સ્વામી વિવેકાનંદ/લેખકનો ઉપોદ્ઘાત

વિકિસ્રોતમાંથી
← સંપાદકનું નિવેદન સ્વામી વિવેકાનંદ
લેખકનો ઉપોદ્ઘાત
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
કુલ વૃત્તાંત →


લેખકનો ઉપોદ્ઘાત.

આ જગતમાં કોઈ પણ મનુષ્ય એકની એકજ સ્થિતિમાં સર્વદા રહી શકતો નથી. કાં તો તે પોતાના જ્ઞાન અને આચરણને ઉન્નત કરતો ચાલી દેવ સમાન બનતો જાય છે; અથવા તો તે સ્વાર્થ, લોભ અને મોહાદિને વશ વર્તતો ચાલી અધમતાને પ્રાપ્ત કરતો જાય છે. આથીજ કરીને પ્રત્યેક મનુષ્યે પોતાના જીવનનું લક્ષ્યબિંદુ યાને આદર્શ બહુજ ડહાપણપૂર્વક નક્કી કરવાની અને પછી તેને અનુસરીને પોતાનું જીવન ગાળવાની આવશ્યકતા છે. કોઈ પણ ઉચ્ચ લક્ષ્ય વગર જીવનનૌકાને ગમે તેમ ઘસડાઈ જવા દેવી એતો આત્મહત્યા કરવા જેવું જ છે.

મનુષ્યના વ્યાવહારિક જીવનનો આધાર પણ તેના લક્ષ્યબિંદુ ઉપરજ રહેલો છે. તે લક્ષ્યબિંદુને અનુસરીનેજ મનુષ્યનું હાલનું જીવન ઘડાયેલું છે અને વર્તમાનમાં જેવું તેનું લક્ષ્યબિંદુ હશે તેને અનુસરીનેજ તેનું ભાવી જીવન ઘડાશે. આ પ્રમાણે હોવાથી મનુષ્યે કોઈ સર્વોત્કૃષ્ટ વસ્તુસ્થિતિને જ પોતાના જીવનના આદર્શ તરિકે ઠરાવવી જોઈએ અને પછી એને રસ્તે પોતાના જીવનને વાળવું જોઈએ કે જેથી તે લક્ષ્ય સત્વર પ્રાપ્ત થઈ જીવન સર્વોત્કૃષ્ટ બની રહે.

આત્મસાક્ષાત્કારવડે પ્રાપ્ત થતી “નૈતિક અને આધ્યાત્મિક પૂર્ણતા” એજ આર્યશાસ્ત્રોનો સર્વોત્કૃષ્ટ આદર્શ છે. વિશ્વની સર્વ પ્રજાઓએ માન્ય કરેલું છે કે આથી ઉચ્ચતર આદર્શ બીજો કોઈ પણ હોઈ ન શકે. આ પૂર્ણતા સર્વ દેશ અને સર્વ સમયમાં એક જ હોવા છતાં જુદા જુદા દેશ કાળમાં તે જુદા જુદા પ્રકારે વર્ણવાયેલી છે. આ આત્મસાક્ષાત્કાર થયા પછી મનુષ્યમાં એક એવો અલૌકિક ભાવ અને બુદ્ધિ પ્રકટ થાય છે કે જે બીજા કોઈપણ સાધનથી પ્રકટ થાય તેમ નથી.

ઘણા શિક્ષિત પુરૂષ એમ ધારે છે કે સુધારો એટલે યાંત્રિક શક્તિઓનું દેશમાં દાખલ થવું; રેલ્વે, તાર અને એવાં અનેક સુખનાં સાધનો સ્થળે સ્થળે સ્થાપિત કરવાં; અને પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રના બળથી લોકોના ઐહિક સુખમાં વધારો કરવો. પણ સુધારો એ શબ્દનો અર્થ બહુજ ઉંડો છે. ખરો સુધારો તો એ છે કે જે મનુષ્યને જડ વસ્તુસ્થિતિઓ તરફની દોડમાંથી પાછો વાળીને ઉપર જણાવેલી સચ્ચિદાનંદમય સંપૂર્ણતાનો સાક્ષાત્કાર કરવા તરફ પ્રેરે છે; અને જીવાત્મા જે દિવ્ય શક્તિથી છૂટા પડી ગયા છે તેને તે શક્તિ તરફ જવાને દોરે છે. પરમાત્મ સાક્ષાત્કાર પણ એનું જ નામ છે. ભગવતી શ્રુતિ આ સાક્ષાત્કારને ઉદ્દેશીને કહે છે કે यल्लामात्र परोलाभो यत् सुखान्न परं सुखम् । અર્થાત્ એ લાભ કરતાં વધે તેવો કોઈ પણ લાભ નથી, અને એ સુખ કરતાં વધે એવું કોઈ સુખ નથી. મનુષ્ય જ્યારે એ અનુપમ લાભને અનુભવે છે ત્યારેજ તેનો માનવજન્મ સફળ થાય છે; અને એવા માણસને જ ખરા અર્થમાં સુધરેલો કહી શકાય તેમ છે. આવા સત્ય અને નિત્યસુખનું ભાન કરાવી મનુષ્યોને તે તરફ વાળવા એનું નામજ સત્ય સુધારણા કહી શકાય.

