સ્વામી વિવેકાનંદ/અમેરિકામાં પુનરાગમન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઈંગ્લાંડની મુલાકાત સ્વામી વિવેકાનંદ
અમેરિકામાં પુનરાગમન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ઈંગ્લાંડની બીજી મુલાકાત →


પ્રકરણ ૩૭ મું – અમેરિકામાં પુનરાગમન.

સ્વામીજી ઈંગ્લાંડમાં હતા ત્યારે અમેરિકામાં તેમના શિષ્યો સારી રીતે વેદાન્તના પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા. સ્વામીજીના મુખ્ય અમેરિકન શિષ્યોમાં સ્વામી કૃપાનંદ, સ્વામી અભયાનંદ અને મીસ વોલ્ડો હતાં. ન્યુયોર્કમાં તેઓ નિયમિત રીતે અઠવાડીક સભાઓ ભરતા અને તેમાં વેદાન્તનો બોધ આપતા હતા. વળી અન્ય નગરોમાં પણ તેનો પ્રચાર કરવાનું તેઓ ચૂક્યા નહોતા. સર્વત્ર તેમનો બોધ વધાવી લેવામાં આવતો હતો. લોકો તેમનું કહેવું ઘણી ખુશીથી સાંભળતા હતા. ઘણી જગ્યાએ તેમણે નવી વેદાન્ત સભાઓ પણ સ્થાપી હતી. બફેલો અને ડેટ્રોઈટમાં ઘણા જિજ્ઞાસુઓ તેમના કાર્યમાં મદદ કરી રહ્યા હતા અને ત્યાં પણ વેદાન્ત સભાઓ સ્થાપવામાં આવી હતી.

ત્રણ મહીના સુધી ઈંગ્લાંડમાં રહ્યા પછી સ્વામીજી ન્યુયાર્કમાં પાછા આવ્યા. આ વખતે તેમની તબીયત ઘણી સારી હતી. તેમણે હવે પોતાનું મુખ્ય મથક ન્યુયોર્કમાં કર્યું. ત્યાં તે સ્વામી કૃપાનંદ જોડે રહેવા લાગ્યા. દોઢસો માણસ બેસી શકે એવી બે મોટી ભાડાની આરડીઓમાં “કર્મમોગ” ઉપર તેમણે ભાષણો આપવાં શરૂ કર્યાં. બીજા પણ અનેક વિષયો ઉપર તે બોધ આપતા અને એમ એક અઠવાડીઆમાં સત્તર ભાષણો આપતા. તેમનાં ભાષણો લખી લેવાને માટે તેમના શિષ્યોએ એક પગારદાર માણસને રોક્યો હતો. તે ટુંકી ભાષામાં તેમનાં સઘળાં ભાષણો ઉતારી લઇને પછી પુરેપુરાં તૈયાર કરી રાખતો હતો. તેનું નામ જે. જે. ગુડવીન હતું. પાછળથી ગુડવીન સ્વામીજીનો ચુસ્ત શિષ્ય બની રહ્યો હતો. સ્વામી વિવેકાનંદને ગુડવીને જે દિવસે જોયો તે દિવસથી જ તે તેમના તરફ આકર્ષાઈ ચૂક્યો હતો. તે સંસારી મનુષ્ય હતો અને તેણે અનેક પ્રકારના અનુભવો મેળવ્યા હતા, છતાં સ્વામીજીના સમાગમમાં આવ્યો ત્યારથી જ તેણે સંસાર વ્યવહારને ગૌણ સ્થાન આપતા ચાલી પરમાર્થ સાધનને મુખ્ય સ્થાન આપવા માંડ્યું હતું. આગળ જતાં સ્વામીજીની જાતની કાળજી પણ તેજ લેવા લાગ્યો. રાતદિવસ તે કામ કરતો અને સ્વામીજીનાં સઘળાં ભાષણો ઉતારીને વર્તમાનપત્રો ઉપર મોકલી દેતો. જ્યાં જ્યાં સ્વામીજી જતા ત્યાં ત્યાં તે જતો. સ્વામીજી તેને “મારો વિશ્વાસુ ગુડવીન” કહેતા. સ્વામીજીની જોડે તે ઈંગ્લાંડ પણ ગયો હતો અને ત્યાંથી તેમની સાથે જ તે હિંદુસ્તાનમાં આવ્યો હતો. હિંદુસ્તાનમાં પોતાના ગુરૂનું કાર્ય કરતાં કરતાં જ તેનો દેહ છૂટી ગયો હતો. તેના મૃત્યુ પછી સ્વામીજી કહેતા કે “મારો જમણો હાથ ગયો.” એક પાશ્ચાત્ય શિષ્ય સ્વામીજીને કેટલો બધો ઉપયોગી થઈ રહ્યો હતો તેનો ખ્યાલ તેમના ઉપરના શબ્દોથી સહજ આવી શકશે. અત્યારે સ્વામીજીનાં જે જે ભાષણો અંગ્રેજીમાં આપણા વાંચવામાં આવે છે તે સર્વને માટે આપણે ગુડવીનનાજ આભારી છીએ. તેના વિષયમાં સ્વામીજીએ એકવાર નીચે પ્રમાણે લખ્યું હતું.

