લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્રની અશ્રુધારા.

વિકિસ્રોતમાંથી
←  નવરાત્રિ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સરસ્વતીચંદ્રની અશ્રુધારા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. →


પ્રકરણ ૬.
સરસ્વતીચંદ્રની અશ્રુધારા.
“And the Raven, never flitting, still is sitting, still is sitting
“On the pallid bust of Pallas, just above my chamber door;
“And his eyes have all the seeming of a demon's that is dreaming,
“And the lamp-light, o'er him streaming, throws his shadow on the floor,
“And my soul, from out that shadow that lies floating on the floor, “Shall be lifted– never more!”– Edgar Allan Poe.

વિષ્ણુદાસ પોતાના મંડળ સાથે અલખ જગવવા પર્વત ઊપરથી ઉતરી નીચે ગયા હતા ત્યાં તેમની ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો પડ્યો હતો અને વિહારપુરી તથા રાધેદાસે આણી આપેલા પત્રોનું પોટકું ઉઘાડી તેમાં ડુબી ગયો હતો.

બ્હારવટીયાઓએ ચંદ્રકાંતને લુટી એના સામનમાંથી હાથ આવેલા સર્વ કાગળો માર્ગમાં ફેંકી દીધા હતા તે બાવાઓએ ઉપાડી લેઈ આણ્યા હતા. સરસ્વતીચંદ્રના હાથમાં આજ એ પત્રો આવ્યા અને એકાંત મળતાં મંત્રસંયોગ જેવી સિદ્ધિ પામી એ પત્રામાં ડુબો.

ચંદ્રકાંત સરસ્વતીચંદ્રનો પરમ મિત્ર હોવા છતાં, દ્રવ્યસુખી મિત્રના સુખસરોવરમાં દુઃખમહાસાગરનું ખારું પાણી ભેળવવા ન ઈચ્છનાર રંક મિત્રે પોતાની નિર્ધનતા અને કુટુંબક્લેશની કુથલી કે સંજ્ઞા સરખી સરસ્વતીચંદ્ર પાસે કદી કરી ન હતી. પણ પોતાના રંક મિત્રો અને કુટુંબજનોના પત્રવ્યવહારમાં એની દુ:સ્થિતિની છાયા પડી રહી હતી અને એ છાયાનું આજ સરસ્વતીચંદ્રે પ્રથમજ દર્શન કર્યું. એ છાયાને એના હૃદયમાં પ્રથમાવતાર થયો તેની સાથેજ એ ચકિત થયો, સ્તબ્ધ થયો, અને દુઃખિત થયો. “અહા ! ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! શું ત્હારે શિર આવાં દુ:ખ છે ને મને તેનું સ્વન્ન પણ હં આવવા દીધું નથી? પ્રિય કુમુદનું દુઃખ તો મ્હેં દીઠું, પણ પ્રિય મિત્રનું તો માત્ર વાંચ્યું જ. મિત્ર જો ત્હેં મ્હારી સાથે ભેદભાવ રાખ્યો ! સરસ્વતીચંદ્ર ! ત્હારા ઉપર તો હજી સુધી કાંઈજ દુ:ખ નથી પડ્યું. તુંજ્યાં ગયો ત્યાં અન્નપૂર્ણાની કૃપા જોઈ અને જાતની ચિંતા તો કરી જ નથી, પણ અા તો નવું દર્શન ! ”

એ ઉભો થયો, મિત્રના પત્રો છાતી સરસા ચાંપવા લાગ્યો, અને નેત્રમાં અશ્રુધારા ચાલી રહી. એક પત્થર ઉપર બેઠો અને એક પત્ર વાંચવા લાગ્યો.

“પ્રિય ચંદ્રકાંત,

“તમે સરસ્વતીચંદ્રને શોધવા ગયા છો, પણ ગંગાભાભી શીવાય તમારા ઘરમાં કોઈને આ વાત ગમતી નથી. મુંબાઈનું ખરચ અને પ્રમાણિકપણાની કમાઈએ બે વાનાં વચ્ચે સાપ અને ઉંદરને સંબંધ છે. તમારાં માતુશ્રી બડબડે છે અને પુછે છે કે સરસ્વતીચંદ્ર તમને શું દુધ દોહી આપવાના હતા કે જેવી તેવી પણ આ કમાઈ છોડી એની પાછળ પ્રવાસનું વિશેષ ખર્ચ કરો છે ? તમારું નિત્યનું ખરચ તમારી સાધારણ કમાઈને ખાઈ જાય છે, તેમાં તમે આ નવું ખરચ આરંભ્યું અને તમારી ગેરહાજરીમાં કમાઈ બંધ છે એટલે ઘરમાં સઉને, ખરચ એાછું કરવાનો વારો આવ્યો છે અને તેનું કારણભૂત થયેલા સરસ્વતીચંદ્ર તેમની ગાળો ખાય છે."

“ખરું પુછો તો મને તમારી વર્તણુકમાં કંઈક વિરોધ લાગે છે. ગમે તો ઘરમાં સઉને વશ રાખી સઉને સ્વેચ્છા પ્રમાણે ખરચ કરતાં અટકાવો. તેમ કરવામાં કુટુંબક્લેશનું ભય છે, પણ બે પઈસા ઉગરે ત્યારે એવો ક્લેશ કરનાર બડબડે તે ગમે તો સ્વસ્થ થઈ સાંભળી ર્‌હો અને ગમે તો એક વાર એવી ગર્જના કરો કે સઉ કલહનાદ શાંત થઈ જાય. એક વાર ભુંડા ક્‌હેવાશો પણ જન્મારાનું સુખ થશે. બાકી ખરચ કરવાની ટેવ પાડી એ ટેવ ઘડી ઘડી બંધ કરવાની આશા રાખો તે મિથ્યા છે, એ ટેવને લીધે તમારે નામે દેવું કરવાનું એમને જ્યાં સુધી સુઝ્યું નથી ત્યાં સુધી ઈશ્વરની તમારા ઉપર કૃપા છે."

“બીજો માર્ગ એ છે કે સરસ્વતીચંદ્ર મુંબાઈ છોડતી વેળા તમને જે મ્હોટી રકમ આપી છે તે તેની ગણી તમારે માટે ન વાપરવાના સદ્ગુણનું મિથ્યાભિમાન છોડી દો તો સઉને સુખ થશે, જાતે એમ કરતાં મન અટકતું હોય તે મને મુખ્તારનામું મોકલો અને બેંકમાંથી પઈસા ઉપાડવા રજા આપો. લક્ષ્મી ચાંલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા જવું કામનું નથી."

“હું તમારા જેટલું ભણ્યો નથી, પણ ગણ્યો વધારે છું ને માયા રાખો છો તો આટલું કહુંછું પછી વિદ્યાનું પુછડું ઝાલી રાખવું હોય તો તમે ભોગવજો ને અમે જોઈશું.”

“લા૦ તમારો બાળપણનો સ્નેહી
“ સંસારીલાલ.”

ચંદ્રકાંત ઉપર આવેલા પત્રોમાંના ઘણા નીચે એણે ટૂંકામાં ટાંચણ કરેલું હતું અને તેમાં પોતે લખવા ધારેલા અથવા લખેલા ઉત્તરનો સાર હતો. ઉપરના પત્ર નીચેનું ટાંચણ એના હાથનું સરસ્વતીચંદ્ર વાંચવા લાગ્યો.

“ચંદ્ર પાછળ ચંદ્રકાંત દ્રવે તે ઘરના પથરા ન સમઝે. પારકું ખાવાની દ્હાડ મ્હારે માટે તમારી સળકે તો ઘરમાં ભેળાં થયેલાંની પોતાને માટે સળકે એ તમે જાત અનુભવથી સમજજો. આપણા શરીરમાં પઈસાનું માંસ હોય ને ઘરમાં ઝાડુ ક્‌હાડવા સાવરણી ન હોય ત્યારે ઘરના ડાંસ માંસ ચાખે પણ ખરા. પણ માબાપને બ્હાર ક્‌હાડી સાળીને સંગ્રહે એવા સાહેબ લોકનો રીવાજ આપણે પાળતા નથી. આપણે તો ડાંસ કરડો કે માંકણ કરડો, પણ જૈનનો દયાધર્મ પાળી પરલોકનું સુખ ઇચ્છીએ છીએ, ઘરનાં ભુખ્યાની દ્‌હાડ સળકશે તે આપણા શરીરમાં હશે ત્યાં સુધી ખાશે. કુવામાં હશે ત્યાં સુધી હવાડામાં આવશે. યોગી થઈને જોવું કે અકરાંતીયાં ખાય છે કેમ ને દુષ્કાળીયાં મરે છે કેમ ? અને આપણે આપણા આત્માનંદમાં મગ્ન ર્‌હેવું. સાક્ષી થઈ આનંદરૂપ થવું તે આ જ. પારકી માના જાયા દેશ લુંટે ને ઘરના જાયા ધર લુંટે તે લુટાલુટ વચ્ચે ઉભાં રહી દિગમ્બર યતિ થવું એ આપણે કપાળે લખેલો છઠ્ઠીનો લેખ છે. દેશ લુટે તે જબરાને કાંઈ ક્‌હેવાય નહી ને સાસુ ઉપરની રીસ ન્હાનાં બાળક ઉપર ક્‌હાડનારી વહુવારુની પેઠે ઘરનાં કંગાળ માણસો ઉપર રીસ ક્‌હાડવી એ બાયલું કામ સરસ્વતીચંદ્રના સુગન્ધનો રસિક પુરુષ નહી કરે. જે નરને લાખો રુપીયાની લક્ષ્મીને લાત મારતાં આવડી તેનો સહવાસી ચંદ્રકાંત શ્વાનની ચાટેલી ભાખરીના કડકા સારુ ભસાભસ ને બચકાબચકી નહી કરે.” આ પત્ર પોટકામાં પાછું મુકતો મુકતો અને બીજું પત્ર ક્‌હાડતો ક્‌હાડતો સરસ્વતીચંદ્ર આવેશમાં આવી ગાવા લાગ્યો.

“Open here I flung the shutter, when, with many a
flirt and flutter,
“In there stepped a stately Raven of the saintly
days of yore.”*[]

પૃથ્વીને લાત મારી વાધ્યો.

“Not the least obeisance made he; not a minute
stopped or stayed he;
“But with mean of lord or lady, perched above my
chamber-door–
“Perched upon a bust of Pallas, just above my
chamber-door.” *

થોડીવાર અટક્યો. બીજો પત્ર ઉઘાડતાં પહેલાં હાથનો સ્વસ્તિક રચી, પત્થર ઉપર બેસી રહી, વળી ગાવા લાગ્યો.

“Though thy crest be shorn and shaven, thou, I
say, art sure no craven ;
“Ghastly, grim, and ancient, Raven, wandering from
the nightly shore– '
“Tell me what thy lordly name is on the night's
Plutonian shore? ”*

“હા ! -અહા !–ડાબા હાથની તર્જની ઉભી કરી કાન આગળ કંપતી ધરી;

“નરરત્ન કંઈ મુજ દેશ વીશે
“બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે !
“નર રંકની ત્યાં કરવી શી કથા ?
“ધનરાશિ નિરર્થક મુજ પડ્યા !”

એાઠ કરડી ભ્રમર ચ્હડાવી બીજો પત્ર વાંચવાનું આરંભ્યું. એને મથાળું ન હતું અને નીચે સહી ન હતી. માત્ર ચંદ્રકાંતની સ્ત્રી ગંગાના વાંકાચુકા અક્ષર હતા.


  1. *Poe
“તમારો કાગળ પ્હોચ્યો છે. નણંદે ફોડી વાંચી આપ્યો છે. તમે

એ કાગળ જુદો લખી ઉપર ટીકટ ચ્હોડવાનું ખરચ કર્યું તે કોઈને ગમ્યું નથી તેથી મ્હેં આ કાગળ સંસારીલાલને બીડવા આપ્યો છે. હવેથી તો એમ પણ કાગળ નહીં લખાય. કારણ સંસારીલાલને કાગળ આપવા જઉં એટલે ઘરમાંની સઉ સતીઓ મ્હારી વાતો કરે છે, તે તો જાણે કે ન ગાંઠું, પણ બીચારા સંસારીલાલ મ્હારે માટે નકામા વગોવાય એ અણજુગતું. તમારા ઘરમાં જે વાત અણજુગતી નહી થાય તે નવાઈ. હું મ્હારી પોતાની વાતમાં તો ઘુટડા ગળી જાઉંછું પણ આટલું આટલું તમે કરોછે તેનો પાડ ન માને તો ધુળ નાંખી; પણ ઉલટાં ખાય ને ખોદે તે આપણાથી ખમાતું નથી. તમારી વાતમાં કોઈ બોલે ત્યારે તો હું સઉને શેર શેરની ચ્હડાવું છું ને માથાની થાઉં છું. બાકી ઘરનું કામ ઉસેડીને કરું છું ને મને કાપડું આપતાં સઉના જીવ કચવાય છે તે જુદું.”

"બધાને બધું જોઈએ ને તમારે કે કીકી સરખીને પાઈ જોઈએ નહી એવો ધંધો છે. પણ વળી લખશો કે પરદેશ ગયો ત્હોયે કુથલી કરે છે ને જંપવા દેતી નથી. માટે આટલાથી બધું સમજજો.”

“કીકી નીશાળે જાય છે તે સઉ બડબડે છે કે ઘરમાં ર્‌હેતી હોય તો કામ તો કરવા લાગે ને છોકરીયોને ભણીને શું કરવું છે. જમવાને વખત સઉને થયો હોય ત્હોયે કીકીને નીશાળને માટે મોડું થાય તેની ફીકર કોઈને નહી. બે દિવસ એણે ફી માગી ત્હોયે કોઈને તે આપવા વખત ન મળ્યો. કાલ તો નંબર ગયો ને રોઈને ફી માગી ત્યારે એને ઉલટી ધમકાવી અને મ્હારો મીજાજ હાથમાં રહ્યો નહી એટલે જુદ્ધ મચાવ્યું ત્યારે ફી મળી. હું રોઈ નથી માટે ફીકર કરશો નહી. ”

“કીકીનો વિવાહ કરવાનો વિચાર ચાલે છે પણ ઠેકાણું તમને અણગમતું છે તેથી સઉ અટક્યું છે. બને તો તમને પુછયા વગર પરભાર્યું કરી દેવા સુધી ઉમંગ રાખ્યો હતો. પણુ હું કાગડી જેવી ચેતી ગઈ એટલે બીજું જુદ્ધ મચવ્યું ને તરત તે વાત તેાડી નાંખી છે. ભાણાને કન્યા નથી તેથી સાટું થાય એવો તાલ હતો તેમાં તરત તો મ્હેં ધુળ નાંખી છે.”

“આટલી નવાજુનીથી તમારું પેટ ભરાશે, પછી પરદેશમાં અજીર્ણ થાય એટલું લખું તો મ્હારે જ વેઠવું પડે, કારણ તમારા વગર બીજું કોઈ મ્હારી દયા જાણે એમ નથી. કોણ જાણે કેઈ રાંડ આ સંસાર ઘડવા જેટલી નવરી પડી હશે.” બધાંને બકવું હોય તે બકે ને ઘરમાં પઈસા ખુટશે તો હું ચાંદ્રાયણ કરીશ ને સઉને સાથે ભુખ્યાં રાખીશ. પણ જેને શોધવા ગયા છો તેને લઈને જ આવજો ને હાથમાં આવેલા પાછાં ન્હાસવાનું કરે તો આ કાગળ વંચાવી દાખલો દેજો કે ગંગાના જેવી બાયડીઓ ઘેરે ઘેર વેઠે છે ને પ્હોચી વળે છે તેનાથી હજારમા ભાગ જેટલી તમને તો કોઈએ ચુંટી પણ ભરી નથી ને એવા સુકોમળ તમે થયા તેમ સઉ ભાયડાઓ થશે તો બ્રહ્માએ ઘડેલી બધી બાયડીઓ કુમારી રહેશે. પણ બાપના વાંક માટે બાયડીને રોવડાવો એવો ન્યાય બારીસ્ટરે કર્યો તેવો ન્યાય તમારું જોઈ વકીલ કરી બેસશે તે બીચારાં કુમુદસુંદરી તો ગરદન માર્યાં મુવાં પણ ગંગાભાભી તો તમારી કોટે વળગશે.”

ગંભીર અને તીવ્ર આવેશને કાળે સર્વે ભુલી ઉભો થયો ને એકલે એકલે પણ ખડખડ હસી પડ્યો.

“ગંગાભાભી, તમે સઉથી જોરાવર !” વળી શાંત પડ્યો ને શોકની છાયા મુખ ઉપર આવી. “ચંદ્રકાંત, આ સર્વે હાસ્યરસ વચ્ચે ઉભાં થઈ ત્હારા સંસારના શોકશંકુ મ્હારું હૃદય વીંધે છે. ગંગાભાભી, શું તમે એમ કહો છો કે ઘેરેઘેર આર્ય સ્ત્રીઓની દશા તમારા જેવીજ છે ? જો એમ હોય તો તેથી મ્હારું દુ:ખ શાંત થવાને બદલે સહસ્ત્રધા પ્રદીપ્ત થાયછે. શું આ દુઃખ ઘેરેઘેર છે? સરસ્વતીચંદ્ર, ગૌતમ બુદ્ધને જેમ એક સંજ્ઞા જોઈ અનેકનું ભાન થયું તેવુંજ તને અત્યારે થાય છે અને ત્હારા દુ:ખની વાદળી આકાશના એક ન્હાના ભાગમાંથી વેરાતી દેખાઈ આકાશના સર્વ ભાગને ઘેરી લેઈ બંધાય છે ? હરિ! હરિ ! હરિ ! અહા ! પ્રિય કુમુદ ! ત્હારો ત્યાગ કરી મ્હેં તને એકલીને અનાથ કરી નથી, પણ અનેક સ્ત્રીયોને અનાથ કરી છે ! ત્હારા જેવી સહધર્મચારિણીના સંયોગથી હું સર્વે સ્ત્રીજાતિ સાથે મ્હારા કાર્યને સાંધી શકત ને ગંગાભાભી જેવી અનેકનાં દુઃખ દૂર કરત! – આ સર્વેમાં ત્હારો અને ધનનો – ઉભયનો – ખપ હતો અને ઉભયનો મ્હેં ત્યાગ કર્યો ! ગંગાભાભીનાં અશિક્ષિત વાક્યોમાં પણ સ્ત્રીજાતિનું પવિત્ર રસચેતન સ્ફુરે છે અને સ્ત્રીજાતિનું સ્નેહસ્વાતંત્ર્ય બળથી ધસારા કરેછે – તો – તેનામાં વિદ્યાના આવાહનથી શું ન થાત ?”

“મુજ દેશ વીશે રસમાળી વિના
“ફળપુષ્પ ધરે નહી નારીલતા !
“રસશોધનસેચન ના જ બને !
“ધનરાશિ અચેતન મુજ રહે !” “Chandrakanta ! thou noble bust at my chamberdoor !

The Raven is ominous that perches on thy head ! And it casts a shadow from which my soul -

“Shall be lifted ? never more !
Shall be lifted – never more !

ગંગાના પત્ર નીચે ચંદ્રકાંતે લખેલું ટાંચણ વાંચવા માંડ્યું, “મને સમાચાર ક્‌હેતાં કે લખતાં કે મ્હારી પાસે ઉભરા ક્‌હાડતાં મ્હારી દયા ન જાણવીને બીજા કોઈની બ્હીક ન રાખવી. સ્વામી અને સ્ત્રીનાં અંતઃકરણ એક બીજા પાસે ઉઘડે એ તેમનો અનિવાર્ય અધિકાર છે. તેમાં માતાપિતા કે બ્રહ્મા જે કોઈ અંતરાય નાંખવામાં આવે તેને ધક્કો મારવામાં ધર્મ છે. એ ધર્મ ન પાળવાથી લગ્ન રદ થાય છે ને માબાપ છોકરાનું લગ્ન કરાવે ત્યારથી તેમને આટલી વાતમાં અધિકારનું રાજીનામું આપે છે. માટે આ વાતમાં કોઈનું કહ્યું માનવું નહી. બાળક પ્રતિ આપણો ધર્મ પણ એવાં જ કારણથી અનિવાર્ય છે. કીકીના વિવાહ અને અભ્યાસની વાતમાં મ્હેં કહ્યું છે તે જ કરવું અને કોઈની વાત ગાંઠવી નહી પણ માથાનાં થઈ ધાર્યું કરવું.

