લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/સંપાદકનું નિવેદન

વિકિસ્રોતમાંથી
સ્વામી વિવેકાનંદ
સંપાદકનું નિવેદન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
લેખકનો ઉપોદ્ઘાત →


સંપાદકનું નિવેદન.

येन केन प्रकारेण यस्य कस्यापि देहिनः।
संतोषं जनयेद् राम तदेवेश्वर पूजनम् ॥

પરોપકારનો મહિમા સમજાવતાં ઉપલા શ્લોકમાં મહર્ષિ વસિષ્ઠ કહે છે કે, “હે રામ ! હરકોઈ પ્રકારે કોઈ પણ પ્રાણીને સુખી કરવું તેજ ઇશ્વરની પૂજા છે.” જીવોને સુખી કરવારૂપ આ પ્રભુપૂજાના અનેક પ્રકાર છે; પરંતુ સદાને માટે સર્વોત્તમ સુખરૂપ એવું જે મોક્ષપદ કે જેના કરતાં ઉત્તમ વસ્તુ અથવા લાભ બીજો કોઈ પણ કલ્પી શકાય તેમ નથી; જેના આગળ જગતની ઉત્તમોત્તમ વસ્તુસ્થિતિઓ પણ બિશાતમાં નથી; તેવી આત્મ વસ્તુનો લાભ પ્રાણીઓને કરાવવો અથવા તેમને તે લાભને માર્ગે દોરવા; એના જેવી જનસેવા, પ્રભુપૂજા કે ભૂત દયા આ જગતમાં બીજી કોઈ પણ નથી. બ્રહ્મદાન અથવા આત્મદાન રૂપ આ જનસેવા કે પ્રભુપૂજાનો મહિમા આટલો બધો હોવા છતાં બીજા પ્રકારનાં દાન પૂજનની પેઠે આ દાનપૂજન પણ તેજ મનુષ્ય ખરા અર્થ માં કરી શકે છે કે જે તે બ્રહ્મ વસ્તુ અથવા આત્મધનને મેળવીને પૂર્ણ કામ થઈ ચૂક્યો હોય. જે પોતેજ તરી ન શકતો હોય તે બીજાને ક્યાંથી તારી શકે ?

આવા અનુભવસિદ્ધ બ્રહ્મવેત્તાઓ જગતમાં વિરલજ હોય છે; તો પણ પરમપૂજ્ય ઋષિમુનિઓની પદરજ ધરાવનાર રત્નપ્રસૂતા ભારતભૂમિમાં અન્ય દેશ કરતાં એવા મુક્તાત્માઓનું પ્રમાણ વધારેજ રહેતું આવ્યું છે.

આપણા ચરિત્ર નાયક સ્વામી વિવેકાનંદજી તેમજ તેમના ગુરૂદેવ ભગવાન રામકૃષ્ણ પરમહંસ પણ એવા બ્રહ્મવેત્તાઓજ હતા. એવા બ્રહ્મવેત્તાઓના મહત્વ વિષે અત્રે ટુંકમાં કેટલુંક જણાવીશું.

દરેક મનુષ્ય-પછી તે પામર કોટીનો હોય કે મુક્ત કોટીનો હોય; પરંતુ તે જે કાંઈ વિચાર, નિર્ણય, ઇચ્છા, ક્રિયા વગેરે કરે છે; અને તેનાં જે કાંઈ શુભાશુભ ફળ ભોગવે છે; તે સઘળું ખરું જોતાં તેની ત્રિગુણાત્મક પ્રકૃતિ યાને દેહત્રયી વડેજ થાય છે. આત્મા તો આ દેહત્રયીરૂપી નાટકશાળામાં મન-ઇંદ્રિયાદિ પુતળાંઓ વડે નચાઇ રહેલા અનેક પ્રકારના નાચને પ્રકાશનારો દીપકજ છે.

મુક્તાત્માઓએ જીજ્ઞાસુ દશામાંથીજ ઉપલું સત્ય સમજી લઈને પોતાનાં મન ઈંદ્રિયાદિની અસાર વસ્તુસ્થિતિઓ તરફની દોડને સારભૂત આત્મવસ્તુ તરફ વાળી દીધેલી હોય છે, અને તેના સતત્ સદુપયોગ વડે કારણ શરીરરૂપી અજ્ઞાનમય કિલ્લાને ભેદીને તે સચ્ચિદાનંદમય સ્વરાજ્ય પદને પ્રાપ્ત કરેલું હોય છે. આમ હોવાથી પ્રકૃતિના ગુણો વડે ગુણોમાંજ ચાલી રહેલા કર્તા ભોક્તાપણાને આત્માનુભવી જીવન મુક્ત પોતામાં આરોપતો નથી; અને અન્યજીવોનું તે અજ્ઞાનમય કારણ શરીર કાયમ રહેલું હોવાથી તેઓ પોત પોતાની સ્થૂલ સૂક્ષ્મ શરીરરૂપી અનાત્મ પ્રકૃતિમાં તેમજ તેના તમામ કર્ત્તા ભોક્તાપણામાં આત્મભાવ (અહંતા મમતા) રાખ્યા કરે છે.

તે પરમપદની અપેક્ષાએ અસત્ય, જડ અને દુ:ખરૂપ એવા આ જગતમાં ઉપર જણાવ્યા જેવા આત્માનુભવીની બુદ્ધિને કાંઈ પણ કર્તવ્ય પ્રાપ્તવ્ય કે અધુરાપણું રહેતું નથી. મૂળમાંથી કપાઈ ગએલા વૃક્ષમાં કપાવા પૂર્વે જે રસકસ ચઢી ચૂક્યો હોય છે; તેને લીધે કપાઈ જવા પછી પણ તેનાં પત્ર, ફળ, વગેરે થોડો ઘણો સમય જેવોને તેવોજ ઉપયોગ આપે છે; અથવા તો યુદ્ધમાં પ્રવૃત્ત થએલા શૂર પુરૂષનું માથું કપાઈ જવા પછી પણ જેમ કેટલોક સમય તેનું ધડ લડ્યા કરે છે; તેમ એવા આત્મજ્ઞાનીના શરીરનું પણ બને છે. તેની શરીરત્રયીના મૂળ કારણરૂપ કારણ શરીર છેદાઈ જઈને અનાત્મામાંથી આત્મબુદ્ધિ ઉઠી જવા છતાં પણ, પૂર્વનાં અજ્ઞ દશા સમયનાં વિશેષ ફલોન્મુખ થએલાં જે કર્મ-ઈચ્છા વગેરે પ્રારબ્ધોએ તેને વર્તમાન શરીરાદિ પ્રાપ્ત કરાવી આપ્યું હોય છે, તે પ્રારબ્ધનો વેગ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તેનાં સ્થૂલ અને સૂક્ષ્મ શરીર પણ જીવતાં રહે છે. આત્મામાંજ આત્મબુદ્ધિ જ્ઞાનીની થએલી હોય છે તો પણ સ્વેરછા, પરેચ્છા કે અનિચ્છાપૂર્વક એ શરીરોને પોતાના પ્રારબ્ધ પ્રમાણે સર્વ કાંઈ કરવું અને ભોગવવુંજ પડે છે.+ []

