સ્વામી વિવેકાનંદ/દીલ્લી અને અલવર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હિમાલયમાં પર્યટણ સ્વામી વિવેકાનંદ
દીલ્લી અને અલવર
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ગુજરાત-કાઠીઆવાડ અને મુંબઈ ઈલાકામાં →


પ્રકરણ ૨૭ મું – દીલ્લી અને અલવર.

દીલ્લી ! અનેક હીંદુ અને મુસલમાન રાજાઓની રાજધાની ! હિંદુસ્તાનનું મધ્ય સ્થળ ! અનેક ઐતિહાસિક બનાવોનું સ્થાન ! બાદશાહી ઠાઠ અને ભપકાનું સ્મરણ કરાવનારી નગરી ! બાદશાહોની કબરો, સુંદર મહેલો, જુનાં પ્રાચીન ભવ્ય ખંડેરો – આ સર્વથી દીલ્લી હિંદુસ્તાનનું રોમ શહેર હોય તેવું ભાસે છે. નગરીના એક ભાગમાં કીલ્લો આવી રહેલો છે અને તેમાં બાદશાહના ભવ્ય મહેલો છે. થોડેક દૂર જુમ્મા મસીદ આવેલી છે.

સ્વામીજી દીલ્લીમાં દરેક ઠેકાણે ગયા અને સઘળું જોયું. બાદશાહોની કબરો જોતાં તેમને મહારાજ્યોની અને માનુષી કીર્તિની અનિત્યતાનું સ્મરણ તાજું થયું. અહીંઆં પણ તેમના ગુરૂભાઈઓ તેમને ખોળતા ખોળતા આવી પહોંચ્યા ! ફરીથી પણ સ્વામીજીએ તેમનો ત્યાગ કર્યો અને દીલ્લી છોડીને એકલાજ ચાલતા થયા ! મનમાં તે બોલ્યા “મારા માર્ગમાં બાધક થનાર સઘળાં વિઘ્નોને મારે દૂર કરવા જોઇએ.”

સ્વામીજી સાધુજીવન અને એકાંતવાસની સર્વોપરિતાને માનતા, પણ જનસેવા – ભૂતદયા – વિનાના જીવનને પણ શુષ્કજ ગણતા. ભારતવર્ષની ગરીબાઈ અને અજ્ઞાન જોઇને તેમનું હૃદય દ્રવી રહ્યું હતું. આથી કરીને ભારતવર્ષમાં સ્થળે સ્થળે રખડી, જનસમૂહની સ્થિતિનો અભ્યાસ કરી, માતૃભૂમિના પુનરોદ્ધારની યોજના ઘડવી અને તેના સાધનો શોધી કહાડવાં – આ મહા તપને હવે સ્વામીજી તપી રહ્યા હતા. આ તપ તપવામાં સ્વામીજીએ અનેક કષ્ટો વેઠ્યાં છે.

કેલિફોર્નિઆમાં ભાષણ આપતાં આ સમયની હકીકત વિષે નીચે પ્રમાણે તે બોલ્યા હતા: “ઘણી વખત હું મોતના પંઝામાં સપડાયો છું. દિવસના દિવસો સુધી મને ખોરાક મળતો નહીં અને મારાથી આગળ ચલાતું નહીં. હું એકાદ વૃક્ષની છાયામાં બેસતો અને જીવનનો અંત આવતો હોય એમ મને લાગતું. મારાથી બોલાતું પણ નહોતું. આખરે મને આત્મવિચાર આવતો કે “મારે જન્મ કે મૃત્યુ નથી; હું કદી જન્મ્યો નથી, કદી મર્યો નથી; મારે ક્ષુધા કે તૃષા નથી; હું આત્મા છું ! આત્મા છું ! સઘળી પ્રકૃતિ મળીને પણ મને હણી શકે નહીં. શરીર કાંઈ હું નથી કે તે હોય કે નાશ પામે તેને માટે હર્ષ – શોક કરું !” આવા આવા આત્મવિચાર આવતાં નવીન બળ પામીને હું ઉભો થતો. અને જુઓ, આજે હું જીવતો છું ! જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે તમારા સ્વરૂપનું ભાન કરો અને આફત ચાલી જશે. કારણકે આખરે તે પણ એક સ્વપ્નજ છે. આફતો મોટી પર્વત જેવડી હોય અને સઘળી વસ્તુઓ નિસ્તેજ અને ભયંકર લાગે, તોપણ તેઓ માયાજ છે. તેનાથી ડરશો નહીં અને તેનો નાશ થશે ! તેની સામા થાવ અને તે જશે ! તેના ઉપર પગ મુકો અને તેનો અંત આવશે !”

