સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧

વિકિસ્રોતમાંથી
સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૨ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



सासुवहुनी लढाई
પ્રકરણ ૧ લું

અમદાવાદ જીલ્લામાં મોડાસા કરીને નગરી હતી. હાલ પ્રાંતીજ પરગણામાં મોડાસા નામે મોટું ગામ છે તેજ એ નગર કે બીજું તે નક્કી કહી શકાતું નથી. મુસલમાની રાજ્યમાં તેમાં મામલતદાર રહેતો કેમકે તે ઘણું મોટું નગર હતું. ગામમાં ઉજળી વસ્તી બહુ હતી, ને વેપાર રોજગાર સારો હતો. સુમારે પચાસ ઘર વડનગરા નાગર બ્રાહ્મણનાં હતાં. તેમના વાસ ઉપરથી એક શેરીને નાગરવાડો કહેતા. એમનાં કેટલાંક ઘર સોનીવાડામાં પણ હતાં. નાગરવાડામાં એ જ્ઞાતિનો વીરેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો. એને ઘેર સંવત ૧૭૫૯માં એક કન્યા અવતરી. મુખના રૂપાળા ઘાટપરથી તેનું નામ સુંદર પાડ્યું. શુકલપક્ષનો ચંદ્ર જેમ દિવસે દિવસે વધે છે તેમ સુંદર મોટી થઈ. ચંદ્ર જેમ મોટો થતો જાય છે તેમ ખીલતો જાય છે તેમ ખીલતી ગઈ. એની ચામડીનો રંગ ગોરો હતો. માણસ જેને ખૂબ સુરતીનાં ચિન્હ ગણે છે તે સઘળાં નહીં તો ઘણાંખરાં તેનામાં હતાં. છઠ્ઠે વરસે સીતળા આવ્યા પણ તેથી એની કાન્તીને ખોડ ખાપણ આવી નહીં. સાતમે વરસે એનો વિવાહ કર્યો, ને નવમે વરસે પરણાવી.

એ છોડીને દેવનાગરી લીપીમાં વાંચતાં લખતાં આવડતું હતું. આદિત્યપાઠ (સંસ્કૃતમાં) મોઢે હતો. ગરબા અને ગીતો આવડતાં. એ એને એની માએ શિખવ્યું હતું. મા દીકરી કોઈ વાર ઘરમાં હીંચકે બેસી કાન ગોપીના કે માતાના ગરબા મીઠા સ્વરે ગાતાં ત્યારે પાડોશીઓ આનંદ પામતા, ને મધુર વાણી સાંભળનારા રસ્તે જનારા શોકીઓ બારણે ભેગા થઈ વખાણ કરતા. સુંદર બાળપણમાં ડાહી છોકરી ગણાતી. સ્વભાવે ઉદાર અને હીંમતવાન હતી. પોતાની પાસે કાંઈ ખાવાનું હોય તો મા ના કહે તથા ગાળો દે તોએ પોતાની સાથે રમવા આવેલી છોડીઓને થોડું થોડું આપી બાકી વધે તે પોતે ખાય. બીજાં છોકરાં જોયાં કરે ને પોતે કદી એકલી ખાય નહીં. સામી માને શિખામણ દે. દીકરી લાડકી હતી તેથી તેનું કહેવું મા બાપને ચરી પડતું. નાગરની છોકરી થઈ નાની વયથી પોતાનું ફુટડાપણું સાચવે, સવારમાં ઉઠી માથું હોળે, નાહેધોય ને મલિન ન રહે ને ચોખા વસ્ત્ર પહેરવાની ટેવ રાખે તેમાં કાંઈ નવાઈ નહીં. હતી તો ભીખારી બ્રાહ્મણની દીકરી પણ ખાવાની લાલચુ ને અકરાંતી નહોતી. કામ કરવું બહુ ગમતું હતું. કામકાજમાં સમજ પડે એટલું જ નહીં પણ જે સોપ્યું હોય તેમાં પોતાની ચતુરાઈ લગાવી સારૂં કરવાને મહેનત કરે. અગીઆર વરસની ઉમ્મરે રસોઈ કરવામાં વખણાતી. માની જોડે જજમાનમાં રાંધવા જાય ત્યાં ગોરાણીથી તેની દીકરી વધારે સરસ રાંધે છે એમ સહુ કહેતા. એનામાં જે અપલક્ષણ હતાં તેમાંનું એક એ હતું કે એને ઘરેણા પહેરવાનો અધિથી વધારે શોક હતો. નવા નવા આભુષણ કરાવવાને માબાપને વારે વારે કહે, ને એક કરાવી આપે કે બીજું માગે. એનો પાર કહાં આવે ! પોતાનો બાપ ધનવાન લોકની બરોબરી કરી શકે નહીં માટે ઘરમાં કંકાસ કરે. કોઈનુ દીઠું કે તેવું પોતાને જોઇએ. વળી એને વાતો કરવાનો અને સાંભળવાનો અતીશે ચડસ હતો. કુથલી કરવા બેસે ત્યારે થાકેજ નહીં. તમાકુ (તંબાકુ) ખાવાનુ ગંદુ વ્યસન એને નાનપણથી પડ્યું હતું, ને છીકણી (તપખીર) પણ છાનામાના સુંઘતી. સાસરેથી આણું આવવા સમે પાસે આવ્યો ત્યારે બહુ હરખાઈ. સાસરાના સુખ વિશે મનમાં અનેક વિચાર કરતી. સાસુજી બહુ લાડ લડાવશે, નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે, વરની માનીતી થઈશ, વર ઘણું કમાશે ને ઘણા ઘરેણા કરાવશે, સાસરે માલતી થાકીશ ત્યારે વળી થોડા દિવસ પીએર આવી રહીશ, વગેરે સુખી ધારણાઓથી એનુ મન પ્રસન્ન અને પ્રફુલિત રહેતું. પણ હાય હાય ! એના નિરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે ! સંસારના સંકટોથી તે હજી કેવળ અજાણી હતી.