“કેટલાક સ્વામી માને વશ થઈ સ્ત્રી ઉપર જુલમ કરેછે અને કેટલાક સ્ત્રીને વશ થઈ માબાપ ઉપર જુલમ કરે છે. આ ઉભય જાતના સ્વામી અધર્મી અને અન્યાયી છે. એક પાસ માબાપ અને એક પાસ સ્ત્રી બે વચ્ચે ન્યાય કરવો એ જ ધર્મ છે. પણ બે પાસના વિશ્વાસ વિના આ ન્યાય શુદ્ધ થતો નથી અને તે શુદ્ધ હોય તો પણ તેનો અમલ બરાબર થતો નથી. ગંગાવહુ, આટલું સમજવા જેટલું મ્હેં તમને ભણાવ્યાં છે. તમે મારી પાસે મન ઉઘાડી વાત કરી શકોછો, એટલું ઘરનાં બીજાં માણસ કરે એમ નથી. તો તેમનો ને તમારો શુદ્ધ ન્યાય કરવો એ મ્હારાથી બને એમ નથી. તમે ન્હાનાં હતાં ત્યારે અરસપરસ સ્નેહ બંધાય અને મ્હારાં માણસ તમારાં થાય અને તમે એમનાં થાવ એટલો પ્રયત્ન મ્હેં કરેલો છે તે તમને ખબર છે. તમે મ્હોટાં થયાં ત્યાર પછી મ્હેં તમને અને તેમને પુરી સ્વતંત્રતા આપી છે એટલે તમારે સઉએ એક બીજાને કેમ સંભાળી લેવાં અને કેમ સુધારવાં કે પાંશરાં કરવાં એ હવે તમારી ચતુરાઈનું અને તમારા મનગમાનું કામ છે તેમાં હું વચ્ચે પડવા ઈચ્છતો નથી. રોપશો તેવું લણશો ને તમારાં સુખદુ:ખ તમે જાતે ભોગવશો – તે મ્હારે માથે નહી. શાસ્ત્રના વચન પ્રમાણે પુત્રને સોળે વર્ષે મિત્ર ગણવો ને સ્ત્રી ઘેર આવે ત્યાંથી મિત્ર થાય. તેને સટે દેશરીવાજ પ્રમાણે મ્હેં ગંગા વહુ વીશ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમને બાળક ગણ્યાં ને તેમને ત્યાં સુધી રમાડ્યાં પણ ખરાં ને રોવડાવ્યાં પણ ખરાં. ત્યાર પછી એ અધિકાર છોડી તેમને કુલ અધિકાર આપેલો છે, એટલે હવે તમારે કે ઘરમાં કોઈએ એવી આશા ન રાખવી કે ઘરકુથલીના ન્યાયના કડાકુટમાં ચંદ્રકાંત પડે. બાકી આપણી મિત્રતા તો મરતા સુધીની ઠરી તેથી તમારી વાતો સાંભળવા અને માગો ત્યાં તમને સારી શીખામણ આપવાને આપણે કેડ ભીંડીને તૈયાર છીએ. તમારે જે જોઈએ તે માગવા તમારી સ્વતંત્રતા છે. તમે ઘેલું માગો છો કે ડાહ્યું માગો છો તે વિચારવાનું કામ તમે મિત્ર થયા પછી હું હાથમાં રાખતો નથી. કારણ પુરુષ જે ઈચ્છે તે ડાહ્યું અને સ્ત્રી જે ઈચ્છે તે ગાંડું એ શાસ્ત્ર હું માનતો નથી. ન્હાનાં છોકરાંની પેઠે મ્હોટી ઉમરની સ્ત્રીઓને પણ સ્વામીની ઈચ્છાના સાંકડા ચીલામાં કેદ કરી ચલવવી એ વાત મિત્રધર્મથી ઉલટી છે અને એમાં જગતનું કલ્યાણ પણ નથી, કારણ પુરુષ કરતાં સ્ત્રીયો ડાહી હોય એવું પણ હોય છે અને સ્ત્રીપુરુષ એ બે મિત્રોએ સંસાર એકઠો ચલાવવો હોય અને બે જણે સુખી થવું હોય તો બે જણે કાળજાં ઉઘાડી એક બીજાને શાણપણ આપવું અને પુરુષે સ્ત્રીનું કહ્યું કરવું કે સ્ત્રીએ પુરુષનું કહ્યું કરવું તેના કરતાં બેમાંથી જે ડાહ્યું હોય તેનું ચાલે એ કરવું સારું છે. મ્હારા કરતાં ગંગાવહુ ડાહ્યાં છે એમ હું માનતો નથી, પણ એમની પોતાની બાબતમાં હવે એ સગીર નથી માટે જાતે વહીવટ કરે એવા મ્હેં ઠરાવ કર્યો છે. તમારે અને ઘરનાં માણસને કજીયા થાય ત્યાં તમારે તથા તેમને જેવો વહીવટ કરવો હોય તેવો કરવો. લ્હડીને કે લ્હડ્યા વગર કળા વાપરીને જે જીતશે તેનું ચાલશે. આપણે એ કડાકુટમાં પડવાના નથી ને સઉ તમને અને તેમને સોપ્યું. ઘરમાં વહીવટ તમારો તેમાં હું વચ્ચે નહી પડું, અને ઘરબ્હાર વહીવટ મ્હારો તેમાં તમને પુછવાનો નથી. તમારો આ વહીવટ કરવામાં જે માગશો તે આપીશ. પણ કુવામાંથી ખુટે ને તમે તરસ્યાં ર્‌હો તે હવાડાનો વાંક નથી.”

“સરસ્વતીચંદ્ર બાબત તમે લખ્યું તે બરાબર છે. લોકો ધારે છે કે એ બાપ ઉપર રીસાઈને ન્હાસી ગયા, પણ તમે ખરી વાત સમજ્યાં છો. જે સંસારની કડાકુટો આપણને ગભરાવે છે તેનો એમણે પરણ્યા પ્હેલાં જ ત્યાગ કર્યો. આપણી પશ્ચિમ બુદ્ધિ થઈ તે પરણીને પસ્તાયાં અને એમણે આગળ બુદ્ધિ વાપરી તે સુખી થયા; પણ એમનો દોષ એ કે એકલપેટા થઈ એમણે પોતાનો સ્વાર્થ વિચાર્યો અને બીચારાં કુમુદસુંદરીનો ન વિચાર્યો. આપણે ઘરનું દુઃખ વેઠીએ છીયે ને ગજા પ્રમાણે એક બીજાને સુખી કરીયે છીયે તો એમનાથી કુમુદસુંદરી કેવાં સુખી થાત ? લક્ષ્મીનંદનના બોલ સામું એમણે જોયું, પણ અનુભવ નહી તેથી એમ ન સમજ્યા કે મ્હોડે બોલે એટલું મનમાં હતું નથી ને ઘડીનો ઉભરો જન્મારે પ્હોચતો નથી. સાંભળ્યા પ્રમાણે લક્ષ્મીનંદન બહુ પસ્તાય છે, અને એમનું શું થશે તે ખબર નથી. સરસ્વતીચંદ્ર ઘેર આવશે તો સંસારમાં પડી જાતે દુ:ખી થશે એમાં વાંધો નથી, પણ બીજાં સઉને સુખી કરશે. રામસીતાને દુ:ખ પડ્યું તો રાવણ મુઓ અને જગતનું કલ્યાણ થયું, માટે મ્હારે સરસ્વતીચંદ્રને ઘેર આણી દુઃખી કરવા છે ને સંસારને સુખીયે કરવો છે – માટે – મ્હારી લાડકી ગંગા ! ત્હારું કહ્યું કરીશ ને ચંદ્રને લીધા વિના ચંદ્રકાંત પાછો ઘેર આવવાનો નથી. એ બે જણ આવે ત્યાં સુધી આપણા ઘરમાં જાદવાસ્થળી કરવી કે દ્વારામતીનું સુખ કરવું એ તમારી મરજીની વાત છે. તને “તમે” લખું છું તે વાંચી તું ખીજવાઈશ, ઘરનાં કોઈ જાણશે તે મ્હોં મરડશે, અને બ્હારનું કોઈ જાણશે તો હસશે, પણ એવું જોવાની તો મને ટેવ પડી છે તે ગંગાને ખબર છે. કાગળ પેટ ભરાય એટલો લાંબો લખ્યો છે કે મુંબાઈ આવીને મ્હેણું સાંભળવું ન પડે.”

ટાંચણ પુરું થયું અને વાંચનારે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. પિતાને દુઃખ થાય છે તે માન્યું નહી પણ પિતા ઉપરનો સ્નેહ નેત્રમાં આંસું વહાવવા લાગ્યો.

“ સુખી શાને નહી પિતા ?
“ હવે શાની કરે ચિન્તા ? ”

પૃથ્વી ઉપર ધુંટણે પડ્યો અને આકાશ સામા હાથ જોડી ઉંચું જોઈ સજળનેત્ર દાનમુખે ગાવા લાગ્યો.

“પિતા તું એક છે સન્ધે ! “જગતને બાંધ્યું ત્હેં બન્ધે

“પ્રીતિની સાંકળો બાંધી,
“હૃદય સઉનાં લીધાં સાંધી.
“શરીર આ જે થકી જાયું,
“હૃદય આ જેશું શીવાયું,
“કરી કંઈ કંઈ કૃપા જેણે
“શિશુવય આ ભર્યું ચ્હેને,
“પિતા આ દેહના એ જે,
“પ્રભુ ! તું સુખ દે તેને.
“પિતાનો તું પિતા એક,
“દીધો જે સ્નેહને ત્હેંય
“ધરી તે સ્નેહની આણ,
“કરુંછું રંક ઉદ્રારઃ
“નથી એ સ્નેહ મ્હેં તોડ્યો,
“નથી સુતધર્મ તરછોડ્યો,
“પિતા પર ક્રોધ નથી કીધો,
“પિતા પર દ્વેષ*[] નથી લીધો.
“પિતાના સુખને રસ્તો
“કીધો છે માત્ર મ્હેં સસ્તો.
“પિતાના ઓ પિતા ! દેજે,
“પિતાને સુખ શાન્તિને !
“પિતાને સુખ દેવાને,
“મહા સુતધર્મ વ્હેવાને,
“પિતાને દીધું સ્વાતંત્ર્ય,
“ત્યજ્યાં પ્રીતિ-લક્ષ્મીનાં તંત્ર.
“ત્યજી એ કારણે દારા,
“હૃદયના દાહ સ્વીકાર્યા;
“પિતાના સુખને કાજે

  1. "ધ્વેખ: 'જેમ કે એને સંસાર ઉપર ધ્વેખ આવી ગયો;અન્નદ્વેષા ઈત્યાદેઇમાં સંસ્કૃત પ્રયોગ એ જ અર્થે છે."
“કર્યું એ સર્વ પળમાંહે.
"હૃદયને મંત્ર એ સર્વે.
“પિતા સઉને તુ કલ્પે.
“હૃદયની દીપવાલી એ,
“હૃદયની રમ્ય ભાતિ એ,
“પ્રભુ ! ત્હેં કલ્પી ! ત્હેં પ્રેરી !
“પ્રભુ ! ત્હેં ગ્રન્થિ ઉકેલી !
“સફળ એ સર્વે કરજે તું !
“પિતાનું સુખ ભરજે તું !
“શરીર આ દુઃખતત્પર છે,
“હૃદય આ શેાકસત્કર છે :–
“પિતાના સુખ કાજે તે,
“પિતાની શાન્તિ માટે તે.
“પ્રભુ ! માગું ! રડી માગું.”
“સફળ એ વાસના માગું !”

ઉઠી, આંખો લોહી, વિચારમાં પડી, બોલી ઉઠ્યો:

“પ્રિય કુમુદ ! આ યજ્ઞ ઉપર બલિદાનમાં તું હોમાઈ! કુલીન પ્રમાદધન ! ત્હારા ભાગ્યશાલી મુખમાં એ બલિ-હોમ થયો છે અને મ્હારા હૃદયમાં એ આહુતિ રસસાયુજ્ય પામે ! પ્રિય કુમુદ ! એક ચંદ્રકાંતના દુઃખમાં અનેક નરરત્નનાં દુઃખ અને એક રંક કુમુદનાં દુ:ખમાં અનેક સ્ત્રીરત્નનાં દુઃખ દેખું છું - નક્કી – નક્કી મ્હારા ભાગ્યહીન દેશમાં -

"ધરતી રસ-સુન્દર કોમળતા,
“ફળ-પુષ્પ ધરે નહી નારી લતા !
“રસપોષણ સૂર્ય વિના ન બને !
“ધનરાશિ અચેતન મુજ રહે !”

બીજો એક પત્ર લીધો. તે ચંદ્રકાંતના મ્હોટા ભાઈનો લખેલો હતો. એ ભાઈ નિરક્ષર જેવો હતો અને કાપડીયાને ત્યાં નામું લખતો, એ કાગળના ઉપલા ભાગ ઉપર અંહી તંહી દૃષ્ટિ ફેરવી વચ્ચેથી વાંચવા માંડ્યું.

“ભાઈ મ્હારે મ્હોટે મ્હોંયે ન્હાનડીયાંની વાત કરવી ઘટારત નહી, પણ કાળજું બળે ત્યારે લખી જવાય. માજીનું કહેલું ભાભીને ભાવતું નથી. જ્યાં સુધી બીજું નુકસાન ન હોય ત્યાં સુધી જુવાનીયાં વાજું મનસ્વીપણે ચાલે તો બાધ નહીં. પણ પઈસાની બાબતમાં તો પુરુષોનું ચાલવું જોઈએ. અમે તો પાઈએ પઈસે ભેગું કરીયે તેને રુપાનાણાનું ખરચ કાળજે વાગે. તમે ઘણું ભેગું કરો પણ ખરચો ઝાઝું, તે જાતે ખરચો ત્યાં સુધી નભે; પણ તમારાં બઈરાંયે તમારી પેઠે ખરચવા માંડે એટલે અમે તમે સરવાળે સરખા થયા ગણવા. બીજું, તમે સુધારાવાળા કન્યાઓને માટે મ્હોટા ને ભણેલા વર જુવો, પણ અમે તો એવું જાણીયે કે ન્હાના મ્હોટા થશે ને ભણેલા ભીખ માગે છે અને માત્ર જેનો ઓરડો ભરેલો હશે ત્યાં કન્યા આપીશું તો એના રોટલાની ફીકર નહી કરવી પડે, માટે કીકીની વાતનો જે વિચાર કરવો હોય તે કરજો ને બાયડીયોને બ્હેકાવશો તો ખાવા ટળશે. પછી આજ કાલ તો ઘેરે ઘેર રાણીનું રાજ્ય છે તેમાં ભાઈભાંડુ બોલે તે નગારાંમાં તતુડીના નાદ જેવું થવાનું તે જાણીને તતુડી વગાડીએ છીએ. કારણ કાળજું બળે છે ને બોલાવે છે.”

આ કાગળ નીચે પણ ચંદ્રકાંતના અક્ષર હતા.

“ભાઈજી, લખો છો તે સત્ય છે. શું કરીયે? ન્હાનપણમાં પરણાવ્યા ત્યારથી નગારાપાસે બેઠા છીએ તે નગારું આણનાર પણ તમે અને આજ નગારાથી કંટાળો છો તે પણ તમે. સુધારાવાળામાં હું ભળ્યો છું તે પણ સત્ય છે. મને તમે ભણાવ્યો ન હત તો સુધારામાં ભળત પણ નહી, અને તેની સાથે તમને પંદર રુપીઆ મળે છે તેટલા જ મને મળતા હત, એટલે આવ ભાઈ હરખા આપણે બે સરખા થાત. વાણીયાવિદ્યા કરી ઈંગ્રેજી ભણાવ્યો તે વધારે કમાઈ થાય છે ને તેમાંથી તમારે માટે મ્હારા પટારા ઉઘાડા રાખ્યા છે. અમે સુધારાવાળા રાણીજીની વફાદાર રૈયત, તે રાણીજીની વહુવારુઓને બ્હેકાવીએ નહીં તો અમારા ઉપર રાજદ્રોહનો આરોપ આવે ને સુધારાવાળા અમને કાળે પાણીયે ક્‌હાડે. માટે સાસુજીને જેઠનાથી જેટલું ખરચાય તેટલું ખરચો તેમાં તમને કોઈ ના નહીં ક્‌હે, અને વહુવારુ ખરચે તેમાં સાસુ કે જેઠે ન બોલવું. આમ છે, માટે આપને ફરીયાદ કરવાનું કાંઈ કારણ નથી. મઝા કરો. મ્હારી પાસેથી ખુટશે ત્યારે તમારે મને આપવું નથી અને મ્હારે તમને આપવું નથી – તેવું ખુટે ત્યારે એમ જાણજો કે બાર વરસ મને ભણાવ્યો તે બાર વરસ મ્હારી કમાઈ મ્હેં સઉ પાસે ભોગવાવી અને તેરમે વર્ષે ભણ્યાનો બદલો પુરો થઈ રહ્યો.” “આમ છે. માટે આ બાર વર્ષ ધનના બૃહસ્પતિ બેઠાછે તેયે તમારા ને બીજાં સઉના ભેગા; ને સઉને ભાગ્યે પછી અવળી ગ્રહદશા કે પનોતી બેસશે તેયે તમારી સઉની બેસશે. આપણે તો જ્યાંથી આવ્યા ત્યાં જવાને બેઠા છીયે ને આપના આશીર્વાદથી જન્મથી મરણ સુધી પરમાનંદસ્વરૂપમાંજ લીન છીએ. માટે ચિન્તા ફીકર રજકરશો નહી અને તતુડીના જેવું બોલવું મુકી દઈ નગારાને ઢાંકી દેવા ભેરી નાદ કરશો કે પડઘમ જેવું બોલશો ત્હોયે કાન ઉઘાડા જ રાખીશું અને ક્‌હેશો તે સાંભળીશું. કોઈનું સાંભળી હું તમને કનડવાનો નથી અને તમારું સાંભળી બીજા કોઈને કનડવાનો નથી. આપ મ્હારા મ્હોટા ભાઈ છો તે આપની સેવા ક્‌હેશો તેટલી કરીશ. બાકી વડીલના વચનથી ન્હાનેરાંને મારવાં એવો પરશુરામનો જુગ વીતી ગયો અને સટે વીક્ટોરીયા રાણીનો જુગ બેઠો છે, માટે દેશકાળ પ્રમાણે વર્તીને ચાલવું એવું તમારો ભાઈ ભણ્યો છે તે આ જન્મમાં તો ભુલાય કે મિથ્યા થાય એમ નથી.”

એક હાથમાં પત્ર રાખી અને બીજો છાતીયે મુકી સરસ્વતીચંદ્ર ગર્જી ઉઠ્યો:

“હર ! હર ! હર ! હર ! હર ! ચંદ્રકાંત ! તું ભાઈ આગળ દુ:ખને ગણતો નથી અને કેવળ ખડખડ અટ્ટહાસ્ય કરે છે; પણ જે વાક્યોમાં તું દુ:ખને ગણતો નથી તેના અંત:શ્વાસમાંથી ઉંડી ધમણોનો વેગ સંભળાય છે અને ત્હારું જે હાસ્ય ફુવારા પેઠે ફુટી ર્‌હે છે તેનાં નિર્મળ જળના મધ્યભાગમાં ત્હારી ચીરાતા મર્મભાગની રુધિરધારાઓ હું જોઉં છું ! હરિ ! હરિ ! હરિ ! ચંદ્રકાંત ! ત્હારો શોક જગતનો પરાભવ કરે છે અને અભિમાન ભર્યો ઉડે છે–"

“Thy deep-seated proud pain is the raven-of
“which it was so truly said–
Not the least obeisance made he !”
“And it has–
Perched upon my bust of Pallas – just above my
chamber-door !”

બીજો પત્ર લીધો. તે કવિ તરંગશંકરને લખેલો હતો.

“સહૃદય નાનારસ મનોજ્ઞ પ્રિય મિત્ર,

“તમારી ઈચ્છાને અનુસરી તમારા કુટુમ્બકાર્યની ચિન્તા હું રાખું છું. વિચિત્રચિન્તાકર આ સંસારમાં કોઈ નિશ્ચિન્ત નથી, માટે ચિન્તા રાખવા બેસીશું તે તમારાથી કે મ્હારાથી નિશ્ચિન્ત ર્‌હેવાય એમ નથી એવો તમારો સર્વદા સર્વને ઉપદેશ છે તે યોગ્ય છે. માટે તમારી ગૃહસ્થિતિ વીશે વિશેષ તમને લખવું તે પુનરુક્તિ કરવા જેવું છે, પણ મને સોંપેલા ક્ષેત્રનું અવલોકન કરી તમને વૃત્તાન્ત લખવા તે મ્હારો ધર્મ છે માટે લખું છું.”

“તમારા બન્ધુએ તેમ ગંગાભાભીએ તમને પત્રો લખેલાં છે તે ઉપરથી મ્હારે જણવવાનું તમે જાણી લીધું હશે. મ્હારે હવે એટલુંજ જણવવાનું બાકી છે કે તમારાં સર્વ કુટુમ્બીઓ કેવલસ્વાર્થી છે, અને તેમને તમારા પ્રતિ ન્યાયવૃત્તિ નથી તો દયા તો ક્યાંથી હોય ? હું એક કાળે જાણતો હતો કે આ દશા મ્હારા એકલાની જ હશે, અનુભવ વધતાં ઘેર ઘેર એ જ દશા દીઠી, એ દુષ્ટ નીરસ સંસારનો ગન્ધ માત્ર આવતાં ચતુર સરસ્વતીચંદ્રે તેનો સહસા ત્યાગ કર્યો, અને એ સંસારના સર્પોથી હાથે પગે અને કોટે વીંટાયલા રહી શિવજી પેઠે સંસારને શ્મશાન ગણી તેમાં આત્મવિભૂતિથી નિજાનંદમાં ર્‌હેનાર તો તમને જ દીઠા ! શુદ્ધ નિઃસ્વાર્થ પ્રીતિરસ સંસારમાં તો કોઈ પણ સ્થાને નથી એવી મ્હેં વ્યાપ્તિ બાંધી છે, અને સંસાર એવો નીરસ છે. માટે જ સંસારમાં ન જડતો રસ કાવ્યાદિમાં તરત દેખી મનુષ્યો કવિજનો ઉપર પ્રીતિ રાખે છે ! જો સંસારમાં જ રસ શુદ્ધ સ્વરૂપે હોય તો કવિઓનો ભાવ કોણ પુછે? – રસના આત્માને મુકી માત્ર અક્ષરમય રસનો આદર કરવા કોને અવકાશ મળે ?”

"પ્રિય ચંદ્રકાન્ત ! આ વ્યાપ્તિમાં ગંગાભાભી પણ અપવાદરૂપ નથી. તમે કુટુમ્બમાં સર્વે પ્રતિ ઉદારતા રાખી છે તેનું મહાફલ એ થયું છે કે તમારે હાથ ક્યારે પ્હોચી વળતો બંધ થશે તેની કોઈને ખબર નથી અને તમારો હાથ સર્વદા પ્હોચશે તો તમારો દેહ ક્યાં સુધી કામ કરશે તેની કોઈને ખબર નથી અને તેવે કાળે જે વસ્તુ જેના હાથમાં હશે તેની પાસે તે ર્‌હેશે અને જેની પાસે કોઈ વસ્તુ- સંગ્રહ નહી હોય તે સંગ્રહશુન્ય થઈ દુ:ખી થશે અને તેની કોઈ સંભાળ નહી રાખે – આમ સર્વના મનમાં છે અને સર્વ સ્વાર્થ- સંગ્રહ કરવા મથે છે. સ્ત્રી ઉપર પુરુષને પક્ષપાત સ્વાભાવિક રીતે હોય છે, તે તમારે નથી, અને જેના ઉપર તમારો પક્ષપાત નથી તે સ્ત્રીના હૃદયમાં તમારે માટે પ્રતિધ્વનિ કેવી રીતે થઈ શકે તે હું સમજતો નથી, શુષ્ક સ્નેહનો પ્રતિધ્વનિ અ-રસિક ચિત્તોમાં થતો નથી અને થાય તો ટકતો નથી. ગંગાભાભીને પોતાની જાત વળગી છે અને પોતાનાં બાળક વળગ્યાં છે ત્યાં સુધી તેમને સ્વાર્થ વળગ્યો છે. એ સ્વાર્થમાં જ્યાં સુધી એમના અર્ધાંગરૂપ થઈ એ સ્વાર્થમાં તમે પક્ષપાત નહી કરો ત્યાં સુધી તેના ઉંડા સ્નેહની તમે આશા રાખતા હો તો તે વ્યર્થ છે, તમારું ઇતર કુટુંબ પોતાના સ્વાર્થોથી છુટતું નથી, પોતાના યોગ્યાયોગ્ય પક્ષપાતોથી છુટતું નથી, પોતાના બાળકોની સમૃદ્ધિ ઇચ્છે છે, અને તેની સાથે એવો અભિલાષ રાખે છે કે એવા જ સ્વાર્થોથી, એવાજ પક્ષપાતોથી અને એવાં જ બાળકોથી ગંગાભાભીનું ચિત્ત છુટી જાય ! Do unto others as you would have it done unto yourself – આપણા ભણી સામાની જે કૃતિની ઇચ્છા રાખીએ છીએ તેવીજ કૃતિ આપણે સામા તરફ કરવી – એ ભાવના આપણાં કુટુંબોમાં ઉદય પામી શકતી નથી ત્યાં સુધી ગંગાભાભીની વૃત્તિઓ ઉપર તમારે પક્ષપાત કરવા જોઈયે. આ જ એમની પાસેથી સ્નેહ પામવાનું સાધન, આ જ એમના અને તમારા સુખનું સાધન, અને એ સાધન નહીં કરો ત્યાં સુધી તમારા ઘરમાં ચારે પાસ મચી રહેલી અવ્યવસ્થા દિવસે દિવસે વિકાસ પામશે."