“તેના ઉપકારનો બદલો હું કદીએ વાળી શકું તેમ નથી. જે મનુષ્યોને મારા વિચારોથી કંઈ પણ લાભ થયેલો છે તે સર્વેએ જાણવું જોઇએ કે તેમનો શબ્દે શબ્દ મી. ગુડવીનના અથાગ શ્રમ અને નિઃસ્વાર્થ કાર્યથીજ પ્રસિદ્ધિમાં આવેલો છે. તેના મૃત્યુથી મેં એક સાચો મિત્ર અને અસ્ખલિત ભક્તિભાવવાળો શિષ્ય ગુમાવ્યો છે. થાક શી વસ્તુ છે તેનો જેને ખ્યાલ પણ નહિ એવો એક મદદગાર કાર્યકર્તા અને અન્ય મનુષ્યને માટેજ જીવનાર એક વિરલ પુરૂષ જગતમાંથી ચાલ્યો ગયો છે.”

ન્યુયોર્કમાં પીપલ્સ ચર્ચમાં અને બ્રુક્લીનની મેટાફીઝીકલ સોસાયટીમાં મોટી જનસંખ્યા આગળ તેમનાં ભાષણો ચાલુ રહેવા ઉપરાંત

ખાનગી વર્ગોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા હવે વધવા લાગી. તેમની ઓરડીઓમાં સઘળા શ્રોતાઓનો સમાવેશ થઈ નહિ શકવાથી પંદરસેં માણસો સમાય એવો એક મોટો હૉલ ભાડે રાખવામાં આવ્યો અને ત્યાં તે વર્ગો ભરાવા લાગ્યા. “ભક્તિયોગ,” “મારા ગુરૂ–શ્રી રામકૃષ્ણ પરમહંસ,” “દૃષ્ટ અને અદૃષ્ટ–પુરૂષ” વગેરે તેમના ભાષણોના મુખ્ય વિષયો હતા. ફેબ્રુઆરી માસમાં તેમને હાર્ટફર્ડ મેટાફીઝીકલ સોસાયટી આગળ ભાષણ આપવાનું આમંત્રણ આપ્યું. ત્યાં સ્વામીજીએ “આત્મા અને ઈશ્વર” ઉપર આપેલા સુંદર વ્યાખ્યાન વિષે હાર્ટફર્ડ ડેલી ટાઇમ્સે નીચે પ્રમાણે લખ્યું હતું.

“સ્વામી વિવેકાનંદના વિચારો જિસસ ક્રાઈસ્ટને મળતા છે ખરા; પણ આપણા ખ્રિસ્તીઓના વિચારોને તે મળતા નથી. તેમના હૃદયની વિશાળતામાં સઘળા ધર્મો અને સઘળી પ્રજાઓનો સમાવેશ થઇ જાય છે. ગઈ રાત્રે ઘણીજ સાદાઈથી તેમણે વાત કરી હતી. તેમની સાદાઈ અત્યંત મોહક છે. તેમણે લાંબો ભગવો ઝબ્બો પહેર્યો હતો અને માથે પીળો ફેંટો બાંધ્યો હતો. તેમનું મુખ એશીઆના લોકો જેવું સુંદર છે. પોતાના દેખાવથી તે પ્રત્યેકની આંખને બહુજ આકર્ષક લાગતા હતા અને પોતાના સુંદર આધ્યાત્મિક વિચારોના કથનથી તે પ્રત્યેક કર્ણને પ્રિય થઈ રહ્યા હતા. તે ઘણું સારૂં અંગ્રેજી બોલે છે અને શબ્દો ઉપર એવી રીતે ભાર દઈને બોલે છે કે તેથી તેમનો વાર્તાલાપ અત્યંત સુંદર લાગે છે.”

