સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/પ્રધાનપદાંનો સ્વીકાર

વિકિસ્રોતમાંથી
← ફૈઝપુર કૉંગ્રેસ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
પ્રધાનપદાંનો સ્વીકાર
નરહરિ પરીખ
નરીમાન પ્રકરણ — ૧ →




૧૮
પ્રધાનપદાંનો સ્વીકાર

નવા બંધારણ પ્રમાણે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં થવાની હતી. એટલે ફેઝપુર કૉંગ્રેસના અધિવેશન વખતે પણ ચૂંટણીની ધમાલ તો ચાલુ જ હતી અને એ કારણે કેટલાક કાર્યકર્તાઓ તો ફેઝપુર જઈ શક્યા પણ નહોતા. અધિવેશન પૂરું થયા પછી કૉંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ ચૂંટણીઓના કામમાં ગૂંથાઈ ગયા. સરદાર ફૈઝપુર કૉંગ્રેસ પહેલાં પણ આખા હિંદુસ્તાનમાં ફરી વળ્યા હતા અને કૉંગ્રેસ પછી પાછા તરત ફરવા નીકળી પડ્યા. બધાં મળીને સાડા ત્રણ કરોડ સ્ત્રીપુરુષોને મતાધિકાર મળ્યો હતો. આપણા દેશની વસ્તીનો જોકે આ દશમો ભાગ જ ગણાય. છતાં સાડા ત્રણ કરોડ મતદારોને કૉંગ્રેસનો સંદેશો પહોંચાડવો અને તેમને મતાધિકાર વિષે સમજાવવા એ નાનુંસૂનું લોકકેળવણીનું કામ ન ગણાય. લોકો કૉંગ્રેસને પડખે છે કે સરકારને પડખે, એ પણ દુનિયા આગળ બતાવી આપવાનું હતું. તે માટે કૉંગ્રેસી કાર્યકર્તાઓમાં કડક શિસ્ત, એકધારા અંકુશ તથા ઉપરથી કાઢવામાં આવતી સૂચનાઓનું આનંદ અને વફાદારીપૂર્વક પાલન જરૂરનાં હતાં. પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે આ બાબતમાં અદ્‌ભુત કૌશલ્ય બતાવ્યું અને દરેક પ્રાંતમાં લોકોનો પ્રેમ અને સાથ મેળવ્યાં.

કુલ અગિયાર પ્રાંતોમાંથી મુંબઈ, મદ્રાસ, બિહાર, મધ્ય પ્રાંતો (મધ્ય પ્રદેશ), સંયુક્ત પ્રાંતો (ઉત્તર પ્રદેશ) તથા ઓરિસા એ છ પ્રાંતોમાં કૉંગ્રેસ ચોખ્ખી બહુમતીમાં આવી. સરહદ પ્રાંત અને આસામમાં કૉંગ્રેસની બહુમતી ન હતી, જોકે સૌથી મોટો પક્ષ કૉંગ્રેસનો હતો. બંગાળ, પંજાબ અને સિંધમાં કૉંગ્રેસ લધુમતીમાં આવી. આમ છ પ્રાંતોમાં કૉંગ્રેસનો ચોખ્ખો વિજય થયો એટલે કૉંગ્રેસીઓએ પ્રધાનપદાં લેવાં કે નહીં એ સવાલ તેની આગળ આવીને ઊભો રહ્યો. એ માટે તા. ૧૭મી માર્ચે દિલ્હીમાં મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી અને તા. ૧૯ અને ૨૦ ના રોજ મહાસમિતિના સભ્યો ઉપરાંત કૉંગ્રેસના ધારાસભામાં ચૂંટાયેલા સભ્યોનું એક સંમેલન રાખવામાં આવ્યું. મહાસમિતિની બેઠક ભરાય તે અગાઉ સરદારે રાષ્ટ્રજોગો નીચેનો સદેશો બહાર પાડ્યો :

