમાને જણાવ્યું કે દિલ્હીનો નિર્ણય ફરી વિચારાય એવું હું ઈચ્છતો નથી. ત્યારે પંડિત જવાહરલાલજીએ કહ્યું કે ચાર મહિનાથી વર્તમાનપત્રોમાં આ પ્રચાર ચાલી રહ્યો છે માટે તમારા જે કંઈ આક્ષેપો હોય તો મને ચોક્કસ રૂપમાં કહો. શ્રી નરીમાને જવાબ આપ્યો કે હું તુરતાતુરત કહી શકતો નથી, પણ મુંબઈ જઈને મને જરૂર લાગશે તો તમને લખી જણાવીશ. આ વસ્તુ લેખી રૂપમાં રહે એટલા માટે તા. ૮મી જુલાઈએ શ્રી જવાહરલાલે શ્રી નરીમાનને લખી જણાવ્યું કે,

“જોકે તમારા કાગળો બહુ લાંબા હોય છે છતાં તેમાં જરાય સ્પષ્ટતા હોતી નથી. એટલે તમે શું કહેવા માગો છો, તમારે શું જોઈએ છે અને તમારા ચોક્કસ આક્ષેપો શા છે એ સમજવું મને મુશ્કેલ પડે છે. એક તરફથી તમે કહો છો કે તમારી સતામણી થઈ રહી છે અને એ સતામણી સામે તમારે રક્ષણ જોઈએ છે. બીજી તરફથી તમે કહો છો કે આ વસ્તુ ફરી ઉખેળવા હું ઇચ્છતો નથી. વળી પાછા કહો છો કે જો એ ઉખેળવામાં આવે તો મને પૂરી તપાસ મળવી જોઈએ. આ બધું ગોટાળાભરેલું છે. એટલે મારી તમને વિનંતી છે કે આ બાબતમાં તમારી સ્થિતિ શી છે તે તમે મને સ્પષ્ટ જણાવો. બીજું સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજાઓ સામે તમે જે જાતજાતના આક્ષેપો મૂકો છો અને ફરિયાદો કરો છો તેની યાદી તમે મને સ્પષ્ટ અને ચોક્કસ ભાષામાં આપો. આવી યાદી મારી સામે હોય તો જ તમારે શું જોઈએ છે અને અમે શું કરીએ એમ તમે ઇચ્છો છો એ અમને સમજ પડે. આ મારા સવાલોના જવાબો તમે મને આપો તો કારોબારી સમિતિમાં તેના ઉપર વિચાર થઈ શકે.”

કારોબારી સમિતિની બેઠક પૂરી થયા પછી તા. ૯મી જુલાઈએ સરદારે ગાંધીજીની સલાહ અને આગ્રહથી વર્ધાથી નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“મુંબઈ ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણી બાબતમાં વર્તમાનપત્રોમાં દુઃખદ ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી ઇરાદાપૂર્વક અને પ્રયત્નપૂર્વ આ બાબતમાં મેં મૌન સેવ્યું છે. પણ મને લાગે છે કે જનતાની જાણ માટે એક ટૂંકુ નિવેદન કરવાનો સમય મારે માટે આવી લાગ્યો છે.
“શ્રી નરીમાનનું સૂચન એવું છે કે નેતાની ચુંટણીની બાબતમાં મેં ગેરવાજબી લાગવગ વાપરી છે. શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધન જેમની મારફત મેં દબાણ વાપર્યાનું કહેવાય છે. તેમણે આ સૂચનાનો ભારપૂર્વક ઇન્કાર કર્યા છતાં આક્ષેપ ચાલુ જ રાખવામાં આવ્યો છે. જનતા એ પણ જાણે છે કે ધારાસભાના બહુ મોટા ભાગના સભ્યોએ લેખી નિવેદન દ્વારા આ આક્ષેપોનો ઇન્કાર કર્યો છે. હવે મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું કહું છું કે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ચૂંટણીને અસર પહોંચાડી નથી. હકીકત આ પ્રમાણે બનેલી : ૪થી માર્ચની સવારે શ્રી નરીમાન મારે ત્યાં આવ્યા અને ખાનગી મુલાકાતની માગણી કરી. હું તો તે જ વખતે તેમની સાથે વાત કરવા તૈયાર હતો. પણ એમની સૂચનાથી એવું ગોઠવવામાં આવ્યું કે અમારે સાંજે વરલી ઉપર ફરવા જવું. તે મુજબ પોતાની ગાડીમાં તેઓ મને વરલી લઈ ગયા. ત્યાં પોતાને નેતા ચૂંટવામાં મદદ કરવાની તેમણે મારી પાસે માગણી કરી. મેં કારણો આપી તેમને જણાવ્યું કે હું તેમને મદદ કરી શકું એમ નથી. સાથે સાથે એ પણ જણાવ્યું કે તેમની વિરુદ્ધ હું કોઈના ઉપર પણ અસર પહોંચાડીશ નહીં.

“શ્રી નરીમાનની વિરુદ્ધ ધારાસભ્યો ઉપર અસર પહોંચાડવાની મેં ચળવળ કરી એમ બતાવવા માટે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ દેશપાંડે ઉપર મેં કરેલા તારોનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું સારું છે કે એ બંને ગૃહસ્થોએ એ તારોનો સંબંધ શ્રી નરીમાન સાથે હોવાનો ઇનકાર બહાર પાડ્યો છે. શ્રી નરીમાન તેમ જ લોકો જાણે છે કે જ્યારે જ્યારે મને લાગ્યું હોય કે અમુક કામ માટે શ્રી નરીમાન યોગ્ય છે ત્યારે તેવાં જવાબદારીનાં કામ મેં શ્રી નરીમાનને સોપેલાં છે. તેમની સામે અથવા તો બીજા કોઈની સામે મારે અંગત દ્વેષભાવ હોઈ શકે નહીં. શ્રી નરીમાન નેતા ન ચૂંટાયા એની પાછળ કોમી ખ્યાલ હતો એવું જે સૂચન કરવામાં આવ્યું છે તે તો તદ્દન જૂઠું અને ઝેરી ભાવવાળું છે. મને આનંદ થાય છે કે શ્રી નરીમાન પોતે કબૂલ કરે છે કે આ બાબતમાં કોઈ પણ જાતનો કોમી ભાવ નહોતો.
“ગાંધીજીએ મારી વતી શ્રી નરીમાનને કહ્યું છે કે મારી સામેની ફરિયાદોની તપાસ નિષ્પક્ષ પંચ સમક્ષ કરવામાં આવે. ગાંધીજીની એ સુચનાને હું વધાવી લઉં છું.”

