સ્વામી વિવેકાનંદ/લંડનથી વિદાયગીરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પોલ ડ્યુસનની મુલાકાત સ્વામી વિવેકાનંદ
લંડનથી વિદાયગીરી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં →


પ્રકરણ ૪૧ મું – લંડનથી વિદાયગીરી.

યુરોપની મુસાફરી કરી આવ્યા પછી સ્વામીજી જ્ઞાનયોગ ઉપર ભાષણો આપવા લાગ્યા. વ્યવહારમાં પણ તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેનું દિગ્‌દર્શન તે કરાવવા લાગ્યા. વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વો ભૌતિક છે અને વેદાન્તનાં આધ્યાત્મિક છે એમ તે સર્વેના મનમાં ઠસાવવા લાગ્યા. યૂરોપનું કલ્યાણ વેદાન્તના અભ્યાસમાં રહેલું છે. વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોને સમજવામાં અને તે પ્રમાણે જીવનને ઘડવામાં યૂરોપમાં અશાંતિ અને કલહનાં બીજ રોપાશે એમ સ્વામીજી પોતાના ભાષણોમાં દર્શાવવા લાગ્યા. કેટલાકને તો હવે યોગની ક્રિયાઓ બતાવવા લાગ્યા. જ્ઞાનમાર્ગને સૌનાં હૃદયમાં ઉતારવા લાગ્યા. આ વખતે સ્વામીજી જ્ઞાનયોગની સાક્ષાત્‌ મૂર્તિ હોય તેવા દેખાતા હતા. જ્ઞાનીની અવસ્થા તે દર્શાવવા લાગ્યા અને ખરો સુધરેલો મનુષ્ય કેવો હોઈ શકે તે પોતાનાં આચરણથી પાશ્ચાત્ય વિચારકોને સમજાવવા લાગ્યા. “વેદાન્ત ખરા સુધારાનું એક અંગ છે” એ વિષય ઉપર તેમણે એક ભાષણ આપ્યું. તેમાં પાશ્ચાત્ય વિજ્ઞાન અને હિંદના તત્વજ્ઞાનની તેમણે તુલના કરી, બંનેની મહત્તા કેટલે દરજ્જે સ્વીકારવાની છે તે સૈાના હૃદયમાં દૃઢપણે ઠસાવ્યું અને જીવનના મહા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં વેદાન્તનો આશ્રય લીધા વગર ચાલે તેમ નથી, એમ સૌને સાબીત કરી આપ્યું. પાશ્ચાત્ય જીવનનાં આદર્શો ભૌતિક પદાર્થોમાંજ સમાઈ રહેલાં છે; પરંતુ મનુષ્યોનો આત્મા ઐહિક પદાર્થોથી પર જવાને ઇચ્છે છે. ઐહિક પદાર્થોથી તેને સંતોષ થનાર નથી, તેની લાગણીઓ અને દિવ્ય વાસનાઓને તૃપ્ત કરનાર તો માત્ર વેદાન્તનો જ્ઞાનમાર્ગ જ છે, એમ તેમણે સિદ્ધ કરી બતાવ્યું. રાગદ્વેષ–અહંતા–મમતાથી રહિત થયેલાં મનુષ્યો જ જગતને ઉપકારક હોઈ શકે; તેમનાંજ કાર્યો ઉચ્ચ અને દિવ્ય બની શકે; તેમનાથીજ સંસારને સ્થાયી અને સંગીત લાભ પહોંચી શકે; અને જે પણ સુધારો કે શિક્ષણ એવાં મનુષ્યોને ઉત્પન્ન કરી શકતો નથી તે નકામો છે. વખતે ક્ષણીક લાભ તેનાથી થશે, પણ અંતે તો તેનાથી હાનિજ છે. એમ સૌની ખાત્રી સ્વામીજીએ કરી આપી. સ્વામીજીનું કહેવું કેટલે અંશે ખરૂં હતું ? એ મહાન વિચારકે પહેલેથીજ પાશ્ચાત્યોને સમજાવ્યું હતું કે તેમની સંસ્કૃતિ એક ભારે વિગ્રહના રૂપમાં પરિણમશે. સ્વામીજીનું તે કથન પુરેપુરૂં સત્ય હતું; એમ યુય્રોપમાં થયેલી ભારે લઢાઈએ સ્પષ્ટ દર્શાવી આપ્યું છે.