“આપણી કૉંગ્રેસ તરફથી ચૂંટણીઓની વ્યવસ્થા કરવાનું અને ચૂંટણીઓમાં આપણને વિજય મળે તે જોવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. પંડિત
જવાહરલાલ નેહરુની પ્રેરક નેતાગીરી તથા અદ્‌ભુત સહકારથી તેમ જ મારા સાથીઓ–બાબુ રાજેન્દ્રપ્રસાદ, પંડિત ગોવિંદવલ્લભ પંત, શ્રી ભૂલાભાઈ દેસાઈ વગેરેના અથાગ પરિશ્રમથી તથા આખા દેશે બતાવેલા ભારે ઉત્સાહથી આપણી ધારણા બહુ સારી રીતે સફળ થઈ છે. દક્ષિણમાં તો આપણને નમૂનેદાર વિજચ મળ્યો છે. ત્યાં ખ્રિસ્તીઓ પણ કૉંગ્રેસ ટિકિટ ઉપર ચૂંટાયા છે. તેનો જશ આપણા મહાન અને વિચક્ષણ નેતા શ્રી રાજગોપાલાચારીને ફાળે જાય છે.
“આપણા કામનો પહેલો તબક્કો પૂરો થયેલ છે. હવે બીજા તબક્કામાં આપણે પ્રવેશ કરવાનો છે. તેમાં આપણે સઘળો સમય અને શક્તિ ખર્ચવાં પડશે. ચૂંટણીઓ જીતવામાં જે નિશ્ચય, બળ અને એકતા આપણે બતાવી આપ્યાં છે, તેવાં જ ધારાસભાનો કાર્યક્રમ, ભલે ગમે તે નક્કી થાય, તે અમલમાં મૂકવામાં આપણે બતાવીશું તો, મને શક નથી કે આપણે વિરોધીઓને માત કરી શકીશું અને સ્વરાજનો દિવસ જલદી આણીશું. દિલ્હીમાં જે કૉંગ્રેસીઓ ભેગા થવાના છે તેઓ, મારી ખાતરી છે કે, નક્કર અને સંયુક્ત મોરચો કાયમ રહે તેમ કરવામાં કુશી કચાશ રાખશે નહીં. આપણા ધ્યેયે શી રીતે પહોંચવું તેની વિગતોની બાબતમાં આપણી વચ્ચે કદાચ મતભેદ હોય, પણ કૉંગ્રેસ કારોબારી જે કંઈ ઠરાવ કરશે તે ઠરાવને આપણે વફાદારીપૂર્વક વળગી રહીશું.
“બંધારણીય સુધારાના નવા કાયદાને નિષ્ફળ કરી નાખવાની કૉંગ્રેસની મુરાદ છે. તે મુરાદ ત્યારે જ બર આવે જ્યારે કૉંગ્રેસી ધારાસભ્યોના હાથ આપણી ધારાસભાની બહારની પ્રવૃત્તિઓથી આપણે મજબૂત કરીએ. દેશે તો કૉંગ્રેસ પ્રત્યેનો પોતાનો વિશ્વાસ અચૂક રીતે બતાવી આપ્યો છે. ચૂંટણીઓમાં વિજય મેળવીને કોંગ્રેસે પોતાની નવી લડત શરૂ કરી છે. ચૂંટણીઓમાં કૉંગ્રેસ વિજયી થઈ એટલે લંડનનું ‘ટાઇમ્સ’ પત્ર, ઇંગ્લંડનાં બીજાં પત્રો અને રાજદ્વારી પુરુષો કૉંગ્રેસને વણમાગી સલાહ આપવા બહાર પડ્યાં છે કે મતદારોનો વિશ્વાસ જાળવી રાખવો હોય તો તેણે કેવી રીતે વર્તવું જોઈએ.
“કૉંગ્રેસે પોતાના ચૂંટણીના જાહેરનામામાં જે કાર્યક્રમ રજૂ કર્યો છે તેને હિંદુસ્તાનના આ મિત્રો જુદો જ અર્થ કરવા લાગ્યા છે. પણ હિંદુસ્તાન તો જાણે છે કે કૉંગ્રેસને શું જોઈએ છે અને તેનો કાર્યક્રમ શો છે. લોકોને આપણે કશી ખોટી આશા આપી નથી. ચૂંટણીના જાહેરનામામાં દર્શાવેલા કાર્યક્રમમાં હિંદવાસીઓને શું જોઈએ છે અને સ્વરાજ સરકારમાં શું મળશે એસ્પષ્ટ કહેલું છે.”

