સ્નેહસૃષ્ટિ/સરળ બનતો માર્ગ
← રાજકુમારીની વાર્તા | સ્નેહસૃષ્ટિ સરળ બનતો માર્ગ રમણલાલ દેસાઈ |
સુરેન્દ્રની ધૂન → |
બોલી રહેલી જ્યોત્સ્ના ક્ષણભર સુરેન્દ્ર સામે જોઈ રહી. સુરેન્દ્ર પણ જ્યોત્સ્ના સામે જોઈ રહ્યો અને ફરી બારણે ટકોરા પડ્યા.
‘કોણ, મધુકર ? આવ ને અંદર ! શાનો ખોટાં બારણાં ખખડાવે છે ?’ જ્યોત્સ્નાએ જરા રીસપૂર્વક કહ્યું અને મધુકર બારણું ઉઘાડી ખંડમાં આવ્યો. એને જ્યોત્સ્નાના મુખ ઉપરથી જ લાગ્યું કે જ્યોત્સ્ના અને સુરેન્દ્રની વચ્ચે કાંઈ ચકમક ઝરી ચૂકી હોવી જોઈએ. મધુકરની યોજના સરળ થતી હતી એમ લાગતાં મધુકરે પૂછ્યું :
‘પછી… આજનો અભ્યાસ પૂરો થયો ને ? આજ જરા વહેલાં નીકળીએ, નહિ ?’
‘સુરેન્દ્ર સાથેનો મારો અભ્યાસ જ આજથી પૂરો થાય છે.’ જ્યોત્સ્નાએ કહ્યું. એના કથનમાં રોષની સહજ ઝાંખી થતી હતી ખરી, એમ મધુકરને લાગ્યું.
‘સુરેન્દ્રનું શિક્ષણ ન ફાવ્યું શું ?’
‘ના, ન ફાવ્યું. એને જે શિક્ષણ આપવું છે તે મારે લેવું નથી.’
‘તો. સુરેન્દ્ર ! તારી સેવાભાવના, તારો સામ્યવાદ, ધનિકો સામેનું વેર, એ બધું ઓછું કરી નાખ ને ? અભ્યાસમાં અંગત બાબતો ન જ લાવતો.’ મધુકરે સુરેન્દ્રને ઠપકો આપ્યો.
‘તને કદાચ ખબર નહિ હોય, પરંતુ અભ્યાસમાં એ ચર્ચા હું કદી કરતો જ નથી… અને ધનિકો સામે વેર ? મને કોઈની સામે વેર છે જ નહિ. ધનિકો પણ પોતાની ધારણાથી ધનિક થતા હોય એવા બહુ ઓછા છે.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘હું એ જ કહું છું. સુરેન્દ્રે અભ્યાસ ઉપરાંત બીજું ઘણું ઘણું મને શિખવવું જોઈએ.’ જ્યોત્સ્નાએ સુરેન્દ્ર સામે જોઈ કહ્યું.
‘સાચું. અભ્યાસને રસભર્યો, વૈવિધ્યભર્યો ન બનાવાય તો પછી પર શા કામનો ?’ મધુકરે જ્યોત્સ્નાને ટેકો આપ્યો.
‘કેટલીક વાર… વિદ્યાર્થિની માગે એવું… રસશિક્ષણ મારાથી ન પણ આપી શકાય…’ સુરેન્દ્રે કહ્યું.
‘તેં જ એક વાર મને કહ્યું હતું : માનવી અન્ય માનવીને ન આપી શકે એવી કોઈ મિલકત નથી, એવો કોઈ દેહ નથી, એવું કોઈ માનસ નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘એ આજ પણ સાચું છે…’ સુરેન્દ્રે કહ્યું. અને મધુકર વચમાં બોલી ઊઠ્યો :
‘હું જોઈ રહ્યો છું… હમણાંનો તમારી બન્નેની વચ્ચે મેળ મળતો નથી. તો… સુરેન્દ્ર ! તું હમણાં થોડા દિવસ ન આવે તો કેવું ?’ આ શબ્દો બોલી તેની અસર જ્યોત્સ્ના ઉપર શી થાય છે એ જોવા મધુકરે જ્યોત્સ્ના સામે જોયું. અને મધુકરને સહેજ ચમકાવતો જવાબ સુરેન્દ્રે આપ્યો :
‘મધુકર ! હું તારી સલાહ કરતાં પણ આગળ જવા માગું છું. હું હવે બિલકુલ અહીં આવીશ નહિ ! પછી કાંઈ ?’
