સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ ૨ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૩
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૪ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.પ્રકરણ ૩ જું

સુંદરને દાદરેથી હડસેલી પાડી, તેનું માથું ફુટ્યું, ને બે ઘડીએ શુદ્ધિ આવી, તોએ કોઈએ ચાંગળું પાણી પીવાનું આપ્યું નહીં, ને તેની ભણી નજર સરખીએ કરી નહીં, એ વાત તેની જેઠાણીએ બીજે દિવસે પોતાને પીએર જઈ કરી, ને ત્યાંથી આખી નાતમાં ફેલાઈ ગઈ. હરિનંદના સાથીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. એક કહે પંડ્યાજીએ તો વાઘ માર્યા; બીજો કહે પંડ્યા કહેતો ખરો બચ્ચાં શા પ્રાક્રમ કર્યા. એક જુંગો સાત લાડુનો ઘરાક હતો તે કહે બેટાજી મને સીડીએથી હડસેલી પાડે તો બતલાવું, આ તારા મોઢામાના બત્રી દાંતમાંના કેટલા પોતાની જગાએ રહે છે તે ત્યારે ખબર પડે. હરિનંદે હસીને ધડલઈને તેને ધોલ ચોડ્યો. જુગાએ તેની ફેંટ પકડી ઉચક્યો; બીજા વચમાં પડ્યા તેથી જવા દીધો, નહીં તો પટક્યા વગર રહેત નહીં.

એ ટોળીમાંના ઘણાક વહી ગએલા ગણાતા. હાલના જુવાની જેમ સોડાવાટર, લેમોનેડ, પોર્ટવાઈન, ને બ્રાંડી પીએ છે, ને બિસકિટ ને પાંઉ ખાય છે, તેમ તે કાળના છોકરા ગાંજો પીતા, અરબલ લોકના બુંદ ખાનામાં બુંદ પીવા જતા, ને નાનખટાઈ ને ભઠીઆરાના રોટલા વગેરે ખાતા. હરિવંદના જુંગાને પુલાવ બહુ ભાવતો. એમાંના એકનું નામ કુબેરભટ હતું. તે તળાવના મહાદેવના દેહેરામાં ભંગડખાનુ રાખતો. દહાડે કચેરી બહાર જઈ બેસી લોકની અરજીઓ લખી આપે, ને સાંજના ભાંગ પીવા આવનારાને પૈસાની બે લોટી લેખે માયા પાય. પોતે લીલી ઘોડી (ભાંગરૂપી) પર ચડ્યા હોય તે વેળા છાંટ મારવામાં ચતુર હતા ને તેથી જ્ઞાની ને ડાહ્યામાં ખપતા.

એ ટોળીમાં કેટલાક સારા આદમીઓ પણ હતા. એમાંના એકનું નામ ગંગાશંકર ત્રવાડી હતું. તેણે ચાર દહાડા વચમાં જવા દઈને હરિનંદને એકાંત બેસાડી ઘણી શિખામણ દીધી. નાતમાં કેટલાક બઈઅર મારૂ હતા તેમની વાત કહાડી ને તેમના જંગલીપણાના કેવાં માઠાં ફળ થયાં છે તે સમજાવ્યાં. કકુભાઈ અને મોટાજી નામે મોડાસામાં બાયડીને મારવામાં બદનામ પામેલાની વાત કહી. એ બંનેમાં કાંઈક સગપણ હતું. બંનેના સ્વભાવ જુદા હતા, ફક્ત બે વાતે મળતા, વહુને મારવી ને વ્યભિચાર કરવો એ બે ભુડાં કામમાં તેઓ સરખા હતા. એમની સ્ત્રીઓ માર ખાધે જરા સુધરી નહોતી, ઉલટી બગડી હતી; તેમને માર ખાધાથી લાજ લાગતી નહોતી, ને શાની લાગે; રોજનું થયું એટલે નફટ થઈ ગઈ હતી. એક તો મોટી મોટી માતેલી ભેંશ જેવી જાડી થઈ હતી, ને કાંઈ કાંઈ જાતના ફતવા કરતાં શિખી હતી. કકુ ને મોટો મળે ત્યારે બડાઈ મારે, એક કહે હું મરદ ને બીજો કહે હું મરદ, એક દિવસે શરત બકીકે જોઈએ આજ વધારે કોણ મારે છે. પોતાનો આ બુરો મમત અમલમાં લાવી શક્યા નહીં કેમકે એક પાડોશીના જાણવામાં એ વાત આવી. તે એમના કર્મોથી કંટાળી ગયો હતો. તેણે જઈ એ બીના ગામના હાકેમને જાહેર કરીને સારા આબરૂદાર સાક્ષીઓ આપ્યા, તે પરથી તે બંને દુષ્ટોને એક એક મહિનો હેડમાં ઘાલી રાખ્યા, ને સો રૂપીઆ દંડ આપ્યો ત્યારે છુટ્યા. છોડતી વેળા હાકેમે તેમને સારી શિખામણ દીધી. તેણે કહ્યું જુવો અમારી નજરમાં બધી રઈએત સરખી છે. અમારે મરદ, ઓરત, ને બચ્ચાં, સરવેનું રક્ષણ કરવું જોઈએ. પુરુષ જેમ ફરીઆદ કરી શકે તેમ સ્ત્રી પણ કરી શકે ને છોકરા પણ કરી શકે. અમારા તમારા ધર્મમાં ધણી ને બાયડી ઉપર, અને માબાપને છોકરાં ઉપર, કેટલોક અધિકાર આપ્યો છે, તે ઉપરાંત જે વાવરે તેને સજા કરવાનો પાદશાહનો હુકમ છે.” કોઈ આદમી પોતાની વહુને કે છોકરાને મારી નાંખે તો તેને ગરદન મારીએ; મારી ન નાંખે પણ વગર કારણે અમરીઆદ પીડા કરે તો એ તેને શિક્ષા કરીએ છીએ. સ્ત્રીને પરમેશ્વરે સરજાવી છે, ને તેને સ્વર્ગ નર્ક છે. તેનો વાંક હોય ને તે સુધરે નહીં તો જુદી રાખો પણ એમ જંગલી રીતે પશુ જેવી ગણો તે નહીં ગણવા દઈએ. જાઓ આ વખત થોડો ડંડ થયો છે, બીજીવાર પકડાશો તો ભારે સાસન થશે.