અમેરિકામાં સ્વામીજીનું નામ સર્વને મોહ ઉપજાવે તેવું થઇ રહ્યું હતું. ન્યુયોર્કની કેટલીક સભાઓ તો તેમની પાછળ ગાંડી ઘેલીજ બની રહી હતી. તેમનો શ્રોતૃવર્ગ ધનવાન અને સુશિક્ષિત મનુષ્યોનો બનેલો હતો. ધી ન્યુયોર્ક હેરલ્ડ પત્રનો ખબરપત્રી લખે છે કે;– “સ્વામીજીના વર્ગોની મેં મુલાકાત લીધી ત્યારે ત્યાં ઘણા બુદ્ધિશાળી અને શ્રીમાન મનુષ્યો મારી નજરે પડ્યા હતા. તેઓ સરસ પોશાકમાં સજ્જ થયેલા હતા. તેમાં ઘણા દાક્તરો, વકીલો, વેપારીઓ અને સભ્ય સ્ત્રીઓનો પણ સમાવેશ હતો.”

સ્વામીજીના કાર્યની ફતેહનું વર્ણન આપતાં હેલન હન્ટીંગટન લખે છે કે;–

“પ્રભુએ હિંદુસ્તાનમાંથી એક બ્રહ્મનિષ્ઠ ગુરૂને અમારા તરફ મોકલેલો છે. તેમનું ઉચ્ચ તત્ત્વજ્ઞાન ધીમે ધીમે અમારા દેશમાં પ્રસરે છે અને અમારા નૈતિક વાતાવરણમાં મોટો ફેરફાર કરતું ચાલે છે. તે અસાધારણ શક્તિ ધરાવે છે. તે અત્યંત પવિત્ર છે. ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો તે ખરેખરો પુરાવો આપી રહેલા છે. સર્વ સંગ્રાહ્યધર્મ, અસ્ખલિત સખાવત, સ્વાર્થ ત્યાગ અને શુદ્ધમાં શુદ્ધ વિચારોનું તે જીવંત દૃષ્ટાંત છે. સ્વામી વિવેકાનંદ કોઈ અમુક પંથ કે સિદ્ધાંતના હિમાયતી નથી. તેમનો ધર્મ નિષ્કલંક છે. તે અમને ઉચ્ચ સ્થિતિએ લઈ જાય છે, તે અમને પવિત્ર બનાવે છે અને તે અમને સર્વ રીતે અનુકુળ છે. તેમનો સર્વોપયોગી નિષ્કલંક ધર્મ પ્રભુ અને મનુષ્ય પ્રત્યે પ્રેમ અને અત્યંત પવિત્રતા ઉપર રચાયલો છે.”

“સ્વામી વિવેકાનંદને તેમના અનુયાયીઓ શિવાય પણ બીજા પુષ્કળ મિત્રો છે. સઘળા માનવ વર્ગો સાથે તે એક સરખી રીતે મિત્રાચારી અને ભ્રાતૃભાવની લાગણી ધરાવે છે. તેમના વર્ગો અને ભાષણોમાં અમેરિકાના ઘણા બુદ્ધિમાન મનુષ્યો અને મોટા વિચારકો જાય છે. તેમના બોધની અસરથી અમેરિકનોના હૃદયમાં આધ્યાત્મિક વૃત્તિ જાગૃત થએલી છે અને તેનો પ્રબળ પ્રવાહ ઘણો ઉંડો વહી રહેલો છે. પોતાની પ્રશંસાથી તે કદી ફુલાયા નથી અને નિંદાથી ગુસ્સે થયા નથી. દ્રવ્ય કે સત્તાના પ્રભાવથી તે કદી અંજાયા નથી. તે એવા મનુષ્ય છે કે શહેનશાહો પણ તેમને ખુશીથી માન આપે.”

