સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૭

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૬ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૭
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૮ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




પ્રકરણ ૧૭ મું.

પઠાણ અમીર ખાનદાનનો હતો, ને જ્યાં જ્યાં એણે અમલ કર્યો હતો ત્યાં ઈનસાફી ગણ્યો હતો. મોડાસામાં એ પાંચ વરસ થયાં કારભાર કરતો હતો. એનો બંદોબસ્ત એવો સારો હતો કે સઘળી રૈયત એના ઉપર રાજી હતી. એ વેળા દીલ્લીની ગાદીએ આલમગીર (ઔરંગજેબ) બાદશાહ હતો. ઇતિહાસ વાંચનાર જાણે છે કે તે ધર્માંધ, કપટી ને મહાદુષ્ટ, પણ ઘણો બુદ્ધિવાન પુરૂષ હતો; ને પાદશાહની અસર તેના બીજા અમલદારો ઉપર થાય તેમાં નવાઈ નહીં. તથાપિ મુસલમાન સરદારોમાં કેટલાક સદાચર્ણી, ને શહાણા આદમી હતા, ને તેઓ અકબર પાદશાહની સારી રાજ-રીતિ પસંદ કરતા, ને તે પ્રમાણે વર્તતા. એ પઠાણ એ પંક્તીમાંનો હતો, તે ચપળ, ચતુર, ઉદ્યોગી, શૂરો, દયાળુ, પ્રમાણિક ને સારા વિચારનો હતો. મુસલમાન લોક એને બહુ ચાહતા નહોતા, કેમ કે તે તેમની કેટલીક રસમો કબુલ રાખતો નહીં, ને તેમના જેવો વેહેમી નહતો. પરંતુ એના જેવા નિમકહલાલ ને સાચા જનો મોટા મોટા અધિકાર ઉપર હોત તો મુગલ વંશમાંથી પાદશાહી ઉતાવળી જાત નહીં.

મોડાસાના લોકને તેનાપર ભરોસો હતો, પરંતુ આ વખત તમને લગીરેક શક આવ્યો, સુંદરને હરિનંદે આંખો મીંચી જંગલીપણે બહુ જ મારી હતી તે તેમના જાણવામાં નહતું, સુંદરની રૂડી ચાલ, અને તેની વિપત્તિથી તેઓ અણવાકેફ હતા, ને ફકીર જોડે ગઈ તેથી તેઓએ તેને લુચ્ચી ધારી. વળી હરિનંદને કેદમાં મોકલ્યા પછી નાગરબ્રાહ્મણો પઠાણને અને સુંદરને વિષે જુઠી જુઠી વાતો ચલાવવા લાગ્યા. તેઓ કહે સુંદરને વાગ્યુએ નથી, ને માંદીએ નથી, એને તો તરકડી થઈ જવું છે, પઠાણ એને બહુ ગમ્યો છે, ને પઠાણ તેના ઉપર મોહીત થઈ ગયો છે, ને પરણવાનો છે, માટે આવો ઢોંગ કરે છે, હરિનંદને દુખ દઈ તેની પાસે એ વાતની હા કહેવડાવવી છે, બીજું કાંઈએ નથી. જ્ઞાતિની આબરૂ રાખવાને તેમણે બહુ જુઠાણું ચલાવ્યું.

એથી સુંદરની અને પઠાણની ઘણી જ નિંદા થવા લાગી. થોડાનું ઘણું થઈ ગયું. એકે કાળું નાંખ્યું તે બીજાએ જોયું, ને ત્રીજા આગળ કહ્યું, અલ્યા પેલાએ કાગડા જેવું કાળું નાંખ્યું. ત્રીજાએ ચોથે ઠેકાણે વાત કરી કે એક મનીસે કાગડો ઓક્યો, એમ વાત ચાલતાં સાત કાગડા ઓક્યાની વાત ચાલી. તેની પેઠે અહીં પણ થયું. ગામમાં અનેક તરેહની ગપ્પો ચાલી રહી, ને દહાડા ગયા તેમ તેમ મોટી થઈ. કાંઈ નવાઈનુ બને છે ત્યારે આપણા દેશમાં ગરબા, લાવણી, રાસડા, ને ગીત જોડાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, આદી શહેરોમાં એવી રસિક કવિતા બનેલી છે, ને તે આખા ગુજરાતમાં ગવાય છે. આ વેળા મોડાસાના કોઈ કવિએ સુંદર અને પઠાણનું ગાણું જોડી કાઢ્યું. એ આજે પણ ઘણા લોક ગાય છે, ને નાગરો તે સાંભળી ચીડાય છે, કેમ કે તેના ઇતિહાસની તેમને ખબર નથી. એ ગીત ઉપરથી પઠાણ બ્રાહ્મણીનો વેશ પણ જોડાયો છે. એ પ્રખ્યાત ગીત આ રહ્યું.

