સ્વામી વિવેકાનંદ/મદ્રાસમાં અપૂર્વ માન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભારતવર્ષની ભૂમિ પર સ્વામી વિવેકાનંદ
મદ્રાસમાં અપૂર્વ માન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
કલકત્તામાં આગમન →
પ્રકરણ ૪૫ મું – મદ્રાસમાં અપૂર્વ માન.

કુંબાકોનમ અને મદ્રાસની વચમાં આવેલાં સ્ટેશન ઉપર સ્વામીજીને જે માન આપવામાં આવ્યું હતું તેનું વર્ણન આપવું અશક્ય છે. નાનાં મોટાં સઘળાં સ્ટેશન ઉપર હજારો માણસો તેમનાં દર્શન કરવાને ભેગાં થઈ રહ્યાં હતાં. કેટલાંક નાનાં સ્ટેશનો ઉપર આગગાડી ઉભી રહેતી નહોતી ત્યાં લોકો આઘેથી તેમનાં દર્શન કરીને પોતાને ધન્ય માનતા હતા. સ્વામીજીનાં દર્શનને માટે લોકો કેવા આતુર હતા તેનો ખ્યાલ નીચેના વર્ણનથી આવી શકશે.

કુંબકોનમથી મદ્રાસ જતાં રસ્તામાં એક નાનું સ્ટેશન આવતું હતુ. આગગાડી ત્યાં ઉભી રહેવાની નહોતી. અસંખ્ય મનુષ્યો સ્વામીજીનાં દર્શન કરવાને સ્ટેશન ઉપર એકઠા થયા હતા. આગગાડી ત્યાં ઉભી રહેવાની નથી એમ જાણીને તેમણે તેને ઉભી રાખવાને સ્ટેશન માસ્તરને અરજ કરી, પણ તેણે ના પાડી. લોકોએ ઘણા અધીરા બની ફરી ફરીને આજીજી કરી, પણ કંઈ વળ્યું નહિ. આથી ગાડી આવતી દૂરથી જણાતાંજ ઘણા લોકો રેલ્વેના પાટા ઉપર સુઈ ગયા ! સ્ટેશન માસ્તરને શું કરવું તે નહિ સુઝવાથી નાસી ગયો. આગગાડીમાંથી એંજીન ચલાવનારે જોયું તો પાટા ઉપર હજારો મનુષ્યોને પડેલાં જોયાં. તેણે તરતજ ગાડી ઉભી રાખી. સ્વામીજીના ડબ્બાની આસપાસ લોકો ફરી વળ્યા અને તેમનાં દર્શન કરીને હર હર મહાદેવના હર્ષનાદ કરી રહ્યા. લોકોનો અત્યંત ભાવ જોઇને સ્વામીજી ડબ્બામાંથી બહાર આવ્યા અને કેટલીક મિનિટ સુધી ઉભા રહ્યા. તેમણે પ્રીતિથી પોતાના બંને હાથ લંબાવીને સર્વને આશિર્વાદ આપ્યા.

સ્વામીજી આવે છે એવી ખબર તારથી મળતાંજ આખા મદ્રાસ શહેરમાં ભારે ઉત્સાહ વ્યાપી રહ્યો. તેમને આવકાર આપવાની ભારે તૈયારીઓ થવા લાગી. મદ્રાસ શહેરના સઘળા રસ્તાઓને અને મહોલ્લાઓને શણગારવામાં આવ્યા અને રસ્તામાં કમાનોવાળા સત્તર દરવાજા ઉભા કરવામાં આવ્યા. “પૂજ્ય વિવેકાનંદ ઘણું જીવો.” “ભારતવર્ષ વિવેકાનંદને આવકાર આપે છે.” “શાંતિપ્રસારક દેવદૂત, તમારો જય હો !” “શ્રી રામકૃષ્ણ પરમહંસના કીર્તિવંત શિષ્ય.” “एकं सत् विप्रा बहुधा वदन्ति” વગેરે શબ્દો તે કમાનો ઉપર લખવામાં આવ્યા હતા. સ્વામીજી આવ્યા તે દિવસે લોકોનું એક મોટું ટોળું તેમને સામા લેવાને સ્ટેશન ઉપર ગયું. જસ્ટીસ સુબ્રહ્મણ્ય આયર અને તેમના જેવા બીજા પુરૂષો પણ તેમાં હતા.

ગાડી પાસે આવી પહોંચતાંજ લોકોના હર્ષનો પાર રહ્યો નહિ, સ્વામીજીને પુષ્પહાર પહેરાવ્યા પછી સર્વે એક સરઘસના આકારમાં ગોઠવાઈ ગયા અને સ્વામીજીને ગાડીમાં બેસાડીને શહેરમાં લઈ જવામાં આવ્યા. સરઘસ પેલી સત્તર કમાનવાળા દરવાજાઓમાં થઇને પસાર થયું. સરઘસમાં લગભગ દસ હજાર માણસો ભાગ લઈ રહ્યાં હતાં. આખે રસ્તે “હર હર મહાદેવ” તેમજ “જય રામકૃષ્ણ, વિવેકાનંદ” ના પોકારો થયા કરતા હતા. થોડેક રસ્તે ગયા પછી સ્વામીજીની ગાડીના ઘોડા છોડી નાંખવામાં આવ્યા અને લોકો તેને ખેંચીને લઈ ગયા. કેસલ કર્નાનમાં તેમને ઉતારો આપવામાં આવ્યો.

મદ્રાસ સ્વાગતમંડળ, વિદ્વત વૈદિક સભા, સંસાર સુધારા સમાજ, ખેત્રીના મહારાજા, તેમજ બીજાં અનેક મંડળ તરફથી સંસ્કૃત, ઈંગ્લીશ, તામીલ અને તેલુગુ ભાષામાં લખાયેલાં વીસેક માનપત્રો વંચાયા બાદ સ્વામીજીને ભેટ કરવામાં આવ્યાં. સઘળાં માનપત્રોનો જવાબ મકાનમાં આપવો અશક્ય હતો; કારણ કે લગભગ દસ હજાર માણસો ત્યાં એકઠાં થયાં હતાં અને મકાનમાં ઉભા રહેવાની જગ્યા પણ નહોતી, એથી કરીને સ્વામીજી મકાનની બહાર આવ્યા અને એક મોટા મેદાનમાં એક ગાડી ઉપર ચડી હાંકનારની તે જગ્યાએ ઉભા રહીને એક ટુંકો જવાબ આપ્યો અને માણસોની પડાપડી અને અવ્યવસ્થાને લીધે વધારે કહેવાનું બીજા કોઈ પ્રસંગને માટે મુલતવી રાખ્યું. એ વખતનો દેખાવ ઘણોજ રમણીય હતો, કારણ કે ગાડી ઉપર ઉભેલા સ્વામીજીને જોઈ રથમાં ઉભા રહી અર્જુનને બોધ કરી રહેલા શ્રીકૃષ્ણ સર્વને યાદ આવતા હતા.

