સ્વામી વિવેકાનંદ/કન્યાકુમારીમાં
← ગુજરાત-કાઠીઆવાડ અને મુંબઈ ઈલાકામાં | સ્વામી વિવેકાનંદ કન્યાકુમારીમાં રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો → |
બેલગામથી સ્વામીજી બેંગલોર આવ્યા. અહીંઆં થોડાક દિવસ અપ્રસિદ્ધપણેજ રહ્યા. પણ ધીમે ધીમે તેમના ચારિત્ર્યનો પ્રભાવ લોકોના મન ઉપર પડવા લાગ્યો અને આખરે માઇસોરના દિવાન સર. કે. શેષાદ્રિ આયર સાથે તેમને ઓળખાણ થયું. દિવાનના અતિથિ તરીકે હવે સ્વામીજી રહેવા લાગ્યા. હિંદુધર્મના અને અન્ય ધર્મના અનેક મનુષ્યો હવે તેમની પાસે આવવા લાગ્યા. માઇસોર રાજ્યના સલાહકાર અબદુલ રહેમાન સાહેબ તેમની પાસે કુરાનમાંથી કેટલીક શંકાઓ પૂછવાને આવ્યા. એક હિંદુ સંન્યાસીનો કુરાનનો ઉંડો અભ્યાસ જોઈને તે ઘણુંજ આશ્ચર્ય પામ્યા. સર શેષાદ્રિ આયર તેમના વિષે કહેવા લાગ્યાઃ “એમના જેવું જ્ઞાન મેં કોઇનામાં પણ જોયું નથી. તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવું જ છે. આટલી નાની વયમાં વેદ વેદાન્તના જ્ઞાન સાથે બીજું પણ આટલું બધું જ્ઞાન એમણે શી રીતે પ્રાપ્ત કર્યું હશે? મારા મકાનમાં જાણે કોઈ દેવતાએ આવીને વાસ કર્યો હોય એવુંજ મને તો તે આવ્યા ત્યારથી લાગ્યા કરે છે. દિવાન સાહેબે માઇસોરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર જોડે સ્વામીજીની મુલાકાત કરાવી. સ્વામીજીની વિશાળ બુદ્ધિ, ચારિત્ર્યનો પ્રભાવ, ઉંડું જ્ઞાન અને શાસ્ત્રમાં સંપૂર્ણ પ્રવેશ-આ સર્વથી મહારાજા સાહેબ અંજાઈ ગયા. સ્વામીજીને રાજમહેલમાંજ હવે રાખવામાં આવ્યા અને મહારાજા ચામરાજેન્દ્ર અનેક પ્રકારે તેમના સત્સંગનો તથા સેવાનો લાભ લેવા લાગ્યા.
એક દિવસ મહારાજા પોતાના અધિકારીઓની સમક્ષ સ્વામીજીને પૂછવા લાગ્યાઃ “સ્વામીજી, મારા અધિકારીઓ વિષે તમે શું ધારો છે ?” સ્વામીજીએ હસતે હસતે જવાબ આપ્યો. “મહારાજા,
અધિકારીઓ તો સર્વત્ર અધિકારીઓ જેવાજ હોય છે!” અધિકારીઓને આથી જરા ખોટું તો લાગ્યું, પણ તેઓ જાણતા હતા કે સંન્યાસીઓ જેવું જુએ છે તેવુંજ કહી દે છે. સ્વામીજીને આવા સ્પષ્ટવક્તા જોઇને એક દિવસ મહારાજ તેમને કહેવા લાગ્યા કે “સ્વામીજી, તમે જો આવા સ્પષ્ટવક્તા થશો તો કોઈ દિવસ તમારી જીંદગી જોખમમાં આવી પડશે.” સ્વામીજી જરા ગુસ્સો કરીને બોલ્યાઃ “પણ તેથી શું ભારે અસત્ય ભાખવું ! શું મારે ખુશામત કરવી? મનમાં એક વાત ને મ્હોડે બીજી વાત-એ પોલીટીકલપણું રાજપ્રકરણી માણસોનેજ મુબારક ! પહેરવાનાં કપડાં લેવા બદલ ખુદ પોતાના શરીરને કે ઘરને વેચવા જેવું એ છે. પણ બિચારા મોહવશ પ્રાણીઓ તે વાત ન સમજતા હોવાથી ક્ષુદ્ર તાત્કાલિક લાભને ખાતર પોતાને હાથેજ પોતાને ઠગે છે. અમારું સંન્યાસીઓનું તો સરલતા-સત્યવક્તા-પણું એ સર્વથી મુખ્ય કર્તવ્ય છે.”
