સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૭

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૬ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૭
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૮ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૭ મું.

ચંદાએ બેનની અઘરણીમાં માહાલી લેવાય તેટલું માહાલી લીધું, પણ તેથી તેની પોતાની અઘરણીની ભૂખ ભાંગી નહિ. વાંઝણીના મેહેણામાંથી છૂટવાને તે અનેક ઉપાય કરતી. બનેવી ભણેલો ગણેલો સારો માણસ છે તેનો અભિપ્રાય પુછવાથી ફાયદો થશે, તે કંઈ ઓસડ બતાવશે, કે સરકારી હકીમજીને ત્યાં તેડી જશે, એવું ધારી અઘરણી ગયા પછી કેટલેક દહાડે તે રવીનારાયણ કને આવી. તેનુ મુખ ઉદાશ જોઈ રવીનારાયણ દવે બોલ્યા, તમારી બેન વાઘ ન થઈ તે માટે રીસાયાં છો કે શું ? એ તો બીચારી બકરી છે તે વાઘ કેમ થઈ શકે. ચંદા શોકમાં એટલી નિમગ્ન થઈ હતી કે તેને હાસ્યરસ પર આ વેળા રૂચી નહતી. તેણે ગળગળિત કંઠે કહ્યું, મારા જીવતરને ધીક્કાર છે, હું કાંઈ માણસમાં છું ? તમારી આગળ તો મારે કહેવું ન જોઈએ. તમે મારા બનેવી, પણ શું કરૂં હવે મારાથી વાંજીઆની ગાળ સહેવાતી નથી. સવારમાં મારું કોઈ મોહોએ ન જુવે' એમ બોલતાં તેના નેત્રોમાંથી જળધારા વહેવા લાગી, તે જોઈ તેના બનેવીના મનમાં કરૂણાભાવ ઉત્પન્ન થયો. તેણે કહ્યું, ચંદાગવરી તમે ધીરો પડો, ગભરાઓ નહિ. આ સંસારમાં સંપૂર્ણ સુખી કોઈ નથી; કોઈને કાંઈ દુખતો કોઈને કાંઈ. માટે માથે પડે તે ખમવું, અને ઈશ્વર ઉપર આધાર રાખી દિવસ નિગમન કરવા. જેટલું સુખ પ્રભુએ આપ્યું હોય તેટલું ભોગવી સંતોષી રહેવું. જગતમાં તમારા કરતાં વધારે અભાગ્યાં ઘણાં છે. એક માણસ એટલો ગરીબ હતો કે તેને પગરખાં મળતાં નહિ. એ વિશે સંતાપ કરતો દેવાલયમાં ગયો અને કહેવા લાગ્યો કે હે દેવ તેં મને એવો દુરબળ, એવો કમનસીબ, કેમ રાખ્યો કે પગમાં પહેરવાને જોડા લગી મને નથી. પ્રાર્થના કરી દેહેરા બહાર નીકળ્યો તેવો તેણે એક આદમીને રસ્તામાં ગાંડ ઘસતો જતો દીઠો. તેનાથી ઉભાં થવાતું નહોતું તો ચલાય ક્યાંથી. એ જોઈ જોડા વગરના માણસે પ્રભુનો પાડ માની કહ્યું કે હું અમસ્થો કલેશ કરું છું. આ બિચારા માણસ કરતાં હું સોગણી સારી અવસ્થામાં છું, મને માત્ર ખાસડાં નથી, પણ એને તો ખાસડાં પહેરવાને પગજ નથી. તેમ તમને છોકરાં નથી થતાં પણ કેટલીએક બાપડીઓને વર નથી, ને કેટલીકને રાક્ષસ જેવા દુષ્ટ છે. વીજ્યાનંદ પંડ્યા સારા માણસ છે.

ચંદા – તેતો નથી બોલતા, પણ મારી સાસુ નણંદનાં મહેણાં મારાથી સેહેવાતાં નથી. મોટા હકીમજીનું મારે ઓસડ કરવું છે. તમારે તેને ઓળખાણ છે. માટે તમારી કને આવી છું. મે ઘણાનાં ઓસડ વેસડ કર્યા પણ કાંઈ વળ્યું નહિ. ચીઠી, દોરા, બાધા, માનતા, કશું ફળ્યું નહિ.