જેમ જેમ વધારે પર્યટણ અને જેમ જેમ ભારતવર્ષનો વધારે ઉંડો અભ્યાસ કરતા ગયા તેમ તેમ દેશની જરૂરીઆતોનો ખરેખર ખ્યાલ તેમને આવતો ગયો અને ભારતવર્ષનું ગૌરવ શેમાં રહેલું છે, તે પણ રૂડે પ્રકારે તેમણે જોયું. સાથે સાથે પ્રજામાં કયા કયા દોષો રહેલા છે તે પણ તેમણે તપાસ્યું. પ્રજાની એક માટી ભુલ અથવા ખામી – વ્યક્તિત્વનો નાશ – તેમને જણાઈ. આ વ્યક્તિત્વને પાછું લાવવાનું પ્રાચીન રૂષિ મુનીઓનું જ શિક્ષણ આવસ્યક છે એમ તેમની ખાત્રી થઈ. તે કહેતા “ધર્મ વડે કરીને ભારતવર્ષની આ સ્થિતિ આવી છે એમ નથી, પણ ધર્મનું બરાબર પાલન નહીં કરવાથીજ આ દુર્દશા પ્રાપ્ત થયેલી છે.”

પુનામાં જ્યારે તેમણે પેશવાનાં મકાનોનાં ખંડેરો જોયાં અને તેમના નાશનું કારણ ખોળી કહાડ્યું ત્યારે પણ તેમને એમજ લાગ્યું હતું.

દીલ્લીથી રજપુતાનાની ઐતિહાસિક ભૂમિમાં ! સુંદર અલવારમાં ! રજપુતાનાનાનું નામ કેટલા વીરપુરૂષો અને તેમનાં પરાક્રમોનું સ્મરણ કરાવે છે ! આ નામનો ઉચ્ચાર કરતાં હિંદુ હૃદય કેવું ઉછળી રહે છે !

વિજયવંત અકબરની સામે થનાર અનેક રજપુત રાજાઓ સિંહ જેવા વીર પુરુષોના વંશજો – અહીં રહ્યા હતા. જાણે કે દરેક સ્ત્રી રાણી હોય તેમ ભવ્ય પરાક્રમવાળી અનેક સ્ત્રીઓ અહીંઆં વસતી હતી. રજપુતાનાના નગરોમાં અલવર એક મોતી જેવું સુંદર શોભે છે. આસપાસ પહાડો આવી રહેલા છે. રાજાના મહેલો આરસપહાણથી બાંધેલા નજરે પડે છે. ભૂમિ સુંદર અને રસાળ છે.

સવારમાં સ્વામીજી અલવરના સ્ટેશન ઉપર ઉતરી સડકને રસ્તે ગામ તરફ ગયા. બંને બાજુએ બગીચા અને ખેતરો આવી રહેલાં હતા. સુંદર મહેલોની એક હાર આગળ થઈને તે દવાખાના પાસે આવી પહોંચ્યા. ત્યાંનો દાક્તર બંગાળી હતો અને તેની સાથે જ્યારે સ્વામીજીએ બંગાળી ભાષામાં વાત કરી ત્યારે તે ઘણોજ ખુશી થયો. સાધુઓને ઉતારવાના મુકામમાં તેણે સ્વામીજીને ઉતાર્યા અને તેમની જરૂરીયાતો પુરી પાડવા લાગ્યો. દિવસે દિવસે ચારે બાજુએ સ્વામીજીની કીર્તિ પ્રસરવા લાગી. હિંદુઓ અને મુસલમાનો પણ તેમની મુલાકાતે આવવા લાગ્યા. લોકોનો એટલો બધો જમાવ થવા લાગ્યો કે બહાર ઓટલા ઉપર પણ ઘણાને બેસવું પડતું. વેદ, ઉપનિષદ્‌, કુરાન, બાઈબલ અને પુરાણોમાંથી અનેક ફકરાઓ સ્વામીજી બોલતા. વખતે ઉરદુ ગાયનો, હિંદી ભજનો અને બંગાળી કીર્તનો તે ગાતા. કોઈ વખતે બુદ્ધ, શંકર, રામાનુજ, નાનક, ચૈતન્ય, તુળસીદાસ, મહમદ વગેરે મહાત્માઓનાં જીવન ચરિત્રમાંથી રસપ્રદ અને બોધક વાર્તાઓ તે કહેતા. આખરે તેમને એક સારા મુકામમાં ઉતારવામાં આવ્યા. અહીંઆં અનેક મનુષ્યો તેમની પાસે આવતા અને તેમને પ્રશ્નો પુછતા. ઇશ્વર પૂજાની વાત નીકળતી. સ્વામીજી તેનું રહસ્ય સમજાવતા. બોલતે બોલતે પ્રેમથી તેમનો કંઠ ગદ ગદ થઈ જતો અને તેમની આંખોમાં અશ્રુ આવી જતાં ! કોઈ વખત કૃષ્ણલીલાનો પ્રસંગ નીકળતો. કૃષ્ણલીલાનાં અનેક ભજનો સ્વામીજી ગાતા અને તેમની આંખમાંથી આંસુની ધારા ચાલી રહેતી ! શ્રોતાઓનાં હૃદય પણ રડીજ રહેતાં ! સ્વામીજી પાસે આવનાર મનુષ્યોમાં એક મોલવી સાહેબ પણ હતા. સ્વામીજી કુરાન ઉપર કંઈક નવીન અજવાળું પાડતા અને તેનું ઉંડું જ્ઞાન દર્શાવતા તેથી કરીને મોલવી સાહેબ તેમને અત્યંત ચહાતા. આ હિંદુ સાધુને પોતાને ઘેર બોલાવીને ભિક્ષા કરાવવી એવો વિચાર મોલવી સાહેબનો થયો ! આ વખતે એક પંડિતને ઘેર સ્વામીજી રહેતા હતા. મોલવી સાહેબ પંડિતજીને કહેવા લાગ્યા “આવતી કાલે સ્વામીજીને મારે ઘેર ભિક્ષા લેવા આવવા દો ! હું મારા ઘરમાંથી મારો સઘળો સામાન બહાર કહાડી નાંખીશ અને સઘળું મકાન બ્રાહ્મણો પાસે ધોવરાવી નાંખીશ ! બ્રાહ્મણો પોતે અનાજ લાવશે અને પોતાનાં વાસણોમાં રાંધશે, અને સ્વામીજીને ભિક્ષા કરાવશે. હું એક બાજુએ ઉભો રહી સ્વામીજીને મારે ઘેર ભિક્ષા લેતા જોઈને ઘણોજ રાજી થઈશ અને મારી જાતને ભાગ્યશાળી માનીશ !” પંડિતજીએ હા કહી. મોલવી સાહેબે સ્વામીજીને ભિક્ષા કરાવી અને પોતાની જાતને કૃતાર્થ માની. બીજા પણ ઘણા શ્રદ્ધાળુ મુસલમાનોએ સ્વામીજીને પોતાને ઘેર બોલાવ્યા અને તેજ પ્રમાણે ભીક્ષા કરાવી.