માઇસોર દરબારમાં એક ઓષ્ટ્રીયન ગવૈયો હતો. તેની જોડે સ્વામીજીએ યુરોપિયનોની સંગીત વિદ્યા વિષે ખૂબ ચર્ચા કરી. પૂર્વ અને પશ્ચિમની સંગીતવિધાઓનું આટલું ઉંડું જ્ઞાન સ્વામીજી ધરાવે છે એમ જાણીને સર્વે આશ્ચર્ય પામ્યા. એક વિદ્યુત્શાસ્ત્રી રાજમહેલમાં વિજળીના દિવા ગોઠવતા હતા. તેની સાથેની તેમની વાતો ઉપરથી તે વિષયમાં પણ સ્વામીજીનું જ્ઞાન તે વિદ્યુત્શાસ્ત્રી કરતાં વધારે સર્વને જણાયું.
એક દિવસ દરબારમાં મોટી સભા ભરવામાં આવી. ઘણા પંડિતો એકઠા થયા. વિષય વેદાન્તનો હતો. દિવાન સાહેબ પ્રમુખપદે બિરાજ્યા હતા. પંડિતોનો વિચાર એક બીજાની સાથે નહિ મળવાથી છેવટે સ્વામીજીએ સર્વના મનનું સમાધાન થાય તેવી રીતે વેદાન્તના સિદ્ધાંતોનું સર્વ સ્પર્શીત્વત,-સર્વગ્રાહ્યત્વ અને વ્યવહારિકતા પ્રતિપાદન કરી તેના સિદ્ધાંતને માત્ર પ્રાચીન ટીકાઓથીજ સમજાવવાને બદલે તેમણે તેના ઉપર નવો પ્રકાશ પાડીને નવી યુક્તિથી તે સમજાવ્યા. સઘળા પંડિતો એક અવાજે તેમનાં વખાણ કરવા લાગ્યા.
સ્વામીજી તરફ પોતાનો પૂજ્યભાવ વધી જવાથી એક દિવસ દિવાન સાહેબે તેમને કંઈ ભેટનો સ્વીકાર કરવાની અરજ કરી. પોતાના ખાનગી કારભારીને તેમણે હુકમ કર્યો કે સ્વામીજીને બજારમાં ફેરવો અને એમને જે જોઈએ તે અપાવો. એક હજાર રૂપિઆ સુધીનો માલ અપાવવાની આજ્ઞા કરવામાં આવી. સ્વામીજી તે ખાનગી કારભારી જોડે બજારમાં ગયા અને બધી દુકાનોએ ફરીને દિવાનની ઈચ્છાને માન આપવા સારૂ તેમણે એક સીગારેટ ખરીદી અને તે પીતા પીતા દિવાન સાહેબ પાસે આવ્યા ! તેમને જોઈને દિવાન સાહેબ ખડખડ હસી પડ્યા. ખરા સંન્યાસીઓ કેવા હોય છે એ જોઇને તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
એક દિવસે મહારાજા સાહેબે સ્વામીજીને કહ્યું: “સ્વામીજી, મારે તમારી કંઈ સેવા કરવી છે તે શી રીતે કરું ?” સીધો જવાબ નહિ આપતાં સ્વામીજી પોતે માથે ઉપાડી લીધેલા કાર્યનું વર્ણન કરવા લાગ્યા. હિંદની આર્થિક સ્થિતિ વિષે તે બોલવા લાગ્યા. તેમણે કહ્યું કે હિંદુસ્તાન પાસે તત્ત્વજ્ઞાન અને ધર્મનો મોટો ભંડાર રહેલો છે અને તેને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. તે પોતાનો ધાર્મિક ખજાનો પાશ્ચાત્ય પ્રજાઓને આપે અને પાશ્ચાત્ય પ્રજાઓ આપણને ખેતીવાડી, ઉદ્યોગો અને બીજી કળાઓનું જ્ઞાન સંપાદન કરવાને સાધન પુરાં પાડી આપણી આર્થિક સ્થિતિ સુધારવામાં આપણને મદદ કરે એવું કરવા માટે મને તે મૂલકોની મુસાફરી કરવાની જરૂર જણાય છે. મહારાજા સાહેબે તેજ વખતે તેમની મુસાફરીનું ખર્ચ આપવાનું વચન આપ્યું. “હિંદનો પુનરોદ્ધાર કરનાર અવતારી પુરૂષ” તરીકે સ્વામીજીને તેઓ માનવા લાગ્યા. હિંદુ પ્રજાનો ખરો જુસ્સો તેમનામાં રહેલો છે એમ તે ગણવા લાગ્યા.