હોદ્દાસ્વીકારની સામે મોટામાં મોટો વાંધો એ હતો કે નવા બંધારણમાં ગવર્નરો પાસે પાર વિનાના ખાસ અધિકારો અનામત રાખવામાં આવેલા હતા, એટલે જો ગવર્નરો ધારે તે, ભલે ધારાસભામાં બહુમતી હોય છતાં, પ્રધાનો કશુ મહત્ત્વનું કામ કરી શકે નહીં. આ વસ્તુને પહોંચી વળવા માટે ગાંધીજીએ એક નવો જ નુસખો કાઢ્યો. તેમણે કહ્યું કે ગવર્નરો બંધારણ મારફતે પોતાને મળેલા ખાસ હક્કો ગમે તેમ વાપરે નહીં, એટલું જ

નહીં પણ બધી વાતમાં પ્રધાનમંડળની સલાહ મુજબ જ કામ કરે એવી ખાતરી આપે તો જ કૉંગ્રેસે પ્રધાનમંડળ રચવાં. મહાસમિતિએ ગાંધીજીની આ સલાહ માન્ય રાખી અને એ પ્રમાણે ઠેરાવ કર્યો. જેઓ પ્રધાનપદાં લેવા બહુ ઉત્સુક હતા તેઓ આ ઠરાવથી નિરાશ થયા. કારણ આ શરત સ્વીકારવી એનો અર્થ તો બંધારણની એટલી કલમો રદ કરવા જેવું હતું, અને બ્રિટિશ સરકાર એમાં સંમત થાય નહીં. જે પ્રધાનમંડળ રચવાની વિરુદ્ધ હતા તેઓ ખુશ થયા. કારણ તેમણે માન્યું કે બ્રિટિશ સરકાર આવી શરત કદી સ્વીકારવાની નથી અને પ્રધાનમંડળ રચી શકાવાનાં નથી. મહાસમિતિએ તો કૉંગ્રેસી ધારાસભ્યોને આદેશ આપ્યો કે તેઓએ પોતાના પક્ષના નેતાની ચૂંટણી કરવી અને જ્યારે ગવર્નર પ્રધાનમંડળ રચવાને સારુ નેતાને બોલાવે ત્યારે એણે મહાસમિતિના ઠરાવની શરત રજૂ કરવી અને સ્પષ્ટ કહેવું કે જો તમે ગવર્નર તરીકેના ખાસ અધિકારો ન વાપરવાની જાહેર ખાતરી આપો તો જ અમે પ્રધાનમંડળ રચવા તૈયાર છીએ. મહાસમિતિનો આ ઠરાવ જાહેર થતાંની સાથે દેશમાં ભારે ઊહાપોહ થયો. હિંદુસ્તાનમાં તેમ જ ઇંગ્લંડમાં કેટલાક મોટા મોટા બંધારણશાસ્ત્રીઓને તથા કાયદાશાસ્ત્રીઓને લાગ્યું કે આવી માગણી તદ્દન ગેરકાયદે અને બંધારણની વિરુદ્ધ છે. આપણે ત્યાં સર તેજબહાદુર સપ્રુએ જાહેર રીતે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો કે કૉંગ્રેસની આ માગણી તદ્દન બેહૂદી છે. તેની સામે મુંબઈના પ્રખ્યાત કાયદાશાસ્ત્રીઓ શ્રી બહાદુરજી તથા શ્રી તારાપુરવાળા જેઓ બંને એક વખત મુંબઈના ઍડ્‌વોકેટ જનરલ થઈ ગયા હતા તેમણે પોતાનો ચોકક્સ અભિપ્રાય આપ્યો કે કૉંગ્રેસની આ માગણીમાં બંધારણ વિરુદ્ધ કશું જ નથી. કીથ નામના ઇંગ્લંડના મોટા બંધારણશાસ્ત્રીએ પણ જણાવ્યું કે કૉંગ્રેસની માગણી પૂરેપૂરી કાયદેસર છે. બ્રિટિશ પ્રધાનોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી હિંદના બંધારણીય સુધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવે નહીંં ત્યાં સુધી ગવર્નરોથી કૉંગ્રેસની માગણી સ્વીકારી શકાય નહીં. ગવર્નરોને જે ખાસ અનામત સત્તા આપવામાં આવી છે તે પ્રજાના અમુક વર્ગનાં હિતો જાળવવાને માટે છે. લધુમતી કોમો, બ્રિટિશ લોકોનાં હિંદુસ્તાનમાંનાં સ્થાપિત હિતો, પછાત વર્ગો અને પછાત વસ્તીવાળા પ્રદેશ તેમ જ દેશી રાજ્યો, એ બધાનાં હિતો જાળવવા માટે ગવર્નરને કાયદાથી ખાસ અનામત સત્તાઓ આપવામાં આવેલી છે. જરૂર પડ્યે એ વર્ગનાં હિતોના રક્ષણ અર્થે પોતાને મળેલી સત્તાઓ વાપરવાની તેમની ફરજ છે. તેમના ઉપર કાયદાએ નાખેલી આ ફરજો પોતે નહીં બજાવશે એવી ખાતરી ગવર્નરોથી કેમ આપી શકાય ?