“મ્હારા પોતાના કુટુમ્બની વ્યવસ્થા હું આવાં સાધનોથી જ રાખું છું, જેમની અવ્યવસ્થા દૂર કરવા પ્રયત્ન કરીયે તેની ગાળો ખાઈએ છીએ અને જેનો પક્ષપાત કરીએ છીએ તે આપણો પક્ષપાત કરે છે એટલે મ્હારું સુખ પણ જળવાય છે. તમારા જેવા નિષ્પક્ષપાતી થઈ સઉની ગાળો ખાવી અને સર્વથા અવ્યવસ્થા રાખવી તેના કરતાં આ મ્હારા માર્ગમાં મને પ્રમાણમાં સુખ લાગે છે."

“ખરું પુછો તો એક મ્યાનમાં બે તરવારો સમાય નહી અને એક ઘરમાં બે સ્ત્રીયો સમાય નહીં. માટે જ સાસુવહુને જુદાં રાખવાનો ઈંગ્રેજી વ્યવહાર મને સુખકર લાગે છે બાકી શુદ્ધસ્નેહ તો તેમનો પણ શુન્ય છે અને આપણામાં પણ શુન્ય છે.”

“આવા આવા અનેક અનુભવના વિચાર કરી હું મ્હારા કુટુંબની વ્યવસ્થા રાખું છું, અને વેદાન્તીઓ સંસારને દુઃખમય ક્‌હે છે તેને હું નીરસ માનું છું, વેદાન્તીઓને आनन्द સંસારમાં નથી માટે જાતે જ આનન્દરૂપ થવામાં શ્રેષ્ઠતા માને છે. તેમ સંસારમાં રસ નથી માટે જાતે જ રસરૂપ થવામાં હું શ્રેષ્ટતા માનું છું, વ્યવહારમાં મ્હોટા મ્હોટા વેદાન્તીઓ અને સંન્યાસીઓ રાગદ્વેષનો ત્યાગ કરી શકતા નથી અને આનંદરૂપ ન થઈ શકતાં आनन्दना ગપાટા હાંકે છે. હું પણ નીરસ સંસારનો ત્યાગ કરી શકતો નથી અને રસરૂપ ન થઈ શકતાં रसना રાગડા તાણું છું, ચંદ્રકાંતભાઈ, તમારા આશ્વાસન માટે હું આ મ્હારો અનુભવ લખું છું, પણ સરસ્વતીચંદ્ર જડે તો તેમને એ ક્‌હેશો નહી. તેમણે આજ સુધી પ્રોસ્પેરોની મિરાણ્ડા જેવું અને બુદ્ધના પ્રથમ વય જેવું જીવન જ અનુભવેલું છે એ શુદ્ધ સરલ રસના પાત્રમાં આપણા સંસારની શાહી પડવા દેશો નહી.”

“જો એ તમને મુંબાઈની દશા પુછે તો ક્‌હેજો કે આપણું મુંબાઈ તો આપણા મંડળમાં જ સમાયલું છે; અને એવા મુંબાઈની દશાનો તરંગ તમારી પાસે ઉછળે છે તેને એમની પાસે તમે ઉછાળજો.”

“ગોપિકા ઘણું ઘણું રુવે છે કુંજકુંજમાં,
“રોતી મુકી સર્વને તું કૃષ્ણચંદ્ર ક્યાં ગયો ?
“પદ્મમાળ પાણીમાં ઉંચાં વિકાસી મુખને
“જોઈ ર્‌હેતાં વ્યોમમાં, રસિક ભ્રમર ક્યાં ગયો ?
“રસરસિક કંઈ કવિ ને કંઈક શુદ્ધ સાક્ષરો
“મળી વીંટાઈ પુછતા, ઉદાત્ત ચંદ્ર કયાં ગયો ?
“સઉ સખીથી એકલી અગ્ર વાધી રાધિકા
“વ્રજ ભુલામણીમાં ભુલી રટતી “ધૂર્ત ક્યાં ગયો ?”
"દેશવીરો, કવિજનો, સાક્ષરો, સુભાષકો –
“એ સઉથી છુટી તું જતો, કાંત, ચંદ્ર જ્યાં ગયો !
“શેાધજે, તું શોધજે, કાંત પવન, ચંદ્રને !
“કુમુદમાળ ઉંચું જુવે, ઘનથી ચંદ્ર શું છુટ્યો ?
“વેરજે, તું વેરજે, પવન, શ્યામ મેઘને !
“ચકોર પાંખ ઉંચી કરે, ઘનથી ચંદ્ર શું છુટ્યો ?
“વેરજે, તું વેરજે, પવન, પેલા મેઘને !
“ચકોર આંખ ઉંચી કરે ચંદ્રમા શું કંઈ દીઠો?
“વેરજે તું વેરજે, કાંત પવન, મેઘને !
“તરંગ ઉછળી ર્‌હે ઉરે, ચંદ્ર ચળકી ક્યાં રહ્યો ?

“પ્રિય ચંદ્રકાંત ! સરસ્વતીચંદ્રના સ્નેહરસે ફારસી બેતના રાગને મ્હારા હૃદયની સારંગીમાં આમ ઉતારી સંસ્કારી કરી દીધી છે. નિરક્ષર અ-રસિક ગૃહિણી ઉપર ગમે તેટલે પક્ષપાત કરવા જાઉં છું, ગમે તેટલી gallantry અને chivalry ની ઈમારત મનમાં બાંધવા જાઉં છું, પણ તેના હૃદયની સ્વાર્થવાસના મ્હારા ચણતરને દારુગોળા પેઠે ઉરાડી મુકે છે તે પ્રસંગે હું ગોલ્ડસ્મિથને સંભારી ભાષાંતર કરી ગાઉં છું કે, -

“ સ્ત્રીની પ્રીતિ તે સર્વથી ખેાટી,
“ મોહ જાળ નાંખે જોતી જોતી;
“ જાળ નાંખે, જોતામાં ફસાવે,
“ ફાવે ત્યાં જ એ ધુતકારી નાંખે;
“ ક્‌હાવે અબળા ને નરને નચાવે,
“ ગોરી ગુમાનભરી પછી રાચે.
“ નરના દુઃખની મશ્કરી કરતી
“ નારી પ્રીતિ ખરી નવ ધરતી.
“ પ્રીતિની હુંફ પંખી ધરે કો,
“ સુરલોકમાં હો કે નહી હો.
“ પ્રીતિ નામે સળગાવી આગ,
“ નારી નરને કરે છે ખાખ.
“ મોહમાયા ને જોગણી ક્‌હાવે,
“ નારી નરને ન જંપે સુવા દે !
“ બેટા, શાને વેઠવી એની શુળો ?
“ એની પ્રીતિમાં મુકની પુ:ળો.

“જગતમાં ન જડતી સ્ત્રીપ્રીતિને કવિતામાં શોધું છું અને સાતમે આકાશ ચ્હડાવી તે મૂર્તિની સુંદરતામાં ઝુકી રહું છું તેની ના નથી. પણ જગતમાં જડતી સ્ત્રીપ્રીતિ તે ઉપર ગાઈ તેવી છે. મ્હારા વર્ગમાં તમને ભળેલા જોઈ દુષ્ટ આશ્વાસન પામું છું. સરસ્વતીચંદ્રને એવી પ્રીતિમાંથી બચેલા જોઈ તેને ભાગ્યશાળી માનું છું અને એના ચકારપણા ઉપર મોહ પામું છું. બસ, જ્યાં હશે ત્યાં એમના હૃદયના નિર્મળ રસમાં સંસારનો મેલ નીચેવાશે નહી અને એ રસ નિર્મળ ર્‌હેશે, જગતમાં એના જેવા નિર્મળ રસની એક પણ મૂર્તિ પ્રત્યક્ષ કરી તરંગ આ નીરસ સંસારમાં પોતાનો રસાવતાર સફળ થયો માનશે.” આ પત્રને અંતે પાછા ચંદ્રકાંતના અક્ષર હતા. “Hobbes જેવા તત્વશોધકો અને બીજા નૈયાયિકો વ્યાપ્તિઓ બાંધે છે તે પોતાના અનુભવ અને જ્ઞાનમાં પરસ્પરવિરોધ જાણી જોઈને નથી રાખતા. પણ કવિઓના સંસાર અનુભવની વ્યાપ્તિઓ એક જાતની બંધાય અને તેમનો રસાત્મા જુદી જાતનો થાય તે તમે પ્રત્યક્ષ કરાવ્યું, વૈરાગ્ય અને રસના પરસ્પરવિરુદ્ધ પ્રવાહમાં તરનાર સરસ્વતીચંદ્ર પણ તમારા જેવા જ કવિ છે અને તમે બે કવિજનોને સમભાવ થાય તે મ્હારા જેવા કવિત્વશુન્ય પ્રાણીએ જોવા જેવો ખેલ છે. કૃષ્ણઅવતારનું રહસ્ય પણ કંઈક આવાજ વિરોધાભાસથી ભરેલું છે એમ તમે સમજાવેલું તેનું અત્યારે સ્મરણ થાય છે."

“ મ્હારા ઘરની અવ્યવસ્થા દર્શાવી તે ખરી છે, એ અવ્યવસ્થામાં જેવાં સર્વ કુટુમ્બીઓ કારણભૂત છે તેવીજ રીતે હું ને તમારાં ભાભી પણ કારણભૂત છીયે. છતાં મ્હારે તમારાં ભાભી ઉપર પક્ષપાત રાખવાની કર્તવ્યતા દર્શાવી એ પણ કવિત્વનો જ વિરોધાભાસિત ચમત્કાર છે.”

“કવિરાજ ! ઇંગ્રજોની રીતને અનુવર્તી આપણે ગૃહિણીઓ ઉપર પક્ષપાત કરવાનો કાળ આવવાની વાર છે. જ્યાં સુધી આપણે ઘરમાંથી માતાપિતાદિક મંડળને ક્‌હાડી મુકવા ઠરાવ કર્યો નથી ત્યાં સુધી પક્ષપાતના કરતાં પક્ષોત્પાત વધારે ઉચિત છે. તે એવી રીતે કે બે પક્ષ – બે પાંખો – ઉંચી કરવી, એક પાંખઉપર માતાપિતાદિ ભારને વ્હેવો અને બીજી ઉપર સ્ત્રીપુત્રાદિને લેવાં, તે બેનું પરસ્પરસંઘટ્ટન થાય નહી અને પરસ્પરવિનાશ થાય નહી માટે તે બેના મધ્યભાગમાં આપણે શરીર–પિણ્ડ રાખવો અને પછી એ વડે ઉડવું – એને હું પક્ષોત્પાત ગણું છું. એ પાંખો ઉપરના ભાર નીરસ હો; પરંતુ એ ભારનું વહન અને એ પક્ષોત્પાત – એ ઉભયમાં મ્હારે મન રસ છે; પણ મને આપની પેઠે તે રસની કવિતા કરતાં આવડતી નથી. જો તે કવિતા મને આવડતી હત તે સરસ્વતીચંદ્રને ન્હાસી જવા દેત નહી.”

“હું કુટુંબમાં સર્વ જનને સ્વતંત્રતા આપું છું, મ્હારે દેહ ન હોય તો મ્હારા ડુબાણ વિના અને મ્હારા પક્ષપાત વિના સર્વને જેવી રીતે પોતાના બળથી અને કળાથી પરસ્પર સ્વાર્થના સંઘટ્ટન વચ્ચે ર્‌હેવું પડે તેવી રીતે આજથી ર્‌હેવાનો અભ્યાસ તેમને હું પાડું છું. એ અભ્યાસ હાલ ક્લેશકર છે, પણ અંતે સર્વ પરસ્પરનું રક્ષણ અને પોષણ કરવાનું શીખશે અને સર્વ સુખી થશે એવી હું આશા રાખું છું. જો હું એ સ્વાતંત્ર્ય રસનો રસિક થઈ સર્વને એ રસ પીતાં શીખવું છું અને કુટુમ્બમાં એક જણનું સ્વાતંત્ર્ય નષ્ટ કરવામાં બીજું કોઈ ફાવે નહી એટલું બળ વાપરું છું. આમ કરવામાં મ્હારું ધન-સર્વસ્વ જશે તો હું તટસ્થ રહી હાસ્ય કરીશ, કારણ એ વ્યયથી દ્રવ્યવતી અવસ્થાને માટે અપાત્ર સિદ્ધ થયેલા કુટુમ્બવર્ગ ઉચિત દરિદ્રતાને પામશે, અને દરિદ્રતાનું અમૃત સર્વેનાં હૃદયમાં અમૃત ભરશે, એવી દરિદ્રતા મ્હારાં સર્વ રત્નો ઉપર લાગેલા કચરા અને કર્કશતા ક્‌‌હાડી નાંખી સર્વને સુવૃત્ત અથવા અકર્કશ અને સતેજ કરશે. કવિરાજ ! મને આમાં પણ રસ પડશે. શુદ્ધ પ્રીતિ અને નિર્મળ રસ તે અત્યંત નિષ્કિઞ્ચનતામાં અથવા તૃપ્તિસાધનની પ્રાપ્તિ પછીનાં મનોરાજ્યોમાં જ જડે છે. મધ્યાવસ્થામાં ન જડે, એ પ્રાપ્તિ મ્હારાથી થાય એમ નહી હશે તો રસસિદ્ધિની સાધનાને અર્થે એ નિષ્કિઞ્ચનતામાં મને ઈષ્ટાપત્તિ છે. એ પ્રાપ્તિનો ત્યાગ કરવા ઉડી પડેલા સરસ્વતીચંદ્ર એ મનોરાજ્યમાંથી ભ્રષ્ટ થશે માટે એ પક્ષિરાજને પકડવા આથડું છું. એ મ્હારી ઈષ્ટાપત્તિ અને એ પક્ષિરાજનું મનોરાજ્ય – એ ઉભય દેશકલ્યાણનાં સાધન છે અને તેમાં જ મ્હારું, તમારું, તેમનું, અને ઇતર સર્વનું કલ્યાણ છે. ગરીબ બીચારાં કુમુદસુંદરી ! સરસ્વતીચંદ્રના મનોરાજ્યનું રસતત્વ પત્રદ્વારા ચાખી, એ પક્ષિરાજની પાંખ ઉપર બેસવાનો સમય સમીપ દેખી, યમજ્વનિકા જેવા અભેદ્ય અંધકારમાં લીન થઈ ગયાં ! એમની વાર્તા તે અસાધ્ય થઈ !"

“કવિરાજ ! તમે ક્‌હો છો કે ઘરમાં કોઈની પ્રીતિ નિર્મળ નથી અને સ્વાર્થનો મેલ સર્વની પ્રીતિને નીરસ બનાવી મુકે છે. સત્ય છે. પણ ઉદાત્ત ચિત્તનો રસ સ્વયંભૂ છે અને સામાની પ્રીતિની અપેક્ષા રાખતો નથી. ન્હાનપણમાં માતાપિતાનો સ્નેહ બાળકના ભણીથી પ્રીતિની અપેક્ષા રાખતો નથી. આપણે સ્વદેશઉપર પ્રીતિ કરીયે છીયે ત્યારે દેશ આપણા ઉપર પ્રીતિ રાખે એવી ગણના કરતા નથી. એવી પ્રીતિ તો ગમે તો ઈશ્વરપ્રીત્યર્થ રાખીયે છીયે કે ગમે તો આપણા ચિત્તનો રસપ્રવાહ એ દિશામાં જાતો જાય છે. આપણાં નિરક્ષર કુટુમ્બ ઉપર પણ આપણો પ્રીતિરસ એવો જ સ્વયંભૂ છે, એ રસ પ્રીતિપાત્ર વિષયની પ્રીતિના પ્રત્યાઘાતરૂપે સ્ફુરતો નથી, પણ જડમાં આત્મચેતન પેઠે સ્વપ્રકાશે સ્ફુરે છે.”

"આપણા કુટુમ્બોમાં નિઃસ્વાર્થતાની – નૈષ્કામ્યની આશા રાખવી તે જ ખોટી વાત છે, આત્માને લઈને સર્વ પ્રિય છે એવું શ્રુતિવચન છે તે સાક્ષરોને ઉદ્દેશે છે તો આપણાં નિરક્ષર પામર કુટુમ્બીઓને ઉદ્દેશે એમાં શી નવાઈ? તેમના સ્વાર્થની શુક્તિઓમાં પ્રીતિનાં સ્વયંપ્રકાશ મુકતાફળ ઢંકાયલાં હોય છે તે શોધી, સ્વચ્છ કરી, ભોગવવાં એ ઉદાત્ત રસિક જનોનો રસમાર્ગ છે.”

“સંસારમાં સર્વ જનોનાં ચિત્ત ન્હાની ન્હાની સૃષ્ટિમાં અનેક તૃષ્ણાઓ અને અનેક લિપ્સાઓ રાખે છે. આપણાં ચિત્તમાં સરસ્વતી અથવા રસનો ઉદય થતાં એ સર્વ નાશ પામે છે અને તેને સ્થાને બીજી વિભૂતિ રચાય છે. દ્રવ્યવાનો એ દ્રવ્યનું અભિમાન ન ધરતાં દ્રવ્યહીન બન્ધુઓ ઉપર દયા આણવાની છે, તેમ સરસ્વતી આદિની વિભૂતિ ધરનારે નિરક્ષર જનોની ક્ષુદ્ર અને મલિન વાસનાઓ ઉપર દયાજ આણવાની છે. ધર્મશોધકો કહી ગયા છે કે दया धर्मको मूल है તેમ તેમની જોડે આપ જેવા કવિયો પણ ઉદ્ધાર કરશો કે દયા પ્રીતિનું મૂળ છે. આવા આર્દ રસને ધરનાર મહાત્માએ જ ક્‌હે છે કે

“उपकारिषु यः साधुः साधुत्वे तस्य को गुणः ।
“अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ।।

“જેમ જેમ કુટુમ્બવર્ગ અથવા સ્ત્રીજનની પ્રીતિ વધારે સ્વાર્થ ભરેલી દેખું છું, તેમ તેમ મ્હારા હૃદયની પ્રીતિમાં વધારે ઉલ્લાસ આણવા પ્રયત્ન કરું છું. ઈશ્વરે તેમને કોઈક યોગથી મ્હારા સંબંધમાં સૃજી મુક્યાં, તેમ કરવાનો તેનો હેતુ તો અગમ્ય છે, પણ સહૃદય જનોની દૃષ્ટિ એવી જોઈએ કે એ દૃષ્ટિ જ્યાં પડે ત્યાં આત્મવત્ જુવે, અને નિકટ રહેલાં ઉપર પ્રથમ પડવું એ મ્હારી દૃષ્ટિનો ધર્મ છે તો મ્હારી હૃદયવૃત્તિને હું એવો રસધર્મ શીખવું છું કે દૃષ્ટિદ્વારા એ વૃત્તિ જ્યાં જુવે ત્યાં આત્મવત્ જુવે અને એ નિકટદૃષ્ટસંબંધી જનને પણ આત્મતુલ્ય કરવા પ્રયત્ન કરે. આમ જ જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ત્યાં રસધર્મ પ્રવર્તાવું છું અને यत्र यत्र मनो याति तत्र तत्र समाधय: એ વાક્યના અનુભવના અભ્યાસનો આરંભ કુટુંબમાંજ કરું છું. Charity begins at home.”

સરસ્વતીચંદ્રે પત્ર બગલમાં મુકયો અને ઉંચું જોઈ વિચારગ્રસ્ત થયો.

