લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૪/ફ્લોરા અને કુસુમ.

વિકિસ્રોતમાંથી
← કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ફ્લોરા અને કુસુમ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય. →


પ્રકરણ ૮.
ફ્‌લોરા અને કુસુમ.'

રાજકીય નીતિ જ્યાં જ્યાં ઉદાર, દીર્ધદષ્ટિવાળી, અને કાર્યગ્રાહી થઈ છે ત્યાં ત્યાં ભિન્ન રાજયોના રાજપુરુષોના પરસ્પર સંબંધ ગાઢ થયા છે. બે રાજ્યના રાજાઓ મિત્ર હોય તો પરસ્પરના લાભનું આસ્વાદન કરવા માટે, અને શત્રુ હોય તો પરસ્પરનાં છિદ્રસ્થાન અને મર્મસ્થાન સુધી ક્‌હાડવાને માટે એ રાજાઓ દૂર હોવા છતાં સમીપ જવાના ચિત્રમાર્ગ શોધે છે અને રચે છે. અકબર મહારાજના કાળમાં રજપુતોને મિત્રે કરવામાં આવ્યા હતા અને રજપુતાણીઓને બાદશાહી જનાનામાં લેવામાં આવી હતી. ”આજના કાળમાં આ મંત્ર ઈંગ્રેજો સાધતા નથી તેનાં અનેક કારણ છે, પણ જે દેશી રાજાઓ જાતે અથવા પોતાના રાજપુરુષ દ્વારા ઈંગ્રેજ અધિકારીઓમાં ભોજનાદિ વ્યવહારમાં ભળે છે તેને આ મંત્રસાધનાનો કંઈક અનુભવ થાય છે. ચતુર્વર્ણમાં અને ચતુર્વર્ણ બ્હાર રજપુતેને ઈષ્ટવ્યવહાર ચલવવા શાસ્ત્રથી અને લોકાચારથી સ્વતંત્રતા મળેલી છે તે આ મંત્રસાધનાને અનુકૂળતા આપવાને જ માટે છે. ભોજનકાળે અને વિનોદ-વિહારને સ્થાને ઈંગ્રેજોનાં હૃદય ઉઘડે છે એવાં અન્યત્ર ઉઘડતાં નથી. તેમના ધર્મગુરુઓ અને તેમની સ્ત્રીઓ અન્ય પ્રજાઓને તેમનાં હૃદયમાં અવકાશ અપાવી શકે છે એવો અવકાશ અન્ય નિમિત્તોથી ક્‌વચિતજ મળે છે. આવા અવકાશ મેળવવાને કમલાવતી રાણીને કોઈ ઈંગ્રેજ સ્ત્રીનો પ્રસંગ કરી આપવો એવો સંકલ્પ મલ્લરાજે ઉત્તર કાળમાં યુવરાજ પાસે કરાવ્યો હતો.

