સ્વામી વિવેકાનંદ/બેલુર મઠમાં જીવન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સેવાશ્રમોની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી સ્વામી વિવેકાનંદ
બેલુર મઠમાં જીવન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
મહાસમાધિ →


પ્રકરણ ૫૮ મું – બેલુર મઠમાં જીવન.

પૂર્વ બંગાળામાં ફરી આવ્યા પછી સ્વામીજીનું શરીર ઘણુંજ નાદુરસ્ત થઈ રહ્યું હતું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોનોની બહુજ આગ્રહ ભરી વિનંતિથી સ્વામીજીએ હવે બહાર ગામ જવાનું કે જાહેર ભાષણો આપવાનું છોડી દીધું અને બેલુર મઠમાંજ રહેવા લાગ્યા. તેમના ગુરૂભાઈઓ તેમનું શરીર સુધારવાના અનેક પ્રયાસ કરવા લાગ્યા; પરંતુ આવી અવસ્થામાં કોઈ કોઈવાર મઠમાંના સંન્યાસીઓના અભ્યાસ તેમજ ચર્ચા વગેરેમાં ભાગ લઈને તેમને પોતાના પરમહિતાવહ સમાગમનો લાભ આપવાનું ચૂકતા નહિ. કોઈ કોઈવાર તે એકલાજ બેઠા બેઠા ભજન ગાયા કરતા અને કોઈ શિષ્યો આવી પહોંચતા તો તેમને ભજન ગાવાનું કહેતા.

એકવાર શરદચંદ્ર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે; “આત્માની અંદર કેવી અખૂટ શક્તિ ભરેલી છે ? 'હું પામરથી શું થઈ શકે ?" એવા વિચારો કરવાથીજ આજે તમે ખરેખર પામર અને વીર્યહીન બની ગયેલા છો. ખાસ કરીને તમારેજ માટે હું આ વાત નથી કહેતો. આખી હિંદુજાતિને એ ચેપ લાગેલો છે. એકવાર દરિયાપારના દેશોમાં જાવ અને જુઓ કે ત્યાંના લોકોનો જીવનપ્રવાહ કેવા વેગથી વહી રહેલો છે. પછી તમારા દેશ તરફ નજર કરી સ્થિતિ કેવી છે તે જુઓ. આટલાં બધાં વર્ષ ભણવાની મગજમારી કરવા છતાં પણ ભિખારીની માફક તમે બીજાઓ પાસે જઈને ઉભા રહો છો અને કહે છો કે “નોકરી આપો ! નોકરી આપો !” એવા કાલાવાલા કરવા સિવાય અને નોકરી માગવા સિવાય તમો લોકોને બીજું કાંઈજ સૂઝતું નથી. બીજાઓની ઠોકરો અને જોડાં ખાઈને તમે મનુષ્યત્વ સુદ્ધાં પણ ગુમાવી બેઠા છો. વળી ખરૂં પૂછો તો તે એક પાઈ જેટલી પણ હવે તમારી કિંમત રહી નથી. આવો ફળફુલથી લચી પડતો સુંદર દેશ તમને મળ્યો છે અને બીજા દેશો કરતાં સેંકડો ગણાં અનાજ અને ફળફુલ ઉત્પન્ન કરી આપે એવી કુદરત તથા ઋતુઓ તમને પ્રાપ્ત થયેલી છે તો પણ અન્ન અને વસ્ત્રો માટે તમારે હાય હાયજ કર્યા કરવી પડે છે. એકવાર જે દેશનાં અન્ન અને જ્ઞાન જગતના સમસ્ત દેશોમાં પ્રસરી રહ્યાં હતાં તેજ દેશની આ તે કેવી દુર્દશા ! તિરસ્કાર પામેલાં કૂતરાંઓ કરતાં ૫ણ અધિક દુર્દશા થવા છતાં હજી પણ તમારી આંખો કેમ ઉધડતી નથી ? આટલું આટલું વીતવા છતાં પણ તમે હજી તમારા ધર્મ કર્મની મોઢાની બડાઈ હાંકવામાંથી નવરાજ થતા નથી. જે જાતિ પોતાને હાથે પોતાનાં સામાન્ય અન્ન વસ્ત્રને પણ મેળવવા જેટલી જોગવાઈ કરી શકતી નથી અને જેને નજીવી વસ્તુઓ માટે બીજાના મુખ સામે જોયા કરવું પડે છે તેને તે વળી બડાઈ હાંકવા જેવું શું હોય ? તમારાં એ મોઢાનાં ધર્મકર્મને હવે ગંગામાં વહેતાં મૂકી દો અને સૌ પહેલાં જીવનસંગ્રામમાં આગળ વધો. ભારતદેશમાં કેટલી કેટલી વસ્તુઓ થાય છે ? વિદેશી પ્રજા તમારા જ દેશમાંથી કાચો માલ લઈ જાય છે અને તમારાજ પ્રતાપે સોનું કમાય છે. તમને ગુલામની માફક ભાર ખેંચ્યા કરવા સિવાય બીજું સૂઝતું જ નથી. તમે લોકો બુદ્ધિની આડાં બારણાં વાસીને ઘરનું ધન બીજાઓને આપી દો છો અને પછી અન્ન અન્ન કરતા ભુખ્યા ટળવળો છો.”

ખરેખર સ્વામીજીનું ચારિત્ર્ય અને કથન શિક્ષણની શાળા હતી, નીતિની તે માળા હતી અને પ્રેમનું તે શ્રેષ્ઠ સ્વરૂ૫ હતું. તે શિક્ષણ સ્વદેશાભિમાનની સાક્ષાત મૂર્તિ હતી અને બ્રહ્મચર્યનો પૂર્ણ પ્રતાપ તે દર્શાવતું હતું. ચારિત્ર્ય, ચારિત્ર્ય, મનુષ્યત્વ, મનુષ્યત્વ, બસ શ્રેષ્ઠ મનુષ્યત્વને પ્રાપ્ત કરો, એમજ તે શિક્ષણ કહી રહ્યું હતું. કર્મ, યોગ, ભક્તિ, લોકસેવા અને તત્વજ્ઞાન સર્વને તેમના શિક્ષણમાં પુરતું માન મળતું. અવતારવાદ શ્રીરામકૃષ્ણનો જીવનસંદેશ, સંયમ, સમાધિ, બ્રહ્મસાક્ષાત્કાર, પ્રભુકૃપા, ઇશ્વરની સર્વવ્યાપકતા, વૈદિક ઋષિઓની મહત્તા અને શ્રીરામકૃષ્ણ, હનુમાનાદિની પૂજા અને તે પૂજાથી પ્રાપ્ત થતાં સામર્થ્ય અને નિડરતા, વગેરે વિષયો એક વખત ચર્ચાતા તો બીજી વખત ભૂતદયા, મનુષ્યપ્રેમ, ભારતવર્ષમાં ગરિબોની સ્થિતિ સુધારવાના ઉપાયો, સ્ત્રી કેળવણી, ઔદ્યોગિક કેળવણી, વગેરે વ્યાવહારિક ઉન્નતિના વિચાર અને યોજનાઓ સર્વેના મનમાં ઠસાવાતી. ટુંકામાં કહીએ તો સ્વામી વિવેકાનંદના શિક્ષણમાં આખો હિંદુધર્મ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર અને ભારતવર્ષના ઉદયને લગતી અનેક બાબતો અને યોજનાઓનો સમાવેશ થતો હતો.

