સ્વામી વિવેકાનંદ/પોલ ડ્યુસનની મુલાકાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો સ્વામી વિવેકાનંદ
પોલ ડ્યુસનની મુલાકાત
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
લંડનથી વિદાયગીરી →


પ્રકરણ ૪૦ મું – પોલ ડ્યુસનની મુલાકાત.

સ્વામીજી હમેશની માફક લંડનમાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા. તેમનાં ભાષણો સાંભળીને કેનન વીલ્બફોર્સ જેવા ખ્રિસ્તી ઉપદેશકો પણ તેમને પોતાને ઘેર બોલાવીને ઘણું માન આપવા લાગ્યા. ક્લબો, સમાજો અને ખાનગી રીતે એકઠા થવાની જગ્યાઓમાંથી તેમને આમંત્રણો આવવા લાગ્યાં. કેટલાક અહીં અને કેટલાક અન્ય સ્થળે, એમ વિદ્યાર્થીઓનાં ટોળે ટોળાં એકઠાં થવા લાગ્યાં અને સ્વામીજીને બોલાવીને તેમના વતૃત્વનો લાભ લેવા લાગ્યાં. સ્વામીજીનું ભાષણ એકવાર સાંભળ્યા પછી તે વધારેને વધારે સાંભળવાની તેમને ઉત્કંઠા થવા લાગી. એકવાર એવી એકાદ સભામાં સ્વામીજીએ પોતાનું ભાષણ પુરૂં કરી શ્રોતૃવર્ગને પ્રશ્ન પૂછવાનો અવકાશ આપ્યો હતો. એ સમયે એક વયોવૃદ્ધ તત્વજ્ઞાની તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “સાહેબ, તમે જે કહ્યું તે ઘણી સારી રીતે કહ્યું છે અને તેને માટે હું તમારો ઉપકાર માનું છું; પણ સાહેબ, તમે કશુંએ નવું કહ્યું નથી.” સ્વામીજી મોટે અવાજે જવાબ આપવા લાગ્યા. તેમનો અવાજ આખા હૉલમાં ગાજી રહ્યો. તે બોલ્યા: “સાહેબ, મેં તો તમને માત્ર સત્યનું દર્શનજ કરાવ્યું છે. કાંઈ સત્યને નવીન મેં પેદા કર્યું નથી. પ્રાચીન પર્વતો કરતાં પણ સત્ય અત્યંત પ્રાચીન છે, એટલુંજ નહિ પણ તે અનાદિ અને અનંત છે; તે ત્રિકાલાબાધ્ય છે. મારા શબ્દોથી જો હું તે સત્યની પ્રાપ્તિને માટે તમારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરીને તમને તે વિષે વિચાર કરતા કરી શકું અને તે વિચાર પ્રમાણે તમારું જીવન ઘડવાને તમને પ્રયત્નશીલ બનાવી શકું તો બસ છે. હવે કહો કે હું જે કરું છું તે ખોટું કરૂં છું ?” સભામાં “સાંભળો, સાંભળો” ના પોકાર થઈ રહ્યા. તાળીઓનો મોટો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો. શ્રોતાઓનાં મન ઉપર ભારે અસર થઈ રહી. એક સુશિક્ષિત સ્ત્રી બોલી ઉઠી: “ખ્રિસ્તી દેવાલયોની અંદર મેં અસંખ્યવાર નિયમિતપણે બોધ સાંભળેલો છે; પણ મને તે નિઃસત્વ, એકદેશી, શુષ્ક અને નિરસજ જણાય છે. તે છતાં પણ હું દેવાલયોમાં જતી હતી. તેનું કારણ એજ કે બીજાઓ તેમ કરતા હતા. સ્વામીજીનો બોધ સાંભળ્યા પછી ધર્મ વિષયમાં મને કાંઈ ઓરજ પ્રકાશ મળે છે. મને તેનો કંઈક નવીનજ અર્થ સમજાયો છે.”