અલવરના દિવાન મેજર રામચંદ્રજીને કાને વાત આવી કે ગામમાં એક મહાત્મા આવ્યા છે. તેમણે સ્વામીજીને પોતાને બંગલે તેડાવ્યા. જ્યારે તેમને સ્વામીજીનો બરાબર પરિચય થયો ત્યારે તેને વિચાર આવ્યો કે મહારાજા મંગલસિંહજી ઇંગ્રેજી આચાર-વિચારના થઇ ગયેલા છે, આ સ્વામીજી તેમને જલદીથી ઠેકાણે લાવશે ! આથી કરીને તેમણે મહારાજાને લખી મોકલ્યું કે ઈંગ્રેજીનું ઊંડું જ્ઞાન ધરાવનાર એક સાધુ અહીં આવેલા છે. બીજે દિવસે મહારાજા આવ્યા અને સ્વામીજી જોડે વાત કરવા લાગ્યા.

હિંદુસ્તાનના સંન્યાસીઓને–ખરા સાધુઓને- મહાપુરૂષોને પ્રાચીન રૂષિઓની માફક અધિકારીઓનો કે રાજાઓનો ડર હોતો નથી ! જેવી રીતે અન્ય પશુઓ આગળ સિંહ નિર્ભયતાથી ઉભો રહે છે તેવીજ રીતે સાચા સાધુઓ નિડર બની રાજા મહારાજાઓ આગળ વર્તે છે.

મહારાજા સ્વામીજીને પૂછવા લાગ્યા “સ્વામીજી મહારાજ ! મેં સાંભળ્યું છે કે તમે ઘણા વિદ્વાન છો અને ભારે પગાર મેળવી શકો તેમ છો, છતાં તમે શા માટે ભિખ માગતા ફરો છો ?” નિડરતા, નિસ્પૃહતા અને સત્યપરાયણતા સ્વામીજીનાં ખાસ લક્ષણો હતાં. પૂર્વ અને પશ્ચિમમાં ઘણે સ્થળે તે ગયા છે અને મોટા મોટા અમીર ઉમરાવો તથા રાજા મહારાજાઓને મળવાનો પ્રસંગ તેમને આવેલો છે. પણ સ્વામીજી જાણે કોઈ ગુરૂ પોતાના શિષ્યને મળતા હોય તેમજ તે સર્વને મળ્યા છે. તો હવે અલવરના મહારાજાને તેમના પ્રશ્નને કેવો જવાબ તેમણે આપ્યો હશે !