એનો બાપ વીરેશ્વર અને મા શિવલખમી શાક્ત હતાં. સુંદર બાર વરસની થઈ ત્યાં સુધી એને આ વાતની પુરી ખબર નહોતી. એના ઘરમાં એ મતના માણસો રાતના દશ વાગ્યા પછી પુનમે પુનમે ભરાતાં, પણ તે વેળા એ હુંગેલી હોય, અથવા જાગતી હોયતો એની મા કહે આ બ્રાહ્મણો ચંદીપાઠ કરવા આવ્યો છે, વગેરે કહી વહેલી જમાડી સુવાડી દે. એનું કારણ એક નાના છઇઆના પેટમાં વાત રહેતી નથી, ને આ વાત તદ્દન છાની રાખવાની જરૂર હતી. વામ માર્ગીઓની સંખ્યા તે કાળે હાલના જેટલી મોટી નહોતી તેથી તેઓ ઉઘાડા પડવાને ઘણા ડરતા હતા. આ રાજમાં એ પંથને ઘણું અનુકુળ પડે છે, ને તેથી દિવસે દિવસે એનો પ્રસાર થતો જાય છે. તે સમે એ ઉપર લોકને હાલના જેટલી રૂચી નહોતી. વીરેશ્વર અને શિવલખમી નૈષ્ઠિક હતાં. તેઓના મનનો નિશ્ચે હતો કે આદશક્તિ વિના બીજું કોઈ આ સંસારનું સુખ અને મુવે મોક્ષ આપી શકે તેવું નહોતું. એ માટે પોતાની દીકરી સમજણી થઈ એટલે દિક્ષા અપાવી. ચૌદ વરસની થઈ એટલે તેને સાસરે રાખી, ને ત્યારથી એની દૂરદશાનો આરંભ થયો. તેનો ધણી હરિનંદ જાતે છેક નઠારા સ્વભાવનો નહોતો. એ વખતે તેની વય ૧૯ વરસની હતી. રૂપે રંગે સારો હતો, અને ચાર પૈસા કમાતો થયો હતો. જજમાનોની દાન દક્ષણા ઉપરજ તે વેળાના વેદીઆ આધાર રાખી બેસી રહેતા નહીં. હાલના નાગર ગૃસ્થો કરતાં તે સમેના ગૃસ્થો બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા વધારે રાખતા. ને દ્રવ્ય વધારે આપતા ને રાંધવા વગેરેનું કામ વધારે કરાવતા, પણ તેમના આપેલા વડે ભીક્ષુકોનો નિર્વાહ થાય તેવું નહતું, માટે વેદાભ્યાસ, અને શાસ્ત્ર ભણવાં છોડી ધંધો રોજગાર કરવો પડતો હતો. એમ કેટલેક દરજે નાગરોથી બ્રાહ્મણ સ્વતંત્ર હતા, તથાપિ તેઓ હાલના જેવા ગર્વિષ્ટ નહતા. તેઓ નાગરોને ઘટતું માન આપતા. હાલ જેમ એ બંનેમાં ઈર્ષા, અને દ્વેષ ચાલે છે, તેમ તે કાળે નહતા. નાગરો બ્રાહ્મણોને તે દહાડે પણ સરકારી નોકરી કે રાજકારભારમાં દાખલ કરતા નહીં, પણ બીજો ઉદ્યોગ કરવાને હરકત નહતી. હરિનંદ કોઈ ડોશીવાણીઆની દુકાને વાણોતર હતો. એ બ્રાહ્મણ જાણી જોઈને અન્યાય કરે એવો નહોતો, પણ કોઈ ચડાવેતો ચડી જાય, ને ખરું ખોટું શોધી કાઢવાની દરકાર રાખ્યા વિના કોપી જાય. એક વાર ક્રોધમાં આવ્યો કે જંગલી બની જતો, આડું અવળું કાંઈ જુવે નહીં. હોળીની લઢાઈઓમાં આગેવાન થતો ને હીમ્મતથી લઢતો, પણ કુડ કપટમાં સમજતો નહીં. નાતમાં જમવા જાય ત્યાં બશેર ઘીનું માથું ભાગે, ને બીજે દિવસે સવારમાં પાંચ મણ લાકડાં ચીરે, ને સાંજરે પાશેર ખીચડી ખાય કે વખતે નકોરડોએ ખેંચી કહાડે.