મુક્તાત્માએ ક્ષણ માત્રને માટે પણ મેળવેલો આત્મમયતાના અનુભવ એટલો તો અદ્ભુત, અવર્ણનીય અને અનુપમ હોય છે કે જેથી કરીને તેવી આત્મમયતા બને તેટલી વધુ ભોગવવામાંજ સ્વપ્રકૃતિનું તેમજ અન્ય જનોનું સુખ અને હિત વધુ રહેલું તે સ્પષ્ટ સમજી શકે છે. તેથી કરીને તે વિપરીત પ્રારબ્ધ વેગને પણ બને તેટલા ઓછા ને આછા કરવા મથીને તે સ્વારાજ્ય પદમાંજ જેટલું પણ બને તેટલું અધિષ્ઠિત થઈ રહેવાનું તથા તેમ થવામાં જે જે સાધન-સંયોગો સહાયભૂત થાય તેવાં હોય તેને સેવવાનું જ તેને વધારે ગમે છે,

ઉપર પ્રમાણે હોવાથીજ અનેક મુકતાત્માઓ બને ત્યાં સુધી એકાંત, મૌન, અપરિચય, અપ્રસિધ્ધિ વગેરે સ્થિતિઓને તેમજ બાલ, જડ, ઉન્મત્ત, પિશાચ વગેરેના જેવી વિલક્ષણ વૃત્તિઓને સેવવાનું વધારે સારું ગણે છે. નિવૃત્તિ પ્રધાન પ્રારબ્ધવાળા મુક્તામાઓ એવા સાધન સંયોગને અને એવી સ્થિતિ અને વૃત્તિને વધારે સેવી શકતા હોવાથી જીવન મુક્તિના વિલક્ષણ સુખને પણ તેઓ વધારેજ માણી શકે છે. પ્રવૃત્તિના પ્રારબ્ધી મુક્તાત્માઓની પણ સમજણ અને રૂચી તો એવીજ હોય છે; પરંતુ પ્રારબ્ધની વિપરીતતા અનેક પ્રકારે બાધક થઈને તેમને એવાં સાધન-સેવનાદિ યથેચ્છ કરવા દેતી નથી, અને તેથી જીવન મુક્તિના વિલક્ષણ આનંદને પણ તેઓ ઓછો અથવા સામાન્યજ ઉપભોગ લઈ શકે છે.

કહેવાની મતલબ એજ કે સર્વે મુક્તાત્માઓની વિદેહમુક્તિ તો સમાનજ હોઈને આત્મસાક્ષાત્કારના સમયથીજ તે નિર્માઈ ચૂકી હોય છે. ફેર માત્ર તેમની જીવનમુક્તિમાંજ રહે છે. ઉપર જણાવ્યું તેમ તેમની પ્રવૃત્તિ પરાયણતા, નિવૃત્તિ પરાયણતા અને જીવનમુક્તિના વિલક્ષણ આનંદની ન્યુનાધિકતાનો સઘળો આધાર તે તે વ્યક્તિઓના પોતપોતાના પ્રારબ્ધપરજ રહેલો હોય છે; અને દૃઢ પ્રારબ્ધ તો અનિવાર્ય જ હોય છે; એટલે જીવનમુક્ત પુરૂષો પોતાનું શેષ આયુષ્ય તથા પ્રારબ્ધ પ્રવૃત્તિ પ્રધાન કે નિવૃત્તિ પ્રધાન ગળાતું હોય તેને માટે એમજ રાખે છે કે, “યું ભી વાહવાહ ઔર વું ભી વાહ વાહ.” જીજ્ઞાસુ દશાની આત્મા અનાત્માના વિવેકવાળી ભેદ બુદ્ધિ અને તેના પરિણામ રૂપે ઉદ્ભવેલી તીવ્ર આગ્રહવાળી ત્યાગગ્રહણની વૃત્તિ તથા કર્તવ્ય પ્રાપ્તવ્ય બુદ્ધિ; એ સર્વ પણ મુક્તાત્મામાં શાંત થઈ જઇને તેનું સ્થાન સમભાવે તથા કૃતકૃત્યતાજન્ય અનાગ્રહ વૃત્તિએ લીધેલું હોય છે. આથીજ ઘણાખરા મુક્તાત્માઓ જીજ્ઞાસુઓના જેવા આગ્રહી, ઉપરામ, કે સાધન પરાયણ હોતા નથી; અને કેટલાક તો લૌકિક બાહ્યાચાર વગેરેથી પણ બે પરવાહ બની રહે છે.

આ પ્રમાણે યથાપ્રારબ્ધ પ્રવૃત્તિ કે નિવૃત્તિને અને સુખ દુઃખને ભોગવી રહેલા જીવનમુક્તોના કરવા ભોગવવામાં; અને અન્ય (અનાત્મામાં આત્મબુધ્ધિવાળા) સામાન્ય મનુષ્યોના કરવા ભોગવવામાં ફેર આસમાન અને જમીનના જેટલો હોય છે. અનેક પ્રકારની બાહ્ય સંપત્તિઓના ઢગ વચ્ચે રહ્યા કરનાર ચક્રવર્તિ કરતાં પણ એક નગ્ન અથવા તો દુઃખમાં સબડી રહેલો જીવનમુક્ત*[]પોતાની જાતને વ્યાજબી રીતે અનંતગણી ભાગ્યશાળી માને છે. કારણ કે તેનું વર્તમાન શરીર હવે છેલ્લીવારનું જ હોઈને તે છુટી ગયેથી (છેવટનો શાન્ત થએલો તરંગ જેમ સદાને માટે સમુદ્રજ બની રહે છે તેમ) સદાને માટે તે સચ્ચિદાનંદજ બની રહેનાર છે; ત્યારે અનાત્માસક્ત સમ્રાટને તો હજી આ ભવચક્રમાં ભટક્યા કરી અનંતવાર મરવા-જન્મવાનું અને કરવા-ભોગવવાનું રહેલું હોય છે. આખા સંસારની સ્થૂલ સત્તા–સંપત્તિ ચરણમાં લોટવા છતાં પણ તેને કોઈને કોઈ પ્રકારની ઉંડી ઉંણપ અને કર્તવ્ય પ્રાપ્તવ્યતા રહેવાનીજ.

આટલા માટેજ અનાત્મ પ્રેમીઓને ઋષિમુનીઓ બૂલંદ અવાજે કહી રહ્યા છે કેઃ- “उत्तिश्ठ जागृत पाप्य वरान्निबोधतः।” અર્થાત્ હે અહંતા મમતાનાં મિથ્યા સ્વપ્નોમાં પડી તેની મિથ્યા વસ્તુસ્થિતિઓના રાગ દ્વેષથી દુઃખી થઈ રહેલા પ્રાણી ! ઉઠ, જાગ્રત થા અને તે સર્વશ્રેષ્ઠ વસ્તુસ્થિતિ પ્રાપ્ત થતાં સુધી તેને માટે પ્રયત્ન કર.

આત્માનુભવીની અને અનાત્મ પ્રેમીની લોકસેવામાં પણ મોટો ફરક હોય છે. આત્મપરાયણ વ્યવહાર કરતો થકો પણ પોતાના મૂગા જ્ઞાનચારિત્ર વડે પોતાની આસપાસનાઓમાં ઉચ્ચ જ્ઞાન ચારિત્રને શીખવી રહ્યો હોય છે, ત્યારે અનાત્મ પ્રેમી દેવદર્શન કે દાન પૂજન કરતો થકો પણ પોતાની આસપાસનાઓમાં (કેમકે આસપાસના મનુષ્યો તેના હેતુ, આસક્તિ વગેરેથી વધારે પરિચિત હોય છે અને મોટા કરે તેને સારૂં ગણી તેનું અનુકરણ કરવાનો માનવ સ્વભાવ તો પ્રસિદ્ધજ છે) લોભ લાલચ તથા પ્રપંચ પાખંડજ શીખવી રહ્યો હોય છે.

ખેડુતોનું ખોસવીને ગબ્બર બનવા માગતો ગરિબ વણીક પણ ભાત ભાતનાં જે ભભકાદાર કપડાં, રમકડાં, વગેરેમાં લોકોને ફસાવી પૈસાનું પાણી કરાવી રહ્યો હોય છે; તેમાં તે “ગામડીયાઓને ગામડામાં ન મળતી વસ્તુઓ મહા મહેનતે પુરી પાડવા” ની જનસેવાજ બજાવી રહેલો પોતાને ગણાવે છે. દર મહિને એકનો સવા લેનાર કાબુલી કે મારવાડી પણ પૈસા ધીરીને સામાનું કામ કહાડી આપવારૂપ સેવાજ કરતો પોતાને સમજાવે છે. સેંકડે સો બસો ટકા સુધી નફો ગટગટાવી જનાર મીલવાળો પણ લોકોને વિલાયતી માલમાંથી બચાવવાની શેખાઈમાં સમાતો નથી. આખા દેશના દેશ હોઈયાં કરી જઈ ગુલામ બનાવી મૂકનાર યુરોપી ગૌરાંગો પણ બીજાની રક્ષા અને આબાદી કરવા સારૂજ સ્વર્ગ સમા સ્વદેશનો સંન્યાસ કરી દૂરદરાજ દેશમાં દયાના માર્યાજ પોતાને ઉતરી આવવું ૫ડવાનું દર્શાવે છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે તેર (વધઘટ સુધારી લેવી.) પાપ થાય ત્યારે એક પૈસો પેદા થાય છે; પરંતુ “એક દાન, સો પુણ્ય” એવું પણ કહેવાતું હોવાથી પૈસા મેળવવાનાં અનેકવિધ પાપોના પંજામાંથી પોતાનો પંડ છોડાવવા માટે કેટલાકો થોડાક ટકા દાન પુણ્ય પણ કરતા હોય છે. આવાઓને અખો તો એજ ડખો પીરસે છે કે “એરણની ચોરી ને સોયનું દાન, તેણે કેમ આવે વિમાન.” પણ તેનો વિચાર કરવાનું તેવા દાનેશરીઓ ઉપરજ રાખીને અહીં તો કહેવાનું એજ કે તેઓ પોતાનાં પાપ રૂપી મળ ધોવરાવવા સારૂજ સેંકડે બે પાંચ ખર્ચતા હોય છે; છતાં કોઈ ગરિબને કે કોઈ સંસ્થાને કાંઈક આપતી વખતે તેઓ પણ જાણે મ્હોટી મહેરબાની અને સેવાજ કરી રહ્યા હોય તેમ દેખાડે છે.

ટુંકામાં એજ કે અનાત્મપ્રેમીની ખુબી અને ખુશી વગેરે સર્વ પોતાના સ્વાર્થોને પણ પરોપકાર મનાવવામાં, લેવા છતાં આપનાર મનાવવામાં, કૃતિ થોડી અને બડાશ વધુ મારવામાં, અને ચારિત્રની સ્વલ્પતાપર જૂઠ, આડંબર અને વાચાળતાની ક૫ડ માટીના થરપર થર ચઢાવ્યે જઈને તેને હૃષ્ટપુષ્ટ દર્શાવવામાં જ રહેલાં હોય છે; ત્યારે બીજી તરફ મોટા મોટા પહેલવાન, ધનવાન અને સત્તાવાનો તથા કર્તવ્યની અને ફરજની વાતો કર્યા કરનારાઓ કરતાં વધુ ઉપકારક થવા છતાં પણ કર્તાપણાની બુદ્ધિ વિનાના આત્માનુભવીની ખુબી અને ખુશી તો;−

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥[]

એ સત્યને અનુસરીને પોતાને અકર્તા સમજવામાં અને પ્રકૃતિ, સ્વભાવ, પ્રારબ્ધ કે પ્રભુનેજ કર્તા ધર્તા મનાવવામાં રહેલી હોય છે.

तद् विद्धि प्राणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेश्यति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ।।

ઉપલા ભગવદ્ વાક્યમાં કહ્યા પ્રમાણે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાપૂર્વક જે જીજ્ઞાસુજનો એવા મુક્તાત્માઓનો સત્સંગ સેવે છે; તેઓ કુદરતી રીતેજ ( નદી-નવાણની પાસે જઈ નીચા નમી પાણી પીનારની તૃષા ટળે છે તેમ) તેમના અદ્ભુત જ્ઞાન, ચારિત્રનો લાભ મેળવી શકીને પરિણામે–દીવે દીવો પ્રગટે તેમ-સ્વાત્મજ્યોતિને પ્રકટાવી કૃતકૃત્ય બની રહે છે. આવા પુરૂષોનો ભાવપૂર્વક સત્સંગ સેવનાર સામાન્ય મનુષ્યો પણ કમમાં કમ એકાદ કક્ષા જેટલા તો અવશ્ય આગળ વધીને પામરમાંથી વિષયી અને વિષયી (નીતિપૂર્વક વિષય મેળવનાર–ભોગવનાર ) હોય તો જીજ્ઞાસુ (અસાર વસ્તુસ્થિતિથી ઉપરામ અને સારરૂપ પરમાત્મ પદની ઇચ્છાવાળા) જરૂર બની રહે છે. આ પ્રમાણે આવા મુક્તાત્માઓ સેંકડો અને હજારો મનુષ્યોનું જે ઉચ્ચ પ્રકારનું હિત સ્વભાવથીજ સાધી સધાવી શકે છે, તેવું કર્તવ્ય બુદ્ધિવાળા અનાત્મ પ્રેમી રાજા મહારાજાઓથી પણ બની શકતું નથી.