સ્વામીજી તરફ મહારાજ સાહેબનો એટલો બધો પૂજ્યભાવ થઈ રહ્યો કે તેમણે પાદપૂજા માટે સ્વામીજીને અરજ કરી; પરંતુ સ્વામીજીએ તેની ના પાડી. રાજાજીએ કેટલીક ભેટોનો સ્વીકાર કરવાની અરજ કરી, તે પણ તેમણે લીધી નહિ. અંતે મહારાજાનો ઘણોજ આગ્રહ હોવાથી સ્વામીજીએ તેમાંથી એક નાની જેવી ચીજનો સ્વીકાર કર્યો. યાદગીરી માટે સ્વામીજીનાં કેટલાંક સુંદર હૃદયભેદક વાક્યો ફોનોગ્રાફમાં ઉતારી લેવામાં આવ્યાં. તે વાક્યોની પ્લેટ માઇસોર દરબારમાં જાળવી રાખવામાં આવેલી છે. ઘણા દિવસ થવાથી હવે સ્વામીજીએ જવાની રજા લીધી. જતી વખતે મહારાજા તેમને પગે પડ્યા. દિવાને કેટલીક નોટો તેમના ખીસ્સામાં મૂકી દેવાનો પ્રયાસ કર્યો. સ્વામીજીએ કહ્યું કે “કોચીન સુધીની ટીકીટ મને લઈ આપો, એટલે બસ ! મારે રામેશ્વર જવું છે, પણ થોડા દિવસ હું કોચીનમાં ગાળીશ. દિવાન સાહેબે નિરાશ થઇને સેકન્ડ ક્લાસની ટીકિટ તેમને લઈ આપી.
કોચીનમાં થોડાક દિવસ રહ્યા પછી સ્વામીજી ત્રીવેંદ્રમ ગયા. અહીંઆં તેમને ત્રાવણકોરના મહારાજાના શિક્ષક પ્રોફેસર સુંદરરામ આયર અને સાયન્સના પ્રોફેસર રંગાચારીઅર મળ્યા. તેમની એ મુલાકાત વિષે એસ. કે. નેર લખે છે કે;
“આ બંને સદ્ગૃહસ્થો અંગ્રેજી અને સંસ્કૃતના ઉંડા અભ્યાસી હતા અને તેથી કરીને સ્વામીજી જોડે વાત કરતાં તેમને અત્યંત આનંદ અને લાભ મળ્યો. જે કોઈ સ્વામીજીને મળે તે તેમના ભવ્ય ચ્હેરા અને ચારિત્ર્યથી અંજાઈ જતું. એક પછી એક ગમે તેટલા માણસોને તેમના પ્રશ્નોના જવાબ આપવાની સ્વામીજીનામાં અજબ શક્તિ હતી. વાત ગમે તો સ્પેન્સર વિષે હોય; ગમે તો કાળીદાસ કે શેક્સપીયર વિષે હોય; ડાર્વીનનો પ્રગતિવાદ, યાહુદીઓનો ઇતિહાસ, આર્ય સંસ્કૃતિનો ઉદય, વેદધર્મ, મુસલમાન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ, ગમે તે વિષે પ્રશ્ન પૂછ્યો હોય, પણ સ્વામીજીના મુખમાંથી તેનો તરતજ યોગ્ય જવાબ નીકળી આવતો ! તેમના ચહેરા ઉપર સરલતા, સાદાઈ અને ભવ્યતા સદા તરવર્યા કરતાં. પવિત્ર અંતઃકરણ, તપસ્વી જીવન, ખુલ્લુ હૃદય, ઉદારવૃત્તિ, વિશાળ દૃષ્ટિ અને સર્વને માટે લાગણી – આ સ્વામીજીનાં ખાસ લક્ષણો એ સમયે પણ તેમનામાં સારી પેઠે જણાઈ આવતાં હતાં.”
