સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧૫ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૬
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૭ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.

પ્રકરણ ૧૬ મું.

બીજે દિવસે મધ્યાને સર્વ કચેરી મંડળ ભરાયું હતું; બહાર લોકની ઠઠ તમાશો જોવાને ખૂબ મળી હતી; હવાલદારે દાદી ફરીઆદને તથા તેમના સાક્ષીઓને હાજર રાખ્યા હતા. થાણદારની પાલખી આવી કે સઘળા ચુપ થઈ ગયા, ને બેઠા હતા તેઓ અદબ કરી ઉભા થયા. સહુની સલામ લેતો લેતો પઠાણ ગાદીએ જઈ બેઠો, ને કીસનલાલ શરસ્તેદારને બોલાવી કહ્યું સાંઇનો મુકરદમો ચલાવો.

કિસનલાલ – પંડ્યા વીજીઆનંદ રમાનંદ આ કામમાં ફરીઆદી, તમે કેના ઉપર દાવો કર્યો છે ?

વીજીઆનંદ – આ ફકીર ઉપર સાહેબ, એ મારી વહુને ભોળવીને લઈ ગયો, ને મારી આબરૂ લીધી, મારી સાત પેઢીને એણે લાજ લગાડી.

કિસનલાલ – તમે તમારી બઈરીને સજા કરાવા નથી માગતા ?

વીજીઆનંદ – નાજી એ મુરખમાં કાંઈ અક્કલ નથી. એને સારા નરસાની શી ખબર, કોઈ ભમાવે તેમ ભમે; અજ્ઞાની સ્ત્રી છોકરાંની બરોબર છે, એને અમે ઘરને ખુણે શિખામણ દઈશું. એને ઘેર જવાની રજા આપાવો તો મોટી મહેરબાની સાહેબ.

કિસનલાલ થાણદારને કહે સાહેબ એ લોક ઉચવરણ છે, ખાનદાન છે. બ્રાહ્મણોમાં સહુને માથે કહેવાય છે, એમની બાઇનેકચેરીમાં લાવવી એ ઠીક નહીં. એ લોક અરજ કરે છે કે તેને ઘેર લઈ જવા દેવાની મહેરબાની કરો. એનો ધણી ફરીઆદ નથી કરતો.

પઠાણ – નાગર બ્રાહ્મણો બીજાથી ઉચાં, સહુ બ્રાહ્મણોને માથે છે એવું તમે શા પરથી કહો છો ?

કિસનલાલ - સાહેબ એ કોઈનું રાંધેલું ખાતા નથી, અને બીજા બધા એમનું રાંધેલુ અન ખાય છે.

પઠાણ - તમે ભૂલો છો તમને પુરી ખબર નથી. સોરઠમાં ઓદીચ, શ્રીમાળી વગેરે બીજી કોઈ નાતના બ્રાહ્મણો એમના હાથનું ખાતા નથી. કાઠીઆવાડમાં નોખી નોખી બ્રાહ્મણની જ્ઞાતી એક એકનું રાંધેલું ખાતી નથી તો તેમાંથી કોને ઉંચી અને કોને નીચી ગણવી ? બીજા બ્રાહ્મણો, વાણીઆ, સોની, કાયત, ક્ષત્રી, કણબી, ઘાંચી, દરજી, મોચી, કુંભાર, વગેરે નાતો રસ્તામાં, ધુળમાં, કાદવમાં, મુતરમાં, ખાળકુવા ઉપર, ખાળકુડી આગળ, સનડાસના થડમાં, ઉકરડાની પાસે જમવા બેસે છે તેમ નાગરબ્રાહ્મણો પણ બેસે છે. માટે એ વાતમાં તેમના સરખા છે, તેમનાથી ઊંચા નથી. દેવું કરીને, ઘર વેચીને, કે ગમેતેમ કરી વરા કરવાની ઘેલાઈ બીજામાં છે તેમ એમનામાં છે. બાળલગ્ન કજોડાં, સાસુના જુલમ, નાતની લડાઇઓ, રસ્તામાં ઉભા રહી છાતી ઉઘાડી મુકી કુટવું વગેરે દુરાચારો બીજામાં છે. તે બધા એમનામાં છે માટે તેમની બરોબરીઆ છે. એક બાબતમાં સરસ હોય તો નિશપક્ષપાતે બતાવો. બીજા બ્રાહ્મણોના જેવા જ તેઓ વહેમી અને અભણ છે.

