લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/ભારતવર્ષની ભૂમિ પર

વિકિસ્રોતમાંથી
← કોલંબોમાં આવકાર સ્વામી વિવેકાનંદ
ભારતવર્ષની ભૂમિ પર
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
મદ્રાસમાં અપૂર્વ માન →


પ્રકરણ ૪૪ મું – ભારતવર્ષની ભૂમિ પર.

તેજ દિવસે રાત્રે સ્વામીજી અને તેમના શિષ્યો પમ્બાન ગયા. જફનાથી તે એક જહાજમાં બેસી ગયા હતા. કિનારા ઉપર તેમને સામા લેવાને માટે રામનદના મહારાજા આવ્યા હતા. પમ્બાનના શહેરીઓએ સ્વામીજીને માનપત્ર આપ્યું. માનપત્રની ક્રિયા વખતે રામનદના રાજાએ ઘણી ઉંડી લાગણીઓથી પોતાનો પૂજ્યભાવ પ્રદર્શિત કર્યો. તેનો જવાબ વાળતાં સ્વામીજી શ્રોતાઓને પોતાના કર્તવ્યનું ભાન કરાવતાં કહ્યું કે, “આધ્યાત્મિક સત્યો પ્રાપ્ત કરવાને માટે આખા જગતની દૃષ્ટિ હવે ભારતવર્ષ તરફ વળી રહેલી છે. ભારતવર્ષે અખિલ વિશ્વને માટે કાર્ય કરવાનું છે. માનવજીવનનું ઉત્તમમાં ઉત્તમ આદર્શ ભારતવર્ષમાંજ મળી આવશે. એ આદર્શ આપણાં સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં સમાઈ રહેલું છે. પાશ્ચાત્ય પંડિતો એ આદર્શને સમજવાને હાલમાં ઘણું મથી રહેલા છે. એ આદર્શ હજારો વર્ષથી ભારતભૂમિનો અંગત ગુણ થઈ રહેલું છે.”

અહીંઆં સ્વામીજી ત્રણ દિવસ રહ્યા અને પમ્બાન તથા રામેશ્વરના લોકોને તેમના દર્શનનો અપૂર્વ લાભ મળ્યો. બીજે દિવસે સ્વામીજી રામેશ્વર મહાદેવનાં દર્શન કરવાને ગયા. રામેશ્વરનું દેવાલય ઘણું પ્રાચીન છે. દ્વારકા, બદ્રીનાથ, અને જગન્નાથ જેવું તે પણ એક પવિત્ર ધામ છે. પાંચ વર્ષ ઉપર તે એક પ્રવાસી સાધુ તરીકે પગે ચાલીને થાક્યા પાક્યા ત્યાં ગયા હતા. હાલની મુલાકાત તેથી જુદાજ સંજોગોમાં તેઓ લે છે એ સર્વ સ્વામીજીને સાંભરી આવ્યું. સર્વધર્મપરિષદથીજ ભારતવાસીઓની આંખ ઉઘડી હતી. તે પહેલાં તેમને ખબર નહોતી કે સ્વામી વિવેકાનંદ જેવો એક અસામાન્ય પુરૂષ ભારતવર્ષમાં વિસરી રહેલો છે. ભારતવાસીઓને પોતાના અસામાન્ય પુરૂષોની કેવી કદર છે ? આપણે આપણા મહાપુરૂષો અને ઉત્તમ વસ્તુઓ તરફ કેવા બેદરકાર છીએ ? આપણા મહાપુરૂષો ઈંગ્લાંડ કે અમેરિકામાં જઈને પાશ્ચાત્યોની છાપ મેળવે નહિ ત્યાં સુધી આપણને તેમના અસ્તિત્વની પણ ખબર પડતી નથી !

