સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૫ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૬
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૭ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૬ ઠું.

તારાને તેના વરે સારો ઉપદેશ કર્યો હતો તેથી તે ડાહી અને સદ્ગણી હતી. તેણે વાઘ થવાની ના કહી. ચંદા કહે થયા વિના ચાલે નહિ, સહુ થાય છે ને તું શા સારૂ ન થાય ? જેને મન હોય તેને એ દહાડો ન આવે, અને તને આ શુભ દિવસ આવ્યો છે ત્યારે તું ના કહે છે. મારું કહ્યું માનવું પડશે. મારા સમ જો ન માને. એ મારા દહોડડાહ્યા બનેવીની સીખામણ હશે; રવીનારાયણને (તારાના વરને) મળી હા કહેવડાવું પછી કાંઈ હરકત છે. તારાએ (લાજથી) નીચું જોઈ કહ્યું મેતો પુછ્યુંએ નથી; મારું પોતાનું મત છે કે એ જંગલી ચાલ છે. ગુંગલાઈ મરવું તે નાદાન વના બીજા કોને ગમે. એમ બે બેની વાતો કરતાં હતાં તેવામાં તેમની મા આવી તેણે ચંદાની તરફની ટાપસી પુરી.

તારાએ રાત્રે પોતાના ધણીની આગળ એ વાત કરી; રવીનારાયણ કહે તમારી બેન તો હોંસલી, રસીલી, અને રંગીલી છે. જો એની હોંસ સારા કામમાં લાગે તો સારાં ફળ થાય અને એનામાં સદાચર્ણ હોય તો એનો રંગ રસ વખાણાત અને શોભત. તારા કહે એને બચારીને દહાડા રહેતા નથી તેથી ફાંફા મારે છે, નહિતો એ બાપડી બહુ રૂડી છે. એમ બોલતાં તેની આંખો ભરાઈ આવી. રવીનારાયણ કહે એને સદઉપદેશ મળ્યો હોત તો એનું મન સંતોષી ને સુખી રહેત. કાલે મારી પાસે આવશે ત્યારે હું એની જોડ રૂડા જ્ઞાનની વાત કરીશ. તારા કહે ના હવણાં આ ચાર દિવસ જવાદો. એ વાત કહાડશો તો એનું મન ખેદ પામશે; એનો જીવ દુભાય તેવું કહેવાનો આ પ્રસંગ નથી. રવીનારાયણ કહે ખરૂં વળી બીજો લાગ આવશે ત્યારે બોધ કરીશ. મારી મતલબ એને લાભ કરવાની છે, સંતાપ કરવાની નથી. તને વાઘ કરવાને તારી માબેન અને સગાં વાહાલાં હઠ કરે તો બધાનું મન દુખવીશ નહિ એ મારી ખાનગી સીખામણ છે. એ બધાની ખાતરે ચાર ઘડી પીડા સેહેવી, શું કરીએ લાચાર. સદવિચારના માણસની સંખ્યા વધશે ત્યારે મુર્ખા મુર્ખીઓનું જોર નહિ ચાલે, ને એવી નઠારી રસમો નીકળી જશે.

બીજે દહાડે બપોરે તારાને તેડવાને મસે ચંદા આવી, અને રવીનારાયણ જોડે વાત કરવા બેઠી. તેણીએ કહ્યું દવેજી, તમે મારી તારા બેનને ખુબ સુધારી દોધી દેખુંતો. પણ દુનીઆમાં રહેવું માટે દુનીઆની રીત કરવી પડે.

દવે – સુધરશે તો સુખી થશે. સારી રૂઢી હોય તે રાખવી, એમાં વાંધો શો છે? ચંદા – તારે શું ઘરડાં મુવાં ઘેલાં હતાં; આપણી ન્યાતમાં વાઘ કરવાની રીત અસલથી છે તે ખોટી શા વાસ્તે વારૂં ?