લંડનમાં પ્રોફેસર ડ્યુસન વારંવાર સ્વામીજીને મળવાને આવતા. બંને વેદાન્તીઓ વચ્ચે હિંદુ તત્વજ્ઞાન વિષે ભારે ચર્ચા ચાલતી. સ્વામીજી તેમને વેદાન્તના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતો સમજાવતા અને ડ્યુસનના જ્ઞાનમાં તેથી વધારો થતો. વેદાન્તનાં તત્ત્વો ગૂઢ હોઈ પાશ્ચાત્યોને તે ઝટ લઈ સમજાય તેવાં નથી; કેમકે પાશ્ચાત્યો માત્ર બુદ્ધિબળથીજ તેને સમજવાને મથે છે, પણ તેમાં અનુભવની પણ ખાસ જરૂર છે, એમ સ્વામીજી તેમને કહેતા અને પ્રોફેસર તેમનું કહેવું અક્ષરશઃ કબુલ કરતા. જેમ જેમ પ્રોફેસર વિવેકાનંદના સમાગમમાં વધારેને વધારે આવતા ગયા તેમ તેમ તેમની ખાત્રી થતી ગઈ કે વેદાન્તનાં તત્ત્વો સમજવાને પાશ્ચાત્યોએ હિંદુ થવું જોઈએ; કારણ કે હિંદુ તત્વજ્ઞાન માત્ર તર્કવાદનો વિષય નથી, પણ આધ્યાત્મિક અનુભવની પણ તેમાં આવશ્યકતા છે. વળી પ્રોફેસર મેક્સમુલર પણ સ્વામીજી સાથે પત્રવ્યવહાર ચલાવતા. આ પ્રમાણે લંડનમાં ત્રણ મોટા વિચારકો અને પૌર્વાત્ય વિદ્યાના અભ્યાસીઓ એક બીજાની સાથે વેદાન્તનો વિષય ચર્ચવામાં પોતાનો સમય ગાળી રહ્યા હતા.