"સુંદર સુણો મારી જાન, મારાં દીલ લાગ્યાં પઠાણ રે;
પઠાણ દિલ્લીનો દીવાનરે, અમદાવાદનો ઉમરાવ;
મારાં દિલ લાગ્યાં પઠાણસું. ૧

પેહેલી હતી નાગર બ્રાહ્મણી રે, જમતી કેળાંને ખાંડ;
હવેરે થઈ સુંદર તરકડી, જમુ પુલાવને નાન રે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૨

સુંદર સુણો મોરી જાન, જીવડા કરૂં ખુરબાન;
ગોરી હોય નાદાન, વારી જાઉં મારૂં માન;
મારૂં દિલ લાગ્યું પઠાણાસું. ૩

પાંચ રૂપઇઆ આપું રોકડા રે, કોઈ લશ્કરમાં જાય;
જઇને પઠાણને એમ કહે, સુંદર ધાન્ય નવ ખાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૪

સોનીરે વાડામાં મારૂં સાસરૂં, નાગર વાડામાં રહિયે;
તેડાંરે આવ્યાં પઠાણનાં, એને ના કેમ કહિયે રે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૫

કે લીલુડા વાંસની ટોપલી, સુંદર દળવાને જાય;
દળતાં દળતાં માંડ્યાં રૂશણાં, લોટ કુતરાં ખાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૬

હું રે મોડાસાની બ્રાહ્મણી, તમે દિલ્લીના શેખ;
આરે જનમની ભારે પ્રીતડી રે, પેલા તે ભવના લેખ;
મારૂં દિલ લાગ્યું પઠાણાસું. ૭

લીલા રે પીળા તંબુ તાણીઆ, ફરતી સોનેરી ઝૂલ;
વચ્ચે રે બેઠી નાગર બ્રાહ્મણી, પરણ્યો ફાકે છે ધુળ;

મારૂં દિલ લાગ્યું પઠાણશું. ૮

દેરાણી જેઠાણીનાં જોડુવાં રે, હળી મળી પાણીડે જાય;
પાળે ઉભો પઠાણ પાતળો રે, દેખી હઈડામાં કાંઈ થાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૯

હાથમાં લાલ કમાન લટકતી, તાણી તાણીરે મારે તીર;
ભાલુડા વાગે રૂદીઆ ફાટે, ના તાણશો મારાં ચીર;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૧૦

શેરની વણું સત્તર રોટલી રે, પઠાણ પાતળીઓ ખાય;
ભેળાં રે બેસી આરોગશું, મનમાં હરખ ન માય;
મારૂં દિલ લાગ્યું પઠાણશું. ૧૧

આગળ રે સસરાજીનો ઘોડલો રે, હારે મધ્યે દિયરને જેઠ;
વચ્ચે પરણ્યા તારી ઠાઠડી રે, લઈ જાઉં સમુદર બેટ;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૧૨

અગર ચંદનના મંગાવું લાકડાં રે, તેની ખડકાવું ચે;
મુજરે કારણ તમે મરશો રે, બળશું આપણ બે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું." ૧૩

એ ગીત સેરીએ ને ઘેર ઘેર ગવાય. નાગરબ્રહ્મણો સાંભળી સાંભળીને ખીજે ને બળે. એથી લોક વધારે ચડસે ચડ્યા. મોડાસામાંથી એ વાત આસપાસના ગામોમાં ગઈ, ને ત્યાંથી ગુજરાતના બીજા ભાગોમાં ફેલાઈ. ઔદિચ, રાયકવાડ, શ્રીમાળી, મોઢ, મેવાડા, ને બીજા ગુજરાતી બ્રાહ્મણોને નાગરબ્રાહ્મણો પોતાથી હલકા ગણી તેમનો તિરસકાર કરે છે, ને કેટલેક દરજે શૂદ્ર જેવા ગણે છે આ વાજબી ને ઠીક નથી, તથાપિ નાગરો પરાક્રમી, ને સંપીલા છે તે વગેરે કારણોથી તેમનું ચાલે છે. આ વખતે એ જ્ઞાતિનું અપમાન કરવાને બીજા બ્રાહ્મણોને સારો લાગ મળ્યો.

