સ્વામી વિવેકાનંદ/સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઈંગ્લાંડની બીજી મુલાકાત સ્વામી વિવેકાનંદ
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પોલ ડ્યુસનની મુલાકાત →


પ્રકરણ ૩૯ મું – સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો.

સ્વામી વિવેકાનંદ પાશ્ચાત્ય પ્રદેશમાં ગયા અને ત્યાં પોતાના કાર્યમાં મોટી ફતેહ મેળવી રહ્યા એ વાત એમ સિદ્ધ કરે છે કે ઇંગ્લાંડ અને અમેરિકામાં ઘણાં મનુષ્યો પારમાર્થિક સત્ય ગ્રહણ કરવાને લાયક થઈ રહેલાં હતાં. ઇંગ્લાંડ અને અમેરિકામાં ઐહિક સુખ અને વ્યવહારિક જ્ઞાન તો તેઓ સારી પેઠે મેળવી ચૂક્યાં હતાં. તે દેશોમાં સર્વત્ર જડવાદ વ્યાપી રહેલો હતો અને ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતનું જ પઠન સર્વત્ર કરવામાં આવતું હતું. ભોગવિલાસની તો તે ભૂમિજ બની રહી હતી અને ઐહિક સુખની યોજનાઓ સર્વત્ર યોજાતી હતી. પરંતુ ઐહિક સુખ મનુષ્યના આત્માને કદી પણ ઉંડો, સાચો અને સ્થાયી સંતોષ આપી શકતું નથી; તેથી હમેશાં એમજ બને છે કે ઐહિક સુખની પાછળ પડેલાં મનુષ્યો છેવટે તેનાથી કંટાળી જઇને જેથી શ્રેષ્ઠ અને સ્થાયી સુખ મળે એવી કોઈ વસ્તુ છે કે નહિ અને હોય તો તેને કેવી રીતે પ્રાપ્ત કરવી, એવી શોધમાં પડેલાં ઘણી વાર નજરે આવે છે. ઇંગ્લાંડાદિ પ્રદેશોમાં તેમજ થયેલું જોવામાં આવતું હતું. ઘણાં બુદ્ધિશાળી, સુશિક્ષિત અને વિચારવંત સ્ત્રી પુરૂષો સંસારના એના એજ ભોગ વિલાસોથી કંટાળી જઈ “આ શું જીવન કહેવાય ?” એમ કથી રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદની એક પાશ્ચાત્ય શિષ્યાને હિંદુસ્તાનમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “સો મણ રૂની તળાઈઓમાં સુઈ સુઇને અમે કંટાળ્યાં છીએ અને તેમાં અમને શાંતિ પ્રાપ્ત થઈ નથી. અમારા આત્માને તેથી સંતોષ વળ્યો નથી.” આવાં સ્ત્રી પુરૂષોને ન તો પાશ્ચાત્ય પ્રદેશોમાં ફેલાયો જડવાદ સંતોષ આપી શકતો કે ન તો ત્યાંનો ખ્રિસ્તીધર્મ વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો અને તર્કવાદ આગળ ટકી શકતો. વિજ્ઞાનશાસ્ત્રના અને તર્કવાદથી પણ ન છેદાય એવા આધ્યાત્મિક સિદ્ધાંતોનીજ હવે તેમને માટે જરૂર હતી અને તેનેજ તેઓ ખોળી રહ્યાં હતાં. આમ હોવાથી ભુખ્યાને જેમ અન્ન મળે અને તરસ્યાને જેમ પાણી મળે તેમ સ્વામી વિવેકાનંદનો બોધ તેમના આત્માની ક્ષુધા તૃષાને મટાડી રહ્યો હતો. ઈંગ્લાંડના ઉચ્ચ વર્ગોમાંથી પણ જે પુષ્કળ મનુષ્યો સ્વામીજીનો બોધ સાંભળવાને