લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/ઉપસંહાર

વિકિસ્રોતમાંથી
← મહાસમાધિ સ્વામી વિવેકાનંદ
ઉપસંહાર
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ


પ્રકરણ ૬૦ મું–ઉપસંહાર.

સ્વામી વિવેકાનંદ જેવા અત્યંત વિશાળ હૃદયના મહાપુરૂષના ગુણ અને કાર્યનું યથાવત વર્ણન કરવું અશક્ય છે. ખરેખર, તેમના જેવી અસામાન્ય વ્યક્તિ વર્તમાન જગતે બીજી ભાગ્યેજ જોઈ હશે. એમના જેવા કલ્યાણમય ગુણો ભાગ્યેજ કોઈ પણ એક જ વ્યક્તિમાં એકત્ર થયા હશે. સુંદર અને મોહક આકૃતિ, દિવ્ય ચારિત્ર્ય, આનંદી સ્વભાવ, હસમુખો ચહેરો, સમયાનુસાર ટોળ અને હાજર જવાબીપણું, વિવિધ વિદ્યાકળાઓનું જ્ઞાન, વક્તૃત્વશક્તિ, સ્વદેશાભિમાન, દીન અને દુઃખીને માટે અત્યંત લાગણી, ઉંડો શાસ્ત્રપ્રવેશ, બીજાનું ભલું કરવાની તીવ્ર ઈચ્છા, તપ, ભક્તિ, વિનય, અબાધ્ય શક્તિ, અજેય મનોબળ, ધ્યાનનિષ્ઠા, અખંડ બ્રહ્મચર્ય, જીતેંદ્રિયપણું, કીર્તિ માટે બેદરકારી, શરીર, બુદ્ધિ અને હૃદયનો એક સરખો વિકાસ, દીર્ધદ્રષ્ટિ અને આત્મસાક્ષાત્કાર-આવા અનેક મહાન ગુણ સ્વામી વિવેકાનંદમાં એક સાથે વાસ કરી રહ્યા હતા. પૂજ્યપાદ શ્રીશંકરાચાર્ય જેવો બુદ્ધિવૈભવ અને ભગવાન બુદ્ધના જેવો માનવપ્રેમ તથા દયાળુ હૃદય તેઓ ધરાવતા હતા.

મહાન ક્રાઈસ્ટ જેવા તે નમ્ર અને સ્વામીભક્ત મહાવીર હનુમાન જેવા ગુરૂભક્ત હતા. ભગવદ્ ભક્તિમાં તે નારદ જેવા અને ધૈર્ય તથા કર્મ યોગમાં અર્જુન જેવા હતા. શાસ્ત્રોમાં ભગવાન વ્યાસ જેવા પ્રવીણ અને બ્રહ્મચર્યમાં બાલયોગી શુક જેવા પવિત્ર હતા.

નિજ સ્વરૂપને ઓળખી પોતાની સ્વાભાવિકિ નિત્યશુદ્ધતા અને મુક્તતાના ભાનપૂર્વક જગતના કલ્યાણમાં સતત્ પ્રવૃત્ત રહેવું, એને જ એ ખરો સંન્યાસ કહેતા. લોકકલ્યાણના કાર્યમાં પણ “હું નિત્ય છું, શુદ્ધ છું, મુક્ત છું,” એવા અનુભવયુક્ત ભાનની મનુષ્યને બહુજ આવશ્યકતા છે; કારણકે ગુલામની માફક શારીરિક વાસનાઓથી બધ્ધ થઈ રહેલો મનુષ્ય કોઈ પણ મહત્ કાર્યને ઉત્તમ રીતે પાર પાડી શકતો નથી. आस्मन: मोक्षाय जगद्विताय च । એ સ્વામીજીના જીવનનો મહામંત્ર હતો.

ભારતવર્ષના ઉદ્ધાર માટે સ્વામીજી આખો દિવસ તેમજ રાત્રિ પણ લખવામાં, વાંચવામાં, મનન કરવામાં અને બીજાઓને બોધ આપવામાંજ ગાળતા. તે માત્ર ચાર કલાકજ ઉંઘતા. સવારના ત્રણ કે ચાર વાગ્યા કે તરતજ તે પથારીમાંથી ઉઠતા. મઠમાં તે વખતે સર્વત્ર શાંતિ પથરાઈ રહેલી જણાતી. તે વેળાએ સ્વામીજીના મુખમાંથી મીરાંબાઈ, તાનસેન, નાનક કે કબીરનાં ભજનો એક પછી એક નીકળતાં અને નિદ્રાવશ થયેલાં મનુષ્યોની નિદ્રાનો ભંગ થતો. પછીથી દાતણપાણી પરવારીને સ્વામીજી સ્નાન કરવાને જતા અને ત્યાંથી ઠાકુરઘરમાં જઈ ધ્યાન કરવાને બેસતા. એ પછીનો થોડો સમય તેઓ મઠનાં જાનવરોને પોતાને હાથેજ ખવરાવવામાં અને પંપાળવામાં ગાળતા. ગાય, બળદ, ભેંસ, બકરીઓ વગેરે પ્રત્યે મનુષ્યોના જેટલુંજ હેત તે દર્શાવતા. ઝાડ, પાન, લતાદિ તરફ પણ તે બહુજ લાગણીથી જોતા અને ઘણા પ્રેમથી તેમનો સ્પર્શ કરતા. ૫છીથી શિષ્યોને અધ્ય્યયન કરવાનું કાર્ય શરૂ થતું. કોઈપણ જાતના દંભ વગર સ્વામીજી તે કાર્ય કરતા અને તેમ કરવામાં પોતે કોઈવાર ગુરૂ તરિકે તો કોઈવાર પિતા તરિકે અને કોઈવાર શિક્ષક તરિકે કામ કરતા. પછીથી સર્વેના ભોજનની દેખરેખ રાખતા. ઘણીવાર શિષ્યોને સાથે લઈને જ જમતા. બપોરના સમયમાં તે સર્વેને વેદાધ્યયન કરાવતા. તે પછી તેઓ પોતાને મળવા આવનારાઓની મુલાકાત લેતા અથવા છપાવવા માટે કંઇક સાહિત્ય તૈયાર કરતા અથવા ભાષણ આપવાનું કે છાપખાનામાં કંઈ છપાવવાને કલકત્તા જતા. ઉપરનાં સઘળાં કાર્યોમાં સ્વામીજી સવારના ચારથી તે રાતના આઠ વાગતા સુધી ગુંથાઈ રહેતા અને પછીથી તે શ્રીરામકૃષ્ણની પ્રતિમા આગળ ધ્યાન ધરવાને બેસતા. થોડોક આરામ લીધા પછી લગભગ અડધી રાત્રિ સુધીનો સમય વાંચનમાં પસાર કરતા અને તે પછી વાંચતા વાંચતા પોતાની છાતી ઉપર પુસ્તક પડેલું હોય ને સુઈ ગયેલા નજરે પડતા.

ગુરૂ અને ઉપદેશક તરિકે સ્વામીજીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછીજ છે. હિંદમાં તત્વજ્ઞાનના જે અનેક ઉપદેશક થયેલા છે અને જેમણે પોતાનાં નામ હિંદના ધાર્મિક ઇતિહાસમાં અમર કરેલાં છે તેમાં સ્વામી વિવેકાનંદ પણ અગત્યનું પદ મેળવી ચૂક્યા છે.

પૂજ્યપાદ ભગવાન શંકરાચાર્યનાં જગવિખ્યાત ભાષ્યોમાં બહુજ સુંદર રીતે પ્રતિપાદન થએલા આર્યતત્વજ્ઞાનના વિચારોને તેમણે આધુનિક પદ્ધતિપૂર્વક અને બહુજ બાહોશીથી સમજાવ્યા છે. વળી ભગવાન શંકરાચાર્યના વજ્ર સમા અભેદ્ય અને અગમ્ય તત્વજ્ઞાનની સાથે ભૂતદયા અને લોકસેવાનાં કાર્યોની અપૂર્વ મેળવણી તેમણે કરેલી છે. લોકસેવાનાં કાર્યોની મહત્તા તેમણે વેદાન્તદૃષ્ટિથી સમજાવી છે. આજકાલ કેટલાક સુધારકો તરફથી પશ્ચિમનું ઉ૫લકિયું અનુકરણ કરીને લોકસેવા કરવામાં આવે છે. લોકસેવાનાં ખરાં તત્ત્વો હજી તેઓ બરાબર સમજતા નથી. સ્વામીજીએ પોતાની વાણીથી, કર્મથી અને રામકૃષ્ણમિશનની સ્થાપનાથી સમાજસેવાનું ખરું રહસ્ય સારી પેઠે દર્શાવી આપ્યું છે. કલકત્તાનું પ્રસિદ્ધ બંગાળી પત્ર કહે છે “રામકૃષ્ણ મિશનના સાધુઓનું જીવન ફાધર ડેમીઅન નામના ગ્રીક સાધુના જેવું ઉત્સાહ અને ભક્તિથી પ્રેરાઈ રહેલું છે અને પોતાના આત્મભોગથી તેઓ સંન્યાસાશ્રમને અને ભારતભૂમિને ઉજ્જવલ કીર્તિ પ્રાપ્ત કરાવી રહ્યા છે.”

સ્વામીજીનો બોધ ઘણોજ વિશાળ અને સર્વસામાન્ય હતો. ઉચ્છેદકવૃત્તિ તેમાં જણાતી નહિ. સ્વામીજી કહેતા કે “જ્યાં સુધી મનુષ્ય અમુક વિચારોને સાચા દિલથી માનતો હોય ત્યાં સુધી તેની વિરૂદ્ધ એક શબ્દ પણ કહાડશો નહિ. તે મનુષ્યની માનસિક સ્થિતિને પ્રથમ ધ્યાનમાં લ્યો અને ત્યાંથીજ તેનો વિકાસ કરવા માંડો.” સ્વામીજીએ દરેક ધર્મ અને પંથનો વિશાળદૃષ્ટિથી અભ્યાસ કર્યો હતો અને તેથી તે કહેતા કે ધર્મ યા પંથની ધાર્મિકક્રિયાઓ જે હેતુથી ચાલુ કરાયેલી છે તે હેતુ લક્ષમાં રાખીનેજ કરવી જોઈએ. કદીએ સ્વામીજી કોઈ ધર્મ, પંથ કે સંતનું ભુંડું બોલ્યા નથી.

રાજા રામમોહનરાય અને બાબુ કેશવચંદ્રસેન સ્વામીજીના જેટલા વિજયી થઈ શક્યા નહિ તેનું કારણ એ હતું કે હિંદુધર્મના સિદ્ધાંતો માટે એ બંનેને સ્વામીજીના જેટલી શ્રદ્ધા અને પ્રેમ ન હતાં. રાજા રામમોહનરાયનું વલણ ખ્રિસ્તી ધર્મ તરફ વધારે હતું અને કેશવચંદ્રસેને તો હિંદુધર્મની ખામીઓ બતાવવામાં જ વધારે શક્તિ વાપરી હતી. જ્યારે સ્વામી વિવેકાનંદનો આદર્શ પ્રાચીન ભારત-ઋષિમુનિઓનો ભારતવર્ષ-હતો અને તેઓ પ્રાચીન સમયના પુરેપુરા પૂજક હતા. આર્યતત્વજ્ઞાને શીખવેલી અપૂર્વ આત્મશ્રદ્ધા તેઓ ધરાવતા હતા. તેમણે એકવાર કહ્યું હતું કે “મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ભેદ જણાય છે તે ભેદ આ શ્રદ્ધાનોજ છે, બીજો નહિ. જે વડે એક મનુષ્ય મોટો થાય છે અને બીજો નિર્બળ અને અધમ રહે છે. તે આ શ્રદ્ધાજ છે. મારા ગુરૂ કહેતા હતા કે ‘જે પોતાને નિર્બળ ધારે છે તે નિર્બળજ રહે છે’ અને તે ખરૂં છે. આ આત્મશ્રદ્ધાએ તમારામાં ઉંડો વાસ કરવો જોઇએ.”

બીજું કારણ એ છે કે જ્યારે મનુષ્ય પવિત્ર જીવન ગાળે છે, ઉંચા આદર્શોથી ઘેરાયલો હોય છે અને આત્મસાક્ષાત્કારને પામી ચૂકેલો હોય છે ત્યારે જ તે બીજાનો ગુરૂ થઈ શકે છે. તે સિવાય તેનો બોધ, ગમે તેટલી વિદ્વત્તા અને બોલવાની છટા હોય તોપણ ઉંડી અને સ્થાયી અસર નીપજાવી શકતો નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે “પોલીસનો ફક્ત એકજ માણસ સહેલાઈથી તોફાનને અટકાવી શકે છે. શા માટે ? કારણ કે તેની સત્તા સરકારની સત્તા સાથે જોડાઈ ગયેલી હોય છે. તેવી જ રીતે ઉપદેશકે પણ પ્રથમ પરમાત્મ સાક્ષાત્કાર કરીને તેની અનુપમ સત્તા–સ્ફૂર્તિ સાથે પોતાનું જોડાણ અવશ્ય કરવું જોઈએ અને તેમ થતાં સુધી ઉપદેશ કરવા ન મંડી પડતાં આંતરિક અભ્યાસ અને લોકસેવા પાછળજ તેણે મંડ્યા રહેવું જોઈએ.” પરમાત્મ સાક્ષાત્કાર પામેલો મનુષ્ય કૃતકૃત્ય બની તેની પ્રજ્ઞા-બુદ્ધિ ‘ઋતંભરા’ થઈ રહે છે અને તેના મન તેમજ વાણીમાં એક પ્રકારનું અસામાન્ય બળ આવી રહે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ આવો આત્મસાક્ષાત્કાર પામેલા હોઈ સ્વામી વિવેકાનંદજી પણ જ્યોતવડે જ્યોત પ્રકટી રહે તેમ તેમના ઉપદેશથી અને પોતાની સાધનાના બળથી યોગ્યતા મેળવીને તે સાક્ષાત્કારને પામી ચૂક્યા હતાં; તેથીજ તેઓ અંગ્રેજો અને અમેરિકનોના હૃદયમાં વેદાંતનાં ઉંડાં ધાર્મિક સત્યો આબાદ ઠસાવીને તેને માટે અસાધારણ માન ઉપજાવવાને ભાગ્યશાળી નિવડ્યા હતા. એક પ્રખ્યાત પુરૂષે એકવાર કહ્યું છે કે “ભૌતિકવિજ્ઞાનની શોધો અને પ્રયોગોની તેમજ અવલોકન શક્તિ કે બુદ્ધિની મહત્તાને હું ઉતારી પાડવા માગતો નથી; પરંતુ એ સર્વ વડે પણ જ્ઞાન તો આપણને માત્ર બાહ્ય તત્ત્વોનું જ થાય છે. આપણી ઇન્દ્રિયો, મન તેમજ બુદ્ધિ કરતાં પણ વધારે ઉંડાણમાં રહેલાં સત્યને અનુભવવા માટે તો આપણે એ સર્વથી અતીતજ થવું પડે છે. જગતને ઉપયોગી થાય એવાં જે અનેક વ્યાવહારિક સત્યો બુદ્ધિવડે શોધી શકાય છે, તે તો એ ઉંડા સત્યોની આગળ ઘણાંજ ગૌણ અને ઉતરતાં છે. કુદરતમાં અંતર્ભૂત થઈ રહેલાં-માનવના અંતરાત્માના ઊંડાણમાં વસી રહેલાં અતિ શ્રેષ્ઠતમ સત્યોને તો જેઓ બીજી સર્વ બાબતો મૂકી દઇને એ સત્યને શોધવા પાછળજ ગાંડા બની રહે છે તેઓજ શોધી અને અનુભવી શકે છે.” આવી આત્મવિકાસની અતિ ઉચ્ચ દશાએ શ્રીરામકૃષ્ણ પરમહંસ પહોંચેલા હતા. આવા મહાન ગુરૂના પવિત્ર ચરણ આગળ બેસીને સ્વામીજીએ વેદાન્તનાં ગહન સત્યને જાણ્યાં હતાં તેમજ અનેક પ્રકારનાં સાધન કરીને પરમાત્મ સાક્ષાત્કાર કર્યો હતો. આમ થયા પછી જ તેઓ ઉપદેશક બન્યા હતા. ત્યારે કેશવચંદ્રસેન તો પ્રથમ ઉપદેશક તરિકે યૂરોપમાં ફરી આવ્યા પછીજ શ્રીરામકૃષ્ણ પાસેથી એ સત્યોને શિખવાને ભાગ્યશાળી થયા હતા.

ખરેખર, આ જગતમાં પરમાત્મ સાક્ષાત્કાર પામેલા ગુરૂઓ પોતાના આત્મા વડે બીજાના આત્મામાં પ્રકાશ નાંખનાર મહાપુરૂષો-લાખો કરોડોમાં કોઈક જ હોય છે. આવા ગુરૂ અને શિષ્યનો સંબંધ મિષ્ટ, મૃદુ અને આનંદમયજ હોય છે. એક તરફથી પૂજ્યભાવ અને સેવાભાવથી તેમજ જ્ઞાન પિપાસાથી શિષ્ય ગુરૂના અખૂટ જ્ઞાનનું પાન કરી રહ્યા હોય છે અને બીજી તરફથી સાચા મનની તુચ્છ્–સ્થૂળ બાહ્ય સેવા અને પૂજ્યભાવથી ગુરૂદેવનું મહા પ્રભાવશાળી અને કોઈ તરફ પણ પક્ષપાત વગરનું હૃદય અગ્નિથી બરફ ઓગળે તેમ કુદરતી રીતેજ ગળી ગળીને શિષ્યના અધિકારી હૃદયને અમૃતમય બનાવી રહ્યું હોય છે. તે વગર માગ્યે પણ સદાય કંઇ ને કંઇ શિષ્યને આપ્યા જ કરે છે અને કોઈપણ પ્રકારે તેનો બદલો ઇચ્છતા નથી. ભગવાન રામકૃષ્ણની પેઠે સ્વામી વિવેકાનંદ પણ આ પ્રકારના સર્વોત્તમ ગુરૂ હતા. પોતાના અસંખ્ય શિષ્યોને માટે સ્વામીજીને જે પ્રેમ હતો તેનું વર્ણન કરવું અશક્ય છે. તેઓ ગરિબ હોય કે તવંગર, ઉચ્ચ કે નીચ હોય, પંડિત કે મૂર્ખ હોય, યુવાન કે વૃદ્ધ હોય, સ્ત્રી કે પુરૂષ હોય, હિંદુ, મુસલમાન, અંગ્રેજ કે અમેરિકન હોય, પણ સ્વામીજી કોઈ તરફ લગારે ભેદભાવ રાખતા નહિ. ઉલટા તેમનો પક્ષપાત ગરિબ અને દુઃખી તરફ વધારે રહેતો. ગમે તેવા અકળામણના પ્રસંગમાં પણ સ્વામીજી કોઈને આકરા શબ્દ કહેતા નહિં. તેઓ વારંવાર કહેતા કે “ હાથીના દાંત અને બોલાયલા શબ્દો પાછા મોઢામાં પેસતા નથી.” તેઓ ઘણાજ ધાર્મિક ભાવથી બોલતા કે “મારી પાસે જે કાંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હશે તે હું તમને અવશ્ય આપી દઇશ. મેં જે કાંઈ આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કર્યો હશે તે તમારો જ છે.”

પવિત્ર બેલુર મઠમાં જગતના જુદા જુદા ભાગોમાંથી જે લોકો આવીને સ્વામીજીની સંનિધિમાં દિવસના દિવસ ગાળતા તે તેમને કલાકની માફકજ જણાઈ રહેતા. તે જે કંઇ બોલતા એ અત્યંત ભાવથી અને અંતઃકરણપૂર્વકજ બોલતા. દંભ તેમને જરાએ ગમતો નહિ. નિડરતાએ તો તેમનામાં સાક્ષાતજ વાસ કરેલો હતો. તેમણે જે કાંઈ કહેવું ધાર્યું હોય તે નિડરપણેજ કહી દેતા અને પરિણામની કશીજ પરવા કરતા નહિ. ન્યાત, જાત કે ધર્મના ભેદ રાખ્યા વગર સર્વે તરફ તે સમાન પ્રીતિ દર્શાવતા. નિવેદિતા લખે છે કે “યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈવારે અજાણ્યા લોકો તેમને હબસી તરિકે ધારતા અને પોતાના બારણા આગળથી હાંકી મૂકતા. એ ભૂલ પાછળથી જાણ્યા પછી અવશ્ય સુધારવામાં આવતી અને આબરૂદાર કુટુંબો તેમને બહુજ આદરસત્કારથી વધાવી લેતાં. તે વખતે સ્વામીજી હબસી નહિ હોવાનું મુખેથી બોલતા નહિ. એવું મૌન ધરવાનું કારણ પૂછવામાં આવતું ત્યારે તે કહેતા કે “શું એમ કહેવાથી. મારા હબસી ભાઇઓનો મેં તિરસ્કાર કર્યો એમ નથી ઠરતું?”

સ્વામી વિવેકાનંદની કલ્યાણકારક પ્રવૃત્તિઓ વિષે જેટલું કહીએ તેટલું ઓછું જ છે. તેમની વિરૂદ્ધ મત ધરાવનારા હિંદુઓ અને ખ્રિસ્તીઓએ પણ એ બાબતમાં તેમને માટે પ્રશંસાનાજ ઉદ્‌ગારો કહાડેલા છે.

એમની અગાઉ કોઈપણ મનુષ્યે પૂર્વ અને પશ્ચિમનો મેળાપ કરાવ્યો નથી. એ કઠિન કાર્યને સ્વામી વિવેકાનંદે સાધેલું છે. સ્વામીજી અમેરિકામાં લગભગ ત્રણેક વર્ષ રહ્યા અને તે પણ અહીં તહીં ફરતા ઉપદેશક તરિકેજ, તાપણ ત્યાં હજી સુધી તેમનું નામ વિસરાયું નથી અને ભવિષ્યમાં પણ વિસરાશે નહિ. અમેરિકામાં કેલીફોર્નીઆથી ન્યુયોર્ક સુધી અને કેનેડામાં કોઈપણ પ્રાંત એવો નહિ હોય કે જ્યાં આપણા માનવંતા સ્વામીજીનું નામ ઘણા ભાવથી નહિ લેવાતું હોય અને જ્યાં સુશિક્ષિત અને વિચારવંત સ્ત્રીપુરૂષો હજી પણ ઘણા ઉલ્લાસથી તેમનાં ભાષણો અને લેખ વાંચતાં નહિ હોય, આપણે હિંદુઓ એ જાણીને હર્ષ પામીશું કે સ્વામીજીના પ્રભાવથી પ્રોફેસર હેબર ન્યુટન, હારવર્ડ યુનિવર્સિટિના પ્રોફેસર સી. સી. એવેરેટ તેમજ ઇલા વ્હીલર વીલકૉક્સ જેવા પ્રતિષ્ઠિત અમેરિકનો વેદાન્તના અન્યાસમાં સંપૂર્ણ રસ લેવા લાગ્યા છે. ગયા વર્ષોમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં દેવળોમાં ઉપદેશ આપનારા ખ્રિસ્તી પાદરીઓમાં પણ કોઈ ભાગ્યેજ એવા થયો હશે કે જેણે સ્વામી વિવેકાનંદ વિષે પોતાના ભાષણમાં જરાક પણ ઇસારો કર્યો નહિ હોય. અનેક ખ્રિસ્તી ઉપદેશકો સ્વામીજીના બોધથી ખ્રિસ્તી ધર્મને તેના સત્યરૂપમાં સમજી શક્યા છે અને સ્વામીજીનું પ્રમાણ આપીને વેદાન્તની દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મ સમજાવતા થયા છે. અમેરિકામાં વેદાન્ત પ્રચારનું કાર્ય એટલું બધું વધી ગયેલું હતું કે બીજા દશેક સંન્યાસીઓને ત્યાં મોકલવાની માગણી ત્યાંના લોકો તરફથી કરવામાં આવી હતી. હજીપણ એ માગણી ચાલુજ છે. આજે પણ છ સાત સંન્યાસીઓ ત્યાં વેદાન્તનો પ્રચાર કરી રહેલાં છે. આ સઘળી બીના સ્વામીજીના કાર્યની મહત્તા દર્શાવી રહી છે. એ મહાપુરૂષે ભારતની પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કર્યો; તેના ઇતિહાસનું બારીક અવલોકન કર્યું, તેના ધર્મ અને અધ્યાત્મવિદ્યામાં રહેલી અપૂર્વ શક્તિને તેમણે નિહાળી અને જગતમાં ભારતવર્ષનું સ્થાન અને કાર્ય ક્યાં છે તે વિચાર્યું. જ્યારે ઘણા હિંદુઓએ હિંદનો આગલો ઇતિહાસ છેજ નહિ એમ કહેવા માંડ્યું ત્યારે પ્રાચીન ભારતનો અતિ ઉજ્જવળ અને યશસ્વી ઇતિહાસ સ્વામી વિવેકાનંદની નજરે તેના ખરા સ્વરૂપમાં ખડો થવા લાગ્યો. જાણે કે કોઈ પ્રત્યક્ષ પદાર્થ હોય તેમજ તેને તે પોતાની દૃષ્ટિ આગળ જોવા લાગ્યા. એક હાલતા ચાલતા પૂતળાની મફક પ્રાચીન ભારત તેમની દૃષ્ટિ આગળ ખડું થવા લાગ્યું. તે દૃશ્યમાં સ્વામીજી વીરરસ, કરૂણારસ અને આધ્યાત્મિકતાનાં અતિ પવિત્ર ચિત્રો નિહાળવા લાગ્યા. ભારતજ સકળ ધર્મની જનની છે અને તેથી સમસ્ત જગતનું ગુરૂ પદ તેનેજ લેવાનું છે એમ તેમનો નિશ્ચય થયો અને એ નિશ્ચયથી તેમની સ્વમાનની લાગણી અને સ્વદેશપ્રીતિ જાગૃત થઈ રહ્યાં. તેથી કરીને એમજ કહેવું ઘટે છે કે સ્વામીજીની સ્વદેશપ્રીતિ રાજસિક કે તામસિક ન હતી. તેમનું સ્વદેશાભિમાન રાજદ્વારી પુરૂષોના સ્વદેશાભિમાન જેવું ન હતું. તે કેવળ માતૃભૂમિની આધ્યાત્મિક શ્રેષ્ઠતાનું ભાન અને તેથી ઉપજતી અડગ ભક્તિ રૂપજ હતું.

સ્વામીજી ભારતવર્ષને પુણ્યભૂમિ ગણતા, તેથી તેને તે પૂજતા. તેને તે દયા, ક્ષમા અને સંયમનું સ્થાન લેખતા અને તેથી તે તેના તરફ પ્રેમથી જોતા. તે તેને આધ્યાત્મિકતાનું પારણું માનતા અને તેથી એના તરફ અત્યંતભાવ રાખતા. એમની એ ભક્તિ, પ્રીતિ અને પ્રેમ પાશ્ચાત્ય પ્રદેશનું બારીક અવલોકન કર્યા પછી વધારે દૃઢ અને તીવ્ર બની રહ્યાં હતાં.