આવા સર્વોત્કૃષ્ટ આદર્શના આવિર્ભાવ અને વિકાસ રૂપેજ આ જીવનકથાના નાયકનું જીવન હતું. યુવાવસ્થામાંથી જ સંસારની સર્વ લાલચ અને વાસનાઓનો ત્યાગ કરી શમદમાદિ સાધનસંપન્ન થઈ બ્રહ્મનિષ્ઠ ગુરૂનાં ચરણને સેવી, અધ્યાત્મવિધાનાં ગુહ્ય તત્ત્વોને ગ્રહણ કરી, યુગને સાધી, પ્રથમ આત્માનો સાક્ષાત્કાર તેમણે કર્યો હતા; અને તે પછીજ જગતનું કલ્યાણ કરવા નીકળી પડીને તેમણે પોતાનું સઘળું જીવન, વેદાન્તનાં રહસ્ય ફેલાવવામાં અને પરોપકારનાં કાર્યો કરવામાં ગાળ્યું હતું. હિંદુધર્મના પ્રતિનિધી તરિકે અમેરિકા અને ઈંગ્લાંડાદિ પાશ્ચાત્ય પ્રદેશોમાં જઈ સનાતન આર્યધર્મનો ભગવો ઝુંડો તે પ્રદેશમાં તેમણે ફરકાવ્યો હતો. અમેરિકામાં કરેલા વેદાન્તના બોધની ફતેહથી અને પોતાના ચારિત્ર્યના દાખલાથી સમસ્ત હિંદુ પ્રજાને તેમણે દૃષ્ટાંતથી દર્શાવી આપ્યું હતુ કે વિશ્વની સઘળી પ્રજાઓમાં શ્રેષ્ઠ અને માનનીય પદવી મેળવીને તેઓના શિક્ષકો થવાને હિંદવાસીઓને પુરેપુરી તક અને સાધન છે. વેદાન્તનાં તત્ત્વોને પોતાના જીવનમાં રગે રગે તેમણે ઉતાર્યાં હતાં અને તેમનું આખું જીવન વેદાન્તમયજ બની રહ્યું હતું. ધાર્મિક શિક્ષક તરિકે તેમણે વેદાન્તનો બોધ આપી બીજા પણ અનેક પ્રયાસ કર્યા હતા. અશિક્ષિતને શિક્ષણ, નિરાધારને આધાર, ભુખ્યાને અન્ન, નગ્નને વસ્ત્ર, અનાથને મદદ, રોગીને ઔષધ, અજ્ઞાનીને જ્ઞાન, એમ અનેક પ્રકારે જનસમૂહની સેવા બજાવી, “अहं तेषु ते च मयि” એ ભગવદ્ ગીતાના મહાન સિદ્ધાંત પ્રમાણેજ તમામ જીવન ગાળ્યું હતું. એક બાજુએથી જોતાં આર્યમુનિઓની માફક તેમનું જીવન સાદુ', પવિત્ર, વૈરાગ્યશીલ અને ધ્યાનપરાયણ હતું; અને બીજી બાજુએથી જોતાં તે પાશ્ચાત્ય સાધુઓની માફક સદ્પ્રવૃત્તિમય, પરોપકારપરાયણ, સ્વદેશભક્ત અને માનવજાતિની સેવામાં પોતાનો પ્રાણ પણ અર્પવાને તૈયાર હતું.

સ્વામી વિવેકાનંદજીનું જીવન ”જુના અને નવા વિચારોના સંમેલનરૂપ હતું. જુનું અને નવું, એ બે સરિતાઓનો આશ્ચર્ય જનક સંગમ તેમના જીવનમાં બની રહ્યા હતા. કેવળ પ્રવૃત્તિ કે કેવળ નિવૃત્તિને તે ચ્હાતા નહોતા, પણ “શિવ અને સેવા” એ બંને એમનો મહાન સિદ્ધાંત હતો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આ બંનેનો સંયોગ યોજી બંને જાણે કે પોતાના જીવનરૂપી રથનાં ચક્રો હોય અને પોતે રથના સારથિ હોય, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિની બરાબર મધ્યમાં વેદવાક્ય – आत्मनोमोक्षार्थ जगद्विताय च - ને અનુસરીને તેમણે પોતાનું સમગ્ર જીવન ગાળ્યું હતું.

સ્વામીજીના જીવનમાં ઉંડા ઉતરનારને અગાધ બુદ્ધિના તર્કવિતર્ક, પવિત્ર હૃદયની શંકાઓ, અડગ શ્રદ્ધા અને અધ્યાત્મ પ્રકાશનો વિકાસ માલમ પડી આવશે. મનુષ્ય તરિકે અને વેદાન્તી તરિકે તેમણે ખરી પવિત્રતામાં રહેલું શૂરત્વ અને ખરા શૂરત્વમાં રહેલી પવિત્રતા દર્શાવી છે. ધર્મના ખરા સ્વરૂપને સમજનારની સ્વદેશ પ્રીતિ, આમ સાક્ષાત્કાર અથવા પરમ તત્વના દર્શનથી સહજેજ ઉદ્ભવતી દયાર્દ્ર વૃત્તિ, અને તે વૃત્તિથી ઉછળી રહેલી લોકકલ્યાણ કરવાની સદોદિત ભાવના તથા પ્રવૃત્તિ તેમના જીવનમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