“કુમુદસુંદરી ! આપણી પ્રીતિ શુદ્ધ હતી. દયામૂલક પ્રીતિ તે વત્સલતા, સમરસમૂલક પ્રીતિ તે મૈત્રી અને દામ્પત્ય પણ મૈત્રીનો જ પ્રકાર છે. ચંદ્રકાંત ! ત્હારા ઘરના દામ્પત્યનો દયામાં સમાસ કરી દેતો તને જોઉં છું ત્યાં મૈત્રીમૂલક દામ્પત્યને વિષયે ત્હારું હૃદય નિરાશ થતું જોઉં છું. ચંદ્રકાંત ! તરંગશકર ! તમારા સંસારનાં ચિત્ર ઘેરે ઘેર હોય તો દેશની અધોગતિ થતી સમજવી, અને તમારા ઉચ્ચગ્રાહ માત્ર એ અધોગતિમાંથી સકુટુમ્બ પોતાની જાતને ઉદ્ધારવાના પ્રયત્ન છે. આર્ય વિદ્વાનો આ ઉદ્ધારને માટે આ પીડા ભોગવે છે તે વધારે ફલદ કે લોકસામે સુધારાનાં યુદ્ધ થાય છે તે વધારે ફલદ ? જ્યારે સુધારાનાં વાદિત્ર સમાજોમાં ગાજે છે અને થોડાંક પરાક્રમાધિક મનુષ્યોને આશ્રય આપી સુધારાની સિદ્ધિ તેટલાનેજ થતાં તેમને વિજયમાળા પ્હેરાવી અને સમાજશાખાઓ સ્થાપી શાંત થાય છે, ત્યારે આ કુટુમ્બોદ્ધારક વિદ્વાનો વગરવાદિત્રે પોતાનાં આખાં કુટુમ્બને માત્ર આત્મબળે ઉંચકવાના અપ્રસિદ્ધ પણ વિકટ પ્રયત્નનો ક્લેશ પામે છે. ખરી વાત છે કે હજી સુધી ગંગાભાભી સમાજમાં જવા યોગ્ય નથી થયાં અને સુધારાના અગ્રેસર ઉદ્ધતલાલનાં શ્રીમતી પેઠે પુસ્તક પણ રચતાં નથી અથવા ઈંગ્રેજી ઉદ્ગાર કરી શકતાં નથી; પણ જ્યારે ઉદ્ધતલાલ માત્ર શ્રીમતીનો અને તેમની પુત્રીઓનો જ ઉદ્ધાર કરી શકે છે અને તેમને સો ફૂટ ઉન્નતિ આપે છે ત્યારે તરંગશંકર અને ચંદ્રકાંતનાં આખાં કુટુમ્બ ને કુટુમ્બ દશ દશ ફૂટ ચ્હેડેછે અને તેમનું અનુકરણ કરી આશપાસની વસ્તીમાં કેટલું થતું હશે ? આ બેમાં ગમે તે ફળ વધારે હો પણ ચંદ્રકાંતનો શ્રમ પરોપકારી છે અને જેવો એ પરોપકાર ગુપ્ત છે તેવોજ એ સ્વાર્થપરિત્યાગને ભરેલો છે. શ્રીમતીની વિદ્યાના ઉપભેાગમાં ઉદ્ધતલાલનો પોતાનો જ સ્વાર્થ સરે છે ત્યારે ચંદ્રકાંત અને તરંગાશંકરનાં હૃદય દામ્પત્યમૈત્રીની પ્રાપ્તિમાં નિરાશા છે. અશિક્ષિત સ્ત્રીપુરૂષોને આ મૈત્રી સ્વતઃ મળે છે. બુદ્ધિધન અને સૌભાગ્યદેવીને અશિક્ષિત મૈત્રી જ છે, પણ શિક્ષિત પુરુષોને અશિક્ષિત સ્ત્રીઓ સાથે એ મૈત્રી અસંભાવ્ય છે. ત્યાં તો માત્ર ચંદ્રકાંતના જેવી વત્સલતા જ છે. આખા કુટુમ્બને લાભ આપવામાટે ચંદ્રકાંતે ગંગાને આપવામાં ન્યૂનતા રાખી છે અને પોતે દામ્પત્યમૈત્રીથી હીન રહ્યો છે.”

“एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये ॥

“ચંદ્રકાંત! આ સ્વાર્થપરિત્યાગ ત્હેં કર્યો છે! આ સત્પુરુષત્વ ત્હારું છે ! પણ શું એ ઉત્તમ વસ્તુના ત્યાગ વિના એવી જ રીતે કુટુંબને ફલ આપવાનો માર્ગ નથી? શું ગૃહિણીને દળી નાખ્યા શીવાય કુટુમ્બમુખ પોષવાનો માર્ગ નથી? કુમુદસુંદરી ! ક્ષમા કરજો ! તમારા સુખનો ત્યાગ કર્યાથી એવા સુખવગરની અવસ્થા કેવી રીતે કેટલા વિદ્વાનો વેઠે છે તે આજ જોયું અને મ્હારી દશાથી તેમની દશા હું સમજી શકીશ. “પ્રિય પિતા ! પ્રિય કુમુદ! બુદ્ધે કરેલો ત્યાગ જો અધર્મથી ભરેલો ન હોય તો મ્હેં કરેલો ત્યાગ તો કંઈ લેખામાં નથી.”

“પ્રિય ચંદ્રકાંત, કુટુમ્બવત્સલતાને લીધે જે સ્નેહસૃષ્ટિનું સ્વપ્ન તું ત્હારા મન્દિરમાં રચી શકતો નથી, જગતવત્સલતાને લીધે જે સ્નેહસૃષ્ટિનો ત્યાગ બુદ્ધે કર્યો, એ જ સૃષ્ટિને પાસે આવતી દેખી હું ત્યાંથી પલાયિત થઈ ગયો તેમાં મ્હેં તમે ખેાયેલી પ્રાપ્તિનો અંશ પણ ખોયો નથી. જે કુટુંબક્લેશ વેઠવાની શક્તિ તમ નિર્ધન મિત્રોમાં આવી રીતે દેખાઈ છે તે ક્લેશના માત્ર સ્વપ્નથી હું કમ્પ્યો છું અને.... પ્રિય કુમુદ! – એ કંપનાર પુરુષ ત્હારી પ્રીતિને પાત્ર ન હતો. પણ ત્હારો મ્હેં વિશ્વાસઘાત કર્યો, તું મ્હારે લીધે અનેકધા કષ્ટ પામી, એ સર્વનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું તે અત્યારે મને સુઝવા લાગ્યું છે.”

“એક દિવસ એવો હતો કે જ્યારે મને સૃષ્ટિમાત્ર કુમુદના સુખસ્વપ્નમય ભાસતી હતી. એક દિવસ એવો આવ્યો કે જ્યારે એ જ સૃષ્ટિ કુમુદના દુ:ખસ્વપ્નથી ભરેલી લાગી અને મ્હેં ગાયું કે

“ ઉરે ઓ એકલી તું તું!”

“હવે હું એ માયાનું સ્વપ્ન નષ્ટ કરી ભગવાન બુદ્ધની પેઠે પ્રાયશ્ચિત્ત કરીશ. કુમુદસુંદરી ! બુદ્ધે જગતના કલ્યાણને અર્થે સ્વપ્રિયાનો ક્રૂર ત્યાગ કર્યો હતો તેની કવિતા મ્હેં તમારા ઉપર મોકલી હતી. એજ કવિતાનો ઉપદેશ હું આજ જાતે લઉં છું અને એ જ મહાપુરુષની પેઠે હું તમારી ક્ષમા માગવા આવીશ એવો દિવસ આવશે !

આમ કહી એ ચારે પાસની શિલાઓનાં શિખર જોતો જોતો ફરવા લાગ્યો, અને મધ્યરાત્રે સુતેલી પ્રિયાનો ત્યાગ કરવા નીકળી પડતા બુદ્ધની વાણી ફરતો ફરતો સરસ્વતીચંદ્ર ગાવા લાગ્યો.*[]

“મુજ પ્રજા મને છે પ્રિય, પ્રિય પિતા, પ્રિય પ્રિયા છે,
“મુજ હૃદય ધડકતું પ્રેમ તેમના ગ્રહી, પ્રીતિ રમ્યા છે.

  1. *આર્નોલ્ડના લાઈટ આફ એશિયા ઉપરથી સૂચિત.
“આ રાત્રિ ગાજતી આજ,
“મુજ મ્હેલ તણી ચોપાસ
“આ અન્ધકાર વીંટાય,
“તે અન્ધકારની મધ્ય
“સુઈ રહ્યું પુત્ર-ગૃહરત્ન,
“એ પ્રજા, તાત, ને પ્રિયા, પુત્ર : પ્રીતિરત્ન સર્વ મ્હારાં છે,
“મુજ હૃદય વેગ બળ ધરી ધડકતું, છુટે નહીં છોડ્યાં એ મુજ૦
“મુજ હૃદય વીશે એ જડ્યાં; દ્વાર ભણી જવા ચરણ ઉપડે જ્યાં,
“મુજ હૃદયસૂત્ર ખેંચાય પાછું પ્રીતિબળે: જડાયાં એ ત્યાં ! મુજ૦
“જઉં પલંગ ત્યજી ગૃહદ્વારે,
“ત્યાં હૃદય પાછું ખેંચાયે;
"જઉં પલંગ ભણી હું પાછો,
“સુતી પ્રિયાની જોઉં આંખો,
“પોપચાં શિથિલ પથરાયાં,
“વિશ્વાસે નેત્ર મીંચાયાં,
“સુત દીન મક્ષિકા જેવી
“પડી રહી પાંપણો કેવી?
“એ મૂર્તિ પ્રીતિવિશ્વાસતણી સુતી મુકી જતાં ન જવાયે,
“નહી હૃદય ધડકતું મટે, ચરણ જડ થયા કહ્યું ના માને ! મુજ૦
“હું વર્તું હવે શી રીતે?
“પ્રીતિ નહીં હારે, નહીં જીતે !
“ઓ તાત ! પ્રિયા ! ઓ પુત્ર !
“એ માત ! પ્રજા ! સુખસૂત્ર !
“કરું વધુ વધુ સૂક્ષ્મ વિચાર,
“ત્યમ ત્યમ આ હૃદય ચીરાય.
“સઉ પ્રાણી દુઃખમય ભાસે,
“જનતા પીડાતી જગ આખે;
“તે સઉની પીડા દૂર કરવા,
“કલ્યાણ જગતમાં ભરવા,
“થઈ પ્રબુદ્ધ ગૌતમ આજે,
“થઈ તપસ્વી, તપ ગુરુ માંડે !
“જગના સઉ આધિ વ્યાધિ
“હરવા નવી બુદ્ધિ સાધી.
“એ તપમાં બુદ્ધ તપાશે,
“નવી યજ્ઞ વેદિ મંડાશે.
“પશુમાત્ર હવે ઉગરશે,
“મુજ પ્રીતિ એ હોમે પડશે !
“મુજ પ્રીતિ એકલી હોમાશે !
“બીજું જગત જીવી સુખી થાશે
“ઓ તાત ! પ્રિયા ! ઓ પુત્ર !
“ઓ માત ! પ્રજા ! સુખસૂત્ર !
“મુજ હૃદયપ્રીતિનાં અંગ તમે સઉ ! અંગ સર્વ છો મ્હારાં !
“જન-પશુ જગના કલ્યાણ યજ્ઞ પર હોમું અંગ સઉ મ્હારાં ! મુજ૦
“હવે શાક્યસિંહ, ગર્જ છે,
“પ્રીતિગુફા છોડી, નીકળે છે !
“જગ નવું આશ્વાસન લે છે,
“દુષ્ટોનાં ઉર કમ્પે છે,
“હવે દયાધર્મ પ્રકટે છે,
“દીન જગત સુખે જંપે છે,
“એ નવો મુજ અવતાર ! પ્રિયા ! તે જોઈ દયા દીલ ધરજે !
“એ દયાધર્મ સ્થાપવા પરિત્રાજિકા થઈ ઘર ત્યજજે ! મુજ૦
“એ હતી પ્રિયા જે કાલ !
“તુજ દ્વાર આવશે કાલ,
“લઈ ભિક્ષુ-કમંડળ હાથ,
“ગોતમ; તે નીકળે આજ
“જગદુદ્ધારણને કાજ !
“ઓ પ્રિયા ! ભુલી મુજ દોષ,
“ત્યજી પ્રીતિમાયાત્રિદોષ,
“ધરી હૃદય સત્ય નિર્વાણ,
“કરી ઉદારદૃષ્ટિ તે કાળ,
“દેજે તું ક્ષમાની ભિક્ષા !
“લેજે તું બુદ્ધની દીક્ષા !
“એ મહાધર્મને કાજ ત્યજી પ્રીતિસાજ, સુકવી મુજ આંસુ,
“લોહીશ હું જગનાં આંસુ, પ્રિયા થઈ બુદ્ધ તું પણ ત્યજ આંસુ ! મુજ૦

આટલું ગાઈ રહ્યો ત્યાં આસપાસની પત્થરની ભીંતોમાંથી એક પાસથી કુમુદસુંદરીની છાયા ચાલી આવી બીજી પાસની ભીંતમાં અદૃશ્ય થઈ ગઈ. એ ભીંતોના શિખર ઉપર ઉગેલા એક મહાન વૃક્ષની શાખા લટકતી લટકતી ભીંતના મધ્ય ભાગ આગળ હીંચકા ખાતી હતી તે શાખાના છેડા આગળના પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ અને પિતાને ઘેર જોયેલી છબીના સાદૃશ્ય ઉપરથી ન્હાનપણમાં ખોયેલી જનનીની છાયા ઓળખાતાં પુત્રની આંખમાં આશ્ચર્ય અને અશ્રુ ઉભરાયાં. મૃત માતાનાં દર્શન થતાં પુત્ર સ્તબ્ધ થયો અને હાથ જોડી છાતી આગળ ધરી રાખ્યા અને શું બોલવું, શું પુછવું, ઇત્યાદિ વિચાર કરે છે ત્યાં શાખા ઉપર બેઠેલી માતૃછાયાના ઓઠ કુંપળો પેઠે ઉઘડવા લાગ્યા અને પાસેની કુંપળોમાં બેઠેલી કોકિલાના જેવા રાગથી ઉત્સુક, શાંત, અને કોમળ ઉદ્ગાર કરવા લાગ્યા. કોમળ હૃદયની માતા પિતાને મનાવતી હોય અને પોતે ન્હાનો બાળક હોય એવો સંસાર આ ક્ષણે આ મનસ્વી પુરુષના હૃદય પાસે ખડો થયો.

'*[]“પુત્ર મુજ ! જા તું ઘેર ! જાની એકવાર!
“ગમે તેવો છે ત્હોય તુજ તાત મુજ પ્રાણ ! પુત્ર ૦
“ઉભી ઉભી હું સ્વર્ગમાંથી જોઉં આંસુધાર
“વ્હેતી વ્હેતી અટકતી ન તુજ પિતાને ગાલ ! પુત્ર ૦
“ભેખ ભગવો લઈ ન જઈશ, જોઈ એને એ
“રોઈ મરશે હૈયાફાટ, દેહ ત્યજશે એ ! પુત્ર૦

  1. *રાગ-ફારસી બેત ઉપરથી.
“બાળ વયનો મુકીને તને દેહ ત્યજ્યો મ્હેં,
“ત્યાંથી જીવ્યો આશ તુંમાં ધરીને તાત એ ! પુત્ર૦
“સ્નેહ મ્હારે કાજ ધર્યો ને હજી ધરે;
“કોમળ હૈયું ધરતો ત્હારો તાત એ તો એ ! પુત્ર૦
“પુત્ર મ્હારા ! થાની ડાહ્યો ! ઘેર જા હવે !
“જોઈ પરલોકમાંથી રોઉં, તાત તુજ રુવે, પુત્ર૦
“નથી ગુમાન, નથી ધુતાર, કોઈ ન, એનું ત્યાં !
“એકલો એ રોઈ મરે ! જાની, પુત્ર, ત્યાં ! પુત્ર૦
“મ્હેં કર્યા ઘણાક એના દોષ, એ તો એ
“ભુલી ગયો તાત ત્હારો, રાખી ક્ષમાને. પુત્ર૦
"જેવી ક્ષમા મુજને દે તું, તેવી ક્ષમા દે
"વૃદ્ધ ત્હારા તાતને તું ! રોઈ એ મરે ! પુત્ર ૦
“પુત્ર ! તું રીસા ન ! ઘેર જાની ! ઘેર જા !
“વૃદ્ધ વિકળ તાતને તું હૈયા સાથે સ્હા ! પુત્ર૦
“પુત્ર ! માનું કહ્યું તું કરની ! ઘેર જાની ! જા !
“વૃદ્ધ વિકલ તાતને તું હૈયાસાથે સ્હા ! પુત્ર ૦
“હઠ, હઠીલા, છોડની તું ! ઘેર જાની ! જા !
“રોતો વિકલ વૃદ્ધ તાત ! હૈયાસાથે સ્હા ! પુત્ર૦”

છેલી બે કડી ગાતી ગાતી માતૃચ્છાયા અદૃશ્ય થઈ બે હાથ વચ્ચે આખું મુખારવિંદ સંતાડી દેઈ સરસ્વતીચંદ્ર પુષ્કળ રોયો. અંતે શાંત પડી, આંસુ બંધ કરી, મુખ ઉપરથી હાથ ઉપાડવા લાગ્યો અને ઉપાડતાં ઉપાડતાં બુદ્ધકાવ્યમાંથી ગાયેલી કડી ફરી ગાવા લાગ્યો.

“ઓ તાત ! પ્રિયા ! ઓ પુત્ર !
“ઓ માત ! પ્રજા ! સુખસૂત્ર !
“મુજ હૃદયપ્રીતિનાં અંગ તમે સઉ ! અંગ સર્વ છે મ્હારાં !
“જન-પશુ-જગના કલ્યાણ યજ્ઞપર હોમું અંગ સઉ મ્હારાં !”

શાંત પડી થોડી વારે શિલાપર બેસી પોટકામાંથી વળી એક પત્ર ક્‌હાડી વાંચવા લાગ્યો, એ પત્ર ગૂર્જરવાર્તિકના તંત્રી ઉદ્ધતલાલનો લખેલો હતો.

“ પ્રિય ચંદ્રકાંત, “તમારો પત્ર પ્હોચ્યો. સરસ્વતીચંદ્રે પોતાના દ્રવ્યથી, પોતાની વિદ્યાથી, પોતાના ઉત્સાહથી, અને પોતાના શ્રમથી આપણી નગરીના સર્વ સાક્ષરમંડળને અને સર્વ દેશવત્સલોને ઉપકારવશ કરી દીધેલા હતા એટલું કહી બેસી રહીયે તો તેના મૂલ્યના વર્ણનમાં ન્યૂનતા આવી જાયછે. ઉપકાર કરવો એ તો ગમે તે સત્પુરુષ કરી શકે છે. પણ આપણો મિત્ર તો આપણાં સર્વ કાર્યોમાં પરોવાઈ ગયો હતો - ગુરુત્વાકર્ષણ સર્વ પરમાણુઓમાં પરોવાઈ જાય તેમ. દેશમાં વિદ્વાનો જોઈએ છીએ, દેશવત્સલ પુરુષો જોઈએ છીયે, શ્રીમાન્ પુરુષો જોઈએ છીયે, વિચારકો જોઈએ છીયે, ઉત્સાહકો જોઈએ છીયે, કાર્યગ્રાહી પુરૂષો જોઈએ છીયે, સુધારકો જોઈએ છીયે, લોકવર્ગના પ્રીતિપાત્ર જનો જોઈએ છીયે, ઈંગ્રેજોના પ્રીતિપાત્રજનો જોઈએ છીએ, ઉદરચિંતાથી મુક્ત અને અવકાશવાળા જોઈએ છીયે, અને બીજું ઘણું ઘણું જોઈયે છીયે. એટલું જ બસ નથી. કારણ શ્રીમાન્ હોય ને પરોપકારી પણ હોય નહી અને વિદ્વાન પણ હોય નહી તે શા કામનો ? વિદ્વાન હોય ને ઘરમાં તુમ્બીપાત્ર વસાવવા રાત્રિ દિવસ તેને મથવું પડતું હોય તે શા કામનો ? દુ:ખી નર્મદ કહી ગયો છે કે

“પછી શું કરવું કાલ,
“કુટુમ્બના એવા જ્યાં હાલ?
“અફાળ બુદ્ધિનેત્ર વિશાળ !”
“દલપતરામ પણ ગાઈ ગયા છે કે
“ભાઈઓ જેની ભારજા ભુંડી રે
“તેને શિર આપદ ઉંડી રે.
“નવલરામે ગાયું છે કે
“ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં રમે છે;
“પેલીનું તો ચિત્ત ચુલામાંહ્ય ?
“દેશી ! ક્‌હોની કેવું આ કજોડું તે ક્‌હેવાય?

“માટે આપણે તો સર્વ ક્ષુદ્ર ચિન્તાઓથી મુકત અને સર્વ દેશકાર્યોની ઉદ્ભાવક વૃત્તિયોથી અને શક્તિઓથી સમૃદ્ધ સમર્થ શ્રીમાન્ વિદ્વાનો જોઈયે છીયે, અને એ આશાને કેટલેક અંશે સિદ્ધ કરે એવું દૈવત લક્ષ્મીનંદનના ઘરમાં સિદ્ધ થવા આવતાં હાથમાંથી જતું રહ્યું ! આહા ! કુમુદસુંદરી જેવાં રત્નને તેને યોગ થવા આવેલો તે સ્વપ્નવત્ થઈ ગયો ! એવી રસિક સાક્ષર લલના સાથે એ પુરુષનો યોગ થયો હત તો આપણા લોક ઉપર કેવાં કેવાં અમૃતની વૃષ્ટિ થાત ! પણ આ તમારો કુટુમ્બક્‌લેશી ગૃહસંસાર – જેને તમે મિથ્યાભિમાનથી આર્યસંસારનું નામ આપો છો તેનું સત્તાનાશ જજો ! તમારી એ જ દુષ્ટ અવ્યવસ્થા અને મૂર્ખતાના ભણ્ડાર જેવી ગૃહવ્યવસ્થાએ આપણા હાથમાં આવેલું રત્ન સમુદ્રમાં નાંખી દીધું છે અને હવે ચંદ્રકાંતભાઈ તેને શોધવા ડુબકાં માર્યા કરેછે ! સરસ્વતીચંદ્ર હાથમાં આવશે તે ઓછો લાભ નથી, પણ તેને હવે કુમુદસુંદરીનો યોગ અશક્ય છે અને સ્ત્રીજાતિની ઉન્નતિનું એક નાવ ભાગી ડુબી ગયું છે. I hope at least now you will admit that our joint family system is the worst plague that destroys our countrymen all throughout the land and eats up all that is fair and fruitful in the world of our hopes.”

