સોરઠને તીરે તીરે/૭. એક-બે ભજનો
← 'મોતી બૂડ્યું મોરણી' | સોરઠને તીરે તીરે એક બે ભજનો ઝવેરચંદ મેઘાણી |
વસ્લની રાત → |
6
એક-બે ભજનો
“સામતભાઈ, મોટા દરિયા ખેડ્યા છે?”
“હા ભાઈ, સાત-આઠ વરસનો હતો તે દા'ડેથી મારા મામાના વા'ણે રોટલા ઘડવા ચડ્યો, ને તે પછી આજ દી લગે ટંડેલાઈ જ કરી છે : આંહીંના વાણુંમાં ને કચ્છનાં વાણુંમાં. મામો મૂવો તર્યે એના છોકરા નાના : ઈનું વા'ણ ઘણાં વરસ ખેડ્યું. છોકરા જવાન થિયા એટલે મેં કહ્યું કે 'બાપા, તમારો ઘોડો હવે તમે હાંકી ખાવ.' પણ બાપડા જુવાન ખરાં ને! એક વારની ખેપમાં મલબારથી આવતા'થા, તી રાતને ટાણે સંધાય સૂઈ ગિયા. સોખવાણે (સુકાને) બેઠેલ ભાણેજ પણ ઝોલે ગયો. મનમાં એમ કે વા'ણ સમે માર્ગે હાલ્યું જાય છે. જાગીને નજર કરે ત્યાં વા'ણ તો કાદામાં પછડાટા ખાય છે! છોકરા બાપડા કૂદીને કૂદીને નીસરી ગયા. ને વા'ણના ભુક્કા થઈ ગ્યા ઈ કાદાને માથે. એવું વા'ણ આખા બેટમાં કોઇને નો'તું."
“સામતભાઈ, દરિયામાં તોફાન નડ્યાં છે કદી?”
“અરે ભાઈ! તોફાનની શી વાત કરવી? રતનાગર દયાળુ છે તે બચાવે છે. બાકી અમારે ને મોતને કયાં છેટું છે?”
“તોફાન વખતે શું કરો?”
"જઈ તોફાન આવાવાનું હોય તંઈ અમારી કને 'માલમનો હોકો' (હોકાયંત્ર) હોય છે ના. ઈની વચેનો ગોળો નેનઅકલાક રેખો (સફેદ) બણી જાય.પછી અમે વા'ણ બચતાં માલને વામી (નાખી) દયીં, ને માણસ બચતાં વા'ણને જાવા દયીં. વા'ણનો કવો (કૂવાથંભ નામનો મધ્યસ્થંભ) પણ કવાડીએ ત્રોડીને નાખી દેવો પડે. જેમ બને તેમ વા'ણને હળવું કરી નાખી મોજાંને માથે જાવાં દયીં. એમ છતાંયે બચાવ ન જ થઈ શકે એવું હોય, તો પછી જીવતા જણ બા'રા નીસરી જાયીં. પછી અમને વળી જ્યાં માલક કાઢે ત્યાં ખરો."
સામતભાઈ આવી વાતો કરે છે; જમણા હાથને કિનારે કિનારે, ડાચાં ફાડીને બેઠેલ ભરખજોગણી જેવી ભેખડોથી છેટે છેટે મછવો ચાલ્યો જાય છે, ત્યાં કિનારે એક મંદિર દેખાયું.
“એ વરાહરૂપનું થાનક, ભાઈ, આપણા આખા દેશમાં વરાહ-અવતારની બીજી સ્થાપના કયાંય નથી. આપણી કેડ્ય જેટલી ઊંચી મૂર્તિ છે : રંગે કાળી : મોઢું વરાહનું : મોંમાં દાતરડી છે : દાતરડી માથે પ્રથમીનો પિંડો છે : ચતુર્ભુજ સ્વરૂપ છે. મોઢા સિવાયની આખી કાયા માનવરૂપની છે. અતારે ત્યાંથી પાણી વળી ગયાં છે એટલે મછવો પોગી નહિ શકે, નીકર જઈ આવત આપણે.”