આવતાં હતાં તે સર્વના મનમાં ખાત્રી થતી હતી કે તેઓ જે જીવન ગાળી રહેલાં છે તે અંતે દુઃખદજ છે; અને ખરું જીવન તો પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી રહેવામાંજ સમાયેલું છે. સ્વામીજીના વર્ગોમાં જે વિદ્યાર્થીઓ આવતા તે સર્વે તેમના જ્ઞાન, પવિત્રતા, સ્વાર્થત્યાગ અને વૈરાગ્યથી અત્યંત મોહ પામતા. પરિણામ એ આવ્યું કે તેમાંના કેટલાક ચુસ્ત શિષ્યો બની રહ્યા અને તેમની સાથે હિંદુસ્તાનમાં આવીને જન્મ પર્યત રહેવાને તૈયાર થઈ રહ્યા. જે ઋષિઓએ જગતને હેરત પમાડે એવાં સત્યો શોધી કહાડેલાં છે; વેદ અને ઉપનિષદાદિ અમૂલ્ય ગ્રંથ રચીને વિશ્વના નિયમનાર્થે જેઓ બક્ષીસ આપી ગયાં છે; જેમણે માનવજાતિના કલ્યાણના માર્ગો યોજ્યા છે; ધર્મ, નીતિ જ્ઞાનાદિના અનુપમ ભંડારો જેમણે માનવજાતિને વારસામાં આપેલા છે; રામાયણ, મહાભારત જેવાં અનુપમ કાવ્યો જેમણે અસ્તિત્વમાં આણ્યાં છે; જેમની વિદ્વતા અને યશનાં ગાન આજે મેક્સમુલર, ડ્યુસન, શોપનહાર, વગેરે પાશ્ચાત્ય પંડિતો પણ મુક્ત કંઠે ગાઈ રહેલા છે; તે ઋષિઓ-મુનિઓ-યોગીઓની જન્મભૂમિ, સર્વ ધર્મની જનની, પવિત્રતાનું નિવાસસ્થાન, ભગવાન રામચંદ્ર, કૃષ્ણચંદ્ર, બુદ્ધ, શંકર, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવા જગતના ઉદ્ધારકોની માતૃભૂમિનાં દર્શન કરવા અને તેનો બારીકીથી અભ્યાસ કરવો એ દૃઢ નિશ્ચય તે શિષ્યોને થઈ રહ્યો હતો; એટલું જ નહિ પણ પોતાના ગુરૂ-સ્વામી વિવેકાનંદ-ભારતવર્ષના કલ્યાણ માટે જે મહત્ કાર્ય હાથમાં ધરી રહ્યા હતા તેમાં તન, મન, અને ધનથી મદદ કરવાને તેઓ સજ્જ થઈ રહ્યા હતા. હિંદમાં સ્વામીજીએ જે આશ્રમો અને મઠો સ્થાપેલા છે, જનદયાની લાગણીથી જે અનાથાશ્રમ અને દવાખાનાંઓ ઉઘાડેલાં છે, અને ભારતવર્ષના કલ્યાણ માટે તેમણે જે જે માર્ગો યોજેલા છે, તે સર્વમાં તેમના પાશ્ચાત્ય શિષ્યો અને ખાસ કરીને તેમના અંગ્રેજ શિષ્યોજ સહાયભૂત થયેલા છે. ખરેખરા વેદાન્તીઓ તો તેજ બનેલા છે. સ્વામીજીના બોધથી તેમણે સ્વદેશનો, દેશના આચારોનો અને ઘરબારનો ત્યાગ કરેલો છે અદ્વૈતવાદના પરમસિદ્ધાંત “सर्वम् खलु इदम् ब्रह्म"ને તે તેઓજ બરાબર સમજેલા છે. ખરા વેદાન્તીઓ બની વેદાન્તમય જીવન તેઓ ગાળી રહેલા છે અને જે સમજ્યા છે તેને કૃતિમાં મૂકી રહેલા છે. તેમનું જીવન ભારતવર્ષના લાખો મિથ્યા વેદાન્તીઓને અને પોપટીયા પંડિતોને માટે તેમજ કરોડો ઉપલકિયા હિંદુ ધર્મીઓને માટે જીવતા જાગતા ઠપકા રૂ૫ છે. એ શિષ્યો અને તેમના કાર્યની કંઈક ઓળખાણ આ સ્થળે કરાવવી આવશ્યક છે.