“સંસારસુધારાનો વિષય લ્યો ! શું તમારે બાળલગ્ન અટકાવવાં છે ? જ્યાં સુધી જુની બુદ્ધિનાં અને નિરક્ષર મનુષ્ય તમારા ઘરમાં વસેછે અને તમારા બાળકોના ઉપરનો તમારો અધિકાર ભગ્ન કરી નાંખે છે, ત્યાં સુધી આમાનું કાંઈ બનવાનું નથી. શું તમારે વિધવાઓને સધવા કરવી છે? જ્યાં સુધી તમે આવાં આવાં મનુષ્યોને તમારી કમાઈના રોટલા ખવરાવી તેમના બળની વૃદ્ધિ કરો છો ત્યાં સુધી આમાંનું કાંઈ થનાર નથી અને તમારું પોતાનું બળ બીચારી વિધવાના બળ કરતાં વધનાર નથી. શું તમારે તમારી પુત્રીઓને સાક્ષર કરવી છે? શું તમારે તમારી સ્ત્રીને રસોડાના ધુમાડામાંથી અને વાસણ સાજવાની રાખમાંથી ઉગારી, સરસ્વતીની સુંદર સૃષ્ટિમાં લેવી છે અથવા જીવનનાં જે સાધારણ સુઘડ સુખ અને સુવાસ તમે એકલપેટા થઈ ભોગવો છો તેમાંના કંઈક ભાગનો ભાગ તમારી પ્રિય પત્નીને, તમારી પુત્રીઓને અને તમારા પુત્રની સ્ત્રીઓને દેખાડવા છે ? અથવા શું તમારે તમારી પોતાની કમાઈ અને શકિત તથા સ્વતંત્રતાને તમારા ઈષ્ટ સન્માર્ગે વાપરવી છે અને તેમ કરી તમારી ઈંગ્રેજી વિદ્યાને સાર્થક કરવી છે? હું તમને કહું છું કે જ્યાં સુધી તમે કુટુંબના ભેગા વસી તેમની મૂર્ખ ઈચ્છાઓ પ્રમાણે અને દુષ્ટ વાસનાઓથી તમારાં સમર્થ હાથપગને બેડીમાં નંખાવા દેશો ત્યાં સુધી આ સર્વ સત્કાર્યોમાંથી એક પણ કાર્ય તમે કરી શકવાના નથી !” “ત્યારે અસંખ્ય મધમાખી મધપુડામાં ર્‌હે છે તેમ આપણા લોકમાં, ત્રીજી પ્હેડીના વડીલનાં બધાં બાળકો અને તેમણે પારકે ઘેરથી આણેલી કન્યાઓ, સઉએ એકઠાં ર્‌હેવાનો ચાલ શાથી પડ્યો અને તેમાં શો લાભ છે ? પારકા ઘરની કન્યાઓ અને પોતાના ઘરની દીકરીઓને એક પ્રીત શી રીતે થવાની ? પ્રાચીન કાળથી જ શબ્દ બંધાયો છે કે नन्दत इति ननान्दा - ભાભીને જોઈને આનંદ ન પામે તે નણંદ ! હજાર વર્ષ પ્હેલાં બંધાયેલી આ શબ્દાર્થ- રચના જણાવે છે કે નણંદ અને ભોજાઈને બારમો ચંદ્ર એ આપણા દેશનો પરાપૂર્વનો અનુભવ છે. જો એમ છે તો પોતાના ઘરની નણંદ અને પારકા ઘરની “ભોજાઈ” વચ્ચે પક્ષપાત કરવાના પ્રસંગ આવતાં નણંદની મા અને ભોજાઈની સાસુનું ચિત્ત કોનાપર હસે અને કોના પર રુઠે એ તરત સમજાય એવી વાત છે, આવે કાળે સુડી વચ્ચેના સોપારી જેવા નણંદના ભાઈ અને ભાભીના વરની અવસ્થા તમે સમઝો છો. તમે ક્‌હેશો કે આપણે ભણ્યા તેથી માબાપને ખોટાં ગણી વહુઓને મડમ કરીએ છીએ ને માબાપને ગણકારતા નથી, પણ માબાપને છોકરાઓ પરણાવતાં ઓરીયો વીતે છે, પણ પછી વર વહુના સામું જુવે એટલે વરની માની આંખે કાતરીયાં ખાય ને વરની બ્હેનની જીભ સાપણ પેઠે વિષેાદ્ધાર કરે એ તો તમારો જુના કાળનો આચાર છે."

"श्वश्रूः पश्यति नैव पश्यति यदि भ्रूमङ्गवक्रेक्षणा "मर्मच्छेदपट प्रतिक्षणमसौ व्रूते ननान्दा वचः । "अन्यासमापि किं ब्रवीमि चरितं स्मृत्वा मनो वेषते "कान्तः स्निग्धदृशा विलोकयति मामेतावदागः सखि ॥

"Take it, this a New Year's Day present of a toy that was made by your artist before English education was born in the land ! એક પાસથી આખા ઘરનો ભાર અને બીજી પાસ બાળલગ્ન અને કૃત્રિમ પ્રેમાભાસના ફુંક મારતાં ઉડી જાય એવાં હલકાં ફુલકાં:– એ બે વચ્ચે ઉભેલો નર ઘરના ભારનો ત્રાસ ઓછો કરવા ફુલકાંને ફુંકી મારે એમાં તમને શું નવાઈ લાગે છે? ખરી વાત છે કે સ્વતંત્ર અને બળવાન પુરુષો આ ભારને હલકો કરે છે અને ઉડી જતાં ફુલકાંને ટકાવી રાખે છે, પણ એવા પ્રસંગ આવે છે ત્યારે લોક એને નિન્દે છે અને સ્ત્રીવશ અથવા બાયલો અને પાપી ગણે છે. સ્વાભાવિક સ્વકુટુંબભાર અને લોકાપવાદના ધક્‌કા આમ એક જ પાસ વાગે છે અને તેને ન ગણનાર પુરુષો જવલે જ નીકળે છે. આવા પુરુષોને ઘેર વહુરો સાસુ ઉપર જુલમ કરે છે ક્‌હેશો તો હું તેની ના નથી ક્‌હેતો. તમારાથી એક પગલું વધારે ભરી હું તો એવું પણ કહું છું કે જે ઘરમાં એક વાર છોકરાઓ માવડીયા હોય છે તે જ છોકરાઓ આઘાતપ્રત્યાઘાતના નિયમથી અથવા પોતાની સ્ત્રી અને સંતતિ ભણીના સ્વાર્થમાં વધારે સુખશાંતિના આસ્વાદનના આવિર્ભાવથી ઉત્તરાવસ્થામાં સ્ત્રીવેશ થાય છે, અને જે વહુરોની જુવાની દુષ્ટ સાસુઓ પોતાની જુવાનીને કાળે બગાડે છે તે વહુરો સત્તાવાળી થતાં સાસુઓનું ઘડપણ નીચોવી નીચેાવીને બગાડે છે ! લોક ભલે આમાં જુલમ અને પાપ લેખો, પણ હું તો આ ચિત્રમાં અન્યાયનો બદલો અન્યાય – ઈશ્વરને જ નિર્મલો – જોઉ છું ! આ સંઘટ્ટન નનાન્દા શબ્દના જન્મકાળથી ચાલતું આવેલું છે ! શું આપણે એ અવ્યવસ્થા ચાલુ રાખવાને બંધાયલા છીયે? કોઈ પણ રીતે હું આ બન્ધન જોતો નથી. પુરુષ, સ્ત્રી, અને અવિવાહિત બાળકો – એટલાં મળીને એક કુટુંબ ગણવું એ પ્રકૃત છે. એવાં અનેક કુટુમ્બોના શમ્ભુમેળાને એક ગણી એ મૂર્ખાઈ અને દુષ્ટતાના ખીચડાને એક ઘરમાં ભરી ખદબદવા દેવો અને એ સમાજને એક કુટુમ્બનું' નામ આપી તેના ઉપર કુટુમ્બવત્સલ થવાનો ફાંકો રાખવો એ ચંદ્રકાંતને ગમતું હશે, પણ મને તો તેમાં પ્રકૃત શુદ્ધાચાર નહી પણ કેવળ વિકૃતિવાળો ભ્રષ્ટાચાર જ લાગે છે, અને પરાપૂર્વથી ચાલતો આવેલો છે માટે એ ભ્રષ્ટાચાર જાળવવો એવું તો તમે પણ નહી ક્‌હો.”

“આ શમ્ભુમેળાનાં કુટુમ્બને એકઠાં રાખવાનો આચાર આપણા પૂર્વજોની જંગલી અવસ્થાનું ચિન્હ છે તે આપણે સાચવી રાખેલું છે. પ્રાચીન કાયદાએાનો તત્ત્વ શોધક સર હેનરી મેન્ તમે વાંચ્યો છે. તેણે બહુ શોધન કરી દર્શાવ્યું છે કે જુના કાળમાં લોકસ્થિતિ સામાજિક- tribal - હતી અને સર્વ પાશ્ચાત્ય દેશોમાં સુધારો થતાં એ સ્થિતિ સામાજિક મટી દૈશિક – territorial – થઈ છે. પ્રજાઓ પૂર્વે સામાજિક સાંકળોથી સંધાતી હતી; સુધારાના યુગમાં દૈશિક સાંકળોથી સંધાય છે. પૂર્વે અમુક લોકના દેશ ક્‌હેવાતા; હાલ અમુક દેશના લોક, ક્‌હેવાય છે. પૂર્વે આર્યો, દેવો, મ્લેચ્છો, યવનો, રાક્ષસો, સેમીટીક લેાક ટ્યૂટનો, કેલ્ટ લોક, ફ્રાંક્ લોક, આદિ લોકવર્ગથી પૃથ્વીનો વિસ્તાર સમજાતો; હાલ હીંદુસ્થાન, ઇંગ્લેંડ, ફ્રાંસ, ચીન, આદિ ભૂમિ-વિભાગોથી પૃથ્વીનો વિસ્તાર સમજાય છે. સંક્ષેપમાં આદિકાળ એટલે જંગલી અવસ્થાને સમયે પ્રજાઓ સ્વજાત્યભિમાન અથવા સ્વલોકાભિમાન ધરતી ત્યારે સુધારાના યુગમાં સ્વદેશાભિમાન ધરાય છે. આપણી નાતો અને આપણાં શમ્ભુમેળા થયલાં કુટુમ્બો એ માત્ર આ દેશના સ્વજાત્યભિમાનની જંગલી કાળનો અવશેષ બાકી ર્‌હેલો છે, અને હવે તેને નષ્ટ કરશે તે સુખી થશે, ને તેને વળગી ર્‌હેશે તે જાતે નષ્ટ થશે અને તેમનો નાશ થયો એટલે તેમના આ યુગનો પણ નાશ જ થયો સમજવો. સર્ હેનરી મેન્‌નું સૂત્ર આપણી ભાષામાં લેઈએ તો આદિકાળમાં પ્રજા-માળા સામાજિક હતી અને એ માળાના મણિકા કુટુમ્બો હતાં ત્યારે સુધારાના યુગમાં એ માળા દૈશિક થઈ છે અને તેના મણિકા વ્યક્તિઓ છે; કુટુમ્બ એ માત્ર એક ન્હાની જાતિ છે, નાત એ જરા મ્હોટી જાતિ છે અને લોકવર્ગ એ પુરેપુરી મ્હોટી જાતિ છે. જાત્યભિમાન અને કુટુમ્બાભિમાન આદિકાળનો અવશેષ છે; દેશાભિમાન સુધારાના યુગનો ફુવારો છે."

“આદિ કાળના લોક જંગમ - nomadic - ર્‌હેતા, તેઓ કાળે કાળે દેશ બદલતા અને અમુક તેમનો દેશ હતો એમ ક્‌હેવાતું નહી. આખી જાતિ ને જાતિ આર્યોને નામે ઓળખાઈ તેની અનેક શાખાએ સમુદ્રના તરંગો પેઠે એક પછી એક યુરોપમાં ગઈ અને એશિયાના દક્ષિણ ભાગમાં આવી. યુરોપ, ઈરાન, અને હીંદુસ્થાન આમ વસ્યાં છે. આપણા ક્ષત્રિયો, આપણા બ્રાહ્મણો, આપણા વૈષ્યો, આમ જાતિ-બંધ થઈ આ દેશમાં વસ્યા. બ્રાહ્મણોએ જાતિઓ અને તેની શાખાઓ જાળવી એટલું જ નહીં, પણ ગોત્ર અને શાખાઓ જાળવી – કુટુમ્બોમાંથી એ જાતિઓ થઈ. આપણામાં એ સામાજિક સાંકળો હતી, પણ લોકને દેશે દેશે સ્થાયી થવું ૫ડ્યું તેમ એ સાંકળો ત્રુટી, અને દેશવાસ, નગરવાસ, આદિ સંબંધોથી એક બ્રાહ્મણજાતિમાંથી અનેક બ્રાહ્મણો થયા અને એક વૈશ્યોમાંથી અનેક જાતિનું મહાજન થયું. આ હાલની આપણી નાત જાતો – એ – નથી સામાજિક સાંકળો, નથી દૈશિક સાંકળો, પણ બેનું મિશ્રણ છે, ત્યારે આપણું કુટુમ્બજાળ કેવળ સામાજિક માળાના મણિકારૂપે રહ્યાં છે. તમારે આ મણિકા જાળવી રાખવા છે અને મ્હારે તે તેાડી નાંખવા છે.” “તમે ક્‌હો છો કે એક કુટુમ્બનાં અવયવીભૂત મનુષ્ય પરસ્પર ઉપકાર કરવા મથે એ ઉચ્ચગ્રાહ નમાવવા યોગ્ય નથી.”

“પ્રથમતો એ તમારો પરોપકારક સંપ્રદાય – altruism - ધુમાડાના બાચકા જેવો છે. એ સંપ્રદાય માત્ર નામનો છે, જેમ ननान्दा શબ્દને જન્મકાળે આ સંપ્રદાયનો આચાર સસલાનાં શીંગડા જેવો હતો તેવોજ આજ છે, એ ઉચ્ચગ્રાહ Utopia જેવો છે, તમારા કે કોઈના ઘરમાં હું તે દેખતો નથી. માત્ર તમારા જેવા કોઈકના મનેરાજ્યમાં તે હશે.”

“બીજું એ ઉચ્ચગ્રાહ અશાસ્ત્રીય છે. અર્થશાસ્ત્રથી એ વિરુદ્ધ છે. દ્રવ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ ગુરુત્તમ થવાનું શાસ્ત્રીય સાધન એ છે કે દરેક મનુષ્યમાં પોતાનો શ્રમ અને પોતાની બુદ્ધિ એ ઉભયને અત્યંત કસવાની વૃત્તિ અને શક્તિ ર્‌હેવી અને વધવી જોઈએ, અને શ્રમ લેનાર અને બુદ્ધિ વાપરનાર મનુષ્યને પોતાના પ્રયત્નનું સંપૂર્ણ ફળ જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી આ વૃત્તિ અને શક્તિ વિકાસ પામતી નથી. એક જણ પરસેવાનાં ટીપાં ઉતારતો કમાય અને તેનો ફલપ્રવાહ બીજા મનુષ્યો ઉપર ઢોળાય એ આપણાં સામાજિક કુટુમ્બનો ન્યાય છે, અને શ્રમજીવન અને બુદ્ધિજીવનથી થતા દ્રવ્યવિકાસને જે શક્તિ અને વૃત્તિનો વિકાસ કેવળ કારણરૂપે આવશ્યક છે તે કારણનો આ તમારો કુટુમબન્યાય જડમૂળથી પ્રધ્વંસ કરે છે ! માઈ ડિયર ચંદ્રકાંત, તમારાં કુટુમ્બના ન્યાયથી તમારું ચિત્ત વ્યગ્ર થઈ ગયું છે, તમારું શરીર જર્જરિત થયું નથી પણ થશે, અને એ કુટુમ્બ તમારાં આધિરૂપે, વ્યાધિરૂપે, અને ઉપાધિરૂપે તમને ચારે પાસથી ચટકા ભરે છે તેની વેદના સામે તમારા જ્ઞાનતંતુને જડ કરવા જ્ઞાનમાર્ગ અને “ફીલસુફી” ની ભાંગ તમે પીયો છો તે વ્યર્થ છે એ નક્કી જાણજો. તમારો દમ્ભ કદાચિત થોડા દિવસ ટકશે તો અંતે તે તમને દગો દેશે, અને તમારો પરિણામ ગમે તે થાવ પણ તમારા અસંખ્ય દીન સ્વદેશી મનુષ્ય આ જ્ઞાનમાર્ગ કેવી રીતે મેળવશે અને મળતાસુધી તેમનો કચ્ચર ઘાણ કેવો વળી જશે તેનો તે વિચાર કરો ! જ્યાં સુધી આ જંગલી કાળના કુટુમ્બોના આ શમ્ભુમેળા વેરણછેરણ થયા નથી ત્યાં સુધી ચંદ્રકાંત જેવાં રત્ન ઉપરનો કચરો સાફ થાય એ આશા વૃથા છે અને એવા પુરુષોની શક્તિ ઉપર આધાર રાખનાર માણસો ઢોર પેઠે ચંદ્રકાંતના બીડમાં ચારો ચરશે અને ખેતરોની ઉપયોગી વાડો તોડશે, ગાયો અને ભેંસો જેટલું દુધ નહી દે, આખલા અને પાડાઓ પેઠે મસ્તી કરશે અને રાંક ગાયભેંશોને રંજાડશે, અને સ્વતંત્ર મનુષ્યશક્તિથી દ્રવ્યોપાર્જન કરવાની શકિત કે શૂરત્વ તેમનામાં આવવાનાં નથી. તમારાં કુટુમ્બો ઉપર દયા રાખવી અને શરીરબળવાળાં ભીખારીઓને દાન કરવું એ ઉભય કાર્ય ઉભય પક્ષકારને હાનિકારક છે અને સ્વ-પર પાતક છે ! પણ અર્જુને કમાયેલી દ્રૌપદીને પાંચે ભાઈઓએ વ્હેંચી લેવા મૂર્ખ માતાએ કરેલી ભ્રષ્ટ આજ્ઞા પાળવાનો જંગલી આચાર લક્ષ્મીબાઈના સંબંધમાં પાળવો એ તમારા જેવા પંડિતોને પણ પ્રિય છે ! સર્વથા ઈંગ્રેજી વિદ્યા હજી સુધી તમારા જેવાઓ ઉપર પડી તે મરુભૂમિમાં વૃષ્ટિ થયા જેવું જ થયું છે ! ખોટી કુટુંબવત્સલતાનો ત્યાગ કરવા સરસ્વતીચંદ્રની છાતી ચાલી નહી એટલા તેઓ બાયલા તો ખરા, કારણ કુમુદસુંદરીનો સ્વીકાર કરી પછી લક્ષ્મીનંદનના દ્રવ્યને લાત મારવી જોઈતી હતી; તેમ કરતાં તેઓ પાછા હઠ્યા. પણ આ ઉત્તમ કાર્ય ન થયું તે મધ્યમ પક્ષ એમને જડ્યા કે જંગલી કુટુમ્બજાળની પાશ માથા ઉપર ફેંકાતી જોતાં સત્વર ચેતી ગયા અને જાળ આગળથી ખસી ગયા, તે એટલી એમની ચતુરતાને હું ધન્યવાદ આપું છું ! મ્હારો આ પત્ર તેમને દેખાડજો અને મધ્યમ પક્ષમાંથી ચ્હડી ઉત્તમ પક્ષમાં આવવા તેમને સમર્થ કરજો.”

“આ અર્થશાસ્ત્રનું તાત્પર્ય. હવે નીતિશાસ્ત્ર લ્યો. આપણે કીયું નીતિશાસ્ત્ર પકડીશું ? સર્વે શાસ્ત્રામાં ચોરી અને અસત્યને પ્રતિષેધ છે. શું તમારા કુટુમ્બમેળાઓનું બંધારણ એવું છે કે આ બે વસ્તુ ત્યાંથી દૂર ર્‌હે ? રામનું રાજ્ય છીનવી લેવાની આજ્ઞા કૈકેયીએ દશરથની પાસે કરાવી તે દિવસ એવો હતો કે સત્યપ્રતિજ્ઞાને આધારે ઉઘાડે દિવસે લુટ થતી થવા દેવી પડી. જ્યાં કુટુમ્બમેળે ત્યાં કુટુમ્બછત્ર – patriarch - ના દ્વારા થયેલી અનીતિ જેવી આમ રામરાજ્યમાં થઈ તેવીજ ધૃતરાષ્ટ્રના છત્ર નીચે અધિકતર ધૂર્તતાથી થતી આપણે વાંચી છે. મ્હોટા ન્હાના ભાઈઓ ને પુત્રો અને તેમની સ્ત્રીઓ, પુત્રીઓ, પુત્રપુત્રીઓનાં બાળકો, અને સર્વેનાં માતાપિતા:– એ સર્વનાં સમવિષમ ભાગ્યો અને એ સર્વની વચ્ચેના અનેક પક્ષપાત અને રાગદ્વેષનાં ચિત્ર કૈકેયી અને ધૃતરાષ્ટ્રના યુગથી તે આજ સુધી આ ભૂમિમાં પડી રહ્યાં છે, અને કૌરવ પાણ્ડવાનાં જેવાં નીતિઅનીતિનાં ન્હાનાં મ્હોટાં દ્યૂત અને યુદ્ધ ઘેરઘેર થોડાં અથવા વધારે, ગુપ્ત અથવા પ્રકટ, મચી રહ્યાં છે, જે દેશના ગૃહસંસારમાં જ પવિત્રતા અને શાંતિને સ્થાને મલિનતા અને ક્ષોભ આમ રોગપ્રકોપ પેઠે નિષ્કંટક વર્તે છે ત્યાં નીતિનું રાજ્ય છે એવું ક્‌હેવા કીયો અનુભવી છાતી ચલાવે છે ? ઈંગ્રેજી કુટુમ્બોમાં આવા કુટુમ્બકલહનો સંભવ જ દૂર છે; ત્યાં માતાઓને પુત્રી અને વધૂ વચ્ચે પક્ષપાત કરવાનો અવકાશ જ નથી, ત્યાં કમાનારની કમાઈના ચોર ઘરની ભીતર ભાગમાં જ સરજી મુકેલા હોતા નથી; ત્યાં પતિપત્નીનો પ્રેમ અને બાલવયનાં બાળક અને તેમનાં માતાપિતાવચ્ચેની વત્સલતા શીવાય બીજાં ત્રાહીત મનુષ્યોની ખટપટ હોતી નથી, અને પરિમિત સંખ્યાવાળું અને પરસ્પરાનુકૂળ સ્વાર્થવાળું આવું ઈંગ્રેજી કુટુંબ ગૃહસંસારની નીતિ અને શાંતિ અનુભવે છે; ચોરી, લબાડી અને પરસ્પર વિનાશની રાગદ્વેષ ભરેલી કળાઓને અવકાશ આપતું નથી, અને ન્હાના ઝુંપડાંઓમાં પણ ઈન્દ્રપુરીના વૈભવ જેટલું સુખ આપનારી કળાઓને ખીલવે છે. પાંચ હજારની કમાઈવાળો હીંદુ જે વૈભવ ભોગવતો નથી અને જે સુખ, શાંતિ અને નીતિ એક પાસ પણ જોઈ શકતો નથી તે પચાસ રુપીઆની કમાઈવાળો યુરોપીઅન પોતાના રંક ઝુંપડાની અંદર અને પોતાની ચારે પાસ સહેલાઈથી રાત્રિદિવસ ખડાં કરી શકે છે અને તેના આનંદથી તે રાત્રે નથી ફુલતો એટલો દિવસે ફુલે છે અને દિવસે ફુલતો નથી એટલો રાત્રે ફુલે છે ! તેની શરીરસંપત્તિ, તેનો આનંદ, તેનો પ્રેમ, તેનો ધર્મ, અને તેની નીતિ – એ સર્વને માટે એને અવકાશ છે અને તેને આંચ આવવા દેનાર કૌટુમ્બિક શમ્ભુમેળાનું નામ તેને ખબર નથી ! એ નર સામાજિક માળાનો મણિકો નથી, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નથી, કુટુમ્બસંકર બાવળમાંનો કાંટો નથી, પણ એ દૈશિક વાડીમાનું ફુલ છે અને વગર જાતિનો અને વગર કાંટાનો બે અર્ધાંગનો સર્વાળો એક-કુટુમ્બ-રૂપ વૃક્ષ તે પોતેજ છે ! પ્રિય ચંદ્રકાંત, તમે એ લોકના પ્રદેશમાં જન્મ્યા હત તો જુદા જ ગૃહરાજ્યમાં દીપતા હત ! જે જીવો તમારા ઘરમાં કુટુમ્બભાર થઈ જાતે ભ્રષ્ટ થાય છે અને બીજાને ભ્રષ્ટ કરે છે તે પણ ઈંગ્રેજી ભૂમિમાં જન્મયા હત તો જાતે પુણ્યશાલી થયા હત અને બીજાંનાં પુણ્યના કારણભૂત થયા હત ! સ્વાર્થ, પરમાર્થ, અને દેશોન્નતિ – એ સર્વે સૃષ્ટિની એકત્ર ઉદ્ભાવના જ્યાં આમ થઈ શકે છે એવી આ પાશ્ચાત્ય ગૃહસ્થિતિમાં સન્નીતિ છે કે સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત જેવા કલ્પવૃક્ષનો નાશ કરી નાંખે એવા - તીડોનાં વાદળાંથી ભરેલા – આપણા કુટુમ્બમેળાઓમાં સન્નીતિ છે એ પ્રશ્નનો ઉત્તર આપતાં શુદ્ધ નિર્ણય કોને નહી સુઝે! “My dear Chandrakanta ! Our joint family system has but a blasting influence on the growth of our individuals, on our economical and moral conditions, and even on our national and political growth. It has kept our beings stunted in intelligence and action. It has turned our best sentiments into cruel mockeries and machines for grinding down the nervous Systems of our young men and women in all ranks of life. Our idea that the world is misery, is special to India, being born of this our special national engine for destroying all warmth of youth; and lo, we are all only old men or children in India in spite of our ages! And for any reform, woe be unto every idea of your social or domestic reconstruction or even improvement so long as you have not touched the root of the disease and said : Down with the joint family !”