દવે – હીરાલાલ દેસાઈની વહુને તેણે ત્રણ વરસ સુધી દવા કરી, અને સેંકડો રૂપીઆ ખાધા પણ કાંઈ ફળ થયું નહિ. ઓસડનાં મોટાં મોટાં નામ દઈને અને તેના કલ્પીત ગુણ કહીને મીયાં ઘરાકોને રાજી કરે છે. બીજું તો એની પાસે હું કાંઈ દેખતો નથી. પેલો હોરો છે. તે પણ એવો જ છે.

ચંદા – ત્યારે કાંઈ અનુષ્ઠાન, જપ, કે કોઈ દેવની પુજા બતાવો તે કરું કે મને સંતાન થાય. મેં તો ઘણીએ બાધા આખડી ને માનતા રાખી, વરત કર્યાં, જોશીના કહ્યા પ્રમાણે ગ્રહદાન કર્યો, પણ હું અભાગ્યણી વાંઝણીને વાંઝણી રહી, મારો ખોળો ખાલી રહ્યો; મેં પાપણીએ આ ઓછંગે બાળકને રમાડ્યું નહિ; હું એક છઈએ ધરાઇશ. એમ નીચું જોઈ કેહેતાં ના તેની આંખોમાં નીર ભરાયું, ને વધારે બોલી નહિ.

દવે – ચંદાગવરી તમારું મન શાંત કરો. જ્યાં સુધી તમારું હૃદય શાંત અને સાવધ નથી ત્યાં લગી મારું કહેવું તમારા લક્ષમાં આવશે નહિ. સંતાન થતાં નથી એમાં તમારો પંડનો કાંઈ વાંક નથી. આ જગત ને આખું વિશ્વ અમુક નીયમોથી ચાલે છે. એ સૃષ્ટીના નીયમો માણસથી પુરા સમજાયા નથી, ઘણાક બીલકુલ જણાયા નથી. એ નીયમો સર્વ શક્તિવાન જગત કર્તાએ રચ્યા છે, અને તેને ફેરવવાને બીજો કોઈ સમર્થ નથી, માટે મીથ્યા ફાંફાં શાને મારો છો. અજ્ઞાન સ્ત્રી પુરષોને ભમાવવાને, અને તેમનાં મન મનાવવાને, અને પોતાનો નીર્વાહ કરવાને, જાણે અજાણે, અજ્ઞાનથી, વહેમથી, અને કપટથી કેટલાક ભોળા કે ધુતારા માણસોએ અનેક દેવ-દેવીઓ અને તેઓની મુરતી, વૃત્તાદિક કલપ્યાં છે; એ દેવોને, લોભ, વ્યાભિચારાદિક દુરગુણોથી ભરેલા, અને હસવા જેવા વિવિધ સ્વરૂપના તથા માણસમાં અવતરેલા ઠરાવ્યા છે. શુરા કે ચતુર રાજાઓને પરમેશ્વર કહી પુજાવે છે, ને તેમના ચમત્કારની મોટી ગપ્પો ચલાવે છે. દેવ શું લાંચી છે કે પૈસા લઈ કામ કરે, ભુખે મરતા છે કે ખાવા માટે તમે માગો તે આપે; તમે લાંઘવા બેસોને ચંદન ફુલ ચડાવો તેથી સૃષ્ટીના ધારા ફેરવે ? ભવઇઆ આ નકલ કરે છે કે એક લોભીઆ મુરખે હનુમાનની માનતા રાખી કે જો મને સો રૂપીઆ આપેતો હું તને પૈનું તેલ ચડાવું. કપીરાજે જવાબ દીધો કે અલ્યા પૈના તેલ સારૂ તને સો રૂપીઆ આપું તે કરતાં હુંજ સો રૂપીઆનું તેલ લઈને તેમાં ડબકાં ખાઉને, શું મને પાઈનું તેલ નહિ મળતું હોય તો તમે અંબાજીને ચુંદડી કે પીરને ચાદર માનો છો તે શું તેમને નહિ મળતાં હોય ? રણછોડજી શું ભીખારી છે ? તેઓ શું કોઈ શરસ્તેદારો અને કોઈ અમલદારો જેવા લાંચીઆ છે ? દેવને ખાવું જોઈએ, પીવું જોઈએ, નાહવું જોઈએ, સુવું જોઈએ, સ્ત્રી છોકરાં, ઘરેણાં, ઘરબાર અને સેવા કરનારા ચાકરો જોઈએ, તો તેઓમાં અને માણસમાં ફેર શો. માણસોથીએ ઉતરતાં કેમકે ખાવાનું મુકો પણ ખવાય નહિ બેસાડો તાંહાંથી કે સુવાડો તાંહાંથી પોતાની મેળે ઉઠાય નહિ, મંદીર કે દેરાસરમાં તે બાપડાને કેદ કરી રાખો. છોકરાં ઢીંગલાને રમાડે છે તેમ તમે દેવને રમાડો છો. તમે કેટલાં વરસ થયાં અગીઆરસ, શીવરાત, સોમવાર, પ્રદોશ, ગણપતીચોથ વગેરે વ્રત્ત કરો છો પણ તમારા મનની શાંતી થઈ નથી. ખરો ભક્તિભાવ આવ્યો હોય તો આમ સંતાપ ન કરો. તમે કેટલાં વરસ થયાં ગણપતીને પુજો છો ને તેની કાણી કોહો છો. 'ધનદે ધાન્યદે પુત્ર સંતાનદે' ઈત્યાદિ એ કહાણીમાં છે, ને તમે તે માગો છો.