નિવૃત્તિપરાયણ અને પ્રવૃત્તિપરાયણ એવા સામાન્ય કોટીના મુક્તાત્માઓની જે હકીકત ઉપર જણાવી તે ઉપરાંત અસામાન્ય પ્રકૃતિ બળવાળા અસામાન્ય કોટીના મુક્તાત્માઓની વાત તો વળી ઓરજ છે. મુક્તાત્મા કે જીજ્ઞાસુ તો શું પણ અસામાન્ય પ્રકૃતિ બળવાળા પામર કે વિષયી જીવો પણ કોઈ કોઈ આ જગતમાં એવા અસામાન્ય પાકે છે કે આખા દેશ અને દુનિયામાં મોટી હલચલ મચાવી મૂકે છે, અસામાન્ય મનુષ્યની વાતજ એવી છે કે તે મુક્ત, જીજ્ઞાસુ, વિષયી કે પામર એમાંની જે પણ કોટીમાં તે હોય તે કોટીને લાયકના અસામાન્ય ગુણ-કર્મ સ્વભાવાદિને લીધે તેઓ પોત પોતાના વિષયમાં સર્વને ટપી જઇને પહેલેજ નંબરે પહોંચી જાય છે. માત્ર પોતાના દેશકાળમાંજ નહિ, પરંતુ સમગ્ર જગતમાં અને યુગોના યુગો પર્યંત પણ “એકમેવ અદ્વિતીય” આદર્શ તરિકે બની રહેનારા અને અવતારની પેઠે પૂજાનારા પણ આ અસામાન્ય કોટીમાંના જ કોઈ કોઈ અતિ અસામાન્ય મુક્તાત્માઓ હોય છે. દેશ કે દુનિયામાં દુર્દશાદાયક અસામાન્ય ફેરફાર થવામાં જગ વ્યવસ્થાપક સત્તા આવા અસામાન્ય કોટીના–પરંતુ પામર કે વિષયી કક્ષાનાજ આત્માઓને નિમિત્ત બનાવે છે. જેમકે નીરો, રાવણ, સીકંદર, કૈસર, નેપોલિયન, પૃથ્વીરાજ, વગેરે. તેજ પ્રમાણે જ્યારે ઉન્નતિદાયક ફેરફાર થનાર હોય છે ત્યારે અસામાન્ય કોટિના જીજ્ઞાસુ કે મુક્તામાઓનો ઉપયોગ તે કરી લે છે. જેમકે-રામ, કૃષ્ણ, બુદ્ધ, શંકર, ખ્રિસ્ત, મહમદ, ચૈતન્ય, રામાનુજ, કબીર, નાનક, દયાનંદ, વિવેકાનંદ, વોશીંગ્ટન, ગાંધી, લેનીન વગેરે.

ઉપર જણાવ્યા જેવા અસામાન્ય કોટિના શુદ્ધાત્માઓના અસામાન્ય જ્ઞાન ચારિત્રનાં પ્રબળ મોજાં જ્યારે માનવસમાજ ઉપર ફરી વળીને તેને જાગ્રત કરી મૂકે છે; ત્યારે સમાજમાં અજ્ઞાનરૂપી અંધકારને લીધે મિત્રપણાના વેશથી ભરાઈ બેઠેલાં અનેકવિધ અવગુણરૂપી નિશાચરો તેના ખરારૂપમાં ઓળખાઈ તિરસ્કારાઈ ભાગવા માંડે છે; તથા લોકહિતને બહાને તે નિશાચરોએ જે અનેકવિધ દુઃખ દારિદ્રનાં કે કંટાળ વૃક્ષ ઉછેરી આપ્યાં હોય છે, તે ઉખડી જઇને સર્વ સિદ્ધિપ્રદ સદ્દગુણના અંકુરોને અમૃત સિંચન મળે છે. જેને પરિણામે સુખ સામર્થ્યનાં અનેકવિધ પુષ્પોથી બ્હેકી રહેલી અને શ્રેયસ પ્રેયસનાં અનેકવિધ અનુપમ ફળ વડે લચી રહેલી સુવૃક્ષ વાટિકાઓ સર્વત્ર શોભી રહે છે. ધર્મ પ્રાણ ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ આવાજ પુરૂષોનાં દિવ્ય વૃત્તાંતોથી ઉભરાઈ રહ્યો છે.

અતિ પ્રાચીન સમયે પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં રાજ્યકર્તાઓ જ્યારે રાજ્યધર્મને ચૂકી અનીતિના પંથે પળ્યા ત્યારે ભગવાન પરશુરામે પ્રગટ થઈ પૃથ્વીને એકવીસવાર નક્ષત્રી કરી. કાળે કરીને પાછો બ્રાહ્મણોએ સ્વધર્મ ચૂકી સ્વસત્તાનો દુરૂપયોગ કરવા માંડ્યો અને તેમના કુળમાંના રાવણ જેવા દુષ્ટ રાજા બની જઈ ત્રાસ અને અધર્મ વર્તાવી મૂક્યો ત્યારે ભગવાન રામચંદ્રે પ્રકટ થઈ અધર્મીઓનો નાશ કરી ચક્રવર્તિ રામરાજ્ય સ્થાપન કર્યું. એ પછી કાળે કરીને ક્ષત્રિય રાજાઓ વળી પાછા માંહો માંહે લડાઈઓ કરવામાં અને વિષય વિલાસમાં પડી જઈ અધર્મ પ્રવર્તાવી રહ્યા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે પ્રકટ થઈ અધર્મના ઉદ્ભવ સ્થાનરૂપ તે દુષ્ટ રાજાઓને અને રાજ્યકુળોનો ઉચ્છેદ કર્યો. એ પછી પરિક્ષીત અને જન્મેજય જેવા પરમ ધાર્મિક રાજાઓ, શુકદેવ જેવા આદર્શ ધર્મગુરૂઓ અને તેમની ધર્મપરાયણ પરંપરાના શાસન નીચે ભારતવર્ષની અનેક શતાબ્દીઓ સુખ સંપત્તિમાં વીતી; પરંતુ વળી પાછા રાજા અને રાજગુરૂઓ, તેમજ राजा कालस्य कारणं એ નિયમને અનુસરીને જનસમાજ પણ ધર્મના આત્માને ભૂલી જઈ માત્ર બાહ્યાચાર, હિંસાત્મક કર્મકાંડ અને અધર્મ્ય વિષય લોલુપતામાં ફસી ગયા. આ પ્રસંગે ભગવાન બુદ્ધદેવે પ્રકટ થઈ પોતાના અસામાન્ય ત્યાગ અને જ્ઞાનચારિત્ર્યના પ્રભાવથી સર્વને શ્રેયસ પ્રેયસના સત્ય માર્ગે વાળ્યા. અનેક શતાબ્દિઓ એવી સુદશામાં વીત્યા પછી પાછી બોદ્ધ ધર્મગુરૂઓની પરંપરા પણ મૂળપુરૂષના જ્ઞાન ચારિત્ર્યને ભૂલતી ચાલીને અધર્મના પંજામાં સપડાઈ ગઈ, અને તેના કુદરતી પરિણામરૂપે “यद्यदा चरति श्रेष्ठ: तत्तेदेवेतरो जनेः” એ સ્વાભાવિક ન્યાય પ્રમાણે જનસમાજ પણ અધોગતિના પંથે પળવા લાગ્યો. પૂજ્યપાદ ભગવાન શંકરાચાર્યે આ પ્રસંગે પ્રકટ થઈ દેશનો તે દુર્દશામાંથી ઉદ્ધાર કર્યો અને સેંકડો વર્ષ સુદશાનાં ગયાં; પરંતુ તે પછી ભારતવર્ષના કોણ જાણે કોઈ સામટાજ પાપે સળગી ઉઠીને દેશના રાજાઓમાં કુસંપ, દ્વેષ વગેરે એવાં તો ફેલાવી દીધાં કે જેને પરિણામે વિધર્મી અને વિદેશી રાજ્યને તેમાંનાજ એક જઈને બોલાવી આણ્યું. સેંકડો વર્ષથી હવે તેને તેજ દશા દેશની રહેતી આવી છે.