સ્વામીજી શિવાલયની નજીક આવ્યા એટલે સામે એક સરઘસ આવ્યું. સ્વામીજીને લેવાને તે આવતું હતું. તે સરઘસમાં શિવાલયના ધ્વજા, પતાકા, છત્ર અને હાથી, ઘોડા, ઉંટ વગેરે હતું, તેથી તે ઘણુંજ ભવ્ય જણાતું હતું. હિંદુઓ મહાત્માઓને આવી રીતે જ માન આપે છે. તે સરઘસમાં જોડાઈને સ્વામીજી અને તેમના શિષ્યો શિવાલયમાં ગયા. શિવાલય ઘણી કારીગિરીથી બાંધવામાં આવેલું છે. શિલ્પશાસ્ત્રના અદ્ભુત અને ભવ્ય નમુનાઓ તેમાં નજરે પડે છે. ત્યાં ખાસ કરીને એક ગેલેરી (છજું) જોવાલાયક છે. બરાબર એક હજાર થાંભલા ઉપર તે બાંધવામાં આવેલી છે. હિંદની પ્રાચીન કારીગિરીનું તે આપણને ભાન કરાવે છે. સ્વામીજીએ ફરીને તે સઘળું જોયું.

રામેશ્વર મહાદેવ જેવા પ્રખ્યાત અને અત્યંત પવિત્ર શિવાલયની પવિત્ર ભૂમિ ઉપર ઉભા રહીને સ્વામીજીએ “તીર્થ” અને “પૂજા” એ વિષયો ઉપર એક સુંદર વ્યાખ્યાન આપ્યું. સ્વામીજીએ કહ્યું કે, “ધર્મ માત્ર ધાર્મિક ક્રિયામાં સમાઈ રહેલો નથી, પણ તે પ્રેમમાં રહેલો છે. હૃદયમાં અંતઃકરણપૂર્વક ધારણ કરેલા શુદ્ધ પ્રેમમાં તે વસેલો છે. બાહ્ય પૂજા તો માત્ર આંતર પૂજાનું એક બાહ્ય ચિન્હજ છે. આંતર ભક્તિ અને પવિત્રતા એજ ખરી સત્ય વસ્તુઓ છે. ગરિબ, નિર્બળ અને રોગી મનુષ્યોને શિવ સ્વરૂપ ધારી તેમની સેવા કરનાર પુરૂષજ ખરો શિવનો ભક્ત છે. માત્ર મૂર્તિનેજ શિવ તરીકે ભજનાર મનુષ્ય ભક્તિની શરૂઆત જ કરે છે. જે મનુષ્ય ફક્ત દેવાલયોમાંજ શિવને જુવે છે તેના ઉપર શિવજી અધિક પ્રસન્ન થતા નથી; પણ ન્યાત, જાત કે ધર્મનો ભેદ રાખ્યા વગર એક પણ ગરિબ મનુષ્યને જે સહાય કરે છે તેની ઉપર શિવજી અત્યંત પ્રસન્ન થાય છે.”

સ્વામીજીનું ભાષણ સાંભળીને રામનદના રાજા અત્યંત પ્રસન્ન થયા. બીજે દિવસે તેમણે હજારો ગરિબોને અન્ન વસ્ત્રાદિ આપ્યાં એ પછી પણ તેમણે એ ક્રમ જારી રાખ્યો. પશ્ચિમમાં અપૂર્વ ફતેહ મેળવીને સ્વામીજી પોતાની માતૃભૂમિમાં પાછા આવ્યા. તેની યાદગીરીમાં હિંદના કિનારા ઉપર જે સ્થળે તેમણે પોતાનાં પવિત્ર ચરણકમળ પ્રથમ મુક્યાં તે સ્થળે રાજાએ એક કીર્તિસ્તંભ ઉભો કર્યો. તે કીર્તિસ્તંભ ઉપર નીચેના શબ્દો લખેલા છે :—

सत्यमेव जयते ।” રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ આ કીર્તિસ્તંભ ઉભો કરેલો છે. પશ્ચિમમાં પરમપૂજ્ય સ્વામી વિવેકાનંદ વેદાન્તનો બોધ કરીને, મહત્ કીર્તિ અને જય મેળવીને પોતાના પાશ્ચાત્ય શિષ્યો સાથે હિંદમાં પાછા ફર્યા, ત્યારે આ સ્થળેજ તેમનાં પવિત્ર પગલાં પ્રથમ મૂકવામાં આવ્યાં હતાં, તા. ૨૭ જાન્યુઆરી સને ૧૮૮૭.”

