સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૭ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૮
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૯ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૮ મું.

ચંદાએ ઘેર જઈને પોતાની માને કહ્યું કે આજ મારા મનની શાંતિ થઈ, મારા હઈઆનો ક્લેશ ગયો. રવીનારાયણ દવેએ મારા ભવનું દુખ ભાગ્યું. આજ હું એમની પાસે મસ વાર બેઠી ને મારા મનનો બધો ઉભરો કાઢ્યો. વાહવા ! એમણે કેવો સારો રસ્તો દેખાડ્યો છે.

મા – શો દેખાડ્યો મને તો કહે, કાંઈ જપ કે અનુષ્ઠાન છે કે શું છે ?

ચંદા – બળ્યા તમારા જપ ને અનુષ્ઠાન મને નકામી ભમાવી મારી. વળી ઈશ્વરી નીયમ કશાથી ફરતા હશે કે, માડી તું ક્યાં મિથ્યા ફાંફા મારે છે ? મારે તો પ્રભુનો પ્રેમ જોઈએ છીએ બીજું કાંઈ જોઈતું નથી.

મા – તો શું તને દવેજી વેરાગણ કરવા માગે છે કે ? તારે મીરાં થાવું છે? કાશીથી બહુ ભલો જોશી આવ્યો છે. તે દ્વારકા જાય છે. તેની કને તને તેડી જાવાને તારા બાપે હા કહી છે.

ચંદા – ઓળખ્યો, એને ઉતારે મારે ત્યાંથી ગયા હતા. મુવો ઢોંગી ધુતારો છે. જોડે બે રાંડેલી દીકરીઓ છે. નાની વયમાં મરે એવા જમાઈ વેરે છોકરીઓને પરણાવી ત્યારે એની વિદ્યા ક્યાં ગઈ હતી ?

ચંદાગવરીએ એ વાત પોતાના ભરથારને કહી અને તે રાજી થયો. પણ બાઈની મા માસી નીત્ય તેની પાછળ લાગ્યાં રહ્યાં, અને તેની સાસુ નણંદના ઠોક જારી હતા તેથી તેનું મન ફર્યું. લાલચ, કુસંગ અને સંતાપનારાંથી ઘેરાયેલી અબળાની બુદ્ધિ ફરે તેમાં નવાઈ નથી. સારી સોબત વના પુરૂષના વિચાર દ્રઢ રહેતા નથી તો સ્ત્રીના ક્યાંથી રહે માટેજ સારનો સંગ કરવો એ મોટીવાત છે. સારી મંડળીમાં બેસવું જરૂરી છે. ચંદાની આસ્તા પેલા ફકીર ઉપરથીએ ઉઠી ગઈ હતી તે તેની મા માસીએ ફરીને આણી.

રવીનારાયણ દવેનો એક મીત્ર નામે લાલભાઈ ચંદાના પીએરના થડમાં રહેતો હતો. ચંદા અને તેની મા વચ્ચેનો સંવાદ તેના સાંભળવામાં આવતો. વચમાં એક ભીંતનો આંતરો હતો. એ ભીંતમાં એક જાળીયું હતું ત્યાં ઉભા રહેવાથી મોટેથી બોલેલું સંભળાતું. તારાની ગોડે ચંદા સુધરેલી થાય તે તેની માને ગમ્યું નહિ. દેવદર્ષણ ન જવું, વ્રત ન કરવાં, આચાર વિચાર મળે નહિ ધ્યાન કરવા બેસે ત્યારે જાણે જોગીરાજ.' એમ તેની મા તારા ઉપર બડબડતી. તારાને તો નીત્યનો સારો સંગ તેથી મા માસી જોડે વાદમાં પુરી પડે, ને ચંદાને માત્ર એક દિવસનો બોધ તેથી ખરા ઉત્તર સુઝે નહિ ને બંધાઈ જાય. પહેલેથી પ્રયત્ન કરવા માંડેતો ઘણું કરીને ધણી પોતાની ધણીઆણીને ભણાવી શકે, અને સુધારી પોતાના મતની કરી શકે.