દવે – તો આપણાં ઘરડાં ડાહ્યાં તો તે ઘરડાનાં ઘરડાં ડાહ્યાં નહિ ? ઘરડાંએ જે જે ચાલ પાડ્યા છે તે સઘળા ખરા છે, એ તકરારમાં તમે જીતશો નહિ. વાઘ બનાવાનો ચાલ જુનો નથી, વડનગરમાં નહોતો તેનો પુરાવો આપી શકાય. આપણા ગામમાં પહેલો નીકળ્યો, ને અહીંથી અમદાવાદમાં ગયો. ગુજરાતના બધા ગામમાં નથી, કાશીમાં નથી, મથુરામાં નથી. ગામના સૌ લોક આપણી મશ્કરી કરે છે. મોહોથી તે કેડ સુધી શરીરનો કાંઈ ભાગ જણાય નહિ, લુગડુંએ પહેરાય નહિ, નખથી તે ખભા સુધી બંને હાથ વાંક વગેરેથી ઢંકાઈ જાય, કપાળ, આંખો, નાક, ગાલ, હોઠ, કાનાદિક મોહોડાનો કાંઈ ભાગ જણાય નહિ, સ્વાસ લેવો કઠણ પડે, એ સારૂં કોને લાગે. એવું કરીને ચૌટામાં તેને ઉઘાડી પાલખીમાં ફેરવવી આગળ ઢોલ વાગે. વાહ ! વાહ ! એના તમે વખાણ કરો છો. એ શરમ ભરેલા ચાલની ઉત્પત્તિ તમે સાંભળોતો હસ્યા વના રહો નહિ.

ચંદા – તો કહોની વારૂ. પણ તમને ખોટી તો નથી કરતી ?

દવે – ના બેસો આજ મારે નવરાસ છે. વાઘની ઉત્પત્તિની વાત મેં મારા દાદાને મોડેથી સાંભળી છે. છબીલદાસ કરીને મોટો ધનાઢ્ય નાગર વાણીઓ હતો. એ શેઠની બરોબરી કરે એવો એકે વાણીઓ આ ગામમાં તો શું પણ અમદાવાદમાંએ નહોતો. એ શેઠના ગાંયજાનું નામ કચરો અને ગોરનું નામ ચુલાશંકર. એ બંનેની જોડી ઠીક હતી.

ચંદા – તમે મશકરી કરો છો. વળી કચરો અને ચુલાશંકર તે કોઈનાં નામ હોય ?

દવે – હા, ઘણાનાં હોય છે. વહેમી લોકને છોકરાં જીવતાં નથી ત્યારે એવાં નામ પાડે છે. મારા પાડોસીના છૈયાનું નામ મફતીઓ છે. એવા કહી એટલા દાખલા આપું. તમારી વડીઆઈના કાકાનું નામ ફકીરભટ હતું, અને તેના મામાનું નામ ઉકરડારામ હતું. મુર્ખલોક વેહેમથી એવાં નામ પાડે છે.

ચંદા – વારૂ, હવે તમે નાગરના વાઘની વાત કહોને.

દવે – કચરો ને ચુલાશંકર બંનેમાં અર્ધો પાયો ઓછો હતો. લોભીઆ ઘણા, ને પોત પોતાની નાતમાં ખુબ રોબ મારે. શેઠને પ્રતાપે હજામ કને બસે ચારસેની અને ગોર પાસે બે ચાર હજારની પુંજી થઈ હતી, પણ તેથી ધરાયા નહિ. વારે વારે શેઠને કેહે સાહેબ વેપાર કરાવી રળાવો. સવારે માથું બોડતી વેળા અને રાત્રે પગ ચાંપતી વખતે કચરો એ વાત લાગ જોઈને સંભારે. શેઠે પોતાના મુનીમને એ વાત કહી અને કાંઈ જુગતીથી તેને શીખામણ દેવાનું કહ્યું. મુનીમ દુષ્ટ મશકરો હતો તેણે શેઠને કહ્યું, કાલે સવારે આપ હજામત કરાવતા હશો તે વખતે હું કાગળ લાવી વાંચીશ ને તમે મને કેહજો કે જાઓ મળે એટલી ભાજી ખરીદ કરો.