ગંગાશંકરે હરિનંદને કહ્યું હું તમને ડરાવવાને નથી કહેતો પણ ચેતાવવાને કહું છું, કે ફરીથી એવું ન થાય તો સારૂ. તેં તેને દાદરેથી પાડી નાખી ને તેનું માથું ફુટ્યું. એ વાત કચેરીમાં ગઈ તો પછી તમારી શી વલે થાશે, તેનો વિચારે નહીં કર્યો હોય. તારી મા ને બેન તે સમે ત્યાં હતાં તેમને સાહેદી પુરવા બોલાવે તો શું કરો ? એ સાંભળી હરિનંદના મનમાં ભય ઉત્પન્ન થયું તે તેના ચેરા પરથી જણાયું. એનો લાભ લઈને ગંગાશંકરે તેને સુધારવાને વધારે પ્રયત્ન કર્યું. માનો ઉપકાર છોકરા ઉપર કેટલો બધો છે, ને માની સેવા ચાકરી કરવી, સહાયતા આપવી, માયાહત રાખવાં એ છોકરાંનો ધર્મ છે તે કબુલ કરી યુક્તિથી સમજ પાડી કે એ બધાને હદ છે. માની આજ્ઞા ખોટી, દુષ્ટ, કે ગેરવાજબી હોય તો ના પાળવી, કેમકે માનાથી પરમેશ્વર મોટો છે, ને તેની આજ્ઞા પાળવાને માણસ વધારે મોટા બંધનમાં છે. તમે અન્યાય, જુલમ, ક્રૂરપણું, ને જે જે બીજા અપરાધ કરશો તેનો જવાબ તમારી પાસેથી પરમેશ્વર લેશે, તમારી મા બેનને નહીં પૂછે; તેની શિક્ષા તમને કરશે તમારી માને કે બેનને નહીં કરે. જે કરશે તે ભોગવશે. તમને બુદ્ધિ આપી છે તે શાને સારૂ આપી છે ? હું તો મિત્ર જાણીને કહું છું, માઠું ન લગાડશો હરિનંદભાઈ.

હરિનંદ કહે ખરૂં કહો છો. મારા હિતની વાત છે.

ગંગાશંકર તેનું મન જરા વળેલું જોઈ બોલ્યો કે ધણી ધણીઆણીના સંબંધ વિષે વિચાર કરશો તો બહુ ફાયદો થશે. મારા મનમાં જેટલું છે તેટલું સઘળું કહું તો આખી રાત જાય. માનાં કામ તે મા કરે, ને વહુનાં કામ તે વહુ કરે, બંનેને સમતોલ રાખવાં એમાં ખરૂં પુરૂષાર્થ છે. વહુ જેમ માણસ છે, તેમ મા પણ માણસ છે; વહુ જેમ ભુલે તેમ મા પણ ભુલે. મા વાહાલમાં વેર કરે છે તેના દાખલા કહો એટલો આપું. માનાં કરતાં બાયડીએ વધારે પ્રેમ અને નિષ્ઠા રાખેલાં એવું ઘણીવાર બન્યું છે; એનાં એક બે ઉદાહરણ કહું છું. હઠીસિંહ કરીને એક આદમી અમદાવાદથી કમાવાને અજમીર ગયો. ગયા કેડે ચાર વરસે તેનો કાગળ તેને ઘેર આવ્યો કે પ્રભુની મેહેરથી અહીં લીલા લહેર થઈ છે, માટે ઘરનાં ત્રણે માણસ અહીં આવજો. એ ત્રણ માણસમાં એની સ્ત્રી ઉજમ, છોકરો જેસંઘ ને છોકરાની બાએડી હીરા હતાં.