અમેરિકામાં મિસ વોલ્ડો નામની શિષ્યા તેમનું કાર્ય ચલાવી રહી હતી. તેણે સ્વામીજી અને હિંદુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને ખંતથી પ્રેરાઈને પોતાનું નામ પણ "હરિદાસી” એવું ધારણ કરેલું છે. તેણે પોતાનું સમસ્ત જીવન ફેરવી નાખી અદ્વૈતવાદની ધ્વજા હાથમાં ધરેલી છે, સ્વામી વિવેકાનંદ તેની શક્તિ અને બુદ્ધિનાં ભારે વખાણ કરતા અને “રાજયોગ” જેવો કઠિન વિષય શિખવવાનું કાર્ય તેને સોંપતા. “રાજયોગ” જેવો વિષય જાણવાને માટે પ્રથમ માનસશાસ્ત્ર અને માનવ સ્વભાવના અભ્યાસની ઘણી જ જરૂર હોય છે; તે શિખવવામાં વિદ્યાર્થીઓના અધિકારની પરિક્ષા પ્રથમ કરવી પડે છે; પણ તે બુદ્ધિશાળી બાઈ સર્વ વાતે સજ્જ થઈ રહેલાં હતાં. તે અમેરિકાના તત્ત્વજ્ઞાની એમર્સનનાં સગાં હતાં. ઘણા લાંબા વખતથી તે એક અભ્યાસી તરીકે પોતાનું જીવન ગાળી રહ્યાં હતાં. સ્વામીજી કરતાં તે ઉમ્મરમાં મોટાં હતાં; પણ સ્વામીજીને તે પોતાના ગુરૂ તરીકે માનતાં. પોતાનો સઘળો સમય તે તુલનાત્મક ધર્મ વિચારમાં ગાળતાં. સ્વામીજીનો સમાગમ થયા પછી તેમનાં સર્વે ખાનગી અને જાહેર વ્યાખ્યાનો તે ઘણીજ સંભાળથી ઉતારી લેતાં અને તેમને છપાવતાં. થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં પણ તે સ્વામીજીની જોડેજ હતાં અને તેમનાજ પ્રયાસથી “ઇન્સ્પાયર્ડ ટૉકસ" ( પ્રેરણાત્મક વાર્તાલાપ ) નામનું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. તે પુસ્તકમાં સ્વામીજીના ઘણા ઉંડા ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો આપણને મળી આવે છે. સ્વામીજી પોતાના અંતરના ઉંડાણમાંથી તે ઉદ્‌ગારો હતા એમ તે વાંચવાથી આપણને ભાન થાય છે. અને જાણે કે કોઈ મંત્ર દૃષ્ટા પ્રાચીન ઋષિ સમાધિમાંથી ઉત્થાન પામીને જગતને અમૂલ્ય સત્યો દર્શાવતો હોય એવો ખ્યાલ વાંચકને આવે છે. તેમના કાર્યથી સંતોષ પામીને સ્વામીજી આશ્ચર્ય સાથે કહેતા કે, “મારા શબ્દો અને વિચારોને સંપૂર્ણ રીતે તમે શી રીતે ગ્રહણ કરી શક્યાં ? મારા બોલેલા શબ્દોજ જાણે કે હું ફરીથી બોલતો હોઉં એવો ભાસ એ પુસ્તકમાં થાય છે.”