મણિરાજ રાજ્યપતિ થયા પછી પિતાનો સંકલ્પ એને અન્ય કારણોથી પણ ઈષ્ટ થયો. શાસ્ત્ર પ્રમાણે આર્ય ક્ષત્રિયોને જેમ ભોજનાદિ ગમે ત્યાંથી ગ્રાહ્ય છે તેમ આર્ય બ્રાહ્મણોને વિદ્યા ગમે ત્યાંથી ગ્રાહ્ય છે. ક્ષત્રિયો રાજવિદ્યાના વિષયમાં એ વિદ્યાના બ્રાહ્મણ છે અને ઈંગ્રેજી વિદ્યા આજ રાજવિદ્યા છે તે વિદ્યારૂપે તે રાજભવનમાં પૂજ્ય છે. આજ કાલના રાજાઓના રાજવ્યવહારમાં કુલાચારને નામે અનેક અનાચાર ચાલે છે અને રાજકુમારો અને રાજસેવકોના રાજકાર્યમાં અનેક રીતે પ્રતિબન્ધરૂપ થાય છે. મલ્લરાજના કુળાચારનું એક સૂત્ર એ હતું કે “યુગે યુગે યુગાચાર.” પોતાના રાજભવનમાં આ સૂત્રના વિરોધી કુળાચાર પ્રવેશ પામે નહી અને પરરાજ્યોના જેવા ગંઠાઈ ગયેલા અદીર્ઘદર્શક અને પ્રતિબંધરૂપ કુળાચાર પોતાના કુળને ભ્રષ્ટ કરે નહી એવા હેતુથી રત્નનગરીના રાજભવનમાં સંસ્કૃત વિદ્યા સ્ફુરવા દેવામાં આવી હતી તે જ ન્યાયે ઈંગ્રેજી વિદ્યાને પણ માર્ગ આપવો એવો મણિરાજનો સંકલ્પ થયો અને વિદ્યાચતુરે તેનું અભિનન્દન કર્યું. આ યોજના પાર પાડવાને માટે ઈંગ્લેંડથી બ્રેવ સાહેબની વિધવા દ્વારા કોઈ ઉચ્ચ કુળની ઉચ્ચ શીલવાળી પંડિત સ્ત્રી શોધતાં મિસ ફ્‌લોરા નામની પચીશ વર્ષની કુમારિકા મળી આવી. તેને વર્ષેક દિવસથી કમલાવતી રાણીના શિક્ષણકાર્યમાં યોજી હતી, અને પતિવ્રતા રાણી પતિની આજ્ઞા ઉત્સાહથી સ્વીકારી અધિકારપદવી ભુલી જઈ શિષ્યા થઈ શિષ્યધર્મ પાળતી હતી.

કુમુદસુંદરીના શોકમાં ગુણસુંદરી ગ્રસ્ત થવાથી કુસુમના મન-ઉદ્યાનનું જલસેચન મન્દ પડ્યું હતું. કમલારાણીએ આવતાં જતાં તે જોયું અને પતિની આજ્ઞા લેઈ ફ્‌લોરાને કુસમ પાસે મોકલવા માંડી. ઈંગ્રેજ કુમારી કલાઓમાં નિષ્પન્ન*[] હતી. તો કુસુમ તે કલાઓની જિજ્ઞાસુ હતી, ફ્‌લોરા દેશી વ્યવહારની જિજ્ઞાસુ હતી તો કુસુમ ઈંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસીયણ હતી. ફ્‌લોરાને દેશી સ્ત્રીઓની બુદ્ધિમાં અને ગૃહનીતીમાં કંઈ ગ્રાહ્ય લાગતું તો ઇંગ્રેજ સંસારમાં શું ગ્રાહ્ય છે અને દેશી સંસારને તે કેટલું અનુકૂલ કે પ્રતિકૂલ છે તે શોધવાનો કુસુમને અભિલાષ હતો. પરસ્પર અપેક્ષાઓ અને વાસનાઓ પૂરવાના આવા યોગથી ફ્‌લોરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા.

કુસુમને બેસવાના ખંડમાં જવાની નીસરણી ઉપર ચ્હડતાં ચ્હડતાં એક પાસની ભીંતમાંની બારીમાંથી કુસુમને પોતાની પાસે આવવા દોડતી ફ્‌લોરા જોઈ. એ આવી પ્હોચતા સુધી પોતે ત્યાંજ ઉભી રહી. એ આવી એટલે આંંગળીએ વળગી બે જણ ઉપર ચ્હડયાં. વાતો ગુજરાતીમાં ચાલી; ફ્‌લોરા ગુજરાતી સમજવા બોલવા પ્રયત્ન કરતી હતી અને ગુંચવારો પડતાં સ્મિત કરતી હતી.

ફ્‌લો૦– “મિસ કુસુમ - બ...હે...ન કુસુમ - કુસુમ બ...હે...ન.”

કુ૦- “બ...હે...ન નહી, બ્હેન."

ફ્‌લો૦- “બરાબર. લખવા અને વાંચવામાં ત...મા...રી – ભા...ષા... ફેર રાખે છે. “કુસુમ બ્હેન ! બરોબર?”

કુ૦– “બરાબર! ફ્‌લોરા બ્હેન! મ્હારા તમારા નામનો અર્થ એક જ છે."

ફ્‌લો૦– “યેસ્ ! હા. તમે કુસુમ – હું કુસુમ. તમે... કુમારી... હું કુમારી.”