આ જીવનકથા, સ્વામીજીના ઉચ્ચ અને ગંભીર વિચારો, ધાર્મિક લાગણીઓ અને સાધુતાના મહિમાની પોથી છે. એ પોથીનાં પાનાં ફેરવતાં તેમાં કોઈક પ્રારબ્ધવશાત્ શરીરમાં બદ્ધ થયેલા પવિત્ર આત્માનો નિજસ્વરૂપને શોધી તેમાં લીન થવાનો ભગીરથ પ્રયત્ન નજરે પડે છે; ભક્તનો ભક્તિભાવ, વેદાન્તીનો અદ્વૈતભાવ અને જીવની શિવસ્વરૂપતાનું સંમેલન તેમાં ઓતપ્રોત થઈ રહેલું ભાસે છે; મનુષ્ય સ્વભાવની સર્વોત્કૃષ્ટ દશા, ઉંડા વિચાર અને ઉચ્ચ આશયો તેમાં દૃષ્ટિગોચર થાય છે અને આત્માના પ્રદેશમાં પર્યટન કરી તે ઉચ્ચ પ્રદેશના અનુભવનું મહત્વ માનવ સમાજને સમજાવવા યત્નશીલ થયેલાં અસામાન્ય જીવનોમાંનું તે એક અસામાન્ય જીવન જણાઈ રહે છે.

સામાન્ય સ્થિતિમાં ઉદ્ભવેલું અને સંસારના મીઠા તેમજ કડવા બંને પ્રકારના સંયોગોમાં વિકાસ પામેલું તેમનું જીવન સ્નેહાળ માનવ પ્રકૃતિ અને આત્માની ઉચ્ચ ભાવનાઓના મેળાપ રૂ૫ છે. પ્રાચીન અને અર્વાચીન વિચારોનું મિશ્રણ કરી હિંદનું ભાવી કેવે માર્ગે ઘડવું તેની યુક્તિ તેમાં રહેલી છે. સંસારમાં એક નિર્લેપ પ્રવાસી તરિકે જીવન ગાળનારની તે જીવનકથા છે. પાષાણના દેવો કરતાં મનુષ્ય દેવતાઓને વધારે ભજનાર અને તેમને માટે પ્રાણને જોખમમાં નાખનાર મહાન ભક્તની તે ભક્તિ છે. ધર્મના સત્ય સ્વરૂપનો તે પાઠ છે અને ઉપદેશકોને માટે તે કર્તવ્યનો બોધ છે. સંસારના મિથ્યાપણાને સમજી તેજ સંસારની સેવા અને સદુપયોગ વડે તેની પાર પહોંચવાનો તે ઉપદેશ છે. સહનશીલતાનો તે અલૌકિક નમુનો છે. અનેક ધર્મ, અનેક પંથો, અનેક સંપ્રદાયો, અનેક આચારો અને અનેક વિચારોનું ઐક્ય દર્શાવનાર તે સર્વની મધ્યમાં પરોવાયલું સુત્ર છે. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓનો ઉપયોગ કરી જીવનને કેવી રીતે વહેવરાવવું તેનું એ શિક્ષણ છે. ધાર્મિક શિક્ષણ વગરની કેળવણીને તે ઠપકો છે. આધુનિક સમયમાં વધતા જતા મોજશોખ અને દાંભિક જીવનનો તે શત્રુ છે. કેવળ નવા વિચારને પકડી બેસનારા અશાન્ત અને અધીરા મનુષ્યોને માટે તે અંકુશ છે. સંસ્કૃત ભાષાના ઉંડા અભ્યાસનું તે પરિણામ છે. માતૃભાષાના ઉંડા અધ્યયનનું તે સુચન છે. “પ્રાચીનજ ખરું ” એમ ચૂસ્તપણે માની જડની માફક પડી રહેનારા કેવળ જુના વિચારના માણસોને માટે તે ફટકો છે.

આ પવિત્ર અને અદ્ભુત જીવનને વાંચતાં વાંચતાં મનુષ્ય સ્વાભાવિક રીતે જ આત્માના ઉચ્ચ પ્રદેશમાં ઘસડાઈ જાય છે. પવિત્ર સ્થળમાં સ્થાપિત થએલી કોઈ એક પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ કે જે સ્વાર્થત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મ વિદ્યાથી અલંકૃત થએલી છે; અને જેના ચહેરા ઉપર આત્મજ્યોતિનો પ્રકાશ સર્વદા ઝળહળી રહ્યો છે; જેની સંનિધિમાં અશુદ્ધ વિચાર એની મેળેજ નષ્ટ થઈ જઈને હૃદય સાત્વિક સ્થિતિને પ્રાપ્ત થાય છે, એવી કોઈ એક ભવ્ય મૂર્તિની આગળ જાણે કે તે જઈ ઉભો હોય એમ તેને ભાસે છે.

