સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૯

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૮ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૯
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૨૦ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




પ્રકરણ ૧૯ મું.

બીજે દહાડે દરદ એટલું હતું કે વાત સાંભળવી ગમે નહીં. ત્રીજે દિવસે તબીએત જરા ઠીક જોઈ પઠાણ કહે –

"એક રજપુત સરદાર પાદશાહની હજુરમાં હાજર થઈ કહે હું બુંદીકોટાનો હાડો રજપુત છું; મારો ભાઈ ગાદીએ છે. મેં વિચાર્યું હું ભાઈના આપેલા ગામ ખાઉં તે મને ઘટે નહીં, પાદશાહની નોકરી બજાવી નામ મેળવું તે વધારે ઠીક, માટે મારા લાયક નોકરીની ઉમેદે આવ્યો છું." પાદશાહે તેને મુસારો બાંધી આપી ૫૦૦૦ સ્વારની મુનસફી આપી.

રજપુત કુટુંબ સહિત પાયતખ્તના શહેરમાં રહ્યો. એ સરદારની સ્ત્રી અતિ રૂપવંતી હતી. તેનાં વખાણ શહેરમાં બહુ થવા લાગ્યાં, ને પાદશાહને કાને ગયાં. એ રજપુતાણીને પોતાના જનાનામાં આણવાનું તેને મન થયું. હિંદુસ્તાનની ગાદી મળે તોએ રાજા એ વાત કબુલ કરે તેવો નહોતો. પાદશાહને ત્રણ મુખ્ય મસલતી હતા, વજીર, કાજી, ને કોટવાલ. એની સહલા તેણે પુછી. એકાંત બેસી ચારે વિચાર કર્યો ને ઠેરવ્યું કે રજપુતને પાદશાહે એકાએક ફોજ આપી જુદે મોકલવો, ને તે જાય એટલે તેની વહુને સમજાવીને કે બળાતકારે લેવી, ને રજપુત પાછો આવે કે તેને કેદ કરવો.

તે પરમાણે પાદશાહે રજપુતને પોતાની હજુરમાં બોલાવ્યો, ને કહ્યું ફતેહપુરના નવાબે બલવો એકાએક ઉઠાવ્યો છે એવી ખબર હાલ આવી છે; તેના ઉપર એકદમ તમે ચઢો, દશ હજાર સ્વાર જોડે લો, ને જેમ તાકીદથી જવાય તેમ જઈ તે હરામખોર નવાબને કેદી કરી હજુરમાં લાવો કે તેનું માથું મોકલીદો; આ ઘડીએ નિકલો. રજપુત કહે હુકમ માથે સાહેબ, આ ચાલ્યો.

પાદશાહના મુખ્ય કારભારીઓને પણ એ રજપુતાણીને પરણવાનું મન થયું. તેમણે પોતાની ચતુરાઈ ચલાવી. રજપુત ગયો કે કોટવાળની દાસીએ તે બાઈની પાસે આવી કહ્યું કોટવાલ સાહેબે સલામ કહાવી છે, ને કહ્યું છે કે તમારા સ્વામી મારા જીવજાન દોસ્ત થાય છે વાસ્તે તેની ખાતરે તમને ખબર કરું કે આજે રાતના પાદશાહ તમને લઈ જવાનો છે, માટે ખુશી હોય તો મારે ઘેર આવી સંતાઈ રહો. રજપુતાણીએ દાસીને પટાવી ગુપ્ત વાત પુછી લીધી, ને જવાબ કેહવડાવ્યો કે હું આપથી છેક અજાણી છું માટે મહેરબાની કરી રાતના નવ વાગે મારે ઘેર એકલા આવો, આપણે મોહોબત થશે એટલે હું તમારી જોડે મરદને વેશે આવીશ. પાદશાહનું તેડું મધરાતે આવવાનું છે, ત્યાર પહેલાં આપણે જવું જોઈએ. કોટવાલ તે વાત કબુલ કરીને આનંદ પામ્યો.