એવા વિકટ વખતમાં પણ રામાનુજ, ચૈતન્ય, રામાનંદ, કબીર, નાનક, જ્ઞાનેશ્વર, રામદાસ વગેરે જેવા અનેક અસામાન્ય મહાત્માઓ પ્રકટ થતાજ રહ્યા; અને તેમણે ધર્મ ભૂમિના ધર્મપ્રદીપને ઓલવાઈ જવા ન દેતાં બન્યો તેટલો સજાગ અને સુરક્ષિત રાખ્યા કર્યો. છેવટે વિદેશી બ્રીટીશ રાજ્યસત્તા જામી અને તેની પ્રતીકૂળ નીતિ તથા શિક્ષણને પ્રતાપે લોકો શરીરે શાન્ત (પાણી વગરના) અને મગજે ભ્રાન્ત બનતા ચાલી વિદેશીઓના અનુકરણમાંજ સર્વ સુધારણા અને ઉન્નતિ રહેલી જોવા લાગ્યા. ગૌરાંગ વ્યાપારીઓની સાથે તેમના પાદરીઓનાં પણ દળનાં દળ ઉતરી આવીને તેમણે “હિંદનો ધર્મ, ધર્મગ્રંથો, પ્રાચીન સંસ્કૃતિ, તેમજ હિંદનું જે હોય તે બધુંજ ખરાબ; અને પાશ્ચાત્યોનું બાઈબલ, ફેશનેબલપણું, શિક્ષણ, ધર્મ અને રીત રિવાજ વગેરે બધું જ સારું” એવા મંત્રથી હિંદનાં ભણેલાં ભૂતોને પણ મોહિત કરી દઈને પાશ્ચાત્ય સંસ્કૃતિના સકંજામાં સપડાવવા માંડ્યાં. ગૌરાંગોના પ્રતાપેજ પોતાનો ધંધો અને રોટલો ખોઈ બેઠેલા દેશના હાથ પગરૂપ ગરિબ અને અંત્યજ વર્ગને પણ તાત્કાલિક મીઠી લાલચોથી તેઓ ખ્રિસ્તી બનાવવા લાગ્યા. સામાન્ય હિંદુ વર્ગ પણ સ્વસંતાનોને અંગ્રેજી ભણાવી દેશનું ઘર ઘાલનારી અમલદારીને પોતાના ઘરમાં ઘાલવાના લોભે લલચાઈને તેમને મિશનરી બાપલીયાઓના બાઈબલમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં તેમજ ગોખણીયા વિદ્યાના વમળમાં નાખી દઈને તેમને શરીરના નાતવાન, અકલના બારદાન અને સ્વધર્મ તથા સ્વદેશના કુસંતાન બનાવવા લાગ્યા. ખરેખર, આ એક દેશને માટે અતિ સૂક્ષ્મ તથા દીર્ઘદ્રષ્ટિથીજ પરખી શકાય એવો બહુજ અણીનો વખત હતો. આગળ કોઈ મુસલમાન રાજાના વખતમાં જોરજુલમથી લોકોને વટાળવામાં આવતા ત્યારે તો સામાન્ય જનવર્ગ ઉલટો ખીજવાઈને વધારે સાવચેત તથા વિરોધી બન્યા કરતો; પણ આમાં તો ઉંદરની પેઠે એવી તો મીઠી મીઠી રીતે ભારતવાસીઓનું ભારતીયત્વ હરાતું ચાલ્યું કે નુકશાનની જરાય ખબર પડે નહિ અને પરિણામે અમેરિકાના ઇંડિયનોની પેઠે તેમની જાતિ, ધર્મ કે સંસ્કૃતિ, એમાંનું કશુંજ રહેવા નહિ પામતાં હિંદ અને હિંદીઓનું નામ નિશાન સુદ્ધાં પણ જગતમાંથી ઉખડી જાય. આવી રીતે મીઠા બોલી મિશનરી સંસ્થાઓ, વિપરીત શિક્ષણ પદ્ધતિઓ અને વિઘાતક વ્યાપારનીતિ વડે ભારતના ભવ્ય પ્રદેશ અને ધૂરંધર ધર્મની નીચે જે ભયંકર સુરંગો ખોદાઈ રહી હતી; તેનું કશુંજ ભાન ભારતના ભણેલા તેમજ સામાન્ય જનસમાજને નહિ આવતાં ઉલટું તેણે તો એ સુરંગોને ઘર નીચે ભોંયતળીયું ઉમેરાતું હોય તેવી સુખ સગવડ વધારનારી જ માની હતી.

અસ્પર્શ્ય કરી કહાડેલા અજ્ઞાન અંત્યજો પણ પરધર્મમાં વટલી જવાથી હિંદુ જાતિને કેટલું ભયંકર નુકશાન છે; તેની સમજણને અભાવે હિંદુ લોકો તો ઉલટા એ વખતે અંત્યજ વગેરેનાં જે ટોળે ટોળાં ખ્રિસ્તી બની જતાં હતાં તેમનાં સરઘસ જોઇને એક પ્રકારનો આનંદ જ મેળવતા !