પ્રોફેસર સુંદરરામનો પુત્ર લખે છે કે, “જાણે એક રાજકુંવર આવતો હોય તેવો દેખાવ તેમનો લાગતો હતો. તેમણે જો સંન્યાસીનો ઝભ્ભો પહેર્યો નહોત તો અમે તેમને એક રાજકુંવરજ ધાર્યા હોત. તેમના વિચારો અદ્ભુત હતા. ભારતવર્ષના ભાવીનો આખો પ્રશ્ન તેઓ પોતાના મનમાં વિચારી રહ્યા હતા અને તેનો ઉકેલ તેમને તેની એકતામાં અને મૂળ શક્તિઓની ખીલવણીમાં જણાઈ રહ્યો હતો. તેઓ એક અલૌકિક પુરૂષ હતા. ત્રીવેંદ્રમમાં સઘળા ધારવા લાગ્યા કે ભારતવર્ષનું કલ્યાણ કરવાનેજ આ મહાપુરૂષનો જન્મ થયેલો છે.”
ત્યાંથી સ્વામીજી મદુરા ગયા. ત્યાં રામનાદના રાજા ભાસ્કર સેતુ પતિની તેમણે મુલાકાત લીધી. એ રાજા પણ ભાવીક અને સુશિક્ષિત હતો. સ્વામીજીનું જ્ઞાન અને ત્યાગ જોઇને તે તેમનો શિષ્ય થઈ રહ્યો. સ્વામીજીએ પોતાના કેળવણી સંબંધીના અને ખેડુત વર્ગની સ્થિતિ સુધારવા સંબંધીના અનેક વિચારો તેને કહ્યા. ભારતવર્ષના આધુનિક પ્રશ્નો અને હિંદની ગુહ્યશક્તિઓ વિષે તે ઘણાજ જુસ્સાથી બોલી રહ્યા. રાજાના મન ઉપર તેથી ભારે અસર થઈ. તેમણે સ્વામીજીને શિકાગોમાં ભરાનારી સર્વધર્મ પરિષદમાં જવાની અરજ કરી અને કહ્યું કે પ્રાચીન ઋષિઓના સર્વોપરી સિદ્ધાંતો જગતની દૃષ્ટિ આગળ મૂકવાનો અને તેમ કરીને હિંદના મહત્ કાર્યનો પાયો નાખવાનો તે એક સારો લાગ છે. સ્વામીજીને મદદ આપવાનું પણ તેમણે કહ્યું; પણ સ્વામીજી હજી તે બાબતમાં અનિશ્ચિત હતા. તેમણે તે બાબતનો વિચાર કરીને આગળ ઉપર જવાબ આપવાનું રાજાને કહ્યું અને તે રામેશ્વર જવાને ઉપડી ગયા.
રામેશ્વર દક્ષિણ હિંદુસ્તાનનું કાશીક્ષેત્ર છે. રામેશ્વરનું દેવાલય ઘણુંજ ભવ્ય અને સુંદર છે. એક સો ફુટ ઉંચા દરવાજામાં થઈને તે દેવાલયમાં જવાય છે. તે દેવાલય છસેં ફુટ લાંબું અને લગભગ દોઢસો ફુટ પહોળું છે. તે મોટાં મોટાં ઉઘાડાં છજાંઓ અને અગાશીઓથી અલંકૃત છે. ચાળીસ ફુટ જેટલા લાંબા અને મોટા પત્થરો તેમાં વાપરેલા આપણી નજરે આવે છે.
