સ્વામી વિવેકાનંદ/મહાસમાધિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બેલુર મઠમાં જીવન સ્વામી વિવેકાનંદ
મહાસમાધિ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ઉપસંહાર →


પ્રકરણ ૫૯ મું – મહાસમાધિ.

સ્વામી વિવેકાનંદ મહાસમાધિને પ્રાપ્ત થયા તે અગાઉ લગભગ દોઢેક વર્ષ સુધી મઠમાં જે જે બનાવો બન્યા તે સર્વે ઘણાજ રસમય અને અગત્યના હતા. તે સર્વેમાં સ્વામીજીનો આત્મા પરોવાઈ રહેલો જણાતો. સ્વામીજી બહાર વિચરતા તેના કરતાં મઠમાં તેઓ વધારે સ્પષ્ટ સ્વરૂપમાં દૃશ્યમાન થતા હતા; કેમકે સાધુ તરિકેનું ખરેખરું જીવન સ્વામીજી અહીં વધારે છુટથી ગાળી શકતા. જેમ જેમ તેમની મહાસમાધિના દિવસો પાસે આવતા ગયા તેમ તેમ તેઓ સંન્યાસની મહત્તા વધારેને વધારેજ દાખવતા ચાલ્યા.

સ્વામીજી પૂર્વ બંગાળા અને આસામ તરફ જઈ આવ્યા તે પછી તેમનું શરીર વધારે બગડતું ચાલ્યું. તેમને જલંદરનો વ્યાધિ થયા હતા. તેમના પગ પણ હવે ફુલી ગયા હતા અને તેથી ચાલતાં ઘણી મુશ્કેલી પડતી હતી. તેમની જીંદગીના છેલ્લા વરસમાં તેમને ફક્ત ત્રણ કે ચાર કલાકજ ઉંઘ આવતી અને તે પણ બરાબર નહિ. આટલું છતાં પણ સ્વામીજી એક ખરેખરા સંન્યાસીની માફક જરાક પણ ઉં કે ચું કર્યા વગર પોતાનું કાર્ય કર્યે જતા. મિત્રો અને સ્નેહીઓની મુલાકાત તેઓ લેતા અને તેમની સાથે ઘણાજ આનંદ અને જુસ્સાથી વાતચીત કરતા.

સને ૧૯૦૧ ના જુલાઈ અને ઑગસ્ટ માસમાં સ્વામીજી કાંઈક વધારે આરામ લઈ શક્યા અને તેથી તેમનું શરીર પણ કંઈક સુધર્યું. સાંજે અને સવારે હવે તે બહાર ફરવા જતા અને સાથે તેમના એકાદ બે ગુરૂભાઇઓ પણ જતા. કેટલીકવાર સ્વામીજી તેમની સાથે ગંભીર વિષય ઉપર વાતચીત કરતા, પણ ઘણુંખરું તો તે ગુરૂભાઈઓને પાછળ રાખી વિચારમાં ને વિચારમાં એકલાજ આગળ ચાલ્યા જતા. ગુરૂભાઈઓ પણ તેમના મનની સ્થિતિ સમજી જઈને તેમને એકલાજ ફરવા દેતા.

