સ્વામી વિવેકાનંદ/ઈંગ્લાંડની બીજી મુલાકાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અમેરિકામાં પુનરાગમન સ્વામી વિવેકાનંદ
ઈંગ્લાંડની બીજી મુલાકાત
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો →


પ્રકરણ ૩૮ મું – ઇંગ્લાંડની બીજી મુલાકાત.

સ્વામી વિવેકાનંદ ઈંગ્લાંડ પહોંચ્યા તે વખતે સ્વામી શારદાનંદ પણ કલકત્તેથી ત્યાં આવી પહોંચ્યા હતા. બંને જણ લંડનમાં મી. સ્ટર્ડીના અતિથિ થઈને રહ્યા. ઘણાં વર્ષથી સ્વામીજી પોતાના કોઈ પણ ગુરૂભાઈને મળ્યા નહોતા તેથી બંનેની ખુશાલીનો પાર રહ્યો નહિ. સ્વામી શારદાનંદે હિંદુસ્તાનની તેમજ આલમ બજારમાં આવેલા રામકૃષ્ણ મઠની સઘળી ખબર કહી. સ્વામીજી આ વખતે કેટલીક યોજનાઓ પોતાના મનમાં ઘડી રહ્યા હતા તે તેમણે શારદાનંદને સમજાવી.

સ્વામીજીએ હવે નિયમિત વર્ગો ચાલુ કરીને જ્ઞાનયોગ ઉપર ભાષણો આપવા માંડ્યાં. વળી દર રવીવારે જાહેરમાં પણ વ્યાખ્યાનો આપવાનાં શરૂ કર્યા. ભાષણોના વિષયો “ધર્મની આવશ્યકતા,” “સર્વ સંગ્રાહ્ય ધર્મ” વગેરે રહેતા. આ ભાષણોમાં સ્વામીજીને ઘણીજ ફતેહ મળી. પછીથી તેમણે “ભક્તિયોગ,” “વૈરાગ્ય” વગેરે વિષય ઉપર વ્યાખ્યાન આપ્યાં. “સત્ય અને પ્રતિભાસિક પુરૂષ” એ વિષય ઉપર બોલતાં સ્વામીજીએ સમજાવ્યું કે “મનુષ્યો, પ્રાણીઓ અને દૃશ્યમાન થતા આ સમગ્ર જગતની વસ્તુઓના નામ રૂપમાં એકતા પણ હોઈ શકે નહિ અને તેઓ સત્ય પણ હોઈ શકે નહિ. સત્ય વસ્તુ તે જુદીજ છે. તે અવિભાજ્ય અને અવિકારી છે અને તેજ સર્વેમાં સત્તા રૂપે રહેલી છે.” સ્વામીજીએ વળી દર્શાવ્યું કે “આપણી બુદ્ધિજ આપણને સમજાવે છે કે આ દૃશ્યમાન થતું જગત્‌ મિથ્યા છે, સર્વત્ર માત્ર એક સત્ય વસ્તુજ અસ્તિત્વ ધરાવે છે.” ઉપરનાં ભાષણોની ઘણી ઉંડી અસર થઇ રહી અને લંડનના લોકો સ્વામીજીની પ્રશંસા કરવા લાગ્યા. તેમના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. બીજાં ભાષણોમાં સ્વામીજીએ આર્ય પ્રજાનો ઇતિહાસ, તેનો વિકાસ, તેની ધાર્મિક પ્રગતિ વગેરે વિસ્તારથી કહી સંભળાવ્યાં. પછીથી તેમણે રાજયોગ ઉપર ભાષણો આપવા માંડ્યાં, આ વખતે મીસીસ બીડલ્ફને ત્યાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું. સ્વામીજી ત્યાં ગયા અને “આત્મા વિષે હિંદુઓની કલ્પના” એ વિષય ઉપર ભાષણ આપ્યું. વ્યાખ્યાન ઘણુંજ મોહક હતું. સ્વામીજીએ આર્યતત્વજ્ઞાનના વિચારોને ઘણીજ સુંદર રીતે એ દ્વારા પ્રગટ કર્યા હતા. વ્યાખ્યાન વખતે ઘણા પ્રતિષ્ઠિત મનુષ્યો આવ્યા હતા. રાજકુટુંબમાંથી પણ કેટલાંક મનુષ્યો તે શ્રવણ કરવાને આવ્યાં હતાં, પણ તેઓ ઘણી છૂપી રીતે બેઠાં હતાં. પછીથી સ્વામીજીએ નોટીંગ હીલ ગેટમાં મીસીસ હન્ટને ઘેર એક વ્યાખ્યાન આપ્યું અને વિમ્બલડનમાં એક મોટી સભાની સમક્ષ પણ પોતાના અનુપમ વક્તૃત્વ વડે સર્વોત્તમ વિચારો દર્શાવ્યા. સીસેમ ક્લબમાં સ્વામીજીએ “કેળવણી” ઉપર ભાષણ આપ્યું. તે ક્લબ સ્ત્રીઓએ સ્થાપેલી હતી અને તેનો ઉદ્દેશ સ્ત્રીકેળવણીનો પ્રચાર કરવાનો હતો. અહીંઆ સ્વામીજી હિંદની પ્રાચીન કેળવણી ઉપર ઘણા વખત સુધી બોલ્યા અને સ્પષ્ટ રીતે સૌના મનમાં ઠસાવ્યું કે હિંદની પ્રાચીન કેળવણીનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનો હતો, અને નહિ કે માત્ર ગોખણપટ્ટીજ કરાવવી ! સ્વામીજીએ પ્રાચીન અને અર્વાચીન કેળવણીની તુલના કરી અને સર્વને સમજાવ્યું કે મનુષ્યના આત્મામાં ભૂત, વર્તમાન અને ભાવી જ્ઞાનનો જે અખૂટ ભંડાર સદાને માટે ભરેલો છે; વ્યક્ત અને અવ્યક્ત સઘળું જ્ઞાન જે તેમાં રહેલું છે, તે સઘળા જ્ઞાનને મનુષ્ય પોતાના આત્મામાંથી પોતાની મેળે ખેંચી કહાડીને કૃતકૃત્ય થાય તેમ કરવામાં તેને મદદ કરવી; એજ સઘળી કેળવણીનો ઉદ્દેશ હોવો જોઈએ.