‘તું તો કહેતો હતો કે તારામાં અભિમાન છે જ નહિ. આ તારા બોલ તો અભિમાનથી ઊભરાય છે !’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘નહિ, જ્યોત્સ્ના ! આવવાની ના કહું છું તે શિક્ષક તરીકેની… તને મારી શિક્ષક તરીકે હવે જરૂર નથી… છતાં હું એમ આવું તો…’
‘તારી જાતને તું બેવફા નીવડ્યો ગણાય, નહિ ?’ સુરેન્દ્રના અધૂરા વાક્યને જ્યોત્સ્નાએ પૂરું કર્યું.
‘તું બહુ સાચું બોલી.’ સુરેન્દ્રે કહ્યું.
‘વારુ, બસ ત્યારે !… કોઈ વાર મળીશું… આવજે.’ જ્યોત્સ્નાએ કહ્યું અને સુરેન્દ્ર ઊભો થઈ ખંડની બહાર નીકળી ગયો. પાછા જતા સુરેન્દ્રની પાછળ જ્યોત્સ્ના ક્ષણભર જોઈ રહી. પછી તે હસી, અને હસતાં હસતાં તેનાથી મધુકર સામે જોવાઈ ગયું.
મધુકર પણ એ હાસ્યનો હાસ્યથી જવાબ ન આપે એવો અરસિક તો હતો જ નહિ. એણે પણ જ્યોત્સ્ના સામે હાસ્ય ફેંક્યું. એના માર્ગમાં નડતો કાંટો અત્યારે દૂર થતો હોય એમ લાગ્યું.
પરંતુ જ્યોત્સ્નાને જાણે મધુકર સામે બિલકુલ હસવું ન હોય એમ એણે એકાએક હાસ્યને અટકાવી દીધું. જ્યોત્સ્નાનું હાસ્ય સ્વતંત્ર હતુ. સુરેન્દ્ર સામે એને હસવું હતું ખરું, પરંતુ એના હાસ્યમાં એ મધુકરને ભાગ આપવા ઇચ્છતી ન હતી. હાસ્ય અટકાવીને તે સહજ ઊભી રહી મધુકરની દૃષ્ટિ ખસેડી નાખીને !
‘છેવટે તેં એને વિદાય આપી ખરી !’ થોડી વારે મધુકરે કહ્યું.
‘જરા વધારે વિવેકથી વિદાય આપવી જોઈએ. ચાલ.’ કહી જ્યોત્સ્નાએ જવા માંડ્યું.
‘સહેજ બેસ તો ખરી ? શું બન્યું એ તો કહે ?’ મધુકરે સુરેન્દ્ર પાછળ જતી જ્યોત્સ્નાને રોકવા કહ્યું.
‘પછી કહું છું…’ કહી જ્યોત્સ્ના આગળ ચાલી. મધુકરને એની પાછળ જવું પડ્યું.
બન્ને જણ જોઈ રહ્યાં હતાં કે સુરેન્દ્ર રાવબહાદુરના દીવાનખાનામાં પ્રવેશ કરી ચૂક્યો હતો.
જીવનભર સાથ સેવી રહેલાં રાવબહાદુર અને યશોદા પોતાના દીવાનખાનામાં રોજની માફક બેઠાં હતાં. ધનિકોના સરળ ચાલતા વ્યવહારમાં સમય ઘણી વાર ઢીલો… ધીમો પડી જાય છે, શું કરવું એ સમજાતું નથી; સ્મરણો પણ ખૂટી જાય છે. કાર્યક્રમ ખાસ હોતો નથી; આરામ પણ ધનિકોની આસપાસ આળોટી અકળાઈ જાય છે. આછી તંદ્રા અનુભવતાં પતિપત્ની સામે જઈ સુરેન્દ્રે નમસ્કાર કર્યા.
‘ઓહો ! આવો. કેમ આવવું થયું ?’ રાવબહાદુરે પૂછ્યું.
‘આપનો હું આભારી છું, સાહેબ ! પરંતુ મને એમ લાગે છે કે જ્યોત્સ્નાને મારા શિક્ષણની હવે જરૂર નથી.’ સુરેન્દ્રે કહ્યું.
‘એમ ? હા… પરીક્ષા પણ આવી… અને મધુકરનો પણ કાંઈ એવો જ મત હતો એમ મને યાદ આવે છે…’ રાવબહાદુરે સુરેન્દ્રને અનુકૂળતા કરી આપી.
