સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ ૧ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૨
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૩ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.પ્રકરણ ૨ જું

વડસાસુ ગત થયાં તેવારે સુંદર ૧૫ વરસની હતી, ને તેની જેઠાણીચંદા ૧૭ વરસની હતી. એ ચંદા બહુ રૂપાળી નહોતી, પણ તેને બદલે તેનામાં સ્ત્રી ચરિત્રો ઘણાં હતાં. એના જેવો ઠમકો ને લટકો, એનુ મંદ મંદ હસવું, ને મીઠું ઝીણા સ્વરે બોલવું થોડીજ નાગરીઓને આવડતું, તો બીજી જાતની સ્ત્રીઓને તો ક્યાંથી આવડે. એના આચરણ ભુડાં હતા. અનેક તરેહના ઢોંગ અને તરકટ એને આવડતા. એને એક કણબેણ બેન હતી તેનાથી એ બધું શિખી હતી. સાસુની કે નણંદની બોલી જરાએ સાંખે નહીં, રોકડા જવાબ પકડાવી દે. વર તરફથી જુલમ ન થાય, તથા તેના મનમાં દયા ભાવ ઉપજે માટે, અને બહુ કામ કરાવે ત્યારે, જુઠી જુઠી માંદી થાય. સાસુ લડે કે પાધરી મોહોવાળવા બેસે, અથવા ગળામાં ફાંસો નાંખે કે કુવામાં પડવા જાય; હાથે કરી ને મરે એવી ખરી નહોતી, પણ પોતાની સખી કણબણ એને કહેતી કે એવો ઢોંગ નહીં કરે તો સંખણી સાસુ જરાએ જંપીને બેસવા નહીં દે. એની એક બેનપણી સોનારણ હતી તે કહે અલી તારા દીલમાં ભૂત આવ્યાનો બુટ્ટો ઉઠાવ, તે વધારે ઠીક પડશે. દોશી (વડસાસુ) ભૂત થયાં છે એવી વાત ચલાવ. ધુણવું, દાંત ભીડવા, આંખો લાલ કિરવી, વગેરે ભૂત આવ્યું છે એવું બતાવવાને લુચ્ચી બાઇડીઓ જે કરે છે તે બધું કરવાને ચંદાગવરીને શિખવ્યું. એવું કરી જે પીડાથી જેઠાણી ઉગરી તે પીડા બીચારી દેરાણી ઉપર બમણા જોસાથી આવી પડી.

જેઠાણી સુંદરને પોતાની પેઠે કરવાને સલાહ આપે, પણ તેમ કરવાની તે ના કહે. સુંદર કહેશે જેટલું દુખ ભોગવવું મારા કરમમાં લખ્યું હશે તે કરોડ ઉપાય કરે મટવાનું નથી, માતાજીએ જે ધાર્યું હશે તે થશે, સાસુ નણંદ જેટલાં મેણાં મારે તેટલાં સાંભળ્યા કરે, સામો ઉત્તર જ ન આપે. તેમની પાસે જઈ બેસે નહીં ને જરૂર વગર તેમની જોડે બોલે પણ નહીં; તેઓ આ ઓરડામાં બેઠાં હોય તો પોતે બીજા ઓરડામાં જઈને બેસે. પણ કહેવત છે કે ભલાની દુનિયાં નથી. એ જેમ લઢાઈ ટંટાથી દૂર રહેવાને યત્ન કરે તેમ પેલી કલંટ લુચ્ચીઓ એના ઉપર વધારે પડતાલ પાડે. ઘણુ ખરું જેઠાણી તો માંદી થઈને કે ભૂત આવેલી સુખે સુઈ રહે, મા દીકરી વાતોના તડાકા માર્યા કરે ને રાંધવા સિવાય બાકીનો સઘળો ધંધો બાપડી સુંદરને માથે નાખે. ખારા પાણીનો કુવો ઘરમાં હતો, પણ મીઠું પાણી વેગળેથી લાવવું પડતું; ચુલા અબોટ કરવાં, વાસણ માંજવાં, વાસીદા વાળવા, લુગડાં ધોવાં, દળવું, ખાંડવું, આદિ સર્વ કામ સકોમાર સુંદરની કને કરાવે. કરાવે તો ધુળ નાંખી, પણ કર્યા પછી જસને ઠેકાણે જુતીયાં આપે. આ કર્યું તે નઠારું કર્યું, તારી મા એવી ને તારો બાપ એવો, મોઢાનો દાથરો આખો દહાડો ચઢેલો ને ચઢેલો, મારી મોટી વહુ તો સારી કે જે હોય તે મોઢે કહીદે, એના પેટમાં પાણી નહીં, એતો ભોળી, પણ આ નાની વહુ તો મહા કપટી, જેની પેટની વાત કોઈ જાણે નહીં, એ ખરેખરી ધુતારી, એના બાપનો પૈસો આપણે શા કામનો, એની પાસે કામ કરાવીએ તેનાથી હાથે કરીએ તે ઠીક, હઈયાતોડ કરતાં હાથતોડ સારી, બળ્યું એનુ મોહ, એમ ફડફડ ને બડ બડ કર્યા કરે. સુંદર આંખ આડા કાન કરે, જાણે બહેરી હોયને. પોતાના ધણીનો પ્રેમ સંપાદન કરવાને મહેનત કરે; તેની મરજી રાખે, સેવા ચાકરી કરે, તેનુ વચન ઉથાપે નહીં, વગેરે બને તે રીતે તેનુ મન રાજી ને રંજન કરવાની કોશીશ કરે. એની મહેનત મીથ્યા કરવાને દુષ્ટ સાસુ કસર રાખતી નહીં. હરિનંદ ઉપર માનો દાબ જબર હતો. તે એવી યુક્તિથી એના કાન એની વહુની નિંદાથી ભરે કે તેના મનમાં વેર ઉત્પન્ન થાય. માંહેનો ભેદ સમજી જાય એટલા હરિનંદમાં રામ નહોતા. મા બેનની વાતો સાંભળી સાંભળી એનું રદય છેક કઠણ થઈ ગયું, ને બીચારી સુંદર ઉપર જુલમ કરવામાં તે પુરો સામીલ થઈ ગયો. મહિનામાં એક બે વાર તો ટપલા, તમાચા, લાત વગેરેથી પૂજા કરેજ કરે, ને ગાળો તો હાલતાં ચાલતાં ભાંડે. ચંડાળ સાસુ એને પુરૂં ખાવા ન આપે, ન આપે અથાણું કે શાક, ને નિત્ય તાહઢું ખવરાવે. વારે વારે પીએર કહાડી મુકે. સુંદરની જેઠાણીને પણ એક બે વાર ઘરેણુંગાંડું ઉતારી લઈ કહાડી મેલેલી, પણ તેના ભાઈઓ ને મામા એવા વઢનારા જબરદસ્ત હતા કે આવી મોહોલો ગજાવી મુકે, ગાળે ગાળે ધોઈ નાંખે, ને આખા ગામમાં વગોણું કરે. સુંદરની વારે ચડે એવું કોઈ નહતું. ઘણું થાય ત્યારે પીએર જઈ માની સામે બેસી રૂવે ને મા જોડે રોવા લાગે. એમ રોવાનું ઠેકાણું પણ થોડે વખતે બંધ થયું. એનાં મા ને બાપ છ-છ મહિનાને અંતરે મરી ગયાં, ને સુંદર કેવળ નિરાધાર થઈ ગઈ. નમાઈ ને નબાપી થઈ તોએ એની ક્રૂર સાસુ, નણંદ, અને ઊંટ જેવા વરના મનમાં દયા ન આવી. તો પણ એ જુવાનને ભલી સ્ત્રી નિરાશ થઈ નહીં. અગાઉ કરતાં તેણે વધારે હિમ્મત બતાડી, ને સાસુ નણંદના ભાલા જેવા વેણના ઉત્તર આપવાની હામ ચલાવી. ધણીને તેણીએ કહ્યું કે હું કાંઈ તમારી વેચાતી લાવેલી લુંડી નથી કે તમારી ગાળો ને તમારો માર સાંખી રહું. મારા મા બાપ બીચારાં સ્વર્ગવાશી થયાં છે તેથી તમે ને પરમેશ્વર વિના