ઇંગ્લાંડની આ મુલાકાત સમયે સ્વામીજીની કીર્તિ વિશેષ પ્રસરી રહી હતી. હિંદુઓના પ્રાચીન ધર્મના ઉપદેશક તરીકે તે આવેલા છે એમ સર્વેને જાણ થઈ રહી. લંડનના જુદા જુદા ધંધાવાળા મનુષ્યો, દાક્તરો, વકીલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે સ્વામીજીનો સુંદર બોધ સાંભળવાને આવવા લાગ્યા. ઘણી સભ્ય સ્ત્રીઓ પણ શ્રવણ કરવાને આવવા લાગી. શિકાગોની સર્વધર્મપરિષદ્‌માં સ્વામીજીએ જે અપૂર્વ ફતેહ મેળવી હતી તેની જાણ સર્વને થઈ રહી હતી. વર્તમાનપત્રોમાં સર્વે એ વાંચ્યું હતું કે સ્વામી વિવેકાનંદ એક તત્વજ્ઞાની છે; ધર્મને માટે તેમણે સંસારનો ત્યાગ કરેલો છે; ગૃહસ્થાશ્રમી તરીકે તે ઘણું માન અને દ્રવ્ય પ્રાપ્ત કરી શક્યા હોત; પણ માત્ર વેદાન્તનો અભ્યાસ કરવાને અને વેદાન્તમય જીવન ગાળવાને માટેજ તેમણે સંસારસુખને ત્યજી દીધેલું છે. સ્વામીજીનું વૈજ્ઞાનીક જ્ઞાન, વક્તૃત્વશક્તિ, પ્રમાણિકતા અને પવિત્રતા જોઈને રેવરંડ હોવીઝ જેવા પાદરીઓ પણ તેમનો અલૌકિક બોધ સાંભળવાને આવવા લાગ્યા અને પ્રેમ, સહિષ્ણુતા તથા સહાનુભૂતિ વિષેના તેમના તરફથી મળતા અમૂલ્ય વિચારો હૃદયમાં ઠસાવવા લાગ્યા. સ્વામીજીના બોધથી રેવરંડ હોવીઝના મન ઉપર એવી તો અસર થઈ રહી કે તેમણે પોતે એક રવીવારે સેંટ જેમ્સીઝ ચેપલમાં “વિવેકાનંદ” એ વિષય ઉપર બે ભાષણો આપ્યાં અને તે યશસ્વી હિંદુ સાધુની ભારે પ્રશંસા કરી. લંડનના વિજ્ઞાનશાસ્ત્રીઓને ખાવાનો પણ વખત મળવો મુશ્કેલ હતો; છતાં પણ ગમે તેમ કરીને તેઓ પોતાની પ્રયોગશાળાઓમાંથી બહાર આવતા, સ્વામીજીનાં ભાષણો સાંભળવાને ઉભા રહેતા અને પછીથી સ્વામીજીની પાસે જઈને કહી આવતા કે વેદાન્તનાં સત્યો અને સિદ્ધાંતો કેવી અલૌકિક યુક્તિ અને બુદ્ધિથી તેમણે શોધી કહાડેલાં છે !

