સ્વામી વિવેકાનંદ/કલકત્તામાં આગમન

વિકિસ્રોતમાંથી
← મદ્રાસમાં અપૂર્વ માન સ્વામી વિવેકાનંદ
કલકત્તામાં આગમન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
રામકૃષ્ણ મિશનની સ્થાપના →



પ્રકરણ ૪૬ મું – કલકત્તામાં આગમન.

મદ્રાસમાં કેટલાક દિવસ રહીને સ્વામીજી કલકત્તે ગયા. રસ્તામાં તેઓ નાનાં રાજ્યોમાં અને જુદા જુદા પ્રાંતોમાં થોડો થોડો સમય થોભ્યા હતા અને સર્વ સ્થળે લોકોએ તેમને અંતઃકરણપૂર્વક માન આપ્યું હતું. હિંદના આ સ્વદેશભક્ત સાધુને હિંદુઓએ સર્વત્ર જે પ્રેમ, પૂજ્યભાવ અને આભારની લાગણીથી વધાવી લીધા હતા તેવો પ્રેમ અને પૂજ્યભાવ તેમણે અત્યાર સુધીમાં કોઈ રાજા, મહારાજા કે વાઈસરોય પ્રત્યે પણ ભાગ્યેજ દર્શાવ્યો હશે. સ્વામીજીને કલકત્તામાં તેમજ બીજાં સ્થળોમાં જે ભારે આવકાર આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવું અશક્ય છે. એ શુભ પ્રસંગોને પ્રેક્ષક તરિકે નિહાળવાને જેઓ ભાગ્યશાળી થયા હતા તેઓજ ફક્ત જાણે છે કે ભારતવર્ષની સમસ્ત પ્રજા એકે અવાજે કેવી લાગણી અને ઉત્સાહ દર્શાવી રહી હતી અને શ્રી રામકૃષ્ણના વહાલા શિષ્યને કેવા અલૌકિક ભાવથી વધાવી રહી હતી.

કલકત્તાના લોકો પણ સ્વામીજીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. તેમને મન તો સ્વામીજી હજી પણ તેમનો વ્હાલો નરેન્દ્રજ હતા ! સ્વામીજીને તેઓ હજી પણ કલકત્તાના મહોલ્લાઓમાં ધૂળ ઉપર બેસીને સ્વતંત્રપણે વાતો કરનારો વ્હાલો નરેન્દ્રજ ધારતા હતા ! એ વખતે ધૂળપર બેસીને નરેન્દ્ર પોતાના સ્વતંત્ર વિચારો દર્શાવતો ત્યારે તેના વિચારોને એક યુવકના તરંગો જેટલું જ મહત્ત્વ મળતું; પણ હવે કલકત્તાના વૃદ્ધો સમજવા લાગ્યા કે નરેન્દ્રના વિચારો કાંઈ ખાલી તરંગોજ ન હતા. તેમનો નરેન્દ્ર એ સમયે જે વિચારો ધરાવતો હતો તેજ પ્રમાણે તે અદ્ભુત કાર્ય અત્યારે કરી રહેલો છે એવી હવે તેમની ખાત્રી થઈ હતી.

સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાનના કિનારા ઉપર ઉતર્યાની વાત બંગાળા ઇલાકામાં ફેલાઈ ત્યારથી જ સર્વત્ર હર્ષ અને ઉત્સાહ વ્યાપી રહ્યો હતો, અને દરેક બંગાળીનું હૃદય તેમને માટે સ્નેહ, ગર્વ અને સ્વદેશાભિમાનની લાગણીથી ઉછળી રહ્યું હતું. સ્વામીજી કલકત્તાના શ્યાલ્ડા સ્ટેશને આવી પહોંચતાંજ કલકત્તાના હજારો રહેવાસીઓ ત્યાં એકઠા થઈને તેમની રાહ જોઈ રહ્યા હતા તેમણે ભારે જયઘોષ કર્યો.

આગગાડી સ્ટેશન ઉપર ઉભી રહી એટલે સ્વામીજી ઉભા થઈને બે હાથ જોડી સર્વેને નમન કરવા લાગ્યા અને લોકો તેમને ખુશાલીના પોકારોથી વધાવી લેવા લાગ્યા. સ્વામીજી ગાડીની બહાર નીકળતાંજ ઘણા લોકો અત્યંત ભક્તિભાવથી તેમનાં ચરણ કમળની પવિત્ર રજ પાતાને મસ્તકે ધરવા લાગ્યા. સ્વાગત મંડળીના પ્રમુખ “ધી ઇન્ડીયન મીરર” પત્રના માનવંતા અધિપતિ બાબુ નરેન્દ્રનાથ સેન સ્વામીજીને સ્ટેશનની બહાર લઈ ગયા. ઘણા સંન્યાસીઓ સ્વામીજીનાં દર્શન માટે ત્યાં આવ્યા હતા. તેમાં તેમના ગુરૂભાઈઓ પણ હતા. અહીં સ્વામીજીને ઘણા પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. જેમની વચમાં સ્વામીજી ઉછર્યા હતા તેમનેજ અપૂર્વ માન આપતા જોઈને સ્વામીજીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.