સ્વામીજી હવે આગળ બોલવા લાગ્યા “મને સત્યનું દર્શન કેવી રીતે થયું તે હું તમને કહીશ.” આ વિષય કહેતે કહેતે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવનવૃત્તાંત કહી સંભળાવ્યું. તેમની સાદાઈ અને ભવ્ય ચારિત્ર્ય, સત્ય શોધવાને માટે તેમનો અથાગ શ્રમ, ધર્મનાં જુદાં જુદાં સ્વરૂપ સમજવાનો તેમનો પ્રયાસ, સત્યનું શોધન અને તે વિષે તેમના દિવ્ય ઉદ્‌ગારો, એ સર્વે બાબતોનું દિગ્દર્શન કરાવ્યા પછી છેવટે સ્વામીજી બોલી ઉઠ્યા કે, “હવે તો જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં સત્યજ છે ! સત્યનું શોધન હું કરી શક્યો, તેનું મુખ્ય કારણ એજ કે પ્રથમથી જ સત્ય મારા હૃદયમાં વસી રહેલું હતું. સર્વના હૃદયમાં તે એવી રીતે પ્રથમથીજ વસી રહેલું છે અને તેથી સર્વ કોઈ તેને મેળવી તથા અનુભવી શકે તેમ છે. એને તમારી જાતની બહાર શોધ્યા કરીને નાહકના તમારી જાતને છેતરશો નહિં. એમ ધારશો નહિ કે સત્ય તમને આ ધર્મમાંથી કે બીજા ધર્મમાં વટલાવાથી જ જડશે, તે તો તમારા પોતાનાજ હૃદયમાં છે. તમારો પંથ તમને તે બતાવશે નહિ, પણ તમારેજ તેને શોધી કહાડીને તમારા પંથમાં દાખલ કરવું જોઇશે. મનુષ્યો અને ઉપદેશકો, એક યા બીજા પેગંબર કે અવતારને માનવાથી તમારો ઉધ્ધાર થશે એમ કહી રહ્યા છે; પણ સાંભળો, સત્ય તો ખુદ તમારા હૃદય–આત્મામાંજ રહેલું છે. તે એક એવું રત્ન છે કે તેનો શાક્ષાત્કાર કરનારને તે રાજાઓનો રાજા બનાવી દે છે અને આખા જગતની બાદશાહી પણ તેને એ સત્ય આગળ કશી વિસાતની લાગતી નથી.” છેવટે સ્વામીજીએ કહ્યું કે, “હું આમાં મારો પોતાનો એક પણ શબ્દ કે વિચાર દર્શાવતો નથી, સઘળા વિચારો અને બીજી દરેકે દરેક બાબત તમે મારામાં જે કંઈ જુઓ છો તે સર્વે અને તમારે માટે કે જગતને માટે હું જે કંઈ કરી શકું છું તે સઘળું મારા ગુરૂમાંથીજ મને પ્રાપ્ત થયેલું છે. મારા વ્હાલા ભારતવર્ષમાં મારા એ પરમ પૂજ્ય ગુરૂ વિદ્યમાન હતા, ત્યારે વારંવાર તેમનું પવિત્ર અંતઃકરણ સમાધિમાં ડૂબી જઈ ધર્મનાં જે અગાધ સત્યોને જોતું અને અનુભવતું તે સત્યોને તેમણે ઘણીજ ઉદારતાથી જગતમાં ફેલાવ્યાં છે. કેવળ નિઃસ્વાર્થ જીવન તેઓ ગાળી રહ્યા હતા. મારામાં તમે જે કંઈ જુઓ છો તે તેમને લીધેજ છે. મારા શબ્દોમાં તમને જે કંઈ સત્ય, હિત, પ્રિય અને નિત્ય લાગે છે તે સઘળું તેમનાજ મુખમાંથી, હૃદયમાંથી અને આત્મામાંથી નિકળેલું છે. શ્રીરામકૃષ્ણજ મારા ધાર્મિક જીવન, લાગણીઓ અને પ્રવૃત્તિઓનો મૂળ ઝરો છે. મારા ગુરૂના જીવનની જરાક પણ ઝાંખી તમને કરાવી શકું તો મારા જીવનને હું ધન્ય ગણું !”

