સ્વામી વિવેકાનંદ/ગુજરાત-કાઠીઆવાડ અને મુંબઈ ઈલાકામાં

વિકિસ્રોતમાંથી
← દીલ્લી અને અલવર સ્વામી વિવેકાનંદ
ગુજરાત-કાઠીઆવાડ અને મુંબઈ ઈલાકામાં
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
કન્યાકુમારીમાં →


પ્રકરણ ૨૮ મું – ગુજરાત-કાઠીયાવાડ અને મુંબઈ ઇલાકામાં.

સંન્યાસીએ ઘણો વખત એકજ સ્થળમાં રહેવું ન જોઈએ, એવો વિચાર કરીને સ્વામીજી હવે અજમેર ગયા અને ત્યાં થોડો વખત રહીને અમદાવાદમાં આવ્યા. ગુજરાતના બાદશાહોએ બંધાવેલાં ઐતિહાસિક સ્થળો તેમણે અહીંઆં જોયાં. થોડોક વખત અહીં રહ્યા પછી સ્વામીજી વઢવાણ થઈને લીંબડી ગયા. કોઈનું ઓળખાણ મળે નહિ અને સ્વામીજી ક્યાં ઉતરવું તેના વિચારમાં પડી ગયા. સાધુઓને ઉતરવાનું એક સ્થળ તેમને બતાવવામાં આવ્યું. સ્વામીજી ત્યાં ગયા અને થોડોક વખત રહ્યા. તેમને માલમ પડી આવ્યું કે તે સ્થળમાં સ્ત્રીઓ અને પુરૂષો સાથે રહે છે અને તેઓ ધર્મને નામે અનાચાર કરે છે ! દુનિયાદારીના અનુભવ વગરના સ્વામીજી ગભરાયા અને હવે ક્યાં જવું તેનો વિચાર કરવા લાગ્યા. તે સ્થળનાં માણસોએ ચારે બાજુનાં બારણાં બંધ કરી સ્વામીજીને અંદર પુરી રાખ્યા. તેમને જણાવવામાં આવ્યું કે તેમણે તેમના બ્રહ્મચર્યનો ભંગ કરવોજ પડશે. તેઓએ કહ્યું “તમે સાધુ છો ! તમારું શરીર સુંદર છે ! ઘણાં વર્ષ સુધી તમે બ્રહ્મચર્યનું પાલન કરેલું છે તો એવા મહાત્માની સર્વ પ્રકારની સેવાનો લાભ અમને મળવો જ જોઈએ. અમારે એક સાધના સાધવાની છે !” સ્વામીજી બહુજ મુશ્કેલીમાં આવી પડ્યા અને હવે અહીંઆંથી કેવી રીતે છૂટવું તેનો વિચાર કરવા લાગ્યા.

એક નાનો છોકરો સ્વામીજીની પાસે આવતો હતો. તેને સ્વામીજીએ પોતાની હકીકત કહી. તે છોકરાએ પોતાનાથી બનતું કરવાનું કહ્યું. સ્વામીજીએ એક ઠીંકરાના કડકા ઉપર પોતાની હકીકત કોયલા વડે ટુંકમાં લખી કહાડી અને તે બોલ્યા: “તારા ધોતીયામાં સંતાડીને આ લઈ જા અને લીંબડીના રાજા સાહેબને જલદીથી આપ અને મારી સઘળી હકીકત તેમને કહે.” છોકરાએ રાજા સાહેબ પાસે જઇને સઘળી હકીકત જાહેર કરી. રાજા સાહેબે માણસો મોકલીને સ્વામીજીને છોડાવ્યા અને તે સ્થળ ઉપર જાપતો રાખ્યો.

હવેથી સ્વામીજી મહારાજ સાહેબના અતિથિ થઈને રહ્યા. અહીંઆં ઘણા પંડિતો સાથે સંસ્કૃતમાં તેમણે શાસ્ત્ર ચર્ચા કરી. ગોવર્ધન મઠના શ્રીમદ્‌ શંકરાચાર્ય આ વખતે ત્યાં હાજર હતા; તે સ્વામીજીના જ્ઞાનથી બહુજ પ્રસન્ન થયા અને જુના વિચારના પંડિતો સાથે વાદવિવાદ કરવામાં સ્વામીજીએ જે સહિષ્ણુતા દર્શાવી હતી તેનાં ભારે વખાણ કરવા લાગ્યા.