બીજે દિવસે વાહાણે વાયે છબીલદાસ શેઠ વતું કરાવા બેઠા, એટલે હાથમાં પરદેશથી આવેલો કાગળ લઈ શેઠ કને મુનીમ આવ્યા, ને બોલ્યા શેઠજી ભંગડનગરનો રાજા આણી તરફ આવવા નીકળ્યો છે, અને તેને અને તેના લશકરને આપણા ગામની ભાજીનો ઘણો શોક છે તેથી ભાજી હોરી રાખવાથી હજારો રૂપીઆનો લાભ થશે, એવું આપણો ત્યાંનો આડતીઓ લખે છે. એ સાંભળી શેઠે કહ્યું જાઓ જેટલી ભાજી મળે તેટલી વેચાતી લો ને વખારમાં ભરી રાખો.

કચરાભાઈએ જાણ્યું કે આ લાગ સારો છે. શેઠનું માથું મુડી રહ્યો કે પાધરો પોતાના ભાઈબંધ ચુલાશંકરને ઘેર ગયો, ને મુનીમે કહેલી વાત તેને જણાવી. ચુલાશંકરે બસે રૂપીઆ કહાડ્યા, અને કચરાએ સો રૂપીઆ કહાડ્યા. એમ ત્રણસે રૂપીઆનો બંને મીત્રે પંતીઆળ ભાજીનો વેપાર કર્યો. બંને જણ બજારમાં ગયા અને તમામ ભાજી ખરીદ કરી એટલું જ નહિ પણ બીજી મંગાવી. ભાજીનો ભાવ તો ચડ્યો તેથી આસપાસના ગામડાના લોક ગાડાં ભરી ભરીને લાવ્યા. હજામે અને નાગર બ્રાહ્મણે ત્રણસે રૂપીઆની ભાજી હોરીને ઘરમાં ભરી. ભંગડનગરના રાજાની વાટ જોતાં એક દિવસ ગયો, બે ગયા, ત્રણ ગયા, પણ તે આવ્યો નહિ, ને ભાજી કોહી ગઈ; ત્રણસેં રૂપીઆ ગયા અને લોકમાં હાંસી થઈ. એવા મુર્ખને ઘેરથી આ વાઘનો ચાલ નિકળ્યો છે.

ભાજીનો વેપાર કર્યાને બીજે વરસે કચરાની બાયડીની અઘરણી આવી. ગાંયજાની નાતમાં મોટો અને નગરશેઠનો હજામ માલમ પડું એવું કાંઈ કરવાનો કચરે મનસુબો કર્યો. શેઠની કને જઈ કાલાવાલા કરી કહ્યું સાહેબ આ ટાણે મારી નાત જમાડી આપશો તેમાં કાંઈ નવાઈ નથી, એતો તમારા ઘરનો દસ્તુર છે, માટે કાંઈ વધારે કરો. ધેણ રાણીને તમારા ઘરનાં બધાં ઘરેણાં પહેરવા આપો. 'શેઠ કહે તારી ગાંયજીને ! રે બેવકુફ લોક ચેસટા કરશે' કચરો કહે છો કરતા પણ સાહેબ મારી આટલી અરજ સાંભળો.” એમ તે કહે છે એટલામાં પેલો મશકરો મુનીમ આવ્યો તેણે કહ્યું, અલ્યા તું તેને પાલખીમાં બેસાડી ચંઉટામાં ફેરવે તો શેઠ ઘરેણાં આપે. હજામે તે કબુલ કર્યું.