સ્વામીજી મી. સેવીઅર અને તેમનાં પત્ની, ત્રણે જણ બહાર ઉભી રાખેલી ગાડીમાં બેઠાં. પછીથી એક મોટો વરઘોડો કહાડવામાં આવ્યો અને સ્વામીજીને રીપન કૉલેજમાં લાવવામાં આવ્યા. જે મહોલ્લાઓમાં થઈને વરઘોડો પસાર થવાનો હતો ત્યાં આખે રસ્તે ધ્વજા, પતાકા અને પુષ્પોનાં તોરણો લટકાવવામાં આવ્યાં હતાં. સરક્યુલર રોડ ઉપર કેટલાંક આરકાં ઉભાં કરીને તેના ઉપર “પધારો સ્વામીજી” “જય રામકૃષ્ણ” “સ્વાગતમ્‌” વગેરે લખવામાં આવ્યું હતું. રીપન કૉલેજ આગળ લોકોની ભારે ભીડ થઈ રહી હતી. સ્વામીજી બગીમાં બેઠા કે તરતજ ઘોડા છોડી નાંખવામાં આવ્યા ! સુંદર અને ભવ્ય દેખાવવાળા કેટલાક બંગાળી યુવાનો તેમની ગાડીને ખેંચીને લઈ જવા લાગ્યા. તેમાંના ઘણા તો વિદ્યાર્થીઓજ હતા. કેટલીક ભજનીક મંડળીઓ પણ વરઘોડામાં સામેલ થઇને ઘણાજ ભાવથી ભજનો ગાતી ચાલતી હતી. આખા વરઘોડામાં ધાર્મિક ઉત્સાહ પ્રસરી રહ્યો હતો. આખે રસ્તે બંને બાજુએ અસંખ્ય સ્ત્રીપુરૂષો સ્વામીજીનાં દર્શન કરવાને ઉભાં હતાં. બધાંની વચમાં એક વૃદ્ધ બ્રાહ્મણનો પૂજ્યભાવ સર્વેની દૃષ્ટિ ખેંચી રહ્યો હતો. તે વૃદ્ધ બ્રાહ્મણ રસ્તાની જરાક બહાર ઉભો હતો અને સ્વામીજીને આઘેથી આવતા જોઈને વારંવાર નમન કરી રહ્યો હતો. મુખેથી “શંકર, શંકર ” તે ઉચ્ચારતો હતો અને તેની આંખમાંથી પ્રેમનાં અશ્રુ ટપકી રહ્યાં હતાં.

કોલેજ આગળ સ્વામીજીને ઉતારી લેવામાં આવ્યા. અહીંઆં તેમને ભારે આવકાર આપવામાં આવ્યો હતો. કલકત્તાના શહેરીઓ તરફથી માનપત્ર આપવાનું હાલ મુલ્તવી રાખીને સ્વામીજીને ગોપાળલાલ સીલના બગીચામાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ સ્થળે હવે ગામે ગામથી ધન્યવાદ અને નિમંત્રણના ઉપરા ઉપરી તાર આવવા લાગ્યા. રૂબરૂમાં પણ હજારો મનુષ્યો તેમનાં દર્શને અને મુલાકાતે આવતાં અને સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ સર્વેના મનમાં નવોજ પ્રકાશ પાડતી. સ્વામીજી શ્રમથી જરા પણ ન કંટાળતાં ઘણાજ પ્રેમથી સર્વેના મનનું સમાધાન કરતા.

૧૮૯૭ના ફેબ્રુવારીની ૨૮ મીનો દિવસ કલકત્તાની સમસ્ત હિંદુ પ્રજાને મન મહોત્સવનો દિવસ હતો. તે દિવસે સ્વામી વિવેકાનંદ–તેમના વ્હાલા નરેન્દ્રને કલકત્તાવાસીઓ માનપત્ર આપવાના હતા. શોભા બજારમાં રાજા સર રાધાકાન્ત દેવ બહાદુરના મહેલમાં માનપત્ર આપવાનું હોવાથી લગભંગ પાંચ હજાર માણસોનો જમાવ ત્યાં થઈ રહ્યો હતો. સભાનું પ્રમુખસ્થાન રાજા વિનય કૃષ્ણ દેવ બહાદુરને આપવામાં આવ્યું હતું.

સભામાં ઘણા રાજાઓ, મહારાજાઓ, સંન્યાસીઓ, પંડિતો અને કલકત્તાના મુખ્ય શેહેરીઓ આવેલા હતા. કેટલાંક નામાંકિત યૂરોપિયનો પણ સ્વામીજીની કીર્તિથી આકર્ષાઈને ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો તો પારજ નહોતો. સ્વામીજીની યોગ્ય ઓળખાણ કરાવ્યા પછી પ્રમુખે માનપત્ર વાંચી સંભળાવ્યું. માનપત્ર બંગાળીઓની લાગણીઓ અને સ્વામીજી તરફના પૂજ્યભાવથી ભરપૂર હતું. તેમાં જણાવ્યું હતું કે, આપનો ઉંડો શાસ્ત્રીય અભ્યાસ અને આપનું વિલક્ષણ બુદ્ધિ સામર્થ્ય, આપને ઉપદેશક તરીકે અસામાન્ય વિજય અપાવે, એવાજ આપના એ મહાન વિજયમાં આપના ઉત્તમ ચારિત્ર બળે સોનામાં સુગંધની પેઠે અસામાન્ય ઉમેરો કરી આપ્યો છે. આપનાં ભાષણો, નિબંધો અને પુસ્તકો એવાં ઉત્તમ છે કે તેણે ધર્મ અને સાહિત્યના ક્ષેત્રમાં ભારે અસર ઉપજાવી મૂકી છે. આપનું સાદું, પવિત્ર, પ્રમાણિક અને સ્વાર્થત્યાગી જીવન અને આપનાં વિનય, કાર્યપરાયણતા અને ઉત્કટ અભિલાષાથી આપના ઉપદેશોની અસર શ્રોતાઓ અને વાંચકો ઉપર બહુજ સચોટ થાય છે.

