સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧૭ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૮
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૯ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
પ્રકરણ ૧૮ મું.

હકીમજીએ ઘણાએ ઉપાય કર્યા પણ સુંદરને સુખાકારી થઈ નહીં. એક દહાડો જરા ફેર જણાય ને બીજે દિવસ તેવુંને તેવું. ચામડી પર સોળ હતા તે રૂઝાયા, પરંતુ કાળજામાં લાતો અને મુકીઓ મારી હતી તેણે કરી તે અંદરથી સુઝ્યું, ને પછી પાક્યું. પિત્તાશયને નુકસાન થાય છે ત્યારે માણસ સાજું કોઈ જ વાર થાય છે; ઘણું કરીને કળેજું ફૂલે છે, કે પાકે છે, કે ફાટે છે તે વારે આદમી થોડા દિવસમાં મરી જાય છે. સુંદર દહાડે દહાડે ધોળી થતી ગઈ; અંગમાં લોહી રહ્યું નહીં, ને અન્ન પચે નહીં.

એનું પરિણામ શું થશે તે વૈદકશાસ્ત્ર નહીં ભણેલો હોય તે પણ કહી શકે, પરંતુ હકીમજીએ પઠાણને જુઠો રિપોટ કર્યો કે એ બાઇની તબીઅત સારી થવા આવી છે, ને ચિંતા કરવા જેવું કાંઈ નથી, થોડા વખતમાં બીલકુલ આરામ થશે.

એવો રપોટ કરવાનું કારણ પાછળથી તજવીજ કરતાં એવું માલુમ પડ્યું કે હરિનંદનો ભાઇ ને બનેવી તે હકીમજીને મળ્યા હતા ને તેમણે લાંચ આપી એમ લખાવ્યું. એમાં હેતુ એ હતો કે હકીમ કરાર થયાનું લખે તો સુંદરને માર્યા માટે હરિનંદને કાંઈ ડંડ કરી પઠાણ છોડી દે. હરિનંદ ઘેર આવે કે પાધરો નસાડી દેવો કે પછી સુંદર મરે તો તેને કાંઈ અડચણ થાય નહીં.

કીસનલાલ શિરસ્તેદાર હતો તેને તથા મોતીચંદ મુખ્ય કારભારી હતો તેને વીજીઆનંદ મળ્યો. કિસનલાલ કાએત હતો, ને મોતીચંદ વાણીઓ હતો. એ બંને રૂશવત-ખાઉ હતા. આગલા વખતમાં તેમણે ઘણા નાણાં મેળવ્યાં હતાં. આ પઠાણના આવ્યા કેડે થોડું મળતું. અજબ એ છે કે સર્વે લોકના જાણવામાં હતું કે પઠાણ આગળ તેમનું કાંઈ વળતું નથી, પોતાની નજરમાં જે વાજબી લાગે છે તે પઠાણ કરે છે, એ વાતથી કોઈ અજાણ્યું નહતું, તોપણ લોક એવા બેવકુફ હતા કે કસનલાલને તથા મોતીચંદને ઘેર જઈ લાંચ આપતા. એ લાંચીઆઓએ વીજીઆનંદને એવી સલાહ આપી કે તું હકીમજીને થોડું વધારે આપી એવો રિપોર્ટ કરાવ કે હરિનંદ માંદો છે, ને જો તેનો છુટકો કે ન્યાય જલદી નહીં થાય તો મંદવાડ વધી પડશે ને વખતે તેથી મરી જશે.

વીજીઆનંદે હકીમજીને તથા તેના ગુમાસ્તાને રાજી કરી તેવો રિપોટ કરાવ્યો; રિપોટ આવ્યો તે કીસનલાલે પઠાણની આગળ વાંચ્યો, ને સુંદરના જીવને સુખ છે તેનો રિપોટ આગલે દિવસે આવ્યો હતો તે ઈઆદ દેવાડી કહ્યું સાહેબ ઓરતને બહુ માર્યાને માટે એ બ્રાહ્મણને ડંડ કરી છોડી દેવો એવો મારો અભિપ્રાય છે. એ સમે મોતીચંદ પણ એક કાગળ ઉપર સહી કરાવવાને બહાને ત્યાં આવ્યો હતો તેણે પણ એજ સહલા આપી. પઠાણે એમના કહ્યા પ્રમાણે ન કરતાં પોતે જાતે તજવીજ કરીને જુઠાણું પકડી કાઢ્યું.

