લખાણ પર જાઓ

સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૪ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૫
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૬ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.

પ્રકરણ ૧૫ મું.

રોજાને પાછલે દ્વારથી બે ચેલાએ ને સુંદરે ગરબડી મુકી. આગળ ચેલા ને પાછળ સુંદર, ચેલા જાણે અમારી કેડે બ્રાહ્મણ પડ્યા છે, ને સુંદર જાણે મારી પછવાડે પણ છે. ઉભાં રહી પુંઠે જોવાની છાતી ચાલે નહીં, જીવ લઈને નાઠાં જાય. ચેલા જોરાવર હતા તેથી બહુ આગળ નિકળી ગયા ને સૂર્યોદય થયા પહેલાં તેમણે ઘણા ગાઉ કાપ્યા. સુંદર થોડા ગાઉ ગઈ એટલે છેક થાકી ગઈને ઝાડતળે બેસી વિલાપ કરવા લાગી.

એવું બન્યું કે મોડાસાનો થાણદાર હસનખાં પઠાણ મૃગીયા રમવા ગયો હતો, ને તેનો તંબુ સુંદર બેઠી હતી તહીંથી થોડે અંતરે હતો. મોટી સવારે ઉઠી બહાર ખુરશી મુકાવી હુકો પીવા બેઠો છે, એવામાં કોમળને તીણે સાદે કોઈ રોય છે એવી તેને ભ્રાંતી પડી. હુકાની નળી મુખમાંથી કાઢી અવાજ આવ્યો. તેણી ગમ કાન દીધો. છોકરૂં કે સ્ત્રી રૂદન કરે છે એમાં શક રહ્યો નહીં. પોતાના ખીજમદગારને કહ્યું જુવો પેલું કોણ રડે છે, તેને અહીં બોલાવી લાવો. ખીજમદગારે સુંદરને લાવી તેની આગળ ઉભી કરી. સુંદરથી તો બોલાય નહીં, દશકાં માય નહીં, ને પરસેવાના ઝરણ વહ્યા જાય. પઠાણે મસ ધીરજ આપી છાની રાખીને તેની બધી વાત પુછી લીધી. જે સખ્તમાર એના વરે એને માર્યો હતો તેની નિશાનીઓ હજી રહી હતી તે પઠાણે જોઈ.

સુંદર કહે જ્યારથી હું સાસરે રહેવા ગઈ છું ત્યારથી આજ સુધીમાં મારો માટી મને ઘણી ઘણીવાર મારી ચુક્યો છે, ભાંડ્યા વગરનો કોઈજ દિવસ ગએલો. પ્રથમ મારો વર નઠારો નહતો; મારા ઉપર હેત કરવાની એના મનમાં ઇચ્છા હતી ખરી. પણ મારી સાસુએ ને નણંદે એનું મન ફેરવ્યું, એ મારાં કટ્ટા શત્રુ થઈ એવા પુંઠે લાગ્યા કે કેડો છોડ્યો નહીં. મારો જેઠ એના કહ્યામાં રહેતો નહીં ને તેથી તેને તેની વહુ જોડે બનતું. મારા વરને રાજી રાખવાને મેં મારાથી જેટલું થાય તેટલું કર્યું, પણ એ ચંડાળ સાસુએ મારૂ કાંઈ ચાલવા દીધું નહીં. ને એટલે લગી વાત આવી કે મારો જીવ લેશે કે મારે કાઢવો પડશે, ત્યારે જ હું મારી જેઠાણીનું કહ્યું માની વસીકરણ કરાવવા એ સાઈની કને ગઈ. એનું પરીણામ એ થયું જે આ વગડામાં હું અભાગ્યણી પકડાઈ. મારે તમારી પાસે એ માગવાનું છે કે મારૂં શીર કાપી નાંખો, કે કોટે પથરો બાંધી કુવામાં નાંખો; હું સતી છું, મેં આજ લગી કુડું કામ કર્યું નથી ને હવે કરવાની નથી. મને મોડાસામાં જીવતી નહીં લઈ જશો. મારો વર મને રીબી રીબીને મારશે, તે કરતાં તમે ઝટ મારો તો મોટી દયા. મને હવે મરવું ગમે છે. એમ કહી રડી પડી.