ઈંગ્લાંડથી આવ્યા પછી તેમણે એક જાહેર ભાષણમાં કહેલું છે કે “આજે હું અહીં સત્યની ખાત્રી કરીને ઉભેલો છું અને કહું છું કે જગતમાં જો કોઇ પણ ભૂમિ પુણ્યભૂમિ હોવાનો દાવો ધરાવી શકતી હોય તો તે આ ભારતભૂમિજ છે. પ્રભુ તરફ પ્રયાણ કરનાર મનુષ્યોને જે ભૂમિમાં આવ્યા વગર ચાલે તેમજ નથી. જે ભૂમિમાં દયા, ક્ષમા, શાંતિ અને પરોપકાર પરાકાષ્ઠાએ પહોંચેલાં છે અને જે ભૂમિ આધ્યાત્મિકતા અને આંતર્દષ્ટિનું મુખ્ય સ્થાન છે તે ભૂમિ આ ભારતવર્ષ જ છે.” ઈંગ્લાંડ તથા અમેરિકામાં તે ગયા હતા, પણ ત્યાંથી પાછા વળતી વખતે પશ્ચિમની તુલનાથી પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હજારગણો વધારીનેજ અને નહિ કે બીજાઓની પેઠે પાશ્ચાત્ય સુધારાના તેજમાં અંજાઈને કે તેના રંગે રંગાઇને તે હિંદમાં આવ્યા હતા. યુરોપના કૃત્રિમ સુધારા સામે તેમણે આપણને ચેતાવ્યા છે અને પ્રાચીન ભારતીય ગૌરવની દિવ્ય જ્યોતિ આપણા અંતરાત્મામાં પ્રગટાવી છે.

સ્વામીજીની સ્વદેશ પ્રીતિ દૃઢ અને તીવ્ર હતી. ભારતવર્ષનું નામ લેતાંજ એ સ્વદેશ ભક્ત સાધુના સુંદર અને મૃદુ ચ્હેરા ઉપર આનંદની પ્રભા છવાઇ જતી અને તેમની આંખો નવીન પ્રકાશથી પ્રકાશી રહેતી. સ્વામીજીની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વદેશ પ્રીતિ ઓતપોત થઈ રહેલી હતી અને જ્યાં સુધી એ વાતને આપણે બરાબર સમજીએ નહિ ત્યાં સુધી તેમનાં કાર્યો અને ભાષણોની ખરી અગત્યતા સમજવાને આપણે શક્તિમાન થઈએ નહિ. સાધુતા અને સ્વદેશ પ્રીતિનો જે અપૂર્વ સંયોગ તેમણે સાધ્યો હતા એવા સંયમ પૂજ્યપાદ સ્વામી દયાનંદ સરસ્વતી જેવા વિરલ અપવાદને બાદ કરતાં પહેલાં ભાગ્યેજ કોઇએ સાધ્યો હશે. એમની ઉછળતી સ્વદેશ પ્રીતિ ઉંચા પ્રકારની સાધુતામાં પરિણમતી હતી અને એમની સામાન્ય સાધુતા સ્વદેશ પ્રીતિના સાત્વિક સ્વરૂપમાં પ્રગટી રહેતી હતી. તેમને મન જનસેવા એજ પ્રભુપૂજા હતી. જનસમૂહના સુખે તે સુખી થતા અને દુઃખે દુઃખી થતા. મદ્રાસમાં આપેલા એક વ્યાખ્યાનમાં તેમણે સ્વદેશ પ્રીતિની જે વ્યાખ્યા કરી બતાવી છે તે તેમની અસામાન્ય દેશભક્તિનો ખ્યાલ આપણને આપે છે. સ્વામીજીએ કહ્યું હતું કે:―

“તેઓ સ્વદેશ પ્રીતિ વિષે વાતો કરે છે. હું પણ સ્વદેશ પ્રીતિમાં માનું છું અને તે સંબંધી મારો પોતાનો પણ આદર્શ છે. પ્રથમ તો હૃદયમાં દેશની દશા પ્રત્યે લાગણી પ્રકટાવો અને તે પ્રકટી એટલે પછી આપો આપજ પ્રેરણા થશે. પ્રેમ ઉઘડે નહિ તેવા દરવાજાઓને પણ ઉઘાડે છે. પ્રેમજ વિશ્વના સર્વ છુપા ભેદનું દ્વાર છે. માટે હે ભવિષ્યમાં થનારા સુધારકો ! ભવિષ્યમાં થનારા સ્વદેશ ભક્તો ! લાગણી ધરાવો. તમને લાગણી છે? તમને લાગણી થાય છે કે દેવો અને ઋષિઓના લાખો વંશજો આજે લગભગ જંગલી જેવા બની રહેલા છે ? તમને લાગણી થાય છે કે હજારો સ્ત્રી પુરૂષો અને વૃદ્ધ તથા બાળકો આજે ભુખે મરી રહેલા છે અને વર્ષોનાં વર્ષોથી તે ભુખેજ મરતા આવ્યા છે ? તમને લાગણી થાય છે કે એક કાળા વાદળાની માફક અજ્ઞાન દેશ ઉપર ફરી વળેલું છે ? એ વાદળને જોઈને તમે તળે ઉપર થઈ જાઓ છો ? એ જોઇને તમારી નિદ્રા ઉડી જાય છે ? એ દૃશ્યની અસર તમારા લોહીમાં અને તમારી નસોમાં પ્રવેશ કરી રહેલી છે ? તમારા હૃદયના ધબકારા સાથે તે એક થઈ રહેલી છે? તેનાથી તમે ગાંડા જેવા બની રહેલા છો ? ફક્ત એક એ દુ:ખનો વિચાર તમારા મગજમાં ઘુમી રહેલો છે અને તે વિચારથી તમે તમારાં નામ, કીર્તિ, સગાંવહાલાં, માલ મિલકત અને તમારા દેહને પણ ભૂલી ગયા છો ? તમે તેમ કર્યું છે? સ્વદેશભક્તિનું એ તો હજી પહેલુંજ પગથીયું છે. તમે બધા સમજો છો તેમ હું ધર્મ પરિષદને માટેજ અમેરિકા ગયો નહોતો, પણ આવી પ્રબળ લાગણી મારા હૃદયમાં હતી અને હું બાર વર્ષ સુધી આખા હિંદમાં ફર્યો, પણ મને મારા દેશીભાઇઓ માટે કાર્ય કરવાનો રસ્તો જડ્યો નહિ, તેથીજ હું અમેરિકા ગયો. તે વખતે જેઓ મને ઓળખતા હતા તે આ વાતને જાણે છેજ. અમેરિકાની ધર્મપરિષદને માટે કોને દરકાર હતી ? અહીં હિંદમાં મારાં અસંખ્ય શરીરો દરરોજ દુઃખમાં દટાતાં હતાં તેમની સંભાળ કોણ લેતું હતું ? એ મારું સ્વદેશ કાર્ય માટે પહેલું પગલું હતું.”

અમેરિકા ગયા પછી સ્વામીજીએ હિંદમાંના પોતાના શિષ્યો ઉપર જે અનેક પત્રો લખેલા છે તેમાંના એકાદ બેનો સાર અહીં આપવામાં આવે છે. એ પત્રો સ્વામીજીનું વિશાળ હૃદય, ગરિબો પ્રત્યેની લાગણી અને આત્મશ્રદ્ધાનો ઉત્તમ ચિતાર આપણને આપે છે. એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું કે:-

"પવિત્રતાના જુસ્સાથી પ્રેરાયલાં, પ્રભુમાં અત્યંત શ્રદ્ધાથી બલિષ્ઠ થયેલાં અને ગરિબ, પતિત અને પાદાક્રાન્ત મનુષ્યોને માટે દયાની લાગણીથી સિંહ સમાન સામર્થ્યને પ્રાપ્ત કરી રહેલાં એક લાખ સ્ત્રીપુરૂષોએ ભારતવર્ષમાં એક છેડાથી બીજા છેડા સુધી વિચરવું જોઇએ અને સર્વેને મુક્તિ, સહાય, સામાજિક સુધારણા અને સમાનતાનો બોધ આપવો જોઈએ.”

"નિરાશ થશો નહિ....કટિબદ્ધ થાઓ. મારા પુત્રો, એ કાર્યને માટેજ પરમેશ્વરે મને સૃજેલો છે. હું આખી જીંદગી વિપત્તિ અને દુ:ખમાંજ ઘસડાયો છું. મેં નજીકનાં અને સગાં વહાલાંઓને પણ લગભગ ભુખમરાથી મરતાં જોયાં છે. મને હસનારાં અને મારો તિરસકાર કરનારાં મનુષ્યોને માટે દયાની લાગણી ધરાવવાને લીધે પણ મને નિર્માલ્ય લેખીને મારી મશ્કરી થયેલી છે. મારામાં અવિશ્વાસ રખાય છે અને મેં ઘણું સહન કરેલું છે. પણ મારા પુત્રો ! આ પ્રમાણે જેમ આ જગત વિપત્તિની શાળા છે તેજ પ્રમાણે તે મહાત્માઓ અને પયગમ્બરોને માટે દયા, ધૈય્ય અને અખિલ વિશ્વ ધ્રૂજી ઉઠે તોપણ ડગે નહિ એવા અડગ મનોબળનો વિકાસ કરવાની પણ શાળા છે.”

ધનવાન પુરૂષો ઉપર વિશ્વાસ રાખશો નહિ. તેઓ સજીવન કરતાં વધારે મૃતવત્ છે. મને આશા ફક્ત તમો-નમ્ર, ગરિબ, પણ નિમકહલાલ મનુષ્યોમાંજ છે. પ્રભુમાં શ્રદ્ધા રાખો; યુક્તિનું કામ નથી. ગરિબોને માટે લાગણી ધરાવો અને સહાય માટે આડું અવળું ( બીજી તરફ ) નહિ જોતાં ઉંચે (ઇશ્વર તરફ) જ જુઓ. તે આપ્યા વગર રહેશે નહિ. મારા હૃદય ઉપર એ બોજો ઉપાડીને અને મારા મગજમાં એજ વિચાર રાખીને બાર વર્ષ સુધી હું ફર્યો છું. હું ધનવાન અને મોટા કહેવાતા મનુષ્યોને ઘેર ઘેર ગયો છું, પણ તેમણે મારું કહ્યું સાંભળ્યું નથી. ગરિબોને માટે સહાય મેળવવાને હું લોહીથી ટપકતા હૃદયે અડધી પૃથ્વી ઓળંગીને આ પરદેશની ભૂમિમાં આવેલો છું. પ્રભુ સમર્થ છે. હું જાણું છું કે તે મને સહાય કરશો. ભલે આ ભૂમિમાં ટાઢથી કે ભુખથી હું મરી જઉં, પણ, યુવાનો! હું તમને વારસામાં મારી આ દયાની લાગણી – આ ગરિબ, અભણ અને દુઃખી માટેની લડત સોંપું છું. હમણાંજ, આ ક્ષણેજ પાર્થસારથિ શ્રીકૃષ્ણના મંદિરમાં તમે જાઓ અને એ ગોકુળના ગરિબ અને નમ્ર ગોવાળીયાઓના મિત્ર જે અંત્યજ ગુહકને પણ વ્હાલથી ભેટ્યા હતા અને જેણે બુદ્ધાવતારમાં ધનવાનોના આમંત્રણને બાજુએ મૂકી એક વેશ્યાનું આમંત્રણ પ્રથમ સ્વીકારીને તેને તારી હતી, તે પ્રભુની આગળ તમારું શિર નમાવો. અને જેમણે ગરિબ, અધમ અને દુ:ખીઓને માટે વારંવાર અવતાર લીધેલો છે, તેમને માટે તમારા આખા જીવનનું બલિદાન આપો. આ ત્રીસ કરોડ ગરિબોની મુક્તિને માટે તમારા આખા જીવનને સમર્પણ કરવાનું વ્રત લ્યો.

“એ કાર્ય એક દિવસનું નથી અને તેનો માર્ગ પણ અનેક કંટકોથી ભરેલો છે, પણ એની સાથે પાર્થસારથિ-શ્રીકૃષ્ણ આપણા સારથિ થવાને તૈયાર છે; તે આપણે જાણીએજ છીએ. તેમના નામથી અને તેમનામાં અડગ શ્રદ્ધા રાખીને હિંદ ઉપર હજારો વર્ષોથી આવી પડેલી વિપત્તિઓના ડુંગરને જડમૂળમાંથી સળગાવી મૂકો અને તે બળીને ભસ્મ થઈ જશે. એ ઘણું મોટું કાર્ય છે અને આપણે ઘણા નિર્બળ છીએ, પણ આપણે જ્યોતિના પુત્રો છીએ, પ્રભુનાં બાળકો છીએ; એટલે પ્રભુની જય બોલતા આગળ વધો અને જરૂર આપણે જય પામીશું. કદાચ હું જય મેળવ્યા વગરજ મરણ પામું, પણ બીજો તે કાર્યને હાથમાં લેશે. શ્રદ્ધા, અનુભૂતિ, તીવ્ર શ્રદ્ધા અને ઉત્કટ સહાનુભૂતિ; જીવન કંઈજ નથી; મૃત્યુ કંઇજ નથી; સુધા, ટાઢ, તડકો એ પણ કંઈજ નથી; પ્રભુની જય બોલો અને આગળ વધો. પ્રભુ આપણા નેતા છે.”

સર્વધર્મ પરિષદમાં હાજર થતાં પહેલાં સ્વામીજી અમેરિકામાં અનેક હાડમારીઓ વેઠી રહ્યા હતા અને ક્યાં ખાવું કે ક્યાં સુવું તેનું પણ નક્કી ન હતું, ત્યારે સ્વામીજીએ ઉપરનો પત્ર લખ્યો હતો. એવી દશામાં પણ સ્વામીજી કેવી અડગ આત્મશ્રદ્ધા અને ઉત્ક્ટ આશા મનમાં ધરી રહ્યા હતા તેનો સંપૂર્ણ ખ્યાલ ઉપરનો પત્ર આપણને આપે છે. નિવેદિતા લખે છે કે:

“બીજાઓ ભૂલો કરે તો તેમને કરવો દો, પણ સ્વામીજીને મન તો ભારતભૂમિ યુવાનજ લાગતી. દેશી ભાષાઓ તેમને યુવાવસ્થામાંજ જણાતી. સ્વદેશીઓની શક્તિ તેમને પુર જોરમાંજ ભાસતી. તેમની આશાઓને ભવિષ્યનું હિંદ ધારણ કરતું તેમને દેખાતું..... તેમને મન તેમના દેશનો ઉદય સ્વહસ્તમાંજ જણાતો, પરદેશીએાના હાથમાં નહિજ. સ્વામીજી કદીએ કોઈના ઉપર આધાર રાખતા નહિ... પરદેશીઓની તેમને આશા ન હતી, તેમ તે તેમનાથી ડરતા પણ નહિ. ભારતવર્ષના ખરેખરા શુદ્ધ આત્માને જાગ્રત કરવા અને તેના પ્રજાકિય જીવનપ્રવાહને તે અનંત અપાર ચૈતન્ય સાગર તરફ પોતાનો માર્ગ શોધી લેવાને સંપૂર્ણ આત્મશ્રદ્ધાથી અને નવીન બળથી વહેતા કરો એજ તેમના સંન્યાસનો મર્મ હતા. તેમને મન હિંદ આર્યત્વથી ભરપુર હતું. હિંદના યુવાનો આધુનિક મોજશોખના પ્રયોગો ભલે કરે. શું તેમને તે કરવાનો હક નથી ? શું તેમનું મન પાછું હઠશે નહિ ? હિંદનું ખરું જીવન નૈતિક, ભવ્ય અને આધ્યાત્મિક છે. જે પ્રજા પવિત્ર ગંગાને કિનારે મૃત્યુને ભેટે છે તે યાંત્રિક શક્તિઓના ભપકાથી લાંબા વખત સુધી અંજાયેલી રહેવાની નથી.”

“બુદ્ધે સંન્યાસનો બોધ કર્યો અને એ સૈકામાંજ હિંદ એક સંપૂર્ણ બૌધ મહારાજ્ય બની રહ્યું. એકવાર ફરીથી એ શક્તિને અને એ સંન્યાસને તેની નસોમાં વ્યાપી રહેવા દો અને તેની નવીન જાગૃત થએલી આધ્યાત્મિક શક્તિ આગળ પૃથ્વી ઉપરની સત્તા ટકી શકશે નહિ. ફક્ત પોતાના ખરા જીવનમાંજ હિંદને જીવન જડશે; અને અનુકરણમાં નહિજ. પોતાના પ્રાચીન સમય અને સ્થિતિના ભાનથીજ ભારતવર્ષ પ્રેરિત થશે અને નહિ કે પરદેશીઓથી.”

સ્વામીજીને મન ભારતવર્ષની દરેક વસ્તુ પવિત્ર લાગતી. તેમની દૃષ્ટિએ તેમાં ઉંડો અર્થ સમાઇ રહેલી લાગતો, મૂર્તિપૂજા, વીરપૂજા અને પ્રકૃતિપૂજાને ઘણી યુક્તિ, તર્ક અને ઉંડા જ્ઞાનવડે તે સમજાવતા અને તેમના ઉપર નવોજ પ્રકાશ પાડતા. એકવાર પ્રકૃતિપૂજા વિષે બોલતાં તેમણે કહ્યું હતું કે:―

“હું પોતે તેજ કરું છું. તમે જોતા નથી કે એ જડ પદાર્થની પૂજા નથી ? તમારા હૃદય વજ્ર જેવાં કઠણ થઈ ગયેલાં છે અને તેથી તમે જોઈ શકતા નથી કે બાળક ખરૂં જ કરે છે. બાળક સર્વત્ર જડમાં જીવોનેજ જુએ છે. જ્ઞાનને લીધે આપણામાંથી બાળકની તે દૃષ્ટિ ખશી જાય છે, પણ આખરે ઉચ્ચ જ્ઞાનને પ્રાપ્ત કરીને આપણે પાછા એજ દૃષ્ટિએ જોતાં શિખીએ છીએ. કાષ્ટ, વૃક્ષ, ખડકાદિ પદાર્થોમાં પરોવાઈ રહેલી એક જીવંત પારમાર્થિક સત્તાને બાળક અજાણપણે નિહાળે છે. એ સર્વેની પાછળ સત્તારૂપે શું તે જીવંત પારમાર્થિક શક્તિ રહેલી નથી ? એ પૂજા પ્રકૃતિની નથી, પણ અદૃશ્યના દૃશ્ય્ ચિન્હ સ્વરૂપની છે.”

હિંદુસ્તાનના રીતરિવાજો વિષે સ્વામીજીના વિચારો ગૂઢ અર્ચથી, ભરેલા હતા. તે વિષે લખતાં નિવેદિતાએ નીચે પ્રમાણે લખેલું છે:—

“હિંદુઓના રીતરિવાજો તરફ સ્વામીજી કવિની કલ્પના અને પયગમ્બરની દૃષ્ટિથી જોતા. હિંદુ વિધવાનું ધોળું વસ્ત્ર તેમને મન પવિત્રતા અને શોકનું ચિન્હ લાગતું. સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર, શય્યા માટે કામળી કે સાદડી, ભોજન માટે થાળીને બદલે પત્ર, હાથથી ખાવું, દેશી પોશાક પહેરવો, એ સઘળી બાબતોમાં સ્વામીજી ખરેખરી ઉંડી ધાર્મિક્તાજ રહેલી જોતા. એ દરેક બાબતથી સ્વામીજીના મનમાં કોઈ છુપી આધ્યાત્મિક શક્તિ કે માનુષી પ્રેમના ભણકારા વાગી રહેતા.”

“વૈરાગ્ય અને સેવા” એજ સ્વામીજીના જીવનનો મહામંત્ર હતો. પોતાના સુખ અને સ્વાર્થનો ત્યાગ અને જનસમૂહની સેવા એજ એમનો આદર્શ હતો. હિંદના સામાન્ય વર્ગોને માટેજ સઘળું કાર્ય થવું જોઇએ. અસંખ્ય ગરિબો અને દુ:ખીઓ સહાયને માટે પોકાર કરી રહેલા છે. આપણી ફરજ આપણને કહે છે કે આપણે તેમનું દુ:ખ ટાળવાને તનતોડ મહેનત કરવી જોઇએ એમ સ્વામીજી સદાએ કહેતા. ખરા હિંદુની વ્યાખ્યા સ્વામીજીએ નીચે પ્રમાણે આપેલી છે:—

“ખરો હિંદુ તો તેજ કહેવાય કે જે સ્વદેશભૂમિની મહત્તા સમજે છે, જેણે તેની સંસ્કૃતિ, સૌંદર્ય, એકતા અને શક્તિઓનો બરાબર અભ્યાસ કરેલો છે, જે તેના કલ્યાણને માટે મથી રહેલો છે, જે અસંખ્ય સ્વદેશીઓને પોતાનાંજ શરીરો ગણે છે, જે તેમનાજ સુખે સુખી છે અને તેમના દુઃખે દુઃખી છે, જે ભારતવર્ષમાં જન્મ લીધાથી મનમાં ગર્વ ધરે છે, જે સ્વદેશના પ્રાચીન ઇતિહાસમાં નિષ્ણાત થયેલો છે, જેને તેની વર્તમાન અને ભાવી દશામાં સંપૂર્ણ વિશ્વાસ છે, જે સત્યને માટે નિડર અને ધૈર્યવાન બની રહે છે, જે પોતાના બાપદાદાની પ્રાચીન ભાવનાઓનો બચાવ કરવાને સદાએ તત્પર છે, જેને મન તેનો દેશ તેનો પ્રભુ છે અને જે સદાએ પોતાના હૃદયમાં “હિંદ ! હિંદ ! હિંદ !” એજ જાપને જપી રહેલો છે.”

આ ઉપરથી સર્વેને સમજાશે કે સ્વામી વિવેકાનંદ એક પ્રભુ પ્રેરિત આધુનિક હિંદના સ્વદેશભક્ત સાધુ હતા. તે હિંદના અંતરાત્માનું શુદ્ધ સ્વરૂપ ભારતવાસીઓને-જગતને સમજાવી રહ્યા હતા. પ્રાચીન ભારતનો સંદેશ તે આધુનિક પ્રજાઓ આગળ ધરી રહ્યા હતા. તેમ કરવામાં તે હિંદની ભાવી દશાની રૂપરેખા આંકી રહ્યા હતા. એક દિવસ અવશ્ય એવો આવશે કે જ્યારે ભારતવર્ષ ઉદયને શિખરે પહોંચી અને આખા જગતને ધાર્મિક બનાવી મકશે. એવી એ સ્વદેશભક્તના હૃદયમાં દૃઢ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથીજ તે પોતાનું અખિલ જીવન એ કાર્યમાં સમર્પણ કરી રહ્યા હતા અને જગતની મહા પ્રજાઓમાં પ્રેમ, જ્ઞાન, શાંતિ અને પરસ્પર સ્નેહ વધારનારા દેવદૂત તરિકે વિચરી રહ્યા હતા.

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની સંનિધિમાં આધ્યાત્મિક અનુભવોને અનુભવ્યા પછી સ્વામી વિવેકાનંદ અખિલ ભારતવર્ષમાં પ્રવાસ કરવાને માટે નીકળી પડ્યા હતા, પણ તેમનો પ્રવાસ અમેરિકન કે અંગ્રેજ મુસાફર જેવો ન હતો. શ્રીમદ્ ભર્તૃહરિએ કહ્યું છે કે, शय्या भुमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजनम् એવીજ રીતે પ્રવાસ કરીને તેમણે ભારતવર્ષનાં નગર, ગામ, શેરી અને ઝુંપડાંઓમાં પ્રવેશ કરીને હિંદનું જીવન નિહાળ્યું હતું, કે જે ભારતવર્ષમાં એકવાર અત્યંત સુખ-સામર્થ્ય વાસ કરી રહ્યાં હતાં ત્યાં આજે દુઃખ, દૌર્બલ્ય અને નિરાશાજ વસી રહેલાં છે. તેમને સર્વત્ર અજ્ઞાન અને દ્વેષ પ્રવર્તેલાં જણાયાં. ઠેકાણે ઠેકણે પ્લેગ, કૉલેરા, દુષ્કાળ અને જ્વરાદિ વ્યાધિઓ પ્રસરી રહેલા તેમણે જોયા. ભારતવાસીઓની આ દુર્દશા જોઈને અનેક લાગણીઓથી તેમનું હૈયું ઉભરાઈ ગયું. તેમણે ભારતવર્ષના પ્રાચીન સમય તરફ દૃષ્ટિ ફેરવી અને હિંદમાં પ્રાચીન ભાવનાઓને સજીવન કરવાની આવશ્યકતા અને શક્યતા તેમને સમજાઈ. તેમને સમજાયું કે;– “જો કે સૈકાને સૈકા સુધી થયેલા હુમલાઓથી અને ભારતવાસીઓની પોતાનીજ બેકાળજી તથા કુસંપથી તેના અનેક કીર્તિસ્તંભો, કમાનો વગેરે નષ્ટ થઈ ગયેલાં છે, પણ તેનું અંદરનું હૃદય-પાયો હજી સહીસલામત છે. જે આધ્યાત્મિક પાયા ઉપર હિંદના અદ્ભુત કીર્તિસ્તંભો પ્રભુને લેખે અને અખિલ વિશ્વપ્રત્યે પ્રેમના સ્મારકરૂપે ઉભા કરવામાં આવેલા છે, તે તો હજી પણ તેવાને તેવાજ મજબુત છે.”

ત્યારે વર્તમાન દશાનું શું? સ્વામીજીએ તેનું કારણ ખેાળી કહાડવાનો પ્રયાસ કર્યો. તેમની ખાત્રી થઈ કે બીજા ધારે છે તેમ હિંદની દુર્દશા તેના ઋષિમુનિપ્રણિત પવિત્ર અને ઉદાર ધર્મને લીધે થયેલી નથી, પણ ધર્મના ખરા સ્વરૂપને ભૂલી જવાથીજ થએલી છે. તેમણે જોયું કે આપણા પૂર્વજો કેવા પ્રભાવશાળી હતા? તેમણે રચેલાં ઉપનિષદો, મહાભારત, રામાયણ અને બીજા ગ્રંથો કેવું ભવ્ય જ્ઞાન અને સામર્થ્ય આપણને આપે છે ? કેવા ઉન્નત અને ભવ્ય આદર્શો તે આપણી આગળ ધરે છે. તેમાં કેવી અદ્ભુત કલ્પનાઓએ વાસ કરેલો છે. અન્ય દેશમાં કે બીજી ભાષામાં મળવાં દુર્લભ એવાં કેટલાં બધાં ભવ્ય ચારિત્ર્ય તે આપણી આગળ ધરે છે. આદર્શ ગૃહસ્થ-જનક રાજા, આદર્શ સ્ત્રી-પવિત્રતાની મૂર્તિ, શિયળવ્રતનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ, ધૈર્ય અને સહનશીલતાનો સંપૂર્ણ અવતાર-સીતા; આદર્શ રાજા શ્રીરામચંદ્ર; આદર્શ સેવક અને કાર્ય કર્તા મહાવીર હનુમાન; વીરપુરૂષ દાનેશ્વરી કર્ણ; અડગટેકી, સંત અને વીર ભીષ્મ પિતામહ; આદર્શ બાળક, આદર્શ યોગી, આદર્શ સારથિ અને આદર્શ જ્ઞાની શ્રીકૃષ્ણ; યોગીઓના યોગી, ત્યાગી, વૈરાગ, લોકહિતાર્થે વિષનું પણ પાન કરી જનાર અને મહાસમર્થ જ્ઞાની શ્રીમહાદેવ; કેવાં અદ્ભુત ચારિત્ર્ય ! કેવા ભવ્ય વિચાર ! આમ છતાં તેમને આ વાત પણ સમજાઈ કે અત્યારે તો હિંદુસમાજમાં ધર્મ કેવળ શુષ્ક, નિર્જીવ બાહ્યક્રિયાઓ અને રિવાજોમાંજ તેમજ માત્ર રસોડામાં અને આભડછેટમાંજ આવી રહેલો છે. તેથીજ તેના પાલનમાં વિચારનો બીલકુલ અવકાશ રહેલો નથી.