એક દિવસ લાલભાઈ ત્રવાડીએ ચંદા અને તેની બાના મનોરંજક સંવાદનું વર્ણન રવીનારાયણ આગળ કર્યું, અને કહ્યું ચંદાના દીએર હરીનંદને બોધ કરી સુધારોને ભાઈ, તે ક્રૂર જટ્ટો બીચારી સુંદરને બહુ વિપત્તી પાડે છે.

દવે - આપણી સમાજમાં આવેતો સદઉપદેશ પામે. સ્નેહ થયા વના કોઈને આ વાતમાં સીખામણ ન દેવાઈ શકે. આપણા દેશમાં એવા ઘણા છે, કેટલાને સીખામણ દઈએ. જ્યાં સુધી બાળલગ્નો ચાલુ રહેશે ત્યાં સુધી સાસુવહુની લઢાઈ, વહુવારૂની ગુલામગીરી, અને તેનાં માબાપની કમબખ્તી મટનાર નથી. આપણા દેશના લગ્ન સંબંધીના ધારા બધા ફેરવી નાખી સુધારવાની જરૂર છે.

ત્રવાડી – કન્યાનો જન્મ થવાથી માબાપ ખેદ પામે છે. તેનું કારણ એજ છે જેને પેટે દીકરી તેને માથે દુઃખનું ઝાહાડ. ચરોતરના પાટીદાર લોકની વહુવારૂઓ ઉપર અને વહુવારૂના બાપ ભાઈ ઉપર જે જુલમ છે તેથી સીમા. લગ્નની બાબતમાં એક મોટું લફડું કૂળનું છે. આપણામાં તે ઝાઝું નથી, અથવા સમુળગું નથી કહીએ તો ચાલે, પણ વિસનગરા, સાઠોદરા, ઔદીચ, મોડ વગેરે બ્રાહ્મણોમાં, અને વાણીઆમાં કૂળ વીશેની બેવફાઈ ધીક્કારવા જોગ છે. કૂળને માટે મૂર્ખાઓ દીકરીને અંધારા કુવામાં જાણે નાખે છે. મારા એક દોસ્ત કૂળવાન પાટીદારોની હાલત, તેઓનાં બઇરાંની સ્થીતિ, જુલમી ખરચ વગેરેનું સરસ વર્ણન આ પત્રમાં કર્યું છે. લો વાંચો.

પરમહીં લાલભાઈ ત્રવાડી – આ પત્ર વાંચી તમારું દયાળુ દીલ દુખાશે. એ ખરો હેવાલ છે. રાજ્યકર્તા એ બાબત ધ્યાનમાં લઈ એમાં લખેલો જુલમ ઓછો કરાવે તો પ્રજા સુખી થાય. કેટલાંક કારણોથી હાલ બાળહત્યા થતી અટકી છે. એવું પાટીદારો કહે છે, તો પણ હજી દીકરી દુખી અને દુખદાયક છે.

