લખાણ પર જાઓ

સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૨ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૩
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૪ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૧૩ મું.

સાંઇના કેટલાક ચેલા એ રોઝામાં રહેતા હતા, ને એના દાગીના તથા સુંદર વસ્ત્રો, અને સાકર, ઘી, ચોખા, લોટ, આદિ સીધું સામાન અહીં રાખતો, કેમકે પોતાને મોજ ભોગવવાની જગા એ હતી. મોડાસામાં ફકીર માફક રહેતો ને એવી રીતે ચાલતો કે મુસલમાન લોક તેને બહુ પવીત્ર ને સાચો સાધુ ગણતા. લુચ્ચી બાયડીઓ એની જોડે ત્યાં જતી, તે વખતે ભોળીઓને છેતરીને તેડી જતો, પોતાના વસ્ત્રાલંકાર પહેરાવે ને પાછાં જતી વેળા ઉતારી લે. સુંદરનાં હાડકાં ગઈ સાંજના મારથી બહુ કળતાં હતાં માટે તેને પ્યાલામાં કાંઈ પાઈ ગોદડું પાથરી સુવાડીને કહ્યું તમે જરા આરામ કરો. ચંદાને દરદ થતું નહતું, બંધનના સોળ બેસી ગયા હતા.

ચેલાને રસોઈ કરવાની આજ્ઞા આપી સાંઇએ રોઝાના રખવાળની બે બાયડીઓ હતી તેની કને ચંદાને મશ શણગરાવી પોતાનો પટારો ઉઘાડી બતાવ્યો, ને તેમાંથી એની નજરમાં આવે તે ઘરેણાં ને લુગડાં ધારણ કરવાને કહ્યું. જે ચંદાએ પસન કર્યા તે તેને પહેરાવ્યાં; અંબોડો છોડાવી માથામાં સુગંધીદાર ધુપેલ ઘલાવ્યું ને વાળ હોળાવી ઉપર અતર ચોપડી ચોટલો છુટો રખાવ્યો. પોતે (સાંઇએ) પણ હાથ પગ ને મોહો ધોઈ સુવસ્ત્રો પહેર્યાં. એ બધું થઈ રહ્યું તે વારે રંધાઈ રહ્યું નહતું, તેથી ફકીર રમુજની વાતો કહેવા લાગ્યો. પણ ચંદાના મનમાં ચટપટી હતી કે હવે પાછા ઘેર કેમ જવાશે. તેણીએ સાંઇને કહ્યું અને આવ્યા તો ખરા પણ હવે પાછાં કેમ જવાશે. ધણી ઘરમાં નહીં ઘાલે ને જ્ઞાતિના લોક નાતી બહાર મુકશે. ફકીર તેને ધીરજ આપતો હતો એટલે સુંદર જાગી. સાંઇના કહેવા પરથી રખવાળની બે ઓરતોએ સુંદરનો ચોટલો ચોળ્યો ને હોળ્યો, ઉને પાણીને નવરાવીને ધોળી સ્વચ્છ મલમલ પહેરાવી. પછી રસોડામાં પુછાવ્યું પણ ઘડીએકની વાર છે એવો જવાબ આવ્યો. ચંદાને સુંદરનાં મન રંજન કરી તેમની ફિકર ઉડાવી દેવાને સાંઈ કહે તમે ધારો છો કે પાછાં ઘેર જવું મુશકેલ પડશે, પણ ચતુર સ્ત્રીઓને કાંઈ મુશકેલ નથી, ભલા ભલા સરદારોને ઉડાવીએ તોએ ભીખારી બામણાના ભાર શા, લોભીઓ ધનથી રાજી થાય, બ્રાહ્મણ લાડવા ને દક્ષણાથી, મુરખ જુઠાં વખાણથી; જેને જે વહાલું તે તેને આપ્યાથી રીઝે ને છેત્રાય. એ પર એક કહેવત છે કે,

'કાગ વાહાલું કુંભ જળ, પટલ વાહાલી જાતર;
બ્રાહ્મણ વાહાલા લાડવા, ને મીયા વાહાલી પાતર.”