ચંદા – આપણે જોઈએ તે દેવ કને ન માગીએ તો કોની પાસે માગીએ?

દવે – દેવ પાસે માગવું, પણ તે કેવી રીતે ? વિનંતી, ઈશ્વરની નજરમાં યોગ્ય હોય તો સ્વીકારે એવા વિચારથી. છોકરાં માબાપ કને માગે છે પણ છોકરાં નાદાન માટે સારૂં નઠારૂં, ગુણ કરશે કે અવગુણ કરશે, ફયદો થશે કે ગેરફાયદો થશે તે સમજતાં નથી, માટે માબાપના વિચારમાં ઠીક લાગેતો આપે, ને ન ઠીક લાગેતો ન આપે. પરમેશ્વરની પ્રાર્થના કરી સંસારનાં સુખ માગીએ ને તે ન આપે તો એ સંતોષ રાખી રાજી રહેવું, અને તેની ભક્તિ સદા સરખી રાખવી, પ્રેમ ઓછો કરવો નહિ. એ આપણાથી, બધા માણસથી, વધારે જ્ઞાની છે વધારે ડાહ્યો છે, માટે તેની નજરમાં આપણે માટે જે રૂડું લાગશે તે આપશે. આપણા મહાપીતા વિશ્વપાલકે તમારી વિનંતી નથી સ્વીકારી તેનું કારણ આપણાથી સમજાતું નથી, પરંતુ તે તમને લાભકારી છે એવો દ્રઢ ભરોસો રાખી મનનો પરીતાપ કાઢી નાખો. પતીવ્રતા ધર્મ સાચવી રેહેશો તો તમારૂ કલ્યાણ થશે. “કોનાં છોરૂ ને કોનાં વાછરૂ, કોનાંરે માં ને બાપ; અંતકાળે જાવું એકલાં, સાથે પુણ્ય ને પાપ” હું તમને વૈરાગ લેવાનું નથી કહેતો પણ સંસારમાં રહીને એ વાત સદા યાદ રાખવાની જરૂર છે એ નક્કી સમજજો; અનેક પીડા માણસ માત્રને નડે છે. પરમેશ્વર ઉપર વિસવાસ રાખી જે થાય તેમાં સંતોષ માની સદાચર્ણ પાળેથી ભવસાગરને તરી શકાય છે, બીજો એકે ઉપાય નથી. ઈશ્વરે જે વાસ્તવિક ઉપાય આપ્યા હોય તે અજમાવવા ને તેથી દુખ ન ટળે તો ધીરજથી સહન કરવું. મીથ્યા તરફડીઆં મારશો નહિ. ભૂલાવામાંથી બહાર નીકળી સત્યમાર્ગે હીંડો;