માનવજીવનમાં કેવી અલૌકિક શક્તિઓ રહેલી છે અને તે કેળવાય તો તેની સત્તા કેટલે સુધી પહોંચે છે; તેનો આબેહુબ ચિતાર સ્વામીજીનું જીવન પુરો પાડે છે. આર્યજીવન શું શું કરી શકે; આર્યજીવનની મહત્તા અને તેમાં રહેલી ગુહ્ય શક્તિઓ કેવી અને કેટલી છે; તેનું તે ભાન કરાવે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂઓની આવશ્યકતા, પ્રાચીન ભાવનાઓનું ગૌરવ અને માબાપની શુદ્ધ ભાવનાઓથી નીપજતાં ઉત્તમ પરિણામોનો તે સર્વોત્કૃષ્ટ ચિતાર આપે છે. હિંદના અગ્રગણ્ય પુરૂષો કેવા જ્ઞાનચરિત્રસંપન્ન જોઈએ અને તેમણે સર્વ ભાવથી સેવાધર્મમાંજ કેવું સમર્પિત થઈ રહેવું જોઈએ; તેનો તે આબેહુબ નમુનો છે. ધર્મ જ હિંદનું જીવન છે; ધર્મજ તેનું લક્ષ્ય છે; ધર્મજ તેનો હેતુ છે; ધર્મજ તેનો નેતા છે; ધર્મજ તેનું સાધન છે અને તેના કલ્યાણનો ઉપાય પણ ધર્મજ છે; એ સુત્રનો તે સંદેશો છે.

“જેણે વિષયલોલુપતાને અને લોભવૃત્તિને જીતી તેણે સર્વ જીત્યું.” એ સિદ્ધાંતની તે સિંહગર્જના છે. બ્રહ્મચર્યના પ્રભાવનો તે શ્રેષ્ઠ નમુનો છે. વિવેકયુક્ત વૈરાગ્યની તે પરાકાષ્ઠા છે. માનવસ્નેહ અને સ્વદેશ પ્રીતિનું તે ઉચ્ચતર સ્વરૂપ છે. સ્વાશ્રય અને અડગ આત્મશ્રદ્ધાનો તે ઉત્તમ દાખલો છે. નિષ્કામ કર્મની તે મૂર્તિ છે. આધ્યાત્મિક બળની તે સાબિતી છે. નિવૃત્તિ અને સદ્પ્રવૃત્તિના મેળાપનું તે સ્થાન છે. પ્રભુપરાયણતા અને સ્વાર્થત્યાગની તે અવધિ છે. જડવાદ અને ઇંદ્રિયસુખ તરફ ચેતવનારી તે દીવાદાંડી છે. અધ્યામવાદનો તે જયઘોષ છે. અહંતા અને મમતાનું તે વિરોધિ છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારનું તે મધ્યબિંદુ છે. જળમાં, સ્થળમાં, કાષ્ઠમાં કે પાષાણમાં, જીવસૃષ્ટિ કે નિર્જીવસૃષ્ટિમાં; સર્વત્ર બ્રહ્મ સ્વરૂપને અનુભવનારની તે લીલા છે. પૂર્વ અને પશ્ચિમનું તે સંમેલન છે. પ્રાચીન અને અર્વાચીન વિચારોનો તે હસ્તમેળાપ છે. પ્રાચ્ય અને પાશ્ચાત્ય વિદ્યાનો તે અપૂર્વ સંગમ છે. પવિત્રતાનું તે શિખર છે. ઉચ્ચ ભાવનાઓનું તે કેન્દ્રસ્થાન છે. શ્રેષ્ઠ સંન્યાસનો તે નમુનો છે. ભારતીય ધર્મ વિચારોનું તે ગૌરવ છે. પ્રવૃત્તિમય પાશ્ચાત્ય પ્રજાઓમાં ભારતવર્ષના નિવૃત્તિમય પરમાર્થ જ્ઞાનની ઉંડી છાપ પાડનારી તે અલૌકિક આર્ય શક્તિ છે. સનાતન ધર્મના ઉંડાણનું તે પ્રતિબિંબ છે. હિંદના ભાવી ઉત્કર્ષની તે અચળ શ્રદ્ધા અને રૂપરેખા છે. અપ્રતિમ સ્વદેશાભિમાનની તે ખરી દિશા છે. સર્વ સામાન્ય તત્ત્વો શીખવનારો તે ગુરૂ છે. હિંદની કેળવણીનું તે સુચન છે. સત્ય સુધારણાનો તે માર્ગ છે અને શુદ્ધ આર્યજીવનનો તે પ્રાદુર્ભાવ છે. સત્ય સનાતન ધર્મનો તે વિકાસ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મનો તે યોગ છે. વેદાન્તની વ્યાવહારિકતાનો તે પુરાવો છે. અદ્વૈતવાદની તે વિજયપતાકા છે. ઋષિમુનિના સિદ્ધાંતના પશ્ચિમમાં દિગવિજય છે. जगदेव हरिः हरिरेव जगत् એ મહા સત્યનું તે અનુસરણ છે. शिव અને जीवની તે એકતા છે. લોકસેવા માટે જન્મ લેનાર યોગી પુરૂષનું તે નિષ્કામ કર્મ છે. આધ્યાત્મિક બળનું તે વીરત્વ છે. ગીતામાં વર્ણવેલો તે કર્મયોગ છે. ઉપનિષદોના સિદ્ધાંતોનું તે રહસ્ય છે.

