લખાણ પર જાઓ

સર્વોદય/૪.ખરું શું ?

વિકિસ્રોતમાંથી
← ૩.અદલ ન્યાય સર્વોદય
૪.ખરું શું ?
મોહનદાસ કરમચંદ ગાંધી
૫.સારાંશ →




૪.
ખરું શું ?


ગયાં ત્રણ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે અર્થશાસ્ત્રના જે સાધારણ નિયમો ગણાય છેતે વાજબી નથી. તે નિયમો પ્રમાણે ચાલવાથી માણસો અને પ્રજા દુઃખી થાય છે, ગરીબ વધારે ગરીબ બને છે અને પૈસાદાર પાસે પૈસો વધારે એકઠો થાય છે; છતાં બેમાંથી એકે સુખી થતા કે રહેતા નથી.

અર્થશાસ્ત્રીઓ માનસોની વર્તણૂક ઉપર વિઅાર નહિ કરતાં જેમ પૈસો વધારે એકઠો થાય તેમ વધારે આબાદાની માને છે તેથી પ્રજાના સુખનો આધાર માત્ર પૈસા ઉપર રાખે છે. તેથી તેઓ શીખવે છે કે જેમ કારીગરી વગેરેના વધારાથી પૈસો એકઠો થાય તેમ સારું. આવા વિચારોના ફેલાવાથી ઇંગ્લંડમાં ને બીજા મુલકોમાં કારખાનાં વધી પડ્યાં છે, બહુ માણસો શહેરોમાં એકઠા થાય છે ને ખેતરો છોડી દે છે. બહારની સુંદર અને સ્વચ્છ હવા છોડી કારખાનાંઓમાં ગંદી હવા આખો દહાડો શ્વાસમાં લઈ સુખ માને છે. પરિણામે પ્રજા નબળી પડતી જાય છે, લોભ વધતો જાય છે, અનીતિ વધારે ફેલાય છે અને જ્યારે અનીતિ કાઢવાની વાત કરવા બેસીએ ત્યારે ડાહ્યામાં ખપતા માણસો વાત કરે છે કે અનીતિ જાય નહિ, અજ્ઞાની માણસોમાં એકદમ જ્ઞાન આવે નહિ, તેથી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. આવી દલીલ કરતાં તેઓ ભૂલી જાય છે કે ગરીબોની અનીતિનું કારણ તવંગર માણસો છે. તેઓને ખાતર – તેઓની મોજમજા પૂરી પાડવા ખાતર ગરીબ મજૂરો રાતદહાડો ગુલામગીરી કરે છે. તેઓને શીખવા કે સારું કરવા એક પળ મળતી નથી. તવંગરને જોઈ તેઓ પણ તવંગર થવા માગે છે. તવંગર નથી થવાતું તેથી તેઓ કચવાય છે, ગુસ્સે થાય છે. પછી ભાન ભૂલે છે ને છેવટે સારે રસ્તે પૈસો ન મળવાથી દગો કરી પૈસો મેળવવાનાં ફાંફાં મારે છે. આમ પૈસો અને મજૂરી બન્ને ફોગટ જાય છે અથવા દગો ફેલાવવામાં વપરાય છે.

હકીકતમાં ખરી મજૂરી એ કે જેથી ઉપયોગી વસ્તુ પેદા થાય. ઉપયોગી વસ્તુ એ કે જેથી માણસજાતનું ભરણપોષણ થાય. ભરણપોષણ એ કે જેથી માણસને જોઈતું ખાવાનું તથા ઓઢવા-પહેરવાનું મળે, કે જેથી તે નીતિને માર્ગે રહી જીવે ને જીવતાં લગી સત્કર્મો કરે. આવો વિચાર કરતાં, જે મહાન આરંભો થાય છે તે નકામા ગણવા જોઈએ. કારખાનાંઓ કાઢી ધનાઢ્ય થવાના રસ્તા લેવા તે પાપક્ર્મ જેવું થવા સંભવ છે. પૈસો પેદા કરનારા ઘણા મળે છે, પણ રીતસર વાપરનારા થોડા છે. પૈસો પેદા કરી તેથી પ્રજાનો નાશ થતો હોય તો એ પૈસો કામનો નથી. છતાં હાલના જે કરોડપતિઓ છે તેઓ મોટી અને અનીતિવાળી લડાઈઓનું કારણ થઈ પડ્યા છે. આ જમાનાની ઘણીખરી લડાઈઓનું કારણ પૈસાનો લોભ જોવામાં આવે છે.

