સ્વામી વિવેકાનંદ/કુલ વૃત્તાંત

વિકિસ્રોતમાંથી
← લેખકનો ઉપોદ્ઘાત સ્વામી વિવેકાનંદ
કુલ વૃત્તાંત
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ભુવનેશ્વરી →


स्वामी विवेकानंद

भाग ९ मो.

સવિસ્તર જીવનચરિત્ર.

પ્રકરણ ૧ લું – કુલ વૃત્તાંત.

આ સ્વદેશભક્ત મહાન સંન્યાસીનો જન્મ કલકત્તાના એક જુના અને વિખ્યાતિને પામેલા દત્ત નામના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમનું કટુંબ કલકત્તામાં આવેલા સીમલા નામના પરામાં રહેતું હતું અને તેથી તે કુટુંબ સીમલાનું દત્તકુટુંબ એ નામે ઓળખાતું હતું. સીમલામાં આવેલું તેમનું જૂનું ઘર હજી પણ હયાત છે અને ભારતવર્ષના અર્વાચીન સમયના એક મહાન સંન્યાસી કે જેમણે બંગાળીઓના અને બીજાઓના પાશ્ચાત્ય વિચારના પ્રવાહને અન્યદિશામાં વહેતો કર્યો તેમના જન્મસ્થાન તરીકે તે લોકોમાં પ્રસિદ્ધ છે. આ કુટુંબ એક વખતે ઘણું જ પૈસાદાર હતું; પણ તેના પાછલા દિવસોમાં તે પૈસાની તાણને લીધે એક મધ્યમ વર્ગનું કુટુંબ થઈ રહ્યું હતું. સંન્યાસવૃત્તિ આ કુટુંબમાં પરાપૂર્વથી ચાલી આવતી હતી. સ્વામીજીના દાદા કે જેમનું વદન સ્વામીજીના મુખને તદ્દન મળતું હતું તેમણે પચીસ વર્ષની ભર યુવાવસ્થામાં સંસારનો ત્યાગ કર્યો હતો. તેમનું નામ દુર્ગાચરણદત્ત હતું. તેઓ ફારસી અને સંસ્કૃતમાં પારંગત હતા. જગતનાં ધન વૈભવ સંપાદન કરવાની પુષ્કળ યોગ્યતા ધરાવવા છતાં તેની અસારતા અને કુટીલતા તેમના મનમાં વસી રહી હતી. ધર્મ અને નીતિના ઉચ્ચ સિદ્ધાંતો તેઓ પુરેપુરા સમજતા અને ઇશ્વર એકલોજ તેમને સત્ય, સુખરૂપ અને પ્રાપ્ત કરવા યોગ્ય લાગ્યો અને એ વિચાર તેમના મનમાં એવો પ્રબળ થઈ ગયો કે તે કોઈ રીતે રોકી શકાયો નહિ ! હિંદુશાસ્ત્રો કહે છે કે સંસારમાં પુત્રની પ્રાપ્તિ થયા પછી મનુષ્ય પિતૃરૂણથી મુક્ત થાય છે અને સ્ત્રી જાયા-માતા બને છે; માટે તે પછી પુરૂષે વિષયી ન રહેતાં નિર્વિષયી પદને પ્રાપ્ત કરવા માટે વાનપ્રસ્થ થવું. દુર્ગાચરણ સ્ત્રી, પુત્ર, સંસાર સુખ-સર્વસ્વનો દ્રઢ ભાવે ત્યાગ કરી જંગલમાં ચાલતા થયા !