વાત કરતાં કરતાં બે જણ ઉપર આવ્યાં. એક અનેકાસન [] ઉપર બેઠાં.

કુસુમે ફ્‌લોરાને એક ચીનાઈ પંખો આપ્યો, તેના પવનથી પરસેવો શાંત કરતી ફ્‌લોરા પુછવા લાગી.”

“આનું નામ શું ?”

"વીંજણો ?"

“તમારી સાથે કોણ હતું ?”


  1. * Accomplished
  2. * અનેક મનુષ્યને બેસવાનું આસન, કોચ,
  • Accomplished. [!
  • અનેક મનુષ્યને બેસવાનું અાસન, કાચ,

“મ્હારાં કાકી સુન્દર, તેમને બોલાવું?”

"હા. ખુશીથી.”

સુન્દરને કુસુમ બોલાવી આવી. સઉ બેઠાં. ફ્‌લોરા બોલી “આ... વો...જી.. ખુશી છો ?”

સુન્દર– “હા. કુસુમ તમારાં બહુ વખાણ કરે છે.”

ફ્‌લો૦- “એમની.. મ્હારા.. ઉપર.. માયા-છે.”

સુ૦– “કુસુમ, મડમ સાહેબ કુમુદ જેવું મધુર અને ઝીણું બોલે છે.”

કુ૦– “હા, પણ એમને મડમ સાહેબને ઠેકાણે ફ્‌લોરા બ્હેન ક્‌હેવાનું ગમે છે – ફ્‌લોરા એટલે ફુલ, અને કુસુમ એટલે પણ ફુલ. અને બે જણ કુમારાં.”

સુ૦– “વારું, ફ્‌લોરા બ્હેન તમે કુમારાં કયાં સુધી ર્‌હેશો? કુસુમને તો હવે પરણવું પડશે.”

ફ્લો૦– સુન્દરકાકી, - અમે, તો બાળક છીએ ને તમે મ..હોટાં. મ્હોટાં છો. પરણવું હોય તે પરણે. ન પરણવું હોય તે ન પરણે. સઉ ગમવા, ન ગમવાની વાત. કુસુમબ-હે-ન-કુસુમબ્હેન-ને ગમે તો પરણે. મને ન ગમે તો ન પરણું.”

સુ૦– “પણ તમે એને પરણવાની શીખામણ આપો. એની મા બહું ચિંતા કરે છે.”

ફ્‌લો૦– “એમની કેળવણી પુરી થાય અને એમને પ્રીતિ થાય ત્યારે પરણે.”

કુ૦– “કાકી, એ તો અવળે ઠેકાણેથી મદદ માગી. એમના આચાર- વિચાર આપણાથી જુદા; ત્યાં તમે ન ફાવો. પણ ચાલો હું, તમને સંતોષ અપાવું 'ફ્‌લોરા બ્હેન, તમારે ત્યાં સ્ત્રીનું મન પ્રીતિથી દૂર ક્યાર સુધી ર્‌હે છે ?”

ફ્‌લો૦- “પ્રીતિની સૃષ્ટિ ઈશ્વરના હાથમાં છે.”

કુ૦- “પણ સ્ત્રી ધારે તે કુમારિકા થઈ શુદ્ધ રહી શકે કે નહી ?”

ફ્લો૦- “અલબત રહી શકે. જેને ઉદ્યોગ છે અને.. ઈશ્વરનું ભય છે.. તેને ઈશ્વર.. મદદ આપે.. છેજ.”

સુ૦– “પણ વીલાયતમાં સ્ત્રીયો તમારા જેવા ઉદ્યોગ કરી શકે છે. અમારા દેશમાં તેમ નથી.”

ફ્‌લો૦– “યેસ્. એ ફેકટ – એ વાત ખરી. પ...ણ.. પ્રધાનજી દ્રવ્યવાન્ છે, બળથી પુત્રીને પરણાવવી એ અમારા લોક પાપ ગણે છે. અમારા.. ચાલ- પ્રમાણે પરણવાનાં વર્ષ પણ કુસુમબ્હેનને થયાં નથી.”