સરદારે આ નિવેદન બહાર પાડ્યું એટલે શ્રી નરીમાને વળી પાછાં છાપાંમાં નિવેદનો વરસાવવા માંડ્યાં. એટલે તા. ૧૪મી જુલાઈએ ગાંધીજીએ શ્રી નરીમાનને નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“તમારું છેલ્લું નિવેદન મેં હમણાં જ જોયું. તેથી મને આશ્ચર્ય થાય છે અને દુઃખ પણ થાય છે. તપાસ પડતી મૂકવાની સલાહ કોણે તમને આપી તે હું જાણતો નથી. કારોબારી સમિતિ તપાસ કરે એ તમારે જ જોઈતું નહોતું કારણ તમારા પોતાના જ શબ્દોમાં કહીએ તો તમને લાગતું હતું કે તેના પોતાના જ સભ્યો તેમાં સંડોવાયેલા હોઈ તેની તપાસ તે નિષ્પક્ષપણે કરી શકે નહીં. એટલે મેં તમને કહ્યું કે મને સરદાર તરફથી ખાતરી મળી છે કે કારોબારી સમિતિને વચમાં આણ્યા સિવાય તમને નિષ્પક્ષ તપાસ મળી શકશે. કારણ તમારી ફરિયાદ કારોબારી સમિતિ સામે નથી પણ તેના અમુક સભ્યો સામે છે. જો એ સભ્યો તપાસની હા પાડતા હોય તો કારોબારીને કશો વાંધો હોઈ શકે નહીં. હવે તમે તો તમારાં નિવેદનોમાં બે જુદી જ વાતો લાવ્યા છો. એમાં રહેલી અસંગતતા તમે જોઈ શકતા નથી ?
“વળી સરદારના નિવેદનથી તમે ગુસ્સે થયા હોય એમ લાગે છે. હકીકત તો એ છે કે મારા ખૂબ આગ્રહને લીધે તેમણે એ નિવેદન બહાર પાડ્યું છે. મને જ લાગ્યું કે લોકો પ્રત્યે તેમ જ તમારા પ્રત્યે તેમની ફરજ હતી કે તેમણે નિવેદન બહાર પાડવું. એ નિવેદનને લીધે, આગ્રહપૂર્વક કહેલી અમુક વસ્તુઓથી તેઓ બંધાઈ જાય છે. તેની સામે તમારો વાંધો હોય અને તમારી પાસે પુરાવો હોય તો તમારું કામ બહુ સરળ થઈ જાય છે. સરદારને તમે ફરવા લઈ ગયા એ બાબતમાં મારા ઉપર તો તમે એવી છાપ પાડી છે કે તમે એમની મદદની માગણી કરેલી. મને મળેલી માહિતી ખરી હોય તો તમે બીજાઓ પાસે પણ મદદની માગણી કરેલી. અને એમ કરો તેમાં શું ખોટું છે? સરદારના નિવેદનના જવાબમાં તમે જે પહેલું નિવેદન બહાર પાડ્યું છે તેમાં આ વસ્તુ તમે લગભગ
સ્વીકારી લીધી છે. તેમ છતાં તમારો આક્ષેપ જો એવો હોય કે સરદાર જૂઠું બેલે છે તો તમારી વાત સાબિત કરવાની જવાબદારી તમારા ઉપર આવી પડે છે. યાદ રાખો કે આ બાબતમાં તમે ફરિયાદી અથવા તો વાદી છે. એટલે તમારી ફરિયાદ અથવા તો દાવા અરજી તમે કાળજીપૂર્વક ઘડી કાઢો અને એક અથવા વધારે પંચ જે રાખવાં હોય તેનાં નામ મને આપો.
“દરમ્યાન છાપાઓમાં નહીં દોડી જવાની મારી તમને આગ્રહપૂર્વક સલાહ છે. બંને પક્ષને માન્ય એવા મુદ્દાઓ ઉપર, બંને પક્ષને માન્ય એવા પંચને ચુકાદો આપવા દો. ત્યાર પછી છાપાઓમાં એક ટૂંકુ નિવેદન આપી શકાશે.”

શ્રી નરીમાનને તપાસ જોઈતી હતી ખરી પણ કારોબારી સમિતિની ઉપરવટ થઈને પોતે તપાસ માગે છે એવો દેખાવ થાય એ તેઓ ઈચ્છતા ન હતા. એટલે તેમણે મહાસમિતિના મંત્રી આચાર્ય કૃપાલાનીજીને તા. ૧૬મી જુલાઈએ કાગળ લખીને પુછાવ્યું કે મારા વર્ધા છોડ્યા પછી સ્વતંત્ર તપાસની જે સૂચના કરવામાં આવી છે તેને કારોબારી સમિતિની મંજૂરી અથવા પસંદગી છે કે કેમ તે મને જણાવો. તા. ૧૯મી જુલાઈએ આચાર્ય કૃપાલાનીજીએ શ્રી નરીમાનને જે જવાબ આપ્યો તેમાં કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલજી સાથે શ્રી નરીમાને ચલાવેલા લાંબા પત્રવ્યવહારનો બધો સાર આવી જાય છે. તેમણે જણાવ્યું કે,