તે દિવસે સાયંકાળે સ્વામીજી અને તેમના શિષ્યો રામનદ ગયા. ત્યાં તેમને ભારે માન આપવામાં આવ્યું. તેમના માનમાં કહાડેલા સરઘસમાં રાજા જાતે પગે ચાલીને બંદોબસ્ત રાખતા હતા. પછી એક ભવ્ય મકાનમાં તેમને માનપત્ર આપવામાં આવ્યું. માનપત્રનો જવાબ આપતાં સ્વામીજીએ કહ્યું કે, “આ જગતમાં દરેક પ્રજા અમુક કાર્ય કરવાને માટેજ સરજાયલી છે. દરેક પ્રજાનાં ખાસ લક્ષણો હોય છે. ખાસ ગુણોને તે જન્મથીજ પ્રાપ્ત કરી રહેલી હોય છે. એ ગુણો અને લક્ષણોનો વિકાસ કરવામાં જ તેનું જીવન રહેલું છે. પ્રજાકિય જીવનનું સત્વ, મૂળ અને આધાર તેમાંજ રહેલાં છે. ભારતવર્ષનું જીવન જ “ધર્મ” છે. તે ધર્મને–પ્રજા સત્વને હણશો તો પ્રજા પોતેજ નષ્ટ થશે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભલે તમને અદ્ભુત અને પ્રકાશમય લાગે, પણ તેની પ્રગતિ ભૌતિક છે, તે મિથ્યા છે, એક પ્રભુજ ખરો છે. એક આત્માજ સત્ય વસ્તુ છે.”

પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વામીજી વખોડતા હતા; પણ તેમાં જે કેટલાંક ઉત્તમ તત્ત્વો રહેલાં છે તે દર્શાવવાનું અને તેમાં જે કંઈ શ્રેષ્ઠ લાગે તેને અનુસરવાનું કહ્યા વગર તેઓ રહેતા નહિ. વળી જુના અને નવા વિચારવાળા બંને પ્રકારના હિંદુઓમાં રહેલી ખામીઓ પણ તેઓ સમજતા. પરદેશીઓનું અનુકરણ કરી રહેલા નવા વિચારના મનુષ્યો કરતાં સ્વામીજી જુના વિચારના વૃદ્ધ મનુષ્યોને વધારે પસંદ કરતા. તેમના એ વિષેના વિચારો નીચે પ્રમાણે હતા.

“પરદેશીઓનું અનુકરણ કરી રહેલા મનુષ્યો કરતાં જુના વિચારના વૃદ્ધ મનુષ્યોને હું વધારે પસંદ કરૂંછું; કારણ કે જુના વિચારનો વૃદ્ધ ગમે તો આપણી દૃષ્ટિએ અભણ હશે, વિચિત્ર હશે, પણ તેનામાં પુરૂષાર્થ છે, તેનામાં શ્રદ્ધા છે, તેનામાં સામર્થ્ય છે, તે સ્વાવલંબી છે. પરદેશીઓનું અનુકરણ કરનાર નવા વિચારનો મનુષ્ય સત્વહીન છે, અહીંથી તહીંથી એકઠા કરેલા વિચારોએ તેનામાં વાસ કરેલો છે; તેના વિચારોમાં એકતા, જાતીયતા તેમજ પરસ્પર સંબંધ નથી. નવા વિચારનો હિંદુ સ્વાવલંબી નથી. તેનું મગજ રાત દિવસ એક વિષયમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ભમ્યા કરે છે અને કાર્યમાં પ્રેરનાર ઉત્સાહ તો તેનામાં છેજ નહિ.”