જાણે કે એક તોપનો ગોળો છુટીને આવતો હોય તેમ સ્વામીજીનો જવાબ આવ્યો ! તે બોલ્યા “મહારાજ ! તમે તમારો બધો સમય યુરોપિયનોની સોબતમાં શા માટે ગાળી નાંખો છો ? તમારી રાજા તરીકેની ફરજ ચુકીને તમે શિકારે શા માટે જાઓ છો?” આ સાંભળીને સઘળા અધિકારીઓ સ્તબ્ધ બની ગયા. તેઓ જરા ડરીને મનમાં કહેવા લાગ્યા “આ સાધુ કેવો હિંમતવાન છે ! પણ એને પસ્તાવું પડશે.” રાજા શાંતપણે સાંભળી રહ્યા અને બોલ્યા “કોણ જાણે શામાટે, પણ મને તે પસંદ પડે છે !” સ્વામીજીએ જવાબ આપ્યો છે “ત્યારે હું પણ તેવીજ રીતે એક ફકીરની માફક રખડું છું.”

મહારાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો “સ્વામીજી, મને મૂર્તિપૂજા ઉપર જરાપણ શ્રદ્ધા નથી. મારું શું થશે ?” આમ બોલતે બોલતે રાજા હસવા લાગ્યા ! સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા “શું તમે મારી મશ્કરી કરો છો ?” રાજાએ જવાબ આપ્યો “નહીં, સ્વામીજી જરાયે નહીં. ખરેખર, બીજા લોકોની માફક લાકડાની, માટીની, પથ્થરની કે ધાતુની મૂર્તિને પૂજવાનું મને જરાયે મન થતું નથી. શું આવતા જન્મમાં મારી માઠી વલે થશે ?” એક ભીંત ઉપર મહારાજાની છબી ટાંગેલી દેખાતી હતી. એકદમ સ્વામીજીએ તે મંગાવી અને તેને હાથમાં લઈને દિવાનને પુછવા લાગ્યા “આ છબી કોની છે?” દિવાને જવાબ આપ્યો "તે અમારા મહારાજ સાહેબની છે !” સ્વામીજીએ દિવાનને તેના ઉપર થુંકવાનું કહ્યું ! આ સાંભળીને સઘળા અધિકારીઓ તો ડરીજ ગયા ! સ્વામીજી બોલ્યા "એના ઉપર થુંકો ! તમારામાંથી કોઈ એના ઉપર થુંકશે ? એ એક કાગળનો કકડો છે; એના ઉપર થુંકવામાં તમને શી હરકત છે ?” દિવાન સાહેબ ચકિત થઈ ગયા અને સઘળા શ્રોતાઓ ભય અને આશ્ચર્યથી રાજા અને સ્વામીજી તરફ જોઈ રહ્યા ! પણ સ્વામીજી ફરી ફરીને કહેવા લાગ્યા “એના ઉપર થુંકો ! એના ઉપર થુંકો !” દિવાન સાહેબ ગભરાયા અને બોલી ઉઠ્યા “આ શું કહો છો. સ્વામીજી ! આ અમારા મહારાજ સાહેબની છબી છે; તેના ઉપર હું શી રીતે થુંકી શકું ?” સ્વામીજી બોલ્યા “પણ તમારા મહારાજ એમાં કંઈ બેઠેલા નથી ! એ તો એક કાગળના કકડો છે ! તમારા મહારાજાનાં હાડકાં, માંસ કે લોહી તેમાં નથી ! મહારાજાની માફક તે બોલતી નથી કે ચાલતી નથી ! છતાં પણ તેના ઉપર થુંકવાની તમે ના પાડો છો ! તેનું કારણ એજ કે તેમાં તમે મહારાજાની છાયા જુવો છો. તેના ઉપર થુંકવાથી તમે તમારા મહારાજા સાહેબનું અપમાન કરશો એમ તમને લાગે છે.” મહારાજા તરફ વળીને સ્વામીજી કહેવા લાગ્યા “મહારાજ સાહેબ, એક રીતે તમે પોતે આ છબી નથી, તોપણ બીજી રીતે તમે પોતેજ તે છો ! આથી કરીને જ આ તમારા અધિકારીઓ તેના ઉપર થુંકતાં આંચકો ખાય છે. આ છબી માત્ર તમારી છાયા રૂપજ છે, તો પણ તેને જોવાથી તેમને તમારું સ્મરણ થાય છે અને તેના તરફ નજર કરતાં તમેજ તે છો એમ તેમને જણાય છે. આથી કરીને જેવી રીતે તેઓ તમને માન આપે તેવીજ રીતે તેઓ તમારી છબીને પણ માન આપે છે. પ્રભુની પ્રતિમાને પૂજનાર ભક્તોની બાબતમાં પણ તેમજ છે. પ્રતિમા તેમને તેમના ઈષ્ટદેવનું સ્મરણ કરાવે છે, અથવા પ્રભુના ગુણોનું ભાન કરાવે છે. પ્રતિમાથી તેમના વિચારો એકાગ્રતાને પામે છે અને દૈવી ગુણો તેમનામાં ઉતરે છે. તે પથ્થરને લોકો પથ્થર તરીકેજ પૂજતા નથી. મેં ઘણાં સ્થાનોમાં પર્યટણ કરેલું છે; પણ કોઇ સ્થળે કોઈ પણ હિંદુને “ઓ પથ્થર, હું તારી પૂજા કરું છું ! મારા તરફ દયાલુ થા !” એવું કહીને પૂજા કરતો જોયો નથી, મહારાજા ! સર્વે પ્રભુનેજ પૂજે છે.” હવે મહારાજા મંગલસિંગજી હાથ જોડીને કહેવા લાગ્યા “બાપજી, તમારા કહ્યા પ્રમાણે પથ્થરની પૂજા કરતો તો મેં પણ એકે મનુષ્ય જોયો નથી. અત્યાર સુધી મૂર્તિ પૂજાનું રહસ્ય હું જાણતો નહોતો. તમેજ મારી આંખો ઉઘાડી છે.”

