સરસ્વતીચંદ્ર ભાગ ૪/હૃદયની વાસનાનાં ગાન
← ગુફાના પુલની બીજી પાસ. | સરસ્વતીચંદ્ર ભાગ ૪ હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ. ગોવર્ધનરામ ત્રિપાઠી |
હૃદયના ભેદનું ભાગવું → |
ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ.
- “ More close and close his foot-steps wind:
- “The Magic Music in his heart
- “Beats quick and quicker, till he find
- “The quiet chamber far apart.”
- Tennyson's Day-Dream,
- “સજજન ! બાતાં સ્નેહકી ઇસ મુખ કહી ન જાય !
- “મુંગેકું સુપનો ભયો ! સમજ સમજ પસ્તાય !”
- (લૈાકિક)
- “इत्थं त्वयैव कथितप्रणयप्रसादः ।
- “संकल्पनिर्वृतींषु संस्तुत एश दासः ॥"
- मालतीमाधवम् ।
વસન્તગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સામનસ્યગુફામાં જવા લાગ્યો; કુમુદની હૃદયગુફામાંથી નીકળી સરસ્વતીચંદ્રની હૃદયગુફામાં જવા લાગ્યો અને પ્રતિધ્વનિના ચમત્કારને વીજળી પેઠે ચમકાવવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં – જે સ્વર કુમુદ દૂર હતી તે કાળે આના કાનમાં ભણકારા ભરતો હતો અને વાંસળી પેઠે મધુર ગાન કરતો હતો તે સ્વર જાતે કુમુદના સ્વમુખમાંથી જ પ્રત્યક્ષ થાય ત્યારે એ ભણકારાના રસિકના હૃદયમાં શો ધમધમાટ થાય તેની તો માત્ર કલ્પના જ થાય એમ છે. – તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય એમ નથી તો તેનું વર્ણન તો શી રીતે સંપૂર્ણ થાય? એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીને . કોમળ કંઠ, અને ચન્દ્રોદયની વેળાએ આ ગુફાઓ જેવું એકાન્ત ! ગાન એ સર્વના સંયોગરૂપ જ હતું.
- [૧]“જોગીરાજ ! ઉભા રહો જરી,
- “મને વાટ બતાવોની ખરી;
- “પડી વનમાં આ રાત અંધારી,
- “ભમું એકલો ઘરને વીસારી.”
- [૧]“જોગીરાજ ! ઉભા રહો જરી,
સરસ્વતીચંદ્ર નરજાતિ વાચક “એકલો” શબ્દ સાંભળી ચમક્યો. “શું આ કોઈ પુરુષ ગાય છે ?” ગાન વાધ્યું.
- “નથી પગલાં ઉપડતાં મહારાં,
- “ થાકે આવે છે આંખ અંધારાં.
- “પંથ પુરો થતો નથી આજ,
- “વાધું હું ત્યાં વધે વનવાટ !”
- ↑ ૧. ઓખાહરણનો રાગ.
“My lord ! આ તો તરંગશકરનું કાવ્ય - કુમુદને જ આપેલું તે કુમુદવિના બીજું કોણ ગાય ? પણ હું આ સ્થાને છું તે શું એને ખબર નહી હોય ?” સરસ્વતીચંદ્રના વિચાર ગાનની કડીએાએ અટકાવ્યા.
- “દીવા જેવું પણે દેખાય,
- “જવા ત્યાં મુજ મન લલચાય;
- “ત્યાં તે ર્હેતા હશે કોક સંત,
- “મ્હારા દુ:ખનો આણશે અંત.
- “જોગીરાજ ! એ વાટ બતાવો;
- “દયા એટલી મુજ પર લાવો.”
સર૦- “નક્કી ! આ સંબોધન મને તો નથીજ કર્યું ચાલો, હવે એ સંબોધનને ઉત્તર મળશે.”
સ્વર વાધ્યો.
- “જોગી બેાલ્યા:“ બેટા, રખે જાતો,
- “એણીપાસ રખે લલચાતો;
- “એ તો ભૂતનો ભડકો જાણ,
- “બોલાવે ને કરે પછી હાણ.
- “ભુખ્યાંતરસ્યાંને આદર આપે,
- “લુંખું સુકું મળે તે જમાડે,
- “એવી આ છે ગુફા મુજ રંક;
- “બેટા, તેમાં તું આવ નિઃશંક.
- “ફળ ને વણખેડેલું ધાન,
- “શય્યા કાજ કુંળાં ધાસપાન,
- “રુડાં ઝરણનું નિર્મળ પાણી,
- “સુખ, શાન્તિ, ને આનંદવાણી:–
- “એવું અક્ષયપાત્ર છે અંહી,
- “હરિ પ્રત્યક્ષ થાય છે અંહી.
- “બેટા, એવા આશ્રમમાં તું આવ્યો,
- “ગયો સમજ ચિન્તાતણો વારો.”
”હું ઇચ્છું છું કે હું તને એવો જ બોધ આપી શકું ! ” સરસ્વતીચન્દ્ર બોલ્યો; ગાનતો ચાલ્યું જ.
- “દુ:ખ સંસારનાં નથી સાચાં,
- “મન માનવનાં - એક કાચાં;
- “મળે કોળીયો ઉદર ભરાય,
- “તસુ પૃથ્વી સારે સુવા કામ;
- “પળ વાર છે કરવા સમાસ,
- “ત્હોય મન ન ઠરે કરી હાશ.
- “પ્રભુએ તો સરજેલું છે સુખ !
- “મન મનનું ખેાળી લે છે દુ:ખ.”
- 'નિશાકુસુમ[૧] સરે શાંત શાંત ,
- 'તેમ જોગી બેાલ્યા શબ્દ દાંત.
- 'આગળ પાછળ ચાલ્યા બેય,
- 'ઝાંપો ઉઘાડી પેંઠા છેય,
- 'રાત વાધી, વંઠેલાં ખેલે,
- 'અન્ય સઉ પડ્યાં નિદ્રામાં મળે;
- 'તેવે સમે જાગે જોગીરાજ,
- 'ધીમે તાપે કરે સ્વયંપાક.[૨]
- 'તપે અંગારા એકાંત શાંત,
- 'રંગ આપતો મંદ પ્રકાશ,
- 'ધીમે ધીમે બળે છે કાષ્ઠ,
- 'ધીમે ધીમે બોલે એનો તાપ;
- 'બોલે તોરી ભરાઈ ભીંતમાંહ્ય,
- 'દોડે અંહી તંહી ખેલે માર્જર;
- 'દ્વાર વાગે વાંસળી-સમો વાય,
- 'પ્હોર રાતના અાલ્યા જાય .”
પવનનો સ્વર પુલની બે પાસની બારીયોમાં ગાજતો ગાતો જતો હતો અને બે પાસનાં હૃદય ચીરતો હતો – રાત પણ વધતી હતી.
- 'જોગી આ સઉ શાંતિ ઝીલે છે,
- 'શાંત વાત કરતા ખીલે છે. . .
- 'ધીમું ધીમું બોલે ને હસાવે, ?
- 'થાકેલાને થાક નસાડે. • :
- 'કથા ગોષ્ટી કંઈ કંઈ ક્હાડે,
- 'બોધ આપે ને શાંતિ પમાડે.
- 'અન્ન મધુરું જમે ને જમાડે,
- 'એ પર અતિથિને સંચિ કરાવે.”
“કુમુદ ! કુમુદ ! પઞ્ચમહાયજ્ઞનો ઉપદેશ સાંભળ્યા પછી આતિથેય ધર્મના આટલા આવા મધુર વિધિ તું મને બતાવતી નથી તો કોને બતાવે છે ? કુમુદ, દુ:ખી પ્રવાસી કુમુદ, સાધુજનોનું આતિથેય તને શાંતિ પમાડી શક્યું નથી જ ! નક્કી, આ નવો ધર્મ મ્હારે શિર ઉદય પામે છે – પણ –” સરસ્વતીચંદ્ર એટલું મનમાં બોલ્યો પણ કાન તો ઉઘાડા જ હતા તેમાં કુમુદના સ્વર જતા અટક્યા નહીં.
- 'પંથી ખાધું ન ખાધું કરે છે,
- 'પંથ શુંણ્યું ન શુંણ્યું કરે છે,
- 'ઉંડા વિચારમાં પડી જાય,
- 'ગાલે ઉતરે છે આંસુની ધાર.”
સરસ્વ૦– શું ત્હારી આ દશા છે ? ઉત્તરમાં ગાન જ વાધ્યું.
- 'એની દેખી દશા એવી જોગી,
- 'દયા આણી થયા દુ:ખભોગી.
- 'અન્ન પડતું મુકી પાસે આવ્યા,
- 'ફરી ફરી વળી પુછવા લાગ્યા:–
- "બોલ, બેટા, તને શું થાય ?
- "ત્હારે હઈયે શાનો પડ્યો ઘા ય ?
- "ઘરનો વૈભવ ત્યજી અંહી આવ્યો ?
- “એાછું આવ્યું કે કોઈએ ક્હાડ્યો ?
- “દગો દીધો કે મિત્રે શું, ભાઈ?
- “મળી કઠણ હૃદયની શું નારી?
- “બેટા, વાત વિચાર તું સાચી,
- “માયા સંસારની બધી કાચી,
- “ક્હાવે લક્ષ્મી તો ચંચળ નારી,
- “ન્હાસી જાય, દઈ હાથ તાળી;
- “સુખ એનું કરે ચમકાર,
- “જોતા જોતામાં થાય અંધાર;
- “સુખ એનું તો મૃગજળ જેવું,
- “થતાં સમીપ પડે ક્ખોટું એવું.
- “મિત્રતામાં યે મળે ન કાંઈ
- “એ તો સ્વાર્થની છે જ સગાઈ;
- “એને નામે ભુરકાય તે ભોળા,
- “એને વિશ્વાસે ર્હે તે તો ર્હોળા;
- “લક્ષ્મી ને કીર્તિ જ્યાં જ્યાં જાય,
- “છાયા જેવા મિત્રો પુઠે થાય;
- “જે એ છાયાને ઝાલવા જાય,
- “ધસે હાથ ને ખત્તા તે ખાય.
- “સ્ત્રીની પ્રીતિ તો એથી યે ખોટી,
- “મોહજાળ નાંખે જોતી જોતી;
- “જાળ નાંખે, જોતામાં ફસાવે,
- “ફાવે ત્યાં જ એ ધુતકારી નાંખે;
- “ક્હાવે અબળા ને નરને નચાવે,
- “ગોરી ગુમાનભરી પછી રાચે;
- “નરના દુ:ખની મશ્કરી કરતી,
- “નારી પ્રીતિ ખરી નવ ધરતી.