કોઈવાર સ્વામીજી રસોઇ ઉપર દેખરેખ રાખતા અને કોઈવાર પોતે પણ કેટલીક વસ્તુઓ કરીને સર્વેને જમાડતા. સ્વામીજી ઘણી સારી રસોઈ બનાવી જાણતા, પોતાના શિષ્યોને તે કળા શીખવતા. કોઈ કોઈવાર આધ્યાત્મિક વિચારોથી સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહેતો. આ પ્રસંગે તેમની આકૃતિ કેવી સુંદર, ભવ્ય અને મધુર દેખાતી હતી તે વાત તેમની પાસે રહેવાને જેઓ ભાગ્યશાળી થયા છે તેઓ જ જાણે છે. ઘડીકમાં સ્વામીજી ઘણા જ આનંદી જણાતા તો ઘડીકમાં આત્માપરમાત્માના કે હિંદના ગંભીર વિચાર કરતા જણાતા. એકવાર એક વિચારને દર્શાવતા તો બીજી વખતે તેનાથી વિરૂદ્ધ વિચારને પ્રતિપાદન કરીને દરેક વિષયની બંને બાજુઓ તે શિષ્યોની આગળ ખડી કરતા અને છેવટે તેનો ખરો નિર્ણય સમજાવી સમાધાન કરતા. કોઈવાર તે નિસ્પૃહી સાધુ જેવા દેખાતા તો કોઇવાર ચુસ્ત સ્વદેશભક્ત કે મોટા પંડિત જેવા માલમ પડતા. તેમનું શરીર વ્યાધિગ્રસ્ત થઈ રહ્યું હતું, પણ વ્યાધિ તેમના મનને કે બુદ્ધિને સ્પર્શ કરી શકતો ન હોતો.

સ્વામીજીની સંનિધિમાં તેમના શિષ્યો એક પ્રકારનું અલૌકિક બળ અનુભવતા. મઠના કેટલાક સાધુઓ તો તેમને મહાદેવનો અવતારજ ગણતા. તેમના તેજસ્વી મુખારવિંદ તરફ તેઓ આશ્ચર્યથી નજર કરી જોઈ રહેતા. સ્વામીજીનું જીવન કેવું સાદું હતું ! તેમને જો મોજમઝાહમાં રહેવું હોત તો તેમના પાશ્ચાત્ય શિષ્યોએ તેમની આગળ જે જોઇએ તે આણીને મૂકી દીધું હોત. તેમના અંગ્રેજ અને અમેરિકન શિષ્યો મોટા ધનાઢ્ય હતા અને સ્વામીજીની ઈચ્છા હોત તો તેમણે તેમને રાજ્યવૈભવમાં પણ રાખ્યા હોત; પરંતુ સ્વામીજી ખરેખરા સંન્યાસી હતા. બાહ્ય વૈભવને તે ધિક્કારતા અને પાશ્ચાત્યોના ઠાઠ અને મોજશોખને તે વખોડતા, મઠની બહાર આવેલા એક મોટા આંબાના ઝાડ નીચે તે એક સાદા કેનવાસના ખાટલા ઉપર બેસીને પુસ્તકો, લેખો, પત્રો વગેરે લખતા, અધ્યયન કરતા અને બોધ આપતા.

બેલુર મઠનું મકાન ભવ્ય અને મોટું છે. તેમાં બીજે માળે ખુણા ઉપર એક વિશાળ ઓરડી આવેલી છે. એ ઓરડીમાં સ્વામીજી સૂતા. તેમાં પેસતાં ખુણામાં એક મોટો આયનો મૂકેલો જણાતો અને એક બાજુએ ભગવાં વસ્ત્રો ટાંગેલાં દેખાતાં. વચમાં એક પલંગ પડેલો માલમ પડતો, પણ સ્વામીજી તેને વાપરતા નહિ. એતો હમેશાં જમીન ઉપરજ સાદી પથારીમાં સૂતા. એ પલંગ તેમના એક અંગ્રેજ શિષ્યે ભેટ તરિકે આપેલો હતો. આગળ જતાં એક નાનું ટેબલ નજરે આવતું. તેના ઉપર ખડીઓ, કલમ, કાગળો વગેરે પડેલું જણાતું. એક બાજુએ મૃગચર્મનું આસન નાંખેલું જણાતું. તેના ઉપર બેસીને સ્વામીજી ધ્યાન કરતા. ઓરડીની મધ્યમાં ભગવાન શ્રીરામકૃષ્ણની એક મોટી ભવ્ય છબી મૂકવામાં આવેલી હતી. વારંવાર છબીની સામે તે ઘણા પ્રેમ અને પૂજ્યભાવથી જોતા. ઓરડીમાંની બીજી બધી વસ્તુઓમાં તે છબીજ તેમને સૌથી વધારે આકર્ષક લાગતી હતી. એ ઓરડીમાં બેસીને ઘણીવાર લખતા, વાંચતા, બોધ આપતા, મુલાકાત લેતા અને ધ્યાન ધરતા. એક પ્રકારની અલૌકિક પવિત્રતા એ ઓરડીમાં વ્યાપી રહેતી. એ ઓરડીમાં જ તેમણે છેલ્લી મહાસમાધિ લીધી હતી. આજે પણ તે ઓરડી તેમાંની વસ્તુઓ સહીત જેવીને તેવી રાખવામાં આવેલી છે અને તેમાં પેસતાંજ અલૌકિક શાંતિ, શુદ્ધિ અને વૈરાગ્ય અનુભવાય છે. હજી પણ હજારો મનુષ્યો ઘણાજ પુજ્યભાવથી એ પવિત્ર સ્થાનનાં દર્શન કરવાને આવે છે.

સ્વામીજી હમેશાં સાદા અને ભોળા સ્વભાવના હતા. મઠમાં તે સર્વેના નેતા હતા, પણ તે કોઇને આજ્ઞા કરતા નહિ. સર્વે તેમના ચારિત્ર્યથીજ આકર્ષાઈને આજ્ઞાંકિત્ બની રહેતા. તે હમેશાં પોતાના શિષ્યો અને ગુરૂભાઈઓ સાથે ભળતા, હળતા, તેમની સાથે ભજનકીર્તન કરવાને બેસી જતા, ઉત્સવના દિવસોમાં સૌની સાથે ઉત્સવમાં ભાગ લઈ અનેક વાદ્યો વગાડતા અને કલાકોના કલાકો સુધી ભજનો લલકારતા. કોઈ કોઈવાર તે પોતાના ગુરૂભાઈઓ સાથે ગમ્મત પણ કરતા અને તેમની મશ્કરી કરીને ખુબ હસતા. કોઈવાર તે તેમને ઠપકો આપતા પણ બીજાની આગળ તો સર્વદા તેમનાં વખાણજ કરતા.

સ્વામીજી સવારમાં વહેલા ઉઠતા અને મઠના જે સાધુઓ ઉંઘતા હોય તેમને પણ જગાડતા. મઠના નિયમોને તે બરાબર પાળતા અને સૌની પાસે તેમનું સખત પાલન કરાવતા. મઠના બગીચાની અને મઠમાં રાખેલી ગાયોની કેવી સંભાળ લેવાય છે તેની પણ તેઓ દેખરેખ રાખતા અને સાદામાં સાદી નજીવી બાબતો ઉપર પણ તેઓ કાળજીભરી સંભાળ રાખતા.