જ્યારે ન્યુયોર્કમાં મકાન ભાડે રાખીને સ્વામીજી રહ્યા ત્યારે મિસ વૉલ્ડોએ તેમને ઘણી સગવડો કરી આપી હતી. સ્વામીજી હિંદુ હોવાથી ખાવા પીવામાં કેટલીક છોછ રાખતા. તે બાબતમાં મિસ વૉલ્ડો તેમની ઘણી સંભાળ લેતાં. કેટલીકવાર સ્વામીજીનાં વાસણો તે પોતાને હાથે માંજી નાંખતાં. હમેશાં તે પોતાને ઘેરથી સ્વામીજી પાસે આવતાં અને તેમના ઘરકામમાં અનેક રીતે મદદ કરતાં. માંદગીમાં પણ તે જાતેજ તેમની સારવાર કરતાં. તે બાઈ ઘણા ઉચ્ચ ગુણો ધરાવતાં હતાં અને સ્વામીજી તરફ અત્યંત ભક્તિભાવથી જોતાં. સ્વામીજીએ તેમને દિક્ષા આપ્યા પછી તે સ્વામીજીના આધ્યાત્મિક અનુભવો સમજવાને, શ્રીરામકૃષ્ણનું જીવન જાણવાને અને વેદાન્ત ઉપર વાદવિવાદ કરવાને તેમની પાસે કલાકોના કલાકો ગાળતાં. સ્વામીજીનાં “રાજયોગ” ઉપરનાં સઘળાં કથનો તેમણેજ ઉતારી લીધાં હતાં. સ્વામીજીએ અમેરિકા છોડ્યું ત્યાર પછી તે ત્યાં વેદાન્ત ઉપર અનેક ભાષણો આપી રહેલાં છે. રામકૃષ્ણ તે મિશનનાં અનેક કાર્યોમાં સહાય અર્પી રહેલાં છે. તે પોતાનું જીવન એકાન્તવાસમાં ધ્યાન અને ભક્તિમાં ગાળી રહેલાં છે.

સ્વામીજીના સઘળા શિષ્યોમાં શ્રેષ્ઠ અધિકારવાળી શિષ્યા તો મિસ મારગરેટ નોબલ હતી. મિસ મારગરેટનું કંઈક વૃત્તાંત આગળ અપાયું છેજ. સઘળા શિષ્યોમાં એ બાઈ વધારે હિંદુ આચાર વિચારવાળી બની રહી હતી. તેણે “નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. “નિવેદિતા” એ શબ્દનો અર્થ “પ્રભુને અર્પણ થઈ ચૂકેલી” એવો થાય છે અને ખરેખર, નિવેદિતાએ પોતાનાં તન, મન અને ધન સ્વામી વિવેકાનંદના કાર્યને અર્પણ કરી દીધાં હતાં.

ભારતવર્ષને તેણે પોતાની માતૃભૂમિ માની લીધી હતી અને હિંદીઓને તે પોતાના સ્વદેશબંધુઓ ગણતી હતી. વેદાન્તનું રહસ્ય તેણે પોતાની રગે રગમાં ઉતાર્યું હતું અને તે રહસ્યનો સ્વાદ ઘણી અજાયબ ભરેલી રીતે તે હિંદવાસીઓને લેખોદ્વારા ચખાડતી હતી. વેદાન્તનાં ઉંડાં સત્યોમાં તેનું મન રમમાણ થઈ રહ્યું હતું અને તેની સાથે તે સત્યોને કૃતિમાં મૂકવાનું તે કદી ચૂકતી નહોતી. જ્ઞાનયોગની સાથે કર્મયોગને પણ તે આચરી રહી હતી. સ્વામીજીનાં વચનો, કાર્યો અને વિચારોનું ઉડું રહસ્ય સમજાવવામાં બહેન નિવેદિતાએ જે અપૂર્વ બુદ્ધિ વાપરી છે તેવી કોઈ અન્ય શિષ્યે ભાગ્યેજ વાપરી હશે.

સ્વામીજી હિંદમાં પાછા આવ્યા ત્યારે તે પણ ભારતવર્ષમાં આવ્યાં અને સ્વામીજીની દેખરેખ નીચે હિંદુ સ્ત્રીઓને કેળવવાનું મહત્‌ કાર્ય તેમણે આરંભ્યું. કલકત્તામાં એક મકાન ભાડે રાખીને તે શ્રી શારદાદેવીની પાસે રહેતાં હતાં.