“કારોબારી સમિતિએ તમને કશી સુચના કરી નથી. પણ સરદાર વલ્લભભાઈએ કારોબારી સમિતિ પૂરી થયા પછી જે નિવેદન બહાર પાડ્યું છે તેની જો તમે વાત કરતા હો તો એની સાથે કારોબારી સમિતિને કાંઈ નિસબત નથી. એટલે એ વિષે હું તમને કાંઈ કહી શકું નહીં. કારોબારીની સ્થિતિ મારી સમજ પ્રમાણે આ છે : તમે પ્રમુખને ઘણા કાગળો લખીને સરદાર વલ્લભભાઈ અને બીજાઓ ઉપર અનેક જાતના આક્ષેપો કર્યા છે. સાથે સાથે એમ પણ કહેતા રહ્યા છો કે આ બાબત ફરી ખોલવા તમે ઇચ્છતા નથી. તેની સાથે ઉમેરો છો કે જો ખોલવામાં આવે તો તમારી માગણી સ્વતંત્ર પંચ મારફત તપાસ કરાવવાની છે. તમારા કાગળોમાંથી તમારે શું જોઈએ છે અથવા તમારી ચોક્કસ ફરિયાદો શી છે તે સ્પષ્ટ થતું નથી. એટલે વર્ધામાં પ્રમુખે તમને વિનંતી કરી કે ચોક્કસ અને સ્પષ્ટ ભાષામાં તમારા આક્ષેપો તમે ઘડી કાઢો, જેથી કારોબારી સમિતિ એના ઉપર વિચાર કરી શકે. જરૂર લાગશે તો મુંબઈ ગયા પછી આક્ષેપો ઘડી મોકલવાનું તમે કહ્યું, એટલે કારોબારી સમિતિ પાસે અત્યારે વિચાર કરવા જેવી કોઈ પણ બાબત નથી. જ્યાં સુધી તકરારનો મુદ્દો શો છે તે નક્કી ન થાય ત્યાં સુધી પંચની નિમણૂક શી રીતે થઈ શકે ? વળી તમે એટલું તો જાણતા જ હોવા જોઈએ કે કૉંગ્રેસની કારોબારી સમિતિના ઠરાવ ઉપર ફરી તપાસ કરવા સ્વતંત્ર પંચની માગણી કરવી એ કૉંગ્રેસની તવારીખમાં એક તદ્દન નવી જ વસ્તુ છે. આવી જાતનો એક પણ દાખલો બન્યાનું મારી જાણમાં નથી. કૉંગ્રેસીઓ માટે તો કારોબારી સમિતિ એ છેવટની સત્તા છે. પોતાની અંગત તકરારો હોય તો તે વિષે ન્યાય મેળવવા લોકો અદાલત પાસે અથવો લવાદી પંચ પાસે જાય છે.”

સરદારના નિવેદન પછી શ્રી નરીમાને ઉપરાઉપરી જે નિવેદન કાઢ્યાં તથા વર્તમાનપત્રોમાં બીજો પ્રચાર ચાલ્યો તે જોઈને સ્વતંત્ર રીતે જોતાં ૧૬મી જુલાઈએ પંડિત જવાહરલાલજીએ શ્રી નરીમાનને લખ્યું કે,

“હું જોઉં છું કે તમે ફરી પાછી ઝનૂની ચર્ચા ઉપાડી છે. તમારા પક્ષનાં વર્તમાનપત્રો તો જાણે બધાનું લોહી પીવા તૈયાર થયાં છે. મને તો આવી નકામી બાબતમાં જરાયે રસ નથી. પરંતુ વર્ધામાં જે બન્યું તે બાબત તમારા નિવેદનમાં જે મજકૂર તમોએ જણાવ્યો છે તે હકીકતથી વેગળો છે. તમે લખો છો કે તપાસની માગણી તમે બિલકુલ છોડી દીધી છે. મારા ઉપર આવી છાપ પડી નથી. વળી મારી સાથે ચાલેલો પત્રવ્યવહાર મારા કહેવાથી બહાર ન પાડવાનો તમે વિચાર રાખ્યો છે એવું તમે કહો છો. મેં તો તમને તારથી જણાવ્યું હતું કે તમે બધો પત્રવ્યવહાર છપાવી શકો છો. ફરીથી પાછો કહું છું કે તમે પત્રવ્યવહાર છપાવો એમાં મને લવલેશ વાંધો નથી.

“ કારોબારી સમિતિ સિવાયના બીજા નિષ્પક્ષ તટસ્થ પંચની માગણી તમે કરો છે એ વિશે મારા વિચારો તમે જાણો છો. હું માનું છું કે કોઈ પણ કોંગ્રેસીને માટે આવી માગણી કરવી એ ખાટું અને ગેરવાજબી છે. આવી નજીવી અંગત બાબત વિષે મુંબઈનાં છાપાંમાં પાનાં ને પાનાં ભરીને લખાણ આવ્યા કરે એ જ મારી સમજમાં તો ઊતરતું નથી. દેશ આગળ અતિશય મહત્ત્વના પ્રશ્નો જે વખતે પડેલા છે તે વખતે છાપાંઓ આવા વિષય પાછળ મંડે તેથી મારી વિવેકબુદ્ધિ અને તારતમ્યબુદ્ધિને આઘાત પહોંચે છે. શું કામ તમે આ બાબતની પાછળ પડ્યા છો તે હું તો હુજી સમજી શકતો નથી. પણ તેની સાથે મારે કશી લેવાદેવા નથી. મને એમ લાગે છે ખરું કે મુંબઈનાં છાપાંઓમાં ફરી ફરીને આ નજીવી બાબતની ચોળાચોળ થાય છે અને તમે પણ એક તરફથી વારંવાર આક્ષેપો મૂકો છે અને બીજી તરફથી પાછા કહો છો કે મારી કશી માગણી નથી, આ બધું જોતાં એક વાર આ બાબતની તપાસ થઈ જાય અને વસ્તુનો છેવટનો નિકાલ આવે એ ઠીક થશે. એ વસ્તુ હું પૂરેપૂરી સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે તપાસની વાત તમે છોડી દો એવી હું તમને જરાય વિનંતી કરતો નથી. કમનસીબે કારોબારી સમિતિ ઉપર તમારો વિશ્વાસ રહ્યો નથી. તો પછી હું તો તમને કહું કે પ્રિવિ કાઉન્સિલમાં જાઓ અથવા લીગ ઍફ નેશન્સ પાસે જાઓ, અથવા તો જેના ઉપર તમારો વિશ્વાસ હોય એવા કોઈ પણ લવાદી પંચ પાસે જાઓ.”

પંડિત જવાહરલાલજીના આવા કડક કાગળ પછી શ્રી નરીમાને તેમને તો છોડ્યા, પણ ગાંધીજીને લાંબા લાંબા કાગળો તેઓ લખતા જ રહ્યા. એટલે તા. ર૭મી જુલાઈએ ગાંધીજીએ શ્રી નરીમાનને સાફ સાફ લખ્યું કે,

“તમારા જે આક્ષેપો હોય તે તમે ચોક્કસ ઘડી કાઢો. છાપાંઓમાં ચાલતા પ્રચાર બાબત મને લાગે છે કે તમે એ વસ્તુને નાપસંદ કરતા નથી. મારા અભિપ્રાય પ્રમાણે તો એ એક પ્રકારની બળજબરી જ છે. કોઈ પણ નેતા પોતાનું પ્રધાનમંડળ રચે એમાં પોતાના સાથી તરીકે અમુકને લેવા માટે શું તે બંધાયેલો જ છે? લોકો ગમે તે કહે પણ હું તમને કહું છું કે જે રીતે પ્રચાર ચાલી રહ્યો

