લખાણ પર જાઓ

સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૨૦

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૯ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૨૦
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૨૧ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૨૦ મું.

બિચારી સુંદરના મરણ પછી કેટલીક બીના બની તે જાણવા જોગ છે. એના વિષે જે અફવા ઊડી હતી, અને એની જે નિંદા ચાલતી હતી તે એના મૃત્યુથી તથા વૈદોની શાક્ષીથી અટકી અને ખોટી પડી. એના પર જોડાએલું ગીત અમર રહ્યું તેનું કારણ ફક્ત અદેખાઈ જણાય છે. ત્યારના નાગરબ્રાહ્મણ મુર્ખ જડસા નહતા; તેઓ બીજી બધી જ્ઞાતિઓથી કેટલીક બાબતમાં આગળ રહેતા, જાણે સરદાર હોયની; હરેક સુધારો તે વેળા પેહેલો એમનામાં થતો. હાલને સમે બીજી કેટલીક જ્ઞાતિઓ તેમની બરોબર આવી પોંચી છે, ને જો વેળાસર ચેતશે નહીં તો પાછળ મુકશે. તે સમે નાગરો સર્વેથી ચઢીઆતા ને મોટા હતા, માટે, બીજાઓ તેમના ઉપર દાઝે બળતા, ને એ બળાપાને લીધે તેમની ફજેતી કરવાને ઘણા રાજી હતા. બીજી ઘણીએ નાતોની બાયડીઓ નિકળી જતી ને હાલે નિકળી જાય છે, પણ તે કોઈનાં ગીતો કેમ જોડાયાં નથી ?

પઠાણે પોતાના કારભારી મોતીચંદને બોલાવી કહ્યું કે પેલીબાઈ ગત થઈ છે, એનું મડદું ઉઠાવવાને એના સગા કે જ્ઞાતિના એક પોહોરની અંદર આવશે તો તેમને એ શબ મળશે, નહીં તો ઘોરમાં હું પોતે મુકીશ.

મોતીચંદે વીજીઆનંદને, તથા તેના કાકાને તેડાવ્યા, ને થાણદારનો હુકમ કહી સંભળાવ્યો. વજીઆનંદ કહે અમે ઘેર જઈને વિચાર કરી કહી જઈએ છીએ. એમ કહી ઘેર આવ્યા, ને પોતાના મેહેલ્લાના પાંચ સાત આદમીને બોલાવી ભાંજગડ કરવા બેઠા. બેચાર બઈરાં પણ આવી મળ્યાં. કેટલાક કહે બાળવી જોઈએ, ગમે તેવું પણ આપણું માણસ, પાછળ ખરચ કર્યા વિના તો ચાલવાનું નથી. અન્નપૂર્ણા જાઓ ગમે તો બાળી આવો, પણ નાતના લોક વાંધો લેશે. હા ના કરતાં અરધો પહોર વહી ગયો, કારભારીનું માણસ બોલાવા આવ્યું. ભાયડા તેની જોડે ગયા. મોતીચંદે પૂછ્યું કેમ શું ઠેરવ્યું ? વિચાર કરતાં તમને સાંજ પડશે. અમારા સરકાર તમારી રજ જેટલી દરકાર રાખતા નથી. મારું કહ્યું માનો તો જાઓ ઉઠાવો. વિલંબ ન કરો, હજી તમારે એ સાહેબ સાથે ઘણું કામ છે; હરિનંદ એના હાથમાં છે; એમને ખીજવવામાં લાભ નથી, પછી તમારી ખુશી. કહો તો હું જઈને કહું કે નથી આવતા. હું વાણીઓ છું માટે આટલું કહું છું.

એવામાં ત્યાં કિસનલાલ આવ્યો. તે કહે શેઠજી તમે જાણતા નથી એ લોક પાછળથી પસ્તાશે. હાલ આપણી સહલા નહીં માને, કહ્યું છે કે 'અગમ બુદ્ધિ વાણીઓ ને પછમ બુદ્ધિ ભટ, તરત બુદ્ધિ તરકડો તે મુકી મારે ધબ.’ જાઓ જાઓ મહારાજો ઉઠાવો, આપણા માણસને મલેચ્છને હાથે ડટાવીએ નહીં. બ્રામણીનો દેહ છે, આપણું મનીસ છે કોઈ બીજું તો નથી. તેની ચુક થઈ હશે કદાપી, પણ હોય ઇનસાન છે ભુલેએ ખરું.