સુ૦– “બાપનું દ્રવ્ય દીકરીને નકામું. વળી દીકરી પરણાવ્યાથી પાપ નથી ને ન પરણાવવી તેમાં પાપ છે. બાકી કન્યાદાન જેવું માબાપને બીજું પુણ્ય નથી. કન્યાદાન દેવું એ કાંઈ બળાત્કાર નથી. કન્યાદાન કન્યાના કલ્યાણ માટે છે ને બાળકનું કલ્યાણ માબાપ ઇચ્છે તેમાં બળાત્કાર ન કહેવાય.”

ઈંગ્રેજ કન્યાથી આ ભાષણ સમજાયું નહીં. કુસુમ તે સમજી અને બીજી વાત ક્‌હાડવા પ્રયત્ન આરંભ્યો.

“ ક્‌હો, કાકી, મરજી હોય તો મ્હારો અભ્યાસ આરંભીયે. પણ તે ઈંગ્રેજીમાં થવાનો એટલે તમારે વાંધો.”

“ના બ્હેન, તું ભણ અને હું બેઠી બેઠી જોઈશ કે ઈંગ્રેજી કેમ બોલો છો.”

બે કુમારિકાઓએ એક ઈંગ્રેજી પુસ્તકનું પ્રકરણ આરંભ્યું. તેમાં એક વાક્ય એવું આવ્યું કે “ He continued a lover, though they were married at least five years back.” કુસુમથી આનો વસ્તુ અર્થ સમજાયો નહીં. ફ્‌લોરા તે ઇંગ્રેજીમાં જ સમજાવવા લાગી.

“જ્યાં સુધી પુરુષ અપરિણીત હોય છે ત્યાં સુધી તેને સ્ત્રી ઉપર મોહ જુદો ર્‌હે છે. એ કાળની પ્રીતિમાં નવીનતા છે. નવીનતા પુરી થાય અને લગ્ન થાય તે પછી કાળક્રમે મોહ જાતે જ બંધ થાય છે એવો નિયમ છે એ નિયમમાં અપવાદ હોય તેની નવીનતા.”

કુ૦– “પારસી નાટકમાં એક દિવસ ગાયન હતું તે આવાજ અર્થનું હતું."

“ગુલ,–પ્રીત કરવી છે સ્હેલ ઘણી પણ નીભાવ બહુ મુશ્કિલ.”

ફ્‌લો૦– એમજ.

કુ૦– ત્યારે જે દેશમાં પ્રીતિના કારણથી અને સ્વતંત્રતાથી સ્ત્રીપુરુષો જાતે લગ્ન કરે છે તેનો મોહ આટલોજ ?

ફ્‌લો૦– એમજ.

કુ૦– તો પછીનો પ્રેમ કેવો હોય છે ?

ફ્‌લો૦– લગ્ન પછી દમ્પતીને પરસ્પરગુણદોષનો પરિચય થાય છે, તેને અંતે ઉભયનો ગુણસંવાદ નીકળે ત્યાં મિત્રતા થાય છે અને બાકીનો વર્ગ સુખે દુઃખે કે સંતાપથી જીવનનો નિર્વાહ કરે છે અથવા લ્હડે છે. કુ૦– છેલ્લો પરિણામ આવે તો અબળા જાતિને જ સ્હેવું પડતું હશે?

ફ્લો૦- હા...સ્તો.

કુ૦– ત્યારે અમારા તમારા લોકના આચારોના આરંભમાં ફેર છે! બાકી સરખુંજ છે.

ફ્લો૦- જે હોય તે એ જ, ખરી વાત આ જ છે.

કુ૦– ત્યારે પુરુષ લગ્ન થતા સુધી રમણ (Lover) હોય છે અને પછી સ્વામી થાય છે.

ફ્લો૦- એમજ.

કુ૦– રાજકવિ ટેનિસનનાં “રાજકુમારી” કાવ્યનો અર્થ આ કુંચીથી સમજાશે ?

ફ્લો૦- શું તમે એ કાવ્ય વાંચ્યું છે ?