પ્રભુના વરાહ-અવતારની, આખા ભારતવર્ષ ખાતે કેવળ ગુજરાતમાં જ પ્રતિષ્ઠા છે. સોરઠમાં ફકત આંહીં એક અપરિચિત કિનારે કયાંથી? ના, કિનારો તો અપરિચિત નથી. આખાય આર્યાવર્તમાંથી અસલના કાળમાં આંહીં ઊતરતાં યાત્રિકોનો છેક દ્વારિકા સુધીનો યાત્રાપથ આ કિનારે કિનારે જ ચાલતો હતો. તે મહામાર્ગની ઉપર જ આ વરાહરૂપનું ધામ પડ્યું છે. આ પ્રદેશને અપરિચિત બનાવી મુકનાર તો પેલા પરભાર્યા દોડતા આગગાડીના ડબ્બા જ છે. આજે આર્યાવર્તના યાત્રિકો સૌરાષ્ટ્રનાં માત્ર બે ત્રણ તીર્થો જ જોઈને ચાલ્યાં જાય છે. પોણોસો વર્ષ પૂર્વે તો એને આખી જ સોરઠનું દર્શન થતું. કિનારા ઉપર ટંકાયેલા મોતી-શાં બંદરો અને કિનારાથી પાંચ-પાંચ કોસની અંદર પડેલા શૈવ, બૌદ્ધ તેમજ વૈષ્ણવી તીર્થસ્થાનો, પહાડો, ઝાડીઓ ને ઝરા, તમામને અવલોકવાની જુક્તિદાર એ કેડી હતી. સમગ્રતાની દૃષ્ટિ એમાં ખૂબ સચવાયેલી હતી.
પણ આ વરાહ-અવતારની એક સ્થાપના અહીં કયાંથી? આખા ભારતવર્ષમાં એકનું એક વામન-અવતારનું મંદિર પણ સૌરાષ્ટ્રનાં વણથળી (વામનસ્થલી) ગામે કેમ? આ 'સુરાષ્ટ્રને' ઈતિહાસે કેમ આટલો બધો મહિમા ચડાવ્યો છે? આ દેશની તવારીખ કેટલા યુગોની જૂની સમજવી? ચાંચના પેલા રાવણ-ઝાડ રૂખડાને વૉટસન સાહેબે ત્રણ હજાર વર્ષોનો જૂનો કહ્યો છે! ઈતિહાસ્કાર કેપ્ટન બેલ સાચું જ લખે છે કે સંસ્કૃતિઓની ચડતી-પડતીનાં જે જે મોજાં હિંદને છંટાયા, તે તે તમામ આ 'સુરાષ્ટ્ર'ને કિનારે પણ અફળાયાં હતાં.
“ ઠીક, સામતભાઈ, આપણે તો આપણી વાતો ચલાવો. મોટી વાતો ભલે ઈતિહાસવેત્તાઓ ચર્ચતા.”
પણ સામતભાઈ કંઈએ પાણીનો નળ થોડો હતો કે ચકલી ઉઘાડીએ એટલે અંદરથી ધાર થાય? એ તો હતો માનવી. એ કહે કે, “ભાઈ, તમે એકાદ ભજન લલકારો ત્યાં જાફરાબાદની ખાડીમાં પોગી જાયેં. પ્રભુનું એકાદ પદ થાવા દ્યો.”
સામતભાઈને ખબર નહોતી કે પ્રભુભક્તિને અને પંડિતાઈને ઘણું અંતર હોય છે. ભક્તિના ભાવ ઝીલે એવી પોલી છાતી નો'ય. પણ ભજનોની અંદરેય એકલા વૈરાગ્યનાં જ ક્યાં રોદણાં છે? માનવી વચ્ચેના ઉચ્ચ અનુરાગની વાણી જેસલ-તોરલનાં પદોમાં છલોછલ પડી છે. એમાંથી મેં સામતભાઈને એક-બે સંભળાવી દીધાં.
“સામતભાઈ, કચ્છનો કાળઝાળ લુંટારો જેસલ જાડેજો જ્યારે સોરઠની કાઠીયાણી સતી તોળલને ઘેર ગળતી રાતે ખાતર પાડવા ગયો છે તે વેળાની આ વાણી છે.”
“રંગ ભાઈ, થાવા દ્યો.” સામતને કોઠે દીવા થયા.
એ જી જેસલ! ગળતી એ માઝમ રાત;
એ...જાડેજા હો.. ગળતી એ માઝમ રાત:
લાલ રે લુંઘીની વાળેલ
કાળી રે કામળની ભીડેલ ગાતરી હો જી!