‘આપણે જ્યોત્સ્નાને પૂછી જોઈએ…’ યશોદાબહેને કહ્યું. અને એટલામાં જ જ્યોત્સ્નાએ દીવાનખાનામાં પગ મૂક્યો.
‘એ જ આવે છે ને !’ રાવબહાદુરે કહ્યું અને જ્યોત્સ્ના માતાની સાથે મૂકેલી ખુરશી ઉપર બેસી ગઈ.’
‘કેમ જ્યોત્સ્ના ! આ તારા શિક્ષક શું કહે છે ?’ યશોદાએ પૂછ્યું.
‘શું કહે છે ? કાંઈ ફરિયાદ છે મારી વિરુદ્ધ ?’ જ્યોત્સ્નાએ સુરેન્દ્ર તરફ ન નિહાળતાં માતાને પૂછ્યું.
મધુકર પણ ધીમે રહી એક બાજુએ આવી બેસી ગયો હતો.
‘ફરિયાદ તો કાંઈ જ નથી. ઊલટું એ તો કહે છે કે એમના શિક્ષણની હવે તારે જરૂર નથી.’ માતાએ કહ્યું.
‘હા; એ સાચી વાત છે. એ જ એમ કહે છે… એટલે મેં પણ એમને કહી દીધું…’ જ્યોત્સ્ના બોલી.
‘શું ?’
‘કે હવે એ ભલે ન આવે.’
‘તો મધુકર ! તમારા મિત્રને આ માસનો પગાર આપી દો… અને એક માસના પગાર જેટલું વધારામાં ઈનામ.’ રાવબહાદુરે કહ્યું. ધનિકો ધારે ત્યાં ઈનામો ફેંક્યે રાખે છે.
‘નહિ સાહેબ ! હું ઈનામ લેતો જ નથી. મહેનત વગરનો બદલો ન જ હોય.’ સુરેન્દ્રે કહ્યું.
અને મધુકરે ઊભા થઈ સુરેન્દ્રને પોતાની બાજુએ બોલાવ્યો અને તેને ખંડની બહાર લઈ ગયો.
‘સારું થયું એની મેળે જ એ ગયો તે. ઇનામની ના પાડનાર વિચિત્ર કહેવાય !’ યશોદાએ મધુકર તથા સુરેન્દ્રના ગયા પછી કહ્યું.
‘વિચિત્રતા તો ખરી જ, પરંતુ એવાયે માણસો નીકળે છે ખરા !’ રાવબહાદુરે કહ્યું.
‘બહુ થોડા… પણ એ દુઃખી થવાના !’ યશોદાએ કહ્યું.
‘ખરું… છતાં કદી કદી મળી આવે છે ખરા… આ છોકરાને જોઈ મને મારો એક બાલમિત્ર યાદ આવ્યો.’ રાવબહાદુરે કહ્યું.
‘તમને એ મિત્ર ઘણી વાર યાદ આવે છે.’ યશોદા બોલ્યાં.
‘હા, મને વારંવાર લાગ્યા કરે છે કે મારો આ આખો વૈભવ એના ત્યાગ ઉપર ઊભો થયો નહિ હોય ?’ રાવબહાદુરે કહ્યું.
‘એ કોણ હશે, પિતાજી ?’ જ્યોત્સ્નાએ ચર્ચામાં રસ લીધો.
‘તારા બાપનો તો સ્વભાવ જ એવો છે કે જેમાં તેમાં બીજાને જ યશ આપશે. આ વૈભવમાં એમનો કેટલો શ્રમ છે એ બીજું કોઈ નહિ તો હું તો જાણું ને ?’ માતાએ કહ્યું.
‘પણ મા ! એ કોણ મિત્રનું નામ દે છે એ તો આપણે જાણીએ ?’ જ્યોત્સ્નાએ વધારે રસ દર્શાવ્યો.
‘હતો એ મિત્ર ! એણે મને પરીક્ષામાં પહેલો આવવા દીધો હતો ! પોતાના પૈસા મને આપી એણે વ્યાપાર કરાવ્યો… નફામાં ભાગ ન લીધો. અને મને જ ધનિક થવા દીધો !’ રાવબહાદુરે કહ્યું.
‘તે તમે ક્યાં એને ભાગ આપવા ના પાડી હતી ?’ માએ કહ્યું.
‘એ ક્યાં છે, હમણાં ?’ જ્યોત્સ્નાને પૂછ્યું.