સ્વામીજીના આગમનના સંબંધમાં “મદ્રાસ ટાઈમ્સ પત્રે” નીચે પ્રમાણે લખ્યું હતું:—

“છેલ્લાં કેટલાંક અઠવાડીયાંથી મદ્રાસના લોકો ઘણીજ આતુરતાથી સ્વામી વિવેકાનંદના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મદ્રાસમાં તેમનું નામ દરેક મનુષ્યના મુખમાંથી નીકળી રહ્યું છે. શાળા, પાઠશાળા, કોલેજ, હાઈકોર્ટ અને મદ્રાસના મહોલ્લાઓ તથા બજારોમાં પણ હજારો મનુષ્યો “સ્વામી વિવેકાનંદ ક્યારે આવશે” એમ પૂછતા નજરે આવે છે. મદ્રાસમાં પરિક્ષા આપવાને આવેલા હજારો વિદ્યાર્થી આ પરિક્ષા થઈ જવા છતાં સ્વામીજીનાં દર્શન કરવાને રોકાયલા જોવામાં આવે છે. સ્વામીજીને આવકાર આપવાને સર્વત્ર ભારે તૈયારીઓ ચાલી રહી છે. ઇ. ઇ.”

મદ્રાસના બીજા એક મુખ્ય વર્તમાનપત્ર લખ્યું હતું કે:— “આવો સઘળા લોકોની સંમતિવાળો અને ઉત્સાહભર્યો આવકાર કોઈ હિંદુ કે યૂરોપિયન સદ્‌ગૃહસ્થને કે રાજાને મદ્રાસમાં અત્યાર અગાઉ અપાયલો મદ્રાસના લોકોએ ઘણાં વર્ષથી જોયો નથી. સ્વામી વિવેકાનંદને જે અપૂર્વ ભાવથી મદ્રાસના લોકોએ વધાવી લીધા હતા તેના કરતાં વધારે પ્રેમદર્શક, વધારે હૃદયગ્રાહી અને વધારે શુભ ચિન્હ સુચક આવકાર કોઈને પણ મળ્યો હોય એમ મદ્રાસના વૃધ્ધમાં વૃદ્ધ માણસોને પણ યાદ આવતું નથી. અમે ખાત્રીથી કહીએ છીએ કે આ બનાવ ઉછળતી પ્રજાના હૃદયમાં સદાએ જાગૃત રહેશે.”

ઉપર પ્રમાણે સ્વામીજી કોલંબોથી મદ્રાસ સુધીમાં માન મેળવી રહ્યા હતા, પણ એતો માત્ર શરૂઆતજ હતી. જેમ ખુશાલીમાં દૂરથી કરાયલો તોપનો અવાજ–ધ્વનિ સર્વત્ર ફેલાઈ જાય છે અને તેમાંથી પાછો પ્રતિધ્વનિ નીકળી સઘળાં સ્થળોમાં પ્રસરી રહે છે તેમ સ્વામીજીના આગમનથી લોકોની ખુશાલી અને ઉત્સાહ જેમ જેમ તે હિંદુસ્તાનમાં આગળ વધતા ગયા તેમ તેમ વધારેને વધારે વધતો ગયો અને તેનો ધ્વનિ–પ્રતિધ્વનિ સિલોનથી હિમાલય સુધી વ્યાપી રહ્યો; અને ભારતવર્ષની જાગૃતિનાં શુભ ચિન્હ તેમાં સર્વને જણાઈ રહ્યાં.

મદ્રાસમાં સ્વામીજી જે નવ દિવસ રહ્યા તે દિવસો મદ્રાસના લોકોને મન “નવરાત્રિના દિવસો જેવાજ હતા. મદ્રાસીઓનો ઘણો ઉત્સાહ જોઈ સ્વામીજીને પણ નવો ઉત્સાહ આવ્યો હતો અને પોતાનાં ભાષણોમાં તેમણે હિંદુઓની જવાબદારી, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય આદર્શો તેમજ વેદાન્તની આવશ્યકતા ઘણી સુંદર રીતે પ્રતિપાદન કરી હતી. સ્વામીજીની અનુપમ વક્તૃત્વશકિત અને વિષયને પ્રતિપાદન કરવાની મોહક કળા જોઈને મદ્રાસના પ્રખ્યાત “હિંદુ” પત્રે લખ્યું હતું કે:—

“સ્વામીજી જેવી અદ્‌ભુત વક્તૃત્વ શકિતવાળો વક્તા મદ્રાસના વૃદ્ધમાં વૃદ્ધ મનુષ્યના પણ જોવામાં આવ્યો નથી.”

સ્વામીજીનું પહેલું ભાષણ જ “મારા કાર્યની યોજના” ઉપર થયું હતું. સ્વામીજીએ કહ્યું કે; “મેં અમેરિકામાં જોયું છે કે ત્યાં સામાજીક જીવન ઉપર ધર્મની વ્યવહારિક અસર કેવી થશે તે વાત પ્રથમ સમજાવ્યા વગર ધર્મનો બોધ હું કરી શકતો નહોતો. વેદાન્તથી રાજકીય વિષયોમાં કેવા અદ્ભુત ફેરફારો થઈ રહેશે એ સમજાવ્યા વગર ઈંગ્લાંડમાં પણ હું વેદાન્તનો બોધ કરી શકતો નહોતો. તેવીજ રીતે હિંદમાં નવો સામાજીક સુધારો તેના ધાર્મિક જીવનમાં કેટલો વધારો કરી શકશે, અથવા અમુક રાજકીય વિષયથી પ્રજાના વ્હાલા ધર્મમાં કેટલો ઉમેરો થશે, તે સમજાવ્યા પછીજ સામાજીક કે રાજકીય વિષયનો બોધ કરવાનો છે. જેમ દરેક મનુષ્ય પ્રથમ પોતાની પસંદગી નક્કી કરીને પછી જ કાર્ય કરે છે તેમજ દરેક પ્રજા પણ કરે છે. આપણે હજારો વર્ષ પૂર્વે આપણી પસંદગી કરી લીધેલી છે અને આપણે કરેલી પસંદગી કંઈ ખોટી નથી.”

સ્વામીજીનું માનવું એવું હતું કે ભારતવર્ષમાં કાંઈ પણ સામાજીક કે રાજ્યવિષયક સુધારણા કરતાં પહેલાં પ્રજામાં ધર્મભાવનાની જાગૃતિ કરવી જોઇએ. ઉપર ઉપરથી જોનારને ભારતવાસીઓ ગમે તેવા જણાતા હશે; પણ તેમના હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષતા ઉંડાં પ્રવેશી રહેલાં છે.