જાનવરોને સ્વામીજી ઘણુંજ ચ્હાતા. મઠમાં તેમણે અનેક પ્રકારનાં જાનવરો એકઠાં કર્યાં હતાં. તેમની પાસે એક કૂતરો હતો. તેને તે જ "વાઘ” કહેતા અને એક બકરી હતી, તેને તે “હંસી” કહીને બોલાવતા. વળી તેમણે કેટલીક ગાય, ઘેટાં, બતક, ડુક્કર, એક હરણ અને એક બગલું મઠમાં રાખ્યાં હતાં. એક ઘેટાના બચ્ચાને ગળે તે નાની નાની ઘંટડીઓ બાંધતા અને મઠમાં સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તે ઘેટાનું બચ્ચું તેમની પાછળ જતું. અમેરિકાની પરિષદમાં વિજય મેળવનાર સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને મઠમાં અનેક મનુષ્યો આવતા અને તેઓ યૂરોપાદિ દેશોને વેદાન્તના બોધથી ધ્રુજાવી મૂકનાર એ મહા પ્રતાપી વીર સાધુને એ ઘેટાના બચ્ચાની સાથે ખેલી રહેલા અને તેને રીઝવવાને પાંચ વર્ષના બાળકની માફક આમતેમ દોડાદોડી કરી રહેલા જોતા. તેમનો આવો આનંદી અને સાદો સ્વભાવ જોઈને તેઓ ઘણુંજ આશ્ચર્ય પામતા અને તેમના તરફ વધારે પૂજ્યભાવ દર્શાવતા. જાનવરને બરાબર ખવરાવ્યું છે કે નહિં અને તેમનાં સ્થાન સ્વચ્છ છે કે નહિ તેની પણ તે તપાસ રાખતા. કોઈવાર સ્વામીજી પોતાનાં વ્હાલાં જાનવરો સાથે વાતો કરતા જણાતા. તે ગમ્મતમાં કહેતા કે “માત્રી” તો મારી પેલા અવતારની સગી છે. એ બચ્ચાને જ્યાં ફાવે ત્યાં બેસવા ઉઠવાની છૂટ હતી. સ્વામીજીના ખાટલા ઉપર તે સુતું. કોઈ કોઈવાર સ્વામીજી “હંસી” પાસે જતા અને જાણે તે તેમનું કહ્યું કરતી હોય તેમ તેની પાસે રહીને ચ્હા માટે થોડું દૂધ માગતા અને તેને દોહતા. વાંચકને કહેવાની જરૂર નથી કે સ્વામીજી ગાયો, ભેંસો, બકરીઓ વગેરેને દોહવામાં પણ ઘણાજ કુશળ હતા. ઉંચામાં ઉંચા જ્ઞાનની સાથે તેમણે વ્યવહારનાં પણ ઘણાં કાર્યોમાં કુશળતા મેળવી હતી. બ્રહ્મજ્ઞાન અને વ્યવહારકુશળતાનો અપૂર્વ યોગ તેમણે તેમના જીવનમાં સાધ્યો હતો. એની સાથે તેમના જીવનમાં ઉપર  જણાવ્યા જેવી સાદાઈ, કાળજી, બાળચેષ્ટા અને નિરાભિમાનતાનો સુયોગ થયેલો હતો. હાલની પાશ્ચાત્ય કેળવણી લઈ પોતાને સુશિક્ષિત માની ઈશ્વરશ્રદ્ધા, વ્યવહારકુશળતા અને સાદાઈને તુચ્છ ગણી મોજશોખમાંજ જીવનને વ્યતીત કરનારા યુવકો કેવા દયાપાત્ર છે એ અહીં વર્ણવી બતાવવાની જરૂર નથી.

પોતાના મઠમાં સ્વામીજીને ઘણીજ સ્વતંત્રતા લાગતી; કેમકે અહીંઆં તે પોતાની મરજી પ્રમાણે હરફર કરી શકતા હતા. કોઈવાર ઉઘાડે પગે, કોઈ વાર એકલી કૌપીનજ ધારણ કરીને તો કોઈવાર તે એકાદ નાનું ભગવું વસ્ત્ર કેડથી ઘુંટણ સુધી વીંટીનેજ અહીં તહીં ફરતા. પરદેશીઓનો પોશાક તેમને પસંદ ન હોતો. કોટ, ખમીસ, પાટલુન કે બૂટ પહેરવાં તેમને ગમતાં નહિ, તેથી તેમને કંટાળો આવતો. તેમાં વળી ગળે કૉલર પહેરાવો તો એમને બીલકુલ ગમતો નહિ. એનાથી તે બહુજ કંટાળતા અને એને બંધન સમાન ગણતા. તે હમેશાં સાદાં, ખુલ્લાં, દેશી વસ્ત્રો પહેરવાનુંજ પસંદ કરતા અને એકાંતવાસમાં શાંત જીવન ગાળવાનું ચ્હાતા.

સ્વામીજી સૌની સાથે મઠમાં સ્થાપેલા દેવળમાં જતા અને ત્યાં શ્રીરામકૃષ્ણની પ્રતિમા સામે ધ્યાન કરવા બેસતા. કોઈવાર તે ગુરૂભાઈઓ અને શિષ્યોને લઈને અખાડામાં કસરત કરવા જતા તો કોઈવાર એકલાજ બહાર ફરવા નીકળી પડતા. ફરતે ફરતે તે મોટેથી ભજન ગાતા અને એના એજ શબ્દો ફરી ફરીથી ઉચ્ચારીને તેની ધુનમાં એટલા બધા મગ્ન થઈ જતા કે કલાકોના કલાકો સુધી એ પ્રમાણે કર્યાજ કરતા, ખરેખર સ્વામીજી જ્યારે મઠમાં હોય ત્યારે મઠ અને તેની આસપાસની હરવા ફરવાની ભૂમિમાં સર્વત્ર પવિત્રતા, અને આધ્યાત્મિકતાનું વાતાવરણ પથરાઈ રહેતું.

સ્વામીજીની પાસે ઘણા જીજ્ઞાસુઓ આવતા પણ તેમના ગુરૂભાઇઓ તેમની તબીયત નાદુરસ્ત હોવાથી તેમને અટકાવતા. એ વાતની સ્વામીજીને જ્યારે ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે; "જુઓ આ શરીર શા કામનું છે ? બીજાને મદદ કરવામાં ભલે તેનો નાશ થઈ જાય. જ્યારે જીજ્ઞાસુઓની જોડે હું વાત કરૂ છું ત્યારે મને કેટલો બધો આનંદ થાય છે તેનો ખ્યાલ તમને આવી શકશે નહિ ?"

પોતાની મહાસમાધિ પર્યંત સ્વામીજી શિષ્યોને કેળવ્યાજ કરતા હતા. તેમનામાં આત્મશ્રદ્ધા જગાવવાને અને તેમને સ્વકર્તવ્યની જવાબદારીનું ભાન કરાવવાને તે ઘણુંજ મથતા. મઠ તરફથી પ્રગટ થતાં માસિકોને તે પોતાની યોજના પ્રમાણે ચલાવતા અને તે બાબતમાં પોતાના શિષ્યોને માહિતગાર કરતા અને તેમની પાસે તે માસિકોનું કાર્ય કરાવતા. તેમાં પણ કેટલેક દરજ્જે સ્વતંત્રપણે કામ કરવાનું તેમને શિખવતા. સ્વામીજીએ ઘડેલા નિયમ પ્રમાણે જે શિષ્ય માસિક ચલાવે નહિ તો તે તેમને સખત ઠપકો આપતા અને અમુક પ્રકારના વિચારો અને લખાણો સિવાયનું લખાણ તેમાં આવે નહિ, તેને માટે તે ઘણીજ સાવચેતી રાખતા. જગતની આગળ માસિકદ્વારા મૂકવાના વિચારો વિષે તે ઘણોજ વિચાર કરતા અને એ બાબત કેટલી બધી અગત્યની છે તે ઘણીજ કાળજીથી શિષ્યોને સમજાવતા.