તેમનાં સ્ત્રી અને પુત્રની સંભાળ સગાં વહાલાંઓએ લીધી. તેમની સાધ્વી આર્ય પત્ની સઘળું સમજી ગઈ અને પતિના આ તપાચરણને લીધે તેમના તરફ વધારે પૂજ્યભાવ રાખવા લાગી. આર્ય સંસારની રચના ગુહ્ય તત્ત્વોને આધારે રચાયેલી છે. તેનું બંધારણ સત્ય સિદ્ધાંતોના પાયા ઉપર બંધાયેલું છે. હિંદુ સંસારમાં ધાર્મિક સત્યોનો આવિર્ભાવ છે. તેનું લક્ષ્યબિંદુ પરમેશ્વર છે. પતિપત્ની આ ક્ષેત્રમાં એક બીજાને ઉચ્ચ કોટિએ લાવવાના સાધનરૂપ બની શકે છે. આથીજ પતિના યા અન્ય સંબંધીના સંસાર ત્યાગને તેની સ્ત્રી અને અન્ય કુટુંબીઓ પોતાને ગમે તેટલું કષ્ટ વેઠવું પડે તોપણ ઉંડી ધર્મ બુદ્ધિથી અહોભાગ્ય માનીને સ્વીકારે છે અને તેથી પોતાના કુળને ગૌરવ મળેલું સમજે છે. જે આર્ય સ્ત્રી પતિનું વિદેશગમન પણ વેઠી શકતી નથી, તે આવા સ્તુત્ય હેતુથી થએલા સદાકાળના વિયોગને સહેવામાં પોતાને પુણ્યશાલી માનીને, સંસારમાં પતિનું રટણ કરતી પોતાના દિવસો હિમ્મતથી, શાંતિથી અને ઉચ્ચ ભાવનાઓમાં ગાળે છે !

દુર્ગાચરણની સાધ્વી સ્ત્રી પણ એજ પ્રમાણે મનથી સંસારને ત્યજી દઇને વધારેને વધારે ભક્તિપરાયણ થવા લાગી !

દુર્ગાચરણ વકીલાતનો ધંધો કરતા હતા અને તેમાં તેમણે ઘણા પૈસા મેળવ્યા હતા. આથી કરીને તેમનો સંન્યાસ વિચારપૂર્વક અને અત્યંત ભક્તિભાવને લીધે હતો. સમૃદ્ધિવાનનો ત્યાગ, એજ ખરો ત્યાગ છે. પુર્વ અને પશ્ચિમના સાધુઓ આવા સંન્યાસતેજ માનનીય ગણે છે.

હિંદમાં અનેક પવિત્ર સ્થળો છે ! ભગવાન બુદ્ધે જ્યાં સત્યનું દર્શન કર્યું તે બુદ્ધગયા, શ્રીકૃષ્ણની બાલક્રિડાઓ અને ગોપીઓના રાસનું સ્થાન વૃંદાવન, ગુરૂનાનક દેવનું સ્થાન અમૃતસર, અનેક ઋષીમુનીઓની તપોભૂમિરૂપ નાશીક ત્રંબક, હિમાલયના દ્વારરૂપ હરદ્વાર અને હૃષીકેશ, નર્મદા કિનારે આવેલું વ્યાસ નામનું મનોહર સ્થાન, શ્રીશંકરાચાર્યે સ્થાપેલાં વિદ્યાપીઠનાં ચાર મુખ્ય ધામ, તુકારામ મહારાજનું પંઢરપૂર, જ્ઞાનેશ્વર મહારાજનું આલંદી, ગૌરાંગ પ્રભુનું નુદીયા, વિદ્યાનું ધામ કાશીપુરી ઇ. સ્થળો કે જે અત્યારે પણ પ્રાચીનકાળના આર્યગૌરવના ભણકાર યાત્રીઓના હૃદયમાં જગાડ્યા કરે છે. આવાં આવાં અનેક પવિત્ર સ્થળો સંન્યાસીને પ્રિય હોય છે. અને અહાહા ! તે સ્થળોનો એકાંતવાસ ! ત્યાં પ્રસરી રહેલી શાંતિ ! સૃષ્ટિ સૌંદર્ય ! અને તે સૌંદર્ય શાંતિવાળી, પવિત્ર જળવાયુ વાળી અને અનેક ઋષીમુનિઓની પદરજથી પવિત્ર થએલી ભૂમિપર શાંતિમાં રહી પરમાત્માના વિચારમાં જોડાવું ! તેનું જ ધ્યાન, તેના પદને પામેલાજીવન - મુક્તોનો અને પામવા મથી રહેલા જીજ્ઞાસુઓનો સત્સંગ, પરમાત્માનુંજ મનન, તેનુંજ નિદિધ્યાસન ! આ સઘળું જે ભાસે છે તે ઈશ્વરજ છે એજ વિચાર ! હિંદના સાચા સાધુઓ આવુંજ જીવન ઈચ્છે છે અને ગાળે છે. તેમને બીજા કશાની દરકાર હોતી નથી. તેમના મનમાં ઇશ્વર સિવાય બીજો વિચાર આપનારી વસ્તુસ્થિતિઓપર વિરાગજ વસી રહેલો હોય છે. ભરણપોષણની તમામ કાળજી તેમણે વિશ્વંભરનેજ સોંપી દીધી હોય છે ! ઉપર જણાવ્યા જેવાં સ્થળોમાં આવા આવા અનેક સંતસાધુઓ ખરાખોજીને મળી આવે છે.