સ્વામીજી પશ્ચિમમાં ગયા અને ત્યાંની સંસ્કૃતિને નિહાળી. તેમણે તે સંસ્કૃતિને કેવળ જડવાદથીજ ભરેલી એમ માની નહિ, પણ તેઓના પુરૂષાર્થ, કાર્યપરાયણતા, સાહસિકતા, સામાજીક સ્વાતંત્ર્ય અને નાગરિક તરિકેના આદર્શ જોઇને તેનાં ભારે વખાણ કરવા લાગ્યા. તેમણે લખ્યું છે કે:—

“આર્થિક ઉન્નતિની વિરૂધ્ધ આપણે મૂર્ખાઇથી બોલીએ છીએ અને ના મળે એટલે શિયાળની માફક દ્રાક્ષને ખાટી કહીએ છીએ. ધારો કે આર્થિક સુધારો ખોટો છે, તો પણ હિંદમાં અત્યારે ખરેખર ધાર્મિક સ્ત્રીપુરૂષો કેટલાં છે? બહુ તો ફક્ત એક લાખ ! હવે શું આ લાખ મનુષ્યોની ધાર્મિકતાને માટે ત્રીસ કરોડ મનુષ્યોએ અજ્ઞાન અને ભુખમરો વેઠવાં ? શા માટે એક પણ ભુખે મરે ?”

સ્વામીજીનું વારંવાર ધારવું એવુંજ હતું કે જો કદાપિ ભારતવર્ષનો ઉદય થશે તો તે ધર્મવડેજ થશે. તેમણે કહેલું છે કે “સઘળા સુધારા ધર્મદ્વારાજ આવવા જોઈએ. આર્થિક સુધારો, સામાજિક સુધારો અને રાજ્યવિષયક સુધારો.”

આપણા પ્રાચીન ઋષિઓએ સર્વે વસ્તુઓમાંથી ધર્મનેજ વધારે પસંદ કરેલો છે. આ પસંદગી ઉત્તમમાં ઉત્તમ છે. છતાં ધારો કે તે ખોટી છે, તો પણ તે સદાને માટે કરવામાં આવેલી હોવાથી અને હવે તેને આપણે ફેરવી શકીએ તેમ નથી. ફેરવીએ તો ઘણું જ નુકશાન-પ્રજાનું મૃત્યુજ થાય. સ્વામીજીએ જોયું કે ગમે તેવી અધમ સ્થિતિમાં આવી પડવા છતાં હિંદુ પ્રજા હજી પણ તેના અસલી ધાર્મિક આદર્શોને વળગી રહેલી છે. હજી પણ હિંદુઓનાં હૃદય સીતા-રામ, ઉમા-મહેશ્વર અને રાધા-કૃષ્ણનાં નામથી હર્ષઘેલાં બની જાય છે. હજી પણ તેમનાંજ ચારિત્ર્યથી તેમનું જીવન ઘડાય છે અને પ્રેરાય છે. એ પ્રાતઃસ્મરણીય નામના ઉચ્ચારણથી હજી પણ હિંદુ પ્રજા જીવનમાં દિલાસો મેળવે છે. હિંદુ પ્રજાના એ ભાવ, એ શ્રદ્ધા અને એ ભક્તિને પુનઃ સજીવન કરવાને માટે તેમણે ધર્મને નવીજ રીતે સમજાવવા માંડ્યો. તેઓ ચુસ્ત વેદાંતી હતા, પણ તેમનું વેદાન્ત ઘણુંજ વ્યાવહારિક હતું. ભારતવાસીઓ ફકત ઈશ્વર સંબંધી વિચારસૃષ્ટિમાંજ-કલ્પનામાંજ-વિચરનારા તત્વજ્ઞાનીઓ થાય એમ સ્વામીજી ઇચ્છતા ન હતા. તેઓ પ્રભુપ્રેમી, જનપ્રેમી અને બાહુબળવાળા વ્યાવહારિક મનુષ્યો બને એમજ તે ઇચ્છતા હતા, તેમનું વેદાન્ત નૈતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિનું પ્રેરક હતું; કોઈપણ જાતના અંતિમ હેતુ વગરના અને ખાલી બુદ્ધિવિલાસના સૂક્ષ્મ વાદવિવાદોમાં તે સમાઇ રહેલું ન હતું. તે અત્યંત વિશાળ અને સર્વસામાન્ય સિદ્ધાંતોને પ્રકટ કરતું હતું. સર્વ ધર્મ, ન્યાત, જાત અને પંથના તથા ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા મનુષ્યોને સરલતાથી સમજાય તેવું તે વિશાળ અને સાદું હતું. કોઈપણ જાતના દુરાગ્રહથી ભરેલો કે અમુક પંથને લગતો એકદેશી સિદ્ધાંત તેમાં જોવામાં આવતો નહિ. પ્રેમસહિષ્ણુતા-મેળાપ એજ તેનું મુખ્ય લક્ષણ હતું. જુદા જુદા પંથનાં, ભિન્ન ભિન્ન સ્વભાવના અને ભિન્ન ભિન્ન વિચારવાળાં મનુષ્યને તે જ્ઞાન પુરું પાડતું. સ્વામીજી કહેતા કે "વેદાન્ત ધર્મ તરિકે ગ્રાહ્ય થવાને માટે ઘણુંજ વ્યાવહારિક હોવું જોઈએ. આપણે તેને આપણા જીવનના દરેકે દરેક અંગમાં ઉતારવાને શક્તિમાન થવું જોઈએ. વેદાન્તજ્ઞાન ઉપરની ઘણીજ સુંદર ટીકારૂપ ભગવદ્‌ગીતા ઉપદેશવા માટે પણ શ્રીકૃષ્ણે યુદ્ધસ્થળને પસંદ કર્યું છે. ગીતાના દરેક પૃષ્ઠમાં જે મુખ્ય બોધ ઝળકી રહેલો છે તે અત્યંત પ્રવૃત્તિ વિષેનો છે, પણ તે પ્રવૃત્તિમાં પૂર્ણ નિષ્કામતા અને ધીરજ રાખવાની છે. આ સિદ્ધાંતજ આપણી પ્રકૃતિને રસ પડે તેવી રીતે ઉપયોગમાં લઇને તેમજ ખીલવીને મોક્ષપદ પામવાની કુંચી છે. એ કુંચી સર્વેને પ્રાપ્ત કરાવવી એજ વેદાન્તનું લક્ષ્ય છે. સર્વ શ્રેષ્ઠ ઉન્નતિની અદ્ભુત ચાવીરૂપ આ સિદ્ધાંતો જંગલમાં કે ગુફાઓમાં રહેવા જોઈએ, એટલુંજ નહિ પણ તે બહાર આવવા જોઈએ; તે ન્યાયની અદાલતોમાં, દેવળોમાં, ગરીબોના ઝુંપડામાં, વિદ્યાર્થીઓમાં, કારીગરોમાં, મજુરોમાં, માછીઓમાં અને સર્વમાં પ્રસરવા જોઈએ.”

ભારતવર્ષના આત્મામાં આ વેદાન્ત ઉંડું પ્રવેશી રહેલું છતાં પાશ્ચાત્ય સંસ્કૃતિના મોહથી અત્યારે તે પોતાના શુદ્ધ સ્વરૂપને બહુજ ભૂલી બેઠેલું છે. તેને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવીને તેના જીવનપ્રવાહને જગતમાં પોતાનું સ્થાન ખોળી લેવાને છુટો મૂકી દેવો એ એમના મનની ધારણા હતી. પરમપદનો સાક્ષાત્કાર કરવાને માટે આ સમયના સર્વ શ્રેષ્ઠ માર્ગ તરિકે જનસેવા પાછળ સર્વ ભાવે આત્મભોગ આપવાનું તે શિખવતું હતું અને એથીજ કરીને સ્વામી વિવેકાનંદ હિંદના જીવનમાં એક પ્રકારનું નવીન ચેતન રેડી શક્યા છે, ધાર્મિક મનુષ્યોને તેમણે ધર્મને વ્યવહારિક સ્વરૂપ આપવાનું, તેના સિદ્ધાંતોને કૃતિમાં મૂકવાનું અને તનતોડીને જનસમૂહની સેવા કરવાનું કહ્યું છે અને રાજદ્વારી નેતાઓને તેમણે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોને અનુસરીને કાર્ય કરવાનું સૂચવ્યું છે, કારણકે સ્વામીજી દૃઢપણે માનતા હતા કે અદ્વૈતવાદના સિદ્ધાંત પ્રમાણે કામ કરવાથીજ મનુષ્યો સ્થિર મનના અને પ્રમાણિક બનીને ચીવટપણે પોતાના કાર્યને વળગી રહેશે. આ પ્રમાણે સ્વામીજીનું વેદાન્ત મનુષ્યના આધ્યાત્મિક વિકાસ અને બુદ્ધિવિષયક સમાધાનને માટે હતું, એટલું જ નહિ પણ તે માનવજાતિનું દુઃખ ટાળવાને અને સંસારની આફતો સામે મનુષ્યને ધૈર્યવાન બનાવવાને માટે પણ હતું.

સ્વામીજીએ જોયું હતું કે હિંદમાં શાસ્ત્રોરૂપી અમૂલ્ય ખજાનો ભરેલો છે. પણ મનુષ્યો તેનો ઉપયોગ ન કરે તો પછી એ શા કામનો? એની સાથે આ વાત પણ તેઓ સારી પેઠે જાણતા હતા કે મનુષ્યને પુરતાં અન્નવસ્ત્ર મળે તોજ તેની બુદ્ધિનો અને આત્માનો વિકાસ કરી શકાય. જે દેશમાં મનુષ્યો અર્ધા ભૂખ્યા રહે અને તેમનું મન તથા શરીર સદાએ એ ભુખમરો ટાળવાના ઉપાયોમાંજ રોકાઇ રહેતું હોય, તે દેશમાં તે આધ્યાત્મિક વિકાસ શી રીતે હોઈ શકે ? જ્ઞાનને માટે આપણને અવકાશ અને અનુભવની જરૂર છે. અનુભવને માટે કાર્ય કરવાની જરૂર છે અને કાર્ય કરવા માટે ખોરાક અને તંદુરસ્તીની જરૂર છે.

એ કારણને લીધેજ સ્વામીજીએ કર્મયોગ-સમાજસેવાનો શ્રેષ્ઠ માર્ગ સૌને બતાવ્યો છે. તેઓ પોતે પણ છેવટ સુધી તેજ કાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે. રાત અને દિવસ એજ કાર્ય તે કરતા અને કહેતા કે “મારું જીવન મારી માતૃભૂમિને અર્પણ કરેલું છે અને જો મારે એક હજાર અવતાર લેવા પડશે તો તે અવતારની પણ દરેક ક્ષણ, મારા મિત્રો ! હું તમારીજ સેવામાં અર્પણ કરીશ.” દેશમાં જ્યાં ત્યાં દેખાતાં અસંખ્ય દુઃખી મનુષ્યોજ સ્વામીજીના પૂજ્ય દેવો હતા. ગરીબ મનુષ્યરૂપી દેવ, અધમ મનુષ્યરૂપી દેવ, પાદાક્રાન્ત મનુષ્યરૂપી દેવ—એ સર્વેની સેવા કરવાના કાર્યનેજ સ્વામીજી પ્રભુપૂજા કહેતા. “કામ કરો” એમજ તે સદાએ પોકારતા. પ્રેમથી કાર્ય કરો, નિ:સ્વાર્થપણે કાર્ય કરો, નિંદા કે સ્તુતિને ગણ્યા વગર કાર્ય કરો એમજ તે કહેતા. આશા કે ભય વગર કાર્ય કરવામાં કેટલો બધો આનંદ ઉપજે છે ? કે મનુષ્યને સહાય કરવાથી હૃદય કેટલું બધું હર્ષથી ઉભરાય છે? સ્વામીજી કહેતા કે "માત્ર ગુલામોજ બીજાઓને ગુલામ બનાવવાનું ઇચ્છે છે. દ્રવ્યની જરૂર છે પણ મનુષ્યત્વ દ્રવ્યને પેદા કરે છે. દ્રવ્ય કાંઇ મનુષ્યત્વને પેદા કરતું નથી. માટે તેઓ કહેતા કે ભારતના ઉદ્ધારને માટે સર્વથી પ્રથમ મનુષ્યો, મનુષ્યો અને સાચાં મનુષ્યોજ આપણને જોઈએ છે.”

આ પ્રમાણે ભારતવર્ષની દુર્દશા સ્વામીજીએ પંડે જ ફરીને જોઈ, પંડે જ તેના ઉપાય શોધ્યા, તેના ઉત્કર્ષના વિચારોમાં અને ક્રિયાઓમાંજ તેમણે પોતાનું આખું જીવન ગાળ્યું અને તે છતાં પણ એક બાળકના જેટલા નિરાભિમાની તે રહ્યા હતા.

જગદંબા પ્રત્યે તે વારંવાર કહેતા કે “મા, મા, તુંજ કર્તા છે. હું તારો ગુલામ છું. તું મને આગળ ધસાવ; તું મને આગળ દોર; તુંજ સર્વસ્વ છે. હું એક બાળક છું, તું એક્લીજ મોટી છે. જગતમાં તુંજ તારું કાર્ય કરે છે. તુંજ દુઃખી મનુષ્યોરૂપે પણ ફરે છે ને તુંજ સેવા પણ કરે છે. તારી ગતિ કોઈથી કળાય તેમ નથી. મારા મનમાં અહંકાર ઉપજવા દઈશ નહિ. મારે માન અને પ્રશંસા પણ જોઇતાં નથી. મારા ચિત્તને તારાં ચરણ કમળમાં મગ્ન રહેવા દે”.

ચિકાગોથી લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું કેઃ― “યાદ રાખજો કે ભારતની પ્રજા મહેલોમાં નહિ પણ ઝુંપડામાંજ વસેલી છે અને અફસોસ કે કોઇએ તેને માટે કંઇપણ કર્યું નથી. આપણા આધુનિક સુધારકો વિધવા વિવાહને માટે ભારે ગરબડ કરી રહેલા છે. અલબત્ત, દરેક સુધારા તરફ મારી સહાનુભૂતિ છે, છતાં પ્રજાના ઉદયનું માપ પરિણત વિધવાઓની સંખ્યા ઉપર રહેલું નથી, પણ તેના સર્વ સામાન્ય જનસમૂહની સ્થિતિ ઉપરજ રહેલું છે. તેની સ્થિતિ તમે સુધારી શકશો, તેના હૃદયમાં ઉંડી પ્રવેશી રહેલી ધાર્મિકતાને હણ્યા વગર તમે તેને તેનું ગુમાવેલું વ્યક્તિત્વ પાછું આણી આપી શકશો, ભ્રાતૃભાવ, સ્વાતંત્ર્ય, કાર્ય અને ઉત્સાહમાં આપણે ખરેખરા પાશ્ચાત્ય થવું, પણ સાથે સાથે ધાર્મિક વિચારો અને ભાવના, એમાં તો ચુસ્ત હિંદુ જ બની રહેવું, એ તમારાથી થઈ શકશે ? એજ કરવાનું છે અને તેને આપણે કરીશું. તમે બધા તે કરવાનેજ સ્રજાયેલા છો. આત્મશ્રદ્ધા ધરો. દૃઢ થયેલી ઉત્તમ ભાવનાઓ મોટાં કાર્યોને ઉત્પન્ન કરે છે. માટે મારા પુત્રો સદાએ આગળ ધસો. જીવનની દરકાર ન કરતાં ગરિબ પાદાક્રાન્ત તરફ સહાનુભૂતિ છે. આગળ દર્શાવો. એજ આપણું પરમ સાધન છે. એમાં જ આપણો ધર્મ અને મોક્ષ ધસો, મારા દિકરાઓ !”

ઉપરનો પત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે સ્વામી વિવેકાનંદ કેવા પ્રકારના સુધારક હતા. દયાર્દ્ર હૃદયથી તે ગામે ગામ ફર્યા હતા અને જનસમૂહની સ્થિતિ અને લાગણીઓનો બારીક અભ્યાસ કર્યો હતો, તેથીજ તેમના સુધારા ઉચ્છેદક ન હતા. પ્રજાના હૃદયમાં વસી રહેલી ધાર્મિકતાને તે અત્યંત માન આપતા અને ધાર્મિક્તાને રસ્તેજ તેનો ઉદય કરવાને તે મથતા. પ્રજાના હૃદયને સમજ્યા વગર, તેના વિચારોને જાણ્યા વગર અને ઘણા કાળથી ચાલી આવતી તેની દંતસ્થાઓ, અને ભાવનાઓનો અભ્યાસ કર્યા વગર કરવા માગેલો સુધારો ફોગટ જઇને પરસ્પર વૈમનસ્યજ ઉત્પન્ન કરે છે. આધુનિક સમયના સુધારકો વિશેષ અસર ઉપજાવી શકતા નથી એનું કારણ એજ છે કે તેઓ પોતે શહેરોમાં ધન વૈભવમાં મહાલ્યા કરે છે અને પ્રજાના મોટા ભાગના ગરિબ અને દુઃખી વર્ગની તેમને માહિતી કે પરવા હોતી નથી; તેમજ હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનનું પણ તેઓ પુરેપુરું જ્ઞાન મેળવતા નથી. જનસમૂહનું દુઃખ જોઇને અને સાંભળીને સ્વામીજીને એટલું બધું લાગી આવતું કે તે રડી પડતા. ઘણીવાર બેલુર મઠમાં પોતાની ઓરડીમાં રડતા તે જોવામાં આવતા.

ઘણાઓ કહે છે કે સ્વામી વિવેકાનંદ પ્રાચીન ભારતનો મહિમા ગાઈને લોકોને રાજી કર્યા કરતા હતા, પણ ખરેખરી વાત તો એ હતી કે હિંદની આધુનિક અવદશાને માટે હિંદુઓને વારંવાર એમના જેવો ઠપકો આપનાર થોડાજ હશે. તેમનું લાહોરમાં આપેલું વેદાન્ત ઉપરનું વ્યાખ્યાન વાંચવાથી હરકોઈને જણાઈ રહેશે કે સ્વામીજીએ હિંદુજીવનમાં અને ધર્મમાં પેસી ગયેલી ખામીઓને કેવી ઉઘાડી કરી મૂકી છે અને હિંદુઓને તેમણે કેવો સખત ઠપકો આપેલો છે; પરંતુ ઠપકો આપવાથી તેમની લોકપ્રિયતામાં વધારોજ થતો હતો. દરેક સ્ત્રીપુરૂષને તે ભાઈ સમાન ગણતા. દરેક સ્ત્રીમાં તે શ્રીજગદંબાનેજ જોતા. દરેક ધર્મ કે પંથના સાધુઓ અને સંતો પ્રત્યે તે માનની લાગણી દર્શાવતા. કોઈ પણ ધર્મ કે સંસ્થાની તે નિંદા કરતા ન હતા. કોઈ પણ ધાર્મિક ક્રિયા કે ભાવનાની તે અવગણના કરતા ન હતા. તેમણે કદીએ કોઈના વિચારને વખાણ્યા નથી, પણ તે વિચારો ધરાવનારને આગળ વધવાનુંજ કહેલું છે. તેમના જેવી સ્વદેશભક્તિ, ધર્મ પ્રીતિ તેમજ ગરિબ, પાદાક્રાન્ત અને અભણ વર્ગો માટેની લાગણી આજે કોઈકજ ધરાવતું હશે. એવા મનુષ્ય સૌના પ્રેમનું પાત્ર બને એમાં નવાઈજ શી !

સામાજીક સુધારા વિષે સ્વામીજીએ પોતાનો મત નીચે પ્રમાણે દર્શાવેલો છે:- “હિંદમાં સામાજિક સુધારાનો બોધ કરવો હોય તો નવીન સુધારણાથી લોકોના જીવનમાં ધાર્મિકતાનો કેટલો વધારો થશે એ દર્શાવી આપવાથીજ કરી શકાશે. રાજ્યકિય બાબતો વિષે પ્રજાને બોધ કરવો હોય તો પણ પ્રજાને જેની ખરેખરી જરૂર છે તે આધ્યાત્મિકતા તેથી કેટલી વધશે એ બતાવીનેજ કરી શકાશે. ધાર્મિક આદર્શ જ મનુષ્યને માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદર્શ છે. એટલુંજ નહિ, પણ હિંદમાં કાર્ય કરવાને માટે તો એ શક્ય આદર્શ છે. એ આદર્શ ને દ્રઢ કર્યા સિવાય બીજે રસ્તે કાર્ય કરશો તો તે નુકશાનકારકજ નીવડશે.

સ્વામીજી દૃઢપણે માનતા હતા કે સઘળા સુખકારક સામાજિક સુધારાઓ માનવજાતિના હૃદયમાં ઉંડા પ્રવેશી રહેલાં આધ્યાત્મિક સત્યોનો આવિર્ભાવજ છે. જો એ સત્યને દૃઢ અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો સમાજ તેમને આધારે પોતાની મેળેજ વ્યવસ્થિત થઈ રહે. પ્રજાની સંસ્થાઓ ઘણા વખતથી ચાલતા આવતા જીવનનાંજ પરિણામો હોવાથી જ્યાં સુધી વધારે ઉન્નત સંસ્થાઓ ઉપન્ન કરી શકાઈ નથી ત્યાં સુધી જુનીને ઉખેડી નાખવાનું કહેવું એ નુકશાનકારકજ છે.

વળી સ્વામીજીનું ધારવું એવું હતું કે સઘળી સંસ્થાઓ અપૂર્ણજ છે તેથી તેમની ખામીઓ દર્શાવવાનું પણ સહેલું જ છે. માનવજાતિનો ખરેખર સહાયક તેજ છે કે જે ગમે તે સંસ્થામાં રહેલા મનુષ્યને તેની અપૂર્ણતા ટાળવામાં મદદ કરે છે. એ પ્રમાણે વ્યક્તિઓની સ્થિતિ સુધરે, પછી સમસ્ત પ્રજાની અને સંસ્થાઓની સ્થિતિ પણ સુધરેજ. ઉન્નત મનુષ્યો રિવાજોથી અને કાયદાઓથી કાબુમાં આવતા નથી, પણ તેઓ સત્ય, પ્રેમ, સહાનુભુતિ અને પ્રમાણિકતાના દિવ્ય નિયમોનેજ વશ થાય છે. જે પ્રજામાં ઘણા થોડાજ કાયદાઓની જરૂર પડે છે એ પ્રજાજ સુખી છે. જે પ્રજાને સંસ્થાઓનો થોડોજ આશ્રય લેવો પડે છે તેનેજ ધન્ય છે.

સ્વામીજી મનુષ્યત્વને પ્રાપ્ત કરાવવાના કાર્યને મુખ્ય ગણતા અને તેનેજ તે વધારે મહત્તા આપતા. સ્વામીજીના મત પ્રમાણે જે કેળવણી, જે સુધારો કે સંસ્થા મનુષ્યના દિવ્યાત્માને જાગૃત કરે અને જે જનક, રાનડે, અગસ્ત્ય કે વસિષ્ટ જેવાને ઉપન્ન કરી શકે તેજ સંસ્થા સ્પૃહણીય ગણાય. ઋષિત્વ સ્વામીજીનું આદર્શ હતું. તેમને મન આદર્શ ગૃહસ્થાશ્રમી ઋષિજ હતા. ઋષિ એટલે શું ? પવિત્ર, પ્રભુપરાયણ અને મહામુનિ અગસ્ત્ય જેવો પરાક્રમશાળી પુરૂષ. આપણાં હિંદુ શાસ્ત્રો ગૃહસ્થાશ્રમીનાં કર્તવ્ય દર્શાવતાં કહે છે કે ગૃહસ્થાશ્રમીએ પ્રભુપરાયણ થવું. ફળની ઈચ્છા રાખ્યા વગર તેણે કાર્ય કરવું અને બીજાને મદદ કરવી. તેણે દ્રવ્ય કમાવું પણ અપ્રમાણિકપણે નહિ. તેણે યાદ રાખવું જોઈએ કે તેનું જીવન પ્રભુભક્તિ અને ગરિબ તથા દુઃખીની સેવાને માટે છે. તેણે પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સામું જોવું પણ નહિ; તેણે તેનાં સગાં વહાલાંને સહાય અને ગરિબને દાન આપવું; તેણે હમેશાં હૃદયને શુદ્ધ રાખવું; બીજાંને મદદ કરવાને તેણે સદા તત્પર રહેવું; આખી સમાજના ટેકારૂપ તેણે થવું અને દુઃખીની સેવા કરવી. ગૃહસ્થાશ્રમીનાં આવાં આવાં કર્તવ્યનું હિંદુઓને પુરેપુરું ભાન કરાવવું એમાંજ સ્વામીજી ખરી સામાજિક સુધારણા રહેલી જોતા. આધુનિક સુધારકો જે ઉપરચોટીઓ સુધારા કરાવવા માગે છે તેને નાપસંદ કરતા. સુધારકોને તેમણે એકવાર નીચે પ્રમાણે કહેલું છે:—

“સુધારકના કરતાંએ પણ હું મોટો સુધારક છું, તેઓ અમુક ભાગોનાજ સુધારા કરવા માગે છે અને હું તો મૂળથીજ સુધારા કરવા મૂળનેજ સુધારવા ઈચ્છું છું. અમે માત્ર પદ્ધતિમાંજ જુદા પડીએ છીએ. તેઓની પદ્ધતિ જુનાની ઉચ્છેદક છે. મારી તેની પોષક છે. હું બાહ્ય સુધારો માનતો નથી; હું આંતર્ વિકાસ માનું છું.”