પણ ગાંધીજી પોતાની સલાહમાં મક્કમ રહ્યા. તેમણે કહ્યું કે, આ શરત સિવાય આપણે પ્રધાનમંડળો રચવા જઈશું તો આપણી મોટી ભૂલ થશે. બંધારણનો જે કાયદો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કર્યો છે તેની કલમે કલમમાં હું તો આપણી પ્રજાની સ્વરાજ ચલાવવાની લાયકાત વિષે શંકા ભરેલી જોઈ રહ્યો છું. વળી સુધારા આપ્યા છતાં બ્રિટિશ પ્રજાને હિંદુસ્તાનમાં બ્રિટિશ સત્તા કાયમ રાખવી છે. કૉંગ્રેસ ધારાસભામાં જાય છે તે બ્રિટિશ સત્તાને કાયમ કરવા નહીં, પણ સ્વરાજ સિદ્ધ કરવા માટે જાય છે. એટલે પ્રધાનોના રોજબરોજના કામમાં ગવર્નરો દખલ કરે એ આપણને પોસાય નહીં. આપણે તો બ્રિટિશ પાર્લમેન્ટે પાસ કરેલા બંધારણના કાયદાને વ્યર્થ કરી નાખવો છે. છતાં આપણે ખાતરીની માગણી કરીએ છીએ એનો અર્થ એ તો નથી જ કે ગવર્નર અને પ્રધાનો વચ્ચે ગંભીર મતભેદ ઊભો થાય તો પ્રધાનોને કાઢી મૂકવાની અથવા ધારાસભાઓને પણ બરખાસ્ત કરવાની ગવર્નરની સત્તા આપણે છીનવી લેવા માગીએ છીએ. આપણો વાંધો તો પ્રધાનોને ગવર્નરની દખલગીરીને વશ થવું પડે અને વશ ન થવું હોય તો તેમણે રાજીનામું આપવું પડે તેની સામે છે. આ પ્રસંગે પ્રધાનોને કાઢી મૂકવાની જવાબદારી આપણે ગવર્નર ઉપર નાખવા માગીએ છીએ. એ રીતે આપણી માગણીમાં બંધારણ વિરુદ્ધ અથવા કાયદા વિરુદ્ધ એવું કશું નથી. આ મતલબનો હરાવ કૉંગ્રેસની કારોબારીએ પસાર કર્યો.

એપ્રિલની પહેલી તારીખે આ નવું બંધારણ અમલમાં આવતું હતું. એટલે શિરસ્તા મુજબ ગવર્નરોએ ધારાસભામાંના બહુમતી પક્ષના નેતાઓને બોલાવીને પ્રધાનમંડળ રચવાનું કહેવું જોઈએ. જુદા જુદા પ્રાંતના કૉંગ્રેસ પક્ષના નેતાઓએ તેમને બોલાવવામાં આવ્યા ત્યારે ગવર્નરને કૉંગ્રેસની શરત જણાવી દીધી અને ગવર્નરે તે સ્વીકારવાની અશક્તિ જણાવી એટલે પ્રધાનમંડળ રચવાની ના પાડી. સરકારે હવે બીજી યુક્તિ અજમાવી. છ મહિના સુધી ધારાસભાને બોલાવ્યા વિના પ્રાંતનું તંત્ર ચલાવવાની ગવર્નરને કાયદામાં સત્તા હતી એટલે લઘુમતી પક્ષમાંથી તેમણે પ્રધાનમંડળ ઊભાં કર્યાં – એવી આશાથી કે હોદ્દાની લાલચને લીધે ધીમે ધીમે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યોમાં ફૂટ પડશે. પણ આવી કશી ફૂટ પડી નહીં એટલે ત્રણેક મહિના રાહ જોયા પછી બ્રિટિશ પ્રધાનોએ અને વાઈસરૉયે ફેરવી તોળ્યું. વાઈસરૉયે તા. ૨૧મી જૂને સીમલાથી રેડિયો ઉપર ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે,

“કૉંગ્રેસ જે જાતના ભચ સેવી રહી છે તે સાચા દિલથી સેવે છે એ હું કબૂલ કરું છું. પણ હું જોઉં છું કે હકીકતમાં એ ભય પાયા વિનાનો છે. ગવર્નરો કાંઈ પ્રધાનોની નીતિમાં અને કામકાજમાં દખલ કરવાના પ્રસંગો શોધવાના
નથી. તેમના ઉપર જે ખાસ જવાબદારીઓ નાખવામાં આવી છે તેનો ઉપયોગ પણ વિના કારણ પ્રધાનોનાં રોજબરોજનાં કામમાં અંતરાય નાખીને અથવા તો તેમનો વિરોધ કરીને તેમાં કરવાના નથી. બંધારણીચ સુધારાના કાયદાનો હેતુ તો એ છે કે પ્રધાનોને એવો વિશ્વાસ બેસે કે ગવર્નરો તથા સનદી નોકરોના સહકારથી પોતાના પ્રાંતના હિતને માટે જે કાયદા તેમને ઘડવા હોય તે તેઓ ઘડી શકે. પ્રાંતિક સ્વરાજનો એ જ અર્થ થાય છે કે પ્રધાનોના ક્ષેત્રમાં આવતી તમામ બાબતો લઘુમતી કોમને લગતી, સનદી નોકરોને લગતી, વગેરે બાબતોમાં પણ ગવર્નરે પોતાની સત્તાનો ઉપયોગ પ્રધાનો જેઓ બ્રિટિશ પાર્લમેન્ટને નહીં પણ પ્રાંતીય ધારાસભાને જવાબદાર છે તેમની સલાહ લઈને જ કરશે. ગવર્નરોને જે ખાસ સત્તાઓ આપવામાં આવી છે તેનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે, છતાં તેમાં પણ તેઓ હંમેશાં પોતાના પ્રધાનોનો સાથ મેળવવાની કાળજી રાખશે.”

વાઈસરૉયે ગાંધીજીની સૂચનાને બહુ મદદરૂપ અને આવકાર લાયક ગણી. તેમણે કહ્યું કે,

“ગવર્નર અને તેના પ્રધાનો વચ્ચે ગંભીર મતભેદ પડે ત્યારે કાં તો પ્રધાનો રાજીનામું આપે અથવા તો ગવર્ન૨ પ્રધાનોને બરતરફ કરે એવું કાયદામાં છે ખરું, પણ ગવર્નરો પોતાના પ્રધાનો સાથે આવા ઝઘડા ઊભા કરવા જરા પણ ઇચ્છતા નથી. મતભેદને પ્રસંગે બંને પક્ષ વચ્ચે સદ્ભાવપૂર્વક સમાધાન થાય તેમ કરવાને તેઓ પોતાથી બનતું બધું કરવા ચૂકશે નહીં. ખાસ જવાબદારીઓની બાબતમાં પ્રધાનોની સલાહથી વિરુદ્ધ વર્તાવાની ગવનરોને સત્તા છે ખરી, પણ તેનો અર્થ એ નથી કે પોતાની ખાસ જવાબદારીઓના સંકુચિત ક્ષેત્રની બહારની બાબતમાં પ્રાંતના રોજબરોજના વહીવટમાં તેને દખલ કરવાની કશી સત્તા છે.”

ભારતમંત્રીએ પણ થોડા દિવસ પછી વિલાયતમાં આ જ જાતનું ભાષણ કર્યું. તેમાં કૉંગ્રેસની માગણીઓ પૂરેપૂરી અને સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી ન હતી. છતાં એ ભાષણોનો ધ્વનિ સ્પષ્ટ હતો કે ગોળ ગોળ રીતે કૉંગ્રેસની માગણીઓ સ્વીકારીને સરકાર તેની સાથે સમાધાન કરવા તૈયાર હતી. એટલે જુલાઈના પહેલા અઠવાડિયામાં કૉંગ્રેસ કારોબારી વર્ધામાં મળી ત્યાં તેણે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“કારોબારી એ નિર્ણય ઉપર આવી છે અને એવો ઠરાવ કરે છે કે જે જે પ્રાંતમાં કૉંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવે ત્યાં તેમને હોદ્દા સ્વીકારવાની પરવાનગી આપવી. પણ તેની સાથે કારોબારી એટલું સ્પષ્ટ કરવા માગે છે કે હોદ્દાનો સ્વીકાર અને તેનો ઉપયોગ કૉંગ્રેસના ચૂંટણીના જાહેરનામામાં જે દિશા બતાવી છે તે દિશાને અનુસરીને કરવાનો છે. કૉંગ્રેસની નીતિ શક્ય તેટલી દરેક રીતે એક તરફથી તેવા બંધારણીય સુધારાના કાયદાની સામે લડત ચલાવવાની અને બીજી તરફથી રચનાત્મક કાર્યક્રમનો અમલ કરવાની છે.”