એ વિશે હું તમને એક વાત કહું તે સાંભળો. “ચાર આળસુ જુવાનીઆ હતા, તેમણે એક દહાડો વિચાર કર્યો કે આપણે પરદેશ રળવા જઇએ. એક બોલ્યો અલ્યાભાઈ આપણને એકે ધંધો નથી આવડતો, પરદેશ જઇને શું કરીશું. એ સુણી બધા વિચારમાં પડ્યા. અંતે એમ ઠેરવ્યું કે કવીશ્વર કહેવડાવી કોઈ રાજાને જાચવો. એમાંના બે બ્રાહ્મણ હતા ને બે ભાટ હતા. ચાલ્યા ચાલ્યા જાય છે એવામાં એક નગર આવ્યું. ગામ બહાર ધરમશાળા હતી તેમાં રાત્રે પડી રહ્યા; મોટા પરોઢીઆમાં ઉઠી મારગમાંથી જનારા લોકને પુછ્યું ભાઈ આ શહેરનું નામ શું, ને અહીં રાજા કોણ છે ? તેમને જવાબ મળ્યો કે મણીપુર નગરનું નામ છે ને અમરસિંગ રાજા રાજ કરે છે. ચારે જણ મનસુબો કરવા લાગ્યા કે દરબારમાં જઈને બોલવું શું. ચારે અભણ હતા. એક બોલ્યો અલ્યા બેસો હું ઓલી નદીએ જઈ આવું. નદીકાંઠે જઈને ઊભો વિચાર કરે છે. ઝાડોમાં અનેક જાતનાં પક્ષી કબલબલ કરે છે. તે સાંભળી પાછો ફર્યો, ને પોતાના સોબતીઓને કહે મને જડ્યું, પંખેરા કલબલ કરે છે તે હું કહીશ. એ સાંભળી બીજો નદીતીરે ગયો. તેણે એક બગલાને માંછલું તાકતો જોયો. પછી ત્રીજો ગયો તેણે તે બંગલાને છબલઈને પાણીમાં ચાંચ મારતો દીઠો. ચોથો કહે મારે નદી કિનારે નથી જવું, હીંડો ગામમાં જઈએ. ગામમાં પેસતાં એક વાણીઓ સામો મળ્યો. તે હાથમાં રૂપાનો લોટો લઈ દીશાએ જતો હતો. પેલે ચોથે દરવાનને પુછ્યું મિયાં એ કોણ દરવાન કહે એ તો રાજાનો પરધાન ભાનુશા છે.

પુછતા પુછતા રાજમંદિરે ગયા. રાજા ઓટલે બેસી દાતણ કરતો હતો તેને જઈ આશીરવાદ દીધો. રાજાએ પુછ્યું તમે કોણ છો તેમણે કહ્યું અમે કવીશ્વર છીએ મહારાજ. રાજા કહે કવિતા બોલો. પેલા કહે અમે બોલીએ તે આપ લખી લ્યો. રાજાએ કાગળ કલમ, ને દુવાત મંગાવ્યાં. એક કહે “કલબલ કલબલ કરતે હૈ;' બીજો બોલ્યો 'ઊંચી ડોક કર દેખતે હૈ;' ત્રીજો કહે 'છબ લઇને છબાઈ’, ચોથો કહે “ભાનુશારે ભાનુશા. રાજાએ ચારેના બોલ મોટે અક્ષરે એક કાગળમાં લખી તે કાગળ એક ચોકઠામાં ચોડી પોતાના સેજા મંદિરમાં મેલાવ્યો. પેલા કવીશ્વરોને દરબારને ઉતારે મોકલી સીધું ચાલતું કરવાનો હુકમ કર્યો.