વળી મઠમાં સઘળું વ્યવસ્થાસર અને સ્વચ્છ રાખવાને તે ઘણોજ આગ્રહ કરતા. એમને પુરેપુરી સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈતી હતી. કોઈવાર મઠના નોકરો માંદા પડતા અને મઠનું મકાન બરાબર વળાતું ઝુંડાતું નહિ ત્યારે સ્વામીજી જાતેજ હાથમાં સાવરણી લઈને સધળું વાળીઝૂડીને સાફ કરતા અને કેમે કર્યા હાથમાંથી સાવરણી મૂકતા નહિ. એ પ્રમાણે તે સ્વછતા પ્રત્યેના પ્રેમનો અને સ્વાશ્રયનો દાખલો બેસાડતા. તેમને કોઈવાર પૂછવામાં આવતું કે તમે શા માટે આવું કરો છો ? ત્યારે સ્વામીજી જવાબ આપતા કે "તેમાં શું થઈ ગયું. જો મકાન સાફ રહે નહિ તો રોગનું ઘર થઈ રહે અને સાધુઓ માંદા પડે." ઘણીવાર તો જાતે સાધુઓની પથારીઓ તપાસતા અને તે બરાબર સ્વચ્છ રાખેલી તેમજ હવા અજવાળાવાળી જગ્યામાં છે કે નહિ તે જોતા. કોઈની પથારી જરા અસ્વચ્છ લાગે તો સ્વામીજી તેને ઘણોજ ઠપકો દેતા. પૂજા માટેની જળ વગેરે સામગ્રી તે બરાબર સ્વચ્છ રખાવતા. મઠમાં ફક્ત એકજવાર ભોજન લેવાનો તેમણે કાયદો કર્યો હતો. તે જમ્યા પછી કોઈને સૂવા દેતા ન હોતા અને સર્વેને જાતેજ વેદ, પુરાણ વગેરેનું અધ્યયન કરાવતા. શાસ્ત્રોનો અભ્યાસ, ધામિક વાર્તાઓ, ચર્ચાઓ, ધ્યાન, યોગાદિ ક્રિયાઓમાંજ તે સર્વેનો સમય ગળાવતા. પોતે જાતે સર્વેને યોગની ક્રિયાઓ તે બતાવતા. મૂર્તિપૂજા કરવાની તે સંમતિ આપતા પણ માત્ર શુષ્ક ક્રિયાઓમાંજ ઘણો વખત ગાળી નાંખવાની બાબતમાં તે ઘણા વિરૂદ્ધ હતા. મઠમાં અમુક સમયે તે ઘંટ વગાડવામાં આવતો. અને તે વખતે શિષ્યો અને સાધુઓને શાસ્ત્રાભ્યાસ, ચર્ચા અને ધ્યાનને માટે એકઠા થવુંજ પડતું. નિયમોનું તે સખત પાલન કરાવતા. મઠમાં સવારના ચાર વાગ્યે ઘંટ થતો. સધળા સાધુઓ તે વખતે ઉઠતા અને અડધા કલાકમાં દાતણપાણી, સ્નાન વગેરે પરવારીને તે મઠના દેવળમાં ધ્યાન કરવાને ભેગા થતા. સ્વામીજી ધ્યાનને બહુજ મહત્વ આપતા. પછીથી ગીતા, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્રભાષ્ય, વગેરે ઉપર વર્ગો લેવામાં આવતા. એ સિવાય પણ અનેક પ્રકારનાં તપ અને શમ દમ સાધવાનું સ્વામીજી એમના શિષ્યોને કહેતા. તે જણાવતા કે જો તેમણે સખત તપ અને સાધનાઓ કરી ન હોત તો પોતે પણ જે મહાભારત કામ કરી શક્યા હતા તે કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યા ન હોત.

મઠમાં સર્વને ધ્યાન અને સાધનાઓ કરતા જોઈને સ્વામીજી ઘણાજ રાજી થતા. તે પોતાના મિત્રોને કહેતા કે “જુઓ, મઠમાં સાધુઓ કેવી સાધનાઓ કરી રહ્યા છે. એ ઠીક છે. શ્રી રામકૃષ્ણ કહેતા હતા તેમ સવારે અને સાંજે આપણું મન સ્વાભાવિક રીતેજ ઉંચા વિચારોને માટે વધારે લાયક બને છે અને તે વખતે તેને જલદીથી એકાગ્ર કરી શકાય છે. એ સમયે દરેક જણે અવશ્ય એકાગ્રચિત્તથી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ.”

સ્વામીજી વહેલા ત્રણ વાગ્યે ઉઠતા અને ન્હાઈ ધોઈને મઠના દેવળમાં ધ્યાન કરવાને સૌની સાથે બેસતા. દેવળના એક મુખ્ય ભાગમાં એમને માટે આસન નિર્માણ કરી રાખ્યું હતું. તેના ઉપર તે શાંત ચિત્તથી સ્થિર થઈને બેસતા. એ વખતે તે બરફના પર્વત જેવા પ્રકાશિત દેખાતા. ઘણીવાર તેમનું ધ્યાન બે કરતાં વધારે કલાક સુધી ચાલતું. પછીથી તે મુખેથી “શિવ, શિવ,” બોલતા ઉઠતા અને તેમના ચહેરા ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહેલો જણાતો. પછી શ્રીરામકૃષ્ણની પ્રતિમાને પ્રણામ કરીને તે બહાર આવતા અને ચોગાનમાં માતાજીનું કે શિવનું ભજન ગાતા ગાતા અડધા ધ્યાનસ્થ અને અડધા જાગૃત તે અહીં તહીં ફરતા. એ વખતે એમના મુખ ઉપર અપૂર્વ શાંતિ દેખાતી. ધ્યાનથી કંઈક લાલ થઈ રહેલી તેમની આંખોમાં દૈવી શક્તિ અને પ્રકાશ માલમ પડી આવતાં. સ્વામીજી જ્યારે દેવળમાં બેઠેલા હોય ત્યારે બીજાઓને ધ્યાનમાં ઘણું બળ અને સહાય પ્રાપ્ત થતાં. સ્વામી બ્રહ્માનંદ લખે છે કે;— “અહા ! જ્યારે કોઈ નરેન્દ્રની સાથે ધ્યાન કરવાને બેસે છે ત્યારે તે ઝટ લઈને ધ્યાનગ્રસ્ત થઈ જાય છે. જ્યારે હું એકલો બેસું છું ત્યારે હું ધ્યાનગ્રસ્થ થઈ શકતો નથી.” ઉપર પ્રમાણે સ્વામીજી ધ્યાનમાં બેસતા અને બીજાઓને બેસાડતા. કોઈવાર તેમની તબીયત નાદુરસ્ત હોય તો તેમના શિષ્યો અને ગુરૂભાઈઓ એકલા ધ્યાન કરતા, કારણ કે સ્વામીજીનો એવો દૃઢ આગ્રહ હતો અને તેમણે મઠમાં નિયમજ કર્યો હતો કે સર્વેએ સવાર સાંજ ધ્યાન કરવુંજ. એ નિયમનો ભંગ કરનારને સ્વામીજી ઘણીજ શિક્ષા કરતા. વારંવાર તે દેવળમાં જઈને જોતા અને જે ગેરહાજર હોય તેમનો જવાબ લેતા અને તેમને તે દિવસ માટે ભોજન આપવાનું બંધ કરી દેતા. તેમના વૃદ્ધ ગુરૂભાઈઓ પાસે પણ તે નિયમનું પાલન કરાવતા.