વળી બીજે સમયે તેમણે કહેલું છે કે :-

"છોકરાઓ, તમે કદીએ મદ્રાસની બહાર તો પગ મૂક્યો નથી અને તમે ત્રીસ કરોડ મનુષ્યને માટે સુધારાના નિયમો ઘડવાને ઉભા થઈ રહ્યા છો ! એમની પાછળ હજારો વર્ષથી ઉતરી આવેલી પ્રાચીન ભાવનાઓ રહેલી છે તેને તો તમે ભૂલીજ જાઓ છે. તમને શરમ નથી આવતી ? દૂર રહો, આવા નિર્લજ કાર્ય પહેલાં જરા તમેજ બોધ ગ્રહણ કરો. "તમે ભારતવર્ષનો ઇતિહાસ વાંચ્યો છે? રામાનુજ કોણ હતા ? શંકરાચાર્ય કોણ હતા ? નાનક કોણ હતા ? ચૈતન્ય કોણ હતા ? કબીર કોણ હતા ? દાદુ કોણ હતા ? જ્ઞાનેશ્વર, તુકારામ અને રામદાસ કોણ હતા ? એક પછી એક ઉત્પન્ન થયેલા એ મહાન ઉપદેશકો–એ મહા તેજસ્વી તારાઓ કોણ હતા ? શું તેમને ગરિબ વર્ગને માટે લાગણી ન હોતી ?” આધુનિક કેળવણીમાં સ્વામીજી જે ખરાબીઓ જોતા તે વિષે એકવાર તેમણે કહ્યું હતું કે:―

“તમે જે કેળવણી આજે લઈ રહેલા છો તેના કેટલા ફાયદા છે ? ફાયદા કરતાં તેના ગેરફાયદા વધારે છે અને તે ગેરફાયદા એવા ભયંકર છે કે તેની આગળ સઘળા ફાયદાઓ દબાઈજ જાય છે. પહેલી વાત તો એ છે કે એ કેળવણી મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનારી નથી. તે કેવળ મનુષ્યત્વનો નકાર ભણાવનારીજ છે અને એની કેળવણી તો મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ છે. વિદ્યાર્થી પહેલીજ વાત તો એ શિખે છે કે એના પિતા મૂર્ખ છે; બીજી વાત તે એ શિખે છે કે એના દાદા ગાંડા છે; ત્રીજું કે તેના ગુરૂઓ દંભી છે; ચોથું કે તેનાં સઘળાં શાસ્ત્રો જુઠાં છે અને સોળેક વર્ષના થાય ત્યાં સુધીમાં તો તે લગભગ ચેતન અને અસ્થિ વગરનો નકારાનો ઢગલોજ બની રહે છે.”

એટલાજ માટે સ્વામીજીની ઇચ્છા એવી હતી કે હિંદમાં મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનારી યુનિવર્સીટિ સ્થાપવી અને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી ઉપર આપણોજ કાબુ રાખવો.

એક સમયે કેલીફોર્નીઆમાં તેમણે કહ્યું હતું કે:–

“આધુનિક શિક્ષણની પદ્ધતિજ ખોટી છે. મન વિચાર કરતાં શિખે તે પહેલાં જ તેમાં અનેક વાતો ભરવામાં આવે છે. જો મારે કેળવણી લેવાની હોય અને મારો તેમાં હાથ હોય તો હું સર્વથી પ્રથમ મારા મન ઉપર કાબુ મેળવતાંજ શિખું. જરૂર હોય તો બીજી વાતાને તેમાં ભરું. પોતાના મનને એકાગ્ર કરી શકતા નથી તેથીજ તેમને અભ્યાસ કરતાં ઘણો વખત લાગે છે. મૅકોલેકૃત ઈંગ્લાંડનો ઇતિહાસ મોઢે કરવા માટે મારે તેને ત્રણવાર વાંચવા પડ્યો હતો, પણ મારી મા ગમે તે પવિત્ર પુસ્તકને એકજવાર વાંચીને મોંઢે કરી નાખતી. લોકો ચિત્તને એકાગ્ર કરતા નથી તેથીજ તેઓને ખમવું પડે છે.”

“તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડો છો, પણ એવું વાંચન તમે જેમ થોડું વાંચો તેમજ સારૂં. વાંચનના જે બોજાને તમારે આગળ ઉપર મનમાંથી કહાડીજ નાખવા પડે તેમ છે તેવા બોજાથી ચિત્તને શા માટે ભરી દો છો ? ગીતાજીને વાંચો, વેદાન્તનાં બીજા સારા પુસ્તકો વાંચો, કેમકે તેની તમારે આખા જીવન સુધી જરૂર છે.”

સ્વામીજી વાંચન કરતાં મનનને વધારે મહત્તા આપતા. અનેક પુસ્તકોના ઉપરચોટીયા વાંચન કરતાં એક બે પુસ્તકોનો સંપૂર્ણ અભ્યાસ અને મનનને જ તે વધારે પસંદ કરતા. દરેક બાબતમાં-સંસાર સુધારા કે કેળવણીમાં- તે મૂળનેજ પકડતા અને તેને સુધારવાનો તે યત્ન કરતા. લોકોની સ્થિતિ સુધારવામાં પણ તે તેમના આંતર્‌વિકાસને વધારે મહત્ત્વ આપતા અને લોકોની લાગણીઓ તથા ભાવનાઓને ઉત્તેજન આપીને તે દ્વારાજ તેમનો વિકાસ કરાવવાને મથતા. સ્વામી વિવેકાનંદને અનેક ગુણો તેમજ શરીર પણ પરમેશ્વરે એવું આપ્યું હતું કે, એમને જોતાંજ બીજાના મનમાં શ્રદ્ધા-ભક્તિ ઉત્પન્ન થતી. એમનો કદાવર બાંધો, સૌમ્ય, તેજસ્વી અને વિશાળ નેત્રો, ભવ્ય લલાટ, ગંભીર અને વિચારવંત ચ્હેરો, વગેરે જોતાં કોઈ મહાપુરૂષની પાસેજ ઉભા છીએ એવું ભાન મનુષ્યને થઈ આવતું.

તેમની સાથે વાત કરવાને અને તેમના સહવાસમાં આવવાને જે ભાગ્યશાળી થયેલા છે તેઓજ ફક્ત જાણે છે કે તેમની વાણી કેવી કોમળ, પ્રેમાળ અને સંગીતમય હતી. એ વાણીથી સર્વ કોઈ આકર્ષાતું અને તેમનો બાળક જેવો સાદો-ભોળો સ્વભાવ જોઈને તેમની સાથે એકદમ ભળી જતું.

તેમના સ્વદેશી પોશાક જોઇને પરદેશી પોશાકમાં સજ્જ થયેલા હિંદી જેંટલમેનો શરમાતા અને સ્વદેશી પોશાકથી સુશિક્ષિતપણામાં તથા સૌંદર્ય કે આબરૂમાં ખામી આવી જતી નથી એમ તેમની ખાત્રી થઇ જતી. સ્વામીજી બચપણથીજ બૂટ, સૂટ અને હૅટને નાપસંદ કરતા અને વાળને ચોળી ઓળીને ટાપટીપ કરનારને તે બાયલોજ ગણતા. કપડાં પહેરતાં કે પોશાકમાં સજ્જ થતાં કોઈ મિત્રને જરા વધારે વાર લાગતી તો સ્વામીજી તેને ઠપકો આપતા અને તેની ટાપટીપને વખોડી કહાડતા. એમનો એ સ્વભાવ છેવટ સુધી કાયમ રહ્યો હતો: છેવટ સુધી એમનું એનું એજ નિર્મળ સાદું જીવન ટકી રહેલું જોવામાં આવતું હતું. સ્વામીજી નિર્મળ અને સાદા જીવનને માટે ગર્વ ધરતા. નિવેદિતા લખે છે કે:- “સ્વામીજી પોતાના પાશ્ચાત્ય શિષ્યોને હાથ વડેજ ખાવાનું અને હિંદુ જીવનનાં સામાન્ય કાર્યો પણ જાતેજ કરવાનું શિખવતા. તે કહેતા કે તમે જો ભારતવર્ષને ચ્હાતા હો તો તમારે એને તે જેવું છે તેવુંજ ગ્રહીને ચ્હાવું જોઇએ અને નહિ કે તમારી મરજી પ્રમાણેની તેની ભાવી સ્થિતિનો વિચાર કરીને. એ બાબતમાં સ્વામીજીની દૃઢતા ખડક જેવી સ્થિર હતી અને એ દૃઢતાથીજ તેમને ચ્હાનરા ઘણા પરદેશીઓની આંખો હિંદુઓના સાદા જીવનની શોભા અને સામર્થ્ય તરફ ઉઘડી રહી હતી.”

“સાદું જીવન અને ઉચ્ચ હૃદય” એ ઋષિમુનિઓના સનાતન સિદ્ધાંતનેજ સ્વામીજી અનુસરતા. “ટાઇમ્સ ઓફ ઇંડિઆ” ના કલકત્તાના ખબરપત્રીએ એકવાર આ વિષે લખ્યું હતું કે:– “સાદું જીવન અને ઉચ્ચ વિચારની બાબતમાં સ્વામીજીના જેવો દાખલો કોઈએ બેસાડ્યો નથી.”

તેમના જીવનમાં ક્ષણે ક્ષણે ઉત્કટ વૈરાગ્ય દેખાઈ આવતો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસ પોતાના આ વ્હાલા શિષ્યને “મારા શુક” કહીને બોલાવતા અને તેને પોતાની અધુરી સાધના પૂર્ણ કરવા આવેલો મહાન યોગાત્મા ગણતા. જગતની સમૃદ્ધિ, ઠાઠ અને સત્તા સ્વામી વિવેકાનંદને લલચાવી કે છેતરી શક્યાં નથી. સ્વામીજી ધનાઢ્યો, રાજકુંવરો, રાજાઓ અને મહારાજાઓ ભેગા ભળતા, પણ એમનો વૈભવ તેમની સાધના ઉપર કંઈપણ અસર કરી શકતો નહિ. પશ્ચિમમાં અનેક પ્રકારના ઠાઠમાઠ અને મોજશોખવાળાં સ્ત્રી પુરૂષોની સાથે તે ભળતા, પણ પશ્ચિમનો એવો ઠાઠમાઠ તેમને લલચાવી શકતો નહિ. ઉલટું એમજ બનતું કે એમના ઉત્કટ વૈરાગ્યની અને અનુભવસિદ્ધ આધ્યાત્મિક્તાની પ્રભા સર્વે ઉપર પડી રહેતી. એ વિષે નિવેદિતા લખે છે કે:―

“એમને જોઈને સામાના મનનું વલણ એકદમ બદલાઈજ જતું અને તેમનો બોધ સાંભળતાંજ માણસના મનમાં જ્ઞાનાગ્નિ પ્રગટી રહેતો. તેમની સાથે જરા પણ વાતચીત કર્યા વગર ફક્ત તેમનાં દર્શનથી જ કેટલાકની વૃત્તિ બદલાઈ જતી અને એમજ લાગતું કે માત્ર તેમને જોયાથીજ જ્ઞાનનો ઉદય થઈ જાય છે.”

પોતે સાધુ છે એ ભાવથી સ્વામીજી અત્યંત ગર્વ ધરતા. આ જડવાદના દિવસોમાં જ્યારે સાધુતાનો અનાદર કરવામાં આવે છે ત્યારે સ્વામીજી ચુસ્ત ઉપાસક તરિકે સઘળા ટીકાકારોની વચમાં સિંહ સમાન ઉભા રહીને તેમને તેની ટીકા કરવાનો બીલકુલ હક્ક નથી એમ સાબીત કરી આપતા. જડવાદનાં કેન્દ્રસ્થાન યુરોપ, અમેરિકાદિ પ્રદેશમાં તો તેમણે એ પ્રમાણે ઘણીવાર કરેલું હતું. હાલના વધતા જતા મોજશોખ અને ઇંદ્રિયસુખનાજ ઉદ્દેશવાળા જીવનને તેઓ "સડી ગયેલાં છતાં ગુલાબનાં ફુલથી ઢાંકેલા શબ" જેવું અથવા તો કસબી વસ્ત્રથી ઢાંકેલાં દુર્ગંધવાળા ગુમડા જેવું કહેતા.”

સ્વામીજીને એકાન્ત અને આત્મધ્યાન બહુજ પ્રિય હતાં. અસંખ્ય માણસોની ભીડમાં પણ તેમની આંતરવૃત્તિ સ્ફુરી ઉઠતી અને તે ધ્યાનગ્રસ્ત બની જતા. ઘણીવાર તે અનેક કાર્યોને હાથમાં લીધેલાં હોવા છતાં પણ તેમાંથી મુક્ત થવાનું ઇચ્છતા. ઘણીવાર તે સંગાતીઓને છોડીને એકલાજ જંગલમાં ચાલ્યા જતા અને ધ્યાનમાં લીન થઈ રહેતા. ઘણીવાર એકલા ભજન ગાતા ગાતાજ આમ તેમ ફરતા જણાતા. એવા સમયમાં એમના ગુરૂભાઈઓ એમને કોઈપણ કારણસર છેડતા નહિ, કારણ કે એમની એવા સમયની મસ્ત વૃત્તિને તેઓ સારી પેઠે જાણી ગયા હતા. તેઓ લોક કલ્યાણના અનેક વિચારો તેમજ કાર્યો કરી રહ્યા હતા, પણ તેમનો આત્મા સદાએ અલિપ્ત હતો. નામ, કીર્તિ કે જય પરાજયની તરફ તેમની એવી નિસ્પૃહતા હતી કે કેટલીક વાર તો તેમના ગુરૂભાઈઓને પણ એમજ લાગતું કે હમણાંજ સ્વામીજી કાર્યને પડતું મૂકીને ક્યાંક ચાલ્યા જશે. સ્વામીજી ઘણીવાર કહેતા કે હિમાલયના એકાદ ઠંડા ખડક ઉપર પડ્યા પડ્યા પાણીના ધોધના સ્વરને શ્રવણ કરતે કરતે મૃત્યુને વશ થવું એ એમને ઘણું જ પસંદ છે. જળના ધેાધનો સંગીતમય સ્વર તેમની આધ્યાત્મિક વૃત્તિને પરમ સત્ય અને સ્વાતંત્ર્યમાં તરબોળ કરી દેતો હતો તેમાં હર, હર, ઓમ, ઓમ એજ શબ્દો તેમને સંભળાતા હતા.

બહેન નિવેદિતા લખે છે કે “સમાજમાં વાતચીત કે ગમ્મત કરતાં પણ કેટલીક વાર તેઓ ભાવસમાધિમાં આવી જતા. તેમની આંખો એ વખતે સ્થિર થઈ જતી અને શ્વાસ ઘણોજ ધીમેથી લેવાતો રહીને પછી એકદમ અટકી જતો. કેટલીક વાર પછી વળી પાછો શ્વાસ ધીમે ધીમે શરૂ થતો. તેમના મિત્રો એ બાબત જાણતા હોવાથી એવે પ્રસંગે તરતજ તેમને માટે યોગ્ય સગવડ કરતા.”

અત્યંત ભવ્ય અને મોહક ચ્હેરા ઉપરાંત તેમનો સ્વર પણ કોકિલ જેવો મધુર હતો. તે અનેક રાગ રાગણીઓ જાણતા અને ગાતા. સંગીતની તેમણે સારા સારા ગવૈયાઓ પાસે તાલીમ લીધેલી હતી. તેમનું સંગીત કર્ણપ્રિય હતું. જ્યારે તે ગાતા ત્યારે જાણે કે સારંગી વાગતી હોય એમજ ભાસ થતો. એ કળાને તેમણે ઘણી જ ખીલવી હતી. તેમનો નાદ પણ વધારે હતો. સંગીત પાંચમો વેદ ગણાતો હોઈને પ્રભુભક્તિમાં ચિત્તને એકાગ્ર કરવાના સર્વોપરી સાધન તરિકે લેખાય છે. સ્વામીજી એવાજ ઉદ્દેશથી એ કળામાં નિષ્ણાત થયા હતા. એમનું ગાયન સાંભળવાથી શ્રોતાઓ ખાવા પીવાનું પણ વિસરી જતા અને શ્રીરામકૃષ્ણ તો તે સાંભળીને સમાધિમાંજ ગરક થઈ જતા. તેમનું સંગીત ઉંડાણમાંથી નીકળતું આત્માનુંજ ગાન હતું.

એક ટીકાકારે લખેલું છે કે “હું જાતે સંગીતનો શોખીન છું. મેં ઘણા ગવૈયાઓને સાંભળ્યા છે તો પણ મારો મત એવો છે કે, સંગીતકળામાં સ્વામી વિવેકાનંદ જેવો કોઈપણ નિષ્ણાત નથી. સ્વામીજી જ્યારે ગાતા ત્યારે એમનો મધુર સ્વર એમના અંતરાત્માના મિષ્ટ ગાન સાથે ભળી જતો અને એથી કરીને શ્રોતાઓ એટલા બધા આનંદિત થઈ જતા કે જાણે કોઈ ઉન્નત પ્રદેશમાંજ તેઓ વસી રહેલા છે એવો ભાસ થઈ જતો.” સંગીતથી સ્વામીજીનો અંતરાત્મા એવો તો મસ્ત બની રહેતો કે કેટલીક વખત તે ખાવા પીવાનું કે બીજું કોઈ પણ કામ કરવાનું હોય તે પણ ભૂલી જતા અને જરી પણ થાક્યા વગર કલાકોના કલાકો સુધી ગાયાજ કરતા.

સ્વામીજી મોટા કલાકોવિદ્ હતા. કલકત્તાના ગૌરવને તેમજ તેના આત્માને તે સમજતા. તે કહેતા કે “જો મનુષ્ય કુદરતમાં રહેલી એકતા અને સૌંદર્યને જાણી શકે નહિ તો પછી સઘળી એક્તા, ઉચ્ચતા અને સૌંદર્યના ભંડાર પરમેશ્વરને તો તે ઓળખીજ કેમ શકે ?” વળી તે કહેતા કે “જે મનુષ્ય કલાનું સૌંદર્ય અને ગૈારવ જોઈ શકતો નથી તે ખરો ધર્મિષ્ટ બની શકતો નથી.” વળી બીજે પ્રસંગે તેમણે કહેલું છે કે “કલા માત્ર ઇંદ્રિયોનેજ સંતોષે છે એમ કહેવું ભૂલ ભરેલું છે. જે મનુષ્યે ઇંદ્રિયો ઉપર જય મેળવેલો છે અને જેણે દેહભાવનો ત્યાગ કરેલો છે તે જ માણસ કળાના ખરા સૌંદર્યને જાણી શકે છે. આપણે દરેક વસ્તુને આધ્યાત્મિક દૃષ્ટિએ જોવી જોઈએ. આ સમગ્ર કુદરત પ્રભુનોજ સ્થૂલ આવિર્ભાવ છે. અપવિત્રતા અને કુરૂપતા તો આપણા મનમાં જ રહેલાં છે. કળાને ન જાણવી એ ભયંકર અજ્ઞાન છે. ખરી કળા, ખરી કવિતા અને ખરું સંગીત હમેશાં આધ્યાત્મિક જ હોય છે.”

ભારતવર્ષમાં ધર્મ અને કળા વચ્ચે ગાઢ સંબંધ રહેલો તેઓ જોઇ શકતા અને તેથી કહેતા કે “હિંદુઓ ધર્મમાં રહે છે, હિંદુઓ કલામાં રહે છે. ધાર્મિક સંસ્કૃતિથી કલાની વૃદ્ધિ થાય છે અને કલાથી ધર્મની વૃદ્ધિ થાય છે. જ્યારે હિંદનો ખરો ઇતિહાસ બહાર આવશે ત્યારે જણાશે કે ભારતવર્ષ ધર્મક્ષેત્રમાં સર્વનો પ્રથમ ગુરુ છે તેમજ કલાના ક્ષેત્રમાં પણ સર્વેનો પ્રથમ ગુરૂ છે.” ઇતિહાસના અભ્યાસક તરિકે પણ સ્વામીજીએ નિહાળ્યું હતું કે જ્યાં જ્યાં ધર્મનો ઉદય થયેલો છે ત્યાં ત્યાં કલા, વિદ્યા અને સાહિત્યનો પણ ઉદય થયેલોજ છે. બુદ્ધના આગમન પછી શિલ્પવિદ્યા ઘણી ખેડાઈ હતી. શ્રીચૈતન્યના પ્રાગટ્ય પછી મૃદંગ સાથે કીર્તન કરવાની ચિત્તાકર્ષક કલા ઉત્પન્ન થઈ રહી હતી.

કલાના વિવેચક તરિકે સ્વામીજી પ્રસિદ્ધ હતા. તેમણે સંગીત, ચિત્ર, શિલ્પ, વગેરે અનેક કલાઓ ઉપર પોતાના અભિપ્રાયો દર્શાવ્યા છે. સને ૧૮૦૦માં પારિસમાં ભરાયેલા પ્રદર્શન વખતે શિલ્પકળાના એક નમુના ઉપર તેમણે પોતાનો જે અભિપ્રાય દર્શાવ્યો હતો તે જગજાહેર છે. એ પ્રદર્શનના રિપોર્ટમાં સ્વામીજીનું વિવેચન છપાયું હતું. વિવેચન કર્યા પછી તેમણે શિલ્પકલાનાં સામાન્ય લક્ષણો સમજાવ્યાં હતાં. તેમણે જે લખ્યું હતું તેમાંનો કંઇક ભાગ નીચે આપવામાં આવે છે:―

“કલાકાર અજાણ્યા પ્રેક્ષકની આગળ કુદરતનું સૌંદર્યે ઉઘાડું કરે છે. જેમ મનુષ્યનો ચ્હેરો તેના હૃદયની ભિન્ન ભિન્ન લાગણીઓ અને ભાવોને પ્રગટ કરે છે તેમજ કુદરતનો એ દેખાવ પણ કલાકારની વૃત્તિમાં જુદા જુદા વિચારો અને ભાવોને ઉત્પન્ન કરે છે. પોતાના પ્રિય પૂજક કલાકારની આગળ કુદરત પોતાની શોભાના અનંત ભંડાર ખુલ્લા મૂકે છે. શરમાતી કુદરતના મુખ ઉપરથી વહી જતાં વિવિધ સૌંદર્યોમાંનાં કેટલાંકને કલાકાર ગ્રહી લે છે અને તેમને નિત્ય સ્વરૂપ આપે છે.”

ઉપલા નમુનામાં (સ્વામીજીએ જે નમુના ઉપર આ અભિપ્રાય આપ્યો હતો તે નમુનામાં) પુરૂષની પૂજ્યભાવવાળી દૃષ્ટિ, તેના શરીરનો મરોડ અને મસ્તકની સ્થિતિ તેમજ તેના દરેક અવયવનું વલણ, આ સર્વ કલાકાર અને કુદરત એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જે મનુષ્ય એ પ્રમાણે બાહ્ય અને આંતર્ જગતના સંબંધોને શોધી કહાડે છે તેજ એ સંબંધોને સ્થૂલરૂપે દર્શાવી શકે છે. આંતરસૃષ્ટિમાંથી બાહ્ય સૃષ્ટિમાં સૌંદર્ય તો નિરંતર વહ્યા જ કરે છે. કવિ, ચિત્રકાર અને શિલ્પી એ સૌંદર્યમાંથી પોતાની ભાવનાઓને ગ્રહે છે અને માનવજાતિના લાભ માટે તેમને સ્થૂલ સ્વરૂપમાં પ્રગટ કરે છે. કલાકારનું એજ સર્વોત્તમ અને સર્વોત્કૃષ્ટ કર્તવ્ય છે.”

સ્વામીજી હિંદમાં અને પાશ્ચાત્ય પ્રદેશોમાં ફર્યા હતા અને દરેક પ્રજાની કળાઓને તેમણે સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળી હતી. તેમાં નૈસર્ગિક શક્તિનો અભાવજ તેમના જોવામાં આવતો. આધુનિક કળાઓમાં કૃત્રિમતા કે અનુકરણજ મોટે ભાગે થતાં જોઇને સ્વામીજીને ખેદ થતો. ભારતવર્ષની કલાઓનો સ્વામીજી બચાવ કરતા. પાશ્ચાત્યો એમ ધારે છે કે હિંદની કલાઓમાં ગ્રીક કલાની અસર છે. પણ સ્વામીજીએ એ વાતને તદ્દન ખોટી પાડેલી છે. હિંદનાં ભવ્ય મકાનો, પ્રાચીન દેવાલયો અને સાદાં ઝુંપડાંઓમાં પણ સ્વામીજી કલાનું દર્શન કરતા. ખાસ કરીને રજપૂતાનાની ધર્મશાળાઓ, દેવાલયો અને ગામડાનાં ઝુંપડાંઓમાં કોઈ કોઈ ભાવનાઓ મૂર્તિમંત થયેલી તે જોતા. હિંદની શિલ્પકલાને તે ઈટાલીની શિલ્પકલા જોડે સરખાવતા. કલામાં તે બ્રહ્મને જોતા. તે કહેતા કે “ખરેખર કલા બ્રહ્મ છે.” આ પ્રમાણે સ્વામીજીનું સંગીત, તેમની કલા ઉપરની ટીકાઓ, તેમની કવિતા અને તત્વજ્ઞાન, સર્વે આધ્યાત્મિક અનુભવોથી ભરપુર હતાં.

સ્વામીજી અનેક વાદ્યોને વગાડી શક્તા. તેમનું વધારે પ્રિય વાદ્ય વીણા હતું. તે મુખેથી ગાતા, એક હાથે નરઘા ઉપર તાલ આપતા અને બીજે હાથે કોઈ વાદ્યને વગાડતા. આ પ્રમાણે ત્રણે કામ તે સાથે કરી શકતા. પૂર્વ અને પશ્ચિમ બંનેનાં સંગીત શાસ્ત્રોનો તેમણે અભ્યાસ કર્યો હતો અને બંનેના ગુણદોષ, સામ્યતા કે ભેદ તે દર્શાવી શકતા. સંગીતની બાબતમાં તેમનો અભિપ્રાય પ્રમાણભૂત લેખાતો. નૃત્યકળાને તેઓ જાણતા, પણ તેનો ઉપયોગ તેમણે કરેલો જણાયો નથી.

આપણા પંડિતો આધુનિક પ્રજા ઉપર કોઈપણ જાતની અસર ઉપજાવી શકતા નથી તેનું કારણ એજ છે કે તેમને અંગ્રેજી સાહિત્યનું અને વિજ્ઞાનનું જ્ઞાન હોતું નથી. સ્વામી વિવેકાનંદ આર્યતત્વજ્ઞાન અને ધર્મ શાસ્ત્રોના જ્ઞાન ઉપરાંત ઉપલી બંને બાબતોમાં પણ સંપૂર્ણ હતા; તેથી કરીને તેમનો બોધ સચોટ બની રહેતો. વળી સ્વામીજી ઘણી ભાષાઓ જાણતા અને બોલી શકતા. ફ્રેંચ અને જર્મન ભાષા પણ તે જાણતા અને પારિસમાં સર્વધર્મપરિષદ્ વખતે તેમણે ફ્રેંચ ભાષામાં જ વ્યાખ્યાન આપ્યું હતું. તે દર્શાવે છે કે ફ્રેંચ ભાષા ઉપર પણ તેમણે કેટલો બધો કાબુ મેળવ્યો હતો. આમ અનેક ભાષાઓને જાણનાર, અનેક પ્રજાઓનાં ધર્મશાસ્ત્રો, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાનમાં પારંગત થઈ રહેનાર સ્વામી વિવેકાનંદ જેવા વિશાળ જ્ઞાની અને વિશાળ હૃદયવાળા મહાપુરૂષ સર્વત્ર વિજયી નિવડે એમાં નવાઈજ શી ? પેાતાના દૃષ્ટાંતથી એમણે પંડિતોને બોધ આપ્યો છે કે બહાર નીકળો; કૂવામાંના દેડકાની માફક બાપદાદાના કુવામાં બુડીજ ન રહો. આપણી સંસ્કૃતિ સર્વોત્તમ છે એવા વિચાર માત્રથીજ સંતોષ માની બેસી ન રહો, કારણ કે એવા વિચારથી બેસી રહેનારી પ્રજાનાં જ્ઞાન અને હૃદય સંકુચિત બની જાય છે અને આખરે એ પ્રજા જડતાનેજ પ્રાપ્ત કરી રહે છે.