પ્રધાન ભાનુશાને રતનશા નામે દીકરો હતો. તે ભણી ગણીને તઈઆર થયો હતો. તેણે બાપને કહ્યું હવે મને રાજ કારભારમાં દાખલ કરો. ભાનુશા કહે બેટા તને સઘળી વિદ્યા આવડી પણ એક નથી આવડી. રતનશા કહે તે કઈ ? ભાનુશા કહે તસ્કર વિદ્યા; કારભારી માત્ર ચોર. પાંચસેનું મારૂ સાલીયું ને ઘરમાં પાંચ લાખ રૂપીઆ છે તે ક્યાંથી આવ્યા ? રતનશા કહે શું ડોંગાની ગોડે ખાતર પાડીને લાવ્યા છો ? ભાનુશા કહે ના છેક તેમ તો નહીં પણ લુચ્ચાઈ ડોંગાઇએ મેળવેલું. ચોરનો હુન્નર આવડે તે એમ કરી શકે. રતનશા કહે ત્યારે તે મને શિખવો ભાનુશા કહે આજ મધરાતે તરવાર ને ખાતરિયું લઈ નિકળીશું.

બાર ઉપર એકનો સમો થવા આવ્યો તેવારે બાપ દીકરો કેડે તરવાર ને હાથમાં ખાતરિયાં લઈ નિકળી પડ્યા. કોનુ ઘર ફાડવું તેનો વિચાર કરવા લાગ્યા. બાપ કહે ખમી શકે તેવા આશામીને મારવો માટે ચાલો રાજાના મહેલમાં. રાજા એવો અધીરો હતો કે પોતાનું સોનુ રૂપું પેટીઓમાં ભરી પોતાના સુવાના ઓરડામાં રાખતો. ચોકી પહેરા કરનારા સિપાઈઓ હુંગી ગયા હતા તે જાગે નહીં એમ હળવે રહીને તે ઓરડાની પછીત આગળ બંને આવી પહોંચ્યા, ને ભીત કોરવા મંડ્યા. દેવાલમાં પેસાય એટલું બાકોરું પડ્યું એટલે ભોગજોગે રાજા જાગ્યો, ને ટોળીઆમાં બેસી ખડબડાટ ક્યાં થાય છે તે આસપાસ જોવા લાગ્યો. એવામાં તેની નજર પેલા ચાર કવીશ્વરના વચન ઉપર પડી. બે દીવા તે કાગળની બે બાજુએ ઝગઝગ બળતા હતા. તેથી પલંગ પરથી વાંચી શક્યો. તેણે 'કલબલ કલબલ કરતે હૈ' એમ મોટેથી વાંચ્યું તે પરથી પેલા બે ચેત્યા કે રાજા જાગ્યો ને આપણા પર કહે છે. રાજાને ખાતરની ખબર નથી પડી તેણે તો સેજ વાંચ્યું. ભાનુશાએ ઉંચુ માથું કરી, ખાટલાની ગમ જોયું એવામાં રાજાએ બીજું વચન વાંચ્યું, ‘ઉંચી ડોક કર દેખતે હૈં,' ભાનુશાહે જાણ્યું ખરે રાજાએ મને દીઠો તેથી ડોકી નીચી કરી બેસી ગયો. એટલે રાજાએ ત્રીજું વાક્ય વાંચ્યું, “છબ લઈને છબાઈ.' બાપ દીકરો ગભરાયા એટલે રાજાએ વાંચ્યું “ભાનુશારે ભાનુશા.” ભાનુશા છોકરાને કહે રાજાએ મને ઓળખ્યો ને સ્વારે ચૌટા વચ્ચે ગરદન મારશે, માટે તું તરવાર ખેંચી મારૂ માથું વાઢી ઘેર લઈજા ને ધડ અહીં પડ્યું રહેવાદે, ને સવારમાં મને બોલાવવા મોકલે ત્યારે કહેજે કે ગામ ગયા છે તે બે દહાડા પછી આવશે. મારૂ ધડ ઓળખાશે નહીં, ને એમ ઠરશે કે બીજા કોઈ ડોંગા આવ્યા હતા. રતનશાએ એક ઝટકે તેનું મસ્તક કાપી નાખ્યું ને તે લઈ છાનોમાનો ઘેર ગયો. લોહીથી ખરડાએલો હતો માટે ઘેર જઈ નાહ્યો ને પહેરેલા લુગડાં સંતાડી સુઈ ગયો.

