લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ફૈઝપુર કૉંગ્રેસ

વિકિસ્રોતમાંથી
← ગુજરાતનો હરિજન ફાળો, લખનૌ કૉંગ્રેસ અને પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓની તૈયારીઓ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ફૈઝપુર કૉંગ્રેસ
નરહરિ પરીખ
પ્રધાનપદાંનો સ્વીકાર →


૧૭
ફૈઝપુર કૉંગ્રેસ

ફૈઝપુરની કૉંગ્રેસના પ્રમુખ કોને ચૂંટવા એ તે વખતે મોટો પ્રશ્ન થઈ પડ્યો હતો. લખનૌ કૉંગ્રેસના પ્રમુખ થયા પછી જવાહરલાલે આખા દેશમાં ભ્રમણ કરી બહુ સુંદર કામ કર્યું હતું અને ફૈઝપુરની કૉંગ્રેસ આઠ જ મહિના પછી મળતી હોઈ જવાહરલાલજીને ફરી પ્રમુખ નીમવા એવો ઘણાનો વિચાર હતો. એમનું નામ બોલાવા માંડ્યું કે તરત જ એમણે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે હું સમાજવાદી સિદ્ધાંતો અને કાર્યક્રમમાં માનતો હોઈ પ્રજાએ મને પ્રમુખ નીમતાં પહેલાં એ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. કેટલેક સ્થળેથી પ્રમુખ તરીકે સરદારના નામની સૂચના પણ આવી હતી. પ્રમુખપદ માટે હરીફાઈ થાય અને સામસામે મતો લેવાય અને તેમાં વળી પોતે નિમિત્ત બને એ સરદારને કદી પસંદ જ ન હતું. એટલે પ્રમુખપદ માટેનું પોતાનું નામ તેમણે તરત જ ખેંચી લીધું અને જવાહરલાલજીને જ પ્રમુખ ચૂંટવાની પ્રતિનિધિઓને સલાહ આપી. છતાં જવાહરલાલજી સાથે પોતાનો વિચારભેદ હતો એ વસ્તુને તેમણે જરા પણ ઢાંકપિછોડો કર્યો નહીં. પોતાનું નામ ખેંચી લેતું જે નિવેદન તેમણે બહાર પાડ્યું તે બહુ વખતસરનું અને એટલું જ નિખાલસ છે :

“દર વર્ષે જે માનવતું પદ આપવાનું કૉંગ્રેસના પ્રતિનિધિઓના હાથમાં છે, તેમાં હું જોઉં છું કે મારું નામ પણ છે. ૫ં. જવાહરલાલજીએ તો પોતાના વિચારો જાહેર કરતું એક નિવેદન પણ બહાર પાડ્યું છે. એ હું ખૂબ કાળજીપૂર્વક વાંચી ગયો છું. મિત્રો સાથે સલાહમસલત કરીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે મારે મારું નામ ખેંચી લેવું જોઈએ.
“અમારામાંના ઘણાને એમ લાગે છે કે કૉંગ્રેસના અથવા તો રાષ્ટ્રના ઇતિહાસમાં આજનો પ્રસંગ બહુ બારીક છે. તે વખતે કૉંગ્રેસના પ્રમુખની ચૂંટણી