છે તે રીતે ચાલવા દઈને તમે તમારા સાચા મિત્રોને તમારાથી વિમુખ કરો છે. તમે જો કારોબારીનો નિર્ણય સ્વીકારી લીધો હોય તો તમારે સાફ સાફ એમ કહી દેવું જોઈએ અને સરદારને તમારી સામે ગેરવાજબી રીતે પોતાની લાગવગ વાપર્યાના આક્ષેપમાંથી મુક્ત કરવા જોઈએ. પણ એ વસ્તુ તમે કરતા નથી, તો સરદારની સામેનો તમારો આક્ષેપ તમારે સાબિત કરવો જોઈએ. બંનેની પસંદગીના પંચ આગળ હાજર થવાની તેઓ જ્યારે સૂચના કરે છે ત્યારે આ ચળવળ જે તમને અને તમને એકલાને જ નુકસાન પહોંચાડી રહી છે તે બંધ કરવાને તમે ન્યાયથી બંધાયેલા છો. હું તમને આટલું નિખાલસપણે લખું છું તેનો અર્થ એ ન કરશો કે હું તમારી સામે ભરમાયેલો છું. મારું નિખાલસપણું એ તો મારી શુભેચ્છાનો પુરાવો છે. મારા ઉપર દરરોજ લોકોના કાગળ આવે છે કે તમે આમાં વચ્ચે પડો અને જાહેરમાં તમારો અભિપ્રાસ આપો. હું એ બધાને કહું છું કે હું તમારી સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યો છું. મારા કાગળો તમે કોઈને પણ બતાવો તેમાં મારા તરફથી કશો વાંધો નથી.”

આમ છતાં તા. ૨૮મી જુલાઈએ શ્રી નરીમાને વળી એક નિવેદન બહાર પાડ્યું, એટલે તા. ર૯મીએ ગાંધીજીએ તેમને લખ્યું કે,

"તમે તો ભારે વિચિત્ર જણાઓ છે. મારી સાથે પત્રવ્યવહાર ચલાવો છો ત્યાં સુધી પણ તમારાથી રાહ જોવાતી નથી. તમારા આ છાપાંજોગા કાગળથી મને જાહેર નિવેદન કરવાની ફરજ પડશે. બને ત્યાં સુધી એ હું ટાળવા ઇચ્છું છું. કારોબારી સમિતિએ પંચ નીમવાની ના કહી જ નથી. તેમણે તો તમને એમ કહ્યું છે કે પંચ નીમવું કે નહીં એનો તેઓ વિચાર કરી શકે એટલા માટે તમારે તહોમતનામું ઘડીને તેમને આપવું જોઈએ.”

આના જવાબમાં શ્રી નરીમાને ૩૦મી જુલાઈએ જણાવ્યું કે,

હું બહુ કઠણ પરિસ્થિતિમાં મુકાયેલો છું. એક તરફથી મારા ઉપર પાર વગરનું દબાણ લાવવામાં આવે છે કે તમારે આ વસ્તુને છોડી દેવી જોઈએ. બીજી તરફથી જે જે ગૃહસ્થોને હું પંચ થવા કહેવા જાઉં છું તે પણ મને સલાહ આપે છે કે આ વસ્તુ તમારે પકડી રાખવા જેવી નથી.”

ગાંધીજીએ તેમને સલાહ આપી કે,

તમારે તપાસ ન જોઈતી હોય તો મનમાં કોઈ પણ જાતની ગાંઠ રાખ્યા વિના તમારે સાફ સાફ એમ કહેવું જોઈએ. બીજાઓ તમને તપાસ છોડી દેવાનું કહે છે એમ કહેવાનો કશો અર્થ નથી. મને તમારું નિવેદન જરાય ગમ્યું નથી. ભલે અજાણતાં હોય, પણ દેશના કામને તમે કેટલું નુકસાન કરી રહ્યા છો એનો તમને ખ્યાલ નથી. તમે કહો છો કે સરદાર તો મારા લેફ્ટનન્ટ છે, ત્યારે તમે શું ઓછા લેફ્ટેનન્ટ છો ? બેમાં ફેર એટલો છે કે જ્યારે હું તેમનાથી જુદો મત ધરાવું છું અથવા તેમની ભૂલો બતાવું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ ભરમાઈ જતા નથી. તમને તો તમારી ભૂલો બતાવું ત્યારે જરાય ધીરજ રહેતી નથી. કારોબારી સમિતિના બધા સભ્યો કાંઈ તમારા દુશ્મન નથી. છતાં બધાની સામે તમે મનમાં કચવાટ સેવ્યાં કરો છો. મારી સામે પણ તમે ભરમાયેલા હોવા છતાં

હું તમને એટલું માનવાનો આગ્રહ કરું છું કે આ બાબતમાં તમારા હિતચિંતક મિત્ર તરીકે હું વર્તવા ઇચ્છું છું.”

ગાંધીજીની આવી સલાહ હોવા છતાં તા. ૩૧મી જુલાઈએ તિલક મહારાજની પુણ્યતિથિને દિવસે એક લાંબું નિવેદન બહાર પાડીને શ્રી નરીમાને જણાવ્યું કે,

“તિલક મહારાજનો હું શિષ્ય છું અને એ રીતે કૉંગ્રેસના વફાદાર સેવક તરીકે હું જાહેર કરું છું કે મુંબઈ ધારાસભાના નેતાની ચૂંટણી બાબતમાં ગયા માર્ચ માસમાં દિલ્હીમાં મળેલી કારોબારી સમિતિએ જે ચુકાદો આપ્યો છે તેને હું છેવટનો ગણું છું અને એ ચુકાદાને તાબે થાઉં છું. હું કોઈ પણ તપાસ કે પંચની માગણી કરતો નથી.”