મળશકે રાજા વગેરે ઉઠ્યા ત્યારે પછીતમાં ખાતર પાડેલું દીઠું, ને બાહારને પાસે માથા વગરનું ધડ ને મસ લોહી જોઈ બધા ચકીત થયા. રાજા કે પ્રધાનને બોલાવો. નોકરો ભાનુશાને ઘેર આવ્યા. રતનશાએ કહેવડાવ્યું કે તે ગામ ગયા છે. રાજાએ દરબારી લોકને તથા ફોજના જમાદારોને બોલાવી કહ્યું જુવો કહેવી નવાઈ ! મારા મહેલમાં બધી ચોકીઓ ચુકાવી ચોર પેઠાને મારા સેજા મંદિરમાં આવી ખાતર પાડ્યું ને પકડાવવાની બીક લાગી તેથી આ ધડ મુકી નાસી ગયા એ કેવી નવાઈ ! જાઓ નગરમાં ઢંઢેરો પીટાવો કે એ ચોરને જે ઝાલી લાવશે તેને મોટી જાગીર મળશે. એમ આજ્ઞા કરી તે ધડને બાળવા મોકલ્યું. એવામાં રતનશાએ આવી રાજાને સલામ કરી. રાજાએ તેને ઉપલી વાત કહી, તે સાંભળી રતનશા કહે મહારાજ એ ચોર બડા પાકા જણાય છે, ને મને લાગે છે કે તેઓ ધડની જોડે માથું બાળવા નક્કી લાવશે, માટે ચિતાની આસપાસ પહેરો મુકો કે તે માથું બાળવા લાવનારને પકડી લાવે; ફુટે નહીં એવા ભરોસાદાર માણસોની ચોકી મૂકજો.

રાજાએ પોતાની ફોજનો સાદતખાં કરીને જુવાન સરદાર હતો તેને બોલાવી હુકમ કર્યો કે બળતી ચિતાથી સો સો કદમ દુર ચોમેર ફરતાં પુરા વિસવાસીઓની ચોકી રાખો ને તેમના ઉપર તેવો જ ખબડદાર ને નિમકહલાલ નાયક મુકો અથવા તમે પોતે રોહો. સાદતખાંએ એક નાયક ને સો સિપાઈઓનો પેહેરો મોકલ્યો.

પોતાના ઘરના ગોર ઉપર રાજાને પક્કો ભરોસો હતો તેને બોલાવી આજ્ઞા કરી કે તમે દશ લઠ્ઠા બ્રાહ્મણો લઈ ચિતાની છેક નજીક બેસો કે કોઈ પાસે આવે નહીં. જી મહારાજ કહી રાજગોર ગયા.

રાજા રતનશાને કહે ઠીક કે નહીં, બ્રાહ્મણને ને મુસલમાનને આદવેર, મિયાં ફુટશે તો બ્રાહ્મણો ચોરને ઝાલશે. રતનશા કહે ખરૂં સાહેબ.

રતનશાએ ઘેર જઈને પોતાના ગોરને બોલાવ્યો ને ફરમાવ્યું કે આજે આપણે ચોરાશી જમાડવી છે, ને જનોઈ દીઠ રૂપીઓ દક્ષણા આપવી છે, માટે ગામમાં નોતરાં ફેરવો ને રસોઈ ઉતાવળે જારી કરાવો. બપોરે સહુ ભુદેવો આવે એવું કહેવડાવજો. ગોરે તો તેજ ક્ષણે નોતરીઆ દોડાવી દીધા. બ્રાહ્મણોને હરખ ન માય. મસાણે ગયા પહેલાં રાજગોરને એ વાત માલમ થઈ. તેણે જોયું કે મારૂં ને બીજા નવ બ્રાહ્મણનું જમણ જશે. પેલા નાયકને જઈ મળ્યો ને કહ્યું જો તમે મેહેરબાની કરો ને રાજાને જાહેર ન કરો તો અમે જમવા જઈએ. નાયક કહે જાઓ, અમે તો માણસ છીએ તેની વચમાં કોણ પેસનાર છે, બ્રાહ્મણ ભાઈ તો લાડવા ખાવા ગયા.