આ પાના મેં તમારે સારૂ લખી રાખ્યાં છે તે લઈ જાઓ. એ કેમ વાંચવા તે તમને દેખાડું છું. હું બોલું ને તમે પાનામાં જુવો. એ પ્રાર્થના મારે મોઢે છે; વાંચતાં વાંચતાં તમારે મોઢે થઈ જશે. પણ વગર સમજે બબડતાં હોય તેમ, રાંધતાં રાંધતાં, કે બીજું કામ કરતાં આપણાં બઈરાં પાઠ કે સ્તોત્ર ભણે છે તેમ નહિ. એકાંતમાં બેસી, એક ચીત્ત રાખી, અર્થની સમજણ સહિત, ખરા ભક્તિભાવથી વાંચજો. એમાં કહ્યા પ્રમાણે કરવાને સદા પ્રયત્ન કરશો તો તમારો પરીતાપ મટશે. નાહી ધોઈ ચોખાં વસ્ત્ર પહેરી, શુદ્ધ મન કરી, પ્રથમ પરમેશ્વરનું ધ્યાન ધરજો ને મનમાંથી બીજા વિશય કાઢી નાખી એ પ્રાર્થના કરજો. નીત્ય કરવાનો નીયમ રાખજો. સતીધર્મ પાળજો, છળભેદ, કપટ, અત્યાદિક બધા દુરાચાર તજી સદગુણી થવાને આગ્રહી થજો. કંકાશ કલેશ છાંડી ક્ષમાગુણને મનમાં વસાવશો તો સાસુ નણંદનાં મહેણાં મિથ્યા જશે. ઘરનું કામ-કાજ કરવામાં અને ઈશ્વર ભક્તિમાં મન લાગશે તો સુખી થશો ને વખણાશો. એ સઘળી પ્રાર્થના કરવાનો વખત જે દહાડે ન મળે તે દહાડે એમાંથી થોડી કરજો; પણ જેટલી કરો તેટલી ઠરેલા મનથી, ખરા ભાવથી, અને પૂર્ણ પ્રેમથી કરજો૧. [૧]

લલીત છંદ

સકલ વિશ્વના, નાથ રે તમે, શરણ આવિને, વંદિએ અમે,
અલ્પજીવ તે, શું કરે સ્તુતી, ગહન તારી છે, રે પ્રભૂ ગતી ॥ ૧ ॥
નિયત તેં પ્રભુ. જે કિધા હશે, તદનુસાર તો, તે ક્રિયા થશે,
નહિ કદી ફરે, એકરે રતી, ગહન તારી છે, રે પ્રભૂ ગતી ॥ ૨ ॥
જિવ જનો ઘણા, યત્નને કરે, તદપિ આદરયૂં, તારૂં ના ફરે,
અકળ છે પ્રભૂ, તારિરે કૃતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૩ ॥


  1. ૧. ભોળાનાથકૃત ઈશ્વરપ્રાર્થના માળામાંથી આ સઘળી પ્રાર્થના ઉતારી લીધી છે.