સ્વામીજીને ચારે તરફથી માન મળતું પણ પોતાની યશસ્વી કારકીર્દિમાં તે સર્વને જણાવતા કે તે પોતે તો શ્રીરામકૃષ્ણ પરમહંસના એક નમ્ર દાસજ છે, અને સઘળું માન શ્રી રામકૃષ્ણનેજ ઘટે છે. બેશક ખરો શિષ્યજ ખરો ગુરૂ બની શકશે.

લંડનમાં સ્વામીજી “હિંદુ યોગી” તરીકે ઓળખાતા હતા. તેમનો બોધ સાંભળ્યા પછી ઘણાના મનમાં એમ જ ભાન થઈ જતું કે, “જેની શોધમાં આપણે રખડ્યા છીએ તે મનુષ્ય આજ છે, અને ખરૂં તત્વજ્ઞાન પણ અદ્વૈતવાદજ છે.”

કાર્યના બોજાથી સ્વામીજી હવે થાકી ગયેલા હોવાથી તેઓ કેટલાક મિત્રોનું આમંત્રણ સ્વીકારી યુરોપના બીજા કેટલાક દેશો જોવાને નીકળી પડ્યા. તેમની સાથે મી. સેવીઅર, તેમનાં પત્ની અને મિસ મુલર હતાં. સ્વિટઝરલાંડની મુલાકાત લેવાની સ્વામીજીને ઘણી ઇચ્છા હતી. તે કહેતા કે “મારે બરફના ઢગલા જોવા છે અને પર્વતોમાં રખડવું છે.” તેમનું મન એક પરિવ્રાજક જેવું બની રહ્યું હતું. પ્રવાસી સાધુ તરીકે હિંદમાં તેમણે જે દિવસો ગાળ્યા હતા તે અહીં તેમને બહુજ યાદ આવતા હતા. તેઓ જગતનાં અનેક કાર્યો કરતા, પણ એમનું ચિત્ત તો સર્વદા સાધુના સ્વતંત્ર, જ્ઞાનમય અને ધ્યાનાવસ્થિત જીવનનેજ ચ્હાયા કરતું હતું.

હિમાલય જેવા શાંત અને એકાંત પ્રદેશમાં ક્યારે રહેવાય અને વારંવાર પ્રભુના ચિંતનમાં મનને ક્યારે લય કરી દેવાય એમ તે સદાએ ઇચ્છ્યા કરતા હતા. સ્વીટઝરલાંડમાં પર્વતો ઉપર જ્યારે જ્યારે તે ફરતા અથવા કોઈ ઉંચી જગ્યાએ ઉભા રહેતા ત્યારે ત્યારે તેમની મુખમુદ્રા ઉપર સાધુજીવનની અજબજ મહત્તા, હર્ષ અને સ્વાતંત્ર્યનાં ચિન્હ ઉભરાઈ આવતાં.