“પ્રિય ચંદ્રકાંત! હું રેડિકલ છું. અતિસુધારક છું., અને માટે જ લોકેાયે તિરસ્કારમાં આપેલું નામ સ્વીકારી ઉદ્ધતલાલ નામ સ્વીકાર્યું છે. મ્હારા મનમાં સિદ્ધાંત બંધાયો છે; અને ઘણા અનુભવે, ઘણા અવલોકને, ઘણા વાચને, અને ઘણા વિચારે, મ્હારા હૃદયમાં નિશ્ચય રચ્યો છે. આ આપણા દેશમાં મૂર્ખતા અને દુષ્ટતાની ભરેલી અવ્યવસ્થામાંથી લોકનો ઉદ્ધાર કરવાને માટે ઉદ્ધત થવાની આવશ્યકતા જ છે. ઉદ્ધતિ વિના આપણી ઉન્નતિ નથી, અને આપણી વિદ્યાના સંસ્કારોને અને આપણી બુદ્ધિના નિર્ણયોને આ દેહ છતાં કોઈ રીતે પણ સફળ થયા જોવાની ઈચ્છા હોય તો આ દેશમાં સર્વત્ર કચરાપટ્ટીના ઢગલાઓ પેઠે રૂઢિને નામે રૂઢ થયેલા મૂર્ખાચાર અને દુષ્ટાચારને ઝાડી ઝાપટી આપણી સર્વ ભૂમિને સાફ કરી દેવી અને તેમ કરવાને માટે દરેક મનુષ્યે પ્રથમ આરંભ પોતાના ઘરમાં કરવો. તમે પુછશો કે મ્હેં મ્હારા ઘરમાં શું કર્યું ?”

તો સાંભળો. છોકરાંએ માબાપની આજ્ઞા પાળવી અને ઉપકાર માનવો એ બે સુત્ર આપણા લોકમાં મર્યાદાહીન થઈ પ્રવર્ત્યાં છે. ગોસાંઈજી મહારાજાઓની સેવા ભાવિક સ્ત્રીઓએ તન મન અને ધનથી કરવી અને તનને એવું અર્પણ કરવું કે વ્યભિચારને પણ દોષરૂપ ન ગણવો એવો દુષ્ટાચાર એક કાળે હતો તે તમે વાંચ્યું હશે. યોગ્ય સૂત્રનો અત્યુપયોગ થાય એટલે દુરુપયોગ થાય તેનું આ દૃષ્ટાંત છે. એજ ન્યાયે માબાપની આજ્ઞા પાળવાનું યોગ્ય સૂત્ર કેવી અયોગ્ય રીતે લોક સમજે છે તે જુવો. જે વયમાં બાળક બાળક હોય છે અને તેના પોતાના ભવિષ્ય સુખને માટે જ તેના ઉપર માતાપિતાની આજ્ઞાઓની આવશ્યક નીતિ છે તે વય જતાં એ આજ્ઞાઓ કેવળ અસ્થાને અને અનધિકૃત છે. એ આજ્ઞાઓનો ભાર માતાપિતાના સ્વાર્થને માટે નથી, પણ બાળકના સ્વાર્થને માટે છે, અને જેમ પુત્ર-પુત્રીઓનાં શરીર પિતામાતાના જેવડાં થાય છે તેમ તેમની બુદ્ધિઓ પણ કાળે કરીને પિતામાતાના જેવડી થાય છે. ખરી વાત છે કે પિતામાતાનો અનુભવ પુત્રપુત્રીઓને ન હોય, પણ તેટલા જ કારણથી પિતામાતાની આજ્ઞાનો ભાર પુત્રપુત્રીઓ ઉપરથી ઉઠવો યોગ્ય ન ગણીયે તો તો પિતામાતાનાં વર્ષ હંમેશ પુત્રપુત્રીઓથી વધારે હોય જ અને તેના પ્રમાણમાં તેમનો અનુભવ પણ વધતો જાય અને માતાપિતા મરે ત્યાં સુધી પુત્રપુત્રીઓને માથેથી આજ્ઞાનો ભાર કદી ઉઠવો જોઈતો નથી, નક્કી, આવું મૂર્ખ અને દુષ્ટ સૂત્ર આપણાં શાસ્ત્રોએ બાંધ્યું નથી, પણ આપણી હાલની પ્રજા એ સૂત્રને મનમાં માન્ય ગણે છે. સત્ય સૂત્ર એ છે કે જે આપણાં શાસ્ત્ર કહી ગયાં છે તે એ કે

प्राप्ते च षोडषे वर्षे पुत्रं मित्रं समाचरेत् ।

સોળમે વર્ષે પુત્રને મિત્ર ગણવો તે શા કારણથી અને કેવી રીતે ? પિતાની આજ્ઞાનું ગૈારવ એ કાળથી નષ્ટ થાય છે અને પુત્રનું સ્વાતંત્ર્ય સિદ્ધ ગણાય છે. જો પિતાનો અનુભવ એ આજ્ઞાનું કારણ હત તો આમ ગણાત નહી. જો પિતાનો સ્વાર્થ એ આજ્ઞાનું કારણ હત તો આમ થાત નહી. જો પિતાએ કરેલા ઉપકાર એ આજ્ઞાનું કારણ હત તો આમ થાત નહી. ત્યારે એ આજ્ઞા-વિધિનું કારણ શું ? સોળમા વર્ષ સુધી પુત્રની બુદ્ધિ ઉગતી હતી અને ત્યાં સુધી એના સ્વાર્થને માટે પિતાની બુદ્ધિને માથે પુત્રને આજ્ઞા કરવાનો અધિકાર હતો. સોળમે વર્ષે એ કારણ નષ્ટ થતાં કાર્ય નષ્ટ થયું ગણ્યું. સોળમા વર્ષથી પુત્રની બુદ્ધિ શાસ્ત્રોએ સ્વતંત્રતાને યોગ્ય ગણી અને પિતાની આજ્ઞાનો અધિકાર ખેંચી લીધો. એ કાળથી પછી જો પિતા આજ્ઞા કરે તો તે શાસ્ત્રનિષિદ્ધ છે. ત્યાર પછી પુત્રની બુદ્ધિને સ્વતંત્રતા આપવામાં જ તેનું કલ્યાણ છે અને પિતાનામાં અધિક બુદ્ધિ હોય તો તે પુત્રની પાસે મિત્રની પેઠે વાપરે, પણ તેમ ન કરતાં આજ્ઞા કરવા જાય તો તે પિતા પાપી છે, દુષ્ટ છે, એ નક્કી સમજજો. બુદ્ધિ એ ઈશ્વરનો પ્રસાદ છે, તે ઓછી-વત્તી આપવી એ ઈશ્વરનું કામ છે, તે જેવી હોય તેવી ઈશ્વરના જયોતિરૂપ ગણવા યોગ્ય છે. ગાયત્રી દ્વિજમાત્રને તે વાતનું નિત્ય સ્મરણ કરાવે છે, એ જ્યોતિ મન્દ અથવા ઉગ્ર રૂપે પ્રકાશતું હોય તો પણ તેનું તિરોધાન કરવાનો અધિકાર માત્ર ઈશ્વર અને રાજા શીવાય બીજા કોઈને નથી, અને જે કાળે એ જ્યોતિનું સ્વાતંત્ર્ય જન્મે ત્યાર પછી પિતા એ તેના ઉપર આજ્ઞા કરવી એ આ જ્યોતિની અને તેની સ્વતંત્રતાની હત્યા કરવા જેવું દુષ્ટ કર્મ છે. કેટલાક પુત્રોની બુદ્ધિ પિતાના કરતાં મન્દ હોય અને તે પુત્રની બુદ્ધિને સ્વતંત્રતા આપવાથી પુત્રને હાનિ હોય, પણ તે હાનિ થતી અટકાવવા આજ્ઞા કરવાનો અધિકાર પિતાને પ્રાપ્ત થતો નથી. જો એવી રીતે પિતાને અધિકાર પ્રાપ્ત થતો હોય તો એ પરિણામ થાય કે પોતાને જગતનાથી ડાહ્યાં ગણવાનો અભ્યાસ સર્વને છે તે ન્યાયે સર્વ પિતાઓ પોતાને પુત્રનાથી ડાહ્યા ગણે અને પુત્રનું બુદ્ધિજ્યોતિ કદી સ્વતંત્રતા પામે જ નહીં. માટે જ સુજ્ઞ શાસ્ત્રકારે વયની મર્યાદા મુકી કહ્યું કે સોળ વર્ષે પુત્રમાં આ જ્યોતિની સંભાવના થવી જોઈએ ને પિતાનો આજ્ઞાધિકાર બંધ થવો જોઈએ. સોળને સ્થાને હરાડ કે વીશ કે ગમે તેટલી સંખ્યા મુકવી એ વાત દેશકાળ પ્રમાણે રાજા અથવા શાસ્ત્ર અથવા દેશાચારના હાથમાં ર્‌હે એમાં કાંઈ બાધ નથી. પણ આજ્ઞા કરવાના લોલુપ પિતાના હાથમાં તે વાત ન હોવી જોઈએ, ગમે તે વયે પણ આ મર્યાદા બંધાય એટલું બસ છે, પણ મર્યાદાકાળ થયો કે જેમ બાળકી સ્ત્રીઅવસ્થા પામી પિતાથી અસ્પૃશ્ય ગણાય છે તેમ પુત્ર પુરુષાવસ્થા પામી પિતાથી અનાજ્ઞેય ગણવો જોઈએ. આ વિષયમાં લોકકલ્યાણનું સત્ય સૂત્ર આ છે તે સર્વ સુધારેલા દેશોમાં મનાયું છે. રોમમાં પિતૃસત્તા - patria potestas - ભાંગી તે આ જ વિચારે, ઈંગ્લાંડમાં પણ એમ જ થયું છે. આપણામાં પણ ઉક્ત મર્યાદા લખેલી છે. માત્ર અર્વાચીન કાળમાં જ આપણે કપાળે એ મર્યાદા ત્રુટી છે અને પુત્રો વૃદ્ધ થતા સુધી માતાપિતા તેમના ઉપર આજ્ઞા કરવાની લોલુપતા રાખે છે, એ લોલુપતાને અટકાવવા ઈચ્છા રાખનાર પુત્રને માથે કૃતધ્નતાનો આરોપ મુકે છે અને બુદ્ધિમાન પુત્રોને પણ મૂર્ખ પિતાઓની મૂર્ખતા અને દુષ્ટતાનું દાસત્વ કરવું પડે છે અને એ પુત્રોની સ્ત્રીઓને અનેક રાગદ્વેષથી ભરેલી સાસુઓ, નણંદો વગેરેની યમદંષ્ટ્રામાં નિરંતર વાસ કરવો પડે છે. હાલના આપણાં કૌટુમ્બિક નીતિશાસ્ત્રનું અથવા અનીતિશાસ્ત્રનું આ પરિણામ છે અને એ શાસ્ત્રને લત્તાપ્રહાર કરી ઉદ્ધતલાલે લોકકલ્યાણના શુદ્ધ શાસ્ત્રનો આચાર પોતાના કુટુમ્બમાં આરંભ્યો છે.

મ્હારા પિતાએ મને વિધાભ્યાસ કરાવવા જે દ્રવ્ય-વ્યય કર્યો તેને લોક મ્હારા ઉપર ઉપકાર ક્‌ર્યો ક્‌હે છે. તમારાં ન્યાયાસનો આગળ મનાતા જીમૂતવાહનના સંપ્રદાય પ્રમાણે બાળકને વિધાભ્યાસ કરાવવા પિતા જે દ્રવ્ય ખરચે તે માતાએ આપેલા ધાવણની જોડે સરખાવેલું છે. વિદ્યાભ્યાસ પામવા માટે પિતાનો જે ઉપકાર માનવાનો છે તે ધાવણ આપનારી માતાના ઉપકારથી અધિક નથી. જાતે ઉત્પન્ન કરેલા બાળકને ધાવણ આપવું તે જાતે વાવેલા બીજના છોડને પાણી સિંચવા જેવું છે. પાણી સિંચવાનું કૃત્ય બીજ વાવવાની ક્રિયાને અંગે લાગેલું છે અને ધાવણ આપવાને જનનીધર્મ પુત્રોત્પત્તિને અંગે વળગેલો છે. પ્રજા ઉત્પન્ન કરવાનું જે જનની સમજે છે પણ ધાવણ આપવાનું સમજતી નથી તે જનની પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે અને માતાનો ઉપકાર ધાવણ આપવાને માટે માનવાનો નથી, પણ જન્મ આપવાને માટે હોય તો તે યોગ્ય થાય. જે જનની બાળકને જન્મ આપી તેનો સંસાર દુ:ખમય કરે છે તે જનનીએ આપેલો જન્મ ઉપકારરૂપ નથી, પણ અપકારરૂપ જ છે; એ જન્મ માતાએ પ્રીતિભાવે આપ્યો ગણવાનો નથી, પણ શત્રુભાવે આપેલો ગણવાનો છે. વિદ્યાનું ધાવણ જે પિતા આપતો નથી તે પિતા આ જ ન્યાયે શત્રુ છે, અને વિધા આપે તે માટે તેનો ઉપકાર માનવાનો નથી, પણ જે જન્મ આપીને તેને સફળ કરવા પિતાએ પ્રયત્ન કર્યો હોય તે જન્મને માટે તેટલા પ્રયત્નના પ્રમાણમાં તેનો ઉપકાર માનવો યોગ્ય છે અને એટલા પ્રયત્નના પ્રમાણમાંજ એની પ્રીતિ વસ્તુરૂપ ગણવી. બાકી જીવતા પુત્રની સામે શત્રુભાવના પ્રયત્ન કરી, પુત્ર મરતાં પિતા રડવા બેસે એ રડવાને પ્રીતિ ગણવી તે તો ભસ્મને અગ્નિ ક્‌હેવા જેવું છે. લક્ષ્મીનંદન હવે કલ્પાંત કરે છે તે આવા જ પ્રકારનું છે. મ્હારાં માતાપિતાએ વિદ્યાદાન શીવાય બીજું જનકકૃત્ય મ્હારા પ્રતિ કરેલું નથી. ન્હાનપણમાં મ્હારું લગ્ન કર્યું તે પણ શત્રુકૃત્ય કર્યું એમ હું માનું છું, પણ મૂર્ખતાને લીધે આ શત્રુકૃત્યતાનું તેમને ભાન ન હતું, પણ આ પણ એક પ્રીતિકૃત્ય છે એવું તેમને ભાન હતું; માટે જ આ શત્રુકૃત્યને હું જનકકૃત્યની તુલામાં મુકું છું. જનકકૃત્યને નામે ઓળખાતા આ શત્રુકૃત્યનું સ્વરૂપ સવેળાએ સમજવાનો પ્રસંગ આવ્યે એ સરસ્વતીચંદ્રનું મહાભાગ્ય, એ પ્રસંગ આવતાં તરત ચેતી ગયા એ એમની ચતુરતા, અને એ પ્રસંગ સુધારવાને ઠેકાણે બગાડી નાંખ્યો એ એમની અનુભવશૂન્યતા !"

"મ્હારા પિતાએ મને ભણાવ્યો, પરણાવ્યો, અને અન્નાદિ આપી ઉછેર્યો. આ ત્રણ જનકકૃત્યને અંગે તેમને ત્રણેક હજાર રૂપીઆનું ખરચ થયું છે, તેના વ્યાજનું વ્યાજ ગણતાં કુલ સાતેક હજાર રુપીઆ થાય છે. મને પરણાવેલી શ્રીમતી પ્રતિ મ્હારો, ધર્મ પાળવામાં મને વિધ્ન આવે એવાં શત્રુકૃત્ય મ્હારાં માતાપિતાએ આરંભ્યાં ત્યાંથી તેમનાં જનકકૃત્ય બન્ધ થયાં અને તેમનાં ભેગા ર્‌હેવામાં મને અધર્મ જણાયો. એ અધર્મ જણાતાં आहारे व्यवहारे च स्पष्टवक्ता सुखी भवेत् એ ધર્મ મ્હેં પાળ્યો, અને કુટુમ્બથી જુદા ર્‌હેવાનો ધર્મ ધર્મ્ય ગણી સાધ્યો. પિતાના જનકકૃત્યનું મૂલ્ય સાત હજારનું થાય તે આપવા તરત મ્હારી શક્તિ નથી, પણ તેનું વ્યાજ તેઓ ઉપજાવી શકત એટલું હું મ્હારી કમાઈમાંથી ધસારો વેઠી તેમને આપ્યાં જઉં છું અને જીવીશ ત્યાં સુધી આપીશ. સાત હજાર રુપીઆ મ્હારી પાસે હાલ નથી તે મળશે તેમ તેમ આપીશ એવી મ્હારી પ્રતિજ્ઞા છે તે માતાપિતાને જણાવી દીધી છે. આથી વધારે બન્ધન મ્હારે શિર હોય એમ હું સમજતો નથી. ઍથૅન્સ નગરીમાં એવો કાયદો હતો કે જે પુત્રને પિતાએ વિદ્યાદાન ન આપ્યું હોય તે પુત્રને માથે પિતાને તેની વૃદ્ધાવસ્થામાં અન્નવસ્ત્ર આપવાનું બન્ધન નહી. ઈંગ્રેજ લોકમાં તો લગ્ન થતાં પુત્ર જુદો જ થાય છે અને સર્વ બન્ધનથી મુક્ત થાય છે. પુત્રને માતાપિતાના ઉપકારને નામે અતિબન્ધનનો દાસ કરી દેવો આ આપણા લોકમાં પ્રશસ્ત ગણાય છે, અને કુન્તીમાતાના કાળથી રૂઢ થયેલા અા અાચારનો અવશેષ આજ સુધી આપણા લોકમાં ચિરંજીવ ર્‌હેલો છે તે માત્ર સામાજિક કાળની જંગલી પ્રશસ્તિનો આપણાં હૃદય ઉપર રહેલો આવેશ જ છે. પ્રિય ચંદ્રકાંત, હું સરસ્વતીચંદ્ર પેઠે આવા આવેશને વશ થતો નથી, પણ આવેશહીન વિચારદ્વારા ધર્માધર્મનો વિવેક કરું છું, અતિધર્મને નામે શિષ્ટ ગણાતાં અતિબન્ધનને તીક્ષ્ણ ધારવાળી છરીથી સત્વર કાપી નાંખું છું, અતિસ્વતંત્રતાને રૂપે શોધાતાં અબન્ધન સુધી શોધી તેનાથી દૂર રહું છું, અને ધર્મની તુલા હાથમાં રાખી તેણી પાસ બેધડક પ્રવર્તું છું ! જેટલું હું સમજું છું તેટલું તમે સમજો છો. પણ વ્યાધિ જાણતા છતાં ઔષધ કરતાં ડરો છો ! તમે Let-Alonist છો! તમે અપકીર્તિથી દૂર રહો છો અને ઘરમાં અતિબન્ધનોને કરોળીયાઓનાં જાળાં પેઠે ચારે પાસ વધવા દ્યોછો, તેનું ફળ ભોગવો છો અને ભોગવશો ! તમે તમારું દેશનું કલ્યાણ કરી શકવાના નથી. લિટન્‌ની નવલકથામાંથી નીચલો સંવાદ તમારા ઉદ્દીપનને માટે લખું છું તે વાંચજો અને વિચારજો ! બાકી બાપને કુવો કહી તેમાંનું પાણી ખારું હોય ત્હોયે પીવું એ તો તમને પ્રિય નહી જ હોય !"

"तातस्य कूपोऽयमिति ध्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्ति એ એતદ્દેશીય વાર્તા અને હવે કહું છું લીટનની પારદેશીય વાર્તા."

"My dear Ma'am,” said the Parson, “there are many institutions in the country which are very old, look very decayed, and don't seem of much use; but I would not pull them down for all that !”

"You would reform them, then,” said Mrs. Hazeldean.

"No, I would not, Ma'am,” said the Parson, stoutly.

"What on earth would you do, then?” quoth the squire.

Just let 'em alone,” said the Parson. "Master Frank, there's a Latin maxim which was often in the mouth of Sir Robert Walpole, and which they ought to put into the Eton Grammar – ' Quieta non movere '. If things are quiet, let them be quiet  ! I would not destroy the stocks because that might seem to the ill-disposed like a license to offend; and I would not repair the stocks, because that puts it into people's heads to get into them.”