તપ, સંયમ અને ધ્યાન એ મનને દૃઢ કરવાનાં ઉત્તમ સાધનો છે અને તેથી મનોબળ ઘણુંજ વધે છે એમ સ્વામીજીનું દૃઢપણે માનવું હતું. આપણા જીવનમાં કોઈવાર જ્યારે આપણી સામે અનેક આફત આવી પડીને આપણને નાસીપાસ કરી મૂકે છે. તે સમયે જ્ઞાન અને મનોબળને ખીલવીને તે આફતોની સામે થવાનું સામર્થ્ય આપણે મેળવી રાખ્યું હોય છે તો આપણને કેટલો બધો આનંદ અને લાભ થાય છે ? સ્વામીજી ગૃહસ્થાશ્રમીઓને પણ ગ્રહસ્થને યેાગ્ય બ્રહ્મચર્યના પાલનપૂર્વક ધ્યાન, ધારણાદિ કરવાનો અત્યંત આગ્રહ કરતા હતા. વળી મનોબળ અને તિતિક્ષાને વધારનારા ઉપવાસ અને વૃતાદિને ૫ણ વિધિસર કરવાની સ્વામીજી બહુજ હિમાયત કરતા અને તેમાં નક્કી કરેલા માર્ગથી જરા પણ આડા અવળા ચાલવાની મના કરતા. સ્વામીજી જેવું કહેતા તેવુંજ પોતે કરતા. તેમનું કહેવું કેટલું બધું ખરું છે અને ધ્યાન, તપાદિથી કેવું અલૌકિક મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરી શકાય છે તે સ્વામીજીએ પોતાના દાખલાથી સર્વેને સિદ્ધ કરી બતાવ્યું હતું.

આ ઉપરથી એમ સમજવાનું નથી કે સ્વામીજીએ સર્વેને ધ્યાન ધરી બેસી રહેવાનો ઉપદેશ કરેલો છે. આખો વખત ધ્યાનમાં ગાળી શકે એવું કોઈ વિરલ પુરૂષથીજ બની શકે તેમ હોવાથી ઘણા ખરા ત્યાગીઓ બાકીનો વખત સુઈ રહેવામાં કે ગપસપ ચલવવામાંજ ગાળતા હોવાથી એવા જીવનને સ્વામીજી મૃત્યુ સમાનજ ગણતા. અને એવા જીવનથી દૂરજ રહેવાનું તે સર્વેને કહેતા. પોતાના શિષ્ય શરદચંદ્ર સાથે એ વિષે વાત કરતાં સ્વામીજીએ એકવાર કહ્યું હતું કેઃ—

"ભારતવર્ષની પ્રજાકિય આદર્શ વૈરાગ્ય છે. એ વૈરાગ્યને તમારી દૃષ્ટિ આગળ રાખીને તમારે નિડરપણે લોકસેવાનું કાર્ય બજાવવાનું છે અને ફળની જરાએ આશા રાખવાની નથી. ટીકા થાય તેની પણ દરકાર કરવાની નથી. મહાવીર હનુમાનને તમારા આદર્શ તરિકે લેજો. તમારે એ આદર્શ પ્રમાણે તમારા ચારિત્ર્યને ઘડવું જોઈએ. એક બાજુએ હનુમાન પોતાના બાહુબળથી રાવણના સૈન્યમાં હાહાકાર વર્તાવી મૂકતા હતા અને બીજી બાજુએ તે શ્રીરામના અનન્ય ભક્ત તરિકે પ્રસિદ્ધ હતા. શ્રીરામની સેવા કરવી અને તેમની આજ્ઞાનું પાલન કરવું એ સિવાય બીજું કંઈ તેમને ગમતું નહિ. એમના જેવીજ સેવાબુદ્ધિ અને એકનિષ્ઠાની આજે જરૂર છે. પણ તમે શું કરો છો ? તમને તો અક્કલનું અજીરણ થયેલું છે ! તમે તો બસ જુનીજ વાતો કર્યા કરો છો અને મૃદંગ અને કરતાલ લઈને ભજન ગાઓ છો. તમે પ્રાચીન ભક્તોના અને ગોપીઓના નિર્દોષ ભાવોનું અનુકરણ કરવા જાઓ છો, પણ તમારી અધમ વાસનાઓ અને વૃત્તિઓને તમે ક્યાં ત્યજી દીધી છે ? એથી કરીને આખો દેશ તમોગુણના અંધકારમાં પડીને સડી રહેલ છે. નાનપણથીજ આવા શૃંગારમય ભજનો અને ગાયનો સાંભળી સાંભળીને આખી પ્રજા વધારેને વધારે બાયલી થતી જાય એમાં આશ્ચર્ય શું છે ? આથી વધારે અધોગતિ બીજી કયી કહેવાય ? તમારાં પેલાં વીરત્વવર્ધક ઢોલ અને રણશીંગાં કયાં ગયાં ? હવે તો મહેરબાની કરીને તમારાં બાળકો અને જુવાનોને તેમના ગંભીર અને પ્રોત્સાહક નાદ સાંભળવા દો. આપણે તો ડમરૂ અને રણશીંગાં વગાડવાનાં છે અને બ્રહ્મરૂદ્ર તાલ જેવા વીરરસથી ભરપુર નાદ ઢોલ ઉપર વગાડવાના છે. "મહાવીર, મહાવીર, હર, હર, મહાદેવ ” ની પ્રબળ જય ગર્જનાઓથી આપણે પૃથ્વીને ગજાવવાની છે. મૃદુભાવને ઉત્પન્ન કરનારાં ગીત તો જરૂર હવે આપણે બંધ કરવાં જોઇએ અને વેદના ઘોષની ગર્જનાથી દેશને જાગૃત કરવો જોઈએ. આપણી દરેક પ્રવૃત્તિમાં આપણે વીરત્વનો જુસ્સો દાખવો જોઈએ. એવા વીરત્વના આદર્શથીજ આપણી માતૃભૂમિનું કલ્યાણ થશે અને તમે જો તમારું ચારિત્ર્ય એ પ્રમાણે ઘડશો તો બીજાઓ પણ તમારો દાખલો લેશે. વળી એટલું યાદ રાખજો કે સત્યના માર્ગમાંથી એક ઈંચ પણ આડું અવળું ડગલું ભરશો નહિ અને નિર્બળતાથી કદીએ દબાઈ જશો નહિ. આ પ્રમાણે કરવાથીજ શ્રીજગદંબાની કૃપા તમારા ઉપર થશે.”

શિષ્યે સ્વામીજીને કહ્યું: “મહારાજ, કોઈ કોઈવાર હું નાઉમેદ થઈ જાઉં છું અને હું શું કરી શકવાનો છું એ મનમાં થઈ આવે છે તેનું કેમ કરવું ?”

સ્વામીજીએ કહ્યું કે એવે વખતે તરતજ વીર પુરૂષની માફક ઉભો થા અને મનમાં નહિ પણ મોઢેથી ઘાંટો પાડીને કહે કે, "મારામાં અગાધ સામર્થ્ય રહેલુ છે." "મારામાં પવિત્ર બુદ્ધિએ વાસ કરેલો છે. મારામાં શ્રેષ્ઠ જ્ઞાન રહેલું છે. હું આનંદમય બ્રહ્મ છું.” “હું અમુકનો શિષ્ય છું.” “શ્રીરામકૃષ્ણના મિત્રોનો હું મિત્ર છું. કાંચન અને કામિનીનો વિજેતા છું.” એવા વિચાર કરીને તારા સ્વમાનને ટકાવી રાખ. જેનામાં એવું સ્વમાન નથી તેનામાં બ્રહ્મ કદીએ જાગૃત થતો નથી. તે રામપ્રસાદનું ભજન સાંભળ્યું નથી ? તે કહે છે કે “મારે માથે સાક્ષાત જગદંબા બિરાજે છે, પછી જગતમાં મને કોની બીક છે ?” એવા જુસ્સાને એવે સમયે તારા હૃદયમાં જાગૃત કરી મૂક; એવે સમયે શ્રી હનુમાનનું નામ લે; મહામાયા જગદંબાનો આશ્રય લે; પછી જો કે નિર્બળતા અને બાયલાપણું તારી પાસેથી બાર ગાઉ દૂર ભાગી જાય છે કે નહિ.