સર્વાનુમતે થાય એ બહુ ઇચ્છવા જેવું છે. પ્રમુખપદ માટે મારું નામ હું પાછું ખેંચી લઉં છું, તેનો અર્થ એવો તો ન જ થવો જોઈએ કે જવાહરલાલજીના બધા વિચારો સાથે હું સંમત થાઉં છું. કૉંગ્રેસીઓ જાણે છે કે કેટલીક મહત્ત્વની બાબતમાં મારા વિચારો જવાહરલાલજીથી જુદા પડે છે. દાખલા તરીકે વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. હું શાહીવાદનો કટ્ટો દુશ્મન છું જ અને એ પણ માનું છું કે આપણી ભૂખે મરતી આમજનતા અને આપણા મૂડીદાર વર્ગની વચ્ચે જે આસમાન જમીનનું અંતર છે તે આપણો વિનાશ કરી નાખે એવું છે. પણ તેની સાથે હું એમ નથી માનતો કે મૂડીદારી પ્રથામાં જે ભૂંડાપણું રહેલું છે તે એમાંથી કાઢી નાખવું બિલકુલ અશક્ય છે. જ્યાં સુધી કૉંગ્રેસ સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે અહિંસા અને સત્યને અનિવાર્ય સાધનો માને છે ત્યાં સુધી કૉંગ્રેસીઓએ જો સુસંગત અને પોતે કહે છે તેને સાચા રહેવું હોય તો એમ માનવું જ જોઈએ કે જેઓ આમજનતાનું નિર્દય રીતે શોષણ કરી રહ્યા છે તેમને માનવતા પ્રત્યેના એ ગુનામાંથી બચાવી લેવાનું શક્ય છે. હું માનું છું કે, આમજનતાને પોતાની ભયંકર દુર્દશાનું ભાન થશે ત્યારે એનો ઉપાય શી રીતે કરવો એની પણ તેમને ખબર પડશે. તમામ જમીન અને ઉત્પત્તિનાં તમામ સાધનો સાર્વજનિક હોવાં જોઈએ એ સિદ્ધાંત સ્વીકારવામાં મને કશી મુશ્કેલી આવે એમ નથી. જાતે ખેડૂત હોઈ અને વર્ષો થયાં ખેડૂત વર્ગ સાથે ઓતપ્રોત થયેલ હોઈ જોડા ક્યાં ડંખે છે તેની મને ખબર છે. તેની સાથે હું એ પણ જાણું છું કે લોકોમાં શક્તિ ન આવે ત્યાં સુધી કશું થઈ શકે એમ નથી. સદ્‌ભાગ્યે આપણે જોઈ શક્યા છીએ કે અહિંસક અસહકારથી કેટલું કરી શકાય છે. લોકોને જ્યારે દુષ્ટ બળો સાથેનો સહકાર ખેંચી લેતાં આવડશે ત્યારે એ બળો પોષણને અભાવે એની મેળે ખતમ થઈ જવાનાં છે. પરંતુ પં. જવાહરલાલ ભારપૂર્વક કહે છે તેમ, અને તેઓ સાચું જ કહે છે કે આપણું તાત્કાલિક કામ તો આપણા દેશને પરદેશી ધૂંસરીમાંથી છોડાવવાનું અને શાહીવાદી શોષણને જડમૂળથી નાશ કરવાનું છે. એ કર્યા પછી સિદ્ધાંતો અને યોજનાઓનો અમલ કરવાનો વખત આવશે. અત્યારે તો આપણી વચ્ચે મતભેદોને માટે અવકાશ જ નથી. સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે આપણી આ મહાન રાષ્ટ્રીય સંસ્થામાં જેટલાં બળોને એકઠાં કરી શકાય તે બધાં બળો વચ્ચે સંપૂર્ણ સહકાર આવશ્યક છે.
“અત્યારે આપણી આગળ તત્કાળ તો ધારાસભાની ચૂંટણીનું કામ આવીને ઊભેલું છે. તેમાં કશો મતભેદ નથી. આપણી ઉપર લાદવામાં આવેલા બંધારણનો આપણે સૌ નાશ કરવા ઇચ્છીએ છીએ. ધારાસભાઓમાં જઈને તેને કેવી રીતે નાશ કરવો એ પ્રશ્ન છે. એનો આધાર કૉંગ્રેસના વાવટા નીચે ધારાસભામાં જનારાં ભાઈબહેનોની શક્તિ અને આવડત ઉપર રહેશે. કૉંગ્રેસની મહાસમિતિ અથવા તો કારોબારી સમિતિ કૉંગ્રેસની નીતિ નક્કી કરશે. પરંતુ તેના અમલનો આધાર તેના પ્રતિનિધિઓની વફાદારી, શક્તિ અને આવડત ઉપર રહેશે.
“હોદ્દા સ્વીકારવાનો પ્રશ્ન એ આજે આપણી સામે જીવંત નથી. પણ હું એવો સમય જોઈ શકું છું ખરો કે જ્યારે આપણા હેતુની સિદ્ધિને અર્થે હોદ્દાનો