સ્વામીજીનો સ્વભાવ ટોળી અને વિનોદી હતો. સ્વજનોની સાથે તે ટોળ અને વિનોદ વારંવાર કરતા. પાશ્ચાત્યો એમના એ ગમતી સ્વભાવને જોઈને આશ્ચર્ય પામતા. તત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને બહુજ ગંભીરાઇથી પ્રતિપાદન કરી સભાઓમાં અને ખાનગી બેઠકોમાં અસંખ્ય મનુષ્યોનાં ચિત્તને હરનાર સ્વામીજી જેવા મહાપુરૂષ ટોળ ભરેલું બોલતા, ખડખડ હસતા અને કોઇની ટોળ કરતા જોઈને ઘણા લોકો વિસ્મય પામતા. તેમને એમજ થતું કે એકજ વ્યક્તિમાં ટોળ અને જ્ઞાનનું ગાંભીર્ય બંને શી રીતે હોઈ શકે ? સ્વામીજીનો ટોળ સદાએ નિર્દોષ હતો. ગમ્મતની ખાતરજ તે ગમ્મત કરતા. સચ્ચિદાનંદ -બ્રહ્માનંદમાં રમમાણ થઇ રહેનાર સ્વામીજીને મન સર્વત્ર આનંદજ વ્યાપેલો લાગતો અને એ આનંદનો સ્થૂલ આવિર્ભાવ ક્વચિત ક્વચિત ટોળમાં પણ થઈ જતો. પશ્ચિમમાં એક સ્ત્રીએ તેમને પૂછ્યું હતું કે “હિંદુ સ્ત્રીઓ બાળકોને ગંગામાં ફેંકી દે છે, એ વાત ખરી કે ?” સ્વામીજીએ હસતે મુખે તેને જવાબ આપ્યો હતો કે “હા, ખરી વાત. મને પણ ગંગામાં ફેંકી દેવામાં આવ્યો હતો, પણ હું તો એવો જબરો કે તરીને બહાર નીકળી આવ્યો અને જુઓ આ તમારી આગળ ઉભો છું !” એમ કહીને તે ખડખડ હસી પડ્યા હતા.

ભાષણકર્તા તરિકે પણ સ્વામીજી અસાધારણ યોગ્યતા દર્શાવતા. બીજા ભાષણકર્તાઓ કરે છે તેમ તે કોઈપણ દિવસ વિષયની નોંધ પહેલેથી કરી રાખતા નહિ. તેમને અરજ કરવામાં આવે કે તરતજ તે કોઈપણ વિષય ઉપર ભાષણ આપતા અને તેમાં કોઈ વખત પણ પુનરૂક્તિનો દોષ આવતો નહિ. હમેશાં તે કંઇને કંઇ નવુંજ કહેતા. ભાષણ થઈ રહ્યા પછી સવાલો પૂછવાની તે છુટ આપતા. એકવાર સભામાં તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, તેથી એક મનુષ્ય કંટાળો આણીને સૌને તેમ નહિ કરવાને કહ્યું, પણ સ્વામીજીએ પોતાના ગમતી સ્વભાવથી હસતે મુખે જવાબ આપ્યો કે “તમારે જેટલા પૂછવા હોય તેટલા પ્રશ્નો પૂછો; જેમ વધારે પૂછશો તેમ વધારે સારું. હું તેને માટેજ અહીં ઉભો છું, તમે બરાબર સમજશો નહિ ત્યાં સુધી હું પણ તમને જવા દઈશ નહિ.” એ સાંભળીને સભામાં ઘણી જ હસાહસ થઈ રહી. જે વિષય લે તે શ્રોતાઓને બરાબર સમજાય એ એમનું કાર્ય હતું. એ કાર્યમાં એમના જેટલો વિજય કોઇએ ભાગ્યેજ પ્રાપ્ત કર્યો હશે. વેદાન્ત જેવા ગહન વિષયને સાધારણ બુદ્ધિમાં પણ ઉતરે એવો કરી મૂકવો એ અશક્ય કાર્યને તે શક્ય કરી રહ્યા હતા. સ્વામીજી કહેતા કે “ભારતવર્ષમાં સૌ મને કહે છે કે મારે અદ્વૈત વેદાન્ત બધા લોકોને સમજાવવું નહિ, કેમકે સર્વથી તે સમજી શકાતું નથી. હું કહું છું કે નાના બાળકને પણ હું તે સમજાવી શકું તેમ છું. ઉંચાં આધ્યાત્મિક સત્યો તો મનુષ્યને જેમ વહેલાં શિખવવામાં આવે તેમજ વધારે સારું છે.”

એકવાર એક સભામાં કાર્ય પૂરું થયા પછી તેમણે ઉભા થઈને કહ્યું હતું કે:—

“આવતી કાલે હું “મન અને તેની શક્તિઓ” ઉપર ભાષણ આપીશ. વળી હું કેટલાક બૉમ્બના ગોળા પણ ફેંકીશ.” એમ કહેતે કહેત તે હસતે ચ્હેરે સઘળા શ્રોતાઓ તરફ જોવા લાગ્યા. પછી પોતાનો હાથ ઉંચો કરીને તેમણે કહ્યું કે “આવજો, તેથી તમને ફાયદો થશે.” બીજે દિવસે ભાષણમાં ઉભા રહેવાની પણ જગ્યા રહી નહિ. મનોબળ પ્રાપ્ત કરવાને માટે બ્રહ્મચર્યની ખાસ જરૂર દર્શાવ્યા પછી એ બાબતમાં અમેરિકનો તરફ અનેક બૉમ્બ તે ફેંકવા લાગ્યા. તેમણે કહ્યું કે “એક યુવાન હિંદુ અહીઆં-અમેરિકામાં મને મળવાને આવ્યો હતો. બેએક વર્ષથી તે અહીં રહે છે. તેનું શરીર ઠીક નહિ રહેતું હોવાથી અમેરિકાના દાક્તરોએ તેને સલાહ આપી છે કે તેણે બ્રહ્મચર્યનો ભંગ કરવો; કારણકે તેઓ એમ સમજે છે કે બ્રહ્મચર્ય પાળવાથી શરીરને નુકશાન થાય છે. મેં તો તેને હિંદમાં પાછા જવાની અને સૈકાઓથી બ્રહ્મચર્ય પાળી રહેલા તેના બાપદાદાનાં વચનોને શ્રવણ કરવાનીજ સલાહ આપી.” એટલું કહીને સ્વામીજી બહુજ કંટાળા ભરેલે ચ્હેરે કહેવા લાગ્યા કે, “આ દેશના દાક્તરો, તમે એમ ધારો છો કે બ્રહ્મચર્યનું પાલન કુદરતની વિરૂદ્ધ છે, પણ તમે શું કહો છો તે તમે પોતેજ સમજતા નથી. તમે પવિત્રતાનો અર્થ જ સમજતા નથી. તમે પશુઓ છો, પશુઓ !” અહી' સ્વામીજી સઘળા શ્રોતાઓ તરફ પૂર્ણ ગંભીરાઈથી જોઇને તેમની વિરુદ્ધમાં જેને કહેવું હોય તે કહે એમ જણાવવા લાગ્યા. સભામાં ઘણા દાક્તર બેઠેલા હતા, પણ કોઈ જવાબ આપવાને ઉભો થયો નહિ.

ખ્રિસ્તીઓ માને છે કે મનુષ્ય જન્મથીજ પાપી છે. તેની વિરૂદ્ધમાં સ્વામીજી ભર સભા વચ્ચે કહેતા કે “તમારામાં પાપ હોય તો તેને કહાડી નાખો અને તમારા ખરા નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપને જાણો. જે માણસ તમને કહે છે કે તમે પાપી છો, તે હડહડતો જુઠો છે. આ જગત્ પ્રભુની લીલા છે. એ રમતમાં પ્રભુના સાથી થાઓ એટલે આપોઆપજ તમારાથી બધું સમજાશે.

સ્વામીજી અનેકને અનેકરૂપે ભાસતા. મહાદેવ વિષે કહેવાયલી કથાને આપણે જાણીએ જ છીએ કે તેમને રસ્તામાં જતા જોઇને કેટલાક કહેતા કે એ તો ગાંડો માણસ છે. કેટલાક કહેતા કે તે ભૂત છે અને કેટલાક કહેતા કે એ તો સાક્ષાત ઈશ્વર છે. એજ પ્રમાણે સ્વામીજી પણ અનેક પરસ્પર વિરોધી જણાતા આદર્શનું કેન્દ્રસ્થાન હતા. સ્વામીજી હિંદના દરેક પંથની અને વર્ગની દંતકથાઓ ઘણાજ ભાવથી કહેતા. તે કહેતા કે “એ વાતને કહેવી મને બહુ ગમે છે, કેમકે તેઓ ભારતવર્ષનું જીવન છે. મેં તે વાતો ન્હાનપણથી સાંભળેલી છે અને તે કહેવામાં મને કદીએ કંટાળો આવતો નથી.” એ વાતો કહેતાં કહેતાં સ્વામીજી ઘણાંજ ઉલ્લાસમાં આવી જતા અને એમના સુખ ઉપર અનેક ભાવ પ્રદર્શિત થઈ રહેતા. આ સઘળું જોઈને શ્રોતાને ક્ષણમાં એમ થતું કે સ્વામીજી પંજાબમાં જન્મેલા છે, તો બીજી ક્ષણે એમ થતું કે તે હિમાલય પર્વતમાં જન્મેલા હશે અને ત્રીજી ક્ષણે એમ થતું કે રજપૂતાનામાં જન્મેલા હશે. એ સંબંધમાં નિવેદિતા લખે છે કે, “એ વખતે તેમના મુખમાંથી મીરાંબાઈ, નાનક અને તાનસેનનાં ગાયનો વારાફરતી નીકળતાં. પૃથ્વીરાજ અને દિલ્હીની વાતો, ચિતોડ અને પ્રતાપસિંહ, શિવ અને ઉમા, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ અને યશોધરા તથા બુધ્ધની કથાઓ સામે અથડાતી. જ્યારે સ્વામીજી આવી વાતો કહેતા ત્યારે દરેક બનાવ અદ્‌ભુત રીતે તદાકાર ખડો થઈ રહેતો. સ્વામીજીનું આખું હૃદય અને આત્મા ભારતવર્ષનાં મહા કાવ્યો હતાં. ભારતવર્ષનું નામ સાંભળતાં જ તેમનો આત્મા અને હૃદય અત્યંત પ્રેમથી ઉછળી રહેતાં.”

બુદ્ધના વાવટા નીચે જેમ સર્વને ચાલવાની છુટ હતી અને ન્યાત, જાત, વર્ણ કે ધર્મના ભેદ હતા નહિ તેજ પ્રમાણે વિવેકાનંદના શિષ્યો પણ જુદી જુદી જાતો, ન્યાતો, પંથો અને પ્રજામાંથીજ થયા હતા. ભગવાન બુદ્ધની માફક વિવેકાનંદે પણ લોકસેવામાં જ જીવન ગાળ્યું હતું. બંને મહા ત્યાગીઓ હતા. બંનેનો બોધ વિશાળ અને સર્વ સામાન્ય હતો. બંનેએ ધર્મનાં સામાન્ય લક્ષણોને પ્રતિપાદન કરેલાં છે. "સિધ્ધાંતો માટે મારામારી કરશો નહિ; પંથો, દેવળો, કે ધર્મસંસ્થાઓ માટે લડશો નહિ; સઘળું જીવન એકજ છે; કોઇની નિંદા કરશો નહિ; તમારા જીવનથી દર્શાવો કે ધર્મ કાંઈ નામમાં, શબ્દોમાં કે પંથોમાં સમાઈ રહેલો નથી, પણ તેના ખરેખરા આત્માનુભવમાંજ રહેલો છે. જેમને લાગણી થાય છે તેઓજ બીજાનું ભલું કરી શકે છે. જેમણે આત્માનુભવ મેળવ્યો છે તેજ બીજાને આત્માનુભવ કરાવી શકે છે. તેઓજ જગતના મહા ગુરૂઓ બની શકે છે; કેમકે ફક્ત તેજ દિવ્ય શક્તિઓ છે.”

અગત્યનો સવાલ એ છે કે સ્વામી વિવેકાનંદે આવું અસામાન્ય ચારિત્ર્ય શી રીતે સંપાદન કર્યું હતું. તેમના ગુરૂનું શિક્ષણ, ચારિત્ર્ય અને સ્વામીજી માટે તેમનો ઉંચો અભિપ્રાય, સ્વામીજીની પોતાની સાધનાઓ અને આત્માનુભવો; પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અને સંસ્કૃત વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન; શાસ્ત્રીય સિદ્ધાંતોના દૃષ્ટાંતરૂપે અને નવજીવનના ઉત્તેજક તરિકે તેમની સમક્ષ ગળાતું શ્રીરામકૃષ્ણ પરમહંસનું અતિ પવિત્ર જીવન; ભારતવર્ષમાં સ્વામીજીનું પર્યટણ અને હિંદની પ્રાચીન ભાવનાઓ તથા ઉજ્વલ્ કીર્તિની સાથે તેની આધુનિક ભાવનાઓ અને સ્થિતિની તુલના; ભારતવર્ષના લોકોનું જીવન, વિચાર, આકાંક્ષાઓ, શક્તિઓ, ધર્મો અને રીતરિવાજોનું બારીક અવલોકન; રાજાઓ, મહારાજાઓ, સાધુઓ, સંતો, ગરિબો, રાજકુંવરો, પંડિતો અને અભણ ગામડીયાઓ સાથે ભળી હિંદના સમગ્ર જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ અને શ્રી રામકૃષ્ણમાં હિંદના એ સમગ્ર જીવનનું લઘુસૃષ્ટિરૂપે દર્શન, એ સર્વેએ-ટુંકામાં કહીએ તો શાસ્ત્ર, ગુરૂ અને માતૃભૂમિના બારીક અભ્યાસે અને તેમના પ્રબળ આત્મસંયમે સ્વામી વિવેકાનંદના ચારિત્ર્યને એવું અડગ અને ભવ્ય બનાવ્યું હતું. પૂર્વની કોઈ અસામાન્ય ભાવનાઓ તથા પુણ્યકર્મોએ તેમને સુદૃઢ શરીર, આદર્શ માતા અને પવિત્ર પિતાને ત્યાં જન્મ આપીને તેમજ શ્રી રામકૃષ્ણ જેવાના સમાગમમાં લાવીને તેમનો માર્ગ સુગમ કરી આપ્યો હતો.

સ્વામીજીએ જગતને વેદાન્તનો જે ઉપદેશ કરેલો છે તેની પાછળ તેમનો આત્માનુભવ યાને પરમાત્મ સાક્ષાત્કાર રહેલો હતો; તેથીજ તે બોધ અસામાન્ય જુસ્સાથી અને ખાત્રીથી બહાર આવતો હતો. એકવાર મદ્રાસમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે "દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત વચ્ચે તો એટલો મોટો મતભેદ છે કે શંકર, રામાનુજ અને મધ્વ જેવા આચાર્યોએ એકના એકજ શબ્દોના અર્થ મરડી મચડીને જુદો જુદો કરેલો છે, તેથી તમે એ ત્રણે વાદની એકવાક્યતા શી રીતે કરશો ?”

સ્વામીજીના મુખમાંથી આનો ચોકસ જવાબ તરતજ બહાર આવ્યો કે “તે કામ મારેજ માટે રહેવા દેવામાં આવેલું” છે; કારણકે જગતને એમની એક વાક્યતા બતાવવાને માટેજ મારો જન્મ છે.” એ સાંભળીને શ્રોતાઓ તો સ્તબ્ધજ બની ગયા. પછીથી સ્વામીજીએ એ ત્રણે વાદની એક વાક્યતા કરી બતાવી હતી. એકવાર રામનદના રાજાના દરબારમાં પંડિતો સાથે સ્વામીજી શાસ્ત્રચર્ચા કરી રહ્યા હતા ત્યારે પંડિતોએ પરમાત્માના સાક્ષાત્કારની અશક્યતા દર્શાવી હતી, ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે “નિર્વિકલ્પ સમાધિમાં મેં પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે. હું વેદોનો સાક્ષી છું.”

જ્યારે અમેરિકાના મિશનરીઓ સ્વામીજીની વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહ્યા હતા અને તેમના કાર્યને ભાંગી પાડવાને મથી રહ્યા હતા ત્યારે તે બાબતની ખબર એક શિષ્યે તેમને હિંદમાં આપી હતી. તેના જવાબમાં સ્વામીજીએ લખ્યું હતું કેઃ—

“મનુષ્યો શું કરી શકે તેમ છે ? પ્રભુ મારી સાથે છે. હું અમેરિકામાં અને ઇંગ્લાંડમાં હતો ત્યાં પણ પ્રભુ મારી સાથે હતા અને હિંદમાં જ્યારે હું અજ્ઞાનપણે અહીં તહીં ભટકતો હતો ત્યારે પણ પ્રભુ મારી સાથે હતા. તે પાદરીઓ શી વાતો કરે છે તેની મને શી દરકાર છે ? “જે પરમાત્મા ઉચ્ચ અને નીચ સર્વમાં રહેલો છે, જે સંત અને પાપીમાં પણ રહેલો છે, જે દેવમાં અને કીડામાં પણ છે; તેજ દૃશ્ય, અદ્રશ્ય, સત્ય, વિભુ, પરમાત્માને ભજો અને સર્વે બંધનોને તોડી નાંખો.”

“મારા વ્હાલા ! હું જે કહું છું તેથી બ્હીશ નહિ, કારણ કે મારામાં રહેલી શક્તિ વિવેકાનંદની શક્તિ નથી, પણ તે સાક્ષાત પ્રભુની છે અને તે સઘળું જ જાણે છે. આ પ્રમાણે બસ સામર્થ્ય, સામર્થ્ય અને સામર્થ્ય, એ જ એમનું જીવન અનુભવી રહ્યું હતું. તેમના પત્રો અને લેખો જણાવે છે કે તેમનું હૃદય કેવું વિશાળ હતું; જુદા જુદા વિષયો ઉપર તે કેવું નવું અજવાળું પાડી શક્તા; કેવી ઉત્તમ વિચારશક્તિએ તેમનામાં વાસ કરેલો હતો; કેવો અનુપમ પ્રેમ તે માનવજાતિ પ્રત્યે ધરાવતા હતા અને તેમનો દિવ્ય આત્મા કેવા સ્વર્ગીય પ્રદેશમાં વિચરી રહ્યો હતો. તેમનાં ભાષણો જગજાહેર છે. તે કોઇ અપૂર્વ વિચારકનો ખ્યાલ આપણને આપે છે. તે નવીન સૃષ્ટિમાંજ વાંચકને વિચરાવે છે. આજે તેઓ અખિલ વિશ્વનું ઉત્તમોત્તમ સાહિત્ય બની રહેલાં છે. અનેક દુઃખીઓને તે દિલાસો આપે છે; અનેક સામાન્ય જીવનોને તે ઉન્નત પંથે વાળી રહ્યાં છે; અનેક સંસારી જીવોને તે પૃથ્વી ઉપરજ સ્વર્ગનું ભાન કરાવીને તેમનામાં પરસ્પર સલાહ, શાંતિ, ભ્રાતૃભાવ અને પ્રેમનો પ્રચાર કરી રહ્યાં છે.

ખરેખર સ્વામીજીની બુદ્ધિ, ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું યથાવત્ વર્ણન કરવું અશક્ય છે. તેમનાં માતુશ્રી ભુવનેશ્વરી દેવી બચપણમાંથીજ તેમને જોઇને કહેતાં કે “મારો પુત્ર કોણ હશે ?” આપણે પણ કહીશું “તે કોણ હશે?” ઘણાએ આશ્ચર્યથી પૂછેલું છે. “તે કાણ હશે?” એવા પુરૂષો જગતમાં વારેઘડીએ જન્મતા નથી. ભગવાન રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું તેમ આપણે પણ કહીશું કે એ સમયે એમના જેવો અસામાન્ય બીજો મનુષ્ય પૃથ્વી ઉપર હતો નહિ. સાન ફ્રાન્સીસ્કોની વેદાન્ત સોસાયટીના પ્રમુખ એમ. એચ. લોગન. એમ, ડી, એ, એમ, પી, એચ, જી, એ લખ્યું છે કે:—

“સ્વામીજીના મૃત્યુ પછી લાંબા સમય સુધી અમને દિલગીરી રહી છે. અમને એમજ લાગ્યા કર્યું છે કે જાણે સઘળા દેવતાઓ અમને છોડી ગયા છે. સ્વામીજીની દિવ્ય હાજરી સર્વત્ર શાંતિ અને સુખ પ્રસારતી હતી. તેમના જાદુ જેવા આકર્ષક શબ્દોથી મારા હૃદયમાંથી સર્વ સંશયોનું યુદ્ધ નાશ પામ્યું છે. તેમની આકૃતિ અને સ્વભાવજ દયા અને સહાનુભૂતિ પ્રસારનારાં હતાં. જેઓ તેમને જોતા તેઓ તેમને ચ્હાતાજ. અમારા જેવા કેટલાક જે એમને મળવાને ભાગ્યશાળી થયા હતા તેઓ કોઈ દિવસ અનુભવશેજ કે તેમણે પ્રભુના ખરેખરા અવતારનાંજ દર્શન કરેલાં છે.” જે મારે મન તો એ “ક્રાઇસ્ટજ” હતા. તેમનો દિવ્ય અને અદ્‌ભૂત આત્મા મારા હૃદયમાં બીજી સઘળી વસ્તુઓ કરતાં અધિક પ્રકાશે છે. તેમનો મહાન અને ઉદાર આત્મા તેજસ્વી સૂર્ય, કે અવકાશમાં વિચરી રહેલા વાયુ જેવો સ્વતંત્ર હતો.”

“કોઈપણ અધમમાં અધમ પ્રાણી, મનુષ્ય કે પશુ એવું નહિ હોય કે જેને સ્વામીજી ગમ્યા નહિ હોય. તે ગરિબ અને અધમને બોધ કરતા એટલુંજ નહિ પણ રાજકુંવરી, રાજાઓ અને મોટા પૃથ્વીપતિઓને પણ કરતા. મોટા મોટા પંડિતો, પ્રોફેસરો, અર્થ શાસ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનશાસ્ત્રીઓ, મહા વિચારકો, નેતાઓ, ધર્મગુરૂઓ, બુદ્ધિશાળી પુરૂષો, તત્વજ્ઞાનીઓ અને કવિઓ સર્વેને માટે તેમણે બોધ આપેલો છે અને સર્વે ઉપર અસર ઉપજાવી છે. વિવેકાનંદે અખિલ વિચાર સૃષ્ટિને તેના ઉંચામાં ઉંચા વાતાવરણમાં હલાવી મૂકી છે.”

“મોટા મોટા ધર્મગુરૂઓ તેમની આગળ પૂજ્યભાવથી નમન કરતા. અનેક પામર અને સામાન્ય મનુષ્યો તેમનાં વસ્ત્રોના છેડાને પૂજ્યભાવથી ચુંબન કરવાને તેમની પાછળ પાછળ જતા. પોતાના જીવનકાળમાં સ્વામી વિવેકાનંદ જેટલો બીજો કોઈ પણ મનુષ્ય પુજાયો નહિ હોય. જે થોડાં અઠવાડીયાં હું તેમની સાથે રહેલો છું અને તે દરમીયાન તેમને મેં જેટલા ઓળખ્યા છે તેટલા તેમને બીજું કોઈ ભાગ્યેજ ઓળખતું હશે.”

“ઘણાએ મને પ્રશ્ન કરેલો છે કે “આવો મહાન અને સારો મહાત્મા કેમ આ જગતમાંથી ચાલી જાય?” મેં તેમને કહ્યું છે કે “તે કેમ જાય નહિ?” તેનું કાર્ય પુરૂં થયું હતું. એમની અગાધ શક્તિ સાથે સરખાવવાને માટે એક તો શું પણ વીસ, રે, સો પણ સાધારણ માનવ શરીરો બસ નથી. આવી વિલક્ષણ બુદ્ધિ અને આધ્યાત્મિકતાથી સખતમાં સખત પથ્થરનાં હૈયાં પણ પીગળૌજ જાય.”

વળી ખરું જોતાં તો “વિવેકાનંદ જગતમાંથી ગયાજ નથી; તે સદાએ આપણી સાથેજ છે. તે મને સુખ અને દિલાસો આપી રહેલા છે. અખિલ વિશ્વના તે મોટા ભાઈ છે. ”

બુદ્ધ ધર્મના ઉદયકાળમાં બૌદ્ધ સાધુઓએ નીતિ, દયા, પવિત્રતા અને શાંતિનો ઉપદેશ કર્યો અને પરિણામ એ આવ્યું કે હજારો મનુષ્યો બુદ્ધ ધર્મના અનુયાયીઓ થઈ રહ્યા, પણ સમય જતાં બૌદ્ધ ધર્મના ઉપદેશકો ચારિત્ર્યહિન થતા ચાલવાથી તે ધર્મ અધોગતિને પામતો ગયો અને તેથી કરીને ધર્મનો પુનરોદ્ધાર કરનાર મનુષ્યની ભારતવર્ષને ખોટ પડી. આખરે મહા બુદ્ધિશાળી પૂજ્યપાદ ભગવાન શંકરાચાર્યનો જન્મ થયો અને તેમણે વેદાન્તની દૃષ્ટિએ વેદનો અર્થ સમજાવીને હિંદુ ધર્મને સ્થિર પાયા ઉપર લાવી મૂક્યો. ઉપનિષદોમાં વર્ણવેલા અદ્વૈતવાદનું યથાવત્ નિરૂપણ કરીને તેમજ બૈદ્ધ ધર્મની ખામીઓ દર્શાવીને અનેક પંથના નેતાઓને તેમણે મ્હાત કર્યા અને ભારતવર્ષમાં અદ્વૈતવાદનો ભગવો ઝંડો ફરકાવ્યો તેમના પછી રામાનુજ, મધ્વ, ચૈતન્ય, કબીર, નાનક સર્વે પ્રભુપ્રેરિત આચાર્યો સમયે સમયે ઉત્પન્ન થયા અને તેમણે પ્રભુમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિના ઉંચાં સિદ્ધાંતો લોકોના મનમાં ઠસાવ્યા. શ્રીમદ્ શંકરાચાર્ય પછી, હિંદ, ઇંગ્લાંડ અને અમેરિકામાં અદ્વૈતવાદનો ભગવો ઝંડો ફરકાવવાનું અને સર્વેના સંશયો તોડી જીવનના મહા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું માન તો વિવેકાનંદનેજ ઘટે છે. શ્રી શંકરાચાર્યે બૌદ્ધ ધુર્મ ઉપર વિજય મેળવ્યો અને સ્વામી વિવેકાનંદે જડવાદ ઉપર જય મેળવ્યો.