ચંદ્રકાંત ભાઈ તમે આ Parson જેવો છો. ગમે તે અવળા પ્રવાહોને સત્વર અટકાવી દો; તેમ ન કરો તો તેને સુધારો. પણ હાથપગ વાળી રાખી સર્વ જાદવાસ્થળીના સાક્ષિરૂપ થઈ બેસી ર્‌હેવું એ શ્રીકૃષ્ણને પરવડ્યું, કારણ તેમને સ્વધામ પ્હોચવું હતું. પણ તમારે તો હજી આખું મહાભારત બાકી છે માટે એવા મહાત્મા થવું તમને પરવડવાનું નથી.”

"આ પત્ર ઘણા વિસ્તારથી લખ્યો છે તેનું કારણ એ કે સરરવતીચંદ્ર તમને જડે તો પણ મુંબઈ આવવાની ના ક્‌હે તો આ પત્ર વાંચે અને જેવા ચતુર અને મર્મજ્ઞ છે તેવા અનુભવજાગૃત થાય."

ઉદ્ધતલાલનો પત્ર વાંચી, શ્રાન્ત થઈ, નિ:શ્વાસ નાંખી સરસ્વતીચંદ્ર પળવાર બેસી રહ્યો. વળી પત્રની જોડે ટાંકેલા પત્રમાં ચંદ્રકાંતના અક્ષર વાંચવા લાગ્યો.

પ્રિય ઉદ્ધતલાલ ! આપણું દુર્વ્યવસ્થાનું જે ચિત્ર તમે પ્રત્યક્ષ કરો છો તે અસત્ય નથી, પણ એ ચિત્ર અપૂર્ણ છે. આપણાં કુટુંબ સામાજિક છે, આપણા કુટુમ્બમાં કુટુમ્બસંકર છે, એ સંકર જ્ઞાતિસમાજ અને કુટુમ્બસમાજનાં હિતનું પોષણ કરે છે અને યુરોપીયનોમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક વ્યક્તિ – પોતાના ઉચ્ચગ્રાહ શોધી લે છે તેવી રીતનો વ્યક્તિઓનો ઉચ્ચગ્રાહ આપણા દેશમાં થતો નથી. કુટુમ્બભાર વ્હેનાર સ્ત્રીપુરુષોના મર્મભાગ આ રીતથી ઘસાય છે અને એ સ્ત્રીપુરુષો અશક્ત થઈ જાય છે, તેમ જ જે કુટુમ્બોને તેઓ વ્‌હે છે તે કુટુમ્બોમાં પણ અનેકધા અનર્થકારક દુર્ગુણો પ્રવેશ કરવા પામે છે. આ સર્વ ચિત્ર તમે આલેખો છો તે ચંદ્રકાંતને ઇષ્ટ છે. સુધારાના ઇષ્ટ પ્રવાહો મૂળ આગળ અટકે છે તેનું કારણ તમે આ કૌટુમ્બિક દુર્વ્યવસ્થાને ગણો છે તે પણ યોગ્ય છે."

પણ તમારા ચિત્રમાં ન્યૂનતા છે તે પૂરવા ઇચ્છું છું. કુટુમ્બભાર વ્હેનાર સ્ત્રીપુરુષોના કલ્યાણમાં જ કુટુમ્બનું કલ્યાણ સમાયલું છે એટલી બુદ્ધિ કુટુમ્બજનમાં ઉદય પામે તો તેમના સામે જે પ્રહાર કરવા તમે પ્રયત્ન કરો છો તે પ્રહાર કરવાનું કારણ અર્ધું ઓછું થઈ જાય. આ બુદ્ધિ જે જે કુટુમ્બોમાં હોય છે ત્યાં ત્યાં ઘણાક અનર્થ ઓછા હોય છે. સામાન્ય વિદ્યાથી, સામાન્ય વિચારથી, અને ભાર વ્હેનાર ઉપર વિશ્વાસ ઉપજવાથી, આ બુદ્ધિ ઉદય પામે એમ છે. વિદ્યા કેમ વધારવી અને ક્યારે વધશે એ તમે જાણો છો. વિદ્યા વધતાં વિચાર વધશે. વિદ્યા શીવાય પણ વિચાર વધે છે તે સ્વાભાવિક બુદ્ધિ અને અનુભવથી થાય છે. અાપણા ઉપર કુટુમ્બજનોનો વિશ્વાસ વધારવો એ આપણું કામ છે. એ વિશ્વાસ ઉપજાવવાની કળા જાણનાર જગતમાં હોય છે તે મ્હારાં હાલનાં યજમાન ગૃહિણી ગુણસુંદરીનો ભૂત ઇતિહાસ સાંભળી હું બુદ્ધિગેાચર કરું છું. સાત્વિક વૃત્તિ, નિર્મળ પ્રીતિ, ધૈર્ય, ઉદારતા આદિ અનેક સદ્‌ગુણો આ વિશ્વાસ ઉપજાવનારમાં હોવાં જોઈયે. સામાન્ય મનુષ્યોમાં તે આવવાં દુર્લભ છે એ સત્ય છે. પણ આ સદ્‌ગુણોનાં પાત્ર મનુષ્યો દેશમાં શશશૃંગ પેઠે કેવળ દુર્લભ નથી એટલું જણવવાને માટે હું આ કહું છું."

"કુટુમ્બના શમ્ભુમેળા ન થતાં પ્રત્યેક મનુષ્ય પોતાનાં સ્ત્રી અને બાળક સાચવી જુદો ર્‌હે તો જે કલ્યાણ થવાનું તમે લખો છો તે પણ થાય તેની ના નથી. પણ એ માર્ગથી દેશને લાભ થાય એમ તમે સમજતા હો તો તે ભુલ છે એમ હું કહી શકતો નથી, પણ એ સિદ્ધાંત યોગ્ય શોધન કરી તમે બાંધ્યો નથી એટલું તો હું કહી શકું છું. હું તો એ પણ કહું છું કે એ માર્ગથી એ પુરુષ એક કલ્યાણ શોધી અન્યથા હાનિ પણ પામે છે. પછી એ હાનિ મ્હોટી કે લાભ મ્હોટો એ નીરાળો પ્રશ્ન છે."

"આ વિષયમાં કંઈક અન્ધહસ્તિન્યાયનો સંભવ છે. પણ સઉ અાંધળાઓના અનુભવને ખોટા ન ગણતાં એ અનુભવોનો સરવાળો કરીશું તો સત્ય જડવાનો સંભવ છે."

"હાલ આયુષ્યના વીમા ઉતરે છે, લગ્ન પ્રસંગ તથા ઉત્તરક્રિયાના વ્યયને માટે વીમા ઉતરે છે, અને એ વીમા વીમાસમાજો ઉતારે છે. કુટુમ્બને માટે પરસેવો ઉતારી પોતે રળેલું સર્વ દ્રવ્ય કુટુમ્બના પોષણમાં ખરચી મરી જનારની સ્ત્રી અને તેનાં બાળકનું પોષણ કરવા બાકી રહેલું કુટુમ્બ ઇચ્છે છે, એવું પોષણ ઘણા કાળ સુધી નહી તો થોડા કાળ સુધી આ કુટુમ્બ કરે છે, એ વાત જો સત્ય હોય તો આ મરનારનો વીમો પણ વગર ઉતરાવ્યે ઉતરાવ્યો સમજવો. તેણે કરેલો વ્યય આ વીમાને લીધે તેના મરણ પછી ઉગી નીકળે છે. ખરી વાત છે કે આ ફળ લેવાનો પ્રસંગ સર્વને નથી આવતો. પણ વીમાકંપનીએ ઉતારેલા વીમાનો લાભ મરીને લેવાનો તો થોડાંજ મનુષ્યોને હોય છે અને તેમની સંખ્યા ઝાઝી હોય તો વીમાકંપની દેવાળું ક્‌હાડે, આપણા કુટુમ્બો એ એક જાતની વીમાકંપનીઓ જ છે એમ સમજશો તો મ્હારો ભાવાર્થ સમજાશે." "કુટુમ્બનાં મનુષ્યો ઘરમાં છેક નિરુદ્યોગી નથી બેસી ર્‌હેતાં. સઉ પોતપોતાના ગજાપ્રમાણે અને બુદ્ધિપ્રમાણે પરસ્પર સેવા કરે છે અને અનેક સેવકોનું કામ કરે છે. ખરી વાત છે કે બ્હારના ચાકરો ઉપર અંકુશ રાખીયે તેવો કુટુમ્બજનો ઉપર નથી રખાતો; પણ કેટલીક રીતે બ્હારના ચાકરો ઉપર અનેકધા અંકુશ રાખવા છતાં જે વિશ્વાસ નથી રખાતો તે કુટુમ્બજન ઉપર રાખી શકાય છે. એટલું જ નહી પણ ઘરમાં કુટુમ્બ હોય તો તે એક જાતનો કીલ્લો છે, એ કીલ્લાથી બ્હારનાં માણસ ઘરની સ્ત્રીયોને ફોસલાવી જવાની હીંમત નથી કરતાં - યુરોપમાં એ કીલ્લાઓની ન્યૂનતાને લીધે ઘેરે ઘેર જે નીતિભીતિ ર્‌હે છે તે ત્યાં જઈ આવશો તો જાણશો. પ્રિય ઉદ્ધતલાલ ! સ્ત્રીયો ઉપરથી વિશ્વાસ ઉઠેલો અનુભવવાથી વધારે ક્લેશ થાય છે કે તેમની મર્યાદા સાચવી રાખનાર કુટુમ્બથી થતાં ક્‌લેશ વધારે છે તેની તુલા કરવાનો પ્રસંગ મ્હારે કપાળે હજી સુધી તો આવ્યો નથી. હું એમ નથી ક્‌હેતો કે તમે ક્‌હો છો તે ખોટું છે. હું તો તમારા ચિત્રમાં ઉમેરવાની વસ્તુ દેખાડું છું.”

આપણાં સામાજિક કુંટુમ્બો દેશને લાભકારક નથી એમ તમે નહી કહી શકો. જે અર્થશાસ્ત્ર આજ સુધી યુરોપમાં અભેદ્ય મનાતું હતું તેમાં સોશ્યાલિસ્ટ સંપ્રદાયે ભેદ પાડ્યો છે. યુરોપમાં એક ઘર અત્યંત શ્રીમંતનું તો જોડે જ અત્યંત નિર્ધનનું હોય છે; ત્યાં શ્રીમંતના ઘરમાં અન્નના ઢગલા ખરીદવા જેટલું દ્રવ્ય રસરાગમાં ઢોળાય તે જ કાળે જોડેનો નિર્ધન અપવાસ કરી પગ ઘસતો ક્‌હેવાય છે. એ સર્વ દુર્દશાનો નાશ કરી શ્રીમંતને અને નિર્ધનને સર્વ દ્રવ્ય વ્હેંચી આપવાનો અભિલાપ ધરનાર જનસંઘ આજ યુરોપમાં ઉભો થયો છે અને જુદે જુદે નામે રાજાઓને, પ્રજાઓને અને સર્વ રૂઢ વ્યવહારોને ધ્રુજાવે છે. આ સંપ્રદાયવાળાનો ધ્રુજારો એ દેશોમાં કેટલું બળ કરશે, કેટલું ફાવશે, વગેરેની કલ્પના કરવી આપણે જરૂરની નથી. પણ જે અભિલાપ સોશ્યલિસ્ટો રાખે છે તે અભિલાષાની ઇષ્ટાપત્તિ આપણા દેશમાં રૂપાન્તરે હું પ્રત્યક્ષ દેખું છું. એક કમાનારની દ્રવ્યસંપત્તિ અનેક કુટુમ્બીજનોના પોષણને અર્થે આ દેશમાં ઢોળાય છે. નાતો અને વરા કરવાના રીવાજ પણ એવા જ કારણથી વધ્યા હોય કે ઘણું કમાનારની સંપત્તિ જેમ કુટુમ્બમાં ઢોળાય તેમ જ્ઞાતિમાં પણ ઢોળાય. આ સર્વ વ્યવસ્થામાં મને સોશ્યલિસ્ટ સંપ્રદાય જ આપણા દેશમાં સિદ્ધ થયો લાગે છે. જે સંપ્રદાય યુરોપની વર્તમાનલોકવ્યવસ્થા નીચે જ્વાળામુખી પેઠે ધુંધવાય છે અને એ વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવાને ધુમાડા ક્‌હાડે છે તે સંપ્રદાયને આપણા દેશમાંથી છિન્ન ભિન્ન કરી યુરોપની સ્થિતિ ઇચ્છવામાં આ દેશનું કલ્યાણ છે એમ હું કહી શકતો નથી. આપણો દેશ રંક છે, આપણું લોક શક્તિહીન છે, આપણું રાજ્યતંત્ર પરતંત્ર છે, અને આપણા કાયદા અને આપણું દ્રવ્ય પરદેશીઓની બુદ્ધિઓને અધીન છે, તેવે કાળે તમારા અભિલાષ સિદ્ધ થાય અને હિમાચળથી સેતુબંધ રામેશ્વર સુધી વસી રહેલાં કરોડો કુટુમ્બોને નિરાશ્રિત કરી રઝળતાં મુકી તેમનાં ઉદર ભરનાર સમર્થ કમાનારાઓ જુદા નીકળી પડે અને પોતાના એકલપેટા સ્વાર્થને વધારવા કે કુટુમ્બોના દોષ ક્‌હાડવા પ્રયત્ન માંડે તો ઘેર ઘેર કેવો ક્‌લેશ ઉભો થાય, આખી આર્ય ભૂમિમાં કેટલી અવ્યવસ્થા થાય, ચારેપાસ નિર્ધનતા અને અનાથતા અથવા નિરાશ્રિતતા વિપત્તિના વાદળ પેઠે ત્રુટી પડે અને બીજું શું શું થાય તે કલ્પાતું નથી ! આવી અવસ્થાના સાધનભૂત થવામાં ધર્મ છે કે અધર્મ છે તેનો વિચાર તમને સોપું છું ! પ્રિય ઉદ્ધતલાલ ! મ્હારી અને મ્હારી ગંગાની સંપત્તિ વધારવાને માટે મ્હારાં મૂર્ખ વ્હાલાંઓનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઉઠે છે ત્યારે તેમના જેવી આખી આર્ય પ્રજાની સ્થિતિ મ્હારા ચિત્તમાં આમ ખડી થાય છે, કુટુમ્બવત્સલતા મ્હારી દેશવત્સલતાને જાગૃત કરે છે, અને એજ દેશવત્સલતા પાછી મ્હારી કુટુમ્બવત્સલતાને દૃઢ કરે છે ! પ્રિય ઉદ્ધતલાલ ! મ્હારી બુદ્ધિ ઘણા ઘણા વિચાર કરે છે અને હૃદય ઘણી ઘણી વૃત્તિયોને અનુભવે છે. પણ અંતે એ સર્વ દુનીયાને છેડે મ્હારા આ ઘરમાં જ આવે છે.”

“અને – અને – એ ઘરનું, એ દુનીયાનું, એ વ્યવસ્થાનું કે અવ્યવસ્થાનું, અને એ પ્રજાનું, મન્થન મ્હારા હૃદયના ગોળામાં વધારે વધારે થાય છે તેમ તેમ એ ભાગ્યહીન હૃદયમાં તો છાશ ની છાશ જ ર્‌હે છે અને તેના ઉપર તરી આવેલું માખણ તો સરસ્વતીચંદ્રરૂપે ઉછળી પડી કોણ જાણે કયાંક જતું રહ્યું છે ! મ્હારું હૃદય વલોવાયલું નિરર્થક થયું !”

“કારણ ? હું સરસ્વતીચંદ્રના અભિલાષ જાણું છું અને એ અભિલાષ સિદ્ધ થાય તો મ્હારા સંપ્રદાયના અને તમારા સંપ્રદાયના સર્વના અભિલાષ સિદ્ધ થાય.” “તમે ઈચ્છો છો અને હું ઇચ્છું છું એ ઉભય વસ્તુઓ એકત્ર આણવાના માર્ગ છે. કુટુમ્બમેળાના અનર્થ તમે જાણો છો તેમ પ્રાચીન કાળમાં પણ વિદિત હતો. પુત્રાદિક ઉપર અન્નવસ્ત્ર માટે આધાર રાખી વડીલો વાનપ્રસ્થ દશા સ્વીકારતા તે આ જ અનર્થમાંથી બચવા અને બચાવવા માટે. ધૃતરાષ્ટ્રનું વાનપ્રસ્થ એવીજ રીતે લેવાયલું હતું. આ કાળમાં આ અનર્થ એક રીતે વધ્યા છે તો બીજી રીતે તેનો ઉપાય પણ સાથે જ જન્મ્યો છે. ઇંગ્રેજી વિદ્યાના પ્રસંગથી તેમ ઇંગ્રેજી સ્વતંત્રતાના કાળબળથી જુવાનીયા વાજુ એક જાતના રાગ ક્‌હાડે છે અને વડીલ હજી જુના જ રાગ ક્‌હાડે છે. આ બે રાગના વિસંવાદ વર્તમાન કુટુમ્બક્‌લેશોનું કારણ છે. કાળક્રમે એ કારણ નષ્ટ થશે, કારણ કે જુના રાગ ક્‌હાડનાર કાળવશ થશે અને નવાઓ વૃદ્ધ થશે તે પોતાના ભૂતઅનુભવ સંભારી પોતાનાં બાળકોથી જુદા રાગ નહી ક્‌હાડે. તેવો પ્રસંગ આવે ત્યાં સુધીનાં સાંપ્રત કાળમાં થતા કુટુંબક્‌લેશ અને જ્ઞાતિબંધ પણ અનિવાર્ય છે તો અનિત્ય પણ છે. એ ક્‌લેશઆદિથી ખિન્ન થનારને આ અનિત્યતાનું સ્મરણ આપી ક્‌હેવું કે धीरस्तत्र न मुह्याति. બાકી આ કાળમાં નોકરી અને બીજા ઉદ્યોગને અર્થે પુત્રો અને ભાઈઓ વડીલોને દેશમાં મુકી પરદેશના વાસી થાય છે તેનું ફલ પણ પ્રાચીન વાનપ્રસ્થ,જેવું જ થાય છે. માત્ર વાનપ્રસ્થમાં વડીલો વનમાં જતા અને પુત્રો ઘેર ર્‌હેતા અને વનમાં પ્રસંગે જઈ વડીલોને અન્ન વસ્ત્ર પ્હોંચાડતા, તેને સટે આજ વડીલો ઘેર ર્‌હે છે અને પુત્રાદિક પરદેશ જાય છે, અને અન્નવસ્ત્રાદિકના માર્ગ પણ નીકળે છે. વડીલો અને જુવાનીયાઓ એક જ ગામમાં ર્‌હે છે ત્યાં તમે વર્ણવેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે તમે જે માર્ગ ક્‌હાડ્યો એવા માર્ગ નીકળે છે અથવા તે ઘરમાં મ્હારા અને તરંગશંકરના જેવા માર્ગ ક્‌હાડનાર હોય તો તેવા નીકળે છે. આપણા જેવા માર્ગ ક્‌હાડનારાની ખોટ નથી. માત્ર સરસ્વતીચંદ્રે આ અપૂર્વ માર્ગ ક્‌હાડ્યો, અને ન આવ્યા તમારી નાતમાં ને ન આવ્યા મ્હારી ન્યાતમાં !”

"પ્રિય ઉદ્ધતલાલ ! Subject to all these things that I have said here, I plead unreservedly and fully guilty to the charge you have framed so pointedly against me ! I could have raised my Ganga and my children to the position which was due to them from an EDUCATED paterfamilias. “But the existence of a wider family and my deference to the feelings of the other heads of that family have made me sacrifice the higher interests of my own wife and children. I may be wrong; I may have sinned. But I may also be right; and I have tried to err on the safer side,– safer so far as the fortune of our people may be measured by that of their numbers."

“I am not quite what you call a Let-Alonist. The Hindu ideal is eminently socialistic in life and practice, and, though I am no socialist in aspirations, I feel it a duty to give fair scope to the free operation of that ideal side by side with the forces of Western Individualism which are stirring our souls, so that both may by the laws of natural selection adjust themselves to each other and bring about a happy combination of the special blessings of each. The main feature of our Hindu Socialism is that it is Protective. It protects the purity of the sex from outside influences which operate elsewhere and are always at the mercy of accidents and intrigues. It protects the weak, the infants, the Women, and the aged, from starvation and its consequential crimes. It protects the family wealth, from the whims and follies of profligates and imbeciles at home and from the operations of rogues abroad, by a domestic organisation of people who can watch like dogs and guard like sentinels, It protects and protects. Our Western Individualism is on the other hand essentially Progressive, and Progress is safety in these days. To explain my whole being in a sentence, I am breathlessly watching the confluence of socialism and individualism, wish welfare to both, am anxious to guard against socialism becoming oppressive and individualism becoming aggressive, for what is protective has a tendency to become oppressive and what is progressive has a tendency to become aggressive. The sacrifices that one has to make in order to secure a combination of the two boons without their abuses, are mine, and the blessings of full individualism are yours. I sincerely love you for the noble blessings with which you have surrounded yourself. But for poor me, dear friend, it is of the essence of my sacrifice that I must abstain from securing them to myself until I am able to share them more or less with the whole group of my dear and poor joint family. This means Poverty, Patience, Forbearance and even Suffering for at least one generation, and I am prepared to wait so long or even longer, Perhaps, may probably, we shall agree better with our sons in that new generation than our elders do with us in this. That's my hope built upon the fact that, unlike our elders, we have had the same education that our sons are receiving now.”

સરસ્વતીચંદ્રે પત્ર પોટકામાં મુક્યો, અને પોટકું એક પાસ મુકી, ઉભો થયો, વિચારગ્રસ્ત થયો, અને અંતે શિલાઓની એક ભીંતથી બીજી ભીંત ભણી, અને બીજીથી પ્હેલી ભણી, એમ હેરાફેરા કરવા લાગ્યો અને પોતાની હડપચી ઝાલી, પોતાના મુંબાઈના મિત્રોના પત્રોનું મનન કરવા લાગ્યો. ઘડીક ઉભો ર્‌હે અને ઘડીક ચાલે. આ અસ્વસ્થ દશામાં તેનું હૃદય તેના મસ્તિકના વિચારને કવિતારૂપ આપતું હતું, અને હૃદયની કવિતા પળે પળે ફુવારાના પાણી પેઠે મુખસંપુટમાંથી ફુટતી હતી, પણ અંતર્વૃત્ત મસ્તિકને કે હૃદયને તે બાહ્ય ક્રિયાનું ભાન ન હતું. માત્ર એ સંગીતને તાલ દેવા તેનાં નેત્ર ઘડીક અશ્રુપાત કરતાં હતાં અને ઘડીક તે અશ્રુથી હીન થઈ કોઈક નવીન આનંદથી ચળકતાં હતાં અને આનંદમાં પણ આનંદનો અશ્રુપાત થઈ જતો હતો.