પહેલો મુકામ જીનીવામાં કરવામાં આવ્યો. જે વીશીમાં તેઓ ઉતર્યા હતા તે એક શાંત અને સુંદર સરોવરને કિનારે આવેલી હતી. ત્યાંની હવા સ્વચ્છ હતી. સરોવરનું પાણી ઘેરો આસમાની રંગ ધારણ કરી રહ્યું હતું. ઉપર નિર્મળ આકાશ છવાઈ રહ્યું હતું. આસપાસનાં મકાનો અને ક્ષેત્ર રમણીય દિસતાં હતાં. આવો સુંદર દેખાવ જોઈને સ્વામીજી બહુજ ઉલ્લાસમાં આવી ગયા. તે વખતે સ્વીસ લોકોએ બનાવેલી ઉત્તમ વસ્તુઓનું પ્રદર્શન ત્યાં ભરાયું હતું. એ પ્રદર્શનમાં એક બલુન ઉરાડવામાં આવ્યું હતું. સ્વામીજી પોતાના કેટલાક મિત્રો સાથે તેમાં બેસીને ઉપરના વાતાવરણનો કંઈક અનુભવ લઈ આવ્યા. એ પછીથી ચીલોનનો કિલ્લો જોવાને તે ગયા. પછીથી આલ્પ્સ પર્વતના એકાદ શિખર ઉપર ચ્હડવાનો સ્વામીજીનો વિચાર થવાથી તે પર્વતની તળેટીમાં આવેલા એક ગામડામાં તે સર્વે ગયા અને ત્યાં એક શિખર ઉપર ચડ્યા. આસપાસ વસી રહેલા ગામડીઆઓને જોઈને સ્વામીજી કહેવા લાગ્યા કે “આ લોકોનો પોશાક અને રીતભાત, હિમાલયની ટેકરીઓમાં વસી રહેલા ખેડુતોનું મને સ્મરણ કરાવે છે. આ લોકો પોતાને માથે જે ટોપલીઓ ઉપાડી રહેલા છે તે પણ મારા દેશ બાંધવોના જેવી જ છે.” પછીથી સ્વામીજી હિમાલયનું વર્ણન આપવા લાગ્યા. તેમાં રહીને તેમણે જે જે આધ્યાત્મિક અનુભવ મેળવ્યા હતા તે એ સર્વેને દર્શાવવા લાગ્યા. હિમાલયમાં એક આશ્રમ સ્થાપવાની તે વાત કરવા લાગ્યા. તેમણે કહ્યું કે “મારે એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા છે. તે આશ્રમ એવો જોઇએ કે જ્યાં મારા જીવનનું કાર્ય પૂરૂં કર્યા પછી હું એકાંતમાં રહું અને મારા બાકીના દિવસો ધ્યાનમાં વ્યતીત કરૂં. તે આશ્રમ ધ્યાન અને જનહિતના કાર્યનું મધ્યબિંદુ થઈ રહે. ત્યાં મારા પાશ્ચાત્ય અને પૌર્વાત્ય શિષ્યો એકઠા રહેશે અને હું તેમને કેળવીશ. પાશ્ચાત્ય શિષ્યો ભારતવર્ષના હિતનાં કાર્યો કરશે અને પૌવાર્ત્ય શિષ્યો પશ્ચિમમાં વેદાન્તનો પ્રચાર કરવાને માટે જશે.” તેમનો વિચાર સાંભળીને મી. સેવીઅર બોલ્યા: “હા, સ્વામીજી, તેમ બને તો કેવું સારૂં થાય ! એવા મઠની સ્થાપના આપણે કરવીજ જોઇએ.” પોતાના પાશ્ચાત્ય શિષ્યોના હૃદયમાં એ પ્રમાણે નાંખેલો વિચાર આજે મૂર્તિમંત થઈ હિમાલયમાં અદ્વૈત આશ્રમ રૂપે સર્વની દૃષ્ટિએ પડી રહેલો છે.

સ્વામીજી અને તેમના મિત્રો હવે આલ્પ્સ પર્વતની ટેકરીઓ ઉપર આમ તેમ પર્યટણ કરી રહ્યા હતા. ટેકરીઓ ઉપર ફરતાં સ્વામીજી ઉપનિષદોમાંથી કંઈ કંઈ બોલતા અને તેનો તરજુમો કરીને તેમના મિત્રોને સંભળાવતા.