હકીમનું ઓસડ બંધ કર્યું, ને ગામમાં બે નામીચા વૈદ અચરતલાલ અને સુરજરામ કરીને હતા તેમને તેડાવ્યા. એમણે સુંદરનો ખરો રોગ પારખી પઠાણને કહ્યું સાહેબ કામ કઠણ છે, પરંતુ અમારી કને હુન્નર છે તેટલો ચલાવીશું, અમને બાઈ ઉપર બહુ દયા આવે છે.

સુંદરના મનમાંથી ઉદાસી કાઢી નાંખવાને પઠાણ વખતે વખતે તેની પાસે જઈ બેસે, ને તેની બેગમ તો દહાડો ને રાત તેની કનેથી ખસતી જ નહીં. બેહુજણા તેની સાથે મીઠે વચને બોલે, દિલાસો આપે, ને રમુજ વાતો કહે. રમુજે દિલપસન વગેરે ઉરદુ પુસ્તકોમાંની તથા ફારસી અને અરબી કિતાબોમાંની અને કોઈને મોઢે સાંભળેલી ખુશકારી પણ સુનીતિની વાતો કહી તેને ગમે એવું કરવાને મિથ્યા પ્રયત્ન કરે. વખતે જીવને જરા ચેન હોય ત્યારે મોહો મલકાવે. બીજી કાણીઓમાં સ્ત્રી ચરિત્રની એક વાત પઠાણે કહી, ને એક બેગમે કહી તેમાં એને રસ વધારે પડ્યો કેમકે તેમાં સ્ત્રી ચતુરાઈ અને સદાચરણ બંને ભળેલાં હતાં. સ્ત્રીના લુચ્ચાં કર્મને અને ડગલબાજીને લોક સ્ત્રી ચરિત્ર કહે છે, તેથી ઉલટું સાંભળી તે રાજી થઈ. બેગમ કહે –

"કોઈક સોદાગર એક સમે દેશ દેશનો સારામાં સારો તરેહ તરેહનો માલ લઈ દિલ્લી શહેરમાં આવ્યો, ને દિલ ખુશ મેહેલ નામે એક તોફે મકાન હતું તેમાં ઉતર્યો. એ મેહેલનું ભાડું મહિને રૂ ૧૦૦૦ હતું. પોતાના માલનો. થોડો થોડો નમુનો, અને કેટલાંક ભારે કીમતનાં રત્નો તેણે પાદશાહને નજર કર્યા. એ ભેટથી તથા સોદાગરનો હસમુખો ને ખૂબ સુરત ચેરો જોઈ તથા તેનું સુભાષણ સાંભળી પ્રસન થયો, ને ફરમાવ્યું કે તમારો મુકામ આ શહેરમાં રહે ત્યાંવેર હરરોજ અમારી પાસે આવવું. ધનવાન સોદાગર હમેશ દરબારમાં જાય. પાદશાહ તેનું સનમાન કરી પોતાની પાસે બેસાડે. સોદાગર અજબ જેવી વાતો કહી, તથા નવાઈની સુંદર વસ્તુઓ ભેટ કરી પાદશાહનો પ્યારો થતો જાય. એમ કરતાં એટલી દોસ્તી થઈ કે પાદશાહ તેના વિના પાણી ના પીએ, ને રાજકારભારમાં તેની સહલા પ્રમાણે વર્ત્તે. એથી કારભારીઓની સત્તા ઓછી થઈ ગઈ, ને તેઓ દાઝે બળવા લાગ્યા; પણ શું કરે ધણીનો માનીતો એટલે ઉપાય ચાલે નહીં. સોદાગરને ખરાબ કરવાનો લાગ શોધતા ફરે. એક દિવસે દીવાનજી, કાજી, અને ફોજદાર, એ ત્રણે મળી મસલત કરી પાદશાહની હજુરમાં ગયા, ને સહેજ વાત કરતાં કહ્યું આપણે હજારો જાતના જનાવરો જોયાં છે, પણ આજ મુનશી સાહેબે એક કીતાબમાંથી જેનું ધ્યાન સંભળાવ્યું તે કદી દીઠાં નથી. પાદશાહે પુછ્યું તે કેવાં છે. દીવાન કહે જી આદમીના જેવું મોટું, પગ ને હાથ, પૂંછડું નહીં ને શરીરે રીંછના જેવા પણ લાલ, કે પીળા, કે લીલા વાળ. એ જનાવર બહુ હોતાં નથી પણ ઘણા જ વખણાય છે. પાદશાહ કહે અમારે સારૂ મંગાવો. કાજી કહે જો આપ આપણા સોદાગર સાહેબને ફરમાવો તો તે આણી આપે, બીજું કોઈ લાવી શકે તેવું નથી. કયા મુલકમાં થાય છે તેની પણ અમને ખબર નથી. પાદશાહ કહે ઠીક હમણાં તેડાવીને કહું છું. ફોજદાર કહે સાહેબ મુદત મુકરર કરી હોય તો ઠીક, સોદાગરને ચાનક રહે. એ મોટો પુરૂષ છે ને નિત્ય સેકડો કામ તેથી ઇયાદ નહીં રહે. પાદશાહ કહે હું પાકો બંદોબસ્ત કરીશ. પાદશાહે તો તુરત તેજ વખત સોદાગરને તેડાવ્યો ને કહ્યું, આ કાજી સાહેબ જે જાનવરનું ધ્યાન કરે છે તે અમારે જોવું છે; આપના વગર બીજા કોઇથી તે લવાય એવું નથી, એ આપનુજ કામ છે, સબબ તસદી આપવી પડે છે. જેમ જલદી થાય તેમ કરો, તમને ચાનક રહે માટે અમે એવો હુકમ કરીએ છીએ કે તે લાવશો ત્યારે દરબારમાં પગ મુકાશે, ને એક માસમાં નહીં લાવો તો તમારો બધો માલજપત કરી તમને દિલ્લીમાંથી બે-આબરૂ કરી કાઢી મુકવામાં આવશે.

કાજીએ તે જનાવરનું વર્ણન કર્યું તે સાંભળી સોદાગર વિચારવા લાગ્યા કે એવું જાનવર આજ સુધી જાણ્યું નથી ને તે એક મહિનામાં ક્યાંથી આણીશ. પાદશાહના કાલાવાલા કરી ત્રણ માસની મુદત લીધી. તે સમજ્યો કે મારો નાશ કરવાની આ યુક્તિ છે. ઘણીજ દીલગીરીમાં ઘેર ગયો. ને ખાનગી કોટડીમાં જઈ નોકરને આજ્ઞા આપી કે કોઈને અંદર આવવા દેશો નહીં. અંદર બેઠો શોક કરે ને પોતાના હરીફોને બદદુવા દે. રાત્રે વાળુ કરવાની વખત થઈ પણ ખાવા જાય નહીં. ત્યારે એની નારીને ખબર થઈ તેણીએ આવી વાત પુછી. સોદાગરે માથું કુટ્યું ને કહ્યું, હવે આપણો વૈભવ ને આપણી સાહેબી પુરી થઈ. આ સઘળું પાદશાહ લુટી લેશે, ને મને ને તમને ઢેડફજેતી કરી ભીખ માગતા વગરવાંકે ગામ બહાર કાડી મૂકશે. સ્ત્રી તેની જોડે રોવા લાગી. રાત્રે બેહુ ખાધા વિના સૂતાં. ચાકર, નોકરો આદિ સૌ કોઈ ઘરમાં નાખુશ થઈ ગયા. રાતમાં સોદાગર જરા શાંત થયો ત્યારે સ્ત્રીએ તેને કહ્યું કે જો તમે એ કામ મને સોંપો, મારા કહ્યા પ્રમાણે કરો, ને મારી બુદ્ધિ ને મારા પતિવ્રતાપણા ઉપર ભરોસો રાખો. તો હું તમને એ સંકટમાંથી ઉગારૂં, ને તમારા જે વેરીઓએ એ ખાડો ખોદ્યો છે તેમને જ એમાં નાંખું. સોદાગરને ખબર હતી કે એ બાઈ અકલમંદ અને સાચી છે. તેણે ઉત્તર આપ્યો કે તમારા પર મને સંપૂર્ણ વિસવાસ છે, ને આ કામમાં તમે બતાવશો તેમ કરીશ, ને તમને કરવા દઈશ. બાઈ કહે ત્યારે તમે બે દહાડા પછી એ જનાવરની ખોળ કરવાને મસે શહેરમાંથી જાઓ, ને પાંચ ગાઉપર મીરગામ છે. તેમાં ફકીરને વેશે સંતાઈ રોહો; કેટલાક દિવસ ત્યાં રહેવું પડશે; હું બોલાવા મોકલું તે વારે ઝટ સોદાગરને વેશે પાછા આવજો. સોદાગરે તેમ કર્યું.