થોડા વખત પછી સ્વામીજીને મેક્સ મુલર જોડે ઓળખાણ થયું. મેક્સમુલર વેદ, ઉપનિષદો વગેરેના મોટા અભ્યાસી હતા. તેમણે પોતાનું જીવન વેદ અને વેદાન્તના અભ્યાસમાંજ ગાળ્યું હતું. ભારતવર્ષનું તત્વજ્ઞાન તેમને અત્યંત પ્રિય હતું. સંસ્કૃતમાં લખાયલાં ઘણાં પુસ્તકોનું તે અંગ્રેજીમાં ભાષાંતર કરતા હતા અને પાશ્ચાત્ય પ્રજાના હૃદયમાં હિંદુ તત્ત્વજ્ઞાન, ધર્મ અને નીતિનું ગૌરવ ઠસાવતા હતા. લગભગ ચાળીસ વર્ષ સુધી તેમણે વેદનો અભ્યાસ કર્યો હતો અને ઘણા ભારે ખર્ચથી ઋગ્વેદસંહિતાનો પુનરોદ્ધાર કર્યો હતો. તેમનું જીવન પ્રાચીન ઋષિ જેવું હતું. એક સ્વચ્છ ઝુંપડામાં તે પોતાનો વાસ કરીને રહ્યા હતા. તેમનાં પત્ની સિવાય તેમની પાસે બીજું કોઈજ હતું નહિ. વેદાન્તનાં પુસ્તકો તેમની આસપાસ પડેલાં દેખાતાં હતાં અને મેક્સમુલર તેમનું મનન કરતા જણાતા હતા. ઓળખાણ થયા પછી તેમણે વિવેકાનંદને પોતાને ઘેર આવવાનું આમંત્રણ મોકલ્યું અને સ્વામીજી તેને આભારસહિત સ્વીકારીને ઘણી ખુશીથી મેક્સમુલરને મળવા ગયા.

બંને વેદાન્તી હતા. બંને સંસ્કૃત વિદ્યામાં પારંગત હતા. બંનેનો ભારતવર્ષ પ્રતિ પૂજ્યભાવ હતો. બંને તત્ત્વજ્ઞાની હતા અને બંને હિંદના પ્રાચીન ગૌરવનો મહિમા ગાઈ રહ્યા હતા. એવા બે મહાપુરૂષો વચ્ચે થયેલી મુલાકાત બોધપ્રદજ હોય ! તે મુલાકાતનું વર્ણન સ્વામીજીએ પોતેજ આપેલું છે. સ્વામીજી લખે છે કે,

“પ્રોફેસર મેક્સ મુલર કેવા અસાધારણ મનુષ્ય છે ! થોડા દિવસ ઉપર હું તેમની મુલાકાત લેવાને ગયો હતો. મારે કહેવું જોઈએ કે હું તેમના પ્રતિ મારો પૂજ્યભાવ દર્શાવવા માટે ગયો હતો; કારણકે જે મનુષ્ય શ્રીરામકૃષ્ણને ચાહે છે તેની મુલાકાત મારે મન તીર્થયાત્રાજ છે. પછી તેનો પંથ, વેષ, ધર્મ કે જાત ગમે તે હોય. કેશવચંદ્ર સેનના જીવનમાં આટલો બધો એકાએક અને અગત્યનો ફેરફાર કઈ વ્યક્તિના પ્રભાવથી થઈ રહ્યો હતો તે જાણવાની પ્રોફેસરને પ્રથમ ઈચ્છા થઈ. એ જાણ્યા પછી તે શ્રીરામકૃષ્ણનું જીવન અને બોધવચનોના એક ચુસ્ત પ્રશંસક અને અભ્યાસી બની રહ્યા હતા.”