સ્વામીજીના બોધથી ત્રણ સુશિક્ષિત મનુષ્યોએ સંન્યાસ ગ્રહણ કર્યાની વાત આગળ જણાવાઈ ચૂકી છે, તે ઉપરાંત બીજા પણ પુષ્કળ મનુષ્યો હવે તેમના શિષ્યો બની રહ્યા અને સ્વામીજીએ તેમને બ્રહ્મચર્યદિક્ષા આપી. અમેરિકા જેવા જડવાદથી ભરેલા દેશમાં મનુષ્યો આ પ્રમાણે ખરા સત્યનો અનુભવ કરવાને વૈરાગ્ય માટે મુખ્ય સાધન તરીકે ગણે, એ બનાવ દર્શાવે છે કે સ્વામીજીના ચારિત્ર અને સદ્‌બોધની અસર ત્યાં કેટલી અસામાન્ય થઈ રહી હતી. સઘળાં વર્તમાનપત્રો હવે એકે અવાજે કહેવા લાગ્યા કે “એ બનાવ સુચવે છે કે સ્વામીજીના બોધની અસર સદાએ કાયમ જ રહેશે.” અમેરિકામાં સ્વામીજીને ભારે માન મળતું જોઈને કંઈક શંકાથી અને કંઈક ટોળથી સ્વામી કૃપાનંદે હિંદુસ્તાનના બ્રહ્મવાદિન માસિકમાં એકવાર લખી મોકલ્યું હતું કે,

“સ્વામીજી ભારતવર્ષના પુત્ર છે એમ હિંદવાસીઓ જલદીથી સાબીત કરે તો ઠીક ! અમેરિકનો યુનાઈટેડ સ્ટેટસના જ્ઞાનચક્ર (એનસાઈક્લોપીડીઆ) ને માટે સ્વામીજીનું જીવનચરિત્ર લખવાના છે, અને આ પ્રમાણે તેઓ સ્વામીજીને એક અમેરિકન બનાવવા માગે છે. વખત એવો પણ આવે તો નવાઈ નથી કે હોમરની જન્મભૂમિ હોવાનું માન મેળવવાને માટે જેમ સાત શહેરો વચ્ચે વાંધો ઉઠી રહ્યો હતો તેમ વિવેકાનંદને પોતાના પુત્ર ગણવાને માટે સાત સાત મુલકો વચ્ચે કલહ ઉભો થઈ રહે. અને હિંદને આવા એક ઘણા યશસ્વી પુત્રને જન્મ આપ્યાનું માન ખોવું પડે !”

સમય જતો ગયો તેમ અમેરિકાના ઘણા તત્ત્વજ્ઞાનીઓ, કવિઓ, લેખકો અને વિજ્ઞાનશાસ્ત્રીઓ સ્વામીજીની પાસે આવવા લાગ્યા અને તેમનો બોધ ગ્રહણ કરવા લાગ્યા. એમાં એક મીસીસ ઈલા વીલર વિલ્કોક્સ પણ હતી. એ બાઈ અમેરિકામાં એક શ્રેષ્ઠ કવિ અને લેખક તરીકે પ્રખ્યાત હતી. સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી તે હિંદુધર્મની એક ચુસ્ત અનુયાયી બની રહી હતી. સ્વામીજી અને હિંદુધર્મ વિષે તે લખે છે કે;—