પ્રાચીન સમયમાં ભારતવર્ષનું ધ્યેય ધર્મ હતો. મુસલમાનોના રાજ્યમાં અનેક સંકટો પડવા છતાં પણ હિંદુ પ્રજા પોતાના ધર્મને લીધેજ ટકી રહી હતી. ધર્મ વડેજ હિંદ પ્રાચીન સમયે જગતમાં સર્વોપરિ સ્થાન ભોગવી રહ્યું હતું. ધર્મ વડેજ હિંદના મહાન ઋષિયો જગતને અનુપમ તત્વજ્ઞાન આપવાને શક્તિમાન થયા હતા. ધર્મ વડેજ હિંદમાં નિઃસ્વાર્થ બુદ્ધિ, સાદું જીવન, પરોપકાર અને સાધુતા વસી રહેલાં હતાં, અને ધર્મ વડેજ હિંદમાં સંપ અને ઐક્ય વાસ કરી રહેલાં હતાં. અત્યારે ભારતવર્ષ જે દુર્દશામાં આવી પડેલો છે તેમાંથી તેને જાગૃત કરવાનો ઉપાય પણ ધર્મજ હોવાથી સ્વામીજી કહેતા હતા કે, પ્રજાની ધર્મ વૃત્તિને જાગૃત કરો, તેના હૃદયના ઉંડા ભાવોને ખીલવો, તેની ગૂઢ આંતર શક્તિઓનો અભ્યાસ કરીને તેમનું પોષણ કરો અને તેમને યોગ્ય માર્ગે વાળો; એટલે અખિલ ભારતવર્ષનું સામર્થ્ય પ્રગટી નીકળશે અને તેનો ઉત્કર્ષ સધાશે. સામાજીક સુધારા કે રાજ્યવિષય; સુધારો હિંદના હૃદયને ખેંચી શકતો નથી, તેનું એજ કારણ છે કે પ્રજાનો આત્મા હજારો વર્ષથી ધર્મ સાથેજ બંધાઈ રહેલો છે. માટે હિંદુઓનું પ્રથમ કર્તવ્ય એજ છે કે ઉપનિષદો, મઠો અને અરણ્યોમાં દટાઈ રહેલા અદ્ભૂત ધાર્મિક સત્યોને બહાર કહાડી રાજમહેલોથી તે ઝુંપડાં સુધી–દરેક સ્થળમાં તેનો પ્રચાર કરવો અને પ્રજાના આત્માને જાગૃત કરવો. પ્રજામાં આવી ધાર્મિક જાગૃતિ લાવ્યા સિવાય સામાજીક કે રાજ્યવિષયક સુધારો હિંદમાં વ્યર્થજ જશે એમ સ્વામીજીને તેમનો અનુભવ કહી રહ્યો હતો.

ભારતવર્ષમાં અનેક મનુષ્યો સ્વદેશાભિમાનનો ઝુંડો હાથમાં લઈને ફરતાં જણાય છે; અનેક મનુષ્યો સ્વદેશસેવા, દેશભક્તિ, વગેરેની વાતો કરતા માલમ પડે છે; કેટલાક સભાઓ, કોન્ફરન્સો અને કોંગ્રેસોમાં વાક્યાતુર્યથી ભારે ગર્જનાઓ કરી ક્ષણવાર લોકપ્રીતિ પ્રાપ્ત કરતા નજરે પડે છે; પરંતુ તેમના ઉદ્‌ગારો હૃદયમાંથી નીકળતા હોય એમ જણાતું નથી. તેમની દેશસેવા કે લોકભક્તિ માત્ર મુખમાંજ રહેલી હોય છે. એવી શુષ્ક સેવા ભારતવર્ષના આત્માને સ્પર્શ કરી શકતી નથી. સેવાના એવા મિથ્યા ડોળથી ભારતવર્ષનું કલ્યાણ સધાતું નથી. ભારતવાસીઓની સ્વદેશ પ્રીતિની પરિક્ષા કરવાને સ્વામીજી તેમને નીચેના પ્રશ્નો પૂછી રહ્યા હતા;—

“લોકોને માટે તમને લાગણી થાય છે ? પ્રાચીન ઋષિઓ અને દેવતાઓના કરોડો વંશજો જંગલી જેવા બની રહેલા છે એ જોઇને તમને ખેદ થાય છે ? ઘણાં વરસથી હજારો મનુષ્યો ભૂખમરો વેઠી રહેલાં છે અને આજે પણ ઘણાં ક્ષુધાથી પીડાય છે એ જોઈને તમારો જીવ બળે છે ? એક કાળા વાદળાની માફક અજ્ઞાન ભારતવર્ષ ઉપર છવાઈ રહેલું છે તે તમને દેખાય છે ? એ જોઇને તમારા મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે ? એ જોઇને રાતે તમને નિંદ્રા ન આવે એવું બને છે ? એ વિચાર તમારા રક્તમાં, શિરાઓમાં અને હૃદયના ધબકારાઓમાં પ્રવેશ કરી રહેલો છે ? એ વિચારથી તમે ગાંડા જેવા બની રહેલા છો ? તમે તમારૂં નામ, કીર્તિ, સ્ત્રી, પુત્રાદિ, માલમિલકત અને શરીરને પણ ભૂલી જઈ ભારતવર્ષના દુઃખના વિચારમાં તલ્લીન થઈ રહેલા છે ? સ્વદેશભક્તિનું એજ પ્રથમ લક્ષણ છે. જો ઉપર દર્શાવેલી લાગણીઓ તમારામાં હશે તો તમારામાંના દરેક જણ અદ્ભુત કાર્યો કરી શકશે. તમારે ભાષણો કરવાની જરૂર નથી, તમારૂં મુખજ તમારો ભાવ પ્રદર્શિત કરશે. તમે એક ગુફામાં ભરાઈ રહેશો તો પણ તમારા પ્રબળ વિચારો પત્થરની દિવાલોને પણ તોડીને બહાર પ્રસરશે. કોઈપણ ઉત્કટ વિચાર, ખરી લાગણી અને પવિત્ર હેતુની સત્તા એવી જબરી છે.”

સ્વામીજીનું બીજું ભાષણ “આર્યજીવનમાં વેદાન્તનું સ્થાન” એ વિષય ઉપર થયું હતું. મદ્રાસમાં તેમણે જે ભાષણો આપ્યાં હતાં તેમાં સ્વામીજીએ ભારતવર્ષને લગતા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ દર્શાવ્યું છે. હિંદુઓમાં પેસી ગયેલી અવ્યવસ્થા, અશ્રદ્ધા અને મતમતાંતરો સામે તેમણે સખત પોકાર ઉઠાવ્યો છે અને પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતોમાં રહેલી એકવાક્યતાનું ભાન કરાવ્યું છે. હિંદુ તત્વજ્ઞાન કે ધર્મ તરફ શંકાની નજરથી જોનાર હિંદુઓને તેમણે એકતરફી, અધુરા વિચારના અને પાશ્ચાત્ય શિક્ષણથી ખોટે માર્ગે ચ્હડી ગયેલા કહી વખોડ્યા છે અને હિંદના સાધુઓનાં જીવનરહસ્યો સમજાવી, શાશ્વત સુખ અને અનુપમ સામર્થ્ય સંપાદન કરવાની કુંચી બતાવી છે. એટલા માટે તેમનાં ભાષણોનો કંઈક સાર અહીંઆં આપવો આવશ્યક લાગે છે.