માનપત્રનો સ્વામીજીએ આપેલ જવાબ ઉત્કટ સ્વદેશ ભક્તિથી ભરપુર તેમજ વક્તૃત્વકલાના નમુના રૂપ હતો, હિંદુઓને પોતાના ધર્મનું અને રાષ્ટ્રનું ભાન થાય તો તેઓ કેવાં કેવાં અલૌકિક કાર્યો કરી શકે તેનો ખ્યાલ સ્વામીજીએ માનપત્રના જવાબમાં આપ્યો હતો. વળી પ્રજાકીય અને જાહેર જીવનના નવા નવા માર્ગો તેમણે સર્વેની આગળ રજુ કર્યા હતા. સમસ્ત હિંદુ પ્રજાની આગળ શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમણે એક અવતારી અને આદર્શ પુરૂષ તરીકે રજુ કર્યા હતા. સર્વેને તેમણે સમજાવ્યું હતું કે તેમનો જન્મ હિંદુ ધર્મ અને ભારતવર્ષના પુનરોદ્ધાર માટેજ હતો. તેમનો જવાબ હિંદુઓના ચારિત્ર્યમાં ગુપ્તપણે પડી રહેલી શક્તિઓ તરફ સર્વેનું લક્ષ્ય ખેંચી રહ્યો હતો. ખરેખર ! સ્વામી વિવેકાનંદેજ હિંદની હિંદુ પ્રજાને તેની આત્મશક્તિનું ખરેખરૂં ભાન કરાવ્યું હતું.

તેમનો જવાબ ઘણોજ હૃદયભેદક હતો. તેમાં તેમણે ભારતવર્ષ પ્રત્યે અગાધ પ્રીતિ દર્શાવવા સાથે અતિથિનો સત્કાર કરનારી માયાળુ અમેરિકન પ્રજાનાં વખાણ કર્યા હતાં. દ્રવ્ય, સત્તા અને બુદ્ધિબળથી ગર્વિષ્ટ બની ગયેલા અંગ્રેજ લોકોનાં હૃદયમાં પણ સત્ય અને જ્ઞાનને માટે ઉંડી લાગણી વસી રહેલી છે; તેથીજ લંડનમાં તેમનું કાર્ય વધારે સફળ બન્યું હતું એમ તેમણે દર્શાવ્યું હતું. ભાષણ દરમ્યાન પોતાના ગુરૂ શ્રીરામકૃષ્ણ પરમહંસનું નામ ઉચ્ચારતાં સ્વામીજીનું હૃદય ભરાઈ આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ પરમહંસના ધર્મમય જીવનને સર્વેએ પોતાના આદર્શ તરિકે ગ્રહણ કરવું અને ભારતવર્ષને ધાર્મિક નેતાઓનીજ ખરી જરૂર છે એમ તેમણે ઉપદેશ્યું હતું. પોતાના કાર્ય વિષે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું કે; “અખિલ વિશ્વ ઉપર ભારતવર્ષે જય મેળવવાનો છે. મારો આદર્શ એજ છે. એ આદર્શ વધારે પડતો લાગી સર્વેને આશ્ચર્ય ઉત્પન્ન થશે, પણ મારો આદર્શ તો તેજ છે. કાં તો આખા વિશ્વમાં આપણે જય પ્રાપ્ત કરવો જોઇએ અથવા તો નષ્ટ થઈ જવું જોઈએ. બીજો એકે રસ્તો નથી. હિંદની બહાર આપણે છૂટથી જવું જોઈએ અને પુષ્કળ વિકાસ કરવો જોઈએ. આપણામાં ચેતન રહેલું છે એમ કાંતો જગત આગળ આપણે સાબીત કરવું જોઇએ અને નહિ તો હજી પણ વધારે અધોગતિ પ્રાપ્ત કરીને દુનિયા ઉપરથી આપણે ઉખડીજ જવાના.”

માનપત્રનો ઉત્તર અપાઈ રહ્યા પછીથી સ્વામીજી ગોપાળલાલ સીલના બગીચામાં જવાને નીકળ્યા. સ્વામીજીએ પોતાને પગે જોડા પણ પહેર્યા નહોતા. તેમના શરીરપર એક લાંબો ભગવો ઝભ્ભો અને માથે ફેંટો હતો. લોકો એમને જોઇને રસ્તામાં ખુશાલીના પોકારા કરતા અને ટોળે ટોળાં એમની પાછળ ફરતાં.

જ્યાંસુધી સ્વામીજી કલકત્તામાં રહ્યા ત્યાંસુધી બંગાળા ઇલાકાના પુષ્કળ લોકો સ્વામીજીનાં દર્શન કરવા માટે આવતા અને તેમના તરફ ઘણો પૂજ્યભાવ દર્શાવતા. ધાર્મિક મહાન પુરૂષને માન આપવાનું તો માત્ર ભારતવાસીઓજ જાણે છે. યૂરોપ અને અમેરિકામાં રાજ્યનીતિજ્ઞ પુરૂષોને માન આપવામાં આવે છે અથવા તો ત્યાં મોટી મોટી લડાઈઓમાં બિચારા નિરપરાધિ મનુષ્યોને હણી વિજય પ્રાપ્ત કરી આવનારા સેનાપતિઓ પૂજાય છે; પણ ભારતવર્ષમાં તો રાગદ્વેષ, અશાંતિ અને નાસ્તિકતા રૂપી શત્રુઓ ઉપર જય મેળવનાર ધાર્મિક વીર પુરૂષને જે માન આપવામાં આવે છે, તેવું માન મેળવવાને બીજું કોઈ પણ ભાગ્યશાળી થતું નથી. ધાર્મિક બાબતોમાંજ હિંદુઓને વધારે રસ પડે છે. હિંદુઓ જેટલી ધર્મની દરકાર કરે છે તેટલી રાજ્યદ્વારી, સામાજીક કે આર્થિક બાબતની દરકાર કરતા નથી. સ્વામીજીને હિંદુઓના આધ્યાત્મિક વિચારોની શ્રેષ્ઠતા સાબીત કરી આપી ત્યારથીજ ઘણા હિંદવાસીઓ તેમનાં વ્યાખ્યાન અને લેખોના અભ્યાસક બની રહ્યા હતા. હવે તે મહાત્મા હિંદમાં પધારેલા છે એમ જાણીને હિંદના નાના અને મોટા, ગરીબ અને તવંગર, સર્વે મનુર્ષ્યોના આનંદ અને પ્રેમનો સુમાર રહ્યો ન હતો.