તીર્થયાત્રાનો પોતાનો નિશ્ચય પુરો થયો છે એવા વિચારથી સ્વામીજી હવે રામેશ્વર મહાદેવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી રહ્યા. અહીંનું પવિત્ર વાતાવરણ જોઈને તેમના મનમાં દક્ષિણેશ્વરના વિચારો તરી આવ્યા અને તેની તેજ પવિત્રતા તે અહીં અનુભવવા લાગ્યા. ભારતવર્ષમાં સર્વત્ર આધ્યાત્મિક આદર્શો એકનાં એકજ છે, સર્વે દેવોની પૂજા એકજ પ્રભુની પૂજા છે, તે વાતને તે હવે પ્રત્યક્ષ કરવા લાગ્યા અને તેમને અંતરાત્મા પ્રભુ તરફ અત્યંત ભાવથી છલકાઈ રહ્યો. રામેશ્વરના દેવાલયમાં અસંખ્ય યાત્રાળુઓ પૂજા, સ્તુતિ, ભજન, કીર્તન કરી રહ્યા હતા. તેમને જોઈને સ્વામીજી બોલ્યા. કે સમસ્ત ભારતવર્ષ અહીં જ છે. શ્રી શંકરાચાર્ય અને બીજા પ્રાચીન ઋષિઓની સુક્ષ્મ દીર્ઘ દૃષ્ટિનાં અને સૃષ્ટિ સૌંદર્યથી યુક્ત સ્થળોનેજ યાત્રીનાં સ્થળો બનાવીને પ્રકૃતિ અને પ્રભુ બંનેને માટે માનવ હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરવાની તેમની અગમ્ય યુક્તિનાં તે ભારે વખાણ કરી રહ્યા. રામેશ્વરમાં તેમણે હિંદુ જીવનની અગાધતા અને વિશાળતાનું બારીક નિરીક્ષણ કર્યું. તેમણે જોયું કે ભારતવર્ષના સઘળા દેવો હિંદુઓનાં જુદાં જુદાં આદર્શો દર્શાવે છે અને તે આદર્શો એકજ પ્રભુનાં જુદાં જુદાં સ્વરૂપ અને આધ્યાત્મિક સત્યોનાં સ્થૂલ સ્વરૂપો છે. અસંખ્ય યાત્રાળુઓનાં ટોળે ટોળાં જોઇને તેમને વિચાર આવ્યો કે ખરેખર તેઓ એક અગાધ અને નિત્ય જીવનતત્ત્વ તરફ પોતાનાં મનને દોરી રહેલા છે. રામેશ્વરથી સ્વામીજી કન્યાકુમારી ગયા.
કન્યાકુમારીના દેવાલયમાં દેવીની મૂર્તિ આગળ જઈને તેમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. આ વખતે તેમના મનમાં અનેક વિચારો ઉત્પન્ન થઈ રહ્યા; અનેક લાગણીઓએ તેમના મનમાં વાસ કર્યો. દેવી તરફ ભક્તિભાવથી તેમનું હૃદય દ્રવીભૂત થઈ રહ્યું. તેમની આસપાસ સર્વત્ર અગાધ સમુદ્ર આવી રહેલો હતો અને તેમાં તોફાન મચી રહેલું હતું; પણ સ્વામીજીના અંતઃકરણમાં તેથી પણ વધારે તોફાન ચાલી રહેલું હતું. સ્વામીજી ભારતવર્ષને છેડે આવેલા આ સ્થાનમાં એક શિલા ઉપર બેઠા અને માતૃભૂમિના આધુનિક તથા ભાવી સમયના અનેક પ્રશ્નો ઉપર ઉંડો વિચાર કરી રહ્યા. ત્યાં બેઠે બેઠે તે ભારતવર્ષ ઉપર દૃષ્ટિ નાંખી રહ્યા, ઘડીકમાં તેમના મુખ ઉપર નિરાશાની ગ્લાનિ દેખાઈ આવતી, ઘડીકમાં તેમનું હૃદય ઉંડા વિચારમાં ગ્રસ્ત થઈ ગયેલું જણાતું. સમસ્ત ભારતવર્ષ તેમના વિચારનો વિષય હતો. એક મોટા સુધારક અને વ્યવસ્થાપક તરીકે તેઓ તેનો વિચાર કરી રહ્યા હતા. પ્રજાનું બંધારણ બાંધવાને અવતરેલા એક મહાબુદ્ધિશાળી નેતાના વિચારો તેમના મનમાં ચાલી રહ્યા હતા. તે વિચારો વ્યાસ કે મનુના જેવા હતા; શ્રી શંકરાચાર્ય અને બુદ્ધની ભાવનાઓથી તે અલંકૃત હતા; શ્રીકૃષ્ણ અને ચૈતન્યદેવના અમૂલ્ય બોધથી તે ભરેલા હતા. ભારતવર્ષનો પુનરોદ્ધાર હવે થવોજ જોઈએ અને પ્રાચીન સમયમાં આર્ય શિક્ષણ જે જુસ્સો, ઉત્સાહ અને આશાથી આપવામાં આવતું હતું તેજ જુસ્સાથી અને આશાથી તે પાછું અપાવા માંડવું જોઈએ. આર્યોનું જીવન ધર્મ છે અને તે ધર્મની જાગૃતિમાંજ તેમનું કલ્યાણ છે. આમ સ્વામીજીને વધુને વધુ દૃઢપણે સમજાવા લાગ્યું.