“બાર વર્ષ ઉપર એક વખત સાંજે મેં સાંભળ્યું કે સ્વામી વિવેકાનંદ નામના હિંદુ સાધુ ન્યુયોર્કમાં અમુક જગ્યાએ ભાષણ આપવાના છે. હું અને મારા પતિ બંને ઘણી આતુરતાથી તેમનું ભાષણ સાંભળવાને ગયાં. અમે દસેક મિનિટ ભાષણ સાંભળ્યું અને જાણે અમે કોઈ ઉચ્ચ, પવિત્ર, અલૌકિક અને બલદાયક વાતાવરણમાં ઉડી રહ્યાં હોઈએ એવો અમને ભાસ થયો. અમે આશ્ચર્યચકિત થઈને તેમનું ભાષણ છેવટ સુધી સાંભળ્યું અને તે સમાપ્ત થઈ ગયા પછી જ્યારે અમે ઘેર જવાને નીકળ્યાં ત્યારે અમે જુદીજ હિમ્મત, અવનવી આશાઓ, વિલક્ષણ સામર્થ્ય અને અલૌકિક શ્રદ્ધા અનુભવી રહ્યાં હતાં કે જે જીવનનાં ગમે તેવાં પરિવર્તનોની સામે પણ બાથ ભીડવાને સમર્થ હતાં. એ સમયે મારા પતિ બોલ્યા હતા કે, “આનું જ નામ ઈશ્વર સંબંધી જ્ઞાન ! જે ધર્મને હું ખોળું છું તે આજ છે !” એ પછી ઘણા મહિના સુધી મારા પતિ મારી સાથે વિવેકાનંદનો બોધ સાંભળવાને આવ્યા અને તેમની પાસેથી સનાતન હિંદુ ધર્મના સિદ્ધાંતો અને અનેક બળદાયક સત્યો ગ્રહણ કરતા ચાલ્યા. આર્થિક આફતોનો તે ઘણો ભયંકર વખત હતો, નાણાંની પેઢીઓ ઉપરા ઉપરી તૂટતી હતી; શેરોના ભાવ ઉતરતા હતા; ધંધાદારીઓ નિરાશામાં આવી પડ્યા હતા અને આખું જગત ઉથલપાથલ થઈ રહ્યું હતું. ઘણી વખત તો મારા પતિ આ આપદકાળની મહેનત અને ચિંતાને લીધે રાતે ઉંઘી પણ શકતા નહિ; પરંતુ સવારે મારી સાથે સ્વામીજીનું ભાષણ સાંભળીને પાછા જતી વખતે તે હસતે હસતે બોલતા કે “હા, ઠીક છે ! ચિંતા કરવાનું કંઈ પણ કારણ નથી.” ઘર કામ પરવાર્યા પછી મારાં કાર્યો બજાવવાને હું બહાર ચાલી જતી ત્યારે પણ મને આત્માની ઉચ્ચ અવસ્થાનું ભાન થઈ રહેતું અને મારી માનસિક દૃષ્ટિ ઘણી વિશાળ બની રહેતી. જે તત્ત્વજ્ઞાન કે ધર્મ આવા હાડમારીના દિવસોમાં મનુષ્યોને માટે આટલું બધું કરી શકે, ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા દૃઢ કરી શકે, માનવજાતિ પ્રત્યે ભાતૃભાવની લાગણી વધારી શકે અને તેમનાં હૃદયમાં પુનર્જન્મના સુખદ વિચારોથી ખાત્રીપૂર્વક હર્ષ ઉપજાવી શકે, તેજ ધર્મ શ્રેષ્ઠ અને મોટો કહેવાય.”

“ખરેખર અમારા મહાન હિતને ખાતરજ આર્ય તત્ત્વજ્ઞાન અમારે સમજવું જોઈએ. વિવેકાનંદે અમને કહેલું છે કે “તમે સત્યને માર્ગે તમારું જીવન ગાળો અને તમારા આત્મામાં પ્રકાશ ઉત્પન્ન કરી મૂકો એવું હું ઇચ્છું છું.” તેમના બોધથી અમારા ધંધાદારીઓને સામર્થ્ય મળેલું છે, અસ્થિર મનની સ્ત્રીઓ સ્થિર બનીને ઉચ્ચ વિચાર સેવવા લાગી છે અને કારીગરોમાં નવી નવી આશાઓ ઉત્પન્ન થઈ છે. તેમના બોધવડે કરીને પતિ, પત્ની, માતા, પિતા સર્વેને પોતાની ફરજોના ઉચ્ચ અને પવિત્ર ખ્યાલ આવેલો છે.”