એક તરફથી આ પ્રમાણે કહી એ જ નિવેદનમાં આગળ જણાવ્યું કે,

“ પણ એક વસ્તુ હું સાફ સાફ કહેવા માગું છું. મારા અંગત ચારિત્ર્યનો અને મારી આબરૂનો કોઈ પણ ભોગે બચાવ કરવાનો મારો હક હું અનામત રાખું છું. મારી આબરૂને મારા જીવનનું કીમતીમાં કીમતી ધન હું ગણું છું. તેના ઉપર પાયા વિનાનો અને નામર્દાઈ ભરેલો હુમલો થાય તે હું સહન કરી શકું તેમ નથી. મારી ઠીક ઠીક લાંબી કૉંગ્રેસની કારકિદી સાફ અને સ્વચ્છ છે. બારીકમાં બારીક તપાસમાં તે ટકી શકે તેમ છે. મારા કટ્ટરમાં કટ્ટર દુશ્મનને હું પડકાર આપું છું કે મારી પીઠ પાછળ છુપો પ્રચાર ચલાવવાને બદલે પોતાની પાસે જે કંઈ સાબિતી હોય તે લઈને મારી સામે ખુલ્લા મેદાનમાં હાજર થાય. જાહેર તપાસ અથવા તો પંચ સમક્ષ ખડો થવાને હું તયાર છું.”

ગાંધીજીએ આ નિવેદન જોઈ ને તા. ૧લી ઓગસ્ટે શ્રી નરીમાનને લખ્યું કે,

“તમારા નિવેદનને લીધે આ પ્રકરણની મારા ઉપર પડેલી છાપ બહાર પાડવાની મને ફરજ પડે છે. હું આશા રાખું છું કે તમને કશો વાંધો નહીં હોય. વાંધો હોય તો મને તારથી જણાવો.”

વિશેષમાં ઉમેર્યું કે,

“તમારું વર્તન ભારે મૂંઝવણ ઊભી કરે એવું છે. એટલે હું નિવેદન બહાર પાડું તે પહેલાં તમને એક સૂચના કરું છું. તમારા તમામ આક્ષેપો હું તપાસી જવા તૈયાર છું. જો મારી ખાતરી થાય કે સરદાર તરફથી તમને અન્યાય કરવામાં આવ્યો છે તો હું સાફ સાફ એ પ્રમાણે કહીશ. અને અન્યાયને લીધે તમને થયેલું નુકસાન દુરસ્ત કરવાને એક મનુષ્યથી થઈ શકે તે બધો પ્રયત્ન કરીશ. પણ જો મારો નિર્ણચ તમારી વિરુદ્ધ થાય અને એ નિર્ણયથી તમને સંતોષ ન થાય તો હું સર ગોવિંદરાવ મડગાંવકર અથવા શ્રી બહાદુરજી આગળ મેં નોધેલો બધો પુરાવો રજૂ કરી દઈશ અને મારા નિર્ણયની ફરી તપાસ કરવા તેમને વિનંતી કરીશ. જો એમનો ચુકાદો પણ તમારી વિરુદ્ધ આવે તો સરદારને, બીજા સાથીઓને તથા જનસમાજને તમે જે અન્યાય કર્યો છે તે બદલ માફી માગવાની અને તમારી નબળાઈનો સંપૂર્ણ અને નિખાલસ એકરાર

કરવાની તમને તક આપવામાં આવશે. તપાસની કારવાઈ મારા પૂરતી તો જાહેર નહીં થાય પણ તમારે જાહેર કરવી હોય તો મારા તરફથી કશો વાંધો નહીં હોય. કારોબારી સમિતિ અને તમારા મિત્રો શું ધારશે એની ચિંતા ન કરો. તેમને આ વિષે ખબર પડવા દેવાની પણ કશી જરૂર નથી. પણ મારી સૂચનાઓમાંથી કશું જ તમને માન્ય ન હોય તો હું તમને એટલું તો જણાવું કે અત્યાર સુધીમાં જે માહિતી મને મળી છે તે તમારી વિરુદ્ધ જાય છે. આ પ્રકરણમાં પડવાની મારી જરાયે ઇચ્છા નહોતી, પણ તમે મને તેમાં નાખ્યો છે. એટલે તમારે તપાસ જોઈતી જ હોય તો તમારું તહોમતનામું ધરીને મોકલો અને તમે જે પુરાવા રજૂ કરવા માગતા હો તેની તપસીલ પણ આપો.”

આ કાગળ શ્રી નરીમાનને મળતાં જ તેમણે ગાંધીજીને તાર કર્યો કે,

“તમારા મન ઉપર પડેલી એકતરફી છાપ તમે બહાર પાડો તેની સામે મારો સખત વાંધો છે. બીજા પક્ષને પોતાનો ખુલાસો આપવાની તક તમારે આપવી જોઈએ. કાગળ લખું છું.”

કાગળમાં તો શ્રી નરીમાને ગાંધીજીને પણ છોડ્યા નહીં. તેમણે લખ્યું :

“તમારા છેલ્લા કેટલાક કાગળોમાં તમારા મન ઉપર પડેલી છાપ બહાર પાડવાની તમે ધમકી આપી રહ્યા છો. મારા વર્તન વિષે જે છાપ તમને પડી હોય તે તમે લોકો સમક્ષ મૂકો એ પહેલાં એ છાપ શી છે તે જાણવાનો મને અધિકાર નથી? મહાત્મા જેવી મહાન વ્યક્તિ, જે સત્ય અને અહિંસાના પીર ગણાય છે, તે એક માણસને ગુનેગાર ઠરાવે તે પહેલાં એ માણસને ખુલાસો આપવાના અને બચાવ કરવાના પ્રાથમિક હકનો પણ ઇન્કાર કરે એ વસ્તુ મારા સમજવામાં પણ આવતી નથી. તમારે મને જાહેર જીવનમાંથી હડસેલી મૂકવો હોય તો મને સાફ સાફ એમ જણાવી દો, જેથી કરીને હું ઉપેક્ષાના ગર્તમાં નિવૃત્ત થઈ જાઉં અને તમે જે માણસને મારા કરતાં સારો ગણતા હો તેને માટે જગ્યા કરી આપું. પણ આ ત્રાસ હું સહન કરી શકતો નથી. હું તમને છેવટની અપીલ કરું છું કે મારી સામે તમારા દિલમાં એવું તે શું ઝેર રેડવામાં આવ્યું છે જેથી મારી સામે તમે આવા પથ્થર જેવા કઠણ બન્યા છો, તે તો મને જણાવો? મારી પૂરેપૂરી ખાતરી છે કે દરેક મુદ્દા ઉપર હું તમને સંતોષ આપી શકીશ અને મને તક આપવામાં આવશે તો એ ઝેરને તમારા દિલમાંથી હું કાઢી શકીશ. મારી આટલી આર્જવભરી વિનંતી છતાં મારે વિષેની તમારી છાપ તમે બહાર પાડશો જ તો તે વિશેનો મારો ખુલાસો જાહેરમાં આપવાને માટે હું મને મુક્ત ગણીશ. એનું અનિવાર્ય પરિણામ એ આવશે કે આ ચર્ચા વધારે મોટા ભડકા સાથે, ફરી ભભૂકી ઊઠશે.”