જુલાઈની ૧૩મી તારીખે બંગાળના ગવર્નર સર જોન ઍન્ડરસને એક પોલીસ પરેડ આગળ ભાષણ કરતાં સરકારી નોકરોની સ્થિતિ વિષે જે ખુલાસો કર્યો તેથી પણ વાતાવરણ ઘણું સાફ થઈ ગયું. કારણ અમુક દરજ્જાના સરકારી નોકરોને બરતરફ કરવાની પ્રધાનોને સત્તા નહોતી, એટલે તેઓ બેજવાબદાર રીતે વર્તી શકે એવી શંકા રહેતી હતી. બંગાળના ગવર્નરે તેમની જવાબદારી વિષે નીચેના શબ્દોમાં ચોખવટ કરી :

“હું તમારા મન ઉપર એ વસ્તુ ઠસાવવા માગું છું કે નવા બંધારણમાં સરકારી નોકરીની વફાદારીમાં સંઘર્ષ ઊભો થાય એ અભિપ્રેત નથી. કારણ, ભલે તમારી નિમણૂકો તાજ તરફથી કરવામાં આવતી હોય અને તમે તાજને સીધા જવાબદાર ગણાતા હો પણ, તાજની તમામ સત્તાઓ કાયદાને આધીન રહીને વર્તનારા તેના બંધારણીય સલાહકારો (એટલે કે પ્રધાન)ના હાથમાં રહેલી છે. તમે જાણો છો કે સરકારી નોકરોની બાબતમાં ગવર્નરને ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે. પણ તેની આ જવાબદારીથી કાયદો અને વ્યવસ્થા સંભાળનારા પ્રધાનની જવાબદારીનો નિષેધ થતો નથી. એટલે તાજના નોકરો જે જે પ્રધાનના ખાતામાં હોય તેમણે પોતાના હિત તથા રક્ષણ માટે એ પ્રધાનની દોરવણી ઉપર જ આધાર રાખવાનો છે. તમારી વાત ગવર્નરના અંગત ધ્યાન ઉપર લાવવી હોય ત્યારે પણ પ્રધાનની મારફત જ તેમ કરી શકાય. તાજ, તાજના સલાહકાર (પ્રધાનો) અને તાજના નોકરો વચ્ચે પરસ્પર વિશ્વાસ આ જાતના પાયા ઉપર જ રહી શકે. કોઈ પણ વ્યવસ્થિત અને પ્રાગતિક રાજ્યતંત્ર માટે આ શરત અનિવાર્ય જરૂરી છે.”

કારોબારીનો ઠરાવ થઈ ગયા પછી ૧૯૩૭ના જુલાઈમાં છ પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચવામાં આવ્યાં. સરહદ પ્રાંતમાં અને આસામમાં થોડા વખત પછી કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાયાં એટલે બ્રિટિશ હિંદના અગિયાર પ્રાંતોમાંથી કુલ આઠ પ્રાંતોમાં કૉંગ્રેસની સત્તા ચાલુ થઈ.

આને અંગે બે તાત્ત્વિક મુદ્દા ઊભા થયા. બંધારણના કાયદા પ્રમાણે તમામ ધારાસભ્યોએ તથા પ્રધાનોએ બ્રિટિશ શહેનશાહ પ્રત્યે વફાદારીના સોગંદ લેવા જોઈએ. કૉંગ્રેસનું ધ્યેય પૂર્ણ સ્વરાજનું હોઈ કૉંગ્રેસીઓ આવા સોગંદ લઈ શકે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થયો. બીજો પ્રશ્ન એ ઊભો થયો કે કૉંગ્રેસીઓએ તો બંધારણને તોડવાનો નિશ્ચય કરેલો છે. જ્યારે પ્રધાનપદનો સ્વીકાર કરવાથી કૉંગ્રેસીઓ બંધારણનો અમલ કરવામાં ભાગ લે છે, એ કૉંગ્રેસના ઠરાવ સાથે સુસંગત છે કે કેમ ?