એમ બોલતા બોલતા સ્વામીજી મેડી ઉપરથી નીચે ઉતર્યા અને બહાર જઇને ચોગાનમાં આવેલા આંબાના ઝાડ નીચે ખાટલા ઉપર હંમેશની માફક બેઠા. તેમની આંખોમાં તે વખતે દિવ્ય તેજ પ્રકાશી રહ્યું હતું. અલૌકિક આધ્યાત્મિક ચેતનથી તેમનું આખું શરીર ધ્રુજતું હતું. સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ તેમની પાસે બેઠા હતા. તેમના તરફ આંગળી કરીને તે શિષ્યને કહેવા લાગ્યા કે, “તું બ્રહ્મને ક્યાં શોધવા જઇશ ? તે પ્રાણી-પદાર્થ સર્વેમાં રહેલો છે. આ સર્વવ્યાપી બ્રહ્મનો અનાદર કરીને જે તેને અન્ય સ્થળે શોધે છે તેમને શરમ છે. હાથમાં રહેલા ફળની માફક બ્રહ્મ આ જગતમાં ઉઘાડુંજ દેખાય છે. અહીં અને આખા જગતમાં બ્રહ્મજ બ્રહ્મ રહેલો છે.” સ્વામીજી આ શબ્દો એવા જુસ્સાથી બોલ્યા કે સૌનાં હૃદય બ્રહ્મભાવથી ડોલી રહ્યાં. સર્વેનાં હૃદયમાં અપૂર્વ શાન્તિનો વાસ થઈ રહ્યો અને સર્વે ભાવસમાધિમાં આવી ગયા. તે વખતે સ્વામી પ્રેમાનંદ ગંગામાં સ્નાન કરી પવિત્ર જળનું કમણ્ડલું ભરીને ત્યાં થઈને જતા હતા. તેમને જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા કે, અહીં, અહીંઆંજ બ્રહ્મ દૃશ્યમાન થાય છે. તે શબ્દો સાંભળીને પ્રેમાનંદ સ્તબ્ધ બની ગયા. તે ચાલતા અટકી જઇને જ્યાં ઉભા હતા ત્યાંને ત્યાંજ સ્થંભી ધ્યાનસ્થ થઈ ગયા. પાએક કલાક આમ ચાલ્યો ગયો. એ બનાવ હજી પણ મઠના સાધુઓનાં હૃદયમાંથી ખસતો નથી. હજી પણ તે વિસરી જવાયો નથી. એ બનાવ ઉપરથી શ્રીરામકૃષ્ણના જીવનનો એક બનાવ અહીં યાદ આવે છે. પોતાના દેહનો ત્યાગ કર્યા પહેલાં થોડાક સમય પૂર્વે શ્રીરામકૃષ્ણ સમાધિમાંથી જાગીને તરતજ બહાર બગીચામાં આવ્યા હતા. ત્યાં જે કેટલાક શિષ્યો બેઠા હતા તેમાંના કોઈના હૃદય ઉપર તો કોઈના મસ્તક ઉપર હાથ મૂકીને તે બોલ્યા હતા કે “ચૈતન્યને પ્રાપ્ત કરો, આત્માને જાગૃત કરો.” તેમના પવિત્ર સ્પર્શથી તે શિષ્યો અપૂર્વ આનંદને ભોગવતા ધ્યાનસ્થ બની રહ્યા હતા.

થોડા વખત પછી એ બનાવ વિષે સ્વામીજી “શિષ્યને” કહેવા લાગ્યા. આજે શું બન્યું તે તેં જોયું ને ? તેઓ સર્વે ધ્યાનગ્રસ્ત થઈ રહ્યા હતા. તેઓ સર્વે શ્રીરામકૃષ્ણના પુત્રો છે. તેમને તે કહેવામાં આવ્યું કે તરતજ બ્રહ્મ તેમનામાં જાગી રહ્યો. શિષ્યે જવાબ આપ્યો કે તેને પણ તેવો અનુભવ થયો હતો, પણ તે અનુભવ ઝાઝો વખત ટક્યો નહિ, સ્વામીજીએ ઉત્તર આપ્યો કે “ફિકર નહિ ભાઇ, તને એવો અનુભવ કાળે કરીને એની મેળેજ થશે; પણ પ્રથમ તારે બીજાઓના કલ્યાણને માટે કામ કરવું જોઇએ. માયાનો પડદો-મળ અને વિક્ષેપને દૂર કરી નાખવા માટે શુભ કર્મ કરવાં જોઇએ.”

આ વખતે મઠની આસપાસની ભૂમિ સમરાવવાનું કામ ચાલતું હતું. તેને માટે કેટલાક મજુરો ત્યાં દરરોજ આવતા અને કામ કરતા. સ્વામીજી તે મજુરો સાથે ઘણીજ છુટથી વાતો કરીને તેમને આનંદ પમાડતા. તેમનાં સુખ-દુઃખની પૂછપરછ વખતોવખત કર્યા કરતા. તેમની નિર્દોષ રીતભાતને લીધે સ્વામીજી તેમને ઘણું ચ્હાતા. એવા સાદા, ભોળા લોકો જોડે વાતો કરવાથી સ્વામીજીને પણ ઘણો આરામ મળતો. એક દિવસ કેટલાક ધનાઢ્ય અને સત્તાવાળા સદ્ગ્રહસ્થો સ્વામીજીને મળવાને મઠમાં આવ્યા હતા. તે વખતે સ્વામીજી પેલા મજુરો જોડે વાતો કરતા હતા, તેથી જ્યારે તેમને પેલા ગૃહસ્થો આવ્યાની ખબર કરવામાં આવી ત્યારે તે બોલ્યાઃ “ફલાણા-ઢીકણા ભાઈ આવ્યા છે તો ભલે આવ્યા, પણ હમણાં તો આ લોકો સાથેજ હું આનંદ કરીશ.” ખરેખર, સ્વામીજી તે પછી પોતાના વ્હાલા મજુરોને છોડીને પેલા ગૃહસ્થને મળવાને ગયાજ નહિ.

આ મજુરોમાંનો એક મજુર સ્વામીજીને વધારે ગમતો હતો. તેનું નામ "કેશ્ત” હતું. તે સ્વામીજીને કહેતો કે “સ્વામી બાબા! અમે કામ કરતા હોઈએ ત્યારે તમે આવશો નહિ. અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે અમારાથી કામ થતું નથી અને તેથી બડા બાબા (સ્વામી અદ્વૈતાનંદ) અમને ઠપકો આપે છે.” એ શબ્દો સાંભળીને સ્વામીજીને લાગી આવ્યું અને તેમણે કહ્યું કે હવેથી બડા બાબા તમને કશું કહેશે નહિ. કોઈ કોઈવાર તો મજુરોની તંગી અને દુઃખ સાંભળીને સ્વામીજીની આંખોમાં આંસુ આવી જતાં. જ્યારે એવું થતું ત્યારે “કેશ્ત ” તેમને કહેતો કે “હવે તમે જાવ, સ્વામી બાબા ! અમે હવે કદીએ અમારાં દુઃખની વાત તમને કહીશું નહિ, કારણકે તમે તેથી રડી પડો છો.”