આ કાગળ મળ્યા પહેલાં ગાંધીજીએ તા. ૨જી એ શ્રી નરીમાનને કાગળ લખીને સૂચવેલું કે,

“‘૩૪ની ચૂંટણી અને ‘૩૭માં નેતાની ચુંટણી એ મુદ્દા ઉપર હું અને શ્રી બહાદુરજી લવાદી કરવા તૈયાર છીએ. તે તમને માન્ય છે કે નહીં તે તારથી જણાવો.”

શ્રી નરીમાને એનો તા. ૪થીએ તારથી જવાબ આપ્યો કે,

“બંને મુદ્દાઓ ઉપર તમારા અને બહાદુરજીનો નિર્ણય હું સ્વીકારી લેવા તૈયાર છું.”

પછી તા. ૬ઠ્ઠી ઓગસ્ટે શ્રી નરીમાને ગાંધીજીને કાગળ લખીને કેટલીક વધુ સ્પષ્ટતા માગી. એક વસ્તુ તેમણે એ કહી કે,

“કારોબારી સમિતિના નિર્ણય ઉપર આવી રીતે હું પંચ સ્વીકારું તેનો અર્થ એ થાય કે કારોબારીના ઠરાવની હું અવજ્ઞા કરું છું. માટે ભવિષ્યમાં આવી કોઈ જાતની ગેરસમજ ન થવા પામે તે માટે તમે જે કાર્ય પદ્ધતિ સૂચવી છે તે માટે કૉંગ્રેસના પ્રમુખની મંજુરી અથવા પસંદગી મેળવી આપો. બીજી વાત એ છે કે આ તકરારમાં બહુ ઊંચું અને સત્તાવાળું સ્થાન મેળવનારા માણસો સંડોવાયેલા હોઈ સાક્ષીઓને ખાતરી મળવી જોઈ એ કે તેમને કોઈ પણ જાતની પજવણી કરવામાં આવશે નહીં. આવી ખાતરી ન મળે તો તપાસને ગૂંગળાવી નાખવામાં આવે અને પૂરું સત્ય શોધી કાઢવું મુશ્કેલ પડે.”

તા. ૮મી ઑગસ્ટે કાગળ લખીને ગાંધીજીએ શ્રી નરીમાને કરેલી બંને માગણીઓની નરીમાનને ખાતરી આપી. પરિણામે તા. ૧૦મી ઓગસ્ટે પંડિત જવાહરલાલજીએ કાગળ લખીને શ્રી નરીમાનને જણાવ્યું કે કારોબારી સમિતિને તટસ્થ તપાસ બાબત કશો વાંધો નથી. શ્રી નરીમાને તા. ૧૨મી તારીખે ગાંધીજીને તાર કરીને જણાવ્યું કે,

“મારા પુરાવા રજૂ કરતાં મને થોડો વખત લાગશે.”

એટલે ગાંધીજીએ શ્રી નરીમાનને તારથી જવાબ આપ્યો કે,

“તમારે કેટલો વખત જોઈશે તે મને જણાવો. કારણ ‘બૉમ્બે સેન્ટીનલ’ અને ‘મુંબઈ સમાચાર’માં લખાણો આવ્યા કરે છે અને તેઓ મને આગ્રહ કરે છે. કે આ વસ્તુ ખરી છે કે ખોટી તેનો તમે જવાબ આપો. એટલે મારે નિવેદન કાઢવું એ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. તો સૂચવું છું કે આપણી વચ્ચે ચાલેલો બધો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કરવામાં આવે. તમારી શી ઇચ્છા છે?”

તા. ૧૩મી ઑગટે ગાંધીજીએ પોતાનું નિવેદન બહાર પાડ્યું તેમાં જણાવ્યું કે,

“નરીમાન પ્રકરણ બાબતમાં મેં જે ભાગ લીધો છે તે વિષે છાપાંઓમાં બહુ વિકૃત અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આ પ્રકરણની આસપાસ ઝેરી પ્રચાર ચાલી રહ્યો છે. મેં લીધેલા ભાગ વિષે તો મેં શ્રી નરીમાનને ૧લી ઓગસ્ટે જે કાગળ લખ્યો છે તે જ અહીં આપીશ. તેથી બધો ખુલાસો થઈ જશે” (એ કાગળનો સાર આગળ અપાઈ ગયો છે).

ગાંધીજીએ પોતાના નિવેદનમાં ઉમેર્યું કે,

“આ કાગળ લખાયા પછી મારી અને શ્રી નરીમાન વચ્ચે વિશેષ પત્રવ્યવહાર થયો છે. આજે મને તેમનો તાર મળ્યો છે કે તપાસના બંને મુદ્દા ઉપર પોતાનો પુરાવા તેઓ પાંચ દિવસમાં રજૂ કરશે. હું પાંચ દિવસ રાહ જોઈશ. ત્યાર પછી
મેં માથે લીધેલા કામે વળગી જવામાં જરાય વિલંબ કરીશ નહીં. આ બાબતમાં હજી સુધી બહાદુરજીને મેં કશી તકલીફ આપી નથી. પણ જો મારો નિર્ણય શ્રી નરીમાનની વિરુદ્ધ આવશે અને નરીમાનને તેથી સંતોષ નહી થાય તો તરત જ હું બહાદુરજીને વિનંતી કરીશ કે મારી સમક્ષ ૨જૂ થયેલો પુરાવો અને મારા ચુકાદો તેઓ ફરી તપાસી જાય.
“એવું સૂચવવામાં આવે છે કે અત્યારે મેં જે કર્યું તે આ કમનસીબ ચર્ચા પહેલી ઊપડી ત્યારે જ મારે કરવું જોઈતું હતું. મારી અને શ્રી નરીમાન વચ્ચે થયેલ બધો પત્રવ્યવહાર આ તબક્કે પ્રગટ કરવાને હું સ્વતંત્ર નથી. પણ હું એટલું કહી શકું એમ છું કે તેઓ ઇચ્છે તો તેમને સ્વતંત્ર તપાસ મળવી જોઈએ એમ હું પહેલેથી માનતો હતો. એ વસ્તુ શ્રી નરીમાને પણ કબૂલ કરી છે. એટલે જે કાંઈ બન્યું તે મદદ કરવાની મારી બેદરકારી અથવા નામરજીને લીધે બન્યું નથી. અત્યાર સુધી હું મૂંગો રહ્યો છું તે કેવળ નરીમાનના હિતને અર્થે જ છે. અમારી વચ્ચે ચાલેલા જે પત્રવ્યવહારનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાંથી એ વસ્તુ પુરવાર થઈ શકે એમ છે. અમારો ચુકાદો બહાર પડે ત્યાં સુધી મુંબઈનાં વર્તમાનપત્રોને આ ચળવળ બંધ રાખવાની હું અપીલ કરું છું અને જનતાને પણ વિનંતી કરું છું કે તેઓ કશો અભિપ્રાય બાંધે નહીં.”