મોતીચંદ કહે એતો હવે કાષ્ટવત છે, સુકા લાકડા જેવું. એને ગમે તો અડો મુસલમાન કે બ્રાહ્મણ, એ સહુ સરખું છે; જે છે તે પાછળ રહેલાને છે. અમારી નાતની હોત તો અમે તો ઉઠાવત.

બ્રાહ્મણો – શેઠજી અમે જઈએ છીએ.

મોતીચંદ – તો વાર ન લગાડો, તમે દશેક જણ તો અહીં છો, એટલા બશ છો; લો પાંચ રૂપીઆ ખરચના હું આપું છું, ખાંધીઆને કાંઈ આપવું પડે તો આપજો.

બ્રાહ્મણો – નાજી નહીં આપવું પડે; આગળ એક એક રૂપીઓ લઈ સ્વજ્ઞાતિના મરદાં ઉપાડવા નાગર બ્રાહ્મણ જતા, પણ હવડાં તો બબે રૂપીઆ લે છે, પણ તે ગૃહસ્થ કને, માહો માહે નહિ. અમારે સગાં ઘણાં છે.

મોતીચંદ – તો ઠીક છે, તો જાઓ ઉતાવળ કરો. તમે નહીં જાઓ તો પઠાણને શું ?

બ્રાહ્મણો – ના રે સાહેબ આ ચાલ્યા.

પાંચ રૂપિઆ આપ્યા તે લઈ બ્રાહ્મણો ગયા, બજારમાંથી વાંસ, દોરડીને કલગેર લેતા ગયા. એક આસામી અન્નપૂર્ણાને ખબર કહેવા ગયો હતો તે પણ તોલડીમાં દેવતા લઈ જઈ પહોંચ્યો.

અનપુણાએ પોતાના બારણે કાંણ માંડી. નજીકનાં સગાં તથા પડોશણ ઝટ આવી મળી. પણ રીત પ્રમાણે સઘળાં બઈરાં દોડી આવ્યાં નહીં. એનું કારણ એ કે બે ત્રણ જણીઓએ જ્ઞાતિમાં મુખ્ય શાસ્ત્રી દેવનારાયણ હતા તેમને પુછાવ્યું કે જવાય કે નહીં. શાસ્ત્રી કહે ના જવાયતો ઠીક, એ મલેચના ઘરમાં મરી ગઈ છે. એ ખબર થતાં બીજી અટકી. ચંદાનો ભાઈ વિજીઆનંદ જોડે સમસાન ગયો હતો, ને એનો મામો જવા નિકળ્યો હતો. બાયડીઓને કુટવા જતી શાસ્ત્રીએ ખાળી એ વાત સાંભળી તે તુરત ચેત્યો કે ટંટો ઉઠશે. નાતમાં ખળ ને ડોંગા આદમી હતા તેમને પાધરો જઈ મળ્યો ને કહ્યું ભાઈ સાહેબ આ વખત તમે મદદ કરો તો કામ પાર પડે. મોટાઈ સૌને ગમે છે, તેમાં એવાને વળી વધારે. તેઓ કહે હો ચાલો જોઈએ નાતની બાયડીઓને કોણ અટકાવે છે. એ સાળો શાસ્ત્રી થાય છે કોણ, એની મગદુરશી, શું એ નાતનો ધણી છે, નાતની ખુશી હોય ત્યારે એને હલોલનો હાથી કરે કે ગાળ એને શીર પડે. હિંડો જોઈએ કોણ કુટવા નથી જતું. આ અમારા ઘરનાં પહેલાં ચાલ્યાં. જ્ઞાતિ શાસ્ત્રને માથે છે.

પોતાના ઘરનાને પ્રથમ મોકલી ચકલે ગયા ને ત્યાં ઉભા રહી બોલ્યા કે રમાનંદ પંડ્યાને ઘેર કુટવા જવાને સૌ બઈરાંને છુટ છે.

