લખાણ પર જાઓ

સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૨૧

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨૦ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૨૧
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૨૧ મું

પઠાણની બદલીની ખબર મોડાસાનાં લોકને થઈ ત્યારે તેઓ કહેવા લાગ્યા કે નાગરોએ કરાવી હશે, હરિનંદને ઉગારવા સારૂં અમદાવાદના સુબેદારને લાંચીને કે બીજી કોઈ રીતે વગ વસીલાથી. નાગરોની સત્તા તે કાળે પણ ઝાઝી હતી. તેઓ હાલની પેઠે ખટપટીઆ પણ હતા; હાલ જેમ એમનામાં થોડાક સાચા ને સારા પુરુષ છે તેમ તે વારે પણ હતા, પરંતુ આખી જ્ઞાતિ લઈએ તો તેઓ સુનીતિમાં બીજી જ્ઞાતિઓના લોક કરતાં સરસ નહીં હતા; ફારસી ભાષાના જ્ઞાનમાં, ચતુરાઈમાં, અને બુદ્ધિબળમાં તેમનો કંઈ હાથ ન હતો, માત્ર કાગનું બેસવું ને તાડનું પડવું તેવું થયું. પઠાણની બદલીથી નહીં પણ જાફરખાં મીયાં લાંચીઆ હતા તેથી હરિનંદ જન્મટીપથી બચ્યો.

પઠાણની કહેલી સજા સુબેદાર બહાલ રાખત એમાં શક નથી. જાફરખાં કરજદાર હતો. એની દાનત મૂળથી નઠારી નહોતી, પણ તેનો હાથ ભીડમાં આવ્યાથી તે ઉછીના અથવા બીજે મસે રૂશવત લેતો, ને જેઓ તેને પૈસા ધીરે કે ધીરાવે તેમની સપારસ માનતો. જાફરખાંના માગનારનો ગુમાસ્તો, રૂ. ૨૦૦૦) વ્યાજના ચડ્યા હતા તે વસુલ કરવાને એની પાછળ, મોડાસે આવ્યો હતો. વીજીઆનંદ અને એનો કાકો એ ગુમાસ્તાને મળ્યા. ગુમાસ્તે કહ્યું એ રુશ્વતને નામે નહીં લે પણ અંગ ઉધાર ધીરશો તો લેશે. તમારામાં કોઈ શાવકાર છે ?

વીજીઆનંદ – હા કેવળરામ મૂળજી નાણાવટી છે તે ધીરધારનો ધંધો કરે છે.

ગુમાસ્તો – તેની દુકાનેથી રૂ. ૩૦૦૦) ઉપાડવાની હું થાણેદારને સહલા આપીશ. તમે ને એ નાણાવટી માંહોમાંહે સમજો. મારાં બસે જુદાં. હરિનંદને હલકો ડંડ કરી છોડી મુકે એવો ઘાટ રચીશ.

વીજીઆનંદે તે વાત કબુલ કરી. જાફરખાને રૂપીઆ મળ્યાને બંદોબસ્ત થયો. ગુરુવારે હરિનંદને હાથ કડી સાથે કચેરીમાં ઊભો કર્યો. હજારો આદમી આસપાસ જોવા મળ્યું. જાફરખાન કહે 'છોકરા જે કેર ને ભારે અનર્થ (શ્રોતાઓએ જાણ્યું એને હાથીને પગે બાંધીને કચરાવી નાંખશે) કર્યાનું તહોમત તારા ઉપર મુકવામાં આવ્યું છે તે મારી નજરમાં સાબિત થયું નથી. મરનાર બાઈ સુંદર તારી ધણીઆણી, તારા મારથી મરી ગઈ કે બીજા કારણથી તેનો નિશ્ચય થઈ શકતો નથી, પણ તે એને બહુ મારી એ નકી જણાય છે, માટે માર મારવાનો ગુનો તારા ઉપર સાબિત થાય છે. તું નાદાન જણાય છે, માટે રહેમ કરી તને માત્ર ૩૦૦) રૂપીઆ ડંડને એક વરસ કેદની સજા કરું છું.”