લીંબડીથી તે જૂનાગઢ ગયા. જૂનાગઢની મુલાકાત વિષે લખતાં રા. રા. છગનલાલ હરિલાલ પંડ્યા લખે છે કે, “સ્વામીજીનું સાદુ જીવન, અદાંભિકપણું, વિવિધ કળા અને વિજ્ઞાનનું તેમનું ઉંડું જ્ઞાન, તેમના વિચારોની વિશાળતા, ધર્મનિષ્ટા, હૃદયભેદક વક્તૃત્વશક્તિ, આકર્ષક શક્તિઓ અને અસાધારણ વ્યક્તિત્વ – આ સર્વથી અમારાં મન ઉપર ભારે અસર થઈ. આ સદ્‌ગુણોની સાથે વળી સંગીતમાં તે ઉસ્તાદ હતા અને પાકશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. અમને તેમના તરફ પૂજ્યભાવ હતો.”

જૂનાગઢમાં વાતચિત કરતાં સ્વામીજીએ ક્રાઈસ્ટના સાધુ જીવનથી પાશ્ચાત્ય પ્રજાઓના આચાર, વિચાર, રહેણી કરણી, સાહિત્ય, સામાજીક રિવાજો અને કાયદાઓ ઉપર કેવી ભારે અસર થઈ રહી હતી તે સર્વને સમજાવ્યું. યુરોપમાં મધ્યકાળની જાહોજલાલી, રાફેલનાં ચિત્રો, સેંટ ફ્રાન્સસીસની ભક્તિ, ગોથીક દેવાલયોની સ્થાપના, ક્રુઝેડ્ઝ અને ઘણાં રાજકીય બંધારણોનું અસ્તિત્વ, એ સર્વ ક્રાઈસ્ટ જેવા સંન્યાસીના બોધનાંજ પરિણામ હતાં એમ તેમણે જણાવ્યું. તેમણે દિલગીરી દર્શાવી કે ઘણા ખરા પાદરીઓ હજી ક્રાઇસ્ટનું જીવન બરાબર સમજતા નથી અને તેના બોધ પ્રમાણે પોતાનું જીવન ગાળતા નથી. ક્રાઈસ્ટે કોઈ પણ ધર્મને વખોડ્યો નથી કે કોઈ પણ પ્રજાનો તિરસ્કાર કર્યો નથી. છતાં અફસોસ, તેના અનુયાયીઓ આજે કેવું જીવન ગાળી રહેલા છે ! પછી તેમણે હિંદુધર્મની પાશ્ચાત્ય ધર્મવિચાર ઉપર કેવી અસર થઈ રહી હતી અને મધ્ય તથા પશ્ચિમ એશીઆમાં વિચારોની કેવી આપ લે થઈ રહી હતી તે જણાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ હિંદુધર્મનું મહત્વ કેટલું બધું છે, પ્રાચીન હિંદના શિક્ષણની મહત્તા કેટલી છે અને જગતમાં ધાર્મિક વિચારોને ફેલાવવામાં હિંદુઓનો આધ્યાત્મિક અનુભવ હવે કેવો ઉપયોગી થઈ પડશે, તે તેમણે ઘણી જ વિશાળ દૃષ્ટિથી સમજાવ્યું. સનાતન ધર્મની ખુબીઓ જણાવી; સર્વ સામાન્ય સિદ્ધાંતોની કસોટિએ તેમને ચ્હડાવીને પ્રાચીન ઋષિઓની દીર્ઘ દૃષ્ટિનું ભાન કરાવ્યું અને આખરે શ્રીરામકૃષ્ણ પરમહંસની જીવનકથા કહી સંભળાવી.

હિંદની ભવ્ય પ્રાચીન ઇમારતો અને ખંડેરો જોઈને સ્વામીજી ઘણાજ ખુશી થતા. જૂનાગઢમાં તે જોવાની તેમને સારી તક મળી. ગિરનાર પર્વત ઉપર હિંદુઓ, જૈન અને બૌદ્ધોનાં અનેક દેવાલયો આવેલાં છે. સ્વામીજી ગિરનાર ઉપર ચ્હડ્યા અને ઘણા ભાવથી તે પ્રાચીન સ્થળો જોવા લાગ્યા. ઉંચામાં ઉંચા એક શિખર ઉપર જઈને તે બેઠા અને ત્યાંથી સમસ્ત ભારતવર્ષ ઉપર તે પોતાની દૃષ્ટિ નાંખવા લાગ્યા. આખું ભારતવર્ષ એક તીર્થસ્થાન જેવું તેમને જણાવ્યું. નાની નાની દેહેરીઓ અને મંદિરવાળું જાણે કે તે એક ભવ્ય દેવાલય હોય એમ તેમને ભાસ્યું. મહાભારતના સમયની કીર્તિ તે નિહાળવા લાગ્યા. ત્યાંથી ઉતરીને એક ગુફામાં જઈને તે બેઠા અને કેટલાક દિવસ સુધી ત્યાં એકાંતમાં રહ્યા.

