સ્વામી વિવેકાનંદ/કાશીપુરમાં ગળાયલા દિવસો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નરેન્દ્રની યોગ્યતા સ્વામી વિવેકાનંદ
કાશીપુરમાં ગળાયલા દિવસો
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
બુદ્ધગયાની યાત્રા →


પ્રકરણ ૧૯ મું-કાશીપુરમાં ગળાયલા દિવસો.

શ્રીરામકૃષ્ણનું જીવન હવે વધુ સમય ટકે તેમ નથી એમ લાગવાથી દક્ષિણેશ્વરમાંથી તેમને કલકતે લાવવામાં આવ્યા અને કાશીપુરમાં આવેલા એક બગીચામાં રાખવામાં આવ્યા. તેમના શિષ્યો તેમની સેવા કરવા લાગ્યા. તેમની સેવા કરવી એ તેમને મન પ્રભુની પૂજાજ હતી. શ્રીરામકૃષ્ણને ગળા ઉ૫ર એક ગુમડું થયું હતું અને તેમને બોલતાં અડચણ પડતી હતી. તે બોલતા ત્યારે લોહી દડદડ વહેતું. વૈદ્યો બોલવવાની ના કહેતા. જ્યારે ધાર્મિક પ્રશ્ન પુછવાને કોઈ પણ આવે તો તેમને નિરાશા નહિ કરવા એવો શ્રી રામકૃષ્ણનો આગ્રહ હતો. આવી દયાળુતાને લીધે લોહી ઘણુંએ વહી જાય તો પણ તે તત્વજ્ઞાનની શંકાઓનું સમાધાન કર્યા વગર રહેતા નહિ.

દિવસે દિવસે તેમનું શરીર ઘસાવા લાગ્યું. તે હાડપિંજર જેવું થઈ રહ્યું. સર્વે ચિંતા કરવા લાગ્યા, નરેન્દ્ર સર્વ શિષ્યોમાં ન્હાનો હતો અને તે એકાંતમાં અશ્રુપાત કરવા લાગ્યો. નિરાશામાં પણ આશા રાખીને તે તેના ગુરૂ ઝટ લઈને સાજા થઈ જાય એમ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. શ્રી રામકૃષ્ણની માંદગીમાં તેમના યુવાન શિષ્યો પોતાનો અભ્યાસ છોડી દઈને અહર્નિશ તેમની સેવા કરવા લાગ્યા. તેમાંના કેટલાક ગ્રેજ્યુએટ હતા અને આગળ અભ્યાસ કરી રહ્યા હતા અને કેટલાક ઈન્ટર મિજીએટની પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ સર્વએ અભ્યાસનો ત્યાગ કર્યો અને શ્રી રામકૃષ્ણની સંનિધિમાં રહી, તેમની સેવા કરી, તેમના બોધાનુસાર જીવન વહેવરાવાનું વધારે પસંદ કર્યું. તેઓનો દૃઢ આગ્રહ જોઈને પરમહંસે તે સર્વને સંન્યાસની પ્રાથમિક દિક્ષા આપી. પરમહંસે તે સર્વને ભીક્ષા માગી લાવવાનું કહ્યું. શિવ ! શિવ ! મુખથી બોલતા તે સર્વેએ ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને હાથમાં કમણ્ડલ લઈને ભિક્ષા માગવાને નિકળી પડ્યા. તેઓ એકંદરે અઢાર જણ હતા. તેઓ સર્વ ઉચ્ચ જ્ઞાતિના અને ધનાઢ્ય માબાપનાં સંતાનો હતા. આવા યુવાનોનો આ વૈરાગ્ય જોઇને શ્રી રામકૃષ્ણ ખુશી થયા અને તેમને આશિર્વાદ આપ્યો.

ભગવાન બુદ્ધની માફક સર્વ શિષ્યો ઘેર ઘેર ભિક્ષા માગવા લાગ્યા. સાધુતાનો આ ખરો જુસ્સો હતો. વૈ૨ાગ્યનો તે સાચો નમુનો હતો. ધન, દોલત, સત્તા, કુળ, સર્વસ્વનો સાચો ત્યાગ હતો. શ્રી રામકૃષ્ણ એક જ્યોતિ હતા અને તેમના શિષ્યો જ્યોતિના કિરણો હતાં. પોતાના વ્હાલા ગુરૂનું દુઃખ પોતાનાથી મટાડી શકાતું નથી એ વિચારથી નરેન્દ્ર પોતાનું મગજ પટકી નાંખવા લાગ્યો. તેમનું દુઃખ મટાડનાર કોઈ દેવતા પણ છે કે નહિ એ શોધવાને “શ્રીરામ શ્રીરામ” એમ મુખેથી પોકારતો તે આખા ઘરમાં ફરવા લાગ્યો. દેહનો અંત હવે પાસે આવ્યો છે એમ જાણી શ્રી રામકૃષ્ણે નરેન્દ્રને પાસે બોલાવ્યો અને કહ્યું “આમ કરવાથી શું ફાયદો છે ? તારા જેવાજ પોકાર કરીને મેં બાર વરસ ગાળ્યાં હતાં. તે બાર વરસ એક પવનના સપાટાની માફક ચાલ્યાં ગયાં છે. તે પછી તારી એક રાત્રીના પ્રયત્નથી શું થવાનું છે ?” આ સાંભળીને એક જણ બોલી. ઉઠ્યો “તમે મોટા યોગી છો. તમે ધારો તો તમારી મેળેજ સાજા થઈ જાવ !” શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો “આ અપવિત્ર દેહ કે જે હાડકાનું એક પાંજરું છે તેમાં વધારે વખત જકડાઈ રહેવા તરફ મારા ચિત્તને હું શા માટે લગાડું ?”

યુવાન નરેન્દ્રે હવે સંસારનો ખરેખર ત્યાગ કર્યો હતો. દુનિયાદારીની વાસનાને તેણે દૂર કરી દીધી હતી. ભગવાં વસ્ત્ર તેણે ધારણ કર્યા હતાં. તેની અમાનુષી શક્તિઓ ઉપરથી તેના ગુરૂએ તેનું નામ વિવેકાનંદ પાડ્યું.

કાશીપુરનો બાગ હવે એક મંદિર તેમજ એક મોટી પાઠશાળા બની રહ્યો હતો. વાતચિતમાં તત્વજ્ઞાનનાં અણુ એ અણુ જુદાં પડતાં ભક્તિ પરાકાષ્ટાએ પહોંચતી. સંગીત અને ભજનમાં કેટલોક સમય ગળાતો અને નરેન્દ્ર પોતાના ગુરૂને કહેતો “દેવ, મારી બુદ્ધિ અને ચિત્તની સઘળી વક્રતા નાશ પામે એવું ઔષધ મને આપો.” શ્રીરામકૃષ્ણ તેને ધ્યાન ધરવાનું કહેતા અને ધ્યાનમાં તે મસ્ત બની જતો. ક્વચિત શ્રી રામકૃષ્ણ તેને ભજન ગાવાનું કહેતા અને તે ભજનની ધુનમાં–પ્રભુની ભક્તિના રસમાં ડુબી રહેતો. નરેન્દ્ર હવે ઘણો વખત ધ્યાનમાંજ ગાળવા માંડ્યો.

પોતાના મંદવાડમાં પણ શ્રીરામકૃષ્ણ પોતાના શિષ્યને અનેક વાતોનાં રહસ્ય સમજાવતા અને દ્રઢ કરાવતા હતા. હિંદુધર્મનાં અનેક ગૂઢ સત્યો તેના જુદાં જુદાં સ્વરૂપ, બાહ્ય ક્રિયાઓ અને તેના માર્મિક અર્થોને પોતાના શિષ્યના મગજમાં ઉતારતા હતા. કાશીપુરમાં આ પ્રમાણે દિવસો ગળાતા હતા. એક તરફ શ્રીરામકૃષ્ણની આત્મજ્યોતિ વધારે ને વધારે પ્રકાશિત બન્યે જતી અને બીજી તરફ નરેન્દ્રના વૈરાગ્યની ઉજ્જ્વળ પ્રભા વધારે ને વધારે ખીલતી હતી.

શ્રી રામકૃષ્ણને અનેક શિષ્યો હતા. તેમાંના કેટલાકે સંન્યાસ દિક્ષા લીધી હતી. બાકીના ગૃહસ્થાશ્રમમાં જ રહ્યા હતા. સર્વ શિષ્યમાં નરેન્દ્ર મુખ્ય હતો. પણ એક રીતે જોતાં તેમના સર્વ શિષ્યમાં પ્રથમપદે વિરાજનારી શિષ્યા, શ્રી રામકૃષ્ણની પરિણત પત્ની-શ્રીમતી શારદાદેવી—હતી. શારદાદેવી બ્રહ્મચારિણી હતી. સર્વ શિષ્યોની માતા હતી. શ્રીરામકૃષ્ણને તે ગુરૂ તરીકે–નહીં કે પતિ તરિકે-માનતી. શ્રીરામકૃષ્ણની તે પત્ની છે એ ભાવ પોતાના મનમાંથી શારદાદેવીએ કહાડી નાખ્યો હતો. શ્રી રામકૃષ્ણ પણ તેને પોતાની ધર્મની માતા તરિકેજ સમજતા ! શારદાદેવી વિષે બોલતાં શ્રીરામકૃષ્ણ અતિ નમ્રભાવથી બોલતાઃ “તે સાક્ષાત દેવીનો અવતાર છે. તે મહામાયા-મા છે !” શ્રીરામકૃષ્ણે શારદાદેવીનો પરિત્યાગ કર્યો નથી તેમજ શારદાદેવી શ્રીરામકૃષ્ણને મુકીને કદિ આઘાં ખસ્યાં નથી. દક્ષિણેશ્વરમાં તે એક જુદા મકાનમાં બીજી શિષ્યાઓ સાથે રહેતાં. જેમ ભગવાન બુદ્ધ અને તેમની પત્ની-શિષ્યા યશોધરા-પતિ પત્ની ભાવ દૂર કરી, ગુરૂ શિષ્યનો સંબંધ ધરી રહ્યાં હતા તેમજ ભગવાન શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદાદેવી પણ માનુષ સંબંધ દૂર કરી ગુરૂ શિષ્યના પવિત્ર સંબંધથી જોડાઈ રહ્યાં હતાં.

શ્રી શારદાદેવીનો શ્રીરામકૃષ્ણ સાથેનો સંબંધ આવો હતો. આ સંબંધની સત્યતા વિષે એક શિષ્યે એક વખત મનમાં જરા શંકા આણી. એક વખત મધ્યરાત્રીએ શારદાદેવી શ્રી રામકૃષ્ણની શુશ્રષા કરતાં જણાયાં. શંકાશીલ હૃદયવાળો તે શિષ્ય એ પ્રસંગ જોવા ગયો. પણ શ્રીરામકૃષ્ણ શારદાદેવીને “મા, મા,” કહીને વાતચીત કરતા હતા. આ જોઇને શિષ્ય શરમાયો અને કેટલાક દિવસ સુધી તેણે પોતાનું મુખ બતાવ્યું નહીં. શ્રીરામકૃષ્ણે તેને બોલાવ્યો. તેના મનની વાત તે જાણી ગયા હતા તેથી તે બોલ્યાઃ “તેં શંકા ઉત્પન્ન કરી તે ઠીક કર્યું, તું મારી પરિક્ષા કરી જુએ નહીં ત્યાંસુધી શ્રદ્ધા કેવી રીતે રાખી શકે ?”

પોતાના ચારિત્રને માટે નરેન્દ્ર જેટલો ભુવનેશ્વરીનો આભારી હતો તેટલોજ તે શ્રીશારદાદેવીનો પણ આભારી હતો. શ્રી રામકૃષ્ણ પોતાની બ્રહ્મચારિણી પત્નીને હમેશાં જ્ઞાન ભક્તિનો ઉપદેશ આપતા. સર્વ શિષ્યોની તે “મા” થઈ રહ્યાં હતાં. શ્રીરામકૃષ્ણ સર્વને તેમના શિવ સ્વરૂપનું ભાન કરાવતા; શારદાદેવી દરેકમાં દૈવી સ્વભાવ જાગૃત કરતાં. આ પ્રમાણે શારદાદેવીએ ઘણાક યુવાનોને સંન્યાસને માર્ગે દોરી તેમના શિષ્યો બનાવ્યા છે. શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યોએ તો તેમની આજ્ઞાથી શારદાદેવી પાસેથી જ સંન્યાસ દિક્ષા લીધેલી છે.

એક વખત શ્રી રામકૃષ્ણની ટીકાથી શારદાદેવીને જરાક લાગી આવ્યું અને તે રોતાં રોતાં ચાલ્યાં ગયાં. શ્રીરામકૃષ્ણે તેમને પાછા લાવવાને એક શિષ્યને તેમની પાછળ મોકલ્યો અને કહ્યું કે જો તે રડશે તો હું ભક્તિ અને ધ્યાન ચુકી જઇશ.

ગુરુ અને શિષ્યના પવિત્ર ટોળામાં દેવીની માફક શ્રીશારદાદેવી વિરાજતાં હતાં. તે સર્વની સંભાળ લેતાં અને સર્વની ધાર્મિક ક્રિયાઓમાં મદદ કરતાં. સર્વના દુઃખે તે દુઃખી થતાં અને સર્વના આનંદમાં જ તેમનો આનંદ હતો. સર્વ શિષ્યો તેમનાં બાળક અને શારદાદેવી તેમની માતા હતાં. હિંદમાં ગુરૂપત્ની ગુરૂ તુલ્યજ ગણાય છે. શ્રીરામકૃષ્ણ મિશનના પ્રસિદ્ધ સંન્યાસીઓ શ્રી શારદાદેવીને ગુરૂ તરિકેજ માનતા અને તેમનો દેહાન્ત સં. ૧૯૭૬ યા ૧૯૭૭ માં થયો ત્યાં સુધી આધ્યાત્મિક વિષયમાં તેમની સલાહ વારંવાર લેતા. તેમની આજ્ઞાનો ભંગ તેઓ કદી પણ કરતા નહિ. સ્વામી વિવેકાનંદ પણ વારંવાર તેમની સલાહ પુછતા અને ઘણાજ ભક્તિભાવથી તેમને ચરણે નમીને દરેક પ્રસંગે તેમનો આશિર્વાદ લેતા.