સ્વામીજીએ પોતાના બીજા ભાષણમાં વેદાન્ત એટલે શું ? વેદાન્ત ધર્મ કયો કહેવાય ? વગેરે સમજાવ્યું છે. કેટલાક મનુષ્યોને ઉપનિષદોના સિદ્ધાંતોમાં પરસ્પર વિરોધ ભાસે છે. તેમના મતનું ખંડન કરવાને અને તેમની એકવાક્યતા પ્રતિપાદન કરવાને સ્વામીજી સર્વને કહી રહ્યા હતા કે, “દ્વૈતવાદીએ અને અદ્વૈતવાદીએ પરસ્પર વિરોધ કરવો ન જોઈએ. ભારતવર્ષના પ્રજાકીય જીવનમાં બંનેને માટે અગત્યનું સ્થાન છે. અદ્વૈતવાદીની માફક દ્વૈતવાદી પણ પ્રજાના ધાર્મિક જીવનનોજ એક ભાગ છે અને બંને એક બીજા માટે ઉપકારક હોઈને એકના વગર બીજો રહી શકેજ નહિ. ભારતવર્ષનો ધર્મ એક મહેલ જેવો છે. અદ્વૈતવાદ તે મહેલનું શિખર છે અને દ્વૈતવાદ તેનો પાયો છે. દ્વૈતવાદ માનવ જીવનરૂપી વૃક્ષનું મૂળ છે અને અદ્વૈતવાદ તે વૃક્ષનું ઉત્તમ ફળ છે.”

સ્વામી વિવેકાનંદ શ્રીમદ્ શંકરાચાર્યના અનુયાયી હતા તો પણ કેટલીક બાબતોમાં તે શ્રીરામાનુજને વધારે પસંદ કરતા. સ્વામીજીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે:—

“શ્રીમત્‌ શંકરાચાર્યમાં અગાધ બુદ્ધિ હતી, પણ હું બ્હીતો બ્હીતો કહું છું કે રામાનુજનું હૃદય વધારે વિશાળ હતું. તેમને દુઃખી મનુષ્યોને માટે બહુ સહાનુભૂતિ હતી. તેમણે ધાર્મિક ક્રિયાઓ તરફ લક્ષ આપી તેને બને તેટલી સાદી અને શુદ્ધ બનાવી હતી તેમજ કેટલીક તેવી નવી ક્રિયાઓ પણ સ્થાપિત કરી હતી. લોકોને માટે તેમણે પૂજાના નવીન માર્ગો શોધી કહાડ્યા હતા. લોકોને તેમની જરૂર હતી. વળી બ્રાહ્મણથી તે અસ્પર્શ્ય સુધીના સર્વને ઉંચી ધાર્મિક પૂજા કરવાની છૂટ તેમણે આપી હતી.”

ઉપષિદો વિષે બોલતાં સ્વામીજીએ જણાવ્યું કે ઉપનિષદોનું સાહિત્ય સર્વોત્તમ છે. તેમાં સમાઈ રહેલું તત્ત્વજ્ઞાન સર્વોપરી છે. શાસ્ત્રો તરીકે જે મોક્ષનો માર્ગ તે દર્શાવી રહેલાં છે તે અદ્ભુત છે. વિશ્વમાં વ્યાપી રહેલી ભવ્યતાનો તે અલૌકિક ચિતાર આપી રહેલાં છે. તેમની ભાષા ચમત્કારિક છે. ઉપનિષદોના સાહિત્યમાં હિંદુ પ્રજાની વિશાળ આંતરદૃષ્ટિનું આપણને દર્શન થાય છે. ઉપનિષદોમાંથી આપણને શો બોધ મળે છે ? તેમના વાંચનથી શી ફળપ્રાપ્તિ આપણને થાય છે ? સ્વામીજી એ વિષે છાતી ઠોકીને કહેતા હતા કે “ઉપનિષદોના વાંચનથી મારામાં અખૂટ સામર્થ્ય આવેલું છે; કારણ કે “અભય” ( નિડરતા ) એ શબ્દ ઉપર માત્ર ઉપનિષદોમાંજ પુરતો ભાર મૂકાયો છે. સામર્થ્યનો ધ્વનિ પણ તેના દરેક પૃષ્ઠમાં નીકળી રહ્યો છે. તે કહે છે કે ઓ મનુષ્ય ! નિર્બળ બનીશ નહિ. સામર્થ્ય, સામર્થ્ય અને સામર્થ્યનીજ આપણાં ઉપનિષદો મોટી ખાણ છે. આખા જગતને બળવાન બનાવી મૂકે એવું અદ્ભુત સામર્થ્ય તેમાં રહેલું છે. તેમનાથી અખિલ વિશ્વ ઉત્સાહમય, સુદૃઢ અને શક્તિવાન થઈ શકે તેમ છે. વિશ્વની સઘળી પ્રજાઓમાં, સઘળા પંથોમાં અને સઘળી જાતિઓમાં જે કોઈ નિર્બળ હશે, દુઃખી હશે, બીજાની સત્તા તળે ચગદાઈ જતા હશે, તે સર્વેને તે રણવાદ્યના અવાજથી સ્વાવલંબી અને સ્વતંત્ર થવાનો બોધ કરશે. સ્વાતંત્ર્ય–શારીરિક સ્વાતંત્ર્ય, માનસિક સ્વાતંત્ર્ય, આધ્યાત્મિક સ્વાતંત્ર્ય, એજ ઉપનિષદોનો મહામંત્ર છે.”

સ્વામીજીનું કહેવું યથાર્થજ હતું. ઉપનિષદોના અનુસરણથી જ આર્યપ્રજા એકવાર ઉત્સાહી અને સામર્થ્યવાન બની રહી હતી. ઉપનિષદોનો સમય જનક જેવા રાજાઓથી વિભૂષિત હતો, વશિષ્ઠ જેવા વિદ્વાન ઋષિઓ અને ગાર્ગી જેવી પંડિતાઓથી તે અલંકૃત હતો. તે સમયમાં સર્વત્ર બળ અને ઉત્સાહ વ્યાપી રહેલાં હતાં; અને આર્યપ્રજા ધન ધાન્યાદિથી સંતુષ્ટ થઈ પોતાનો સમય અધ્યાત્મચિંતન કે શાસ્ત્રના અભ્યાસમાં વ્યતીત કરતી હતી. સર્વત્ર સત્ય, બ્રહ્મચર્ય અને અહિંસા, રે, आत्मवत् सर्वभूतेषु । એ સિદ્ધાંતનું પાલન થઈ રહ્યું હતું. વિદ્વાન અને વિદુષીઓ અહીં તહીં વિચરતાં જણાતાં હતાં. રાજાઓના દરબારો વિદ્વાનોની વિદ્યાનાં વિહારસ્થાન બની રહ્યાં હતાં. ઘણા ક્ષત્રિય રાજાઓ બ્રહ્મવિદ્યાને રૂડે પ્રકારે જાણતા અને તેનો બોધ બીજાઓને કરતા. એ સમયે સર્વત્ર શાંતિ અને સુખ વ્યાપી રહેલાં હતાં.

ભારતવર્ષના માનનીય અને વિદ્વાન વક્તા બાબુ સુરેન્દ્રનાથ બેનરજી કહે છે કે, “જે સમયનું આપણને સ્મરણ પણ થઈ શકતું નથી એવા ઘણા પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો લાખો મનુષ્યોને ધાર્મિક બોધથી અત્યંત શાંતિ પ્રાપ્ત કરાવી રહ્યા હતા. અત્યારે અને ભવિષ્યકાળમાં પણ તેમના સિદ્ધાંતો અસંખ્ય સ્ત્રી પુરૂષોને શાંતિ આપી શકશે.”