કોઈપણ સાધુની મહત્તા ક્યારે અંકાય છે ? જ્યારે તેના  પ્રયાસમાં તેને જય મળે છે અને તે વિષયી તથા અશ્રદ્ધાળુ મનુષ્યોને પણ સદ્‌ગુણી અને પ્રભુપરાયણ બનાવી મૂકે છે ત્યારેજ ખરેખરૂં કહીએ તો કોઈ પણ સાધુ લોકપ્રિય ત્યારેજ થાય છે કે જ્યારે તેનું જીવન અને હાજરી આસપાસના મનુષ્યોના સ્વભાવ અને ચારિત્ર્ય ઉપર અસામાન્ય અસર ઉપજાવે છે. જે માણસે શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર વાંચેલું છે, તેને પૂછવામાં આવે કે તેમના જીવનનો કયો પ્રસંગ શ્રેષ્ઠ કહી શકાય ? તો તે તરત જવાબ આપશે કે જે મનુષ્યોએ કોઈપણ પ્રકારના દુર્ગુણને છોડ્યો નથી એવા અધાર્મિક અને વિષયી મનુષ્યોને શ્રદ્ધાળુ અને પ્રભુપરાયણ બનાવી મૂક્યા તે પ્રસંગ. શ્રીરામકૃષ્ણ, ચૈતન્ય અને બીજા સાધુઓએ પોતાના દિવ્ય પ્રેમ, મૃદુ શબ્દો અને હેતાળ સ્વભાવથી અનેક લંપટ પુરૂષોને ઠેકાણે આણ્યા છે એ વાત સૌને વિદિત છે. સ્વામી વિવેકાનંદે આ કરતાં પણ વધારે મહત્વનું કાર્ય બજાવ્યું છે.

જે માણસો ધર્મમાંથી અને પ્રભુમાંથી શ્રદ્ધાનો ત્યાગ કરીને બેઠેલા હતા; જેમણે જડવાદનો સ્વીકાર કરેલો હતો. જે પરદેશીઓ હતા; જેમની ભાષા પણ પરદેશી હતી; જેમને હિંદુધર્મને ધિક્કારવાનું ન્હાનપણથી શિખવવામાં આવેલું હતું અને જેમના મન ઉપર ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રની અસામાન્ય ખીલવણીની ઘણી ભારે અસર થઇ રહેલી હતી; તેવાં મનુષ્યોના હૃદય પટ ઉપર હિંદુધર્મની મહત્તાની ઊંડી છાપ પાડવી અને તેમાંના અનેકોને હિંદુ ધર્માવલંબી બનાવવા એ કાર્યની મહત્તા કેટલી આંકવી ? આવા અતિ મહત્વનું કાર્ય સાધવાને સ્વામી વિવેકાનંદ શક્તિવાન થયા હતા. ઇંગ્લાંડ અને અમેરિકામાં આ અતિ અસામાન્ય કાર્ય સાધીને તેમણે ભારે ફતેહ મેળવી હતી. જે ભૂમિ પૈસાથીજ મનુષ્યની કિંમત આંકી રહેલી છે; જ્યાંના મનુષ્ય ઐહિક સુખનાં સાધનો મેળવવા પાછળજ પોતાનું તમામ લક્ષ આપી રહેલા છે, જ્યાં જીવન કલહની હાડમારી અને સ્પર્ધાને લીધે ગરિબ અને માંદાઓનું સંરક્ષણ કરવું મુશ્કેલ થઈ પડેલું છે અને જ્યાં શુષ્ક વિજ્ઞાનશાસ્ત્રના પ્રચારને લીધે ઇશ્વરમાંથી શ્રદ્ધા તદ્દન ઉડી ગયેલી છે; એવી ભૂમિ અમેરિકામાં, વેદાન્તનો પ્રચાર કરવામાં સંપૂર્ણ ફતેહ મેળવવી એ કાર્ય ખરેખર ચમત્કાર જેવું જ છે.

એક પ્રખ્યાત લેખક લખે છે કે– “સ્વામી વિવેકાનંદ આ જમાનાના સર્વોત્કૃષ્ટ મનુષ્ય હતા. ઋષિમુનિઓની ચરણરજરૂપ આ પવિત્ર ભારતભૂમિમાં ધર્મનું સંરક્ષણ કરવાને માટે સમયે સમયે જે અસામાન્ય પુરૂષો ઉત્પન્ન થતા આવ્યા છે તેમાંનાજ સ્વામી વિવેકાનંદ એક હતા.”

થોડાં વર્ષ ઉપર જ “ધી ડેલી ન્યુસ” નામના પત્રના એક ખાસ ખબરપત્રી હિંદની સ્થિતિનો અભ્યાસ કરવાને અહીં આવ્યા હતા તેણે ઇંગ્લાંડમાં તે પત્ર ઉપર લખી મોકલ્યું હતું કે “પોતાનાં ભાષણોથી આટલાંટિક સમુદ્રની બંને બાજુએ પ્રખ્યાત થઈ રહેલા સ્વામી વિવેકાનંદ હિંદુ આદર્શોનો પુરેપુરો ખ્યાલ આપણને આપે છે.”

આદર્શ વેદાંતી તરિકે તેમણે બ્રહ્મચર્યનો અદ્‌ભૂત મહિમા દર્શાવી આપ્યો છે અને ધર્મના ખરા સ્વરૂપને સમજનારમાં જે અસામાન્ય સહાનુભૂતિ અને સ્વદેશપ્રીતિ હોઈ શકે તે તેમણે દર્શાવી છે. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓને ભણીને જીવનને કેવી રીતે વહેવરાવવું તેનો ઉચ્ચતમ ખ્યાલ તેમણે આપણને આપ્યો છે. સ્વામીજીનું જીવન ચિત્તશુદ્ધિનો મહિમા છે. ખરી પવિત્રતામાં રહેલા શુરાતનનો તે નમુનો છે. કેવળ નવીન વિચાર ધરાવનારને તેમજ કેવળ જુના વિચાર ધરાવનારને માટે તે ઠપકા રૂપ છે. જડ, નિ:સત્વ અને ચેતનારહિત જુના વિચારના મનુષ્યોને તે પ્રોત્સાહન છે. પાશ્ચાત્યોનું અનુકરણ કરનાર અવિચારી આધુનિકોનો તે અંકુશ છે. મોટી મોટી સભાઓમાં માત્ર દ્રવ્યબળથી, સત્તાબળથી કે વાણીના બળથી મોટી મોટી ખુરસીઓ પર ચઢી બેસી અજ્ઞાન લોકવર્ગને આંજ્યા કરનારાઓને તેમણે પોતાનાં દૃષ્ટાંતથી દર્શાવ્યું છે કે હિંદના નેતાઓ કેવા ચારિત્ર્યશીલ, કેવા સ્વાર્થ ત્યાગી, કેવા સાદા અને કેવા ધર્મપરાયણ હોવા જોઇએ. માત્ર વિચારોમાંજ કે શબ્દોમાંજ વેદાંતને રાખી મૂકનારાઓને સ્વામીજી વેદાંતી કહેતા નહિ. જેણે વેદાંતનાં સત્યને અનુભવ્યાં હોય અને કૃતિમાં મૂક્યાં હોય તેનેજ સ્વામીજી ખરા વેદાંતી ગણતા. સ્વામીજીના બોધને પ્રતાપે વેદાંત હવે વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીમાં કે માત્ર પંડિતોના વાદવિવાદમાં રહી ગયું નથી, પણ તેણે વ્યવહારિક સ્વરૂપ ધારણ કરેલું છે અને તે પરોપકારનાં-સમાજસેવાનાં અનેકવિધ કાર્યોમાં દૃશ્યમાન થતું જાય છે. સ્વામીજીના જીવને દર્શાવી આપ્યું છે કે ખરો વેદાંતી આળસુ અને સ્વપ્નાં જોયા કરનારો હોતો નથી. તે તો જનસમૂહની સેવા કરનારો, વધારે જુસ્સાવાળો છતાં વધારે સાદો, વધારે બળ અને ધૈર્યને ધારણ કરવાવાળો છતાં વધારે શાંત અને સાત્વિક, વધારે શક્તિ દર્શાવનારો છતાં વધારે ક્ષમાશીલ અને વધારે સહનશીલ, પ્રમાણિકોમાં વધારે પ્રમાણિક અને એ સઘળું છતાં જગત પાસેથી ઓછામાં ઓછાં અન્ન વસ્ત્રને મેળવનારો હોય છે. સ્વામીજીએ પાતાના દૃષ્ટાંતથી એ સર્વ જગતના મનમાં ઠસાવ્યું છે. આ રીતે તેમણે સર્વેને જ “પ્રેમ અને સામર્થ્ય”નો ઉત્તમ આદેશ આપેલો છે. પરસ્પર પ્રેમથી વર્તો અને સામર્થ્ય ધરો, એમ તેમણે સર્વદા કહેલું છે. પોતાના ભાષણોમાં અદ્વૈતવાદના આ એક મુખ્ય સિદ્ધાંતને તેમણે વારંવાર સમજાવ્યા કર્યો છે કે એકજ આત્મા સર્વેમાં વ્યાપી રહેલો છે; અને તેજ સઘળી શક્તિઓ અને પવિત્રતાનું મૂળ છે. સ્વામીજીને મન ઉપનિષદો સામર્થ્યની ખાણો હતી અને વેદો માનવજાતિ પ્રત્યેના પ્રેમનો પાઠ હતા. એના અભ્યાસથી માનવ જીવનરૂપી ફળ કેવું સુંદર, મિષ્ટ અને ઉપકારક બની રહે છે તેના સજીવ પ્રમાણરૂપ તેમનું જીવન હતું. સ્વામીજીનું મનોબળ, નિડરતા, પવિત્રતા અને પ્રમાણિકતા ઉપનિષદોના અભ્યાસનાંજ પરિણામ હતાં. તેમનું ચારિત્ર્ય ઉપનિષદનાં સત્યોથીજ ઘડાયેલું હતું. સ્વામીજીના માનવજાતિ પ્રત્યે નિ:સીમ પ્રેમ, આત્મભોગ અને કર્તવ્યપરાયણતા પ્રાચીન શાસ્ત્રોના બારીક અવલોકનનાંજ ફળ હતાં. આમ શ્રદ્ધા, ઉંચી સ્વદેશપ્રીતિ અને પોતાનો ઉદય કરવાનો દૃઢ નિશ્ચય વગેરેના જે ઉમદા પાઠ સ્વામીજીના જીવનમાંથી આપણને મળી આવે છે તે સર્વ ને માટે તેઓ આર્ય શાસ્ત્રોનાજ આભારી હતા. એ શાસ્ત્રોની મહત્તા તેમણે પોતાના જીવનથી સિદ્ધ કરી બતાવી છે અને તેમ કરીને તેમણે ભારતવર્ષના જીવનમાં મોટો ફેરફાર કરી મૂક્યો છે.

ઉપનિષદો આપણને શિખવે છે કે દરેક મનુષ્ય, પછી તે ન્હાનો હો કે મોટો, ઉચ્ચ હો કે નીચ, પરંતુ અખુટ શક્તિ, અપાર પવિત્રતા, અનુપમ આનંદ અને સદોદિત ચેતનજ તેનું અધિષ્ઠાન છે; શારીરિક અહં-મમ ભાવને મનમાંથી કહાડી નાખો એટલે તમે તે આત્માને ઓળખશો. તે આત્મા અનંત શક્તિવાળો અને પવિત્ર છે, તે નિત્ય છે; શુદ્ધ છે; બુદ્ધ છે; મુક્ત છે અને તે આત્મા તે તમે પોતેજ છો. સ્વામીજીના લેખો અને ભાષણોમાં અસંખ્ય એવા ફકરાઓ આવે છે કે જે આપણને આપણી એવી અનેકવિધ મહત્તાઓનું ભાન કરાવે છે.” સામર્થ્યવાન્ થાઓ, નિર્બળતાથી મુક્ત થાઓ અને તમારો પ્રેમ સર્વ તરફ પ્રસરાવો.” એ સ્વામીજીના શબ્દો ટુંકામાંજ એમની વેદાન્ત ઉપરની ભવ્ય ટીકાનો ખ્યાલ આપે છે. એક હિંદુ રાજકુંવરને તેમણે લખ્યું હતું કે “આપણું જીવન ટુંકું છે અને આ વિશ્વના વિષયો નાશવંત  છે, માટે તેજ ખરૂં જીવ્યો કહેવાય કે જે બીજાને માટે જીવે છે.” વેદાન્તની નીતિ દરેક હિંદુ પાસે શું કરાવવા માગે છે તે વિષે સ્વામીજીએ કહ્યું છે કે “અત્યારે આપણને વધારે આધ્યાત્મિક્તાની જરૂર નથી; અત્યારે તો આર્થિક સૃષ્ટિમાં અદ્વૈતભાવને લાવવાની જરૂર છે. ભુખ્યા માણસને માટે તો પહેલા રોટલો અને પછીજ ધર્મ. બિચારો ગરિબ મનુષ્ય ભુખમરાથી મરી રહેલો છે તેમને કે જે આપણે બસ ખાઈપીને ધર્મનોજ બોધ કર્યા કરીએ છીએ;........... હિંદમાં એ શ્રાપ વસી રહેલો છે; એક તો આપણો તિરસ્કાર અને બીજું આપણું શુષ્ક હૃદય. તમે હજારો સિદ્ધાંતોની વાત કરો; તમે લાખો પંથ ઉભા કરો, પણ જ્યાં સુધી તમારા વેદ શિખવે છે તેમ તમારામાં લાગણીવાળું હૃદય નથી; જ્યાં સુધી તમે તેમને તમારા શરીરનાં અંગોજ સમજતા નથી ત્યાં સુધી બધું નકામું છે.” ખરેખર, અત્યંત લાગણીવાળા સ્વદેશભક્ત સાધુને છાજે તેવોજ આ ધર્મબોધ કહેવાય. ઉપરના શબ્દોમાં સ્વામીજીએ સાચોજ ધર્મ સમજાવ્યો છે. આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમ અને સામર્થ્ય એજ એમના શોધનું રહસ્ય હતું

સ્વામીજી દૃઢપણે કહેતા કે “ધર્મજ પ્રજાનું સત્વ છે; તેજ તેનું સામર્થ્ય, જીવન અને પ્રેમ છે.”

વળી તેમણે કહ્યું છે કે “જંગલમાં વસી ફળાહાર કરી કોપીનને ધારણ કરી વેદાધ્યયન કરનાર પ્રાચીન રૂષિ આપણું ધાર્મિક આદર્શ છે.” પણ સર્વે મનુષ્યોને માટે એ આદર્શ નથી એમ પણ તેમણે ચોખ્ખું દર્શાવ્યું છે. એ વાતને જો આપણે ભુલી જઈએ તો આપણે સ્વામીજીને ઘણોજ અન્યાય કરીએ. સ્વામીજીએ કહ્યું છે કે “સૌંદર્ય અને ભવ્યતાના ધ્યાનમાં પોતાના શરીરને પણ ભૂલી જાય એવું વિશાળ હૃદય ક્યાં છે? એવા વિશાળ હૃદયવાળા મનુષ્યો  ભારતવર્ષમાં વસ્તીના પ્રમાણમાં ઘણાજ થોડા છે. હવે એવી અસામાન્ય ઉચ્ચતા જેમનામાં આવેલી નથી એવા કરોડો સામાન્ય મનુષ્યો કે જેમને એ ઉન્નતિએ પહોંચવા પહેલાં વચમાં કેટલાંક પગથીયાં ચઢવાનાં બાકી છે, તેવા ઘણા મોટા જનસમૂહ માટે શું ? તેમને માટે આદર્શો બતાવતાં તેમણે કહ્યું છે કે “આદર્શ પુરૂષ તો તેજ છે કે જે પુષ્કળ પ્રવૃત્તિમાં પણ અરણ્યનો એકાન્ત વાસ અને શાંતિ ભોગવી રહેલો છે.” ટુંકામાં કહીએ તો “નિષ્કામ કર્મોથી આત્માનો સાક્ષાત્કાર કરવો.” એજ આદર્શ સ્વામીજીએ સર્વ સામાન્ય ભારતવાસીઓ આગળ મૂકેલો છે અને કૃતકૃત્ય છતાં પણ એજ માર્ગે લોક સંગ્રહાર્થે જીવન ગાળીને એ આદર્શની વ્યવહારિક્તા અને ઉપયોગિતા તેમણે દર્શાવી આપી છે.

તેમણે દર્શાવી આપ્યું છે કે માનવજીવન ગાળવાના બે મુખ્ય માર્ગોમાંથી ગમે તે એકજ માર્ગને પકડી શકશો. એક તો ઈંદ્રિય સુખને માટેજ જીવવું અને બીજું ઉચ્ચ આદર્શો માટે જીવવું. પ્રથમ માર્ગમાં પ્રજાની પાયમાલી છે અને દ્વિતીય ભાગમાં શુભકર્મોનું અનુષ્ઠાન અને જીવનની નિત્યતા રહેલાં છે. પૂર્વ અને પશ્ચિમ બંનેએ કબુલ કરેલું છે કે મનુષ્હ્યોએ શ્રેષ્ઠ આદર્શને માટેજ જીવવું અને એ આદર્શને પૂર્ણ કરવામાંજ સમગ્ર જીવનને વ્યતીત કરવું. એ શ્રેષ્ઠ આદર્શ કયું ? અને જીવનને તેની પાછળજ ગાળેલું ક્યારે કહેવાય? શુભ કર્મો કયાં ગણાય ? વગેરે પ્રશ્નોના સંબંધમાં પશ્ચિમની પ્રજાઓ હજી અનિશ્ચિત જેવી છે, ત્યારે પૂર્વમાં–ખાસ કરીને ભારતવર્ષ માં એ બાબતોનો હજારો વર્ષ અગાઉ યથાવત્ નિર્ણય થઈ ચુકેલો છે. અહીં પરમાત્મ દર્શન યાને આત્મ સાક્ષાત્કારનેજ શ્રેષ્ઠ આદર્શ માનેલો છે અને નિષ્કામ કર્મ, પ્રભુ ભક્તિ, યોગ, જ્ઞાન આમાંના અનુકૂળ પડે તે તે રસ્તે ચાલીને એ આદર્શ ને સિદ્ધ કરવો એનું નામજ આદર્શ પાછળ જીવન ગાળવું છે.

એમાં પણ પ્રભુપ્રેમમયી ભક્તિ અને માનવસેવારૂપ નિષ્કામ કર્મ એજ આત્મ સાક્ષાત્કારનું ઉત્તમોત્તમ સાધન છે. આ પ્રભુપ્રેમ હમેશાં નિઃસ્વાર્થ હોવા સાથે તે કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિ ઉપર બંધાયેલો હોવો જોઈએ. સ્વામીજીએ બહુજ ભાર દઈને સમજાવ્યું છે કે આર્થિક ઉન્નતિ એ કાંઈ પ્રજાની સુધારણા યા ઉન્નતિની ખરી કસોટી નથી. ખરો સુધરેલો યાને ઉન્નત થયેલો મનુષ્ય તો તેજ છે કે જેનો આત્મા અખિલ વિશ્વ સાથે એક થઈ રહેલો છે. પવિત્રતા, પરોપકાર, વૈરાગ્ય અને આત્મત્યાગના પાલન વડે જે અખિલ વિશ્વમાં પ્રભુનેજ જોઈ રહેલો છે તે જ ખરો સુધરેલો–સાચે શ્રેષ્ઠ પુરૂષ છે.

ધર્મ અને તત્વજ્ઞાનનો બોધ કરવાની સાથે આપણા જુવાનોને તેમની ખામીઓ અને ફરજો દર્શાવવાને પણ સ્વામીજી ચુક્યા નથી. આપણા જુવાનીયાઓને તેમણે કહ્યું છે કે —“ધર્મનો અભ્યાસ કરવા પહેલાં તમારાં શરીર મજબુત બનાવો. ગીતાનો અભ્યાસ કરવા અગાઉ તમે બ્રહ્મચર્યથી, કસરતથી અને રમતો વગેરેથી તમારા શરીરને મજબુત બનાવ્યાં હશે તોજ તમે ઇશ્વર સમીપ જલદી જઈ શકશો.”

“તમારી ભુજાઓ જરા વધારે મજબુત હશે તોજ તમે તેને સારી રીતે સમજી શકશો.”

“ગીતા કાંઇ નિર્બળ મનુષ્યને શીખવવામાં આવી નહોતી, પણ તે મહાન વીર પુરૂષ-બહાદુર ક્ષત્રીઓના નેતા અર્જુનને શિખવવામાં આવી હતી.”

“તમારૂં શરીર સુદૃઢ થશે ત્યારેજ તમે ગીતામાં દર્શાવાયેલી શ્રીકૃષ્ણની અગાધ બુદ્ધિ અને શક્તિને સમજવાને લાયક થશો.”

“જ્યારે તમારા પગ ઉપર તમારું શરીર ટટાર ઉભું રહેશે અને તમે મનુષ્ય છો એવું તમને લાગશે ત્યારેજ તમે ઉપનિષદો અને આત્માની કીર્તિને સારી રીતે સમજી શકશો.”

શારિરીક અને માનસિક દુર્બળતાને લીધે આપણે ખરેખર કીડા થઈ રહેલા છીએ અને જે કોઈ આપણને ચગદી નાખવા માગે છે તેના પગ આગળ આપણે જાણે પેટેજ ચાલ્યા કરીએ છીએ. તેથી કરીને મારા મિત્રો ! હું કે જે તમારામાંનો એક છું, તમારી સાથેજ જીવું છું અને મરીશ, તેને કહેવા દો કે —

આપણને બળની જરૂર છે; સદાએ બળની જરૂર છે.

વળી બીજે પ્રસંગે સ્વામીજીએ ભારતવાસીઓને કહ્યું હતું કે:— “સઘળું ફેકી દો; તમારા મોક્ષને પણ ફેંકી દો; જાઓ અને બીજાને મદદ કરો. તમે હમેશાં મોટી મોટી વાતો કરી છે, પણ અહીં આ વ્યાવહારીક વેદાન્ત તમારી સમક્ષ રહેલું છે તે શું કહે છે ? જો આખી પ્રજાને જીવન આપી શકાતું હોય તો હું, તમે કે આપણા જેવા હજારો મનુષ્યો ભુખે મરે અને કદાચ તેમને ખાતર પોતાનાં જીવન આપે તોપણુ શું? જરા જુઓ તો ખરા કે આપણે જે પ્રજાને એમ કહીએ છીએ કે આપણે બધા એકજ પરમાત્માનાં સ્વરૂપ છીએ, તે પ્રજા દિવસે દિવસે કેવી અધોગતિએ પહોંચતી જાય છે ? કારણ તેનું એજ છે કે બોલવા પ્રમાણે આપણું વર્તન જરાએ નથી. માટે ઉઠો, જાગ્રત થાઓ અને ખરેખરા સહૃદય બનો. તમારા મહાન પૂર્વજોના આદેશનું પાલન કરો અને તેમ કરીને તમે પણ મહાન બનો. વળી આપણી અપ્રમાણિક્તાની તો અવધિજ છે. અત્યારે જેની આપણને ઘણામાં ઘણી જરૂર છે તે ચારિત્ર્ય છે. જે ધૈર્ય અને ચારિત્ર વડે મનુષ્ય ભંયકર મૃત્યુની માફક એકજ સિદ્ધાંતને-સત્યને વળગી રહે છે, તેની આપણને જરૂર છે.  તમારાં શાસ્ત્રો અને ઋષિમુનિઓએ બોધેલા અનંત અને અપાર શક્તિવાળા તમારા નિજાત્મામાં શ્રદ્ધા ધરો. બસ મજબુત બનો, શ્રદ્ધા ધરો અને બાકીનું બધું એ એની મેળેજ આવી મળશે.”

વિદેશ ગમનના સંબંધમાં સ્વામીજીએ કહ્યું છે કે: “ભારતવર્ષની બહારના પ્રદેશોના સંબંધમાં આવ્યા વગર હવે આપણને ચાલવાનું જ નથી. ચાલશે એમ જે આપણે માનતા હતા તે આપણી મુર્ખાઈ હતી અને તે મુર્ખાઇની શિક્ષા આપણે એક હજાર વર્ષની ગુલામગીરીથી ભોગવી છે. હિંદુઓએ હિંદની બહાર ન જવું જોઇએ, એવા સઘળા વિચારો બાળકના વિચારો છે. તે વિચારોને હવે હાંકી કહાડવા જોઈએ. જેમ જેમ તમે વધારે બહાર જશો અને જગતની પ્રજાઓમાં પર્યટણ કરશો તેમ તેમ તમે તમારે માટે અને તમારા દેશને માટે વધારે ને વધારે લાભ મેળવતા જશો... જીવનનો વિકાસ કરવો એજ જીવવું છે. તે માટે બહાર જવું જોઈએ અને જીવનને વિસ્તૃત બનાવવું જોઈએ. કાંતો આપણે આપણામાં રહેલી ચેતનશક્તિને ખીલવવી જોઈએ અને કાંતો છે તે કરતાં પણ વધારે અધમ દશા પ્રાપ્ત કરીને મરવું જોઇએ બીજો રસ્તો નથી.”

વિદેશ ગમનમાં રહેલો બીજો હેતુ દર્શાવતાં તેમણે કહ્યું છે કેઃ— “આપણે બહાર જવું જોઇએ અને આપણાં શાસ્ત્રોનાં સત્યો અન્ય પ્રજાઓને સમજાવવાં જોઈએ. આ પ્રમાણે કરવાથી બીજાઓને ધર્મનો બોધ કરવાની પવિત્ર ફરજ આપણે બજાવીશું અને બીજાઓ તરફથી માન મેળવીશું. આપણે સદાએ બીજાઓના વિદ્યાર્થીઓ થઈને રહેવાનું નથી, પણ તેમના ગુરૂઓ પણ થવાનું છે. સમાનતા વગર બંને પક્ષની વચ્ચે મિત્રાચારી થઈ શકે નહિ. જ્યાં સુધી એક પક્ષ સદાએ ગુરૂપદ ધારણ કરી રહે અને બીજો તેના પગ આગળ વિદ્યાર્થી તરિકેજ બેસી રહો ત્યાં સુધી બંનેની વચમાં સમાનતા ઉદ્દભવી શકે નહિ. જો તમારે અંગ્રેજો કે અમેરિકનોના સમોવડીઆ થવું હોય તો તમારે તેમની પાસેથી કંઈક શીખવું અને તેમને પણ કંઇક શિખવવું; અને અખિલ વિશ્વને સૈકાના સૈકા સુધી શિખવાય એવું પુષ્કળ તમારી પાસે છે.”