સામાન લાધવાનું એક ઘોડું લઈ તેઓ હરખભર્યા નિકળ્યાં. માર્ગમાં આબુની નજીકના એક ગામની ધર્મશાળામાં એક સાંજના મુકામ કર્યો. ત્યાં બીજા વટેમાર્ગુ ઉતર્યા હતા તેમાં એક કાસદ હતો. તે બીજા મુસાફર જોડે વાત કરતો હતો કે અલ્યા ભાઈ હું માઠા સમાચાર લઈને અમદાવાદ જાઉં છું. અમારા શહેરમાં હઠીસિંહ વેપારી હતો. થોડાં વરસ થયાં આવ્યો હતો પણ તેટલામાં ચાર પૈશા જોડ્યા. એની નાતનાં ઘર ચાલીશેક છે તેથી ત્યાંજ ઘર માંડી રહેવાનો મનસુબો કર્યો. મજાનું ઘર બાંધ્યું, લાબશીની નાત જમાડીને અમદાવાદથી બાયડી છોકરાંને બોલાવવાનો કાગળ લખ્યો. બાપડો આવ્યો હોત તો નક્કી લખેશરી થાત. બહુ ભલો હતો. સાખ બહુ સારી પડી હતી. અસત્ય વાણી એના મુખમાંથી નિકળી કોઈએ જાણી નથી. પણ રામ રામ ! કાળે એક ક્ષણમાં ઝડપી લીધો. સહેજ તાવ આવ્યો ને મુઝારો થઈ ગયો. ઘણાંએ ઓસડ કર્યા પણ કાંઈ વળ્યું નહીં બે દિવસમાં પ્રાણ ગયો. એના મુનીમનો આ પત્ર એના દીકરા જેસંઘને આલવા જાઉં છું. સાથીએ કહ્યું ભાઈ આ દેહનો ભરૂસો કરી શકાય નહીં જેસંઘે આમાંના કેટલાક બોલ સાંભળ્યા. પોતાનું ને પોતાના બાપનું નામ સાંભળી મનમાં સંધે આવ્યો કે એ મારો કાગળ હશે, તે પરથી મોઢું ઉતરી ગયું. કાસદ પાસે જઈને બેઠો. પાઘડીમાંથી અફીણ કહાડી પૂછ્યું ઠાકોર લેશો ? કાસદે પૂછ્યું તમે કયાં જશો ? જેસંઘ કહે ભાઈ અમે તો અમદાવાદના નિસર્યા અજમેર જઈએ છીએ, મારા બાપ હઠીસિંહ ત્યાં રહે છે તેમણે તેડાવ્યા છે. કાસદે તેનું નામ પુછ્યું, ને અમદાવાદમાં ઠામ ઠેકાણું પુછ્યું. પછી નિશાસો મુકી પોતાની પોટલીમાંથી કાગળ કહાડી કહ્યું જુવોને આ તમારો છે. જેસંઘે પોતાનું સરનામું વાંચી કહ્યું હા એ મારો છે. તે વાંચતા વાંચતાં તેની આંખોમાંથી જળની ધારા વહેવા લાગી; એ માઠા સમાચાર માને કહી ત્રણે જણ (મા દીકરો ને વહુ) ઘણું રોયાં, માથાં કુટ્યાં ને કલ્પાંત કર્યું. બીજા લોકે સમજાવી ધીરાં પાડ્યાં ને નવરાવ્યાં; ખીચડી મુકી ખાવાનું સહુએ બહુ કહ્યું, પણ તે ન માની રાત્રે ભુખ્યાં પડી રહ્યાં. કાગળમાં મુનીમ દયારામે જેસંઘને લખ્યું હતું કે તમે ઉતાવળે આવી દહાડો પાણી કરી તમારી માલ મીલકત તમારા સ્વાધિનમાં લો. માટે મળશકે એમણે ચાલવા માંડ્યું. પેલો કાસદ પણ એમની જોડે પાછો વળ્યો, ને માર્ગમાં હઠીસિંહની ચઢતીકળા, તેની આબરૂ, તેની દોલત, ને તેના અકાળ મૃત્યુની વાતો કરી એ દુઃખી કુટુંબનું મન મનાવતો. શીરોઈથી એક મજલે રાતવાસો રહેવાનું ગામ હતું ત્યાં જળવજળ દહાડો રહેતાં આવી પહોંચ્યાં. ગામની વચમાં ધર્મશાળા હતી ત્યાં ઉતર્યા. જેસંઘ સીધું લેવા ગયો ને કાસદને થડમાં કુવો હતો ત્યાં પાણી ભરવા મોકલ્યો. એવામાં ગામમાં વાઘ આવ્યાની બુમ પડી ને દોડા દોડ થઈ રહી. ધર્મશાળામાં ઘણું માણસ આવી ભરાયું; મા છોકરાંને ઘાંટો કહાડે, છોકરાં મા બાપને બોલાવે, ઢોર ધશ્યાં આવે, ને જે ગભરાટ થયો તે કહ્યો ન જાય. કોઈ માણસ ઝાડે ચઢી ગયા, કોઈ પોતાના કે પારકા ઘરમાં ભરાયા, ને કોઈ નાઠા સીમાડામાં. ખરે એક મોટો પણ ઘાયલ થયેલો વાઘ ગામમાં ફાળ મારતો પેઠો ને ધર્મશાળા આગળ થઈ ચૌટાની વાટે ગામ બહાર બીજી ગમ નિકળી ગયો. તેની કેડે શીરોઈના પાટવીકુંવર શીકારી હાથી ઉપર બેસી ધશ્યો આવતો હતો. ગામથી ગાઉએકને અંતરે તેણે વાઘને પકડી પાડ્યો ને ગોળી મારી જમીનદોસ્ત કર્યો. જંગલમાં ડુંગરની બખોલોમાં તે સુતો હતો ત્યાં તેને કુંવરે ગોળી મારી જખમી કર્યો હતો, પણ નિશાન ચુકી ગયાથી ગોળી બરાબર વાગી નહોતી. વાઘ નાઠો ગામ તરફ આવ્યો ને કુંવર તેની પાછળ હાથીને દોટ મુકાવતો હતો. હાથી છેક નજીક આવી પહોંચ્યો, ને બચવાનો લાગ કાંઈ જણાયો નહીં ત્યારે નાસતાં ઊભો રહી વાઘ સામો થયો, અને હાથીના કુંભસ્થળ ઉપર છલંગ મારી. માવતે તેની ફાળ પોતાના ભાલા ઉપર ઝીલી. તેજ ક્ષણે ભાલો ભાંગી ગયો ને વાઘ ને માવત બંને હેઠે પડ્યા. બીજી ફાળ મારે તેના પહેલાં રાજકુંવરે ગોળીએથી તેનું મગજ ફોડ્યું અને પ્રાણ લીધા.