બીજે દિવસે સ્વામીજીને તામીલ અને સંસ્કૃત ભાષાઓમાં માનપત્ર આપવામાં આવ્યાં. સ્વામીજીએ તેમના યોગ્ય શબ્દોમાં જવાબ આપ્યા. રામનદના રાજાને તેમણે “રાજર્ષિ” કહીને સંબોધ્યા. ત્યાંથી સ્વામીજી પરમકુડી ગયા. ત્યાં તેમને આપેલા માનપત્રના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે; દરેક સમાજનું બંધારણ બેમાંની એક વસ્તુ ઉપર મુખ્ય આધાર રાખતું હોય છે. ગમે તો તે આધ્યાત્મિક વિચારો ઉપર બંધાયલું હોય અથવા તો તે ભૌતિક વિચારો ઉપર બંધાયલું હોય, પણ આધ્યાત્મિક વિચારોજ માનવ જીવનને વાસ્તવ સુખ અને શાશ્વતપણું આપી શકે છે. મનમદુરામાં પણ સ્વામીજીને માનપત્ર આપવામાં આવ્યું. તેમાં દર્શાવ્યું હતું કે ભારતવર્ષમાં ખ્રિસ્તીઓ અને મુસલમાનોની સંખ્યા વધતી જાય છે. સ્વામીજીએ તેનો જવાબ આપતાં જણાવ્યું કે તેમાં હિંદુઓનોજ દોષ રહેલો છે; કારણ કે હિંદુઓ ગરિબ અને સામાન્ય વર્ગોને ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણી આપવાનું ભૂલી ગયા છે. સ્વામીજીએ ભાર દઈને કહ્યું કે તમે વૃદ્ધ પંડિતો પાણી જમણે હાથે પીવું કે ડાબે હાથે પીવું ? એવા નજીવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આખો જન્મારો ગાળી નાંખોછો; તેના કરતાં સામાન્ય વર્ગોને કેળવણી આપવામાં સમય વ્યતીત કરો તો કેવું સારૂં ! સમજુ અને ધનવાન વર્ગોએ પોતાનાથી નીચલા વર્ગો તરફ બેકાળજી રાખવાથીજ પ્રજા અધોગતિને પ્રાપ્ત થતી જાય છે અને તેની શારિરીક તેમજ માનસિક શક્તિનો હ્રાસ થતો જાય છે. આજકાલ હિંદુ પ્રજાનો ધર્મ બસ પાણીયારામા અને રસોડામાંજ આવી રહેલો છે ! રસોઈનાં અને પાણીનાં પાત્રોજ તેમનો ઈશ્વર બની રહેલાં છે !

ત્યાંથી સ્વામીજી મદુરા ગયા. ત્યાંના લોકોએ પણ સ્વામીજીને માન આપવામાં પાછી પાની કરી નહિ.

કુંબાકોનમમાં મળેલા માનપત્રનો ઉત્તર આપતાં સ્વામીજીએ સમજાવ્યું કે, જગતમાં માત્ર વેદાન્ત ધર્મજ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તે નિત્ય સત્યનો બનેલો છે. એ વેદાન્તજ અખિલ વિશ્વનો ધર્મ થઇ રહેશે. તેનું કારણ એ છે કે તેમાં નૈતિક નિયમોનો પાયો તત્વજ્ઞાન ઉપર રચાયેલો છે. બીજા કોઈ પણ ધર્મમાં તમને એવું મળશે નહિ. વળી જગતનાં સઘળાં શાસ્ત્રોમાં એકલાં હિંદુશાસ્ત્રોના સિદ્ધાંતોજ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રોનાં તત્વોને અનુકુળ છે. અખિલ વિશ્વની એકતા પ્રતિપાદન કરનારો વેદાન્તનો ભવ્ય સિદ્ધાંત યૂરોપના વિચારવંત પુરૂષો આપણી પાસેથી લેવા ઈચ્છા રાખે છે.

યૂરોપની વૈજ્ઞાનિક શોધખોળોથી યૂરોપના વિજ્ઞાનશાસ્ત્રીઓએ હાલમાં સિદ્ધ કર્યું છે કે હું, તમે, સૂર્ય, ચંદ્ર અને તારાઓ, સર્વે વસ્તુઓ સમષ્ટિરૂપી એકજ અપરિમિત મહાસાગરનાં નાનાં મોટાં મોજાંઓ છીએ; પરંતુ હિંદુ માનવશાસ્ત્રે તો હજારો વર્ષ પૂર્વેથી એ વાત સાબીત કરી મૂકેલી છે. વળી તેથી પણ આગળ વધીને વેદાન્તે સમજાવ્યું છે કે દૃશ્યમાન થતા સર્વે જડ પદાર્થોની પાછળ સત્તા રૂપે રહેલો આત્મા પણ એકજ છે. કુંબાકોનમથી સ્વામીજી મદ્રાસ ગયા.