‘વર્ષોથી એ દેખાયો નથી.’ રાવબહાદુરે કહ્યું.
‘એમ? આપણે તપાસ કરાવી હતી ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘અરે, એની તપાસ કરનારાં તો કંઈક માણસો હતાં !… પોલીસ સુધીનાં માણસો.’ માતાએ કહ્યું.
માતાને એ વાત બહુ ગમતી હોય એમ દેખાયું નહિ, અને જ્યોત્સ્નાએ એ બદલ કાંઈ વધારે પ્રશ્નો પૂછ્યા નહિ.
મધુકર એટલામાં સુરેન્દ્રને વિદાય કરી પાછો આવ્યો.
‘આજ તો હું જરા રખડી આવું.’ જ્યોત્સ્નાએ માતા-પિતાની પરવાનગી માગી. માતા-પિતાની સાથે જ્યોત્સ્ના આજ જવા માગતી ન હતી એ વાત સ્પષ્ટ હતી. માતા-પિતા પણ ઈચ્છી રહ્યાં હતાં કે જ્યોત્સ્ના ભલે મધુકરને લઈને એકલી ફરવા નીકળે. કોઈ પણ યુવક તરફ ન આકર્ષાતી પુત્રી મહામુશ્કેલીએ મધુકરનો સાથ સ્વીકારતી થઈ હતી. અને મધુકરે પોતાની આવડત અને સફાઈથી એ માતા-પિતાને એટલાં પ્રસન્ન કર્યાં હતાં કે જ્યોત્સ્ના સહજ હકાર ભણે તો તેનાં મધુકર સાથે લગ્ન કરી નાખવાની પણ તેમના હૃદયમાં ઉત્કંઠા જાગી હતી. ઘણી વાર પુત્રી માટે પતિની શોધ એ માતા-પિતાનો ભવ્ય વ્યવસાય થઈ પડે છે. એ વ્યવસાય જ્યોત્સ્ના અને મધુકરનાં લગ્ન થાય તો સંપૂર્ણ થાય એવી આકાંક્ષા પણ માતા-પિતાને રહેવા લાગી. જ્યોત્સ્ના મધુકર સાથે ફરવા જતી હતી ખરી, પરંતુ હજી સુધી માતાપિતાએ જ્યોત્સ્નાના વર્તનમાં એવું કશું ભાળ્યું ન હતું કે જે તેમને બંને વચ્ચેના પ્રેમની સાક્ષી આપે. તેઓ ઇચ્છતાં હતાં કે એવું કાંઈ બને. પરંતુ સાથે ફરવા જવા છતાં મધુકર અને જ્યોત્સ્ના બંનેના વર્તનમાં અતિ નિકટતાના અંશ હજી ઉદ્ભવ્યા દેખાતા નહિ.
‘એકલી જાય છે ?’ માતાએ પૂછ્યું.
‘ના. મધુકરને હું સાથે લઈ જાઉ છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘મારું અહીં કાંઈ કામ ન હોય તો… તો હું આવું.’ મધુકરે પોતાની ફરજનું ભાન સહુને કરાવ્યું.
‘હવે કાંઈ કામ નથી… ભલે, તમે જઈ શકો છો…’ રાવબહાદુરે કહ્યું, અને મધુકર તથા જ્યોત્સ્ના એકબીજાથી જરા દૂર રહીને સાથે સાથે ચાલતાં કારમાં બેસી બહાર નીકળી ગયાં.
‘આ બેને બનશે એમ હું ધારું છું.’ યશોદાએ કહ્યું.
‘શા ઉપરથી ?’ રાવબહાદુરે પૂછ્યું.
‘આટલાં સાથે ફરે છે તે તમે જોતાં નથી ?’
‘કદાચ… મધુકર આપણા ઘરમાં નોકરી કરે છે એ જ્યોત્સ્નાને ખટકતું હોય તો ?… જ્યોત્સ્નાને પૂછી જોઈએ તો ?’
‘હું ખાતરી આપું છું કે મધુકર જ્યોત્સ્નાને ગમે છે. સ્ત્રીઓની આંખ સ્ત્રીઓ જ વાંચી શકે.’ યશોદાગૌરીએ પોતાનો અનુભવ કહ્યો.
‘મને સહજ ડર હતો પેલા સુરેન્દ્રનો… પણ એ તો આજે વિદાય થયો… જ્યોત્સ્નાની જ મરજીથી… હવે મધુકર માટે મને આશા ખરી.’ રાવબહાદુરે કહ્યું. ‘બાળકો ધારતાં નહિ હોય એટલી કાળજીથી વડીલો તેમના પ્રેમજીવન ઉપર નજર નાખી રહે છે !’