હિંદુ જાતિનું અને ભારતવર્ષનું જુલમની રીતો કરતાં પણ આવી મીઠી રીતોથી છેવટે જે તળીયા ઝાટક થાય તેમ હતું; તે વાતની તે વખતે દેશમાં કોઈને પડી ન હતી અને ગોટપીટીયા પાશ્ચાત્ય શિક્ષણના ગોટેગોટ ગળા સુધી ગળી બેઠેલાઓની બુદ્ધિ તો વળી એટલી બધી ગોટપોટ થઇ ગએલી કે તેઓ તે ઉલટા પાશ્ચાત્યોના જેવાજ ધર્મ સમાજો સ્થાપી તેમનાજ ઘાટનાં પ્રાર્થના મંદિર બાંધવાને તથા તેમાં તેમની જ પેઠે બની ઠનીને ફેન્સી ઢબે પ્રાર્થના થઈ શકે એવું કરવાને મંડી પડ્યા હતા. સંયમ અને જ્ઞાનભક્તિના આગારરૂપ મૂળ મહાત્માઓની પરંપરામાં ઉતરી આવવા સાથે સ્વાર્થ, ડોળ અને દુરાચારના ખાડામાં પણ તળીયા સુધી ઉતરી પડેલા ધન કુબેર ધર્મગુરૂઓને અથવા તો ધર્મ મઠોમાં ધોળે દિવસે મશાલો ધગાવીને આરતી ઉતરાવ્યા કરનારા આચાર્યોને તો જાણે કે તે વાતની પંચાત પ્રથમથીજ ન હતી !

ભગવાન દયાનંદ સરસ્વતીએ આવા અગત્યના સમયે પ્રગટ થઈ લોકને અપૂર્વ ચેતના અને ધાર્મિક ચર્ચા તરફ વાળ્યા. ચારિત્રદાયક શિક્ષણ મેળવવાની ચારૂ પદ્ધતિઓ દર્શાવીને તથા દુઃખી, અંત્યજ, અનાથ, શુદ્ર, વગેરે તરફ લક્ષ ખેંચીને આર્ય જનતાના તે આધાર રૂપ હાથ પગોને પરધર્મી પાદરીઓના આઘાતો વડે કપાઈ જતા અટકાવવાનું સમજાવ્યું. પાખંડીઓની પોપલીલા અને પ્રપંચ ખુલ્લાં પાડ્યાં અને એવા બીજા અનેક પ્રકારના અસામાન્ય ઉપકાર કર્યા. મંદિર અને તીર્થોના સ્વાર્થી સાધુઓ તેમને માટે દ્વેષના માર્યા ગમે તેમ બક્યા કરે પણ લાજપત, મુન્સીરામ, હંસરાજ વગેરે જેવા અનેક અસામાન્ય ધર્માભિમાની દેશભકતો દેશને આપનાર આર્ય સમાજના સ્થાપક, અને ગુરૂકુળ જેવી ઉપકારક સંસ્થાઓના પ્રેરક તેમજ નિઃસ્વાર્થ સેવાના સબળ શંખનાદ સર્વથી પ્રથમ ગજાવનાર એ અદ્ભુત મહાપુરૂષે અંધકારમાં અટવાઈ રહેલા ભારતીય જનસમાજને તેની જે દિશાભૂલ દર્શાવી આપી છે; તેમજ સત્યના સુગમ માર્ગો તરફ તેને વલણ આપીને પોતાનું સમગ્ર જીવન તેની સેવામાં જ ગાળવાની સાથે મરણ પણ જેણે તેનેજ ખાતર ભોગવ્યું છે; આવા આવા એ અદ્ભુત વ્યક્તિના અસામાન્ય ઉપકારો ધીમે ધીમે સમયજ સર્વ કોઇને સમજાવશે.

સ્વામી દયાનંદજીના સમયમાંજ બંગાલા તરફ બીજો એક વિશુદ્ધ બ્રહ્મપુત્ર કલકત્તાથી થોડાક માઈલ દૂર ગંગા કિનારે આવેલા એક એકાંત સ્થળમાં પોતાના જ્ઞાન ચારિત્રના અદ્ભુત પ્રકાશ વડે પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશની પ્રભાએ કલકત્તાનિવાસી પુષ્કળ સંસ્કારી હૃદયોને સાનંદાશ્ચર્યમાં નાખી પોતા તરફ ખેંચ્યાં હતાં અને દીવાથી દીવો પ્રકટે તેમ તેમાંનાં અનેક ઉન્નત હૃદયો પરમાત્મ સાક્ષાતકારને પામી કૃત્યકૃત્ય થયાં હતાં. એમાં આપણા ચરિત્ર નાયક સ્વામી વિવેકાનંદ સર્વથી મુખ્ય હતા. રાત્રિના સમયે ચંદ્ર જેમ પૃથ્વીથી દૂર હોવાને લીધે સૂર્યના પ્રકાશનો ભોક્તા બની શકે છે; એટલું જ નહિ પણ પૃથ્વી પરનાં ગાઢ અંધકારમાં ડૂબેલાં અસંખ્ય મનુષ્યોને પણ પરાવર્તનરૂપે તે પ્રકાશનો લાભ આપી શકે છે; તેજ પ્રમાણે જગતનાં મોહ મમતાથી દૂર રહીને પરમહંસ દેવ જેવા આદર્શ ગુરૂ પાસેથી નરેન્દ્રે (પૂર્વાશ્રમમાં સ્વામી વિવેકાનંદનું એ નામ હતું ) પોતાના બાળક જેવા સરલ, સુકોમળ અને વિશુદ્ધ હૃદયમાં, તેમના અસામાન્ય જ્ઞાન ચારિત્રનો પ્રકાશ ઝીલી લઈને મુક્તભાવ પ્રાપ્ત કર્યો હતો; અને એમ આપ્તકામ બનીને પછી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં તેના પરીવર્તનરૂપે એ જ્ઞાન પ્રકાશને પૂર્ણિમાના ચંદ્ર જેવી પૂર્ણ કળાથી, પૂર્ણ નિષ્કામતાથી, અને પૂર્ણ ઔદાર્યથી પુરો પાડ્યો હતો.

સ્વામી દયાનંદજી તેમજ સ્વામી વિવેકાનંદજી બંને અસામાન્ય કોટિના સંન્યાસીઓ હતા. દિનહિન ભારતભૂમિના ભવ્ય ભાગ્યાકાશના આ બંને અદ્ભુત આવાહકો હતા. ભારતવાસીઓની દુર્દશાથી બંનેનાં હૃદય ચીરાઈ જતાં હતાં. હિંદુ જાતિરૂપી મહાવૃક્ષના ધર્મરૂપી મૂળ  અને અર્થ રૂપી ડાળ ઉપર ચોતરફથી ચાલી રહેલા કુઠારાઘાતને પરિણામે તેનો સર્વનાશ નજીક આવતા તેમણે પોતાની સુતીક્ષ્ણ દૃષ્ટિવડે સવેળા જ જોઈ લઇને તેના ઉપાયો શોધવા, સાધવા અને ઉપદેશવા પાછળજ બંનેએ પોતાનાં જીવન ગાળ્યાં હતા.

