સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૪

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૩ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૪
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૫ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૧૪ મું.

સુંદર ને ચંદા લુગડાં ધોવા જવાને મસે ઘરમાંથી ગયાં ને થોડી વારે ચંદાને પિયરથી બોલાવવા એની ભાણી આવી. એની સાસુ ચાંપીને બોલી શું કામ છે, એ તો ધોવા ગયાં છે. ભાણી કહે ઇચ્છાશંકર જાનીને ત્યાં જંબા જાવાનું છે, ત્રણ વાગે વેળા થવાની છે માટે આવે કે તુરત મોકલજો. સાસુ ભાર મુકીને કહે, વારૂ પાછાં આવશે ત્યારે કહીશ. ભાણી ગઈ. ત્રણના સાડાત્રણ ને ચાર થયા તોએ ચંદા આવી નહીં ત્યારે એની માએ ફરી તેડવા મોકલ્યું, પણ ચંદા આવેલી નહીં. એની માના મનમાં શક આવ્યો કે નહીં મોકલવાને સારૂ એની સાસુ ધોવા જવાનું જુઠું બહાનું બતાવે છે, ધોવા નહીં ગઈ હોય ઘરમાં જ હશે, તે પરથી તે ચંદાની સાસુ જોડે વઢવા ગઈ. અનપુણા કહે મારી ના કહેલી રહે એવી તમારી છોકરી છે નહીં, કાંઈ મેં ઓરડામાં પુરી તો નહીં મેલી હોય, ઘોંધી હોય તો બારણા ફોડીને બહાર નીકળે, ને મારું માથું ભાગે, એ ક્યારે મારા કહ્યામાં રહે છે કે મારું માને છે, માનતી હોય તો મારા ઘરમાં આટલા ઝઘડા શાને થાય; ને લ્યો હું ક્યાં ના કહું છું આ મારું ઘર જુવો, ઓરડી જુવો, કોઠી ઉઘાડી, પેટી, પટારા ઉઘાડી જુવો, જ્યાં સંતાડી હોય ત્યાંથી શોધી કાઢો. ચંદાની મા કહે મારે તમારું ઘર, તમારા ઓરડા ને તમારી કોઠીઓ, પેટીઆ શાને જોવી પડે; મારી છોકરી મરે તો છૂટે, સાસુ સહુને હોય, શું અમારે વહુ નહીં હોય, પણ આવડાં દુખતો કોઈ દેતું નથી. એમ બોલતાં બોલતાં એ જંગલી વેહેવણો તું તાં ને શુદ્ર વચન પર ગયાં. પાડોશણોએ વચમાં પડી પતાવ્યું, નહીં તો લાંબું ચાલત. બે પાડોશણ કહે અમે નજરે ચંદાવહુ અને સુંદરવહુને ધોવા જતાં જોયાં છે, હજી પાછાં આવ્યાં નથી, લુગડાનો ગાંસડો મોટો હતો માટે વાર લાગી હશે, હવે ઘડી બેઘડીમાં આવ્યામાં.

ચંદાને મુકીને જંબા જવું પડ્યું. મણીલક્ષ્મી (ઈછાશંકરની સ્ત્રી)એ પુછયું કેમ ચંદાગવરી નથી. ચંદાની મા કહે સાસરેથી ધોવા ગઈ છે તે હજી આવી નથી. મણીલક્ષ્મી કહે શી ચિંતા છે બીજી ઘાલે જમશે, આ ક્યાં લોકનું ઘર છે ? આજે ધોવા ના મોકલી હોત; શ્રાદ્ધપક્ષમાં તો કોઈ ના મોકલે; પણ એ અનપુણા જે નહીં કરે તે થોડું. ગઇકાલની વાત મેં સાંભળીને મારો જીવ બહુ બળ્યો. ભુવો હરિઓ તો અસલથી કસાઈ છે, પણ તમારો જમાઈ તો ભલોમનિસ કહેવાય છે, પણ દેખે તેવું શિખે. ઓ પ્રભુ નઠારાં મનિસ જોડે કામ માં પાડીશ' ચંદાની માની આંખોમાંથી દડ દડ ટીપાં પડવા લાગ્યાં. મણીલક્ષ્મી કહે મારા સમ જો રોતો. ઈચ્છાશંકરે કહ્યું ચાલો સૌ ઠામે બેસી જાઓ બ્રાહ્મણ નાહી રહ્યા છે, પીરસણું લાવીએ છીએ.