ટોપલો ભરીને શેઠે ઘરેણાં આપ્યાં પણ તે હજામડીઓને પહેરાવતાં ન આવડે, ક્યું ઘરેણું ક્યાં શોભશે, અને કેટલું શોભશે તેની સમજણ નહિ તેથી ઉપરા ચાપરી બધું પહેરાવી દીધું. લુગડાંના ઉપલા છેડાની હમેલ કરીને માથાથી તે કેડ સુધી તમામ અંગ ઘરેણે ઢાંકી દીધું. આંખો, નાક, કાન, ગાલ, હોઠ કે ધડ કાંઈ દેખાય નહિ. ધણ બીચારી બુમ બુમ પાડે. તેને ઉંચકીને પાલખીમાં નાખી ત્યારે ભોઈ આડા થઈ કહેવા લાગ્યા કે અમે તો ગાંયજીને ન ઉપાડીએ. કચરે પાઘડી ઉતારી, અને મુનીમે પાઘડી ઈનામમાં આપી તે વારે ભોઈએ પાલખી ઉચકી. બજારમાં હજારો લોક જોવા મળ્યા. બાવડી ચસકી, બાવડી ચસકી, કરી બુમો પાડે. એમ ચૌટામાં મશકરી થઈ પણ ગાંયજાની નાતમાં તેની નામના થઈ ગઈ. હજામો કહે કચરાભાઈ તમે ખૂબ વાઘ માર્યો, કોઈ ધેણે આગળ આટલું બધું જેવર પેહેર્યું નહોતું.' વાઘનામ પડવાનું કારણ એ.

ચુલાશંકર ગોરને ઘેર જઈ કચરો મુછે તા દઈ રોજ બડાઈ મારે તે સાંભળી ગોરાણી ખીચડીવહુનું મન લોભાયું. એવામાં એની હોલાલખમી નામે દીકરીની અઘરણી આવી.

ચંદા – દવે તમે એમ ઠઠ્ઠા શું કરતા હશો. એવાં નામ તે આપણી ન્યાતમાં હોય ?

દવે – તમારે નામ સાથે કામ છે કે વાત સાંભળવી છે. ખીચડી વહુના કહેવાથી ચુલાશંકર ઘરેણાં માગવા શેઠ કને ગયા, અને ગોરાણી શેઠાણીની પાસે ગયાં. શું અમે ગાંયજાથી એ ગયાં એમ બોલી તેમણે કરગરી જે જે માગ્યું તે સઘળું તેમને શેઠે આપ્યું. પાલખી પણ આપી. હોલા લખમીને વાઘ બનાવી બજારમાં ફેરવી. લોક હાલ જેમ હાંસી અને તિરસકાર કરે છે. તેમજ ત્યારે પણ કરતાં, પણ નિર્લજ નાતને સાન ન આવી. ચુલાશંકરનું જોઈને હુંઠા ત્રવાડીની છોકરીને વાઘ કરી, તેનું જોઈને કુબડા પંડ્યાએ કરી, અને પાષાણનંદે કરી; એમ આખી નાતમાં એ બેવકુફાઈ દાખલ થઈ ગઈ તે અદ્યાપિ જારી છે.

ચંદા – ત્યારે ગાંયજાની નાતમાં કેમ દાખલ થઈ નહિ ?

દવે – તેમને એટલાં આખાં ઘરેણાં કોણ ધીરે ? કચરાના જેવા શેઠ બધાને ક્યાંથી મળે ? ને નાગર બ્રાહ્મણની ન્યાતમાંથી મળી શકે તેથી એક એકના માગી લાવે છે.

ઉપલો હેવાલ જોડી કહાડેલો છે. એવું ચંદાગવરીને લાગ્યું, પણ એ ચાલ કોઈ મુરખે ચલાવ્યો છે. એવી તેની ખાતરી થઈ. પોતાને ઘેરથી બંધ કરવાની તેની હીમ્મત ચાલી નહિ, પણ તે બંધ પડે તો સારું એમ તેને સમજાયું. તેણે રવીનારાયણ દવે ને કહ્યું કે મારી તારાબેનને તો વાઘ કરીશું. દવે કહે જેમ તમારી ઈચ્છા.

ઉઠતાં ઉઠતાં મનમાં શંકા આવવાથી ચંદાગવરીએ પુછ્યું કે વારૂ ત્યારે વાઘ કરવાની રૂઢી નાગર ગૃહસ્થમાં શી રીતે પેઠી. તે બધાએ વાઘ કરે છે.