“મેં કહ્યું: ‘પ્રોફેસર સાહેબ ! હજારો મનુષ્યો આજે શ્રીરામકૃષ્ણને ભજી રહેલા છે ?’ તેમણે જવાબ આપ્યું કે “એમની પૂજા નહિ થાય તો પછી બીજા કોની થશે ?” પ્રોફેસર સ્નેહની મૂર્તિ હતા, મને અને મી. સ્ટર્ડીને જમવાનું આમંત્રણ તેમણે દીધું. ઓક્સફર્ડની કેટલીક કોલેજો અને બોડલીઅન લાઈબ્રેરી તેમણે મને બતાવી. સ્ટેશન સુધી તે અમને વળાવવાને આવ્યા. અને એટલું બધું એમણે કર્યું તેનું કારણ એજ હતું કે તે કહેતા કે “શ્રીરામકૃષ્ણ દેવના શિષ્યને મળવાનો પ્રસંગ કંઈ દરરોજ પ્રાપ્ત થતો નથી.” તેમની મુલાકાતથી ખરેખર મને નવુંજ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. પ્રોફેસરનું નાનું સુંદર ઘર, તેના આંગણામાંનો રમણીય બગીચો અને તેની અંદર નિવાસ કરતો શાંત, ગંભીર અને પ્રસન્ન મુખમુદ્રાવાળા વયોવૃદ્ધ મહર્ષિ મેક્સમુલર ! તેમની ઉમ્મર સિત્તેર વર્ષની હતી; છતાં પણ તેમનું ભવ્ય લલાટ એક બાળકના જેવું સ્વચ્છ હતું. તેના ઉપર એક પણ કરચલી દેખાતી નહોતી. તેના ઉપર જણાતી એકે એક રેખા તેમના આત્માના ઉંડાણમાં રહેલા આધ્યાત્મિક ખજાનાની સાક્ષી પુરી રહી હતી. તેમની સાથે માત્ર તેમનાં પત્નીજ હતાં અને તે પણ ઘણાં ઉમદા સ્વભાવનાં છે. હિંદના પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતો તરફ પાશ્ચાત્યોનું મન દોરવાને ઘણા લાંબા વખતથી મેક્સમુલર પ્રયાસ કરી રહેલા છે. તે કાર્યમાં તેમને ઘણી મુશ્કેલીઓ અને તિરસ્કારની સામે થવું પડ્યું હતું. છતાં આખરે તે ભારતવર્ષના તત્વજ્ઞાન માટે પાશ્ચાત્ય પ્રજાઓમાં માનની લાગણી ઉત્પન્ન કરી શક્યા છે. તે મહત્‌કાર્યમાં તેની બુદ્ધિશાળી પત્ની પણ તેમને જીવનભર સહાય આપી રહેલાં છે. મેક્સમુલરનાં પત્ની, તેમના નિવાસસ્થાનની આસપાસ આવેલાં વૃક્ષો, બગીચાનાં પુષ્પો, તે સ્થળમાં વ્યાપી રહેલી શાંતિ અને આકાશની સ્વચ્છતા–એ સર્વ જોઇને ભારતવર્ષનો યશસ્વી પ્રાચીન સમય મને યાદ આવ્યો. રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓના દિવસો મારા સ્મૃતિપટ ઉપર તરી આવ્યા. પ્રાચીન વાનપ્રસ્થાશ્રમીઓ, અરૂંધતી અને મૈત્રેયી જેવી ઋષિપત્નીઓ અને યાજ્ઞવલ્કય તથા વસિષ્ઠ જેવા ઋષિઓના સમયનું મને સ્મરણ થઈ રહ્યું.”