પણ અત્યારે ! અત્યારે તો ભારતવર્ષમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ભૂલાયાં છે. સુખ અને શાંતિનું મૂળ ઉપનિષદોના રહસ્યમાં રહેલું છતાં તેમનો અભ્યાસ અને અનુસરણ કોણ કરે છે ? પરિણામ એ આવ્યું છે કે ભારતવર્ષમાં સુખ અને શાંતિનો હ્રાસ થતો આવ્યો છે. ત્યારે બીજી તરફ યૂરોપના મહાન વિચારકો એજ ઉપનિષદોનું અધ્યયન કરી અલૌકિક શાંતિને ભોગવતા નજરે આવે છે. મેક્સમુલર, ડ્યુસન, શોપનહોર વગેરે પાશ્ચાત્ય પંડિતોએ સંસ્કૃત વિદ્યારૂપી ક્ષેત્રને ખેડી તેમાંથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરેલાં છે. એ ફળ એટલાં બધાં અમૂલ્ય અને અદ્ભુત છે કે જગત તેમના તરફ સાનંદાશ્ચર્યથી જોઈ રહેલું છે. આપણા પૂર્વજોનાં અને પાશ્ચાત્ય વિચારકોનાં દૃષ્ટાંતો આપણને બોધ આપી રહેલાં છે કે આ જગતમાં મનુષ્યોએ સુખ, શાંતિ, ઉત્સાહ અને બળ પ્રાપ્ત કરવાં હોય તો તેમણે ઉપનિષદોના સિદ્ધાંતોનું પઠન કરીને તે પ્રમાણે પોતાના ચારિત્ર્યને ઘડવું.

ઉપર પ્રમાણે સ્વામી વિવેકાનંદે આપણને ઉત્સાહ અને બળની કુંચી સમજાવી છે. આર્થિક, સામાજીક, ઔદ્યોગિક, વગેરે સર્વ પ્રવૃત્તિઓમાં નીતિ, ઔદાર્ય, ઉત્સાહ અને બળ પ્રેરવાને માટે ઉપનિષદોનું અધ્યયન આવશ્યક છે; કેમકે ઉપનિષદો એ નીતિમત્તા અને આત્મબળની ખાણ છે.

સ્વામીજીનું ત્રીજું ભાષણ “હિંદુસ્તાનના ઋષિમુનિઓ” એ વિષય ઉપર થયું હતું. ઋષિઓનું સ્મરણ કરાવતાં સ્વામીજીના મનમાં ભારતવર્ષનો કીર્તિવંત પ્રાચીન સમય ખડો થઈ રહ્યો. એ પ્રાચીન સમયનો પુરેપુરો ઇતિહાસ આપણને મળી આવતો નથી. આપણી પૌરાણિક કથાઓમાંથી તેના ગૌરવનો કંઈક કંઈક ભાસ આપણને થાય છે. હિંદુ શાસ્ત્રોમાં જે નિત્ય સત્યોને પ્રતિપાદન કરવામાં આવેલાં છે, તે નિત્ય સત્યોના દૃષ્ટા ઋષિઓ કહેવાય છે. “ઋષિ” એટલે શું ? સ્વામીજીએ એ વિષે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, પરમાર્થિક સત્યોનો સાક્ષાત્કાર કરવાને માટે તેઓ સઘળી ભૌતિક આસક્તિઓને દૂર કરી એકનિષ્ઠ અભ્યાસ કરીને મન, ઇંદ્રિયો અને પ્રાણથી પણ અતીત એવા પરમાત્મ તત્ત્વનો સાક્ષાત્કાર કરી ચૂક્યા હતા. તેઓ રાગ દ્વેષથી વિમુક્ત હતા. તેઓ જગતને હલાવી મૂકે તેવા ચારિત્ર્યવાન અને ભવ્ય હતા. પારમાર્થિક સત્યોનો સાક્ષાત્કાર કરીને તેઓ અખિલ વિશ્વના લોકોને કહી રહ્યા હતા કે, “બાળકો ! તમે હજી ઇંદ્રિયોનાજ ગુલામ છો, પણ એ ઇંદ્રિયસુખ તો ક્ષણિકજ છે. એ સુખને અંતે તો દુઃખજ રહેલું છે. માટે એવા સુખની આસક્તિ ત્યજી સત્ય સુખના પ્રેમી બનો.”

પોતાનાં એક ભાષણમાં સ્વામીજીએ હિંદના કેટલાક અવતારી પુરૂષોની અગત્યતા અને મહત્તા સમજાવી હતી. તેમણે કહ્યું હતું કે  “મુનિ વાલ્મીકીએ શ્રીરામનું અનુપમ ચરિત્ર આપણી આગળ આદર્શરૂપે મૂકેલું છે. શ્રીરામ સત્ય, નીતિ અને શૌર્યની સાક્ષાત્‌ મૂર્તિ હતા. તે નમુનેદાર પુત્ર હતા. પતિ તરિકે, પિતા તરિકે અને રાજા તરિકે પણ તેમનું વર્તન સર્વોપરિ હતું. મહાન કવિ વાલ્મીકીએ શ્રીરામનું ચરિત્ર જે સાદી, શુદ્ધ અને સુંદર ભાષામાં વર્ણવેલું છે તેના કરતાં વધારે સરળ કે સુંદર ભાષા બીજી કોઈ હોઈ શકેજ નહિ. અને સીતાજી વિષે તો શું કહેવું ? ભૂતકાળના સઘળા સાહિત્યને ઉથલાવી નાંખો, પણ બીજી “સીતા” તમને જડશેજ નહિ. ભવિષ્યકાળ માટે પણ હું તમને ખાત્રીથી કહું છું કે એવી બીજી “સીતા” તમને મળવાની નથી. સીતાજીનાં અપૂર્વ ચારિત્ર્યનું જે વર્ણન અપાયલું છે તેવું બીજું હવે તમને મળવાનું નથી.”