આ પ્રમાણે અમેરિકાની સુધરેલી પ્રજાના હૃદયમાં સ્વામીજીએ ઘણો અગત્યનો ફેરફાર કરી મૂક્યો હતો. પાશ્ચાત્ય સુધારાનો પ્રવાહ ફેરવીને તેમણે તેને અન્ય સંસ્કારી માર્ગે વહેતો કર્યો હતો. અસંખ્ય અમેરિકનો હવે સંસ્કારી બની પોતાને વેદાન્તીઓ કહેવડાવવામાં ગર્વ ધરતા હતા. આ વખતે સ્વામીજીનો વિચાર એવો થઈ રહ્યો હતો કે વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો અને પુરાણોમાંથી આત્મા સંબંધી સર્વ વિચારો એકઠા કરીને ઘણી સરળ ભાષામાં લખવા અને પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોથી તેમને સાબીત કરવા. યોગ, સાંખ્ય, વગેરેને પણ આધુનિક માનસશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોના સિદ્ધાંતોમાં ઘટાવી મૂકવાં કે જેથી કરીને તેઓની સત્યતા પુરવાર થઈ રહે અને સર્વે તેમને સમજી શકે. કાર્ય ઘણું કઠિન હતું, પણ સ્વામીજીની અસાધારણ બુદ્ધિએ તેને બહુ ત્વરાથી અને ઉત્તમ પ્રકારે પાર પાડેલું છે. પોતાના ધારેલા કાર્યને સિદ્ધ કરવાને માટે તે કેવો અથાગ શ્રમ લઈ રહ્યા હતા ? તેઓ સઘળા વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો, પુરાણો, વગેરેને એકઠાં કરી તેમાંથી સાર કહાડી રહ્યા હતા અને તે સાદી અને સરળ ભાષામાં જનસમૂહને સમજાવી રહ્યા હતા. હિંદુઓના આધ્યાત્મિક વિચારો આધુનિક વિજ્ઞાનશાસ્ત્રની વિરૂદ્ધ નથી, એટલુંજ નહિ પણ આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર ઉલટું તેમને વધારે ને વધારે સિદ્ધ કરતું ચાલે છે, એમ જો કોઈએ પુરવાર કરી બતાવ્યું હોય તો તેનું સઘળું માન સ્વામી વિવેકાનંદનેજ ઘટે છે.

સ્વામી વિવેકાનંદનાં ભાષણો શ્રોતાજન ઉપર કોઈ નવોજ પ્રકાશ પાડતાં હતાં. સનાતન હિંદુ ધર્મનું ખરું રહસ્ય તે નવીન સ્વરૂપમાંજ પ્રગટ કરતા હતા. તેમની પ્રતિપાદન કરવાની શક્તિ બહુ અજબ હતી. તે જે સત્યો પ્રગટ કરતા તે ઉપનિષદોના રહસ્ય રૂપજ હોવા છતાં આધુનિક ભૌતિકવિજ્ઞાનના અભ્યાસીઓને તે ગ્રાહ્ય થાય તેવી યુક્તિથી તેમને સમજાવતા હતા. પૂર્વ અને પશ્ચિમ બંનેનો તેમણે અનુભવ લીધો હતો. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓમાં તે પારંગત થયેલા હતા. તેમનું વિશાળ હૃદય અને ઉંડું જ્ઞાન, એ બંનેની તુલના કરી દરેકની મહત્તા અને ઉપયોગિતા કેટલી છે તે વાત યથાવત્‌ સમજાવતું હતું. તેમના સઘળા લેખો અને કથનો વેદાન્ત ઉપર નવીન ભાષ્ય યા ટીકા રૂપેજ હતાં. ભારતવર્ષમાં સઘળા ટીકાકારો એક બીજાની વિરૂદ્ધ લખી રહેલા છે એમ જાણીને તે કોઈ પણ ટીકાકારને શ્રેષ્ઠ પ્રમાણ તરીકે સ્વીકારતા નહોતા. વેદ કે કોઈ પણ શાસ્ત્ર ઉપર જ્યારે તે ટીકા કરતા ત્યારે તેને તે નવીન સ્વરૂપમાંજ સમજાવતા; છતાં તેમનો કોઈ પણ વિચાર વેદ, ઉપનિષદ કે પોતાના ગુરૂના વિચારોથી વિરૂદ્ધ નહોતા. હિંદુ શાસ્ત્રોમાં પ્રવર્તી રહેલી યુક્તિ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રને સંમત નથી એમ જાણીને હિંદુ તર્ક અને ન્યાયને ફરીથી આધુનિક બુદ્ધિને માટે ઉપયોગી બનાવવાને તે પ્રયાસ કરી રહ્યા હતા. હિંદુઓનું તત્વજ્ઞાન અજેય છે. આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતોથી પણ તે તોડાય તેવું નહિ હોવા છતાં તે તત્વજ્ઞાનને સમજાવવાની યુક્તિ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો આગળ ટકી શકે તેવી નથી એમ તે સમજતા હતા. તેથી કરીને હિંદુ તર્ક અને ન્યાયને તે કેવી રીતે રજુ કરતા તે નીચેની બીના ઉપરથી ઠીક સમજાશે.