પીરસાઈ રહ્યું ને સર્વે જમી રહ્યાં પરંતુ ચંદાગવરી આવી નહીં, માટે જતી વેળા મણીલક્ષ્મીએ તેની માને કહ્યું, હું ઢાંકી મુકીશ જ્યારે આવે ત્યારે ખામોખાં મોકલજો હો બેન, સાંજ પડવા આવી છે, તેથી હવે વાર નહીં લાગે, હવડાં આવશે. ના મોકલતાં હોય તો કહેવડાવજો કે જમાડીને અમારા ઘરવાળા પાછી મુકી આવશે, કુપાત્ર મળ્યાં ત્યારે શું કરીએ. ચંદાનો ભાઈ કહે ના શું મોકલે માથું ભાગી નાંખું રાંડનાઓનું. મને નક્કી લાગે છે કે આવવા નથી દેવાના. આ હિંડો એનું ઘર જોવા, જોઉં કિયે ખુણે મારી બેનને સંતાડી છે ને કેમ તેનું જમણ ખોવરાવે છે.

મણીલક્ષ્મીનો છોકરો ને તે બંને ચંદાને તેડવા ગયા. રસ્તામાં એમનો એક ભાઈબંધ મળ્યો, તેણે કાનમાં કહ્યું કે કહેતાં જીભ ઉપડતી નથી, પણ જીવ જુદો નથી માટે કહું છું કે તમારી ચંદા ને એની દેરાણી સુંદર પેલા મુરસદ ફકીર જોડે ઝમલાપીરને રોઝે ગયાં છે, ધોવાને નામે સાસરેથી નિકળ્યાં ને પાછાં આવ્યાં નથી. એ સાંભળતાં જ ચંદાના ભાઈનુ મોડું ઉતરી ગયું; તે જરાવાર રહી બોલ્યો કે અતિશે જુલમ કરાયો ત્યારે એવો અનર્થ થયો. કાલે એ બંનેને માર મારવામાં કાંઈ કસર નથી રાખી, કોણ જાણે જુઠી વાતે ઉડાવી હોય. ભાઈબંધ કહે ના ખરી વાત છે, કેટલાક સખ્સોએ તરકડીને વેશે વેહેલમાં બેસી જતાં જોયાં. જેવા તેમને દીઠા કે વેહેલનો પડદો ઢાંકી દીધો, ને દોડાવી મુકી. એ સાંભળી તેઓ પાછા ફર્યા. ઘેર જઈ માને વાત કહીકે તે છાતી ફાટ રોવા લાગી, ચંદાનો બાપ માથાં કુટવા મંડ્યો.

સાંજરે વીજીઆનંદ હરિનંદ ઘેર આવ્યા તેવારે અનપુણાએ તેમને કહ્યું આ બંને વહુવારૂ બપોરના લુગડાં ધોવા ગયાં છે તે હજી આવ્યાં નથી, ને ચંદાને પીએરથી જમવા જાવાનું છે; તેડાં ઉપર તેડાં આવે છે. પ્રતિઉત્તર ન આપતાં બંને ભાઈઓ પોક મુકી રોઈ પડ્યા. અનપુણા કહે શું થયું મને કહોતો ખરા. વહુવારૂ ડુબીઓ કે શું થયું. તેઓ નીચું માથું કરી પોતાના બે હાથ વચે મૂકી રડતા રડતા બોલ્યા કે બુડી હોત તો વધારે સારૂં થાત, પણ આ તો નાક કપાઈ ગયાં રે મારા બાપ, હો હો હો !! અનપુણા કહે હું કાંઈ જાણતી નથી, શું થયું છે તે મને કહો. પેલા જવાબ નહીં આપે. એવામાં કમળા ઘભરાયલી આવીને બોલી, એના બાપનાં, એની સાત પેઢીનાં નાક વઢાયાં ને નામ બોળાયાં તેમાં આપણે શું, જરા રોશોમાં ભાઈ. અનપુણા કહે છે શું મને કોહોને. કમળા કહે આખા ગામે જાણ્યું ને તું નથી જાણતી. હિરાનંદ કહે આપણા ઘરની બે રાંડ નાચેણો, છીનાળો, નિકળી ગઈ, તરકડીને વેશે પેલા ચંડાળ સાંઇની સાથે નાસી ગઈઓ.