એ જી જેસલ! ખડગ ખતરીસો લીધો હાથ.
ખાતર દીધાં રે હરિને ઓરડે હો જી!
એ જી જેસલ! તોળી રે ઘોડી ને તરવાર,
એ... જાડેજા હો!.. તોળી રે ઘોડી ને તરવાર ,
ત્રીજી રે તોળલદે સતીની લોબડી હો જી!
“ આ રીતે જેસલ લૂંટારો ગળતી માઝમ રાતે જ્યારે કાળા રંગની લુંગી પહેરીને તલવાર અને હાથમાં ગણેશિયો લઈને પ્રભુભક્ત તોળલ સતીના પતિ સંસતિયાને ઘેર ત્રણ ચીજની ચોરી કરવા જાત છે : શી ત્રણ ચીજ? સતી તોળલ, ઘોડી ને તલવાર : પણ ત્યાં પોતે છતો થઈ જાય છે : પછી એને તારવા માટે તોળલ સતી સંસતિયા સ્વામીની રજા લઈને જ્યારે જેસલની જોડે ચાલી નીકળે છે, સામતભાઈ, તે ટાણે બેઉ જણનાં હ્રદાં કેવા એકાકાર બની જાય છે? શું કહે છે તોળલ સતી? કહે છે કે હે જેસલ પીર!
એ જી જેસલ! તમે હીરો ને અમે લાલ,
જાડેજા હો!... તમે હીરો ને અમે લાલ,
એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જી!
વળી
તમે રે ચંપો ને અમે કેળ્ય,
જાડેજા હો,...તમે રે ચંપો ને અમે કેળ્ય,
એકી એ ક્યારામાં દોનું રોપિયાં હો જી!
અને,
તમે રે પાણી ને અમે પાળ્ય,
જાડેજા હો!... તમે રે પાણી ને અમે પાળ્ય,
એકી એ આરામાં દોનું ઝીલતાં હો જી!
એમ,
બોલ્યાં રે તોળાંદે સતી નાર,
જાડેજા હો!...બોલ્યાં રે તોળાંદે સતી નાર,
સતીએ ગાયો રે હરિનો ઝૂલણો હો જી! “
“વાહ વાહ! સુકાને બેઠેલ સામત ખારવાએ અને ઘૂઘા પગીએ માથાં ડોલાવ્યાં : "પ્રભુના નામની ભજનવાણી ભારી મીઠી લાગે છે. બીજાં ગીત ગમતાં નથી.”
ભજનિક પોતાના અંતરમાં સારી પેઠે સમજતો હતો કે એને ગમતી વાત આ પદની અંદર કોઈ પ્રભુ-નામની નહોતી પણ-
અમે હીરો ને તમે લાલ : બેઉ એકી દોરે પરોવેલાં :
અમે ચંપો ને તમે કેળ : બેઉ એકી કયારે રોપેલાં :
અમે પાણી ને તમે પાળ : બેઉ એકી આરે ઝીલતાં :
એ પ્રેમી યુગલની ત્રણ ઉપમાઓ હતી, અને ઊંડામાં ઊંડી ઝંખના વ્યકત કરનારો ભજનનો ઢાળ હતો. જેસલ-તોળલનો દેશ કચ્છ ઘણા કાળથી બોલાવી રહેલ છે. એ બે પ્રેમભક્તોની નિગૂઢ કથાએ કયારનું જાદુ પાથર્યું છે. સંસતિયા કાઠીએ સગી સ્ત્રીને રાજીખુશીથી લૂંટારા સમાજને ગભરાવી નાખનારો સમર્પણનો પ્રસંગ અનેક વાર અંતરમાં ઘોળાતો જ રહ્યો છે.