હરિનંદને સિપાઈ લઈ ગયા પછી સોનારણનું તથા હવાલદારનું કામ ચલાવ્યું. સોનારણના ઉપર ચોરી કરાવ્યાનું તથા ચોરીનો માલ રાખ્યાનું તોહોમત સાબિત છે, એવું ઠેરવી તેને રૂ. ૫૦૦) ડંડને ત્રણ માસ કેદની શિક્ષા કરી. હવાલદારે સાંકળું રૂશ્વત દાખલ લીધું એવું ઠેરવી તેને રૂ. ૧૦૦) ડંડને, ડંડ, નહીં આપે ત્યાં સુધી કેદમાં રહે એવો હુકમ કર્યો. એ બંને કેદીઓને પગે હધ હધમણની બેડીઓ પહેરાવી; સેકેલા ચણાને પાણી સિવાય બીજું કાંઈ ખાવા આપે નહીં. એક માસ એમ ભોગવ્યા પછી સોનારણના સગાંએ ત્રણસેં રૂપીઆ જાફરખાને આપી તેને છોડાવી. મુગલાઈ ૨ાજના દસ્તુર પ્રમાણે એ રૂપીઆ જાફરખાના નહીં પણ પાદશાહી ખજાનામાં મોકલવાના હતા, માટે તેને રૂશ્વતના રૂ. ૨૦૦) ઉપરાંત આપવા પડ્યા. હવાલદારના સગાતો ગરીબ તે રૂપીઆ ક્યાંથી લાવે. એનો છોકરો, એની મા, ને એની બાયડી એ ત્રણ જણા બંધીવાનને છોડાવવાને ભીખ માગવા નિકળ્યા. એને કારણે ભીખ માગનારા જે ચિન્હો ધારણ કરતા (ને દેશી રાજમાંથી એવા ભીખારી વખતે હજીએ આવે છે) તે પહેર્યાં એટલે કોટે બાંધ્યું કોડીયું, ને હાથે બેડીને સાટે સાંકળ પહેરી, ને બંધીવાનનો બંધ છોડાવો, કોઈ દયા કરી છોડાવો, વગેરે બોલતાં ગામે ગામ ફર્યાં, ને બે મહિનામાં જે મળ્યું તે સરકારમાં ભરી હવાલદારને છોડાવ્યો. હરિનંદનું કામ મોટું માટે અમદાવાદ મંજુરીને સારૂં મોકલવાનો કાયદો હતો તેથી ત્યાંના હુકમ વિના સજામાં ફેરફાર થઈ શક્યો નહિ.

વિજીઆનંદ ઘરમાં આવી રોઈ પડ્યો. અનપુણા અને કમળાએ મોહો વાળ્યું ને રમાનંદ પંડ્યાએ પોક મૂકી. મનની અકળામણ ઓછી થયા પછી વિજીઆનંદ કહે હું લોકને મોહોડું કેમ દેખાડી શકીશ. હવે જીવ્યાં કરતાં મરવું ભલું. હું તારે પેટે અવતર્યો ન હોત તો સારું થાત. આ બધાનું મૂળ તમે મા દીકરી છો. ધીકાર છે તમને' ! આ વાત ચાલે છે એવામાં ચંદાનો ભાઈ આવ્યો ને બોલ્યો કે દેવનારાયણ શાસ્ત્રીને ઘેર કેટલાક બ્રાહ્મણોએ મળી ઠરાવ કર્યો કે રમાનંદ પંડ્યાને ત્યાં કોઈ ક્રિયા કરાવવા જાય નહીં, ને જેઓ સુંદરને બાળવા ગયા હતા તેઓ મુછ મુડાવે ને દશ દશ ગોદાન આપે તો તેઓની જોડે જમવું.