ઉપર ઉપરથી જોનારને એમજ લાગશે કે સ્વામી વિવેકાનંદ હિંદના રાજા મહારાજાઓના મહેલમાંજ પોતાનો સમય ગાળી રહ્યા હતા અને સામાન્ય જનસમૂહ સાથે તે ભળતા નહોતા ! પણ જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે રાજાઓ જોડે રહેવામાં પણ તેમનો અતિ ઉપકારક હેતુ રહેલો હતો. રાજાઓ ઉપર તેમની પ્રજાઓના કલ્યાણનો અને ઉદયનો આધાર રહેલો છે. તેઓ પોતાનાં રાજ્યોમાં સુધારો, કેળવણીનો વધારો અને લોકોપયોગી સંસ્થાઓની સ્થાપના કરી શકે તેમ છે. સ્વામીજીનું ચિત્ત સર્વદા સામાન્ય જનસમૂહ તરફજ હતું. તેમનું કલ્યાણ સાધવાનેજ તે પ્રવાસે નીકળ્યા હતા અને તેને માટેજ તે રાજા મહારાજાઓ સાથે વસતા હતા. રાજાઓ ધાર્મિક અને, સ્વધર્મને સમજે, લોકકલ્યાણને માટેજ રાજ્ય કરે અને રાજ્યનો પૈસો મોજશોખ, પરદેશગમન કે શિકારાદિ ગમતોમાં ખર્ચી ન નાંખે એવો ઉપદેશ તેમને કરવાનેજ સ્વામીજી તેમની સાથે ભળતા હતા. સ્વામીજી સમજતા હતા કે “જેમના હાથમાં પુષ્કળ દ્રવ્ય છે અને જેમના હાથમાં લાખો મનુષ્યનું ભવિષ્ય રહેલું છે, તેવામાંના એકને પણ જો હું મારા વિચાર સમજાવી શકું તો લાખો મનુષ્યોનું કલ્યાણ થાય.” મહેલમાં તે રહેતા, પણ હમેશાં રાજાઓ જોડે એવી શરત કરતા કે સઘળા લોકોને તેમની પાસે આવવા દેવા. પોતે જાતે પણ ઘણી વખત ગરીબોને ઘેર પગે ચાલતા જતા અને તેમના ભાવથી વધારે ખુશી થતા.

જૂનાગઢથી તે ભુજ ગયા અને ત્યાંના દિવાનને ઘેર મુકામ કર્યો. દિવાન સાથે તેમણે ઉદ્યોગ, ખેતીવાડી અને અર્થશાસ્ત્રના અનેક પ્રશ્નો ઉપર ચર્ચા કરી. જનસમૂહમાં કેળવણી ફેલાવવાનો આગ્રહ કર્યો. જે જે સ્થળે સ્વામીજી જતા તે તે સ્થળની આર્થિક સ્થિતિનો તે અભ્યાસ કરતા. ખેડુતવર્ગની હાલત અને જમીનની પેદાશ વિષે તે ઉંડો વિચાર કરતા. કારીગર અને મજૂરવર્ગની સ્થિતિમાં સુધારો થાય એવું સાધન વિચારવાને તેમનું હૃદય અનેક પ્રયાસો કરી રહ્યું હતું. પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શાવેલા માર્ગે દરેક હિંદુ રાજા પોતાનું રાજ્ય ચલાવે એમ તેમની પ્રબળ ઈચ્છા હતી. અધિકારીઓને તેમની જવાબદારીનું તે પુરેપુરું ભાન કરાવતા અને પ્રજાના દ્રવ્યના પાલક અને તેના કલ્યાણના સાધક તેઓ છે એમ તેમના મનમાં ઠસાવતા. જે જે રાજ્યમાં તે ગયા છે તે તે રાજ્યના દિવાનને સ્વામીજીએ પ્રજાની ઉત્પાદક શક્તિ વધારવાની જરૂરીયાત સમજાવી છે, આર્યોની રાજ્યપદ્ધતિ બતાવી છે અને જનસમૂહની સ્થિતિ સુધારવાની આવશ્યકતા દર્શાવી છે.

ભુજથી તે પ્રભાસપાટણ ગયા અને ત્યાંથી પોરબંદર ગયા. અહીંઆં તે રાજાના અતિથિ તરીકે રહ્યા. તેમના એક ગુરૂભાઈ સ્વામી ત્રિગુણાતીત તેમને ખોળતા ખોળતા અહીં આવી પહોંચ્યા. પણ સ્વામીજીએ તેમને ઠપકો આપ્યો અને તેમની પાસે ફરીથી નહિ આવવાનું કહ્યું. સ્વામીજી સદા એકાન્તવાસ અને ગુરૂભાઈઓથી દૂર રહેવાનું વધારે પસંદ કરતા હતા.