સ્વીકાર કરવો એ ઇચ્છવા જોગ થઈ પડે. તે વખતે જવાહરલાલજી અને મારી વચ્ચે અથવા તો કૉંગ્રેસીઓમાં સખત મતભેદ ઊભા થાય ખરા. ધારો કે બહુમતીના નિર્ણયથી કૉંગ્રેસની નીતિ એવી નક્કી થાય જે જવાહરલાલજીને પસંદ ન હોય, તોપણ આપણે સૌ જાણીએ છીએ કે જવાહરલાલજી કૉંગ્રેસને એટલા બધા વફાદાર છે કે તેઓ બહુમતીના નિર્ણયની અવજ્ઞા નહીં કરે.
“હોદ્દાસ્વીકારને અને ધારાસભાપ્રવેશને હું વરેલો છું, એવું કંઈ નથી. હું તો એટલું જ કહેવા માગું છું કે એ સમય પણ આવે જ્યારે આપણે હોદ્દા સ્વીકારવા પડે. પણ સ્વમાનના ભોગે અથવા આપણા ધ્યેયની સાથે માંડવાળ કરીને એવું કશું કરવાનું હું કબૂલ કરું એમ નથી. ખરેખર હું તો ધારાસભાના કાર્યક્રમને ગૌણ સ્થાન આપું છું. આપણું ખરું કામ તો ધારાસભાની બહાર પડેલું છે.
“એટલા માટે રચનાત્મક કામ કરવા સારુ અને આપણાં બળો સંગઠિત કરવા સારુ આપણી સઘળી શક્તિ અને સાધનો આપણે સંઘરી રાખવાની જરૂર છે. કૉંગ્રેસના પ્રમુખ પાસે કાંઈ સરમુખત્યારની સત્તાઓ નથી હોતી. એ તો એક સુવ્યવસ્થિત તંત્રના સભાપતિ છે. તેમણે આપણી સભાઓના કામકાજનું નિયમન કરવાનું હોય છે અને કૉંગ્રેસ વખતોવખત જે નિર્ણયો કરે તેનો અમલ કરવાનું હોય છે. એક વ્યક્તિને – ભલે તે વ્યક્તિ ગમે તેવી હોય - પોતાનો પ્રમુખ ચૂંટીને કૉંગ્રેસ પોતાની વિશાળ સત્તાનો ત્યાગ કરતી નથી.
“એટલે સઘળા પ્રતિનિધિઓને વિનંતી કરું છું કે તેઓ સર્વાનુમતે જવાહરલાલજીને પ્રમુખ ચૂંટી કાઢે. આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાને અને જે વખતે દેશમાં વિવિધ બળો કામ કરી રહ્યાં છે તે વખતે એ બળોનું નિયમન કરવાને માટે અને દેશનું નાવ સાચે માર્ગે હંકારવાને માટે એ જ ઉત્તમ પુરુષ છે.”

જવાહરલાલજીએ પોતાના સમાજવાદી વિચારો વિષે પહેલું નિવેદન કર્યું તે ઉપરથી છાપાંઓ એવી ચર્ચા ચલાવી રહ્યાં હતાં કે, કૉંગ્રેસ જવાહરલાલજીને પ્રમુખ નીમે એનો અર્થ એ થાય કે એ સમાજવાદનો સ્વીકાર કરે છે અને હોદ્દાસ્વીકારની વિરુદ્ધ છે. જવાહરલાલજીના બે મિત્રોએ એમને તાર કરીને જણાવ્યું કે તમારા નિવેદનનો અર્થ અમે તો એટલો જ સમજીએ છીએ કે, સમાજવાદ વિષેના તમારા અભિપ્રાયો તમે ફરી જાહેર કર્યા છે પણ તેની સાથે તમે એ પણ જાહેર કર્યું છે કે, રાજકીય સ્વાતંત્ર્ય એ સૌથી વિશેષ મહત્ત્વનો મુદ્દો છે અને તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. એટલે તમારી ચૂંટણીથી કૉંગ્રેસ સમાજવાદનો સ્વીકાર કરે છે અથવા તો હોદ્દાસ્વીકારની વિરુદ્ધ મત આપે છે એવો અર્થ થતો નથી. આ વિષે કંઈ ગેરસમજ થતી હોય તો તે તમારે દૂર કરવી જોઈએ. જવાહરલાલજીએ પણ દેશમાં ફરીને આઠ મહિના જે અનુભવ મેળવ્યો હતો તેથી તેમના વિચારો કંઈક સૌમ્ય થયા હતા. એટલે તેમણે નીચેનું નિવેદન બહાર પાડીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી :

“મારા સાથીઓએ મને ફરમાશ કરી છે એટલે હું મૌન રાખી શકતો નથી. હમણાં જ મેં સાંભળ્યું કે આ વિષય ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડ્યું છે. હજી સુધી મેં તે જોયું નથી તેમ જ તેમાં ચોક્કસ શું કહ્યું છે તે બાબત મારા જાણવામાં આવી નથી. મારા સાથીઓએ કરેલા તારોમાં મારા પહેલા નિવેદન વિશે જે વિચારો દર્શાવ્યા છે તે સંપૂર્ણ સાચા છે. પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરવામાં આવે તેથી કૉંગ્રેસે સમાજવાદનો સ્વીકાર કર્યો છે અથવા હોદ્દાસ્વીકારની વિરુદ્ધ મત આપ્યો છે એમ માની લેવું બેહુદું છે. મારા નિવેદનમાં તો સમાજવાદ વિષેના મેં મારા વિચારો દર્શાવ્યા હતા અને મારું દૃષ્ટિબિંદુ તથા મારી પ્રવૃત્તિઓ એનાથી કેવી રીતે રંગાઈ છે એ બતાવ્યું હતું. હું હોદ્દાસ્વીકારની વિરુદ્ધ છું એ પણ તેમાં મેં કહ્યું હતું અને જ્યારે મને તક મળશે ત્યારે કૉંગ્રેસ આગળ મારું આ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો છું. પણ એ વિષે છેવટનો નિર્ણય તો કૉંગ્રેસે પૂરેપૂરો વિચાર કરીને તથા બધા પ્રતિનિધિઓના મત લઈને જ કરવાનો હોય છે. એવો નિર્ણય એમ ગમે એમ થઈ શકે નહીં. હું ચોક્કસ માનું છું કે દેશ આગળ સર્વોપરી મહત્ત્વનો પ્રશ્ન એ રાજદ્વારી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનો છે. અને તે માટે આપણે બધાએ એકત્ર થઈને સંયુક્ત પ્રયત્નો કરવા એ આવશ્યક છે. આ વસ્તુ ગેરસમજ દૂર કરવાની ખાતર જ હું કહું છું. આડકતરી રીતે પણ હું એમ સૂચવવા ઇચ્છતો નથી કે મારી ચૂંટણી થવી જોઈએ. તેમ છતાં મને ચૂંટવામાં આવશે જ તો એનો અર્થ તો એ થયો કે છેલ્લા આઠ મહિનાની મારી પ્રવૃત્તિની સામાન્ય દિશા કૉંગ્રેસીઓની બહુમતીને પસંદ આવે છે. તેનો અર્થ એમ બિલકુલ નથી કે મારા અમુક ખાસ વિચારો પ્રત્યે કૉંગ્રેસ પસંદગી બતાવે છે. જે વિચારો હું ધરાવું છું તેમાં કશો ફરક પડ્યો નથી અને હું પ્રમુખ ચૂંટાઉં કે ના ચૂંટાઉં પણ મારી પ્રવૃત્તિ એ વિચારોને અનુસરીને જ થવાની છે.”

છેવટે પંડિત જવાહરલાલજી ફૈઝપુર કૉંગ્રેસના પ્રમુખ સર્વાનુમતે ચૂંટાયા. બીજી ઘણી બાબતોની સાથે પોતાના ભાષણમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે,

“કૉંગ્રેસ આજે સંપૂર્ણ પ્રજાતંત્ર ઇચ્છે છે અને એવું પ્રજાતંત્ર સ્થાપવાને માટે, નહીં કે સમાજવાદને માટે, એ લડત ચલાવી રહી છે. કૉંગ્રેસ સામ્રાજ્યવાદની કટ્ટર વિરોધી છે અને આપણા રાજ્યતંત્ર તથા અર્થતંત્રમાં મહાન ફેરફાર લાવવા મથી રહી છે. મારી આશા એવી છે ખરી કે, પરિસ્થિતિ જ આપણને સમાજવાદ તરફ લઈ જશે. હિંદુસ્તાનનાં આર્થિક દુઃખોનો મને તો એ જ માત્ર એક ઉપાય જણાય છે. પણ આજે તો આપણા દેશની વધારેમાં વધારે મોટી જરૂરિયાત એ છે કે શાહીવાદની સામે જેનો મોરચો છે એવાં બધાં તત્ત્વો અને બળોને સંગઠિત કરી તેની સામે સંયુક્ત રાષ્ટ્રીય મોરચો ખડો કરવો.