શાસ્ત્રી મહારાજ વિલે મોઢે જોતા રહ્યા ને જ્ઞાતિની બધી સ્ત્રી કુટવા દોડી. હાલની પેઠે તે કાળનાં બઈરાંને કુટવાનો ઘણો ચડસ હતો, કૂટવા જવાનું આવ્યું કે બધાં કામ પડતાં મેલી હોંશે હોંસે ધાય. નાગરીઓ અને બીજીઓનું મોટું ટોળું અનપૂર્ણાને બારણાએ મળ્યું. જીવતી હતી ત્યારે જે ને તેણે મહા વિપત્તિ પાડેલી તેને મુવે બહુ દુઃખ કરી કૂટ્યું. મનમાં જરાએ માઠું નહીં લાગ્યું હશે, પણ લોકોને દેખાડવાને મોઢે એવું કલ્પાંત કરે કે સાંભળનારની આંખમાં આંસુ આવે. સુંદરના બાપના મોસાળીઆ હતાં તેઓ જીવતે છતે એનો ભાવ પૂછતાં નહિ તેમણે રોવા કૂટવામાં અનપૂર્ણાને ખૂબ ડામડા દીધા ને હરાવી મૂકી. અનપુણા કૂટતાં બોલી.

"હાયરે મોભેણ, લાલઘરચોળે, વાંકેઅંબોડે, લાંબીસોડે, હાય તાણી પણ, નામને લેણા, હાય ના મુક્યાં, એક છૈઉં હોતતો. હાયરે તારાં, હાય લુગડાંને, હાય ઘરેણાં, હાય રે વધતાં, હાય ન પડતાં. હું જાણતી જે, હાયરે મારે, બબે વહુઅર છે, તે ઘર તરફની, હાયરે ચંતા, હાય નથીજો, સુંદર વહુતો, ઘણીજ ડાહીને, હાયરે શહાણી, હાયરે છે તે, હુતો હવે દેવને દેરાં, હાય કરીશ જો, હાયરે વહુઆરતો, લાવ્યાંતા હોંસે, મને ન વીત્યાને, તારા નામના, અવળા પગરણ, હાય કરવાના, હાયરે દહાડા, ક્યાંથી આવ્યા,” ઈત્યાદિ.

એ સાંભળીને સુંદરના બાપની મસીઆણ બેને કુટાવ્યું,

“હાયરે દીકરી, હાયરે આજ તો, સપટ તાળાં, ઘોર અંધારાં, બાપને બારણે, તાળું દઇને, કુંચી લઈને, હાયરે સુતીજો; દીકરી મારી, દુખનો દરીઓ, હાય સંસારમાં, સુખનો સરડો, હાય ન દીઠો, માબાપેતો, ઘણું લડાવી, પણ હાય પરણીને, હાય પનોતી, હાય ન થઈજો, હાયરે દીકરી, મરવાને જીવવાં, હાય સંસારમાં, સરજ્યાં છે પણ, હાય તારાંતો, દેવતૈશાખા, હાયરે મને, જીવતાં લગણ, હાય નહી ભુલે, સાસુ નણંદતો, સહુને હોય પણ, હાય તારાંતો, પેલા ભવનાં, વેરી થઈને, સંબંધે આવી, હાય મારીના, લાખેણા જીવન, હાયરે જોખમ, હાય કીધુંજો, દકરી મારી, રૂપની રૂડી, આયુશની ટુંકી, અકલની મોટી, થોડામાં ઘણું, હાય કરવાને, સરજી હુતીજો, હાયરે દીકરી, જેજે વિટંબણા, હાય વીતી તે, પેટમાં સમાવી, મારી આગળતો, કોઈ દહાડોના કહીજો, કહીને હઈયું, ઠલાવ્યું હોત તો, હાય રે મને, આવડું ન લાગત.” ઇત્યાદિ.

સુંદરના પીયરની પડોશણ હતી તે બોલી, “સુંદર દીકરી, બાપના ઘરની, ઘણી લાડકી, ઘણી દઝોઇતી, હાય હતું પણ, સાસરીઆં એ કોડીને મૂલે, હાય રે કીધી.” ઇત્યાદિ.

