સર્વોદય/૫.સારાંશ
← ૪.ખરું શું ? | સર્વોદય ૫.સારાંશ મોહનદાસ કરમચંદ ગાંધી |
૫.
સારાંશ
મહાન રસ્કિનના લખાણની મતલબ હવે અમે પૂરી કરી છે. આ લખાણ જોકે ઘણા વાંચનારને લૂખું જણાશે, છતાં જેઓએ વાંચ્યું છે તેઓને અમે ફરીથી વાંચવા ભલામણ કરીએ છીએ. 'ઇં. ઓ.'ના બધા વાંચનાર તેનો વિચાર કરી તે પ્રમાણે ચાલે એવી આશા રાખવી એ વધારે પડતું ગણાશે. પણ બહુ જૂજ વાંચનાર પણ જો તેનો અભ્યાસ કરી તેમાંથી સાર ખેંચશે તો અમારી મહેનત ફળી સમજીશું. કદાચ તેવું ન બને તોપણ રસ્કિનના છેલ્લા પ્રકરણ પ્રમાણે અમે અમારી ફરજ બજાવી ગયા તેમાં જ ફળનો સમાસ થયો, એટલે અમારે સદાય સંતોષ રહેવા જેવું છે.
રસ્કિને પોતાના ભાઈઓ – અંગ્રેજોને સારુ લખ્યું તે જો અંગ્રેજોને એક હિસ્સે લાગુ પડે છે તો હિંદીને હજાર હિસ્સે લાગુ પડે છે. હિંદુસ્તાનમાં નવા વિચારો ફેલાઈ રહ્યા છે. આજકાલના પશ્ચિમની કેળવણી પામેલા જુવાનોમાં જુસ્સો આવ્યો છે એ તો ઠીક વાત છે. પણ જુસ્સાનો ઉપયોગ સારો થાય તો સારું પરિણામ આવે, ને જો ખોટો ઉપયોગ થાય તો નબળું પરિણામ આવવું જ જોઈએ. 'સ્વરાજ્ય' મેળવવું એવો અવાજ એક કોરથી આવે છે. વિલાયતના જેવાં કારખાનાં કાઢી ઝપાટાભેર પૈસો એકઠો કરવો એવો અવાજ બીજી તરફથી આવે છે.
સ્વરાજ્ય શું છે તે આપણે ભાગ્યે જ સમજતા હોઈશું. નાતાલને સ્વરાજ્ય છે, છતાં અમે કહીએ છીએ કે નાતાલના જેવું આપણે કરવા માંગતા હોઈએ તો એ સ્વરાજ્ય નરકરાજ્ય જેવું છે. તેઓ કાફરોને કચરે છે, હિંદીને હણે છે. સ્વાર્થમાં આંધળા થઈને સ્વાર્થરાજ્ય ભોગવે છે. કદી કાફરો અને હિંદી નાતાલમાંથી જાય તો તેઓ માંહોમાંહે લડી સમાપ્ત થઈ જાય.
ત્યારે શું ટ્રાન્સવાલના જેવું સ્વરાજ્ય મેળવીશું ! જનરલ સ્મટ્સ તેઓના મુખીઓમાંના એક છે. તે પોતાના લખેલા કે બોલેલા બોલ પાળતા નથી. કહે છે કંઈ, કરે છે કંઈ. અંગ્રેજો તેનાથી કાયર થઈ ગયા છે. પૈસો બચાવવાને બહાને અંગ્રેજ સિપાઈઓની ચાલુ રોજી ઉપર તેણે પગ મૂક્યો છે ને તેની જગ્યાએ ડચને રાખે છે. અમે નથી માનતા કે તેમાંથી છેવટે ડચ પણ સુખી થાય. જેઓ સ્વાર્થની ઉપર નજર રાખે છે તે પારકી પ્રજાને લૂંટી પોતાની પ્રજાને લૂંટવા સહેજે તૈયાર થશે.
દુનિયાના બધા ભાગ ઉપર નજર કરતાં જોઈ શકીશું કે સ્વરાજ્યને નામે ઓળખાતું રાજ્ય પ્રજાની આબાદાની કે સુખને સારુ બસ નથી. એક સહેલો દાખલો લઈને તે સહેજે જોઈ શકાશે. લૂંટારુઓની ટોળીમાં સ્વરાજ્ય હશે તો પરિણામ શું આવશે તે બધા જોઈ શકશે. તેઓની ઉપર તો કોઈ લૂંટારુ નહિ એવા માણસોનો કાબૂ હશે તો જ તેઓ છેવટે સુખી થશે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લંડ એ બધાં મોટાં રાજ્યો છે. પણ તેઓ ખરાં સુખી છે એમ માનવાને કારણ નથી.
'સ્વરાજ્ય'નો ખરો અર્થ એ છે કે પોતાની ઉપર કાબૂ રાખતાં આવડવું. આમ તો તે જ માણસ કરી શકે જે પોતે નીતિ જાળવે છે; છેતરતો નથી; સત્ય છોડતો નથી; પોતાનાં માબાપ, પોતાની સ્ત્રી, પોતાનાં છોકરાં, પોતાના નોકર, પોતાના પડોશી, એ બધા તરફની ફરજ બજાવે છે. આ માણસ ગમે તે દેશમાં બેઠો સ્વરાજ્ય ભોગવે છે. જે પ્રજામાં એવા માણસો ઘણા હોય તેને સહેજે સ્વરાજ્ય છે.