પાશ્ચાત્ય જીવનના ભોગવિલાસ અને ઠાઠનો ત્યાગ કરીને એક ધર્મ ચુસ્ત હિંદુના આચાર વિચાર તે ધારણ કરી રહ્યાં હતાં, અને બ્રહ્મચારિણીનું જીવન ગાળી રહ્યાં હતાં. ધીમે ધીમે સ્વામીજી તેમને સંન્યાસનાં અધિકારી બનાવતા હતા. આખરે તે સંન્યાસીની થઇ રહ્યાં અને સંન્યાસીની જેવોજ પોશાક પહેરવા લાગ્યાં. ભારતવર્ષ અને ભારતીય પ્રજા, તેમના સામાજિક, આર્થિક અને ધાર્મિક અનુભવો અને પ્રશ્નો, તથા હિંદનું પ્રાચીન ગૌરવ, એ હવે તેમની વ્હાલામાં વ્હાલી વસ્તુઓ બની રહી. હિંદુ આદર્શોને તે પાશ્ચાત્યોની બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરી આધુનિક વિચારોમાં દર્શાવવા લાગ્યાં. સ્વામી વિવેકાનંદ તેમને ઉત્તેજન આપતા હતા. હવે તે જાહેરમાં આવવા લાગ્યાં અને એક ગ્રંથકાર અને ચુસ્ત હિંદુ તરીકે તે સર્વત્ર પ્રસિદ્ધ થઈ રહ્યાં. તેમનાં પુસ્તકો તેમનો ભારતવર્ષનો બારીક અભ્યાસ જણાવે છે.

પશ્ચિમમાં પણ તેમની કીર્તિ એક પંડિતા અને વિચારક તરીકે ફેલાઈ રહી હતી. પંદર વર્ષ સુધી એ બાઈએ પોતાના ગુરૂના ધાર્મિક, સામાજિક અને કેળવણી વિષયક વિચારોને ઘણા ભક્તિભાવ અને ખંતથી ફેલાવ્યા છે અને ભારતવર્ષના કલ્યાણને માટે ઘણોજ શ્રમ ઉઠાવ્યો છે. પોતાના મરણ પર્યંત તેમણે કલકત્તામાં રહીને હિંદુ સ્ત્રીઓની સ્થિતિ સુધારવાને અને પ્લેગ, દુષ્કાળ વગેરેમાં અનાથ મનુષ્યોને સહાય કરવાને અનેક પ્રયાસો કરેલા છે. પ્રભુ, તેમના આત્માને શાંતિ આપો.

સ્વામીજીની બીજી એક અમેરિકન શિષ્યાનું નામ મિસ ક્રિસ્ટિના છે. ડેટ્રોઈટમાં કેળવણી ખાતામાં તે જે મોટા હોદ્દા ઉપર હતાં તે તેમણે છોડી દીધો અને પોતાના ગુરૂ વિવેકાનંદ હિંદમાં આવ્યા ત્યારે તે પણ હિંદમાં આવીને બહેન નિવેદિતા સાથે કામ કરવા લાગ્યાં. તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ તે સર્વેને ટાળીને તે પોતાનું કાર્ય હજી સુધી ખંતથી ચલાવી રહેલાં છે. બહેન નિવેદિતાએ સ્થાપેલી શાળાનું કામ તેમના હાથમાં સોંપવામાં આવેલું છે અને તેમના પ્રયાસથી શાળામાં હવે ઉચ્ચ કુટુંબોની વિધવાઓ અને પડદાનશીન સ્ત્રીઓ પણ આવવા લાગી છે. હિંદુઓના આદર્શ પ્રમાણેજ ત્યાં સ્ત્રી કેળવણી આપવામાં આવે છે. આવી શાળાઓ હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે સ્થાપવી એ સ્વામીજીનો વિચાર હતો.