ગાંધીજીએ આ નિવેદન બહાર પાડ્યું એટલે તા. ૧૪મી ઑગસ્ટે શ્રી નરીમાને તાર કર્યો કે,

“તમારા છાપાંજોગા કાગળનો જવાબ આપવાની મને રજા આપો.”

ગાંધીજીએ તારથી જવાબ આપ્યો કે,

“તમારા હિતની ખાતર તમે કશું ન લખો એમ ઇચ્છું છું પણ છેવટનો નિર્ણય તમારી ઉપર છોડું છું.”

તા. ૧પમી ઑગસ્ટે ગાંધીજીને લાંબો કાગળ લખીને નરીમાને જણાવ્યું કે,

“જો પંચનો ચુકાદો મારી વિરુદ્ધ જાય તો મારી નબળાઈનો મારે સંપૂર્ણ અને નિખાલસ એકરાર કરવો અને જનતાને, સરદારને તથા બીજા મિત્રોને મેં કરેલા નુકસાન માટે મારે તેમની માફી માગવી એવું તમે જણાવો છો તે હું સમજી શકતો નથી. આ વસ્તુ તદૃન અપ્રસ્તુત અને બિનજરૂરી છે. તમારા તરફથી આવી માગણી કરવામાં આવે છે એ હું માની શકતો નથી. મેં માફી માગવા જેવું કશું કર્યું નથી. અને મારે કશો એકરાર કરવાપણું છે જ નહીં. એવું કઈ કરવાનું હોય તો તે બીજા પક્ષને કરવાનું છે.”

અહીં ધ્યાનમાં રાખવા જેવું તો એ છે કે ગાંધીજીએ પોતાના નિવેદનમાં પોતાના તા. ૧લી ઑગસ્ટનો કાગળ ટાંક્યો હતો. એકરારની અને માફીની વાત એ કાગળમાં લખેલી હતી. શ્રી નરીમાને ત્યાર પછી ગાંધીજીને ઘણા કાગળ લખેલા તેમાં એ વિષે કશો વાંધો ઉઠાવેલો નહીં પણ જ્યારે ૧૩મી ઑગસ્ટે ગાંધીજીએ એ કાગળ પ્રગટ કર્યો ત્યારે તેમને વાંધો ઉઠાવવાનું સૂઝયું ! ગાંધીજીએ તરત જ જવાબ આપ્યો કે,

“તમારી ઇચ્છા ન હોય તો તમારે માફી માગવાની કે એકરાર કરવાની કશી જરૂર નથી. તપાસ કરવાની મારી સૂચના બિનશરતી છે. મેં તો કેવળ સલાહરૂપે આ લખેલું. અને સરદારને વિષે તો મેં કહેલું કે તપાસ કરતાં સરદાર જો જૂઠા માલુમ પડશે તો તમને થયેલું નુકસાન ભરપાઈ કરવા માણસને માટે જે શક્ય છે તે બધું હું કરીશ. સરદાર જો ખોટા માલુમ પડશે તો તેઓ વીસ વર્ષના જૂના અને અનેક તડકીછાંયડીમાં સાથે ઊભેલા એક મિત્રને ખોઈ બેસશે.”

આમ છતાં શ્રી નરીમાને ૧૭મી ઑગસ્ટે પોતાનો જવાબ છપાવ્યો. અને તેમાં માફી માગવાનું અથવા એકરાર કરવાનું પોતાને માન્ય નથી તથા સાક્ષીઓને રક્ષણ આપવાની જરૂર છે એ બધું લખ્યું. તે જ દિવસે ગાંધીજીને તેમણે કાગળ લખી તેમાં ફરી જણાવ્યું કે,

“સરદાર પાર્લમેન્ટરી કમિટીના પ્રમુખ હોઈ બહુ વિશાળ અને આપખુદ સત્તા ધરાવે છે, એટલે એક ‘ઝોન ડિક્ટેટર’ જેવા છે. અને સાક્ષીઓ ઘણાખરા ધારાસભાના સભ્યો હોઈ આટલી બધી સત્તા ધરાવનારની ખફગી વહોરતાં ડરે અને તેથી સત્ય બહાર ન આવી શકે માટે સાક્ષીઓને પૂર્ણ રક્ષણ મળવું જોઈએ.”

તેમણે વધારામાં એ પણ લખ્યું કે,

“મારી ઉપરના તમારા કાગળો ઉપરથી મારી સામે તમારા મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયેલા જણાય છે. એટલે મારી સ્થિતિ તે મારી વિરુદ્ધ મત બાંધી ચૂકેલા ન્યાયાધીશની આગળ કેસ રજૂ કરવો પડે એવી છે. તમે પોતે જ એમ કહ્યું છે કે અત્યાર સુધીમાં તમારી પાસે જે સામગ્રી આવી છે તે ઉપરથી તમારો અભિપ્રાય મારી વિરુદ્ધ જાય એમ છે. મારી પૂંઠ પાછળ તમારા મનમાં આવી ઝેરી વાતો કોણે ભરી છે ? મારી વિરુદ્ધ એકપક્ષી વાતો તમને પૂરી પાડવામાં આવે તેથી તમારા વિચાર તમે બદલી નાખો અને વિરુદ્ધ નિર્ણય બાંધી બેસો એ તમને શોભે છે ? છતાં હું તમને અપીલ કરું છું કે ન્યાયાધીશ છો એ વસ્તુ ધ્યાનમાં રાખીને તદ્દન ખુલ્લું મન રાખી આ તપાસનું કામ તમે કરશો. તમારી પાસે આવેલી ઝેરી સામગ્રી તમારા મનમાંથી દૂર કરશો અને પક્ષકારને નિર્દોષ માની લઈ તપાસનું કામ કરશો.”