કુળવાન પાટીદારો – ચરોતરમાં ખેતી કરનારી કણબીની જાતના બે ભાગ છે, પાટીદાર અને કણબી. પાટીદાર કુળવાન અને કણબી કુળ વગરના મનાય છે. પાટીદારોને જમીન ગરાસ મળેલો હોય છે. ને કણબીઓને નહીં, તેથી પાટીદારોનો ગરાસ કણબીઓ ખેડે છે; ને તે ઉપરથી જ અસલ કુળવાન કે નહીં કુળવાન ઠરાવેલા હોય એમ જણાય છે. એવા કુળવાન પાટીદારોનાં ચરોતરમાં તેર ગામ છે. સોજીતરા, વસો, નડીઆદ, સાવલી, ભાદરણ, કરમસદ, ધર્મજ, નાર, ઓડ, ઉતરસંડા, સુણાવ, થામણા, અને પીજ. આ તેરમાંનાં પહેલાં ત્રણ અને અરધું સાવલું વધારે કુળવાન છે. બાકીનાં તેથી ઉતરતાં છે. એ તેરે ગામના લોકો બધા સરખા કુળવાન નથી. બધાં ગામોમાં અમુક ભાગ વધારે કુળવાન હોય છે, બાકીનાં ઉતરતાં હોય છે. પહેલાં ત્રણમાં પણ કેટલાંક તો બાકીનાં સાડા નવ ગામના જેવા જ છે. એ સાડા નવમાં પણ તેમાં કેટલીક ખડકીઓ વધારે ને કેટલીક ઓછી કુળવાન. એ ઉપરથી સાફ જણાય છે કે, જેને વધારે ગરાસ હતો તે વધારે કુળવાન થએલો. પણ પાછળથી જેઓએ કેટલીક હરકતોને અને આફતોને લીધે ગરાસ વેચ્યો તેઓ ઓછા કુળવાન થયા. ને તેમજ થવું જોઈએ. પણ એ કુળનો ફેરફાર હવે તેઓની હાલત પ્રમાણે થતો નથી. જેઓ ઉપલાં સાડા ત્રણ ગામમાં વધારે કુળવાન છે. તેઓ ઘણું કરી દેવાદર અને ભીખારી છે; તેમને ખાવાનું મુશ્કેલીથી મળે છે. તેઓ જવાન હોય છે ત્યાં સુધી બે, ત્રણ, ચાર, અને પાંચ કન્યા પરણે છે, ને તેના પેહેરામણી તથા બીજાં દાપાંના રૂપીઆ ઉપર ગુજરાન ચલાવે છે. વખતે કન્યાના બાપના આપેલા પૈસા લેણદાર લઈ જાય છે. તેઓ પાંચ પરણે છે પણ એકથી વધારે સ્ત્રી ઘેર રાખતા નથી. કોઈ દયાળુ હોય છે તો વારાફરતી તેડે છે, નહીં તો અનુક્રમે પોત પોતાને પીએર રહે છે. છેલ્લી નવી ફક્ત સાસરે રહેવા પામે છે. પોતે ઘરડો થાય ને છોકરાં છૈયાં થાય ત્યારે છોકરાઓને પરણાવી તેના રૂપીઆ ઉપર ગુજરાન ચલાવે છે. તેઓ સારા પૈસાદાર કણબીને મુંડે છે, તેને ઘેર પરણે એટલે કણબી તણાઈ મરી જાય છે. જો કણબી પૈસાદાર હોય ને વેહેવાઈને રહેવાને ઘર ન હોય તો જમાઈને સારૂ ઘર પણ બંધાવી આપે છે. એ કુળવાનો ખેતી કરવાની મહેનત કરતા નથી. તેઓ પોતાની જમીનનું મોહ ભાગ્યે મહીનામાં એકવાર દેખે છે, કણબીઓ મેહેનત કરે એટલે શા માટે જાય. એ કુળવાનોમાં ઘરડાઓને બાપા કહે છે. એ બાપા બજારમાં જાય તો કોઈ ગજ માદરપાટ ધીરે નહીં, એવી આબરૂ ઘણાકની હોય છે, કેમ કે તેઓની પાસે ભાગ્યે જ પૈસા એકઠા થાય કે કરજદારને આપે. વખતે વખતે જરૂર પડેથી જમીન વિનાના પણ થાય છે. એ ઉપરથી ત્યાં એક કહેવત ચાલે છે કે “બાપા તેટલા ન આપા.”