૧૯૦૧ ના ઓક્ટોબરમાં સ્વામીજીની તબીયત પાછી વધારે બગડી. કલકત્તાના પ્રખ્યાત ડૉ૦ સૉન્ડર્સને બોલાવવામાં આવ્યા અને તેમણે ભલામણ કરી કે સ્વામીજીએ કંઇ પણ કાર્ય કરવું નહિ. તબીયત છેક નાદુરસ્ત હોય ત્યાં સુધી સ્વામીજીને ના છુટકે પથારીમાં પડી રહેવું પડતું. તબીયત જરા ઠીક થવા આવતી કે તરતજ તેઓ કંઇને કંઈ કામ કરવા મંડી જતા. કોઈવાર તે જમીન ખોદતા તો કોઈવાર ફળ -પુષ્પાદિનાં ઝાડ રોપતા અને કોઇવાર બીજ વાવતા. કોઈવાર તે પલાંઠી વાળીને ધ્યાનમાં બેસતા તો કોઇવાર વેદોના મંત્ર બોલતા અને કોઇવાર કોઈ પુસ્તકનું વાંચન મનન કરતા જણાતા. તબીયત પુરેપુરી સુધરી રહેતાં સુધી પથારીમાં પડી રહેવું કે ઘરમાં બેસી રહેવું એ તેમને જરા પણ ગમતું નહિ. તેઓ વખતોવખત એકાંતમાં જઈ બેસતા અને ત્યાં ધ્યાનગ્રસ્ત થઈ જતા. જ્યારે તે કોઈ અમુક વ્રતના નિમિત્તથી અપવાસાદિનું પાલન કરતા ત્યારે તેમની ખુશીનો પાર રહેતો નહિ. તપ, સાધના અને અપવાસાદિના અનેક લાભો વિષે બહુજ આગ્રહ કરીને પોતાના શિષ્યને સમજણ આપતા અને તેટલાજ આગ્રહથી તે તેમની પાસે વ્રત અપવાસાદિનું પાલન પણ કરાવતા. એનાથી શરીરની શુદ્ધિ તો દેખીતી થાય છે અને શરીરની શુદ્ધિથી ચિત્તની શુદ્ધિમાં ઘણી જ અગત્યની સહાય મળે છે. આ શરીરની ચિત્તશુદ્ધિને લીધેજ મનુષ્ય અને પ્રજાઓ સંયમ, બળ, અને સત્યજ્ઞાનને પ્રાપ્ત કરી મોટાં મોટાં કામ કરવાને સમર્થ થઈ રહે છે. જે પ્રજા સંયમ વગરની છે તે કોઈ પણ દિવસ ઉદયને શિખરે ચ્હડી શકતી નથી. સ્વામીજીએ એ ફાયદાઓને જાતે અનુભવ્યા હતા અને તેથી કરીને તે તેમના શિષ્યો પાસે વ્રત, ઉપવાસાદિનું યથાર્થ પાલન કરાવતા હતા. શિવરાત્રિ જેવા દિવસોએ આખા દિવસ અપવાસ કરાવી દિવસ અને રાત્રિ ભજન કીર્તનમાંજ ગળાવતા.

સ્વામીજીનું આરોગ્ય બગડેલું રહ્યા કરવાથી તેમણે હવે કલકત્તાના કવિરાજ મહાનંદ સેન ગુપ્તની દવા કરવા માંડી. કવિરાજ સ્વામીજી પાસે સખત કરી પળાવતા. તે એટલે સુધી કે સ્વામીજીને તેમણે કેટલાક દિવસ સુધી પાણી પીવાની અને મીઠું ખાવાની પણ બંધી કરી હતી. વળી તેમને માત્ર અમુક સાદો ખોરાકજ ખાવો પડતો અને તે પણ થોડા પ્રમાણમાંજ. તેમ છતાં પણ સ્વામીજીની વિશાળ, ભવ્ય અને તેજસ્વી આંખોનું તેજ તેવું ને તેવુંજ હતું અને પહેલાંની પેઠેજ તે કામ કર્યા કરતા.

કવિરાજની દવા શરૂ કરતા પહેલાં થોડા દિવસ ઉપર તેમણે એનસાઈkલોપીડીઆ બ્રીટાનીકા વાંચવાનું શરૂ કર્યું હતું. એ પુસ્તકની એ સમયે જે નવી આવૃત્તિ બહાર પડી હતી તે એક પાશ્ચાત્ય શિષ્યે મઠની લાઇબ્રેરીમાં ભેટ તરિકે મોકલી હતી.