એ ખબર સાંભળી સહુ એક એકની સામું જોવા લાગ્યાં. વિજીઆનંદે પોતાના કાકાને, સસરાને, તથા મામા સસરાને બોલાવા મોકલ્યું. એમણે પણ ઉપર પ્રમાણે હકીગત કહી. વીજીઆનંદ કહે ઘંટી તળે હાથ આવ્યો તે કળે નિકળે, બળ કરતાં મોચાઈ જાય. એનો મામો સસરો કહે શું ચુડીઓ પહેરી બેઠા છીએ ? માથું જાય પણ નાક ન જવા દઉં. શત્રુને કદી નમું નહીં; હા જ્ઞાતિ કહે તે માથાપર પણ જ્ઞાતિએ મળીને ઠરાવ કર્યો નથી; એમ પાંચ દશ આસામી કોઈને ઘેર ભેગા થઈ ગમે તેમ બને તેમાં આપણે શું. હું દશા અગીઆરમુ સરાવીશ, જોઉં મને ક્યો સાળો પુછે છે, શું લુચ્ચાઓ નાતમાં ને આપણે નહીં ?

એ સાંભળીને રમાનંદના માણસોએ હીમત પકડી. એ ઘણા નહતા, પણ વિજીઆનંદના સાસરીનો જથો જબરો હતો ખરો. વિજીઆનાંદે સાર્યુંતો ખરું ને બારમાને દહાડે બાર ગોરણીને બાર બ્રાહ્મણ જમ્યાં. તેરમાની નાત જમાડવી તેનું કેમ કરવું? કેટલાકનું મત હતું કે નાતે નોતરાં કરવાં જે આવશે તે જમશે, ને બાકીના રહેશે, નહીં આવનારા થોડા જ નિકળશે. કેટલાકને એમ લાગ્યું કે ૧/૩ ઘરવાળા નહીં આવે ને રસોઈ નકામી પડી રહેશે; રસોઈ બગડે તો ધુળ નાખી પણ આબરૂ જાય તેનો વિચાર કરવો; માટે હાલ નાત જમાડવી બંધ રાખવી ને માત્ર ૧૩ બ્રાહ્મણ જમાડવા. હરીનંદ છુટી ઘેર આવશે ત્યારે મોટો વરો કરીશું એ બહાનું ઠીક છે. આ પાછલાનો મત પ્રબળ થયો.

જેમ દિવસ વિતતા ગયા તેમ સામા પક્ષનું કૌઅત વધતું જોઈ તેઓને ઘભરામણ થઈ. રમાનંદને અનપુણા આટકેશ્વરના દેહેરામાં જઈ લાંઘવા બેઠાં. પાણીએ પીએ નહીં ને ખાવાએ જાય નહીં. એક દહાડો એમ ગયો. બીજે દિવસે પંદર વશ બ્રાહ્મણોએ મળી નોતરીઆને બોલાવી કહ્યું આજે ત્રીજે પોહોરે આટકેશ્વરના દેહેરામાં નાત મળવાની છે એવી ખબર ઘેરે ઘેર કરી આવ. નોતરીઓ ફરી આવ્યો ને બાર પર બે વાગવા આવ્યા કે ભટ્ટાઓનો જમાવ થવા માંડ્યો.