સ્વામીજીએ હિમાલયમાં અદ્વૈત આશ્રમ સ્થાપેલો છે. ત્યાં સ્વામીજીના પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય શિષ્યો, પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે; યોગ સાધે છે અને પુસ્તકો તથા માસિકદ્વારા ધાર્મિક જ્ઞાનનો ફેલાવો કરે છે. એ અદ્વૈત આશ્રમની સ્થાપના કરવામાં તન, મન અને ધનને અર્પણ કરનાર મી. સેવીઅર અને તેમનાં પત્ની હતાં. સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી જાણે કે ગયા જન્મનો કંઇ સંબંધ હોય તેમ તેઓ સ્વામીજી પ્રત્યે ગાઢ પ્રીતિ ધરાવી રહ્યાં હતાં. મીસીસ સેવીઅર જોડે પ્રથમ મુલાકાત થતાંજ સ્વામીજી તેમને “માતાજી” કહીને બોલાવવા લાગ્યા હતા. મી. સેવીઅરની સાથે પણ તે પ્રથમ દર્શનેજ ઘણું વ્હાલ દર્શાવી રહ્યા હતા.

આ દંપતીની સંનિધિમાં સ્વામીજીને પોતાના ઘર જેવું લાગતું. સ્વામીજી તેમના આગળ બાળકની માફક મનની સઘળી મુંઝવણો પ્રદર્શિત કરતા. તે બંનેનો પણ સ્વામીજી પ્રત્યે પ્રેમ અવર્ણ્ય હતો. પોતે ઉમ્મરે મોટાં હતાં; છતાં પણ સ્વામીજીને તેઓ ગુરૂ તરીકે માનતાં અને તેમની આજ્ઞાને તરતજ માથે ચ્હડાવતાં. તેઓ બંને સ્વામીજીનાં ચુસ્ત શિષ્યો બની રહ્યાં હતાં. હિમાલયમાં એક આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઈચ્છા છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તે બંનેએ એ કાર્યને પોતાને માથે ઉપાડી લીધું; અને તેને સિદ્ધ કરવાને પોતાના ઘરબારનો ત્યાગ કરીને તે હિંદમાં આવીને રહ્યાં. સ્વામીજીનો અદ્વૈત આશ્રમ તેમને લીધેજ અસ્તિત્વમાં આવ્યો છે. તેમણે સ્વામીજીને દ્રવ્યની ઘણી મોટી મદદ આપેલી છે; એટલુંજ નહિ પણ સંન્યાસ ગ્રહીને તે દંપતી અદ્વૈત આશ્રમમાં રહીને તેની આબાદીને માટે હરેક પ્રયાસ કરી રહેલાં છે. પ્રબુદ્ધ ભારત નામનું માસિક પ્રસિદ્ધ કરવાનો સઘળો શ્રમ તેમણે જ પોતાને માથે ઉપાડી લીધેલો છે. થોડા વખત પર મી. સેવીઅર વિદેહ થયા છે; પરંતુ આશ્રમનું સઘળું કાર્ય સમાપ્ત કરીને સંતોષ અને શાંતિથી તે મૃત્યુને વશ થયા છે. આશ્રમમાં સઘળા તેમને “પિતાજી ” કહીને બોલાવતા. અદ્વૈતવાદના સિદ્ધાંતો ઉપર આશ્રમનું સઘળું કાર્ય તે ચલાવી રહ્યા હતા.

તેમનાં પત્ની મીસીસ સેવીઅરને આશ્રમમાં સઘળાં “માતાજી” કહીને બોલાવે છે. આશ્રમનું સઘળું કાર્ય હવે તેમણે જ ઉપાડી લીધેલું છે. અહીંઆં ઘણા પૌર્વાત્ય અને પાશ્ચાત્ય બ્રહ્મચારીઓને કેળવવામાં આવે છે. અહીંઆંથીજ કેળવાઈને રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ ઉપદેશકો તરીકે બહાર આવે છે. પૌર્વાત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં તેમજ સાહિત્ય અને વિજ્ઞાનશાસ્ત્ર વગેરે વિષયોમાં અહીંજ તેમને પ્રવીણ કરવામાં આવે છે. વૈરાગ્યની મહત્તા અને તેનો ખરો જુસ્સો તેમને અહીંઆં સમજાવવામાં આવે છે. પશ્ચિમમાંથી સ્વામીજીના શિષ્યો તરીકે હિંદમાં આવી વસેલાં સ્ત્રી પુરૂષોનો વૈરાગ્ય જોઇને ઘણા મનુષ્યો આશ્ચર્ય પામે છે. ભોગવિલાસની અને જડવાદની ભૂમિમાં જન્મેલાં અને ત્યાંજ ઉછરેલાં પાશ્ચાત્ય મનુષ્યોને સંન્યાસી તરીકે હિંદમાં જીવન ગાળી રહેલાં જોઇને ઘણાને આશ્ચર્ય થાય તેવું છે. તેઓ હિંદુઓ પ્રમાણેજ રહેવા લાગ્યા છે.