ભગવાન શ્રીકૃષ્ણ ! સમસ્ત ભારતવર્ષનો આત્મા ! યોગીઓનું ધ્યેય ! આર્યાવર્તનો સૂર્ય ! ભારતવાસીઓનું ચેતન ! હિંદનો ઉત્સાહપ્રેરક ! વિલક્ષણ મેધાવી અને અર્જુનનો સારથિ શ્રીકૃષ્ણ ! મહાભારતના પ્રચંડ યુદ્ધ વચ્ચે પણ અત્યંત શાંતિ ધરનારા અને નિઃશસ્ત્રપણે વિહરનાર ! સંન્યાસીઓનો સંન્યાસી ! યોગીઓનો યોગી ! યોગ બળની મૂર્તિ ! સર્વ યોગોનો પારંગત ! શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો આત્મા ! તેના રહસ્યની સાક્ષાત્‌ મૂર્તિ ! એનું ચરિત્ર સમજાયા વગર ભારતવર્ષમાં આજે કેટલો બધો અનર્થ થઈ રહેલો છે ? એનો બોધ ભૂલાયાથી હિંદ અત્યારે કેવું સત્ત્વહીન, બળહીન અને ઉત્સાહીન બની રહેલું છે ! સ્વામી વિવેકાનંદે શ્રીકૃષ્ણને એક અલૌકિક સંન્યાસી તરિકે વર્ણવેલા છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર સામાન્ય બુદ્ધિથી સમજાય તેવું નથી, કેમકે અનેક ઉલટસુલટા ગુણોનો તેમનામાં વાસ હતો. સાધારણ મનુષ્યોમાં જે ગુણો એકજ સ્થાને રહી શકવા અશક્ય લાગે છે, તે ગુણો તેમનામાં પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. યોગવિદ્યા, ગ્રાહસ્થ્ય, બ્રહ્મચર્ય અને સંન્યાસ, એ સર્વની પરાકાષ્ટારૂપ તે હતા. પ્રવૃત્તિ અને પ્રવૃત્તિનો અદ્ભુત સુયોગ તેમના ચારિત્ર્યમાં રહેલો હતો. પોતાને કોઈ પણ જાતની કામના નહિ હોવા છતાં પોતે કાર્યપરાયણ રહી સર્વને કાર્યપરાયણતા શિખવી રહ્યા હતા. આવા અતિ વિરલ અને વિલક્ષણ ગુણોનો સુયોગ શ્રીકૃષ્ણમાં થયેલો હતો અને તેમાં જ તેમની મહત્તા અને પ્રભુતા રહેલી છે.

શ્રીકૃષ્ણનું જીવન સમજાવતાં સ્વામીજી કહેતા કે તેમનું જીવન ઘણુંજ સાદું, અત્યંત પવિત્ર અને શ્રીમદ્ ભગવદ્‌ગીતાના દૃષ્ટાંતરૂપ હતું. તેમની આજ્ઞાથી રાજાઓ પોતાનાં રાજ્યપાટ છોડી દેતા, પણ તે પોતે કદીએ રાજા થવાની ઈચ્છા કરતા નહિ. યોગેશ્વર શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર શ્રીમદ્ ભગવદ્‌ગીતાના અભ્યાસ વગર સમજાવું મુશ્કેલ છે. ગોપીઓ સાથે શ્રીકૃષ્ણે જે વિહાર કર્યો હતો તેનું રહસ્ય વિવેકાનંદે નીચેના શબ્દોમાં સમજાવ્યું હતું:– “ગોપીઓ સાથેનો વિહાર શ્રીકૃષ્ણના જીવનનો એક અદ્ભુત ભાગ છે. તેને સમજવો બહુ મુશ્કેલ છે. અત્યંત શુદ્ધ અને પવિત્ર થયા વગર મનુષ્યે તેને સમજવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. પ્રભુભક્તિમાં મસ્ત થઈ ગયેલા મનુષ્યોજ તેને સમજી શકે તેમ છે.”

ભગવાન બુદ્ધ ! સંન્યાસની મૂર્તિ ! સર્વાત્મભાવનું જીવંત દૃષ્ટાંત ! નીતિની પરાકાષ્ઠા ! એ જગવિખ્યાત પરમ પવિત્ર મહાત્માના જીવનનો ચિતાર આપતાં સ્વામીજી સર્વેના મનમાં ઠસાવી રહ્યા કે હિંદુસ્તાન જેને બુદ્ધ તરીકે પૂજે છે તે બીજું કોઈ નથી, પણ શ્રીકૃષ્ણનુંજ બીજું રૂપ છે.

ગીતાનો ઉપદેશ કરનાર પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ પોતેજ જાણે કે બુદ્ધ તરિકે જન્મ ધારણ કરીને તે સમયની આવશ્યકતા પ્રમાણે જગતને દોરી રહ્યા હતા. કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણે બુદ્ધિની પરાકાષ્ઠા દર્શાવી હતી અને બુદ્ધાવતારમાં તેમણે હૃદયની વિશાળતાને પરમાવધિએ પહોંચાડી હતી. શ્રીકૃષ્ણ અને બુદ્ધ, બંનેએ પોતાના આત્મબળથી અખિલ વિશ્વને ડોલાયમાન કરી મૂક્યું હતું. નરવીર ધનુર્ધર અર્જુન મહા સમર્થ શ્રીકૃષ્ણને પોતાના સારથિ તરિકે સ્થાપીને વિજયી થયો હતો, તેજ પ્રકારે પ્રતાપી શ્રીકૃષ્ણને ભારતવાસીઓ પોતાના જીવનરૂપી રથના સારથિ તરિકે ગ્રહણ કરીને તેમના બોધ પ્રમાણે પોતાના જીવન પ્રવાહને વહેવરાવે તો જય આપો આપજ તેમની આગળ આવીને ઉભો રહે.

આગળ ચાલતાં સ્વામીજીએ શ્રીમદ્‌ શંકરાચાર્યની મહત્તા અને તેમના કાર્યની ઉપયોગિતા સર્વેને સમજાવી. સ્વામીજીએ કહ્યું કે શ્રીશંકરાચાર્ય જગતમાં મોટામાં મોટા તત્ત્વજ્ઞાની થયેલા છે. તેમણે સ્થાપેલો અદ્વૈતવાદ એવો તો ભવ્ય અને સર્વોત્તમ છે કે આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના મજબૂતમાં મજબૂત પ્રહારો પણ તેને જરા પણ ખંડિત કરી શકતા નથી. શ્રીશંકરાચાર્યે લખેલાં પુસ્તકો અને તેમણે પ્રતિપાદન કરેલા સિદ્ધાંતો યૂરોપના મહાન વિચારકોનું પણ ધ્યાન ખેંચી રહેલા છે. તેમણે સ્થાપેલો અદ્વૈતવાદ સર્વ જ્ઞાનની અવધિ છે. વિશ્વનાં ભિન્ન ભિન્ન જ્ઞાન તે તરફ જ આવતાં જાય છે. એ અદ્વૈતવાદ રૂપી ઈમારત ચણવામાં શ્રીશંકરાચાર્યે જે અદ્ભુત શક્તિ અને બુદ્ધિ વાપર્યાં છે તેમજ તેમની બલીહારિ છે.