કોઈને માથે કાનઢાંકણી ટોપી, કોઈને માથે કડીઆ સુતાર કે હજામના જેવી પાઘડી, કોઈને માથે ચકરાં, કોઈને કપાળે પીળી આરચા, કોઈને ધોળી, ને કોઈને ચાંલ્લા કે આડા ટીલાં. કોઈએ અંગવસ્ત્ર ઓઢેલાં, ને કોઈના હાથ બરડો ને પેટ, તથા પગના નળાને પાટલીઓ ઉઘાડાં હતાં. કોઈ વરણાગીઆએ રેશમી કોરનાં પોતીઆં પહેરેલાં તે ભોંયે ઘસડાય ને સાવરણીની ગરજ સારે, માથે મોટી ઘેરીને ચોટલીનો કાંઈક ભાગ તેલથી તકતકતી પાઘડીની બહાર રહેલો છે, ને મોહોમાં પાન સોપારીના ડુચા ભરેલા તેની પીચકારીઓ મારે ને હાથમાં છીકણીની દાબડી તેમાંથી ચીપટા ભરી નાશકોરામાં દાબે. નજરમાં આવે તેમ ભુંડું બોલે, નાના નાના ટોળાં વળી વાતો કરે; કેટલાક કહે અમારા હાથ ચળવળે છે, એને વાપરવાનું મળેતો ઠીક. થોડા ડાહ્યાને ભારેખમ હતા તે છેલ્લા આવ્યા. બીજાઓ આગળથી આવીને બેઠેલા તેથી એમને બેસવાની જગા ન મળે ને બેસવું તો મોખરે, તેથી વચમાં ગુસી આગળ બેઠા હતા તેમના ખોળામાં બેસી ગયા. પેલાએ તેમને ઉઠાડી દીધા એટલે હો હો થી મારા મારી પર આવતા હતા. જેમ તેમ કરતાં સમાધાન થયું તોએ કલકલાણ એટલું થાય કે કાને પડ્યું સંભળાય નહીં.

જગનાથ પાઠેક પટેલ હતા તેમણે ઉભા થઈ મોટી તાળીઓ ને બુમો પાડી કહ્યું સાંભળો મહારાજો સાંભળો, ભૂદેવો સાંભળો. આ રમાનંદ પંડ્યા જ્ઞાતિને અરજ કરે છે તે સાંભળી એમનો નિકાલ કરો, આજ એમને બે લાંગણ થઈ છે.

એ સાંભળી બધા છાના રહ્યા. રમાનંદના ભાઈએ કહ્યું હવે નાતની જુની રીત ટુટવા માંડી છે, નાતને ભેગી કર્યા વગર લોકને નાતબહાર મુકવા એ હાલજ બન્યું છે, આ વૃદ્ધ ભૂદેવો બેઠા છે તેમને હું પુછું છું કે પૂર્વે કોઈવાર એવું બન્યું છે, શું આપણામાં આગળ કોઈ શાસ્ત્રો ભણેલું ન હતું. શો અન્યાય અમે કર્યો છે કે અમારા ઘરની આબરૂ એ લોક લેવા તઈઆર થયા છે.

દેવનારાયણ શાસ્ત્રીના બનેવીએ કહ્યું શાસ્ત્રી મહારાજનો શો વાંક છે. એમનો ધર્મ છે જે કોઈ પ્રશ્ન પુછે તેને ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દેવો. જેઓ એમને પુછવા ગયા તેઓને એમણે યથાર્થ હતું તે કહ્યું, એ કોઈને ઘેર કહેવા ગયા નથી; નાતનું નાક ગયું, મોહો કાળું થયું, મુસલમાન ફકીરની જોડે એમની વહુવારૂ જતી રહી, ને રાત્રે તેની સાથે તેનું રાધેલું જમી; બીજી વહુવારૂ મુસલમાનના ઘરમાં ખાટલામાં મરી ગઈ, તેનુ પુતળ વિધાન ન કર્યું, ને બાળી આવનારાએ પ્રાયશ્ચિત ન કર્યું. હવે જ્ઞાતિ એને ઘેર કેમ જમે. આ કલજુગમાં પણ આપણી સર્વોત્તમ વરણમાં આજ સુધી એવું નીચું જોવાનું બન્યું નથી, સ્ત્રીહત્યા કોઈએ કરી નથી, ને એવો અધર્મ થયો નથી.'