કમળા – એના પીએરીમાં આપણને ભાંડે છે કે એતો કાલે લડ્યાં તેથી જતી રહીઓ. ચંદાભાભીની માતો આપણે નામે કુટે છે ને મોહ વાળે છે.
અનપુણા – એતો ઘણુંએ આપણે માથે ઢોળે પણ હું ઢોળવા કેમ દઇશ. મારૂં કે મારા છઇઆનું નામ દે તો સંખણીની જીભ વાઢીનાખું.'

એટલામાં રમાનંદના મશિયાઈભાઈ કેશવરામે બહારથી રમાનંદને બોલાવી બારણાં ઠોક્યાં. બારણાં ઉઘાડી રમાનંદ કહે આવ ભાઈ, હું ક્યાં ના મુઓ, આ મારા ઘરની ફજેતી તો જો.

કેશવરામ – એમાં તારા ઘરની ફજેતી શાની, ફજેતી એની જણતીની, એના બાપ દાદાની. ચંદાની મા ક્યારે પાધરી હતી. જેવી મા તેવી દીકરી. હવે વાતો કરવાને વખત નથી. હું એના મામાને કહી આવ્યો છું તે પોતાના પાંચ દસ ભાઇબંધ લઇને આવે છે, ને આપણા સાથીઓ પણ આવે છે. જમલાપીરને રોઝે ગયાં છે એવું સંભળાય છે; તે કાંઈ દૂર નથી, અડધી રાત જતાં પહેલાં તો આપણે જઈ પોંચીશું, ને એમને ઝાલી લાવીશું. જાય છે ક્યાંરે રાંડો, ચોટલા સાહીને અબઘડી પકડી લાવું છું. એમ કહી કચ્છો ભીડીને ઓઢેલી પીછોડી હતી તે વતી કસીને કંબર બાંધી, ને ઉઘાડી ખાધપર લાકડાં ચીરવાનો કુહાડો હતો તે મુક્યો.

ઘડીક નહીં થઈ એટલામાં એના જેવા પંદર વીશેક જટ્ટાનું ટોળું આવ્યું. કોઈને માથે ટોપી, કોઇને માથે પાઘડી, ટુંકાં પોતીઆં પહેરેલાં, કંબર બાંધેલી, શરીર ઉઘાડાં, કોઈના હાથમાં સોટા, કોઈની ખાંધે કુહાડા, ને કોઈએ પથરાનું પોટલું બાંધી લીધું. એક હજામને બોલાવી મસાલ કરાવી જોડે લીધો ને હિંડ્યા. વાટમાં બીજા નાગર બ્રાહ્મણો આવી મળ્યા. ઘણાક શોકીડા આદમીઓ મજા જોવાને પાછળ હિંડ્યા. એ તમાશગીરો પાછળથી તાળીઓ પાડે, રામબોલો ભાઈ રામ કહે, ને હે હે કરે. નગાર બ્રાહ્મણો ચીડાઈ ગયા, ને તેમની ભણી ફરીને કહે સંભાળજો બચ્ચા, કફીરતો હાથમાં આવશે ત્યારે પણ હાલ પેહેલાં તો તમારો બોર કુટો કરીશું. એ સાંભળી લોકે મોટી કીકીયારી નાંખીને સામા કાંકરા નાંખ્યા. બ્રાહ્મણો તેમના ઉપર ધસ્યા એટલે લોક નાઠા. બ્રાહ્મણો આગળ ચાલવા લાગ્યા કે લોક વળી ટોળે મળી પી ! પી ! કરતા પાછળ આવ્યા. ત્યારે સુરજરામ કરીને કાળકા માતાજીની જાત્રાનો સંઘવી મદીરા પી ચકચૂર બન્યો હતો તે તેમની ભણી લથડીઆં ખાતો દોડ્યો ને ભડમભુશ લઈ પડ્યો. તે જોઈ લોક વધારે બુમો પાડવા ને હસવા લાગ્યા. જુવો ભાઈ આ નાગર બ્રાહ્મણ, સઊંથી ઊંચા, એમ નજરમાં આવે તેમ બોલે.