રાજકુંવરે ગામમાં આવી મુકામ કર્યો ને મારેલા વાઘનું મડદું દેખાડી લોકનો ઘભરાટ મટાડી દીધો. સવાર થતાં તેઓ શીરોઈ સીધાવ્યા.

સુધ ઠેકાણે આવતાં ગામમાંથી કેટલાંક આદમી ખોવાએલાં માલમ પડ્યાં તેમાં જેસંઘ પણ હતો. અંધારી રાત, અને અજાણ્યું ગામ, તેમાં એની મા ને વહુ શોધવા ક્યાં જાય ? એક મોટું દુખ હતું તેમાં આ બીજી આફત આવી પડી. બંને રોવા લાગી. એવામાં કાસદ તો આવ્યો. તેણે ધીરજ આપી ને કહ્યું હું ઝાડે ચઢી બેઠો હતો તેમ જેસંઘશેઠ પણ કોઈ ઠેકાણે ભરાઈ રહ્યા હશે તે હવડાં આવશે. આખી રાત ચિંતામાં અને ઉદાસીમાં કહાડી ને વહાણ વાયું પણ જેસંઘ આવ્યો નહીં. વહુને સામન સંભાળવા ધર્મશાળામાં મુકીને એની સાસુ તથા કાસદ તેની ખોળ કરવા નિકળ્યાં. ગામની આસપાસ ફર્યા પછી તળાવને કાંઠે જઈને બેઠાં. ત્યાં કાસદે બાઈને સમજાવી કે તારા ધણીનું ઘણું ધન છે. તે તું વહેલી કબજે નહીં કરે તો મુનીમ ને વાણોતરા ચોરી જશે. કેવા કિંમતી ને સુંદર લુગડાં ને દાગીના તેને સારૂ લીધા હતા તે કહી બતાવ્યા. રોકડ નાણું પુષ્કળ છે. તે ઉપરાંત વેપારીઓને ધીરેલું છે તે પણ ઓછું નથી. કમનસીબથી મુનીમ અને વાણોતરો સારા માણસ નથી, ને અજમીરનો રાજા અતિ લોભી ને લાંચીઓ છે. તારા ધણીની દોલતમાંથી એ ગુમાસતા તેને કાંઈ ભાગ આપશે, ને બાકીનું પોતે ઉડાવશે. પછી તારી ફરીઆદ કોઈએ સાંભળવાનું નથી, માટે અહીં ખોટી રહેવું ઠીક નથી. આ ગામના મુખીને કહી જઈએ કે જેસંઘની ખોળ કરે ને જડે ત્યારે અજમીર મોકલી દે. પચીસ પચાસનું ઈનામ આપવું કહીશું તો બેશક તેને મુકી જશે. તેણે બે કલાક યુક્તિથી સમજાવી બાઈનું મન ફેરવું, ને ત્યાં ઠરાવ કરી ઉઠ્યાં કે આજ બપોર કેડે ચાલવા માંડવું. મુકામે આવી સાસુએ વહુને કહ્યું છઇઓ કાંઈ માલમ પડતો નથી, બીજે ગામ જઈ ચડ્યો હશે. મેં મુખી પટેલને પચાસ રૂપીઆ ઇનામ આપવા કર્યા છે તે તારા વરને શોધી કાઢી અજમેર મુકી જશે. આપણે આજ ચાલવા માંડીશું. વહુએ ચોખી ના પાડી કે હું એમને મેલી નહીં આવું. તેપર સાસુ તેને લઢી પણ વહુ ડગી નહીં, ત્યારે તે બીચારીને ત્યાં રખડતી મુકી કાસદ ને સાસુ ગયાં.

વહુતો પોકે પોકે મેલી રોય. “ઓ અનાથના ધણી, નીરબળને આશરો આપનારા, દીનદયાળ પ્રભુ મને સહાય થા. અરે મહારાજ મારું અહીં કોઈ નથી. હું અબળા જાતી ને જુવાનીમાં છું. મારી લાજ રાખનાર તમે છો, મારૂં હવે શું થશે. ઓ મારી માડી મેંતો આવું દુઃખ જનમમાં દીઠું નથી. એમ પરમેશ્વરને તથા માબાપને સંભારે. એનું રૂદન સાંભળી લોકનું ટોળું વળ્યું. તેમાંના કેટલાકને ઘણી દયા આવી. તેમણે એને છાની રાખીને સહલા આપી કે તું શીરોઈ જા, ને તારો સ્વામી ખોવાયો છે તે રાજાને જાહેર કરે તે ગામે ગામ ખોળ કરાવશે. વાધે માર્યો હોતતો ક્યારનીએ ખબર આવી હોત. તારો વર ભુલો પડ્યો જણાય છે, પણ જીવતો છે એમાં શક નથી. ગામના લોકે ગાડું કરી આપ્યું ને મુખીએ એક રાવણીઓ આપ્યો.