કિસનલાલ – એ નાગરની સ્ત્રીઓ ફટાણાં ગાતી નથી; અને નાગરો એક બાયડી જીવતી હોય ત્યાં સુધી બીજી કરી શકતા નથી, એવો તેમની નાતનો પાકો બંદોબસ્ત છે.

પઠાણ – ફટાણા ગાવાનો એમનામાં ચાલ નથી, પણ ફટાણાના પીતરાઈ ન જેવાં ગાય છે. તો પણ એ વાતમાં બીજા બ્રાહ્મણો વગેરેથી ચડતા છે ખરા. અને એક જીવતી છતે બીજી ન પરણવામાં વડનગરા નાગરો બેશક બીજી સઘળી હિંદુની જ્ઞાતોથી શ્રેષ્ઠ છે. એમાં તેઓ ઉંચવરણ ખરા, પણ બાકીની બાબતોમાં તેઓ બીજાના જેવા નીચ છે.

કીસનલાલ – ઉજળા વાજળા, સુઘડ, સરકાર દરબારની નોકરી કે બીજો રોજગાર કરી ધન મેળવનારા, સ્ત્રીઓ થોડું વાંચી લખી શકે.

પઠાણ – એવા લક્ષણ બીજી કેટલીક નાતોમાં પણ છે. એમની સ્ત્રીઓમાં ઘણાકને વાંચતાં લખતાં આવડે છે, પણ તે નહિ જેવું. જ્યારે નાગરની સ્ત્રીઓ અનેક પ્રસંગે એકઠી મળે છે, ત્યારે તેઓની વાત સાંભળો, તેઓની મશકરી ઠઠા જાણો તો તમે તરત કહેશો કે તેઓ કાંઈ સુધરેલી નથી. પુરૂષોમાં પણ થોડા જ સારા છે. ચકલે કે પોળે બેસી વાતો કરે છે તે વાતોમાં શો માલ છે. શાવક, વાણીઆ વગેરેના જેવાજ એઓ છે, અને જો તેઓ હવે ચેતસે નહિ તો કેટલાક વરસોમાં બીજી નાતો એમનાથી સરસ થઈ જશે. હાલ મને વધારે વાત કરવાની ફુરસદ નથી, પરંતુ એ અને બીજી જ્ઞાતીઓ વિશે જ્ઞાન મેળવવાની તેમની સારી નઠારી રીતભાત, તેમના સારાં ખોટાં લક્ષણો જાણવાની મને ઘણી ઇચ્છા છે. હાલ આપણું કામ ચલાવીએ. ગર્ભની લાલચમાં અને વહેમની ઝાળમાં નાખી ફકીર લઈ ગયો હતો માટે બાઈને છોડી દેવામાં હરકત નથી.

વીજીઆનંદ – સાહેબ એ બુરા વિચારથી નાસી નહોતી ગઈ; દીકરો લેવા ગઈ હતી. તેમ કરતાં એની જરૂર પડશે તો હું હાજર કરીશ.

પઠાણ – ઠીક એને રજા છે. ફકીરને આગળ લાવ.