પઠાણ તેને ધીરજ આપી કહે તમારે જરાએ બીવું નહીં, હું વાજબી કરીશ; હું પાદશાહની તરફથી આ પરગણાનું રક્ષણ કરું છું, મને મુસારો એજ માટે મળે છે. મારે મરદનું રક્ષણ કરવું ને ઓરતનુંએ કરવું; નબળાને જેઓ દુખ દે, જેઓ જુલમ કરે, ગુનાહ કરે, તેઓને સજા કરવી એ મારો ધર્મ છે, વાસ્તે ચિંતા કરો નહીં. તમારૂં શીળવૃત, તમારી આબરૂ હું સાચવીશ તમારા શરીરની હાલત એવી નબળી દીશે છે કે તમને પ્રથમ દવા કરવી જોઈએ, મારો હકીમ તમને સાજાં કરશે પછી જે કરવું ઘટશે તે કરીશું. મારી પોતાની બેગમ ઘણી માયાળુ ને સદગુણી ઓરત છે, તે તમારી સંભાળ લેશે. આ મારા મીયાનામાં બેસાડી તમને મારા નોકરો તેની પાસે લઈ જશે.

હમાલ લોક અહીં આવો, "આ બાઈને મીયાનામાં બેસાડી આપણી ઝનાનખાનામાં પોચતાં કરો." એ હુકમ સાંભળી ભોઇએ સુંદરને મીયાનામાં બેસાડી. પઠાણે જોડે ચાર સ્વાર આપ્યા, ને ઝનાનાના રખવાળ ખોજા યુસુફ ઉપર હુકમ લખી આપ્યો. સુંદરબાઈ ચાલ્યાં. પઠાણે પણ મુકામ ઉઠાવવાની આજ્ઞા આપી ને નાસ્તો કરી બુંન પી રવાને થયો.

દોઢપોહોર દહાડો ચઢતાં સુંદર મોડાસાના થાણામાં પોચી. ખોજો અસુફ તેણીને બેગમની હજુરમાં લઈ ગયો, ને પઠાણનો રૂક્કો વાંચી સંભળાવ્યો. જેવી બેગમ ભલી હતી તેવો જ ખોજો પણ મરદે આદમી હતો. તેમણે સુંદરને એક ઓરડામાં પલંગ ઉપર સુવાડીને બે ઘાંયઝિયો તેની સેવામાં આપી તથા તઇએબઅલી હકીમને બોલાવા મોકલ્યું. તઇએબજીએ આવી સુંદરની નાડ તથા એના કસાઈ વરના મારના લીલઝામાં જોયા ને હકીગત સાંભળીને કહ્યું હું તેલ આપું છું તે એને આખે શરીરે ચોળી સહેવાય એવે ઉને પાણીએ નવરાવો, પછી ખીચડીને ઘી જમાડો ને સુવાડો. હુંગમાંથી જગાડશો નહીં, પણ હુંઘ પુરી થએ પોતાની મેળે ઉઠે ત્યારે આ દવા પાજો. એને આરામની ઘણી જરૂર છે. સાંજરે દુધ, પુરી, ભજીઆં વગેરે હિંદુ લોકનું જે ખાવાનું એ માગે તે આપજો; એને ઉજાગરોને થાક બહુ ચઢયા છે, માટે તસદી જેમ ઓછી અપાય તેમ સારૂ; કાલ સવારે એને હું જોઈ જઇશ; બે ચાર દહાડામાં કરાર થઇ જશે.