આલમ બજારના મઠમાં સ્વામીજી ઘણાઓની મુલાકાત લેતા અને ઘણાઓ જોડે પત્ર વ્યવહાર ચલાવતા. બાળ, વૃદ્ધ અને યુવાન સર્વ કોઈ તેમના દર્શને આવતા. પુષ્કળ જિજ્ઞાસુ મનુષ્યો તેમની પાસે આવીને પોતાનું હૃદય ખોલતા અને સ્વામીજી તેમનું સમાધાન કરી તેમને શાંતિ અને ઉત્સાહ આપતા.

સ્વામીજી અમેરિકા ગયા તે પહેલાં તેમણે હિંદમાં પ્રવાસ કર્યો હતો એ સમયે તેઓ એક બાળક જેવા સાદા અને ભોળા જણાતા હતા. નમ્રતાએ તેમનામાં વાસ કરેલો હતો અને વૈરાગ્યની તો તે સાક્ષાત્‌ મૂર્તિ જ હતા. પશ્ચિમમાં પણ તેમણે તે ગુણોનું બરાબર પાલન કર્યું હતું અને ત્યાંના ઠાઠથી તેમાં કંઈ પણ ફેર પડ્યો નહોતો. હિંદમાં આવ્યા પછી તેમને હિંદુઓએ ભારે માન આપ્યું તેથી તેમની એ સાદાઈ, નમ્રતા કે વૈરાગ્ય ઉપર કોઈ પણ જાતની અસર થઈ નહોતી. કલકત્તામાં તેમણે “વેદાન્ત” ઉપર ભાષણ આપ્યું હતું. કલકત્તાવાસીઓને તેમના ભવ્ય વિચારો, શાસ્ત્ર પરિચય, અંગ્રેજી અને સંસ્કૃતનું અગાધ જ્ઞાન, છટાદાર વાણી તેમજ અસાધારણ બુદ્ધિનું સાક્ષાત્‌ દર્શન થયું.

એ ભાષણમાં સ્વામીજીએ પ્રથમ ભારતવર્ષના ધાર્મિક ઇતિહાસ તથા તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓનું વર્ણન કહ્યા પછી ઉપનિષદોની ઉત્પત્તિ અને સિદ્ધાંતો વિષે બોલતાં કહ્યું કે; “ઉપનિષદોના કેટલાક સિદ્ધાંતો હિંદના સઘળા પંથને માન્ય છે. એમાંનો પહેલો સિદ્ધાંત એ છે કે જીવાત્મા પુનર્જન્મ ધારણ કરે છે… મનુષ્ય દેહમાં પ્રથમ સ્થૂળ શરીર છે; તેની પાછળ સૂક્ષ્મ શરીર રહેલું છે અને તેની પાછળ જીવાત્મા રહેલો છે. પાશ્ચાત્ય માનસશાસ્ત્ર અને હિંદના પ્રાચીન માનસશાસ્ત્રમાં મોટો ભેદ એ છે કે પાશ્ચાત્ય માનસશાસ્ત્ર મનનેજ આત્મા માને છે. જે ખરું જોતાં જીવાત્માનું માત્ર આંતર સાધનજ છે. એ સાધનદ્વારા જીવાત્મા બાહ્ય જગતમાં દરેક ક્રિયા કરે છે. આ જીવાત્મા અમર અને અનાદિ છે. તે અનેક જન્મ ધારણ કરે છે અને મોક્ષ પ્રાપ્ત થતાં સુધી તેને તેમજ કર્યા કરવું પડે છે.” આ સિવાય સ્વામીજીએ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને હિંદુ તત્વજ્ઞાન વચ્ચે મોટો ભેદ એ જણાવ્યો કે, “હિંદુઓ સઘળી શક્તિઓ, પવિત્રતા, મહત્તા, સઘળું આત્મામાંજ રહેલું માને છે અને આત્માના વિકાસ કરી તે શક્તિઓને ખીલવવી એટલુંજ મનુષ્યને કરવાનું છે. તે ખીલવણી સાત્વિક વૃત્તિની વૃદ્ધિ થવાથી આપો આપજ થવા માંડે છે. જીવાત્માની આ ખીલવણીને રોકે અથવા તેને સંકુચિત કરે એવા કર્મનું નામ દુષ્કર્મ છે અને તેની પવિત્રતાનો તથા પૂર્ણતાનો વિકાસ કરનારૂં કર્મ તે સત્કર્મ છે.”

કલકત્તામાં સ્વામીજી કેટલોક સમય ગોપાળલાલ સીલના બગીચામાં અને કેટલોક સમય આલમબજાર મઠમાં વ્યતીત કરતા. વળી શ્રી રામકૃષ્ણના ભક્તોને ઘેર પણ તે જતા આવતા. કલકત્તાના ધનાઢ્ય પુરૂષો તેમને પોતાને ઘેર લઈ જઈ તેમનાં પવિત્ર પગલાંથી પોતાનું ઘર અને જાત પાવન થયેલાં ગણતાં. વળી ગરિબમાં ગરિબ મનુષ્યો પણ સ્વામીજીને આમંત્રણ આપતા અને સ્વામીજી ઘણીવાર દુઃખી અને ગરિબ મનુષ્યોનાં મકાનમાં ફરી તેમને આશ્વાસન આપતા નજરે પડતા.