નાગરોએ જોયું કે જેમ ખીજવાઈશું તેમ વધારે ખીજવશે. માટે પોતામાંના બે ડાહ્યા માનવી મોકલી લોકોને સમજાવ્યા કે તમારે અમને મદદ કરવી જોઈએ, આપણા મોડાસા કસબાની આબરૂ જાય છે, ને હિંદુધર્મની લાજ જાય છે. હિંડો સાલા બાંડીઆને મારીએ. ગાંડી ગુજરાતના જ લોક કેની, આ નરમાસનાં વચન સાંભળી તેમ વળ્યા. બધું ધમસાન હો હો કરતું ચાલ્યું.

રોઝાના થડમાં પહોંચ્યા એવામાં બુમ ચાલી કે સાંઈની વહારે થાણાના અસ્વારો ચડ્યા છે, ને ફાળમારતા પાછળ આવે છે. બીજા લોક નાસવા લાગ્યા, પણ નાગરબ્રાહ્મણો હાટકેશ્વરના અને અંબામાતાના સમખાઈને હીમતથી બોલ્યા કે મરવું પણ ભાગવું નહીં. એક એકને શૂર ચઢાવતા ચડાવતા ચાલ્યા, ને રોઝાના કમાડ ઠોક્યાં. દરવાન હુંગમાંથી ઘાભરો ઘાભરો ઉઠી પુછવા લાગ્યો કે કોણ છો. બ્રાહ્મણો બોલ્યા ઉઘાડો મીયાં, ગામમાં હિંદુઓએ સાંઈ સાહેબનો તકીઓ લુટ્યો ને લગાડી મુક્યો, ને અમને મારી નાંખતા હતા તેથી નાસી આવ્યા છીએ. સાંઈના નોકરો જાણી દરવાને નાની બારી ઉઘાડી. તુરત કેટલાક નાગરો અંદર પેઠા ને દરવાનને ધક્કો મારી આઘો ઉસડી બારણાં ઉઘાડ્યાં. એમના સાથીઓ કીકીયારી કરતા રોઝામાં પેઠા.

જેવા તેમને દીઠા તેવો ફકીર નાઠો, ને એક ભોંયરામાં ઉતરી ગયો; ચંદા કબરના ઓરડામાં ભરાઈ ગઈને બારણાં વાસી દીધાં. રોઝાની પાછલો દરવાજો ઉઘાડી બે ચેલા નિકળી નાઠા, ને સુંદર પણ તેજ રસ્તે દોડી ગઈ. બે રખવાલેણ પકડાઈ. ભટોએ તેનાં હાડકાં ભાગ્યાં ને નાસવા ન પામે માટે હાથ બાંધી ઝાડે લટકાવી. કેટલાક કબરના ઓરડાના કમાડ કુહાડે ફાડવા લાગ્યા, ને કેટલાક ભોયરાનું ઢાંકણું ચીરવા ગયા. એટલામાં નાગી તરવાર સહીત ઘોડા મારતા સરકારી સ્વારો આવ્યા. બ્રાહ્મણોને ઘેરી લીધા, પણ તેમના ઉપર જરૂર વગર હાથ કરવાની નાયકે મના કરી હતી તેથી કોઈના ધડમાથાં જુદાં થયાં નહીં ઝાડે બાંધેલી લુંડીઓની આસપાસ પહેરા મૂક્યા.