એ પછી શ્રીચૈતન્ય દેવની પરમ ભક્તિનો મહિમા સર્વને સમજાવી સ્વામીજીએ પોતાના પરમપૂજ્ય ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસનું જીવનરહસ્ય શ્રોતાજનોને સંભળાવ્યું. તેમણે કહ્યું કે; “શ્રીશંકરાચાર્યમાં વિશાળ બુદ્ધિ હતી અને શ્રીચૈતન્ય દેવમાં વિશાળ હૃદય હતું. એ બુદ્ધિ અને એ અદ્‌ભુત વિશાળ હૃદય, બંને જેમાં એકત્ર થયેલાં હોય એવા મહાપુરૂષનો હિંદમાં અવતાર થવાની જરૂર હતી. દરેક ધર્મમાં–પંથમાં–સર્વત્ર એક સરખું જ સત્ય નિહાળી રહે; સર્વત્ર એકજ પ્રભુ વ્યાપી રહેલો છે એવો અનુભવ અનુભવી રહે; મનુષ્ય, પ્રાણી, પદાર્થ, દરેક વસ્તુમાં પ્રભુનેજ જુવે; ગરિબ, દુઃખી, નિર્બળ, અસ્પર્શ્ય વગેરેને માટે જેનું હૃદય રડી રહે; હિંદમાં કે હિંદની બહાર વસ્તી પ્રજાઓના કલ્યાણ માટે જેનું ઉદાર અને દયાર્દ્ર ચિત્ત ટળવળી રહે; જ્ઞાતિબહિષ્કાર પામેલા કે મોટાઓના દાબ નીચે દબાઈ રહેલા મનુષ્યને માટે જેનો આત્મા કકળી રહે; જેની ભવ્ય અને તેજસ્વી બુદ્ધિ સર્વે વિરોધિ પંથોમાં સલાહ શાંતિનો વાસ કરાવવાની ઈચ્છા ધરી રહે; જે સર્વત્ર શાંતિનો પ્રચાર કરે અને જે બુદ્ધિયુક્ત પણ હૃદયની વિશાળતાથી ભરેલા સર્વસંગ્રાહ્ય ધર્મને પ્રવર્તાવી રહે; એવા અદ્‌ભુત પુરૂષનો ભારતવર્ષમાં જન્મ થયો હતો. તે મહાપુરૂષનાં પવિત્ર ચરણ કમળ આગળ ઘણાં વર્ષ સુધી બેસવાને હું ભાગ્યશાળી થયો હતો. તેમણે વાંચવા લખવાની વિદ્યા સંપાદન કરી નહોતી. તેમનામાં અગાધ બુદ્ધિ હતી પરંતુ તે પોતાનું નામ પણ લખી શકતા નહોતા. આધુનિક સ્થૂલ દૃષ્ટિએ અભણ છતાં પણ દરેક જણને–આપણી યુનિવર્સિટિના મહાબુદ્ધિશાળી ગ્રેજ્યુએટોને પણ–તેમનામાં બુદ્ધિનો અખૂટ સાગર ઉછળી રહેલો માલમ પડતો.” રાગદેષ રહિત, સર્વત્ર પ્રભુનેજ જોનાર એ મહાપુરૂષની ઝાંખી કરાવીને સ્વામીજીએ સર્વને સમજાવ્યું છે કે ભારતવર્ષમાં બુદ્ધિ અને હૃદય બંનેનો વિકાસ સાથે સાથે થવો આવશ્યક છે. પ્રભુભક્તિ કે બ્રહ્મજ્ઞાનમાં લોકહિત કે જનદયાની લાગણી તેમણે વધારી છે. हरिरेव जगत् जगदेव हरिः । મહામંત્રને તેમણે તાજો કર્યો છે. માળા લઇને પવિત્ર જાન્હવીને કિનારે બેસી રહેનાર પ્રભુ ભક્ત કરતાં વિશ્વને પ્રભુ સ્વરૂપ સમજી, દીન દુઃખી, અનાથમાં પ્રભુને જોનાર અને સર્વત્ર આત્મભાવ પ્રગટાવી જગતની સેવા કરનાર ભક્તને તેમણે વધારે ઉત્તમ ગણેલો છે. શ્રીરામકૃષ્ણના દૃષ્ટાંતથી તેમણે સાબીત કરી આપેલું છે કે, જગતનું વાસ્તવિક કલ્યાણ સાધનાર તો ધાર્મિક પુરૂષજ છે. હિંદનો ઉદય અને જય તેના ધાર્મિક વિકાસમાંજ રહેલો છે. અધ્યાત્મ બળજ સર્વ બળોમાં શ્રેષ્ઠ છે અને તે બળજ સર્વે કાર્યોને સાધવાને સમર્થ થાય છે. હિંદને જગતમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવું હોય, તેણે જો જગતના ગુરૂ બનવું હોય અને અખિલ વિશ્વને પોતાને ચરણે નમાવવું હોય, તો તેણે શ્રીરામકૃષ્ણની માફક આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. એ આધ્યાત્મિક વિકાસથીજ હૃદયની સઘળી વક્રતા નષ્ટ થશે. મનુષ્યોમાં ચિત્ત શુદ્ધિનો વાસ થશે, હિંદવાસીઓ રાગદ્વેષથી મુક્ત થઈ સત્ય, બ્રહ્મચર્ય અને આત્મભાવનું પાલન કરી રહેશે, અને જેમ શ્રીરામકૃષ્ણ પોતાના આધ્યાત્મિક બળથી અખિલ વિશ્વને આકર્ષી રહ્યા હતા તેમ હિંદવાસીઓ પોતાનાં શુભ કાર્યોથી જગતને ચકિત કરી મૂકશે. સ્વામીજીનું કહેવું કેટલું બધું સત્ય હતું તે તેમના પોતાનાજ દાખલાથી સિદ્ધ થઈ રહે છે.

સ્વામીજી જાણતા હતા કે હિંદમાં સર્વત્ર કુસંપ, દ્વેષ અને અપ્રમાણિકતા વ્યાપી રહેલાં હોવાથી તેના ઉદયને માટે ચિત્ત શુદ્ધિની જરૂર છે. સ્વામીજી આપણા પૂર્વજોનું ગૌરવ સમજાવવા સાથે આધુનિક હિંદુઓના દોષો જણાવવાનું પણ ચૂકતા નહિ. ભારતવર્ષમાં તામસિક વૃત્તિ-જડતા, અજ્ઞાનમાં સર્વે ડૂબી ગયેલા છે અને સાત્વિક વૃત્તિનો તો મિથ્યા ડોળજ જોવામાં આવે છે; સાત્વિક વૃત્તિ યાને ધર્મને નામે પ્રજા ઉલટી તામસિક વૃત્તિનેજ ધારણ કરી રહેલી છે; વગેરે બાબતો વિષે સ્વામીજી સખત ટીકા કરતા. મદ્રાસમાંના તેમના એક ભાષણનો વિષય “આપણે હવે શું કરવાનું છે ?” એ હતો. આધુનિક સમયને ઉદ્દેશીને એ ભાષણમાં તેમણે કહ્યું હતું કે;—

“હિંદુઓએ પરદેશગમન કરવું ન જોઈએ એવા વિચારો મૂર્ખાઇ અને બાલિશતાથી ભરેલા છે. એવા વિચારોને જડમૂળથીજ કહાડી નાખવા જોઈએ. જેમ જેમ તમે હિંદની બહાર વધારે જશો અને જગતની પ્રજાઓમાં વધારે ફરશો તેમ તેમ તમને અને તમારા દેશને વધારે ને વધારે ફાયદો થતો જશે. ગયાં હજારો વર્ષોમાં જો તમે તે પ્રમાણે કર્યું હોત તો હિંદુસ્તાન ઉપર એક પછી એક આવીને રાજ્ય કરી જનાર પ્રજાને શરણે તમારે રહેવું પડ્યું નહોત.”