રતનશાએ સાદતખાના જેવો પોશાક પહેર્યો મોઢે બુકાની બાંધી લીધી કે ઝટ ઓળખાઈ ન જાય. પગે તોડો પહેરેલો છે, ઢાલ તરવાર, ભાલો આદિ હથિયાર બાંધી સાદતખાના જેવા ઘોડાપર સ્વાર થયો. એનું કાઠું તેના જેવડું જ હતું. ઘોડાને રવાલ ચલાવતો ચલાવતો પોતાના બાપુનું ધડ બળતું હતું ત્યાં આવ્યો. ઢાલમાં ભાનુશાનું માથું સંતાડ્યું હતું. હાથમાં રૂપાનો હુકો ઝાલ્યો છે ને આવ્યો. નાયક ને સિપાઇઓ તેને જોઈ ઉભા થયા. તેમણે જાણ્યું સાદતખાં તપાસ કરવા આવ્યા છે. પોતાનો ઘોડો તેમાંના એક સિપાઈને સોંપી ચિતાની પાસે હુકો ભરવા ગયો. એને અટકાવાય કેમ ? રતનશાએ હુકો ભરતાં સટ લઈને બાપનુ માથું ચિતામાં ખોસી દીધું. ઘોડાપર અસવાર થઈ નાયકને ખબરદારી રાખવાનું કહી ચાલતો થયો.

નાયકે ત્રીજે પોહોરે આવી વરદી આપી કે મડદું બળી રહ્યું. એ વેળા રતનશા હાજર હતો તેણે કહ્યું સાહેબ ધડ જોડે માથું બળ્યું એવું મેં સાંભળ્યું છે. નાયક કહે નહીં મહારાજ કોઈ આયા નહીં. રતનશા કહે સાદતખાં અંદર ગયાતા કે નહીં. નાયકે કહ્યું હા તે ગયા હતા. રતનશા કહે મહારાજ સાદતખાંને વેશે જઈ તે આદમીએ પોતાનું કામ કરી લીધું. રાજાએ સાદતખાંને બોલાવી પુછ્યું ત્યારે તે કહે હું તો ગયો જ નથી. રાજાએ રીસ કરી પુછ્યું પેલા બ્રાહ્મણો ક્યાં મુવા હતા. રતનશા કહે તેઓ તો ગામમાં ચોરાશી જમે છે ત્યાં લાડવા ખાવા ગયા છે. રાજા મસ ચીડ્યો ને બોલ્યો એ બામણા લાડવા ખાવામાં બધું ખુવે છે. નાયકને બેડીઓ જડાવી કેદમાં મોકલ્યો.