અનેક ઉચ્ચકોટીના સંત મહાત્માઓ કેટલોક કાળ જુદાં જુદાં સ્થળામાં વિચરતા રહી મુક્તાત્માઓનાં દર્શન તથા સત્સંગમાં પણ ગાળે છે. દુર્ગાચરણ આવા આવા અનેક સાધુઓના સમાગમમાં આવ્યા હતા. તે તેમને પોતાને ઘેર બોલાવી લાવતા અને જમાડતા અને તેમની પાસેથી પ્રણામ, પ્રશ્ન અને સેવાપૂર્વક અનેક વાતો શ્રવણ કરતા. આથી તેમની સંન્યાસવૃત્તિ દૃઢ થતી ગઈ અને આખરે તે ઉપર જણાવ્યું તેમ સંસારને ત્યજી અરણ્યવાસ સેવવા લાગ્યા. પાંચ છ વર્ષ વીતી ગયાં અને દુર્ગાચરણ હિંદુઓના પવિત્ર ધામ કાશીમાં આવી પહોંચ્યા. શુદ્ધ આર્યજીવનમાં પતિ અને પત્નીનો આત્મા એકજ થઈ રહ્યો હોય છે. આથી સ્વાભાવિક રીતે એમ બને છે કે જ્યાં પતિનો આત્મા પ્રયાણ કરે છે ત્યાંજ અજાણ્યે પણ પત્નીનો આત્મા જવા તત્પર થાય છે. દુર્ગાચરણની ભાર્યાએ કાશીની યાત્રા કરવાનું ધાર્યું અને ત્યાં અણધાર્યાંજ પતિનાં દર્શન તેને થયાં.

કાશી ! એ નામ હિંદુઓને કેટલું મોહક છે ! તે નામ ઉચ્ચારતાંજ હિંદુમાત્રના હૃદયમાં કેવો ધર્મભાવ અને ગૌરવ ખડાં થાય છે ! હિંદુઓની પ્રાચીન મહત્તાનું ભાન તેના દર્શનમાં થઈ જાય છે. હિંદના મહાન વિચારકો, વીરપુરૂષો, મહાત્માઓ અને સાધુઓનું તે કેવું સ્મરણ કરાવે છે ! હિંદુ રાજાઓની પ્રભુતા, સંન્યાસીઓની મહત્તા અને પંડિતોની વિદ્વત્તા તે દર્શાવે છે. અત્યારે પણ હજારો હિંદુઓ, ભણેલા તેમજ અભણ અને યુનીવર્સીટીની પદ્વીવાળાઓ જીદગીના અંતના દિવસો ગાળવાને આ પવિત્ર સ્થળમાં આવી રહ્યા છે. હિંદુ ધર્મનું તે મધ્યસ્થળ છે ! તેમાં દેવાલયો એટલાં બધાં છે કે મુસાફરો તેને “દેવાલયનું શહેર” કહે છે. જુદે જુદે સ્થળેથી આવેલા, જુદા જુદા વિચારના, પંથના, સંપ્રદાયના, જુદી જુદી ન્યાતના અને જુદી જુદી જાતના હિંદુઓનું તે કેન્દ્રસ્થાન છે.

દુર્ગાચરણની પત્ની કલકત્તાથી કાશી સુધી પાંચસેં માઇલ ગંગા નદીમાં હોડીમાં બેસીને નવાં શહેરો, નવા દેખાવો, નવા રીતરિવાજો અને નવા મનુષ્યો વગેરે જોતાં જોતાં અને મહાભારતાદિના વાંચનમાં શ્રીરામ અને કૃષ્ણાદિનાં ચરિત્રોના કથનમાં દિવસો ગાળતાં ગાળતાં છ અઠવાડીએ કાશી પહોંચ્યાં હતાં.