કલકત્તાના ઘણા પ્રતિષ્ઠિત પુરૂષો, ધંધાદારીઓ, યુવાનો અને કૉલેજના અસંખ્ય વિદ્યાર્થીઓ સ્વામીજી પાસે દરરોજ સીલના બગીચામાં આવતા. કેટલાક માત્ર તેમનાં દર્શન કરવાનેજ આવતા તો કેટલાક પ્રશ્નો પૂછવાને અને કેટલાક તેમના જ્ઞાનની પરિક્ષા કરવાને પણ આવતા. તત્ત્વજ્ઞાનના મોટા મોટા અભ્યાસકો અને યુનિવર્સિટિના મોટા મોટા પ્રોફેસરો સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ અને તત્વજ્ઞાનને જોઇ ચકિત થઈ જતા. જાણે કે સાક્ષાત્‌ સરસ્વતીજ તેમના મુખદ્વારા બોલતી હોય તેમ સર્વને લાગતું અને તેમના કહેવાની ઉંડી છાપ સર્વેનાં હૃદય ઉપર પડી રહેતી.

સ્વામીજીનું લક્ષ્ય ખાસ કરીને કલકત્તાના સુશિક્ષિત પણ અવિવાહિત યુવાનો તરફ વધારે ખેંચાતું. ભારતવર્ષના ઉદયનો આધાર તેના યુવાનો ઉપર રહેલો ધારીને સ્વામીજી તેમની સાથે બહુજ છૂટથી વાર્તાલાપ કરતા. તેમાંના જે મજબુત બાંધાના અને ધાર્મિક વૃત્તિવાળા હોય તેમને જગતના હિત માટે અને પોતાના આત્માના કલ્યાણ માટે શિક્ષણ આપી તૈયાર કરવા એવી તેમની ઈચ્છા હતી. યુવાનોની શારીરિક નિર્બળતાને માટે સ્વામીજી ઘણીજ દિલગીરી દર્શાવતા અને તેમાંના કેટલાકે કરેલાં બાળલગ્નને ધિકારતા. યુવાનોમાં આત્મશ્રદ્ધાનો અભાવ જોઈને તેઓ તેમને આત્મશ્રદ્ધાની મહત્તા સમજાવતા. આપણા પ્રાચીન શિક્ષણ અને આદર્શો તરફ તેમની અશ્રદ્ધા જોઈને સ્વામીજીને ભારે ખેદ થતો અને એ શિક્ષણ અને આદર્શો તરફ હજી પણ અલક્ષ્ય રાખવામાં આવશે તો હિંદુજીવન છેવટે સમૂળુ નષ્ટ થઈ જશે એમ તે યુવાનોનાં હૃદયમાં દૃઢ ઠસાવતા. યુવાનો પ્રત્યે સ્વામીજીનું વર્તન અને બોધ અત્યંત પ્રીતિ અને મમતાથી ભરપુર હતાં. તેમના અંતઃકરણમાંથી પ્રેમનો ઝરો વહી રહ્યો હતો. તેમની પાસે બેસનારા યુવાનો જાણે પ્રેમના મહાસાગરમાંજ નાહી રહ્યા હોય એવું તેમને લાગતું. સ્વામીજીના આવા પ્રબળ પ્રેમ અને સુબોધના પ્રભાવથી ઘણા યુવાનો સ્વામીજી તરફ આકર્ષાઈ તેમના અનુયાયીઓ બન્યા અને કેટલાક તો તેમના ચુસ્ત શિષ્યોજ થઈ રહ્યા.

સીલના બગીચામાં એક વખત એક વૈષ્ણવ સાધુ આવીને વૈષ્ણવ ધર્મ સંબંધી વાત કરવા લાગ્યો. તેનું ધારવું એમ હતું કે સ્વામીજી વેદાન્તનો બોધ કરવા આડે વૈષ્ણવ ધર્મનું રહસ્ય પાશ્ચાત્યોને સમજાવવાનું ભૂલી ગયા હતા ! એ વૈષ્ણવ સાથે કેટલીક વાતચીત કર્યા પછી સ્વામીજીએ કહ્યું કે, “બાબાજી, એક વખત અમેરિકામાં મેં શ્રીકૃષ્ણ ઉપર પણ વ્યાખ્યાન આવ્યું હતું અને એક યુવાન સ્ત્રી ઉપર તેની એવી અસર થઈ કે તરતજ સંસારનો ત્યાગ કરી એક બેટ ઉપર જઇને પોતાનું જીવન એકાન્તમાં ગાળવા લાગી. તે સ્ત્રી એક મોટી મિલકતની વારસ હતી, તેને પણ તેણે છોડી દીધી અને પોતાના દિવસો તે શ્રીકૃષ્ણના ચિંતનમાંજ પસાર કરી રહી છે.”