એક વખત સ્વામીજીને તેમના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી મળવાને આવ્યા અને એ પુસ્તકના પચીસ ભાગ ત્યાં પડેલા જોઈને બાલ્યાઃ “એટલાં બધાં પુસ્તકોમાં લખેલી બીનાઓને એક આખી જીંદગીમાં પણ યાદ ન કરી શકાય.” શિષ્યને ખબર ન હતી કે સ્વામીજીએ દસ ભાગ તો વાંચી નાંખ્યા હતા અને અગીઆરમો ભાગ ચાલતો હતો. સ્વામીજીએ જવાબ આપ્યો “અરે, એમ તે હોય? આ દસ ભાગમાંથી તું મને ગમે તે પૂછ.” શિષ્ય આશ્ચર્ય પામ્યો અને દસે ભાગ આમતેમ ઉથલાવી જઈને તેમાંના દરેક ભાગના અઘરા વિષયોમાંથી અકેક બબે પ્રશ્ન તેણે સ્વામીજીને પૂછ્યા. સ્વામીજીએ તરતજ તે વિષયનો સાર કહી બતાવ્યો, એટલું જ નહિ પણ ઘણાખરા સવાલોના ઉત્તર તો એમણે પુસ્તકમાંનો શબ્દે શબ્દજ બોલીને આપ્યો. પોતાના ગુરૂની વિલક્ષણ બુદ્ધિ અને અસાધારણ સ્મરણશક્તિ જોઈને શિષ્ય ચકિત થઈ ગયો અને પુસ્તકો વેગળાં મૂકી દઈને બોલી ઉઠ્યો “આ તો આશ્ચર્યની વાત ! મનુષ્યને માટે આટલી યાદદાસ્ત અશક્ય જ કહેવાય.” સ્વામીજી તરતજ જુસ્સાભેર બોલી ઉઠ્યાઃ “તમો લોકોની વિષયાસક્તિએજ એ આશ્ચર્ય અને અશક્યતાનાં ભૂત ઉભાં કરેલાં છે. મનુષ્ય જો સારી પેઠે બ્રહ્મચર્યનું પાલન કરે તો એકવાર પણ વાંચ્યું કે સાંભળ્યું હોય તે જીંદગી સુધી સ્મરણમાં રાખી શકે.” આ બ્રહ્મચર્યની ખામીને લીધે જ આપણે પ્રજા તરિકે વધારે વધારે નબળા અને બુદ્ધિહીન થતા જઈએ છીએ. વળી આપણા મનુષ્યત્વને ખોવા ઉપરાંત મનુષ્યત્વહીન કુરકુરીયાં એક પછી એક પેદા કરતા રહીને ભારતભૂમિનો ભાર વધાર્યા કરીએ છીએ.

સ્વામીજીના જીવનના છેલ્લા દિવસો અને ખાસ કરીને છેલ્લા બે મહિનાઓ દરમ્યાન તેમણે પોતાના સઘળા ગુરૂભાઈઓ અને શિષ્યોને એકઠા કરવા માંડ્યા. યુરોપ અને અમેરિકાદિ જગતના દૂરના પ્રદેશેમાંથી પણ અનેક પાશ્ચાત્ય શિષ્યો આવી પહોંચ્યા હતા. સ્વામીજીની તબીયત હવે વધારે નરમ ચાલતી હતી, પણ તેમનો અંત એટલો બધો જલદી આવશે એમ કોઈ ધારતું ન હતું.

જીંદગીના આ છેલ્લા દિવસોમાં સ્વામીજી મઠ વગેરેનાં કાર્યો તરફ ધ્યાન આપતા નહિ. લગભગ આખો દિવસ તે ધ્યાનગ્રસ્તજ રહેતા હતા. પોતાની મહાસમાધિના ત્રણ દિવસ અગાઉ ત્રીજે પહારે સ્વામીજીએ મઠની આસપાસની ખુલ્લી જગ્યામાં ફરતાં ફરતાં તેમની સાથેના માણસોને ગંગા નદીના કિનારા ઉપરની એક જગ્યા બતાવીને ગંભીરતાથી કહ્યું હતું કે, “જ્યારે હું શરીરનો ત્યાગ કરૂં ત્યારે એને ત્યાં દાટજો.” પાછળથી તેજ પ્રમાણે કરીને ત્યાં એક ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે.

મહાસમાધિ પૂર્વેના છેલ્લા અઠવાડીઆમાં બુધવારને દિવસે એકાદશી હોવાથી તે દિવસે સ્વામીજીએ કોરો અપવાસ કર્યો હતો. “તે દિવસે આગ્રહ કરીને પોતાના એક શિષ્યને તેમણે જાતેજ ખાવાનું પીરસ્યું અને જમી રહ્યા પછી જાતેજ પાણી રેડીને તેના હાથ ધોવરાવ્યા તથા એક રૂમાલ વડે લૂંછી નાખ્યા. સ્વાભાવિક રીતે જ બીજા શિષ્યોએ તે કામ કરવા ઇચ્છ્યું હતું, પણ સ્વામીજીએ જવાબ આપ્યો હતો કે, જિસસ ક્રાઈસ્ટે પોતેજ તેમના શિષ્યોના પગ ધોયા હતા. સને ૧૯૦૨ના જુલાઈની ૪ થી તારીખ તેમણે દેહત્યાગ માટે જાણે પ્રથમથી જ નક્કી કરી રાખી હતી.