સ્વામીજી હારવર્ડ યુનીવર્સીટિના પ્રોફેસરોએ સ્થાપેલી સભામાં ભાષણ આપવાને માટે ગયા હતા. ત્યાં ભાષણ સમાપ્ત થયા પછી પ્રોફેસરોએ સ્વામીજીને અનેક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના ઉત્તરો તેમણે આપ્યા હતા. તે ઉત્તરો આધુનિક વિચારોને અનુકુળ થાય તેવી રીતે આપવામાં આવ્યા હતા. પ્રાચીન સિદ્ધાંતો ઉપર કેવો નવીન પ્રકાશ સ્વામીજી પાડી રહ્યા હતા તે એ ઉપરથી સમજાશે. સ્વામીજીને પૂછવામાં આવ્યું હતું કે “માયા અથવા અજ્ઞાન શા માટે અસ્તિત્વ ધરાવે છે ?” તેમણે જવાબ આપ્યો હતો કે, “શા માટે–એ પ્રશ્ન કારણભાવમાં નહિ પણ કાર્યભાવમાંજ ઉદ્ભવી શકે છે. માયાના પ્રદેશમાંજ એ પ્રશ્નનો સંભવ હોઈ શકે. જ્યારે એ પ્રશ્નને ન્યાયશાસ્ત્રના નિયમ પ્રમાણે ગોઠવવામાં આવશે ત્યારેજ અમે તેનો ઉત્તર આપીશું.” જ્યારે એમ કહેવામાં આવ્યું કે, “સમાધિ એટલે કર્તાનું કર્મમાં લય થઈ જવું” ત્યારે સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા કે; કર્મનો કર્તામાં લય થઈ જવો અને નહિ કે કર્તાનો કર્મમાં લય થઈ જવો !” દૃશ્ય અને દર્શન રૂપી આ સમગ્ર જગત્‌ જે પોતાના અજ્ઞાન રૂપી વિકારને લીધે દૃષ્ટારૂપી જીવને પ્રતીત થઈ રહ્યું છે, તે એ અજ્ઞાન વિકારનો જ્ઞાનવડે નાશ થતાં દોરડીમાંનો મિથ્યા સર્પ નષ્ટ થાય તેમ નષ્ટ થઈ જઈને, મિથ્યા તેમજ પરિચ્છિન એવો દૃષ્ટાભાવ પણ પોતાના અધિષ્ઠાન ભાવમાં આવી જઈ શુદ્ધ સચ્ચિદાનંદ એ પરબ્રહ્મ પરમાત્મા જ રહે છે.” તેમને પૂછવામાં આવ્યું કે “શું અદ્વૈતવાદ દ્વૈતવાદનો વિરોધી છે ?” સ્વામીજીએ ઉત્તર આપ્યો હતો કે “ઉપનિષદો વ્યવસ્થિતપણે લખવામાં આવેલાં નથી, તેથી તત્વજ્ઞાનીઓએ ગમે તે એક વાદ બાંધવાને માટે પોતાને અનુકુળ આવે તેવાંજ વચનો તેમાંથી લીધેલાં છે. જુદા જુદા વાદને માટે લેવાયલાં સઘળાંજ કથનો ઉપનિષદોમાં મળી આવતાં હોવાથી ઉપનિષદોજ સર્વે વાદોનો આધાર થઈ રહેલાં છે. અદ્વૈતવાદ દ્વૈતવાદનો વિરોધી હોઈ શકેજ નહિ. દ્વૈતવાદ ત્રણ અવસ્થાઓમાંની એક અવસ્થા છે. દરેક ધર્મમાં એવી ત્રણ અવસ્થાઓ હોય છેજ. પહેલી અવસ્થા તે દ્વૈતવાદ છે. એ પછી મનુષ્ય જે ઉચ્ચતર અવસ્થાને પ્રાપ્ત કરે છે તેનું નામ વિશિષ્ટાદ્વૈત છે. આખરે મનુષ્યને જ્યારે એવું ભાન થાય છે કે તે અને જગત બન્ને એકજ છે ત્યારે તેનું નામ અદ્વૈત છે. આ પ્રમાણે ત્રણે અવસ્થાઓ એક બીજાની વિરોધી નથી; પણ તે એક બીજાની ઉપકારક છે.”