એક પ્રજા બીજી ઉપર રાજ્ય ચલાવે તે સાધારણ રીતે ખોટું ગણાય. અંગ્રેજો આપણી ઉપર રાજ્ય કરે છે એ વિપરીત વાત છે, પણ અંગ્રેજો હિંદુસ્તાન છોડે તેથી હિન્દીએ કમાણી કરી એમ માનવાનું કારણ નથી.
તેઓ રાજ્ય કરે છે તેનું કારણ આપણે જ છીએ; તે કારણ આપણો કુસંપ, આપણી અનીતિ અને આપણું અજ્ઞાન એ છે. આ ત્રણ વસ્તુ દૂર થાય તો એક પાંખડી હલાવ્યા વિના અંગ્રેજો હિંદુસ્તાન છોડે એટલું જ નહિ, પણ આપણે ખરું સ્વરાજ્ય ભોગવતા થઈએ.
'બૉમ્બ' વછોડવાથી ઘણા ખુશી થતા જોવામાં આવે છે. આ માત્ર અજ્ઞાન અને અણસમજની નિશાની છે. બધા અંગ્રેજોને મારી શકાય તો જેઓ મારનારા છે તેઓ હિન્દુસ્તાનના ધણી થાય. એટલે હિન્દુસ્તાન રાંડીરાંડ રહે. અંગ્રેજને મારનારા બૉમ્બ અંગ્રેજ ગયા પછી હિન્દની ઉપર પડશે. ફ્રાન્સના પ્રજાસત્તાક રાજ્યના પ્રેસિડન્ટને મારનારો તે ફ્રેંચ જ હતો. અમેરિકાના પ્રેસિડન્ટ ક્લીવલૅન્ડને મારનાર તે અમેરિકન હતો. એટલે આપણને લાજમ છે કે ઉતાવળમાં વગર વિચારે પશ્ચિમની નકલ આંધળાપણે નથી કરવાની.
જેમ પાપકર્મથી - અંગ્રેજોને મારીને - ખરું સ્વરાજ્ય નહિ મેળવાય તેમ જ હિંદુસ્તાનમાં કારખાનાં ખોલવાથી પણ સ્વરાજ્ય નથી મળવાનું. સોનુંરૂપું એકઠું થશે તેથી કંઈ રાજ્ય નથી મળવાનું. આ વાત રસ્કિને આબેહૂબ સાબિત કરી આપી છે. યાદ રાખવાનું છે કે પશ્ચિમના સુધારાને માત્ર સો વર્ષ થયાં છે. ખરું જોતાં પચાસ ફ્ગણાય. તેટલામાં તો પશ્ચિમની પ્રજા વર્ણસંકર જેવી જોવામાં આવે છે. યુરોપની જુએ દશા છે તેવી હિંદુસ્તાનની કદી ન થજો એમ અમે માગીએ છીએ. યુરોપની પ્રજાઓ એક બીજાની ઉપર ટાંપીને બેઠી છે. માત્ર પોતાના દારૂગોળાની તૈયારીથી જ બધા ગુપચુપ છે. કોઈ વેળા જબરદસ્ત ભડકો થશે ત્યારે યુરોપમાં દોઝખ નજરે દેખાશે. યુરોપનું દરેક રાજ્ય કાળા માણસોને પોતાનો ભક્ષ ગણી બેસે છે. માત્ર પૈસાનો જ લોભ છે ત્યાં બીજું થવાનો સંભવ હોય નહિ. તેમને એક પણ મુલક જોવામાં આવે તો કાગડાની માફક તે મુલક ઉપર કૂદી પડે છે. આવું તેઓનાં કારખાનાંને લીધે છે એમ માનવાનાં કારણ છે.
છેવટમાં, હિન્દુસ્તાનને સ્વરાજ્ય મળો એ બધા હિન્દીનો અવાજ છે ને તે ખરો છે. પણ તે નીતિને રસ્તે મેળવવાનું છે. તે ખરું સ્વરાજ્ય હોવું જોઈએ. અને તે નાશ કરનારા ઇલાજોથી કે કારખાનાંઓ કરવાથી નહિ મળે. ઉદ્યમ જોઈએ, પણ તે ઉદ્યમ ખરે રસ્તે જોઈએ. હિન્દુસ્તાનની ભૂમિ તે એક વેળા સુવર્ણભૂમિ ગણાતી, કેમકે હિન્દી લોકો સુવર્ણરૂપે હતા. ભૂમિ તો તેની તે જ છે, પણ માણસો ફર્યાં છે એટલે તે ભૂમિ વેરાન જેવી થઈ ગઈ છે. તેને પાછી સુવર્ણ બનાવવાને આપણે સદ્ગુણો વડે સુવર્ણ થવાનું છે. તેનો પારસમણિ બે અક્ષરમાં, સમાયેલો છે અને તે 'સત્ય' છે. વાસ્તે જો દરેક હિન્દી 'સત્ય'નો જ આગ્રહ રાખશે તો હિંદુસ્તાનને ઘેર બેઠાં સ્વરાજ્ય આવશે.
આ રસ્કિનના લખાણનો સારાંશ છે.