નમિ નમી અમે, વિશ્વનાથને, વિનવિયે સદા, માત તાતને,
પ્રભૂ કળા કળા, તી નકી નથી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૪ ॥
ક્ષણજ માત્રમાં, શું થશે અહીં, દિન અમેં જિવો જાણિયે નહી,
અતિ તમારિ છે, રે ચમત્કૃતી, ગહન તારિછે રે પ્રભૂ ગતી ॥ ૫ ॥
પ્રભૂ મનોરથો, ધારિયે ઘણા, નહિ પુરા થશે, રે કૃપાવિના,
અનુગ્રહો કરો, રાખિનેં પ્રિતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૬ ॥
નિયમ નાથ છે, સત્ય તાહરો, જનમ જે થયો, જાય તે ખરો,
સબલ સત્ય છો, સર્વના પતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૭ ॥
અવસરે તમે, સાહ્યતા કરો, પ્રભુ કૃપા કરી, કષ્ટનેં હરો,
પતિત પાવના, પ્રેર સન્મતી, ગહન તારી છે, રે પ્રભૂ ગતી ॥ ૮ ॥
વિકટ પંથ છે, વિશ્વમાં ઘણો, સરવ આશરો, છે દયા તણો,
પ્રભુ પદે સદા, રાખીયે રતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૯ ॥
વિષય ભોગમાં, લિપ્ત ના થવું, સતત શુદ્ધ સન્માર્ગમાં જવું,
દુર કરો દયા, નાથ દુર્મતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૧૦ ॥
પ્રભુ તને ગમે, તેજ થાય છે, જિવતણા શ્રમો, વ્યર્થ જાય છે,
દિન પ્રતે કરો, રે દયા અતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૧૧ ॥
સદગુણી જનોં, ધૈર્ય ના મુકે. જન હિતાર્થનાં, કાર્ય ના ચુકે,
તુજ કૃપા થકી, થાય ના ક્ષ૧.[૧] તી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૧૨ ॥
નિયમ તાહરા, જે વિધે હશે, સુખ દુખો ક્રમે, પ્રાપ્ત તો થશે,
વિપતિ સંકટે, દ્યો તમે ધૃ૨. [૨] તિ, ગહન તારિ છે રે પ્રભૂ ગતી ॥ ૧૩ ॥
ધન યુવા તણો, વ્યર્થ ગર્વ છે, તુજ કૃપા વિશે, અર્થ સર્વ છે,
શરણ રાખજો, આપિ સદમતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૧૪ ॥
પ્રણત પ્રાણિયો, પામરો અમે, હૃદયમાં સદા, ચિંતિયે તને,
પ્રભુ સુણો તમે, નમ્ર વીનતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૧૫ ॥

છંદભુજંગી

અહો વિશ્વના, દેવ સર્વજ્ઞ સત્ય,
કિધું છે તમે આ બધું સૃષ્ટિ કૃત્ય,
ત્રિલોકે તમારા પ્રકાશે પ્રતાપો,
કૃપા સાગરા સન્મતી નિત્ય આપો ॥ ૧ ॥


  1. ૧. નુકસાન. દુઃખ.
  2. ૨. ધૈર્ય.

અતીશે તમારૂં પ્રભૂ છે મહત્વ,
સૃજ્યાં છે મહચ્છક્તિથી સર્વ તત્વ,
ભૂમી વ્યોમ વાયુ અને તેજ૧.[૧][૨] પો,
કૃપા સાગરા સન્મતી નિત્ય આપો ॥ ૨ ॥
તમારી સ્તુતી વેદ શાસ્ત્રે વખાણી,
વિરામી મુનીયો તણી વ્રત્તિ વાણી,
ગુણાતીત તારા ગુણો છે અમાપો,
કૃપા સાગરા સન્મતી નિત્ય આપો ॥ ૩ ॥
પરા ભક્તિથી પ્રાર્થના વંદનાઓ,
કૃપાથી સ્વિકારી સદા સાહ્ય થાઓ,
કરો નાથ નિત્યે ક્ષમા સર્વ પાપો,
કૃપા સાગરા સન્મતી નીત્ય આપો ॥ ૪ ॥
અમે મંદ બુદ્ધી અતી અલ્પ પ્રાણી,
કૃતીયો નથી તૂં થકી રે અજાણી,
વિના તૂં સુણે કો અમારા વિલાપો,
કૃપા સાગરા સન્મતી નિત્ય આપો ॥ ૫ ॥
કૃપાનાથ દોષો ન જોશો કદાપી,
અમેં પાપ કર્મો કરીએ તથાપી,
અમારાં બધાં દુઃખ દારિદ્ર કાપો,
કૃપાસાગરા સન્મતી નિત્ય આપો ॥ ૬ ॥
મહા કષ્ટમાં ધૈર્યતાઓ ધરાવો,
સદા સર્વદા કાર્ય રૂડાં કરાવો,
નિવારો ત્રિવીધી તણા સર્વ તાપો,
કૃપાસાગરા સન્મતી નિંત્ય આપો ॥ ૭ ॥
તમે છો પ્રભૂ અન્નદાતા અમારા,
તમે છો પ્રભૂ સર્વથી શ્રેષ્ટ સારા,
તમે છો અમારા પ્રભુ માય બાપો,
કૃપાસાગરા સન્મતી નિત્ય આપો ॥ ૮ ॥


  1. ૧.અગ્નિ,
  2. પાણી.