એના બાપનું નામ રમાનંદ હતું. એનુ ઘરમાં જરાએ ચલણ નહોતું, એની સત્તા સૂન્ય હતી. એ મહારાજા સવાર સાંજ બે વાર ભાંગ પી ચકચુર રહે, ને વૈહેતીઆ પોતડી પહેરી સારો દિવસ એટલે કે બારીએ બેઠા વાતના તડાકા મારે. બ્રહ્મઅક્ષર એકે આવડે નહીં, પણ તપખીર સુંઘવે, ને ભોજન કરવે શૂરા હતા. છીકણી સુંઘતાં એનાં નાશકોરાં એટલાં પોહોળાં થઈ ગયાં હતા કે તેથી છોકરાં બીતાં હતાં. એના એક એક નાશકોરામાં ભાર તપખીર માતી. એ ખાનારો કહેવો જબરો હતો તેનો સુમાર આપણે એ ઉપરથી બાંધી શકીએ કે, એક વખત મોડાસાના દેશાઇએ એની નાત જમાડી તે દહાડે કંસાર ઉપર છૂટાં ઘીને ખાંડ પીરસી. કેટલાક માણસો નાતમાં ખાય છે તેની જોડે ચોરે છે, એ જેમ હાલ છે તેમ તે સમે પણ હતું. એવી ચોરી પકડવાને દેશાઇએ આસપાસ સિપાઈ રાખ્યા હતા. નાત જમી ઉઠી ને રમાનંદ જેવા બહાર જાય છે તેવા સિપાઇએ ઝાલ્યા. હો હો થઈ ગઈ, શું છે શું છે એમ કહેતા બ્રાહ્મણોનું ટોળું વળ્યું. એક બે સિપાઈ બીજા ન આવી પહોંચ્યા હોત તો જેણે રમાનંદને પકડડ્યો. હતો તેને ભટો મણની પાંચશેરી કરત, ને છઇયાની કંઠી કાપતો હતો એવું બુતાનુ તેને શીર મુકત. રમાનંદ કહે મારા ચંબુમાં ઘી નથી, પાણી છે; સિપાઈ કહે નહીં ઘી છે, લાવ દેખાડ. શોર બકોર સાંભળી દેશાઈ આવી પહોંચ્યા, ને પુછ્યું શું છે. સિપાઈ કહે એના ચંબુમાં ઘી છે. રમાનંદ કે જુવો આ પાણી છે, લો હું પી જાઉછું, એમ કહી ચંબુ મોડે માંડ્યો તે જરા વારમાં ત્રણ શેર ઘીનો ભરેલો ખાલી કર્યો. ભર્યા પેટમાં એટલું ઘી માય નહીં એમ કહેશો નહીં, આજે પણ બ્રાહ્મણોમાં એવા માણસ છે. એક બ્રાહ્મણને હું ઓળખું છું, જેણે નાતમાં જમી આવીને એક રૂપીઆની છશેર બરફી, આદુ કે મીઠાની ગાંગડી જોડે લીધા વિના થોડા વરસ પર ખાધી હતી. તે શરત બકેલો રૂપીઓ ખસોટે ખોસી ઘેર ગયો. બીજે દહાડે તેને મુરછી બરછી કાંઈ થઈ નહીં. રમાનંદ જમવામાં એવો વકોદર, વાતો કરવામાં ચપળ, ને નાતમાં કાંઈક વજનદાર હતો, તોએ ઘરમાં ધણીઆણી કે છોકરી આગળ કાંઈ ચાલતું નહીં. શિખામણ દેવા કે ડહાપણ કરવા જાય કે ઝાપટી પાણીથી પાતળો કરી નાંખે. એ તરફનો ખેદ મનમાંથી દૂર કરવાને તે ઘણી ભાંગ પીતો હશે. એ ધારતો કે મારે બે દીકરા ને એક દીકરી છે. એ ત્રણે પરણેલાં છે. મોટાં થયાં છે ને સુખી છે, ત્યારે મારે તેમથી ભાંજગડમાં શાને પડવું જોઇએ. એમ વિચારી સંતોષ માની ઘરમાં જે થાય તે જોયા કરતો.