જીવનના એ છેલ્લા દિવસે સ્વામીજી બહુજ ગંભીર દેખાતા હતા. હમેશ કરતાં એ દિવસે તે વધારે વહેલા ઉઠ્યા હતા. એ દિવસે તેમનું સઘળું કાર્ય બહુજ વિચારપૂર્વક થતું હોય તેમ લાગતું હતું. સવારમાં ચાહ પીધા પછી સ્વામીજી મઠના ઠાકુરઘરમાં ગયા અને ત્યાં આઠ વાગ્યાથી અગીઆર વાગતા સુધી સઘળાં બારીબારણાં અંદરથી બંધ કરીને ધ્યાનસ્થ રહ્યા.

પરમાત્મધ્યાનની એ ઉન્નત અને દિવ્ય અવસ્થા ભોગવ્યા પછી તેઓ સંપૂર્ણ જ્ઞાન અને ભક્તિથી ભજન ગાવા લાગ્યા. ભજન ગાતે ગાતે પણ તેમનો પુણ્યાત્મા પરમાત્મા પ્રેમનીજ મસ્તી અનુભવી રહેલો જણાવા લાગ્યો.

ઠાકુરધરમાંથી નીચે આવ્યા પછી સ્વામીજી મઠના વિશાળ ચોકમાં આમતેમ ફરવા લાગ્યા. આ વખતે તેમનું ચિત્ત કેવળ અંતર્મુખ થઈ રહ્યું હતું. તેમનું મન તદ્દન ઉન્નત અવસ્થાને ભોગવી રહ્યું હતું. આમતેમ ફરતાં ફરતાં મનમાં અનેક ઉચ્ચ વિચાર ચાલી રહ્યા હતા. વિચારોનું બળ એટલું પ્રબળ હતું કે વિચાર કરતાં મોઢેથી પણ કોઈ કોઈવાર કંઈક બોલી જતા હતા. તે વખતે સ્વામી પ્રેમાનંદ નજીકમાંજ ઠાકુરઘરના ઓટલા ઉપર ઉભા હતા. વિચારમાંને વિચારમાં સ્વામીજી એટલું માટેથી બોલતા હતા કે તેમના બધા શબ્દો સ્વામી પ્રેમાનંદ સાંભળી શકતા હતા. સ્વામીજી એકવાર બોલ્યા કે "બીજો વિવેકાનંદ હોય તોજ આ વિવેકાનંદને સમજી શકે, પણ ફિકર નહિ, વખત જતાં કેટલાએ વિવેકાનંદ જન્મશે."