એક દિવસ સ્વામીજીએ કેશ્તને પૂછ્યું કે “તમને બધાંને અહીં મિજબાની ખાવી ગમશે કે ?” તે માણસે જવાબ આપ્યો: “બાપજી, જો અમે બીજાને હાથે રાંધેલું મીઠાવાળું અન્ન ખાઈએ તો અમને ન્યાત બહાર મૂકે; કારણકે અમે પરણેલા છીએ.” સ્વામીજીએ તેની ખાત્રી કરી આપી કે રસોઈમાં મીઠું નાંખવામાં આવશે નહિ, મીઠું ઉપર પીરસવામાં આવશે. એ સાંભળીને મજુરોએ હા પાડી. મજુરોને મિજબાની આપવામાં આવી. લેંચી, બરફી, કઢી અને બીજી સુંદર વાની કરીને તેમને પીરસવામાં આવી. સ્વામીજી જાતેજ પીરસવાના કામ ઉપર નજર રાખવા લાગ્યા. મજુરો જમતે જમતે બોલ્યા કે “સ્વામી બાપજી, આ સુંદર વસ્તુઓ તમે ક્યાંથી આણી ? અમારી જીંદગીમાં આવી વસ્તુઓ અમે કદીએ ખાધી નથી.” તેઓને તેમની ઈચ્છાપૂર્વક બરાબર જમાડ્યા પછી સ્વામીજી તેમને કહેવા લાગ્યા કે “તમે બધા નારાયણો છે. આજે તમને જમાડીને મેં સાક્ષાત નારાયણનેજ જમાડ્યા છે.” પછીથી એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજીએ કહ્યું હતું કે “મેં તેમનામાં સાક્ષાત નારાયણનાંજ દર્શન કર્યા હતાં. તેઓ કેવા સાદા અને ભોળા છે. તેઓ મને ખરા અંતઃકરણથી ચ્હાય છે.” પછીથી થોડીક વારે સ્વામીજી સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને કહેવા લાગ્યા કે:―

“જુઓ, આ ગરિબ અભણ લોકો કેવા સાદા અને ભોળા છે? તમારો હિંદુસ્તાન અત્યારે મોટે ભાગે આવા નિર્દોષ, સાદા, મહેનતુ, પ્રમાણિક અને ધર્મપ્રેમી લોકોથીજ ભરેલો છે; પરંતુ, બીજાઓ તેમના ઉપર ચઢી બેસવાને લીધે તેઓ લુખું સુંકું અન્ન પણ બે વખત પામી શક્તા નથી. મંદવાડમાં તેમને કોઈ દવા પણ આપતું નથી. માંહોમાંહે કજીયા ન કરવા માટે તેમને કોઈ સમજાવનારું હોતું નથી. પુસ્તકોનો નિર્દોષ અને ઉન્નતિપ્રદ આનંદ લેવા માટે તેમને કોઈ વાંચતાં શિખવનાર કે વાંચી સંભળાવનાર હોતું નથી. અફસોસ, કેવા દેવ જેવા માણસો અને તેમની કેવી દુર્દશા !” આ શબ્દો બોલતાં બોલતાં સ્વામીજીનું શરીર કરૂણાના આદેશથી ધ્રૂજવા લાગ્યું અને તેમની આંખોમાંથી બોર બોર જેવાં આંસુ ખરવા લાગ્યાં. તેઓ જેમ તેમ હૃદયના વેગને રોકીને બોલ્યા કે “ઓ હિંદના સાધુઓ ! ઓ ઋષીમુનિનાં સંતાનો! સર્વ વ્યાપી પ્રભુનાં આ લાખો કરોડો જીવતાં જાગતાં મંદિરોમાંનો કચરો પંજો સાફ કરવા અને તેમાં અપૂજ્ય પડી રહેલા શિવ ભગવાનને સેવાપૂજાથી પ્રસન્ન કરવાને તત્પર થશો ? મોક્ષ મેળવવાને માટે આથી વધારે સારો, સહેલો અને બંધ બેસતો ઉપાય અત્યારે બીજો કયો છે ? પેાતાના પ્રાણ અને સર્વસ્વ બીજાને માટે અર્પણ કરી દેવાં એજ વર્તમાન સમયનો સાચો સંન્યાસ છે. ભાઈઓ મોક્ષ ખાતર નહિ, તો માનવદયાને ખાતર પણ, તમે આવાં મનુષ્યોનાં કાંઈપણ દુઃખ ટાળી શકશો ? તેમ ન કરો તો પછી આ ભગવા કપડાં ધારણ કરવાનો અર્થ જ શો રહ્યો? કોઈ કોઈવાર તો મને એમ પણ થઈ આવે છે કે આ મઠ ફઠ સર્વ વેચી નાખીને એ લોકોની સેવા કેમ ન કરવી ? જેણે વૃક્ષની છાયાને જ પોતાનું ઘર માનેલું છે અને હથેળીનેજ ભિક્ષાપાત્ર માનેલું છે એવા આપણને સ્થળની શી દરકાર છે? આપણા બંધુઓને પુરૂં ખાવા પહેરવાનું પણ મળે નહિ તો પછી આપણા મુખમાં કોળીયોજ શી રીતે પેસી શકે ? જ્યારે હું પશ્ચિમમાં હતો ત્યારે મારા મનમાં આ વિચારો વારંવાર જાગી ઉઠતા અને હું રડતે મોઢે શ્રીજગદંબાને પ્રાર્થના કરતો કે હે મા, અહીં તારા પુત્રો ફુલની શૈય્યામાં પોઢે છે; સુંદર ખાનપાનાદિ યથેચ્છ કરે છે અને સંપૂર્ણ રીતે જીંદગીના ભોગો ભોગવે છે; પણ બીજી તરફ ભારતવર્ષમાં લોકો ભુખે મરે છે. માતાજી, એનો ઉપાય કાંઈ થશે કે નહિ ?” પશ્ચિમમાં ધર્મનો ઉપદેશ કરવા જવામાં મારો એક હેતુ એ પણ હતો કે, આપણા દેશને માટે ત્યાંથી કંઇક સહાય મળી શકે તેમ છે કે નહિ તે જોવું. આપણા દેશના લોકોની ગરિબાઈ અને દુઃખ જોઇને મને ઘણીવાર વિચાર થાય છે કે "આ બધા પૂજાના ઠાઠ ફેકી દો-શંખનો નાદ કરવો, ઘંટ વગાડવો, આરતી કરવી તેમજ બીજી જે કાંઈ મોક્ષ મેળવવાને માટે આપણે (શાસ્ત્રાયન વગેરે) સાધનાઓ કરી રહેલા છીએ તે સર્વ ત્યજી દો. ગામે ગામ ફરીને ગરિબોની સેવા કરવામાં જીવનને અર્પણ કરી દો. આપણા ચારિત્ર્ય, ધાર્મિકતા અને તપમય જીવનથી ધનવાનોના હૃદયમાં ગરિબો પ્રત્યેની ફરજોનું ભાન કરાવો અને ગરિબો તથા દુ:ખીઓની સેવા કરવા માટે તેમની પાસેથી દ્રવ્ય મેળવો. અફસોસ ! આપણા દેશમાં કોઈ પણ મનુષ્ય ગરિબો, દુઃખીઓ અને અધમોનો વિચાર કરતોજ નથી. જેઓ આખી પ્રજાનો આધાર છે, જેમની મહેનતથી અન્ન થાય છે અને જેઓ એકાદ દિવસ કામે ન ચ્હડે તો આખા શહેરમાં હાહાકાર થઈ જાય છે તેવા મનુષ્ય તરફ સહાનુભૂતિ દર્શાવનાર અને તેમનાં સુખદુઃખમાં ભાગ લેનાર એક પણ મનુષ્ય આપણા દેશમાં ક્યાં છે? જુઓ, હિંદુઓની સહાનુભૂતિ વગર અને આભડછેટના તિરસ્કારને લીધે મદ્રાસ ઇલાકામાં કેટલા બધા અંત્યજો ખ્રિસ્તી થઈ જાય છે ? એમ નહિ ધારતા કે માત્ર ભુખને લીધેજ તેઓ ખ્રિસ્તી થઈ જાય છે; પરંતુ તમે તેમની દરકાર કરતા નથી અને ઉલટા તિરસ્કાર કરો છો. તે છતાં બહુજ અગત્યની સેવા તેમની પાસેથી લઈને બદલામાં એંઠું અન્ન પણ તેમને પેટ ભરીને ખાવા આપતા નથી, તેથીજ તેઓ તેમ કરે છે. દેશમાં મનુષ્ય પ્રેમ કે ધર્મ વિચાર ક્યાં રહ્યો જ છે? હવે તો માત્ર "સ્પર્શાસ્પર્શ” રહેલું છે. આવી અધમ રૂઢિઓને કહાડી નાખો. સ્પર્શાસ્પર્શનાં બંધનો કહાડી નાંખવાની અને સર્વેને “ઓ ગરિબો, ઓ નિરાધાર અને પતિતો, આવો, આપણે બધા એકજ પ્રભુનાં સંતાન છીએ” એમ કહીને તેમને સત્કારવાની કેટલી બધી જરૂર રહેલી છે ? જ્યાં સુધી તેઓને સત્કાર આપીને તેમની સ્થિતિ સુધારવામાં આવશે નહિ ત્યાં સુધી સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના અખૂટ ખજાનારૂપી શ્રીમહામાયા જગદંબા તમારા દેશમાંથી ચાલ્યાં ગયાં છે તે પાછાં આવીને વસશે નહિ. આ લોકોને જગતના પ્રપંચની ખબર નથી. બીજાઓ જે તેમની મજુરી ઉપર તાગડધિન્ના કરી તેમના ઉપર સત્તા ચલાવે છે તેમની અનીતિ અને કળવકળની આ લોકોને ખબર નથી, તેમજ કામ કરવાના અનેક રસ્તા અને પોતાના આત્મબળને તેઓ જાણતા નથી, તેથીજ સખત મજુરી કરતાં પણ આ લોકોને પુરાં અન્નવસ્ત્ર સુદ્ધાં મળતાં નથી. ભાઇઓ, તેમનું અજ્ઞાન ટાળવાને તમારાથી બનતા સઘળા ઉપાયો કરો. દિવસના પ્રકાશની માફક હું પ્રત્યક્ષ જોઈ શકું છું કે મારામાં જે બ્રહ્મ રહેલો છે તેનો તેજ બ્રહ્મ તેમનામાં પણ રહેલો છે. મારામાં જે શક્તિ રહેલી છે તેની તેજ શક્તિ તેમનામાં પણ રહેલી છે. માત્ર તેની જાગૃતિમાંજ ફેર છે. જ્યાં સુધી આવા વર્ગોમાં ચેતન ફેલાઈ રહે નહિ ત્યાં સુધી દેશનો ઉદય થાયજ નહિ. ખાત્રી રાખજો કે શરીરનો એક અવયવ લકવાથી રહી ગયો હોય અને તેના બીજા અવયવો ગમે તેટલા સારા અને મજબુત હોય તોપણ તે શરીર કોઈપણ મોટું કાર્ય કરી શકનાર નથી.”