આ મહાન સાધુએ ભારતવર્ષની ઉન્નતિનો માર્ગ આંક્યો છે. સ્વદેશ ભક્તે કઈ દિશાએ જવું તે દર્શાવ્યું છે. ભારતવર્ષનો આત્મા કયાં રહેલો છે તે જણાવ્યું છે. હિંદની જીવન સરિતા ક્યાં વહે છે અને તેને ક્યાં વહેવરાવવી તેનો નિશ્ચય કર્યો છે. વેદાન્તરૂપી પિઠિકા ઉપરજ પૂર્વ અને પશ્ચિમના હસ્ત મેળાપ થઈ શકશે અને ભારતવર્ષ સમસ્ત જગતના ગુરૂ તરિકે લેખાશે; તે ગુરૂપદ અનેકકાળ તે ભોગવશે અને તેનું ગૌરવ વધશે; એમ આ દીર્ઘદર્શી મહાત્માનું નિશ્ચય માનવું હતું અને તેજ નિશ્ચય પ્રમાણે તેમનું વર્તન હતું. પ્રાચીનકાળથી દરેક પ્રજાએ અમુક તત્ત્વને જીવનના બંધારણ રૂપે ગ્રહ્યું છે. અંગ્રેજોએ રાજ્યનીતિ, ફ્રેંચ પ્રજાએ સમાજ સુધારણા અને અમેરિકનોએ સ્વતંત્ર વિચાર અને સત્ય પ્રિયતાને જીવનના સુત્રરૂપે સ્વીકાર્યા છે; પરંતુ આર્યપ્રજાએ તો ધાર્મિકતાનેજ પ્રથમથી જીવનના સુત્રરૂપ ગણી છે. જે દેશનું જે જીવન સુત્ર હોય તેમાંજ તેના જીવનને વહેવરાવવામાં આવે તોજ તેની ઉન્નતિ થાય છે. તે જીવન સુત્રનો વિકાસ કરો એટલે પ્રજા પણ વિકાસને પામશે અને તેનો ક્ષય કરો એટલે પ્રજા પણ ક્ષય પામશે; એ સિદ્ધાંત આ મહા જીવને સર્વને આપેલો મહામંત્ર છે.

આર્ય ઋષિમુનિઓના સિદ્ધાંતોમાં સ્વામીજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી. જે પ્રજામાં આ ધાર્મિક ખજાનો છે; તે પ્રજાનો ઉદયજ થશે એવી તેમની દૃઢ માન્યતા હતી. વહેમ, કુરિવાજ અને મિથ્યા બંધનોથીજ આર્યધર્મનું ખરૂ સ્વરૂપ હણાયું છે એમ તેમના પોકાર હતો. જગતના મહાન પુરૂષો અને ઉદારાત્માઓ ધાર્મિક જ હોય છે; ખરા ધાર્મિક પુરૂષનું હૈયું, આધ્યાત્મિક બળ, वसुधैव कुटुंबकम् એ તત્વને અનુસરનારી સમદર્શિતા અને અખિલ વિશ્વનું કલ્યાણ કરવાની શક્તિ એ સર્વ અનુપમજ હોય છે, એમ તેમનું જીવન સુચવી રહ્યું હતું.

આપણો વેશ ગયો; આપણો વ્યાપાર ગયા; આપણી રૂઢિ ગઈ; આપણા રિવાજ ગયાઃ આચાર ફેરવાયા: વિચાર બદલાયા: ચારિત્ર ઘસાયું; શારીરિક બળ હણાયું; આર્યજીવન નાશ પામ્યું; આર્યવિદ્યાને તિલાંજલી મળી; આર્યધર્મ નષ્ટ થવા બેઠો; પાદરીઓનો બોધ અંતરમાં પેઠો; અને પાશ્ચાત્ય પ્રજાની દૃષ્ટિએ આપણે માલ વગરના તથા પાતાલવાસીઓને મન અભણ અને જંગલી જણાયા. આવી અધમ દશાના સમયમાં અગાધ ધૈર્ય ધરી અદ્વૈતનો ભગવો ઝૂડો હાથમાં ગ્રહી સ્વામીજીએ આ દેશમાં કાશ્મીરથી તે કન્યાકુમારી સુધી અને વળી પરદેશોમાં પણ સૌના મનમાં ઠસાવ્યું છે કે - હિંદનું સ્થૂલ શરીર ગમે તેવી સ્થિતિમાં હોય; તેનાં શહેરો ગમે તેવાં મૂર્ખ અને લૂંટણીયાં બની ગયાં હોય; પણ તેનો અંતરાત્મા કે જે ગામો અને ઝુંપડાંઓમાં વસી રહેલો છે તે હજી મરી નહિ જતાં હયાતજ રહેલો છે. હિંદની એકતાના મૂળ સ્વરૂપે ધાર્મિકતા હજી પણ આખા ભારતવર્ષમાં ગામે ગામ અને ઝુંપડે ઝુંપડે વ્યાપી રહેલી છે. પરદેશીઓના અનેક હુમલાઓ છતાં તે નષ્ટ થઈ નથી અને નષ્ટ થવાની પણ નથી. આખા જગતને તેનાં સર્વ સામાન્ય તત્વોમાં તે ડૂબાડશે અને એ વડે તે સમસ્ત જગતનું ગુરૂપદ હાથ ધરશે. આ પ્રમાણે પાશ્ચાત્ય પ્રજાઓ કે જેના રસાયણીક જ્ઞાનથી અખિલ વિશ્વ મોહિત થએલું છે; જેમની વિદ્યાના પ્રભાવે આખા જગતને ચકિત કરી મૂક્યું છે, જેમની બુદ્ધિએ પાંચ તત્વોને પણ દાસત્વ સ્વીકારાવ્યું છે; તે મહા પ્રજાઓના મનમાં હિંદની શ્રેષ્ઠતા અને ભારતવાસીઓની મહત્તા ઠસાવવી અને હિંદુ જીવનજ ખરું જીવન છે, ઐહિક સુખ તુચ્છ છે, એમ નિશ્ચય કરાવીને અનેક પાશ્ચાત્યોને વેદાન્તમય જીવન સ્વીકારાવવું; એજ તેમની અદ્દભુત બુદ્ધિનું ગૈારવ છે. એજ તેમના સમસ્ત જીવનની બલિહારી છે. આધુનિક સમયમાં હજારો પરદેશીઓ વેદાન્ત ધર્મ પાળે છે અને કેટલાક તો સ્વદેશ છોડી હિંદમાં આવી વેદાન્તમય જીવન ગાળે છે; એ સર્વે આ સાધુ જીવનનોજ પ્રતાપ છે.