હવે સ્વામીજીએ સ્વામી શુદ્ધાનંદને લાઈબ્રેરીમાંથી શુક્લ યજુર્વેદ લાવવાનું કહ્યું. શુદ્ધાનંદ તે લઈ આવ્યા એટલે સ્વામીજીએ તેમને सुषुम्ण: सूर्यरश्मि: શબ્દોથી શરૂ થતો મંત્ર કહાડવાનું કહ્યું. શિષ્ય તે શ્લોક તથા તેના ઉપરનું ભાષ્ય વાંચવા લાગ્યો. તેણે થોડું ભાષ્ય વાંચ્યું એટલે સ્વામીજી બોલી ઉઠ્યા: “આ ભાગ વિષે જે સમજુતી આપવામાં આવેલી છે તે મારા મનને ઠીક લાગતી નથી.” પછીથી સ્વામીજીએ “સુષુમ્ણા” નો અર્થ સમજાવ્યો. અહીંઆ તેનો અર્થ “બીજ અથવા પાયો” થાય છે અને તંત્રોમાં તેનો અર્થ "સુષુમ્ણા” નાડી કરેલો છે એમ દર્શાવ્યું અને કહ્યું કે, “તમારે એ શ્લોકોનો બરાબર અર્થ તમારી મેળેજ શોધી કહાડવો જોઇએ.” તે દિવસે બપોરનું ભોજન જમ્યા પછી તે બ્રહ્મચારીઓની ઓરડીમાં ગયા અને તેમને સંસ્કૃતના વર્ગમાં આવવાનું કહ્યું. વર્ગમાં સંસ્કૃત વ્યાકરણ-ખાસ કરીને લઘુકૌમુદી શિખવાતું હતું. તે વર્ગમાં શિખનાર એક જણ લખે છે કે; “શિક્ષણ ત્રણ કલાક સુધી ચાલ્યું; પણ તે જરા કંટાળો આપે તેવું ન હોતું; કારણકે સ્વામીજી તેમના હંમેશના સ્વભાવ પ્રમાણે વચ્ચે વચ્ચે હાસ્યજનક વાર્તાઓ કહેતા અને વારંવાર ટોળ કરતા. કોઈવાર તે કોઈ સુત્રના શબ્દો ઉપર હાસ્યજનક ટીકા કરતા અને કોઈવાર કોઈ શબ્દોનો બીજો અર્થ કરીને હસતા અને તેથી તે શબ્દ વધારે યાદ રહેતો.” વ્યાકરણ શિખવ્યા પછી સ્વામીજી કંઈક થાકી ગયેલા દેખાતા હતા. થોડીવાર પછી સ્વામીજી સ્વામી પ્રેમાનંદની સાથે બહાર ફરવાને ગયા અને લગભગ બે માઈલ સુધી ચાલ્યા. ઘણા દિવસથી તે ચાલી શકતા ન હતા, પણ એ દિવસે તે એટલું ચાલ્યા હતા. એ દિવસે તે ઠીક તંદુરસ્ત અને સશક્ત દેખાતા હતા.