એના વડાપુત્રનું નામ વીજીઆનંદ હતું. હરિનંદમાં ને તેમાં એટલો ફેર હતો કે તે જરાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવો હતો. વીજીઆનંદના મનમાં એની માની ને બેનની ચાલ વિશે શક હતો તેથી તેમના કહેવા પર ભરોશો રાખતો નહીં, ને હરિનંદની પેઠે ભરમાતો નહીં. તે પણ મીજાશી ઘણો હતો. માને વહુ - લઢતાં હોય તો વખતે કહેશે છો રાંડો વઢીમરતાં, ને વખતે બંનેને ધમકાવે ને ટપલા લગાવે.

એની મા અનપુણા ને બેન કમળા બંને ઘણાં હારૂના બઈરાં ગણાતાં. કમળાનાં સાસુ સસરો મરી ગયાં હતાં, અને વર નબળા મનનો હતો, તેથી સાસરે કોઈ પુછનાર મળે નહીં, ને પીએર લાડકી હતી, માટે સ્વછંદે વર્તવામાં હરકત પડતી નહીં. એવું પણ કહેવાય છે કે કોઈવાર રાત્રે મરદના લુગડાં પહેરી બાહાર નિકળતી. સારી સ્ત્રીઓમાં લાજ, શરમ, વિવેક, ને નરમાસ હોય છે, તે તેનામાં નહોતાં. અનપુણા બાહાર લોકમાં તો સભ્ય, ભલી, ને જેના બોલવાના ડહાપણનો પાર નહીં, એવી હતી, પણ ઘરમાં કઠોર, નિરદય અને જુલમી હતી. તે એમ સમજતી કે વહુવારુઓ દાશીઓ છે, તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી. પોતે પોતાની સાસુ તરફથી બહુ દુખ વેઠ્યું હતું, તેથી તે જ્ઞાની ન થતાં ઉલટી દુષ્ટ થઈ હતી. સાસુ મરી ગઈ ત્યારે લોકને દેખાડવાને રોઈને કુટ્યું, પણ મનમાં ઘણી ખુશી થઈ, ને પોતાના મનને કહ્યું હવે મને ગાદી મળી છે, જો હવે હું કહેવું રાજ ચલાવું છું.