લગ્નચાલ – લગ્ન થતાં પહેલાં પેહેરામણીનો આંકડો ઠરાવે છે. કન્યા કણબીની હોય છે તો તે ઘણો મોટો હોય છે. વર પરણાવા જાય ત્યારે જાનને જમાડવામાં, બળદોને ઘી પાવામાં, માંડવામાં, વગેરે અનેક તરેહનાં દાપાંથી તેને નીચોવે છે. કન્યા વળાવે ત્યારે લુગડાંલતાં, ને બાંયમાટલું, પાછી ઘેર તેડી લાવે ત્યારે, તથા વરનાં સગાંવહાલાં જેઓ જાનમાં આવ્યાં હોય તેમને આપવામાં કન્યાનો બાપ ઘસાઈ જાય છે. એક આણું જઈ આવે ત્યાર પછી બીજે આણે કાંઈ છુટ્યો એમ નહીં, તેને તેટલું જ ખરચ થાય છે; જુદી જુદી જાતનાં દાપાં કે હક હોય છે તે ચુકવવા પડે છે. પાછું સીમંત આવે ત્યારે, છોડી છૈઓ લેઇ વળાવે ત્યારે વળી બીજાં દાપાં ચુકવવાનાં છે. જો છોડી જુદી રહે તો, ખાટલો, ગોદડાં, દાણાદુણી, મીઠાથી ઘી પર્યંત, વાસણકુસણ બધું જમાઈને સસરાએ આપવું જોઈએ. દીકરી ને ઘરેણાંગાંઠાં પણ તેના માબાપનાં, જો એક વાર ઘસાઈ ગયાં, તો ફરીને બબે ત્રણ ત્રણવાર કરવા પડે. એટલે છોડી મોટી થઈ સાસુ થાય ત્યાં સુધી ઘરેણાંગાંઠાં કરવાં પડે છે. લુગડાં તો તેને મરતાં સુધી કરવાનાં; ને તે પંડે સાસુ થાય ત્યાં સુધી તેના સાસરાની હજામડી, દરજણ, ધોબણ વગેરેને સાલ્લો કે કાપડું દર વરસે આપવું પડે. જો જમાઈ પહેલવહેલો જમાઈ થવા આવેતો તેને એકાવન કે એકસો એક રૂપીઆ આપવા પડે. તેટલાજ રૂપીઆ જો પેહેલ વહેલાં સાસુ સસરો આવેતો બંનેને થઈને કરી આપવા પડે. દીએર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદ, નણદોઈ, કાકાજી, કાકીજી વગેરે સગાં-વહાલાંને કોઈને પાંચ, પાંચ, દશ દશ આપવા પડે તે જુદા. મતલબ કે એક દીકરી હોય તો પણ તે બાપડો મરતાં સુધી ખરચમાંથી મોકળો નથી થતો. વળી ભાણેજ ભાણજી થાય તો તેને ઘરેણાં ગાંઠ, લુગડાં લતાં, એ છોકરાં પરણે ત્યાં સુધી બધાંને કરવો પડે. આ બધું ખરચ કેટલું થાય તેનો વિચાર કરો.

સ્ત્રીઓની હાલત – કન્યાનો બાપ આટલું બધું ખરચ કરે પણ તેને સુખ શું ? કાંઈ નહીં. જો ખરચ ન કરી શકે તો જમાઈ ફરીને પરણે, ને તેને બાપડીને પીએર રહેવું પડે. સાસરે રહેતો તેની દુરદશા કેવી ? ગુલામડીની હાલત પણ તેના કરતાં સારી હોય છે. સાસુ, નણંદ, દીએર વગેરેની લુંડી હોયને જાણે. તેને તેઓ મેણાં મારે, ધમકાવે, ધણીને કહીને મરાવે; ફરી પરણી શોક લાવવાની બીહીક આપે તે જુદી. સાસુ, નણંદ બેશી રહી ઘરનું સઘળું કામ વહુરૂપી એ દાસી પાસે કરાવે; સાસુ નણંદ ખામીઓ કહાડવા બેસે ને વઢે. પાણી વાશીંદુ તો મળસકામાં ચાર ઘડી રાતનાં કરવાનું. દીવસ ઉગ્યો, લોક હરતા-ફરતા થયા, કે ઘર બહાર પગ મુકાવાનો નહીં. હું ધારતો નથી કે કોઈપણ પાટીદારની સ્ત્રી આખા ગામની ભોમીએણ થઈ હોય. ઘરમાં પડદે રહેવા જેવું જ. જેઠ, સાસરો, એ બધાંની, અને જે અજાણ્યો સગો ઘરમાં આવે કે ઓળખીતો આવે તેની લાજ કરવાની, નહીં બોલવું કે ચાલવું. એટલું ધીમું બોલવું કે બીજું કોઈ સાંભળે નહીં. તેઓ આખા વરસમાં એકવાર ઉજાણી હોય ત્યારે, કે ખેતરમાં પાક થયો હોય ત્યારે માત્ર જોવા જાય, બાકી ઘર બહાર નીકળે નહીં, વહુને દેવદર્શન પણ નહિ.