મેકસમુલરમાં મેં શું જોયું ? મેં તેમને એક પંડિત કે ભાષાતત્ત્વવિદ્દ તરીકે નિહાળ્યા નહોતા. પરબ્રહ્મમાં તાદાત્મ્ય અનુભવતા આત્માને મેં તેમનામાં જોયો. વિશ્વવ્યાપી તત્ત્વ સાથે તલ્લીન થઈ જતા હૃદયને મેં તેમનામાં નિહાળ્યું. બીજા મનુષ્યો શુષ્કવાદ કે મિથ્યા કડાકૂટમાંજ પોતાનું જીવન વ્યતીત કરે છે, પણ મેક્સમુલરે ખરા જીવનતત્ત્વનો રસપૂર્ણ ઝરો શોધી કહાડ્યો છે ! ખરેખર, તેમનું હૃદય ઉપનિષદોનું રહસ્ય ગ્રહણ કરી રહેલું છે.

“तमेवैकं जानथ आत्मानम् अन्या वाचो विमुञ्चथ” એક માત્ર તમારા આત્માને જ ઓળખો, બીજી બધી વાત જવા દ્યો. મેક્સમુલર ધારે તો અખિલ વિશ્વને આકર્ષી પોતાના ચરણે નમાવે એવા તત્વજ્ઞાની પંડિત હોવા છતાં પોતાની વિદ્યા અને જ્ઞાનનો ઉપયોગ તેમણે પરમતત્વને પ્રાપ્ત કરવામાંજ કરેલો છે; તે ઐહિક જ્ઞાનદ્વારા તેઓ પારમાર્થિક જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે. ખરી વિદ્યા તો આનું જ નામ ! જે વિદ્યા આત્મદર્શનનો માર્ગ સુચવે નહિ એવી વિદ્યાજ શા કામની ?”

“ભારતવર્ષ પ્રતિ તેમનો કેવો અગાધ પ્રેમ છે ? તેનો સોમો ભાગ પણ મારામાં આવે એમ હું ઇચ્છું છું. મેક્સમુલર એક અસાધારણ વ્યક્તિ છે. તે ઘણાજ ઉદ્યમી છે. ભારતવર્ષના વિચારોની સૃષ્ટિમાં તે વિચરી રહેલા છે. તેમનું આખું જીવન તેમાંજ ગળાયું છે. પચ્ચાસ કે તેથી પણ વધારે વર્ષ સુધી તે તેનો તેજ પ્રયાસ કરી રહેલા છે. ઘણીજ આતુરતાથી અને અત્યંત પ્રેમથી સંસ્કૃત વાઙમયના પ્રદેશમાં થતી વિચારોની આપ-લેને તે જોઇ રહેલા છે અને તે એટલે સુધી કે અત્યારે તેમના આત્માના ઉંડાણમાં પણ તેજ વિચારો રમણ કરી રહ્યા છે; અને તેમનું સઘળું બાહ્ય જીવન પણ તેનાજ રંગથી રંગાઈ રહેલું છે. મેક્સમુલર વેદાન્તીઓના પણ વેદાન્તી છે. વેદાન્તના અનેક પ્રકારના સંવાદી અને વિસંવાદી સ્વરોમાંથી તેના સંગીતના આત્મરૂપ મૂળ સ્વરને તેમણે પકડી કહાડ્યો છે. વેદાન્ત એ મૂળ પ્રકાશ છે અને તેના પ્રકાશથીજ જગતના સર્વે ધર્મો અને પંથ પ્રકાશિત બની રહેલા છે. તે એક મૂળતત્ત્વ છે અને અન્ય સર્વ ધર્મો તે તત્ત્વનાં જુદાં જુદાં ડાળ પાંખડાં છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ શું હતા ? એ મૂળ અને પ્રાચીન તત્વના તે પ્રત્યક્ષ આવિર્ભાવરૂપ હતા. પ્રાચીન ભારતવર્ષની તે જીવંત મૂર્તિ હતા. ભાવી હિંદના મહિમાનું તે સુચન હતા. અખિલ વિશ્વની પ્રજાઓને આધ્યાત્મિક પ્રકાશ પહોંચાડનાર તે હતા. ઝવેરી હોય તેજ હીરાને પારખી શકે. પાશ્ચાત્ય ઋષિ મેક્સમુલર હિંદના અધ્યાત્મ આકાશમાં ઉગતા એ નવા તારાની પ્રશંસા કરે અને તેનો અભ્યાસ કરે; છતાં હિંદવાસીઓ તેના મહત્વને સમજી પણ ન શકે; તો તેમાં નવાઈ પણ શી છે ?”