કુ૦– મ્હારી બ્હેનના વિવાહિત પતિ સરસ્વતીચંદ્રે એ પુસ્તકના કેટલાક પાનાં બ્હેન પાસે વાંચ્યા અને સમજાવ્યા હતા ત્યારે હું હતી.

અંગ્રેજીમાં કુસુમના મ્હોમાં સરસ્વતીચંદ્રનું નામ સાંભળી સુન્દર ચમકી. અર્થ તો ન સમજાયું પણ તર્ક કરવા લાગી.

ફ્‌લો૦- ટેનિસનનું બીજું કાંઈ કાવ્ય તમે વાંચ્યું છે?

કુ૦- વાંચ્યું છે પણ થોડુંક જ સમજાયું છે. ક્વચિત્ પિતાજી સમજાવે, ક્વચિત્ મ્હારાં માતા સમજાવે, ક્વચિત્ જાતે વાંચું, અને બાકીનું એમનું એમ ર્‌હે. તમને અવકાશ મળે ને સમજાવશો તો ઘણી ઉપકૃત થઈશ.

ફ્‌લો૦– એ સમજાવતાં મને બહુ આનંદ થશે, પણ તમને કોઈ ભાગ મુખાગ્રે હોય તો બોલો જોઈએ.

કુ૦ –સાંભળો, “ઈન મેમોરિયમ્” માંથી બોલું છું.

દીઠો મ્હેં સુખભર એ તો દિન!
હું તેના ગાનમાં બનું લીન !
સમજી બધું સત્ય એ શું હું આ જ ?
હતો ન અખંડ એ સુખસાજ;
હતો ન પ્રમોદ એ સંપૂર્ણ !
સમજવામાં રહ્યું ઘણું ન્યૂન.
સુખદિનસરિતાના મૂળ પાસ,
સુધાજળ જ્યાં ઝરે છે ત્યાંજ,
તરે કાળા તિમિર મક..ર,
શરીર પુચ્છ ઝાપટે જળપર!
બને બીહામણું એ નીર,
તરે યમના જ જ્યાં એ વીર !”

ફ્‌લો૦- ઉપકાર થયો. મ્હારી મધુર કુસુમ! તું જે ક્‌હેશે તે હું તને શીખવીશ. એટલું જ નહી પણ આવી સુન્દર શિષ્યાને અન્ય વસ્તુ પણ શીખવીશ – તે શીખશો ?

કુ૦– તમે શીખવવાની કૃપા કરશો ત્યારે અવશ્ય શીખીશ.

ફ્‌લો૦- પણ તમારા હીંદુસંસારના આચારમાં તેનો સમાસ થયો નહી હોય તો?

કુ૦– એ પ્રશ્નનો ઉત્તર મ્હારાં માતાપિતા પાસેથી લેજો. મ્હારું પ્રારબ્ધ તેમની આજ્ઞાને વશ છે અને તેમની આજ્ઞાની યોગ્યતા ઉપર મને સંપૂર્ણ શ્રદ્ધા છે.

આ વાર્તા ચાલે છે એટલામાં માણસ સાથે વિદ્યાચતુરનો નામપત્ર - "કાર્ડ" –આવ્યો. તેને ફ્‌લોરાની અનુમતિ મળતાં વિદ્યાચતુરે પ્રવેશ કર્યો. સર્વ ઉભાં થયાં અને ગુજરાતીમાં વાતો ચાલી.

ફ્‌લો‌૦– અંદર આવો..જી. મિસ્ કુસુમનાં શિક્ષણનો વિષય અમે ચર્ચીએ છીએ.

વિ૦– તેનો પરિણામ શો આવ્યો !

ફ્‌લો૦– તેમની બુદ્ધિ પરિણામ પામી છે. Mr. Pradhanji it will be a privilege to have to teach so very precocious a pupil. I also shall have to learn something from her.My sweet Kusum, will you teach me how to translate the word “precocity” into your vernacular.

કુસુમ નીચું જોઈ રહી.

ફ્‌લો૦– જુ...વો.. પિતા પાસે bashful... bashful..શરમાળ...થઈ ગયાં !