આવી કેદની હાલત ભોગવતાં છતાં તેને ખાવાનું પુરતું મળે નહીં. ને જે લખું સુકું મળે તે જંપીને નણંદ સાસુ ખાવા દે નહીં. જો આવી સ્થીતિમાં છોકરાં થયા વિના ધણી મરી ગયો તો બાપડીને વિધવાવસ્થામાં આખો જનમારો પીએર કહાડવો પડે. કેમકે તેમને ગુજરાન ચલાવવાનું સાધન કાંઈપણ હોતું નથી; ફરીને પરણાતું નથી, ને બીજી નાતોની પેઠે પલ્લાના રૂપીઆ પણ નથી હોતા કે તે ઉપર ગુજરાન ચલાવે. સાસરે મેહેણાં મારે કે પીએર ખાવાનું નથી મળતું તે અહીં આવે છે. એમના પુનરવિવાહ નથી. પાંચ પાંચ વરસની વિધવાઓ મેં જોઈ છે. તેઓ મરતાં સુધી ઘણું કરીને પીએર રહે છે.

જેઓનો ધણી મરતો નથી પણ નહીં બનવાથી ફરીને પરણે છે, તેઓને પણ ઘણું કરીને પીએરમાં જન્મારો પુરો કરવો પડે છે, કેમ કે પાટીદારમાં તલ્લાક લેવાતી નથી.

બાળલગ્નનો બુરો ચાલ એ લોકોમાં બહુ છે. તેઓ બે બે ત્રણ ત્રણ વરસનાં, ને ઘણામાં ઘણાં દશ વરસનાં છોકરાં પરણાવી દે છે. જેઓ મોટાં કરે છે તે બાળલગ્ન ન કરવાં એવા સુધરેલા વિચારથી કદી નહીં, પણ ઉપર કહેલું મહાભારત ખરચ કરવાનું જેને મળતું નથી તે મોટી કરીને વખતે સોળથી વીશ વરસની કરીને પરણાવે છે, પણ તેવા લોકોની આબરૂ મુરખ લોકમાં થોડી ગણાય છે.

પણ કણબીઓ ઉપર કહ્યા પ્રમાણે પાટીદારોને કન્યા દેવામાં ઘસાઈ જતા ને પોતાના છોકરા વાંઢા રહેતા તેથી તેમણે સંપ કરી પાટીદારોને કન્યા નહીં આપતાં પોતપોતામાંજ દેવાના એકડા કર્યા છે. પાટીદારો કણબીની કન્યા લેતા પણ દેતા નહીં, તેથી કણબીઓમાંથી કન્યા જતી પણ આવતી નહીં, માટે અછત ઘણી થતી ને ઘણા વાંઢા મરતા, તેથી ઉપલો સંપ કર્યો છે. એથી તેમની હાલત સુધરી છે. પણ પાટીદારો–તેમાં મુખ્ય ગામના તો તેવાજ માતેલા–ભારે આંકડો પહેરામણી લેવા પાંચ પાંચવાર પરણતા, ને તે વગર કારણે–ફક્ત પૈસાની ખાતર, છોકરાં-છૈયાં થાય તોપણ–તે ઓછું થયું છે, તો પણ બીચારી વહુવારૂના બધા સંતાપ ટળ્યા નથી. હજી દીકરીના બાપને ખરચ ઘણો છે અને પીડા ઘણી છે.