પોરબંદરના દરબારમાં શંકર પાંડુરંગ નામનો એક પંડિત હતો. વેદોનું ભાષાંતર કરવાનું કાર્ય તે કરતો હતો. તેણે સ્વામીજીને તે કાર્યમાં મદદ કરવાની અરજ કરી. સ્વામીજીએ હા પાડી અને બંને જણ ઘણા ઉલ્લાસથી ભાષાંતર કરવા લાગ્યા. અહીંઆં સ્વામીજીએ પતંજલિના મહાભાષ્યનું અધ્યયન પુરું કર્યું. તે પછી પંડિતની સલાહથી તેમણે ફ્રેંચ ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. સ્વામીજીમાં અસાધારણ બુદ્ધિ અને ઉંડા જ્ઞાનનો પરિચય થવાથી પંડિત શંકર પાંડુરંગ તેમને એક દિવસ કહેવા લાગ્યા : “સ્વામીજી, મને લાગે છે કે તમે આ દેશમાં કંઈ વધારે કરી શકશો નહિ. થોડાકજ તમારા કાર્યની કદર કરી શકશે. તમે પાશ્ચાત્ય દેશોમાં જાઓ, ત્યાં લોકો તમારૂં કહેવું સમજી શકશે અને તમારા કાર્યની કદર કરશે. પશ્ચિમમાં સનાતન ધર્મના સિદ્ધાંતનો ઉપદેશ કરીને તમે પાશ્ચાત્ય વિદ્યા ઉપર એક પ્રકારનું નવું જ અજવાળું પાડી શકશો.” સ્વામીજી સાંભળી રહ્યા. તેમને લાગ્યું કે આ પંડિત ખરૂંજ કહે છે. બીજા પંડિતો પણ તેમને કહેવા લાગ્યાઃ “ખરેખર, સ્વામીજી તમે પશ્ચિમમાં જાઓ અને ત્યાં તમારા વિચારોથી જય મેળવીને પાછા આવો, અને પછી જુઓ કે તમારા દેશબંધુઓ, તમારા વિચારોને કેવા અનુસરે છે !”

જુના વિચારના પુરૂષોના કુવામાંના દેડકા જેવા સંકુચિત વિચાર અને સુધારકોનું પરદેશીઓનું અંધ અનુકરણ, એ બંને ભૂલો સ્વામીજીની નજરે આવી રહી હતી. જેઓ ભારતવર્ષની પ્રજાના નેતાઓ થઈને ફરે છે તેમનું જ્ઞાન અસંસ્કારી છે, અને ચારિત્રમંદ છે, એમ તેમને લાગતું હતું. સર્વત્ર ઈર્ષા, દુશ્મનાવટ અને કુસંપ તે જોતા હતા; પણ આ ઉપરની સપાટીની નીચે હૃદય તો આર્ય પ્રજાનું જ રહેલું છે, એમ તેમનું માનવું હતું. તે અફસોસ દર્શાવતા કે જનસમૂહનું આવું ઉમદા હૃદય અત્યંત જુના વિચારના માણસોના વહેમ અને નવીન વિચારના માણસોના અંધ અનુકરણથી વધારે અધમ દશાને પ્રાપ્ત થતું જાય છે. પાશ્ચાત્યોની વિદ્યા અને તેમના ક્ષણિક વૈભવના ખોટા ચળકાટથી હિંદમાં હજારો મનુષ્યો અંજાઈ રહેલાં છે. તેઓ આર્ય પ્રજાના ઘણા વર્ષનો અનુભવ ધૂળધાણી કરવા બેઠેલા છે.

પોરબંદરથી સ્વામીજી દ્વારકાં ગયા. અહીં આ તેમનું સ્વદેશભક્ત અંતઃકરણ શ્રીકૃષ્ણ અને યાદવોના વિચારથી અત્યંત આનંદ ભોગવવા લાગ્યું; પણ બીજી જ ક્ષણે આસપાસનાં ખંડેરો જોઇને મહાભારતના સમયની કીર્તિનો નાશ થયેલો જોઈ તે અત્યંત ખેદ ધરવા લાગ્યા. સ્વામીજી સમુદ્રને કિનારે ગયા, ત્યાં બેઠા અને અનેક વિચાર કરવા લાગ્યા. કવચિત તેમના મુખ ઉપર આશાની વિસ્તીર્ણ પ્રભા આવી રહેતી તો ક્વચિત તે શોકની છાયાથી છવાઈ રહેતું. શારદા મઠમાં તે ગયા અને વિદ્યાપીઠ તરીકેની તેની જુની પુરાણી કીર્તિને સંભારી આંખમાં આંસુ લાવવા લાગ્યા. આખરે આશાપૂર્ણ હૃદયથી તે હિંદનું યશસ્વી ભાવિ જોવા લાગ્યા.