લંડનમાં કાર્ય કરીને સ્વામીજી થાકી ગયા હતા. થોડો વખત વિશ્રાંતિ લેવાની તેમને જરૂર હતી; તેથી કરીને તેમણે હવે હિંદુસ્તાન તરફ પાછા ફરવાનો વિચાર કર્યો. એ ઈરાદાથી તે હવે પોતાના કાર્યને વ્યવસ્થિતપણે ગોઠવવા લાગ્યા. હવે તે વેદાન્તનાં કેટલાંક ગૂઢ તત્ત્વોની અસર પાશ્ચાત્યોમાં લાંબા વખત ટકી રહે તેમ કરવાને વેદાન્તની પારમાર્થિક અને વ્યવહારીક ઉપયોગિતા સમજાવવા લાગ્યા. એકાન્ત વાસ અને શાંતિમાં રહીને સ્વામીજીએ જે આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કર્યા હતા તે સઘળા જાણે કે હવે એક પછી એક જગતની દૃષ્ટિ આગળ તે ધરી દેતા હોય તેમ સર્વને લાગતું હતું. સ્વામીજી હવે ખાસ કરીને અદ્વૈતવાદ ઉપર ભાષણો આપી રહ્યા હતા. અદ્વૈતવાદ હિંદુ તત્વજ્ઞાનનું શિખર છે, સર્વ જ્ઞાનનો તે શિરોમણી છે, તેના વગર વેદાન્તનું જ્ઞાન અધુરું છે. વેદાન્તનો માયાવાદ પણ કઠિન છે. મોટા મોટા પંડિતો અને વિચારકો પણ તેને સમજવામાં ગોથાં ખાઈ ગયેલા છે. એ માયાવાદને સાદા અને સરળ શબ્દોમાં સમજાવવા અને વળી અંગ્રેજી ભાષામાં તે વિષયને પ્રતિપાદન કરીને પાશ્ચાત્યો જેવા અસંસ્કારી મનુષ્યોને ગળે ઉતારવો, એ કામ કેટલું દુઃસાધ્ય છે ? પણ એ દુઃસાધ્ય કાર્યને પણ આપણા વ્હાલા સ્વામીજીએ સુસાધ્ય કરી મૂક્યું છે. ઘરમાં આપણે વાતચીત કરીએ એવી સાદી ભાષામાં અને સરળ શબ્દોમાં તેમણે માયાવાદને પાશ્ચાત્યો આગળ સમજાવ્યો છે. તે કાર્યમાં તેમણે કેવી અપૂર્વ ફતેહ મેળવેલી છે તે તેમનું “માયા” ઉપરનું ભાષણ વાંચવાથીજ સમજાશે. માયા, ઇશ્વર, બ્રહ્મ, મુક્તિ વગેરે વિષયોને તેમણે આધુનિક વિચારની દૃષ્ટિથી અત્યંત સ્પષ્ટ કરી મૂકેલા છે. એ વિષયો ઉપરનાં તેમનાં ભાષણો સ્વામીજીને અદ્વૈતવાદ પ્રત્યેનો પ્રેમ, તેમાં તેમનો ઉંડો પ્રવેશ, સ્વાનુભવ અને બ્રહ્મનિષ્ઠતાને સિદ્ધ કરી આપે છે. “માયા અને બ્રહ્મ,” “માયા અને મુક્તિ”, “સર્વમાં ઈશ્વર” “ભેદમાં અભેદ” વગેરે વિષયો ઉપરનાં તેમનાં ભાષણો વાંચતાં આપણને માલમ પડી આવે છે કે સ્વામીજી અદ્વૈતવાદના મુખ્ય સિદ્ધાંત एकं सत्: सच्चिदानंदम ब्रह्मः નેજ તે સર્વમાં પ્રતિપાદન કરી રહેલા છે. મનુષ્યનો આત્મા સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છે. જગત તો માત્ર તેનો એક સ્વરૂપ અને સ્થૂલ આવિર્ભાવ છે; માટે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. એ સિદ્ધાંતને અનુસરીને ચાલવામાંજ ખરો ધર્મ સમાઈ રહેલો છે. બુદ્ધિ અને તર્ક પણ આપણને એ માર્ગનુંજ સૂચન કરે છે. આખા યુરોપનું કલ્યાણ પણ એ સિદ્ધાંતને અનુસરવામાંજ રહેલું છે. એમ સ્વામીજી ખાત્રીપૂર્વક પાશ્ચાત્યોને ઉપદેશી રહ્યા હતા. વેદાન્તનાં ઉંચામાં ઉંચાં સત્યોને એક મહાન કવિના જેવી અલૌકિક અને રસપૂર્ણ વાણીમાં દર્શાવવાની સ્વામીજીમાં અસાધારણ શક્તિ હતી. તેમનાં કથનોના ટેકા રૂપ તેમનું ભવ્ય ચારિત્ર સર્વને મોહ પમાડતું હતું અને તેના પ્રભાવથી તેમનો બોધ સર્વને સચોટ લાગતો હતો. જાણે કે મેઘની ગર્જના થતી હોય તેમ તેમના શબ્દો મુખમાંથી બહાર આવતા અને તેમાં દર્શાવાયલું સત્ય વિજળીના ચમકારાની માફક સર્વને આંજી નાખતું. “માયા” વિષેના એક ભાષણમાં સ્વામીજી એટલી બધી ઉન્નત અવસ્થામાં વિચરી રહ્યા અને તેમના મનમાં લાગણીઓ એટલી બધી ઉભરાઈ રહી કે તેના પ્રવાહમાં શ્રોતાવર્ગ પણ પોતાનું ભાન ભૂલી ગયો અને સ્વામીજીની સાથે આત્માના પ્રદેશમાં ઉડવા લાગ્યો. ગુરૂ શબ્દદ્વારા પણ સ્વાનુભવને શિષ્યના હૃદયમાં કેવી રીતે ઉતારી શકે અને તેને પરમાત્માની ઝાંખી કરાવી શકે, એવી ખાત્રી આ પ્રસંગે સૌના મનમાં થઈ. સ્વામીજી સઘળાં ભાષણો મ્હોંડેથીજ આપતા હતા અને તેને માટે પ્રથમથી નોંધ વગેરે કરતા નહોતા. તત્વજ્ઞાન જેવા ગહન વિષયને એક રમકડાની માફક તેમને હાથમાં રમાડતા જોઇને સઘળા અંગ્રેજો અત્યંત ચકિત થતા અને તેમને અવતારિક પુરૂષ તરીકે ગણતા.