બહાર ફરીને આવ્યા પછી સ્વામીજી કહેવા લાગ્યા કે તેમને તેમનું શરીર ઘણુંજ હલકું લાગે છે. થોડીકવાર વાત કર્યા પછી તે પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તે ધ્યાનમાં બેઠા અને પોતાના એક શિષ્ય પાસે માળા મંગાવીને જપ કરવા લાગ્યા. લગભગ એકાદ કલાક સુધી ધ્યાન અને જપ કર્યા પછી તેઓ જમીન ઉપર પથારીમાં સુઇ ગયા અને પેલા શિષ્યને અંદર બોલાવીને પંખાવડે મસ્તક ઉપર વા નાખવાનું કહ્યું. હજી પણ તેમના હાથમાં માળા હતી. શિષ્યને લાગ્યું કે સ્વામીજી જરાક આડા થયા હશે. થોડીક વાર પછી તેમનો હાથ જરા ધ્રુજવા લાગ્યો અને લગભગ નવ વાગ્યાને સુમારે એકદમ બેવાર દીર્ઘ્ શ્વાસ લઈને ધ્યાનાવસ્થાને પ્રાપ્ત થયા. શું થયું તે પેલો શિષ્ય સમજી શક્યો નહિ. તેણે એક વૃદ્ધ ગુરૂભાઈને બોલાવ્યા અને તેમની પાછળ બીજા સંન્યાસીઓ પણ આવ્યા. સંન્યાસીઓએ તેમની નાડી તપાસી પણ તે બંધ પડી ગયેલી જણાઈ. તેઓ સમાધિમાં હશે એમ જાણીને શ્રીરામકૃષ્ણનું નામ તેમના કાન આગળ મોટેથી ઉચ્ચારવામાં આવ્યું, પણ કંઈજ જણાયું નહિ. પછીથી એક પ્રખ્યાત દાક્તરને બોલાવવામાં આવ્યા અને તેણે કૃત્રિમ રીતે શ્વાસ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કર્યો, પણ તે મિથ્યા ગયો. જીર્ણ થયેલાં વસ્ત્રને ત્યજી દેવામાં આવે તેમ સ્વામીજી હવે શરીરને ત્યજી દઈ સદાને માટે બ્રહ્મલીન થઈ ચૂક્યા હતા. આ પ્રમાણે જગતના આધ્યાત્મિક વાતાવરણમાં પોતાની શાંત પણ અતિ પ્રબળ પ્રભાને પ્રસારતો ભારતવર્ષનો આ અતિ તેજસ્વી તારો સ્થૂળભાવે હવે સદાને માટે અદૃશ્ય થઈ ગયો. એક મહા યોગી, મહા ઉપદેશક, નેતા, સ્વદેશ ભક્ત સાધુ, લેખક, વકતા અને જનસમાજના નિઃસ્વાર્થ કાર્યકર્તા, જગતમાં આવીને થોડાંજ વર્ષોમાં અતિ ઉજ્જ્વળ અને અચળ કીર્તિને પ્રાપ્ત કરનાર દિવ્યાત્મા હવે શરીરનું બંધન છોડીને ચાલ્યો ગયો. અનુપમ અધ્યાત્મ વિદ્યાને દેશ દેશની પ્રજા સમક્ષ આલાપિ રહેલો દેવતાઈ મધુર સ્વર હવે સદાને માટે બંધ પડી ગયો. દસ વર્ષ સુધી પશ્ચિમની પ્રજાઓની સમક્ષ પ્રભુનો મહિમા ગાઈ ગાઈને તેમના દિવ્યાત્માને જાગૃત કરી રહેલો અલૌકિક ગવૈયો હવે માનવની દૃષ્ટિ મર્યાદામાંથી સદાને માટે અદશ્ય થયો. જે પુણ્યાત્માએ ભર યુવાનીમાં સંસારની સઘળી લોભ લાલચોનો ત્યાગ કર્યો અને સંસારીઓને પ્રાણપ્રિય એવી વસ્તુઓને તુચ્છકારી, જેણે સંન્યાસીનું કમણ્ડલુ હાથમાં ધર્યું અને પંજાબથી કેપ કોર્મોરિન સુધી પ્રવાસ કર્યા પછી વિશુદ્ધ આર્યતત્વજ્ઞાનનો જગતની પ્રજાઓને લાભ આપવાને તથા ભારતવર્ષનો મહિમા ગાઈ તેનું ગૌરવ વધારવાને માટે સમુદ્રતટ ઓળંગી જેણે પરદેશમાં પર્યટણ કર્યું, તે પુણ્યાત્મા હવે સ્વરૂપસ્થ થયો. ૧૯૦૨ ના જુલાઈ માસની ૪ થી તારિખે શ્રી શંકરાચાર્ય સમોબલીષ્ઠ આ અદ્વૈતનો આચાર્ય, આ ગરિબ અને દુઃખીનો બેલી આ જનસમાજનો ઉદ્ધારક પોતાના નશ્વર દેહને ત્યજીને ચાલ્યો ગયો. તે દિવસે ભારતવર્ષે વેદાન્તનો ભગવો ઝુંડો જગતમાં ફરકાવનાર, શાંતિ અને આત્મજ્ઞાનને પ્રસારનાર શ્રી રામકૃષ્ણના પટ્ટશિષ્યને ખોયો. રામકૃષ્ણ મિશનનો સ્થાપનાર, ગુરૂભાઈઓનો નેતા, હિંદુ પ્રજાનું વ્હાલું રત્ન અને આર્યાવર્તતો મહાબુદ્ધિશાળી અને જગવિખ્યાત પુત્ર તે દિવસથી નજરે પડતો બંધ થયો.

સ્વામીજીના દેહાવસાનના સમાચાર વીજળી વેગે કલકત્તામાં, હિંદુસ્થાનમાં તેમજ યૂરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયા. બીજે દિવસે સવારે લોકોનાં ટોળે ટોળાં મઠ તરફ આવવા લાગ્યાં. અનેક ગાડીઓ મઠ તરફ જવા લાગી. પવિત્ર જાન્હવીને રસ્તે નૌકાઓ દ્વારા તેમજ આગબોટો દ્વારા અસંખ્ય મનુષ્યો આવીને મઠ આગળ ઉતરવા લાગ્યાં. સ્વામી વિવેકાનંદનું શરીર હજી તેવીને તેવીજ સ્થિતિમાં હતું. જે ઓરડીમાં એકાદ દિવસ ઉપરજ નિર્દોષ આનંદ વ્યાપી રહ્યો હતો, જેમાં અમૃત જેવી મિષ્ટતા સદાએ વાસ કરી રહી હતી અને જ્યાં બ્રહ્મનિષ્ઠ સ્વામિજીની અસ્ખલિત વક્તૃત્વધારા ચાલી રહેતી હતી, ત્યાં શુન્યકારની વચમાં તેમનું શબ પડેલું જણાતું હતું. આ દેખાવ જોઈને ત્યાં આવેલા મનુષ્યો ઉપર જે હૃદય વેધક અસર થઈ રહી હતી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. સ્વામીજીના મુખાર્વિંદ તરફ જોઇને એક જણે તો ત્યાં ને ત્યાં જ ભારતવર્ષની સેવામાં જીવનને વ્યતીત કરવાની પ્રતિજ્ઞા લીધી.

