સ્વામી વિવેકાનંદ/બુદ્ધગયાની યાત્રા
← કાશીપુરમાં ગળાયલા દિવસો | સ્વામી વિવેકાનંદ બુદ્ધગયાની યાત્રા રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ → |
જેમ જેમ શ્રી રામકૃષ્ણને મંદવાડ વધતો ગયો તેમ તેમ સઘળા શિષ્યો વધારે ને વધારે જ્ઞાન, તપ, સાધના, યોગ વગેરેમાં પોતાનાં ચિત્તને પરોવવા લાગ્યા, એક વખત ભગવાન બુદ્ધ વિષે વાર્તા ચાલી રહી. નરેન્દ્ર તેનો ખાસ અભ્યાસી અને વક્તા હતો. તેણે બુદ્ધધર્મનો પાકો અભ્યાસ કર્યો હતો. બુદ્ધધર્મનાં પુસ્તકો, દલિત વિસ્તાર, ત્રિપિટિકા વગેરે તેણે વાંચ્યાં હતાં. બુદ્ધ વિષે ચાલતી અનેક દંતકથાઓનું અધ્યયન તેણે કર્યું હતું. જાણે કે બુદ્ધનો પરમ શિષ્ય હોય તેમ તે બની રહ્યો હતો. નરેન્દ્રમાં ખાસ કરીને એક ગુણ એવો હતો કે કોઈ પણ બાબત હાથમાં લીધી કે તેને પુરેપુરી જાણવાનો તે પ્રયાસ કરતો અને તેનું ઉંડામાં ઉંડું રહસ્ય તે શોધી કહાડતો અને તે રહસ્યને પોતાના જીવનમાં રગે રગે ઉતારતો. બુદ્ધની બુદ્ધિ, વિચારોની દૃઢતા, સત્ય માટે અડગ નિશ્ચય, ઉત્કટ વૈરાગ્ય, વિશાળ હૃદય, અપૂર્વ દયાભાવ, મધુર ગંભીર અને તેજસ્વી મૂર્તિ, ઉચ્ચ નીતિ, સર્વનું મૂળ શોધવાની શક્તિ-આ સર્વથી નરેન્દ્રના આધ્યાત્મિક જીવન ઉપર ભારે અસર થઈ હતી. થોડો વખત તે અન્ય સઘળું મૂકી દઈ બુદ્ધનાજ ચિંતનમાં અને અભ્યાસમાં રહ્યા કર્યો. બુદ્ધના સમયનો અદ્ભુત ચિતારો તે મનમાં ખડા કરવા લાગ્યો. સત્યાન્વેષણ માટે કરેલા રાજ્ય ત્યાગને સંભારવા લાગ્યો અને ચક્રવર્તી અશોકના સુંદર મઠ અને વિદ્યાપીઠોનો સંપૂર્ણ ખ્યાલ મગજમાં આણવા લાગ્યો.
તે વારંવાર કહેવા લાગ્યો કે બુદ્ધનોજ સંન્યાસ ખરો હતો ! અઢળક દ્રવ્ય, રાજદ્વારી દમામ, સત્તા, યુવતી સ્ત્રીનો પ્રેમ-આ સર્વનો ત્યાગ બુદ્ધે કર્યો, માટે એનો સંન્યાસ એજ ખરો સંન્યાસ, માનવ જાતિ પ્રત્યે અનુકમ્પા, સત્યાન્વેષણ માટે અડગ નિશ્ચય, દુઃખ, ભય કે મૃત્યુથી પણ નિડરતા–આ સર્વ વડેજ તે સાધુ બની રહ્યો હતો. રત્નજડિત આરસ પહાણથી બંધાવેલા મહેલમાં વસનારો, રાજ્ય વૈભવને ભોગવનારો, રાજપોષાક ધારણ કરનારો, હસ્તીદંતના પલંગમાં પોઢનારો અને મહાન દ્રવ્યના ભંડારો હાથ ધરનારો રાજાનો કુંવર એક સંન્યાસીની માફક જગતમાં વિચરતો–ભગવાન બુદ્ધ-નરેન્દ્રની કલ્પ્ના સૃષ્ટિમાં પ્રત્યક્ષ દેખાવા લાગ્યો.
વાર્તા આગળ ચાલી. નરેન્દ્રનું હૃદય બુદ્ધના ચરિત્રથી વધારેને વધારે આનંદિત થવા લાગ્યું, વધારેને વધારે ઉછાળા મારી રહ્યું. ભગવાન બુદ્ધનું કઠોર તપાચરણ તેના મસ્તકને ચકડોળે ચઢાવવા લાગ્યું. તે ચકિત થયો. નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ પર ભગવાન બુદ્ધના દ્રઢ નિશ્ચયની બહુજ ઉંડી અસર થઈ.
“આ સ્થાનેજ મારું શરીર સુકાઈ જવા દ્યો ! શરીરનાં માંસ અને અસ્થિ જુદાં પડી જવા દ્યો ! પરમ સત્ય-જે મેળવવું ઘણુંજ કઠિન છે તે–મેળવ્યા વગર હું અહીંયાથી ઉઠનાર નથી !” ભગવાન બુદ્ધના આ શબ્દોના ભણકાર સર્વ શિષ્યના મનને વારંવાર હલાવી નાખવા લાગ્યા.
સર્વ શિષ્યોના મગજમાં બુદ્ધગયાનું પવિત્ર અને સુંદર સ્થાન તરી આવ્યું. અહીં બેસીને–અસંખ્ય વિચારો અને ઇંદ્રિયોના તુમુલ યુદ્ધની વચમાં, રાજ્ય વૈભવ, ઠાઠ અને સત્તાની લાલસા તરફ પુનઃ પુનઃ ઘસડાઈ જતા ચિત્તના તર્ક વિતર્કની મધ્યમાં, પોતાનો નિશ્ચય ફેરવવાને મથનાર અનેક સંશયોની વિરૂદ્ધમાં ભગવાન બુદ્ધે મન ઉપર જય મેળવ્યો, સત્યનું સંશોધન કર્યું. અને જુઓ-તે નર વીર–મહાન યોદ્ધો-ઇંદ્રિયજેતા, અખિલ વિશ્વનું કલ્યાણ કરવાને જગત ત્રાતા બની બહાર પડ્યો. બુદ્ધગયાની યાત્રા કરવી, જે પવિત્ર સ્થાને બેસીને બુદ્ધે પરમ સત્યને જોયું ત્યાં બેસવું, આમ વિચાર કરતે કરતે સર્વ શિષ્યો આવેશમાં આવી ગયા અને ૐ नमो भगवते बुध्धाय એમ બોલી ઉઠ્યા ! પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણને ચરણે સર્વ નમવા લાગ્યા. આ વખતે શ્રી રામકૃષ્ણ પણ બુદ્ધના સ્મરણથી બુદ્ધરૂપજ બની બુદ્ધ જેવીજ સમાધિ ધરી રહ્યા હતા।
નરેન્દ્રના આત્માને આટલાથીજ શાંતિ વળી નહિ. તેણે નિશ્ચય કર્યો કે બુદ્ધગયાની યાત્રા કરવીજ. બોધીવૃક્ષનાં દર્શન કરી તેની નીચે તેણે બેસવુંજ ! તેનો સામાન્ય સ્વભાવજ એવો હતો કે જે વાત તેણે એક વખત હાથમાં લીધી તેને તે પાર ઉતારવાનોજ ! તેણે જવાનો નિશ્ચય તો કર્યો, પણ શી રીતે જવાય ? ભગવાન શ્રી રામકૃષ્ણ માંદા હતા અને ગુરૂ ભાઈઓનો નરેન્દ્ર નેતા હતો. તેની સલાહ પ્રમાણેજ બધુંએ થતું હોવાથી બધાને આવી સ્થિતિમાં મુકીને શી રીતે જવાય ? પણ જવું તો ખરુંજ ! બુદ્ધગયાની યાત્રા કરવી એ તેને મન એક મોટું ધાર્મિક શિક્ષણ હતું.
નરેન્દ્ર કોઈને કહ્યા કહાવ્યા વિના જ નીકળી પડ્યો ! ક્યાં ગયો તે કોઈએ જાણ્યું નહિ. શિષ્યો પૂછપરછ કરવા લાગ્યા; પણ ભગવાન શ્રી રામકૃષ્ણ આ બાબતમાં ચુપ જ રહ્યા અને શાંતપણે હસવા લાગ્યા. થોડીવારે બોલ્યા: “નરેન્દ્ર ગયો તેમાં શું થઈ ગયું ! જઈને પાછો આવશે. તેને અમુક વસ્તુનો જે સ્વાદ અહીં લાગ્યો છે તે સ્વાદ તેને બીજે કહીંએ મળશે નહિ.” શ્રી રામકૃષ્ણ મનમાં ખુશી થતા હતા કે નરેન્દ્ર બહારનો અનુભવ મેળવીને તેમને ઓળખવાને વધારે શક્તિમાન થશે.
નરેન્દ્ર સાથે બીજા પણ બે જણ ગયા હતા, આખે રસ્તે બુદ્ધગયાના વિચારજ તેમના મનમાં રમી રહ્યો. રેલ્વે સ્ટેશનથી બુદ્ધગયા આઠ નવ માઈલ દૂર છે, એટલો રસ્તો તેમણે પગે ચાલી નાંખ્યો. રસ્તામાં પવિત્ર ફલ્ગુ નદીમાં સ્નાન કર્યું. રાત્રે તેઓ બુદ્ધગયા પહોંચ્યા. આખી રાત બુદ્ધના વિચારમાં જ તેઓ મશગુલ રહ્યા. સવારમાં બોધીસત્વના મંદિરમાં ગયા. ભગવાન બુદ્ધની મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નમ્યા. નિર્વાણનો બોધ કરનાર, પરમ શાંતિના અગાધ મહાસાગર, પરમ દયાળુ ભગવાન બુદ્ધની પ્રાચીન તેજસ્વી મૂર્તિ તેવીને તેવીજ ભવ્ય દશામાં તેઓ દેખવા લાગ્યા. નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ તે મૂર્તિની આગળ સાષ્ટાંગ પ્રણામ કરી બેઠા, પદ્માસન વાળ્યું અને એકાગ્ર થઈ જઈ એક ચિત્તે ભગવાન બુદ્ધનું ધ્યાન ધરવા લાગ્યા.
બે કલાક સુધી તેઓ ધ્યાનમાં બેસી રહ્યા. પછી તેઓ મઠમાં ગયા. સાયંકાળનો સમય થતાં નરેન્દ્ર બોધીવૃક્ષની નીચે પડેલી શિલા જેના ઉપર બેસીને ગૌતમબુદ્ધ નિર્વાણને પ્રાપ્ત કરી રહ્યા હતા તેની પાસે ગયો. ત્યાં બેસીને તે ચિત્તની એકાગ્રતા વધારે મેળવી શક્યો અને ધ્યાનની વધારે ઉચ્ચ દશાએ પહોંચ્યો. સમય સંધ્યાકાળનો હતો. સર્વત્ર શાંતિ ફેલાઈ રહી હતી. ગંભીર વિચારોથી નરેન્દ્રનું લાગણીવાળું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી ચોધારાં અશ્રુ વહેવા લાગ્યાં ! પોતાની પાસે બેઠેલા ગુરૂભાઈને ગળે હાથ નાંખીને તે ઘણા વ્હાલથી ભેટી પડ્યો. ગુરૂ ભાઈ ચમક્યો. નરેન્દ્રને તે આમ કરવાનું કારણ પુછવા લાગ્યો. પણ ઉત્તર કોણ આપે ? નરેન્દ્ર ફરીથી ધ્યાનમાં ગરક થઈ ગયો. શું ભગવાન બુદ્ધનું ધ્યાન ધરતાં ધરતાં અત્યંત પ્રેમના આવેશમાં આવી જઈ પાસે બેઠેલા ગુરૂભાઇને બુદ્ધનું અંગ ધારી ભેટી પડ્યો હશે ?
બુદ્ધગયામાં નરેન્દ્ર ત્રણ દિવસ રહ્યો. બુદ્ધદેવનાં ચરણકમળથી પવિત્ર થયેલાં સર્વ સ્થળ તે જોઈ વળ્યો. તેના ગુરૂભાઈઓ હવે શ્રી રામકૃષ્ણની પાસે જવાને આતુર થઈ રહ્યા. નરેન્દ્ર પણ મનથી શ્રી રામકૃષ્ણને સંભારતો અને અત્યંત ભાવથી નમતો, પણ હજી તેની મરજી વધારે પ્રવાસ કરવાની હતી. તેથી બંને ગુરૂભાઈઓ કલકત્તે પાછા ગયા અને નરેન્દ્રને પાછો બોલાવવા શ્રી રામકૃષ્ણને કહેવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “આથી વધારે આગળ તે જશે નહિ.” ભગવાન રામકૃષ્ણના અનુપમ સહવાસથી વધારે વખત વિખુટા રહેવું એ ગાયથી વાછડું અલગ રહી શકે તોજ બની શકે. નરેન્દ્ર કલકત્તે પાછો આવ્યો, શ્રી રામકૃષ્ણના હર્ષનો પાર રહ્યો નહિ. તેણે જે જે જોયું અને અનુભવ્યું તે સર્વનું વર્ણન કર્યું. ગુરૂભાઈઓ તેને ભેટી પડ્યા. સૌ ગાવા લાગ્યા અને પ્રભુનું નામ લેતે લેતે નાચવા લાગ્યા.