ધીમે ધીમે સ્વામીજીના શિષ્યો અને મિત્રોને માલમ પડ્યું કે સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાનમાં પાછા જવાની તૈયારી કરી રહેલા છે. એ ખબરથી સર્વને દિલગીરી થવા લાગી. સર્વેએ મળીને નક્કી કર્યું કે સ્વામીજીને એક માનપત્ર આપવું. તેની વ્યવસ્થા કરવાનું કામ મી. સ્ટર્ડીએ માથે લીધું હતું. તેમણે અને મી. જે. જે. ગુડવીને મળીને સર્વેને આમંત્રણ મોકલ્યાં. અને એક ગંજાવર સભા સ્વામીજીને માનપત્ર આપવાને એકઠી મળી. લંડનના સઘળા ભાગોમાંથી મનુષ્યો ત્યાં આવીને ભેગાં થયાં હતાં. વળી કેટલાંક દૂરનાં પરાંમાંથી પણ સ્ત્રી પુરૂષો ત્યાં આવ્યાં હતાં. સ્વામીજી તે સભામાં પધાર્યા તે વખતે સર્વત્ર શાંતિ પ્રસરી રહી અને સર્વનાં હૃદય પ્રેમથી ઉભરાઈ રહ્યાં. શોકની કંઈક કંઈક છાયા સર્વનાં મુખ ઉપર છવાઈ રહેલી જણાતી હતી અને સ્વામીજી પાછા ક્યારે આવશે તે વિષેની આતુરતા સર્વના મનમાં ઉદ્‌ભવી રહેલી હતી. પીકેડીલીમાં રોયલ સોસાયટી ઓફ પેન્ટર્સ છે. તેના મોટા હૉલમાં માનપત્ર આપવાની ક્રિયા કરવામાં આવી હતી. મી. એરીક હમંડ નામના એક અંગ્રેજ મિત્રે તે સભાના કાર્યનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે;—

“લંડનમાં તે દિવસ રવિવારનો હતો. સઘળી દુકાનો બંધ રાખવામાં આવી હતી. સર્વ વ્યાપાર બંધ રાખવામાં આવ્યો હતો. શહેરના મહોલ્લાઓમાં થોડીકવારને માટે ગાડી, ઘોડા કે ગાડાનો અવાજ પણ સંભળાતો નહોતો. લંડનના રહેવાસીઓ રવિવારનો પોશાક પહેરીને ગંભીરતાથી દેવાલયમાં જતા જણાતા હતા. તેજ દિવસે ત્રીજા પહોરે સ્વામીજીના શિષ્યો અને મિત્રો તેમને છેવટનું માન આપવાના હતા. તેમનું આગમન તેમને મન અત્યંત શ્રેયસ્કર થઈ રહ્યું હતું. સભાના હૉલનો એક ભાગ કારિગરોના ઉપયોગને માટે અલગ રાખવામાં આવ્યો હતો. ત્યાં જુદાં જુદાં ચિત્રો દિવાલો ઉપર દૃશ્યમાન થતાં હતાં. એક ઉચ્ચ પીઠિકા ત્યાં બનાવવામાં આવી હતી. પુષ્પ, લતા, પત્રાદિથી તેને અલંકૃત કરવામાં આવી હતી. તે પીઠિકા ઉપર ઉભા રહીને સ્વામીજી લંડનના લોકોને છેવટનો બોધ આપવાના હતા. દરેક જાતનાં અને ભિન્ન ભિન્ન દરજ્જાનાં સ્ત્રી પુરૂષો ત્યાં એકઠાં થયાં હતાં. સઘળાંના હૃદયમાં એકજ ઈચ્છા ઉત્પન થઇ રહી હતી. સ્વામીજીનાં દર્શન કરવાની, તેમનો બોધ સાંભળવાની અને બને તો નીચા નમીને તેમના વસ્ત્રને સ્પર્શ કરવાની ઉત્કટ જીજ્ઞાસા સર્વેના મનમાં તરી રહી હતી.”

“પીઠિકા ઉપર ગવૈયાઓ અને વાદ્યોના મધુર સ્વરો એક પછી એક થોડે થોડે અંતરે સંભળાતા હતા. લંડનમાં સ્વામીજી જે મહદ્‌ યશ અને પ્રીતિ પ્રાપ્ત કરી રહ્યા હતા તેનો ખ્યાલ આપવાને ઘણાં સ્ત્રી પુરૂષોએ ભાષણો આપ્યાં. ભાષણકર્ત્તાઓનાં વચનોને અનુમોદન આપવાને વચ્ચે વચ્ચે તાળીઓના અવાજો સંભળાતા હતા. ઘણા બોલ્યા ચાલ્યા વગર ગુપચુપ બેસી રહ્યા હતા. તેમનાં હૃદયો દિલગીરીથી ભરપુર થઈ રહ્યાં હતાં. કેટલાંક સ્ત્રી પુરૂષો અશ્રુપાત પણ કરતાં હતાં. હૉલની બહાર સઘળું નિસ્તેજ દેખાતું હતું. હૉલની અંદર શોકની છાયા છવાઈ રહેલી હોવાથી બહારની નિસ્તેજતામાં ઉમેરો થતો હતો. સર્વની વચમાં એક આકૃતિ શોકને દબાવતી, તેના ઉપર જય મેળવતી દૃશ્યમાન થતી હતી. તે આકૃતિ સ્વામીજીની હતી. સભાનું કામ પૂરૂં થયા પછી સૂર્યના તેજસ્વી કિરણની પેઠે સ્વામીજી સૌની વચમાં થઈને પસાર થઈ ગયા. જતાં જતાં તે બોલ્યા: “હા, હા, આપણે ફરીથી મળીશું ! ફરીથી મળીશું !”

ઉપનિષદોનાં ભવ્ય, ઉદાત્ત અને વિશાળ તત્ત્વોથી આકર્ષાઈને ભિન્ન ભિન્ન વિચારોને ધરાવનારા અસંખ્ય મનુષ્યો અને લંડનના પાદરીઓ સુદ્ધાં ભેદભાવને ભૂલી વેદાંતનાં મહાન સત્યને અનુસરવા અને ઉપદેશવા યત્ન કરતા. ખ્રિસ્તી ધર્મનાં દેવાલયમાં તેઓ વિવેકાનંદનાં વખાણ કરતા અને તેમના બોધ પ્રમાણે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ કરતા નજરે આવતા. આ પ્રમાણે સ્વામીજીનું નામ અને કીર્તિ સર્વત્ર ફેલાતાં હતાં. અંગ્રેજોને મન સ્વામીજી પરમ શાંતિ અને સુલેહના વાહક હતા. જડવાદથી નિરાશ થયેલા અનેક અંગ્રેજોના આત્માને તેમનો બોધ તૃપ્તિ આપી રહ્યો હતો. ઉપર પ્રમાણે સ્વામીજીનું નામ લાખો મનુષ્યોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું, તોપણ સઘળાં સ્ત્રીપુરૂષોને તેમની ખબર મળી શકી નહોતી. કેટલાંકને તો તેમની ખબર થઈ ત્યારે સ્વામીજી ઈંગ્લાંડ છોડવાની તૈયારીમાં હતા, તેથી તેઓ માત્ર માનપત્ર આપવાની ક્રિયામાં જ ભાગ લઈ શક્યા હતા. માનપત્ર આપવાની ક્રિયા અપૂર્વ લાગતી હતી; કારણકે “ગુરૂભક્તિ” એ પાશ્ચાત્યોને મન એક તદ્દન નવીન વસ્તુજ હતી. સ્વામીજીને જે માનપત્ર આપવામાં આવ્યું હતું તે નીચે પ્રમાણે હતું:—

“લંડનમાં વસતા અમે વેદાન્તના અભ્યાસીઓ તમારો ઉમદા અને અનુપમ બોધ ગ્રહણ કરી રહેલા છીએ. તમે જે શ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ કાર્ય કરવાનું આરંભેલું છે અને ધર્મના અભ્યાસમાં તમે અમને જે સહાય કરી રહેલા છો, તેને માટે અમે અમારો આભાર પ્રદર્શિત કર્યા વગર રહીએ તો તે અમારી કર્તવ્યપરાયણતામાં એક મોટી ખામી કહેવાય. અમને ઘણીજ દિલગીરી થાય છે કે તમે જલદીથી ઈંગ્લાંડ છોડીને જવાના છો ! પણ હિંદમાં રહેલા અમારા ભાઈઓ અને બહેનોનો પણ તમારા કાર્ય ઉપર તેટલોજ હક્ક જો અમે સમજીએ નહિ તો પછી તમે અમને જે સુંદર તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તેના અમે ખરેખરા અભ્યાસીઓ કહેવાઈએ નહિ. તમારા વિશાળ અને ભવ્ય બોધની અસર જેમનાં મન ઉપર થયેલી છે તે સર્વેની પ્રભુને પ્રાર્થના છે કે તમે તમારા કાર્યમાં સદાએ જયવંત થાઓ. તમારા અંગત ગુણો વેદાન્તના સિદ્ધાંતોનો જીવંત દૃષ્ટાંત છે. તેમનાથી અમને ઘણુંજ ઉત્તેજન મળેલું છે અને તે ઉપરથી અમે પ્રભુના સાચા ભક્તો– વિચારમાં અને ક્રિયામાં–થવાને મથી રહેલા છીએ.”

“તમે આ દેશમાં જલદીથી પાછા આવો એમ અમે ઘણીજ આતુરતાથી ઇચ્છી રહેલા છીએ. હિંદુસ્તાન તરફ નવીજ દૃષ્ટિથી જોવાનું અને તેની પ્રજા ઉપર પ્રીત રાખવાનું તમે અમને શિખવેલું છે, તે હિંદુસ્તાનના લોકો તમારી ઉદાર સેવાના અમારી સાથે ભાગી થશે એમ જાણીને અમને ખરેખર આનંદ થાય છે. અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા તરફથી ભારતવાસીઓને વિદિત કરશો કે તેમના તરફ અમારી પ્રીતિ અને સહાનુભૂતિ સદાએ છે અને તેમની ખાત્રી કરી આપશો કે તેમના કાર્યને અમારૂંજ કાર્ય અમે ગણીએ છીએ; કારણકે પ્રભુની આગળ આપણે બધા એકજ છીએ, એમ અમે તમારા બોધથી અનુભવી રહેલા છીએ.”

એ માનપત્રના શબ્દો સાંભળીને સ્વામીજીને ઘણુંજ લાગી આવ્યું અને તેનો જવાબ તેમણે ગદ્‌ગદ્‌ કંઠે વાળ્યો. તેમના શબ્દો અત્યંત ભાવ અને આધ્યાત્મિક જુસ્સાથી ભરપુર હતા.

સને ૧૮૯૬ ના ડીસેમ્બરની ૧૬ મી તારીખે સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાન જવાને ઉપડી ગયા. તેમની સાથે તેમના કેટલાક અંગ્રેજ શિષ્યો પણ ગયા. તેમના વિદ્યાર્થીઓ તેમને જવા દેવાને માટે ખુશી નહોતા અને કેટલાક મહિના વધારે રહેવાની અરજ કરી રહ્યા હતા. પણ હિંદ છોડ્યાને ઘણો વખત થયો હતો; વળી પશ્ચિમનો મોજશોખ, ઠાઠ, વગેરે સ્વામીજીને પસંદ પડતાં નહોતાં. કેવળ મોજશોખ અને દ્રવ્યોપાર્જનમાં ગળાતું પાશ્ચાત્ય જીવન તેમને નિરસ અને શુષ્ક લાગતું હતું. જ્યાં બળ અને સત્તાજ સર્વોપરી ગણાતાં હતાં, જ્યાં ગરિબોને એકવાર પણ ખાવાનું ન મળે અને ધનાઢ્યો મોજશોખમાં પુષ્કળ દ્રવ્ય ઉરાડ્યા કરે, એવી ભૂમિમાં રહેવાથી તેમને કંટાળો આવતો હતો. ધનાઢ્ય, ભપકાદાર અને સત્તાવાન પશ્ચિમ કરતાં પ્રાચીન વિદ્યાની મહત્તા અને ભવ્યતાથી અલંકૃત થઈ રહેલું ભારતવર્ષ સ્વામીજીને વધારે પ્રિય હતું. સ્વામીજી હિંદ જવાને ઉપડી ગયા તેજ દિવસે તેમના એક મિત્રે તેમને સવાલ પૂછ્યો હતો કે; “મોજશોખ, કીર્તિ અને સત્તાથી ભરપુર એવા આ પાશ્ચાત્ય પ્રદેશમાં ચાર વર્ષ રહ્યા પછી હવે તમને હિંદુસ્તાનમાં રહેવું કેમ ગમશે ?” સ્વદેશભક્ત સ્વામીજીએ ઉત્તર આપ્યો હતો કે “અહીંઆં હું આવ્યો તે પહેલાં પણ મારા ભારતવર્ષને હું અત્યંત ચહાતો હતો; પણ હવે તેનાથી દૂર રહેવાથી તો તે ભારતવર્ષની ધૂળ પણ મને ઘણીજ પવિત્ર લાગે છે. તેનું સઘળું વાતાવરણ મારે મન પવિત્ર છે. મારે મન હવે તે એક યાત્રાનું સ્થળ થઈ રહેલું છે. ભારતવર્ષ પુણ્યભૂમિ છે. એ વાત સ્વામીજીએ પશ્ચિમનો અનુભવ લીધા પછી તેમના મનપર વધુ દૃઢપણે ઠસી રહી હતી.

સ્વામીજીના જવાથી સર્વેનાં હૃદય ખિન્ન થઈ રહ્યાં હતાં. પોતાની લાગણી એક અમેરિકન મિત્રને દર્શાવતાં મી. સ્ટર્ડીએ નીચે પ્રમાણે લખ્યું હતું;– “સ્વામી વિવેકાનંદ આજે ગયા છે !… તેમને જતી વખતે ભારે માન આપવામાં આવ્યું હતું. તેમના પ્રભાવની અસર ઘણાં મનુષ્યોનાં હૃદયમાં ઉંડી ઉતરી રહેલી છે. અમે હવે તેમનું કામ ઉપાડી લેવાના છીએ. તેમના ગુરૂભાઈ અભેદાનંદ અમને તે કાર્યમાં મદદ કરશે; કેમકે તે પણ એક સુંદર, આકર્ષક અને યુવાન સાધુ છે.”

“તમારું ધારવું ખરૂં છે. સ્વામી વિવેકાનંદ જવાથી હું ઘણોજ દિલગીર થઈ ગયેલો છું. મારા આખા જીવનમાં તેમના જેવા ઉમદા મિત્ર અને પવિત્ર ઉપદેશક મને કદીએ મળ્યા નથી. પૂર્વ જન્મમાં મેં કંઈ પુણ્ય કરેલું હશે તેને લીધેજ મને તે મળેલા છે. મારી જીંદગીમાં જે જે હું ઈચ્છતો હતો તે સર્વ મને તેમનાથી પ્રાપ્ત થયેલું છે.”

મિસ મારગરેટ નોબલે સ્વામીજીના પ્રબળ પ્રભાવનો ચિતાર નીચે પ્રમાણે આપેલો છે:–

“અમારામાંના ઘણાને વિવેકાનંદનો બોધ તરસ્યાને પાણી મળે તેવો થઈ રહેલ છે. અમારામાંના ઘણાને ધર્મની બાબતમાં નિરાશા અને સંશય ઉત્પન્ન થઈ રહેલાં હતાં; અને યૂરોપના બુદ્ધિમાન પુરૂષોનું જીવન પચાસ વર્ષથી તેવુંજ થઈ રહેલું છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો માનવાનું અમારે માટે અશક્ય થઈ ગયું હતું અને તેમાંથી સાર શી રીતે શોધી કહાડવો તે અમને સુઝતું નહોતું. હવે સ્વામીજીના પ્રતાપથી તે અમને સુઝ્યું છે. વેદાન્તના બોધથી અમારી બુદ્ધિ હવે સિદ્ધાંતોને ગ્રહણ કરવા લાગી છે. હિંદુ તત્ત્વજ્ઞાનથી તેમાં નવો પ્રકાશ રેડાયો છે. અત્યાર સુધી જે અસંખ્ય લોકો અંધારામાંજ અથડાતા હતા તેમણે હવે સત્યના પ્રકાશને જોયો છે.”

ભારતહિતૈષી બિપિનચંદ્ર પાલ પણ તે વખતે લંડનમાં હતા. પોતાના સ્વદેશી ભાઈ વિવેકાનંદને લંડનમાં ભારે માન મેળવી રહેલા જોઈને તેમણે ભારતવાસીઓને નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો;–

“સ્વામી વિવેકાનંદ ઈંગ્લાંડમાં જે ભાષણો આપી રહેલા છે તેનાથી કોઈ ભારે ફળ નીપજ્યું હોય એમ કેટલાક ભારતવાસીઓ ધારતા નથી અને તેઓ એમજ માને છે કે સ્વામીજીના મિત્રો તેમના કાર્યનું અતિશયોક્તિથી વર્ણન કરે છે; પણ એ તેમની મોટી ભૂલ છે. લંડનમાં આવીને મેં જોયું છે કે સ્વામીજી સર્વત્ર ઘણી ભારે અસર ઉપજાવી રહેલા છે. સ્વામી વિવેકાનંદ તરફ પૂજ્યભાવ દર્શાવતા હોય અને તેમના ઉપર અત્યંત પ્રીતિ રાખતા હોય એવા ઘણા મનુષ્યોને હું ઈંગ્લાંડમાં મળ્યો છું. જો કે હું તેમના પંથનો નથી અને વખતે તેમનાથી કઈ વાતમાં ભિન્ન મત પણ ધરાવતો હોઈશ; પણ મારે અહીંઆં કહેવું જ જોઈએ કે વિવેકાનંદે ઘણાં મનુષ્યોની આંખો ઉઘાડી નાંખી છે અને તેમનાં હૃદયને વિશાળ કરી મુકેલાં છે. હિંદુઓના પ્રાચીન ગ્રંથોમાં સુંદર આધ્યાત્મિક સત્યો ભરેલાં છે એમ ઘણા માણસો હવે દૃઢ પણે માનવા લાગ્યા છે. તે એટલુંજ કરી શક્યા છે તેમ નથી; પણ ઈંગ્લાંડ અને હિંદુસ્તાન વચ્ચે ગાઢ સંબંધ તે બાંધી રહેલા છે. તેમનું કાર્ય કેટલું વિશાળ થઈ રહેલું છે અને તેની અસર લોકો ઉપર કેવી ઉંડી થઇ રહેલી છે તે નીચેના બનાવ ઉપરથી તમને સમજાશે.”

“ગઈ કાલે સાંજે લંડનના દક્ષિણ ભાગમાં મારા એક મિત્રને મળવાને માટે હું જતો હતો. રસ્તામાં હું ભુલો પડ્યો અને હવે ક્યાં જવું તેનો વિચાર કરતો એક ખુણે ઉભો હતો. એટલામાં એક સભ્ય સ્ત્રી એક છોકરાને લઈને ત્યાં આવી. મને રસ્તો બતાવવો એવો તેનો વિચાર હતો. તે બોલી : “સાહેબ, તમારે ક્યાં જવું તે તમે શોધી રહેલા છો ? હું તમને રસ્તો બતાવું ?” તેણે મને રસ્તો બતાવ્યો અને બોલી: “કેટલાંક વર્તમાનપત્રો ઉપરથી હું જાણું છું કે તમે લંડનમાં પધારવાના છે અને તમને જોઈને જ હું મારા પુત્રને કહેતી હતી કે “જો આ પેલા સ્વામી વિવેકાનંદ !” હું જવાની ઉતાવળમાં હતો તેથી મેં તે સ્ત્રીને કહ્યું નહિ કે હું સ્વામી વિવેકાનંદ નથી. તે સ્ત્રીએ હજી તો તેમને જોયા પણ નહોતા અને તે પહેલાંજ વિવેકાનંદને માટે તે એટલો બધો પૂજ્યભાવ ધરી રહી હતી, એ જોઇને મને ઘણીજ નવાઈ લાગી. આ સુંદર બનાવથી હું ઘણોજ ગર્વ ધરવા લાગ્યો. મેં મારે માથે ભગવો ફેંટો બાંધ્યો હતો, તેથી કરીને તે બાઈએ મને વિવેકાનંદ ધાર્યો હતો ! ધન્ય છે, એ ભગવા ફેંટાને ! આ બનાવ સિવાય પણ ઘણા સુશિક્ષિત અંગ્રેજોને હિંદ તરફ માનની લાગણી દર્શાવતા અને તેનાં આધ્યાત્મિક સત્યોને ભાવથી શ્રવણ કરતા મેં જોયા છે.”

સ્વામી વિવેકાનંદના જવાથી ઘણા અંગ્રેજોને જીવન નિરસ લાગતું હતું. ઘણા ખેદમાં ગરક થઈ ગયા હતા, પણ પોતાના મનના ઉભરા પત્રદ્વારા કહાડતા હતા, ઘણા વિવેકાનંદ અને તેમનાં કાર્યનાં વર્તમાનપત્રોમાં વખાણ કરીને સંતોષ પામતા હતા. સ્વામીજીના અનેક શિષ્યો અને મિત્રોનું જીવન તેમના વગર અસ્વસ્થ બની રહ્યું હતું; કારણકે સ્વામીજી તે સર્વેનું ચેતન—આત્મા હતા. તેમના ગયા પછી તેઓએ જે શોકાદ્‌ગારો કહાડ્યા છે તે સર્વેનું વર્ણન આપવું અશક્ય હોવાથી તેમાંના કેટલાક ઉપર આપવામાં આવ્યા છે. તેનાથીજ સંતોષ પામી વિરમીશું.