એ સાંભળી ચંદાનો મામો એ બોલનાર ઉપર મહા-ક્રોધ કરી ધસ્યો, ને તેનો ટોટો ઝાલ્યો. હાંહાં, ખમા, એમ કેટલાક બોલ્યા, ને કેટલાએક વચમાં પડી બને છુટા પાડ્યા. ચંદાનો ભાઈ કહે શું અમે કાંચળીઓ પહેરીને બેઠા છીએ, શું અમને બોલતાં નથી આવડતું ? આપણે જાણીએ નાતના છીદ્ર કોણ ઉઘાડા પાડે, ને બીજી જ્ઞાતિવાળાને નાતની એબ કોણ દેખાડે, પણ હવે બોલ્યા વગર કેમ રહેવાય. ઘેર ઘેર માટીના ચુલા છે, મારી બેનને ફકીર જોડે જમતાં કોણે જોઈ છે, જેણે જોઈ હોય તે આ ઠેકાણે આવી સામો ઉભો રહે. આપણી જ્ઞાતિની બીજી ઘણીએ બાએડીને મેં એ ફકીરને તકીએ જતાં દીઠી છે, કોહોતો તેનાં નામ દઉં ને પુરાવો આપું. મુસલમાનીના ઘરમાં જઈ રહે છે તેને તમે શું કરો છો ! શૂદ્રિને ઘરમાં રાખે છે, ને તેના પેટના છોકરાં તેના ઘરમાં રમતાં કોહોતો આ ઘડી દેખાડું, કલાલની દુકાનમાં ને ચક્રમાં બેસતાં કોહો એટલાને પકડી આપું. આપણા ગામથી અધગાઉ પર તાજપરું છે તેમાં હરીઓ સવાશી રહે છે તેના મકાનમાં ગઈ અસાડી પુનમે શું બન્યું હતું? કોણ તેથી અજાણ્યું છે ? આખો મુલક જાણે છે. બસે આદમીના દેખતાં માંસ મદીરા ખાઈ પી અલમસ્ત થઈને તોફાન કરનારાના નામ તમે સહુ જાણો છો; એક બે હોય તો ડરે પણ પચીશ પચાશ થયા તેમને શાનો ભય ! નાગર બ્રાહ્મણના છોકરા, આજે જેઓ પત્રાજી કરે છે તેમના ઘરના, શું શું કરે છે તે કહી સંભળાવું? આજ શાસ્ત્રને કોણ માને છે ? શાસ્ત્ર પ્રમાણે કોણ ચાલે છે ? કહો એટલા અનર્થ બતાવું.

વિજીઆનંદ કહે એમ મભમ શાને રાખો છો લો હું નામ દઉં.'

એ સાંભળી પાંચ સાત જણે મળી તેને બોલતો અટકાવ્યો, કહ્યું ભાઈ એથી ટંટો વધશે, ને મારામારી થશે. આજ લઢાઈ પતાવવા મળ્યા છીએ, વધારવા નથી મળ્યા. વળી પેલા ગૃહસ્થ નાગરો આપણામાં પગ ઘાલવા આવશે, બાર ગામવાળા જાણશે માટે છાનામાના માંહોમાંહે પતાવી દો. નાત ગંગા છે. નાત જમી રહે છે ને ઢેડ પડે છે, બધાને અડે છે, કોણ ઘેર જઈ નાહે છે ?