શીરોઈ જઈ રાવણીઆ જોડે પાધરી દરબારમાં ગઈને રડવા લાગી. કારભારી કે રાજા જોડે કોઈ દિવસે જેણે વાત કરી નથી તેને પ્રથમ બોલાવું કઠણ પડે છે, તે સાથે આતો સ્ત્રી ને વળી આવી આફતમાં. સાંજ પડી હતી, ને રાજાને આરતી થતી હતી તે વેળા તે જઈ પહોંચી. કારભારીના પુછવા પરથી રાવણીઆએ બધી હકીગત કહી. કારભારીએ રાજાને કહી. એ વેળા પાટવી કુંવર પણ પોતાના બાપની કને બેઠો હતો. રાજા ને કુંવર બંને ઘણા ભલા ને દયાળુ હતા. તેમણે એને દરબારને ઉતારે મોકલી, ચાકરી કરવાને એક બાયડી, અને એક માણસ એના સ્વાધીનમાં કર્યાં, સીધું ચાલતું કર્યું, તથા તેજ વખતે પોતાનાં સઘળાં ગામોમાં એના ધણીની ખોળ કરવા આદમી દોડાવ્યા.

બીજે દિવસે એમાંનો એક આદમી ખબર લાવ્યો કે વાઘના ભોથી નાસતાં વેવર ગામના પાદરપર એક ઊંડા ખાડામાં એ જેસંઘ અંધારાને લીધે પડી ગયો ને તેથી જમણા પગનો નળો ભાંગી ગયો. આખી રાત બુમો પાડી. મોટા પરોઢીઆમાં ખેતરમાં જનારા લોકે તેનો સાદ સાંભળ્યો, ને ખાડામાંથી કહાડી ખાટલા ઉપર સુવાડી ગામમાં લાવ્યા. એક રબારીએ હાડકાં બેસાડ્યાં ને મલમપટા કર્યા છે, પણ ટાંટીઓ બહુ સુજ્યો છે, ને તાવ મસ આવ્યો છે. રાજાએ ડોળી મોકલી, તેમાં તેને સુવાડી શીરોઈમાં આણ્યો. બે માસ મંદવાડ ભોગવ્યો ને ખાટલે રહ્યો. એની વહુએ બહુ જ સારી ચાકરી કરી. જો કે તે આ વખતે ન હોત તો એ ભાગ્યે સાજો થાત.

કરાર થયાથી અજમેર જવાને જેસંઘ રાજાની રજા લેવા ગયો. રાજાએ ખુશી થઈને શરપાવ આપ્યો; એની સ્ત્રીના સદગુણ વખાણ્યા, ને કહ્યું તમારી મા એમ ચાલી ગઈ તે ઠીક નહીં કર્યું. જેસંઘ બોલ્યો મહારાજ ખરી જરૂર જણઈ હશે તેમાં ગઈ હશે; મારા વિના તેને બીજું કોઈ નથી માટે મારા લાભને સારૂજ તેણીએ ઉતાવળ કરી હશે. ગ્રંથમાં કહ્યું છે કે कुपुत्रोजायते कचिदपिकुमाता न भवति. રાજા કહે વારૂ ભલે, સંભાળીને જજો ને હેમ ખેમના પત્ર લખજો.

અજમેર જઈને જુવે છે તો શું દીઠું? એની માએ ત્યાં જઈને કહ્યું કે છોકરાને રસ્તામાં વાઘે માર્યો, ને વહુવારૂને ઉટાંટીયું આવ્યું તેથી તે પણ મરી ગઈ.” બહુ રોઈને બહુ કુટ્યું, સઘળાને તેના પર અતિશે કરૂણા ઉપજી કે રે શો ગજબ બાઈ પર ગુજાર્યો છે, ધણી મરી ગયો, દીકરો માર્યો ગયો, ને તેની વહુએ ગત થઈ. એક મહિનામાં ઘરનાં ત્રણ માણસ ગયાં ! અરે પ્રભુ ! એ શો જુલમ ! એના ધણીનો દહાડો પાણી મુનીમે કર્યો હતો, ને છોકરાનો તથા વહુનો એણે કર્યો. પછી નવી બંધાવેલી હવેલી વીસ હજારે વેચી, ને રોકડ તથા દાગીના મળી સીતેર હજારનો માલ લઈ પેલા કાસદને જોડે લેઈ જોધપુર જવા નીકળી. ધણીનો વણજ વેપાર બંધ પડ્યો, વાણોતરોને રજા આપી ને ચાલતી થઈ. કહે અમદાવાદમાં મારે કાંઈ સગા નથી, ને મારો મામો જોધપુરમાં શરાફ છે તેથી તેને ઘેર જઈ રહીશ. એ વાત સર્વે ખરી માની. જેસંઘને અને તેની બાયડીને જોઈ લોક અચરજ પામ્યા, ને કેટલાક હપતા સુધી એને ઢોંગી ધુતારો ગણ્યો. પણ તેણે બરોબર નિશાનીઓ પુરી, ને માથી વીજોગ પડવાની વાતના શીરોઈથી કાગળ મંગાવ્યા ત્યારે એના બાપના મિત્રોએ એની વાત ખરી માની.

જેસંઘની મા કાસદ જોડે નીકળી ગઈ એ વાતનો કોઈને સંધે રહ્યો નહીં. આખા શહેરમાં એ વાત ફેલાઈ ગઈ. શેરીએ શેરીએ ને ઘેરે ઘેર એની એ વાત ચાલે, ને સર્વે તે દુષ્ટ માનો ધિક્કાર કરે. જેસંઘે રાજાની મદદ લેવાને એક માસ સુધી દરબારમાં ફેરા ખાધા પણ કાંઈ વળ્યું નહીં. ત્યાં રૂપીઆ વગર કાંઈ કામ થતું નહીં. દેવડીએ બેસનાર સિપાઈથી તે રાજા સુધી દરેકને આલવાનું જેની કને હોય તેની ફરીઆદ સંભળાય. પછી દીવાનને ઘેર અથડાયો, ને થાક્યો ત્યારે બાયડીને પોતાના પિતાના મુનીમના કુટુંબમાં મુકી જયપુર ગયો. એની માએ જોધપુર જાઉં છું એમ કહ્યું હતું, પણ તજવીજ કરતાં તે વાત એને ખોટી માલમ પડી. જેનું ગાડું તેણીએ ભાડે કર્યું હતું તેનાથી એને ખબર પડી કે તે અને કાસદ બંને જયપુરમાં જઈ રહ્યાં છે.

કાસદનું ઠામ ઠેકાણું જયપુરમાં શોધી કહાડ્યું. એની જનેતા બારીએ ઉભી હતી તેને એણે જોઈ. ને તેણીએ એને જોયો. તે પાધરી ઘરમાં ભરાઈ ગઈ, ને કાસદે બારણું વાસી દીધું. જેસંઘ ત્યાં ઉભો ન રહેતાં પાધરો પોતાને મુકામે ગયો. એ રાંડે કાસદને સમજાવ્યો કે તું જેસંઘેને મારી નાંખ નહીં તો એ આપણો કેડો છોડનાર નથી. એને કાંઈ ફાંદામાં લઈને વીખ દે, અથવા ખંજરથી એના પ્રાણ લે; પછી આપણે ઉદેપોર જઈ રહીએ.

જેસંઘના મનમાં પણ આવ્યું કે એવી અવસ્થામાં આવેલા આદમી ઘોર કર્મ કરતાં ડરતા નથી માટે તે કાસદથી વેગળો ને વેગળો રહેતો હતો. બે સિપાઈ પોતાના રક્ષણને પણ રાખ્યા હતા. છાનામાના એ બીના ત્યાંના રાજાને કાને જાય ને કાસદ ઓચિંતો પકડાઈ જાય એવી તજવીજ તે કરતો હતો.

મોટા શાહુકારો ઉપર એ ભલામણના કાગળ લાવ્યો હતો તેમને મળ્યો. તેમણે એને જણાવ્યું કે એ નગરનો રાજા નઠારો છે, ન્યાય એટલે શું તેનું તેને ભાન નથી, લોકને મારી ઝુડીને નાણું લેવું એટલું સમજે છે. કારભારીએ લાંચીઓ છે, જે વધારે પૈસા આપે તેનું કામ કરી આપે છે, તેથી એ કાસદ વધારે આપશે તો તારું કાંઈ નહીં ચાલે ને ઉલટો માર્યો જઈશ. એ સાંભળી નાઉમેદીથી બીચારા જેસંઘના નેત્રમાંથી દડદડ આંસુ પડ્યાં. એના બાપનો આડતીઓ હતો તેણે એને એક યુક્તિ બતાવી. તેણે કહ્યું રાજાએ હાલ એક ગુણકા રાખી છે. તેનું ચલણ છે; તેને જો તમે મળો તો કામ થાય.

એ ગુણકાને કેમ મળાય તેની તપાસ કરતાં માલમ પડ્યું કે તેને કવિતા ભણાવનાર એક કાણો કવિ નામે રૂદેરામ છે, ને તે કવિની પોળમાં રહે છે, ને તેની મારફતે ગુણકા સાથે મીલાપ થાય છે. જેસંઘ એ કવિને ઘેર ગયો. રૂદેરામે પોતાના રૂ ૫૦૦) ની પરઠણ કરી ગુણકાની મુલાકાત કરાવી આપી. જેસંગે ગુણકા આગળ પોતાની બધી વાત માંડીને કહી ને વિનંતી કરી કે રાજા એકદમ એ કાસદને ઓચિંતો પકડી લે ને એના ઘર પર ચોકી બેસાડે ને મારો બધો માલ, લુગડાં, ઝવેર, ને રોકડ મને અપાવે. ગુણકા કહે ઠીક છે એમ કરાવી આપું પણ પ્રથમ રોકડા એક હજાર લાવો, ને માલ હાથ આવે ત્યારે બીજા બે હજાર મને આપવા, ને પાંચ હજાર રાજાને આપવા કબુલ કરો, જેસંગે ઉત્તર દીધો કે હાલ મારી પાસે એક કોડીએ નથી, પણ મારો માલ પકડાશે તેમાંથી લેજો. ગુણકા કહે રૂ. ૫00 તો રાજાને અરજ કરતી વેળા મારે આપવા પડશે, ને બસે ત્રણસે આસપાસના માણસોમાં વેરવા જોઈએ. જેસંઘે કરગરીને કહ્યું બાઈસાહેબ મુજ ગરીબ પર દયા કરો, જે પહેલું ખરચ થાય તે આપ મારી વતી કરો, હું તે વાળી આપીશ, ને સો રૂપીઆ ઉપર આપીશ. ગુણકાએ તેમ કરવાની હા કહી. પછી જેસંઘ રોજ તેને ઘેર જાય.