પોતાની ઉપર અંગત આક્ષેપો મૂકતો શ્રી નરીમાનનો આવો કાગળ મળ્યા છતાં, ગાંધીજીએ એનું કશું મનમાં આણ્યું નહીં અને તપાસનું કામ હાથ ધર્યું અને તા. ૨૦મીએ એક નિવેદન બહાર પાડીને ધારાસભ્યોને તથા બીજાઓને આ તપાસમાં પુરાવા તરીકે કામ લાગે એ રીતનાં પોતાનાં નિવેદનો મોકલી આપવા જાહેર વિનંતી કરી. એ નિવેદનમાં સરદારને વિષે તેમણે લખ્યું કે,

“મને એમ જણાવવામાં આવે છે કે સરદારની ખફગીનો ભોગ થઈ પડવાની બીકે સત્ય બહાર નહીં આવી શકે. હું જોઈ શકતો નથી કે સરદાર શી રીતે સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે. પણ મારા તરફથી હું આટલી ખાતરી આપું છું કે આવું કશું વર્તન કરવાના સરદાર મને ગુનેગાર માલૂમ પડશે તો તેમની
સાથે હું જે નિકટનો સંબંધ ધરાવું છું તે તોડી નાખીશ. વળી જે સાક્ષીઓ મને લખેલી હકીકત ખાનગી રાખવા માગતા હશે તે હકીકત પૂરેપૂરી ખાનગી રહેશે. પણ એ સાક્ષીઓએ એટલું જાણવું જોઈએ કે સરદાર અથવા તો બીજા કોઈ વિષે એમણે નિવેદનમાં જે કંઈ કહ્યું હશે તેના, સરદાર અથવા તો બીજા તરફથી, સમર્થન અથવા વિરોધની જરૂર લાગશે તો તે માટે તેમને નિવેદનની હકીકત જણાવ્યા વિના એ નિવેદનની મારી આગળ કશી કિંમત રહેશે નહીંં. અલબત્ત, હકીકત તેમને જણાવવામાં આવે છતાં નિવેદન કરનારનું નામ તો ખાનગી જ રાખવામાં આવશે. આવો પુરાવો મને ૩૧મી તારીખ પહેલાં મળી જવો જોઈએ.”

શ્રી નરીમાને પોતાના નિવેદનમાં સાક્ષીઓને રક્ષણ આપવાની માગણી કરી હતી તે ઉપરથી તા. ૨૦મી ઑગસ્ટે સરદારે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

“મારી તથા બીજા કૉંગ્રેસીઓ સામે શ્રી નરીમાનની જે ફરિયાદ છે તે વિષે છાપાંઓમાં જે ચર્ચા ચાલે છે તે ઉપરથી હું સમજ્યો છું કે શ્રી નરીમાન એમ ઇચ્છે છે કે સાક્ષીઓને કશું નુકસાન નહીં કરવામાં આવે એવા રક્ષણની ખાતરી મળવી જોઈએ. મારે વિષે તો હું કહી દઉં કે મારી એવી ઇચ્છા હોય તોપણ કોઈને નુકસાન પહોંચાડવાની મારી પાસે સત્તા નથી.
“છેલ્લા કેટલાય મહિનાથી ઘણા માણસો મારી વિરુદ્ધ છાપાંઓમાં લખી રહ્યા છે. હું જાણું છું કે મારી સામે કરવામાં આવતા આક્ષેપો બિનપાયાદર છે. છતાં આવા જૂઠા આક્ષેપો છાપાંમાં આવતા હું અટકાવી શક્યો નથી. એ આક્ષેપો મૂકનારાને પણ હું કશું કરી શક્યો નથી. તેમને જવાબ આપવાથી પણ હું પરહેજ રહ્યો છું. છતાં દલીલની ખાતર એમ માની લઈએ કે કૉંગ્રેસ જેવી પ્રજાતંત્રના બંધારણવાળી સંસ્થામાં હોવા છતાં હું કોઈને નુકસાન પહોંચાડી શકું એમ છું તો હું તેઓને મારા તરફથી હૃદયપૂર્વક ખાતરી આપું છું કે જે કોઈને મારી વિરુદ્ધ કાંઈ પણ કહેવાનું હોય તે મારા તરફથી નુકસાન થવાના કશા ભય રાખ્યા વિના એ કહી શકે છે.”

આ બધું ચાલતું હતું તે દરમ્યાન મુંબઈનાં કેટલાંક છાપાંઓ તો સરદાર તરફથી નરીમાનને થયેલા અન્યાયની ઝુંબેશ ચલાવી જ રહ્યાં હતાં. એટલે તા. ર૧મીએ ગાંધીજીએ બહાદુરજીને કાગળ લખ્યો કે,

“હું તમને તસ્દી આપવા ઇચ્છતો નહોતો અને આ પ્રકરણનાં બધાં કાગળિયાં એકલો જ તપાસી જવાનો મારો ઇરાદો હતો. મારો ચુકાદો શ્રી નરીમાનની વિરુદ્ધ આવે તો જ બધો પુરાવો અને મારો ચુકાદો તમે તપાસી જાઓ એવી મારી યોજના હતી. ૫ણ મુંબઈનાં ઘણાં છાપાંઓ તો અત્યારથી જ મારા નિષ્પક્ષપણા વિષે શંકા ઉઠાવવા મંડ્યાં છે, એટલે બધો પુરાવો તમે જ તપાસી જાઓ એમ હું ઇચ્છું છું.”

બહાદુરજીએ એ વસ્તુનો સ્વીકાર કર્યો અને તપાસનું કામ તેમણે જ ઉપાડી લીધું. બંને પક્ષ તરફથી રજૂ થયેલાં નિવેદનો એકબીજાને બતાવવામાં આવ્યાં. તેનો બંનેએ જવાબ આપ્યો. સાક્ષીઓનાં જે નિવેદન આવ્યાં હતાં તે પણ બંને પક્ષોને બતાવવામાં આવ્યાં. અને કોઈ સાક્ષીની સરતપાસ અથવા ઊલટતપાસ કરવી હોય તો તેમ કરવાની બંને પક્ષને તક આપવામાં આવી. પણ બંને પક્ષે વિશેષ મૌખિક તપાસ કરવાની ના પાડી. એટલે કેસનાં બધાં કાગળિયાં તપાસી જઈ તથા શ્રી નરીમાને પોતાના કેસની લંબાણથી દલીલો કરી તે સાંભળી (સરદારે તો કશી દલીલ કરવાની પણ ના પાડી) બહાદુરજીએ પોતાનો ફેંસલો આપ્યો.