નમસ્કાર સાષ્ટાંગ છેરે અમારા,
સ્મરીયે અમે ઉપકારો તમારા,
સદા સંપતી સદમતી નીતિ આપો,
કૃપા સાગરા સન્મતી નિત્ય આપો ॥ ૯ ॥


છંદ વસંત તિલકા


હે બ્રહ્મઈશ જગદીશ જગન્નિવાસ,
પાદારવિંદ નમિ નાથ તનેં હું દાસ;
નિત્યે નિરંતર કરૂં સ્તુતિ પ્રાર્થનાઓ,
હે વિશ્વનાથ પ્રભુ નિત્ય પ્રસન્ન થાઓ ॥ ૧ ॥

તારા અપાર મહિમા નહિ કોઈ પામે,
વાણી સહીત મન વેગ સહૂ વિરામે;
તારા અભેદ્ય[૧] પટમાં નહિ કલ્પનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૨ ॥

તારી કૃપા થકી વદે વિભુ મૂક વાણી,
તારિ કૃપાથિ ગિરિ પંગુ ચઢેજ પ્રાણી;
તારી કૃપાથી જગમાં સઘળી લિલાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૩ ॥

મારાં કુકર્મ સઘળા તમને વિદીત,
વિસ્તાર નાથ કરવો નહિ રે ઘટીત;
કારૂણ્ય ભાવથિ કરો કરૂણા કૃપાઓ,
હે વિશ્વનાથ૦ ( ૪ )

લજ્જા રહીજ સઘળી પ્રભુ હાથ તારે,
મારો નિભાવ કરવો નહિ નાથ ભારે;
તારા પ્રસાદ બળથી ભયના અભાવો,
હે વિશ્વનાથ૦ ( ૫ )

તું નિત્ય એક અજ ઈશ્વર લોકપાળ,
બુદ્ધિપ્રકાશક તનેં નમુ સર્વકાળ;


  1. ભેદાય નહિ એવા.

ટાળો કૃપા કરિ બધી દુર વાસનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૬ ॥

જે જે અહીં બહુ સુખો પ્રભુ પ્રાપ્ત થાય,
તે સત્ય તારિ સઘળી કરુણા જણાય;
સદ્ભક્તની પુરિ કરો પ્રભુ વાંછનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૭ ॥

સંસારમાં સકળ મંગળ ક્ષેમ દાતા,
તારા વિના નહિ અહીં પ્રભુ અન્યત્રાતા,
ભક્તો તણી દુર કરો દુખ આપદાઓ;
હે વિશ્વનાથ૦ ॥ ૮ ॥

સૃષ્ટિ સ્થિતિ પ્રલયકારક લોકનાથ,
અલ્પજ્ઞ પ્રાણિ જનનો ગ્રહી નાથ હાથ;
પ્રેમે કરી પ્રભુ કરો પ્રતિપાળનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૯ ॥

વિદ્યા વિવેક મતિ સંપતિ સર્વ આપો;
સંભાળ મારી કરિ સંકટ સર્વ કાપો;
દ્યો ધર્મ-કર્મ કરવા શુભ સૂચનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૦ ॥

માતા પિતા હું તમને અતિ દીન બાહાલ,
એકાગ્ર ચિત્ત થકિ ધ્યાન ધરૂ ત્રિકાલ;
નિત્યે પ્રણામ કરિને કરૂં યાચનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૧ ॥

આધીન છું પ્રભુ મને ભયથી ઉગારો,
સંકષ્ટ દુઃખ સમયે સમિપે પધારો;
માગૂં વિનંતિ કરિ પાપ તણી ક્ષમાઓ,
વિશ્વનાથ૦ ॥ ૧૨ ॥

સંપૂર્ણ પ્રેમ કરિને ઉપકાર કીધો,
આ મૃત્યુ લોકમાંહિ માનુષ દેહ દીધો:

રાખો સદાચરણમાં ચિત ભાવનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૩ ॥

હે ભક્ત વત્સલ દયા નિધિ દીન દોષો,
ક્રોધાયમાન થઈ ઈશ કદી ન જોશો;
હું દીન દાસ શરણાગતનેં નિભાવો,
હે વિશ્વનાથ ॥ ૧૪ ॥

તારૂં સદા સ્મરણ ધ્યાન કરૂં હૂં દાસ,
દ્વારે અડી નવ કરો મુજને નિરાશ;
પૂરી કરો પ્રભુ તમે મન કામનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૫ ॥

કર્તવ્ય કર્મ જગમાં રહિ નાથ થાય,
નીતી સ્વધર્મ નિયમો સઘળા પળાય;
એ શુદ્ધ તારિ અતિ ઉત્તમ અર્ચનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૬ ॥

વિશ્વેશ વંદ્ય વિભુ આશ્રય સત્ય તારો,
સંસાર સાગર થકી પ્રભુ નાથ તારો;
સાષ્ટાંગ નિત્ય તમને કરૂં વંદનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૭ ॥

આ સુબોધ અને પ્રાર્થનાથી ચંદાનું મન શાંતિ પામ્યું હોય તેવું જણાયું. કોઈ ચમત્કારિક પ્રકાશે તેના અંતઃકરણમાં પ્રવેશ કરી ત્યાંના અંધારાને જાણે નસાડ્યું હોય તેવું ભાસ્યું. તેનુ રદય નિર્મળ થવાથી તેના વદન ઉપર જ્ઞાનનું તેજ દેખાયું. એ જોઈ રવીનારાયણ દવેએ તેના મનનો કલેશ પુરો કહાડી નાખવાને કહ્યું કે, સંતાન ન થવાને માટે જેઓ તમને નીદે છે તેઓ પરમેશ્વર ઉપર દોષ મુકે છે, અને તેથી અપરાધી થાય છે. તમારો વાંક કે ગુનો કશો નથી કેમ કે એમાં માણસનો ઈલાજ ચાલતો નથી. કુદરતી કાયદા માણસથી ફરતા નથી, તમારા શરીરની અસલ રચનામાં કાંઈ ખામી હોવાથી, અથવા પાછળથી કાંઈ વિકાર થવાથી સંતતી થતી નથી. જ્ઞાની અને ધાર્મિક માણસોના મનને એ વાત સહેજ જેવી છે. જેને માથે એવી સ્વભાવિક આપદા આવી પડે છે તેના ઉપર તેઓ દયા કરે છે, કોઈ પણ રીતે તેનો તીરસકાર કે અપમાન કરતા નથી. જેઓ મૂર્ખ, વહેમી, અને દૂષ્ટ છે તેઓ એવા નિરપરાધી આદમીની હાંસી અને ધીક્કાર કરે છે, અને દુભે છે. તમને વાંજીઆનું મેણું જેઓ મારે છે તેઓ પાપી અને નર્કના અધિકારી છે, તમારે ખેદ કરવો નહિ. જે વારે વસ્તી વધારવાની જરૂર હતી તેવા વખતમાં રચાયેલા કેટલાક ગ્રંથોમાં મરણ પામેલા પિતૃને છોકરાથી થતા લાભ વિશે ગપ્પો મારી છે તેને ભોળા લોક ખરી માને છે, પણ છોકરાંથી થતો જ ફાયદો તમે ધારતાં હોય તેનાથી હજારગણો લાભ મેં તમને જે ઈશ્વરભક્તિ અને સદાચર્ણનો માર્ગ દેખાડવો છે તેથી થશે. છોકરાં થાય તોએ રાજી રહેવું, ન થાય તોએ રાજી રહેવું; ધનવાન અને નિર્ધન એ બંનેએ સંતોષી રહેવું, દીકરો જન્મે તો ખુશી થવું, દીકરી અવતરે તોએ ખુશી થવું. પરમેશ્વર જે કરે તે ઠીક કરે એમ માની તેના ઉપર ભરોંસો રાખી મનને શાંત રાખવું. મનમાં શોક ઉઠે તો તેને ધર્મજ્ઞાન વડે સમાવી દેવો.