ઉપલા પાટીદારો દીકરીઓને જીવાડતાજ નહીં. છોકરાનું જતન કરે ને છોડીને મારી નાખે; તેમ નહીં તો ધવડાવે નહીં, કે ભેંષનું દૂધ મસ પાઈ પાઈ દુખી કરીને મારે. વહુને છોડી અવતરી તો વહુના પણ ભોગ મળે. ને તેથી તેજ છોડીને મારે, કાં ઝટ દુધ પીતી કરે, કે રીબાવીને મારે. દીકરી જન્મે કે દુધના તપેલામાં બોળે તેને દુધપીતી કહે છે. દુધમાં મરી જાય. છોકરો અવતરે તો વહુ ને સાસુ સસરો ખુશી થાય. “દીકરીની હલકી માટી” એ કહેવત તેથી જ પડી છે. છોડી મરી જાય તો મોકાણ માંડે નહીં, ને માંડેતો માત્ર નામની. છોકરો મરી જાય તો છાતી કુટી નાખે. વહુ મરી જાય તો પાપ ગયું. “કીડી મોઈને વહુ મોઈ બરાબર.” ફરીને પરણી બીજા રૂપીઆ આવશે. કોઈ કુટે કે રડે ! નાતનું ખરચ પણ મન ઉતાર થાય. આવી હાલત સ્ત્રીઓની છે. લી. તમારો સ્નેહી વી.

દવે – એ વાંચી મારું મન ખાટું થયું. એમના જુલમની વાત જાણતો હતો. પણ આટલી વિગત મને કોઈએ કહી નહતી. અરે, મારા દેશી ભાઈઓ, આ મૂર્ખાઈ, આ નિર્દયતા તમે તજો !

ત્રવાડી – પાટીદાર કણબી તો શુદ્ર છે તેથી કદાપિ અજ્ઞાન હોય, પણ સુરત જીલ્લાના અનાવળા બ્રાહ્મણોમાં પણ એવો જ જુલમ છે. જેમ પાટીદાર અને કણબી તેમ દેશાઈ અને ભાઠેલા એ ભાગ તેમનામાં છે. મારા એક સુરતી મીત્રે એમનો હેવાલ લખી મોકલ્યો છે. તે કાલે લેતો આવીશ.