સ્વામીજી એ પછી રજા લઈને સભામાંથી ચાલ્યા ગયા. મંગલસિંગજી વિચાર કરતા બેસીજ રહ્યા અને બોલ્યા “દિવાનજી, આવા મહાત્માને મેં કદી જોયા નથી. તે અહીં થોડો વખત વધુ રહે તેમ કરજો.”

ઘણી અરજ કર્યા પછી સ્વામીજીએ થોડોક વખત રહેવાની હા પાડી; પણ એમણે એક શરત કરી કે સઘળા લોકો, ગરીબ અને તવંગર, સર્વને સરખીજ રીતે તેમની પાસે આવવા દેવા.

ઘણા માણસો તેમની પાસે આવવા લાગ્યા. યુવાન અને વૃદ્ધ તેમનો લાભ લેવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય દરરોજ તેમની પાસે આવતો અને પ્રભુકૃપા શી રીતે થાય તે પુછતો. સ્વામીજીએ તેને કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવાનું બતાવ્યું. પણ તે ક્રિયાઓ એ કરે નહીં અને પ્રભુકૃપા કેમ થાય તેજ પુછ્યા કરે ! સ્વામીજી તેનાથી કંટાળ્યા અને એક દિવસ તેને આવતો જોઈ મૌન ધારણ કરી રહ્યા. તે વૃદ્ધે ઘણાએ પ્રશ્ન પુછ્યા, પણ સ્વામીજીએ એકનો પણ ઉત્તર આપ્યો નહીં. અંતે તે કંટાળ્યો અને ચાલતો થયો. તેના ગયા પછી સ્વામીજી ખડખડ હસી પડ્યા. બીજાઓ પણ હસવા લાગ્યા. એક યુવાન તેમને પૂછવા લાગ્યો “ મહારાજ, તે વૃદ્ધ માણસ તરફ તમે એટલા નિર્દય કેમ થયા ?” સ્વામીજી સઘળા યુવાનો તરફ જોઈને બોલ્યા “તમો યુવાનોને માટે હું મારા પ્રાણનો પણ ત્યાગ કરવાને માટે તૈયાર છું; કેમકે હું જે કહીશ તે પ્રમાણે કરવાને તમે તૈયાર છો અને તમારામાં શક્તિ પણ છે; પરંતુ આ ડોસાએ પોતાની લગભગ આખી જીંદગી મોજશોખમાં ગાળી અને જ્યારે હવે તે વ્યવહારિક કે ધાર્મિક, કોઈ પણ કાર્ય કરવાને માટે અશક્ત છે ત્યારે પ્રભુકૃપાને ઇચ્છે છે ! પ્રભુકૃપા કંઈ વિના પ્રયાસ થાય છે ? સત્યને શોધવાને માટે અને પાલન કરવા માટે પુરૂષાર્થ કરવું જોઈએ. પુરૂષાર્થ રહિત મનુષ્ય ઉપર ઈશ્વરકૃપા શી રીતે થાય ?”