સ્વામીજીના ઉત્કૃષ્ટ જીવનની અસર સમસ્ત હિંદુ પ્રજા ઉપર થએલી છે. જુના વિચારના લોકોએ તેમજ સુધારકોએ તેમના ગંભીર અને સર્વ સામાન્ય વિચારોને વધાવી લીધા છે; તેમના ચારિત્ર્યથી અને બોધથી નાસ્તિકો આસ્તિક થયા છે; ઘણાનાં જીવનમાં નવો રસ રેડાયો છે; ઘણાને પ્રોત્સાહન મળ્યું છે; ઘણાના જીવનપથ બદલાયા છે; અને અનેક વિપથગામીઓ સુમાર્ગે પ્રવર્ત્યા છે. કોઈ વ્યક્તિને કે કોઈ ધર્મને, કોઈ સમાજને કે કોઈ મંડળને તેમણે કદી નિંદ્યું નથી. ક્રીશ્ચિયનોને તે ક્રાઇસ્ટના અનુયાયી જણાતા; બૌદ્ધોને તે બૌદ્ધ દેખાતા; બ્રહ્મસમાજીઓને તે બ્રહ્મસમાજી દીસતા; આર્ય સમાજીઓને મન આર્ય જણાતા અને મૂર્તિપૂજકોને મન તે મૂર્તિપૂજક હતા. ભક્તને તેમનું ભક્ત હૃદય પ્રેમમાં ડૂબાડતું અને જ્ઞાનીને તે અદ્વૈતવાદના નેતા સમજાતા. રોમેશચંદ્ર દત્ત જેવા રાજ્યદ્વારી પુરૂષો તેમને ધાર્મિક સત્યોના શિક્ષક તરિકે માનતા. જગદીશચંદ્ર બોઝ જેવા જગવિખ્યાત રસાયણશાસ્ત્રી અને આનંદ મોહન બોઝ જેવા પવિત્ર બ્રહ્મસમાજીઓ તેમની ઉચ્ચ ભાવનાઓના વાતાવરણમાં સમય ગાળવાનું મહાભાગ્ય સમજી તેમના અદ્વૈત આશ્રમમાં અનેક માસ પર્યંત રહેતા. ઇંગ્લાંડના રસાયણશાસ્ત્રીઓ તેમનો બોધ ઉલ્લાસથી ગ્રહણ કરતા. મેક્સમુલર અને ડ્યુસન જેવા યુરોપીય વિદ્વાનો તેમની મુલાકાતને યાત્રા સમાન ગણતા. સિસ્ટર નિવેદિતા (મિસ માર્ગરેટ નોબલ), જે ઈંગ્લાંડમાં શિક્ષણકળામાં ઘણાંજ નિપુણ (Great Educationist) ગણાતાં હતાં તેમણે તેમને ગુરૂ તરિકે સ્વીકારવામાં પોતાની જાતને ભાગ્યશાળી માની હતી. આમ પાશ્ચાત્ય વિચારના પ્રવાહને તેમણે અન્ય દિશામાં વહેવરાવ્યો છે. ધાર્મિક હૃદયો અને નિવૃત્તિ માર્ગગામીઓના હૃદયમાં તેમણે સ્વદેશ પ્રીતિનો રસ રેડ્યો છે, આર્યાવર્તને તે પુણ્યભૂમિ કહેતા આર્યાવર્તની માટી પણ તેમને પવિત્ર લાગતી. તેમને મન હિંદની સાદી ગલીઓ પશ્ચિમનાં ભપકાદાર શહેરો કરતાં પણ વધારે પ્રિય હતી, તેમની સમીપમાં પવિત્ર ભારતવર્ષના નામનું કોઈ માત્ર ઉચ્ચારણ કરે તોપણ તેમનું વદન એકદમ મલકાઈ જતું અને તેમની ભવ્ય મુખમુદ્રા ઉપર અલૌકિક આનંદ છવાઈ ચ્હેરો વધારે તેજસ્વી દેખાતો. માતૃભૂમિ પ્રત્યે તેમનું હૃદય આટલું બધું પ્રેમાળ છતાં પણ “હાલમાં ભારતવાસીઓ પોતાનો માર્ગ ભૂલ્યા છે, આદર્શ ચુક્યા છે, ચારિત્રને ખોયું છે અને બાપદાદાની મોટાઈની મિથ્યા બડાશો મારે છે” એમ તેમણે તેમને ધમકાવવામાં જરાએ કસર રાખી નથી. કૂવામાંના દેડકાની રીત મૂકી દઈને બહાર નિકળો અને દુનિયા કેટલી છે, કેવી છે અને કેમ ચાલે છે તે જુઓ; આ વાત તેમણે તેમના મનમાં ખુબ ઠસાવી છે.

