સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
ગંગાસતી



સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ

લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.