કાજીએ કોટવાલ જેવું કહેવડાવ્યું; રજપુતાણીએ તેને ૯ નવ કલાકે બોલાવ્યો. પછી વજીરના ઘરનું તેડુ આવ્યું, તેના જવાબમાં તેને ૧૦ કલાકે પોતાને મુકામે બોલાવ્યો. પાદશાહે કહેવડાવ્યું કે હું મધરાતે મીયાનો મોકલીશ તેમાં બેસી તમારે મારે મોહોલે પધારવું. રજપુત સ્ત્રીએ નમનતાઈથી કહેવડાવ્યું કે હું રજપુતોમાં સૌથી ઉંચા કુળની છું, સિપાઈ તેડવા આવે તેની જોડે ના આવું, વળી મારા વરે રખેવાળ રાખ્યા છે તે સેહેલથી આવવા દેશે નહીં, સબબ આપ મારે મેહેલે ૧ના કલાકે એકલા છાનામાના આવો, આપણે વાતચીત કરીએ, ને કાંઈ જુગતી શોધી કાઢીએ કે મારા માણસો જાણે નહીં. મારે પાછલે બારણેથી લુંડી તમને મારી મેડીએ લાવશે. આપણું ચિત એક થશે પછી કશી ફીકર નથી, ચારે જણે એનું કહ્યું માન્યું.

રાત પડી ને નવ કલાક વાગ્યા કે કોટવાલ સાહેબ પધાર્યા. રાણીએ તાજમ કરી તેમને બેસાડ્યા, પાન સોપારી આપ્યાં, ને તેમને વાતમાં નાંખ્યા, એવામાં કાજીસાહેબ આવે છે એવી ખબર દાસી લાવી. કોટવાલ કહે એનું નખોદ જાય એ સાલો આ વખતે ક્યાંથી આવ્યો. મને સંતાડ, એ જાણશે તો હું માર્યો જઈશ. રજપુતાણી કહે તમારાં લુગડાં ઉતારી આ લુંડીનો સાલ્લો પહેરો, ને મોઢું ઢાંકી પેલી ઘંટીએ દળવા બેસો એટલે નહીં પરખાઓ. કોટવાળે તેમ કર્યું.

કાજીને શેતરંજ રમવા બેસાડ્યા. તેણે જાણ્યું મારું કામ થયું, એવામાં લુંડીએ જાહેર કર્યું કે વજીર આવે છે. રજપુતાણી કહે મારા ભોગ મળ્યા હવે શું કરીશ. કાજી કહે બાવા તારા કરતાં મને વધારે ભો છે. એને બાદશાહે મોકલ્યો હશે, એ મને દેખશે ને પાદશાહને ખબર કરશે તો પછી મારી શી વલે થશે ? હું બુઢો કાજી, કુરાન કિતાબ પઢેલો, આ ધોળાં આવ્યાં ને ઘરડે ઘડપણ મારી ઈજત જશે. મને છુપાવ બાઈ કાંઈ છુપાવ કે મારી આબરૂ ને મારાં ઘરબાર રહે. રજપુતાણી કહે આવો આ પાણીઆરામાં લાંબા થઈને ઉંધા સુવો ને તમારા વાંસા ઉપર પાણીનાં બેડાં લુંડી મુકશે. વજીર જશે એટલે તમને ઉઠાડીશું. કાજી કહે હું શરદીએ મરી જઈશ, પણ બીજો ઉપાય નથી, તો ચાલો એમ કરો; અરે અલ્લા, સુભાન અલ્લા, હું ક્યાં આ પાપમાં ફસાયો ! કાજી સાહેબને પાણીઆરામાં સુવાડી તેમના ઉપર પાણીનાં ભરેલાં દેઘડાને તાંબા પીતળનાં ભારે . બેડાં મુક્યાં ત્યારે ઉંઉં કર્યું. રાણી કહે છાના રોહો મીયાં. કાજી કહે અરે મારી ડુંડ ચંપાય છે, છાતી છુંદાય છે તેથી ઉંઉં થઈ જાય છે, હલકા કે ખાલી વાસણ મેલો. રાણી કહે ચુપ રોહો એતો આવ્યા.

વજીર આવ્યા તેમને હીંચકે બેસાડ્યા, ને રાણી સામી હાથ જોડી ઉભી રહી, ને કહે ગરીબ ઉપર મોટી રેહેમ કરી. વજીર કહે એમ ઉલટું શું બોલો છો, તમારા દરસણથી આજ મારો જનમારો સફળ થયો. પાદશાહ તમને નક્કી લઈ જશે માટે ઘેર ચાલો, બે દિવસ મારા ઓરડામાં સંતાડી રાખીશ ને પછી તમારા રાજા કને રાત્રે મોકલાવી દઈશ, મને જરા પાણી પાઓ. હાજી કહી દાસી ભણી નજર કરી કે તેણે સોનાના પ્યાલામાં પાણી હાજર કર્યું. રાણી કહે કાંઈ ખાશો. વજીર કહે નાજી, બે ઈલાયચી આપો. રાણી કહે હાજી, પાન લો. સોપારી લો, જાયફળ, જાવંત્રી, તજ, એલચી આ બધું તઈઆર છે. એટલે લુંડી ઘભરાતી આવી. રજપુતાણીએ પૂછવું કેમ અલી શું છે ? લુંડી કહે જી બારણે પાદશાહ આવ્યાની ખબર આવી.

વજીર - પાદશાહ આવ્યા ? નહીં જો ફરીને. તેઓ તો મધરાતે આવનાર છે.

લુંડી – હાજી ખરી વાત છે. આપોઆપ આવ્યા.

વજીર – અરે ખુદા ! મારું આવી બન્યું. એ તો બડો ખરાબ આદમી છે, અહીં આજ ઠેકાણે મારાં ધડ શીશ જુદાં કરશે, એની આંખમાં બહુ ઝેર ભર્યું છે, ને મોટો મીજાશી છે, ઘણો તમાશી છે. ઓ રાણી સાહેબ મને સંતાડો, વેહેલાં થાઓ, મારો પ્રાણ ઉગારવો હોય તો કોઈ અંધારા ખુણામાં મને ઘાલો ને ઉપર ગોડદાં ઢાંકો, તે નીચે બફાઈ મરીશ તે ઠીક પણ પાદશાહની નજરે પડીશ તે ખોટું; તે મને ગરદન મારશે.

રાણી – એવો અંધારી ખૂણો તો આ ઘરમાં નથી, પણ પેલી રાંડ લુંડી દળે છે તેની પાસે એક ખાલી કોઠી છે. તેમાં ઉતરી બેસો. હું ઉપરથી માટલું ઢાંકીશ.

વજીર – સારૂં તેમ કરો.

વજીરને કોઠીમાં ઉતાર્યા, ને પાદશાહ આવ્યા. અદબ બજાવી પાદશાહને પલંગે બેસાડ્યા, અતર લાવી આગળ મુક્યું, ગુલાબજળ છાંટ્યું, ફુલના તોરા ને હાર પહેરાવ્યા, ખુશબોદાર અગરબતી સળગાવી, ને પુછ્યું કાંઈ આરોગશો. પાદશાહ કહે ભુખ તો નથી પરંતુ તમારા હાથનું આ પહેલી મુલાકાતે કાંઈ ચાખવું જોઈએ; રાણીએ પાંચે પકવાન સુના રૂપાના થાળમાં હાજર કર્યો ને કહ્યું એક બહુજ તોફે આચાર (અથાણું) છે તે લાવું. રાજા કહે આપ નહીં જાઓ લુંડીને મોકલો. રાણી કહે એને નહીં જડે મારા કબજામાં છે, એમ કહી બીજા ઓરડામાં ગઈ ને આગળથી બંદોબસ્ત કર્યા મુજબ પોતાના સિપાઇઓને બારણે બંદુકના બહાર કરવાને ફરમાવ્યું. બંદુકના અવાજ ધડ ધડ ઉપરા છપરી થવા લાગ્યા. પાદશાહે લુંડીને પુછ્યું એ શું? લુંડી કહે જી મને માલમ નથી. પાદશાહ કહે રાણી ક્યાં ગયાં ? હુંડી કહે અથાણું લેવાને ગયાં છે, હવણાં આવશે.

પેલો વજીર કોઠીમાં ગુંગળાવવા લાગ્યો, તેથી સ્થીર રહી શક્યો નહીં ને કોઠી થર થર ધ્રુજવા લાગી, કાજી ભારે કરી અકળાયો ને જરા જરા શરીર ખસેડવા લાગ્યો, તેથી તેના ઉપરનાં વાસણો ખખડડ્યાં. પાદશાહ કહે એ શું ખખડે છે, ને પેલી કોઠી કેમ હાલે છે. ગુલામડી કહે એ તો બિલાડી ઉંદર પકડતી હશે.

પાદશાહ – હા ખરું, હમણાં હું ઉંદર છું, ને તારી રાણી બિલાડી છે.

દાસી – નહીં જી એમ શું બોલો છો.

એટલે વધારે બંદુકના બહાર થયા.

દાસી – જી હું જોઈ આવું એ શું છે, ને મારી રાણીને વાર કેમ લાગી, તેને બોલાવી લાવું.

પાદશાહ – હા, જી.

છોડીએ ગઈ તે ગઈ. બંદૂકો છૂટતી જાય, ને બારણે જાણે કોઈની અસ્વારી આવી હોય તેવો શોર બકોર થાય. પાદશાહ ગભરાયો. ચારે તરફ બારીબારણાં બંધ દીઠાં, તે સમજ્યો કે કાંઈ દંગલબાજી છે. એવામાં પેલી ઘંટીએ લુંડી બેઠી હતી તે પર નજર ગઈ. એણે જાણ્યું કે તે ઉંઘે છે. તેને કહે ઓ લુંડી ઉઠ ઉઠ મને બહાર જવાનો રસ્તો બતાવ, લે આ બે મોહોર આપું. પણ લુંડી જવાબ આપે નહીં. પાદશાહને ચડી રીશ. તેણે લઈને બેચાર લાતો ચોઢી પણ લુંડી ઉંચુંએ જુએ નહીં. પાદશાહે તેનો સાલ્લો માથેથી ખેંચી મોઢું જોયું તો મૂંછાળો મરદ દીઠો. કોટવાળ ખસીઆણો પડી ગયો, ને પગે લાગી માફી માગવા મંડી ગયો.

પાદશાહ – અરે, કોટવાલ તમે અહીં ક્યાંથી ?

કોટવાલ - હેં હેં સાહેબ ભૂલ્યો, માફ કરો (કાનમાં,) જુવોને પેલા પાણીના હાંડા તળે કોણ છે, ને આ કોઠીમાં કોણ છે, તે જુવો સાહેબ, પાણીઆરા તરફ ગયા કે કાજી ઊઠી ઉભા થયા, ને પાણીના વાસણ ભડાભડ ઢળી ગયાં. પાદશાહ કહે એ શું ? કાજી હાથે પગે લાગતો માફી માંગે છે, ને કહે છે ધૂળ પડી મારી જઈફીમાં, મેં જખ મારી સાહેબ, મારો ગુનો માફ કરો. પાદશાહ કહે આ શું, જુવો તો પેલી કોઠી કેવી ધ્રૂજે છે. એમ કહી તે ઉઘાડી તો અંદર મનીશ બેઠેલું. કોઠી આડી પાડીને તેને માંહેથી ઘસડી કાઢ્યો, ને જુએ છે તો પોતાનો મોટો વજીર. પાદશાહને ડર લાગ્યો કે આ લોક મને મારવાને ભરાયા છે; તે કહે આ મારો કોટવાળ, આ ડોસો કાજી, આ વજીર, શો જુલમ, અલ્લામીઆં શો જુલમ. વજીર માફી માગી કહે આ એકવાર માફ કરોજી અમે ભૂલ્યા. પાદશાહ કહે આ શું થયું તે મને સમજાવો. એટલામાં ઘભરાતી ને મોટું ઉતરી ગયેલું એવી રાણી આવી, ને પાદશાહને કહે મારો ખાવિંદ આવ્યો. પાદશાહ કહે કોણ રાજા ? રજપૂતાણી કહે હાજી મહારાજ. તે રાતાને પીળા થતા આવ્યા છે, તેને પૂરી ખબર નથી, પણ કાંઈક તેણે જાણ્યું છે એના બારે સાથે નાગી તરવારે આવ્યા છે.

પાદશાહ વજીરને કહે કેમ મીઆં આપણે ચારે બીન હથીઆર, ને એના ઘરના ચોર છીએ. આગળ થનાર હશે તે થશે, પણ હાલતો એ આપણને કતલ કરશે ખરો.

રાણી – જુઓ મેં એક ઉપાય ધાર્યો છે, મારું માનો તો બચો ખરા. આ મોટો ચોફાળ છે એમાં તમારા ચારેની એક ગાંસડી બાંધી એક ખૂણામાં મૂકું. મારો ઘણી પૂછશે તો કહીશ કે ધોબીને આપવાનાં મેલાં લૂગડાં છે, ધોબણને વેશે મારા નપૂરો તમારી ગાંસડીને મહેલમાં પહોંચતી કરશે.

પાદશાહ કહે ઠીક છે. આવો ભાઈ જે બને તે ખરી. રજપૂતાણીએ ચારેને કસીને એક ગાંસડીમાં લુંડીઓ પાસે બંધાવ્યા. પછી તે ગાંસડીને ગાડામાં મેલી બેગમને ત્યાં મોકલી, ને કહેવડાવ્યું કે મારા સ્વામીએ મોટી લઢાઈ મારી તેમાંથી જે ભારેમાં ભારે દાગીના હાથ લાગ્યા છે તે આ ગાંસડીમાં છે, ને એ આપને નજર કર્યા છે; વાણે વાયે છોડી જોઈ પાદશાહને દેખાડજો, પ્રભાતે ગાંસડી છોડાવી બેગમો પારવિનાનું હશે. પાદશાહ વિગેરે એટલા શરમાઈ ગયા કે પોતાની ફજેતીની વાત કહે નહીં, ને બેગમો ફરી ફરીને પૂછે.

એમની ગાંસડી બંધાવી પેલી રજપૂતાણી પોતાનું જરીઆન લેઈ રાતોરાત નાઠી ને બીજી મજલ પર લશ્કરમાં પોતાના ધણીને જઈ મળી સર્વે હેવાલ કહ્યો. ત્યાંથી તેઓ ફોજસહિત પોતાને દેશ ઉતાવળે કુચકરી સહી સલામત પહોંચ્યાં."

સુંદર કહે રાણી બહુ ચતુર ને રૂડી. પઠાણ કહે રજપૂતો ગાંડીઆ જેવા, પણ તેમની સ્ત્રી અકલમંદ ને ડાહી હોય છે. રજપૂતો તરવારીના ખરા પણ મૂરખ, ને રજપૂતાણીઓ ભણેલી ને ગુણવાન એ નવાઈ જેવું છે. કહેવત છે કે 'ડાહીના ગાંડા ને ગાંડીના ડાહ્યા; મોંઘીના સોંઘા, ને સોંઘીના મોંઘા.' રજપુતાણી ડાહીને તેના દીકરા રજપુતો બેવકુફ, વાણીઅણ ગાંડી વલવલ ને તેના દીકરા વાણીઆ શાહાણા ને બુદ્ધિવાન; ભેંશો મોંઘી તેના પાડા સોંઘા, ગાયો સોંઘી મળે ને તેના વાછરડા મોંઘા. તમારા જીવને સુખ હશે તો એથીએ વધારે રમુજી કાણીઓ કહીશ; સુંદર ફીકું ફીકું જરાક હસી.