માણસો એમ કહેતાં જોવામાં આવે છે કે બીજાઓને સુધારવા જ્ઞાન આપવું એ બનવા જેવું નથી; તેથી જેમ રહેવું ઘટે તેમ રહેવું ને પૈસો એકઠો કરવો. આમ કહેનારા પોતે નીતિ સાચવતા નથી. કેમકે જે માણસ નીતિ સાચવે છે ને લોભમાં પડતો નથી તે પ્રથમ તો પોતાનું મન કાયમ રાખે છે, પોતે ખરા રસ્તામાંથી ચસતો નથી ને પોતાનાં કર્મથી જ બીજાની ઉપર અસર કરે છે. જેની પ્રજા બની છે તેઓ પોતે નીતિના નિયનો ન જાળવે ત્યાં સુધી પ્રજા નીતિમાન કેમ થાય ? આપણે ગમેતેમ વરતી આપણા પડોશીની અનીતિને સારુ તેની ભૂલ કાઢીએ એથી સારું પરિણામ કેમ આવે ?

આવા વિચારો કરતાં આપણે જોઈ શકીએ છીએ કે પૈસો એ માત્ર સાધન છે, અને તે વડે સુખ તથા દુઃખ બન્ને મેળવાય છે. જો સારા માણસના હાથમાં તે આવે તો તેથી ખેતરો ખેડાય છે ને અનાજ પાકે છે. ખેડૂતો નિર્દોષ મજૂરી કરી સંતોષ પામે છે ને પ્રજા સુખી રહે છે. ખરાબ માણસોના હાથમાં આવવાથી તેમાંથી (ધારો કે) દારૂગોળા બને છે, માણસોનું સત્યાનાશ વળે છે. દારૂગોળો બનાવનારી પ્રજા અને જેની ઉપર તે વપરાય છે તે પ્રજા બન્ને હેરાન થાય છે.

એટલે આપણે જોઈ શકીએ છીએ કે ખરા માણસો એ જ ખરી દોલત છે. જે પ્રજામાં નીતિ છે તે પ્રજા દોલતવાન છે, આ જમાનો મોજમજાનો નથી. દરેક માણસે પોતાથી બનતી મહેનતમજૂરી કરવાની છે. આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા કે જ્યાં એક માણસ આળસુ રહે છે ત્યાં બીજાને બેવડી મજૂરી કરવી પડે છે. ઇંગ્લંડમાં જે ભૂખમરો વર્તે છે તેનું આ જ કારણ છે. કેટલાક માણસોના હાથમાં પૈસો એકઠો થવાથી તેઓ ઉપયોગી કામ કરતા નથી, તેમ કરવાથી તેઓને સારુ બીજા માણસોને મજૂરી કરવી પડે છે. આ મજૂરી ઉપયોગી નહિ હોવાથી મજૂરી કરનારને ફાયદો થતો નથી. તેમ થવાથી પ્રજાની મૂડીમાં ઘટાડો થાય છે. એટલે જોકે ઉપરથી એમ જણાય કે માણસોને કમ મળે છે, પણ અંદર તપાસતાં આપણને માલૂમ પડે છે કે ઘણા માણસોને નવરું બેસવું પડે છે. વળી અદેખાઈ પેદા થાય છે, અસંતોષનાં મૂળ બાઝે છે અને છેવટે પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર બંને પોતાની હદ છોડે છે. જેમ બિલાડી ઉંદર વચ્ચે સદાય અણબનાવ રહે છે તેમ પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર વચ્ચે વેરભાવ થાય છે અને માણસ તે માણસ મટી જાનવરની સ્થિતિએ પહોંચે છે.