હું તો જેસલ-તોળલની વાર્તાને તેમજ વાણીને પોતાના પ્રાણ સાથે ઘોળનાર સોરઠી લોકસમૂહની ભાવના વિચારી રહ્યો છું. એની આંખોમાં રૂઢિનું ઝેર-ખુન્નસ આવવાને બદલે, આ કથા પ્રત્યે શાંતિનું, સમાધાનવૃત્તિનું અમૃતાંજન કેવું અંજાયું છે! અંજારમાં જેસલ-તોળલ રહેતાં, તેમાં એક દિવસ છેક મારવાડના રણુજા ગામેથી ભકત રામદે પીરનાં સમૈયામાં પધારવાનાં તેડાં આવે છે. પણ એ 'વાયક' એ નોતરાં આવ્યાં તે ફકત એકલાં તોળલદેને સારુ. વગર તેડ્યે બીજાથી જવાય નહિં. જેસલ-તોળલને જુદા પડવાનું આવે છે : જેસલ, જંગલના મગલા-મોરલા હણનારો, કુંવારી જાનો લૂંટનારો, સાત વીસું (એટલે ૧૪૦) મોડબંધા વરરાજાની હત્યા કરનારો - અરે, જેટલા માથાના વાળ એટલા ગુના કરી ચૂકેલો જેસલ એ તોળલની થોડા મહિનાની જુદાઈને ટાણે શી આર્ત્તવાણી ઉચ્ચારી રહ્યો હતો : "સાંભળો સામતભાઈ, ઘૂઘા પગી, બીજું ભજન સંભળાવું જેસલ-તોળલનું : જેસલજી કહે છે :
રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે,
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે,
રૂદિયો રૂવે રે મારો ભીતર જલે.
અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે;
તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે,
રૂદિયો રૂવે રે મારો ભીતર જલે! - રોઈ ૦
અમે હતાં તોળી રાણી, ખારી વેલ્યે તૂંબડાં;
તમે આવ્યે મીઠડાં હોય રે, જાડેજો કહે છે. - રોઈ૦
કાપડ લાવો તોળી રાણી, ધોઈ કરી લાવું;
ધોઈ લાવું જમનાને તીર રે, જાડેજો કહે છે. -રોઈ૦
મેલાં કાપડ તોળી રાણી, સાબુએ સુધારું;
નિંદા થકી ઊજળાં હોય રે, જાડેજો કહે છે. -રોઈ૦
તમે ચાલ્યાં તોળી રાણી, વડે સંઘે વાયકે;
તમે વિના દનડા ન જાય રે, જાડેજો કહે છે. -રોઈ૦
દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો :
સંભળાવ્યે મુગતિ હોય રે, જાડેજો કહે છે. -રોઈ૦
એમ એ આખું- ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી.
“સામતભાઈ" મેં કહ્યું : "તોળલ તો જેસલને દિલાસો દઈને જાય છે.પણ રામદેવ પીરને સામૈય એને વધુ દિવસો ભાંગે છે. આંહીં અંજારમાં જેસલ જીવતી સમાધ લ્યે છે, દટાય છે. પછી તોળલ પાછાં આવીએ, હાથમાં તંબૂરો ને કરતાલ ધરી, પગે ઘૂઘરા બાંધી જેસલને સમાધમાંથી જગાડવાનું કેવું ભેદક પદ એ સમાધની સન્મુખ નાચતાં નાચતાં ગાય છે!”
જાડેજા હો વચન સંભારી વેલા જાગજો!
જાડેજા હો તાલ-તંબૂરો સતીના હાથમાં રે જી!
આમ વેણ યાદ કરું છું, આખો પ્રસંગ મારી કલ્પનાભોમમાં સર્જાઈ રહ્યો છે, ત્યાં તો જાફરાબાદની ખાડીને મુખદ્વારે, ખડકવાળી કિનારી ઉપરથી ઊતરતાં જુવાળનાં જળ એક ઊંડા ભમ્મરમાં પછડાતાં હતાં, ઉપરવાડે બગલાની તપસ્વી જમાત એક પંક્તિએ ધ્યાન ધરીને બેઠી હતી, દરિયાનું 'વીળિયું' પંખી એ ચડતી ને ઊતરતી વીળ્યની ઉપર ને ઉપર જ અધ્ધર ઊડતું હતું, અને જેસલ-તોળલની શેષ સમાધ-ભોમની જાત્રાએ જવા સારુ સાગર જાણે કે એનો એકતારો ઝંકારી બોલાવતો હતો કે-
હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા!
એ હૈડા હા...લો અંજાર, મુંજા બેલીડા!
જાત્રા કરીએં જેસલ પીરની હો જી!
-અને વિરાટના મૄદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી.