સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત્તિ તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો

શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો

ભક્તિ વિના ભગવાન રીઝે નહીં
ભલે કોટિ કરે ઉપાય રે,
ગંગા સતી એમ રે બોલિયા, પાનબાઈ
આપદા ભક્તિ વિના નવ જાય રે ... સર્વ ઈતિહાસનો