દવે – બીજી નાતોમાં આપવા લેવાનું એથી થોડું છે, પણ વહુઆરૂ સુખી નથી. એક ઉપર બીજી પરણવાના ધારાનું જોર જે નાતોમાં વધારે છે તે નાતની સ્ત્રીઓના દુખનો પાર નહિ. આ બાબતમાં આપણી નાતના લોક ડાહ્યા ખરા. બીજી બધી વાતોમાં એક જીવતી ઉપર બીજી લાવવાની રજા ખરી. પણ ઘણું કરીને ઘણા લોક એમ કરતા નથી; કેટલીકમાંતો એ ચાલ બહુ વધી પડ્યો છે. અમદાવાદના ઓદીચ બ્રાહ્મણમાં કૂળવાન પાટીદારોના જેવી જ ખરાબી છે. વીસલ નગરા. સાઠોદરા, શાવક ને મેશ્વી વાણીઆ અને તેમનાથી ઉતરતી નીચ વરણોમાં શોકની પીડા ખરી. આપણામાં વહુવારુને દુખદેનાર દુષ્ટ સાસુ નણદાદીક છે, અને વહુને બઝોડનાર ઉટાંનદ અને રીંછશંકર જેવા નિર્દય વર છે, પણ નાતના આદમીની સંખ્યાના મુકાબલામાં એવા નઠારા માણસ થોડા છે, અને બીજી નાતોના કરતાં ઓછા છે; તેઓમાં ક્રુરતા પણ કાંઈક કમી. મારા પડોશમાં સોની રહે છે. ઘરમાં તેની મા છે ને જુવાન વહુ છે. જ્યારથી રાખી છે ત્યારથી વહુના દુખનો આરો નથી. ધણી મારે તે જુદો, અને સાસુ મારે તે જુદી; ગાળોનો વરસાદ તો બાપડી ઉપર આખો દહાડો જારી. બાપડી વહુનું થાન એટલું પાક્યું કે માંહેથી પરૂના ડડુડા વહે, વાંકા વળાય નહિ, ને ખવાય નહિ. ને ખવાય નહિ તેથી સુકાઈને હાડકાં નીકળ્યાં હતાં, તો પણ તેની દુષ્ટ સાસુ તેની કને ઘરનું બધું કામ કરાવે ને પોળને કુવે પાણી ભરવા મોકલે; પાણી ખેંચતાં ગરીબડી વહુની આંખોમાંથી આંસુ આવે, ને તેથી પાડોશીઓને દયા આવે. આપણી વાતમાં કોઈ સાસુ વહુને મારતી જાણી નથી, ને માંદી વહુ ઉપર આટલો જુલમ કોઈ કરતું નથી. મેં સોનીનો દાખલો આપ્યો એવો સો ઘરે એક બેને લાગુ પડતો હોત તો દિલગીર થવાનું કારણ બહુ થોડું કેમ કે ગામ હોય ત્યાં ઉકરડો હોય; બધા દેશોમાં એવા પશુ જેવા આદમી કોઈક હોય છે પણ આપણા દેશમાં વહુને મારવી એ સાધારણ છે, તેમાં વિશેષ કરીને બે ચાર છોકરાની મા થાય, કે સાસુ મરી જવાથી ઘરનો કારભાર તેને હાથ આવે ત્યાં સુધી ઘણી વહુઓની મેણા, ગાળ, અને માર વડે પુજા થાય છે. કોઈ વખતે વહુનો વાંક હોય છે, પણ ઘણું કરીને સાસુ અને વરનો હોય છે. આરંભથી તે અંત સુધી એવી પુજા કદી નહિ પામેલી હજારે એક વહુ બતાવવી મુશકેલ પડશે. લાખો રૂપીઆનો ધણી અને ગરીબ મહેનતુ માણસ કે ભીખારી આપણા દેશમાં એ બાબતમાં સરખા છે. જેમ ધણીને ધીબોવેલો એવી કોકજ હારૂન બાયડી હોય, તેમ નારીને ગાળો ન ભાંડેલી અને કદી મારેલી નહિ એવો એકે પુરૂષ ભાગ્યે જડશે. એ વાતમાં જંગલીપણું બહુ ઓછું એવાં ઘર છે. અને તે ઘરને હું આબરૂદાર કહું છું. કેટલાંક મધ્યમ છે. એ ઘરની ફજેતી એ બાબતમાં થતી નથી, અને થાય છે તો ક્વચીત થાય છે. આ બંને વર્ગનાં ઘરોમાં ભળી સાસુ-વાળાં થોડાં, પણ તેઓ બહુ જાજરમાન નહિ, બહુ નફટ ને પીશાચ નહીં, અને કેટલાંક ઘરોમાં વહુનું જોર કેટલાંક કારણથી વધારે હોય છે. જ્યાં વહુનું ચલણ વધારે હોય ત્યાં તેણે સાસુને દુભવી ન જોઈએ, અને તે જરા વધારે બરબરાટ કરે તો યે વડીલ જાણી તેનું મન વહુએ રાખવું જોઈએ, કોઈ કોઈ ધણી અતિ ભલા હોય છે કે નબળા હોય છે તેથી તેમની સ્ત્રીઓ તેમનું અનેક રીતે અપમાન કરે છે, અને તેમને પજવે છે. એ ખોટું છે, એવી કુભારજાઓને ધીકાર છે. તેઓ પાપી છે. તેમ જે વર પોતાની વહુનું માથું ફોડે છે, હાડકાં ભાંજે છે, બાંધી મારે છે, ડામદે છે, ભુખે મારે છે, પુરી (ગોંધી) મુકે છે, ઘરમાંથી કાઢી મુકે છે, ટપલા, તમાચા, લાત, લાકડી, સાટકા વગેરેથી મારે છે તેઓ દુષ્ટ પાપી છે, તેઓને ધિક્કાર છે. એવા અપરાધી માણસો દેશમાં બહુ બગાડ કરે છે; તેઓનું જોઈ છોકરા અને જુવાનીઆ બગડે છે; સ્ત્રીઓનું કોમળપણું અને લાજ નાશ પામે છે; ઉંચી નાતોમાં એવા માણસની સંખ્યા થોડી નથી. ઘાંચી, મોચી, ગોળાદિક નીચ વરણમાં તો ઘણી છે. નાગર હોય, કે શ્રીમાળી હોય, કે હરકોઈ જાતના વાણીઆ કે કણબી કે સુજેતે નાતના તેઓ હોય પણ તેમને ઢેડ જાણવા, કેમકે ઢેડ જેવા મૂર્ખ અને નીચ માણસો જ એવું ચંડાલ કર્મ કરે. જો સ્ત્રીનો વાંક હોય તો તેને સમજાવવી, ચાર ડાહ્યા માણસને વચમાં નાખી તકરારનો નીવેડો કરાવવો. હલકી બાબતમાં ક્ષમા દ્રષ્ટી રાખવી, ને મોટી તકરાર પડે કે વ્યભીચાર જેવો મોટો ગુનો સાબીત થાય તો નીકાલ કે સુધારો થતાં સુધી જુદાં રહેવું, પણ જંગલી થવું નહિ. એટલું ખુબ ઈયાદ રાખજો કે ઘણું કરીને બાર તેર વરસની સ્ત્રીઓ થાય છે ત્યારથી તેઓના ઉપર, વર તો કેવળ બાળક હોય છે તેથી, સાસુ સસરાનો અધીકાર ચાલે છે, તે સાસરે રહે છે. તો એટલી કુમળી વયમાં જેવી કેળવણી આપીએ તેવી તે ઘણું કરીને થાય છે. ત્યાર પહેલાં માબાપે તેને સુમાર્ગ દેખાડવો જોઈએ. નારી જાતને સુધારવી ને વાસ્તવિક સુખી કરવી પીયરના અને સાસરાના વડીલોના તથા વરના હાથમાં છે.