એક દિવસે પર્વત ઉપરથી ઘર તરફ પાછા ફરતાં એક નાનું દેવાલય સ્વામીજીની દૃષ્ટિએ પડ્યું. પર્વતની એક નાની ટેકરી ઉપર તે આવેલું હતું. તેને જોઈને સ્વામીજી બોલ્યા કે, “ચાલો આપણે પવિત્ર કન્યા મેરીનાં ચરણની પૂજા કરીએ.” તે વખતે તેમના મુખ ઉપર અત્યંત મૃદુતા વ્યાપી રહેલી જણાતી હતી. તેમણે પર્વત ઉપરથી કેટલાંક ફુલ એકઠાં કર્યા અને તે મીસીસ સેવીઅરને આપીને સ્વામીજી બોલ્યા: “મેરીનાં ચરણ કમળ આગળ આ પુષ્પોને અર્પણ કરી દ્યો. મારી ભક્તિની તે નિશાની છે.”

સ્વીટઝરલાંડમાં આવેલા એક ગામડામાં સ્વામીજી અને તેમના મિત્રો રહેતા હતા. ત્યાં તેમને એક જરૂરી પત્ર મળ્યો. કીલ યુનિવર્સિટિમાં તત્વજ્ઞાનના પ્રોફેસર અને સંસ્કૃતના પંડિત તરીકે પ્રખ્યાત થઈ રહેલા પૉલ ડ્યુસને તે પત્ર મોકલ્યો હતો. સ્વામીજીને તેમણે કીલમાં પોતાને ઘેર તેડાવ્યા હતા. એ વિદ્વાન પ્રોફેસરે સ્વામીજીનાં ભાષણો અને કથનોનોના અભ્યાસ કર્યો હતો અને તેમની ખાત્રી થઈ હતી કે તે એક મોટા સ્વતંત્ર વિચારક છે અને અધ્યાત્મ વિદ્યાનું ઘણું ઉંડું જ્ઞાન ધરાવે છે. પૉલ ડ્યુસન વેદાન્તના વિષયમાં ઘણોજ રસ લેતા હતા. હિંદુસ્તાનમાં તે મુસાફરી કરી આવ્યા હતા. સ્વામીજી જેવા એક મહાન ઉપદેશકને મળવાની અને તેમની સાથે વાદવિવાદ કરવાની તે હવે ઈચ્છા કરી રહ્યા હતા. પ્રોફેસરના આમંત્રણથી સ્વામીજી કીલ ગયા અને પૉલ ડ્યુસનના અતિથિ થઈને રહ્યા. એ બે પંડિતોની મુલાકાતનું વર્ણન મીસીસ સેવીએરે નીચે પ્રમાણે આપેલું છે:—

“સ્વામીજી કીલમાં આવી વીશીમાં ઉતર્યાની ખબર પ્રોફેસરને મળી કે તરતજ તેમણે એક ચીઠ્ઠી અમારા ઉપર લખી મોકલી. બીજે દિવસે સવારનું ખાણું તેમને ઘેર લેવાનું અમને આમંત્રણ આપ્યું. બીજે દિવસે બરાબર દસ વાગ્યે અમે તેમને ઘેર ગયાં. અમને લાઇબ્રેરીમાં બેસાડવામાં આવ્યાં. પૉલ ડ્યુસન અને તેમનાં પત્નીએ ત્યાં આવી અમને ભારે આવકાર આપ્યો. સ્વામીજીની મુસાફરી તથા તેમની કેટલીક યોજનાઓ વિષે પૂછપરછ કર્યા પછી પ્રોફેસર એક ટેબલ ઉપર પડેલાં કેટલાંક પુસ્તકો તરફ જોવા લાગ્યા અને તરતજ એક પંડિતની માફક પુસ્તકો વિષે વાત કરવા લાગ્યા. એક ઉપનિષદ તેમણે હાથમાં લીધું અને તેમાંથી બે ત્રણ શ્લોક વાંચ્યા. તે શ્લોકો હજી પણ મારી સ્મૃતિ પટ ઉપર તરી આવે છે. હજી પણ તેમાં સમાઈ રહેલાં સત્યોના પડઘા મારા હૃદયમાં અથડાય છે, અને તેમનું રહસ્ય મારા વિચારોને ઉત્તમ માર્ગે દોરે છે. બહુજ ભાવપૂર્વક પ્રોફેસરે કહ્યું કે વેદોનો અભ્યાસ અલૌકિક શાંતિને આપનારો છે. ઉપનિષદોનાં સત્યો ઉપર રચાયલું વેદાન્ત અને શ્રી શંકરાચાર્યની ટીકાવાળાં વેદાન્ત સૂત્રો માનવજાતિના ઉત્તમોત્તમ આધ્યાત્મિક વિચારો અને સત્ય શોધનનાં શ્રેષ્ઠ ફળ છે. વેદાન્તમાંથીજ આ જગતની અતિ ઉચ્ચ અને પવિત્ર નીતિ નીકળી આવેલી છે.