દવે – કેટલાંક સારા ઘરમાંથી એ ચાલ નીકળી ગયો છે. જુવોને ભોળાભાઈએ નાદાન લોકની નિંદાની દરકાર ન કરતાં પોતાના ઘરમાંથી એ રૂઢીને કહાડી નાખી, અને તેમના કેટલાક સ્નેહીઓએ પણ તેમ કર્યું. પોતાની વહુ બેટીની લાજ રાખવાની જેનામાં સમજ હોય તેઓ એમના વખાણ કરે છે, અને જુના મતના મૂર્ખલોક તેમનું ખોટું બોલે છે. ખરા ખોટાનો વિચાર કરી શકનારો માણસ જેમ વધશે તેમ એ અને બીજી માઠી રૂઢીઓ નીકળી જશે એમાં શક નથી. પણ જ્યાં સુધી બ્રાહ્મણનું જોર વધારે છે ત્યાં સુધી સુધારો થવો મુશ્કેલ છે. બલકે અશક્ય છે. એ બ્રાહ્મણોનાં સુંડા જેવા છે. ગોર બંધ કર્યા કે પગે લાગતા આવવાના પરમાતીના બ્રાહ્મણથી ચલાવી લેને આપણી નાતમાં ન રાખે એવા પુરુષો થોડાક હાલ થયા છે, અને તેથી આપણું બળ કાંઈક નરમ પડ્યું છે. જો એવા માણસ વધશે તો પછી નાગર બ્રાહ્મણોનું કાંઈ ચાલશે નહિ, અને આપણે એમની પાછળ ઘસડવવું પડશે, કેમ કે નાગર બ્રાહ્મણોની દેશમાં વડાઈ છે તે ગૃહસ્થ નાગરોને લીધે છે. નહિ તો ઓદીચડા વગેરે બીજા નીચ ભીખારી બ્રાહ્મણો છે તેવા આપણે હોત. દક્ષણિ બ્રાહ્મણોમાં ભટ વર્ગની સોભા ગૃહસ્થ વડે છે તો પણ ભીક્ષુકોને તાબે ગૃહસ્થને રહેવું પડે છે. નાગરોમાં સંપ નથી અને વેહેમી ઘણા છે, તેથી તેઓ આપણા ગુલામ છે; બ્રાહ્મણો ઉઠ કહે છે તો ઉઠવું પડે છે અને બેસ કહે છે તો બેસવું પડે છે. એમનાં બઇરાં ઘણાં વહેમી છે. કોઈની દીકરી કે મા મરેલી હોય, કોઈનો દીકરો અને કોઈનો ધણી ગત થયો હોય તેની પાછળ નાગર બ્રાહ્મણ જમે ત્યારે તે મરનારને પોહોંચે અને તૃપ્તી થાય એવું તે વહેમીબઇરાં માને છે તેથી આપણું જોર ફાવે છે. વળી ડુંગરપરા આપણા પક્ષમાં રહે છે એટલે નાગરોને કોઈ રાંધનાર મળતું નથી માટે દાસ જેવા રેહે છે.

વાઘ કરવાની રૂઢી પ્રથમતો એમનામાં આપણી દેખાદેખીથી પેઠી. સંસારમાં એકનું જોઈને બીજો કરે છે, તેમાં સદાચારની નકલ કરનારા કરતાં દુરાચારની નકલ કરનારા ઝટ વધારે મળે છે, કેમકે અજ્ઞાન લોકનો જથો વિશેષ છે. શું વેદીઆની ધેણ એટલું બધું ઘરેણું પહેરે અને નવીશંદાની ઓછું પહેરે. એમ ચરસા ચરસીથી કામ દિવસે દિવસે વધી પડ્યું.

ચંદા – હુંને તમારી વાતો સાંભળવી બહુ ગમે છે, પણ આજે જમવા જાવું છે તેથી હવે ઉઠીશ. આ ચાર દહાડા કામના છે તે ગયા કેડે વળી આવીશ.

દવે – ભલે આવજો. આપણામાં બીજી નઠારી રૂઢીઓ કઈ કઈ છે, અને તેથી શાં માઠાં ફળ થાય છે તે હું તમને કહીશ.

ચંદા – એ વિશે તમે એક ચોપડી લખો તે અમે વાંચીશું. મારે તો એક છાની વાત પુછવી છે, તમારી સહલા લેવી છે, માટે આવવાની છું.

દવે – ઠીકતો તે વાત કરીશું. આવજો હો.