એક દિવસ સ્વામીજી બંગાળાની થીઓસોફીકલ સમાજના મકાનમાં રહેનાર એક યુવાન જોડે વાત કરી રહ્યા હતા. તે યુવાન બોલ્યો: “સ્વામીજી, અનેક સંપ્રદાયોના સિદ્ધાંતોને હું સાંભળું છું, પણ સત્ય શું છે તે હું જાણી શકતો નથી.” ઘણાજ પ્રેમથી સ્વામીજીએ જવાબ આપ્યો કે, “તારે ગભરાવું નહિ. એકવાર મારી પણ તારા જેવીજ દશા હતી. અત્યાર સુધીમાં તને શું બોધ મળ્યો છે તે મને કહે.” તે યુવાને કહ્યું કે, “થીઓસોફીકલ સમાજના એક ઉપદેશકે મને મૂર્તિપૂજાની આવશ્યક્તા અને ઉપયોગિતા સમજાવી છે અને તેમના કહેવા પ્રમાણે હું પૂજા અને જપ કરું છું, પણ મને શાંતિ મળતી નથી. મહારાજ, જપ કરતી વખતે મારી ઓરડીનાં બારણાં બંધ કરી દઉં છું અને મારી આંખો પણ મીંચી દઉં છું; છતાં મારા ચિત્તમાં જરાપણ શાંતિ વળતી નથી. તમે મને માર્ગ બતાવશો ?”

દયા અને સ્નેહની લાગણીથી સ્વામીજી બોલ્યા: “તારે તારી ઓરડીનાં બારણાં બંધ કરવાને બદલે તે ખુલ્લાંજ રાખવાં જોઇએ અને આંખો બંધ કરવાને બદલે ઉઘાડીજ રાખી આસપાસ જોવું જોઈએ. તારી પડોશમાં હજારો ગરિબ અને નિરાધાર મનુષ્યો વસતાં હશે. તારાથી બને તેટલી સેવા તેમની તારે કરવી જોઇએ. કોઇ માણસ માંદુ હોય અને તેની સારવાર કરનારૂં કોઈ ન હોય તેવાની તારે ચાકરી કરવી જોઈએ. કોઈની પાસે ખાવાનું ન હોય તેવાને તારે ખવરાવવું જોઈએ. કોઈ અભણ હોય તેવાને તારે ભણાવવું જોઈએ. તારે જો શાંતિ મેળવવી હોય તો તને મારી આ સલાહ છે. તારાથી બની શકે તેટલી બીજાઓની સેવા કર.”

એક દિવસ એક વૃદ્ધ પ્રોફેસર જે શ્રીરામકૃષ્ણના ભક્ત હતા તે સ્વામીજીની પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે; “સ્વામીજી, તમે સેવા, પરોપકાર અને જગતનું કલ્યાણ કરવાની વાતો કરો છો; પરંતુ એ પણ માયાનાંજ કાર્યો છે. વેદાન્ત પ્રમાણે તો મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરવાને માયાનાં સર્વ બંધનોને તોડી નાંખવાં જોઈએ. તેને બદલે પરોપકારાદિ કરવાથી તો માયાની ઉપાધિમાં મન પડી જાય છે.”

સ્વામીજીએ એકદમ જવાબ આપ્યો: “પણ ત્યારે તો મુક્તિને પ્રાપ્ત કરવી એ પણ પાપનું જ કાર્ય નથી ? આત્મા સર્વદા મુક્ત છે એમ વેદાન્ત આપણને શિખવતું નથી ? મુક્ત આત્માની બાબતમાં મુક્તિ મેળવવાની કેવી હોય ? કાંટા વડે કાંટો કહાડવાની પેઠે અથવા તો (કપડામાંના મેલરૂપી) એક વસ્તુને બીજી (સાબુરૂપી) વસ્તુ વડે દૂર કરવાની પેઠે તામસ માયાને માયાથી અને રાજસ માયાને સાત્વિક માયાથીજ દૂર કરવાનું બની શકે છે. પછી જો એકલી સાત્વિક માયા રહેશે તેનો તો સ્વભાવજ એવો છે કે તે આપો આપજ દૂર થઈ જશે.”

એક દિવસ શ્રીરામકૃષ્ણ પરમહંસના ભત્રીજા શ્રીરામલાલ ચટ્ટોપાધ્યાય સ્વામીજીને મળવા આવ્યા. તેમને જોઈને સ્વામીજી એકદમ ખુરશી ઉપરથી ઉભા થયા અને પોતાની ખુરશી તેમને આપી. એ વખતે બીજા જે અનેક મનુષ્યો સ્વામીજીની આસપાસ બેઠેલા હતા તેમની વચમાં સ્વામીજીની ખુરશી ઉપર બેસવાનું રામલાલને ઠીક લાગ્યું નહિ તેથી તેમણે સ્વામીજીને પોતાને સ્થાને પાછા બેસી જવાનું કહ્યું; પણ સ્વામીજીએ તે માન્યું નહિ. તેમણે રામલાલને આગ્રહપૂર્વક પોતાની ખુરશી ઉપર બેસાડ્યા અને ખુરશી એકજ હોવાથી સ્વામીજી પોતે આંટા ફેરા કરવા લાગ્યા અને મુખેથી ઉચ્ચારવા લાગ્યા કે “गुरुवत् गुरुपुत्रेषु ।” સ્વામીજીની સાદાઈ, નિરાભિમાન અને ગુરૂભક્તિનો આ ઉત્તમ દાખલો છે.

જુદા જુદા સ્વભાવનાં મનુષ્યો સ્વામીજીની પાસે આવતાં અને જુદા જુદા વિષયોનું નિરાકરણ કરી લેતાં. એકવાર એક મનુષ્યે સ્વામીજીને કહ્યું કે, જ્યાંસુધી મનુષ્ય પોતાની જાતને સૌથી હલકામાં હલકા ગણે નહિ ત્યાંસુધી ઉચ્ચ ધાર્મિકતાનો વાસ તેનામાં થઈ શકે નહિ એ વાત ખરી છે કે નહિ ? સ્વામીજી બોલી ઉઠ્યા: “આપણે આપણી જાતને એટલી બધી હલકી શા માટે ગણવી જોઈએ ? આપણે મહાજ્યોતિના પુત્રો છીએ. અખિલ વિશ્વમાં જે મહાજ્યોતિ વ્યાપી રહેલો છે તેમાં આપણે રહીએ છીએ, વિચરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. એ સત્યને જો આપણે સમજ્યા હોઇએ તો પછી અજ્ઞાનાંધકારને લીધે જે કાંઈ દોષો આપણામાં હોય તે ધાતુ ઉપરથી મેલ ઘસી નાખીએ તેમ દૂર કરવા જોઈએ એ વાત ખરી છે; પણ આપણે મૂળેજ ખરાબ છીએ અને ખરાબમાં ખરાબ છીએ એવું ઉંધું તો નજ માની લેવું જોઈએ.