સુંદરની તબીએત સુધરતી ન ગઈ. વખતે ઠીક જણાય ત્યારે આશા થાય કે જીવશે, ને વળી ઘડીમાં એમ જણાય કે નહીં જીવે. ઘસાઈ ઘસાઈને છેક બળહીન થઈ ગઈ. માત્ર હાડકાં ને ચામડાં રહ્યાં. બે માસ થઈ ગયા. ઘણા વૈદ બદલ્યા પણ કોનું ઓસડ લાગ્યું નહીં. સ્વાસ ચાલવા માંડ્યો ત્યારે પઠાણે મોડાસાના બધા વૈદને બોલાવ્યા. તેમણે કહ્યું હવે તમારે એને પુનદાન જે કરાવવું હોયતે કરાવો કે એના સગાને સોંપો, હવે એક બે દહાડામાં એનો અંત આવશે. પઠાણે પુછ્યું શા રોગથી એ મરે છે. વૈદ કહે કાળજું જખમાયું, ને તે જખમ પાક્યો છે તેથી પાટું કે મૂક્કી કે લાકડી ઘણા જોરથી એના પેટ પર કોઈએ મારી હોય તો એમ થાય; વખતે બીજા કારણથીએ થાય.

સુંદરની આંખોમાં આંસુની ધારા ચાલી. પઠાણે અને વૈદોએ તેને ધીરજ આપી. સુંદર પઠાણને કહે હું જાણું છું કે હવે મારે આજકાલ મરવું છે, પણ મૂઆ અગાઉ મારે માંગવાનું એ છે કે મારા વરને શિક્ષા કરશો નહીં, મારી ખાતરે તેને છોડી દેજો એની ભલૂચૂક હું માફ કરું છું, ને તમે પણ તેમ કરજો. એના કરતાં એની મા બહેન વધારે અપરાધી છે. મારી હત્યા તેમને શિર છે. તેમણે વઢાવી માર્યા, ને મારી જોડે વેર કરાવ્યું, તેથી મારા ધણીનું ચિત્ત પર સ્ત્રી પર લાગ્યું; પગનાં સાંકળા હું ઊંઘતી હતી ત્યારે રાતમાં લઈ ગયાં, ને બીજી રાત્રે મારી પાંદડી માંગી, પણ મેં આપી નહીં તે પરથી મોટો કજીઓ ઉઠ્યો; એ ઝઘડાનો અંત મારા મોતની જોડે આણો એવી મારી ઇચ્છા છે. મારા વરને તથા મારાં કોઈ પણ સાસરીઆને હવે હેરાન કરશો નહીં. હું નિર્દોષ મરૂં છું. વૈદોની છાતી એના વેણે ભેદી, ને શુરા પઠાણના નેત્રમાંથી જળની સેરો વહી. સહુ ચૂપ થઈ રહ્યા. વૈદો ગયા પણ પઠાણ સુંદરની બાજુએથી ખસ્યો નહીં. તેણે ને બેગમે તે દિવસે ખાનુંએ ન ખાધું. સુંદર મનમાં પ્રભુનું સ્મરણ કરતી હતી. પઠાણ કહે અમારો તમારો સરજનહાર એકજ છે. માટે તમારી મરજી હોય તો અમે તમારી જોડે તેનું સ્તવન કરીએ. સુંદર કહે મને હરકત નથી. ત્રણે જણે પરમેશ્વરની પ્રાર્થના કરી. સુંદરનો ઘાંટો બેસતો ગયો, ને તેના ગાત્ર તાંઢાં થવા લાગ્યાં. ત્રીજે પોહોરે શરદી આખે અંગે વ્યાપી ગઈ, ને સુરજ ઊગતી વેળાએ એનો પવિત્ર આત્મા દેહ તજી પોતાને માર્ગે શરણ થયો.

આ સગુણી અને નિરપરાધી સ્ત્રીની કાણી અહીં પૂરી છે. એનામાં એક દોષ નહતો એમ આ લખનાર કહેતો નથી; આ જગતમાં કેવળ દોષ રહિત માણસ હોતાં જ નથી, પરંતુ જે સ્ત્રી કે પુરુષ આ પુસ્તક વાંચશે તેના રદયમાં એના દુ:ખ અને અકાળ મૃત્યુથી કરૂણા ઉપજ્યા વગર રહેશે નહીં; તથા તે સાસુના જુલમને ધિક્કારશે.