દ્વારકાંથી માંડવી અને માંડવીથી પાલીતાણા. એક સ્થળેથી બીજે સ્થળે ફરતે ફરતે સ્વામીજીએ અનેક સ્થળોની મુલાકાત લીધી. પાલીતાણામાં સ્વામીજી એક સંગીતવેત્તા તરીકે પ્રખ્યાત થઈ રહ્યા હતા. પછીથી તે વડોદરા ગયા અને ત્યાં દિવાન બહાદુર મણીભાઈ જશભાઇના અતિથિ તરીકે રહ્યા હતા. વડોદરેથી તે ખંડવા ગયા અને બાબુ હરિદાસને ઘેર રહ્યા. બાબુ હરિદાસ તેમના વિષે લખે છે કે "તેમની વાતચિતમાં અમને જરા પણ ડોળ લાગતો નહોતો. તેમના ઉમદા વિચારો અને ઉચ્ચ ભાવો સ્વાભાવિક રીતે જ સાદી અને સરળ પણ પોતે પસંદ કરેલી ભાષામાં બહાર વહી રહ્યા હતા. તેમનામાં એક પ્રકારનું અદ્ભુત ગાંભીર્ય દેખાઈ આવતું હતું.” અહીંઆના સીવીલ જડજે સ્વામીજીના માનમાં એક ખાણું આપ્યું અને તે સમયે સ્વામીજીએ સર્વને ઉપનિષદોમાંથી કેટલાક ફકરાઓ સમજાવ્યા. ખંડવાથી મુંબઈ જતી વખતે બાબુ હરિદાસ તેમને કહેવા લાગ્યાઃ “સ્વામીજી ! તમારું ભવિષ્ય ઘણું મોટું છે.” સ્વામીજીએ જવાબ આપ્યોઃ “હું જાતે તે વિષે કાંઈ જાણતો નથી; પણ મારા ગુરૂજી મારે માટે અનેક ભવિષ્ય ભાખતા હતા.” હરિદાસને આશિર્વાદ આપીને સ્વામીજી મુંબઈ જવાને ઉપડી ગયા.

પોતાના દેશના વિચારો અને લાગણીઓથી સ્વામીજીનું હૃદય દ્રવી રહ્યું હતું ! મનમાં અનેક યુક્તિઓ, યોજનાઓ અને આશાઓ આવ્યા કરતી હતી. ઘડીકમાં તે હિંદનું યશસ્વી ભાવી નિહાળે અને ઘડીકમાં તે નિરાશાથી ખેદયુક્ત બની રહે. જાણે કે સમસ્ત ભારતવર્ષનું જીવન તેમના વ્યક્તિત્વદ્વારા અનેક સ્વરૂપમાં પ્રગટ થવાને પ્રયાસ કરી રહ્યું હોય તેમ સ્વામીજીનું અંતઃકરણ અનેક ભાવને ધારણ કરવા લાગ્યું. તેમના હૃદયમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું.

આવી માનસિક અવસ્થાને ભોગવતા તે મુંબઈ આવી પહોંચ્યા. અહીંઆં આ ઘણા પંડિતો અને ગૃહસ્થોની તેમને મુલાકાત થઈ. સર્વને તે સનાતન ધર્મનો પુનરોદ્ધાર કરવાની સલાહ આપવા લાગ્યા. કેટલાકને તો જોઈને જ તેમને નિરાશા ઉત્પન્ન થઈ. તે કહેવા લાગ્યા “તેમને શું જ્ઞાન છે? તેમના મગજમાં કચરો ભરેલો છે.” વ્યવસ્થિત વિચાર અને નૈસર્ગિક શક્તિનો અભાવ તે સર્વત્ર જોવા લાગ્યા. તેમનું મન હિંદ વિષેના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમને લાગ્યું કે હિંદુસ્તાનને પોતાની શક્તિનું અને સ્વરૂપનું ભાન થવું જોઈએ અને આર્યોના જુદા જુદા અનુભવો અને કાર્યોનો ઇતિહાસ તેણે બરાબર શિખવો જોઈએ. જે શિક્ષિત પુરૂષો ભારતવર્ષની અધોગતિ અને દુઃખ તરફ બેદરકારી દર્શાવી રહેલા હતા તેમને સ્વામીજી અત્યંત ઠપકો આપવા લાગ્યા. તેમાંના ઘણાને તે કહેવા લાગ્યાઃ “હિંદુ વિચારો રૂપી પાયા વગરનું તમારું જ્ઞાન શા કામનું છે ?”