એક દિવસ એક ગૌરક્ષક મંડળીનો એક ઉપદેશક સ્વામીજીની પાસે આવીને ગૌરક્ષાના કામમાં પૈસાની મદદ માગવા લાગ્યો.

સ્વામીજીએ તેને પૂછ્યું કે મધ્ય હિંદુસ્તાનમાં ભયંકર દુકાળ ચાલી લાખો માણસ મરી રહ્યાં છે તેમને બચાવવાને તમારી મંડળી કાંઈ કરે છે ?

ઉપદેશક—એવી બાબતોમાં મદદ કરવી એ અમારું કામ નથી. ગૌમાતાઓનું રક્ષણ કરવું એજ અમારો હેતુ છે.

સ્વામીજી—પણ ભૂખથી મરી જતાં મનુષ્યોને મુઠીભર અનાજ આપીને બચાવવા એ જીવ દયાનું મોટું કામ છે અને એ તમારી ફરજ છે એમ તમને નથી લાગતું ?

ઉપદેશક—તેઓનાં કર્મોનાં જ ફળ તેઓ ભોગવી રહેલા છે.

સ્વામીજી—સાહેબ, જે મંડળોમાં માનવજાતિ માટે દયાની લાગણી નથી; જે મંડળો પોતાના સ્વદેશ બંધુઓને ભૂખે મરતા ઠંડે પેટે જોયા કરીને માત્ર પશુ પક્ષીઓને માટેજ લાખો રૂપીઆ ખરચી નાંખે છે; તેવાં મંડળોને માટે મને જરાએ લાગણી નથી. “મનુષ્યો તેમનાં દુષ્કર્મોને લીધે દુકાળમાં મરે છે માટે તેમને મરવા દ્યો” આવાં નિર્દયતાથી ભરેલાં વચનો ઉચ્ચારતાં તમને શરમ આવતી નથી ? જો બધુંએ સૌ સૌના કર્માનુસારજ થાય છે તો પછી ગૌમાતાઓ માટે અને પોતાના નિર્વાહ માટે પણ માણસે શું કરવા યત્ન કરવો જોઈએ !

ઉપદેશક—પણ સ્વામીજી, આપણાં શાસ્ત્રો કહે છે કે “ગાય આપણી માતા છે !”

એ શબ્દો સાંભળીને સ્વામીજી જરાક હસ્યા અને બોલ્યા “હા, ગાય તમારી માતા છે, નહિ તો આવા તમારા જેવા (બળદ જેવા) બુદ્ધિશાળી પુત્રો પેદા થાય ક્યાંથી ?”

ઉપદેશકના ગયા પછી સ્વામીજીએ બીજા બેઠેલા ગૃહસ્થોને કહ્યું કે આવા ઉંધા વિચારોથીજ આખો દેશ દુર્દશામાં જઈ પડેલો છે. કર્મના નિયમને લોકો ક્યાં સુધી અવળો ઘસડી ગયા છે અને તેમાંથી કેવી નિર્દયતા ઉત્પન્ન થઈ રહેલી છે ! અફસોસ ! જેમને મનુષ્યો માટે લાગણી ન હોય તેમને મનુષ્યજ શી રીતે કહેવાં !”

સ્વામીજીના બધા સંવાદોનું વર્ણન આ સ્થળે આપી શકાય નહિ. [૧]* અહીંઆં એટલુંજ કહેવું બસ થશે કે તેમના સંવાદો અને વાર્તાલાપ હિંદના યુવાનોને સ્વકર્તવ્યનું ભાન કરાવનારા છે. તે સંવાદોમાં સ્વામીજીએ ભારતવર્ષને પોતાનો સંદેશ કહેલો છે. તે સંવાદો સ્વદેશપ્રીતિ અને ધર્મભાવનાથી ભરપુર છે.