તેમણે પોતાના પુત્ર વિશ્વનાથને પણ યાત્રામાં સાથે લીધો હતો. દરરોજ ગંગાનું સ્નાન અને પાન, આરોગ્યપ્રદ હવા, દરરોજનો સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, અજવાળી રાતનો સુંદર ચંદ્રપ્રકાશ અને અંધારી રાત્રિનો અસંખ્ય ચળકતા તારાઓનો અદ્ભુત દેખાવ, નિરજન પ્રદેશની અપૂર્વ શાંતિ અને તે દરમ્યાન માછીઓનાં હલેસાં વાગવાથી થતો અવાજ, માછીઓનાં અને સ્વમાતા તેમજ અન્ય યાત્રીઓનાં રાત્રિ દિવસ આર્દ્ર ધર્મભાવપૂર્વક ચાલ્યા કરતાં ભજન, સ્તવન અને વંદન, આ સર્વની છ અઠવાડીયાંના સતત પ્રવાસ દરમ્યાન દરરોજની જે પ્રબળ અસર બાળક–વિશ્વનાથ-વિવેકાનંદના ભાવી પિતાના મન ઉપર થઈ તે તેમના જીવન પર્યંત રહી હતી.

દિવસો જવા લાગ્યા તેમ તેમ યાત્રાળુઓની હોડી કાશીની નજીક આવવા લાગી. એક દિવસ વિશ્વનાથ હોડીના એક ખુણા ઉપર જઈને રમવા લાગ્યો. ત્યાંનું એક પાટીયું જુંનું હોવાથી તે તૂટી ગયું અને તે નદીમાં પડ્યો. માતાએ તે જોયું અને પોતાને તરતાં નહોતું આવડતું તોપણ તે તરતજ કૂદીને તેની પાછળ પાણીમાં પડ્યાં ! છોકરો હાથમાં આવ્યો અને તેને તેમણે મજબૂત પકડી રાખ્યો; પણ તેમને તરતાં આવડતું નહિ હોવાથી બંને જણ ડૂબવા લાગ્યાં. હોડી ઉપરના માણસો બાવરા બની ગયા. માત્ર થોડા કાળા વાળજ પાણી ઉપર દેખાયા ! એક જણ કૂદીને અંદર પડ્યો. પાછળ બીજાએ ભૂસકો માર્યો અને મા દીકરાને બહુ મહેનતથી ખેંચી કહાડ્યાં ! બીજે દિવસે કાશી આવ્યું અને અહો ! વિશ્વનાથની માતાનો હર્ષ ! વિશ્વેશ્વરના દેવાલયમાં તે ઘણા દિવસ સુધી ગયાં અને શિવના ભક્ત-તેમના પતિદુર્ગાચરણના ક્ષેમ કલ્યાણને માટે તીવ્ર આરાધના કરી. ઘણા સાધુઓનાં તેમને અહીં દર્શન થવા લાગ્યાં. સાધુઓનાં ટોળાં નિહાળતાં ત્યારે “વખતે તે–તેમના પતિ–તો આમાં નહિ હોય !” એમ વિચાર એમના મનમાં ઉદ્ભવતો. એક દિવસ ગંગાના ઘાટ ઉપર સ્નાન કરીને વિશ્વનાથના દેવાલય તરફ તે જતાં હતાં, એટલામાં એક સાધુને નિહાળી “એતો એજ ! એતો એજ !” એમ બોલતાં સ્તબ્ધ બની જઇને જમીન ઉપર પડ્યાં. તે સાધુએ બૂમ પાડી “व्हो माता गीर गई !” પરંતુ એટલામાંજ તેમણે બાઈને ઓળખી લીધાં અને “અરે ! માયા ! માયા ! એમ કહેતો સાધુ ચાલતો થયો ! એ પછી દુર્ગાચરણના સ્થાનનો પત્તો મેળવી તેમનાં પત્ની તે સ્થળે ગયાં અને સંન્યાસીના ધર્મનો વિચાર કરી તેઓ ગ્રંથ વિચારતા બેઠા હતા તેવે સમયે તે ન જુવે તેમ પતિનાં દર્શન એકવાર ફરીથી કરી, તેમનો દૃઢ વૈરાગ્ય જોઈ પરમ શાંતિને ભોગવતાં વિશ્વનાથને આરાધવા લાગ્યાં !