કૉંગ્રેસની અંદર આ બધાં બળોનું પ્રતિનિધિત્ત્વ છે અને દૃષ્ટિબિંદુમાં સહેજસાજ ફરક હોય તથા વિચારોમાં વિવિધતા હોય છતાં સામાન્ય ધ્યેયને માટે એ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે.”

ફૈઝપુર કૉંગ્રેસની ખાસ વિશેષતા તો એ હતી કે, કૉંગ્રેસના ઈતિહાસમાં પહેલી જ વાર કૉંગ્રેસ ગામડામાં ભરાઈ. કૉંગ્રેસના અધિવેશનમાં એટલા બધા લોકો હાજરી આપે છે કે, અધિવેશન માટે બહુ ભારે વ્યવસ્થા કરવી પડે છે. શહેરમાં પણ એ વ્યવસ્થા કરવી છેક સહેલી હોતી નથી તો ગામડાંમાં તો વધારે મુશ્કેલી પડે. પણ ગાંધીજીનો આગ્રહ હતો કે ગામડાંમાં ગામડાંની ઢબે આવી ગોઠવણ કરતાં આપણે શીખીશું, તેમાં જ ગામડાંના લોકોને ઉત્તમ તાલીમ આપી શકીશું. રહેવાની, જમવાની, સફાઈકામની એ બધી વ્યવસ્થા તો ગામડાની ઢબે થઈ શકી. પણ પાણી અને દીવાબત્તી માટે મોટાં મોટાં યંત્રોનો ઉપયોગ કરવો પડ્યો.

શાંતિનિકેતનના પ્રખ્યાત કલાકાર શ્રી નંદલાલ વસુએ કૉંગ્રેસનગર, મંડપ, પ્રદર્શન વગેરેને બહુ સુંદર શણગાર્યા. ગામડાંમાં કૉંગ્રેસનું અધિવેશન ભરવાની સૂચના ગાંધીજીની હતી એટલે અધિવેશન માટેની ઝીણામાં ઝીણી વિગત વિષે તેઓ કાળજી રાખતા. તેમનો આગ્રહ હતો કે, શણગાર સજાવટ એ બધું ગામડાંમાં સહેજે મળી આવતી વસ્તુઓથી જ થવું જોઈએ. આ આગ્રહ શ્રી નંદબાબુએ બહુ સુંદર રીતે ઝીલી લીધો અને તમામ સજાવટમાં સાદાઈની સાથે સૌંદર્ય ને કળા પૂર્યાં.

લખનૌનું અધિવેશન એપ્રિલ માસમાં થયું હતું તે વખતે એવો ઠરાવ થયો હતો કે કૉંગ્રેસના અધિવેશન પહેલાં ડિસેમ્બરમાં થતાં હતાં તે જ પ્રમાણે ભવિષ્યમાં કરવાનું રાખવું. કદાચ એપ્રિલ માસના લખનૌના તાપ ઉપરથી આ નિર્ણય કરવાનું સૂઝ્યું હશે પણ ફૈઝપુરમાં ડિસેમ્બર માસની કડકડતી ટાઢમાં જે ગામડાંના લોકો આવ્યા તેમને વાંસનાં પાલાંના ઝુંપડાનો આશ્રય પણ આપી શકાયો નહીં અને હજારોની સંખ્યામાં લોકોને આખી રાત ભોંય ઉપર ઉઘાડામાં પડ્યા રહેવું પડ્યું. એટલે મહાસમિતિએ વળી પાછો ઠરાવ કર્યો કે કૉંગ્રેસનું અધિવેશન વસંત ઋતુમાં એટલે કે માર્ચ મહિનામાં કરવું.