દૈન્ય - મુદ્રાથી મઠના એક જાડા કાગળ ઉપર જાડી કલમથી તે લખવા લાગ્યો, ગાવા લાગ્યો, અને નિ:શ્વાસ મુકવા લાગ્યો.

“પ્રિય ચંદ્રકાંત, પ્રિય ભ્રાત, તુજ સંસાર દુઃખમય ભાસે,
"મ્હારી આજ જ ઉઘડી આંખ જુવે છે દુ:ખ તુજ મુજ પાસે !
“દુખ દૈત્યુસમું દેખાય,
“તુજ કોરી કાળજું ખાય;
“દુખ, અનેક ધરતું વેશ,
“તને વીંટી વળે ચોમેર.
“તે મધ્ય ઉભો તું, સૂર,*[]
“નથી દુખને ગણતો, શૂર !
“નથી ગણતો વિધિનો દોષ,
“નથી ધરતો કોઈ પર રોષ,
“દુખ–પશુની મૃગયા કાજ જગત-વનમાં તું ધસે એકાંત,
“મન વ્યાયામે†[] અમુઝાવી, શરીર કૃશ કરે સુહૃદ વિદ્વાન !
“ પ્રિય ચંદ્રકાંત !૦”

છેલી પંક્તિઓ ગાતાં ગાતાં ચંદ્રકાંત ઉપર દયા, પ્રીતિ, અને બહુમાન હૃદયમાં શાંત રૂપ હતાં તે જ્વલમાન થયાં.

ઉભો રહ્યો.
“ધન-બિન્દુ કાજ તપ કરતો,
“ધન આપું તે ન કર ધરતો,
“ધનસંગ્રહ કાજે મથતો,
“પ્રિય જનના દોષ ન ગણતો !
“એ સ્વાર્થી જનોના લોભ તૃપ્ત કરવા તું બને ઉદાર;
“ધન-રુધિર ચુસાયે ત્હોય અધન વિદ્વાન ધરે ઉત્સાહ !”
“ પ્રિય ચંદ્ર ૦.”

દયાર્દ્ર મુખ થઈ ગયું.

“તુજ કુટુમ્બ કૃમિનું જાળ,
"ધરતું તુજ દુખનું ન ભાન,

  1. *સૂરઃ વિદ્વાન્
  2. † વ્યાયામ=કસરત.
કરતું કોલાહલ નાદ,
દેતું ન સ્વસ્થતા-દાન !
ક્રોધ કરી, ભ્રુકુટિ ચ્હડાવી, પગ ઠબકાર્યો
છે સ્વાર્થી સગાં, ને નારી સ્વાર્થની સગી ત્હારી, ઓ ભાઈ!

નરમ પડી ગયો.

તે પર તું વત્સલ રહે, દેહને દમે, તપસ્વી તું ભાઈ!
પ્રિય ચંદ્ર.
ઠપકો દેઈ બેાલ્યો.
નથી મને મર્મ આ ક્‌હેતો,
અંતર્વ્રણ[] અંતર્ સ્હેતો !!

અશ્રુધારા ચાલવા લાગી. -

ધિક્ ધરતો હું અવતાર, ધિક્ ભંડાર ભર્યા ધનના મ્હેં !
ધિક કીધ સાહસથી ત્યાગ, ધિક ન રંકતા જોઈ ત્હારી મ્હેં !

પોતાની જાત ઉપર તિરસ્કાર આવી ગયો. એક પત્થર ઉપર બેઠો. વળી ઉઠયો. એક ઝાડના થડઉપર પત્ર ટેકવી લખવા લાગ્યો.

મુજ દેશ હાથ તું રત્ન
દીધું વિધિયે, કરીને યત્ન;
તે ઉદરયાતના કાજ
ધુળ-ઢગલામાં ઢંકાય !
ઓ ભાઈ ! ભાઈ ! મુજ ભાઈ ! દુ:ખ તુજ જોઈ હૃદય મુજ ફાટે !
હુંથી થતો સુહૃદનો દ્રોહ; દેશનો દ્રોહ; જોઈ રહું આ તે !
પ્રિય ચંદ્ર.

વિચારમાં લીન થઈ ‘આ સ્થિતિ શું નિરુપાય છે ?’ એવો પ્રશ્ન ઉઠાવી ગાવા લાગ્યો.

ધનવાન દેશમાં ઝાઝા,
ન ધરે અજ્ઞાનની માઝા !
ધન ધુળ વીશે તે ભેળે,
ધન જઈ સમુદ્ર રેડે,
ધન પાપપુંજમાં ફીણે,
ધન ધુવે મૂર્ખ રસ હીણે !
ધનવાન સઉનાં માપ માપતી લક્ષ્મી નાચ નચવી આ,
ગુણવધૂ ગણિકા દઈ તાળી, નાચતી પછી ન્હાસતી પળમાં !

"પણ–પણ–આ મ્હારા દ્રવ્યવાન્ ભાઈઓ નિરક્ષર છે, મૂર્ખ છે, તેમનો દોષ શો ક્‌હાડવો ? શું એવા કોઈ વિદ્વાનો નથી કે જેમની પાસે પરોપકારયોગ્ય દ્રવ્ય પણ છે ? જો એવા ધનવાન્ વિદ્વાનો છે, તો નિરક્ષર ધનવાનોનો દોષ ક્‌હાડવો તે અયોગ્ય છે."

શો ક્‌હાડું મૂર્ખનો દોષ ?
શીદ શોધું મૌર્ખ્યના કોષ ?
મુજ ભણ્યા ગણ્યા વિદ્ધાન ઘણા ધનવાન, તેય છે કેવા ?
ધન મળતાં, જડતા નવી ધરી, ભણયું ભુલ્યા હોય બધું તેવા !
અથવા, હું જ સાક્ષર છતે મૂર્ખ છું !
શો ક્‌હાડું અન્યનો દોષ ?
શીદ ભરું પરનિન્દાકોષ ?
મુજ છે જ લક્ષ્મી આસન્ન,
છે સરસ્વતી સુપ્રસન્ન,
નથી ત્હોય કર્યો વિચાર
હજી સુધી તો મનની માંહ્ય !
જગ જોવા ગૃહ ત્યજી આવ્યો,
પ્રિય સુહૃદ ન પણ પરખાયો !
મુજ દૃષ્ટિ આગળ ચાલે-
ન નિકટ–નહીં અંતર્–ભાળે !
પ્રિયમિત્રમર્મને જોયું, હૃદય મુજ રોયું, સ્વપ્ન ધરી, જાગ્યો !
પ્રિય મિત્ર ! તુજ સંતાપ સમજજે હવે ઘડીમાં ભાગ્યો !

વળી વિચાર કરવા લાગ્યો.

એક ચંદ્રકાંતના સંસારમાં અનેક ચંદ્રકાંતના સંસાર જોઉં છું. જેવું એકનું દુ:ખ તેવાં દુ:ખ અનેકને ! વિધા એ લક્ષ્મી નથી; એટલું જ નહી, પણ સરસ્વતી અને લક્ષ્મીનો વિરોધ જુનો ગણાય છે તે મ્હેં આજ પ્રત્યક્ષ કર્યો. ચંદ્રકાંતની શાંત બુદ્ધિ કુટુમ્બયજ્ઞમાં ગંગાને હોમે છે ! ઉદ્ધતલાલનો બુદ્ધિકોપ શ્રીમતીને આત્મવત્ કરવાના ઉત્સાહથી કરોળીયાના જેવી કુટુમ્બજાળને તોડી નાંખી તે જાળના સ્થાનને ઝાપટી નાંખી ચોખું કરવા મહાન વિગ્રહ માંડે છે. તરંગશંકર સ્ત્રી ઉપર પક્ષપાત કરે છે, પણ કુટુંમ્બને દૂર નથી કરી શકતો, અને કવિત્વે પ્રકટેલો રસપ્રકાશ સંસારમાં મેળવી શકતો નથી. ગંગા ! પાર્વતીથી શિવજીનું અપમાન ન ખમાયું – તેવો જ પાર્વતીના જેવો ત્હારામાં ગુણ છે; સ્વામીને માટે ત્હારા હૃદયમાં રસ છે; ત્હારા સ્વાર્થની ધુળથી તે ઢંકાયો છે અને એ ધુળ ઝાપટી નાંખવાની સાવરણી ઘરમાં વસાવવા દ્રવ્ય જોઈએ તે ચંદ્રકાંત પાસે નથી."

નવી સૃષ્ટિનું દર્શન થતાં અને એ સૃષ્ટિનું હાર્દ સમઝાતાં સરસ્વતીચંદ્રનું શરીર કંપવા લાગ્યું, અને તેના ચિત્તમાં નવા ચમકારા થવા લાગ્યા. હૃદયમાં પ્રકટેલા વિચારો મુખગાનમાં સ્ફૂરવા લાગ્યા.–“આહા !”

ચંદ્રકાંત અને તરંગશકરની દશા સ્મરી બોલ્યો, બોલી બોલી લખતો ગયો.

નર-રત્ન કંઈ કંઈ ગુપ્તપણે
બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે;
જનરંકની ત્યાં કરવી શી કથા?
ધનરાશિ નિરર્થક મુંજ પડ્યા !

વળી અટકી, વળી ગાવા લાગ્યો.

નરરત્ન કંઈક દરિદ્રદશા–
તણી ધુળ તળે ઢંકાઈ રહ્યાં;
નરરત્ન વિશોધન ના જ બને;
ધન-સાધન મુજ અસાધક ર્‌હે!

વળી ઉંચું જોઈ બોલ્યો.

નરપીયૂષશોધન ના જ બને;
ધન ઐાષધિ મ્હારી નકામી રહે !

વળી ઉભો, ઉદ્ધતલાલ અને ચંદ્રકાંતને સરખાવવા લાગ્યો.

નરવ્યાઘ્ર કંઈ મુજ દેશ વીશે
દુખપંજર માંહીં પુરાઈ રહે;
શૂરબન્ધનમોક્ષ ન કોઈ કરે;
ધિક નિષ્ફળ મુજ સઉ ધનને!

ગંગા સ્મરણમાં સ્ફુરી.

ધરતી રસસુન્દર કોમળતા
ફળપુષ્પ ધરે નહીં નારીલતા;
ન ખીલે રસપોષક માળી વિના–

માળી છે– પણ નિર્ધન છે–

શું સિંચે રસ માળી સ્વવિત્તવિના?”
ધનરાશિ અચેતન મુજ રહ્યા!”

પ્રિય કુમુદ ! તું તો માળી વિનાની જ રહી ! ધન છે - પણ માળી જ નથી. એ ત્હારી દુર્દશા મ્હેં કરી!

પ્રિય હોય, કુમુદ, કંઈ તું મને,
પ્રિય હોય, સુમિત્ર, કંઈ તું મને,
તમ તુલ્ય અનેક ગુણાકરના
ગુણ ખીલવું રાશિ ત્યજી ધનના!”

એના હૃદયમાં આનંદ અને ઉત્સાહનો ઉદય થયો.

શિવિરાજ તુલા પર દેહ મુકે,
કરું તે જ કથા મુજ દ્રવ્ય તણી !
નવનીત બન્યું ઉર જોઈ શકે
નહી અશ્રુભર્યા જનરત્ન ભણી.
ગૃહત્યાગ થયો મુજ સાર્થક સઉ !
દીઠ ગુપ્ત પદાર્થ સુદૃશ્ય બહુ!
ગૃહભાગી થઈ ફળભાગ હવે
દઉ દેશતણાં જનદૈવતને!

આટલું બોલી તે પૃથ્વી ઉપર પલાંઠી વાળી બેસી ગયો અને એનો ભગવો અંચળો એના શરીરની આશપાસ વેરાઈ પૃથ્વી ઉપર પથરાઈ રહ્યો. તેના ઉપર દૃષ્ટિ પડતાં એ ચમકયો, એ કવિતા ન્હાસતી લાગી અને એકદમ એ ઉભો થયો.

"સરસ્વતીચંદ્ર ! એ સર્વ અભિલાષ આ વેશને અનુચિત છે ! જે મૂર્ખતાએ ઘર છોડાવી અંહી આણ્યો તે જ મૂર્ખતાએ આજ અા દેશદશાનું દર્શન કરાવ્યું તો હવે ત્યજેલું ગૃહ પાછું સ્વીકારવું, ધનભાઈને અર્પેલું ધન પાછું લેવા ઈચ્છવું, આ લીધેલો વેશ ત્યજવો - એ તો હવે – મૂર્ખતા કે શાણપણ? અધર્મ કે ધર્મ?"

अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् ।
आरव्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ।।

પ્રથમ બુદ્ધિલક્ષણ નષ્ટ થયું, તો બીજું તો રાખવું. I have commited myself to this stage – by folly or by fortune, and I shall be at least consistent with myself and stick to what I have accepted. That saves me an amount of thought and vexation. આપેલું પાછું લેવું એ પાપ છે!

"દેશનું કલ્યાણ ધનદ્વારા કરવું ઈશ્વરને સોપું છું એ કલ્યાણનાં સાધન હતાં તે ગયાં તે ઈશ્વરની ઈચ્છા ! નવા પન્થમાંથી નવાં સાધન શોધીશું. છોડેલાં શસ્ત્ર પાછાં લેવાં નથી ! કુમુદ ! ત્હારે માટે કરેલી પ્રતિજ્ઞા હવે ત્રુટશે નહીં ! તને દુઃખકુણ્ડમાં નાંખી દીધાનું પ્રાયશ્ચિત્ત કરવા જે જ્વાળામુખ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી હતી તેને યોગ્ય વેશ આ જ છે."

"શું જગતમાં એક પણ પદાર્થ એવો છે કે જેથી ઘેર જવાની વાસના મ્હારામાં પ્રકટે? શું પરમાર્થ અથવા દયાને નામે મ્હેં કરેલું પાપ ધોવાશે અને લીધેલી પ્રતિજ્ઞા છુટશે ? કુમુદસુંદરી ! તમારો ત્યાગ કરી તમને જે દુ:ખમાં મ્હારી સ્વચ્છંદતાએ નાંખેલાં છે તેનું પ્રાયશ્ચિત્ત મ્હારી પ્રતિજ્ઞા પ્રમાણે જ કરીશ ! અને બુદ્ધની પેઠે આ જ વસ્ત્રો પ્હેરી તમારી ક્ષમા એક દિવસ માગીશ. મ્હારી અલ્પશક્તિ પ્રમાણે આ જ વેશે લોકહિતનો પ્રયત્ન કરીશ."

"ચંદ્રકાંત, મુંબાઈ છોડવા પ્હેલાં હું ધારતો હતો કે દેશહિત, લોકહિત, અને આત્મહિત, ત્રણે વાંનાં દ્રવ્યવિના સિદ્ધ થઈ શકે છે, અને ત્હેં દ્રવ્યના લાભનો પક્ષવાદ કર્યો, ત્યારે મ્હેં તેના સામો પક્ષવાદ કર્યો, અને મ્હારા પક્ષને સત્ય માની મ્હેં દ્રવ્યનો ત્યાગ કર્યો, ત્હારા પક્ષવાદનું મૂળ અનુભવ હતું – ત્હારા અનુભવ વિનાનો મ્હારો પક્ષ હવે મને મૂર્ખતા ભરેલો લાગે છે અને ત્હારા જેવાઓને ઉપયોગી થવાનું સાધન મ્હેં હાથે કરી ખેાયું. હવે એ થયું ન થવાનું થનાર નથી, અને લીધેલી પ્રતિજ્ઞાઓ છુટનાર નથી, અને દ્રવ્યના સાધન વિના આ શરીરથી જે અર્થ સરે તે જ યોગ્ય છે. હવે આપણા લોકે સ્વીકારેલો પ્રારબ્ધવાદ સ્વીકારવામાં મને સુખ લાગે છે, મ્હારો હાલનો પ્રતિજ્ઞાધર્મ તે વાદને જ અનુકુળ લાગે છે." “તરંગશંકર, પ્રીતિને માયારૂપ અસત્ય ગણવાનું તમે શીખવ્યું તે પ્રમાણે કુમુદની પ્રીતિનું સ્વપ્ન ક્‌હાડી નાંખું તો હું આ મ્હારા સાંપ્રત વેશને યોગ્ય કાર્ય કરું – એની ના નહી. પણ બુદ્ધને સ્વપ્રિયાએ ક્ષમા અર્પી તે પ્રમાણે હું કુમુદસુંદરીની ક્ષમા મેળવું ત્યાં સુધી બુદ્ધના શાંત સંન્યાસનું શમસુખ લેવાનો મને અધિકાર નથી ! બુદ્ધના ત્યાગથી એની રાણી પરહસ્તગત થઈ ન્હોતી. કુમુદ, તું પ્રમાદને હાથ ગઈ અને અસહ્ય દુ:ખ પામી – તેનું કારણ હું ! લોકદૃષ્ટિએ વિવાહવિધિ થયો નથી ગણી હૃદયે સ્વીકારેલો વિવાહ તોડવાનું પાપ કરનાર તે હું છું !”

“પ્રિય ચંદ્રકાંત ! પ્રથમ હું મ્હારી પ્રતિજ્ઞા પાળીશ અને કુમુદનું ઉદાર ચિત્ત મને શુદ્ધ ક્ષમા અર્પે ત્યાં સુધી હું નિરાધાર અને નિરાકાર – અલખ - રહી આ વેશે ભટકીશ અને મ્હારા હૃદયમાં પ્રીતિના અંગારને અહોનિશ બળવા અને બાળવા દેઈશ !"

“અહો ઓ જીવ મ્હારા રે !
“દઈ આ દંશ દારાને,
“ઘટે ના ભેાગ-સંસાર,
“ઘટે ના શાન્ત સંન્યાસ ! ! ! ”

ક્રોધથી પાસેના પત્થર ઉપર મુક્કી મારી અને પગ પૃથ્વી ઉપર અફાળ્યો.

“શરીરે ભસ્મથી છાયો,
“ઉરે અત્યન્ત સંતાપ્યો,
“ઉંડે જ્વાળામુખી જેવો,
“હવે સંન્યાસ આ તેવો !”

કપાળે, ઓઠે, અને આંખોમાં ઉગ્ર, તીવ્ર ને દૃઢ નિશ્ચય પ્રકટ્યો.

“સ્ફુરે પોતે, ન દેખાય,
“કુમુદની ગન્ધ ગ્રહી વાય,
“અરણ્યે એકલો વાયુ !
“જીવન એ ભાવિ છે મ્હારું !”

હાથ આકાશમાં વીંઝ્યો અને મુખ ઉપર આત્મપ્રીતિ અને તૃપ્તિ જ્વલિત થઈ.

“ચંદ્રકાન્ત ! ચંદ્રકાંત ! ક્ષમા કરજે ! કુમુદની ક્ષમા મળતા સુધી આ પ્રીતિના તપથી તપેામય સંન્યાસ છે, ક્ષમા મળવા પછી શાંત સંન્યાસ છે, અને એ સંન્યાસની શાન્તિને કાળે તને અને મ્હારા ત્હારા દેશને સ્મરીશ અને વગર દ્રવ્યે તેમનું હિત કેમ કરવું એ વિચારી મ્હારો પક્ષવાદ સિદ્ધ કરીશ.”

પોતાના વેશ ભણી જોઈ હાથેલીથી અંચળાને ઝાલી, તેના ભણી જોઈ બોલ્યો.

“અલખના અરક્ત રક્ત રંગ ! હું તને અપમાન નહી આપું. “પ્રકૃત વ્યવહારમાં વિહરવું.” એવી શિક્ષા મને દીક્ષામાં જ મળેલી છે - તો - કુમુદવિષયે હું આમ પ્રવાહપતિત થયો છું અને મને આ જ્વાળામુખ સંન્યાસ અને તેનો વ્યવહાર જ પ્રકૃતિ છે. એ વ્યવહારમાં હું વિહાર કરું અને એ પ્રકૃત તપવડે મનને શુદ્ધ કરું તો આ વેશથી કંઈપણુ વિરુદ્ધતા નથી – કારણ આ મ્હારી દીક્ષા છે !”

આટલું બોલે છે ત્યાં આકાશમાં કુમુદને સ્વર સંભળાયો.

“ લીધો લીધો ભગવો વ્હાલે ભેખ,
“ સુન્દર થયો જોગી રે !
“ મને વ્હાલો લાગે એનો વેશ,
“ થયો બ્રહ્મભોગી રે !”

ચારે પાસ જોયું. પણ કુમુદ જણાઈ નહી.

“અહા ! મ્હારા હૃદયના સંસ્કાર બાહ્ય સંસારમાં પ્રતિધ્વનિરૂપે મૂર્ત્ત થાય છે અને જ્યાં જાઉં છું ત્યાં મને અકળાવે છે – પણ અકળામણ એ જ મ્હારું પ્રાયશ્ચિત્ત માની હું તેને યથેચ્છ વર્તવા દેઉં છું.”

વળી કુમુદને સ્વર સંભળાયો. ,

“ ચંદ્ર જોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે,
“ વ્હાલા ! પ્રીતિને સાજીશું મેલ, રમીશું મ્હાલી રે !”

સ્વર બંધ પાડી, સરસ્વતીચંદ્ર બોલ્યો.

“ હે રમ્ય પ્રિય સ્વર ! પ્રીતિનું આ રમ્ય સ્વપ્ન હું ઇચ્છતો નથી – એ સ્વપ્નના ઉદ્ગારમાં પાપ છે, અહિત છે. હે અમૂર્ત સ્વર ! એ ઉદ્ગારને તું શાંત કર અને મ્હારી દુષ્ટતાના દોષના ઉદ્ગાર ક્‌હાડ !”

અને અન્યથા ઉત્તર મળતો હોય તેમ આ વાક્ય પૂર્ણ થતાં ગુફા અને મઠ વચ્ચેની બારીમાં આવી એક બાવાએ ગર્જના કરી –

“નન્દકો નન્દન એક આનન્દ દેત હય !”

ગુફાની ચારે પાસે પત્થરની ભીંતોમાં, ઉપર આકાશમાં, નીચે ઝરાના

પાણીમાં, પાસેના વડની શાખાઓની ઘાડી જાળમાં, અને અન્યત્ર સર્વત્ર પ્રતિધ્વનિ ઉઠ્યો.

“એક આનન્દ દેત હય !

એ આનન્દનો સત્કાર સરસ્વતીચંદ્રના હૃદયમાં પણ થયો, અને બારી ભણી મુખ ફેરવ્યું ત્યાં બારીમાંનો સાધુ એના ભણી પ્રસન્ન મુખથી આવવા લાગ્યો.


  1. અંદરના ઘા.