ન્યુયોર્કમાં વેદાન્ત સોસાયટી સ્થાપવામાં આવી હતી અને તેના પ્રમુખ તરીકે એક ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ મી. ફ્રાન્સીસ લેગેટને નીમવામાં આવ્યા હતા. એ સોસાયટી સ્થાપવામાં સ્વામીજીનો હેતુ એવો હતો કે વેદાન્તના સિદ્ધાંતોનો પ્રચાર થાય અને પૂર્વ તથા પશ્ચિમના લોકો વચ્ચે ભ્રાતૃભાવની લાગણી વધે અને તેઓ પોતાના વિચારો અને આદર્શોની આપ લે કરે. સ્વામીજીનો વિચાર એ હતો કે પૂર્વ અને પશ્ચિમમાં વેદાન્તનાં મથકો સ્થાપવાં અને તે મથકો એક બીજાની સાથે સદાએ અગત્યનો વ્યવહાર ચલાવ્યા કરે. પૂર્વ અને પશ્ચિમ બંને જાણે પોતાનાં નિવાસસ્થાનો હોય તેમ પૌર્વાત્યો અને પાશ્ચાત્યો બંનેમાં સ્વતંત્રપણે આવ જાવ કરે અને ભેદભાવને ભૂલી જાય. પોતાના કેટલાક ગુરૂભાઈઓને બોલાવીને અમેરિકામાં રાખવા અને તેઓ ત્યાં વેદાન્તનો અને ભારતવર્ષ વિષેના સઘળા ખરા વિચારોનો પ્રચાર કરે અને હિંદનું ગૌરવ વધારે; તેમજ કેટલાક અમેરિકન અને અંગ્રેજ શિષ્યો ભારતવર્ષમાં આવીને વિજ્ઞાનશાસ્ત્ર, ઉદ્યોગ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વ્યવસ્થા અને સહકારીત્વ વિષેના અતિ અગત્યના સિદ્ધાંતો હિંદવાસીઓને સમજાવે; એવી સ્વામીજીની ધારણા હતી. આ રીતે પૂર્વ અને પશ્ચિમનું સંમેલન કેવી રીતે કરવું તે વિષે સ્વામીજી રાત દિવસ વિચાર કરી રહ્યા હતા; અને પૌર્વાત્ય તથા પાશ્ચાત્યો વચ્ચે વિચારો અને આદર્શોમાં રહેલો ભેદ નષ્ટ કરવાની ધારણાથીજ ન્યુયોર્કની વેદાન્ત સોસાયટી સ્થાપવામાં આવી હતી. સ્વામીજીના વિચારની તે હજી માત્ર શરૂઆતજ હતી.

હવે પાછા ઈંગ્લાંડથી સ્વામીજીના ઉપર અનેક કાગળો આવવા લાગ્યા. તેમના અંગ્રેજ મિત્રો તેમને પાછા ઈંગ્લાંડ આવવાનું લખતા હતા; કેમકે ઈંગ્લાંડમાં તેમણે જે કાર્ય શરૂ કર્યું હતું તેને વ્યવસ્થિતપણે ગોઠવવાની જરૂર હતી; જ્યારે ન્યુયોર્કમાં તેવી વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી હતી. તેમના શિષ્યો તેમનું કાર્ય ઉપાડી લેવાને લાયક થઈ રહ્યા હતા અને વળી સ્વામીજીએ કલકત્તેથી પોતાના ગુરૂભાઈ સ્વામી શારદાનંદને પણ ત્યાં તેડાવ્યા હતા. એથી હવે સ્વામીજી પાછા ઈંગ્લાંડ ગયા.