દીવાન, કાજી, ને ફોજદાર તો બેહદ હરખાયા. તેમણે સાકર વેંહચી, પેંડા વેંહેચ્યા, પોતાના સોબતીઓને જીઆફતો આપી; ખુશામતીઆ માગણ લોકને સિરપાવ આપ્યા, ને ધામધુમ કરી મેલી. પેલી બાઈએ એવામાં બુમ ઉરાડી કે સોદાગર નાઉમેદ થઈ જતો રહ્યો છે, ને કહેતો ગયો છે કે જો મુદતસર એ જાનવરો જડશે તો પાછો આવીશ, ને નહીં જડે તો પેટમાં ખંજર મારી મરીશ. આ ખબર સાંભળી દીવાન-મંડળી બહુ જ ખુશી થઈ.

સોદાગરને ગયાને એક હપતો થયા કેડે તેની નારીએ પોતાના જરૂખામાં બેસવા માંડ્યું. ફક્ત કપાળ ને આંખ જણાય એટલું મુખ ઉઘાડું રાખે. ઘણાક લોક તેને જોવાને તે રસ્તે થઈને જાય. એક દિવસ દીવાન, કાજી, ને ફોજદાર પણ કાંઈ મસે તેણી તરફ આવ્યા. તેઓ કહેવા લાગ્યા કે જેનું કપાળ ને જેનાં નેત્ર આવાં સારાં છે તો તેનું તન કેવું રૂપાળું હશે. ફોજદાર કહે આપણે પુછાવીએ અંદર જવાની રજા મળે છે જોઈએ. બીજા બે કહે હા ઠીક છે. એક લુંડી બારણે ઊભી હતી તેની કને પોતાના એક નોકરને પુછવા મોકલ્યો. દાસીએ ઉપર જઈને બાઈને પુછયું. બાઇએ જવાબ કેવડાવ્યો કે દીવા થયા પછી વેશ બદલીને પાછલે બારણે આવજો.

સાંજ પડી એટલે ત્રણે ભાઈબંધો હોરાને વેશે ઠેરવેલી જગાએ ગયા. એક લુંડીએ તેમને ઘરમાં લીધા. બાઈએ રંધાવી મુક્યું હતું તે મંગાવ્યું. સેતરંજી ઉપર રૂપાના ખુમચામાં ભાત ભાતની ઉની ને ખુશબોદાર વાનીઓ મુકી પોતે પેલા ત્રણે જોડે જમવા બેઠી. ખુશીની વાતો કરતાં જમી રહી પાન સોપારી ખાઈ ચોપટની બાજી માંડી એવામાં દાશી ખબર લાવી કે ઘરધણી સોદાગર આવ્યા. એ બાઈએ ફોજદાર કાજી ને દીવાનને સાંજે આવવાને કહેવડાવ્યું તેજ વખતે એક સ્વાર મીરગામ ધણીને ખબર કરવા દોડાવ્યો હતો, અને બીજી તઇઆરી કરી રાખી હતી.