ભારતવાસીઓમાં અત્યારે બ્રહ્મચર્ય અને નિષ્કામ સેવા ધર્મની જે મોટી જરૂર મનાઈ રહી છે, તે બાબત તરફ પોતાની જાતના દાખલાથી, વિરોચિત સહનશીલતાથી, સતત શ્રમપરાયણતાથી, અને અસરકારક ઉપદેશોથી દેશને પ્રથમ સ્વામી દયાનંદ સરસ્વતીએ દોરવ્યા પછી સ્વામી વિવેકાનંદજીએ પણ એ બાબતો તરફ જનસમાજની આંખો ખોલવામાં બાકી રાખ્યું નથી. આ બંને મહાપુરૂષો જેમ અખંડ બ્રહ્મચારી તરીકે અસામાન્ય હતા તેમ તેઓ વક્તૃત્વ શક્તિમાં, વિદ્વતામાં, યોગ સાધનામાં, શરીરના મજબૂત બાંધામાં, ભવ્ય અને પ્રતિભાપૂર્ણ ચહેરામાં, ભારતના ભૂત ગૌરવને ભક્તિભાવે સ્મરી તેનું ભાવી પણ તેવું જ ભવ્ય રચાય તેમ કરવામાં અને દેશનો સર્વનાશ કરવાને મિત્રના વેશે મંડી પડેલાં સત્વોને સવેળા ઓળખી લઈ તેમના પંજામાંથી તે વહેલું છૂટે તેમ કરવામાં પણ તેઓ અસામાન્યજ હતા.

આમ છતાં જનસમાજ પ્રત્યે આ વ્યક્તિઓને જે કામ બજાવવાનું હતું તેના પ્રકાર જુદા હતા. જ્વરપીડિતને કડવા ઘૂંટ પાવા એ પણ સેવા; અને જ્વર મુકત થયા પછી શક્તિ માટે શેરે શેરનો શીરો જમાડવો એ પણ સેવાજ છે; પરંતુ એક સેવામાં દરદીની નારાજી વહોરવી પડે છે, ત્યારે બીજા પ્રકારની સેવાથી તે ખુશ ખુશ થઈ જાય છે. આમાંનું પહેલા પ્રકારનું કાર્ય સ્વામી દયાનંદજીને ફાળે આવ્યું હતું અને બીજા પ્રકારનું કાર્ય વિવેકાનંદજીને બનાવવાનું હતું, જે ધર્મના પોતે સ્તંભ ગણાય અને જે તીર્થો તથા દેવમંદિરો ધર્મનાં મુખ્ય સ્થાન ગણાય, તેજ તીર્થો અને મંદિરો દ્વારા ધર્મને બદલે અધર્મ આચરી મહા અનર્થ ઉપજાવી રહેલા લોકોની અને તેમણે સાધનરૂપ બનાવેલા ધર્મ ગ્રંથની પોલ ખોલીને અજ્ઞાનની ગાઢ નિદ્રામાં ઘોરતા ધર્મઘેલા જનસમાજને સજાગ કરવાનું અતિ દુર્ધટ કામ સ્વામી દયાનંદજીને બજાવવાનું હતું. ધર્મ ઠગોનેજ ધર્મના સ્તંભ માની તેમને વશ વર્તી રહેલા લોકો આ મુદ્દો સમજવાને બદલે ઉલટા તેમની ઉંધી ઉશ્કેરણીથી આ મહાત્મા તરફ અપમાન, ગાળો અને કેટલીકવાર ઈંટ પત્થરનો વર્ષાદ પણ વરસાવતા; પરંતુ ક્ષમા અને વીર્યની આ સાક્ષાત મૂર્તિ જરા પણ ક્રોધને અવકાશ ન આપતાં અડગભાવે સઘળું સહન કરીને ઉલટી હસ્યાજ કરતી, કોઈ કાઈવાર પોલીસવાળાઓ તોફાનીને પકડી લઈને સ્વામીજી પાસે તેની વિરુદ્ધની જુબાની મેળવવા માગતા; ત્યારે પણ “હું લોકોને બંધન મુકત કરવા અહીં આવ્યો છું, બંધનમાં નાખવા નહિ.” આવાં ઔદાર્યપૂર્ણ વચનો વદી સર્વને ચકિત કરતા.

સ્વામી દયાનંદજીના સંબંધમાં આમ હતું; ત્યારે વિવેકાનંદજીનું કાર્ય તીર્થ અને મૂર્તિપૂજા વગેરેના મૂળ ઉદ્દેશ તથા ઉપકારકતાનું, તથા દેશમાં સર્વત્ર વ્યાપી રહેલા દીનદુ:ખી સજીવ નારાયણો પ્રત્યેના સેવાધર્મનું ભાન કરાવી ઉપલક ઉપાસનાની અને કર્મકાંડની અસારતા સમજાવવાનું; વેદાંતના શુદ્ધ સ્વરૂપને અને તેને વ્યવહારમાં ઉતારવાની આવશ્યકતાને દર્શાવી આપવાનું; જગતના સર્વ મુખ્ય ધર્મોમાં રહેલો એકજ ઉંડો ઉદ્દેશ તેમજ સર્વ સંપ્રદાયનું પરસ્પરમાં અવિરૂદ્ધપણું સાબીત કરવાનું અને સર્વ દર્શનશાસ્ત્રોને એકજ સીડીનાં પગથીયાં રૂપે પ્રમાણિત કરવાનું કામ બજાવવાનું હતું. આમ હોવાથી લોકો તેમને સર્વત્ર અપૂર્વ માન આપતા હતા. આ પ્રમાણે જનસમાજને સજાગ અને સુપથગામી કરવાનોજ બન્નેનો ઉદ્દેશ અને મંથન હોવા છતાં જનસમાજ ગાડરીયા પ્રવાહે વહી એકને નિંદતો અને બીજાને વંદતો; પરંતુ બીજી તરફ બંને સંન્યાસીઓ પણ કોઈ ઓરજ કોટીના હોવાથી તેઓને તે વાતનું કશું દુઃખ કે અભિમાન થતું નહિ. આવા ગાડરીઆ પ્રવાહના માનાપમાન વિષે એક મહાત્મા કહે છે કે:―

नारायण तुं कर्म कर, कहा करेंगे कूर;
स्तुति निंदा जगतकी, दोनों के शिर धूर.

