લખાણ પર જાઓ

સિંધુડો/માતા, તારો બેટડો આવે !

વિકિસ્રોતમાંથી
← છેલ્લો કટોરો સિંધુડો
માતા, તારો બેટડો આવે !
ઝવેરચંદ મેઘાણી
છેલ્લી સલામ →


​

માતા, તારો બેટડો આવે !

[ગોળમેજીમાંથી પાછા આવ્યા ત્યારે, ઢાળઃ ‘શિવાજીને નીંદરું ના'વે]

માતા ! તારો બેટડો આવે :
⁠આશાહીન એકલો આવે.
⁠જો જો ! મારો બેટડો આવે :
⁠સંદેશાઓ ખેપિયા લાવે.

જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
⁠આવો કોઈ માનવી આવે ?
⁠ભેળાં કાળ-નોતરાં લાવે. — માતા૦

​

સૂતો રે હોય તો જાગજે, સાયર ! ઘેર આવે પ્રાણાધાર,
⁠હૈયે તારે બાંધ હિંડોળા :
⁠મોભી મારો ખાય છે ઝોલા. — માતા૦

ધૂળરોળાણા એ મુખ માથે, વીરા છાંટજે શીતળ છોળ,
⁠પ્રેમેથી પાહુલિયા ધોજે !
⁠આછે આછે વાયરે લ્હોજે ! — માતા૦

તારા જેવાં એના આતમનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
⁠ત્યાંયે આજે આગ લાગી છે :
⁠ધુંવાધાર તોપ દાગી છે. — માતા૦

સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
⁠ઠાલાં નવ ઢોળશો પાણી !
⁠ના ના એની વેદના નાની. — માતા૦

કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ !
⁠એવી ક્રોડ આપદા ઘીકે,
⁠છાની એની છાતડી નીચે. — માતાજી

માનતાં’તા કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે'લ !
⁠પારધીનાં પિંજરા ખાલી :
⁠હંસો મારો નીકળ્યો હાલી. – માતા૦

ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
⁠આઠે પો૨ જાગતી આંખે
⁠બેઠો તું તો દીવડે ઝાંખે. – માતા૦

બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
⁠બેટા ! તું તો પોયણું નાનું :
⁠ઊભું એક અભીંજાણું.. – માત.

પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યા બાળ;
⁠ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યા :
⁠બંધુતાના બોલડા આપ્યા. – માતા૦

રોમે રોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
⁠ડંખે ડંખે દૂધની ધારા
⁠રેલી તારા દેહથી, પ્યારા ! – માતા૦

ચીર પાંચાળીનાં ખેંચવામાં નો'તા પાંડવોએ દીધા હાથ;
⁠આજે અધિકાઈ મેં દેખી :
⁠બેટાઓએ માતને પીંખી ! – માતા૦

​

એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
⁠તારી એ અતાગ સબૂરી
⁠શોષી લીધી વેરીએ પૂરી. – માતા૦

કુડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ
⁠કડકડતાં તેલ તે પીધાં :
⁠ગાળી ગાળી લોહ પણ પીધાં. – માતા૦

ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ !
⁠વાવાઝોડાં કાળના વાશે,
⁠તે દી તારી વાટ જોવાશે. – માતા૦
 
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
⁠ખંડે ખંડે બોળશે લાવા :
⁠ભૂકમ્પોના ગાજશે પાવા. – માતા૦

'ધાઓ ધાઓ, ધેનુપાળ !' તેવા તે દી ઊઠશે હાહાકાર,
⁠શાદુળા ને સાંઢ માતેલા
⁠ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. – માતા૦

ભાઈ વિદેશીડા ! વિનવું રે – એને રોકશો મા ઝાઝી વાર;
⁠બેઠી હું તો દીવડો બાળું :
⁠ક્યારે એના ગાલ પંપાળું ! – માતા૦

તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો'ય હિસાબ;
⁠બેટા ! તારી ખાકની ઝોળી
⁠માતા કેરે મન અમોલી. – માતા૦