જગનનાથ પાઠેક – ભૂદેવો મારી વિનંતિ સાંભળશો. તમે સૌ જાણો છો કે મારે કોઈનો પક્ષ નથી. આ દવે, જાની, ને દીક્ષત બોલ્યા, એમાં નાતને શો લાભ છે? કાંઈ નહીં. ઉલટું નુકસાન છે. એથી વેર વધે છે; એથી પરનાતિઓમાં આપણી હાંસી થાશે, તિરસકાર થાશે. હું તો સાચું હશે તે કહીશ. કાળ નઠારો છે, તેનાં ફળ આપણી જ્ઞાતિમાં દેખીએ છીએ, ને બીજીઓમાં પણ દેખીએ છીએ, ઔદિચ, મોડ, મેવાડા, શ્રીમાળી, રાયકવાળ, આદિ બ્રાહ્મણોમાં પણ એવું જ છે, વાણીઆ ને કણબીમાં એ છે. તેઓ કહે છે કે જુલમથી બચવાના બે ઉપાય છે, જુલમ કરનારનો પરાજય કરવો, અથવા તેને છેતરવો. પોતપોતાની જ્ઞાતિની જોડે જયપૂર્વક હાલ લઢી શકતા નથી માટે ગુપ્ત રીતે કરીને જુઠું બોલીને છેતરીએ છીએ હવે વધારે શું કહું ! આપણી જ્ઞાતિમાં વિરોધ ઘાલવો એ ખોટું છે, એનું પરિણામ રૂડું નહીં થાય. નાત ગંગા છે, ને સહુ સહુની જ્ઞાતિના ધણી છે આગળ આપણામાં લાંચીઆ ચમારનું અને મોચી મામાનું એવાં બે તડ પડ્યાં હતાં. એવું સાંભળ્યું છે. ૨૫ વરસ સુધી વઢી મુવા પછી પાછા એકઠા થયા. આખી દુનીઆંએ ફજેતી જોઈ, હજારો રૂપીઆ ફોગટ ખરચ થયા, ને ઘેર ઘેર કંકાસ કલેશ ચાલતો એવું આપણા વખતમાં માતાજી ન થવા દે. આ પાંચ ઘરડા બેઠા છો તેઓ મળીને તોડ કાઢો કે થયું.

પટેલનું વચન સર્વેએ માન્ય રાખ્યું, ને ઠેરવ્યું કે ચંદાગવરી અંબા માતામાં સવાશેર ઘીનો દીવો કરે, હરિનંદ છૂટે ત્યારે જનોઈ બદલી દશ રૂદ્રી કરાવે, એક ગૌદાનનો રૂ ૧) નાતને ડંડ આપે ને ધાર્યા પ્રમાણે નાતો જમાડવા ઉપરાંત સુંદર વહુને નામે ૧૨૫ બ્રાહ્મણોને ૭૫ ગોરણી જમાડે.

એ વાત રમાનંદ પંડ્યાએ સ્વિકારી, ને ત્રીજે દહાડે તેરમાની નાતનાં નોતરાં ફેરવ્યાં, કેમકે સામાન બધો ઘરમાં તઈઆર હતો તે બગડતો હતો. ચુરમા (છુટા લાડુ) નું જમણ કર્યું. બારપર ત્રણ વાગવા આવ્યા કે નાતના લોકે આવવા માંડ્યું. સ્ત્રીઓ નિર્મળ અબોટી ને ઘરેણાં-ગાંઠાં પહેરી ઠમ ઠમ કરતી ચાલી આવે, મનમાં પુર હરખ કે આજતો છુટાં ઘી ખાવાનાં છે બ્રાહ્મણાનો વેશ જોવા જેવો હતો. ડોકમાં દોરા કંઠી, હાથે બંગડી કે પોંચી, કાને કડીઓને કેડે નાની સરખી વેંતીઆ જીણી પોતડી (પંચીયું) તે એવી કે અરધા નાગા જણાય, એક બગલમાં પત્રાવાળું બીજીમાં અબોટીયું. એક હાથમાં મીઠા પાણીનો ચંબુ ને પડીઆ (દડીઆ.) કોઈએ જોડે નહાવાને ઉનું પાણી પણ રાખેલું. પોળના કુવા પર રમાનંદે ઘડો દોરડું મુક્યાં હતાં, તે વડે હાથે પાણી કાઢી કેટલાક નાહ્યા. જેઓ ઘેરથી નાહાવાનું પાણી લાવ્યા હતા તેઓ એક લોટે આખું અંગ પલાળતા. એ હુનર હવે થોડાજ બ્રાહ્મણોને આવડે છે.