પ્રથમ આપણે સોગંદનો પ્રશ્ન લઈએ. એ વિષે ગાંધીજીના ‘હરિજન’ પત્રમાં ઠીક ઠીક ચર્ચા તે વખતે ચાલી હતી. વફાદારીના સોગંદ વિષે ગાંધી સેવા સંઘના સંમેલનમાં ગાંધીજીએ કહ્યું કે, આવા સોગંદ લેવાની બાબતમાં જેને અંતઃકરણનો બાધ હોય તેઓ ધારાસભામાં જાય જ નહીં. પણ આ કંઈ ધાર્મિક સોગંદ નથી. હું જે પ્રમાણે બંધારણ સમજું છું તે પ્રમાણે તત્કાળ અને પૂર્ણ એવા સ્વરાજની માગણી સાથે આ સોગંદ અસંગત નથી. ધાર્મિક સોગંદ અને બિન ધાર્મિક સોગંદ વચ્ચેનો ભેદ દર્શાવતાં તેમણે બીજે પ્રસંગે જણાવ્યું કે બંધારણની રૂએ લેવામાં આવતા સોગંદનો અર્થ બંધારણ નક્કી કરે છે, અથવા તો પ્રણાલિકા પ્રમાણે નક્કી થાય છે. હું બ્રિટિશ બંધારણ સમજું છું તે પ્રમાણે વફાદારીના સોગંદનો એટલો જ અર્થ થાય છે કે ધારાસભ્ય પોતાની નીતિ અથવા તો પોતાના મુદ્દાની હિમાયત બંધારણને અનુસરીને કરે. શ્રી કિશોરલાલભાઈ એ આવા સોગંદનું સ્પષ્ટીકરણ વધારે વિસ્તારથી કર્યું, અને ગાંધીજીએ તેમની દલીલને પુષ્ટિ આપી. બંધારણની રૂએ લેવામાં આવેલા સોગંદનો અર્થ સમજાવતાં શ્રી કિશોરલાલભાઈ એ લખ્યું કે,

“વફાદારીના સોગંદના અર્થની બાબતમાં ઘણો ગૂંચવાડો ઊભો થવા પામ્યો છે, તેનું કારણ એ છે કે બંધારણ ઘડનારા અથવા તો સોગંદનો અર્થ કરવાના અધિકારવાળા સોંગંદનો જે અર્થ કરે તેને, સામાન્ય માણસ સોગંદનો જે અર્થ કરે છે તેની સાથે આપણે ભેળવી દઈએ છીએ. સામાન્ય માણસ તો તાજ પ્રત્યે વફાદારીના સોગંદનો એટલે સુધી અર્થ કરે કે રાજા પ્રત્યે એવા ભક્તિભાવનું વલણ રાખવું કે તેને માટે સોગંદ લેનારે મરવા પણ તૈયાર થવું જોઈએ. વળી તે એવો પણ અર્થ કરે કે એક વાર આપણે સોગંદ લીધા એટલે તે જીવનપર્યંત બંધનકારક થઈ ગયા. પણ બંધારણની રૂએ લેવામાં આવતા સોગંદનો આવો અર્થ વાજબી ન ગણાય. નામાંકિત બંધારણશાસ્ત્રીઓના અભિપ્રાચ પ્રમાણે હું એમ સમજ્યો છું કે આવા સોગંદ તે લેનારને ત્યાં સુધી જ બંધનકર્તા હોય છે જ્યાં સુધી તે તેવી સંસ્થાનો સભ્ય હોય. જ્યાં સુધી તે સભ્ય હોય ત્યાં સુધી રાજાની સામે હથિયાર ઉઠાવી તે બળવો નહીં કરે અથવા તો તેનો જાન લેવામાં ભાગ નહીં લે. જોકે બંધારણપૂર્વકની કારવાઈ કરીને તેને આવાં કૃત્યો કરવાની પણ છૂટ છે ખરી. બંધારણપૂર્વકના ઉપાયો લઈને ધારાસભ્ય સોંગદના શબ્દોમાં ફેરફાર કરાવી શકે છે, અથવા તો સોગંદ બિલકુલ રદ પણ કરાવી શકે છે; રાજાને પદભ્રષ્ટ પણ કરી શકે છે, અથવા રાજાને ફાંસીની સજા પણ કરી શકે છે. પણ ધારાસભા જ્યાં સુધી ઠરાવ ન કરે ત્યાં સુધી સોગંદ લેનાર કોઈ પણ ધારાસભ્ય જ્યાં સુધી ધારાસભાનો ત્યાગ ન કરે ત્યાં સુધી રાજાની સામે હિંસક બળવો કરી શકતો નથી.”

ગાંધીજીએ એક દલીલ એ પણ કરી કે પૂર્ણ સ્વરાજ લેવાની આપણી ચળવળ આ સોગંદની સાથે જો અસંગત હોત તો કૉંગ્રેસીઓએ ધારાસભ્ય થવાની ઉમેદવારી કરી તે વખતે જ સરકારે વાંધો લીધો હોત.