મુંબઈમાં સ્વામીજી રામદાસ છબીલદાસ બેરીસ્ટરને ઘેર રહ્યા. અહીં'આ વેદનો અભ્યાસ તેમણે આગળ વધાર્યો. પછી તે પુના ગયા અને લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘેર રહી તેમની સાથે ઘણા વિષયો ઉપર વિચાર કર્યો. પછી તે બેલગામ ગયા અને ત્યાં બાબુ હરિપદ મિત્ર-ફોરેસ્ટ ઓફિસરને ઘેર કેટલાક દિવસ રહ્યા. તેમની મુલાકાત વિષે બાબુ હરિપદ લખે છે કે, “સને ૧૮૮ર ના ઓકટોબર માસની અઢારમી તારિખ અને મંગળવારનો દિવસ હતો. એક મજબુત બાંધાનો સંન્યાસી સાયંકાળના સમયે મારી પાસે આવ્યો. તેનો ચહેરો હસમુખો હતો. એક વકીલે—મારા મિત્રે તેને વિદ્વાન બંગાળી સંન્યાસી તરીકે ઓળખાવ્યો મેં તેના તરફ જોયું તો એક શાંત ભવ્ય મૂર્તિ મને તે લાગી. તેની આંખો વિજળીની માફક ચમકી રહી હતી. ભગવું વસ્ત્ર તેણે ધારણ કર્યું હતું અને માથે ભગવો ફેંટા બાંધેલ હતો. એને જોઇને એમ લાગતું હતું કે તે કોઈ મહાપુરૂષ હશે. મારું હૃદય એકદમ તેના તરફ ખેંચાયું. આ વખતે પાશ્ચાત્ય શિક્ષણને લીધે હું દરેક સાધુને ઢોંગી ધારતો હતો અને ઇશ્વર કે ધર્મને બીલકુલ માનતો નહોતો. આથી મેં ધાર્યું કે તે કંઈ માગવાને આવેલો હશે. મેં તેમની સાથે વાત કરી અને મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. મને લાગ્યું કે મારા કરતાં તે હજાર દરજ્જે ચઢીયાતા છે. તેમને કશુંએ જોઇતું નથી. મેં તેમને મારી સાથે રહેવાનું કહ્યું, પણ તેમણે ના પાડી. ઘણું કહ્યા પછી બીજે દિવસે સવારે માત્ર જમવા આવવાની હા પાડી. ”

બીજે દિવસે હરિપદ બાબુ સ્વામીજીની રાહ જેતા બેસી રહ્યા, પણ તે આવ્યા નહિ. પછી તે જાતે પેલા વકીલને ઘેર ગયા અને ત્યાં એક મોટી સભા ભરાયલી જેઈને આશ્ચર્ય પામ્યા. નમસ્કાર કરીને તે ત્યાં બેઠા અને અંગ્રેજી, હિંદી, બંગાળી તથા સંસ્કૃતમાં ઝટ ઝટ જવાબ આપતા સ્વામીજીને જોઇને ચકિત થઈ ગયા, એક મનુષ્ય તેમની પાસે આવ્યો અને હકસલીના ગ્રંથો ઉંડા જ્ઞાનથી ભરપુર છે એમ ધારી તે ગ્રંથોમાંથી અનેક આધારો બતાવી પોતાના સિદ્ધાંતોનું સમર્થન કરવા લાગ્યો. સ્વામીજીએ પણ હકસલીના ગ્રથોનો અભ્યાસ કર્યો હતો અને તેથી તે તેના તર્કને ઝટ ઝટ તોડવા લાગ્યા. બાબુ હરિપદ તો આશ્ચર્યચકિત બની ગયા અને સ્વામીજીનો શબ્દે શબ્દ ધ્યાન દઈને સાંભળી રહ્યા.

સર્વેના ગયા પછી સ્વામીજીએ હરિપદ બાબુને કહ્યું: “મારાથી આવી શકાયું નહીં તેને માટે માફ કરજો. આટલા બધાની લાગણી દુખાવ્યા વગર હું કેવી રીતે આવી શકું ?” પછીથી તે વકીલને કહીને તે સ્વામીજીને પોતાને ઘેર તેડી ગયા અને ત્યાં થોડા દિવસ રાખ્યા. અનેકવાર ધાર્મિક વિષયો ઉપર વાત ચાલતી. અનેક વખત તેમણે પોતાના ઉંડા જ્ઞાનનો લાભ હરિપદ બાબુને આપ્યો. બાબુને હવે લાગ્યું કે સ્વામીજી ધાર્મિક વિષયમાં જ પ્રવીણ છે, એટલું જ નહિ પણ વ્યવહારિક જ્ઞાનમાં પણ તે આગળ પડતા છે. એક વખત જ “પીકવીક પેપર્સ” માંથી ફકરાના ફકરા સ્વામીજી મ્હેાંડે બોલવા લાગ્યા. આ જોઇને બાબુજી ચકિત થઈ ગયા. આવા સાધુને પણ આવાં વ્યવહારિક જ્ઞાનનાં પુસ્તકો મ્હોડેને મ્હોડે છે એમ જાણી તે આશ્ચર્યથી પૂછવા લાગ્યાઃ “તમે તે કેટલી વખત વાંચેલી છે ?” સ્વામીજી બોલી ઉઠ્યાઃ “ફક્ત બેજ વખત !” બાબુજી બોલ્યા “બે વખત વાંચ્યાથી તે શી રીતે આટલું બધું મ્હોડે થઈ જાય ?” સ્વામીજીએ જવાબ આપ્યો “કર્મેંદ્રિયોને વશ રાખવાથી મનની શક્તિ વધે છે. કર્મક્રિયા દ્વારા વહી જતી શક્તિઓને રોકીને તથા એકત્ર કરીને તેમને માનસિક અને આધ્યાત્મિક શક્તિઓમાં ફેરવી નાંખવી જોઈએ. તેને નિરંકુશ મોજશેખમાં વાપરી નાખવાથી માણસ નિર્બળ, દુઃખી અને યાદશક્તિ વિનાનો બની રહે છે.”