“પ્રોફેસરે વેદાન્તનું તત્વજ્ઞાન એ નામનું પુસ્તક લખીને હિંદુ તત્વજ્ઞાનનો ફેલાવો કરવામાં સહાય કરેલી છે. પ્રાચીન સમયનાં પુસ્તકોમાં ભરાઈ બેઠેલા વેદાન્તનો હવે પુનરોધ્ધાર થવા લાગ્યો છે. આજે તે સર્વત્ર ફેલાવા લાગ્યું છે અને પાશ્ચાત્ય પ્રદેશોમાં ઘણા સહૃદય પુરૂષો તેનો સ્વીકાર કરી રહેલા છે.”

“પ્રોફેસર બોલ્યા: આધ્યાત્મિકતાના મૂળ તરફ જવાની હવે પાશ્ચાત્યોમાં હીલચાલ થવા લાગી છે અને થોડા વખતમાં ભારતવર્ષ સઘળી પ્રજાઓનો ઉપદેશક બની રહેશે.”

“પૉલ ડ્યુસન અને તેમનાં પત્નીએ અમારી બરદાશ કરવામાં કચાસ રાખી નહિ. ભારતવર્ષની તેમણે મુલાકાત લીધી હતી અને તે મુલાકાતનું સવિસ્તર વર્ણન પ્રોફેસર આપવા લાગ્યા. તે વર્ણન ઘણુંજ મોહક અને આનંદદાયક હતું. પ્રાચીન ભારતવર્ષ–ઐતિહાસિક ભારતવર્ષને તેના રસપૂર્ણ ઐતિહાસિક બનાવો સાથે તે વર્ણવવા લાગ્યા. ભારતવર્ષ તેમને મન ઐતિહાસીક બનાવોથી ભરપુર લાગતું હતું. પવિત્ર જાન્હવી, જેના પુણ્યોદકમાં હજારો સ્ત્રી પુરૂષો સ્નાન કરી રહેલાં છે, જેના કિનારા ઉપર આવેલાં શહેરોમાં અસંખ્ય દેવાલયો, મંદિરો અને શિવાલયો પ્રાચીન ભારતવર્ષના મહિમા દર્શાવી રહેલાં છે, તેના વિષે તે હવે વાત કરવા લાગ્યા. ભારતવર્ષને સર્વ ધર્મની જનની તરીકે તેઓ દર્શાવવા લાગ્યા. બ્રહ્મ, બુદ્ધ અને મહંમદના વિશ્વવ્યાપક સિધ્ધાંતોનું નિવાસસ્થાન તેને કહેવા લાગ્યા. એ સિવાય પણ બીજું ઘણુંએ તેમણે અમને કહ્યું. ભારતવર્ષ તરફ તેમની પ્રીતિ કેવી હતી તેને અમને હવેજ પૂર્ણ અનુભવ થયો.”