વેદાન્ત ધર્મપર પડેલી ધૂળ ઉડાવી દઇને તેના પર તેમણે નવો પ્રકાશ પાડ્યો છે. સંન્યાસીઓને તેમણે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સંયોગ કેમ કરવો તે પોતાના જીવનના દૃષ્ટાંતથી સમજાવ્યું છે. સામાન્ય જગતે તેમને એક ઘણા બુદ્ધિશાળી પુરૂષ, મહાન પંડિત, શ્રેષ્ઠવક્તા અને ઉંચી પંક્તિના સ્વદેશભક્ત તરિકે પૂજ્યા છે. તેમનું ચારિત્ર આથી પણ અધિક અનિર્વચનીય હતું. અનેકને તે અનેક રૂપે ભાસતું. અનેક વિચારોનું તે કેન્દ્રસ્થાન હતું. અનેક વૃત્તિઓના આવેશમાં તે આવતું. અનેક સવાલોમાં તે સહજ પ્રવેશ કરતું અને જે સવાલને તે હાથમાં ધરતું તેનેજ તે સર્વોત્કૃષ્ટ મનાવતું. આથી જે માણસોએ એમને જેવી વૃત્તિમાં જોયા છે તેવીજ વૃત્તિમાં તેમને વર્ણવ્યા છે.

સ્વામી વિવેકાનંદનું ચરિત્ર જનસમાજ આગળ મૂકવું તે સમસ્ત ભારતવર્ષનું આધ્યાત્મિક જીવન, તેની પરિસ્થિતિ, તેના હેતુઓ, આશયો, લાગણીઓ, તેના વિકાસ અને તેની ભાવી આશાઓનું વિસ્તારથી વર્ણન આપવા બરાબર છે. તેનાં મૂળ, મધ્ય અને ભાવી દર્શાવવા જેવું એ કઠિન કામ છે. માનવ બુદ્ધિના સાચા સંશયો, ઈશ્વરમાં નિઃસીમ શ્રદ્ધા, ધાર્મિક જીવનનો સંપૂર્ણ વિકાસ, ચિતશુદ્ધિનું ધૈર્ય અને બળ, સ્વધર્મની ઉંડી સમજ અને તેથી નિપજતું સ્વદેશાભિમાન,અનેકમાં એકતાનું દર્શન, વગેરે વગેરે મહાન ગુણો અને સિદ્ધાંતોનો ક્રમશઃ ઉદ્ભવ, ઉદય અને વિકાસ વર્ણવવા જેવો તે મહાન પ્રયાસ છે.

ભારતવર્ષમાં પુણ્યાત્માઓનાં પુણ્યવચનો અનાદિ કાળથી ચાલતાં આવે છે; પરંતુ માત્ર સંસ્કારી પુરૂષોજ તેમનું શ્રવણ કરે છે અને તેને લક્ષ્યમાં લે છે. અધ્યાત્મ તત્વ પરમ ગુહ્ય હોઈને તે મન ઇંદ્રિયથી અગોચર છે, જે મનુષ્ય અવિદ્યાનું સર્વવ્યાપી આવરણ તોડી આત્મદર્શન કરી અન્યને કરાવી શકે, તે કેટલો ઉચ્ચ કોટિનો કહેવાય ! જે ભૂમિમાં તે અવતરે છે અને જે સમયમાં તે જન્મે છે, તે ભૂમિ અને તે સમયને ધન્ય છે ! તેના પારમાર્થિક જીવનના અભ્યાસ વડે અભ્યાસીના અંતરમાં રહેલો મોહ નષ્ટ થઇને યથાર્થ વસ્તુ દૃષ્ટિએ પડે છે. અનેક જીવોના હૃદયમાં ઉચ્ચ સંસ્કાર જાગૃત થઈને તેમનું જીવન ઉચ્ચગામી બને છે.