આ વાતનો કાંઈક અણસારો કાસદના જાણવામાં આવ્યો હતો. તે કારભારીને મળ્યો, ને એક હજારની સોનાની કિંઠી તેના હાથમાં મુકીને બોલ્યો કે સાહેબ આ ગામનો એક જેસંઘ નામે વાણીઓ મારા પર તરકટ કરી મને ખરાબ કરવાનો ઈરાદો કરે છે. માટે હું તો તમારે શરણે આવ્યો છું. દીવાન કહે ફિકર નહીં કર સંકટ પડે તેવારે ખબર કરાવજે.

જેસંઘને ગુણકા જોડે વાતચીત થયા પછી આઠમે દહાડે વહાણુંવાતાં રાજાના સિપાઈઓએ કાસદનું ઘર ઘેરી લીધું; કાસદને તથા જેસંઘની માને બંધીખાને નાંખ્યાં, ને ઘરમાંથી સર્વસ્વ લઈ જઈ કામદારખાનામાં મુક્યું. બધું મળીને સાઠેક હજારની મતા હાથ લાગી.

કાસદના કોઈ મીત્રે એ ખબર કારભારીને કરી. બારપર ત્રણ વાગે દરબારમાં જઇને યુક્તિથી રાજા આગળ કાસદની વાત કહાડી, તે પરથી રાજાએ તેને ગુણકાનો કહેલો હેવાલ સંભળાવ્યો. આશ્ચર્ય પામ્યો હોય તેવું મુખ કરી નમંતાઈથી દિવાન બોલ્યો કે મારા જાણવામાંતો એથી તદન ઉલટી વાત આવી છે. લોકમાં વાત ચાલે છે કે એ જેસંઘ મોટો કપટી લુચ્ચો સખ્સ છે, ને એણે ગરીબ કાસદને મારવાને નરદમ તુત ઉઠાવ્યું છે. એ બાપડાનો ભાઈ મારે ઘેર છાતી કુટતો આવ્યો ને આપને નજર કરવાને આ હીરાની અંગુઠી આપી. એની કીમત ભારે છે. વળી તેણે કહ્યું છે કે કાસદ છૂટે ને પોતાનો માલ પાછો પામે તો તેમાંથી સાત હજારના દાગીના આપને ભેટ કરે. રાજા ખુશી થયો ને કહ્યું કાલે એને મારી હજુરમાં બોલાવી એની વાત સાંભળી મોકળો કરીશ.

આ વાતની ખબર ગુણકાને પડતાંજ તેણે જેસંઘ જોડે મનસુબો કર્યો. જેસંઘ જોડે બે હજાર રૂપીઆ તેજ રાત્રે કારભારીને મકોલ્યા, ને પોતે રૂ ૧૧૦૦૦) લઈ રાજાને મેહેલ ગઈ. એમાંના એક હજાર રાજાના છડીદાર, ચોપદાર, મશકરા તથા બીજા સોબતીઓમાં વહેંચ્યા, ને દશ હજાર રાજાને આપી તેનું વચન લીધું કે કાસદને પાંચ હજાર રૂપીઆ ડંડ, ને એક વરસ કેદની સજા કરીશ, તથા જેસંઘની માનું નાક કાપી ગામ બહાર કહાડી મુકીશ, તથા સઘળો માલ જેસંઘને આપીશ.

બીજે દિવસે સવારના ૧૧ કલાકે રાજા કચેરીમાં આવી આસને બેઠો. કાસદ, જેસંઘની મા અને જેસંઘને બોલાવ્યાં. કારભારી પણ નોકરીમાં હાજર હતો. તેણે રાજાને કહ્યું મહારાજ મેં આપને કાલે વાત કહી હતી તે ખોટી પડી. આ કાસદ ને આ રંડીના જેવાં દુષ્ટ જગતમાં બીજાં નહીં હશે. રાજા કહે ખરું એ ચંડાળોને એનાં ખોટાં કરમને યોગ્ય શિક્ષા કરીશ. હે ચંડાળો તમારે શું કહેવાનું છે ? કાસદ ને બાઈ બોલ્યાં કે મહારાજ તમે પ્રભુ છો, માબાપ છો અમે વગર વાંકે માર્યા જઈએ છીએ. આ બધું અમારા દુશમનનું તરકટ છે. રાજા કહે નહીં નહીં તમે જુઠાં છો. બોલ જેસંઘ તારો પુરાવો શો છે. તે વેળા જેસંઘે અજમેરના મોટા વેપારીઓના કાગળ રજુ કર્યા, ને ત્યાંના બે શાવકાર જયપુરમાં પોતાને કાંઈ કામે આવ્યા હતા તેમની શાક્ષી અપાવી. રાજાએ પહેલેથી ઠેરવ્યા પ્રમાણે કાસદને સજા કરી, સ્ત્રીનું નાક વાઢવાનો હુકમ કર્યો, ને જેસંઘના સ્વાધિનમાં જપત કરેલો સઘળો માલ આપ્યો. જેસંઘે કરગરી પડી હાથ જોડી અરજ કરી કે મહારાજ મારી માતાનું નાક ન કપાવો તો હું તમને એક હજાર રૂપીઆ એની ગુનેગારીના આપું. રાજાએ તે વાત કબુલ કરી. પછી જેસંઘ માને લઈને અજમેર આવ્યો. તેર હજાર કાસદ લઈ ગયો હતો તેમાંથી તમામ ખરચ વગેરે કરતાં વીશ હજાર જેસંઘને હાથ આવ્યા તે વડે વેપાર કરતાં બહુ ધન કમાયો. એની માએ એક વરસ સુધી કોઈને પોતાનું કાળું મોહો દેખાડ્યું નહીં. પછી એના છોકરાની સલાહથી તથા લોકલાજથી આરજા થઈ.”