એક પછી એક બેઉ તરફનાએ મસ કૂટ્યું, ને પછી રોતાં રોતાં તળાવમાં નાહી આવ્યાં. કેટલીકવારે કૂકવો કરતા ડાઘુ પણ આવ્યા. કોગળા કરી ઘરમાં પેઠા. સ્મશાન કોણ આવ્યા હતા, કોણ નહોતા આવ્યા, તે વાત અનપુણાએ પુછી, ને શાસ્ત્રીએ હરકત કરી હતી તે કહી. એનો ભાઈ ખુશીની ખબર લાવ્યો કે પઠાણની બદલી થઈ, ને તેની જગાએ બીજો થાણદાર કાલ પરમ આવવાનો છે. એને કાંઈ આપતે કરતે હરિનંદ છુટશે એવું મોતીચંદ અને કીસનલાલ કહે છે. અનપુણા કહે મારો હરિનંદ છુટતો હોય તો મારૂં હજારનું ઘરેણું ખુશીથી આપું.

સુંદરના શબને લઈ ગયા પછી, પઠાણે કીસનલાલ શીરસ્તેદારને બોલાવી કહ્યું આજ સુકરવાર છે તેથી હું કચેરીમાં આવવાનો નથી. સોમવારે સવારના નવ વાગે હરિનંદ ખૂનીનો ઇનસાફ કરવો છે, માટે મુકરદમાના કાગળ તઈઆર રાખજો, ને શાહેદોને આજથી સમન મોકલી વેળાસર જાણ કરો કે તે વખતે હાજર રહે.

એ પરમાણે હુકમ આપે છે એટલે કાસદે આવી કાગળ આપ્યો. એ પત્ર અમદાવાદથી ગુજરાતના પાદશાહી સુબાએ મોકલ્યો હતો. એમાં લખ્યું હતું કે તમારી નોકરીથી અમે ઘણા રાજી થયા છીએ. મહાલનો બંદોબસ્ત તમે ઘણો સારો રાખ્યો, મેહેવાસી લોકને વસ કર્યા, ઉજડ ગામો વસાવી સરકારની પેદાશ વધારી, ને રૈયતને સુખી કરી; તમે લઢાઈમાં જેવા બહાદુરછો તેવાજ ઇનસાફ કરવામાં, અને કારભાર કરવામાં કુશળ છો; માટે તમને હજુરમાં દફતરદારની જગા આપવામાં આવી છે, અને જાફરખાનને તમારે ઠેકાણે થાણદાર ઠેરવ્યા છે; તેઓ અત્રેથી કાલે રવાના થશે. તેઓ આવે કે તુરત તમે નીકળજો.

શનિવારે સાંજે જાફરખાન આવી પહોંચ્યા, ને બીજે દિવસે પઠાણે તેને સરકારી દફતર વગેરે સ્વાધીન કર્યું. જાફરખાને વિનંતી કરી કે બે દહાડા રહીને મને પ્રગણાના વહીવટથી વાકેફ કરો, ને જે જે કામની તપાસ તમારાથી થઈ છે તેના ફેંસલા કરવામાં મને મદદ કરો.

પઠાણે એ વાત કબુલ કરી. મોતીચંદ વસુલાતખાતાનો કારભારી ને ખજાનચી, તથા કિસનલાલ દીવાની ફોજદારી કામનો શીરસ્તેદાર એ બંને ઘણા હોશીઆર છે, ને પોત પોતાના કામથી માહેતગાર છે, પરંતુ તેમના પ્રમાણિકપણા ઉપર ભરોસો રાખવો નહીં. તેઓ લાંચ લે છે. એવો મને શક છે, પણ સાબીતી મળી નથી કેમકે લાંચ આપી પોતાની મતલબ પાર પાડવી, અને અધિકારીઓએ લાંચ લેવી, એમાં ખોટું નથી એવો ખરાબ મત આ દેશના મુર્ખ લોકનો છે; એ બે સખસો વગર પુછે સહલા કોઈવાર આપે ત્યારે તથા જ્યારે હું એમનો અભિપ્રાય લેતો ત્યારે હું ફક્ત તેમના કહેવા પર વિસવાસ રાખી વરતતો નહીં; લખાણમાં કાંઈ દગલબાજી કરતા નથી એપર પણ હું હમેશ નજર રાખતો, એવું પઠાણે કહ્યું ત્યારે જાફરખાં કહે આપે એમને બરતરફ કેમ નહીં કર્યા ? હું હોઉં તો કરૂં. પઠાણ કહે આપની ખુશીમાં આવે તેમ આપે કરવું. પણ મને કાયદા પ્રમાણે તજવીજમાં પત્તો લાગ્યા વિના સજા કરવી એ દુરસ્ત લાગતું નથી, માટે મેં એમની નોકરીને ખલેલ પોચાડી નહીં મારી પોતાની અકલ હોશીઆરીથી હું સઘળું કામ ચલાવતો. એમનું મારી આગળ મુદલ ચલણ નહતું, તે છતાં આંધળા લોકે એને નાણાં આપ્યાં હશે તો તેમના ભોગ.