આપણે ધારાસભાઓમાં બંધારણને નિષ્ફળ કરવા જઈએ છીએ એનો અર્થે ઘણા કૉંગ્રેસીઓએ એ કરેલ કે ધારાસભાઓમાં જઈને દરેકે દરેક બાબતમાં આપણે વાંધા ઉઠાવીશું, ઝઘડા કરીશું અને એ રીતે ધારાસભાઓને સરકાર સાથે મલ્લકુસ્તીનો અખાડો કરી મૂકીશું. પણ એ બાબતમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું કે,

“આપણે હોદ્દા સ્વીકારીએ છીએ તે એટલા માટે નથી કે આપણે બંધારણનો સાંગોપાંગ અમલ કરવો છે; છતાં એનો અર્થ એ પણ નથી કે આપણે વારે વારે મડાગાંઠ ઊભી કરવી છે. જ્યાં સુધી આપણે ધારાસભાઓમાં બેઠા હોઈશું ત્યાં સુધી તો આપણે તેના કાયદાની મર્યાદામાં રહીને જ વર્તીશું. પરંતુ વિનીત વિચારના નેતાઓ જે રીતે બંધારણનો અમલ કરવાનું સમજે છે અથવા તો વચગાળામાં જે પ્રધાનો થઈ ગયા, તેમણે જે રીતે બંધારણનો અમલ કર્યો તે રીતે આપણે અમલ કરવાના નથી. બંધારણપૂર્વક જે સત્તાઓ આપણને મળી છે તે સત્તાનો ઉપયોગ બંધારણનો કાયદો ઘડનારાના હેતુઓ નિષ્ફળ થઈ જાય એ રીતે આપણે કરવાના છીએ. આપણે બંધારણનો અમલ તો કાયદાપૂર્વક જ કરીશું, પણ સરકારે અપેક્ષા રાખી છે એ રીતે નહીં કરીએ.”

મુંબઈ પ્રાંતમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ રચાયા પછી સરદારે પ્રધાનો પાસે પહેલું કામ એ કરાવ્યું કે ’૩રથી ’૩૪ની ગઈ લડતમાં ગુજરાત તથા કર્ણાટકમાં જે ખેડૂતોની જમીન સરકારે ખાલસા કરી હતી અને વેચી નાખી હતી તે તેમને પાછી મળી. આ એક કામ માટે પણ પ્રધાનપદાં લેવા સરદાર ઇંતેજાર હતા. તમારી જમીન તમારાં બારણાં ઠોકતી પાછી આવશે એમ સરદારે ખેડૂતોને સધિયારો આપ્યો હતો. એમ કહેવું જોઈએ કે મુંબઈના ગવર્નરે આ બાબતમાં બહુ સહાનુભૂતિ ભરેલું વલણ રાખ્યું અને સારી મદદ કરી. જોકે ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટે આ કામમાં ગચ્ચાં નાખવાનો એનાથી થાય એટલો પ્રયત્ન કર્યો, પણ એનું કંઈ વળ્યું નહીં.

લગભગ સવા બે વરસ સુધી કૉંગ્રેસે આઠ પ્રાંતોમાં સત્તા ભોગવી, તે દરમ્યાન ઉપર જણાવેલી નીતિ અમલમાં મૂકતાં કેટલાક પ્રાંતોમાં ગવર્નરો સાથે મુશ્કેલીઓ અને ઘર્ષણો પણ ઊભાં થયાં. પણ તેની વિગતોમાં ઊતરતા પહેલાં મુંબઈ પ્રાંતમાં ધારાસભાના નેતાની ચૂંટણી બાબતમાં એક મોટો વિવાદ ઊભા થયો તેનું વર્ણન કરીશું.

શ્રી નરીમાન જેઓ મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ હતા અને નેતા થવાની ઉમેદવારી રાખતા હતા એટલું જ નહી પણ પોતાને જ નેતા ચૂંટવા જોઈએ એમ માનતા હતા તેમને નેતા ચૂંટવાને બદલે ધારાસભ્યોએ શ્રી બાળાસાહેબ ખેરને નેતા ચૂંટ્યા. સરદારે પોતાની લાગવગનો ગેરવાજબી ઉપયોગ કરીને તથા દ્વેષભાવ રાખીને પોતાને મુંબઈ ધારાસભાના નેતા ન ચૂંટાવા દીધા એવું આળ શ્રી નરીમાને સરદાર ઉપર મૂક્યું. મુંબઈમાં તેને લીધે હવા કાંઈક બગડી પણ ખરી. છેવટે એ વસ્તુ લવાદોને સોંપાઈ. લવાદોએ બધા પુરાવા તપાસીને સરદારનો કશો દોષ નહોતો એવું જાહેર કર્યું. એની વિગતો આગળના પ્રકરણમાં આપીશું.