તેમનું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, સર્વ હિંદુઓની માફકજ થઈ રહેલું છે. હિંદુ ધર્મના સિદ્ધાંતોનું ઉંડું રહસ્ય સમજી તે પ્રમાણેજ તેઓ પોતાનું જીવન ગાળી રહેલા છે. મીસીસ સેવીઅર તેમાં ઉત્તમપદે વિરાજે છે. તેમનું જીવન તેમના ગુરૂ વિવેકાનંદની વિદ્યા અને વૈરાગ્યનો પ્રૌઢ પ્રતાપ દર્શાવી રહ્યું છે. સ્વામીજીના બોધથી પાશ્ચાત્યો ભિન્નભાવને ભૂલી ભારતવર્ષના કલ્યાણને માટે સ્વામીજીના પૌર્વાત્ય શિષ્યો સાથે અનેક કાર્યો કરી રહ્યા છે. પાશ્ચાત્ય અને પૌવાર્ત્ય શિષ્યોને એ સ્થળે એકઠા રહેતા, એક બીજાની સાથે હસતા, બોલતા, બેસતા, ઉઠતા અને વિચારોની આપ લે કરતા જોઇને બહુજ આનંદ થાય તેમ છે.

સ્વામીજીના બોધથી આકર્ષાઇને ધણા સદ્‌ગૃહસ્થો અમેરિકાથી એ સ્થળે આવીને રહેલા છે અને હજી પણ આવીને બ્રહ્મચારી તરીકે જીવન ગાળે છે. હિંદના પણ ઘણા પ્રતિષ્ઠિત પુરૂષો જેવા કે આનંદમોહન બોઝ, વિજ્ઞાનશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝ વગેરે પણ અહીંઆં વખતો વખત આવીને સંન્યાસીઓ સાથે પરમ શાંતિમાં થોડો ઘણો સમય ગાળી જાય છે. સર્વેની સુશ્રુષા મીસીસ સેવીઅર માતાજી ઘણા ભાવથી કરે છે.

વળી એક પ્રખ્યાત અમેરિકન સ્ત્રી જેનું નામ મિસીસ ઓલબુલ હતું તે પણ સ્વામીજીનાં શિષ્યા તરીકે હિંદુસ્તાનમાં આવ્યાં હતાં. અમેરિકામાં તેમનું નામ વિદ્યા અને પરોપકારને માટે ઘણું જ પ્રસિદ્ધ હતું. અમેરિકન સમાજમાં તેમનું સ્થાન બહુજ શ્રેષ્ઠ હતું. પોતાને ઘેર તેઓ વખતોવખત દેશવિદેશના પંડિતોને એકઠાં કરતાં. પ્રથમથીજ તેમણે સ્વામીજીને ઘણી સહાય આપી હતી. કલકત્તામાં બેલુર મઠ બાંધવામાં દ્રવ્યની મુખ્ય મદદ તેમણેજ કરી હતી. વળી ભારતવર્ષનાં બીજાં અનેક કાર્યોમાં પણ તે મદદ આપી રહ્યાં હતાં. બહેન નિવેદિતાની શાળાને ઘણે ભાગે તેમણેજ નિભાવી હતી.