વિદ્વાન દાક્તરોનો અભિપ્રાય વિરૂદ્ધમાં હોવા છતાં પણ મઠના સાધુઓ એવી ગાંડી આશા રાખતા હતા કે હજી પણ સ્વામી વિવેકાનંદ શુદ્ધિમાં આવશે. જેથી કરીને સ્વામીજીના શબને તેમણે બીજા દિવસના બપોર સુધી રાખી મૂક્યું. છેવટે જ્યારે તેમની ખાત્રી થઈ ત્યારે પછી સર્વ આશા મૂકી દઈને તેઓએ અગ્નિદાહ કરવાની તૈયારી કરવા માંડી. સર્વત્ર ધૂપ કરવામાં આવ્યો. મઠની આસપાસની ભૂમિ ઉપર લોકોની મોટી ઠઠ જામી હતી. શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના નામનો જયઘોષ આકાશમાં ઉપરા ઉપરી ગરજી ઉઠીને પવિત્ર ગંગાને સામે કિનારે પહોંચવા લાગ્યો અને ત્યાંનાં ગામ, દેવાલયો અને ઠેઠ દક્ષિણેશ્વરના મંદિર સુધી તે સંભળાવા લાગ્યા. સર્વ કોઈ હવે છેલ્લીવારનાં સ્વામીજીના દેહનાં દર્શન કરવા લાગ્યા.

ત્રીજા પહોરે સ્વામીજીના શબને નીચે ઉતારીને ઓસરીમાં પધરાવવામાં આવ્યું. એક કપડા ઉપર પગલાં પાડી લીધા પછીથી આરતી કરવામાં આવી. મંત્રોચ્ચાર થઈ રહ્યો. શંખનાદ ચોતરફ ગાજી રહ્યો. ઘંટનો અવાજ સંભળાયો. સર્વત્ર પવિત્રતા અને આધ્યાત્મિકતાનું વાતાવરણ છવાઈ રહ્યું. પછી કેટલાકે નમન કર્યું. કેટલાક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા અને સઘળા શિષ્યો પોતાના વ્હાલા ગુરૂનો ચરણ સ્પર્શ કરી રહ્યા. આખરે શબને ઉંચકવામાં આવ્યું અને "જય શ્રીગુરૂ મહારાજકી જય ! જય શ્રી સ્વામીજી મહારાજકી જય” ના પોકારો ગગન સુધી પહોંચી રહ્યા. શબને ફૂલના હાર અને પુષ્પોથી આચ્છાદિત કરવામાં આવ્યું હતું. સર્વે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા અને મઠની આસપાસના મોટા મેદાનમાં થઈને તેઓ એક બિલ્વવૃક્ષ આગળ આવી પહોંચ્યા. જ્યાં આગળ સ્વામીજીએ બતાવ્યું હતું ત્યાં ચંદનનાં કાષ્ટથી ચિતા ખડકવામાં આવી અને તેના ઉપર શબને પધરાવી અગ્નિ ચેતાવવામાં આવ્યો. સાયંકાળે જ્વાળાઓ મંદ પડવા લાગી અને એ બળીને ભસ્મ થઈ ગયું. સાધુએાએ ચિતા ઉપર પવિત્ર ગંગાજળ છાંટીને તેને ઠંડી કરી.

બીજે દિવસે પવિત્ર ભસ્મને એકઠી કરવામાં આવી. તેને હજી સુધી પણ ઘણીજ પૂજ્ય બુદ્ધિથી સંભાળી રાખવામાં આવી છે. અગ્નિદાહના સ્થળ ઉપર એક સુંદર મંદિર બાંધવામાં આવ્યું છે અને તેની વચમાં એક સુંદર વેદી ઉપર સ્વામીજીની સુંદર પ્રતિમા પધરાવેલી છે. આ સ્થળમાં બેસીને મઠના વૃદ્ધ અને યુવાન સાધુઓ પ્રાર્થના તથા ધ્યાન કરે છે.