સર્વોદય/૩.અદલ ન્યાય

વિકિસ્રોતમાંથી
← ૨.દોલતની નસો સર્વોદય
૩.અદલ ન્યાય
મોહનદાસ કરમચંદ ગાંધી
૪.ખરું શું ? →




૩.
અદલ ન્યાય


ઈસ્વી સન પૂર્વે કેટલાક સૈકા ઉપર એક યહૂદી વેપારી થઈ ગયો. તેનું નામ સૉલોમન હતું. તેણે ઘણો પૈસો મેળવ્યો હતો અને તે ઘણો પ્રખ્યાત થયો હતો. તેની કહેવતો આજ પણ યુરોપમાં ચાલી રહેલી છે. વેનીસના લોકો તેને એટલો ચહાતા કે તેઓએ વેનીસમાં તેનું બાવલું ઊભું કરેલું. જોકે એની કહેવતો આ જમાનામાં ગોખી રાખવામાં આવે છે, છતાં તે પ્રમાણે ચાલનારા બહુ થોડા આદમીઓ છે. તે કહે છે કે, 'જેઓ જૂઠું બોલીને પૈસો કમાય છે તેઓ મગરૂર છે ને તેઓના મોતની એ નિશાની છે.' વળી બીજી જ્ગ્યાએ તેણે કહ્યું છે કે, 'હરામખોરોની દોલત કંઈ ફાયદો કરતી નથી. સત્ય એ મોતમાંથી બચાવે છે.” આ બન્ને કહેવતોમાં સૉલોમને બતાવ્યું છે કે અન્યાયે મેળવેલી દોલતનું પરિણામ મોત છે. આ જમાનામાં જૂઠું અને અન્યાય એવી સરસ રીતે બોલવામાં તથા કરવામાં આવે છે કે આપણે સાધારણ રીતે તે કહી શકતા નથી. જેમકે જૂઠી જાહેરખબરો નાખવામાં આવે છે, વસ્તુઓની ઉપર માણસ ભોળવાય તેવાં નામ ચોંટાડવામાં આવે છે, વગેરે.

વળી તે ડાહ્યો માણસ કહે છે : 'જેઓ દોલત વધારવાને ખાતર ગરીબોને પીડે છે તે છેવટે ભીખ માગતા થશે.' વળી તે કહે છે : 'ગરીબોને સતાવો નહિ, કેમકે તેઓ ગરીબ છે. વેપારમાં પીડાયેલાની ઉપર જુલમ ન કરો, કેમકે જેઓ ગરીબને સતાવશે તેને ખુદા સતાવશે.' છતાં હાલ તો વેપારમાં મૂએલા ઉપર જ પાટુ મારવામાં આવે છે. જે માણસ ભીડમાં આવ્યો હોય તેનો લાભ લેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. ધાડપાડુઓ તવંગર ઉપર ધાડ પાડે છે. પણ વેપારમાં તો ગરીબોને લૂંટવામાં આવે છે.

વળી સૉલોમન કહે છે : 'તવંગર અને ગરીબ બન્ને સરખા છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓને જ્ઞાન આપે છે.' તવંગરને ગરીબ વિના ચાલતું નથી. એકબીજાનો ખપ હમેશાં રહેલો છે. એટલે કોઈ કોઈને ઊંચોનીચો કહી શકે તેવું નથી. પણ જ્યારે આ બન્ને પોતાનું એકસરખાપણું ભૂલી જાય છે ને ખુદા તેઓને સમજ દેનારો છે એ વાતનું ભાન જતું રહે છે, ત્યારે વિપરીત પરિણામ આવે છે.

દોલત એ નદીઓની માફક છે. નદી હમેશાં દરિયા તરફ એટલે નીચાણમાં જાય છે. તેમ દોલત પણ હમેશાં જ્યાં જરૂર હોય તેવી જગ્યાએ જવી જોઈએ એવો નિયમ છે. પણ જેમ નદીની ગતિમાં ફેરફાર થઈ શકે છે તેમ દોલતની ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે. ઘણી નદીઓ જ્યાં ત્યાં વહે છે ને તેની આસપાસ ઘણું પાણી હોઈ ઝેરી હવા પેદા થાય છે. તે જ નદીઓને બંધ બાંધી તેનું પાણી જ્યાં જરૂર જણાય ત્યાં વહે તેમ કરવામાં આવે તો તે જ પાણી જમીનને રસાળ કરે છે ને આસપાસની હવા સુંદર કરે છે. તેમ જ દોલતનો ગમે તેમ ઉપયોગ થાય તો તેથી માણસોમાં દુષ્ટતા વધે, ભૂખમરો ચાલે ને ટૂંકામાં તે દોલત ઝેર સમાન ગણાય. પણ જો તે જ દોલતની ગતિને બાંધવામાં આવે, તેને નિયમસર વાપરવામાં આવે, તો બાંધેલી નદીની જેમ તે દોલત સુખાકારી નિપજાવે છે.

અર્થશાસ્ત્રીઓ દોલતની ગતિ રોકવાનો નિયમ તદ્દન ભૂલી જાય છે. તેઓનું શાસ્ત્ર તે માત્ર દોલત મેળવવાનું શાસ્ત્ર છે. પણ દોલત તો ઘણી રીતે મેળવાય છે. એક જમાનો એવો હતો કે જ્યારે યુરોપમાં લોકો પૈસાદારને ઝેર આપી તેનો પૈસો લઈ પોતે પૈસાદાર થતા. આ જમાનામાં ગરીબ લોકોને સારુ જે ખોરાક તૈયાર કરવામાં આવે છે તેમાં વેપારીઓ ભેળવણી કરે છે. જેમકે દૂધમાં ટંકણખાર નાખે છે, આટામાં પટેટાં નાખે છે તેમ જ કૉફીમાં ચીકરી, માખણમાં ચરબી વગેરે. આ પણ ઝેર દઈને પૈસાદાર થવા જેવું છે. આને આપણે પૈસાદાર થવાનો હુન્નર અથવા તેવું શાસ્ત્ર કહીશું ?

પણ અર્થશાસ્ત્રીઓ લૂંટીને પૈસાદાર થવું તદ્દન કહેતા હોય એમ નહિ માનવું જોઈએ. તેઓએ કહેવું જોઈએ કે તેઓનું શાસ્ત્ર 'કાયદેસર અને ન્યાયી' રસ્તે પૈસાદાર થવું એ છે. ઘણી વસ્તુ કાયદેસર હોય છતાં ન્યાયબુદ્ધિથી ઊલટી હોય એવું આ જમાનામાં બને છે. એટલે ન્યાયની રીતે દોલત મેળવવી એ જ ખરો રસ્તો ગણાય. અને જો ન્યાયથી જ દોલત મેળવવી એ ખરું હોય તો માણસનું પ્રથમ કામ ન્યાયબુદ્ધિ શીખવાનું છે. માત્ર આપલેના કાયદાથી કામ લેવું કે વેપાર કરવો એટલું જ નથી. માછલાં, વરુ, ઉંદર એ જ રીતે રહે છે. મોટી માછલી નાની માછલીને ખાય છે, ઉંદર નાનાં જંતુઓને ખાય છે, વરુ માણસ સુધ્ધાંને ખાય છે. તેઓનો એ જ કાયદો છે; તેઓને બીજી સમજ નથી. પણ ખુદાએ માણસને સમજ આપી છે, ન્યાયબુદ્ધિ આપી છે. તેની રૂએ તેણે બીજાઓને ખાઈ જઈ – તેઓને છેતરી, તેઓને ભીખારી કરી પોતે પૈસાદાર થવાનું નથી.

ત્યારે આપણે હવે જોવાનું છે કે મજૂરોને મજૂરી આપવાનો ન્યાય તે શું ?

આપણે અગાઉ કહી ગયા કે મજૂરને વાજબી પગાર એ ગણાય કે જેટલી મજૂરી તેણે આજે આપણે સારુ કરી તેટલી મજૂરી આપણે તેને જોઈએ ત્યારે આપીએ, જો એને ઓછી મજૂરી મળે તો ઓછો, ને વધારે મજૂરી મળે તો વધારે બદલો.

એક માણસને મજૂર જોઈએ છે. તેને બે જણ પોતાની મજૂરી આપવા કહે છે. હવે જે ઓછું લે તેને મજૂરી આપી હોય તો તે માણસને ઓછું મળશે. જો વધારે માણસ માગનાર હોય ને મજૂર એક જ હોય તો તેને માગ્યું દામ મળશે ને તે મજૂરને જોઈએ તે કરતાં ઘણે ભાગે વધારે મજૂરી મળશે. આ બેઉના વચ્ચેની રકમ તે વાજબી મજૂરી ગણાશે.

મને કોઈ માણસ પૈસા ઉછીના આપે ને તે મારે અમુક મુદત પછી દેવાના હોય તો હું તે માણસને વ્યાજ આપીશ. તેમ જ આજે મને કોઈ પોતાની મજૂરી આપશે તો તે માણસને મારે તેટલી જ મજૂરી અને તેથી કંઈક વધારે વ્યાજ બદલ આપવું જોઈએ. આજે મારે સારુ કોઈ માણસ એક કલાક કામ કરે તો તેને સારુ મારે એક કલાક ને પાંચ મિનિટ કે તેથી વધારે કામ કરવાનું વચન આપવું જોઈએ. આમ દરેક મજૂરને વિષે સમજવું.