પૉલ ડ્યુસન એક મોટા પંડિત હતા. સંસ્કૃતવિદ્યામાં તે પ્રવિણ હતા. સંસ્કૃત સાહિત્ય અને તત્વજ્ઞાન તરફ તેમનું ચિત્ત નાનપણથી દોરાઈ રહ્યું હતું. સ્વામી વિવેકાનંદ ડ્યુસનના અભ્યાસ વિષે લખે છે કે; “એ જર્મન વિદ્યાર્થીના મનમાં સંસ્કૃત વિદ્યા ગ્રહણ કરવાને માટે ઘણીજ ઉત્કંઠા થઈ રહી. પાશ્ચાત્ય મનુષ્યોને માટે તે વિદ્યા ગ્રહણ કરવાનું કાર્ય ઘણુંજ કઠિન હતું, પણ ઘણા પંડિતોની માફક સખત મહેનત તેમણે પણ કરી; ઘણાં સંકટો તેમણે વેઠ્યાં અને અત્યંત ખંતથી એક વીર પુરૂષની માફક તે પોતાના કાર્યમાં આખરે જય મેળવી રહ્યા. હવે આખું યુરોપ તો શું, પણ આખું હિંદ પણ તેમને ઓળખે છે. મેં અમેરિકા અને યૂરોપમાં ઘણા સંસ્કૃતના અભ્યાસીઓ જોયેલા છે અને તેમાંના કેટલાક વેદાન્ત તરફ ઘણીજ સહાનુભૂતિ દર્શાવે છે. તેમની અસાધારણ બુદ્ધિ અને વિદ્યોપાર્જન માટે લીધેલા અથાગ શ્રમને માટે મને ઘણું જ માન છે; પરંતુ પૉલ ડ્યુસન–જેમણે દેવસેન નામ ધારણ કરેલું છે તે અને મેક્સમુલર આ બે જણ તો ભારતવર્ષના અને હિંદુ તત્ત્વજ્ઞાનના અત્યંત ચુસ્ત મિત્રો છે. આ પંડિત સાથે થયેલી મુલાકાતને મારા જીવનની એક ધન્ય ઘડી સમજું છું.”

“હિંદના સુભાગ્યે યુરોપમાં હવે ઘણા સંસ્કૃતના અભ્યાસીઓ થવા લાગ્યા છે. તેઓ વિદ્વાન છે, પૂજ્ય છે અને હિંદ તરફ સહાનુભૂતિ દર્શાવે છે. જુના અને નવા વિદ્વાનોને જોડનાર સાંકળ તરીકે પંડિત મેક્સમુલર છે. અમે હિંદુઓ મેક્સમુલરના ઘણા આભારી છીએ. તેમણે કેવું મહત્‌ કાર્ય કરેલું છે ? તે એકલા હતા, તેમને કોઈએ મદદ કરી નથી. તેમણે જાતેજ જુની હસ્તલિખિત પ્રતો વાંચેલી છે અને તેની પાછળ દિવસના દિવસ અને મહિનાના મહિના ગાળેલા છે. સાયણાચાર્યના શબ્દો અને વાક્યોનો અર્થ બેસાડવામાં તેમણે અથાગ શ્રમ લીધેલો છે, અને પરિણામે સર્વને માટે વેદાધ્યયનનો માર્ગ સરળ કરી મૂક્યો છે. અમારા બાપદાદાઓના સાહિત્યના રક્ષણ અને પ્રચારને માટે તેમણે જે કરેલું છે તેનો હજારમો ભાગ પણ અમારામાંનો કોઈ કરી શકે તેમ નથી. તેમણે જે કંઈ કરેલું છે તે ઘણું પ્રેમ અને પૂજ્યભાવથી પ્રેરાઈને કરેલું છે.”

“આ પ્રમાણે મેક્સમુલર સંસ્કૃત વિદ્યાનો એક જુનો રક્ષક છે અને પૉલ ડ્યુસન તેનો નવો પ્રચારક છે. ડ્યુસનને એક તત્ત્વવેત્તા જેવું શિક્ષણ મળ્યું હતું. પ્રાચીન ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં તે પ્રવીણ હોવાથી ઉપનિષદોનાં અગાધ સત્યોમાં તે ઉંડી ડૂબકી મારી શક્યા હતા અને એ સત્યો તેમને આનંદ, શાંતિ અને સંતોષ આપનારાં લાગ્યાં હતાં. પોતાનો અનુભવ તેમણે ઘણીજ હિંમતથી જગતને જણાવ્યો છે. વેદાન્ત વિષેના તેમના વિચારો ઘણાજ સ્વતંત્ર છે. મેક્સમુલર અને ડ્યુસન પ્રાચીન પ્રમાણોની દરકાર કર્યા વગર સ્વતંત્રપણેજ સત્યને દર્શાવી રહેલા છે.”