નાહી નાહી પોળમાં હારબંધ બેઠા, ને મીઠું અથાણું આવવા માંડ્યું કે વરસાદના છાંટા થયા, ને પવન નિકળ્યો. કેટલાક ફક્કડો કહે ઠીક મહારાજો ઘી સારાં ઠરશે ને ખાવાની મજા પડશે, ટાંકા પથરા જેવા બંધાઈ જશે. ચુરમો પીરસાયો ને ઘીની તામડીઓ (વટલોઇઓ) લઈ જુવાનીઆ નિકળી પડ્યા. નફટ ભૂદેવોનો આનંદ અંગમાં માય નહીં, ઘીને ચુરમાનો મલીદો કોસણવા મંડી ગયા ને ટાંકાં કરવાના પડીઆ જુદા ભર્યા. શાક, વડા વગેરે આવી રહ્યાં કે વીજીઆનંદ અને તેના ભાઈબંદ બુરું (ધોએલી ખાંડ) ગરમામાં લઈ પીરસવા આવ્યા; ને રમાનંદ પંડ્યા બરાબર પીરસાય છે કે નહીં તે તપાસવા નિકળ્યા. બ્રાહ્મણો તેના પાર વનાના વખાણ કરે, “અરે મહારાજ તમે દેવ સ્વરૂપ, તમારાં ઘર અસલનાં, શી આબરૂ, તમ વડે જ્ઞાતિ દીપે છે. આ ઘી ક્યાંથી મંગાવ્યાં, આ સાકેરીઆ ખાંડના શા વખાણ કરીએ” વગેરે ગપ્પો મારે, ને હરખાતા જાય, જાણે વીવાહની નાત કે ઉજાણી હોય ને. રમાનંદના ઘરની પાસે વાણીઆનું ઘર હતું, ત્યાં કેટલીક બાએડીઓ જોવા બેઠી હતી તેમાંની કેટલીક સુંદરની બેનપણીઓ હતી તેમની આંખોમાં એ જોઈ આંસુ આવ્યાં. તેઓ કહે આ મુવા દઈત કે એ રોયા રાક્ષસ, મુવાની પાછળ તે શોક હોય કે મીજબાની, ધુળ નાખી જમવું હોય તો નીચે માથે જમી ગયા, ઓછવ હોય તેની ગોડે આ ઉધમાત છે ઘરડું ખોખરૂં મુવું હોય તો છો પીટ્યા ખુશી થતા; જુવાનની પાછળ પણ તેમ ! ધિક્કાર છે નફટ અશુરોને !! શુંરે મારી બાઈ લગન ને કાંણ બધું સરખું, મરણ પાછળ જમાડવાનો ચાલ ન હોત તો સારૂં, ખરે !

બ્રાહ્મણોએ જમવા માંડ્યું ને પવનનું જોર એટલું વધ્યું કે ધુળથી વાદળ છવાઈ ગયું, ને ભાણાં ધુળે ઢંકાઈ ગયાં. તોએ ભટ્ટા જમ્યા ગયા; અંતે જ્યારે છાપરેથી નેવાં (નળીઆં) ઉડી પડવા માંડ્યાં ત્યારે ઉઠી ગયા. બે ચારનાં માથાંએ ફુટ્યાં. અરધુંક જમ્યા ને ઉઠવું પડ્યું. દરેકના પેટમાં ઓછામાં ઓછી પાશેર ધુળ ગઈ હશે. જેવા તેઓ ઉભા થયા કે ઢેડિયાં પડ્યાં. જેનાથી જેમ નસાય તેમ નાઠા. બઇરાં બુમો પાડે ને છોકરાં રોય. અનપુણા છાજી લેવા લાગી, ને કહે અમારા ઉપર આ શો દૈવનો કોપ કે નાગરીનાત ધુળ ખાઈને ભુખી પીડા પામતી ઘેર જાય છે. રમાનંદ કહે હશે ઈશ્વરની ઈચ્છા આગળ માણસનો ઉપાય નહીં. એ બ્રાહ્મણોના કરમમાં આજ ધુળ ખાવી હશે તે કેમ મિથ્યા થાય. કરે તેવું પામે. વીજીઆનંદ કહે ભૂંડી સાસુ ઘરમાં કંકાશ કળશ કરાવે તેની એવી ફજેતી થાય. તે વહુવારૂને એક ઘડી ઝંપવા દીધી નહિ તેનાં ફળ આ થયાં.



સમાપ્ત