બેલુર મઠની સઘળી જમીન ખરીદવાને જોઇતા પૈસા મિસ હેનરીએટા મુલરે આપ્યા હતા. તે શિષ્યાએ ઈંગ્લાંડમાં પણ સ્વામીજીને ઘણી મદદ કરી હતી. મિસ મુલર એક ધનાઢ્ય સદ્‌ગૃહસ્થની પુત્રી હોઇને તેમની પોતાની પાસે પુષ્કળ દ્રવ્ય હતું; છતાં પણ તેમની વૃત્તિ સાધુ જેવી હતી અને તેમનું હૃદય પરોપકારશીલ અને ધાર્મિક હતું. ધર્મના વિશાળ સિદ્ધાંતોને તે શોધી રહેલાં હતાં. તેમના જેવા હૃદયને સ્વામીજીનો ઉદાત્ત તત્ત્વોથી ભરેલો બોધ પ્રિય થઈ પડે તેમાં નવાઈ શી ? સ્વામીજીનું ચારિત્ર્ય, તેમની ધાર્મિક વૃત્તિઓને અનુકુળ લાગ્યું. વેદાન્તનો બોધ ગ્રહણ કર્યા પછી સંન્યાસ લેવાને તે તૈયાર થઈ ગયાં હતાં, પણ સ્વામીજીએ તેમને સંસારમાં રહીનેજ જગતની સેવા કરવાની સલાહ આપવાથી તે પ્રકારે રહીને સ્વામીજીના કાર્યમાં અનેક પ્રકારે મદદ કરી રહ્યાં હતાં. હિંદમાં પણ તે આવ્યાં હતાં. તે હમેશાં કહેતાં કે સ્વામીજીના કાર્યને મજબૂત પાયા ઉપર મૂકવાને માટેજ મારો જન્મ છે.

મી. સ્ટર્ડી નામના અંગ્રેજ ગૃહસ્થ સ્વામીજીના અનુયાયી છે. ઈંગ્લાંડમાં વેદાન્તનો પ્રચાર કરવામાં તે ઘણી મદદ કરી રહેલા છે. તેમનાજ આમંત્રણથી સ્વામીજી ઇંગ્લાંડ ગયા હતા અને તેમને ત્યાં જ પ્રથમ અતિથિ તરીકે રહ્યા હતા. સ્વામીજીનાં ભાષણોની ગોઠવણ પણ તેમણેજ કરી હતી. હિંદમાં આવીને એક સાધુ તરીકે તે હિમાલયમાં રહ્યા હતા અને પૂર્વની વિદ્યાના પ્રચારમાં ઘણો રસભર્યો ભાગ લઈ રહ્યા હતા. પ્રથમ તે થીઓસોફીકલ સોસાયટીના સભાસદ હતા, પણ સ્વામીજીને મળ્યા પછી તે તેમના અનુયાયી બન્યા હતા. લંડનમાં સ્વામીજીએ જે ભાષણો આપ્યાં હતાં તે સઘળાં મી. સ્ટર્ડીના પ્રયાસથીજ પ્રસિદ્ધિમાં આવેલાં છે. દ્રવ્યની સહાય પણ તેમણે ઘણી કરી હતી. અત્યારે પણ મી. સ્ટર્ડી વેદાન્તનો પ્રચાર કરવામાં ઘણી સહાય કરી રહેલા છે.

સ્વામીજીના સઘળા શિષ્યો અને મિત્રોનું વર્ણન આપવું અશક્ય છે. ઘણા અંગ્રેજો અને અમેરિકનો તેમના શિષ્યો થઈ રહ્યા હતા અને બીજા ઘણા તેમની સાથે મિત્રાચારીનો ગાઢ સંબંધ બાંધી રહ્યા હતા. સ્વામીજીના શિષ્યો અને મિત્રો વચ્ચે એક પ્રકારનો ગાઢ સંબંધ બંધાઈ રહ્યો હતો. તેઓ જાણે કે એકજ કુટુંબનાં માણસો હોય તેમ એક બીજાની સાથે વર્તી રહ્યાં હતાં. ન્યુયૉર્ક, કેલીફોર્નીઆ, લંડન અને પેરીસમાં અસંખ્ય મનુષ્યો સ્વામીજીનો બોધ ગ્રહીને તેમના તરફ પૂજ્યભાવ રાખી રહ્યાં હતાં. અત્યારે પણ તેમનાં મકાનોમાં સ્વામીજીની છબી પૂજાય છે અને તેમનાં પુસ્તકોનું અત્યંત ભાવથી અધ્યયન થાય છે.