આમ સમજીને લોકોના કુવ્યવહારથી સ્વામી દયાનંદજીની દયાળુતા ઉલટી વધી જઈને તેમની જનસેવામાં જોશ પુરતી; તો વિવેકાનંદજીમાં લોકસત્કાર તેમનામાં નમ્રતા અને વાત્સલ્ય વધારી ઉત્તેજના આપતા. વળી સ્વામી વિવેકાનંદજીને પણ અમેરિકામાં પાદરીઓ વગેરે તરફથી ખમવુંજ પડ્યું હતું, સો મૂર્ખના સત્કાર કરતાં એક સમજુનો સત્કાર જે વિશેષ અગત્ય ધરાવે છે તેવો સત્કાર પણ આ બંને વ્યક્તિઓને અનેક મોટા મોટા વિચારકો, પુરૂષાર્થીઓ, અગ્રેસરો અને રાજા મહારાજાઓ વગેરે તરફથી પ્રાપ્તજ હતો. સ્વામી દયાનંદજીને બ્લેટસ્કી બાઈના સમયમાં, તો સ્વામી વિવેકાનંદજીને બિસેન્ટ બાઈના સમયમાં થીઓસોફીકલ સંસ્થા તરફ આકર્ષવામાં આવ્યા હતા; પરંતુ આર્યધર્મના આદરરૂપ અને ઋષિમુનિના અવતાર જેવા આ બન્ને મહાત્માઓ ઇંદ્રાસનથી પણ ચળે એવા નહિ, ત્યાં આ ગૌર જાળમાં તો આવેજ ક્યાંથી ? ગૌર પાદરીઓના કાન પકડાવવાને અને ગૌર વિદ્વાનો અને વિદુષીઓનાં શિર ઝુકાવવાને સ્રજાયેલા આવા અસામાન્ય આત્માઓ માર્જરીના સપાટામાં સિંહ આવી શકે તોજ એવાં આકર્ષણોમાં આવી શકે !

આ લખનાર કાંઈ આર્ય સમાજના મેમ્બર નથી; સ્વામી વિવેકાનંદજીનું જીવનચરિત્ર રજુ કરતી વખતે તેમની અગાઉ એક મહાન સંન્યાસી તરિકે સ્વામી દયાનંદ સરસ્વતીએ જે અસામાન્ય લોકસેવા બજાવીને ભૂમિકા તૈયાર કરી હતી, તે વાત વાંચકોના લક્ષ બહાર રહી જાય નહિ એટલા માટે તે વિષે અહીં આટલો ઉલ્લેખ આવશ્યક હતો.

સ્વામી વિવેકાનંદજીનાં પ્રભાવશાળી વ્યાખ્યાનો કથોપકથનો, પત્રો, વગેરેને લગતાં જે પુસ્તકો આ સંસ્થાદ્વારા નિકળી ચૂક્યાં છે, તે ઉપરથી એ અસામાન્ય વ્યક્તિનું મહત્વ ગુજરાતી પાઠકવર્ગે જાણ્યું છે જ; પરંતુ એ ઉપરાંત એવા અસામાન્ય પુરૂષોની બાલ્યાવસ્થા, વિધાર્થી અવસ્થા, સાધકાવસ્થા, તેમનાં લોકસેવાનાં કામો, તેમની રહેણી, તેમની દીનચર્યા, તેમનાં પર્યટણો, તેમના અનુભવો, વગેરે બીજી પણ અનેક બાબતો ખાસ જાણવા જેવી અને બોધપ્રદ છે.

સ્વામી વિવેકાનંદજીના જીવનને લગતાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થએલાં અનેક પુસ્તકો ઉપરથી શ્રીયુત્ રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈએ એવી અનેક હકીકતો બનતા શ્રમ અને કાળજીપૂર્વક મેળવીને આ પુસ્તકમાં ગુંથી છે. સ્વામીજીનાં વ્યાખ્યાનો વગેરેનું ઘણુંખરૂં સાહિત્ય આ સંસ્થા તરફથી અગાઉ નિકળી ચુકેલું હોવાથી તેને લગતા ઉતારાઓ તેમજ બીજા કેટલાંક સામાન્ય વર્ણનો અને વિવેચન વગેરે તેમણે આમાં કેટલુંક ટુંકાવીનેજ લખ્યું હતું; છતાં સંપાદક તરિકે એમાં આ સેવકે પણ જ્યાં જ્યાં વિશેષ વધઘટ, ઠીકઠાક વગેરે કરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમ કરવાની ઘટતી છૂટ લીધી છે. વળી ધાર્મિક મહાત્માઓને અવતાર બતાવી તેમનું મહત્વ વધુ દેખાડવામાં કાંઈ નહિ તો લોકો માટે ઉચ્ચ જ્ઞાન ચારિત્રની અશક્યતા દેખાડવા જેવું તો અવશ્ય બને છેજ; આથી કરીને અંગ્રેજી ગ્રંથોમાંની એવી હકીકત આમાં લેવાઈ નથી. આ રીતે આ ગ્રંથ તેના હાલના આકારમાં તૈયાર થઈ વાંચકવર્ગની સેવામાં રજુ થયો છે. અનુભવી સજ્જનોને એમાં જે કાંઈ ન્યૂનતા જેવું અથવા વધઘટ કરવા જેવું લાગે, તો તે બાબત તૈયાર કરી મોકલીને બીજી આવૃત્તિ વખતે તેનો આભાર સહિત સદુપયોગ કરવા સગવડ આપવાની તેમને નમ્ર પ્રાર્થના છે.

શ્રાવણી પૂર્ણિમા-સં. ૧૯૭૭.
ભિક્ષુ-અખંડાનંદ.
 

  1. + વર્તમાન શરીરમાં આવ્યા પછી વૃદ્ધિ પામેલા જ્ઞાન અને ચારિત્રની અસરો પણ એ સ્થૂલ સૂક્ષ્મ શરીરના મંદ અને મધ્યમ ગુણ સ્વભાવોમાં શુભ ફેરફાર કરતીજ ચાલે છે; પરંતુ પ્રારબ્ધજન્મ જે ગુણસ્વભાવો દૃઢરૂ૫માં હોય; તેમાં ખાસ ફેરફાર એથી થઇ શકતો નથી. આથી જ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યુ છે કે:

    सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
    प्रकृति यांतिभूतानि निग्रहः किं करिष्यति ॥

  2. * વચનસિદ્ધિના, મનકામના પુરવાના, વગેરે ચમત્કારો કરી શકે એવાનેજ મુક્તાત્મા સમજ્યા કરીને ઘણા લોકોતેવા લક્ષણવાળા મુક્તામાની અને તેમનાદ્વારા આત્મ લાભ કે ધન પુત્રાદિનો લાભ મેળવવાની શોધમાં હોય છે; પણ છેવટે તેઓ ઉલટા ઢોંગી ધૂર્તોથી ઠગાય છેજ. કારણ કે આ ચમત્કારોની વિદ્યાને તો મોક્ષ માર્ગના આરંભમાંજ બાધક અને નિષિદ્ધ સમજી લઇને સાચો સાધક તેનાથી દૂરજ રહેલો હોય છે. એ વિદ્યાનો ઉપયોગ અનાત્મ વસ્તુસ્થિતિઓને ખાતર તેમજ સર્વજ્ઞ વિશ્વ નિયંતાની વિરૂદ્ધમાંજ વધારે થવાનો સંભવ છે.
  3. * અર્થાત્ આ જગતમાં પ્રકૃતિના ગુણો વડેજ સર્વ કર્મો કરાય છે; છતાં શરીરાદિ અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિ હોવા રૂપ મિથ્યાભિમાનમાં મૂઢ થયેલા મનુષ્યો “હું કરું છું” એમજ વૃથા માની લે છે.