વડનગરા નાગર બ્રાહ્મણોમાં લગ્નને પ્રસંગે કાંસાની થાળી ઉપર કાજળ પાડી તે ઉપર ભંગીયણનું ચિત્ર, હાથમાં સુપડુ, સાવર્ણો-સહિત પાડે છે, ને તેની પૂજા કરે છે; કંસાર, વડાં, ચણા, દાળ, ભાત, શાક, આદિ જમવાનું કર્યું હાલ તેની થાળ તેને ધરાવે છે, ને પછી તે પ્રસાદ ઓઝાને આપી પૂજા કરનાર નહાય છે. એનું કારણ એવું કહેવાય છે કે અસલના વારામાં એક ઢેડ કાશીથી ઘણું ભણીને વડનગરમાં આવ્યો, ને ત્યાં મોટો પંડિત કહેવાવા લાગ્યો. એ જોઈ એક નાગરે તેને પોતાની દીકરી પરણાવી. આગળ જતાં એ બાઈને એક છોકરોને એક છોકરી થઈ. એ બાળકો નિત્ય બારણે જઈ સુપડામાં ધુળ ભરી ઢેડ લોકોની પેઠે ઝાડકે, ને બીજાં ઢેડના કામ કરવાની રૂચી બતલાવે તે પરથી એમની માયે પોતાના વરને પુછ્યું કે એનું કારણ શું ત્યારે તે આદમીએ પોતાની ખરી જાત કહી. બાઇએ પીએર જઈને વાત કરી, ને ત્યાંથી આખી જ્ઞાતિમાં જાણ થયું. નાગરી નાતમાં ખળભળાટ થઈ રહ્યો. પેલો ઢેડ નાશી ગયો, ને તેની વહુ પોતાના બે છોકરાં સાથે પીપળાના લાકડાંમાં બળી મુઈ. બળતી વખતે જ્ઞાતીના લોકે વચન આપ્યું હતું કે અમે તારી યાદગારી રાખીશું તે પરથી એનું ચિત્ર પૂજે છે. એ પરથી કેટલાક અદેખા ને અજ્ઞાની લોક કહેતા હતા કે નાગરની ગોતરજ એટલે કુળ-દેવી ઢેયડી છે. તેઓ હવે કહેવા લાગ્યા કે ઢેડ જમાઇથી પઠાણ જમાઈ સારો. નાગરો એ સાંભળી ઘણા ખીજવાતા ને ખેદ પામતા.

કેટલાક માણસો ધારે છે કે એ વખતથી (ઢેડ પરણ્યો ત્યારથી) ગુજરાતના બીજા બ્રાહ્મણોએ નાગર બ્રાહ્મણને પંગતી બહાર મુક્યા. ને કેટલાક ધારે છે કે જ્યારથી નાગર ગૃહસ્થો, શાસ્ત્રમાં યાવની ભાષા બોલવાની મના છતાં, ફારસી અને અરબી બોલીઓ શિખ્યા, ને મુસલમાનોની ચાકરીમાં પેઠા ત્યારથી તેમને બીજી જ્ઞાતિના બ્રાહ્મણો જોડે ટંટો થયો, ને તેઓને જુદા કાઢ્યા; પણ તેઓ (નાગરો) રાજકારભારમાં મોટી પદવીએ પોહોંચ્યા ને તેથી વધારે ધનવાન, ને સત્તાવાન થયા, ને પોતાના બળને પ્રતાપે કરી બીજા બ્રાહ્મણોને નમાવ્યા; નમાવ્યા તે એટલે સુધી કે બધું ચકર ફરી ગયું, તળેના ઉપર આવ્યા ને ઉપરવાળા નીચે ગયા, ને હાલ આપણે જોઈએ છીએ તેવું થઈ ગયું. ઘણાં વરસ થઈ ગયાં એટલે દ્વેષ ઓછો થઈ ગયો છે, પરંતુ હજીએ કેટલાક સમજુને વિદ્વાન બ્રાહ્મણો શૂદ્રની પેઠે પંગતી બહાર દૂર બેસી નાગરબ્રાહ્મણને ઘેર જમવામાં લાજ માને છે, કેટલાક જતા પણ નથી. એ મતના બ્રાહ્મણોનું આ ચંદા સુંદરનો વરઘોડો ચડ્યો તે વારે ચડી વાગ્યું. તેઓ નાગરબ્રાહ્મણોને ચોરાસી બહાર મુંકી તેમનું પાણી નહીં પીવાનો ઠરાવ કરવાને ઉઠ્યા, પણ જબરા નાગરોની આગળ તેમનુ કાંઈ ચાલ્યું નહીં.

નાગરબ્રાહ્મણી પઠાણને ગઈ એ વાતનો ઉભાળો આખા ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવામાં બિચારી સુંદર તેના દઈત વરના મારે ઉત્પન્ન કરેલા રોગથી જે મહાકષ્ટ પામતી હતી તે થોડાનાજ જાણવામાં હતું. લોક ધારતા હતા કે તે પઠાણ જોડે સુખ વિલાસ ભોગવે છે, પણ તે તો અતિ પિડિત અને મરવાની તઇઆરીમાં હતી.