હરિનંદ – કાસદનો તો મુવેજ છુટકો થયો હશે તો.

ગંગાશંકર – ત્રણ મહિના પછી તેનાં સગાંવહાલાંએ સો રૂપીઆ કારભારીને આપ્યા, ને પાંચશે રાજાને આપી માફી કરાવી છોડાવ્યો.

હરિનંદ – પેલા કાણા કવિને પરઠણ કરતાં વધારે મળ્યું હશે.

ગંગાશંકર – અલબતે જેસંઘે તેને ખુશી કર્યો, ગુણકાએ ઈનામ આપ્યું, ને રાજાએ શિરપાવ આપ્યો ?

હરિનંદ – રાજાએ શા સારૂ આલ્યો ?

ગંગાશંકર – ગપ્પો મારવાને સારૂં. ગુણકા વડે તેને રાજા જોડે ઓળખાણ થયું હતું. આપણા કવિઓ અને ભાટ ચારણો પોતાના નીચ સ્વાર્થને માટે રાજાનાં તથા હરેક મોટા આદમીનાં જુઠાં જુઠાં વખાણ કરી ઘણી ખરાબી કરે છે. એમના બેવકુફી ભરેલા જુઠાણથી થયેલી નુકસાનની વાતો કોઈ બીજે પ્રસંગે કહીશ. એ કાણાને લોભનો પાર નહોતો. કવિતા ઠીક બનાવતો તેથી એના દુર્ગુણોથી અજાણ્યાં ગિરિ લોક એને માન આપતાં. જે દિવસે રાજાએ જેસંઘ અને કાસદનો ન્યાય કર્યો તે દિવસે રાત્રે કવિશ્વર કેટલાંક નવાં કવિત ને એક ગરબી જોડી દરબારમાં ગયા. એ કવિતામાં રાજાને ધર્મરાજાની પર ઉપમા આપી હતી. ગરીબ ને ધનવાન સર્વેનો ઈનસાફ ફુટી બદામ લીધા વિના પરમાર્થે રાજા કરે છે; એવા ચતુર, પ્રમાણિક, દયાળુ, ને પ્રાક્રમી રાજા પૃથ્વી ઉપર કોઈકજ થયા છે; ભરતખંડમાં એ રાજાના જેટલું બળવાન, લક્ષ્મીવાન, ને વિદ્વાન (રાજાને પોતાની સહી કરવી કઠણ પડતી હતી.) બીજું કોઈ નથી, જેના નામથી દીલ્લીમાં અકબર પાદશાહ ધ્રુજે છે, જેણે આખું જગત વસ કર્યું છે, જે શાક્ષાત વિષ્ણુનો અવતાર છે, આદિ કેવળ જુઠી છાંટ એ કવિતામાં મારી હતી. મૂર્ખ રાજા આવા અસત્ય ભાષણથી પ્રસન્ન થયો ને કાણા કવિરાજને શેલું પાઘડીનો સરપાવ દીધો. ને જીવતાં સુધી સો રૂપીઆનું વર્ષાશન કરી આપ્યું.

હરિનંદ – જેસંઘે એની ચંડાળ માનું નાક કાપવા દીધું હોત તો સારું થાત.

ગંગાશંકર – તે વેશ્યાનો અપરાધ તો મોટો હતો, તથાપિ બધી ગમથી વિચાર કરતાં મને એમ લાગે છે કે તેને તે જંગલી સજામાંથી ઉગારી તે ઠીક કર્યું, ગમે એવી પણ મા હતી. છોડાવી લાવી ઘરને ખૂણે રાખી તે રૂડું કીધું.

આ વાતનો ઉંધો અર્થ લેશો માં. હું એમ નથી કહેતો કે ઘણીક મા આવાં ઘોર પાપ કરે છે. આ દ્રષ્ટાંત મુકવાની મતલબ એ છે કે મા સદા નિર્દોષ હોય એમ સમજવું નહીં. જેમ બીજા ભલે ને વાંક કરે, તેમ મા પણ ભુલે ને વાંક કરે. જેમ માના ઉપર જુલમ કરવો એ મોટું પાપ છે તેમ વહુના ઉપર કરવો એ પણ મોટું પાપ છે. વળી જુલમથી બાયડીઓ વેઠે છે, ને અનીતિના ખાડામાં પડે છે. આપણા લોક આટલા બધા કપટી, ઢોંગી ને પ્રપંચી થઈ ગયા છે, ને જુઠું બોલવામાં લાજ માનતા નથી તે મુસલમાનોના જુલમનું પરિણામ છે. તમને શહાણાને વધારે શું કહીએ, જેઓ પોતે કમાતા નથી ને માબાપ રોટલો આપે તો ખાય એવી સ્થિતિમાં છે તેઓ લાચાર છે. પરંતુ જે પોતે રળે છે તે શા સારૂ અન્યાય કરવા ને જુલમ કરવામાં સામીલ થાય ?