એક શિષ્ય બોલી ઉઠ્યો : “મહારાજ, સઘળા પંથો અને ધર્મોના માણસો વચ્ચે સહકાર્ય અને ભ્રાતૃભાવ ઉતપન્ન કરવાં એ તો ઘણું જ કઠિન કાર્ય છે.”

એ સાંભળીને સ્વામીજી ચીડાઈ ગયા અને મોટા અવાજથી કહેવા લાગ્યા કે, ખરા મનથી અને સર્વે સમય તથા શક્તિપૂર્વક એકવાર કાર્ય કરવા માંડો એટલે કઠિનતાની અને અશક્યતાની સઘળી ભ્રાંતિ દૂર થઈ જશે. કામ કર્યા જવું એજ તારી ફરજ છે અને તે બજાવવાથી કાળે કરીને બધુંજ ઠીક થઈ રહેશે.

જગતનો ઇતિહાસ વાંચ અને તને સમજાશે કે અમુક સમયે દેશમાં એકાદ મહાપુરૂષ ઉભો થયેલો છે અને તે ત્યાંના પ્રજાકિય જીવનના આદર્શનું કેન્દ્રસ્થાન બની રહે છે. એ મહાપુરૂષના ચારિત્ર અને વિચારોથી આકર્ષાઈને હજારો મનુષ્યો લોકસેવા કરવાને જીવન અર્પણ કરી રહેલા છે. તમે બધા બુદ્ધિશાળી છોકરા છો અને મારા શિષ્યો થયા છો, પણ મને કહો તો ખરા કે બીજાઓના ભલા માટે તમે શું કર્યું છે ? તમે બીજાઓને માટેજ તમારું જીવન નિષ્કામભાવે અર્પણ કરી દો અને વેદાધ્યયન અને ધ્યાનાદિ ક્રિયાઓને બીજા જન્મ માટે મુલતવી રાખો. તમારા શરીરને બીજાઓની સેવા કરતે કરતેજ પડવા દો. એમ થશે ત્યારેજ હું જાણીશ કે તમે મારી પાસે નકામા આવ્યા નથી.

જે મનુષ્યોની સેવા કરી રહ્યા છે તે પ્રભુની જ સેવા કરી રહ્યા છે. મેં તમને આજે જે કહ્યું તેને મનમાં દૃઢ ઠસાવીને તે પ્રમાણે વર્તન કરજો. પ્રભુ તમારો નેતા અને સહાયક બને.

સ્વામીજી આવી રીતે શિષ્યોને બોધ આપીને પોતાના મિત્રો, ગુરૂભાઈઓ અને સ્નેહીઓના આત્માને જાગૃત કરી રહ્યા હતા. તેમની આસપાસ બેસનારા ઉઠનારાઓનાં હૃદયમાં આવા અનેક ઉપદેશોથી સુવિચારોનો વાસ તેઓ કરાવી રહ્યા હતા. આમ કરીને કેટલાકનાં હૃદયમાં તેમણે ભક્તિરસ રેડ્યો છે તો કેટલાકને તેમણે જ્ઞાનમાર્ગે ચ્હડાવ્યા છે અને કેટલાકના મનમાં સાચી સ્વદેશપ્રીતિ ઉત્પન્ન કરી છે. સર્વે પ્રાણી પદાર્થમાં બ્રહ્મનું–પોતાના આત્માનુંજ દર્શન કરવાનું તેમણે શીખવ્યું છે. અહાહા ! કેટલાં બધાં મનુષ્યોના આત્માને તેમણે જાગૃત કરી મુક્યા છે. કેટલાંના હૃદયમાં તેમણે બ્રહ્મને જગાવેલો છે. એક પ્રકારની અતિ પ્રબળ આધ્યાત્મિક જ્વાલા-દૈવી જ્યોતિ–તેમના અંતરમાં ઝળહળી રહી હતી. પોતાના પરિચયમાં આવનાર આત્માઓમાં પણ તેવીજ જ્યોતિ પ્રગટાવવાના પ્રયાસ તેઓ કરી રહ્યા હતા. ડાક્ટરોની ના છતાં પણ પ્રસંગ આવતાં સ્વામીજી આવા પ્રકારના યત્ન સંપૂર્ણ છૂટથી કરતા અને તેથી તેમના વ્યાધિગ્રસ્ત શરીરને વધુ નુકશાન પહોંચતું. છતાં તેની તે દરકાર કરતા નહિ, તેમના ગુરૂભાઈઓને તેથી ચિંતા થતી પણ સ્વામીજીના ઉત્કટ વૈરાગ્ય આગળ તેમનું કશું ચાલતું નહિ, તેઓ તેમના શરીરને માટે પ્રભુ પ્રાર્થના કરતા. જાણે કે જીવનનું કાર્ય જલદી આટોપી લેવું હોય તેમ વધારે ને વધારે જુસ્સાથી સ્વામીજી એ કાર્ય કરવા મંડી જતા. ખરેખર તેમના જીવનનું કાર્ય હવે ધીમે ધીમે આટાપાતુંજ ચાલતું હતું.