‘સુરેન્દ્રમાં તે શું બળ્યું છે ?… નર્યો સૂમડા જેવો… નમસ્કાર સિવાય એને બીજું કાંઈ આવડતું લાગતું જ નથી…’
‘યાદ છે તને પેલો… યશવંત ?… આખી દુનિયા એને સૂમડો માનતી… છતાં… તને એનું કેટલું ઘેલું લાગ્યું હતું તે ?… એ પરણી ગયો ન હોત તો… તું મને પરણવાની ન હતી !… યાદ છે ને ?’
‘બળી તમારી યાદ ! મૂકો ને નાનપણની વાતો ! બધી ઘેલછાના કંડિયા આજ ખોલવા નથી… અને સુરેન્દ્ર તો હવે ગયો જ છે ને ? હું આજ જ્યોત્સ્ના પાછી આવે એટલે એને પૂછી જોઉ છું.’
‘શું ?’
‘કે મધુકર એને ગમે છે કે નહિ.’
‘એ ના કહેશે તો ?’
‘શા માટે એ ના કહે ? એ જેને ન ગમે એને આંખ નહિ ! આટલો દેખાવડો, ચબરાક, ભણેલો…’
‘પરંતુ આપણી સંપત્તિ અને એની ગરીબીનો મેળ પડશે ખરો ?’
‘આંખને જે માનવી ગમે એની સંપત્તિ જોવાની છોકરીઓને ફુરસદ હોતી નથી… અને પછી તો આપણી સંપત્તિ એની જ બનશે ને ?’
‘કદાચ… આપણો પગાર પામતા પુરુષને જ્યોત્સ્ના પસંદ ના પણ કરે.’
‘એ આપણા હાથની વાત છે. એને નોકર મટાડી દઈએ… જો એ જ્યોત્સ્ના સાથે લગ્નની હા પાડે તો.’ યશોદાબહેને રસ્તો બતાવ્યો.
‘કદાચ… મધુકર તો હા પાડશે જ. પરંતુ જ્યોત્સ્ના ના કહે તો ?’
‘એને હું સમજાવીશ… અને જુઓ… મધુકરને વધારે ભણવા માટે વિલાયત-અમેરિકા મોકલીએ તો વળી એની કિંમત ઘણી વધી જાય… જ્યોત્સ્નાની આંખમાં.’ બુદ્ધિમાન યશોદાગૌરીએ લગ્નબજારની તેજીમંદીનું અજબ જ્ઞાન દર્શાવતાં કહ્યું.
અને સર્વથા વિજય પામીને શિથિલ બની ગયેલા રાવબહાદુરે આ યોજના પસંદ કરતાં કહ્યું :
‘હા… એ ઠીક છે… જ્યોત્સ્ના પણ ઘણી વાર કહે છે કે એને પરદેશ જઈ વધારે ભણવું છે… બંનેને મોકલીએ…’
‘પણ તે પરણ્યા પછી. પરણ્યા વગર છોકરા-છોકરીને વિલાયત મોકલવાં એટલે જ કે એમને પરદેશી છોકરા-છોકરી સાથે પરણાવવાં ! મારે એમ કરવું નથી… જ્યોત્સ્ના સાથે લગ્ન કરે તો મધુકર પરદેશ જાય… મધુકર સાથે જ્યોત્સ્ના લગ્ન કરે તો… ભલે… જ્યોત્સ્ના પરદેશ જાય… બન્ને સાથે… હું કહું છું એ ઠીક છે… થઈ ગયું જ માનો.’ યશોદાગૌરીએ સ્ત્રીસહજ યોજના દર્શાવી અને જ્યોત્સ્નાનાં માતાપિતા એ યોજના સફળ થઈ એમ માની લઈ અત્યંત રાજી થયાં.
યશોદાગૌરી જ્યોત્સ્નાની આવવાની રાહ જોવા લાગ્યાં. ક્યારે એ છોકરી આવે અને એને લગ્નની મનગમતી વાત તેઓ સમજાવે !
ડાહી દીકરીને સમજાવવામાં તો વાર લાગવાની જ નથી ! જ્યોત્સ્નાએ કદી માબાપનો બોલ ઉથાપ્યો નથી ! માતાપિતાની એ ભવ્ય શ્રદ્ધા !