હવે જો મારી પાસે બે મજૂર આવે ને તેમાંથી એક જે ઓછું લે તેને હું કામે લગાડું તો પરિણામ એ આવશે કે, જેને મેં કામે લગાડ્યો તે અર્ધો ભૂખ્યો રહેશે ને રોજગાર વિના રહ્યો તે તો એમ જ રહેશે. જે મજૂરને હું રાખું તે મજૂરને બરોબર દહાડિયું આપું તોપણ બીજો મજૂર ધંધા વિના રહેશે. છતાં જેને મેં રાખ્યો છે તેને ભૂખે મરવાનું નહિ થાય. અને મેં મારા પૈસાનો વાજબી ઉપયોગ કર્યો ગણાશે. ખરેખરો ભૂખમરો જ્યારે દહાડિયું દેવામાં આવે ત્યારે જ દાખલ થાય છે. જો હું વાજબી મજૂરી આપું તો મારી પાસે નકામી દોલત એકઠી નહિ થાય, હું મોજમજામાં પૈસો નહિ વાપરું ને મારે હાથે ગરીબાઈ નહિ વધે. જેને હું વાજબી દામ આપીશ તે માણસ બીજાને વાજબી આપતાં શીખશે, ને એમ ન્યાયનો ઝરો સુકાઈ જવાને બદલે જેમ આગળ ચાલશે તેમ જોર લેશે. અને જે પ્રજામાં આ પ્રમાણે ન્યાયની બુદ્ધિ હશે તે પ્રજા સુખી થશે ને ઘટતી રીતે આબાદ થશે.

આ વિચાર પ્રમાણે અર્થશાસ્ત્રીઓ ખોટા પડે છે, તેઓ કહે છે કે જેમ હરીફાઈ વધે તેમ પ્રજા આબાદ થાય, હકીકતમાં આ વાત ભૂલભરેલી છે. હરીફાઈનો હેતુ મજૂરીનો દર ઘટાડવાનો છે. ત્યાં પૈસાદાર વધારે પૈસો એકઠો કરે છે ને ગરીબ વધારે ગરીબ થાય છે. આવી હરીફાઈથી છેવટે પ્રજાનો નાશ થવા સંભવ છે. આપલેનો કાયદો તો એ હોવો જોઈએ કે દરેક આણસને તેની લાયકાત મુજબ દહાડિયું મળ્યાં કરે. આમાં પણ હરીફાઈ રહેશે, છતાં પરિણામ એવું આવશે કે માણસો સુખી અને હોશિયાર થશે, કેમકે પછી તો મજૂરી મેળવવાને સારુ પોતાનો દર ઓછો કરવો પદશે એમ નથી. પણ કામ મેળવવાને સારુ હોશિયાર થવું પદશે. આવા જ કારણથી લોકો સરકારી નોકરી મેળવવા તૈયાર થાય છે, ત્યાં દરજ્જા પ્રમાણે દરમાયા બાંધેલા હોય છેવ. હરીફાઈ માત્ર હોશિયારી હોય છે. અરજદાર ઓછો પગાર લેવાનું નથી કહેતો, પણ પોતાનામાં બીજાના કરતાં વધારે ચાતુરી છે એમ બતાવે છે. નૌકાસૈન્યમાં અને સિપાઈની નોકરીમાં એવો જ નિયમ જાળવવામાં આવે છે, અને તેથી જ ઘણે ભાગે તેવાં ખાતાંઓમાં ગરબડ અને અનીતિ ઓછાં જોવામાં આવે છે. છતાં વેપારમાં જ ખોટી હરિફાઈ રહી છે અને તેનું પરિણામ દગો, લુચ્ચાઈ, ચોરી વગેરે અનીતિ વધી પડી છે. બીજી તરફથી, જે માલ તૈયાર થાય છે તે ખરાબ ને સડેલો હોય છે. વેપારી જાણે કે હું ખાઉં, મજૂર જાણે કે હું છેતરું ને ઘરાક જાણે કે હું વચમાંથી કમાઈ લઉં. આમ વહેવાર બગડે છે ને માણસોમાં ખટપટ ઊભી થાય છે, ભૂખમરો જામે છે, હડતાળો વધીઑ પડે છે, શાહુકાર લફંગા બને છે ને ઘરાકો નીતિ સાચવતા નથી. એક અન્યાયમાંથી બીજા ઘણા પેદા થાય છે ને અન્તે શાહુકાર, વાણોતર ને ઘરાક બધા દુઃખી થાય છે ને પાયમાલ થાય છે. જે પ્રજામાં આવા રિવાજ ચાલે છે તે પ્રજા અન્તે હેરાન થાય છે. પ્રજાનો પૈસો જ ઝેર થઈ પડે છે.

તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે પૈસો જ્યાં પરમેશ્વર છે ત્યાં ખરા પરમેશ્વરને કોઈ પૂજતું નથી. દોલત અને ખુદાને અણબનાવ છે. ગરીબના ઘરમાં જ ખુદા વસે છે. આમ અંગ્રેજી પ્રજા મોઢેથી બોલે છતાં વહેવારમાં પૈસાને સર્વોપરી પદ આપે છે, પ્રજાના પૈસાદાર માણસની ગણતરી કરી પ્રજાને સુખી માને છે ને અર્થશાસ્ત્રીઓ પૈસો જલદીથી કેમ કમાવો તેના કાયદા ઘડે છે કે જે શીખીને પ્રજા પૈસો મેળવે. ખરું અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્ધિનું છે, દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે તે જ સુખી થાય. બાકી તો ફાંફાં છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્ધિ શીખવવા જેવું છે.