પાશ્ચાત્ય પ્રદેશોમાં વિચરીને ત્યાંની સ્થિતિ જોયા પછી સ્વામીજીએ કહ્યું છે કે “પોતાની સંસ્કૃતિ સંપૂર્ણ બનાવવાને માટે અખિલ વિશ્વ ભારતવર્ષના અમુલ્ય ધાર્મિક ખજાનાની રાહ જોઈ રહ્યું છે. હજારો વર્ષથી દુ:ખ અને અધમ દશાને ભોગવતાં છતાં પણ હિંદુ પ્રજાએ જે ખજાનાને પોતાની છાતી સરસો દાબી રાખેલો છે તે ખજાનાની રાહ જગત જોઈ રહેલું છે. તમારા બાપદાદાઓના ખજાનાને માટે હિંદની બહારના લોકો કેટલા બધા ઉત્સુક બની રહેલા છે તેની તમને ખબર નથી. ભારતવર્ષમાં આપણા બાપદાદાઓએ જે અખૂટ અમૃત એકઠું કરી મૂકેલું છે તેનું પાન કરવાને બહારના લોકો હાથ લાંબો કરીને રાહ જોઈ રહેલા છે. તેમના હૃદયની પીડાને તમે સમજતા નથી, તેથી કરીને આપણે બહાર જવું જોઈએ. તેમને જે આપવાનું હોય તે આપણે લેવું અને બદલામાં આપણી આધ્યાત્મિકતા તેમને આપવી. આત્મા સંબંધીના અદ્‌ભૂત વિચારોને આપણે આપીશું અને તેના બદલામાં ભૌતિક પદાર્થો સંબંધી ઉત્તમ શેાધોને આપણે ગ્રહીશું.”

હાલની ન્યૂયોર્ક અને સાનફ્રાન્સીસ્કોની વેદાન્ત સમાજોના રિપોર્ટ વાંચવાથી સહજ સમજાશે કે સ્વામી વિવેકાનંદનું ધારવું કેટલું બધું ખરું હતું. અમેરિકામાં ઘણા લોકો આર્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો શિખવાને વેદાન્ત સમાજોમાં જાય છે, તેનું એજ કારણ છે કે તેમને ધાર્મિક ક્ષુધા લાગેલી છે. વિજ્ઞાનથી તેમના શરીરને પોષણ મળે છે, પણ તેમના આત્માને તેથી પોષણ મળતું નથી. ખ્રિસ્તી ધર્મ તેની જરૂરીઆતો પુરી પાડી શકતો નથી, કેમકે ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો આગળ તે ટકી શકતો નથી. પરિણામે ત્યાં નાસ્તિકતા, અશ્રદ્ધા, જડવાદ અને વ્હેમજ પ્રસરી રહેલાં છે. તેમની વચમાં જે કેટલાંક સહૃદય અને બુદ્ધિશાળી સ્ત્રી પુરૂષો આધ્યાત્મિકતાને માટે તલસી રહેલાં છે તેમને માટે આર્ય તત્વજ્ઞાન મરતાને અમૃત મળે તેવું થઈ રહેલું છે, કેમકે તેના સિદ્ધાંતોને વિજ્ઞાનશાસ્ત્ર તોડી શકતું નથી. આજે પણ અમેરિકામાં પ્રોફેસર સી. સી. એવરેટ અને બીજા એવા ઘણા બુદ્ધિશાળી પુરૂષો વેદાંતના ચુસ્ત અભ્યાસી બની રહેલા છે. ચિકાગોની સર્વધર્મ પરિષદ્‌ના વિજ્ઞાન વિભાગના પ્રમુખ લખે છે કે :–“અમેરિકામાં આજે સઘળા વૈજ્ઞાનિક અને બીજા ઉદાર વિચારો અદ્વૈતવાદને અનુસરે છે એટલું જ નહિ પણ “ખ્રિસ્તી વિદ્યા” નામની સંસ્થા પણ વેદાન્ત ઉપરજ રચાયેલી છે. અમેરિકામાં ત્રણે પ્રકારના અદ્વૈતવાદીઓ વસી રહેલા છે, પણ હિંદુધર્મનું પ્રત્યક્ષ જ્ઞાન નહિ હોવાથી તેઓ પોતાના વિચારોના મૂળ કારણને સમજાવી શકતા નથી.”

તેથી કરીને સ્વામીજીનું એવું માનવું હતું કે હિંદ જો કે પરતંત્ર અવસ્થામાં છે તો પણ તેને જગતમાં વિજય મેળવવાનો અવકાશ છે. સ્વામીજી કહેતા કે “ભારતવર્ષે ધર્મ અને તત્વજ્ઞાનની બક્ષિસ જગતને આપવાની છે અને એ ધર્મ અને તત્વજ્ઞાનને પોતાના રસ્તા મોકળા કરવાને પોતાની આગળ લશ્કર ચલાવવાની જરૂર નથી, ધર્મ અને જ્ઞાન કાંઈ રક્તના પ્રવાહની સાથે ફેલાવવાનાં નથી. તેઓ લોહીવાળાં માનવ શરીર ઉપર ચાલતાં નથી; તેઓ ક્રુરતાની સાથે કુચ કરતાં નથી; પણ તેઓ તો શાંતિ અને પ્રેમની પાંખો ઉપરજ ઉડે છે. જેમ નમ્ર ઝાકળ અદૃશ્ય રીતે ગુપચુપ પડવા છતાં પણ તે ખુબસુરત ગુલાબનાં અસંખ્ય પુષ્પોને ઉઘાડે છે, તેમ ભારતવર્ષનું જ્ઞાનદાન પણ જગતમાં ભવ્ય વિચારોને ઉત્પન્ન કરશે....... હું જરા કલ્પનાઓ કરવાવાળો માણસ છું અને મારો વિચાર એ છે કે હિંદના તત્વજ્ઞાનથી અખિલ વિશ્વ ઉપર જીત મેળવવી.”

ભારતવર્ષની વર્તમાન દુર્દશા જોઇને સ્વામીજીનું હૃદય ઘણુંજ ચિરાતું હતું. તેમણે જોયું હતું કે ધર્મને અંત:કરણમાંથી કહાડી નાખીને બાહ્યાચારમાં લાવી મૂકવાથીજ હિંદુઓ આત્મશ્રદ્ધાને ખોઈ બેઠા હતા. તેમને સુધારવાના રસ્તા બતાવતાં સ્વામીજીએ સમજાવ્યું છે કે ભારતવાસીઓનું ખરું ગૌરવ અને ખરું સામર્થ્ય તેમની આધ્યાત્મિક્તામાંજ રહેલું છે. આ આધ્યામિકતા સંબંધે તેમણે કહ્યું છે કે,

“અર્થ વગરની વસ્તુઓ માટે જુના કાળથી જે માલ વગરની તકરારો ચાલતી આવે છે, તેને છોડી દો. છસેં કે સાતસેં વરસની અધોગતિનો વિચાર કરો. તમારામાંના હજારો વયોવૃદ્ધ માણસો પાણીને જમણે હાથે પીવું કે ડાબે હાથે, હાથ ત્રણ વખત ધોવા કે પાંચ વખત, કોગળા પાંચવાર કરવા કે દશવાર કરવા, તેનાજ વાદવિવાદ ઘણાં વર્ષથી કરી રહેલા છે. આવા નજીવા પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં જે પોતાનું આખું જીવન ગાળી રહેલા છે તેવા માણસો પાસેથી બીજા શેની આશા રાખવી ? આપણો ધર્મ હવે માત્ર આભડછેટમાંને રસોડામાંજ આવી રહેલો છે. આપણામાંના ઘણા હવે વેદાંતી, પૌરાણીક કે તાંત્રીક કંઈ પણ નથી; આપણે બધા માત્ર અડશો નહિ, અડશો નહિ, એમજ કહેનારા બની રહ્યા છીએ. રાંધવાનું વાસણ આપણો દેવ છે અને આપણો ધર્મ “અડકશો નહિ ” એમાંજ સમાઇ રહેલો છે. આવું જો એકાદ સૈકું વધારે ચાલશે તો આપણામાંના દરેકને ગાંડાની ઈસ્પીતાલમાં પુરાવું પડશે........ માટે એવા ઉપલકિયાપણાનો ત્યાગ કરી દઇને તમારે જાગૃત, મજબુત અને પ્રવૃત્તિમાન થવું જોઈએ. આવા વહેમી મુર્ખાઓ બનવા કરતાં તો તમે નાસ્તિક બનો એ મને વધારે ગમે. કારણકે નાસ્તિક મનુષ્ય ચેતનવાળો, ઉદાર અને સહૃદયી હોય છે. જ્યારે વહેમી મનુષ્યનું મગજ સડતું ચાલીને મગજ બહેર મારી જાય છે અને તેના જીવનની અધોગતિજ થયા કરે છે. આપણને આપણા લોહીમાં અને નસમાં શક્તિની જરૂર છે. આપણી ભુજાઓ વજ્ર સમાન થવી જોઈએ. રેંજી પેજી વિચારોની આપણને જરૂર નથી. આપણને તો બહાદુર અને ધૈર્યવાન માણસોની જરૂર છે.”

આ પ્રમાણે ઉપનિષદોમાં વર્ણવેલાં ચેતનપ્રસારક અને આત્મોત્તેજક નિત્ય સત્યો-આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, પુનર્જન્મ અને કર્મ વિષેના ભવ્ય વિચારો-નોજ સ્વામીજી આધ્યાત્મિકતામાં સમાવેશ કરતા. કારણ કે એજ સત્યો જીવનના મહાપ્રશ્નોનું નિરાકરણ કરે છે. તે સર્વ સામાન્ય છે, સર્વ દેશી છે. મનુષ્યને તે સત્ય નિડર, સ્વાશ્રયી અને સામર્થ્યવાન બનાવે છે. ચારિત્ર્યને તે ઘડે છે અને હૃદયને વિશાળ બનાવે છે. એ સત્યના પાલનથી જ પ્રાચીન આર્યપ્રજા અત્યંત ઉન્નતિ અને કીર્તિને પ્રાપ્ત કરી રહી હતી. હવે પણ તેમના પાલનથીજ ભારતવર્ષનો પુનરૂદ્ધાર થશે એમ સ્વામીજીની ખાત્રી હતી. એ સત્યોમાં અમુક પંથ કે ધર્મની વાત આવતી નથી. આત્મા અને પરમાત્માના ભવ્ય વિચારોજ તેમાં દર્શાવેલા છે. એ આધ્યાત્મિક વિચારોનું પાલન અખિલ વિશ્વને સલાહ, શાંતિ, ભ્રાતૃભાવ અને સામર્થ્યયુક્ત બનાવી મૂકશે એમ સ્વામીજીનું અનુભવી હૃદય તેમને કહી રહ્યું હતું. છતાં સ્વામીજીને ઘણોજ ખેદ થતો હતો કે ભારતવર્ષનો જુવાનોમાં શ્રદ્ધા નથી. સ્વામીજી કહેતા કે:—

“અંગ્રેજ અને હિંદુમાં એટલોજ ફેર છે કે અંગ્રેજમાં આત્મશ્રદ્ધા છે અને હિંદુમાં તે નથી.”

“અંગ્રેજ એમ ધારે છે કે હું અંગ્રેજ છું અને હું ધારું તે કરી શકું, ત્યારે તમને હિંદુઓને એમ કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો તેમ નથી અને તમે દરરોજ વધારેને વધારે માલ વગરના બનતા જાઓ છો.”

આ પ્રમાણે સ્વામીજીએ ભારતવર્ષના રોગનું મૂળ બરાબર શોધી કહાડ્યું છે અને તેનો તેમણે જે ઉપાય સુચવ્યો છે તે પણ તદ્દન ખરો છે. સ્વામીજીનાં પોતાનાં અદ્‌ભુત કર્મો અને ચારિત્ર્યથી એ વાત સાબીત થઈ રહે છે.

ઇંડિયન મીરર પત્રના અધિપતિ કહે છે કે– “નિ:સ્વાર્થ અને નિષ્કામ પરોપકારી કાર્યો કરવાનો દાખલો સ્વામી વિવેકાનંદે પ્રથમજ બેસાડ્યો છે. એ દાખલો વિરલ છે. જગવિખ્યાત વિવેકાનંદની પ્રેરણા અને ઉપરીપણા નીચે રામકૃષ્ણ મિશનના સાધુઓ દુઃખીએાનો બચાવ કરવાનું અને તેમને સહાય આપવાનું જે સુંદર કાર્ય કરી રહ્યા છે તેને અમે પ્રશંસા અને આભારની લાગણી સાથે યાદ કરીએ છીએ. એ સાધુઓના નેતા તરિકે સ્વામીજીએ ભારતવાસીઓનાં દુ:ખ, સંકટ, અને કંગાલીયતપણું ટાળવાને અનેક સેવાશ્રમો અને અનાથાશ્રમો ઉભાં કરેલાં છે. આ લોકકલ્યાણની યોજનાને માટે તેમને લોકોએ અને સરકારે પણ અત્યંત શાબાશી આપેલી છે અને તેમનું નામ દેશના ઇતિહાસમાં સદાને માટે અમર થઈ રહેલું છે.”

ઉપલા અને બીજા આગળ આપેલા ઉતારાઓ ઉપરથી સમજાશે કે સમાજસુધારણા, સ્વદેશપ્રીતિ અને જમસમૂહના ઉદ્ધાર વિષે સ્વામી વિવેકાનંદના વિચારો કેવા હતા અને તેમણે શું શું કરેલું છે. ભારતની ઔદ્યોગીક સ્થિતિ સુધારવાને તેમણે તેમનાં અનાથાશ્રમમાં જુદા જુદા ઉદ્યોગોનું પ્રત્યક્ષ જ્ઞાન આપવાની યોજના કરેલી છે. તેમનાં અનાથાશ્રમોમાં કૃષિવિદ્યા, વણાટકામ, ભરતકામ વગેરે શિખવવામાં આવે છે અને સાથે સાથે વિદ્યાર્થીને વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તો સમજવવામાં આવે છે કે જેથી કરીને તે મનુષ્ય તરિકે, શહેરી તરિકે અને ગૃહસ્થાશ્રમી તરિકે પોતાનાં કર્તવ્યો બરાબર બજાવી શકે. ભારતવર્ષનાં ગરિબોને માટે સ્વામીજીને જેટલી લાગણી હતી તેટલી બીજા કોઈને પણ નહિ હોય. ચિકાગોની સર્વ ધર્મ પરિષદ્‌માં પણ સ્વામીજી બોલ્યા હતા કે “તમે-ખ્રિસ્તીઓ પરદેશીઓના આત્માઓને બચાવવાને પાદરીઓ મોકલે છે, પણ તમે ભુખમરાથી તેમનાં શરીરને બચાવવાનો પ્રયાસ કેમ કરતા નથી ?...... તમે હિંદમાં સ્થળે સ્થળે દેવાલય બાંધો છો, પણ હિંદને ધર્મની જરૂર નથી. તેને ધર્મ તો જોઈએ તે કરતાં પણ વધારે છે. હિંદનાં અસંખ્ય દુઃખી મનુષ્ય સૂકાયલે મોંએ અન્નની યાચના કરી રહેલાં છે. તેઓ આપણી પાસે રોટલી માગે છે અને આપણે તેમને પથરા આપીએ છીએ. મારા ગરિબ સ્વદેશીઓને માટે અનાજ મેળવવા હું અહીં આવ્યો છું.”

સ્વામીજીએ જે અગત્યનું કાર્ય ભારતમાં કરેલું છે તે ગરિબોને માટેજ કરેલું છે. દુષ્કાળ કામ, અનાથાશ્રમ, સેવાશ્રમ અને રેલ વગેરે આફતોમાંથી લોકોને બચાવવાની યોજનાઓ, પ્લેગ પીડિત મનુષ્યની સેવા અને કલકત્તાના ગંદા મહોલ્લાઓની શુદ્ધિ કરવાના ઉપાયો, વગેરે કાર્યો સ્વામીજી ગરિબોને માટે જ કરી રહ્યા હતા. હજી પણ તેમના શિષ્યો તેવાં કાર્યો કરી રહેલા છે. હજી પણ તેઓ કોઈ સ્થળના લોકોનું દુ:ખ કે સંકટની વાત સાંભળતાં ત્યાં દોડી જાય છે અને તેમને મદદ કરે છે. સ્વામીજીનું હૃદય જેવું હતું તેવીજ પ્રેરણા તેમણે તેમના શિષ્યોને કરેલી છે અને શિષ્યો પણ તેજ પ્રમાણે વર્તી રહેલા જોવામાં આવે છે. સ્વામીજીએ ઉભાં કરેલાં બનારસ અને કનખલ વગેરે સ્થળનાં સેવાશ્રમો, મુર્શિદાબાદ વગેરેનાં અનાથાશ્રમો અને શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ વખતે ગરિબોને અપાતાં ભોજનો-એ સર્વે પણ એજ વાત બતાવે છે કે એ મહાપુરૂષ ભારતવર્ષનાં ગરિબ મનુષ્યો માટે કેવી લાગણી ધરાવતા હતા? મરાઠા પત્ર લખે છે કે “આવા પુરૂષનું મૃત્યુ આખી પ્રજા ઉપર આવી પડેલી એક મોટી આફતજ કહેવાય. ખરેખર, આધુનિક સમયના પ્રજાકિય કાર્યકર્તાઓમાં તેમને શ્રેષ્ઠ પદ આપવું ઘટે છે.”

ઈંગ્લાંડ અને અમેરિકામાં ઘણા ધનાઢ્ય અને સત્તાવાન પુરૂષો તેમના મિત્રો હતા અને તેમની મરજી હોત તો એ મિત્રાએ તેમને ત્યાં ખુશીથી ધનવૈભવમાં રાખ્યા હોત; પણ પશ્ચિમના વૈભવી જીવન કરતાં હિંદના સંન્યાસીના જીવનને, કલકત્તાની ગંદી ગલીઓને અને ભારતવર્ષના ગરિબોની સેવા કરવાના કાર્યને તે વધારે પસંદ કરતા હતા. બસ ભારતવર્ષ અને ભારતવર્ષની ધૂળ પણ તેમને મન પવિત્ર હતી. તેમનું જીવન પ્રાચીન ઋષિમુનિઓની ધ્યાનાવસ્થા અને શાંતિથી ભરપુર હવા સાથે પશ્ચિમના સાધુઓની માફક લોકસેવામાં સારી પેઠે તત્પર હતું. પૂર્વના ધ્યાનગ્રસ્ત અને રાગદ્વેષરહિત સંતની નિવૃત્તિ અને લોકોને બોધ કરનાર અને તેમના કલ્યાણ માટે મથનાર પશ્ચિમના ખરેખરા ધાર્મિક પુરૂષની પ્રવૃત્તિ-એ બંનેનો સુયોગ સ્વામીજીના જીવનમાં અદ્‌ભુત રીતે સંધાઈ રહ્યો હતો. આ પ્રમાણે સ્વામીજી સાધુ હતા પણ જગતથી વિરક્ત નહતા. તે જગતથી વિરક્ત ન હતા પણ તેનાથી નિર્લેપ હતા. તે સદાએ પોતાના માનવ બંધુઓ માટે કાર્ય કરતા, છતાં તેમનું મન તો પરમાત્મા તરફજ રહ્યા કરતું. સ્વામીજીએ જેવા વેદાન્તના ઉપદેશ કરેલા છે તેવુંજ વેદાંતમય જીવન તેમણે ગાળેલું છે. તેમનું વેદાન્ત માત્ર મુખમાં કે પુસ્તકમાં રહેલું તત્વજ્ઞાન નહોતું; સભામાં માત્ર વાદવિવાદ કરવાની તે વસ્તુ ન હતી; અધર્મને છેદવાનુ તે કાંઈ હથીઆર નહોતું, પણ તે અનુભવેલી, કૃતિમાં મૂકેલી, અનુભવવાની અને કૃતિમાં મૂકાવવાની, પોષક અને શાંતિને પ્રસારનારી વસ્તુ હતી. સ્વામીજી વિદ્વાન, વિચારક અને વક્તા તરિકે જે અસાધારણ માનને પાત્ર છે તેના કરતાં પણ તેઓ સાચી લાગણીઓથી ઉભરાઇ જતા અંતઃકરણપૂર્વક લોકહિતનાં કાર્ય કરનાર અને અત્યંત ભાવિક ભક્ત તરિકે ઘણા વધારે માનને પાત્ર છે. તેમની શ્રદ્ધા અડગ હતી. નિરાશા કેવી હોય એ તો તે જાણતાજ નહિ. તે સામર્થ્ય વગરની વાત કદીએ કરતા નહિ. પરદેશીઓને તે મળતા ત્યારે પોતાના દરજ્જા પ્રમાણેજ મળતા. જ્યાં પણ સ્વમાન સાચવવા જેવું હોય ત્યાં તે એ પ્રમાણેજ કરતા અને પરદેશીઓના મન ઉપર ઉંડી છાપ પાડતા. એક અંગ્રેજ જે તેમને સારી પેઠે ઓળખતો હતો તેણે લખ્યું છે કે “સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ સ્વમાન જાળવવામાં પણ રહેલી છે. એમનું સ્વમાન રાજકુંવરના જેવું જ છે.” નિવેદિતા લખે છે કે સ્વામીજીએ એક વાતનો પાકો નિશ્ચય કર્યો હતો કે:—

“પૂર્વે પશ્ચિમની આગળ ખુશામતીઆ કે નોકર તરિકે જવું નહિ જોઈએ, પણ ઉપદેશક કે ગુરૂ તરિકેજ જવું જોઈએ.”

“સ્વામીજીના હૃદયમાં એ નિશ્ચય ખડક જેવો દૃઢ હતો અને તેને અનુસરીને જ તે ઘણા પરદેશીઓની આંખ ઉઘાડી રહ્યા હતા.” બીજી તરફ ચુસ્ત જુના વિચારના હિંદુ તરિકે તેમનું જીવન અત્યંત સાદું અને નિર્મળ હતું. પોતાની સાદાઈને માટે તે ગર્વ ધરતા. તેમણે હિંદુઓને બોધ આપેલો છે કે “જો પ્રજા તરિકે જીવતા રહેવું હોય તો સાદું જીવન, સાદી ટેવો અને પ્રાચીન ભાવનાઓ-આદર્શોનો ત્યાગ કરશો નહિ.” પાશ્ચાત્ય સંસ્કૃતિ વિષે એકવાર તેમણે કહ્યું હતું કે:—

“પાશ્ચાત્ય સુધારાનો ઓપ અને તેની ભૌતિક શક્તિ આટલી બધી છે, છતાં પણ હું આ સભામાં ઉભો રહીને તેમના મોંઢાપરજ કહું છું કે તે સર્વ ભૌતિક વસ્તુસ્થિતિઓની પેઠે મિથ્યાજ છે. તે ખોટો ડોળ છે અને પ્રભુ એજ ખરો છે. આત્મા એકલોજ નિત્ય છે. આધ્યાત્મિકતા એકલીજ ખરી છે. જો યૂરોપ પોતાની હાલની અવસ્થા અને આદર્શને બદલવાની દરકાર કરશે નહિ; જો તે આધ્યાત્મિક્તાને માનવજાતિના આધાર તરિકે ગ્રહણ કરશે નહિ તો તે ભૌતિક શક્તિઓનું મોટું મથક (યુરો૫) પચાસ વર્ષમાંજ ધૂળધાણી થઈ રહેશે. માનવજાતિ ઉપર તલવારથી અમલ ચલાવવો એ ઘણું હલકું અને નામોશી ભરેલું છે. જેમ મનુષ્યના જીવનમાં તેમજ પ્રજાઓના જીવનમાં પણ વહેલે મોડે એવો સમય આવે છે કે જે સમયે તેમને આ સંસાર ઘણો કંટાળા ભરેલો લાગે છે. મને લાગે છે કે પાશ્ચાત્ય પ્રજાઓને હવે તે પ્રમાણે થવા માંડેલું છે. તેઓના મહાપુરૂષો અને મહાન વિચારકોને ક્યારનુંએ લાગ્યું છે કે આ બધો નકામો ડોળ છે. દ્રવ્ય અને સત્તા પાછળનું આ ભટકણ અસાર છે. ત્યાંનાં ઘણાં સુશિક્ષિત સ્ત્રીપુરૂષોને આ સ્પર્ધા, આ જીવનકલહ અને આ વ્યાપારી સુધારાનુ જંગીપણું બહુજ કંટાળા ભરેલું લાગે છે અને તેઓ કોઈ ઉંચી વસ્તુને શોધે છે.” સ્વામીજીનું કહેવું કેટલે અંશે ખરૂં હતું તે યુરોપમાં ચાલેલી ભયંકર લડાઈ ઉપરથી અને હજી પણ ચાલુ રહેલી અનેક પ્રકારની અવ્યવસ્થા ઉપરથી સહજ સમજાય તેમ છે.

જાપાન પણ સ્વામીજીની વાતને થોડું ઘણું સમજવા અને સ્વીકારવા લાગ્યું છે. ત્યાંની ડોશીશા યુનિવર્સીટિના પ્રોફેસર “નાસાકુ હરદા” એ પોતાના બનારસમાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે “અમે પણ પશ્ચિમના આર્થિક સુધારા ગ્રહણ કરીએ છીએ; પરંતુ તેથી અમને સંતોષ નથી. કોઈપણ પ્રજા આધ્યાત્મિક વિકાસ વગર મહાન થઈ શકતી નથી, તેથી કરીને અમારા નેતાઓ અને વિચારકો તેમને સંતોષ આપી શકે તેવાં ધાર્મિક જ્ઞાનને કેવી રીતે મેળવવું તે શોધી રહેલા છે. આ એક મોટા પ્રશ્ન થઈ પડ્યો છે. અમારા બેરન માયેજીમાએ ટોકીઓમાં જુવાનો આગળ એકવાર કહ્યું હતું કે આપણી પાસે ગમે તેટલું મોટું નૌકાસૈન્ય હોય તેથી શું થયું ? મારી દૃઢ માન્યતા છે કે આપણા પ્રજાકિય કલ્યાણના આધારરૂપ ધર્મની આપણને હવે ખાસ જરૂર છે. આપણી પાસે ધર્મ હશે નહિ તો આપણને ઉંચામાં ઉંચી ફતેહ મળનાર નથી. આપણા સાચા કલ્યાણને માટે તો આપણે ધર્મ ઉપરજ આધાર રાખવો જોઈએ.”

સ્વામીજીએ કહ્યું છે કે:—

“ભારતવાસી ! બીજાઓના આવા અધમ અનુકરણથી, બીજાઓના ઉપર આધાર રાખવાથી, આવી ગુલામ જેવી નિર્બળતા ધરવાથી, આવી નિંદ્ય અને તુચ્છ ક્રૂરતાથી – આવી તૈયારીઓથી શું તું ઉદયને શિખરે પહોંચીશ ?