એક વખત સ્વામીજી લાઈબ્રેરીમાંથી આણેલી એક ચોપડીને વાંચી રહ્યા હતા. વચમાં વચમાં તેઓ હસતા પણ દેખાતા હતા. હરિપદ બાબુ આથી તેમની પાસે ગયા. પંદર મિનિટ સુધી ત્યાં તે ઉભા રહ્યા. એ પછીથી તેમણે સ્વામીજીને બોલાવ્યા ત્યારે જ તે બોલ્યા હતા. આ જોઇને બાબુજી પૂછવા લાગ્યાઃ "હું અહીં પંદર મિનિટથી ઉભો છું અને તમે મને જોયો પણ નહિ. ” સ્વામીજી બોલ્યા “આ સર્વ મનની એકાગ્રતાને લીધેજ છે. જે પણ કાર્ય કરવું તે સારી રીતેજ કરવું જોઇએ અને સારું કરવા માટે મનને તેમાં પુરેપુરુંજ પરોવી દેવું જોઇએ.”

બાબુ હરિપદ આગળ લખે છે કે “સ્વામીજી વાતચિતમાં વારંવાર ગમતી અને આનંદી જણાતા. એક ક્ષણે તે તત્ત્વજ્ઞાનના કૂટ પ્રશ્નોનો ગંભીર ભાવે જવાબ આપતા અને બીજી ક્ષણે હસતા અને આનંદ કરતા ! અનેક માણસો તેમની પાસે સત્સંગને માટે આવતા અને દરેક સાંજે એક મોટી સભાજ મારે ઘેર ભરાઈ રહેતી. મારા ચોકમાં આવેલા એક સુખડના ઝાડ તળે બેસીને તેમણે મને જે બોધ આપ્યો છે તે હું કદી ભૂલી જનાર નથી. ”

આધુનિક સમયમાં શરીરને જરાક કંઈક થયું કે તરતજ માણસો ઔષધોનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ, વકીલો, જડજો કે ધંધાદારી, જરાક શરીરને બેચેની લાગી કે દવાનો ડોઝ લેવા તૈયાર થઈ જાય છે ! આથી પૈસા બગાડવા ઉપરાંત શરીરને પણ નુકશાન જ પહોંચે છે. જુલાબ લેનારને તુરતમાં તો શરીર હલકું લાગે છે; પણ એથી કરીને આંતરડાંની શક્તિ કમી થઈ થોડા દિવસમાં વધારે બંધકોષ થએલો જણાય છે અને જુલાબનો વધુ મોટો ડોઝ લેવાની જરૂર પડે છે. બીજી બાબતમાં પણ જરા જરામાં દવા લીધા કરવાથી શરીરને છેવટે નુકશાનજ પહોંચે છે. બાબુ હરિપદને પણ આ પ્રમાણે વારંવાર દવાઓ લેવાની ટેવ હતી. સ્વામીજીએ તેમને તે ટેવ છોડી દેવાનો બોધ આપ્પ્યો. તેમણે કહ્યું કે શરીરના ઘણા રોગો મનની નબળાઈને લીધે અને અયોગ્ય આહારવિહારને લીધે જ ઉત્પન્ન થાય છે, માટે એ સ્થિતિનેજ મૂળમાંથી બદલી નાંખવી જોઇએ. સ્વામીજી વળી કહેવા લાગ્યાઃ “હમેશાં રોગનોજ વિચાર ન કર્યા કરો અને સદાએ હસમુખો ચહેરો રાખો. સદાચારથી વર્તો અને ઉચ્ચભાવનાઓ રાખો, નિર્દોષ આનંદ કરો, પણ તમારા શરીરને નુકસાન કરે એવા વિષયસુખમાં કદીએ ગરક થઇ જશો નહિ, એટલે પછીથી સઘળું સારુંજ થશે.” આ સાંભળ્યા પછી બાબુ હરિપદે ઔષધ ખાધા કરવાની ટેવ છોડી દીધી હતી.