- “પ્રીતિની હુંફ પંખી ધરે કો,
- “સુરલોકમાં હો કે નહી હો.
- “પ્રીતિને નામે સળગાવી આગ,
- “નારી નરને કરે છે ખાખ;
- “મોહમાયા ને જોગણી ક્હાવે,
- “નારી નરને ન જંપે સુવા દે;
- “બેટા, શાને વેઠવી એની શૂળો?
- “એની પ્રીતિમાં મુકની પુળો ? ”
આ છેલી કડી મ્હોટે ઉછળતે સ્વરે ગવાઈ.
- 'જોગી બોલતો ઉશ્કેરાય,
- 'પંથી સાંભળતો શરમાય;
- 'નીચું જુવે, ને ડસડસી રુંવે,
- 'ગાલે નારંગીનો રંગ ચુંવે.
- 'વ્હાણે નાજુક વાદળી ચાલે,
- 'રંગ ઉજળા પળેપળ ફાલે,
- 'સુંદરતાના લલિત ચમકાર
- 'અંગે ઉઠતા તેવા જણાય;
- 'જોગી જુવે છે, આભો બને છે,
- 'પન્થી નવો નવો વેશ ધરે છે,'
સરસ્વતીચંદ્ર પુલ ઉપર આકર્ષાયો ને તેની આંખો અંદરના રૂપ ઉપર આકર્ષાઈ.
- 'આંખો ચંચળ થઈ ચળકે છે,
- 'ઓઠ કુંપળો પઠે ઉઘડે છે;
- 'પંથી સુંદરીરૂપ થઈ જાય,
- 'જોગી ભડકે, ઉંચો નીચો થાય.”
સરસ્વતીચંદ્ર પુલની પેલી પાસની બારી બ્હાર સાખમાં લપાઈ પુલમાં ઉભો ને કાન અને આંખો માંડ્યાં. “કુમુદસુંદરી, જાતે પોતાનો જ દોષ ક્હાડનારી અને પ્રિય જનની દયા જ જાણનારી આ મહાશયાના ચિત્ત જેવું ચિત્ત તમારું છે તેમ તેના જેવુંજ આ તમારું રૂપ હું અત્યારે પ્રત્યક્ષ કરું છું. પણ સ્ત્રીની પ્રીતિનો આવો તિરસ્કાર મ્હેં કદી કર્યો નથી, અને જે એ તિરસ્કારબુદ્ધિથી મ્હેં તમારો ત્યાગ કર્યો તમે સમજતાં હો તો તેના આરોપમાંથી મુકત થવાનો મ્હારો ધર્મ મને તમારી પાસે મોકલશે.” કુમુદ છત સામું જોઈ છાતીએ હાથ મુકી, આંસુ લ્હોતી લ્હોતી ને વચ્ચે વચ્ચે ઉશ્કેરાતી ગાયા જ જતી હતી.
- 'હાથ જોડી રોતી બોલી બાળા:–
- “ક્ષમા કરજો મને, જોગીરાજા !
- “જગપાવન ને નિર્વિકાર
- “શાંત દાંત વસો યોગીરાજ,
- “એવા દિવ્ય આશ્રમની માંહ્ય
- “પગ મુક્યા પાપણીએ આજ.
- “તમ દર્શનનો અધિકાર,
- “નથી જેને, એવી હું છું નાર.”
સરસ્વતીચંદ્ર મનમાં ગાજી ઉઠ્યો અને અધિકાર આપવા લાગ્યો: “ના-ના-કુમુદ ! તું પવિત્ર છે તે હું જાણું છું - જગત ભલે બડાશો મારતું કે તને સૌભાગ્યદેવીથી ઉતરતી ગણતું. પણ ત્હારે જે વિકટ સૂક્ષ્મ પ્રસંગો આવી ગયા તેમાં પણ જય પામનારી સતી તો તું જ છે ! અગ્નિમાં ચાલી છે તે તું ! પાપી તો હું જ છું કે જેણે તને અવદશામાં આણી અને તેમાંથી છોડવવા હજી સુધી જેની છાતી ચાલતી નથી ને આ સ્થાને આમ બાયલા પેઠે ઉભો રહ્યો છું !” મન આમ ગજર્યું ત્યાં કાન તો સાંભળ્યા જ કરતા હતા.
- “ક્ષમા કરજો મને, યોગીરાજ,
- “કહી દઉં મ્હારાં વીતકની વાત.
- “શુણી અબલા તણા અપરાધ,
- “કૃપા કરજો, અહો કૃપાનાથ !”
સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા સજ્જ થઈ ઉભો.
- “તમ દર્શનથી દુ:ખ ન્હાસે,
- “બોધ દ્યો ત્યાં ત્રિવિધ તાપ ભાગે.”
“આ ભાગ તો તરંગશકરનો રચેલો નથી ! કુમુદ ! ત્હારા હૃદયની વાત હવે ત્હેં ગાવા માંડી અને પવનના ઝપાટા આગળના દીવા પેઠે મ્હારું હૃદય હવે કંપવા લાગે છે ! કંપાવ, કુમુદ, એને કંપાવ ! હવે મ્હારા પ્રાયશ્ચિત્ત વિધિનો આરંભ થયો ! આરંભ પામેલું ગાન વાધ્યું.”
- “બોધની હું ન જો અધિકારી,
- “પ્રભુ, ક્ષમજો, પામર જીવ જાણી!”
આ શબ્દોએ સરસ્વતીચંદ્રનાં નેત્રમાં આંસુ આણ્યાં.
- "બોધ લેતાં ભુલી કે ઠગાઈ
- "બોધ લેતાં લેતાં હું ફસાઈ ”
આત્મદોષનો શોધક ઉદારચિન્તાથી સાંભળવા લાગ્યો.
- "બોધ લેતી લેતી હું ન જાગી,
- "બોધ દેનારથી ભુરકાઈ.
- "મને એવો મળ્યો એક જોગી,
- "પ્રીતિ ખોટી જાણી ખરી બોધી. ”
આત્મદોષનું ભાન પામનારે નિ:શ્વાસ મુકયો.
- “પ્રીતિ જાગી હૈયે મુજ સાચી,
- “પ્રીતિ નરની યે જોઈ લીધ ઝાઝી.
- “ખરી પ્રીતિ ધરી, ખોટી દીઠી,
- “નરે ગેરુ ધર્યો ને કહી પીઠી!”
ચારે આંખેામાં આંસુની છાલકો વાગવા લાગી. સરસ્વતીચંદ્રે દુ:ખમાં ને દુ:ખમાં જાત ઉપર રોષ આણી પોતાનો અર્ધો ઓઠ કરડ્યો.
- “સ્ત્રીની પ્રીતિ હશે કંઈક ખોટી,
- “નર કંઈક મુકે એને રોતી.”
પુલની બે પાસ નિઃશ્વાસ ચાલતા હતા.
- “નારી અબળા છે, ને છે ભોળી,
- “ઠગે એને જ્ઞાની જોગી ભોગી.
- “રાંક થઈ પડી ર્હે ભોળી બાળા,
- “નર આવી કરે ત્યાં ચાળા;
- “ભોળી અબળાને પ્રેમે ફસાવે,
- “ફાવે ત્યાં પાછી ધુતકારી નાંખે.”
“This is sharp retort” સરસ્વતીચંદ્રે છાતી ઉપર હાથ મુકયો.
- “જ્ઞાની જ્ઞાનહીનાને નચાવે,
- “પ્રીતિભાંગ પાઈને એને રાચે!”
“પાઈ ખરી ! પાઈ તે પાઈ પણ રાચતો નથી !” ગાનને ઉત્તર મળ્યો.
- “સ્ત્રીના દુ:ખની મશ્કરી કરતો,
- “પ્રીતિ-સ્વપ્ન દેખાડીને ઠગતો!
- “પ્રીતિ પુરુષમાં હો કે નહી હો,
- “સ્ત્રીને કોમળ હૈયે ખરી હો!
- “ન્હોતી જાણતી પ્રીતિનું નામ,
- “ન્હોતી સ્વપ્નેયે જાણતી કામ,
- “તેને કાને ફુંક્યો નરે મન્ત્ર,
- “સાથે મુક્યું મનોભવતન્ત્ર;
- “એણે રેલાવ્યો અબળામાં પ્રેમ,
- “રેલે સરિતા ચોમાસે જેમ.
- “રસ જાણ્યો તે નીવડી આગ,
- “દેહ બળતાં, બચ્યો નહી વાળ.”
“મ્હારી બુદ્ધિમાં જુનાં, સ્વ્પ્ન ફરી તરવરે છે અને નવાં સ્વપ્ન ઉભરાય છે ! સ્થૂલ પ્રીતિ | તું પણ પ્રસંગ આવ્યે બળ કરવા, ચુકતી નથી.” કુમુદના મુખ ઉપર નવીન શોક અને નવી સુન્દરતા ચમકવા લાગ્યાં ને તે જોનારના હૃદયમાં નવી જાતનો કંપ થયો. કંપાવનાર ગાન કંઈ અટકયું ન હતું.
- "પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
- "ધીકધીકતા અગ્નિમાં ચલાવી,
- "શીતળ થાવાને વનમાં આવી,
- "નિરાશા છે લલાટે લખાવી !”
“ખરી વાત છે ? દુષ્ટ જીવ, કુમુદની આશા અને નિરાશાની લગામો ત્હારા જ હાથમાં રહી છે અને ત્હારે તો વૈરાગ્યમાં ઘોરવું છે !”
નવાં સ્વપ્નોએ સાંભળનારને મર્મવચન કહ્યું.આગળ ચાલતી કવિતા હજી વધારે મર્મભેદક નીવડતી હતી.
- "ઘર છોડ્યું ને વનમાં આવી,
- "ટુંકું ભાગ્ય ત્યાંયે સાથ લાવી.
- "તમ જેવાનો સત્સંગ થાય,
- "ત્હોય મટતો ન મનનો ઉચાટ.”
“સત્સંગ” શબ્દે હજી નવા વિચાર જગાડ્યા.
- "જગ પાવન ને નિર્વિકાર
- "શાંત દાંત તમે, યોગીરાજ !”
“હું ઇચ્છું છું- કુમુદ, હું ઈચ્છું છું કે તું જેવો મને કલ્પે છે તેવો હું હઉં ને ન હઉં તો થઉં. પણ આ ઇચ્છા તે ત્હારી નિરાશાની છે કે આશાની છે ? ત્હારી હૃદયગુહા ઘણી ઉંડી ને સૂક્ષ્મ છે ત્યાં ત્હારા મર્મસ્થાનમાં પ્હોંચવું એ હવે મ્હારો ધર્મ.”
- "તેને શરણ વૃથા હું આવી,
- "શોક મૂઢ વિકારિણી નારી !
- “સુધા સલિલથી કૂપ ભર્યો છે,
- “તૃષા ભાગવા ઈશે કર્યો છે,
- “તેને થાળે બેઠી ગુણહીન[૧]
- “હું ન અવતરી સલિલનું મીન.
- “પાણી જોઉં છું ને રોઉં છું,
- “કુવાકાંઠે તૃષાથી મરું છું.
- “કહું છું કે મરું છું ને જીવું છું !
- “મરવા મથી મથીને યે જીવું છું !
- “હાડે હાડે બધેથી શુણું છું,
- “પુંઠે પુંઠે ત્હોયે હું ભમું છું;
- “આશા છે નહી, ત્હોયે ધરું છું;
- “જીવ છે નહીં ત્હોયે જીવું છું!”
“–'Tis the severest struggle of the heart !” સરસ્વતીચંદ્ર બોલ્યો, અને કુમુદે પાછળની ભીંતમાં માથું પાછળથી કુટ્યું, પણ અંબોડાએ એ પ્રહારમાંથી એને બચાવી. સરસ્વતીચંદ્ર એ જોયું – એનું હૃદય ચીરાયું – અંદર જવા તત્પર થયો; પણ કુમુદ સજજ થઈને ફરી ગાવા લાગી એટલે અટક્યો. કુમુદનું મ્હોં હવે તીવ્રતર થતા શોકથી ઘેલું થતું હતું તે જોનારની આંખો દયાથી જોવા લાગી.
- “છું અભાગણી પાપણી એવી,
- “નથી અધમ કોઈ મુજ જેવી.
- “કયાં હું એ ? કયાં તમે યોગિરાજ,
- “જેમાં પુણ્યસુધા ઉભરાય?
- “ત્યાગી બુદ્ધ શુણ્યા ભગવાન,
- “ત્યાગી પ્રત્યક્ષ છો ભગવાન!”
ઈષ્ટ જનને મુખે સ્તુતિ સાંભળી રોમાંચ[૨] થયો.
- “સેવે દૃષ્ટિથી શશીને કુમુદ!
- “જુવે દૂરથી ને બને ફુલ્લ!”
“કુમુદ ! મ્હારી કુમુદ ! ત્હારું અભિજ્ઞાન હવે સંપૂર્ણ થયું ! મધુરી અને મધુર કુમુદ તે એક જ ! હવે એને પળવાર વધારે આમ વ્હીલી રાખવી ને તરફડીયાં મારતી જોવી એ મ્હારાથી નહી બને ! પ્રમાદધનના ઘરમાં એમ જોવું તે જ ધર્મ હતો - હવે તેમ જોઈ ર્હેવું એ જ અધર્મ છે” – છેક વસન્તગુફાની બારી સુધી પગલું ભર્યું. કુમુદ ગાવાની લ્હેમાં હત નહી તો અવશ્ય તેને જોઈ શકત. તે ઉભી થઈ અને સામી રવેશ ઉપરથી દેખાતા ચંદ્રને જોઈ રહી – એ ચંદ્રને જ ક્હેવા લાગી – કોમળ હથેલીઓ જોડી નમસ્કાર કરી ઉભી રહી ને ચંદ્રને જ ક્હેવા લાગી.
- “સેવે દૃષ્ટિથી શશીને કુમુદ !
- “જુવે દૂરથી ને બને ફુલ્લ!
- “છોડી મલિન મદનના ઉપાધિ,
- “દૃષ્ટિસેવા પ્રભુની કરું આવી,
- “તે હું ભાગ્ય ખોયેલું પામું,
- “બોધ શાન્તિ સુધાપાન જાચું.
- “રહ્યો મનમાં મને ક્ષોભ ઝાઝો,
- “શાંત પડતા ઉછળતો પાછો.
- “મુક્ત કરવા તેમાંથી સમર્થ
- “એક પુરુષ તમે, નહી અન્ય !”
સરસ્વતીચંદ્રનું હૃદય હાથમાં ન રહ્યું – તેણે બારીના ઉમરા ઉપર પગ મુક્યો - પણ કુમુદની દૃષ્ટિ તો આકાશના ચંદ્ર સામી જ હતી. તે ભાનમાં ગાતી હતી કે બેભાન લવતી હતી તે સમજાયું નહી. ભાનમાં હોય તો સરસ્વતીચંદ્રને દીઠા વિના ર્હે ?
- “તપ ભગ્ન તમારું કરવા,
- “યોગીરાજ, આવી નથી હું આ.
- “તપક્ષેત્રની વાડ વધારું,
- “પશુમાત્રને દૂર જ ક્હાડું !
- “ક્ષેત્રમધ્યે રહી કૃષિ કરજો !
- “વિધહીન જ તપ આદરજો !”
કુમુદ સરસ્વતીચંદ્રના સામી ફરી, તેની આંખ આની આંખ સામે ઉભી રહી પણ જોતી હોય એમ દેખાયું નહી. એના સામી ઉભી રહીને જ એ ગાવા લાગી ને એ પત્થર જેવો દિઙ્મૂઢ થઈને ઉભો ને માત્ર આંખનાં આંસુથી જ જીવતો લાગતો હતો.
- “ભદ્રામુદ્રા સમો ઉપદેશ,
- “બ્હારથી જોઈ ત્યજીશ હું ક્લેશ !”
છેક બેભાન જેવાની પાસે કોઈ યંત્રની સત્તાથી ચાલતી ને બોલતી કાચની પુતળી પેઠે કુમુદ છેક સરસ્વતીચંદ્ર પાસે આવી ને ઉભી, ને નમસ્કાર કરી નરમ સ્વરે કહેવા લાગી.
- “કૃપારસથી ભર્યા યોગિરાજ !
- “જાચું આટલો હું અધિકાર.”
“કુમુદસુંદરી !” – સરસ્વતીચંદ્ર બોલ્યો અને કુમુદનો હાથ ઝાલ્યો – પણ તે હાથ વળ્યો નહી – એની નસો અસ્થિ જેવી કઠણ લાગી. માત્ર ઉઘાડી પણ શૂન્ય આંખથી ને બોલતા મુખથી તેનું ચેતન જણાતું હતું.
- “પૂર્વ આશ્રમને સંભારી,
- “મળ્યાં ગુપ્ત વચનને માની,
- “થઈ અશરણ અબળા બાળા
- “માગે આટલી પ્રીતિન જ્વાળા ?
જે હાથ વાળ્યો વળતો ન હતો તે જાતે ઉચકાયો ને લાંબો થઈ સરરવતીચંદ્રના ખભા ઉપર જાતે ટેકાયો, અને પાછો તે સ્થિતિમાં પણ બે શરીરની વચ્ચે,પત્થરનો પુલ હોય એમ કઠણ થઈ ગયો. કુમુદની આંખોમાં દીનતા અને આર્જવ હતાં ને સરસ્વતીચંદ્રની આંખે સામી તે વળી હતી, છતાં પણ તે કોઈ પત્થરની મૂર્તિની જ આંખો જેવી લાગી, એ સ્થિતિમાં આ નાજુક શરીર જાતે ઉભું ને ગાવાં લાગ્યું.
- “ભવસાગરમાં નથી પડવું !
- “મન મલિન મળે નથી ભરવું !
- “રસ ઉંડો દીધો રસનાથે,
- “રસ મળન નીચોવ્યા ત્યાગે !”
એને હાથ સરસ્વતીચંદ્રના ખભા ઉપર બળથી ચંપાતો હતો.
- “કાયા ફેંકી દીધી કાયનાથે,
- “પ્રાણના જ હર્યા યમરાજે !”
“કુમુદ સુંદરી !”– ઉત્તરમાં ગાન જ ચાલ્યું.
- “ફેંકી કાયા ને ફેંક્યા મ્હેં પ્રાણ !
- “માગ્યો જળમાં ને નરકમાં માર્ગ !
- “કાયા ફેંકી દીધી જળનાથે !
- “પ્રાણ લીધા ન નરકને નાથે !
- “પ્રાણધારિણી કાયા એ આજે
- “પડી છે પ્રાણનાથને પાયે !”
ખભા ઉપરથી હાથ ઉપડ્યો ને બીજા હાથ સાથે જોડાયો. કુમુદના બે હાથ પોતાના શરીર આગળ જંઘા સુધી લટકી નમી અંજલિપુટ થઈ બીડાયા ! સરસ્વતીચંદ્રના ચરણ ભણીજ એ હાથ નમ્યા ને એ હાથ ધરનારીની દૃષ્ટિ, એનું મસ્તક, સર્વ સરસ્વતીચંદ્રના ચરણ ભણીજ “પ્રાણ નાથને પાયે ” શબ્દ બોલતાં બોલતાં નમ્યાં અને વળ્યાં, ને તેનેજ એ ક્હેવા લાગી,
- “કાયા પ્રાણનો યેાગ ન માગે !
- “પ્રાણ પ્રાણપણાથી ન રાચે.
- “પ્રાણનાથને શરણ પડ્યાં એ !
- “પ્રાણનાથ તારે કે ડુબાડે !
- “પ્રાણનાથ, ડુબાડો કે તારો !
- “રસ નષ્ટ કરો કે વધારો !
- “ક્ષમા આપો કે ક્રોધથી શાપો !
- “હાથ ઝાલો કે લાતથી મારો !
- “વિધાતાએ તે લેખ લખ્યા છે:–
- “પ્રાણનાથ શું પ્રાણ જડ્યા છે !”
"કુમુદસુંદરી ! – કુમુદ ! – આ દશા–” આ ઉદ્ગાર નીકળતાં ગાન અટક્યું ને સટે ગદ્ય નીકળ્યું ને કુમુદ ખડખડ હસી પડી.
“હં ! આટલે દિવસે – પાછી – હું કુમુદ થઈ ! – કુમુદસુંદરી નહીઃ- “પ્રિય કુમુદ" થઈ - હા ! તો હવે સાંભળો હૃદયની વાત હૃદય બેાલશે ! હું નહી બોલું.”
“અ રે રે ! હજી એ બેભાન છે ને બેભાન સ્થિતિમાં જ ઉભી છે, બોલે છે ને ગાય છે.” સરસ્વતીચંદ્ર કંઈક ઝીણેથી બોલ્યો તે સાંભળ્યું હોય તેમ બેભાન કુમુદ બોલી. “હા ! મ્હારો ચંદ્ર બેલ્યો ! ચંદ્ર ! સાંભળો – ઘણે દિવસે બોલ્યા તે સાંભળો !” બેભાન મુખ પણ દીન થયું ને ગાવા લાગ્યું.
- “નથી સતીપણું હુંથી સધાયું,
- “પતિવ્રતપણું તો નથી જોયું.
- “મને સુઝે ને શુદ્ધિ અશુદ્ધિ;
- “મ્હારી ચાલે નહી કંઈ બુદ્ધિ
- “તેને બુદ્ધિ ને શુદ્ધિ દેવા,
- “અશરણને શરણ નિજ લેવા,
- “આદિકાળે રસિક ઘેર આવ્યો;
- “આજે એ ને એ નાર કર આવ્યો.
- “ઘડે એવો વિધાતા યોગ.
- “જે જે તારા, ચન્દ્ર, ચકોર !”
“એ ને એ નર આવ્યો ! હવે ક્યાં જાય ?” કુમુદ લવતી લવતી આકાશના તારા ભણી જોતી જોતી ક્હેવા લાગી. “ જો જો તારા ! જો જો ચંદ્ર ! ચન્દ્ર હાથમાં આવ્યો – સરસ્વતીચંદ્રનું નામ નવીનચંદ્ર થઈ ગયું. પણ એ ચંદ્ર હાથમાં આવ્યો – ભગવાં વસ્ત્ર ધર્યાં – ભગવું તો ભગવું પણ હવે નહીં જવા દઉં ! જોગીરાજ !” સરસ્વતીચંદ્રનો અંચળો ખેંચવા લાગી – ખેંચતી ખેંચતી ગાવા લાગી,
- “હાથમાં આવ્યો યોગી ! હાથ મ્હારો
- “ભ્રષ્ટ છે, છે દેહ ગોઝારો !”
અંચળો મુકી દીધો. પોતાના હાથ અને શરીર સામું જોતી જોતી રોતી રોતી ગાવા લાગી.
- “ શુદ્ધ બુદ્ધ ને પાવન નાથ !
- “રખે ઝાલો આ ભ્રષ્ટ જ હાથ !”
હાથ દૂર લેઈ લીધો ને આઘી ખસી ગઈ ને છેટે ઉભી રહી પ્રણામ કરતી રોતી ગાતી હતી.”
- “પ્રભુ ! જાળવું તેજ તમારું,
- “શૂદ્ધ શરીર નિયન્ત્રું હું મ્હારું.
- “જીવ ઝાલ્યો પ્રથમથી જે મ્હારો,
- “તેને બોધ આપીને ઉગારો.
- “જેને લોક મનોભૂ ક્હેછે, –
- "અંગજવરને અનંગ ગણે છે-
- “એ તો કામ નહીં નિષ્કામ;
- “પશુ એ તો, ન પાવનપાદ;
- “એ અસુર, સુરેશ નહી એ;
- “એ તો તિમિર, પ્રકાશ નહી એ;
- “દેવ હૃદયનો સ્નેહ તે જુદો,
- "અશરીર પ્રીતિને કામ કેવો ?
- “પ્રીતિ અશરીર જીવે જીવોમાં,
- "ઈશ પોતે ધરે પ્રીતિ સઉમાં.
- “સંપ્રસાદ જે બોધસ્વરૂપ
- “તે તો સાત્ત્વિક પ્રીતિનું મૂળ.
- “ત્યાગી જન જે ધરે સત્સંગ,
- “તેનું પ્રીતિ અનંગ જ અંગ.
- “ઈશજીવની પ્રીતિ થતી જે
- “સુધારયન્દિની ભક્તિ થકી તે.
- “પ્રીતિ, અશરીર એવી હું ધારું;
- "સુજી ઈશે તે કેમ નિવારું ?
- “પ્રીતિભાજન એક જે પામી
- “રંક કુમુદ, તે છે નભચારી !
- “સુધાકિરણ ઝરો ! ભગવાન !
- “શાંત એકાંત દે પ્રીતિદાન !
- “માગું અશરીર બેધપ્રબોધ !
- “પુરો પાડો વિશુદ્ધ જ લોભ !
- “યોગી ! યોગ પામી જેનો સિદ્ધ
- “બને નીરનિધિ ગમ્ભીર,
- “તેને તીરે આવી હું સરિતા,
- “છોડી નગ[૧], તોડી ઢગ રેતીના !
- “પૂર લાંબે છેટેથી આવ્યું !
- “રહ્યું એ નહી કોઈનું રાખ્યું !
- “જુવે વાટ ભરતીની એ એક;
- “રચે વિશ્વમ્ભર સંકે...ત !...”
- ↑ ૧. પર્વત.
છેલી લીટી લંબાતા ત્રુટતા મન્દ પડતા સ્વરવડે ગવાઈ અને ગવાતાં ગવાતાં બંધ પડી. અંદરથી ખેંચાતી કોઈ સાંકળના ખેંચાણથી ંઆંખો પણ મીંચાઈ, મ્હોં મીંચાયું, ક્રિયા બંધ થઈ, અને કેડો ભાગી ગઈ હોય તેમ વળી ગઈ અને કોમળ દેહલતા વળી જઈ બળથી પોતાની પીઠ ઉપર પડી. નીચે કઠણ અને ખડબચડા પથરાઓનું તળ હતું ને જરીક પાછળ દાદર હતો તે ઉપર પડી જ હત તો એ શરીરલતાને હાનિ પ્હોચત. પણ તે પડવા માંડે છે એટલામાં તો સરસ્વતીચંદ્ર લાંબી ફલંગ ભરી પાસે દોડી આવ્યો ને એની પીઠ નીચે હાથ નાંખી એ બે હાથ ઉપર એને ઝીલી લીધી. હાથ ઉપર ચતી પડી રહેલી મૂર્છાવશ દુખીયારી કુમુદનાં દીન મુખ ઉપર પોતાનાં નેત્રનાં આંસુ ટપકતાં હતાં તેને વારવાને અશક્ત પુરુષ એ દુ:ખના કરમાયેલા ભાર જેવી દેહલતાને ઝાલી ગુફાના આ માળની વચ્ચેવચ ઉભા રહ્યો, શું કરવું તે વિચારવા લાગ્યો, અને મૂર્છાવશ મુખ સામું જોઈ દીન મુખે ક્હેવા લાગ્યો.
"કુમુદસુંદરી ! જાગૃત થાવ ! હું સરસ્વતીચંદ્ર છું."
ઉત્તર ન મળતાં, અર્ધઘડી ઉભો રહ્યો છતાં મૂર્છા વળવાનું ચિન્હ ન જણાતાં, વચ્ચોવચ પલાંઠી વાળી બેઠો અને પોતાના ખોળામાં કુમુદને સુવાડી. મૂર્છામાં પણ સુન્દર લાગતા અને ચંદ્રપ્રકાશથી સ્પષ્ટ દેખાતા તેના મુખ ઉપર આ પુરુષની દૃષ્ટિ નિરંકુશ વળી રહી. અચેતન પણ કોમળ સ્ત્રીઅંગને અનિવાર્ય અપ્રતિકાર્ય સ્પર્શ એને રોમાંચિત કરવા લાગ્યો અને પળવાર એની બુદ્ધિને શરીરમાં વીંછીના ચ્હડતા વિષ જેવા ઉન્માદે અસ્વતંત્ર કરી દીધી. સર્પના વિષથી લ્હેર આવે તેમ આ દૃષ્ટિમેહથી અને સ્પર્શ મોહથી આ બુદ્ધિની નસોમાં મોહનિદ્રાની લ્હેરો જણાવા લાગી. પણ એટલામાં બ્હારથી અચીંત્યા આવતા પવનને એક ઝપાટે એને જાગૃત કર્યો, કુમુદની દુ:ખી અવસ્થાની, પોતાના દોષની, અને બુદ્ધિધનના ઘરમાં પડેલા પ્રસંગની, તુલનાના વિચાર એના મનમાં ઉભરાવા લાગ્યા, અને મનુષ્યને માથે અસહ્ય ભાર પડતાં બેસી જાય તેમ એ મન્મથ-ઉન્માદ આ વિચારોના ભારથી શાંત થઈ ગયો. વિકારકાળે કંઈ પણ સ્વતંત્ર વિચાર ઉત્પન્ન થાય તે વિકાર આમ ડબાઈ જાય એવો આ નવો અનુભવ અને શોધ થયો ગણી સરસ્વતીચંદ્ર કંઈક નિર્ભય થયો અને ઔષધતુલ્ય થયેલા એવા વિચારનું વધારે વધારે પરિશીલન કરવા લાગ્યો. “શ્રીમતીને હિસ્ટીરિયા – વાયુ થયો ડાકતરે કહ્યો હતો તેના જેવી જ આની અવસ્થા છે અને તે પ્રમાણે જ આને ઉપચાર ઘટે. તેનું આ સ્થાને હું શી રીતે સંપાદન કરું? ચંદ્રનો પ્રકાશ અને સુકુમાર લાવણ્યમયી શીત પવનની લ્હેરો તો અંહી જોઈએ એટલી છે – તો એ જાગૃત થાય ત્યાં સુધી આ અવસ્થામાં જ બેસી ર્હેવું યોગ્ય છે – એ પ્રકાશ અને લ્હેરો એના શરીર ઉપર આવે એમ બેસું:–” તેમ એ બેઠો.
“મને કાંઈ અનુભવ નથી પણ ઉદ્ધતલાલને લાંબો અનુભવ છે તે ક્હેતા હતા કે વીલાયતમાં લગ્ન પહેલાં હિસ્ટીરીયા થાય છે તે લગ્ન પછી મટી જાય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતા સુધી કે વહુ સ્વતન્ત્ર થતા સુધી પ્હોચે છે , આના ઉપરથી એમણે એવો અર્થાન્તરન્યાસ[૧]શોધ્યો છે કે સ્ત્રીઓની વાસનાઓ વીલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિઓ, ચારેપાસ ભરી દીધેલાં કૃત્રિમ સંબંધીઓના જુલમ-જાળ માંથી સ્વતંત્ર થવાથી, તૃપ્ત થાય છે. કુમુદસુંદરી ! તમારે ઉભય વાતમાં અતૃપ્તિ ન હતી ? એક વાતમાં વિધાતાએ તમને સ્વતંત્ર કર્યાં – બીજી વાત મ્હારા હાથમાં છે. તમારા હૃદયનું ગાન સાંભળ્યું ! તેમાં જે પવિત્ર સૂક્ષ્મ પ્રીતિની વાસના સ્ફુરે છે તેની તૃપ્તિ તે હવે કંઈ કઠણ નથી પણ સ્ત્રીની હૃદયગુહાનો મર્મ કંઈ આટલા ગાનથી કદી સમજાય એમ છે ? સ્થલ વાસનાઓનાં ઉદ્દીપન અને શાંતિનાં પ્રકરણ આ સાધુઓ સમજે છે એવું કોણ સમજે છે ? એ વાસનાઓ કુમુદના કોમળ હૃદયમાં છે કે નહી તે જાણવું આવા સાધુજનોને પણ દુર્ધટ થઈ પડ્યું છે. મ્હારી દૃષ્ટિસેવા કર્યાથી આ સુકુમાર લાવણ્યમયી દેહલતામાંનું રસચેતન શું શાંત થશે ? કુમુદ પોતે જ પોતાની વાસનાઓ શું સ્પષ્ટ જાણી શકે છે ? સ્ત્રીઓની વાસનાઓને એમનાં શરીર જાણે છે – એમના શરીરવિલાસ જાણે છે, એટલી એમનાં મન જાણી શકતાં નથી. તો મ્હારે શું કરવું ? અથવા સ્થૂલ વાસનાનો વિચાર પોતાના હૃદયમાં ઉદય પામતા જોઈને જ શું આવી ધર્મિષ્ટ અને ઉત્કૃષ્ટ બુદ્ધિની બાળાને ક્લેશ અને ક્ષોભ નહી થતાં હોય ? – સર્વથા જે હો તે હે – આ હો કે એ હો - પણ આ કુસુમસુકુમાર હૃદયનું દુઃખ અતિસૂક્ષ્મ દશાને પામ્યું છે; ને દુષ્ટ સરસ્વતીચંદ્ર ! તે સર્વનું ક્રૂર કારણ તું જ છે - તું એકલો છે ! નથી પ્રમાદને નથી બીજું કોઈ ! હરિ ! હરિ ! હું શું કરું?”
- ↑ ૧. Generalization
“શું કરું ? આ દુઃખી દેહને ખોળામાં રાખી હું તેને જોયાં કરું છું તો વિચારને સ્થાને વિકાર થાય છે – ને આ સમયે વિકાર થાય તે તો મ્હારી દુષ્ટતાની પરાકાષ્ઠા ! કુમુદ ! ત્હેં ત્હારું ગાન કર્યું - હું હવે મ્હારું ગાન કરી કાળક્ષેપ કરીશ – મ્હારા વિચારથી એ ગાનને ભરીશ. કુમુદે પોતાનું ગાન સાંભળ્યું નથી, જાણ્યું નથી, ને બીજું કોઈ સાંભળે છે એવું તેને ભાન પણ રહ્યું નથી. પોતાના હૃદયને શાંત કરવા સ્વસ્થ દશામાં ચિત્તે જોડેલું ગાન આ દશામાં મ્હારી પાસે જાતે નીકળી પડ્યું; તેથી ઉલટું મ્હારું ગાન હવે મ્હારી અસ્વસ્થ દશામાં જોડવું પડે છે, અને હું તે ગાન જોડીશ, સમજીશ, ને પોતાને કાને સાંભળીશ પણ મૂર્છાવશ કુમુદ તે નહીં સાંભળે ! તે નહીં સાંભળે તે જ ઉત્તમ છે. ચંદ્રપ્રકાશ અને પવનની લ્હેરોની પેઠે મ્હારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ મ્હારો પરમ લાભ ! ને એ નહીં સાંભળે કે સમજે તે મ્હારો જાતનો સ્વાર્થ !” થોડીવાર તે સ્વસ્થ રહ્યો, બોલ્યો નહી, હાલ્યો નહી. માત્ર ચંદ્ર અને કુમુદમુખની તુલના કરતો હોય તેમ વારાફરતી તે બેના સામું જોતેા હતેા. એ મુખ પોતાને – સરરવતીચંદ્રને - ઠપકા દેતું લાગ્યું ને તરત વીજળીની ત્વરાથી તે મુખ જોનાર આંખે આંખના સૂત્રધારને – સરસ્વતીચંદ્રના હૃદયને – એ ઠપકો પ્હોંચાડ્યો ત્યાં એ કંઈક ઉંચે અને કંઈક નીચે સ્વરે ગાવા લાગ્યો.
- “દીધાં છોડી પિતામાતા,
- “ત્યજી વ્હાલી ગુણી દારા !
- “ગયો, વ્હાલી, ગયો આવ્યો !
- “હૃદયનો ભેદ ના ભાગ્યો.
“બુદ્ધિધનના ઘરમાં સંસારની રીતિએ એ ભેદભાગવા ન જ દીધો”.- ગાન સાથે ગદ્ય પણ મ્હોટે સ્વરે ઉચ્ચારાયું, ને નિ:શ્વાસ વિના બીજા કોઈએ તેમાં અંતરાય નાંખ્યો નહી.
- “ન જોવાયું, ન બોલાયું,
- “હૃદય આ ના ઉઘાડાયું !
- “પીધું ત્હેં, પાયું મ્હેં, વિષ !
- “હવે કુટું વૃથા શિર.”
“જે મતિ પીછે ઉપજી – સો મતિ આગે હોત – તો, સરસ્વતીચન્દ્ર ! આ મૂર્ખતા ન થાત ! ” કુમુદના મુખ સામું યાચક જેવું દીન મુખ કરી પશ્ચાત્તપ્ત જન જેઈ રહ્યો.
- “અહો ઉદાર ઓ વ્હાલી !
- “અહો સુકુમારી ! ઉર ફાટી
- “ગયું ત્હારું, રહ્યું મ્હારું
- “બની દારુણ ગોઝારું !
“સંસારે કરાવેલા દુષ્ટ જનના પરામર્શથી આ સુન્દર પવિત્ર શરીર જેવું સત્વ દૂષિત થયું – તે દોષ પણ મ્હારો જ !"
- “શરીર ત્હારું, હૃદય મ્હારું,
- “કર્યું આ મ્હેં જ ગોઝારું !
"પણ ત્હેં તો પરસપરસંધટ્ટક ધર્મ સાચવ્યા અને ત્હારે પોતાને માટે સુભાગ્યરૂપ અને મ્હારા ભાગ્યને માટે શિક્ષારૂપ આ સ્થિતિને તું પામી – તું દુઃખની બેભાન થઈ, કામની અને સર્વ જગતની નિષ્કામ થઈ અને મ્હારે તેથી ઉલટું છે. અને તું-
- “મળી ત્યારે મળી આમ !
- “કર્યો ત્હેં ભસ્મવત્ કામ ."
“ કામ ! કામ ! શિવજી જેમ વિષધરની ધારાઓ જેવા સર્પને પોતાના જ શરીરની આશપાશ વીંટાવા દે છે અને મસ્તક ઉપર અમૃતમયી ગંગાને અને સુધાકર ચંદ્રને સ્થાન આપે છે તેમ કુમુદસુંદરીએ આ દુઃખવિષથી ભરેલા શરીરના સ્વામીને શરીર સોંપી દીધું અને અમૃતમય હૃદય મને સોંપ્યું હતું તે મ્હારામાં જ રાખ્યું !"
“સાધુ ધર્મ અને સંસારધર્મનો આ સૂક્ષ્મ પણ ક્લેશકર સંયોગ રાખવો એ તને જ આવડ્યું ! તું જ સતી તું જ શાણી ! ઉદારતા અને શુદ્ધિ પણ ત્હારી જ છે. પ્રિય કુમુદ ! પતિવ્રતાપણું ત્હારામાં જાયું પણ છે ને પરિપાક પામ્યું પણ છે ! - સતીપણું ત્હેં મહાતપથી – અત્યુગ્ર આંતરાગ્નિની જવાળાઓની વચ્ચે બેસીને જાયું છે ! જો તું સતી નહી અને પતિવ્રતા નહી – તો સંસારમાં કીયા મનુષ્યસત્વનો અંતરાત્મા પોતાનામાં ત્હારા જેવી શક્તિ પ્રત્યક્ષ કરે છે ! જે દુષ્ટ સંસાર તને નિન્દે છે તેને છોડી આપણે જે સાધુજનેામાં આવ્યાં છીયે ત્યાં આવા જ પ્રશ્નનો પુછાય છે !
- “અહો ઉદાર : ઓ વ્હાલી.
- “સતી તું શુદ્ધ ! ઓ શાણી !
- “હૃદય જ્યાં જોડ્યું ત્યાં જોડ્યું !
- “શરીર જ્યાં હોમ્યું ત્યાં હોમ્યું !
“મૂર્છામાં પડી પડી કુમુદ – આ સાંભળજે ત્હારા હૃદયે ત્હારે જે માર્ગે તને લીધી છે તે જ વિશુદ્ધ છે અને તે જ સાધુજનોને મુદિત માર્ગ છે. તું અધર્મને પગથીયે ચ્હડી જ નથી. મ્હારા હૃદય સાથે ત્હારું હૃદય ત્રસરેણુક સંબંધ પામ્યું તે કોને લીધે ? ત્હારાં માતાપિતાની ઇચ્છાથી અને ઈશ્વરે રચેલા કોઈ સંકેતથી ! એવા પરમ અદ્વૈત પામેલાં હૃદયને એક બીજાથી છુટાં પાડવાની શક્તિ કોનામાં છે ? જેમ એક વાર વિશ્વરૂપ દર્શનથી પરમાત્માનું અદ્વૈત પામેલો જીવાત્મા પુનર્દ્વૈત પામતો નથી તેમ એકવાર પ્રીતિયજ્ઞ કરવા ધર્મ્ય અદ્વૈત પામેલાં હૃદય દ્વૈત પામતાં નથી. એ અદ્વૈતાગ્નિ આપણા આવસ્થમાં પ્રકટાયો તે પ્રકટાયો ! તે હોલવવાનું એકે શાસ્ત્રમાં લખ્યું નથી. ત્હારા હૃદયમાં તે ન હોલાયો – એ ત્હારો ધર્મ ને એ ત્હારો ઉત્કર્ષ ! તેને જગતની વઞ્ચના નષ્ટ કરી શકી નહી ! અને તેની સાથે જ ત્હારા પિતાએ તને પ્રમાદ સોંપ્યો – તે ત્હારો પતિરૂપ આકારક અતિથિ થયો ! અર્વાચીન આર્યૂ એવા અતિથિના આતિથેય માટે યજ્ઞ માંડે છે તે માતાપિતાએ કરેલાં વાગ્દાનની પ્રતિજ્ઞા પાળવાને ! હાલનાં એ લગ્ન તે સર્વ પિતૃયજ્ઞ જ ! દશરથની પ્રતિજ્ઞા રામે પાળી તેમ આ આર્યાઓ આવી પ્રતિજ્ઞાઓ પાળવાને જ આતિથેય- યજ્ઞ માંડે છે. કુમુદસુંદરી ! એક પાસથી અદ્વૈતાગ્નિ અને બીજી પાસથી આવો આતિથેયાગ્નિ પ્રકટ કરી તેની વચ્ચે આ અનાથ અશરણ હૃદયને ને શરીરને તપ-સાધના કરવા મુક્યાં, અને એક પાસ હૃદયનો હોમ અને બીજી પાસ શરીરનો હોમ કરવા માંડ્યો – એ અદૃષ્ટપૂર્વ યજ્ઞ કર્યો તે તે તમે ! કુમુદસુંદરી ! પોતાની જાતનો તિરસ્કાર કરી આવા યજમાનકૃત્યની નિન્દા ન કરશો ! સનાતન અદ્વૈત રસધર્મ અને અર્વાચીન અતિથિ - પતિ - યજ્ઞ એ બે સાધવાનું પુણ્ય તે તમારું જ છે ! તે - કુમુદસુંદરી મૂર્છામાંથી જાગીને જુવો !
- “અહો રસધર્મ વરનારી !
- “અતિથિ–પતિ-યજ્ઞ યજનારી !
- “ન ભુલાતું તું ના ભુલી !
- “વિવાહની વઞ્ચના ડુલી ! તમે અશરણ નથી ! જે પ્રીતિયજ્ઞમાં હું તમારી સાથે સંધાયો છું -
તે મ્હારામાં પણ જાગૃત જ રહ્યો છે. પ્રમાદધને તમારો ત્યાગ કર્યો અને તેનું આતિથેય કરવાનું હવે તમારે શિર રહ્યું નથી. હવે તો તમારે માટે એક જ આપણો યજ્ઞ બાકી રહ્યો છે - તેમાં તો કષ્ટસાધના કાંઈ નથી. મ્હેં તમારા શરીરનો ત્યાગ કર્યો હતો - હૃદયનો ત્યાગ પણ સુલભ થશે જાણ્યું તે – ખોટું પડ્યું – અને – ખોટું થયું !અને હવે એ સર્વ ત્યાગને સટે આપણું પુરાણ અદ્વૈત નવો અવતાર ધરે છે. કુમુદસુંદરી ! મૂર્છામાંથી જાગીને જુવો ! - "
- “હવે આ ભેખ મ્હેં ધાર્યો,
- “નવો રસધર્મ છે જાયો;
- “જુઠા જગધર્મ દઉં તોડી
- “કુમુદને કાજ, કર જોડી !
- “પ્રમાદી વાયુએ તોડ્યું
- “કુમુદને સ્થાનથી મોડ્યું !
- “અતિથિશું ધર્મના બન્ધ
- “અધર્મીયે કીધા બંધ.
- “અતિથિ જો કરે ત્યાગ,
- “કીયો કોનો જ યજમાન ?
- “કુમુદિની મૂળથી ત્રુટી !
- “ કૃતક[૧] જગ-ધર્મથી છુટી !
“પ્રિય કુમુદ ! ત્હારા અતિથિયે તેને ટાળી ને તારી ! મૂર્છાથી જાગ અને આ આપણો નવો અવતાર થયો તે જો !” એના મૂર્છાવશ મુખ સામું એ જોવા લાગ્યો ને એ જાગૃત હોય તેમ એને ક્હેવા લાગ્યો.“ પ્રિય કુમુદ ! આપણે હવે ક્યાં છીયે તે તો જો !"
- “હવે ગિરિરાજ પર આવ્યાં,
- “સુધર્મી સાધુને ભાવ્યાં;
- “પ્રિયા ! ત્યજ સર્વ ભયને તું !
- “પરાપ્રીતિ – યજ્ઞ રચને તું!”
આખા સુન્દર શરીર ઉપર ચન્દ્રનાં કિરણ, દૃષ્ટિ પેઠે, પડતાં હતાં, એને આશ્વાસન આપતાં હોય તેમ પ્રિયજનના હાથ પેઠે એના શરીરતલ ઉપર
- ↑ ૧. કૃત્રિમ, Conventional.
એ સર્વ સ્થાનમાં, એ સર્વ ક્રિયામાં, અને એ સર્વ પરિણામમાં સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરી વળી અને ખોળામાં પડેલી મધુરતાની મૂર્તિને કંઈક ઉચી કરી ક્હેવા લાગ્યો.
- “પડ્યું શબ તુલ્ય ચેતન આ;
- “ત્યજી મુર્છા સચેત તું થા !
- “સુધાકર આ સુધા વર્ષે;
- “તને નહીં કેમ તે સ્પર્શે ?
“અથવા ત્હારા અન્તરાત્માને સ્થૂલ ચન્દ્રકિરણ ન જ સ્પર્શવાં જોઈએ. પણ શું મ્હારો સ્વર પણ એ અન્તરાત્માને ન પ્હોચી શકે ?”
સુતેલીની હડપચી ઝાલવા જતો જતો અટક્યો.
“તને બોલાવવા કે જગાડવાને માટે ત્હારા મુખનો સ્પર્શ કરવા મને અધિકાર નથી ? નથી જ. તે હાથ દૂર રાખી પુછું છું."
- “સુતી, વ્હાલી, તું મુજ ખેાળે;
- “મુખે તું કેમ ના બોલે ?
“અથવા આ સ્થાને તને સુવાડી રાખી છે તેના કરતાં શિલા ઉપર સુવું શું ત્હારી ધર્મબુદ્ધિ વધારે સારું ગણે છે ? હું શું કરું?"
- “સુતી, વ્હાલી, તું મુજ ખોળે,
- “મુખેથી કેમ ના બોલે ?
- “શિલાને આથી શું સારી
- “ગણે શય્યા તું, ગુણી નારી?
- “ગણે જો એમ તો, વ્હાલી,
- “કહી દે નેત્ર ઉઘાડી;
- “સુકોમળ ગાત્ર આ ત્હારું
- “શિલાપર કેમ સુવાડું?”
ચંદ્રના કિરણથી પ્રકાશિત થયેલું ગૌર શરીર જોઈ રહ્યો. ખેાળામાં લેતી વેળા જ તેનું વસ્ત્ર કોઈ કોઈ સ્થાનેથી સર્યું હતું અને પવનથી કપાળ ઉપર લટોમાંથી કોઈ કોઈ વાળ ઉડતા હતા. સરસ્વતીચંદ્રની દૃષ્ટિ આ સર્વ ઉપર પડતાં કંઈક ચમકી; વસ્ત્ર અને કેશ સમાં કરવા લોભાયો; લોભ ઉત્પન્ન થતાં એ લોભને અટકાવી પોતાના હાથને અટકાવ્યો અને દયામણે મુખે ક્હેવા લાગ્યો.
- “સર્યું તુજ વસ્ત્ર જાતે આ,
- “ઉડે તુજ કેશ વાયે આ;
- “સમારું કે સમારું ના ?
- “કહી દે, પ્રાણ ! બેઠી થા."
“હરિ ! હરિ ! ચન્દ્રનાં કિરણ અને પવનની લહરીને ન ગાંઠતાં ત્હારે કપાળે આ અવસ્થામાં પણ પરસેવો કેમ વળે છે ?"
- “કપાળે સ્વેદ આ ઝાઝો,
- “પવનથી ના જ લ્હોવાતો;
- “ક્ષમા કરજે – હું લ્હોઉં તે.”
- “તું જો, જાગી, હું લ્હોઉં તે.”
એનો પરસેવો હાથ વડે લ્હોયો અને તે હાથ પર વળગ્યો તેમાં કાંઈ નવીનતા હોય તેમ એ પરસેવાને એ જોઈ રહ્યો. પોતાના હાથ ઉપરથી તે લ્હોઈ નાંખતાં જીવ ન ચાલ્યો – પણ અંતે અંચળા ઉપર લ્હોયો. પરસેવો થયો તો મૂર્છા પણ વળે એવું કલ્પી સુતેલીના નાક આગળ હાથ ધરી તેમાંથી નીકળતા શ્વાસનું પ્રમાણ જેવા લાગ્યો.
- “જડે ના જીવ કાયામાં,
- “સરે આ શ્વાસ [૧]નાસામાં;
- “રહે ના ધૈર્ય; તે જોઉં;
- “ક્ષમા કરજે, ઉરે રોઉં.”
નિઃશ્વાસ મુકી નાક આગળથી હાથ લઈ લીધો, લેતાં લેતાં મૂર્છાવશ નેત્રની પાંપણોમાંથી આંસુ નીકળતાં ટપકતાં જણાયાં. કંઈક આશા અને કંઈ લાભ ધરી, અને કંઈક અચકાઈ આ મીંચાયેલી આંખો, પથરાયલી પાંપણો, ચંદ્રના કિરણથી પ્રકાશિત પરપોટા જેવાં લાગતા મોતી જેવાં સરી પડતાં આંસુ, અને વર્ષાદના બિન્દુથી ભીના કમળના પત્ર જેવા ગાલ: આ સર્વે દીપક સામગ્રી ઉપર દૃષ્ટિ ઠરી પણ દીપ્ત થવાને સટે દીન બની .
- “મીંચાયાં નેત્ર, ત્હોયે આ ,
- “સરે આંસુ તણી ધારા !
- ↑ ૧. નાકની નસકોરી.
- “કરી ભીની પાંપણો તેણે,
- “પડે સરી પાસ બે તે તે.”
એ આંસુ લ્હોવા લાગ્યો ! પુરષથી અસ્પૃશ્ય સુન્દર કોમળ પોપચાં ને ગાલ ઉપર આ હાથ ફરવા લાગ્યો તેની સાથે આ પુરુષના હૃદયમાં કંઈ તાર પહોંચ્યો હોય તેમ ચમકારો થયો.
- “પ્રિયા ! આ આંસુ લ્હોતો હું;
- “વદનશશિબિમ્બ જોતો હું;
- “અધિકૃત, આંસુ એ લ્હોવા,
- “હું, ના મુખકાન્તિ તુજ જોવા.
“પ્રમાદના મન્દિરમાં આંસુ લ્હોવાનો અધિકાર ન હતો તે આજ પ્રાપ્ત થયો. પણ જે મુખ જોવા, જે મુખ ઉપર મોહ પામવા, ત્યાં અધિકાર ન હતો તે તો આજ પણ નથી જ. પણ ક્ષમા કરજે ! જોયા વિના ન ર્હેવાયું તે જોયું – જોઉં છું – ને જોયાં કરું છું. અહો ! પ્રથમ સમાગમકાળના ને આજના મુખમાં શો આ ફેર ?
- "ઉંડી મૂર્છા થકી, ઉંડે
- "હૃદયદુઃખે, ઉંડુ બુડે
- "પ્રવાતથી પદ્મ ત્યમ, અા ક્યાં
- “દુખી મુખ? મુગ્ધ મુખ તે ક્યાં ?”
એ મુગ્ધ મુખ સાંભરતાં, દુઃખકાળે પણ આજ તેની સુન્દરતા ત્યાં પ્રત્યક્ષ થતાં, સરસ્વતીચન્દ્ર કંઈક ભાન ભુલ્યો, અને એ ગાલ અને ઓઠ સુધી પોતાનું મુખ નીચું નમાવી અચિન્ત્યો ચમક્યો, અટક્યો, અને પોતાનું મુખ ઉંચું લઈ લીધું ને પોતાની જાતને ઠપકો દેવા લાગ્યો.
“સરસ્વતીચંદ્ર ! આ પવિત્ર જીવે રાખેલા પરમ વિશ્વાસનો ઘાત ત્હારે જ હાથે થાય તો તો વિપરીત જ થાય ! ત્હારી અધોગતિ તો પછી, પણ આ પાપ તો નહી જ વેઠાય."
- “તપ્યાં ઉર શીત કરવાને,
- “વિકારો ને શમવવાને,
- “ઉંડા વ્રણે[૧]ને રુઝવવાને,
- “અમૃતરસરાશિ દ્રવવાને,
- ↑ ૧. ઘા
- “અધરપુટ મન્મથે ભરીયું,
- “મૃદુપણું ગાલમાં વસીયું;
- “પ્રીતિજીવના વિના શબ એ !
- “અધર્મઋતુંવીશે વિષ એ !
“આ અધર પુટ અને ગાલ શબ તો નથી જ ! પણ તેની ધર્મઋતુ ગઈ ને હવે આવે એમ નથી. કુમુદ ! તું જાગ, ઉઠ. ને આ દુષ્ટ ખેાળાનો ત્યાગ કર ! આ શરીરના સ્થૂલ મર્મ હવે મ્હારા હૃદય ઉપર ચ્હડાઈ કરે છે !”
કુમુદસુંદરીની છાતીના ભાગ સામું એ જોઈ રહ્યો, ત્યાંથી દૃષ્ટિ બળાત્કારે ખેંચી લેઈ ચન્દ્ર ભણી ને સામા થાંભલા ભણી હઠ કરી વાળવાં લાગ્યો, પણ સર્વે બળાત્કારને હડસેલી દૃષ્ટિ તે પોતાને ઈષ્ટ સ્થાને જ વળવા લાગી. સરસ્વતીચંદ્ર હવે અકળાયો.
- “અતિરમણીય ઓ વેલી !
- “ઉરે મુજ વાસના રેલી !
- “ધડકતું ઉર તુજ ભાળું,
- “સમાવા ત્યાં જ લોભાઉં !
- “નથી અધિકાર જોવા જો,
- “હૃદયફળ ! માં જ લોભાવો.
- “કંઈ કંઈ લોભ સંસ્કાર
- “સુતા જાગો ! હવે જાવ !”
જરાક ધૈર્ય અને જાગૃતિ ધારી બોલ્યો.
- “અહો લોભાવતી વેલી !
- “હતી તું મ્હાલવી સ્હેલી.
- “કલાપી[૧]હવે હું ઉડું પાસે !
- “નમાવું ન બેસીને ડાળે !”
“અહા ! સ્મરણનું શુભ વિસ્મરણ થાય છે ત્યાં જ વિસ્મરણને સ્થાને દુષ્ટ થવા માંડે છે ! અરે ! આ વિડમ્બનામાંથી કેવી રીતે, મુક્ત રહું ?"
કુમુદસુંદરીએ વાળેલી સોડ આગળથી વસ્ત્ર છુટું પડી ફરફરતું હતું તે પાછું એની સોડમાં ઘાલતો ઘાલતો, એ પ્રવૃત્તિ પ્રસંગે મૂર્છામાં પણ
- ↑ ૧. મોર, કલાપ કરનાર.
મોહક શરીરનો અજાણ્યો સ્પર્શ થતાં ચમકતો સરસ્વતીચંદ્ર મનને જીતી સ્વસ્થ થવા આવતો હતો ત્યાં કુમુદની સુંદર સુંવાળી ચુંદડી ધડીકમાં પગ આગળથી ઉડતી, ઘડીમાં માથેથી ખસતી, ઘડીમાં છાતીના છેડા આગળ સરતી, અને પોતાને સ્વસ્થ માનનારને ફરી ફરી હંફાવતી હતી. એ અમુઝણમાં પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતો સાધુઅભિલાષી એક પાસથી જ્યાં જ્યાં વસ્ત્ર સરે ત્યાં ત્યાં સમું કરવા લાગ્યો અને બીજી પાસ તે તે સર્વ ક્રિયાથી મદનવિષની લ્હેરો અનુભવવા લાગ્યો અને તેના અસહ્ય વેગથી ધૂર્ણાયમાન થતો લાગ્યો.
“હરિ ! હરિ ! હરિ ! હરિ ! હં ! હં ! હં ! હં ! કુમુદસુંદરી ! હવે તો જાગો ! તમારી મૂર્છાથી તમે સુખમાં છો, અને મ્હારા ભાગ્યને માટે તો ગમે તો આ વિષજ્વાલામાંથી છુટવાને માટે ગમે તો મને તમારા જેવી મૂર્છા થાવ કે ગમે તો તમે જાગીને દૂર બેસો ને તમારા પવિત્ર આત્માના તેજથી તમારા શરીરનું મોહક વિષ નિવારો !”
મુખ ઉપર કંટાળો આવી ગયો; છતાં સર્વ શરીરમાં નવા વિકાર સરી જતા હતા અને હૃદયને ને બુદ્ધિને પરવશ કરવા મહાભારત અને અસહ્ય પ્રયાસ માંડતા હતા. તે ત્રાસવૃષ્ટિને કાળે છત્રી જેવા ગાને વાધવા પ્રયત્ન કર્યો; પણ તેનો થડકાતો રાગ, રાતી થતી આંખ, અને શરીરમાં વ્યાપતી ઉષ્ણતા અને રોમાંચિતતા, એ સર્વે આ વિષથી વધતી જડતાને સ્પષ્ટ કરતાં હતાં. કુમુદસુંદરીના ગાનમાં કડીયો ગવાઈ હતી કે-
- “દેહ બળતાં બચ્યો નહી વાળ ”
- અને “પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
- “ધીક ધીકતા અગ્નિમાં ચલાવી !”
વગેરે કડીયોમાંનો અર્થ હવે સરસ્વતીચંદ્રને અનુભવથી સમઝાયો, સમાન દુઃખની દુખીયારી ઉપર દયા આવી, અને બે જણે પોતપોતાનાં દુઃખમાંથી છુટવાનો એક જ પરસ્પર સામાન્ય માર્ગ સુઝ્યો - ગમે તો બેયે ડુબવું ને ગમે તે બેયે તરવું ! “ પ્રાણનાથ ! તારો કે ડુબાડો !” વગેરે દીન યાચનાઓ હવે સમજાઈ પવન તો હજી વાતો જ હતો અને કુમુદનાં વસ્ત્રની ક્રૂર અવ્યવસ્થા અટકાવવાને વીર પ્રયત્ન પણ તેવો જ ચાલુ હતો, તે ભેગું મદનપવનને અટકાવનાર ગાન પણ તેમજ ચાલ્યું:
- “પવન ! મર્યાદ ના તોડ !
- “વીખેર ન વાળી આ સોડ!
- “ઝીણું મૃદુ ચુંદડી આ તું
- “ઉરાડ ન ! અંગ શરમાતું.
- “સુ-ગડ ઘટ પાટલી વાળી,
- “નદીમૂળ છાતી [૧]જ્યમ ઝાડી;
- “પવન ! આ અંહી જ ર્હેવા દે !
- “મદન ! તુજ બાણ સ્હેવા દે !
“આટલે સુધી સહું છું – આગળ વિશ્વાસ નથી – પવન ! મદન ! હવે બસ કરો ! Now have done with your nonsenses ! હરિ ! હરિ !”
નેત્રમાં ઘડીક રતાશ ને ઘડીક આંસુ જણાતાં હતાં અને શીત જ્વરથી પોતે કમ્પતો હોય એમ શરીરમાં ત્હાડ વાવા લાગી. તેવે કાળે વળી મૂર્છાવશ મુખ ઉપર જોઈ રહ્યો ને ફરી જાગ્યો હોય એમ થયું, અને એમ જાગતાં જાગતાં ઝોકાં પણ ખાતેા હતેા.
- “લતા કરમાઈ આ શોકે,
- “મધુરતા ન મુકતી ત્હોયે !
- “કિરણ શશીનાં પ્રકટ એ કરે !
- “ન જેવાનું હું જોતો ! અરે !
- “હું લોભી છું, હું લોભાતો;
- “હું દુઃખી છું, હું દુઃખાતો;
- “હું ઝેરી છું, હું વિષ વાતો,
- “પ્રિયા-ઉરમાં હું વિષ લ્હાતો !
- “પ્રિયા ! મૂર્છા તું છોડી દે !
- “શરમની ગાંઠ તેાડી દે !
- “તું કાજે હું કરું શું ? ક્હે!
- “હૃદયપર શલ્ય શાને વ્હે ?”
મુખ ઉપર કંઈક ઉત્સાહ જણાયો, ને બોલતાં બોલતાં હાથ ઉંચો થયો.
- ↑ ૧. છાવું એ ધાતુ ઉપરથી છાતી એટલે ઢાંકતી.
“કુમુદસુન્દરી ! તમને જગાડવાને જેટલા અગ્નિમાં ચાલવું પડે તેટલા અગ્નિમાં ચાલીને પણ તમને જગાડવા પ્રયત્ન કર્યા વિના છુટકો નથી. અદૃશ્ય સીતાએ મૂર્છિત રામચંદ્રને જે અધિકારથી કરસ્પર્શ કર્યો પવિત્ર ભવભૂતિએ વર્ણવેલો છે તે જ અધિકારથી તમને જાગૃત કરવા તેવો જ પ્રયત્ન કરું છું તે ક્ષમા કરજો ! તમારી કે મ્હારી આ અવસ્થા હવે મ્હારાથી જોવાતી નથી, વેઠાતી નથી.”