ચંદા – બારણા લગી જઈને પાછી આવી. ને બોલી દવે જી, સારા મોતીના અને જડાવ દાગીના મારી તારાબેનને પહેરાવવા માટે આણી આપોને; તમારે વગ ઘણો છે. તમારા ભાઈબંધ જમનાદાશ શેઠને ઘેર મોટાં મોતીની માળા છે, ને હીરાકંઠી છે તે લાવો. તમારા જજમાન પ્રીતમલાલ મુનફને કહોતો જોઈએ એટલા મોટા દાગીના મંગાવી આપે. આવતી કાલે સંધ્યાકાળ પહેલાં આવે તો ઠીક.

દવે – તમે છેક જુના વિચારના બઈરાં છો ચંદાગવરી. પારકાં ઘરાણા માગી લાવીને પહેરવામાં મોટાઈ માનવી, સુખમાનવું, એ નાદાની છે. મારી પાસે ને તમારા બાપની પાસે કેટલી દોલત છે તે સહુ જાણે છે. મોટા લોકના દાગીના માગી લાવીને પહેરાવવાથી આપણે વધારે પૈસાદાર કહેવાવાના નથી, અને આપણા ધનમાં વધારો થવાનો નથી. ઘરેણા પહેરવાથી શરીરને શોભાવવું તેના કરતાં સદગુણોથી શોભાવવું વધારે સારૂં છે. કોઈ કહેશે કે ઘરેણા અને સદ્ગુણ બંનેથી તનને શોભાવવું તે સર્વોત્તમ; પણ તેમ નથી. કેમકે વિચારવાન અને સદ્દગુણી માણસ સમજે છે કે દાગીનામાં નાણાં રોકવા તે નુકશાનકારક છે, અને પહેરનારની બુદ્ધિ ઘરાણાથી નીચ થઈ જાય છે, તેથી માણસ આળસુ થાય છે, અને અમૂલ્ય વખત ગુમાવે છે. મોટો અકબર પાદશાહ અને તેની બેગમ સાહેબને કાંઈ ખોટ હતી ? વરસે ૪૦ કરોડ રૂપીઆની પેદાશ હતી, તથાપી જુવો તે કેવાં સાદાં હતાં. તેઓ પોતાના અંગને રત્ન કે સુવર્ણના દાગીનાથી શોભાવતાં નહિ, પણ પોતાના રૂડા ગુણોએ કરીને સોહાવતાં. બીજા સાદા પાદશાહના તથા સાધારણ ગૃહસ્થોનાં ઉદાહરણ જોઈએ એટલાં આપી શકાય. આપણા ગામના હાકેમ અને તેમની બીબી કેવાં સાદાં છે; જ્યાં સદાચરણ ને સુજ્ઞાન હોય છે ત્યાંથી જુઠી મોટાઈ નાશી જાય છે. જુવોને અમારા જજમાન, અને જજમાનથીએ વધારે, વાસ્તવિક કહું તો એ મારા ગુરૂ છે, કેમકે સદઉપદેશ હું એમની કનેથી પામ્યો છું, એ સુજ્ઞ નાગર ગૃહસ્થની ને એના કુટુંબની સાદાઈ કેવી છે તે તમે જાણો છો. એઓ આ પ્રાંતના મોટા ન્યાયાધિશ છે. એમને સરકારથી મોટો પગારને ઘરની જાગીરો છે તથાપિ પોતાને ઘેર લગ્ન હતાં ત્યારે પણ કોઈના દાગીના એઓ માગી લાવ્યા ન હતાં. ચાહેતો પોતે જોઈએ તેવા કરાવી શકે એવા છે, પણ ઝાઝો પૈસો એમાં રોકતા નથી તે શું ગાંડા હશે ? એમની પદવીને ઘટે એટલાં દેશની રૂઢીને લીધે ઘરમાં રાખ્યાં છે; તે સ્ત્રીઓ પ્રસંગોપાત પહેરે છે; તે થોડાં પણ સુંદર ઘાટનાં છે. મારી પદવીને શોભે એવાં, સારા ગજાને માફક મારી કમાઈ પ્રમાણે મારા ઘરમાં જેવર છે તે પહેરાવશો એટલે બસ થશે. મારા જજમાન પ્રીતમલાલજી નાગર મેહેતા, આપણી નાત છે તેઓ કરે તેમ આપણએ કરવામાં શી નાનમ છે ? કાંઈ નહિ.