રતનશાએ કહ્યું કે સાહેબ હું ધારું છું કે તે મનીસ એ મડદાની રક્ષાને ટાઢી પાડી નદીમાં નાખવા આવશે ખરો માટે હજી તેને પકડવાનો લાગ છે. રાજા કહે ખરી વાત, સાદતખાં હવે તમે પોતે જાતે જઇ, જોઈએ એટલા સિપાઈ લઈને, ચોકી કરો. બોત ખૂબ જી કહી સાદતખાં ચાલ્યા, ને હાડકાની રાખોડી પડી હતી તેની પાસે ખાટલો ઢાળી બેડસાઈ હાંકતા બેઠા. રાતના કોઈ આવ્યું નહીં. સવારે રતનશાએ દુધ વેચનાર સ્ત્રીનો વેશ લીધો, સારાં લુગડાં પહેર્યા, કોટમાં કાચે સુતરે પ્રોયલો મોતીનો હાર ઘાલ્યો, ને લુચ્ચી બાયડીની પેઠે આંખના અણસારા કરી દુધ લ્યો દુધ એમ બોલતો તેણી ગમ ગયો. સાદતખાંને અફીણ ખાવાનો વખત થયો હતો તેવામાં દુધવાળીનો સાદ સાંભળી મીયાંએ એક સિપાઈને કહ્યું જા એ દુધવાળીને બોલાવી લાવ, રાતના તાઢે કરીએ છીએ, થોડું દુધ પીએંતો હોશીઆરી આવે. દુધવાળી આવીને મીયાંને દુધ આપવા બેઠી. મીયાં કહે હાયરે તારો લટકો. તે લાડતી લાડતી ને નાચણના જેવા ચાળા કરતી કહે ચાલો મીયાં આઘા રોહો મને છેડશો નહીં. મીયાં વધારે છેડવા લગ્યા. ગળામાં હાથ નાંખવા ગયા કે મોતીનો હાર ટુટી ગયો ને મોતી રક્ષામાં વેરાઈ ગયાં. એટલે દુધવાળી બુમો પાડવા લાગી. મીયાં કહે ખોટાં મોતી છે. દુધવાળી કહે ખોટાં કે ખરાં મારાં મોતી શોધી આપો નહીં તો રાજા કને ફરીઆદ જાઉં છું. સાદતખાં ડર્યા કે રાજા ગુસ્સે થશે, તેથી રાખોડી માંહે હાડકાના કકડા હતા તે વીણી નદીમાં નાંખ્યા ને બાકીની ઝીણી રાખ રહી તે પોતાના રૂમાલમાં ભરી ઉપરથી પાણી રેડી રેડી બધી ગાળી કાઢીને મોતી શોધી આપ્યાં. રતનશા તે લઈ ઘેર ગયો ને વેશ બદલી રાજાને મેહેલ જઇને જાહેર કર્યું કે ગામમાં વાત ચાલે છે કે સાદતખાંને ભુલથાપ દઈ ચોર પોતાનું કામ કરી ગયો. રાજા કહે હીંડો આપણે મસાણમાં જોવા જઇએ. ઘોડે ચડી રાજા ને રતનશા ગયા ને જાય છે તો એ વાત ખરી પડી, સાદતખાં વીલો પડી ગયો ને દુધવાળીની વાત માની દીધી.

રાજા બહુ જ આશ્ચર્ય પામ્યો. રતનશાએ માફી માગીને પહેલેથી બધી વાત કબુલ કરી, ને આ વાતના પહેલાં કહેવત કહી છે તે કહી. રાજા તેના ઉપર ખુશ થયો. બાપની જગા તેને આપી. ને વળી સરપાવ કર્યો. પેલા ચાર કવીશ્વરને પણ ઈનામ મળ્યાં.”

એ વાત સાંભળી ચંદા ને સુંદરના મન રીઝ્યાં. સાંઇ કહે હું તમને સવારે એવી તદબીર બતાવીશ કે તમને કાંઈ હરકત નહીં નડે.

એ વાત પુરી થઈ એટલે ચેલા થાળા ભરી પ્રસાદ લાવ્યા. ભાત ભાતની સામગ્રી બનાવી હતી, મીઠો ભાત, બીરંજ, પુરી, વેઢમી, શીરો, પુલાવ, બીરીઆની, સંભુસો, પનીર, કરીચાવલ, જાયફળ ને એલચી નાંખી ઉકાળેલું સાકરિયા દુધ, ભજીયાં, કુર, દાળ, વાલ, પાતરવડીઆ ઈત્યાદી ઘણી જાતનાં જમણ અને શાક હતાં, તે સર્વે ખાધાં. જમી રહી પાન સોપારી ખાવા બેઠાં તેવારે મધરાતનો સમય થવા આવ્યો હતો. સાંઇ કહે ઉઠો હવે પીરસાહેબની બંદગી કરવા જઇએ. બધું મડંળ જે ઓરડામાં જમલાપીરની કબર હતી તેમાં ગયું. એ ઓરડો જોવા જેવો હતો. જમીન ઉપર ઉત્તમ જાતના પચરંગી આરસની સુશોભીત શેતરંજીને આકારે ફરસબંધી હતી; દીવાલ ઉપર સુંદર આરસા, દેવાલગીરી, છાજમાં હાંડી અને ઝમરો હતાં, જેમાં દીવા ઝળઝળી રહ્યા હતા, ને ઘોર ઉપર ઉમદા કીનખાપનુ કપડું ઓઢાડ્યું હતું. અંદર જઈ પીરના માથા ભણી જમણે પાસે ચંદા ને ડાબે પાસે સુંદરને બેસાડી ફકીર વચમાં બેઠો. બેહુની આગળ નાની લોઢાની અગ્નિથી ભરેલી એક એક શગડી ને રકાબીમાં લોબાન અને અગરબત્તી હતાં, ને રૂપાની છાબડીમાં ફુલના હાર હતા. દરેકજણી પાસે પીરને હાર ચડાવરાવ્યા, પછી દેરક જણીને કહે હું મંત્ર ભણું ને તમે આ શગડીમાં થોડો થોડો લોબાન ને અગરબત્તી નાંખો, ને મનમાં પીરસાહેબને યાદ કરો. રખવાળની બાયડીઓને કહે એને તાપથી બફારો થાય તો પંખે નાંખજો, બે ઘડીવાર એ ક્રિયા ચાલી એટલે સાંઈના દીલમાં પીર આવ્યા ને ધુણવા મંડ્યો. રખેવાળણી ને ચેલા તેને પગે લાગ્યા તે જોઈ ચંદાએ ને સુંદરે પણ તેમ કર્યું. એ વેળા સાંઈના દીલમાં પીર બોલ્યા કે ઉઠો બેટીઓ આ ઘોરની સાત પ્રદક્ષણા ફરો. સુંદર ને ચંદા તેમ કરીને બેઠાં ને સાંઈ ધુણ્યે ગયો. ચેલાએ રૂપાના પ્યાલામાં પાણી રેડયું તે પીરે મંત્ર્યું, ને કાગળ, લેખણ ને સાહી હતી તે લઈ અરબી હરફે બે ચીઠીઓ લખી; સુંદર ચંદાને ઝાડો નાંખ્યો, ને મંત્રેલું પાણી પાયું, ને કહે જાઓ બેટિયો તમારા મનોરથ પાર પડશે, હું જાઉં છું, બીજું જે કરવાનું બાકી છે તે આ ફકીર મારો ભગત કરશે, એની સેવા કરજો ને એનો હુકમ માનજો; બોલો 'અલઈલ્લા ઈલજીલ્લા મહમુદે રસુલ ઈલ્લા,' સુંદર ચંદાને એ સામટું વાક્ય બોલતાં બરોબર આવડ્યું નહીં ત્યારે ફરીને એક એક બોલ કહેવડાવ્યો, ને ધુણતો રહી ગયો. પછી ચેલાને કહે આ બાઈને સારૂ જુદા જુદા ઓરડામાં પલંગ પાથરો. ચેલા કહે સાહેબ બધું તઈઆર કરી રાખ્યું છે. સર્વે મંડળી ઉઠી કબરના ઓરડાની બહાર આવી. તે જ વખતે રોઝાના દરવાજા ઉઘડ્યા ને લોકનું હોકારા પાડતું મોટું ટોળું અંદર પેઠું. કોઈ સુંદરને બોલાવે, કોઈ ચંદાને બોલાવે, કોઈ કહે સાળા ફકીરને મારો, પકડો, જવા ન દેશો, ઝાલજો !!