સ્વામી વિવેકાનંદજીના દેહાવસાન પછી તેમના અસંખ્ય મિત્રો, સ્નેહીઓ અને અનુયાયીઓ તરફથી એવી ઇચ્છા દર્શાવવામાં આવતી હતી કે તેમની જીવનકથા જનસમૂહની આગળ મૂકાય તો તે બહુ લાભદાયી નિવડે. પણ સ્વામી વિવેકાનંદ, જેમના વિષે પૌર્વાત્યો તેમજ પાશ્ચાત્ય અતિ પ્રશંસાયુક્ત વચન ઉચ્ચાર્યા કરતા હતા, તેમના ચારિત્ર્યને યોગ્ય ન્યાય આપી તેમની જીવનકથા લખવાનું કાર્ય ઘણું જ કઠિન હતું. કોઈ તેમને જુના વિચારના હિંદુ ધારતા તો કોઈ ખરેખરા સુધારક માનતા; કોઈ તેમને દેશોદ્ધારક તરિકે ગણતા તો કોઈ ધાર્મિક પરિવર્તનકાર તરિકે લેખતા. આમ એ મહાન વ્યક્તિના ચારિત્ર્ય તરફ સર્વ કોઈ આશ્ચર્યથી જ જોઈ રહેતું. જેમ જેમ વધારે આશ્ચર્યથી તેનું નિરીક્ષણ કરવામાં આવતું તેમ તેમ તેમની ઉંડી જીવનકથા જાણવાની લોકોની જીજ્ઞાસા વધારે ને વધારે વૃદ્ધિને પામતી. સર્વ કોઈ આશ્ચર્યથી પૂછતું કે “આવા અનુપમ સ્વાર્થ ત્યાગ, વૈરાગ્ય અને સ્વદેશાભિમાનવાળી આ વ્યક્તિ કોણ હશે ? પોતાના અગાધ જ્ઞાન વડે પાશ્ચાત્યોને પણ હંફાવનાર આ દૈવી પુરૂષ કોણ હશે?”

આથી કરીને સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અંગ્રેજીમાં બહાર પાડવું એમ આ લેખકની ઈચ્છા થઈ. કાર્ય કઠિન છતાં સ્વામીજી તરફના ભક્તિભાવને લઈને તે આરંભાયું અને પ્રભુકૃપાથી તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અંગ્રેજીમાં બહાર પાડવામાં આવ્યું. ત્યારપછી કેટલેક વર્ષે સ્વામીજીના પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય ભક્તોએ તેમનું

વિસ્તૃત જીવનચરિત્ર હિમાલયમાં આવેલા અદ્વૈત આશ્રમમાંથી બહાર પાડ્યું. ગુર્જર પ્રજાને પણ તેમના વિસ્તૃત ચરિત્રનો લાભ આપવો એમ આ લેખકનો નિશ્ચય થવાથી ગુર્જરગિરામાં જીવનકથા લખવાનું કાર્ય આરંભાયું. સ્વામીજીના સિદ્ધાંતો સર્વ કોઈ તેમનાં ભાષણો દ્ધારા વાંચે છે પણ તેમના વિષે ગેરસમજુતી ઘણી વખત થાય છે એમ જાણી તેમના સિદ્ધાંતનું રહસ્ય તેમના જીવનના પ્રસંગોથી સ્પષ્ટ કરવાની આવશ્યકતા લેખકના ધ્યાનમાં હતી. આથી કરીને તેમની જીવનકથાનું રહસ્ય જનસમૂહથી સમજાય અને તેના ભાવ હૃદયમાં ઉતારાય એ હેતુ લક્ષમાં રાખીને આ પુસ્તકમાં દરેક બનાવ સરળ ભાષામાં વર્ણવવામાં આવ્યો છે અને બને તેટલા અધ્યયન અને મનનપૂર્વકજ આ જીવનકથામાંના પ્રસંગો અને બીજી હકીકતો આલેખવા યત્ન કર્યો છે.”

આ પુસ્તક કોઈપણ ગ્રંથનું સીધેસીધું ભાષાંતર નથી, પણ તે અનેક ગ્રંથોને આધારે એક મૂળ પુસ્તક તરિકેજ લખવામાં આવેલું છે.

આ કાર્ય હાથમાં ધર્યા પછી તેની પ્રસિદ્ધિ માટે “સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય”ના મંત્રી સ્વામી શ્રીઅખંડાનંદજીને પ્રાર્થના કરવામાં આવી અને તેમણે તેનો સ્વીકાર કર્યો, તેથી લેખક તેમનો આ સ્થળે આભાર માને છે. વળી અદ્વૈત આશ્રમ(હિમાલય)માંથી પ્રસિદ્ધ થયેલા અંગ્રેજી જીવનચરિત્રમાંથી કેટલાક બનાવો આ પુસ્તકમાં ભાવાર્થરૂપે લેવાને અદ્વૈત આશ્રમના પ્રમુખને અરજ કરતાં તેમણે કૃપા કરી તે પ્રમાણે કરવાની પરવાનગી તારીખ ૨૧-૮-૧૯૧૬ના પત્રથી આપેલી છે, તેથી તેમનો પણ અત્રે ઉપકાર માનવામાં આવે છે.

આ પુસ્તક રચવામાં લેખકે નીચેનાં અંગ્રેજી પુસ્તકોનો મુખ્ય આધાર લીધેલો છે.

Life of Swami Vivekanand, by his Eastern
and Western disciples (Advaita Ashrama Himalayas ). Parts I, II, III, IV.
The Master as I saw him, by Sister Nivedita.
Several numbers of Prabuddha Bharata.
Several numbers of Brahmavadin.
Several numbers of Vedanta Kesari.
A real Mahatma by Man Muller.
Ramakrishna Paramahansa by P. C. Majmundar.
Some articles of Modern Review, Indian Review, The Times of India, The Bengali, The Indian Mirror and the Gujarati.

આ મહાપુરૂષનું જીવનચરિત્ર વાંચકવર્ગમાંના થોડાકોને પણ ઉચ્ચ જ્ઞાનચારિત્ર તરફ દોરવનારૂં થશે તો લેખક પોતાના શ્રમ સફળ થએલો ગણશે.


રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