આ તારી બાયલાને છાજે તેવી અધમ નિર્બળતાથી બહાદુરોનેજ મળી શકે તેવાં સુખ સ્વાતંત્ર્યને શું તુ કોઇ કાળે પણ મેળવી શકીશ ?

ભારતવાસી ! તું ભૂલી જઈશ નહિ કે તારી સ્ત્રીઓના આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.

તું ભૂલી જઈશ નહિ કે જે દેવને તું પૂજે છે તે મહા ત્યાગી ઉમાપતિ શંકર છે.

તું ભૂલી જઇશ નહિ કે તારૂં લગ્ન, દ્રવ્ય અને જીવન જેમ ઈંદ્રિય સુખને માટે નથી તેમ તે તારા એક્લાનાજ સુખને માટે નથી

તું ભૂલી જઈશ નહિ કે તારો જન્મ શ્રીજગદંબા-માતૃભૂમિના યજ્ઞમાં બલિદાનને માટેજ છે.

તું ભૂલી જઈશ નહિ કે તારૂં સામાજિક બંધારણ સર્વવ્યાપી-પ્રભુપ્રેમનું પ્રતિબિંબજ છે.

તું ભૂલી જઈશ નહિ કે નીચલા વર્ગો અભણ, ગરિબ, અજ્ઞાની, મોચી, ભંગી એ સર્વ તારા ભાઈઓ છે-તારા પોતાનાંજ શરીર છે.

બહાદુર હિંદુ ! હિંમત ધર અને ગર્વથી બોલ કે હું ભારતવાસી છું અને પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.

તારા શરીર ઉપર ભલે માત્ર એક ફાટેલી લંગોટીજ રહેલી હોય તોપણ ગર્વથી કહે કે ભારતવાસી ભિખારી બ્રાહ્મણ, અજ્ઞાની અત્યંજ અને નિરાધાર બાળક પણ મારો ભાઈ છે.

પ્રત્યેક હિંદી મારા પ્રાણ સમાન છે.

હિંદના સર્વ દેવો અને દેવીઓ મારા ઈશ્વર છે.

હિંદુ સમાજ મારા બાળપણનું પારણું છે.

મારી જુવાનીનું વિહારસ્થાન પણ તેજ છે.

મારી વૃદ્ધાવસ્થાનું સ્વર્ગ પણ તેજ છે.

હે ભાઈ! દિલ ખોલીને કહે કે ભારતભૂમિજ મારૂં શ્રેષ્ઠ સ્વર્ગ છે.

'હિંદના ભલામાંજ મારૂ ભલું સમાઈ રહેલું છે.

અને રાતદિવસ પ્રાર્થના કર કે ઓ ગૌરીપતિ ! ઓ | જગદંબા અને મનુષ્યત્વ-શૌર્ય આપ.

ઓ સામર્થ્યદાયિની દેવી ! મારી નિર્બળતાને હરી લે, મારી કાયરતાનો નાશ કર, મને ખરો મનુષ્ય બનાવ."

ભારતવર્ષમાં અનેક નેતાઓ ઉભા થયા છે, થાય છે અને થશે; અનેક જણ હિંદના હિતમાં ભાગ લે છે ને લેશે; અનેક સ્વદેશભક્તો ભારતવર્ષમાં નજરે આવે છે, પણ અફસોસની સાથે કહેવું પડે છે કે તેમાંના ઘણાખરાઓની દેશભક્તિ માત્ર તેમની જીભ સુધીજ પહોંચેલી હોય છે. દેશની દશાના દુઃખથી જેના હૈયામાં આગ લાગી રહી હોય એવા વિરલ જ છે. માણસની સ્વદેશપ્રીતિ કેવા પ્રકારની છે તે વાત તેના ખાન, પાન, પોશાક, ચલન, વલન અને વર્તન ઉપસ્થી સ્હેજે જણાઈ આવે છે.

સ્વામીજીના સંબંધમાં લખતાં ધી ઈન્ડીપેન્ડન્ટ પત્રના અધિપતિ સી. એસ, રંગ આયર લખે છે કે “પહેલીવાર જોતાં એમજ લાગે છે કે સ્વામીજી ખરેખરા સ્વદેશ ભક્તજ હતા. બીજીવાર જોતાં એમજ લાગે છે કે તે ખરેખરા સમાજ સુધારકજ હતા. ત્રીજીવાર જોતાં એમ જ ભાસ થાય છે કે તે ખરેખરા ધાર્મિક સુધારકજ હતા. એ દરેક બાબતમાં સ્વામીજી સંપૂર્ણ આદર્શ પુરૂષ હતા; એટલે કે જીવનની દરેક કલા અને પ્રવૃત્તિમાં તે શ્રેષ્ઠ પૂર્ણતાએ પહોંચી રહ્યા હતા. તેમનાં ભાષણોએ ઘણાજ ઉંચા પ્રકારનો પ્રજાકિય જુસ્સો આપણામાં રેડ્યો છે. તેમની માનવજાતિની નિઃસ્વાર્થ સેવાએ મારા મન ઉપર ઘણી અસર કરેલી છે. તેમના જેવી નિઃસ્વાર્થ સેવા થોડાકેજ કરી હશે. હિંદમાં જ્યારે દુષ્કાળ અને પ્લેગ ચાલી રહ્યા હતા ત્યારે ઘણાઓને નેતાઓની જરૂર હતી. અનેક નાલાયક પુરૂષ પણ નેતા બન્યા અને કામ ઘણુંએ બગડ્યું. ખરો નેતા કેવો હોઈ શકે તે સ્વામી વિવેકાનંદે પોતાના જીવનથી દર્શાવી આપ્યું હતું.”

સ્વામી વિવેકાનંદની સ્વદેશપ્રીતિ કાંઈ પાશ્ચાતોના સંસર્ગનું પરિણામ ન હોતું. તે તેમનામાં સ્વતઃસિદ્ધજ હતી. તેમનું આખું જીવન સ્વદેશપ્રીતિનો સાચો જુસ્સો જ છે. તેમણે પોતાના એક શિષ્યને લખ્યું હતું કે; “તમે તમારા દેશી ભાઈઓને ચાહો છો? તમારે પ્રભુને બીજે ક્યાં શોધવા? આ સઘળા ગરિબો, દુઃખીઓ અને નબળાઓ શું દેવો નથી ? પ્રથમ તેમની પૂજા કેમ કરતા નથી ? ગંગાને કિનારે કુવો ખોદાવવાને શા માટે જાઓ છો? તમારામાં પ્રેમ છે? જો હોય તો તમે સર્વ શક્તિમાન છો. તમે પુરેપુરા નિઃસ્વાર્થી છો? જો હો તો તમે અબાધ્ય છો. તમારા દેશને વીર પુરૂષોની જરૂર છે. વીર પુરૂષો થાઓ. મારા દિકરા ! મને પ્રભુમાં અને મનુષ્યમાં શ્રદ્ધા છે. દુઃખીઓને મદદ કરવામાં મને શ્રદ્ધા છે. બીજાઓની સેવા કરતાં નર્કમાં જવું પડે તો ત્યાં જવામાં પણ મને વિશ્વાસ છે. હું ગરિબ છું, ગરિબને ચાહું છું ! તેમને જ્ઞાન કોણ આપશે ? તેમને તમે દેવ તરિકે માનો; તેમનો વિચાર કરો; તેમને માટે કાર્ય કરો અને તેમને માટે પ્રાર્થના કરો. પ્રભુ તમને રસ્તો બતાવશે. જેનું હૃદય ગરિબોને માટે દુ:ખી થાય છે તેનેજ હું મહાત્મા કહું છું ?”

એક વખતે સ્વામીજીએ હિંદના નેતાઓ વિષે લખ્યું હતું કે:- “આ ભયંકર દુષ્કાળ, રેલ, રોગ અને મરકીના દિવસોમાં ક્યાં છે તમારા કોંગ્રેસવાળાઓ? ‘અમને સ્વરાજ્ય આપો’ એટલું જ કહેવાથી શું બસ થશે ? તેમનું કહેવું કોણ સાંભળનાર છે? જે માણસ કાર્ય કરી રહ્યો છે તેને કશુંએ માગવા માટે શું મોં ઉઘાડવું પડે છે ? જો તમારા જેવા બે હજાર મનુષ્યો જીલ્લાઓમાં કામ કરનારા હાય તો શું અંગ્રેજોને પણ રાજકિય બાબતોમાં ઉલટું તમને પૂછવાની જરૂર ન પડે કે ?”

સ્વામીજી પાશ્ચાત્યોના વિજ્ઞાનશાસ્ત્રને શિખવાનું કહેતા હતા, પણ તે શિખીને આપણા ઉમદા આધ્યાત્મિક આદર્શોને ત્યજી નહિ દેવાની ચેતવણી તે આપતા. ગૃહસ્થાશ્રમીને તે બંનેની જરૂર છે એમજ તે ધારતા, પણ એમનું કહેવું એવું હતું કે તેનો આદર્શ તો મોક્ષજ હોવો જોઈએ અને દ્રવ્યને તો ગૃહસ્થાશ્રમીએ ધાર્મિક જીવનના એક સાધન તરિકેજ લેખવું અને વાપરવું જોઈએ. ભૌતિક આદર્શ ઉપર રચાયેલી પ્રગતિ છેવટે નુકશાનકારકજ નિવડે છે એમ તે કહેતા. સાથે સાથે તે બહારની આધ્યાત્મિકતા વિષે પણ ચેતવણી આપતા કેઃ—

"પવિત્રતા, ક્ષમા, સંતોષ કે સાત્વિકતાને બહાને બેસી રહેનાર પુરૂષ માત્ર પ્રમાદી અને આળસુજ છે."

"જ્ઞાન અને ભક્તિને બહાને બેસી રહેનાર પુરૂષ વાસ્તવમાં અજ્ઞાની કે ઢોંગીજ હોય છે.”

“ત્યાગીઓના વેશ છતાં દુ:ખીઓ તરફ સહાનુભૂતિ અને સેવાવૃત્તિ ન હોય તો તેવો મનુષ્ય આળસુ અને દંભીજ છે.”

“શુષ્ક પૂજામાં કલાકના કલાક સુધી બેસી રહેનાર તેમજ સ્વમોક્ષને માટે ચિંતન કરનાર મનુષ્યના મનમાં પણ જો સ્વદેશને માટે લાગણી ન હોય તો તે હૃદય વગરનું ખાલી ખોખું જ છે.”

ખરેખર આવા મનુષ્યો દેશને ભારરૂપજ છે. આવા સંખ્યાબંધ મનુષ્યો હિંદમાં પડેલા છે. તેમને માટે સ્વામીજીનું કહેવું એવું હતું કે એવાઓને માટે મોક્ષ હોઈ શકે જ નહિ, આળસ, ગરિબાઇ કે એવાં અયોગ્ય કારણોને લીધે બનેલા ભેખધારીઓનો આદર્શ રજોગુણી વિષયી મનુષ્યા કરતાં પણ હલકો અને તામસિક હોય છે. તેઓ ભલેથી ભણે, ભણાવે, મઠમાં રહે કે છુટા ફરે, પણ શિષ્નોદર પરાયણતાને-કનક કામિનીનેજ તેઓ ગુપ્તભાવે સેવી કે ઇચ્છી રહ્યા હોય છે. બૌધ સંપ્રદાયમાં જ્યારથી મઠોમાં આવા ત્યાગીઓ વધવા લાગ્યા ત્યારથી જ દેશની અધોગતિની ખરેખરી શરૂઆત થઈ છે. એવા માણસોએ તો સંસારી તરિકે જ રહીને નીતિ-નિયમપૂર્વક વિષયોને મેળવવા જોઈએ. જે માણસમાં ખાબોચીયાને કૂદી જવાની શક્તિ નથી તે કૂદીને લંકામાં શી રીતે જઈ શકશે? છતાં ભારતવર્ષમાં અત્યારે એજ પ્રકાર ચાલી રહ્યો છે. વગર અધિકારે ત્યાગી બની જનારાઓથી તેમજ ઉમરે પહોંચ્યા વિનાનાં બાળકોને મુંડી નાખવામાં આવે છે તેથી દેશને નૈતિક, આર્થિક અને ધાર્મિક બાબતોમાં મોટું નુકસાન પહોંચી રહ્યું છે. માત્ર કોઈ કોઈ યોગભ્રષ્ટ મનુષ્યો માટેજ બચપણનો કે યુવાવસ્થાનો ત્યાગ સફળ થઈ શકે છે. જે કોટીના ત્યાગીઓ અથવા ભગતો સો કે હજારની સંખ્યામાં ભેગા થઈને એકાદ મહત્વનું કાર્ય કરી શકતા નથી, તેમને શું મોક્ષ મળી શકશે ? હિંદુ શાસ્ત્રો કહે છે કે “ખરેખર મોક્ષ મેળવવો એ બીજી બધીજ ફરજો કરતાં મોટામાં મોટી ફરજ છે. બીજી ફરજો પહેલી બજાવીને સાચી યોગ્યતા તેમજ ઉપરામતા મેળવ્યા સિવાય તે કદી પણ મેળવી શકાય તેમ નથી. કેટલાક જૈનો, બૌદ્ધો અને ખ્રીસ્તિઓ મનુષ્યોનો અધિકાર સમજ્યા વિનાજ જિજ્ઞાસુના કામની વાતો સામાન્ય જનોના ગળામાં પહેરાવી દઇને ગોટાળો કરી મૂકે છે અને તેમને ત્યાગી થવાને ઉશ્કેરે છે.

ભારતના વર્તમાન ત્યાગીઓનો મોટો ભાગ ઉપર જણાવ્યું તેમ ત્યાગની ખરેખરી યોગ્યતા વિનાનો હોઇને જ્ઞાનહીન અને આળસુ જીવનજ ગાળી રહેલો છે. પણ તે ઉપરથી એમ તો નજ કહી શકાય કે સાધુ જીવનજ ખોટું છે. બધાજ સાધુઓ બોજારૂપ છે અને સાધુઓથીજ ભારતની અધોગતિ થએલી છે. એ પ્રશ્નની બીજી બાજુ ઘણીજ મહત્વની છે અને તે એ છે કે સાધુ જીવનજ ભારતવર્ષની બલીહારિ છે. સાધુઓ અને બ્રાહ્મણો વગર ભારતવર્ષ પોતાનું સત્વ ક્યારનું એ ખોઈ બેઠું હોત. એ સાધુઓ અને બ્રાહ્મણો વગર હિંદમાંથી તેનું-જગતને હેરત પમાડનારું પ્રાચીન શિક્ષણ ક્યારનુંએ નષ્ટ થઈ ગયું હોત. ભારતના સુશીલ સંન્યાસીઓ અને ઉચ્ચકક્ષ બ્રાહ્મણો (પછી ભલે તેઓની સંખ્યા આવા સમયમાં ગમે તેટલી ઓછી હોય તો પણ તેમના) વડેજ આજે ભારતવર્ષનો આત્મા આટલો પણ સજીવ રહી શક્યો છે. હિંદુઓનું હિંદુત્વ તેમના વડેજ જળવાયું છે. વર્તમાન યુગમાં ભારતવર્ષ પોતાના આધ્યાત્મિક આદર્શને ત્યજવા બેઠું હતું અને પાશ્ચાત્યોનું અનુકરણ કરવામાં ગર્વ ધરવા સુધીની દુર્દશા ફેલાવા માંડી હતી, તેવામાં એક ગરિબ પણ ભક્તિમાન બ્રાહ્મણના પુત્રે એક અદ્‌ભુત તપસ્વી અને સંન્યાસી તરિકે નિકળી આવીને પોતાના મહાન ઋષિમુનીઓના સત્યોપદેશને ભૂલી બેઠેલા ભારતવાસીઓ પ્રત્યે કહેવા માંડ્યું કે; ઇંદ્રિય સુખ એ કાંઈ માનવ જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય નથી. પ્રભુમય જીવન–આત્મામય જીવન એજ સર્વ પ્રાણીઓનું સાચું કલ્યાણ કરનારું જીવન છે. ”x [] જ્યાં સુધી હિંદ એવા શ્રીરામકૃષ્ણ જેવા પ્રબળ જ્ઞાની અને ચારિત્ર્યવાન એક પણ સાધુ ઉત્પન્ન કરશે, જ્યાં સુધી હિંદમાં સંન્યાસને માન આપવામાં આવશે અને લોકો પાશ્ચાત્યોના ખોટા અનુકરણમાં મોહિત થઈ જશે નહિ ત્યાં સુધી આ આપણી માતૃભૂમિ-આ પવિત્ર ભારતવર્ષ જગતમાં અમર રહેશે અને પૃથ્વી ઉપરની કોઈપણ પ્રજા તેનો નાશ કરી શકશે નહિ.

સર નારાયણ ચંદાવરકર આ વિષયમાં કહે છે કે; “જે ધર્મ કે સંસ્કૃતિમાં વૈરાગ્યનો જુસ્સો નથી તેનું નામજ ધર્મ કે સંસ્કૃતિ કહેવાયજ નહિ. કેટલાક એમ કહેનારા છે કે એ વૈરાગ્યવૃત્તિને લીધેજ હિંદ આવી માઠી દશામાં આવી પડેલું છે, પણ હું તો એમજ કહું છું કે સાધુ અને તેનું ભગવું કપડું તો ભારતવર્ષના પવિત્ર આત્માનાં સુચક ચિન્હો છે. એમને જોઈને મને યાદ આવે છે કે હિંદનું જીવન પ્રભુના ધ્યાનમાં અને આત્માના વિચારમાંજ ગળાયેલું છે. સાધુને જોઇને મને એમજ થાય છે કે આ જગતની સઘળી વસ્તુઓ નાશવંત છે અને માત્ર પ્રભુ અને તેનો પ્રેમ એજ સાચી વસ્તુઓ છે. જો કોઈપણ વસ્તુથી ભારતવર્ષનો બચાવ થશે તો તે વસ્તુ તેની વૈરાગ્યવૃત્તિ છે. એ વૈરાગ્યવૃત્તિ હિંદને ઘણું નુકશાન કરી રહેલી છે એમ ઘણાનું માનવું છે. પણ આપણે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરૂનો દાખલો લ્યો અને એ માન્યતામાં

કેટલું સત્ય છે તે તપાસો. ખરી સાધુતા-વૈરાગ્યવૃત્તિ શેમાં રહેલી છે તે જુઓ. જ્યારે હિંદ સાચી વૈરાગ્યવૃત્તિને સમજતું થશે અને તેનું પાલન કરતું થશે ત્યારેજ તે યુરોપની પ્રજાઓમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરશે."

સ્વામીજીનું જીવન જણાવે છે કે આપણે મહા તપસ્વી ઋષિમુનિઓનાં બાળક અને તેમણે મૂકેલા આધ્યાત્મિક ખજાનાના સીધા વારસ છીએ. તેમનો અદ્ભુત પ્રાચીન મહિમા, ભવ્યતા, કીર્તિ અને ગૌરવ એ સર્વના આપણે ખાસ હક્કદાર છીએ. તેમનું જીવન આપણને શાશ્વત યશ અને સુખની સમીપમાં લાવી મૂકે છે. તે આપણને અધમ વાસનાઓથી ઉંચે લઈ જાય છે અને સ્વર્ગીય ભાવનાઓનો સ્વાદ ચખાડે છે અને ઇંદ્રિયાતીત, મનોતીત અને બુદ્ધાતીત ભૂમિકાનું ભાન કરાવે છે.

સ્વામીજીના જીવને અને ચારિત્ર્યે આપણને આ બોધ આપ્યો છે કે, એમના જેવો આત્મત્યાગ, સહૃદયતા, ઉચ્ચ નીતિ અને નિઃસીમ સ્વદેશ પ્રીતિ, એ સર્વ બાબતો ધર્મ સિવાય પ્રાપ્ત કરી શકાશે નહિ. અને એ ઉંચા સદ્‌ગુણો ધારણ કર્યા વગર દેશોદયની આશા રાખવી ફોગટ છે. વિવેકાનંદ, રાનડે અને ગ્લાડસ્ટન જેવા મહાપુરૂષો પણ ધર્મના સેવનથીજ મહાપુરૂષો બની રહ્યા હતા. તેમના વખતનાં મનુષ્યો ઉપર તેઓ બહુજ ઉંડી અસર ઉપજાવી રહ્યા હતા; તેનું કારણ પણ એજ હતું કે તેમનું ચારિત્ર ધર્મના સિદ્ધાંતો ઉપર રચાયેલું હતું. કોઈપણ સમાજ કે દેશ એવા મનુષ્યો વગર ઉન્નત થઈ શકે નહિ. એવા મહાપુરૂષોનુ જીવન બહુજ આગ્રહપૂર્વક આપણને જણાવે છે કે આપણા જીવનની સઘળી પ્રવૃત્તિઓ ધર્મનાજ સિદ્ધાંતો ઉપર રચાયેલી હોવી જોઈએ. જો કદાપિ એમ માનવામાં આવે કે આ જગત માત્ર સ્વાર્થ બુદ્ધિ, આકસ્મિક બનાવો અને ભૌતિક જરૂરીઆતોથીજ ચાલી રહેલું છે તો પછી જીવન નૈતિક હેતુ વગરનું અને કેવળ નિરસ તેમજ પાપમયજ બની રહે. મુક્તિનો મહામંત્ર સ્વામી વિવેકાનંદે અખિલ વિશ્વને નીચેના શબ્દોમાં સમજાવ્યા છે:-

“ભેદબુદ્ધિજ સર્વ બંધન અને દુઃખનું મૂળ છે. વેદાન્ત કહે છે કે એ ભેદ મિથ્યા છે. વાસ્તવમાં એ ભેદનું અસ્તિત્વ જ નથી. એ તો માત્ર બાહ્ય દેખાવમાંજ છે. સઘળી વસ્તુઓનો આત્મા તો એકજ છે. ઉંડો વિચાર કરી જોશે તો તમને મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રીઓ અને બાળકો વચ્ચે, પ્રજાઓ અને પ્રજાઓ વચ્ચે, ઉચ્ચ અને નીચ, વચ્ચે, ગરિબ અને તવંગર વચ્ચે અને દેવતાઓ અને મનુષ્યો વચ્ચે એકતાજ જણાશે. વળી એથી પણ વધારે ઉંડા ઉતરશો તો જણાશે કે અન્ય પ્રાણીઓ પણ તમારાથી જુદાં નથી. એ ઉંડાણ સ્થિતિને (ઇંદ્રિયો અને અંતઃકરણથી પર દશાને) જેણે પ્રાપ્ત કરી છે તેજ દરેક વસ્તુસ્થિતિના ખરા સ્વરૂપને અને રહસ્યને સમજે છે. તેણે દરેક વસ્તુના મૂળરૂપ એક અખંડ પરમાત્મતત્ત્વને શોધી કહાડીને પોતાના આત્મારૂપે અનુભવ્યું છે કે જે તત્ત્વ નિત્ય સુખરૂ૫, નિત્ય જ્ઞાનરૂપ અને નિત્ય જીવનરૂપ છે. તેને સ્પૃહા, શોક, દુઃખ, અસંતોષ કે મૃત્યુ કશું નથી.

જેણે એ સર્વ વસ્તુસ્થિતિઓના મૂળ સ્વરૂપમાં-એ પરમ પવિત્ર અખંડ, અનામી, અરૂપી અને સર્વસ્વરૂપી આત્મામાં પ્રવેશ કરેલો છે તે મહાન જ્ઞાતા છે, તે મહાકવિ છે, તે જીવનમુક્ત છે, તે કૃત્યકૃત્ય છે. તે પૂર્ણ કામ છે. માટે ભેદબુદ્ધિને હણો, અનેકતાને ખ્યાલ કહાડી નાંખો. જે આ સર્વ દેખવા માત્ર અનેકતામાં એક પ્રભુનેજ જુએ છે; જે આ અનેક પ્રકારના પ્રતિત થતા સર્વ પદાર્થોમાં એકજ પરમાત્મ ચેતનને વિલસી રહેલું નિહાળે છે; જે આ માયાના મિથ્યા પ્રતિત થતા પ્રદેશમાં એ પરમ સત્યને જ જોઈ શકે છે તેને જ નિત્ય સુખ અને શાંતિ છે; બીજાને નહિ; બીજાને નહિ.’

एको वशी सर्वभूतान्तरात्मा
एक रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धोराः
तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥
नित्योऽनित्यानां चेतनश्चेतनानां
एको बहूनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥

કઠઉપનિષદ-અ-૨, વલ્લી-૨, મંત્ર ૧૨-૧૩.

આવાં આવાં જે પરમ હિતાવહ અનેક મહાન સત્યોને આપણું અનુપમ વેદાન્ત શિખવી રહેલું છે, તે સત્યોનું ભાન હિંદુ પ્રજાના હૃદયમાં ફરીથી જાગૃત થાઓ ! ॐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ


સમાપ્ત

  1. xપાશ્ચાત્યોના આંધળા અનુકરણથી અને બીજી અનેકવિધ ધાર્મિક તેમજ વ્યાવહારિક દુર્દશાઓથી અધોગતિના છેક ઉંડા ખાડામાં ભારતવર્ષને જ પડતું બચાવવાનું માન સ્વામી વિવેકનદને અને તેમના ગુરૂ તરિકે ભગવાન રામકૃષ્ણ પરમહંસને આપતી વખતે શ્રીરામકૃષ્ણનાજ સમયમાં અવતરેલા અને સ્વામી વિવેકાનંદની પૂર્વે ભારતવર્ષમાં અતિ અસામાન્ય કાર્ય બજાવનારા પરમપૂજ્ય, મહાન વિરાત્મા વિદેહ મુક્ત સ્વામી દયાનંદ સરસ્વતીનું નામ યાદ આવે એ સ્વાભાવિક છે. આ અદ્‌ભુત સંન્યાસીએ કડવા ઘુંટડા પાઇને પણ ભારતવાસીઓની જે અસામાન્ય સેવા બજાવી છે અને તેનો સમૂળો નાશ થતો અટકાવવા પાછળ જે શ્રમ વેઠ્યો છે તથા ઉમદા કાર્ય કરનારા બહાદુર સંન્યાસીઓ અને ગૃહસ્થોની જે પરંપરા ભારતવર્ષને આપી છે તેમજ ગુરૂકુળો, કન્યા મહા વિદ્યાલયો, અનાથાશ્રમો, શાળા પાઠશાળાઓ વગેરેની જે સંખ્યા એવા પુરૂષો ચલાવી રહેલા છે, તે સર્વ જોતાં આ પૂજ્ય પુરૂષનો મહિમા અહીં હમારે થોડા શબ્દોમાં કેવી રીતે કહેવો તે નથી સમજાતું અને તેથી તે આદર્શ સંન્યાસીના ગુણનું આ ટુંક સ્મરણજ અહીં આપીને તેમજ કંઈક ધાર્મિક મતભેદ જેવું હોવા છતાં પણ હૃદયના ઊંડા પૂજ્ય ભાવથી તેમના મહાન આત્માને વંદન કરીનેજ વિરમીએ છીએ.
    'અખંડ.'