થોડા દિવસ પછી વિશ્વનાથ અને તેની માતા કલકત્તે પાછાં ગયાં. વિશ્વનાથ પોતાના ભવ્ય મકાનમાં મોટો થવા લાગ્યો.

બાર વર્ષની વય થવા અગાઉ વિશ્વનાથની માતા ગુજરી ગયાં હતાં. વિશ્વનાથે ઉમ્મર લાયક થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો અને વકીલાતનો ધંધો આરંભ્યો. તેમાં તેમની ખ્યાતિ વધી. બાપે તેમને વારસામાં દ્રવ્ય આપ્યું હતું તે ઉપરાંત પોતે પણ ઘણું કમાયા. તેમની ખ્યાતિ ચારેપાસ પ્રસરવા લાગી. એક ભવ્ય મકાન તેમણે બંધાવ્યું અને તેમાં ઘણા ઠાઠથી રહેવા લાગ્યા. આથી કરીને તેમનું કુટુંબ “રાજેશ્રી દત્ત કુટુંબ” એ નામથી ઓળખાવા લાગ્યું. મકાનની આસપાસ સુંદર બગીચો અને કમ્પાઉન્ડ કરાવી દીધું હતું. મકાનના મુખ્ય દ્વાર પાસે એક ઓરડીમાં એક દરવાન સદાએ બેસતો. આગલા ખંડની અંદરની બાજુએ દ્વાર પાસેજ એક આરામ ખુરશી પડી રહેતી. તે ખુરશી ઉપર વિશ્વનાથ અને તેમના પછી તેમનો પ્રખ્યાત પુત્ર વિવેકાનંદ બેસતા. એ ખુરશી હાલમાં ભાંગી તૂટી સ્થિતિમાં છે તો પણ તેની તેજ જગ્યાએ પવિત્ર યાદગીરિ તરીકે સંભાળી રાખવામાં આવી છે. આગલા ખંડની પછવાડે પથ્થરથી બંધાવેલો મોટો ચોક હતો. એ ચોકની અંદર દુર્ગાપૂજાનો મોટો ઠાઠ થતો. ચોકની આગળ રસોડુ અને પૂજા કરવાની ઓરડી આવેલાં હતાં. તેની પાસે સ્ત્રીઓ અને પુરૂષોને રહેવાના જુદા જુદા બબ્બે માળના ખંડો હતા. મકાન ઘણું વિશાળ અને કોતરકામથી અલંકૃત હતું. વિશ્વનાથ તેમાં રહી ઘણી સ્વતંત્રતા અને વિલાસ ભોગવતા, પણ તેમના વિલાસ ઉત્તમ પ્રકારના હતા. તેમને વ્યસન માત્ર વિદ્યાનું હતું. વિદ્યાની સાથે જ તે રમત રમતા. ઇતિહાસ તેમનો ખાસ વિષય હતો, તેમાં ઉંડા ઉતરી અનેક શોધો કરવાને તે ઘણા આતુર હતા. જગતની સમસ્ત પ્રજાઓના ઈતિહાસનો અભ્યાસ કરી, તેમાંથી સર્વ સામાન્ય નીતિને ઉપજાવી કહાડવી એ તેમનો મુખ્ય આશય હતો. તેમનું હૃદય ઘણુંજ દયાર્દ્ર હતું અને તેથી તે ઘણો પૈસો પરોપકારમાં વાપરતા. તે એટલું બધું દાન કરતા કે તે ગરીબના પિતા કહેવાતા. તેમની આવક સાધારણ રીતે સારી હતી, પણ તેમની પરોપકાર વૃત્તિને લીધે તેમની કમાણી કુટુંબના ખર્ચ માટે જેમ તેમ કરીને પુરતી થઈ રહેતી. તેથી તેમના મૃત્યુ પછી તેમણે પોતાનાં છોકરાંને માટે વારસામાં બાપદાદાની મિલકત સિવાય પોતાની જાતની કમાણીમાંનું કાંઈ પણ રાખ્યું નહોતું.