સોદાગર આવ્યાની ખબર થઈ કે બાઇએ ઘભરાઈ હોય તેવું ડોળ કર્યું. દીવાન અને તેના સાથીઓ કહે અમને નાસવાનો રસ્તો દેખાડ, અમે આવ્યા તે બારણે કાઢ. બાઈ કહે તમે આ ઓરડીમાં જાઓ, ને લુગડાં ઉતારી લંગોટી વાળી દીલે રાખોડી ચોળો પછી મારા નોકર્. તમને ત્રણેને જુદે જુદે બારણે કાઢશે. પેલા કહે હા એ વધારે ઠીક સોદાગર ધબ ધબ કરતો દાદરે ચડ્યો, ને એ ત્રણે પેલી ઓરડીમાં ભરાયા, ત્યાં પોશાક ઉતારી લંગોટી વાળી ભભુત અંગે લગાવી દીધી. જોડે નોકર હતા તેઓએ એકને એક ઓરડીમાં, બીજાને બીજી, ને ત્રીજાને ત્રીજીમાં ઘાલ્યો ને પોતે બહાર રહી બારણાં વાસી દીધાં. ત્રણે ઓરડીમાં અંધારૂ ને નીકળવાનો રસ્તો જડે નહીં. આમ તેમ ફેમફોસે છે એવામાં ત્રણેના ઉપર ગુંદરનું પાણી પુકળ રેડ્યું. શું કરે બુમ પાડે તો માયા જાય. મનમાં કહે અરે અલ્લા આ કમબખતીમાં ક્યાં પડ્યા ! ચીકણું થઈ ગએલું શરીર તપાસે છે એટલે દરેક જણને કોઈએ પાછળથી ઢોળી પાડ્યો ને ઘસડીને ઉનના ઢગલામાં રોળ્યો, ને હાથ પગ બાંધી લીધા. એકને પીળારંગનુ ઉન, એકને લાલ, ને એકને લીલુ લગાડ્યું હતું.

સોદાગરની વહુએ ત્રણ મોટાં પાંજરાં કરાવ્યાં હતાં, તેમાં સવાર થતા એ ત્રણને ઘાલ્યા, ને સોદાગરે પાદશાહને ખબર કરાવી કે ફરમાવેલા જનાવર લાવ્યો છું. પદશાહ બહુ જ રાજી થયો ને હુકમ કર્યો કે તાકીદથી તેઓને હજુરમાં લાવો. સોદાગરે પેલા પાંજરા ગાડામાં મુકાવ્યાં. ને માંહેલા પ્રાણીના બંધન છોડાવ્યા કેમકે ગુંદર સુકાઈ ગયો હતો તેથી ઉન ઉખડી શકે તેવું નહતું.

પાદશાહની હજુરમાં એ પાંજરાં લાવી મક્યાં. પાદશાહ કહે અને ઉભા કરો. સોદાગર કહે ઉઠો બેટા ઉઠો; લાકડીના ગોદા માર્યા પણ પેલો ઉઠ્યા નહીં, ત્યારે તે કહે સાહેબ જંગલી છે તેથી આ મજલસથી ડરે છે. પાદશાહ કહે અમને એના મોઢાં દેખાડો. સોદાગર કહે સાહેબ બે ઘડા પાણી મંગાવો.. નોકરો પાણી લાવ્યા. પછી સોદાગરે જે પાંજરામાં દીવાન હતો તેનું બારણું ઉઘાડ્યું ને તેને પકડી બહાર કઢાવ્યો. મહો ઉપર પાણી રેડી ઉન ધોઈ નાંખ્યું. પાદશાહના પેટમાંતો હસવું માય નહીં, બીજા અમીરો પણ તેટલાજ અચરજ પામ્યા ને હસ્યા. બુઢા કાજીનું અને ફોજદારનું મુખ એ રીતે ધોવાઈ જોવામાં આવ્યો ત્યારે સર્વે કોઈ મોગલાઈ ને ગંભીરાઈ ભુલી ગયા ને ખડખડાટ હસી પડ્યા.

સોદાગરે પછી પાદશાહને હકીગત જાહેર કરી કે મારો નાશ કરવાને એ ત્રણે સખસોએ આપની રૂબરૂ હીકમત લડાવી, ને જેવા જનાવર દુનીઆમાં છે જ નહીં તેવાં લાવી આપવાનો મારા પર હુકમ કરાવ્યો. મારો બચાવ કરવાને સારૂ મારે આ તદબીર કરવી પડી. એ આદમીઓ શી રીતે સાણસામાં આવ્યા તે બધી વાત કહી ત્યારે પાદશાહ તેના ઉપર ઘણો રાજી થયો, તેને પોતાનો મુખ્ય દીવાન કર્યો, જાગીરો આપી, ને પેલા ત્રણને સજા કરી દેશપાર કર્યા."

એ વાત સાંભળી સુંદરનું મન રંજન થયું. પઠાણ કહે કાલે હું એથી સરસ વાત કહીશ.