જે આધ્યાત્મિક ચેતન વડે હિંદ પ્રાચીન સમયમાં સર્વ ધર્મોની જનની અને સર્વે પ્રજાઓનું મધ્યસ્થાન બની રહ્યું હતું તે ચેતનનો પુનરોદ્ધાર કરવાથીજ ભારતવર્ષ ભાવી સમયમાં પોતાનું શ્રેય સાધી શકશે એ તેમનો નિશ્ચય દૃઢ થયો.
હિંદના પ્રવાસમાં સ્વામીજીએ ગરીબો વિષે વિચાર કરતે કરતે અનેક રાત્રિઓ નિદ્રા વગર પસાર કરી હતી. હવે તે વિચારો નિશ્ચયના રૂપમાં બદલાઈ ગયા. ગરિબોને તે નારાયણનાં સ્વરૂપ ગણતા અને તેમને નારાયણ કહીનેજ સંબોધતા. તેમના ઉદ્ધાર માટે પુષ્કળ ધનની પણ જરૂર તેઓ જોતા. પરંતુ હિંદના અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ, સ્વાર્થપરાયણ અને પ્રપંચ પાખંડનેજ વશ વર્તવાવાળા ઘણા ખરા ધનવાનો અને વિદ્વાનો વગેરે તેમને અને તેમના વિચારોને એકાએક સમજી માન આપે એમ તેમને પોતાની મુસાફરીના અનુભવ ઉપરથી લાગતું નહોતું.
તેમના વિચાર સ્વપ્નતુલ્ય નહોતા, પણ તે એક પ્રકારની જીવંત શક્તિરૂપે હતા. આખરે તે બોલી ઉઠ્યા: “હા, મારે હવે શું કરવું તે મેં ખોળી કહાડ્યું છે. મારે હવે પાશ્ચાત્ય પ્રદેશમાં જવું જોઈએ અને ત્યાં ભારતવર્ષના અને સમસ્ત જગતના કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. પાશ્ચાત્ય ભૂમિ ધનવાન, સત્તાવાન, કીર્તિવંત અને વ્યવહાર પરાયણ છતાં પણ પોતાના વિચાર સ્વાતંત્રયના બળે ઉચ્ચ સત્યોને અને માનવ યોગ્યતાને સમજી સ્વીકારનાર વ્યક્તિઓને ત્યાં ટોટો પડશે નહિ. આર્ય ધર્મનું સાચું રહસ્ય, ગૌરવ અને દીર્ઘદ્રષ્ટિ જ્યારે પાશ્ચાત્ય ભૂમિ સમજતી થશે ત્યારે જ તેનો દાખલો લઇને ભારતવાસીઓમાં ધાર્મિક જાગૃતિ થશે અને તેમાં સ્વમાન આવશે. સરસ્વતી અને લક્ષ્મી દેવીના અનેક આશિર્વાદયુક્ત પાશ્ચાત્ય ભૂમિમાં જઈને હિંદના ગરિબોની સ્થિતિ સુધારવાના માર્ગો અને સાધનો શોધીશ અને હિંદુ તત્ત્વજ્ઞાનની મહત્તા પાશ્ચાત્ય પ્રજાને સમજાવીશ. આ પ્રમાણે સ્વામીજીએ પશ્ચિમમાં જવાનો નિશ્ચય કર્યો.
આગળ ઉપર એક વખત પોતાના એક પાશ્ચાત્ય શિષ્યની આગળ વાત કરતે કરતે સ્વામીજી બોલ્યા હતા કે, “આખા ભારતવર્ષનું હું નાનું સ્વરૂપ છું.” તેમનું હૃદય જાણનારને એ શબ્દો નવાઈ જેવા લાગશે નહિ.