હરિપદ બાબુને પોતાના ઉપરી અધિકારીઓ જોડે કોઈ કોઈ વખત બનતું નહી અને તેથી કરીને તે મનમાં ખિન્ન રહેતા. સ્વામીજીએ તેમને સલાહ આપી કે “જો નોકરી અયોગ્ય હોય ને છોડી દેવી હોય તો તેમ કરવાની તમને છુટ છે. પરંતુ ઉપરીઓના દોષો શા માટે મનમાં લાવ્યા કરવા ! નોકરીમાં દુ:ખ પડતું હોય તો તમે તમારી ફરજ બને તેટલી સારી રીતે બજાવ્યે જાઓ. એટલે બીજાઓ ઉપર અસર થાય તેમ હશે તો એથી કરીનેજ સારી અસર થઈ શકશે. તમે ભલા થાવ એટલે આખી દુનિયા ભલી થશે. બીજાના દોષ જોવાની ખરાબ ટેવ છોડી દો અને પછી જુઓ કે તમારા શત્રુઓ પણ તમારા તરફ કેવા સ્નેહથી વર્તે છે ! આપણા પ્રત્યેની સામાની વર્તણુંક આપણી જ માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે."

હરિપદ બાબુએ આગળ એક વખત ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરવા માંડ્યો હતો, પણ તેમાં તેમને કંઈ રસ અને ઉપયોગીતા નહિ લાગવાથી તે અભ્યાસ તેમણે છોડી દીધો હતો. સ્વામીજીની પાસે તે અભ્યાસ પાછો ચાલુ કરતાં તેમને જણાયું તે વિષે તેઓ કહે છે કે “તે વખતેજ મને માલમ પડ્યું કે ગીતાજી એક અદ્ભુત પુસ્તક છે. વ્યવહારિક જીવનમાં ગીતાજીના રહસ્યનો કેવી રીતે ઉપયોગ થાય તે હવે હું બરાબર સમજ્યો. સ્વામીજીના બોધથી એકલી ગીતાનેજ હું ચ્હાવા લાગ્યા, એટલું જ નહિ પણ ઉપનિષદ વગેરે આર્ય ગ્રંથની અને ટોમસ કાર્લાઇલ અને જુલ્સવર્નના ગ્રંથની પણ કીમત હું સમજવા લાગ્યો.”

માગનાર પ્રભુને નામે માગે છે અને આપનાર પ્રભુને નામે આપે છે ! દરેક ગરિબ-માગનારમાં પ્રભુનેજ જુઓ, અને એનો ઉપકાર માનો કે એ તમને દયા દર્શાવવાની અને તમારા આત્માના વિકાસ કરવાની તક આપે છે.”

આ પ્રમાણે અનેક વિષયો ઉપર વાત ચાલતી. ધર્મ વિષે વાત કરતાં કરતાં સ્વામીજી અનેકવાર કહેતા કે, “મારા મિત્રો, વાદ- વિવાદનો પાર કદી આવવાનો નથી. રસ્તે ચાલવા માંડી અનુભવ મેળવવાથીજ ધાર્મિક સત્ય ખરા રૂપમાં સમજાય છે.”

ધાર્મિક વિષયો સમજાવતાં સ્વામીજી પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રમાંથી અનેક પુરાવા આપતા અને તેમનું પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર, ખગોળવિધા, ભુસ્તરવિદ્યા વગેરેનું જ્ઞાન જોઇને શ્રોતાઓ ચકિત થઈ જતા. ધાર્મિક વિષયો ઉપરથી તે સામાજીક વિષય ઉપર આવતા અને ગદ્‌ગદ્ કઠે ગ્રામ્યજનોની સ્થિતિ દર્શાવતા. તે કહેતા કે હિંદના ગ્રામ્યજનોને સ્વચ્છતા કે તંદુરસ્તીના નિયમોની ખબર નથી. તેઓ એકજ તળાવનું પાણી ન્હાવા ધોવામાં અને પીવામાં વાપરે છે. અને પોતાનો અવકાશનો સમય ગપ્પાં મારવામાં અને પત્તાં રમવામાંજ ગાળે છે.

બાબુજીનો બહુજ ભાવ અને આગ્રહ છતાં સ્વામીજીએ બેલગામથી આગળ જવાનો વિચાર કર્યો. જતી વખતે હરિપદ બાબુ સ્વામીજીને દંડવત્ પ્રણામ કરીને બોલ્યાઃ “ખરેખરા ભક્તિભાવથી હું કદીએ કોઈને નમ્યો નથી.” આજે આપને નમવાથી હું મારી જાતને વધારે ભાગ્યશાળી સમજું છું.”