ફકીર – જી મારી તકસીર એમાં જરા નથી. એ ચંદાની મા ને માસી પ્રથમ એને મારી પાસે લાવ્યાં, ને કહ્યું આ છોડીને કોઈએ કરી મુક્યું છે કે કાંઈ બલા નડે છે કે શું, એને મહિના જ રહેતા નથી; અમે ઘણીએ બાધા રાખી, દોરા ચીઠી કર્યા, જપ ને અનુષ્ઠાન કરાવ્યાં, વરત કર્યા. જોશી, ભુવા, ગોરજી, શન્યાશી, બાવા, એ સર્વેને ઘેર ફેરા ખાતાં થાક્યાં, હનુમાનને તેલ ચડાવ્યું, મહાદેવને બીલ ચડાવ્યાં, ને વિષ્ણુને તુલસી ચડાવી એમ અનેક ઉપાય કર્યા, પણ મનકામના સિદ્ધ થઈ નહીં. ત્યારે મેં કહ્યું અમારા જમલાપીર સાહેબ જાગતા છે તેમને એ પગે લાગે, ને મેહેરબાની માગેતો કદાપિ એનું કામ થાય. ઝાડો નંખાવવા, કડાં મંત્રાવવા, વશીકરણ કરાવવા, ભૂત કઢાવવા, વગેરે કારણે બહુ લોક મારે મુકામે આવે છે. હું કાંઈ નઠારો માણસ નથી. એ બાઇને પીરસાહેબને ફુલ ચઢાવવા લઈ ગયો હતો.

પઠાણ. - તમારી દુકાને સારી ને તમેએ સારા ! ખરૂં બહુ સારા આદમી ! ધુતવાનો ધંધો ઠીક માંડ્યો છે ! ખુદા કરતાં પીર મોટા, ને તેના કરતાં તમે મોટા હશો નહીં વારૂં ? બધી વાતની મેં ખબર કાઢી છે. તમે પીરસાહેબના મકાનમાં જઇ કેવાં ખોટાં કર્મો કરો છો, તે હવે જાહેર થયાં છે. આ ઘરેણાં કોનાં છે ? એને શા વાસ્તે પહેરાવ્યાં હતાં ?

ફકીર - જી મારાં છે. એણે ખુશી દેખાડી ત્યારે પહેરવા દીધાં.

પઠાણ – તમે ફકીર છો તોએ ઝવેર રાખો છો, વા ! વા ! ખરા ફકીર! તમે દુનીઆં છોડી ખરી ! ગધેડાનગરીના રાજાને છોકરાં થતાં નથી. ઘણાએ સાંઈ સૈયદને ઢોંગી ધુતારા તેની પાછળ લાગ્યા છે ત્યાં તમે કેમ નથી જતા. તમારા જમલાપીર તેને એક બેટો આપે તો મોટી જાગીરો બક્ષીસ મળશે. મોટી અસ્વારી સાથે તે પીરને પગે લાગવા રાજા આવશે. બીજા ઘણા રાજા અને ધનવાન આદમીઓ દીકરાને સારું વળખાં મારે છે; ત્યાં ફાંફાં મારી ધુતાય એટલું ધુતી અહીં આવ્યા છો કેમ. મારી ગરીબ રઇઅતને ભમાવો છો, વળી માનવોને કહો છો હું સારો છું. બાઈ આદમીને તેના ધણીની રજા વિના અને એકલી વગડામાં લઈ જવી એ કિયા રાજની ને કિયા ધર્મની રીત ? તમને લાજ શરમ લાગતી નથી? તમારા વેશની ગેરઆબરૂ તમે કરો છો. તારી પોતાની કબુલાતથી જ તું ગુનેગાર ઠર્યો છે. જો તું ફકીરને વેશે નહોત તો તને આજે ચૌટા વચ્ચે બાંધી ૫૧ ફટકા ઉઘાડા વાંસાપર મરાવત, ને ગધાડે બેસાડી અડધું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવત, ને ત્રણ વરસ કેદમાં રાખત, પણ તું સાંઈ છે તેથી પાંચ હજાર રૂપીઆ ડંડ કરું છું, ને મારા અમલની હદ બહાર કાઢું છું, જો ફરીને આ કસબામાં કે મારા તાબાના મુલકમાં આવીશ તો માર્યો જઈશ, જાઓ સિપાઈ એ હરામખોરને દેશપાર કરો, ને એનો બધો માલ જપત કરો.

વીજીઆનંદ – સાહેબ મારી ખરાબી થઈ, હવે હું લોકમાં મોહો શું બતાવીશ; જ્ઞાતિના લોક હરકત લેશે, કેટલો ખરચ થશે ત્યારે એ સ્ત્રી પંગતમાં પાછી દાખલ થશે, માટે મને કાંઈ અપાવવાનો હુકમ કરો તો સારું, નહિતર હું ગરીબ માણસ વગર લેવ-દેવે માર્યો જઈશ. મારી રજા વગર એ ગઈ હતી. એ સાંઇ કને ન અપાવો તો મને ખરચ થાય તે મારા સાસુ સસરા આપે.

પઠાણ - તમારા સાસુ સસરા આપે કે નહીં તે વાત તમારી જ્ઞાતિવાળાને કહેવી, હું તેમાં વચમાં નહીં પડું. તમારી વહુને વેળાસર સંતાન નહીં થયાં માટે તમે પોતે શા ઉપાય કર્યા.

વીજીઆનંદ – જી મેં એણે જેજે કહ્યું તે કર્યું, અમારા ધર્મ પ્રમાણે મુસલમાનને છાંયડે ઉભાં ન રહેવાય માટે એ કરવાની ના કહી હતી.

પઠાણ – ત્યારે એ ચંદાનો કે તેની મા માશીનો વાંક કાઢી શકતો નથી. તમે જે રસ્તે એને ચલાવી તે રસ્તે એ ચાલી, જે માર્ગ દેખાડ્યો તે માર્ગે ગઈ. વહેમના ખાડામાં એને તમે પોતે ઉતારી. બાળકને ઘરમાં ગાળો દેતાં સિખવવું, ને ખોટી ટેવ પડાવવી, ને પછી તે લોકમાં તેમ કરે ત્યારે કોનો વાંક ? હું કાંકરોલીમાં થાણદાર હતો ત્યારે કેટલાક વૈષ્ણવો મારી પાસે ફરીઆદ આવ્યા કે ગોસ્વામી મહારાજ ગોલાજી અમારી સ્ત્રીઓને ખરાબ કરે છે. તપાસ કર્યા પછી મેં તેમને કહ્યું કે તમે પહેલેથી સંભાળ્યું નહીં ને બાયડીઓને સીધે રસ્તે ચલાવી નહીં તેનુ એ ફળ છે, મહારાજના દરશન કર્યા વિના ખવાય નહીં, મહારાજના પગ ચાંપવા, મહારાજનું નાહેલુંપાણી પીવું, ને થુંક ચાટવું, જેમ મહારાજ રાજી થાય તેમ સેવા કરવી, એવું નાનપણથી એ બાઇઓને સિખવ્યું, તમે પોતે મહારાજના લુંડા હોય તેમ વર્ત્યા, ને હવે ફરીઆદ આવો છો તેનો શો મેળ ? એ સાંભળી વૈષ્ણવો નિચે માથે ચાલતા થયા, ને જ્ઞાતિ મેળવી બંદોબસ્ત કરવા લાગ્યા. વીજીઆનંદ, તમે પણ એવી જ મુરખાંઈ કરી છે. જગત કર્તાના ડહાપણ ઉપર વિસવાસ ન રાખ્યો ને ફોગટ ફાંફાં માર્યા. હવે શીરપર જુતીઓ પડે છે તે મુગા મુગા ખાઈ પસ્તાવો કરો કે તમારી ભૂલ જોઈ બીજા ચેતે. પણ ખબરદાર, એ ચંદા ઉપર જુલમ કર્યો તો તમે તમારી વાત જાણશો. શકત સજા કરીશ એ નક્કી માનજો. તેની જોડે ટંટો નહીં કરવાના રૂ ૫૦૦) ના ફેલ જામીન આપો. જાઓ પેલો કારકુન લેશે." સિપાઈ વીજીઆનંદને કારકુન પાસે લઈ ગયો.

હરિનંદ - થાણદારસાહેબ મારી ઓરતને પણ એ સાંઈ લઈ ગયો છે, ને કોણ જાણે ક્યાં સંતાડી મેલી છે તે જણાતું નથી, હજી તે પકડાઈ નથી.

પઠાણ – નથી પકડાઈ, એમ કે, ને તે ગઈ તેને આગલે રોજ શો ટંટો થયો હતો ?

હરિનંદ – હશે સાહેબ, ઘર છે.

પઠાણ – ઉં ઉં, હશે, ઘર છે ! ને સાસુ વહુની મોટી વઢવાડ થઈ પછી શું થયું ? તેં શું કર્યું ? કેમ જવાબ આપતો નથી ? નીચું માથું કેમ કરે છે ? નિર્બળ નારીઓને મરણતોલ મારવાનું ક્યાં, ને કોના શાસ્ત્રમાં કહ્યું છે ? હિંદુનાં કે મુસલમાનના ? બદફેલી હોય, ચોર હોય, કે બીજા અપલક્ષણી હોય તો ધણી ઘટતી શિખામણ દઈ શકે; તે પણ ઘટતી, હદ કરતાં વધારે કરે તો ધણીને સરકાર સજા કરે, કેમકે દુરાગ્રહ કરનારી સ્ત્રીથી છુટાં પડવું એજ કાયદો ને વાજબી છે. તેને મારી નંખાય નહીં. આ તારી બાયડી રૂપે, અમારામાં પરીઓનું બ્યાન વાંચીએ છીએ, તેવી છે, પતિવ્રતા સતી, સદ્દગુણી ગરીબડી છે, તેને વગર વાંકે વગર તજવીજે આટલો બધો માર માર્યો ! અરે મુરખ, અરે ખાટકી, કસાઈ, ચંડાળ, તું આદમી છે કે જાનવર ? હેવાન છે ! તને કોઈ પુછનાર નથી? એ મારના કારણથી મરશે તો તારે જવાબ દેવો પડશે. માબાપ પોતાના અખતીઆરથી વધારે, હદથી જ્યાદે પોતાના બાળકને મારે તો સરકાર તેમને પણ સાસન કરે છે, ને કોઈ વર પોતાની વહુને મારે તો સરકાર તે વરને ડંડ કરે છે; સેજ-સાજમાં સરકાર હાથ ઘાલતી નથી તે ઠીક છે, ધણી ધણીઆણીનો સંબંધ પડ્યો એટલે વખતે કજીઓ થાય, ને વળી ધણીના હુકમમાં રહેવું એ વહુની ફરજ (ધર્મ) છે. પરંતુ ધણીના અધિકારને મરીઆદા છે, નિર્દય ધણીને સરકાર સજા કરે છે, ને ધણીઆણીનુ ખુન કરનાર ખાવનને સરકાર ફાંસી દે છે, ત્યાં એનું ધણીપણું કાંઈ કામમાં આવતું નથી. હરિનંદ તને પણ તારા ક્રૂર અને ઘાતકી કર્મની સજા હું કાયદા પ્રમાણે કરીશ. તારી માને ને બેનને થવી જોઈએ, પણ તેના ઉપર આ વખત કાયદો લાગુ પડી શકતો નથી, એ છેલ્લો માર મારવામાં તેઓ સામીલ હશે, પણ તેનો પુરાવો નથી, માટે તને એકલાને પુછવામાં આવશે. એ સુંદરને સરકાર તરફથી હાલ ઓસડ કરવામાં આવે છે, ને તે સારી થશે તો તને પાછી આપવામાં નહીં આવે, તારો દાવો એ ઓરત પરથી ઉઠ્યો છે, મેં તારૂં પરણતર ફોગ કર્યું છે, ને એ બાઇની પણ તારે ઘેર આવવાની ખુશી નથી.

હરિનંદ – જી ત્યારે એને આપ રાખશો ? રાખો સાહેબ ધણી છો, માબાપ છો, પણ એમ આપણે ઘટે નહીં.

પઠાણ – ઘટવા ન ઘટવાની વાત તો આગળ છે; એ બીચારીને સારું થાય એવું દીસતું નથી. એ જીવશે એવી મને આશા નથી, માટે હું તને છુટો રહેવા દઈ શકતો નથી; એને આરામ થતાં સુધી તારે કેદમાં રહેવું પડશે. એને કરાર થશે તો શકત માર મારવાનું તારા પર કામ ચાલશે; પણ જો એ તારા મારની અસરથી મરશે તો તારાપર ખુનનું તોહમત મુકવામાં આવશે, ને તે સાબીત થયે ગરદન મારવામાં આવશે. હવાલદાર એને બંધીખાનામાં પુરો; લઈ જાઓ એ કેદીને.