સ્વામીજીનું કહેવું એવું હતું કે હિંદુઓએ પોતાની આધ્યાત્મિકતાથી અખિલ વિશ્વને ભરપુર કરી નાખવું જોઈએ અને અન્ય પ્રજા પાસેથી તેમણે ભૌતિક વિષયોનું શિક્ષણ લેવું જોઇએ. જેઓ વધારે ઉન્નત અને ઉદાર વિચારોને પોતાના મનમાં લાવી શકતા નથી; જેમનામાંથી નૈસર્ગિક શક્તિ સમૂળગી જતી રહેલી છે; જેઓ પોતાની મેળે કંઈ પણ વિચાર કરી શકતા નથી અને ધર્મને નામે અનેક પ્રકારના વ્હેમોનોજ આશ્રય લઈ રહેલા છે; અને જેઓ કુવામાંના દેડકાની માફક કદી બહારજ નીકળ્યા નથી એવા કેવળ ધર્માંધ અને ચુસ્ત જુના વિચારના મનુષ્યોથી આઘાજ રહેવાનો બોધ સ્વામીજી સર્વને આપતા. બીજી તરફ આધુનિક સમયમાં જેઓ જડવાદીઓનું જ અનુકરણ કરીને સ્વચ્છંદપણે મોજશોખમાંજ ડૂબી રહેલા છે અને હિંદના પ્રાચીન ઋષિઓએ બોધેલા સર્વોત્તમ ધર્મ અને તત્ત્વજ્ઞાન તરફ જેઓ અશ્રદ્ધા દર્શાવી રહેલા છે તેમનું પણ અનુકરણ નહિ કરવાનું સ્વામીજી સર્વેને કહી રહ્યા હતા. કેટલાક એમ કહે છે કે આપણા પૂર્વજોની કીર્તિ, ગૌરવ, વગેરેની મોટી મોટી વાતો કરવાથી શું લાભ છે ? એથી તો ઉલટી પ્રજા અધોગતિને પ્રાપ્ત થતી જાય છે. આવું કહેનારાઓને સ્વામીજીએ ઉત્તર આપ્યો છે કે:—

“ભૂતકાળમાંથીજ ભવિષ્યકાળ ઘડાશે, માટે તમારાથી બને તેટલી દૂર દૃષ્ટિ તમારા ઉજ્જવળ ભૂતકાળ ઉપર નાંખો; કેમકે જીવનને ટકાવનારાં નિત્ય સત્યોના પ્રવાહો તેમાં વહી રહેલા છે. એ સત્યોનું પુષ્કળ પાન કરો અને પછી વર્તમાન તેમજ ભવિષ્યકાળ તરફ દૃષ્ટિ ફેરવી આગળ ધસો. હિંદને વધારે કીર્તિવંત, વધારે ભવ્ય અને પ્રકાશિત બનાવો. આપણા પૂર્વજો કેવા પુરૂષાર્થી અને યશસ્વી હતા એ આપણે પ્રથમ જાણવું જોઈએ અને પછી કયાં કયાં તત્ત્વોનું આપણું જીવન બનેલું છે; આપણી નસોમાં કયા પ્રકારનું લોહી વહી રહેલું છે, તે સઘળું આપણે જાણવું જોઈએ. આપણાં જીવન તત્ત્વોમાં અને પૂર્વજોના લોહીમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ તત્ત્વોએ ભૂતકાળમાં જે મહાન કાર્યો કરેલાં છે તેમાં શ્રદ્ધા રાખીને તેમજ પ્રાચીન ગૌરવનું ભાન હૃદયમાં જાગૃત રાખીને ભાવી હિંદને આપણે વધારે યશસ્વી બનાવવા મથવું જોઈએ. આપણી પવિત્ર દંતકથાઓ અને આપણા ધર્મની ભાવનાઓ ઉપર ભાવી હિંદની ઇમારત ચણાવી જોઇએ. યૂરોપમાં રાજ્ય વિષયક બાબતોથીજ પ્રજામાં સંપ ઉત્પન્ન થાય છે અને ટકે છે; ત્યારે એશિઆમાં સંપનું મૂળ ધાર્મિક બાબતોમાંજ રહેલું છે. માટે હિંદમાં પ્રથમ ધાર્મિક ચેતના આવવાની જરૂર છે.” ધાર્મિક ચેતના એટલે શું ? સઘળા હિંદુઓ જાણે છે કે તેમના ધર્મમાં એવાં સર્વમાન્ય નિત્ય સત્યો રહેલાં છે કે જે સત્યો હિંદુઓના સઘળા ગ્રંથો અને સમાજોને માન્ય છે. એ નિત્ય અને જીવનપોષક સત્યોને દરેક પુરુષ, સ્ત્રી અને બાળક સમજે અને રગે રગમાં ઉતારે તો સર્વ અનિષ્ટો દૂર થઈ જઈને સર્વત્ર ધાર્મિક એકતા દૃશ્યમાન થઈ રહે, એમ સ્વામીજીનું દૃઢપણે માનવું હતું.

સ્વામીજીએ મદ્રાસમાં જે ભાષણો આપ્યાં હતાં તે ખાસ કરીને હિંદને ઉદ્દેશીનેજ હતાં. સ્વામીજી મદ્રાસમાં રહ્યા ત્યાંસુધી નવા અને જુના વિચારના પુષ્કળ લોકો તેમની પાસે આવતા. વેદની જુદી જદી શાખાઓ અને તત્ત્વજ્ઞાનના જુદા જુદા વિષયોમાં પારંગત થયેલા પુરુષો પણ તેમની પાસે આવતા અને તેમનું અગાધ જ્ઞાન જોઈને ચકિત થતા. એક દિવસ વેદની વૈખાનસ શાખામાં પારંગત થયેલા એક વૃદ્ધ પંડિત તેમની પાસે આવ્યા અને પુષ્પોથી સ્વામીજીની પૂજા કરીને જાણે કે સ્વામીજી તેમની શાખાના આદ્ય ઋષિ વિખાનસ હોય તેમ તેમની સામે જોઈ રહ્યા. તે વૃદ્ધની આંખો હર્ષનાં અશ્રુથી ભરાઈ રહી. વિખાનસ ઋષિ વૈખાનસ શાખાના મૂળ પુરૂષ હોઈને તે શાખાના અનુયાયીઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. એ શાખામાં કર્મયોગને મુખ્ય ગણેલો છે. તે પંડિતને સ્વામીજીએ કર્મયોગ સમજાવ્યો; તે ઉપરથી તે વૃદ્ધ પંડિત બોલી ઉઠ્યા કે, અરે સ્વામીજી ! વેદની વૈખાનસ શાખાના સિદ્ધાંતોમાં પણ તમે મારા કરતાં વધારે જાણો છો ! મારા બાળપણથી જ હું તે શાખાની દંતકથાઓ અને સિદ્ધાંતોમાં ઉછરતો આવ્યો છું, પણ તમારા જેટલું હું જાણતો નથી !”

વાંચકને સમજાશે કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને ચારિત્ર્ય યુવકો અને નવા વિચારના મનુષ્યોનેજ આકર્ષી રહ્યાં હતાં એમ નહિ પણ જુના વિચારના વૃદ્ધ મનુષ્યો ઉપર પણ તે ઉંડી છાપ પાડી રહ્યાં હતાં.