ચંદા – તમારી તો બધી સુધારાની વાત. મારી તારાએ તમારા જેવી થઈ ગઈ છે. દુનીનો લાવો શું ના લઈએ ?

દવે – દુનીઆંનો લાવો તમે શાને ગણો છો ? વાઘ થવું એ ગધાડી થવા બરોબર છે, એટલી મુર્ખાઈ એમાં છે, તોપણ આ ગામના વડનગરા નાગર એને લાવો ગણે છે; વીસનગરા, સાઠોદરા, ઓદીચ મોડાદિક બ્રાહ્મણો, વાણીઆ, કણબી એ કોઈ એને લાવો કહેતા નથી. એક નાતમાં લગ્નને દહાડે વરની માએ ધેડીને વેશે હાથમાં સુપડુંને સાવર્ણો લઈ કન્યાના બાપને બારણે જઈ વાસીદુ વાળવાનો ચાલ છે, ને તેને તે નાતની બાયડીઓ લાવો કહે છે. તમે તેને લાવો કેહેશો ? માટે લાવો શાને કહેવો તેનો જ વિચાર કરોને. આપણી વિવેકબુદ્ધિ જેને ખોટું ગણે તેને ન્યાતીના કે બીજા લોક લાવો માને, પણ આપણે તેમ સમજવું નહિ.

ચંદા – વાતમાં તો તમે મને બાંધી લોછો. તમારા પીતરાઈ કપટનાથ દવેના જજમાન પ્રપંચરાય દીવાન માગી લાવે છે, ને તેમનાં બઇરાં પહેરે છે. મોટા દરજ્જાના, મોટા પગાર ખાનાર છે. તે શું નાદાન હશે ? એમને ઘેર શુભ અવસર આવ્યો હતો ત્યારે કેવા કેવા મોટા દાગીના માગી આપ્યા હતા; એમના ઘરનાં બઈરાનો શો ભભકો, જાણે શાહજાદીઓ હોય છે. તમારા જેવા સુધરેલા વિચારવાળા કોઈએ કહ્યું કે માગેલાં ઘરેણાં ઘાલવાનો આ છર શો. તેનો તેને રોકડો જવાબ મળ્યો કે તમે જાઓને માગવા, જુવો તમને કોઈ એમાંનો એક દાગીનો ધીરે છે ? કોઈ નહિ આપે. એતો જેને વગસગ હોય તેને જ મળે.

દવે – મિથ્યાભિમાની છાકેલા પુરૂષ કે સ્ત્રી એવા બોલ બોલે તેમાં નવાઈ નથી. દીવાન દેવાળીઆ અને લાંચીઆ છે તે સહુ જાણે છે. જે ઓદ્દેદાર કે કારભારી એવાં નહિ હોય. ભલાને પ્રમાણિક હોય, તેમણે પણ શેઠ સહુકારાદિક ધનવાન લોકો અને જમીદારોનો પાડ પોતાને માથે ન ચડાવવો જોઈએ. ભારે કીમતના દાગીના ધીરવાની મહેરબાનીના બદલામાં ધીરનાર એવા ઓદ્દેદાર ને કારભારીની મહેરબાનીની આશા રાખે. કચેરીમાં તેમનું કામ આવે ત્યારે તેમની શરમ પડે, અને પક્ષપાત થવાનો સંભવ થાય. માટે સરકારી અમલદારોએ અજ્ઞાની બઈરાની કે બઈરાંનાં જેવાં આદમીની સીખવણી પ્રમાણે ન ચાલતાં સ્વતંત્ર રહેવું જોઈએ. સર્વે જોડે સભ્ય, અને મીલનસાર રહેવું, પણ લોકની જણસો, લુગડાં, ગાડી, ઘોડા, બંગલા વગેરે વાપરી સ્વતંત્રતા અને પ્રમાણિકપણું ખોવું ન જોઈએ.