કીલમાં ડ્યુસનને ઘેર સ્વામીજી એક વખત એક પુસ્તક વાંચી રહ્યા હતા. પ્રોફેસરે તેમને તે પ્રમાણે કરતા જોયા. સ્વામીજીની જોડે કંઇ વાત કરવાની તેમની ઈચ્છા થવાથી તેમણે સ્વામીજીને બોલાવ્યા, પણ કંઈ ઉત્તર મળ્યો નહિ. વાંચવામાં સ્વામીજી તલ્લીન થઈ ગયા હતા. પછીથી જ્યારે એમણે જાણ્યું કે એમનાથી ઉત્તર અપાયો નહોતો ત્યારે સ્વામીજી માફી માગવા લાગ્યા અને કહ્યું કે, વાંચનના રસમાં હું ઘણોજ મગ્ન થઈ ગયો હતો. પ્રોફેસર આશ્ચર્ય પામ્યા. સ્વામીજીના એ કથનથી તેમને સંતોષ વળ્યો નહિ. પછીથી સ્વામીજી એ પુસ્તકના સઘળા શ્લોકો એક પછી એક મ્હોંડે બોલવા લાગ્યા અને કેટલાકને સમજાવવા લાગ્યા. ડ્યુસન ઘણાજ ચકિત બની ગયા. ખેત્રીના મહારાજાની પેઠે તે પણ પૂછવા લાગ્યા કે, “આવી યાદશક્તિ તમે શી રીતે પ્રાપ્ત કરેલી છે ?” એ ઉપરથી ચિત્તની એકાગ્રતા અને યોગીઓની માનસિક શક્તિઓ ઉપર વાર્તાલાપ ચાલી રહ્યો. સ્વામીજી પોતાનો અનુભવ કહેવા લાગ્યા. તેમનું કહેવું સાંભળીને પ્રોફેસરને ખાત્રી થઈ કે એ વાત ખરીજ હોવી જોઈએ.

કીલમાં સ્વામીજી કેટલાક દિવસ રહ્યા અને ત્યાંની કારિગીરી અને કલાઓનો અભ્યાસ કરવા લાગ્યા. કેટલાંક પ્રખ્યાત સ્થળો તેમણે જોયાં. સ્વામીજી સદાએ એક વિદ્યાર્થીની માફક અવલોકન કરતા. પાશ્ચાત્ય સુધારામાં તેમને કંઇ કંઇ નવું અને અગત્યનું લાગતું. પાશ્ચાત્ય સંસ્કૃતિનાં શ્રેષ્ઠ ફળો ભારતવાસીઓને ચખાડવાં, તેમાં રહેલાં અગત્યનાં તત્ત્વો પૌર્વાત્ય સંસ્કૃતિને અનુકુળ કરવાં અને બંને સુધારાઓનું યોગ્ય મિશ્રણ કરી તે પ્રમાણે ભારતવર્ષનું જીવન ઘડવું, એવી દૃષ્ટિથીજ તે સર્વત્ર પ્રવાસ કરી રહ્યા હતા. કીલથી તે હેમબર્ગ ગયા, પછીથી તે આમ્સ્ટરડામ ગયા. ત્યાં કારિગીરીનાં સ્થળો અને સંગ્રહસ્થાનો તેમણે જોયાં. ત્યાંથી સ્વામીજી અને તેમના મિત્રો પાછાં લંડન ગયા. તેમની મુસાફરીમાં પૉલ ડ્યુસન પણ જોડે હતા અને તે પણ સ્વામીજી સાથે લંડન આવ્યા.