સુખ

વિકિસ્રોતમાંથી
સુખ
નર્મદ



સુખ

સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી;
જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે. (૧)
કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ઘોડા તણી;
કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ. (૨)
કોઇ હોયે હાલે મસ્ત, કોઇ હોયે માલે મસ્ત;
કોઇ હોયે ઇશ્કે મસ્ત, કોઇ હોયે માલે મસ્ત. (૩)
નહીં કોઇનો તાબેદાર, વચની પ્યારી નોજે યાર;
ઇંદ્રજીત ને સાચો બહૂ, તે નર્મદ સુખિયો લહૂ. (૪)
ખૂશામતિયા જેને નહિં, દુષ્મન ખોટા મિત્રો નહીં,
રોગી ને લોભી જે નહિં, નર્મદ તે સુખિયો છે સહી. (૫)
વિદ્યા સાથે જેને પ્રીત, રસજ્ઞાન નિર્મળ છે નીત;
એકાંતે સાદો જે રેહ, સુખિયો નર્મદ તેને કેહ. (૬)
પસ્તાવો જેને ના હોય, નીતિધર્મે નિશદિન જોય;
મોતસું મળવા જે તૈયાર, ધીરો નર્મદ સુખિયો ધાર. (૭)
દાન દયાથી રાજી રેહ, ફરજ બજાવે નિત્યે તેહ;
અદેખાઇ જેને નહિં કાંઇ, સંસારે સુખિ નર્મદ ભાઇ. (૮)
દગલબજ દુનિયાને જોઇ, મિથ્યા વાદ કરે નહિં કોઇ;
બ્રહ્મનું ચિંતન ભાવે કરે, સાચો સુખિયો નર્મદ ઠરે. (૯)