એક દિવસ એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજી કહેતા હતા કે; છેલ્લાં હજારેક વર્ષથી તમને હિંદવાસીઓને એમજ કહેવાતું રહ્યું છે કે તમે નિર્બળ છો અને તમે પણ તેમજ માની બેઠેલા છો; પરંતુ આ મારૂં શરીર પણ તમારી પેઠે ભારતભૂમિમાંજ જન્મ પામેલું છે કે નહિ ? છતાં પણ જે પરદેશીઓ તમને નિર્બળ અને હલકા ગણે છે તેઓ મને શા કારણથી ગુરૂ તરીકે માને છે ? મારી આત્મશ્રદ્ધાથી અને પ્રભુકૃપાથીજ તેમ બન્યું છે. મારામાં જે આત્મશ્રદ્ધાએ વાસ કરેલો છે તે આત્મશ્રદ્ધા જો તમારામાં હોય–જો તમે પણ એમજ માનો કે તમારામાં અપરિમિત શક્તિ અને નિઃસિમ જ્ઞાન ભરેલાં છે તો તમે પણ અવશ્ય મારા જેવા થઈ શકો અને અદ્‌ભુત કાર્યો કરી શકો. તમે કહેશો કે એ વિચાર કરવાનુ સામર્થ્ય અમારામાં ક્યાં છે ? અમારામાં તેવી શ્રદ્ધા જગવનારા અને અમને એવા સામર્થ્યનો બોધ આપનારા ગુરૂઓ ક્યાં છે ? પરંતુ તમને તે આત્મશ્રદ્ધા અને સામર્થ્યનો બોધ કરવાને અને મારા પોતાના દૃષ્ટાંતથી તમને તે પ્રત્યક્ષ કરાવવાનેજ હું તમારી પાસે આવેલો છું. તે મહા સત્યને તમે મારામાંથી શિખો અને અનુભવો. પછી શહેર શહેર અને ગામે ગામ ફરીને એ સત્યને ફેલાવો. જાઓ, અને દરેક ભારતવાસીને કહો કે, “ઉઠો, જાગૃત થાઓ, સ્વપ્નાવસ્થાનો ત્યાગ કરો. જાગૃત થાઓ અને તમારામાં રહેલા દેવત્વને બહાર કહાડો.” દુનિયામાં એવી આવશ્યકતા એકે નથી, એવું દુઃખ એકે નથી કે જે આત્મશ્રદ્ધાથી દૂર ન થઈ શકે.

હવે કેટલાક પંડિતો પણ સ્વામીજીના જ્ઞાનનો કસોટિ કહાડવાને સીલના બગીચામાં આવવા લાગ્યા. વેદ અને દર્શનોમાં પારંગત થયેલા કેટલાક ગુજરાતી પંડિતો એકવાર સ્વામીજીની સાથે શાસ્ત્રાર્થ કરવાને આવ્યા. તેઓએ સંસ્કૃતમાંજ વાત શરૂ કરી. સ્વામીજી પણ તેમને સંસ્કૃતમાંજ જવાબ આપવા લાગ્યા. સ્વામીજીની વાણી મધુર હતી અને પંડિત કરતાં પણ વધારે ઝડપથી તે બોલી શકતા હતા. બોલતાં બોલતાં સ્વામીજીથી એક ભૂલ થઈ ગઈ. “સ્વસ્તિ” ને બદલે “અસ્તિ” તેમનાથી બોલાઈ ગયું ! આ નજીવી બાબતને મોટું સ્વરૂપ આપીને પંડિત ખડખડ હસવા લાગ્યા ! સ્વામીજીએ પોતાની ભૂલ એકદમ સુધારી અને તે કહેવા લાગ્યા કે “પંડિતોનો હું દાસ છું. એવી નજીવી ભુલને તો તેમણે જતી કરવી જોઈએ.” એ પછી પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા વગેરે ઉપર કેટલીક ચર્ચા ચાલ્યા પછી ઘેર જતે જતે પંડિતો સ્વામીજીના સ્નેહીઓને કહેવા લાગ્યા કે, સ્વામીજીને સંસ્કૃત વ્યાકરણનો વધારે ઉંડો અભ્યાસ હોય એમ લાગતું નથી, પણ આપણાં શાસ્ત્રો ઉપર તો તેમણે ઘણો સારો કાબુ મેળવેલો છે. વાદવિવાદ કરવામાં તેમની શક્તિ અપૂર્વ છે. તેઓ ઘણીજ અજાયબી ભરેલી રીતે પોતાના વિચારો દર્શાવે છે અને બીજાના તર્કોને તોડી નાંખે છે. તેમની બુદ્ધિ ઘણીજ વિલક્ષણ છે.

પંડિતોના ગયા પછી સ્વામીજીએ સર્વને જણાવ્યું કે આપણા પંડિતો વિદ્વાન હોય છે, પણ તેમની રીતભાત અસભ્ય હાય છે. એકાદ શબ્દની ચુક માટે મારા પ્રત્યે તેમણે જે રીતભાત દર્શાવી તેવું પશ્ચિમમાં ચાલી શકે નહિ. પશ્ચિમના સુશિક્ષિત વર્ગના લોકો સામાના કહેવાનો ભાવાર્થ શો છે તેજ જાણવાનો પ્રયાસ કરે છે. તેઓ ભાષા કે વ્યાકરણ સંબંધી ભૂલને મહત્વ આપતા નથી અને હસવા મંડી પડી વક્તાનું અપમાન કરતા નથી. તેઓ વિષયને બાજુ ઉપર મૂકી એવી નજીવી બાબતોમાં જીવ ઘાલતાજ નથી. આપણા પંડિતો તો કહેવાની મતલબને બાજુ ઉપર મૂકી દે છે અને શબ્દોને માટેજ મારામારી કરી મૂકે છે. તેઓ પતરાળાં પડીયામાંથી વાંકાચુંકાપણું શોધી કહાડીને તેને માટેજ એટલા બધા લડી મરે છે કે પતરાળામાં ખોરાક પીરસવાનું જ બને નહિ ને પીરસાયું હોય તો ખાવાનું બને નહિ. પશ્ચિમના પ્રદેશોમાં જતા પહેલાં પણ સ્વામીજી ઘણીવાર કહેતા હતા કે ઉચ્ચ વિચારો અને વ્યવહારિક જીવન વચ્ચે રહેલો સંબંધ સમજીને તે પ્રમાણે વર્તવાની તો તેઓ જરૂરજ જોતા નથી. ઘણા કાળથી ચાલતા આવતા જુના ચીલામાં તેઓ પોતાનું જીવન વહેવરાવ્યા કરે છે અને પોપટીયા તત્વજ્ઞાનની મિથ્યા કડાકુટમાં સંતોષ માને છે.

  1. સસ્તા સાહિત્ય તરફથી આ સંવાદો પણ નિકળ્યા છેજ.