સ્વામીજીના બોધથી ઘણા યુવાનો સંસ્કૃતનો અભ્યાસ કરવા લાગ્યા. સ્વામીજી જાતે પણ તેમને કેટલીક વખત શિખવતા. શિખવતે શિખવતે તેમને તે બોધ આપતા કે “સંસ્કૃતનો અભ્યાસ કરો અને સાથે સાથે પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રનો પણ અભ્યાસ કરો. દરેક બાબતમાં વ્યવસ્થિતપણું શિખો. અભ્યાસ કરો અને કાર્ય કરો કે જેથી કરીને તમે આપણી માતૃભૂમિના ઇતિહાસને વ્યવસ્થિતપણે ગોઠવી શકો. આપણી ભૂમિનો ઇતિહાસ અંગ્રેજ લોકોએ લખ્યો છે પણ તે આપણાં હૃદયને દુર્બલ બનાવે છે, કારણકે તેમાં ઘણું ખરૂં આપણી પડતીનોજ ચિતાર આવે છે. આપણી રીતભાત, રિવાજો, ધર્મ કે તત્ત્વજ્ઞાનને સમજી શકે નહીં એવા અંગ્રેજો ભારતવર્ષનો ખરો ઇતિહાસ શી રીતે લખી શકે? આપણા ઇતિહાસ વિષે આપણે શોધખોળ કેવી રીતે કરવી તે આપણને યુરોપિયનોએ શિખવ્યું છે. હવે આ બાબતમાં આપણે સ્વતંત્રપણે કામ કરવાનું છે. વેદ, પુરાણ અને પ્રાચીન હિંદનાં ઐતિહાસિક વર્ણનનો અભ્યાસ કરી અને તે ઉપરથી ભારત વર્ષનો ખરો, સહાનુભૂતિદર્શક અને હૃદયભેદક ઇતિહાસ લખો. શિવાજીના જીવનનો અભ્યાસ કરો અને તમને સમજાશે કે તે યુરોપિયનો લખે છે તેમ એક લુંટારો નહોતો, પણ એક પ્રજાનું બંધારણ બાંધનારો મહાપુરૂષ હતો. યુરોપિયન કૃત ઇતિહાસોથી આપણે દોરવાઈ જવું ન જોઈએ. જેને તે સમજી શકતા નથી એવા આપણા પ્રાચીન શિક્ષણને માટે તેમને શું ભાન હોય ? વૈદિક કાળથી તે બુદ્ધ પછીનાં ૭ હજારવર્ષો સુધીનો એકત્ર ઇતિહાસ આપણી પાસે નથી. અલબત, હવે આ બાબતમાં નવીનજ પ્રયાસ શરૂ થવા માંડ્યા છે; પણ હિંદુઓએ જ પોતાનો ઇતિહાસ લખવો જોઈએ. આજ ખરું પ્રજાકીય શિક્ષણ છે અને તેની સાથેજ પ્રજાત્વનું ખરું ભાન આવી રહેશે.”

આ પ્રમાણે યુવાનોને શિખવતા, બોધ આપતા અને તેમનું ચારિત્ર્ય ઘડતા સ્વામીજી કેટલાક દિવસ અહીં રહ્યા. અહિં ઘણા પુરૂષો તેમના શિષ્ય થયા હતા. નાના મોટા સૌ એમને ચ્હાતા અને દિવસનો થોડોક સમય પણ તેમની પાસે ગાળતા.

સ્વામીજી અલવર છોડીને ગયા ત્યારે અનેક માણસો પગે ચાલતા ચાલતા પચાસ સાઠ માઇલ સુધી તેમને વળાવવાને માટે ગયા હતા.

અલવરથી સ્વામીજી પગ રસ્તે ખેત્રી ગયા. સાઠ માઈલ સુધી તેમના શિષ્યો તેમની સાથે સાથે આવ્યા. રસ્તામાં મુકામ દેવસ્થાનવાળાં સ્થળોમાંજ થતો.

એક સ્થળે નીલકંઠ મહાદેવનું સ્થાન હતું. ત્યાં જતાં રસ્તામાં સ્વામીજીએ પોતાની સાથેના શિષ્યોને અનેક બોધક રસપ્રદ વાર્તાઓ કહી સંભળાવી. દેવાલય આવ્યું એટલે મહાદેવની પ્રતિમા આગળ બેસીને સ્વામીજીએ નીલકંઠ નામ શી રીતે પડ્યું તે વિષેની પ્રાચીન કથા તેમને કહેવા માંડી. દેવોએ સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી વિષ નીકળ્યું ત્યારે તેનું પાન મહાદેવજી કરી ગયા અને તેમનો કંઠ કાળો થઈ રહ્યા. આથી તે નીલકંઠ કહેવાયા.

સમુદ્ર મંથનમાંથી નીકળતાં સુખદાયક રત્નોની તેમને પરવા નહોતી અને તેથી ઘણે દૂર કૈલાસમાંજ તે બેસી રહ્યા હતા; પણ જ્યારે દેવતાઓએ વિષથી ડરીને તેમની મદદ માગી ત્યારે તે એકદમ આવ્યા અને વિષનું પાન કરી ગયા ! જગતના સુખને માટે પોતાનો જીવ તેમણે જોખમમાં નાંખ્યો. કેવો સ્વાર્થ ત્યાગ ! સઘળા દેવ માયાને વશ થયા, તેનાં મીઠાં ફળ ચાખવાને સૌ આવ્યા; પણ તેનું અનિષ્ટ ફળ ભોગવવું સૌને અઘરું થઈ પડયું ! ભાયાતીત-સાધુ-મહાદેવ મૃત્યુથી નહીં ડરતાં સૌની વારે ધાયા અને તેમને બચાવ્યા. કેવી સુંદર કથા !

સ્વામીજીએ પોતાના શિષ્યોને અહીંથી પાછા વિદાય કર્યા અને પોતે એકલા આગળ ચાલતા થયા. અહીંથી તે જયપુર ગયા અને રાજાના પરોણા તરીકે થોડોક સમય રહ્યા. જયપુરમાં એક પંડિત પાસે પાણિનિ કૃત અષ્ટાધ્યાયી પુરી કર્યા પછી તે આબુ ગયા. ત્યાં જૈનોએ બંધાવેલાં સુંદર દેવાલયો તેમણે જોયાં અને ભારતવર્ષની કારિગીરી ઉપર વિચાર કરવા લાગ્યા. એક વખત આબુ ઉપર એક સ્થળમાં સ્વામીજી એકલી કૌપીન ધારણ કરીને એક ખુણે પડ્યા પડ્યા આરામ લેતા હતા. ખેત્રીના મહારાજાના ખાનગી કારભારી મુનશી જગમોહનલાલ ત્યાં આગળ થઈને નીકળ્યા તેમણે તેમને જોયા. એટલામાં સ્વામીજી જાગી ઉઠયા. પાશ્ચાત્ય વિદ્યાથી અલંકૃત થયેલા જગમોહનલાલના મનથી સઘળા સાધુઓ પેટભરાજ લાગતા હતા. સ્વામીજી જોડે વાત કરતાં તેમનો ગર્વ ઉતરી ગયો અને ત્યાગ ધર્મની મહત્તા તેમને સમજાઈ. સ્વામીજીના બોધની એમના ઉપર એટલી બધી અસર થઈ કે એમણે એમના રાજાને વાત કરી અને રાજાજી બોલ્યા “હું જાતે જઈને તેમને મળીશ.” મહારાજાનો આ ઇરાદો સાંભળીને સ્વામીજી જાતેજ તેમને ઉતારે ગયા.

ખેત્રીના મહારાજાએ સ્વામીજીનો ઘણોજ આદર સત્કાર કર્યો. કેટલાક દિવસ સુધી રાજાએ સ્વામીજીનો સમાગમ કર્યો. અંતે તેઓ બહુ આગ્રહ કરીને સ્વામીજીને ખેત્રી તેડી ગયા અને તેમના સત્સમાગમનો પુષ્કળ લાભ લેવા લાગ્યા. સ્વામીજીએ અહિં એક પંડિત પાસે પતંજલીકૃત મહાભાષ્ય શિખવા માંડ્યું. થોડાજ વખતમાં તે ગ્રંથ પુરો થઈ જઈ શિષ્ય પાછા ગુરૂ થઈ રહ્યા ! એક વખત મહારાજાએ સ્વામીજીને એક પુસ્તક વાંચતા જોયા. તેઓ એટલી ઝડપથી વાંચતા કે જાણે પાના ઉથલાવ્યા કરતા હતા. કોઈ કોઈ જગાએ તે ઉંડા મનનમાં પણ પડી જતા. આ જોઈ મહારાજા બોલી ઉઠ્યા "સ્વામીજી, આટલું જલદી તમે શી રીતે વાંચી શકો છો ?” સ્વામીજીએ જવાબ આપ્યો “બાળક પ્રથમ એકએક અક્ષર વાંચે છે પછીથી તેની દ્રષ્ટિ એકેક શબ્દનું ગ્રહણ કરે છે, અને મોટું થતાં તે વાક્યોનું ગ્રહણ કરે છે. આમ ધીમે ધીમે જેમ સમજશક્તિ વધતી જાય છે તેમ તેમ તેની દ્રષ્ટિ મોટા મોટા ફકરાઓને પણ જલદીથી ગ્રહી લે છે. આ સઘળાનો આધાર અભ્યાસ, અસ્ખલિત બ્રહ્મચર્ય અને મનની ગ્રહણ શક્તિ ઉપર રહેલો છે. ગમે તે પ્રયાસ કરે અને તેનો તેજ અનુભવ સૌને થશે.”