“મેં તેમને પૂછ્યું કે, ‘હિંદમાં તમે ક્યારે પધારશો ? જે મનુષ્યે હિંદુઓના પિતૃઓના વિચારોને ખરા પ્રકાશમાં લાવવાને આટલો બધો શ્રમ લીધેલો છે તેને હિંદમાં દરેક જણ માન આપશેજ.’ વયોવૃદ્ધ ઋષિ મેક્સમુલરના મુખાર્વિંદ ઉપર ઉજ્જવળ પ્રકાશ વ્યાપી રહ્યો. તે હમણાં જ જાણે કે રોઈ પડશે એવો તેમનો ચ્હેરો થઈ રહ્યો ! ધીમે ધીમે તે પોતાનું ડોકું હલાવીને ના કહેવા લાગ્યા અને મૃદુ સ્વરે તે બોલ્યા: “જો હિંદમાં આવીશ તો પછી અહીંઆં પાછો નહિ આવું ! તમારે મારા શરીરને ત્યાંજ અગ્નિદાહ કરવો પડશે !” તેમને હવે એ વિષે વધારે સવાલો પૂછવા એ તેમના હૃદયમાં ગુપ્ત વાસ કરી રહેલી પવિત્ર લાગણીઓને છેડવા બરાબર મને લાગ્યું.”

સ્વામીજીએ પોતાના મોહક વ્યક્તિત્વથી ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન અને બોધ વચનો અંગ્રેજીમાં લખવાની મેક્સમુલરને પ્રેરણા કરી અને ત્યાંથી વિદાય લીધી. પછી હંમેશાના કાર્યક્રમ પ્રમાણે તેઓ વેદાન્તનાં ઉંડાં તત્ત્વો ઉપર ભાષણો આપવા લાગ્યા. તેમનાં ભાષણોના વિષયો “માયા” “માયા અને મુક્તિ,” “બ્રહ્મ અને તેનો આવિર્ભાવ” વગેરે હતા. અદ્વૈતવાદમાં આ વિષયો ઘણા કઠિન ગણાય છે, પણ પોતાની અલૌકિક શક્તિવડે સ્વામીજીએ તેમનું એવી સરળ રીતે પ્રતિપાદન કર્યું કે ઈંગ્લાંડનાં સઘળાં સુશિક્ષિત સ્ત્રીપુરૂષો અને મોટા વિચારકો તેમાં ઘણોજ રસ લેવા લાગ્યા. અદ્વૈતવાદની મહત્તા આ પહેલીવારજ તેમના સમજવામાં આવી. વેદાન્તની સર્વ સંગ્રાહ્યતા તેમણે તે સમયેજ નિહાળી. સ્વામીજીએ સરળ ભાષામાં ઘણી સ્પષ્ટ રીતે અદ્વૈતવાદના સિદ્ધાંતો રજુ કર્યા અને સઘળા શ્રોતાઓનાં હૃદયમાં વેદાન્તનાં ઉચ્ચ, અગાધ અને પ્રેરણાત્મક તત્વોનો સંપૂર્ણ જુસ્સો રેડાઈ રહ્યો. તેઓ સર્વ અદ્વૈતવાદની પ્રશંસા કરવા લાગ્યા. ઈંગ્લાંડમાં ઘણા બુદ્ધિશાળી પુરૂષો એવા હતા કે જે ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને બીલકુલ માનતાજ નહિ. તેમને મન વેદાન્તનાં સર્વ સંગ્રાહી તત્ત્વો મોહક અને દુર્જેય થઈ રહ્યાં. કેટલાક ઉદાર મનના પાદરી સ્વામીજીને મળવાને ભાગ્યશાળી થયા હતા. તેઓ પણ હવે વેદાન્તના સિદ્ધાંતો ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને લગાડવા લાગ્યા.