હજામડિયોએ બે ચુલા સળગાવી દીધા, એકપર ગરમ કરવાને પાણી મુક્યું, ને બીજા ઉપર ખીચડીનુ આંધણ ચઢાવ્યું. તેમાં સુંદરે ખીચડી ઓરી. પછી ઘાંયજીઓએ તેને દીલે પેલું તેલ ખુબ મસળી હાથ પગ વગેરે આખું અંગ મસ ચાંપ્યું, ને ચોળી ચોળીને નવરાવી. એટલે ખીચડી થઈ રહી હતી. તેને સારૂ બેગમે તાજું ઘી મોકલ્યું હતું. જમીને પાન સોપારી, લવીંગ, આદિ ખાઈ સુઈ ગઈ. એક હજામડી પવન નાંખવા લાગી, ને બીજી પગ તળાસવા બેઠી. સુંદરને ઝટનિંદ્રા આવી, પઠાણ કસબામાં પેઠો કે નાગરબ્રાહ્મણો, 'જુલમ થાય છે સાહેબ જુલમ' એમ કહેતા તેની પુંઠે લાગ્યા. પઠાણ જાણે કાંઈ જાણતો ન હોય તેવું મોઢું કરી પુછ્યું શું છે ? બ્રાહ્મણો કહે સાહેબ આ ગામમાં બહુ અધર્મ થાય છે. લુચ્ચા આદમીઓ લોકની બહુ બેટીઓને લઈ નાસી જાય છે. પઠાણ કહે તેમને સજા થશે, તમે પેલા સાંઇની વાત કહો છો કેને ? બ્રાહ્મણો કહે હા સાહેબ હા. તે હરામખોર પકડાયો છે. પઠાણ કહે ફિકર નહીં કરો તેનો ઈનસાફ થશે, તમે કાલે કચેરીમાં આવજો.

ઘેર આવીને સુંદરની ખબર પુછી. ખોજાએ કહ્યું સાહેબ હકીમજીના ફરમાવ્યા મુજબ ભોજન કરીને તે હવડાંજ પોઢી છે. પઠાણ જનાનખાનામાં ગયો. ને સુંદરની કહેલી વાત બેગમને માંડીને કહી. બેગમની વય ૩૩ વરસની હતી, ને તેનું સીમંત આવ્યું ન હતું. પઠાણના ભાઈ અકબરખાંને ચાર છોકરા હતા, ને તેની વહુએ એ બેગમને એકવાર મેણું માર્યું હતું કે તમારી દોલત આખરે અમારી છે. એ વાતનો ડાઘ બેગમને હઇએ પડી રહ્યો હતો, ને પઠાણને બીજી બાયડી આણવાને તેણે ઘણીવાર સમજાવેલો. મુસલમાન છતાં પઠાણને એ ગમતું નહતું તેથી બેગમની એ વાત પર તે લક્ષ આપતો નહીં. આ લાગ જોઈ તેણીએ તેને ઘણાજ કરૂણાયુક્ત વચનો વડે કહ્યું કે સુંદરને તેના રાક્ષસ જેવા ચંડાળ ધણીને સોંપવી ને વાઘના મુખ આગળ મુકવી એ બરોબર છે.

પઠાણ – ખરૂં એમજ છે, હવે ધણીનો, તેના ઉપર કાયદા પ્રમાણે જરાએ હક નથી. એ નિરઅપરાધી બાઈ જોડે એવી ઘાતકી રીતે વર્ત્યાથી લગ્નનો સંબંધ ટુટ્યો છે. એમાં શક નથી, ને તે વર ડંડને લાયક થયો છે.

બેગમ – એને આપણા દીનમાં લઈ આપ વરો. એ નિકાથી પાદશાહ નાખુશ નહીં થાય. મને એકલાં ગમતું નથી. વળી અલ્લા કરશે તો એને પેટે ફરજન થશે.

પઠાણ – મારો મત એ છે કે એક બાયડી જીવતાં બીજી કરવી એ ઠીક નથી, આપણા કુરાનમાં મના નથી, પણ મારો મત કુરાન વિષે શો છે તે તમે જાણો છો. સુંદરને એના દાઈત વરના જુલમમાંથી મોકળી કરવી એ મારી ફરજ છે. પણ પછી તે સ્ત્રીનું શું કરવું તેનો વિચાર કરવો જોઈએ.

એ સંવાદ થયા કેડે પઠાણ કચેરીમાં ગયો ને ફકીર, ચંદા, શાહેદો વગેરેને બીજે દહાડે બપોરે હાજર કરવાનો હવાલદારને હુકમ આપ્યો.