મહારાજા અનેક વિષયો પર પ્રશ્ન પૂછતા. જીવન શું છે? કેળવણી શું છે ? કાયદો શું છે ? ઉત્તર આપતે આપતે સ્વામીજી સાંખ્યશાસ્ત્ર અને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રની એકવાક્યતા દર્શાવવા લાગ્યા અને રાજ્યમાં વિજ્ઞાનશાસ્ત્રની કેળવણી આપવાનું રાજાને સુચવવા લાગ્યા. રાજાનો સ્વામીજી પ્રત્યેનો ભાવ અપૂર્વ હતો. રાજાજી તેમની સેવા કરતા અને તે એટલે સુધી કે સ્વામીજીના પગ પોતે જાતે દાબતા ! સ્વામીજી ના કહેતા પણ રાજાજી બોલતા “હું તમારો શિષ્ય છું. તમે મારા હક્ક ગુમાવો નહીં.” ભારતવર્ષના કલ્યાણની અનેક યોજનાઓમાં સ્વામીજીને મદદ કરવાને આ મહારાજા સર્વદા તૈયારજ રહેતા. સ્વામીજી પણ તેમનો સાચો ભાવ જોઈને તેમના ઉપર અત્યંત પ્રીતિ રાખતા અને વખતો વખત પત્રથી તેમના અને જનસમાજના હિતનો બોધ આપ્યા કરતા.

એક વખત ગ્રીષ્મ રૂતુમાં મહારાજા અજીતસિંહજી બહાદુર કેટલાક મિત્રો સાથે પોતાના એક મહેલમાં બેઠા હતા. એ વખતે મહારાજાએ સ્વામીજીને બોલાવવાને પોતાના ખાનગી કારભારીને મોકલ્યા. સ્વામીજી આવ્યા અને મહારાજા જોડે વાત કરવા લાગ્યા. એટલામાં મહારાજાએ એક કન્યાને ગાવાનો હુકમ કર્યો. તેણે ગાવા માંડ્યું એટલે સ્વામીજીએ ઉઠીને ચાલવા માંડ્યું. મહારાજાએ ઘણોજ આગ્રહ કર્યો અને કહ્યું “સ્વામીજી, એનું ગાયન હૃદયમાં ઘણા ઉચ્ચ ભાવોને જગાડે તેવું છે.” સ્વામીજીએ એકાદ ગાયન સાંભળીને જવાનો વિચાર કર્યો અને પાછા ત્યાં બેઠા. આસપાસ પવનની લહેરો આવી રહી હતી. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી. વાદ્યના સુર સાથે તે કન્યાનો સુર ભળી જતો હતો અને તેનું ગાયન ઘણુંજ મધુર બની રહ્યું હતું.

ગાયનને જે સમજે તેનાજ હૃદયમાં તેમના અનેક ભાવ ઉત્પન્ન થઈ શકે છે. સ્વામીજી જેવા સંગીતવેત્તા, ગાયનના ઉસ્તાદ, સંગીતના પરિક્ષક અને જ્ઞાની પુરૂષના મનમાં ઉત્તમ કોટીના ગાયનથી આધ્યાત્મિક ભાવો ઉછળી રહે એમાં નવાઈ નથી.

આજકાલ સંગીતમાં શૃંગાર રસનેજ પ્રધાનપદ આપવામાં આવે છે, ગાનાર અને સાંભળનાર શૃંગારનેજ ચ્હાય છે, તેમજ સંગીત વિદ્યાના નિયમોનું પણ બરાબર પાલન થતું નથી. નહિ તો સંગીત એ પાંચમો વેદ છે અને મનને એકાગ્ર કરી ઈશ્વરમાં લગાડવાનું અતિ ઉપયોગી સાધન છે.

સંગીતની આ મહત્તા આજકાલ ભૂલી જવાઈ છે તેથીજ એ ધંધો અધમ ગણાય છે. મહારાજા અજીતસિંહજીના દરબારમાં તેમ નહોતું. પ્રભુના પરમભક્ત સુરદાસકૃત ભજન તે કન્યા ગાઈ રહી હતી. પ્રભુની સર્વ વ્યાપકતા અને અનેકવિધ મહત્તાનું જ તે પ્રતિપાદન કરી રહ્યું હતું. ભજનના સુંદર શબ્દોમાં એક ભક્તની આત્મસાક્ષાત્કારને માટે તાલાવેલી જણાઈ આવતી હતી. કન્યા ઘણા ઉલ્લાસથી અને ભક્તિભાવથી તે ગાઈ રહી હતી.

સ્વામીજી સાંભળતે સાંભળતે સ્થિર થઈ ગયા. તેમના મુખ ઉપર અત્યંત તેજ છવાઈ રહ્યું. એક સમાધિનિષ્ટ જેવા તે જણાવા લાગ્યા. બ્રહ્મભાવ તેમના હૃદયમાં ઉછળી રહ્યો. તેઓ ભાવસમાધિમાં સ્થિર થઈ ગયા. કન્યાએ એવા ભાવ અને ઉંડી લાગણીથી ગાયું હતું કે તેના શબ્દોએ સ્વામીજીના હૃદયમાં અદ્ભુત આધ્યાત્મિક ભાવ જગાડ્યા હતા. ગાયન પુરું થયા પછી સ્વામીજીએ “ધન્ય માતા” કહીને ધન્યવાદ આપ્યો.