કુમુદ મૂર્છાથી કંઈક છુટી થતી હોય અને મૂર્છામાંથી નીકળી નિદ્રામાં પ્રવેશ કરતી હોય એમ એના શરીરની શિથિલ થતી નસોની પ્રત્યક્ષ થતી કોમળતાથી લાગ્યું – એટલામાં તે ખોળામાં ને ખોળામાં એણે પાસું ફેરવ્યું ને આના ઉરોભાગને એના ઉર:સ્થલનો કંઈક સ્પર્શ થતાં જેવી મદનની લ્હેરોની તેવી જ ધર્મભંગની જાગૃતિની સાથેલાગી ચમત્કૃતિ સરસ્વતીચંદ્રમાં પ્રકટ થઈ. ચોમાસાના જળથી ભરેલા આકાશવ્યાપી મેઘમાં જેમ એકપાસ જળની યામતા, શીતતા, અને જડતા વધવા માંડે તેમ બીજી પાસથી વીજળીના ચમકારા ને ત્રીજી પાસેથી ગર્જના થઈ પરિણામમાં મેઘ દ્રવવા - વૃષ્ટિ કરવા – માંડે તેમ અત્યારે મદન અને ધર્મવિચારો વચ્ચે ડોલતા સરસ્વતીચંદ્રને થયું.
“ગમે તે થાવ ! ગમે તે થાવ ! તરવાનાં હઈએ તો પણ આ મૂર્છાનો છેદ સાધનરૂપ છે ને ડુબવાનાં હઈએ તો પણ એ જ સાધન છે. માટે એ છેદ તો અવશ્ય કરવો. આ સ્પર્શને અમૃત ગણું તો મૂર્છા છેદવિના પૂર્ણ તૃપ્તિ નથી ને વિષ ગણું તે પણ એ જ છેદ વિના વિષનો પ્રતીકાર નથી. કુમુદ ! પ્રિય કુમુદ ! તને “પ્રિયા” કહું કે ન કહું ? – જે હો તે હો. હવે તો તું જાગ ને ત્હારો ન સાથે મ્હારો ભેગો ઉદ્ધાર ત્હારે ઇષ્ટ માર્ગે તું કર !"
હૃદય સાથે ચંપાઈ હતી. તે મૂર્તિને અજાણતાં કે જાણીને એણે પોતાના હાથનો આધાર આપી ત્યાં જ ટકવા દીધી, અને માત્ર પોતાના હૃદયમાંથી એના પરામૃષ્ટ હૃદયમાં પ્રાણવિનિમય કરી ક્હેવા ઇચ્છતો હોય તેમ તે જ સ્થિતિમાં ગાવા લાગ્યો – મ્હેાં બગાડી ગાવા લાગ્યો:
- “પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
- “પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
- “સરિતા ! પૂરભરી આવી,
- “અટકી રહી કેમ આ આધી ?”
હૃદય હૃદય સાથે જાણે કે અજાણ્યે ચંપાઈ ગયું !
- “કરે સત્કાર સાગર આ,
- “ઉછાળે નીર-ઝાલર આ !
- “હવે વિશ્વમ્ભરે જે રચ્યો,
- “પ્રિયા, સંકેત તે આ મચ્યો !”
એને પાછી ખેાળામાં ચતી સુવાડી, અને એનું મુખ ઝાલી ક્હેવા લાગ્યો.
- “પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
- “પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
- “ઉઘાડી આંખ, જો ને જો !
- “અલખ-સંકેત શો આ મચ્યો ?”
માત્ર એક હાથ એના માથા તળે રાખી અને બીજો હાથ ખોળામાં બ્હાર પડેલા પગ તળે રાખી, માથાને અને પગને ઉંચાં ટેકવી રાખી, એના સર્વ શરીર ઉપર દષ્ટિ ફેરવતો સર્વ શરીરને ક્હેતો હોય તેમ ક્હેવા લાગ્યો.
- “નવે દેશે નવા વેશ !
- “જગતનું કામ નહીં લેશ !
- “નવા વિશુદ્ધ ધર લોભ !
- “મને તે લોભમાં યોજ”
કુમુદના શરીરના મર્મભાગમાં રહેલા અંતરાત્માને ક્હેતો હોય તેમ હવે નેત્ર મીંચી ક્હેવા લાગ્યો.
- “પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
- “પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
- “દિવસ દુખના ગયા ન્હાશી !
- “ભર્યો તુજ કાજ રસરાશિ.”
સરસ્વતીચંદ્રની અંતદૃષ્ટિ ઉઘડી. કુમુદના અંતરાત્માને ક્હેતો હોય તેમ મીંચેલી આંખેજ ક્હેવા લાગ્યો.
- “પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
- “પ્રિયા ! ખોળેથી બેઠી થા !
- “ઉધાડી આગળા[૧] દેને !
- “મનઃપૂત, ત્હારું ગણી, લેને !”
ગાન બંધ રહ્યું પણ ઉભયની બીજી અવસ્થા હતી એવીને એવી રહી. કુમુદસુંદરી ખોળામાં જ અચેતન રહી. એના માથા નીચે ને પગ નીચે જ સરસ્વતીચંદ્રના હાથ રહ્યા. સરસ્વતીચંદ્રની આંખો મીંચાયેલી જ રહી. એ પોતે બેઠો હતો તેમ જ બેઠેલો જ રહ્યો. પવન વાતો હતો તેમ વાતેાજ રહ્યો અને ચન્દ્રનો પ્રકાશ જ્યાં પડતો હતો ત્યાં જ પડી રહ્યો. એક ફેર માત્ર એટલો પડ્યો કે સરસ્વતીચંદ્રનો જીવ કંઈક ઉંડો ઉતરી પડ્યો હોય એમ એનું બાહ્ય ચેતન એના અન્તરાત્મામાં લીન થયું, અને એ આમ નિવૃત્ત થયો એટલે સ્વતંત્ર થયેલા પવનની નિરંકુશ લહરીઓથી કુમુદનું વસ્ત્ર ફરફરવા લાગ્યું, બીજો ફેર એ પડ્યો કે ગાન શાંત થતાં કુમુદનું મસ્તિક ગાનની અસરની પરિપૂર્ણતાથી કે ગાનની શાન્તિથી શાન્ત થયું અને એની મૂર્છા ત્રુટી કે નિદ્રા છુટી. તેમ થતાં પ્રિયસ્પર્શના મોહથી પોતાને સ્વપ્નમાં માનતી અથવા આનંદસ્વપ્નમાં પડતી કુમુદ કેટલીક વાર સુધી એમની એમ હાલ્યાચાલ્યા વિના ખેાળામાંજ પડી રહી. પડી રહી તે પવનથી ઉડેલા વસ્ત્રના ભાને જાગૃત થઈ અને આંખ ઉધાડી. પૃથ્વી- ઉપર આકાશમાં ચંદ્ર લટકે તેમ પોતાના ઉપર ઉંચે લટકતું પ્રિયમુખ બે ચાર પળ સુધી આ ઉઘડેલી આંખે જોયાં કર્યું અને અંતરાત્મા જાગ્યો
- ↑ ૧. બારણાંને વાસવાના આગળા
ન હોય તેમ કુમુદ ત્યાંજ પડી રહી. બીજી બે ચાર પળ વીતી એટલામાં અંતરાત્મા જાગ્યો અને પોતાનું વસ્ત્ર સમું કરતી કુમુદ ખોળામાંથી ઉઠી સામી દૂર બેઠી અને પ્રિયજનની સમાધિસ્થ જેવી પ્રિય મૂર્તિનું દૃષ્ટિસેવન કરવા લાગી. એ દૃષ્ટિ તૃપ્ત થતા પ્હેલાં પોતાના શરીર ભણી ભાન ગયું ને વિચાર થયો.
“નક્કી ! સરસ્વતીચંદ્રને જ્વર આવ્યો છે - એમનું શરીર અતિ ઉષ્ણ હતું તે મ્હેં અનુભવ્યું – ત્હાડ વાતી હોય એમ એમને રોમાઞ્ચ થયો તે મ્હેં સ્પશ્ર્યો. પણ આંખો શાથી મીંચી છે ? અરેરે ! લક્ષમીનંદનના વૈભવના ભોગીની આવાં સ્થાનમાં આથી બીજી શી દશા થાય ? અથવા આ સર્વનું કારણ હું પોતે તો નથી? પેલી દુષ્ટ મર્મદારક ભસ્મવાળી રાત્રિએ મને આવો જ જ્વર હતો ! શું આ અનંગવજ્વર એમને થયો છે ? જો એજ આ જ્વર હોય તો આમ એ છેક નિશ્ચેષ્ટ ન બેસી ર્હે. મદનમહાજ્વરમાં સપડાયલા વશી ત્યાગી મહાત્મા આવાજ ઉગ્ર સમાધિથી એ વિષમજવરને શાંત કરી શકતા હશે ! હું એમને ઉઠાડું ? જો એ આવા સમાધિમાં હોય તો એમને ઉઠાડવા એ મહાન્ અનર્થ. જો તેમ ન હોય, અને આ કેવળ જ્વરનો કે કોઈ વ્યાધિનો પરિણામ હોય તે ઈશ્વરે મને આવે કાળે એમની સેવા કરવાને જ મોકલી ! – અને એમને જગાડવા એ જ મ્હારું કામ – તો હું શું કરું ?”
સરસ્વતીચંદ્ર મીંચેલી આંખે પલાંઠી વાળી બેસી રહ્યો હતો તેના સામી થોડે છેટે ઉઘાડી આંખે એને કુમુદ જોઈ રહી. પણ બોલ્યા ચાલ્યા વિના, હાલ્યા ચાલ્યા વિના, વિચારમાત્ર બંધ કરી, વિકારને વેગળા રાખી, એક ઢીંચણ ઉપર હાથની ક્હાણી રાખી અને એ હાથ ઉપર હડપચી ટેકવી, અનિમિષ એક ટશે સામા મુખમાં પોતાના સકલ અંતરાત્માનો યોગ કરી, ઉંડા સ્નેહ અને ઉચ્ચ અભિલાષની મૂર્તિ જેવી, તપસ્વિની બાળા પળે પળને યુગ ગણતી ગણતી, બેસી રહી.