ત્રવાડી – હું તમારા મતને મળતો છું. માત્ર એક બાબતમાં મારા તમારા અનુભવ અને અભિપ્રાયમાં થોડો તફાવત છે. આપણી નાત એ વાતમાં બીજી નીચ નાતોના જેવી છે. એના પુરાવા કહો એટલા આપું. ટપલા, તમાચા, થાપટ. લાત, લાકડી વગેરેથી વહુને માર મારનારા આપણામાં ઓછા નથી. પેલી બીચારી ધનગવરી શાથી મરી ગઈ ? તેના દઈત વરે બુટ પેરેલે પગે ગર્ભસ્થળમાં પાટું એટલા જોરથી માર્યું કે તે બાપડી રીબાઈને મરણ પામી. ઓસડ પંડે કરે નહિ, અને તેની માને કરવાનદે. પેલા જગન્નાથને કેટલે દોહલે કન્યા મળી, પણ પરણ્યા પછી તે બાઈની અવસ્થા જુવો. હાથ પગ બાંધીને કડા સાથે વહુને લટકાવેલી એવું કોઈ નાતમાં બન્યું નથી તે એ કરે છે, ને તે વાંક વગર વળી. પણ સેંકડે એક એવો ભાગ્યે નીકળે. નાગર ગૃહસ્થ અને નાગર બ્રાહ્મણ બધા બઈઅર મારૂં નથી, પણ તેમનામાં એવા મોટા ચંડાળ છે ખરા. અરે ઢેડ પણ એમનાથી સારા, કેમકે તેઓના રદયમાં દયા હોય છે. એવા છેક નઠારા, તથા પહેલા અને બીજા વર્ગની સંખ્યા પ્રમાણમાં આપણામાં ઓછી નથી. જો એ અને બીજી કેટલીક બાબતમાં આપણામાં સુધારો થાય તો આપણે બીજી નાતોથી શ્રેષ્ઠ થઈએ ખરા.