બીજું કોઈ મારે માથે રક્ષણ કરનાર નથી. એની મીઠી દીનવાણી, એના કાલાવાલા, એના ઠોક, એનાં આંસુ, એનાં માથા કુટવાં એ કસાથી એ બળદીઆના, એ ગધેડાના કઠોર હઈઆપર તલમાત્ર અસર થઈ નહીં. એક દહાડો મેડીપર સાસુ વહુ ચોખા વીણતાં હતાં, ને નણંદ પાનની પીચકારી મારતાં હીંચકા ખાતી હતી. એવામાં કાંઈ વાદ ચાલ્યો, ને વાદપરથી સાસુ વહુ સેજ ચરવડી પડ્યાં, એટલામાં હરિનંદ આવી પહોંચ્યો. તેને તેની બેને કહ્યું ભાઈ હુતો હવે આ ઘરમાં પગ નહીં મુકુ; તારી વહુ મારી માના સામુ તડ તડ બોલે, સામુ બોલે તો છો બોલતી, પણ ગાળો દે તે મારાથી સંભળાય નહીં, તુંતે ભાયડો છે ? કે કાંચળી પહેરીને બેઠો છે ? ભાભીએ તને વશીકરણ કર્યું છે કે શું ? એ સાંભળતાંજ ભાઈના દીલમાં આવેશ આવ્યો. ગાળો શી ભાંડી તે જુવો. સાસુ જોડે વાતમાં પ્રસંગ આવેથી સુંદરે પોતાના માબાપ વિષે કહ્યું કે તે બીચારાં સ્વર્ગે ગયાં હવે તેમને શાને નિંદોછો. સાસુ કહે હા તો એવા મુવા પાપીને સ્વર્ગમાં લેવાને બેસી રહ્યા છે, કોણ જાણે ક્યાં નરકમાં સડતાં હશે. સુંદરે જવાબ વાળ્યો કે પોતાનાને કહીએ પારકાને શાને કહો છો. મારાં માબાપનાં જેવા ભલા ને ધર્મી આજ કોણ છે લાવોને ! એ સાંભળતાં ભુડી અનપુણાનુ મહો પાર વગરનું ગંધાવા લાગ્યું, ને ખીલી મસ. હરિનંદે તજવીજ બજવીજ કર્યા વિના સુંદર ઉપર ધસી બે ત્રણ લાપટો ઝાડી કહ્યું રાંડ તું મારી માને ગાળો દેનારી ! સુંદર લાજ કરી કહે જરા ધીરા પડો, શી ગાળો ભાંડી તેતો પુછો, મને રાંડ માં કહેશો, લો મારી નાંખો પણ એ ગાળ ન દેશો. એમ તાતા સીદ થઈ ગયા. લો હું મારે હેઠાં જાઉ છું; (સંભળાય નહીં તેમ બોલી) એની સોડમાં બેસી તાઢા પડો. હરિનંદ પાછળ જઈ કહે હ રાંડ શું બોલી ફરી બોલ મેં સાંભળ્યું નહીં. એમ કહી બળ કરી ધક્કો માર્યો તે સુંદર સીડીએથી ગબડી પડી. ગબડી પડી પણ ત્રણમાંથી એકે નીચે જઈ જોયું નહીં કે તેને વાગ્યું કે કેમ. સુંદરનો બરડો કુટાઈ ગયો, ને માથું ફૂટ્યું. બે ઘડી બેભાન પડી રહી, ને શુદ્ધિ આવે ઉઠી પોતાના ઓરડામાં જઈ સુતી. રાત્રે કોઈએ વાળુ કરવા બોલાવી નહીં રમાનંદે પૂછ્યું, આજ કેમ સુંદર વહુ જણાતાં નથી ક્યાં ગયાં છે. એટલું બોલ્યો કે તે બાપડાના ઉપર અનપુણા વેણ રૂપી ભાલાથી ટુટી પડી. હજાર ઠોક પડ્યા ને નહીં કહેવાનું કહ્યું. રમાનંદ પંડ્યાએ એકેનો ઉતર :આપ્યો નહીં. નીચે માથે વિયાળુ કરી ઉઠી ગયો. એ એવો દેવ ભોળો હતો કે બારીએ પોતાને થાનકે જઈ બેસી એક એક નસકોરામાં એક એક ચીપટો તપખીરનો ભર્યો એટલે પોતાની બાયડીના કડવા મેહણાની અસર મન પરથી જતી રહી.