બ્રાહ્મણભાઈના ધોતીઆં છુટી ગયાં. કુહાડા બુહાડા પાસે હતા તે જ્યાં ત્યાં ફેંકી દીધાને પોક મુકવા મંડયા. નાયકે પુછ્યું શું છે, આ ફીતુર કેમ માંડ્યું. કેશવરામે ફકીરના ગુનાની વાત કહી. નાયક કહે તમે શાંત થાવ તો એ આસામીઓને હું પકડું. બ્રાહ્મણો કબુલ થયા.

નાયકે સિપાઇઓને હુકમ કર્યો કે એમાંનું જે કોઈ બકવા કે તોફાન કરે તેને મુશકા બાંધી પરેજ કરજો. રખવાળણીને પોતાની રૂબરૂ બોલાવી તેઓની જુબાની લીધી. ત્યારે કેડે કબરના ઓરડાના બારણાં ખોલાવી માંહેથી ચંદાને બહાર કાઢી. એ બાહાવરી થઈ ગઈ ને આંખમાં આંશુ માય નહીં; સોડીઆમાં મોટું સંતાડી દીધું ને બોલાવી બોલે નહીં. ભોંયરામાંથી ફકીરને ઘસડી કાઢ્યો. સુંદરને શોધી પણ તે જડી નહીં, ને ચેલા પણ હાથ લાગ્યા નહીં. પ્રભાતે ફરીને ખોળ કરી તે પણ મીથ્યા ગઈ. પછી વેહેલમાં ચંદાને બેસાડી બંને ચાકરડીઓને વેહેલની જોડે રાખી, ને સાંઇને તેના ટટુપર બેસાડી સાથે લીધો. મામેરૂ ગામ તરફ ચાલ્યું. ચારે પાસ સ્વારો, વચમાં ચંદાની વેહેલ, વેહેલની પછવાડે સાંઇનું ટટુ, ને લોકની ઠઠ સ્વારોની આગળ પાછળ. ગામ ઢુકડે આવતું ગયું તેમ લોકનો જમાવ વધતો ગયો. મરદ, ઓરત, ને છોકરાં સહુ કોઈ જોવા ધાયું. ગામમાં પેઠા ત્યારે સાંકડા રસ્તામાં જવાનો માગ ન મળે. બે જંગલી સ્વારો ચાબખા લઈને ઝુડવા મંડ્યા ત્યારે ચંદા-ફકીરની સ્વારી આગળ ચાલી શકી. દોઢપોહોર દિવસ ચડતે ચાવડીએ પહોંચી. તેની આસપાસ કેટલેક દૂર સ્વારોના ફરતા પેહેરા મુક્યા હતા તેથી લોક નજીક જઈ શક્યું નહીં. ચાવડીની એક કોટડીમાં ચંદાને ઉતારો આપ્યો, ને બીજીમાં ફકીરને પુર્યો. થાણદારના હાથ નીચેનો મુસલમાન જમાદાર અને વાણીઓ કારભારી આવ્યા. ચંદાએ પહેરેલું ઘરેણું ઉતરાવી, તેની ટીપ કરી સરકારી પેટીમાં મુક્યું, ને પેટીને તાળાદઈ લાખની મોરછાપ કરી જામદારખાનામાં મુકી. ઘરેણું આસરે રૂ ૫૦૦૦)નું થયું. સાંજ પડીને દીવા થયા તેવારે લોક વેરાઈ ગયું. ચોરની મા કોઠીમાં મોહો ઘાલી રોય તેવું ચંદાના સગાને થયું. તો પણ ઘડી રાત્રે કારભારીએ તેમને બોલાવ્યા ત્યારે ગયા, ને ચંદાના હાજર જામીન આપી છોડાવી. ઘેર તેડી જઈ નવડાવીને ઘણી હઠેઠ કરી જમાડી. જમાદાર ફકીરનો હાજ૨ જામીન થયો ને તેને પોતાને મકાને લઈ ગયો.