સોમવારે હરિનંદનુ કામ પઠાણ અને જાફરખાની રૂબરૂ ચાલ્યું. વૈદોની સાક્ષી લીધી; તોમતવાળાની રાખેલી સોનારણને પકડી આણી હતી, તેની કનેથી સુંદરના પગનું એક સાંકળું પકડાયું હતું, અને બીજું જે હવાલદારે રાત્રે કેદી પાસેથી પડાવ્યું હતું તે પણ પકડાયું. સોનારણ અને હવાલદારની જુબાની લીધી. હરિનંદે કબુલ કર્યું કે મેં મારી વહુને ઘણીવાર મારેલી, અને છેલ્લી લડાઈને દહાડે હમેશ કરતાં બહુ વધારે મારી હતી, કેમકે મારી મા જોડે એ મસ લડી તેથી મારી આબરૂને બટ્ટો લાગ્યો. આગલી રાતે મે પાનડી માગી હતી, પણ તેમણે આપી નહીં. મારી નાખવાની ધમકી મેં તેનું ઘરેણું લેવાને બતાવી હતી, પણ મનમાં તેનો પ્રાણ લેવાનો વિચાર નહતો. કાળજામાં તેને મારાથી વાગ્યું હશે કે નહીં તે મને યાદ નથી, કેમકે તે વેળા હું બહુ ક્રોધાંત હતો, મારો જીવ મારે વસ નહોતો, હું તે વખત આંધળા જેવો હતો. આંખ મીંચીને લાત, થાપટ, મુક્કી, અને લાકડીઓ તેના શરીરના હરેક ભાગપર લાગ ફાવ્યો ત્યાં ચોડી, ને રોળી રોળીને મારી. એ મારી મોટી ભૂલ થઈ, હું હવે બહુ પસતાઉં છું; મારી માએ મને ઊંધું-ચતું સમજાવ્યું હશે એવો મને હવે શક આવે છે. મારા ઉપર દયા કરો, મારો પશ્ચાતાપ એજ મને મોટી શિક્ષા છે, મારી વહુનું ખુન કરવાનો મારો ઇરાદો નહતો, હું હત્યારો નથી, માટે મને માફ કરો એ અરજ તમને બેહુ સાહેબોને કરું છું.'

સાક્ષી પુરાવો લેવાઈ રહ્યા પછી પઠાણે જાફરખાને કહ્યું કે આ કેદી ગુનેગાર છે એ મારો મત છે, પણ એનો શીરછેદ થવો ન જોઈએ, એને જનમ ટીપ (કેદ) મળશે તો બસ છે, પરંતુ બે રોજ વચમાં જવા દઈ આપને જે વાજબી લાગે તે કરશો. જાફરખાં કહે કામ મોટું છે ખરું પણ મારા મનમાં સંધે રહેતો નથી, મારો અભિપ્રાય આપના મત જોડે કેવળ મળતો છે, તથાપિ આપ કહો છો તો બે દિવસ કેડે ફેંસલો આપીશ. એમ કહી હરિનંદને પાછો કેદમાં મોકલ્યો, ને ગુરૂવારે ફરિને હાજર કરવાનો હુકમ કર્યો.

મહાલના કારભાર સંબંધીની બીજી ઘણી વાતોથી જાફરખાન ને વાકેફ કરી પઠાણે મંગળવારની પાછલી રાતે કુચ કરી.