ફ્‌લૉરાએ કુસુમને ગળે હાથ નાંખ્યો અને એના હાથને ચુમ્બન કર્યું. સુન્દર ચમકી, પણ ફ્‌લોરાએ તે જાણ્યું નહી.

ફ્‌લો૦- Mr. Pradhanji, what if I teach your sweet child some of our accomplishments ?- Say, introduce her to the piano, teach her some singing, some painting and so on ? Just turn her into an artist and make her life sweeter ?

વિ૦– Does Kusum like them ?

ફ્‌લો૦- She has no likes or dislikes. She leaves all to her father with the boundless confidence of a child.

વિ૦– Well, considering her social surroundings, it is not possible to say that these otherwise good things will also prove her blessings.

ફ્‌લો૦- How ?

વિ૦– You perhaps know that she is bound to marry, and we don't know whether her unknown husband and his people will relish these things.

ફ્‌લો૦- Why should she be bound to marry? She has a mind to remain as single as I am ? You mean you will be cruel to her and force her to marry — Such a sweet bird to be forced into marriage ? No, no, my good sir, I swear you shan't do anything of that kind ?

વિ૦- My good lady, you first get your point solved by her and her mother; and then we shall see. વિદ્યાચતુર હસતો હસતો બોલ્યો.

વાતો કરતાં કરતાં સર્વ દાદર ઉતર્યાં. ફ્‌લોરા ગાડીમાં બેસી ઘેર ગઈ. વિદ્યાચતુર ન્હાવા ગયો. સુન્દરે કુસુમનો હાથ ઝાલી રાખી છેટે ધર્યો, અને ચાલતી ચાલતી બોલી. “મેર મોઈ, ત્હારે હાથે એના ઓઠ અડકયા તે હાથ અજીઠા થયા – ધોઈ નાંખજે. એ ઓઠે શું નહી અડક્યું હોય ? આજ હાથ વટલાયા, કાલ મ્હોં વટલાવજે, ને પછી એના ઉપદેશથી કાળજું વટલાવજે !”

વિચારમાં પડેલી કુસમે ઉત્તર ન દીધો.

માત્ર ઓઠપર આંગળી મુકી ગણગણતી ચાલી. એકાંત શોધતી ચાલી અને ગણગણતી ગઈ. પાસે ઉભેલી કાકીને ન દેખતી ગણગણતી ગઈ. ગુણસુંદરીને શાંત પાડવા એક સંન્યાસીએ કહેલા શ્લોક સ્મરણમાં સ્ફુરી આવ્યા.

[]“पुत्रमित्रकलत्रेषु सक्ता: सीदन्ति मानवा: ।
"सरःपङ्कार्णवे मग्ना वनगजा इव॥

“પરણે તે પડે ને બાળક તો કુમારી પણ પડે. તેનું કોઈ સ્વજન નથી. તેને તો સ્વજનની આશા પણ નિરાશા - ગુણીયલનો શોક ઓછો કરવા સ્વામીજી કાલ ક્‌હેતા હતા તે આજ સમજાયું કે - સ્વજન કોઈ સુખ આપનાર નથી !

[] “मन्वे मायेयमज्ञानं यत्सुखं स्वजनादपि ।
“निन्दाघवारणायालं निजच्छाया न कस्यचित् ।।

“શું પરણ્યા વિના નહીજ ચાલે ? તર્જની ઉંચી કરી ઓઠે મુકી. શાસ્ત્રમાં સંબંધમાત્રને દુ:ખકર ગણ્યો છે તે કાલ જ સાંભળ્યું !” છાતી પર હાથ મુકી દૃષ્ટિ મીંચી.

[]"यावतः कुरुते जन्तुः सम्बधान् मनसः प्रियान् ।
“तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशंङ्क्वः ।।

આંખ ઉઘાડી હથેલીની બેવડ કેડે મુકી, તેને ક્‌હેતી હોય તેમ જોઈ ર્‌હી. “બ્હેન! તું ગઈ તે સુખી થઈ ! હું રહી તે દુઃખી થઈ. “સ્વામીજી બોધ કરે છે, માતા સાંભળે છે, ને પિતા જાણે છે ! છતાં કુસુમને તો તે સર્વ ન જેવુંજ છે ને દીવો લેઈને કુવામાં પડવાનું છે!

“સ્વામીજીએ બરોબરજ કહ્યું કે,

[]“एक एव चरेन्नित्यम्
“कन्याया इय कङ्कणम् ॥

“હું સ્વામીજીને પગે પડી મનનું માગ્યું મ્હોંયે માગું તે નહી મળે ?


  1. ૧. સરોવરના પંક સાગરમાં જીર્ણ વનગજ સરી જાય એમ પુત્ર, મિત્ર અને સ્ત્રીમાં સક્ત થયેલાં માનવીઓ તેમાં કળી પડે છે.
  2. ૨. એમ જાણું છું કે, જે આ સ્વજનનું સુખ ક્‌હેવાય છે તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મનો તાપ ખોળવાને પોતાની છાયા બસ નથી થતી તેવું જ આ સુખ પણ તે છાયા જેવું છે.
  3. ૩. પોતાના મનગમતા જેટલા સંબંધ જન્તુ રચે છે એટલા શોકશંકુ એના હૃદયમાં ખણાય છે.
  4. ૪. કન્યાના કંકણ પેઠે એકલાં એક જ ચરવું.

“સ્વામીજીએ જ કલ્યાણનું સ્થાન બતાવ્યું ને તે મને ગમ્યું છે :-

[]“कुरङ्गः कल्याणं प्रतिविटपमारोग्यमटवि
“स्रवन्ति क्षेमं ते पुलिन कुशलं भद्रनुपलाः ।
“निशान्तादस्वन्तात्कथमपि विनिष्क्रान्तमधुना
“मनोऽस्माकं दीर्घामभिलषति युष्मत्परिचितिम् ॥

“એ..આવા...આવા શ્લોક રાતદિવસ સાંભળ્યાં કરીયે, વાંચ્યાં કરીયે, ને એવાંજ સ્થાનમાં ર્‌હીયે તો પછી બાકી શું જોઈએ ? પણ ગાય ને દીકરી તો વળાવે ત્યાં જાય ! શું પિતાજી મ્હારો અભિલાષ પુરો નહી પાડે? શું આ મ્હોટા ખાડામાં હું પડવાને જ સરજી છું ?"

વિચાર કરતી કરતી ચાલી. પોતાના ખંડ આગળ આવી ને વિચારમાં ને વિચારમાં કમાડ સાથે માથું પછડાયું, ત્હોયે તે ચમકી નહી. ત્યાં ઉભી ઉભી જાગી હોય તેમ બેાલવા લાગી.

“હાં હાં ! જખ મારે છે. પિતાજી ગમે તે કરે પણ વર મળશે ત્યારે પરણાવશે કની ? સરસ્વતીચંદ્ર જડવાના જ નથી ને બીજો વર મળવાનો જ નથી. પિતા મ્હારા સામું નહી જુવે પણ અનાથનો બેલી ઈશ્વર કહ્યો છે તે યે શું મ્હારા સામું નહીં જુવે ?”

નવી આશાના ઉમંગથી સ્વસ્થ થયેલી બાળકી કમાડ ઉઘાડી અંદર પેઠી અને કમાડ વાસી દીધાં.

સુન્દર સઉ સાંભળતી પાછળ પાછળ ચાલતી હતી તે ઉભી રહી અને છાતીએ હાથ કુટી બોલી ઉઠી.

“છોકરી ! ગજબ કર્યો ! હવે તે તું બાપની એ ન રહી !”


  1. ઓ મૃગો ! તમારૂં ક૯યાણ થાવ. વૃક્ષોની શાખાએ શાખાએ આરેાગ્ય ઝરનારા જંગલ! તું ક્ષેમ ર્‌હો! રેતી ભરેલા નદીતીર ! ત્હારું કુશલ હો! ઓ શિલાઓ ! તમારું ભદ્ર હો ! દુષ્ટ પરિણામવાળા આ નિશાન્તમાંથી મહાપ્રયત્ન વડે બ્હાર નીકળી જઈ અમારું મન હવે તમારાં દીર્ઘ પરિચયનો અભિલાષ રાખે છે.